Home Blog Page 1135

દાડમની ખેતીમાં મોરબીનો ડંકો, સૌરાષ્ટ્રનો પ્રથમ જિલ્લો બન્યો

રાજકોટ: મોરબી એક એવું શહેર છે જે જળ હોનારત, ભૂકંપ જેવી અનેક કુદરતી આફતોમાં મોટી ખુવારી વેઠ્યા બાદ ફરી ખુમારીથી બેઠું થયું છે. આ ધરતીના લોકો વિનાશ જોયા બાદ હિંમત હાર્યા વિના કંઈક નવું કરીને દુનિયાને પોતાની તાકાતનો પરિચય આપે છે. એક સમયે મોરબી જિલ્લાના ખેડૂતો કપાસ, ઘઉં, ચણા જેવા પરંપરાગત પાક જ લેતા હતા. હળવદ પંથકની જમીન તો એક સમયે ઉજ્જડ હતી. સિંચાઈની પૂરતી સુવિધાના અભાવે કેટલાંક ખેડૂતો પાક લઈ શકતા નહોતા. પરંતુ છેલ્લાં થોડાં સમયથી નર્મદાનું પાણી મળતું થયું અને પ્રગતિશીલ ખેડૂતોએ આધુનિક પદ્ધતિથી બાગાયતી ખેતી શરૂ કરીને ક્રાંતિ કરી છે. આજે દાડમની ખેતીમાં મોરબી જિલ્લાએ સૌરાષ્ટ્રમાં પ્રથમ અને ગુજરાતમાં ત્રીજું સ્થાન મેળવી લીધું છે.ગુજરાતનો ખેડૂત ખેતીમાં સતત પરિવર્તન લાવીને પોતાની આવક વધારવા મહેનત કરી રહ્યો છે. ગુજરાત સરકાર પણ આધુનિક ખેતીને પ્રોત્સાહન આપી રહી છે. ખાસ કરીને બાગાયતી ખેતીના વિકાસમાં સરકાર વધુ રસ લઈ રહી છે. કૃષિ મંત્રાલયે ૧૯૯૧થી અલગ બાગાયતી વિભાગની રચના પણ કરી છે, જે અંતર્ગત અનેક યોજના જાહેર કરવામાં આવી છે.

આજે ગુજરાતમાં આશરે 23 લાખ હેક્ટર જમીનમાં બાગાયતી પાક લેવાય છે. ફળો અને શાકભાજીનાં વાવેતર હેઠળનો વિસ્તાર સતત વધે એ માટે ખેડૂતોને તાલીમ પણ અપાય છે. વાવેતરથી લઈને બજારમાં વેચવા લાવવા સુધીની વ્યવસ્થા માટેના ખર્ચમાં સબસિડી રૂપે આર્થિક સહાય અપાય છે, જેનું સારું પરિણામ પણ મળી રહ્યું છે.મોરબી અલગ જિલ્લો બન્યો ત્યારથી 4500 હેક્ટરમાં દાડમની ખેતી થાય છે. હળવદ તાલુકામાં 3800 હેક્ટરમાં દાડમનો પાક લેવામાં આવે છે. વાર્ષિક આશરે 50 હજાર ટન દાડમ મોરબી જિલ્લામાં પાકે છે. કચ્છ અને બનાસકાંઠા બાદ મોરબી જિલ્લો દાડમના ઉત્પાદનમાં ત્રીજો છે. કચ્છ અને બનાસકાંઠાની જેમ હળવદ પંથકનું સૂકું હવામાન દાડમના પાકને અનુકૂળ છે. રાજકોટ, જામનગર જિલ્લામાં પણ દાડમની ખેતી છૂટીછવાયી થાય છે, પણ હળવદ જિલ્લો એક પોકેટ તરીકે ઊભરી રહ્યો છે. અહીં ઈશ્વરનગર, જૂના દેવળિયા, રણમલપુર, ધણાદ સહિતનાં ગામોના ખેડૂતોએ દાડમની ખેતી અપનાવીને આવકને બમણી કરી છે.કોઈ પણ નવા પાકમાં ઉત્પાદન મળે પછી એના વેચાણની સમસ્યા મોટી હોય છે, પરંતુ મોરબી જિલ્લામાં દાડમનો પાક તૈયાર થાય એટલે મોટા વેપારીઓ સીધા ખેતરે આવીને ભાવ નક્કી કરીને માલ લઈ જાય છે. કેટલાંક ખેડૂતો માલનું સોર્ટિંગ અને પૅકિંગ પણ વાડીએ જ કરે છે. એટલું જ નહીં, હળવદ આસપાસ પાંચ ખાનગી માર્કેટ યાર્ડ ઊભાં કરવામાં આવ્યાં છે. ખેડૂતો આ યાર્ડમાં જઈને સરળતાથી દાડમ સહિતના પાકો વેચે છે. જાણીને નવાઈ લાગશે કે મોરબી જિલ્લામાંથી દિલ્હી, બેંગલુરુ, હૈદરાબાદ, મુંબઈ, લખનઉ સહિતનાં શહેરોમાં દાડમ જાય છે. જ્યારે સંયુક્ત આરબ અમીરાત (UAE), મલયેશિયા, બાંગ્લાદેશ, નેપાળ સહિતના દેશોમાં મોરબી પંથકનાં દાડમની નિકાસ કરવામાં આવી રહી છે.

ઈશ્વરનગર ગામના યુવા ખેડૂત ભરત માકાસણાએ એમ.બી.એ.નો અભ્યાસ છોડીને વતનમાં દાડમની ખેતી શરૂ કરી છે. એ ચિત્રલેખાને કહે છે, “અમારા વડીલો કપાસ, મગફળી, ચણા, ઘઉં જેવા પરંપરાગત પાક લેતા હતા. પણ હવે નવા વિચારો સાથે આધુનિક ખેતી કરવામાં આવે તો ખૂબ સારાં પરિણામ મળે છે. મેં એક દસકા પહેલાં 16 વીઘાં જમીનમાં દાડમની ખેતી ચાલુ કરી હતી, આજે 65 વીઘાંમાં દાડમ છે. દાડમના રોપા આણંદથી લાવીને રોપ્યા છે. વાર્ષિક 150 ટન જેટલું ઉત્પાદન મળે છે. હાલ ભાવ પણ સારા એટલે કે કિલોના 100થી 120 રૂપિયા મળે છે.’

આ યુવા ખેડૂત ઉમેરે છે કે દાડમની ખેતી થકી વર્ષે અંદાજે 60 લાખ રૂપિયાની ઊપજ થાય છે. રોપણીના વર્ષે છોડ નાનો હોય ત્યારે મિશ્ર પાક તરીકે કપાસ કે મગફળી લઈ શકાય છે. જેથી ખેડૂતને એક વર્ષ માટે ડબલ ફાયદો મળે છે. ગુજરાત સરકાર બાગાયતી ખેતીમાં રોપા, ડ્રીપ ઈરિગેશન અને મિનિ ટ્રૅક્ટર ખરીદવા સબસિડી આપે છે. હળવદ પંથકના વધુ ને વધુ ખેડૂતો દાડમ તરફ વળી રહ્યા છે. નર્મદાનું પાણી મળ્યા બાદ દાડમની ખેતીએ આ વિસ્તારની આર્થિક સિકલ બદલી નાખી છે.

આ જ ગામના અન્ય ખેડૂત પ્રફુલ્લભાઈ રાજપરા ચિત્રલેખાને કહે છે: ‘મારી 90 વીઘાં જમીનમાંથી 45 વીઘાંમાં દાડમની ખેતી કરું છું. થોડાં વર્ષ અગાઉ સ્થાનિક બાગાયતી અધિકારી અમને મુંબઈમાં બાગાયત કૃષિના એક સેમિનારમાં ભાગ લેવા લઈ ગયા હતા. ત્યાં દાડમની ખેતી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દાડમની ખેતી માટે અનુકૂળ હવામાન હોવાથી અમે એ તરફ વળ્યા. આજે એનાં ખૂબ સારાં પરિણામો મળ્યાં છે. સારું ચોમાસું અને વાતાવરણ અનુકૂળ રહે તો વર્ષે મને 70 થી 80 લાખ રૂપિયાની આવક થાય છે. અહીંના દાડમની ગુણવત્તા સારી હોવાથી બાંગ્લાદેશ, નેપાળ સહિતના દેશોમાં નિકાસ થાય છે. સ્થાનિક મજૂરોને પણ સારી રોજગારી મળી રહી છે.’બાગાયતી ખેતીને પ્રોત્સાહન આપવા ગુજરાત સરકાર અમુક યોજના હેઠળ ખેડૂતોને મદદ કરી રહી છે. કૃષિ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ કહે છે: ‘ગુજરાતનો ખેડૂત આજે અનેક ફળફળાદી-શાકભાજીનો પાક લેતો થયો છે. ગુજરાતમાં ગુણકારી દાડમના પાકનું વાવેતર સતત વધી રહ્યું છે. દાડમના પાકમાં સામાન્ય કૅટેગરી, અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના ખેડૂતને એના ખર્ચના પંચાવન ટકાથી 75 ટકા લેખે પ્રતિ હેક્ટર સહાય ચૂકવવામાં આવે છે. આ સહાય ત્રણ વર્ષમાં તબક્કાવાર ચૂકવવામાં આવે છે. વધુમાં વધુ ચાર હેક્ટરની મર્યાદામાં પ્રતિ લાભાર્થીને સહાય ચૂકવવામાં આવે છે. આ સહાયને કારણે ખેડૂતો વધુ આવક મેળવે એવો હેતુ છે.’મોરબી જિલ્લાના મદદનીશ બાગાયતી અધિકારી બ્રિજેશ જેઠલોજા કહે છે, ‘દાડમને ગોરાડું અને મધ્યમ કાંપની જમીન તથા સૂકું હવામાન અનુકૂળ આવે છે, જે મોરબી જિલ્લામાં હળવદ અને આસપાસના પંથકમાં છે. ખેડૂતોને દાડમની ખેતીમાં એક હેક્ટરદીઠ એક લાખનો અંદાજિત ખર્ચ ગણીને એમને સબસિડી રૂપે સરકાર ચુકવણું કરે છે. એ ઉપરાંત, ખેડૂતોને તાલીમ અને રોપા મેળવવા માટે વિભાગ દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે.’

(દેવેન્દ્ર જાની – રાજકોટ)

મહાકુંભને લઈને CM યોગી વિપક્ષ ઉપર વરસ્યા

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોમવારે વિધાનસભામાં રાજ્યપાલના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપતા સમાજવાદી પાર્ટી પર પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે મહાકુંભમાં જેણે જે શોધ્યું તેને તે મળ્યું. વિપક્ષ પર નિશાન સાધતા સીએમ યોગી આદિત્યનાથે કહ્યું, સમાજવાદી પાર્ટીમાં સનાતન માટે કોઈ માન નહોતું, તેથી જ તેમણે તેમની સરકારમાં કુંભનો હવાલો બિન-સનાતાનીને આપ્યો, જ્યારે હું પોતે આ ઘટના પર નજર રાખતો રહ્યો. એટલા માટે તેમણે મહાકુંભમાં ગંદકી અને વિવિધ ભાવ જોયા.

તેમણે કહ્યું, કોઈએ સાચું કહ્યું છે કે મહાકુંભમાં, જેણે પણ જે પણ શોધ્યું, તેને તે મળ્યું. ગીધને ફક્ત મૃતદેહો મળ્યા, ભૂંડને ગંદકી મળી, સંવેદનશીલ લોકોને સંબંધોનું સુંદર ચિત્ર મળ્યું, શ્રદ્ધાળુઓને સદ્ગુણ મળ્યું, સજ્જનોને સજ્જનતા મળી અને ભક્તોને ભગવાન મળ્યા. પોતાના સંબોધન દરમિયાન સીએમ આદિત્યનાથે કહ્યું, વિપક્ષના નેતા હવે સમાજવાદીથી સનાતની બની ગયા છે. એ જોઈને સારું લાગ્યું કે તેમણે પોતાના સભ્યોને સનાતન વિશે પણ પૂછપરછ કરી.

તેમણે કહ્યું કે મહાકુંભની ચર્ચા થઈ હતી. ઘણી બધી વાતો કહેવામાં આવી. અયોધ્યા વિશે ચર્ચા થઈ. તમે મહાકુંભનો સ્વીકાર કર્યો તે સારું થયું. અયોધ્યા સ્વીકારાઈ ગઈ. સનાતન સ્વીકાર્યું. અહીં માન્યતા એ છે કે જ્યારે કોઈ સમાજવાદી છેલ્લા પગથિયે ઊભો હોય છે, ત્યારે તેને ધર્મ યાદ આવે છે. તેમણે કહ્યું કે આ વખતે તમે મહાકુંભમાં ગયા, ત્યાં સ્નાન કર્યું અને વ્યવસ્થાની પણ દિલથી પ્રશંસા કરી. તમે સ્વીકાર્યું કે જો મહાકુંભમાં વિશ્વ કક્ષાની વ્યવસ્થા ન હોત, તો અત્યાર સુધી 63 કરોડ ભક્તો આવ્યા ન હોત.

સીએમ યોગી આદિત્યનાથે કહ્યું, આ વખતે વિપક્ષના નેતાને વાંધો હતો કે ભાજપે પોતાના લોક કલ્યાણ સંકલ્પ પત્ર અને રાજ્યપાલના સંબોધનમાં મહાકુંભને વૈશ્વિક સ્તરનો કાર્યક્રમ બનાવવાનો ઉલ્લેખ કેમ કર્યો. જો મહાકુંભમાં વિશ્વ કક્ષાની સુવિધાઓ ન હોત, તો અત્યાર સુધી 63 કરોડથી વધુ ભક્તો તેમાં ભાગ ન લીધો હોત. હવે 26 ફેબ્રુઆરી સુધીમાં આ સંખ્યા 65 કરોડને પાર કરી જશે. હું ભારતમાં જન્મેલા દરેક મહાન વ્યક્તિનો આદર કરું છું.

મેનેટરનીટી CCTV લીક મામલો વિધાનસભામાં ગૂંજ્યો, વિપક્ષના સવાલ પર સરકારના જવાબ

રાજકોટની એક ખાનગી મેટરનિટી હોમના મહિલા દર્દીઓની પ્રાઈવસી ભંગ થવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. CCTV ફૂટેજના વીડિયો યુટ્યુબ અને ટેલીગ્રામ ચેનલ પર અપલોડ થતા હડકંપ મચી ગયો છે. વિધાનસભામાં કોંગ્રેસે આ મુદ્દે 166 હેઠળ તાકીદીની જાહેર અગત્યની બાબત ઉઠાવી, જેના પર રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું.

ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની પ્રાઇવસીનો ભંગ થતાં જાહેર જનતામાં ભારે રોષ ફેલાયેલ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ગૃહ રાજ્યમંત્રીએ નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘આ મામલે અમદાવાદ શહેરની સોશિયલ મીડિયા મોનીટરીંગ સેલ ટીમ દ્વારા 17 ફેબ્રુઆરી, 2025ના રોજ સોશિયલ માડિયામાં યુટ્યુબ ચેનલ પર હોસ્પિટલના ચેક-અપ રૂમના મહિલા દર્દીની સારવારના વીડિયો અપલોડ કરેલ હોવાનું ધ્યાને આવતા અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ધી આઇ.ટી. એક્ટની કલમ-66 (ઇ), 67હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે. તપાસમાં આ ગુનાને ગંભીરતાથી લઈ સી.સી.ટી.વી. તથા સોશિયલ મીડિયાના ફુટેજ એનાલીસીસ કરતાં આ સી.સી.ટી.વી. ફૂટેજ પાયલ મેટરનીટી હોમ, રાજકોટના હોવાનું ધ્યાને આવ્યું છે. તેમજ યુટ્યુબ તથા ટેલીગ્રામ ચેનલના ક્રિએટર ગુજરાત રાજય બહારના હોવાનું જાણવા મળેલ, જેમાં બે અલગ-અલગ ટીમ મહારાષ્ટ્ર રાજયના લાતુર જિલ્લાના સાંગલી ખાતે તથા ઉત્તર પ્રદેશ રાજયના પ્રયાગરાજ જિલ્લાના ભીંસ ખાતે તપાસ માટે તાત્કાલિક રવાના કરવામાં આવી હતી.

પોલીસ ધ્વારા કરવામાં આવેલી કાર્યવાહી મુદ્દે તેમણે જણાયું કે તપાસ માટે રવાના થયેલ પોલીસની બન્ને ટીમો દ્વારા 1300 કિ.મી.નું અંતર કાપી કુલ-3 સંદિગ્ધ ઇસમો, જેમાં મહારાષ્ટ્રમાંથી બે અને ઉત્તર પ્રદેશમાંથી એકને માત્ર 36 કલાકમાં પકડી પાડેલ છે. પ્રાથમિક પૂછપરછ કરતાં આ ત્રણેય ઈસમો હેકર્સ દ્વારા અલગ-અલગ રાજયની હોસ્પિટલો તથા અન્ય જાહેર જગ્યાના સી.સી.ટી.વી. કેમેરાઓ કે જેના સિક્યુરીટી પાસવર્ડ વીક અથવા ડીફોલ્ટ હોય તેવા સી.સી.ટી.વી. કેમેરા હેક કરી આવાં યુઝર આઈ.ડી., પાસવર્ડ પોતાના આર્થિક ફાયદા માટે વેચતા હોવાનું જાણવા મળેલ છે. હાલમાં આ ગુનાની વધુ તપાસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, અમદાવાદ શહેર દ્વારા કરવામાં આવી રહેલ છે અને તપાસ દરમિયાન IT Act, Section 66F(2) નો ઉમેરો કરવામાં આવેલ છે.

શેરબજારમાં હાહાકાર, શું માર્કેટ ‘ડેન્જર ઝોન’માં પ્રવેશી ગયું છે?

શેરબજારમાં અરાજકતા હોય તેવું લાગે છે. આનું કારણ એ છે કે ફેબ્રુઆરી સતત પાંચમો મહિનો છે જેનો અંત નકારાત્મક રહેશે. અત્યાર સુધીમાં નિફ્ટીમાં 4 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે સેન્સેક્સમાં 3.93 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. ઓક્ટોબરથી અત્યાર સુધી શેરબજારમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જેને બજાર નિષ્ણાતો જોખમી ક્ષેત્ર તરીકે જોઈ રહ્યા છે. લગભગ 28 વર્ષ પહેલાં શેરબજારમાં આવી જ સ્થિતિ જોવા મળી હતી. નિફ્ટી સતત 5 મહિનાથી ઘટી રહ્યો હતો. જો આપણે છેલ્લા ત્રણ દાયકા પર નજર કરીએ તો, આવું બે વાર જોવા મળ્યું છે.

જો આપણે આજના દિવસ એટલે કે 24 ફેબ્રુઆરી 2025 ની વાત કરીએ તો શેરબજારમાં 1 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. ડેટા અનુસાર, સેન્સેક્સમાં 850 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે નિફ્ટી 240 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે બંધ થયો. ખાસ વાત એ છે કે રોકાણકારોને આજે જ 4 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.

શેરબજાર સતત પાંચમા મહિને ઘટાડા તરફ આગળ વધી રહ્યું હોય તેવું લાગે છે. ચાલો આને ડેટા દ્વારા સમજવાનો પ્રયાસ કરીએ. 31 જાન્યુઆરીએ શેરબજાર બંધ થયું ત્યારે સેન્સેક્સ 77,500.57 પોઈન્ટ પર બંધ થયો હતો, જે ઘટીને 74,454.41 પોઈન્ટ પર આવી ગયો હતો. આનો અર્થ એ થયો કે ફેબ્રુઆરી મહિનામાં અત્યાર સુધીમાં સેન્સેક્સમાં 3,046.16 પોઈન્ટ અથવા 3.93 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. બીજી તરફ, જો આપણે નેશનલ સ્ટોક એક્સચેન્જના મુખ્ય સૂચકાંક નિફ્ટીની વાત કરીએ તો, ફેબ્રુઆરી મહિનામાં અત્યાર સુધીમાં 955.05 એટલે કે 4.06 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ખાસ વાત એ છે કે ફેબ્રુઆરી મહિનાના 24 દિવસમાં શેરબજારના રોકાણકારોને 26.04 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

ઓક્ટોબરથી સતત ઘટાડો

ખાસ વાત એ છે કે શેરબજારમાં ઓક્ટોબર મહિનાથી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ડેટા અનુસાર, સેન્સેક્સમાં 4,910.72 પોઈન્ટ અને 5.82 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે નિફ્ટીમાં 1605.5 એટલે કે 6.22 નો ઘટાડો જોવા મળ્યો. નવેમ્બર મહિનાની વાત કરીએ તો, સેન્સેક્સમાં 0.52 ટકા એટલે કે 413.73 પોઈન્ટનો વધારો જોવા મળ્યો. બીજી તરફ નિફ્ટીમાં 0.31 ટકા એટલે કે 74.25 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો. ડિસેમ્બર મહિનામાં સેન્સેક્સ 1,663.78 પોઈન્ટ અથવા 2.08 ટકા ઘટ્યો હતો. જ્યારે નિફ્ટીમાં 486.3 પોઈન્ટ એટલે કે 2.01 ટકાનો ઘટાડો જોવા મળ્યો. જાન્યુઆરી મહિનામાં ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સમાં 638.44 પોઈન્ટ એટલે કે 0.82 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે અને નિફ્ટીમાં 136.4 પોઈન્ટ એટલે કે 0.58 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

90ના દાયકામાં આવું બે વાર બન્યું

ખાસ વાત એ છે કે 90ના દાયકામાં સતત 5 મહિના સુધી શેરબજારમાં ક્રેશનો ટ્રેન્ડ બે વાર જોવા મળ્યો છે. સૌથી લાંબો ઘટાડો સપ્ટેમ્બર ૧૯૯૪ થી એપ્રિલ ૧૯૯૫ સુધીનો હતો, જે દરમિયાન 8 મહિનામાં સૂચકાંક ૩૧.૪ ટકા ઘટ્યો હતો. છેલ્લા પાંચ મહિનાનો ઘટાડો 1996માં જોવા મળ્યો હતો, જ્યારે નિફ્ટી જુલાઈથી નવેમ્બર દરમિયાન 26 ટકા ઘટ્યો હતો. હાલમાં, બંને રાઉન્ડની સરખામણીમાં ઘટાડો થોડો ઓછો જોવા મળ્યો છે. ઓક્ટોબરથી સોમવાર સુધીમાં, નિફ્ટીમાં 12 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે.

જ્યારે ટ્રમ્પનો ટેરિફ પરનો ગુસ્સો રોકાણકારોને ચિંતામાં મૂકી રહ્યો છે, ત્યારે ચીની બજારોમાં મજબૂત રિકવરી ભારતીય શેરબજારમાં નુકસાનમાં વધારો કરી રહી છે, જેના કારણે FII પ્રવાહમાં વ્યૂહાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઓક્ટોબર 2024 થી ભારતનું માર્કેટ કેપ $1 ટ્રિલિયન ઘટ્યું છે, જ્યારે ચીનનું માર્કેટ કેપ $2 ટ્રિલિયન વધ્યું છે. નિફ્ટીમાં 1.55 ટકાના ઘટાડાથી વિપરીત, હેંગ સેંગ ઇન્ડેક્સ માત્ર એક મહિનામાં 18.7 ટકા વધ્યો છે. BofA સિક્યોરિટીઝે જણાવ્યું હતું કે ગયા મહિને તીવ્ર ઘટાડા પછી ચીનને ફાળવણીમાં વધારો થયો છે. બીજી તરફ ભારતીય ઇક્વિટી બજારમાં વિદેશી રોકાણકારો દ્વારા રોકાણ બે વર્ષના નીચલા સ્તરે પહોંચી ગયું છે.

5 મહિનામાં તમને કેટલું નુકસાન થયું?

જો આપણે છેલ્લા 5 મહિનાની વાત કરીએ તો રોકાણકારોને 76 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. જો આપણે ડેટા પરથી સમજવાનો પ્રયાસ કરીએ તો, 30 સપ્ટેમ્બરના રોજ શેરબજાર બંધ થયા પછી BSEનું માર્કેટ કેપ 4,74,35,137.15 કરોડ રૂપિયા જોવા મળ્યું હતું, જે 24 ફેબ્રુઆરીના રોજ ઘટીને 3,97,97,305.47 કરોડ રૂપિયા થઈ ગયું છે. આનો અર્થ એ થયો કે રોકાણકારોને અત્યાર સુધીમાં રૂ.76,37,831.68 કરોડનું નુકસાન થયું છે.

CEPT એક્સેલન્સ એવોર્ડ્સ 2025ના વિજેતાઓને સન્માનિત કરાયા

અમદાવાદ: CEPT યુનિવર્સિટીએ 21 ફેબ્રુઆરી, 2025ના રોજ તેના ઉદ્ઘાટન અને એવોર્ડ સમારોહમાં CEPT એક્સેલન્સ એવોર્ડ્સ 2025ના વિજેતાઓનું સન્માન કર્યું. CEPT એક્સેલન્સ એવોર્ડ્સનો ઉદ્દેશ્ય સમગ્ર સેમેસ્ટર દરમિયાન તેમના સ્ટુડિયો યુનિટમાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા અસાધારણ કાર્યને સ્વીકારવાનો અને ઉજવણી કરવાનો છે.આ વિજેતાઓની જાહેરાત યુનિવર્સિટી દ્વારા નિયુક્ત કરાયેલ એક પ્રતિષ્ઠિત જ્યુરી પેનલ દ્વારા કરવામાં આવેલા મૂલ્યાંકનના આધારે કરવામાં આવે છે. આ વર્ષે, જ્યુરી પેનલમાં સ્ટીવન સ્મિથ (ડિરેક્ટર, અર્બન નેરેટિવ), સુરંજના સતવાલેકર (સ્થાપક, સતવાલેકર ડિઝાઇન સ્ટુડિયો), પંકજ ગુપ્તા અને અપૂર્વ પરીખ (ડિરેક્ટર, મલ્ટી મીડિયા કન્સલ્ટન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ)નો સમાવેશ થાય છે. આ જ્યૂરી પેનેલે ખૂબ જ કાળજીપૂર્વક સૌથી ઉત્કૃષ્ટ પ્રોજેક્ટ્સ પસંદ કર્યા છે. પ્રદર્શનમાં 9 વિદ્યાર્થી પ્રોજેક્ટ્સ અને બે સ્ટુડિયો પ્રોજેક્ટ્સ છે. જેમને મોનસૂન સેમેસ્ટર 2024 દરમિયાન તેમના ઉત્તમ કાર્ય માટે માન્યતા આપવામાં આવી છે.પસંદ કરાયેલા વિદ્યાર્થી પ્રોજેક્ટ્સમાંથી, સમીક્ષા પેનલે CEPT ગુજરાલ ફાઉન્ડેશન એક્સેલન્સ એવોર્ડ્સના વિજેતા તરીકે જશ ભદ્રેશ્વર (FA UG ’21), અમાન લોખંડવાલા (FA UG ’20) અને આર્કિટેક્ચર ફેકલ્ટીમાં એક્સચેન્જ વિદ્યાર્થી લિયોની સિંગરને પસંદ કરવામાં આવ્યા છે. આ એવોર્ડ મોનસૂન સેમેસ્ટર ’24 દરમિયાન બનાવવામાં આવેલા સ્ટુડિયો કાર્યમાં શ્રેષ્ઠતાની ઓળખ સમાન છે. દરેક વિજેતાને 1 લાખ રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવ્યું છે.

CEPT યુનિવર્સિટીના પ્રમુખ પ્રોફેસર બર્જોર મહેતા અને CEPT યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રોફેસર ત્રિદીપ સુહૃદે તમામ વિજેતાઓનું સન્માન કર્યું અને તમામ ફેકલ્ટી સભ્યો, સ્ટાફ અને વિદ્યાર્થીઓની હાજરીમાં ટોચના 3 ગુજરાલ ફાઉન્ડેશન એવોર્ડ વિજેતાઓને રોકડ ઇનામ એનાયત કર્યું. તમામ એક્સેલન્સ એવોર્ડ વિજેતાઓના પ્રોજેક્ટ્સ 22 ફેબ્રુઆરીથી 16 માર્ચ, 2025 દરમિયાન કેમ્પસમાં લીલાવતી લાલભાઈ લાઇબ્રેરીમાં સવારે 10 થી રાત્રે 8 વાગ્યા દરમિયાન મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવ્યા છે.

સાસુમા સાથે મહાકુંભ પહોંચી કેટરિના કૈફ, અક્ષય કુમારે પણ લગાવી ડૂબકી

મુંબઈ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ હવે તેના અંતિમ તબક્કામાં છે. આવી સ્થિતિમાં લાખો લોકોની ભીડની સાથે જાણીતા સેલેબ્સ પણ સંગમ પહોંચી રહ્યા છે. અક્ષય કુમાર ઘાટ પર પહોંચ્યા હતા અને શ્રદ્ધાની ડૂબકી લગાવી. ત્યારે હવે વિકી કૌશલની પત્ની અને બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફ પણ મહાકુંભમાં પહોંચી છે. તેની સાસુ એટલે કે વિકી કૌશલના પણ તેની સાથે જોવા મળ્યા હતા. એ વાત જાણીતી છે કે થોડા દિવસો પહેલા જ વિકી કૌશલે પણ સંગમમાં ડૂબકી લગાવી હતી.

Photo: IANS

મહાકુંભ દરમિયાન પરમાર્થ નિકેતન શિબિરમાં કેટરિના કૈફે સ્વામી ચિદાનંદ સરસ્વતી અને સાધ્વી ભગવતી સરસ્વતીના આશીર્વાદ લીધા. કેટરિના અને તેની સાસુના કપાળ પર તિલક લગાવ્યા બાદ તેમનું ફૂલો અને માળાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે શિબિરમાં એક પ્રવચન પણ સાંભળ્યું. તેની તસવીરો સામે આવી છે અને વાયરલ થઈ રહી છે.

Photo: IANS

Photo: IANS

કેટરિના પહેલા, અક્ષય કુમાર સંગમ પહોંચ્યા અને પવિત્ર ડૂબકી લગાવી. તેમની એક ઝલક જોવા માટે લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. અત્યાર સુધીમાં વિકી કૌશલ, ગાયક કૈલાશ ખેર, અનુપમ ખેર, હેમા માલિની, સોનાલી બેન્દ્રે, રાજકુમાર રાવ અને એકતા કપૂર સહિત ઘણા ટીવી અને બોલિવૂડ સેલેબ્સ મહાકુંભ સંગમમાં ડૂબકી લગાવી ચૂક્યા છે.

ટ્રમ્પની ટેરિફ ધમકી વચ્ચે બ્રિટન ભારતની નજીક આવ્યું

બ્રિટિશ વેપાર સચિવ જોનાથન રેનોલ્ડ્સે સોમવારે જણાવ્યું હતું કે ભારતના વાઇબ્રન્ટ બજાર સાથે મુક્ત વેપાર કરાર (FTA) સુરક્ષિત કરવો એ બ્રિટિશ સરકારની ટોચની પ્રાથમિકતા છે. બંને દેશો વચ્ચે મુક્ત વેપાર કરાર અંગે લાંબા સમયથી વાતચીત ચાલી રહી છે, પરંતુ ગયા વર્ષે બંને દેશોમાં સામાન્ય ચૂંટણીઓને કારણે આ વાતચીત અટકી ગઈ હતી. હવે બ્રિટિશ વેપાર સચિવ રેનોલ્ડ્સ મુક્ત વેપાર કરાર પર વાટાઘાટો આગળ વધારવા માટે ભારતની ત્રણ દિવસની મુલાકાતે છે. ભારત અને બ્રિટન વચ્ચે મુક્ત વેપાર કરાર પર વાતચીત એવા સમયે થઈ રહી છે જ્યારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વભરના દેશો પર ભારે ટેરિફ લાદી રહ્યા છે.

મુક્ત વેપાર વાટાઘાટો માટે નવી દિલ્હી પહોંચેલા રેનોલ્ડ્સે કહ્યું, ભારત સાથે વેપાર કરાર, જે ટૂંક સમયમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યો છે, તે હવે દૂર નથી. આ મારા અને અમારી સરકાર માટે ટોચની પ્રાથમિકતા છે. આ વાટાઘાટો બ્રિટિશ વેપાર સચિવ અને ભારતના વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ વચ્ચે થઈ રહી છે. ભારતની મુલાકાતે આવેલા બ્રિટિશ વેપાર સચિવને મળ્યા બાદ વાણિજ્ય મંત્રી ગોયલે કહ્યું, મીટિંગ દરમિયાન, અમારી ચર્ચા ભારત-યુકે મુક્ત વેપાર કરાર પર વાટાઘાટોને આગળ વધારવા અને કરાર સંતુલિત, મહત્વાકાંક્ષી અને પરસ્પર ફાયદાકારક છે તેની ખાતરી કરવા પર કેન્દ્રિત હતી.

તેમણે આગળ કહ્યું, અમે બધા વિકલ્પો પર વિચાર કરી રહ્યા છીએ. અમે ત્રણ અલગ અલગ પાસાઓ પર સક્રિય રીતે વાટાઘાટો કરી રહ્યા છીએ – FTA, દ્વિપક્ષીય રોકાણ સંધિ અને ડબલ કોન્ટ્રીબ્યુશન કન્વેન્શન કરાર. આ ત્રણેય સમાંતર છે અને એકબીજા સાથે જોડાયેલા છે. ભારત-યુકે મુક્ત વેપાર કરારમાં વિલંબ અંગે પિયુષ ગોયલે કહ્યું, આપણે ઉતાવળ ન કરવી જોઈએ પરંતુ કામ ઝડપથી પૂર્ણ કરવું સારું છે. અમે આ દિશામાં ઝડપથી કામ કરીશું પણ ઉતાવળ નહીં કરીએ.

મુક્ત વેપાર કરાર શું છે?

મુક્ત વેપાર કરાર બે કે તેથી વધુ દેશો વચ્ચે વેપાર અને તેનાથી થતા ફાયદા વધારવા માટે કરવામાં આવે છે. આ કરાર હેઠળ, બંને દેશો માલ અને સેવાઓની આયાત-નિકાસમાં આવતા અવરોધો અને મુશ્કેલીઓ ઘટાડે છે. આ કરાર બાદ, દેશોએ આંતરરાષ્ટ્રીય સરહદો પાર વેપાર માટે ખૂબ જ ઓછા અથવા કોઈ ટેરિફ ચૂકવવા પડશે નહીં. આંતરરાષ્ટ્રીય વેપાર માટે ક્વોટા અને સબસિડી વગેરે પણ આપવામાં આવે છે.

ભારત અને બ્રિટન વચ્ચે મુક્ત વેપાર કરાર અંગે વાતચીત જાન્યુઆરી 2022 માં જ શરૂ થઈ હતી. બ્રિટનની તત્કાલીન કન્ઝર્વેટિવ પાર્ટીએ ભારત સાથે આ વાટાઘાટો દ્વિપક્ષીય વેપારને $41 બિલિયન સુધી વધારવાના ઉદ્દેશ્ય સાથે કરી હતી. ત્યારથી, બંને દેશો વચ્ચે 14 રાઉન્ડની વાતચીત થઈ છે પરંતુ મુક્ત વેપાર પર કોઈ કરાર થયો નથી. ગયા વર્ષે બ્રાઝિલમાં આયોજિત G-20 સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા બાદ, બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મરે કહ્યું હતું કે FTA પર વાતચીત નવા વર્ષ એટલે કે 2025માં ફરી શરૂ થશે.

આ કરારમાં 26 પ્રકરણો છે જે માલ, સેવાઓ, રોકાણ અને બૌદ્ધિક સંપદા અધિકારોને આવરી લે છે. આ પ્રકરણો પર સંમતિ થયા પછી જ બંને દેશો વચ્ચે આ કરાર શક્ય બનશે. નાણાકીય વર્ષ 2023-24 માં ભારત અને યુકે વચ્ચે દ્વિપક્ષીય વેપાર 21.34 બિલિયન ડોલર હતો, જે 2022-23 માં 20.36 બિલિયન ડોલરથી વધુ છે. બ્રિટન ભારતમાં છઠ્ઠું સૌથી મોટું રોકાણકાર છે. એપ્રિલ 2000 થી સપ્ટેમ્બર 2024 ની વચ્ચે બ્રિટને ભારતમાં 35.3 બિલિયન ડોલરનું રોકાણ કર્યું છે.

‘મંથન’ ફિલ્મની એકેડેમી મ્યુઝિયમ ખાતે વર્લ્ડ પ્રીમિયર માટે પસંદગી

આણંદ: ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (AMUL)ના 5 લાખ પશુ પાલકો દ્વારા 1977માં એક ખાસ ફિચર ફિલ્મ નિર્મિત કરવામાં આવી હતી. શ્યામ બેનેગલ દ્વારા દિગ્દર્શિત એવોર્ડ વિજેતા ફીચર ફિલ્મ ‘મંથન’ના નામે વધુ એક મોટી ઉપલ્બધિ નોંધાવા જઈ રહી છે. આગામી 10મી માર્ચ, 2025ના રોજ લોસ એન્જલસમાં એકેડેમી મ્યુઝિયમ ઓફ મોશન પિક્ચર્સમાં “ઇમોશન ઇન કલર: અ કેલિડોસ્કોપ ઓફ ઇન્ડિયન સિનેમા”ના ભાગ રૂપે સ્ક્રીનિંગ માટે ફિલ્મની પસંદગી કરવામાં આવી છે. આ સમારોહમાં ભારતની 12 આઇકોનિક ફિલ્મોની પણ પસંદગી કરવામાં આવી છે.
GCMMF (અમૂલ) એ બિન-લાભકારી સંસ્થા, ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન સાથે મળીને મંથન ફિલ્મને 4Kમાં ફરી તૈયાર કરી છે.  ‘મંથન’ના 4K વર્ઝનને મે 2024માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સત્તાવાર રેડ-કાર્પેટ વર્લ્ડ પ્રીમિયર માટે પસંદ કરવામાં આવી હતી. મહત્વનું છે કે, ‘મંથન’ ભારતની એકમાત્ર ફિલ્મ હતી જે ફેસ્ટિવલના કાન્સ ક્લાસિક વિભાગ હેઠળ પસંદ કરવામાં આવી હતી.લોસ એન્જલસના એકેડેમી મ્યુઝિયમમાં ‘મંથન’ સહિત ૧૨ આઇકોનિક ફિલ્મોની ગ્રાઉન્ડબ્રેકિંગ શ્રેણીનું ક્યુરેટિંગ ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશનના સ્થાપક ડિરેક્ટર શિવેન્દ્ર સિંહ ડુંગરપુર દ્વારા કરવામાં આવ્યું છે, જે ભારતના સિનેમેટિક વારસાને સાચવવા માટે સમર્પિત એક બિન-લાભકારી સંસ્થા છે.GCMMFના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે,“ ‘મંથન’ ભારતની શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉ. વર્ગીસ કુરિયનની દૂધ સહકારી ચળવળથી પ્રેરિત છે. આ ફિલ્મનો ડેરી સહકારી ચળવળ પર ખૂબ જ  પ્રભાવ પડ્યો છે. તેણે દેશભરના લાખો ખેડૂતોને સ્થાનિક ડેરી સહકારી મંડળીઓ બનાવવા માટે એક મંચ પર આવવા પ્રેરણા આપી અને દૂધ ઉત્પાદનમાં સ્વનિર્ભરતા તરફ ભારતની સફરમાં મોટું યોગદાન આપ્યું છે. ભારત વર્ષ ૧૯૯૮માં વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ બન્યો અને ત્યારથી તેણે આ સ્થાન જાળવી રાખ્યું છે. વર્ષ ૧૯૭૬માં ‘મંથન’ ને શ્રેષ્ઠ વિદેશી ભાષાની ફિલ્મ (ઓસ્કાર) માટે ભારત તરફથી એકેડેમી એવોર્ડ માટે રજૂ કરવામાં આવેલ હતી અને વર્ષ ૨૦૨૫માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલ આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષમાં આ ફિલ્મ પ્રદર્શિત થતા અમે ગર્વ અનુભવી રહ્યા છીએ.”10 લાખ રૂપિયાના બજેટમાં બનેલી, મંથન પહેલી ક્રાઉડફંડેડ ભારતીય ફિલ્મ પણ હતી. જેમાં GCMMFના 5 લાખ પશુ પાલકોએ ફિલ્મના નિર્માણ ખર્ચને ભંડોળ પૂરું પાડવા માટે પ્રતિ પશુપાલક ₹ 2નું યોગદાન આપ્યું હતું. આ ફિલ્મ સમુદાય-સંચાલિત પહેલની પરિવર્તનશીલ સંભાવના દર્શાવે છે અને ભારતીય સિનેમાના સામાજિક રીતે સંબંધિત વાર્તાઓમાં એક મહત્વપૂર્ણ પ્રકરણ દર્શાવે છે. મંથનને વર્ષ ૧૯૭૭માં હિન્દીમાં શ્રેષ્ઠ ફીચર ફિલ્મ માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને વિજય તેંડુલકરને શ્રેષ્ઠ પટકથા માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો.

મહાકુંભ દરમિયાન ખુલ્લામાં શૌચ કરવા પર NGT ગુસ્સે! યુપી સરકારને કહ્યું..

પ્રયાગરાજ મહાકુંભમાં ખુલ્લામાં શૌચ કરવા બદલ ઉત્તર પ્રદેશ સરકાર પર 10 કરોડ રૂપિયાના દંડની માંગ કરતી અરજીની સુનાવણી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) માં થઈ. યુપી સરકાર પ્રત્યે નારાજગી વ્યક્ત કરતા એનજીટીએ કહ્યું કે આ તમારી જવાબદારી છે, તમારે તેના પર તાત્કાલિક ધ્યાન આપવું જોઈએ. આ મામલે યુપી સરકાર દ્વારા હજુ સુધી કોઈ જવાબ દાખલ કરવામાં આવ્યો નથી. ટ્રિબ્યુનલે હાલમાં આ મામલે પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે.

જયારે, ઉત્તર પ્રદેશ સરકારે NGT ને જણાવ્યું હતું કે અમે આ મામલે તૈયારીઓ કરી લીધી છે, જેના સંદર્ભમાં અમે અમારો જવાબ દાખલ કરીશું. યુપી સરકાર વતી, યુપી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (UPPCB) એ કહ્યું કે અમે આ મામલે જરૂરી પગલાં લઈ રહ્યા છીએ. NGT એ યુપી સરકારને આ મામલે ગંભીરતાથી યોગ્ય પગલાં લેવાનો નિર્દેશ આપ્યો અને નિર્ણય અનામત રાખતા કહ્યું કે અમે અમારો વિગતવાર આદેશ પછીથી પસાર કરીશું.

અરજીમાં શું દાવો કરવામાં આવ્યો હતો?

અરજદારોએ NGT ને અપીલ કરતા કહ્યું કે અધિકારીઓએ દાવો કર્યો છે કે તેમણે મહાકુંભ નગરમાં માનવ કચરાના નિકાલ માટે ઘણા અતિ-આધુનિક બાયો-ટોઇલેટ સ્થાપિત કર્યા છે, પરંતુ આ સુવિધાઓના અભાવે અથવા સ્વચ્છતાના અભાવે, ઘણા લોકો ગંગા નદીના કિનારે ખુલ્લામાં શૌચ કરવા મજબૂર છે.

યુપી સરકાર પર 10 કરોડનો દંડ લાદવાની માંગ

અરજી મુજબ, પૂરતી સુવિધાઓના અભાવે લાખો શ્રદ્ધાળુઓ અને તેમના પરિવારો ખુલ્લામાં શૌચ કરી રહ્યા છે. આ સમસ્યાના ઉકેલ માટે, ફક્ત બાયો-ટોઇલેટની સંખ્યા વધારવાની જરૂર નથી, પરંતુ તેમની યોગ્ય સફાઈ અને જાળવણી પર પણ ખાસ ધ્યાન આપવું જોઈએ. આ સાથે, યુપી સરકાર પર સ્વચ્છતા સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળતા બદલ 10 કરોડ રૂપિયાનો પર્યાવરણીય દંડ લાદવાની માંગ પણ કરવામાં આવી હતી.

પ્રેમને ધ્યાનની પાંખો આપો

દુનિયા પ્રેમની વિરુદ્ધ કેમ હોય છે? કારણ કે પ્રેમ એક અસામાજિક તત્વ છે. તે હૃદયમાં ખીલેલું એક જંગલી ફૂલ છે જેને બાંધી શકાતું નથી કે રોકી શકાતું નથી. તે સ્વચ્છંદ છે, સ્વતંત્ર છે અને ગમે ત્યાં અનપેક્ષિત રીતે ખીલે છે. જે વ્યક્તિ પ્રેમમાં ડૂબી જાય છે, તેની પાસે ન જાણે કોઈક પ્રકારની રૂહાની શક્તિ આવી જાય છે. જેના કારણે તે દુનિયાની કોઈપણ શખશીયત સાથે લડવા માટે તૈયાર થઈ જાય છે. કદાચ એટલે જ સમાજ અને નૈતિકતાના જે રક્ષકો છે તે પ્રેમને તરત જ કચડી નાખે છે.

લોકો વર્ષમાં એકવાર પ્રેમનો તહેવાર ઉજવે છે પરંતુ પ્રેમ તો પ્રતિપળની સાધના છે. દુનિયામાં જો સૌથી મોટો કોઈ દુકાળ હોય તો તે છે પ્રેમનો. દરેક વ્યક્તિ પ્રેમનો તરસ્યો છે પણ એ તરસ ક્યારેય છીપાતી નથી. આ બૌદ્ધિક યુગમાં, જ્યાં અહંકાર અકડી ને ઊભો છે, ત્યાં પ્રેમ માટેનું વાતાવરણ ઊભું કરવું પડશે. એવુ વાતાવરણ કે જેમાં પ્રેમીઓને તિરસ્કારની નજરે જોવામાં ન આવે.

જેઓ ખરેખર પ્રેમના સંતોષનો અનુભવ કરવા માગે છે. તેઓ ના માટે ઓશોના આ સૂત્રો મદદ કરી શકે છે. પ્રથમ જાણી લો કે પ્રેમ ક્ષણિક હોય છે, તે પવનના ઝોકા ની જેમ આવે છે અને તરત જ ચાલ્યો જાય છે. જ્યારે તે આવે છે, ત્યારે તમે એટલા પ્રેમથી ભરાઈ જાઓ છો કે તમે કલ્પના પણ કરી શકતા નથી કે આ પ્રેમ ક્યારેય દૂર થઈ શકે છે. આવી ક્ષણોમાં, લોકો રોમેન્ટિક બની જાય છે અને જન્મ જનમાંતર સાથે રહેવાના વચનો આપે છે, જેને તેઓ આગળ હતા નીભાવી શકતા નથી. જો તમારે પ્રેમનો અનુભવ કરવો હોય તો પ્રેમને સંબંધ ન બનાવો. વ્યક્તિ આવે કે જાય, પ્રેમની આભા તમારી અંદર સતત વહેતી રહે.

બીજુ, સ્ત્રી અને પુરુષ એક જ અસ્તિત્વના બે પાસાં છે પરંતુ તેમનો સ્વભાવ સંપૂર્ણપણે અલગ-અલગ છે. તેથી, લડાઈ-ઝઘડા માં સમય બગાડવાને બદલે, એકબીજાને સમજવાનો પ્રયાસ કરો. સ્ત્રી હૃદયમાં જીવે છે, પૂરૂષ મસ્તિષ્કમાં. પ્રેમનું ગણિત ઘણું અલગ છે, અહીં બે વત્તા બે હંમેશા ચાર નથી થતાં, બે અને બે એક બની શકે છે અથવા તેઓ ક્યારેય મળતા જ નથી.

પ્રેમ ઝડપથી નફરતમાં કેમ બદલાઈ જાય છે? કારણ કે નફરત હંમેશા નીચલા સ્તરે હાજર જ હોય છે. તેથી, જો પ્રેમને સફળ બનાવવો હોય, તો તેની નીચે રહેલા દૂરભાવો ની સફાઇ કરવી જરૂરી છે. ઈર્ષ્યા, ક્રોધ, દ્વેષ, માલકીયત નો ભાવ પ્રેમનું ગળું દબાવી દે છે.

માટે પ્રેમની સાથે ધ્યાનની જાગૃતિ પણ જરૂરી હૈં જો ધ્યાન ની જાગૃતિ અને સંતુલન પ્રેમ માં આવે તો પ્રેમનો વિકાસ થઈ શકે છે. આજે વિશ્વને દરેક સ્તરે પ્રેમની ખૂબ જ જરૂર છે. પ્રેમ અને ધ્યાન એ બે પાંખો છે જેની મદદથી વ્યક્તિ આકાશમાં ઉડી શકે છે. ત્યારબાદ તમે જાણી શકશો કે પ્રેમ માટે વેલેન્ટાઈન ડે નું બંધન જરૂરી નથી. પ્રેમનો છોડ દરરોજ વિકસતો રહેશે.

(અમૃત સાધના)

(અમૃત સાધના લાંબા સમયથી ઓશોના શિષ્ય છે અને ઓશો ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનની મેનેજમેન્ટ ટીમના સભ્ય છે. ઓશો પ્રેસ અને મીડિયાનું ધ્યાન રાખે છે. તે ભારતના ઘણા અગ્રણી પ્રકાશનોમાં લખે છે. સમગ્ર વિશ્વમાં ઓશો ધ્યાન અને સ્વ-વિકાસ કાર્યશાળાઓનું સંચાલન કરે છે.)