Home Blog Page 111

IPS અજય પાલ શર્મા જો સિંઘમ છે તો હું પુષ્પા છું: TMC ઉમેદવાર જહાંગીર ખાન

કોલકાતાઃ  પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાની ચૂંટણી પહેલાં સતત ધમકીઓનો સિલસિલો શરૂ થયો છે. એક તરફ મમતા બેનર્જીના ભત્રીજા અને ડાયમંડ હાર્બરથી લોકસભા સાંસદ અભિષેક બેનર્જીએ કહ્યું છે કે ચોથી મે પછી જોઈશું કે દિલ્હીમાંથી કોણ બચાવવા આવે છે. તો બીજી તરફ તેમના નજીકના મનાતા અને ફાલ્ટાથી TMC ઉમેદવાર જહાંગીર ખાને ઉત્તર પ્રદેશના પોલીસ અધિકારી અને સેન્ટ્રલ ઓબ્ઝર્વર અજય પાલ શર્માને ખુલ્લી ધમકી આપી છે. જહાંગીર ખાને કહ્યું કે રમત તમે શરૂ કરી છે, પૂરી અમે કરીશું. એટલું જ નહીં, તેણે CRPFને હવામાં ઉડાવી દઈશું એવું પણ કહી દીધું છે.

જહાંગીર ખાને શું કહ્યું?

ઉત્તર પ્રદેશના પોલીસ અધિકારી અને સેન્ટ્રલ ઓબ્ઝર્વર અજય પાલ શર્મા પર તીખો હુમલો કરતાં TMC ઉમેદવાર જહાંગીર ખાને કહ્યું હતું કે આ રમતની શરૂઆત તેમણે કરી છે, પરંતુ અંત અમે કરીશું. પિક્ચર હજુ બાકી છે મારા દોસ્ત. જો તમે વિચારો છો કે થોડા CRPF જવાનો સાથે તમે બચી જશો તો તમે ખોટા છો. અહીં લોકો જ અસલી તાકાત છે. જો લોકો સાથે ચાલી પડે તો CRPFને હટાવી દેશે. તેણે આગળ કહ્યું હતું કે જો અહીંના લોકો પગપાળા નીકળે તો CRPFના જવાનો હવામાં ઊડી જશે. તેણે કહ્યું હતું કે તેને ખબર છે કેવી રીતે કસોટી કરવી અને ‘પુષ્પા’ સ્ટાઇલમાં તેણે કહ્યું હતું કે TMCવાળાઓએ ઝૂકવું શીખ્યું નથી.

ફાલ્ટાથી TMC ઉમેદવાર જહાંગીર ખાને આરોપ લગાવ્યો કે પોલીસે TMC કાર્યકરોને ધમકાવ્યા છે. મહિલા મતદાતાઓને પણ ધમકી આપવામાં આવી છે. જહાંગીરે કહ્યું હતું કે IPS અજય પાલે એન્કાઉન્ટરની ધમકી આપી છે. તેણે કહ્યું હતું કે ભાજપ IPS અજય પાલના કહેવા પર ધમકી આપી રહ્યો છે. બંગાળના લોકો ભાજપને જવાબ આપશે. બંગાળમાં લોકો આવી ધમકીઓથી ડરવાના નથી.

 ધમકીબાજો સામે કાર્યવાહી શરૂ

બીજી તરફ, બંગાળમાં ધમકી આપનારાઓ સામે કાર્યવાહી પણ શરૂ થઈ ગઈ છે. ચૂંટણી ઓબ્ઝર્વર અજય પાલ શર્માના નેતૃત્વમાં ફાલ્ટા વિધાનસભા વિસ્તારમાં સઘન તલાશી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. મતદાતાઓને ધમકાવનાર લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે.

ઉના નગરપાલિકામાં ભાજપના ઉમેદવાર રાજલ બારોટનો ભવ્ય વિજય

ગીર સોમનાથ જિલ્લાની ઉના નગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં આજે એક અત્યંત લોકપ્રિય નામ ઝળક્યું છે. લોકગાયિકા રાજલ બારોટે રાજકારણના મેદાનમાં ધમાકેદાર એન્ટ્રી કરતા વોર્ડ નંબર 7 માંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ભવ્ય વિજય મેળવ્યો છે. રાજલ બારોટે 2313 મતોની જંગી સરસાઈ સાથે વિરોધી ઉમેદવારોને પરાજય આપીને કેસરીયો લહેરાવ્યો છે. લોકસંગીતના સુરોથી લાખો ગુજરાતીઓના દિલ જીતનાર રાજલ બારોટ હવે જનસેવાના માર્ગે પોતાની નવી સફર શરૂ કરવા જઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે રાજલ બારોટ ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયક સ્વર્ગસ્થ મણિરાજ બારોટના પુત્રી છે. પિતાના વારસાને સંગીત ક્ષેત્રે આગળ વધાર્યા બાદ તેમણે હવે જાહેર જીવનમાં ઝંપલાવ્યું છે. ઉનાની જનતાએ તેમના પર અતૂટ વિશ્વાસ મૂક્યો છે, જે આ આંકડાઓ પરથી સ્પષ્ટ જણાય છે. વર્ષ 2006 થી સંગીત ક્ષેત્રે કાર્યરત રાજલ બારોટના ‘મોગલ મા’ અને ‘દશા મા’ જેવા અનેક ભક્તિ ગીતો ઘર-ઘરમાં જાણીતા છે. હવે તેઓ સંગીતના મંચ પરથી ઉતરીને નગરપાલિકાના સદસ્ય તરીકે લોકપ્રશ્નોના ઉકેલ માટે કાર્યરત થશે.

ચૂંટણી પરિણામો બાદ ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજલ બારોટની જીતને સાંસ્કૃતિક અને રાજકીય સમન્વય તરીકે જોવામાં આવી રહી છે. તેમણે પોતાની જીત બાદ મતદારોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જે રીતે લોકોએ તેમના સંગીતને પ્રેમ આપ્યો છે, તેવી જ રીતે તેઓ પોતાની રાજકીય જવાબદારી પણ પૂરી નિષ્ઠાથી નિભાવશે. ઉનામાં ભાજપના ક્લીન સ્વીપમાં રાજલ બારોટ જેવો સેલિબ્રિટી ચહેરો હોવો એ પક્ષ માટે મોટી ઉપલબ્ધિ માનવામાં આવે છે.

કાળઝાળ ગરમીમાં જીતેલા ઉમેદવારોએ જીતનો જશન મનાવ્યો

અમદાવાદ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામ આવવાની શરૂઆત થઇ ગઇ છે. મોટાભાગની બેઠકોની પેનલો પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છેકેટલીક જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ મહાનગર પાલિકાની બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો છે. જ્યારે આમ આદમી પાર્ટીનું અસ્તિત્વ જ રહ્યું નથી એવી સ્થિતિ ઉભી થઇ છે.અમદાવાદના પશ્વિમના વિસ્તારો ગોતા, ઘાટલોડિયા, નારણપુરા, પાલડી, થલતેજ, બોડકદેવ, સૈજપુર બોઘા, અસારવા, શાહીબાગ, સરદારનગર, નવરંગપુરા સહિત અનેક વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીની પેનલોની જીત થઇ છે.બાપુનગરમાં કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો છે. જ્યારે દરિયાપુર, ખાડીયા, બહેરામપુરા જેવા મધ્ય ઝોન પૂર્વના વિસ્તારોમાં કોંગ્રેસની પેનલોની જીત થઇ છે.શહેરના એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજ તેમજ ગુજરાત કોલેજ પાસે ચૂંટણી બાદ મત ગણતરીના કેન્દ્રો હતા. આમ તો મતદાન કેન્દ્રો પર ઉમેદવારોના સમર્થકોના ધાડે ધાડા ઉતરી પડતા હતા.
પરંતુ આ ચૂંટણીમાં મતદારોમાં અને મતદાનમાં ભારે નિરસતા જોવા મળી હતી. કેટલાક ઉમેદવારોના સમર્થકોની મતગણતરી કેન્દ્રો પર  એકદમ પાંખી હાજરી હતી.અમદાવાદના મતગણતરી કેન્દ્રો બહાર અસહ્ય ગરમી નિરસતાના કારણે સમર્થકોની હાજરી એકદમ નહીંવત જોવા મળી હતી. જીતેલા  ઉમેદવારો અને એની આસપાસ અમુક જ લોકો જોવા મળ્યા હતા.પાંખી હાજરી વચ્ચે  જીતેલા કેટલાક ઉમેદવારો કાર્યકર્તાના હાર પહેરી  ગુલાલ ઉડાડી ખુલ્લી જીપો, ડી.જે સાથે જીત પછી રેલી સાથે પોતાના વિસ્તાર તરફ રવાના થયા.
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)

Nutshell in 99

રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબાની કારમી હાર

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં આ વખતે સૌની નજર વોર્ડ નંબર 2 પર ટકેલી હતી, જ્યાં પારિવારિક સંબંધો અને રાજકીય વિચારધારા વચ્ચેનો જંગ જોવા મળ્યો હતો. ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા, જેઓ કોંગ્રેસના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા હતા, તેમને હારનો સામનો કરવો પડ્યો છે. આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવીને કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડ્યું છે. નયનાબાની હાર સાથે જ રાજકોટમાં જાડેજા પરિવારના નણંદ-ભાભી વચ્ચે ચાલી રહેલા હાઈ-વોલ્ટેજ રાજકીય ડ્રામાનો પણ અંત આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા ભાજપના જામનગર ઉત્તરના ધારાસભ્ય અને મંત્રી છે. ચૂંટણી પ્રચાર દરમિયાન નણંદ અને ભાભી વચ્ચે શબ્દયુદ્ધ પણ જોવા મળ્યું હતું, જેના કારણે પરિવારના સંબંધોમાં ખટાશ આવી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. રીવાબાએ ચૂંટણી પહેલા ભલે નયનાબાને વ્યક્તિગત રીતે શુભેચ્છાઓ પાઠવી હતી, પરંતુ તેમણે મક્કમપણે દાવો કર્યો હતો કે વોર્ડ નંબર 2 માં ભાજપના કાર્યકર્તાઓની મહેનત રંગ લાવશે અને જીત તો ભાજપની જ થશે. રીવાબાની આ ભવિષ્યવાણી સાચી પડી છે અને મતદારોએ ભાજપના પક્ષમાં મતદાન કર્યું છે.

રાજકીય પંડિતો આ હારને કોંગ્રેસ માટે મોટો ઝટકો માની રહ્યા છે, કારણ કે નયનાબા એક જાણીતો ચહેરો હતા. જોકે, ભાજપની લહેરમાં તેમની લોકપ્રિયતા કારગત નીવડી નહીં. આ પરિણામો બાદ રાજકોટના રાજકારણમાં ફરી એકવાર સાબિત થયું છે કે મતદારો વ્યક્તિગત સંબંધો કરતા પક્ષની વિચારધારા અને વિકાસને વધુ મહત્વ આપે છે. બીજી તરફ, નણંદ-ભાભી વચ્ચેની આ રાજકીય લડાઈએ સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચા જગાવી હતી, જેનો હવે મંગળવારે સત્તાવાર રીતે ફેંસલો આવી ગયો છે.

80 હિપ્પોને મૃત્યુથી બચાવવા અનંત અંબાણીની કોલંબિયાને અપીલ

જામનગર: કોલંબિયાની મેગડાલેના નદીના પટમાં રહેતા 80 હિપ્પોપોટેમસને મારવાનો આદેશ આપવામાં આવ્યો છે. વિશ્વના સૌથી મોટા વન્યજીવ બચાવ, સંભાળ અને સંરક્ષણ કેન્દ્રોમાં સ્થાન ધરાવતા વનતારાના સ્થાપક અનંત મુકેશ અંબાણીએ કોલંબિયા સરકારને વિનંતી કરી છે કે તેઓ આ નિર્ણય પર પુનઃવિચાર કરે અને માનવીય વિકલ્પ અપનાવે. સુરક્ષિત અને વૈજ્ઞાનિક પદ્ધતિથી સ્થળાંતર થકી આ 80 પ્રાણીઓને વનતારા કાયમી આવાસ પૂરો પાડશે.

કોલંબિયાના એન્વાયર્મેન્ટ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ મિનિસ્ટર ઇરેન વેલેઝ ટોરેસને સંબોધેલા એક પત્રમાં આ અપીલ કરવામાં આવી છે. આ પગલું પ્રાણી કલ્યાણ અને સંરક્ષણ પ્રત્યે અનંત અંબાણીની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે, જેના માટે તેઓ ‘ગ્લોબલ હ્યુમેન એવોર્ડ’ મેળવનારા સૌથી નાની વયના અને પ્રથમ એશિયન બન્યા છે.

અનંત મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, “આ 80 હિપ્પોએ જાતે જન્મસ્થળ પસંદ નથી કર્યું, એટલું જ નહીં અત્યારે જે પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે તે તેમણે ઊભી કરી નથી. તેઓ જીવંત અને સંવેદનશીલ પ્રાણીઓ છે અને જો આપણી પાસે સુરક્ષિત અને માનવીય ઉકેલ થકી તેમને બચાવવાની ક્ષમતા હોય તો પ્રયાસ કરવાની આપણી જવાબદારી છે.”

વનતારાએ કોલંબિયાના સત્તાવાળાઓ સમક્ષ એક સર્વસમાવેશી પ્રસ્તાવ રજૂ કર્યો છે જેમાં વેટરનરી લીડરશિપ, પ્રાણીઓને પકડવા અને પરિવહન કરવાની નિપુણતા, બાયો-સિક્યોરિટી પ્રોટોકોલ્સ અને હિપ્પોના વર્તમાન વાતાવરણ જેવું જ કુદરતી આવાસ ગુજરાતમાં પૂરું પાડવાની તૈયારી સામેલ છે. આ સાથે જ તમામ 80 હિપ્પોની આજીવન સંભાળ લેવાની ખાતરી પણ આપવામાં આવી છે.

અનંત અંબાણીએ વધુમાં ઉમેર્યું હતું કે, “કરુણા અને જાહેર સુરક્ષા એ પરસ્પર વિરોધી બળો નથી. ઘનિષ્ઠ વિજ્ઞાન અને સંભાળપૂર્વકના આયોજન સાથે નદી કિનારે રહેતા સમુદાયોનું રક્ષણ કરવું, ઇકોસિસ્ટમને જાળવવી અને પ્રાણીઓનો જીવ બચાવવો શક્ય છે. વનતારા પાસે આ પ્રયાસને સહયોગ આપવા માટે જરૂરી નિપુણતા, માળખાગત સુવિધા અને સંકલ્પ છે, જે સંપૂર્ણપણે કોલંબિયાની શરતોને આધીન રહેશે.”વનતારાએ ઔપચારિક રીતે વિનંતી કરી છે કે જ્યાં સુધી આ વૈકલ્પિક દરખાસ્તનું યોગ્ય મૂલ્યાંકન ન થાય ત્યાં સુધી આ પ્રાણીઓને મારી નાખવાના નિર્ણયને મોકૂફ રાખવામાં આવે. વનતારાએ વિગતવાર વૈજ્ઞાનિક, કાર્યાન્વિત અને કલ્યાણકારી દરખાસ્ત રજૂ કરવા માટે કોલંબિયાના સત્તાવાળાઓ સાથે સીધી રીતે જોડાવા માટે પોતાની તૈયારીની પુષ્ટિ કરી છે.

સુભાષ ઘાઈ દિલીપ કુમારને કારણે ‘સૌદાગર’ રદ કરવાના હતા, શા માટે?

દિલીપ કુમાર તેમના સમયના એક મહાન અભિનેતા હતા; કોઈ પણ દિગ્દર્શકે ક્યારેય તેમની સામે કોઈ ફરિયાદ કરી ન હતી. પરંતુ એક વાર, દિગ્દર્શક સુભાષ ઘાઈ દિલીપ કુમારને કારણે તેમની ફિલ્મ ‘સૌદાગર’ રદ કરવા જઈ રહ્યા હતા, પણ શા માટે? એ વાત ખરેખર જાણવા જેવી છે.

દિલીપ કુમારને આજે પણ ફિલ્મ ‘સૌદાગર’ માં તેમના અભિનય માટે યાદ કરવામાં આવે છે. જોકે, જ્યારે શૂટિંગ શરૂ થયું ને ત્રણ દિવસ સુધી તેઓ સેટ પર પહોંચ્યા નહીં. આનાથી હતાશ થઈને દિગ્દર્શક સુભાષ ઘાઈ તેમની ફિલ્મ “સૌદાગર” બંધ કરવાની અણી પર હતા. પ્રખ્યાત પટકથા લેખક કમલેશ પાંડેએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં આ વાર્તા શેર કરી હતી.

દિલીપ કુમારે ખરાબ તબિયતનું બહાનું કાઢ્યું. પટકથા લેખક કમલેશ પાંડેએ તાજેતરમાં રવિયા શારદા શોમાં ખુલાસો કર્યો હતો કે ફિલ્મ “સૌદાગર” નું શૂટિંગ મનાલીમાં શરૂ થયું હતું, પરંતુ દિલીપ કુમાર ત્રણ દિવસ સુધી સેટ પર હાજર નહોતા રહ્યા. આ ઘટનાને યાદ કરતાં કમલેશ પાંડે કહ્યું કે, “આખા યુનિટે ત્રણ દિવસ રાહ જોઈ, પણ દિલીપ કુમાર હાજર રહ્યા નહીં. પહેલા દિવસે તેમણે કહ્યું કે તેમની તબિયત સારી નથી. બીજા દિવસે તેમણે કહ્યું કે સાયરા બાનુની તબિયત સારી નથી.”

આ રીતે દિલીપ કુમાર શૂટિંગ માટે પહોંચ્યા

કમલેશ પાંડે આગળ કહે છે, ત્રીજા દિવસ સુધીમાં, દિલીપ કુમારની ગેરહાજરી સ્પષ્ટપણે પ્રોડક્શન પર અસર કરી રહી હતી. સુભાષ ઘાઈ ચિંતિત થઈ ગયા. તેમણે તેમના ભાઈ અશોક ઘાઈને ફોન કરીને કહ્યું, ‘શૂટિંગ રદ થયું છે. અમે મુંબઈ પાછા જઈ રહ્યા છીએ. બધાની ટિકિટ બુક કરાવો. ‘સૌદાગર’ બનશે નહીં.’ પછી મેં દરમિયાનગીરી કરી અને દિલીપ કુમાર સાથે વાત કરવાનું નક્કી કર્યું. દિલીપ કુમારે મને કહ્યું કે તેમણે ‘દેવદાસ’, ‘સગીના’ અને ‘સંઘર્ષ’ જેવી ફિલ્મોમાં દારૂડિયા પાત્રો ભજવ્યા છે, પરંતુ તે યુવાન હતો. પરંતુ ‘સૌદાગર’માં આવું પાત્ર ભજવવું અશક્ય હતું. તેમણે કોઈક રીતે તેમને ભૂમિકા સ્વીકારવા માટે સમજાવ્યા. બાદમાં, તેમણે મને કહ્યું કે જો તે ઓવરઓક્ટિંગ કરવા લાગે તો તરત જ તેમને ધ્યાન દોરવામાં આવે.

જ્યારે 100 રૂપિયાનો દાવ લગાવવામાં આવ્યો હતો

પટકથા લેખક કમલેશ પાંડેએ ઉમેર્યુ કે, મેં દિલીપ સાહેબ સાથે શરત લગાવી હતી કે જો લોકો કોઈ ચોક્કસ દ્રશ્ય પછી તાળીઓ નહીં પાડે, તો હું તેમને 100 રૂપિયા આપીશ. જો લોકો તાળીઓ પાડશે, તો તેઓ મને 100 રૂપિયા આપશે. જુઓ, મને ક્યારેય 100 રૂપિયા મળ્યા નથી.” એ નોંધવું યોગ્ય છે કે “સૌદાગર” દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય હતી.

RSSનાં 100 વર્ષ પર આયોજિત ‘યુવા કુંભ’નો જામિયા મિલિયામાં વિરોધ

 નવી દિલ્હીઃ જામિયા મિલિયા ઇસ્લામિયા કેમ્પસમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે કથિત રીતે જોડાયેલા એક કાર્યક્રમ દરમિયાન ડાબેરી વિદ્યાર્થી સંગઠનો સાથે જોડાયેલા વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ ઘટના બાદ દિલ્હી પોલીસે યુનિવર્સિટી કેમ્પસમાં પોલીસ બંદોબસ્ત તહેનાત કર્યો છે. ડાબેરી વિદ્યાર્થી સંગઠનો SFI અને AISAએ યુનિવર્સિટીમાં RSS સાથે જોડાયેલા કાર્યક્રમ યોજવાના નિર્ણયની ટીકા કરી હતી. પ્રદર્શનકારી વિદ્યાર્થીઓએ કાર્યક્રમ રદ કરવાની માગ કરી છે. કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠન NSUIએ પણ વિરોધ પ્રદર્શનને સમર્થન આપ્યું છે.

એન્જિનિયરિંગ વિભાગમાં યોજાઈ રહ્યો હતો કાર્યક્રમ

RSSની 100મી વર્ષગાંઠ નિમિત્તે ‘યુવા કુંભ’ અંતર્ગત આ કાર્યક્રમ યુનિવર્સિટીના એન્જિનિયરિંગ વિભાગમાં યોજાઈ રહ્યો હતો. જોકે યુનિવર્સિટી પ્રશાસને હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર પ્રતિસાદ આપ્યો નથી. SFIએ આ કાર્યક્રમને મંજૂરી આપવાનું ઉશ્કેરણીજનક ગણાવ્યું અને અલ્પસંખ્યક વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. વિદ્યાર્થી સંગઠને તરત જ કાર્યક્રમની મંજૂરી રદ કરવાની માગ પણ કરી હતી.

RSS કાર્યક્રમ સામે પ્રદર્શન

SFI જામિયાએ X પર અનેક પોસ્ટ કરી. એક પોસ્ટમાં લખ્યું હતું કે SFI જામિયા અન્ય વિદ્યાર્થી સંગઠનો સાથે મળીને હાલ RSSના ‘યુવા કુંભ’ કાર્યક્રમ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. આ કાર્યક્રમ RSSની શતાબ્દી નિમિત્તે FET ઓડિટોરિયમમાં યોજાવાનો હતો. આ વિરોધને કારણે કાર્યક્રમ હજુ સુધી શરૂ થઈ શક્યો નથી.

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેસરીયો લહેરાયો

ગુજરાતમાં આજે 28 એપ્રિલ, 2026ના રોજ જાહેર થયેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોએ રાજ્યના રાજકીય ઇતિહાસમાં એક નવું પ્રકરણ ઉમેર્યું છે. 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની મતગણતરીના અંતે ભાજપે ચારેકોર ભવ્ય વિજય મેળવ્યો છે. ચૂંટણી પંચના લેટેસ્ટ આંકડા મુજબ, ભાજપે શહેરી વિસ્તારોથી લઈને ગ્રામ્ય સ્તર સુધી વિરોધ પક્ષોનો સફાયો કરી દીધો છે. ગીરસોમનાથની ઉના પાલિકા જેવી જગ્યાએ તમામ 36 બેઠકો જીતીને ભાજપે વિપક્ષનું નામોનિશાન મિટાવી દીધું છે, જ્યારે ગોધરામાં પ્રથમવાર ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે સત્તા મેળવી છે.

નગરપાલિકાઓની સ્થિતિ પર નજર કરીએ તો 84 પાલિકાઓમાં ભાજપે 1676 બેઠકો સાથે જંગી બહુમતી મેળવી છે, જ્યારે કોંગ્રેસ માત્ર 367 બેઠકો પર સીમિત રહી ગઈ છે. જિલ્લા પંચાયતોમાં પણ ભાજપે 701 બેઠકો પર જીત મેળવી કોંગ્રેસને માત્ર 103 બેઠકો પર રોકી દીધી છે. સૌથી વધુ રસાકસી તાલુકા પંચાયતોમાં જોવા મળી હતી, જ્યાં ભાજપે 2943 બેઠકો કબજે કરી છે, જ્યારે કોંગ્રેસ 769 બેઠકો મેળવવામાં સફળ રહી છે. જોકે, આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) એ પણ આદિવાસી અને સૌરાષ્ટ્રના કેટલાક પંથકોમાં ધમાકેદાર પ્રદર્શન કરી છોટાઉદેપુર અને વિસાવદરમાં સત્તા હાંસલ કરી છે.

પરિણામોમાં કેટલાક ચોંકાવનારા ઉલટફેર પણ જોવા મળ્યા છે. આણંદના બોરસદમાં કેબિનેટ મંત્રી રમણ સોલંકીના ગઢમાં ભાજપ બહુમતી મેળવવામાં નિષ્ફળ રહ્યો છે, જ્યાં અપક્ષોએ 18 બેઠકો જીતીને સત્તાનું સુકાન પોતાના હાથમાં રાખ્યું છે. બીજી તરફ, બહુચરાજીમાં ભાજપ જીત્યું હોવા છતાં અનામત બેઠકના ઉમેદવારના અભાવે કોંગ્રેસના પ્રમુખ બનશે તેવી વિચિત્ર સ્થિતિ સર્જાઈ છે. જૂનાગઢ, દાંતા અને સોનગઢ જેવી તાલુકા પંચાયતોમાં ટાઈ પડતા હવે સત્તા માટે ખેંચતાણ જોવા મળી શકે છે. એકંદરે, આ પરિણામોએ સાબિત કર્યું છે કે ગુજરાતમાં ભાજપનો દબદબો યથાવત છે અને કોંગ્રેસ માટે આ અસ્તિત્વની લડાઈ બની ગઈ છે.

EDએ અનિલ અંબાણી ગ્રુપની રૂ. 3034 કરોડની સંપત્તિ જપ્ત કરી

નવી દિલ્હીઃ અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપ વિરુદ્ધ તપાસ વધુ તેજ બની છે. EDએ રિલાયન્સ અનિલ અંબાણી ગ્રુપ (RAAG)ની કંપનીઓ સામે ચાલી રહેલી મની લોન્ડરિંગ તપાસ હેઠળ રૂ. 3034 કરોડની નવી સંપત્તિઓ જપ્ત કરી છે. એમ સૂત્રોએ આ માહિતી આપી હતી. જપ્ત કરાયેલી સંપત્તિઓમાં રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (RCom) અને રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (R-Infra)ની મિલકતોનો સમાવેશ થાય છે, તેમાં મુંબઈમાં એક ફ્લેટ, ખંડાલા (મહારાષ્ટ્રનું હિલ સ્ટેશન)માં એક ફાર્મહાઉસ, સાણંદ (અમદાવાદ)માં કેટલીક જમીનો અને R-Infraના 7.71 કરોડ રૂપિયાના શેરનો સમાવેશ થાય છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. કેન્દ્રીય એજન્સીએ આ સંપત્તિઓ જપ્ત કરવા માટે મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ (PMLA) હેઠળ અસ્થાયી જપ્તી આદેશ જાહેર કર્યો છે.

રિલાયન્સ અનિલ અંબાણી ગ્રુપ સામેના કેસોમાં અત્યાર સુધી જપ્ત કરાયેલી સંપત્તિઓની કુલ કિંમત હવે રૂ. 19,344 કરોડ સુધી પહોંચી ગઈ છે. ગ્રુપ સામે બેંક છેતરપિંડી અને નાણાંનો નિર્ધારિત હેતુ સિવાય ઉપયોગ કરવાના આરોપોની ED દ્વારા તપાસ ચાલી રહી છે.

બેંક ફ્રોડ કેસમાં અરજી ફગાવાઈ

આ પહેલાં 16 એપ્રિલે ઉદ્યોગપતિ અનિલ અંબાણીને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી નહોતી. કોર્ટે બોમ્બે હાઈકોર્ટના આદેશને પડકારતી તેમની અરજીઓ ફગાવી દીધી હતી. બોમ્બે હાઈકોર્ટે ત્રણ બેંકો દ્વારા તેમના અને રિલાયન્સ કોમ્યુનિકેશન્સ લિમિટેડના ખાતાઓને “ફ્રોડ” જાહેર કરવા શરૂ કરાયેલી કાર્યવાહી ચાલુ રાખવાની મંજૂરી આપી હતી.

મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વિપુલ એમ. પંચોલીની પીઠે એ સાથે જ અંબાણીને બેંકોના કારણ બતાવો નોટિસ વિરુદ્ધ હાઈકોર્ટની સિંગલ બેન્ચ સમક્ષ પોતાની અરજી ચાલુ રાખવાની મંજૂરી આપી હતી.