Home Blog Page 1130

સુરત: શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફરી આગ, કરોડોનું નુકસાન

સુરત: શહેરના રિંગ રોડ વિસ્તારમાં આવેલા શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં સતત બીજા દિવસે ફરી એક વખત આગ લાગવાની ઘટના બની છે. ગત રોજની લાગેલી આગા પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો પરંતુ આજે સવાર પણ અચાનક ફરી આગ ભભૂંકી ઉઠી હતી. હાલમાં પ્રાથમિક તબક્કે વાયરિંગમાં શોર્ટસર્કિટ અથવા વાયરિંગ ખરાબ હોવાનું જાણવા મળી રહ્યું છે. શિવશક્તિ ટેક્સટાઇલના પ્રથમ માડ પર આવેલી 10 જેટલી દુકાનો આગની ચપેટમાં આવી ગઇ છે. હાલમાં અવર-જવર બંધ કરી દેવામાં આવી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર માક્ટેમાં લાગેલી આગની ઘટનાના પગલે 20 જેટલા ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને આગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આગ લાગવાના કારણે કરોડો રૂપિયાનો માલસામાન બળીને ખાખ થઇ ગયો છે. અનેક દુકાનો આગની ચપેટમાં આવી ગઇ છે. આગ એટલી ભયાનક છે કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. આસપાસના વિસ્તારોમાં ધુમાડો પ્રસરી ગયો છે.

આ અગાઉ મંગળવારે શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટના બેઝમેન્ટમાં આગ લાગી હતી. જેના લીધે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ચાલુ દિવસ અને પીક અવર હોવાથી માર્કેટમાં લોકોની ભારે ભીડ હતી. આગની લાગવાના સમાચાર મળતાં લોકોએ પોતાનો જીવ બચાવવા માટે દોડધામ કરી હતી. આગના કારણે ભારે ધુમાડાને ગોટેગોટા જોવા મળ્યા હતા. આ ઘટનામાં ગૂંગળામળના લીધે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જોકે એ.સી. કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. ફાયર બ્રિગેડની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. બેઝમેન્ટમાં આવેલી ચારથી પાંચ દુકાનોમાં આગ પ્રસરી ગઇ હતી.

ઈશા અંબાણી પતિ સાથે પહોંચી પ્રયાગરાજ, સંગમમાં લગાવી ડૂબકી

દોઢ મહિનાથી ચાલી રહેલો મહાકુંભ આજે તેના અંતિમ તબક્કામાં છે. આજે આ પવિત્ર તહેવારનું સમાપન છે. 144 વર્ષમાં એકવાર આવતા આ દુર્લભ મહાકુંભ માટે મોટી ભીડ એકઠી થઈ હતી. દેશ અને દુનિયાના વિવિધ ખૂણાઓમાંથી લોકો તેમાં ભાગ લેવા આવ્યા હતા. પ્રયાગરાજ પહોંચેલા લોકોએ ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી. આ પવિત્ર અવસરનો લાભ લેવામાં દેશના ફિલ્મ સ્ટાર્સ અને પ્રખ્યાત લોકો પણ પાછળ રહ્યા નહીં. આ ખાસ પ્રસંગે સમગ્ર અંબાણી પરિવારે પણ શ્રદ્ધાનો ડૂબકી લગાવી.

મુકેશ અંબાણી થોડા દિવસો પહેલા તેમના બે પુત્રો અને પુત્રવધૂઓ સાથે પ્રયાગરાજ આવ્યા હતા. આ દરમિયાન તેમની માતા કોકિલાબેન અંબાણી, તેમની બહેન અને પૌત્રો પણ સાથે આવ્યા હતા. આખા પરિવારે મહાકુંભમાં વિશેષ પ્રાર્થના અને પૂજા કરી અને દરેક વ્યક્તિ ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવતા જોવા મળ્યા હતાં. ત્યારે હવે તેમની પુત્રી ઈશા અંબાણી પતિ સાથે પ્રયાગરાજ પહોંચી છે.

ઈશા અંબાણી અને જમાઈ આનંદ પીરામલ પરિવાર સાથે મહાકુંભ પહોંચી શક્યા નહોતા. પરંતુ હવે બંને એકસાથે પ્રયાગરાજ પહોંચ્યા અને મહાકુંભમાં પવિત્ર ડૂબકી લગાવી. મંગળવારે ઈશા અંબાણી તેના પતિ આનંદ પિરામલ સાથે જોવા મળી હતી. તેઓ સ્વામી ચિદાનંદ સરસ્વતી સાથે પૂજા કરતા જોવા મળ્યા હતા. આનંદ પીરામલ સફેદ ટી-શર્ટ અને ટ્રેક પેન્ટમાં જોવા મળ્યા હતા, તો બીજી તરફ, ઈશા અંબાણી સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળી હતી. સિમ્પલ લુકમાં પણ તે ખૂબ જ કૂલ દેખાતી હતી. મહાકુંભમાં તેમના બે અલગ અલગ દેખાવે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.

મહાકુંભ સ્નાન માટે ઈશા અંબાણીએ નેવી બ્લુ બંધાણી પ્રિન્ટનો કુર્તો પહેર્યો હતો જેના પર ચાંદીના ગોટા પટ્ટીનું કામ હતું. તેણીએ સ્લીક પોનીટેલ અને કાળા ગોગલ્સ પહેર્યા હતાં. આ પોશાકમાં, તેમણે ધાર્મિક ગુરુ ચિદાનંદ સરસ્વતીના નેતૃત્વમાં સ્નાન વિધિ પૂર્ણ કરી.

ફેબ્રુઆરીમાં જ તાપમાનમાં તેજી, કચ્છમાં ગરમીનું યલો એલર્ટ

અમદાવાદ: ગુજરાતમાં શિયાળાના વિવિધત રીતે વિદાય થવાની શરૂ થઈ ચૂકી છે. શિયાળાની વિદાય પહેલાજ રાજ્યમાં ઉનાળાનો અહેસાસ થઈ રહ્યો છે. ફેબ્રુઆરી મહિનામાં જ એપ્રિલ મહિના જેવી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ બાદ ઉકળાટ જોવા મળ્યો છે. શિવરાત્રી તહેવાર આવતા જ ઠંડી વિદાય લઈ રહી છે. રાજ્યના મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થયો છે. મહાનગરોનું તાપમાન અંદાજે 32 ડિગ્રી આસપાસ નોંધાયું હતું.

હવામાન વિભાગ પ્રમાણે હાલ ઉત્તર પૂર્વના પવનો ફૂંકાય રહ્યા છે. જેના કારણે ગરમીમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ઉકળાટ વધાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ સૌથી વધુ ગરમીની અસર કચ્છમાં જોવા મળશે. ગત 25 ફેબ્રુઆરીના રોજ સૌથી વધુ દમણ અને સુરતમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 34.9, ગાંધીનગરમાં 35 ડિગ્રી, ડીસામાં 33.2, વડોદરામાં 35, નલિયામાં 35.6 ડિગ્રી નોંધાયું, વડોદરા 35.0 ડિગ્રી, અમરેલી 36.2 ડિગ્રી, ભાવનગર 35.4 ડિગ્રી, પોરબંદર 36.5 ડિગ્રી, રાજકોટ 36.9 ડિગ્રી અને મહુવામાં 36.4 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજ્યમાં ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી કરી છે. રાજ્યમાં ગઈકાલે મહત્તમ તાપમાનમાં વધારો જોતાં સૌથી વધુ કેશોદ, દમણ અને સુરત ગરમ રહ્યું. હવામાન વિભાગે કચ્છમાં યલો એલર્ટ જાહેર કર્યું. રાજ્યના મહત્તમ તાપમાનમાં વધારો થતાં બે દિવસ એટલે 26 અને 27 ફેબ્રુઆરીના દિવસે ઉનાળાની ગરમીની વધુ અસર જોવા મળશે. દરિયાઇ કાંઠાના વિસ્તારમાં પણ ગરમીની વધુ અસર રહેશે.

DYSP રૂહી પાયલાએ ધર્યું રાજીનામું, બે મહિનામાં ત્રણ અધિકારીએ નોકરી છોડી

ગુજરાતમાં પોલીસ વિભાગમાં ભરતી થવા માટે 11 હજાર યુવક યુવતીઓ તલ પાપડ થઈ રહ્યા છે. એ સામી બાજું એ રાજ્યના ઉચ્ચે પોલીસ અધિકારીઓ એક પછી એક રાજીનામું આપી રહ્યા છે. છેલ્લા બે મહિનામાં ત્રણ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સરકારને રાજીનામું સોપ્યું છે, જેના કારણે પોલીસ વિભાગમાં ભારે ચર્ચા છે.

2017માં GPSC મારફત પસંદગી પામેલી ડીવાયએસપી રૂહી પાયલાએ છ મહિના પહેલા રાજીનામું આપ્યું હતું, જે રાજ્ય સરકારે 25 ફેબ્રુઆરી, 2025ના રોજ સ્વીકારી લીધું. ગાંધીનગર પોલીસ ભવનમાં પોસ્ટેડ રહેલા રૂહી પાયલાએ રાજીનામું આપી પોલીસ વિભાગ અને સરકારનો આભાર વ્યક્ત કર્યો અને સમાજસેવા ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. આ અગાઉ 6 જાન્યુઆરી, 2025ના રોજ, જુનાગઢના એસપી હર્ષદ મહેતાએ અચાનક રાજીનામું આપી ચકચાર મચાવી. હર્ષદ મહેતા (IPS)એ જણાવ્યું કે તેઓ 50 વર્ષની ઉંમરે નિવૃત્તિ લેવાની પહેલેથી જ યોજના બનાવી હતી અને હવે પરિવાર સાથે સમય વિતાવવા તેમજ આધ્યાત્મિક જીવન જીવવા માંગે છે.4 ફેબ્રુઆરી, 2025ના રોજ, 1998 બેચનાIPS અને રાજ્યના એડિશનલ ડીજીપી અભય ચુડાસમાએ પણ અચાનક રાજીનામું આપી દીધું. રાજ્યના પોલીસ વડાને સોંપાયેલા તેમના રાજીનામાથી પોલીસ વિભાગમાં હલચલ મચી ગઈ.

પોલીસ વિભાગની અગત્યની પોસ્ટ અને અગત્યના હોદ્દા પરથી માત્ર 2 જ મહિનાના સમયમાં 3 જેટલા પોલીસ અધિકારીઓના રાજીનામાંએ પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે, પોલીસ વિભાગના ઉચ્ચ હોદ્દા પરથી થઈ રહેલા રાજીનામા વિષે કોઈ નક્કર કારણ અધિકારીઓ દ્વારા જાહેર કરવામાં આવતું નથી.

ગુજરાતી સાહિત્ય જગતમાં પડી ખોટ, નિબંધકાર અને કવિ અનિલ જોશીનું નિધન

ગુજરાતી સાહિત્ય જગતમાં એક મોટી ખોટ પડી છે. જાણીતા નિબંધકાર અને કવિ અનિલ જોશીનું મુંબઈ ખાતે નિધન થયું છે. અનિલ જોશીના પુત્ર સંકેત જોશીએ ફેસબુક પોસ્ટ દ્વારા આ સમાચારની પુષ્ટી કરી છે.

ગુજરાતી નિબંધકાર અને કવિ અનિલ રમાનાથ જોશીએ માંદગી બાદ દુનિયામાંથી વિદાય લીધી છે. તેમના પુત્ર સંકેત અનિલ જોશીએ ફેસબૂક પોસ્ટ પર આ જાણકારી આપી છે. સંકેતે લખ્યું કે “પપ્પા હવે આપણી સાથે નથી રહ્યા. આજે સવારે તેમણે આ વિશ્વને અલવિદા કહી દીધું છે.” અનિલ જોશી કેટલીક સ્વાસ્થ્ય સંબંધિત બિમારી સામે લડી રહ્યાં હતાં. હોસ્પિટલમાં તેમની સારવાર પણ ચાલી રહી હતી. હોસ્પિટલમાંથી ડિચાર્જ થયાના થોડા દિવસો બાદ જ તેમણે દેહ છોડી દીધો.

અનિલ રમાનાથ જોશીનો જન્મ ગોંડલમાં થયો હતો. તેમણે પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અનુક્રમે ગોંડલ અને મોરબીમાં લીધું હતું. 1964માં તેમણે એચ.કે.આર્ટસ કૉલેજ, અમદાવાદથી ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે વિનયનના સ્નાતક (બેચલર ઓફ આર્ટસ)ની પદવી મેળવી હતી. અનિલ જોશીની કારકિર્દીની શરૂઆત એક શિક્ષક તરીકે થઈ હતી.

અનિલ જોશીએ હિંમતનગર, અમરેલીમાં શિક્ષક તરીકે ફરજ બજાવી હતી. આ સિવાય 1971 થી 1976 સુધી તેઓ ‘કૉમર્સ’ સામયિકના તંત્રી રહી ચુક્યા છે. તેઓ વાડીલાલ ડગલીના પી.એ. પરિચય ટ્રસ્ટમાં સહસંપાદક રહ્યા હતા. તેમણે 1977થી આજ સુધી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લેંગ્વેજ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ગુજરાતી ભાષાના મુખ્ય સલાહકાર તરીકે ફરજ બજાવી છે.

સાહિત્યકારના સર્જનની વાત કરીએ તો કદાચ અને બરફના પંખી જેવા કાવ્યસંગ્રહો લોકપ્રિયા છે. તેમજ પવનની વ્યાસપીઠે લલિત નિબંધસંગ્રહ અને બોલપેન, બારીને પડદાનું કફન, દિવસનું અંધારું છે જેવા નિબંધસંગ્રહથી તેમની લોકપ્રિયતા છે.

 

મહાશિવરાત્રીનો મહાપર્વ: કાશી વિશ્વનાથમાં નાગા સાધુઓની ભવ્ય શોભાયાત્રા

આજે મહાશિવરાત્રીનો મહા પૂર્વ છે. રાજ્ય સહિત ભારતભરમાં આ તહેરવાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. દેશના 12 જ્યોતિલિંગ સહિત ખૂણે ખૂણાના શિવાલયોમાં હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યા છે. કાશીમાં પણ શિવરાત્રીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. હાથમાં ગદા-ત્રિશૂળ. હાથી-ઘોડાની સવારી. શરીર પર ભસ્મ અને ફૂલોની માળા. હર હર મહાદેવનો નાદ. આ રીતે, 7 શૈવ અખાડાના 10 હજારથી વધુ નાગા સાધુઓ બાબા વિશ્વનાથના દર્શન કરવા માટે કાશી પહોંચી રહ્યા છે.

કાશી વિશ્વનાથ મંદિર જવાનો રસ્તો નાગા સાધુઓ માટે બેરિકેડ કરવામાં આવ્યો છે. નાગા સંતોના આશીર્વાદ મેળવવા માટે લાખો ભક્તો રાતથી જ રસ્તાના કિનારે ઉભા છે. સૌ પ્રથમ, જુના અખાડાના નાગા સાધુઓ મંદિર પહોંચ્યા. આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરિ પણ તેમની સાથે રહ્યા. નાગા સાધુઓની શોભાયાત્રામાં ગાડીઓ, ઢોલ-નગારા અને શસ્ત્ર-અસ્ત્રની સાથે સ્ટંટ કરતા સાધુઓ સામેલ રહ્યા. મંદિરમાં દર્શન કરવા આવનારા ભક્તો પર ફૂલોની વર્ષા પણ કરવામાં આવી રહી છે.

મધ્યરાત્રિથી લગભગ 2 લાખ ભક્તો 3 કિમી લાંબી કતારમાં ઉભા છે. સવારથી અત્યાર સુધીમાં 2.37 લાખ ભક્તોએ દર્શન કર્યા છે. 2:15 વાગ્યે બાબા વિશ્વનાથની મંગળા આરતી કરવામાં આવી હતી. તેમનો વરરાજાની જેમ શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. મંગળા આરતી દરમિયાન પ્રવેશ અટકાવવામાં આવતા ભક્તોએ હોબાળો મચાવ્યો હતો. પોલીસકર્મીઓ સાથે તેમનો ઝઘડો થયો. ભક્તોને આ બાબત સમજાવીને શાંત કરવામાં આવ્યા. આ પછી મંદિરના દરવાજા ભક્તો માટે ખોલવામાં આવ્યા.

Image

Image

Image

શિકાગો એરપોર્ટ પર ફ્લાઇટ અને જેટ ટક્કરથી બચી ગયા

અમેરિકા: શિકાગો મિડવે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના ટળી ગઈ. મંગળવારે રનવે પર સાઉથ-વેસ્ટ એરલાઇન્સનું વિમાન એક ખાનગી જેટ સાથે અથડાતા બચી ગયું. જ્યારે સાઉથ-વેસ્ટ એરલાઇન્સ લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરી રહી હતી. ત્યારે બીજી ફ્લાઇટ રનવે પર આવતી જોવા મળી. આ પછી લેન્ડિંગ મુલતવી રાખવામાં આવ્યું અને અકસ્માત માંડ-માંડ ટળી ગયો. આ સમય દરમિયાન, અકસ્માત ટાળવા માટે વિમાને એક પછી એક ચક્કર લગાવ્યા. એરલાઇને પુષ્ટિ આપી કે સાઉથ-વેસ્ટ ફ્લાઇટ 2504 રનવે પર અન્ય વિમાનોને ટાળીને એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતરાણ કર્યું.

ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અનુસાર, બિઝનેસ જેટ પરવાનગી વિના રનવે પર પ્રવેશ્યું હતું.
ફ્લાઇટ ક્યાંથી આવી રહી હતી?

ઓમાહા, યુએસએથી સાઉથવેસ્ટ એરલાઇન્સનું બોઇંગ 737-800 રનવે 31C પર ઉતરાણ કરી રહ્યું હતું ત્યારે ફ્લાઇટ ક્રૂએ તે જ રનવે પરથી ચેલેન્જર 350 ખાનગી જેટ પસાર થતું જોયું. અધિકારીઓએ જણાવ્યું હતું કે ક્રૂએ ઝડપથી કાર્યવાહી કરી અને સંભવિત અથડામણ ટાળવામાં સફળ રહ્યા. પાઇલટ્સની તત્પરતાને કારણે બંને વિમાનો મોટા અકસ્માતથી બચી ગયા. FAA એ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.

લોસ એન્જલસમાં પણ આવી જ ઘટના

આવી જ બીજી એક ઘટનામાં, લોસ એન્જલસમાં રનવે પર અથડામણ ટળી ગઈ જ્યારે વોશિંગ્ટનમાં ગોન્ઝાગા યુનિવર્સિટીની પુરુષોની બાસ્કેટબોલ ટીમને લઈ જતું એક જેટ બીજા વિમાનના માર્ગને પાર કરવાની ખતરનાક રીતે નજીક આવી ગયું. એર ટ્રાફિક કંટ્રોલરના ઝડપી હસ્તક્ષેપથી અથડામણ ટળી ગઈ.

આ ઘટના પ્લેન-સ્પોટિંગ લાઇવસ્ટ્રીમ પર કેદ કરવામાં આવી હતી, જેમાં એર ટ્રાફિક કંટ્રોલર્સ ટીમની કી લાઈમ એર ફ્લાઇટને તાત્કાલિક રોકવાની સૂચના આપતા પણ દેખાતા હતા. જાન્યુઆરી 2023 અને સપ્ટેમ્બર 2024 વચ્ચે, નાગરિક પરિવહન અકસ્માત તપાસ માટે જવાબદાર યુએસ સરકારની તપાસ એજન્સીએ વ્યવસાયિક અથવા ભાડાની ફ્લાઇટ્સ સાથે સંકળાયેલા 13 રનવે અકસ્માતોની તપાસ કરી.

આજે મહાશિવરાત્રીના પવિત્ર સ્નાન સાથે મહાકુંભનું સમાપન

મહાકુંભમાં મહાશિવરાત્રિના દિવસે અંતિમ અને 45મા દિવસે સંતો મંત્રોચ્ચાર સાથે વિશેષ પૂજા કરશે. અંતિમ શાહી સ્નાનને લઈ પ્રસાશને પણ પૂર્વ તૈયારી પણ આદરી હતી, આ ઉપરાંત એલર્ટ કોઈ અચ્છીનિય ઘટના ન બને તે માટે એલર્ટ પણ હતા. અગાઉ મૌની અમાસે નાસભાગમાં 30 લોકોના મોત થયા હતા, તેવી કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કડક પગલાં ભરવામાં આવ્યા છે. હાલ સ્થિતિ પર નજર રાખવા માટે વિશેષ વોર રૂમ શરૂ કરાયો છે.

અંતિમ શાહી સ્નાન માટે ઉલ્હાસ
અંતિમ દિવસે શ્રદ્ધાળુઓને પ્રયાગરાજના તમામ શિવ મંદિરોમાં જવાની છૂટ અપાશે. મહાકુંભના પ્રારંભે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 45 કરોડ શ્રદ્ધાળુઓના આગમનની આશા વ્યક્ત કરી હતી, જે 11 ફેબ્રુઆરીએ જ પાર થઇ ગઈ. હાલ આંકડો 65 કરોડને પાર કરી ગયો છે. હરીદ્વાર, ઉજ્જૈન, નાસીકમાં દર ચાર વર્ષે કુંભ મેળો યોજાય છે, જ્યારે પ્રયાગરાજમાં મહાકુંભ દર 12 વર્ષે યોજાય છે. તેથી અંતિમ દિવસે પણ હજારો શ્રદ્ધાળુઓ ગંગા સ્નાન માટે ઉમટી રહ્યા છે. ત્રિવેણી સંગમ પર સતત સ્નાન ચાલી રહ્યું છે અને ઘાટ પર પગ મુકવાની જગ્યા પણ મળી રહી નથી. યુવાનો, વૃદ્ધો, શહેરી અને ગ્રામીણ શ્રદ્ધાળુઓ આ પવિત્ર ક્ષણનો લાભ લઇ રહ્યા છે.

ગિનિસ વર્લ્ડ રેકોર્ડ માટે પ્રયાસ
મહાકુંભમાં સફાઇ માટે 15,000 સેનિટેશન વર્કર્સની તૈનાતી કરવામાં આવી હતી. એક જ સ્થળે એકસાથે 15,000 લોકોને સાફસફાઈની જવાબદારી સોંપી એક અનોખો વિક્રમ સ્થાપિત થયો છે, જેની ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધ થવાની સંભાવના છે. પરિણામ 27 ફેબ્રુઆરીએ જાહેર થશે. ગિનિસ રેકોર્ડ ટીમના રિશિ નાથે જણાવ્યું કે તમામ વર્કર્સને યુનિક ક્યૂઆર કોડ આપીને તેમની કામગીરીની નોંધ રાખવામાં આવી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું કે દર વર્ષે 1.4 કરોડ લોકો મક્કા-મદિના હજ માટે જાય છે, વેટિકન સિટીમાં 80 લાખ લોકો પહોંચે છે, જ્યારે માત્ર અયોધ્યામાં 52 દિવસમાં 16 કરોડ શ્રદ્ધાળુઓ આવ્યા હતા. મહાકુંભમાં ઉમટેલા શ્રદ્ધાળુઓનો આંકડો કરોડોમાં છે, અને અન્ય ધાર્મિક સ્થળોએ પણ લાખો લોકોએ દર્શન કરી અનોખો રેકોર્ડ બનાવ્યો છે.

બર્ડ ફ્લૂનો હવે માણસોમાં ફેલાવો થયો, અમેરિકામાં 2 લોકો હોસ્પિટલમાં દાખલ

અમેરિકા: છેલ્લા કેટલાંક દિવસોથી દેશમાં બર્ડ ફ્લૂના સમાચાર સામે આવી રહ્યા છે. યુ.એસ. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)એ નિયમિત ફ્લૂ અપડેટમાં જણાવ્યું હતું કે વ્યોમિંગ અને ઓહિયોમાં બે લોકોને H5N1 બર્ડ ફ્લૂથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઓહિયોના દર્દીને રજા આપવામાં આવી છે, જ્યારે વ્યોમિંગના દર્દી હજુ પણ હોસ્પિટલમાં છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બંને દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ હતી.

રિપોર્ટ અનુસાર, યુનિવર્સિટી ઓફ સાસ્કાચેવાનના રસી અને ચેપી રોગ સંગઠનના વાયરોલોજિસ્ટ એન્જેલા રાસમુસેને જણાવ્યું હતું કે, “આ દર્શાવે છે કે H5N1 ખૂબ ગંભીર હોઈ શકે છે અને આપણે તેને હળવાશથી ન લેવું જોઈએ. મને એવા દર્દીઓમાં H5N1 વિશે ખૂબ ચિંતા થશે જેમની સારવાર હોસ્પિટલોમાં થઈ રહી છે જ્યાં ઘણા ફ્લૂના દર્દીઓ પણ છે.” તમને જણાવી દઈએ કે આ બર્ડ ફ્લૂને 15 વર્ષમાં સૌથી ખરાબ મોસમી ફ્લૂના પ્રકોપમાંથી એક માનવામાં આવી રહ્યો છે.

મરઘાં ઉછેર કરનારાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

અહેવાલ મુજબ, વ્યોમિંગના આરોગ્ય વિભાગના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વ્યોમિંગના પ્લેટ કાઉન્ટીની એક વૃદ્ધ મહિલાને બીજા રાજ્યની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેને કેટલીક અંતર્ગત સ્વાસ્થ્ય સમસ્યાઓ છે જે લોકોને આ રોગ માટે વધુ સંવેદનશીલ બનાવી શકે છે.CDC રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મહિલાને મરઘાં ઉછેરતી વખતે ચેપ લાગ્યો હતો. આ પછી તેમનો H5N1 ટેસ્ટ પોઝિટિવ આવ્યો. બીજી તરફ, ઓહિયોના આરોગ્ય વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઓહિયોના મર્સર કાઉન્ટીમાં એક વ્યક્તિ H5N1-પોઝિટિવ મરઘાં સંભાળતી વખતે ચેપગ્રસ્ત થયો હતો. અત્યાર સુધીમાં, યુ.એસ.માં અત્યંત રોગકારક એવિયન ઈન્ફલ્યુએન્ઝાના 70 કેસોની પુષ્ટિ થઈ છે. ગયા વર્ષે ગાયોમાં તે સૌપ્રથમ જોવા મળ્યું હતું.

ભગવાન પદ્મનાભનું આ સ્વરૂપ તમે જોયું છે?

હેરિટેજ સિટી પાટણ રાણ કી વાવથી પ્રસિદ્ધ છે. અહીંના પટોળાં પણ પ્રખ્યાત છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે, આ ઐતિહાસિક નગરી પાટણમાં રામનગર ખાતે એક અનોખું પદ્મનાભ ભગવાનનું મંદિર આવેલુ છે.

મંદિરમાં બિરાજમાન ભગવાન પદ્મનાભ ચાંદી ,પથ્થર કે કોઈ મૂર્તિ સ્વરૂપે નથી, પણ માટીના ઢગલા સ્વરૂપે, એ પણ નિરાકાર, પૂજાય છે. મંદિરના સંકુલમાં પદ્મનાભના મુખ્ય મંદિરની સાથે અનેક દેવી દેવતાઓના મંદિર છે અને આ તમામના સ્થાનકમાં માટીના આકાર જોવા મળે છે.

પદ્મનાભ ભગવાનનું આ  મંદિર 620 વર્ષ જુનો ઇતિહાસ ધરાવે છે. કહેવાય છે કે, ભગવાન પદ્મનાભનો જન્મ પાટણના કર્ણ પ્રજાપતિને ત્યાં થયો હતો. પાટણમાં મોગલોના સામ્રાજ્ય દરમિયાન શહેરીજનોની પીવાના પાણીની જરૂરિયાત પૂરી કરવા સરોવરનું નિર્માણ કાર્ય હાથ ધરી પાટણના તમામ સમાજના લોકોને ખોદકામ માટે બોલાવાયા હતા. પદ્મનાભ ખોદકામ માટે ગયા નહીં એટલે બાદશાહે એમને દરબારમાં બોલાવી સરોવરના ખોદકામ માટે ના આવવાનુ કારણ પૂછતાં પદ્મનાભ ભગવાને સાત ટોપલીઓ અને ખોદકામના સાધનોની માંગણી કરી. પોતાની  આધ્યાત્મિક શક્તિ વડે સરોવરનું ખોદકામ એક રાતમાં પૂર્ણ કર્યું હતું. આ ચમત્કાર બાદ બાદશાહના શરીર ઉપર પડેલા પાઠા મટાડવામાં પદ્મનાભજીએ મદદ કરી. આથી પ્રસન્ન થયેલા બાદશાહે પદ્મનાભને કઈ માંગવાનું કહેતાં ભગવાને વાડીની રચના કરવા માટે ખેડયા વગરની અને કુંવારી જગ્યાની માંગણી કરી હતી. બાદશાહે અનેક શોધખોળ બાદ સરસ્વતી નદીના પટમાં એક વિશાળ જગ્યા આપી હતી.

એ પછી ભગવાન પદ્મનાભે વાડીની રચના કરી સ્વયં માટીના ઢગ સ્વરૂપે બિરાજમાન થયા. ભગવાન પદ્મનાભની આ પવિત્ર ભૂમિ ઉપર 33 કોટી દેવતા છપ્પન કોટી યાદવો અને અઠ્યાસી હજાર ઋષિમુનિઓ માટીના ઢગ સ્વરૂપે બિરાજમાન થયા હોવાની એક લોકવાયકા છે.

આ પવિત્ર ભૂમિ પર મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન કરવા આવે છે. મંદિર પરિસરમાં કારતક મહિનામાં સપ્તરાત્રી મેળો યોજાય છે. આ મેળામાં લગ્ન થઈ ગયેલ નવદંપતીઓ પુનઃ સાત ફેરા ફરવા મંદિર પરિસરમાં આવે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)