Home Blog Page 1126

અયોધ્યાથી પરત આવતા સુરતના યાત્રાળુઓને અકસ્માત: ત્રણના મોત

ઉત્તર પ્રદેશ: ઝાંસીમાં શુક્રવારની સવારે વહેલી સવારે થયેલા માર્ગ અકસ્માતમાં સુરતના વતની ત્રણ યાત્રાળુના મોત નિપજ્યાં હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે ઝાંસી જિલ્લાના ચીરગાંવ નજીક અકસ્માત થયો હતો. જેમાં એક મહિલા સહિત ત્રણના મોત થયા હતા.સ્થાનિક પોલીસ સુપ્રિટેન્ડન્ટ ગોપીનાથ સોનીએ જણાવ્યું ગતું કે સવારે 5 વાગ્યા યાત્રાળુઓની કાર ટ્રક સાથે ટકરાઈ હતી. કાર ઓવરટેક કરવા જઈ રહી હતી ત્યારે ટ્રક સાથે ટકરાઈ હતી.મૂળ સુરતના વતની મૃતકોની ઓળખ જગદીશભાઈ, વિપિનભાઈ અને કૈલાશબેન તરીકે થઈ છે. તમામની વય 45થી 50 વર્ષ વચ્ચેની છે. અન્ય ઈજાગ્રસ્ત યાત્રાળુ ભાવનાબેન અને મિનિ નામની છોકરીને નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે મૃતદેહો પોસ્ટ મોર્ટમ માટે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ચીન પોતાના સ્પેસ સ્ટેશનમાં પાકિસ્તાની અવકાશયાત્રી મોકલશે

ચીન: પાકિસ્તાનને રાજકીય ઉપરાંત સંરક્ષણ સહિતના વિવિધ ક્ષેત્રે મદદ ચીન પહોંચાડી રહ્યું છે. હવે અવકાશ વિજ્ઞાનમાં પણ ચીને પાકિસ્તાન સામે મદદનો હાથ લંબાવ્યો છે. ચીન પહેલીવાર પોતાના સ્પેસ સ્ટેશનમાં પાકિસ્તાનના અવકાશયાત્રીને લઈ જશે.

ચીનના સ્પેસ સ્ટેશનનું નામ તિયાંગોંગ છે. પહેલીવાર આ સ્પેસ સ્ટેશનમાં ચીન કોઈ વિદેશીને લઈ જશે. આ માટે ઈસ્લામાબાદ ખાતે ચીનની સ્પેસ એજન્સી સી.એમ.એસ.એ. અને પાકિસ્તાનની સુપાર્કો વચ્ચે સમજૂતીના કરાર થયા હતા. આ પ્રસંગે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ હાજર હતા.CMSAના એક નિવેદન અનુસાર, બંને રાષ્ટ્રો પાકિસ્તાની અવકાશયાત્રીઓની પસંદગી અને તાલીમ માટે સહયોગ કરશે અને પસંદ કરાયેલ ઉમેદવાર આગામી વર્ષોમાં ટૂંકા ગાળાના મિશન માટે ચીની તાઈકોનોટ્સમાં જોડાશે તેવી અપેક્ષા છે. ચીને અગાઉ પણ પાકિસ્તાન માટે ઉપગ્રહ લૉન્ચ કર્યા હતા. તિયાંગોંગ અને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન એકમેકના હરીફ તરીકે જોવામાં આવે છે. ચીન 2030 સુધીમાં ચંદ્ર પર માનવ મિશન મોકલવાની તૈયારી કરી રહ્યું છે. જ્યારે અમેરિકા આ વર્ષે જ ચંદ્ર પર ઉતરવાની યોજના ધરાવે છે.

બેંગકોકમાં અરુણા ઈરાની સાથે અક્સ્માત, વ્હિલચેર પર જોવા મળ્યા અભિનેત્રી

પીઢ અભિનેત્રી અરુણા ઈરાની તેમના અભિનય માટે જાણીતી છે. તેણીએ ફિલ્મોમાં વેમ્પ બનીને લોકોના દિલ જીતી લીધા. નકારાત્મક ભૂમિકાઓમાં જોવા મળતા અરુણા ઈરાની હવે ભલે ફિલ્મોથી દૂર હોય, પરંતુ તેમને કોઈ ભૂલી શક્યું નથી. તાજેતરમાં અરુણા ઈરાની અકસ્માતનો ભોગ બન્યા હતા. અભિનેત્રીનો બેંગકોકમાં અકસ્માત થયો છે. હાલમાં, તે ભારત પરત ફર્યા છે. મુંબઈ પરત ફર્યા બાદ તે સંપૂર્ણ આરામ કરી રહ્યા છે. અભિનેત્રીએ પોતે જણાવ્યું છે કે તે કેવી રીતે અકસ્માતનો ભોગ બન્યા અને તે બેંગકોકમાં શું કરી રહ્યા હતા.


80 વર્ષીય અભિનેત્રી અરુણા ઈરાનીએ જણાવ્યું કે તે ખરીદી માટે બેંગકોક ગયા હતા અને ત્યાં પહોંચ્યાના બે દિવસ પછી જ અકસ્માતનો ભોગ બન્યા. ETimes સાથેના તાજેતરના ઇન્ટરવ્યુમાં અરુણાએ ખુલાસો કર્યો કે રસ્તા પર ચાલતી વખતે તે લપસી ગયા હતા, પરંતુ સદનસીબે તેને તાત્કાલિક તબીબી સહાય મળી ગઈ. તેણીએ કહ્યું કે જ્યારે અકસ્માત થયો ત્યારે તે ફક્ત મજા કરી રહ્યા હતા. લપસી પડ્યા પછી તેણીને તબીબી સહાય મળી અને બે અઠવાડિયા સુધી બેંગકોકમાં સારવાર આપવામાં આવી, પરંતુ હવે તે મુંબઈ પાછા આવી ગયા છે. આ અભિનેત્રી ભારત પરત ફરતાની સાથે જ વાયરલ થઈ ગઈ. હવે તે પણ આમાંથી સ્વસ્થ થઈ રહ્યા છે.

તે છેલ્લે આ ફિલ્મમાં જોવા મળ્યા હતા
અરુણાએ કહ્યું કે તે કામ સંબંધિત સફર નહોતી અને તે ત્યાં ફક્ત ખરીદી કરવા ગયા હતા. તેણે મજાકમાં કહ્યું કે તે તેના માટે મોંઘી સફર સાબિત થઈ. તેણીએ કહ્યું, “જો મને આટલી બધી મજા આવે છે, તો આ તો થશે જ.” અરુણાએ 1960ના દાયકામાં ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું અને 1990ના દાયકા સુધી સહાયક ભૂમિકાઓમાં કામ કરતા રહ્યા. તેમની કેટલીક શ્રેષ્ઠ ફિલ્મોમાં ‘બોબી’, ‘બોમ્બે ટુ ગોવા’, ‘કારવાં’, ‘રાજા બાબુ’, ‘બેટા’નો સમાવેશ થાય છે. તે છેલ્લે 2024 માં આવેલી ફિલ્મ ‘ઘુડાચઢી’ માં જોવા મળ્યા હતા, જેમાં રવિના ટંડન અને સંજય દત્ત પણ હતા.

મહાકુંભમાં આવી નહીં શકેલા લોકોને યુપી સરકાર ઘરે ગંગાજળ પહોંચાડશે

ઉત્તર પ્રદેશ: પ્રયાગરાજમાં મહાકુંભ મેળામાં નહીં આવી શકેલા લોકોએ વસવસો કરવાની જરૂર નથી. યુપી સરકારે કુંભ મેળામાં નહીં આવી શકેલા લોકોને ઘરે ગંગાજળ પહોંચાડવાની વ્યવસ્થા કરી છે. આ પહેલની જવાબદારી યુપી પોલીસના ફાયર અને ઇમરજન્સી સર્વિસીસ વિભાગને સોંપવામાં આવી છે, જે ફાયર ટેન્ડરનો ઉપયોગ કરીને પાણીનું પરિવહન કરશે. આ માટે ફાયર બ્રિગેડની 300થી વધુ ગાડીઓમાં ગંગાજળ રવાના કરવામાં આવ્યું છે. હાલની સ્થિતિ મુજબ 75 જિલ્લામાં 5 લાખ લીટરથી વધુ ગંગાજળ મોકલવામાં આવી રહ્યું છે. પ્રયાગરાજ સંગમ તટનું ગંગાજળ લોકો સુધી પહોંચાડવા માટે જે-તે જિલ્લાના તંત્ર સાથે સંકલન સાધવામાં આવ્યું છે. એટલું જ નહીં જેલમાં કેદ કેદીઓની ધાર્મિક ભાવનાઓને ધ્યાનમાં લેતા વિવિધ જેલમાં કેદ 90 હજારથી વધારે કેદીઓને સંગમનું જળ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે.ઉલ્લેખનીય છે કે મહાશિવરાત્રીના દિવસે મહાકુંભ મેળાનું સમાપન થયું હતું. જો કે મેળો સંપન્ન થયા બાદ પણ મોટી સંખ્યામાં લોકો સંગમતટે આવી રહ્યાં છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સ્થાનિક તંત્રની સાથે મળીને કુંભ વિસ્તારમાં સફાઈ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.

ખૈબર પખ્તુનખ્વામાં થયેલા મદરેસા વિસ્ફોટમાં JUI-S ચીફનું મોત

પાકિસ્તાન: ખૈબર પખ્તુનખ્વાના અકોરા ખટ્ટકમાં દારુલ ઉલૂમ હક્કાનીયા મદરેસામાં શુક્રવારની નમાજ દરમિયાન એક શક્તિશાળી આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ થયો હતો. જેમાં ઓછામાં ઓછા 6 લોકો માર્યા ગયા અને 20 અન્ય ઘાયલ થયા. આ વિસ્ફોટમાં જમિયત ઉલેમા-એ-ઇસ્લામ-સામી (JUI-S)ના વડા મૌલાના હમીદ-ઉલ-હક હક્કાનીનું મોત થયું હતું, જે સ્વર્ગસ્થ મૌલાના સમી-ઉલ-હકના પુત્ર હતો. મૌલાના સમી-ઉલ-હકને “તાલિબાનના પિતા” તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રાંતીય સરકારે એક સત્તાવાર નિવેદનમાં હુમલાની પુષ્ટિ કરી છે.

ઇસ્લામી નેતા પર લક્ષ્યાંકિત હુમલો

ઐતિહાસિક મદરેસાની અંદર થયેલા આત્મઘાતી હુમલામાં હામિદ-ઉલ-હકના પુત્રનો પણ જીવ ગયો. ખૈબર પખ્તુનખ્વાના મુખ્ય પ્રધાનના માહિતી સલાહકાર બેરિસ્ટર મોહમ્મદ અલી સૈફે એક નિવેદનમાં મૃત્યુની પુષ્ટિ કરી. પાકિસ્તાનના સ્થાનિક ન્યૂઝ સમાચારોના અહેવાલ મુજબ, ખૈબર પખ્તુનખ્વા આરોગ્ય વિભાગે પેશાવરની તમામ હોસ્પિટલોમાં કટોકટી જાહેર કરી છે.

મૌલાના હમીદ-ઉલ-હક હક્કાની કોણ હતા?

મૌલાના સમી-ઉલ-હકના મોટા પુત્ર હામિદ-ઉલ-હક એક રાજકારણી, ઇસ્લામિક વિદ્વાન અને 2002 થી 2007 સુધી રાષ્ટ્રીય સભાના ભૂતપૂર્વ સભ્ય હતા. પિતાની હત્યા પછી તેમણે જામિયા દારુલ ઉલૂમ હક્કાનીયાના વાઇસ ચાન્સેલર અને JUI-Sના પ્રમુખ તરીકે પણ સેવા આપી હતી. 2023માં, તેમણે ધાર્મિક રાજદ્વારીના ભાગ રૂપે પાકિસ્તાની ધાર્મિક વિદ્વાનોના એક પ્રતિનિધિમંડળનું નેતૃત્વ અફઘાનિસ્તાન કર્યું અને તાલિબાન નેતાઓ સાથે વાતચીત કરી. તેમણે અગાઉ દાવો કર્યો હતો કે તેમની મુલાકાતે ઇસ્લામાબાદ અને કાબુલ વચ્ચેના અવિશ્વાસને દૂર કરવામાં મદદ કરી છે.

હક્કાનીયા મદરેસા: એક કુખ્યાત વારસો

1947માં મૌલાના અબ્દુલ હક હક્કાની દ્વારા સ્થાપિત હક્કાનીયા મદરેસા લાંબા સમયથી જેહાદીઓ ઉત્પન્ન કરવા માટે કુખ્યાત છે. તેના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં અફઘાન તાલિબાનના વર્તમાન સેકન્ડ-ઇન-કમાન્ડ સિરાજુદ્દીન હક્કાની અને તાલિબાનના સ્થાપક નેતા મુલ્લા ઓમરનો સમાવેશ થાય છે. કટ્ટરપંથી ઇસ્લામિક જૂથો સાથેના ઐતિહાસિક સંબંધોને કારણે તેને જેહાદ યુનિવર્સિટી કહેવામાં આવે છે.

ભૂતકાળમાં મદરેસાએ વિવાદનો સામનો કરવો પડ્યો છે, તેના કેટલાક વિદ્યાર્થીઓ પર ભૂતપૂર્વ પાકિસ્તાની વડા પ્રધાન બેનઝીર ભુટ્ટોની હત્યામાં સંડોવણીનો આરોપ મૂકવામાં આવ્યો છે – મદરેસાએ આ આરોપોને સતત નકારી કાઢ્યા છે.

હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી

અત્યાર સુધી, કોઈપણ આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી. પાકિસ્તાન બેવડી બળવાખોરીનો સામનો કરી રહ્યું છે. એકનું નેતૃત્વ ઇસ્લામિક ઉગ્રવાદીઓ કરે છે અને બીજાનું નેતૃત્વ વંશીય અલગતાવાદીઓ કરે છે જેઓ સરકાર દ્વારા સંસાધનોની ફાળવણીમાં ભેદભાવનો દાવો કરે છે. અફઘાનિસ્તાનમાં તાલિબાન વિચારધારા અને આત્મઘાતી બોમ્બ વિસ્ફોટોના કટ્ટર સમર્થક, હામિદ-ઉલ-હક, આખરે એ જ ઉગ્રવાદનો ભોગ બન્યા જેને તેમણે ટેકો આપ્યો હતો.

તેમના પિતા મૌલાના સમી-ઉલ-હકનું પણ આ જ પરિણામ આવ્યું જ્યારે 2018 માં તેમના ઘરમાં ચાકુ મારીને હત્યા કરવામાં આવી. સુરક્ષા દળોએ વિસ્ફોટ સ્થળને ઘેરી લીધું છે અને હુમલા પાછળના લોકોનો પીછો કરવા માટે તપાસ ચાલી રહી છે.

સજ સિંગાર ઋત આયી બસંતી…

અમૃત મહોત્સવ ઊજવવા થનગની રહેલા સદા અગ્રસર સાપ્તાહિક ‘ચિત્રલેખા’ની આ સપ્તાહની તાજી લહેર જેવી કવરસ્ટોરી વસંત ઋતુના આગમન પર છે. વસંતવૈભવના દોરદમામથી લઈને દેશ-દુનિયામાં વસંત, બસંત, સ્પ્રિંગ ફેસ્ટિવલ કેવી રીતે ઊજવાય છે એની રસઝરતી માહિતી વાંચવી જ પડે એવી છે. ગુજરાતી સાહિત્યની વસંત કુંજગલીમાં લટાર મરાવે છે કવિવર્ય ઉદયન ઠક્કર. જરૂરથી વાંચજો.

બહરહાલ હિંદી સિનેમાવાળાઓ ઓછા લાડ નથી લડાવ્યા ઋતુરાજ વસંતને. એમ તો ભારતીય ફિલ્મો પાસે દરેક અવસર, દરેક સીઝનનાં ગીતો છે. એટલે બસંત ઋતુનાં ગીતો હોય જ.

અચ્છા, વસંત શબ્દ કાને પડતાં તમને કયું ગીત યાદ આવે?

તમે કહેશો કે યાર, 2025માં છીએ ને જૂનું શું યાદ આવે? તો જનાબ, વસ્તુ એ છે કે સંગીતમાં એ તાકાત હોય છે કે ટાઈમ મશીન વિના એ તમને કોઈ પણ કાળમાં લઈ જઈ શકે. મીનિંગ, તમે 1950ના દશકનું કોઈ સોંગ સાંભળો તો એ કાળમાં પહોંચી જાઓ. શરત એ કે ગીત-સંગીત એવાં દર્જેદાર હોવાં જોઈએ.

જેમ કે 1957માં આવેલી ‘સુવર્ણ સુંદરી’ ફિલ્મનું “કુહુ કુહુ બોલે કોયલિયા…” આ ગીતની એક પંક્તિ છેઃ “સજ સિંગાર ઋત આયી બસંતી…”

આ ગીત તમને કોઈ બી જગ્યાએ સાંભળતા હોવ એ તમને ઊંચકીને એ સ્થળ-કાળમાં લઈ જશે. જો આંખો મીંચીને સાંભળશો તો આસપાસ કોયલના ટહુકા તથા ભમરાનો ગુંજારવ પણ સંભળાશે. સોહની-બહાર-જૌનપુરી-યમન એમ ચાર રાગો પર આધારિત આ કર્ણપ્રિય ગીત સ્વરબ્દ્ધ કર્યું આદિ નારાયણ રાવે અને ગાને કે બોલ લિખે હૈ ભરત વ્યાસજી ને. મોહમ્મદ રફીનો મખમલી સ્વર અને લતા મંગેશકરના ગળાની ચાસણી… સ્વર, આરોહ-અવરોહ, સંગીત બધું પરફેક્ટ. તેલુગુ ફિલ્મનું આ ગીત અક્કિનેની નાગેશ્વર રાવ અને અંજલિ દેવી પર ચિત્રિત થયેલું. 1950ના દાયકાના તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર અક્કિનેની નાગેશ્વર રાવ એટલે હાલના સ્ટાર નાગર્જુનના પપ્પા અને નાગ ચૈતન્યના દાદાજી.

આવું જ બીજું એક ગીત એટલે “કેતકી ગુલાબ જુહી ચંપક વન ફૂલેં… રિતુ બસંત અપનો કંત, ગોદી ગરવા લગાય…” સંગીતકાર શંકર-જયકિશને ફિલ્મ ‘બસંત બહાર’ માટે સ્વરબદ્ધ કરેલું આ ગીત લખ્યું શૈલેન્દ્રે. સ્વર પંડિત ભીમસેન જોશી, મન્ના ડે. મારું માનવું છે કે આ ફિલ્મગીત નથી, પણ શાસ્ત્રીય સંગીતની બંદિશ છે.

 

આગળ જઈએ અને યાદ કરીએ આપણા હરિભાઈ જરીવાલા એટલે સંજીવકુમારને. “સંગ બસંતી, અંગ બસંતી, રંગ બસંતી છા ગયા…. મસતાના મૌસમ આ ગયા…” લક્ષ્મીકાંત-પ્યારેલાલે ‘રાજા ઔર રંક’ માટે સ્વરબદ્ધ કરેલા આ ગીતના રચયિતા આનંદ બક્ષી, સંગીતકાર લક્ષ્મીકાંત-પ્યારેલાલ. ગાયક કલાકારોઃ મોહમ્મદ રફી-લતા મંગેશકર.

અચ્છા, એક ગીત તો એવું યાદ આવે છે કે જે… આમ તો વસંતોલ્લેખવાળું નથી, પણ આ ગીતના શબ્દો, એનું સ્વરાંકન, સંગીત, લતા મંગેશકરનો અવાજ કમથી કમ, મને તો આજેય ઘેનમાં પાડી દે છે. ગીત તમે સાંભળો તો તમારાં દુખદર્દસ્ટ્રેસ ભૂલી જશો. ગાને કે બોલ?

“સુનો સજના પપીહે ને કહા સબ સે પુકાર કે… સંભલ જાઓ, ચમન વાલોં કે આયે દિન બહાર કે…”

બહાર એટલે વસંતનું જ પ્રતીક વળી. હા, એને વર્ષા ઋતુ પણ સાંકળી શકાય, પરંતુ આપણે મીનિંગ લેવાનો વસંતનો. વસંતના આગમનની છડી પોકારે કોયલ અને, આ ગીતમાં પપીહા ઘોષણા કરે છે કે સાંભળો સાંભળો… વસંતના દિવસો આવી ગયા છે. ફિલ્મના શીર્ષકમાં જ વસંત છે. ગીતમાં પપીહા, પવન, પુષ્પો, ઉદ્યાન જેવા વસંત સાથે સંકળાયેલાં મોટીફ્સ પર કૅમેરા મોજથી ફરતો રહે છે. આકુળવ્યાકુળ થઈને  પ્રિયકર ધર્મેન્દ્રને ખોળતી આશા પારેખને જોવી કે ગિરિમથકની ખીણનો રમણીય નજારો? ભૂરું આકાશ, ફૂલ-ફળનાં લહેરાતાં વૃક્ષો, વગેરે જોઈને એમ થાય કે જે પહેલું વાહન મળે એ લઈને ત્યાં પહોંચી જઈએ… ધર્મેન્દ્ર બીજા અંતરાથી જૉઈન થાય છે. ગીતમાં તબલાં-ઢોલકની સંગતનો એક અલગ અંદાજ છે.

આ ગીત સાંભળીને એવું લાગે જાણે કાનમાં મધ રેલાય છે ને હવામાં જાફરાનીની ખુશબો.

એ પછીના ક્રમે આવે છે “આયી ઝૂમકે બસંત…” મનોજકુમારની ‘ઉપકાર’ માટે કલ્યાણજી-આણંદજીએ સ્વરબદ્ધ કરેલા આ ગીતમાં વસંતના અળગ અલગ મિજાજ છતા થાય છે. મારા હિસાબે આ માત્ર વસંત ઋતુનું જ ગીત નથી, પણ ઉત્તર ભારતમાં ઊજવાતા ઉત્સવનું ગીત છે. વસંત પંચમીનું ગીત છે. પરદા પર દેખાતો પીળો રંગ વસંત પંચમીનું પ્રતિનિધિત્વ કરે છે. સરસવનાં ફૂલ, પીળા લહેરાતા દુપટ્ટા, પીળી પાઘડી… “આયી ઝૂમકે બસંત” પ્યારનું સોંગ છે, પરંતુ એ બીજાં બધાં રોમાન્ટિક સોંગ જેવું સોંગ નથી, પણ ભારતની ધરતીનું, એ ધરતીની પ્રજાના પ્યારનું ગીત છે.

આ બધાં ગીતો ઈન્ટરનેટ પર પ્રાપ્ય છે. જરૂરથી માણજો અને હા, તમારું પ્રિય બંસત સોંગ?

 

મંદિર નિર્માણ કળાના શિખરે પહોંચેલા શિલ્પકાર

કેન્દ્ર સરકારે 26મી જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ પદ્મ એવોર્ડ્સની જાહેરાત કરી હતી. જેમાં ગુજરાતમાંથી 8 મહાનુભવોની પસંદગી કરવામાં આવી છે. બેનમૂન શિલ્પકારીથી રામ મંદિરનું નિર્માણ કરનારા ચંદ્રકાન્ત સોમપુરાને પદ્મશ્રી એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે. સોમપુરા પરિવાર છેલ્લી 15 પેઢીથી મંદિર ડિઝાઇન અને નિર્માણ કાર્ય સાથે સંકળાયેલા છે. હિંદુ અને જૈન ધર્મનાં મંદિરો બનાવવાનું તથા તેમનો જીર્ણોદ્ધાર કરવાનું કામ કરે છે. પરિવારે છેલ્લાં લગભગ 80 વર્ષ દરમિયાન દેશ-વિદેશમાં દોઢસો જેટલાં શૈવ, સ્વામીનારાયણ, હિંદુ અને જૈન મંદિરોના નિર્માણ તથા જીર્ણોદ્ધારનું કાર્ય કર્યું છે. તેઓ ઉત્તર ભારતની નાગર શૈલીના આધારે મંદિર બનાવવામાં નિપુણતા ધરાવે છે.

શામળાજી (શામળાજી, ગુજરાત), અક્ષરધામ (ગાંધીનગર, ગુજરાત), અક્ષરપુરૂષોત્તમ મંદિર (લંડન, યુકે), સર્વધર્મ મંદિર (બૅંગકોક, થાઇલૅન્ડ), શિવમંદિર (સિંગાપોર), 108 પાર્શ્વનાથ ભક્તિવિહાર (શંખેશ્વર, ગુજરાત), જૈન મંદિર (ન્યૂજર્સી, યુએસ), બુદ્ધ મંદિર (જકાર્તા, ઇન્ડોનેશિયા), મુકેશ અંબાણીના ઘરનું મંદિર (મુંબઈ, મહારાષ્ટ્ર), વગેરે મુખ્ય છે. આવા જ મહાન શિલ્પી ચંદ્રકાંતભાઈ સોમપુરા સાથે ચિત્રલેખા.કોમએ છોટી સી મુલાકાત વિભાગમાં વાતચીત કરી.

ચિત્રલેખા.કોમ: આપને પદ્મશ્રી પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે, આ વિશે આપની શું પ્રતિક્રિયા છે?

ચંદ્રકાંત સોમપુરા: જ્યારે ભારત સરકાર તરફથી કોઈ એવોર્ડ મળે છે, ત્યારે તે ખૂબ જ ખાસ હોય છે. મારા દાદા પ્રભાશંકર ઓધડભાઈ સોમપુરાને પુનઃર્જીવિત સોમનાથ મંદિરની ડિઝાઇન માટે 1977માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને હવે મને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યો છે. રામ મંદિર પાછળ જે 40 વર્ષથી મહેનત કરી છે. સારા કામની કદર થઈ હોય તેવું લાગી રહ્યું છે. ખુબ જ આનંદ થઈ રહ્યો છે.

આપને રામ મંદિરની ડિઝાઈન તૈયાર કરવાનો અવસર મળ્યો એ વિશે આપનું શું કહેવું છે?

સોમપુરા પરિવાર બિરલા ગ્રુપના જેટલાં પણ મંદિર છે તેને તૈયાર કરે છે. ઘનશ્યામદાસ બિરલાના સૂચનથી રામજન્મભૂમિ આંદોલનનું નેતૃત્વ લેનાર વિશ્વ હિંદુ પરિષદના અશોક સિંઘલે મારો સંપર્ક સાધ્યો હતો.

દિલ્હી ખાતે વિ.હિ.પ.ના અગ્રણીઓની સાથે મારી બેઠક થઈ હતી. લગભગ ત્રણ દાયકા પહેલાં વિવાદાસ્પદ સ્થળે માપપટ્ટી લઈ જવાની મંજૂરી પણ ન હતી. અશોકજી મને ગાડીમાં બેસાડીની જન્મસ્થળ પર લઈ ગયા હતા. જો કે વધુ વિવાદ થાય તેમ હોવાથી તેઓ ગાડીમાંથી નીચે ઉતર્યચા નહી. હું રામ જન્મસ્થળ કે જ્યાં અત્યારે મંદિર બનાવવામાં આવ્યું છે તે સ્થળ પર ગયો. પગથી માપીને એટલે કે દેશી યુક્તિ અપનાવીને મેં માપ લીધું હતું અને મંદિરની ત્રણ-ચાર ડિઝાઇન તૈયાર કરીને આપી હતી. જેમાંથી એક 1989માં પસંદ કરવામાં આવી હતી. જેનું લાકડાનું મોડલ બનાવીને મેં આપ્યું હતું. 1989માં યોજાયેલા કુંભમેળામાં એ લાકડાનું મૉડલ રજૂ કરવામાં આવ્યું હતું. એ મૉડલનો સ્વીકાર થયો હતો અને અભિયાન દરમિયાન તેનો ઉપયોગ થયો હતો. 2020માં રામ મંદિર અંગે સુપ્રીમ કોર્ટનો ચૂકાદો આવ્યા બાદ લોકડાઉનમાં અમે કામ શરૂ કર્યું હતું. વર્ષ 1992માં વિશ્વ હિન્દુ પરિષદ અને અમારા વચ્ચે માત્ર બે પન્નાંના સાદા કરાર થયા હતા. જો કે નવગઠિત રામ મંદિર ટ્રસ્ટે પણ અમારા પર વિશ્વાસ મૂક્યો અને અમારી પાસે જ ડિઝાઇન બનાવડાવાનું નક્કી કર્યું. લૉકડાઉન દરમિયાન અમે ઑનલાઇન ડિઝાઇન્સ તૈયાર કરી હતી અને ટ્રસ્ટની પ્લાનિંગ કમિટી સમક્ષ રજૂ કરી હતી. સૂચનોના આધારે જ ઑનલાઇન સુધારા-વધારા કર્યા હતા, એ પછી ટ્રસ્ટે ફાઇનલ ડિઝાઇન પર મંજૂરીની મહોર મારી હતી. મંદિરનું કામ અત્યારે લગભગ 80 ટકા જેટલું પૂર્ણ થઈ ગયું છે. વર્ષ 2025ના અંત સુધીમાં રામ મંદિરનું સંપૂર્ણ કાર્ય પૂરું કરી દેવામાં આવશે.

અયોધ્યા રામ મંદિરમાં અમે સિંહ દ્વાર, રંગમંડપ, ગૂઢમંડપ અને ગર્ભગૃહ મૂળ ડિઝાઇન પ્રમાણે તૈયાર કર્યા છે. જો કે, ચર્ચાઓ બાદ ભાવિકોને વધુ સંખ્યામાં સમાવિષ્ટ કરી શકાય તે માટે નૃત્યમંડપ, ભોગ મંડપ તથા બાજુમાં કીર્તનમંડપ અને પ્રાર્થનામંડપ ઉપરાંત એક માળ પણ ઉમેરવામાં આવ્યો છે. મૂળ ડિઝાઈન બે માળની તૈયાર કરવામાં આવી હતી.

ભારતમાં મંદિર નિર્માણ અને મંદિરોની શૈલી વિશે આપ શું કહેશો?

એક સમયે અવિભાજિત ભારતમાં મંદિર નિર્માણની સોળ જેટલી શૈલી પ્રચલિત હતી. પરંતુ હાલમાં મુખ્યત્વે ત્રણ પ્રકારનાં જ મંદિરો જોવાં મળે છે અને તેનું નિર્માણ થાય છે. ઉત્તર અને પશ્ચિમ ભારતમાં નાગર શૈલી, પૂર્વ અને મધ્ય ભારતમાં વસેરા જ્યારે દક્ષિણ ભારતમાં દ્રવિડ શૈલીનું પ્રચલન છે. દક્ષિણ ભારતમાં પ્રવેશદ્વાર કે ગોપુરમ્ મોટું હોય છે અને તેની સરખામણીમાં મંદિરનું કદ નાનું હોય છે. તેઓ માને છે કે સંસારરૂપી મોટાં પાપો અને મોહમાયામાંથી પસાર થઈને આપણે સત્ય કે ઈશ્વરને સન્મુખ થઈએ છીએ. જ્યારે ઉત્તર ભારતમાં માનવામાં આવે છે કે ઈશ્વર જ સર્વોચ્ચ અને સર્વોપરી છે એટલે મંદિરમાં સૌથી ઊંચું સ્થાન ગર્ભગૃહના શિખરનું હોય છે. એટલે કે ભગવાનની ઉપર ધજા હોવી જોઈએ, ભગવાનનું શિખર ઊંચું હોવું જોઈએ.

સોમપુરા પરિવાર કેટલીય પેઢીઓથી મંદિર નિર્માણની કલાને સમર્પિત છે, આ કળાને જીવંત રાખવા માટે અવિરત પ્રયત્નશીલ છે. ત્યારે આપના પરિવાર વિશે થોડી માહિતી આપશો.

આમ તો અમારો સોમપુરા પરિવાર લગભગ 15 પેઢીથી આ કામ કરતો આવ્યો છે. મુંબઈમાં મોતીશા શેઠ દ્વારા બનાવવામાં આવેલું મોતીશા જૈન મંદિર આવેલું છે. તે મોતીશા શેઠ પાલિતાણામાં 250 વર્ષ પહેલાં આવ્યા હતા. તેમણે પાલીતાણામાં જૈન મંદિર બનાવવા માટે ઈચ્છા વ્યક્ત કરી. પાલીતાણાના ઠાકોર સાહેબે તે સમયે કહ્યું કે, નગરમાં જે સારો શિલ્પી હોય તેને બોલાવો. ત્યારે અમારી આઠ પેઢી પહેલાં દાદા થઈ ગયેલા રામજીભાઈ તેમને બોલાવવામાં આવ્યા. મારા દાદાએ કામ શરૂ કર્યું. કામ પૂરું થવાની તૈયારી હતી ત્યારે મોતીશા શેઠ મુંબઈથી જોવા માટે આવ્યા હતા. તેઓ જોઈને ખૂબ જ પ્રભાવિત થયા હતા. તેમણે કહ્યું કે, મેં બનાવ્યું છે તે તો દરેકને યાદ રહેશે, પરંતુ આ મંદિર તમે બનાવ્યું છે એ કોને યાદ રહેશે? આથી તેમણે મંદિરમાં પ્રવેશ માટે પહેલો રામપોર બનાવવામાં આવ્યો છે. સોમનાથના મંદિરને પુનઃસ્થાપિત કરવાનું કામ મારા દાદાએ કર્યું. મથુરામાં બિરલા દ્વારા કૃષ્ણજન્મસ્થાન મંદિર બાંધવામાં આવ્યું છે. જેનું નિર્માણકાર્ય પણ સોમપુરા પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. અત્યારે મારા દીકરા નિખિલ અને આશિષ, નિખિલના બે દીકરા મારી સાથે આ કામમાં જોડાયેલા છે. આશિષનો નાનો દીકરો પણ ફાઈનલ યર આર્કિટેકનો અભ્યાસ કરી રહ્યો છે. તે પણ અમારી સાથે જોડાય શકે છે. અમારી આગામી પેઢીમાંથી પણ કોઈને વ્યવસાય બદલવાનો વિચાર આવી રહ્યો નથી. એ વાતની ખુશી છે. ભગવાનની દયા છે, અમે ભગવાનના ઘર બનાવીએ છીએ, ભગવાન અમારા ઘર બનાવે છે. આ સમગ્ર કાર્ય ખૂબ જ આનંદનો વિષય છે.

અત્યાર સુધી બનાવેલા મંદિરોમાંથી ક્યું કામ યાદગાર અને ખુબ જ મુશ્કેલ રહ્યું છે?

અયોધ્યામાં બનાવેલું રામ મંદિર અમારા માટે ખૂબ જ યાદગાર રહ્યું છે. 40 વર્ષ સુધી આ મંદિર બનાવવા માટે અમે ખૂબ જ મહેનત કરી છે. જો કે લંડનનું સ્વામીનારાયણ મંદિરનું કામ કરવું અમારે માટે ખૂબ જ અઘરૂં હતું. કારણ કે ત્યાંની સરકારના નિયમો ખૂબ જ અલગ હતા અને તેઓ આપણા મંદિર આર્કિટેક્ચરને સમજવા માટે તૈયાર જ ન હતા.  1983માં અમે મંદિરના કાર્ય માટે મિટિંગ કરી હતી. જો કે મંદિરના નિર્માણ માટેની પરવાનગી આપવામાં ત્યાંની સરકારે 12 વર્ષ જેટલો સમય લીધો હતો. આપણા ત્યાં મંદિરનો જે ડોમ કે ગર્ભગૃહ કહો તે તૈયાર કરવામાં સળિયાનો ઉપયોગ કરવામાં આવતો નથી. તો ત્યાંની સરકારનું કહેવું હતું કે, આ પ્રકારનું સ્ટ્રક્ચર ટકી જ ન શકે. મંદિર પડી જાય. આથી ત્યાંના અધિકારીઓએને અમે ભારત લાવ્યા અને મંદિરો બતાવ્યા અને પછી તેમણે અમને મંદિર બનાવવા માટે પરવાનગી આપી.

આગામી પેઢીના આર્કિટેક્ટ જે મંદિર બનાવવાની કળા શીખવા માગે છે, તેમને આપ શું કહેશો?

પ્રાચીન સમયથી આપણા ત્યાં શિલ્પશાસ્ત્ર આવેલું છે. પૌરાણિક માન્યતા મુજબ વાસ્તુવિદ્યાને 64 કળામાંથી એક ગણવામાં આવી છે. કોઈપણ મકાન કે દુકાન બનાવવાની હોય તો તેમાં તેના પાયાથી લઈને દરેક સ્તર પરની ડિઝાઈન હોય છે, શિલ્પકળામાં પણ સોઈલ ટેસ્ટિંગથી માંડીને આખા કવચ સુધીનું કામ કરવામાં આવે છે. દરેક ભગવાનના મંદિરનું શાસ્ત્ર અને ડિઝાઈન અલગ-અલગ હોય છે. આથી મંદિર આકિર્ટેકમાં પણ ખૂબ જ ઊંડો અભ્યાસ કરવો પડે છે. મારા દાદાજી મને કહેતા કે, મંદિર નિર્માણ વિશેના દરેક પાસા મેં મારી ચોપડીઓમાં લખી નાખ્યા છે. પ્રાચીન સમયમાં આર્કિટેકને જો 12 ભાગ્યા લખવું હોય તો તે, રવિ ભાગ્યા લખે. કારણ કે રવિ એટલે સૂર્ય અને સૂર્યના 12 નામ છે. જો કોઈ માપને 27થી ગુણવાના હોય તો તે સ્થ્ળ પર નક્ષત્ર ગુણ્યા લખ્યું હોય. કોડ ભાષાની જગ્યાએ મારા દાદાજીએ 16 પુસ્તકો સરળ ભાષામાં લખ્યા. જેમાં ‘જય પૃચ્છકમ’, ‘વાસ્તુસાર’, ‘ભારતીય શિલ્પસંહિતા પ્રતિમા કલાનિધિ’, ‘શ્રી વાસ્તુવિદ્યાયાં વાસ્તુશાસ્ત્રે’, ‘વાસ્તુ કલાનિધિ’, ‘જય પૃચ્છકમ’ વગેરે મુખ્ય છે.  જેથી કરીને કોઈ પણ વ્યક્તિ જો મંદિર બનાવવા માગે છે, તે તેમના પુસ્તકોમાંથી જ્ઞાન મેળવી શકે છે. જો કે પ્રેક્ટિકલ જ્ઞાન આ ફિલ્ડમાં ખૂબ જ જરૂરી છે. મને મારા દાદાજીએ શામળાજી મંદિર તૈયાર કરવાનું હતું ત્યારે 3 વર્ષ રાખ્યો હતો. જેથી કરીને હું પ્રેક્ટિકલ જ્ઞાન મેળવી શકું. ખરેખર તો એ જ મારી સાચી શાળા હતી એમ હું અત્યારે પણ માનું છું.

(રાધિકા રાઓલ – અમદાવાદ)

અમિતાભની ‘સાત હિન્દુસ્તાની’ અને ‘શોલે’ ના અજાણ્યા કિસ્સા

અમિતાભ બચ્ચનની ફિલ્મો વિશે અત્યાર સુધીમાં ઘણી વાતો આવી ચૂકી છે પણ હજુ એવી બીજી ઘણી વાતો બહાર આવી રહી છે જેની કોઈને ખબર ન હતી. લેખક એસએમએમ ઔસાજાએ 14 વર્ષની મહેનત પછી અમિતાભ બચ્ચન પર ‘બચ્ચન- અ સાગા ઓફ એક્સલેન્સ’ નામનું પુસ્તક બહાર પાડ્યું છે. એમાં અમિતાભની ‘સાત હિન્દુસ્તાની’ અને ‘શોલે’ ના અજાણ્યા કિસ્સા આપ્યા છે.

બહુ ઓછાને ખબર હશે કે બોલિવૂડના મુખ્ય કેન્દ્ર ગણાતા મુંબઇમાં જ અમિતાભની ‘સાત હિન્દુસ્તાની’ (1969) રજૂ થઈ ન હતી. એની પાછળનું એક કારણ એવું હતું કે નિર્દેશક કે. એ. અબ્બાસે 1969 માં ફિલ્મ તૈયાર કરી ત્યારે શ્વેત-શ્યામ હતી. અને ત્યારે ઈસ્ટમેન કલર ફિલ્મોનો જમાનો આવી ગયો હતો. બીજું કારણ એ હતું કે ફિલ્મમાં સાત કલાકાર હતા એમાંથી કોઈ સ્ટાર ન હતું. અમિતાભ સહિત કોઇની પણ પોતાની ખાસ ઓળખ ન હતી. તેથી વિતરકો ફિલ્મને હાથ લગાવવા તૈયાર ન હતા. ફિલ્મને દિલ્હીમાં રજૂ કરી શકાઈ હતી. મુંબઈમાં અમિતાભની પહેલી ફિલ્મ રજૂ થઈ હતી એ ‘આનંદ’ હતી. અમિતાભને ‘શોલે’ (1975) વિશે અસંખ્ય કિસ્સા આવી ચૂક્યા છે.

ફિલ્મ ઉપર પુસ્તક પણ લખાઈ ચૂક્યું છે. છતાં અમિતાભે ફિલ્મ કેવી રીતે કેવા સંજોગોમાં મેળવી હતી એનો અજાણ્યો કિસ્સો ઔસાજાએ પુસ્તકમાં જાવેદ અખ્તર સાથે થયેલી વાતચીતના આધારે જણાવ્યો છે. જાવેદ અખ્તર અને ધર્મેન્દ્રએ રમેશ સિપ્પીને અમિતાભના નામની ભલામણ કરી હતી. એ સમયમાં રમેશ સિપ્પીના ઘરે એક મોટી પાર્ટી આયોજિત થઈ હતી. જાવેદે અમિતાભને કહ્યું હતું કે મેં ‘શોલે’ માટે તારા નામની ભલામણ કરી છે. તું એ પાર્ટીમાં રમેશ સિપ્પીને મળવા માટે આવી જજે. પછી આગળ વાત વધશે. જે દિવસે પાર્ટી હતી એ દિવસે જ અમિતાભ વાઇરલ તાવની ઝપેટમાં આવી ગયા. તાવ વધારે હોવાથી અમિતાભ પાર્ટીમાં ગયા નહીં.

જાવેદે આવીને પાર્ટીમાં તપાસ કર્યા પછી જોયું કે અમિતાભ આવ્યા જ નથી. રમેશ સિપ્પીએ પણ પૂછ્યું કે અમિતાભ આવવાના હતા એ કેમ આવ્યા નથી? ત્યારે જાવેદ ફોન કરીને પૂછવા માટે રમેશ સિપ્પીના બેડરૂમમાં ગયા. જાવેદે ફોન કર્યો ત્યારે અમિતાભે કહ્યું કે મને બહુ તાવ છે. આવી શકું એમ નથી. ત્યારે જાવેદે કહ્યું કે તું અહીં આવીને આરામ કરજે પણ આવી જા. અને અમિતાભ બીમાર અવસ્થામાં રમેશ સિપ્પીને ત્યાં પાર્ટીમાં આવ્યા. જાવેદે રમેશ સાથે અમિતાભની મુલાકાત કરાવી. અમિતાભની હાલત ખરાબ હતી એટલે રમેશ સિપ્પીના બેડરૂમમાં જ સૂઈ ગયા. એ મુલાકાતથી રમેશ સિપ્પી અમિતાભને મળીને પ્રભાવિત થયા હતા અને ‘શોલે’ માટે પસંદ કરી લીધા હતા.

ચમોલી બરફ વર્ષામાં બચાવ કાર્યને 24 કલાક પૂર્ણ, CM ધામી ગ્રાઉન્ડ ઝીરો પર

ઉત્તરાખંડ: ચમોલીમાં હિમપ્રપાત થયાને 24 કલાકથી વધુ સમય થઈ ગયો છે. 8 કામદારો હજુ પણ ફસાયેલા છે. 47 કામદારોને બચાવી લેવામાં આવ્યા છે. બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન પ્રોજેક્ટમાં કુલ 57 લોકો કામ કરી રહ્યા હતા, જેમાંથી બે રજા પર હતા. તે બધા હિમપ્રપાતની ઝપેટમાં આવી ગયા. જોકે 47 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે, પરંતુ 8 હજુ પણ ફસાયેલા છે.

સેના, ITBP, BRO, SDRF અને NDRF ની ટીમો બચાવ કામગીરી કરી રહી છે. હવામાન હજુ પણ એક પડકાર છે. આર્મીનું Mi-17 હેલિકોપ્ટર સ્ટેન્ડબાય પર છે. હવામાન સારું થતાંની સાથે જ. બચાવ કામગીરી ઝડપી બનાવવામાં આવશે. તે જ સમયે, સીએમ ધામી ચમોલીમાં ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી ગયા છે અને બચાવ કામગીરીનો અભ્યાસ કરી રહ્યા છે.

ફસાયેલા કામદારોને બચાવવા માટે બચાવ કામગીરી ચાલુ

બચાવ કામગીરી અંગે માહિતી અપડેટ કરતી વખતે, ઉત્તરાખંડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સચિવ વિનોદ કુમાર સુમને જણાવ્યું હતું કે ફસાયેલા કામદારોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ચમોલી જિલ્લાના ઊંચાઈવાળા માંડા ગામમાં હિમપ્રપાતને કારણે ફસાયેલા કુલ 55 BRO (બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન) કામદારોમાંથી 47 ને બચાવી લેવામાં આવ્યા છે. શનિવારે સવારે 14 કામદારોને બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે 8 કામદારો હજુ પણ ફસાયેલા છે. શુક્રવારે સવારે 6:30 વાગ્યાની આસપાસ હિમપ્રપાત થયો હતો.
ગંભીર રીતે ઘાયલ 3 કામદારોને આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

મુખ્યમંત્રી ધામીએ જણાવ્યું હતું કે માંડા નજીક હિમપ્રપાતમાં ફસાયેલા કામદારોને બચાવવા માટે ચાલી રહેલા રાહત અને બચાવ કાર્ય દરમિયાન, 14 અન્ય કામદારોને પણ સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. સ્થળાંતર કરાયેલા કામદારોને વધુ સારી આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. ગંભીર રીતે ઘાયલ થયેલા ત્રણ કામદારોને સારવાર માટે જોશીમઠ સ્થિત આર્મી હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે.

અત્યાર સુધીમાં કુલ 47 કામદારોને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે. ફસાયેલા અન્ય કામદારોને પણ શક્ય તેટલી વહેલી તકે સુરક્ષિત રીતે બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
કામદારો આ રાજ્યોના છે

ઉત્તરાખંડ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા જાહેર કરાયેલી યાદી અનુસાર, ફસાયેલા કામદારો બિહાર, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ અને જમ્મુ અને કાશ્મીર સહિત અન્ય રાજ્યોના છે.

ઋષિકેશ-બદ્રીનાથ હાઇવે પર પણ પર્વતનો કાટમાળ પડ્યો

કર્ણપ્રયાગ નજીક ઋષિકેશ-બદ્રીનાથ હાઇવે પર પણ પર્વતનો કાટમાળ પડ્યો હતો. જેના કારણે ઋષિકેશ-બદ્રીનાથ હાઇવે બ્લોક થઈ ગયો છે. તેનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે રસ્તા પર મોટા પથ્થરો પડેલા છે. જોકે, પથ્થરો દૂર કરવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.

ટ્રમ્પ-ઝેલેન્સ્કી વચ્ચે ઉગ્ર દલીલો, અમેરિકામાં ઝેલેન્સકીની માફીની માગ ઉઠી

અમેરિકા: યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કી અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે શુક્રવારે યોજાયેલી મંત્રણામાં ઉગ્ર દલીલો બાદ ઝેલેન્સ્કી મક્કમ રહ્યા અને તેમણે ટ્રમ્પથી માફી માગવાનો ઈનકાર કરી દીધો છે. એક ઈન્ટરવ્યૂમાં તેમણે આ ઘટનાને બંને પક્ષો માટે નુકસાનકારક ગણાવી હતી.

ઝેલેન્સ્કીને અફસોસ પણ માફીનો ઈનકાર

ઝેલેન્સ્કીએ કહ્યું કે જો અમેરિકા સમર્થન પાછું ખેંચી લેશે તો રશિયા વિરુદ્ધ યુક્રેનની સુરક્ષા કરવી અમારા માટે મુશ્કેલ બની જશે. જો કે મને એ વાત પર અફસોસ છે કે અમેરિકન પ્રમુખ સાથે ઉગ્ર દલીલોનું જાહેર પ્રસારણ કરાયું. ઝેલેન્સ્કીએ કહ્યું કે અમે વિનમ્રતા જાળવી રાખવા માગીએ છીએ.

ઝેલેન્સ્કીનું વલણ સ્પષ્ટ 

જ્યારે ઝેલેન્સ્કીને સવાલ કરાયો કે શું તમે અમેરિકન પ્રમુખ પાસે માફી માગવાનો છો તો તેમણે જવાબ આપ્યો કે ના, હું પ્રમુખનું સન્માન કરું છું. હું અમેરિકન લોકોનું પણ સન્માન કરું છું પણ મને નથી લાગતું કે અમે કંઈ ખોટું કર્યું છે. ટ્રમ્પ અને પુતિનના વધતા સંબંધો વચ્ચે ઝેલેન્સ્કીએ કહ્યું કે હું ઈચ્છું છું કે ટ્રમ્પ મધ્યસ્થતા કરતા રહે. મારી ઈચ્છા છે કે ટ્રમ્પ અમારી તરફેણ કરે. જોકે શું હવે ફરી ટ્રમ્પ સાથે સારા સંબંધો બનશે તેવા સવાલના જવાબમાં તેમણે હાંમાં જવાબ આપ્યો હતો.