સોમનાથ: આજે મહાશિવરાત્રિ પર્વે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ અને જૂનાગઢમાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળશે. મહાશિવરાત્રિ નિમિત્તે સોમનાથ મંદિર સતત 42 કલાક સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લુ રહેવાનું છે.
મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે સોમનાથમાં ભાવિકજનોની ભીડ જામી છે. વહેલી સવારથી જ લોકો દર્શન માટે લાઈનોમાં લાગી ગયા છે. વહેલી પરોઢે ચાર વાગ્યાથી જ લોકો દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. સોમનાથ મંદિરે પ્રાતઃ મહાપૂજા સંપન્ન કર્યા બાદ પ્રાતઃ આરતીનો પ્રારંભ કર્યો હતો. જેમાં હજારોની ભીડ જામી હતી.સોમનાથ મંદિરમાં સવારે 4 વાગ્યાથી દર્શન શરૂ થયા છે. મંદિર સતત 42 કલાક સુધી ભક્તો માટે ખુલ્લું રહેશે. સવારે 8 વાગ્યે સોમનાથ સમુદ્રકિનારે હજારો ભક્તો માટે પાર્થિવ શિવલિંગ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. ભક્તોને દર્શન અને ગંગાજળ અભિષેકનો લાભ મળે એ માટે સવારે 8થી 11 અને બપોરે 1થી 5 વાગ્યા સુધી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
સાંજનો સમય હતો. અંજલિબહેન ઘરના વરાંડામાં બેસીને, ચાની ચુસકી લઈ રહ્યાં હતા. એમના માટે આજનો દિવસ ખાસ હતો, કારણ કે આજે એમને કારકિર્દીનો એટલે કે નોકરીનો અંતિમ દિવસ ગાળ્યો. સાડા ત્રણ દાયકાથી વધુ સમય સુધી એક મોટી કંપનીમાં હિસાબ વિભાગ સંભાળ્યા પછી, આજે એ રિટાયર થઈ રહ્યા હતા. ઓફિસમાં બધા સહકાર્યકરો અને જૂના મિત્રો મળીને એમને વિદાય આપી ગયા.
સાથે જ, ઘણા પ્રશ્નો મનમાં ઊઠતા હતા. હવે પછી શું? કારણ કે સવારના 9 વાગે ઓફિસ પહોંચી જવું, ઈમેલ ચેક કરવા, લોકોને ગાઈડ કરવા, અનેક મીટિંગ જેવા અનેક કામ આખો દિવસ પહોંચે.
હવે રિટાયરમેન્ટ પછી શું કરવું? દિવસની શરૂઆત તો થશે, પણ એ પછી શું?
આવા અનેક સવાલો સાથે રાત્રે માંડ આંખ મીંચાઈ, બીજે દિવસે વહેલી સવારે ઉઠવા માટે એલાર્મ લગાવવાની જરૂર નહોતી, પરંતુ ટેવ મુજબ 6 વાગ્યે જ આંખ ખુલી ગઈ. ચા બનાવી, નાસ્તો કર્યો, અને વિચાર્યું હવે સમય પસાર કરવા શું કરવું? અગાઉ તો રવિવાર કે રજાના દિવસમાં પણ કોઈને કોઈ પેન્ડિંગ કામ હોય જ. આજે બધું શાંત હતું, પણ આ શાંતિ એક અજાણી ખાલીપો પણ લઈને આવી હતી.
અંજલિબહેન વિચારતા રહ્યાં કે મારે જીવનમાં નવું કંઈક કરવું જ પડશે. કેટલાક દિવસો વિતી ગયા. ઘરના કામ, પરિવાર માટે સમય, ધાર્મિક પ્રવૃત્તિઓ બધું ચાલુ હતું, છતા પણ કંઈક ખૂટતું હતું. એક દિવસ એ જૂના ફોટા જોઈ રહ્યા હતા. એમની નજર એક ફોટા પર પડી, જેમાં એ યુવાન વયે પેઈન્ટિંગ કરતા હતા. બસ પછી શું અંજલિબહેને નક્કી કરી લીધું કે કામકાજ, અને નોકરી દરમિયાન જે પ્લાન અધુરા રહ્યા છે એ હવે પુરા કરીશ. એટલે કે પોસ્ટ રિટાયરમાં જે શોખ, સપના પાછળ છુટી ગયા હતા એ હવે જીવશ, કેમ કે રિટાયરમેન્ટ, એ જીવનનો અંત નહીં નવા જીવનની શરૂઆત છે.
શોખ- નવો ઉત્સાહ..
કામના દાયકાઓ પછી, જયારે જીવનને એક નવી દિશા આપવાનો સમય આવે છે. ત્યારે ઘણીવાર મહિલાઓ એમ વિચારે કે હવે હું શું કરીશ. કેટલી સ્ત્રીઓએ રિટાયરમેન્ટનો પ્લાન બનાવ્યો હોય છે. રિટાયરમેન્ટ પછી પુસ્તક વાંચન, યોગ, બાગાયત કે નાટ્યકલાકૃતિઓ જેવા શોખ જીવવાનો એક ઉત્તમ સમય છે. કેટલાક લોકો માટે આ સમય એમની અનુભૂતિના આધારે લેખન, શિક્ષણ કે પરામર્શકાર્યમાં પોતાને જોડવાનો હોય છે. એવા પણ અનેક ઉદાહરણો છે, જ્યાં લોકો આ અવસરમાં પ્રેરણાદાયક પ્રવૃત્તિઓ શરૂ કરીને સમાજ માટે કંઈક સારું કરવા પ્રયત્ન કરે છે.
ચિત્રલેખા.કોમ સાથે વાત કરતાં રાજકોટની HTAT આચાર્ય ફાલ્ગુનીબહેન યાદવ જણાવે છે, “જોબ, ઘરની જવાબદારીઓ અને દૈનિક કાર્યોમાં હું એટલી વ્યસ્ત રહી ગઈ કે મારા માટે શું કરવું જોઈએ, એ વિશે કદી વિચાર જ ન કર્યો. જીવનની દોડધામ વચ્ચે પોતાને માટે સમય કાઢવો મુશ્કેલ હતો, પરંતુ જ્યારે પણ થોડો સમય મળે, ત્યારે હું યોગ સાધના અવશ્ય કરું છું. એ મનને શાંતિ આપે છે અને શારીરિક તંદુરસ્તી જાળવી રાખે છે. મારી હંમેશાં ઈચ્છા રહી છે કે હું જીવનની જવાબદારીઓ પૂર્ણ કર્યા પછી આધ્યાત્મિક યાત્રાઓ પર જાઉં.” ખાસ કરીને, યોગ અને ધ્યાન આધારિત ધાર્મિક સ્થળોએ જવાની ઈચ્છા વ્યક્ત છે, જ્યાં મન અને શરીર બન્નેને શાંતિ અને ઉર્જા મળી રહે.”
નવા સફરની શરૂઆત
જિંદગીમાં રોજિંદા કામોમાં એટલા ગુમ થઈ ગયા છીએ કે ક્યારેક પોતાનું પણ સમીક્ષણ કરવું જરૂરી હોય છે. નિવૃત્તિ પછી માત્ર ઘરની ચારેકોર સીમિત રહેવાની જગ્યાએ નવી સફર શરૂ કરવાનો ધ્યેય રાખવો જોઈએ.
બેંકમાં કેશીયર તરીકે કામ કરતા રિટાબહેન મિનેષભાઈ દેસાઈ ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે કે, કોલેજ પાસ થયા પછી મને તરત જ નોકરી મળી ગઈ, હવે તો બે બે દિવસ પછી એટલે કે 28 ફેબ્રુઆરીએ હું નિવૃત પણ થઈશ. જો કે નોકરીના કારણે મારે ઘણા શોખને જાકોરો આપવો પડ્યો, તો ઘણીવાર બાળકોને યોગ્ય રીતે સમય ન આપી શકવાનો પણ વસવસો છે. રોજનું ફિક્સ શિડ્યુલ રહ્યું. પોતાના વિશે વિચારવાનો સમય જ ન મળ્યો. જો કે રિટાયર થયા પછી પોતાના માટે જીવવાનું શરૂ કરીશ. નોકરી દરમિયાન પણ મારે નવા સંબંધ બન્યા છે. હું એક એનજીઓ સાથે પણ જોડાયેલી છું પરંતુ એમાં જરૂર પ્રમાણે સમય ન આપવાનો મને રંજ હતો, હવે એ દૂર થશે. હું મારી રિટાયર લાઈફ ખુબ મજાથી જીવીશ મારી સાથે મારા લોકો માટે પણ. ખુબ સેવાના કાર્યો કરવાની ઇચ્છા છે એ પુરી કરીશ.
અનેક ઇચ્છાઓ પુરી કરવાનો અવકાશ
વ્યસ્ત કારકિર્દીના દોરમાં કેટલાય સંબંધો દૂરસ્થ થઈ જાય છે. રિટાયરમેન્ટ એ એવો સમય છે, જ્યાં કુટુંબ અને સ્નેહીજનો સાથે વધુ સમય ગાળવાનો અવકાશ મળે છે. પૌત્ર-પૌત્રીઓ સાથે રમવાનો આનંદ મળે છે, પરિવાર સાથે મુસાફરી, તહેવારો અને રોજિંદી ક્ષણો વધુ નજીકથી માણી શકાય છે. જે સંબંધો વ્યસ્ત જીવનમાં પાછળ રહી ગયેલા હોય, એમને ફરીથી જીવંત કરવા માટે આ શ્રેષ્ઠ તબક્કો છે.
અમદાવાદના જાણીતા બેકિંગ એન્ડ પેસ્ટ્રી શેફ ઉર્વશી જૈન ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે, “મારા માટે દિવસના ૨૪ કલાક પણ ઓછા લાગે! એ હકીકત છે કે મારુ જીવન સતત દોડધામ ભર્યું છે. વ્યવસાયના દાયિત્વો, પરિવારની જવાબદારીઓ અને પોતાની અંગત ઈચ્છાઓ વચ્ચે સંતુલન સાધવું એ એક પડકાર જેવુ લાગે, બાળકોના ભવિષ્ય માટે સતત જાગૃત રહેવું પડે, કોઈ દિવસ ઓર્ડરની ડેડલાઈન હોય તો કોઈ દિવસ નવી પ્રોડક્ટ લૉન્ચ કરવાની તૈયારીમાં જવું પડે. રજા હોય કે કામકાજનો દિવસ, સતત ચુસ્ત શેડ્યૂલ પ્રમાણે જ જીવવું પડે. અલબત્ત હજુ તો મારે નિવૃતીમાં ઘણો સમય છે, એમ પણ કહી શકાય કે મારા કામમાં તો રિટાયરમેન્ટ જેવુ કશુ હોય જ નહીં. છતા ઉંમરના અમુક પડાવ પછી બધુ સેટ થઈ જાય તો તમે પણ રિલેક્શ થઈ પોતાના સપનાને પાંખ આપી શકો, કામના કારણે પાછળ છુટી ગયેલી અનેક ઇચ્છાઓ પુરી કરવાનો પણ અવકાશ મળે. મારે તો ઘણું બધુ વાંચવું છે, ઘણું બધુ ફરવું પણ છે. જોઈએ આગળ જીવન ક્યાં લઈ જાય છે.”
રિટાયર થયા પછીનો સમય એ મહિલાઓ માટે એક નવી પહેલ છે, જ્યાં એમના વ્યસ્ત દિવસો પાછળ રહી જાય છે અને નવા જીવનની શરૂઆત થાય છે. કેટલીક મહિલાઓ, ઉદ્યોગ સાહસિક મિજાજ ધરાવતી હોય, તેઓ પોતાના અનુભવનો ઉપયોગ કરી નવો બિઝનેસ શરૂ કરે છે.
જ્યારે અન્ય મહિલાઓ પોતાના અધૂરા શોખ જીવંત કરે છે – કોઇને ગીત ગાવાની ઇચ્છા હોય છે, તો કોઇને પેઈન્ટિંગ, ડાન્સ અથવા અન્ય હસ્તકલા શીખવાની. આ અવધિમાં ઘણી મહિલાઓ કીટી પાર્ટી, વુમન ક્લબ અને સામાજિક ગતિવિધિઓમાં જોડાય છે, જ્યાં તેઓ સમાન વિચારધારા ધરાવતી અન્ય મહિલાઓ સાથે મિત્રતા બાંધે છે. ટૂંકમાં રિટાયરમેન્ટ એટલે પૂર્ણવિરામ નહીં, પણ એક નવી ઉર્જાથી ભવિષ્ય ઘડવાનો એક મોકો!
સુરત શહેરમાં ફરી એક વખત આગની ઘટના બની છે. શહેરમાં આવેલા શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં આગ લાગી છે અને આગની આ દુર્ઘટનામાં એક યુવકનું મોત થયું છે. સુરત શહેરના રિંગ રોડ વિસ્તારમાં આવેલા શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં આગ લાગવાની ઘટના સર્જાઇ હતી. જેના લીધે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ચાલુ દિવસ અને પીક અવર હોવાથી માર્કેટમાં લોકોની ભારે ભીડ હતી.
આગની લાગવાના સમાચાર મળતાં લોકોએ પોતાનો જીવ બચાવવા માટે દોડધામ કરી હતી. આગના કારણે ભારે ધુમાડાને ગોટેગોટા જોવા મળ્યા હતા. આ ઘટનામાં ગૂંગળામળના લીધે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જોકે એ.સી. કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં આગ લાગી હોવાનો કોલ મળતાં ફાયર બ્રિગેડની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. બેઝમેન્ટમાં આવેલી ચારથી પાંચ દુકાનોમાં આગ પ્રસરી ગઇ હતી. ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવવા માટે સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
માર્કેટનો સમય હોવાના કારણે ખૂબ મોટી સંખ્યામાં લોકો માર્કેટની અંદર હતા, કહેવામાં આવી રહ્યું છે બેઝમેન્ટમાં 50 જેટલા લોકો હાજર હતા, જો કે સમયસુચકતા વાપરીને તેઓ બહાર આવી ગયા અને કમનસીબે 1 વ્યક્તિનું ધુમાડામાં ગૂંગળાઈ જતા મોત થયું છે.
અમદાવાદ: 26 ફેબ્રુઆરીના રોજ અમદાવાદનો સ્થાપના દિવસ છે. આ સાથે મહા શિવરાત્રિનો મહા પર્વ પણ છે. અમદાવાદ શહેરના સ્થાપના બાદ એટલે કે, 614 વર્ષ બાદ નગરદેવી ભદ્રકાળી માતા પ્રથમ વખત નગરયાત્રાએ નીકળવાના છે. 6.25 કિ.મી. લાંબી નગરયાત્રામાં લાખોની સંખ્યામાં માઈભક્તો ઊમટશે. સવારે 7:30 વાગ્યે પ્રસ્થાન થનારી નગરયાત્રા સૌથી શહેરના જૂના વિસ્તારમાં ફરવાની છે.
અમદાવાદમાં ઘણા વર્ષો બાદ નગરદેવી ભદ્રકાળીની નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે 26 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના સ્થાપના દિવસે જ માતા ભદ્રકાળીએ નગરયાત્રા પર નીકળશે. ભદ્ર પરિસરમાં આવેલા માતાજીના પંજાની આરતી અને પૂજા થશે. ત્યારબાદ માતાજીની પાદુકા રથમાં મૂકવામાં આવશે. અમદાવાદના નગરપતિ એટલે કે, મેયર દ્વારા પહિંદ વિધિ કરવામાં આવશે, જેમાં મોરપીંછથી રસ્તો વાળી માતાજીની નગરયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવશે. ભદ્રકાળીની આ નગરયાત્રા કોટ વિસ્તારમાંથી પસાર થશે. તમામ સ્થાનો પર ભાવિક ભક્તોએ માતાનું પુષ્પ અર્પણ કરી ઢોલનગારા વગાડી સ્વાગત કરશે. યાત્રાના રૂટમાં માણેકચોક, ગુરુ માણેકનાથજી સમાધિ સ્થળ, AMC ઓફિસ અને જગન્નાથ મંદિર જેવા મહત્વના સ્થળોનો સમાવેશ થાય છે. યાત્રા દરમિયાન સવારથી જ પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. નગરયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયા બાદ અમદાવાદના ભદ્રકાળી મંદિરમાં હવનનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
આવતીકાલે આ રોડ બંધ રહેશે
યાત્રાને લઈને કાલે સવારે 7 વાગ્યાથી ભદ્રકાળી મંદિરથી ત્રણ દરવાજા, માણેકચોક, માંડવીની પોળ થઈને મ્યુનિસિપલ કોર્પોરેશન, ખમાસા જમાલપુર દરવાજા જગન્નાથ મંદિર, ગાયકવાડ હવેલી, રિવરફ્રન્ટ મહાલક્ષ્મી મંદિર, લાલ દરવાજા વીજળી ઘર તરફના તમામ રસ્તાઓ વાહનોની અવરજવર માટે બંધ રહેશે. યાત્રા પસાર થઈ ગયા બાદ રસ્તા નાગરિકોની અવરજવર માટે ખુલ્લા મૂકી દેવામાં આવશે. સાથે લાલ દરવાજા ભદ્ર બજાર, માણેકચોક સોની બજાર સહિતનાં બજારો બપોર સુધી બંધ રહેશે.
ઉલ્લેખનીય છે કે, કર્ણાવતી નગરને વસાવનાર રાજા કર્ણદેવ હતા અને તેમનાં કુળદેવી ભદ્રકાળી માતાજી હતાં. રાજા કર્ણદેવે માતા ભદ્રકાળીની સ્થાપના કરી હતી, જેથી તેને નગરદેવી તરીકે કહેવામાં આવ્યાં છે. લોકવાયકા મુજબ 614 વર્ષ પહેલાં કર્ણાવતી નગર હતું, ત્યારે માતાજીની નગરયાત્રા નીકળતી હતી. જે સમયથી મોગલકાળ શાસન શરૂ થયું, ત્યારથી આ નગરયાત્રા બંધ થઈ ગઈ હતી.
મુંબઈ: ગોવિંદા અને તેની પત્ની સુનિતા આહુજા ડિવોર્સના સમાચારને કારણે હેડલાઇન્સમાં છે. મંગળવારે સવારે એવી અફવા ફેલાઈ હતી કે ગોવિંદા અને સુનિતા 37 વર્ષના લગ્નજીવન પછી અલગ થઈ રહ્યા છે. જોકે આ દંપતીએ હજુ સુધી આ અફવાઓ પર કોઈ ટિપ્પણી કરી નથી, પરંતુ અભિનેતાની ભાણી આરતી સિંહે આ અહેવાલોને પાયાવિહોણા ગણાવીને રદિયો આપ્યો છે.
આરતીએ ન્યૂઝ18 ને જણાવ્યું કે તે શહેરમાં નથી, પરંતુ તે વિશ્વાસપૂર્વક કહી શકે છે કે ગોવિંદા અને સુનિતાના છૂટાછેડાના અહેવાલો પાયાવિહોણા છે. આરતીએ કહ્યું કે વર્ષોથી તેઓએ ખૂબ જ મજબૂત અને પ્રેમાળ સંબંધ બનાવ્યો છે, તો પછી તેઓ છૂટાછેડા કેવી રીતે લઈ શકે? મને ખબર નથી કે લોકો આવી અફવાઓ ક્યાંથી મેળવે છે? આ બિલકુલ ખોટું છે.
અફવાઓ બિનજરૂરી તણાવ પેદા કરે છે
આરતીએ વધુમાં કહ્યું કે લોકોએ કોઈના પણ અંગત જીવન વિશે ખોટી માહિતી ફેલાવવાનું ટાળવું જોઈએ. મારા છૂટાછેડા વિશે ઘણી અફવાઓ પણ ફેલાઈ હતી. આવી પાયાવિહોણી ગપસપ બિનજરૂરી તણાવ પેદા કરે છે.
સુનિતાના નિવેદનને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યું હતું.
ગોવિંદાના સેક્રેટરી શશી સિંહાએ તેમના છૂટાછેડાના સમાચારને નકારી કાઢ્યા છે. તેમણે એબીપીને જણાવ્યું કે આ આખો મામલો ઉપજાવી કાઢવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આ અહેવાલોમાં કોઈ સત્ય નથી. હું હંમેશા ગોવિંદા સાથે રહું છું અને એવું કંઈ નથી. સુનિતાએ ઇન્ટરવ્યુ આપ્યો હશે અને કોઈએ તેની વાત તોડી-મરોડીને રજૂ કરી હશે, તેથી જ આવા સમાચાર આવ્યા છે.
સુનિતાનો ઇન્ટરવ્યુ શું હતો?
તાજેતરમાં સુનિતાએ કહ્યું હતું કે ગોવિંદા અને હું એક જ છત નીચે રહેતા નથી. તેણીએ કહ્યું કે તે તેના બાળકો સાથે ગોવિંદાના એપાર્ટમેન્ટની સામેના બંગલામાં રહે છે. તેણે એમ પણ કહ્યું કે ગોવિંદા ખૂબ જ વ્યસ્ત હોવાથી આવું થયું. તે ઘણીવાર રાત્રે આવે છે.
અમદાવાદ: દર વર્ષે 21 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવતો ‘આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ’ ભાષાકીય અને સાંસ્કૃતિક વિવિધતા અને બહુભાષીતાને પ્રોત્સાહન આપે છે. આ દિવસની ઉજવણીના ભાગરૂપે DPS ઇસ્ટ અને કેલોરેક્સ ઘાટલોડિયાના વિદ્યાર્થીઓ પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને દેશભરમાં બોલાતી વિવિધ ભાષાઓનું પ્રતિનિધિત્વ કરતા પ્લેકાર્ડ પ્રદર્શિત કર્યા હતા. આ કાર્યક્રમમાં એકતા અને સાંસ્કૃતિક ગૌરવને પ્રોત્સાહન આપતી વખતે માતૃભાષાઓનું સંરક્ષણ કરવાના મહત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો અને ભારતની સમૃદ્ધ ભાષાકીય વિવિધતા પણ દર્શાવવામાં આવી હતી.આ ઉજવણીઓએ યાદ અપાવ્યું હતું કે ભાષા માત્ર વાતચીત કરવાનો માર્ગ નથી, પરંતુ ઇતિહાસ, વારસો અને સહિયારા મૂલ્યો માટેનો સેતુ છે. યુનેસ્કો દ્વારા સૌપ્રથમ 17 નવેમ્બર, 1999ના રોજ તેની જાહેરાત કરવામાં આવી હતી અને 2002માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા તેને ઔપચારિક રીતે માન્યતા આપવામાં આવી હતી.