Home Blog Page 1142

૨૨ ફેબ્રુઆરી ૨૦૨૫

પંચાંગ 22/02/2025

કાશ પટેલને વ્હાઇટ હાઉસે બોલિવુડ સ્ટાઈલમાં આપી શુભકામના

અમેરિકા: પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ખૂબ નજીકના અને વિશ્વાસુ સહયોગીઓમાં સામેલ ભારતીય મૂળના કાશ પટેલ ફેડરલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (FBI)ના નવા ડાયરેક્ટર બની ગયા છે. તેમની નિમણૂક પર સેનેટની મોહર લાગી ચૂકી છે. કાશ પટેલના FBI ડાયરેક્ટર બનવા પર વ્હાઈટ હાઉસના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ ડેન સ્કેવિનોએ તેમને બોલિવૂડ સ્ટાઈલમાં શુભકામનાઓ આપી છે. શુભકામના આપવાનો આ અંદાજ સોશિયલ મીડિયા યુઝર્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

બોલિવૂડ સ્ટાઈલમાં આપી શુભકામનાઓ

સ્કેવિનોએ બોલિવૂડ મૂવી ‘બાજીરાવ મસ્તાની’ ના ગીત ‘મલ્હારી’ની એક ડાન્સ ક્લિપ એક્સ પર શેર કરી છે. આ ક્લિપમાં એક્ટર રણવીર સિંહના ચહેરાને કાશ પટેલના ચહેરાથી રિપ્લેસ કરવામાં આવ્યો છે. તે ‘દુશ્મન કી દેખો વાટ લાવલી’ ગીત પર નાચતાં નજર આવી રહ્યાં છે. ફિલ્મ બાજીરાવ મસ્તાનીનું આ સોન્ગ ખૂબ જ એનર્જેટિક, દુશ્મનને પડકાર આપનારું અને જોશ ભરનારું છે. રણવીર સિંહે આ ગીતમાં ખૂબ જ શાનદાર ડાન્સ કર્યો હતો. વિડીયો ક્લિપમાં કાશ પટેલ પણ આ ગીત પર નાચતાં નજર આવી રહ્યાં છે.

ખાસ અંદાજમાં શુભકામનાઓ

વ્હાઈટ હાઉસના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ ડેન સ્કેવિનોએ આ વિડીયો ક્લિપને શેર કરીને ખૂબ જ ખાસ અંદાજમાં કાશ પટેલને FBIના નવા ડાયરેક્ટર બનવાની શુભકામનાઓ આપી. તેમનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 47 સેકન્ડની આ વિડીયો ક્લિપને અત્યાર સુધી 30 લાખથી વધુ વખત જોઈ ચૂકાયો છે અને 10,000 થી વધુ લાઈક પણ મળી ચૂકી છે.

રાજકોટ CCTV કાંડ: 2000થી વધુ વીડિયો હેક કરાયેલા હોવાનો ખુલાસો, ત્રણ આરોપી ઝડપાયા

રાજકોટની પાયલ મેટરનેટી હોસ્પિટલના CCTV હેકિંગ કાંડમાં મોટા ખુલાસા થયા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમની સંયુક્ત તપાસમાં બહાર આવ્યું છે કે આ કિસ્સામાં દેશવ્યાપી ગેરકાયદેસર નેટવર્ક કામ કરી રહ્યું હતું. હેક કરાયેલા સીસીટીવી ફૂટેજ ટેલીગ્રામ અને યુટ્યુબ પર વેચી લાખો રૂપિયાની કમાણી કરવામાં આવી રહી હતી.

પોલીસ તપાસ દરમિયાન માહિતી મળી છે કે મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશથી સંકળાયેલા ત્રણ આરોપીઓ – પ્રજ્વલ તૈલી (લાતુર), પ્રજ પાટીલ (સાંગલી) અને ચંદ્રપ્રકાશ ફુલચંદ (પ્રયાગરાજ) – આ કૌભાંડમાં મુખ્ય ભુમિકા ભજવી રહ્યા હતા. તેઓ હેક કરાયેલા વીડિયો રૂ. 800 થી 4000 સુધીના રેટમાં વેચતા હતા.

8 મહિનાથી ચાલી રહેલું ગેરકાયદેસર નેટવર્ક

સીસીટીવી હેકિંગના આ કિસ્સામાં મુખ્ય આરોપી પ્રજ્વલ તૈલીએ છેલ્લા 8 મહિનામાં આશરે 10 લાખ રૂપિયાથી વધુ કમાણી કરી હોવાનું બહાર આવ્યું છે. આરોપીઓએ હોસ્પિટલ ઉપરાંત બસ સ્ટેન્ડ, પાર્લર અને નદીના સ્નાન સ્થળો જેવા સ્થળોના CCTV કેમેરા પણ હેક કર્યા હતા. પોલીસની તપાસમાં વધુ ખુલાસા થયા છે કે આરોપીઓ પાસે 22 અલગ-અલગ પ્રકારના વીડિયો હતા અને યુટ્યુબ-ટેલીગ્રામ પર અલગ-અલગ ગ્રુપ ચલાવીને ગ્રાહકો પાસેથી પૈસા લેતા હતા. પ્રીમિયમ ગ્રુપ માટે વધુ પૈસા વસુલવામાં આવતા હતા.

વિદેશી હેકર્સની સંડોવણી

ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ જણાવ્યું કે આ કિસ્સામાં આરોપીઓને એટલાન્ટા અને રોમાનિયાના હેકર્સની ટેકનિકલ મદદ મળી હતી. હેકિંગ માટે ખાસ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

પોલીસની કાર્યવાહી અને વધુ તપાસ

આ મામલાની ગંભીરતા જોતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પાંચ અલગ-અલગ ટીમો બનાવીને આ ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી હાર્ડ ડિસ્ક, મોબાઇલ, લેપટોપ અને અન્ય ડિજિટલ પુરાવા જપ્ત કરાયા છે. હાલમાં આ મામલે વધુ તપાસ ચાલી રહી છે અને અન્ય સંડોવાયેલા લોકોના સંપર્કોની શોધખોળ પણ કરવામાં આવી રહી છે. પોલીસે લોકોને સાવચેત રહેવા અને ડિજિટલ સુરક્ષાને લગતા પગલાં લેવા અનુરોધ કર્યો છે.

કેડિલા ફાર્માસ્યુટિકલ્સના કર્મચારીઓની રક્તદાનની પ્રતિજ્ઞા

અમદાવાદ: કેડિલા ફાર્માસ્યુટિકલ્સના સ્વપ્નદ્રષ્ટા સ્થાપક સ્વર્ગસ્થ ઇન્દ્રવદન મોદીની 99મી જન્મજયંતિ પર, કંપનીના કર્મચારીઓ તેમના વારસાને માન આપવા માટે એકત્ર થયા હતા. ઇન્દ્રવદન મોદીએ સુલભ, સસ્તા આરોગ્યસંભાળની અડગ પ્રતિબદ્ધતા સાથે કેડિલા ફાર્માસ્યુટિકલ્સનું નિર્માણ કર્યું છે. તેમનો વારસો આજે પણ કંપનીના મૂલ્યો અને મિશનને આકાર આપીને પ્રેરણા આપે છે.

ઇન્દ્રવદન મોદીના મજબૂત દ્રષ્ટિકોણને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપવા, કેડિલા ફાર્માસ્યુટિકલ્સે એક મહત્વપૂર્ણ રક્તદાન પહેલનું આયોજન કર્યું. સંસ્થાના કર્મચારીઓએ આ હેતુ પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી, જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓએ રક્તદાન કરવા માટે પ્રતિજ્ઞા લીધી. એકતાનું આ શક્તિશાળી પ્રદર્શન માત્ર એક ઔપચારિક કાર્ય નહોતુ. પરંતુ કર્મચારીઓ દ્વારા અન્ય લોકોના કલ્યાણ માટે નિઃસ્વાર્થપણે યોગદાન આપવાની પ્રતિજ્ઞા પણ હતી, જે ઇન્દ્રવદન મોદીના જીવનમાં કરુણા, સેવા અને માનવતાના મૂલ્યોને સમર્થન આપ્યું હતું, તેને પ્રતિબિંબિત કરે છે.

રક્તદાન ઝુંબેશ એક સામૂહિક પ્રતિબદ્ધતા હતી, જેમાં વિવિધ વિભાગના કર્મચારીઓએ કંપનીના સ્થાપકના માનમાં રક્તદાન કરવાનો નિર્ણય લીધો હતો. રક્તદાન કરવું તે કંપનીના વ્યાપક મિશનનું પ્રતીક છે – જે સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાના ઇન્દ્રવદન મોદીના વિઝનને ધ્યાનમાં રાખીને, વ્યવસાયિક ઉદ્દેશ્યોથી આગળ વધીને અસરકારક કાર્યો દ્વારા માનવ સેવા કરવાનું છે.આ પહેલ દ્વારા, કેડિલા ફાર્માસ્યુટિકલ્સ દાન, કરુણા અને સામાજિક જવાબદારીની સંસ્કૃતિને પ્રોત્સાહન આપીને તેમના સ્થાપકના વારસાને માન આપવાનું ચાલુ રાખશે. આરોગ્ય પરિણામો સુધારવા માટે કંપનીનું સમર્પણ પ્રયોગશાળા અને ઉત્પાદન રેખાઓથી આગળ છે, તેમની સેવા સમુદાયોને સક્રિયપણે આકાર આપે છે.

વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ત્રણ પુસ્તકોનું વિમોચન

નડિયાદ: સાચા અર્થમાં ગુજરાતી ભાષાને માતૃભાષા તરીકે સ્થાન આપતાં 34 વર્ષથી વિદેશ-સ્થિત રેખા પટેલના વધુ ત્રણ પુસ્તકોનું વિમોચન વિશ્વ માતૃભાષા દિવસની પૂર્વ સંધ્યાએ યોજાયું. આ પ્રસંગે ગુજરાતી સાહિત્યના જાણીતા લેખક અને સર્જક ડૉ. બળવંતભાઈ જાની, પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા, સંગીત અને સૂરોના સર્જક અરવિંદભાઈ બારોટ, દેવલ શાસ્ત્રી તથા મારુલબેન પંકજભાઈ દેસાઈ ઉપસ્થિત હતા. મઝાના ભાવકો અને તેમના પતિ વિનોદભાઈ પટેલની ઉપસ્થિતિ તેમની માટે ખૂબ અગત્યની હતી.કાર્યક્રમને દીપકભાઈએ સંચાલિત કર્યો હતો. શરુવાતમાં રેખાબેનેનાં સહપાઠી દેવલભાઈ શાસ્ત્રીએ તેમના સંસ્મરણો સાથે લેખનયાત્રાને બિરદાવી. અરવિંદભાઈ બારોટે જ્યારે તેમના પુસ્તક ‘બંધ ડ્રોવર’ વિશે વાત કરતાં જણાવ્યું કે આ લઘુનવલ વાંચતા છ વખત તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા. ખુબ ભાવપૂર્ણ અને હ્ર્દયસ્પર્શી લખાણ છે.આ વાત રેખાબેન માટે ખુબ સન્માનીય હતી. સાહિત્યના શબ્દ, વિચાર અને પ્રસ્તુતિ વિશે વાત કરતા વિષ્ણુભાઈ પંડ્યાએ કહ્યું હતું કે આ લેખિકા ગુજરાતી સાહિત્યના કપાળ પરની સુંદર બિંદી છે, જે હજુ વધુ શોભિત થશે.

બલવંતભાઈ જાનીએ રેખાબેનના લખાણને તેમની લઘુવાર્તાના પુસ્તક ‘સંવેદનાનું સિમકાર્ડ’ને સાચા અર્થમાં માઈક્રોફિક્સન વાર્તાઓ ગણાવી હતી અને એક ડાયસ્પોરા લેખિકા અને પરદેશમાં માતૃભાષાને ટકાવી રાખનાર લેખકોની યાદીમાં મૂકી સમ્માન આપ્યું હતું.આજકાલના ઢગલાબંધ કાર્યાક્રમોની વચ્ચે વ્યસ્ત રહેતા ભાષાને સમર્પિત લેખકો સાથે રેખાબેન માટે આ પ્રસંગ અંગત અને સહજ છતાં ખાસ હતો. તેમના જણાવ્યાં પ્રમાણે એક સ્ત્રીને જાહેરમાં પોતાના વિશે કંઈ બોલવાની વાત એટલે, દીકરી અને પત્ની પછી પોતાની અલગ ઓળખાણ હોવાનો ખુબસુરત અહેસાસ. તેમના પરિવારમાં કોઈએ લેખક કે પત્રકાર તરીકે પોતાની ઓળખ ઉભી કરી નથી. ત્યાં પહેલાના નવ અને આજે ત્રણ એમ કુલ ૧૨ પુસ્તકો તેમના નામે પબ્લીશ થયા છે. માત્ર લેખન પ્રવૃત્તિને કારણે પ્રથમ કવિયત્રી અને પછી લેખક તરીકેની અલગ પહેચાન મળી છે. જીવનનો મોટાભાગનો સમય વિદેશમાં વ્યતીત થયો હોવા છતાં તેમના ભારતીય મૂળિયાં હજુ છુટ્યા નથી. આજ કારણે તેમના લખાણોમાં બે દેશની ભેગી સંસ્કૃતિનું મિશ્રણ વાંચવા મળશે.

ખેડા જિલ્લાનાં નાનકડાં ગામ વાલવોડમાં જન્મ થયો અને ઉછેર ભાદરણમાં થયો હતો. ગામના જીવનમાં બાળપણ મસ્તીથી છલોછલ વીત્યું સાથે સંયુક્ત કુટુંબમાં ઉછેર થયો. પતિ વિનોદનો સાથ, સરળ અને પ્રેમાળ રહ્યો છે, જેના કારણે જીવન ખુબ સુખી અને સમૃદ્ધ છે. જેની પોઝિટિવ અસર તેમના લખાણોમાં જણાય છે. બે વર્ષ પહેલા “અજાણ્યો હમસફર અને ધુમ્મસનાં ફૂલ” એજ જગ્યા ઉપર ફરી ત્રણ પુસ્તકો મનીષભાઈ અને તેમના ઝેડકેડ ગ્રુપ સાથે પબ્લીશ થયા.પ્રથમ પુસ્તક “જીવનના રંગ અનેક”

જેમાં ૩૯ લેખો જેમાં માનવ જીવનની પ્રગટ-અપ્રગટ એવી અગણિત લાગણીઓના વહેણને નાના દાખલાઓ સાથે લખાણને સરળતાથી સમજી શકાય તેવો હકારાત્મકત પ્રયત્ન કરેલો છે.

બીજું પુસ્તક “સંવેદનાનું સીમકાર્ડ”

જેમાં માનવીય જીવનની અલગ અલગ સંવેદનાઓ અને વિચારોનું પ્રતિબિંબ આપતું 58 ટૂંકી વાર્તાઓનું પુસ્તક છે. જીવનની અસંખ્ય પળોને જેમ કેમેરાના નાનકડાં સીમકાર્ડમાં સમાવી લેવાય છે. તેમ ટૂંકી વાર્તાઓ સ્વરૂપે જીવનની અને આસપાસના બનાવોના ચડાવ-ઉતારને, પ્રેમ અને લાગણીઓના વ્યક્ત-અવ્યક્ત સ્પંદનોને માર્મિક અંત સાથે ટૂંકાણમાં વાંચકો સમક્ષ મુકવાનો પ્રયાસ રહેલો છે. આ વાર્તાઓમાં અમેરિકન અને ભારતીય કલ્ચરનું  મિશ્રણ જોવા મળશે.

ત્રીજી અને સાવ અલગ એવી લઘુનવલ “બંધ ડ્રોવર”

આ લઘુનવલમાં શબ્દોથી વ્યક્ત થવા ટળવતી લાગણીઓથી ભરચક ભરાયેલી બે ડાયરીની અધુરી દાસ્તાં છે. બે ડાયરીની વ્યક્ત-અવ્યક્ત લાગણીઓને તારીખોના પાને-પાને કંડારવાનો નવીન એક પ્રયત્ન કર્યો છે. બંધ ડ્રોવર એ માત્ર એક વાર્તા નથી, પરંતુ એ નાયકનું આત્મમંથન છે. જેમાં દરેક વાંચકને તેમના દિલના ખૂણાને ફંફોસવા માટે મજબૂર કરી શકે છે. લાગણીઓને ઘૂંટી-ઘૂંટીને લખાયેલી આ લઘુનવલ ચોક્કસ હજારો સ્પદંન જગાવશે, તેની રેખા પટેલને ખાતરી છે.

ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ માટે ST વિભાગનું વિશેષ આયોજન

અમદાવાદ: ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે. વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન મુશ્કેલી ન પડે તે માટે ગુજરાત સરકાર દ્વારા ચાલતા ST વિભાગ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ધો.10-12ના વિદ્યાર્થીઓ માટે એસટી વિભાગ દ્વારા રેગ્યુલર ઉપરાંત વધારાની 250 ટ્રીપ ચલાવવાનું આયોજન કર્યું છે. 27 ફેબ્રુઆરીથી 10 માર્ચ દરમિયાન વધારાની બસો દોડશે તેવી વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ X પર પોસ્ટ કરીને માહિતી આપી છે.

રાજ્યમાં અગામી 27  ફેબ્રુઆરી થી 10 માર્ચ દરમિયાન આયોજિત થનાર ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષા સંદર્ભે એસ.ટી.નિગમ દ્વારા વિદ્યાર્થીઓ માટે જરૂરિયાત મુજબ વધારાની બસ સુવિધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એસ.ટી.નિગમ દ્વારા દર વર્ષની જેમ વિદ્યાર્થીઓની જરૂરિયાત પ્રમાણે હાલની રેગ્યુલર સર્વિસો ઉપરાંત વધારાની 250 જેટલી ટ્રીપો ચલાવવાનું આયોજન છે. હાલમાં જે – તે જિલ્લા વહીવટીતંત્ર તરફથી 85 જેટલી એક્સ્ટ્રા બસો સંચાલિત કરવાની માંગણી મળેલ છે. હજુ પણ માંગણી મળેથી તે મુજબ વધારાની બસો ચલાવવામાં આવશે. એસ.ટી.નિગમ દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન કોઈ તકલીફ ન પડે તે માટે તમામ જિલ્લા લેવલના વિભાગોને પરીક્ષાર્થીઓને અગ્રીમતા આપી એક્સ્ટ્રા બસો ચલાવવા અને સમયસર બસો ચલાવવા તાકીદેની સૂચનો પ્રસિદ્ધ કરેલ છે. એસ.ટી.નિગમના દરેક વિભાગો ખાતે કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવશે.

Opinion: ગુજરાત બજેટ 2025 વિષે વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતોનો શું છે અભિપ્રાય

ગુજરતનું વર્ષ 2025-26 માટે અંદાજ પત્ર તારીખ 20 ફેબ્રુઆરીના રોજ વિધાનસભામાં જાહેર કરવામાં આવ્યું. રાજ્ય નણામંત્રી કનુભાઈ દેસાઈએ સતત ચોથી વખત આ બજેટ રજૂ કર્યુ છે. ગુજરાત સરકાર દ્વારા 3.70 લાખ કરોડ રૂપિયાનું ઐતિહાસિક બજેટ “વિઝન વિકસિત ગુજરાતનું, મિશન જનકલ્યાણનું”ની પ્રતિબદ્ધતા દર્શાવતું રજૂ કરવામાં આવ્યું છે. વિકસિત ભારત-2047ના સંકલ્પને સાકાર કરવા વડાપ્રધાનના GYAN – ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિના વિકાસ પર ધ્યાન આ બજેટમાં કેન્દ્રિત કરવામાં આવ્યું છે. 

બજેટ 2025-26માં ખેડૂતો, મહિલા સહિત નવા સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. આ બજેટમાં ઘણા સેક્ટરેને લાભ મળવાનો છે ત્યારે અલગ-અલગ વર્ગના લોકોએ આ બજેટને ખુલા મનથી આવકાર્યુ છે. આ વખતે ઓપિનિયન વિભાગમાં જાણો અલગ-અલગ વર્ગના લોકો બજેટ પર શું પ્રતિક્રિયા આપી…

હિમાંશુ પટેલ, સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ, VCCI

“2025-26નું બજેટ સમાજના દરેક ક્ષેત્રના લોકો માટે સંતોષકારક આપવામાં આવ્યું છે. સરકારે વર્ષ 2025ને ‘શહેરી વિકાસ વર્ષ’ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે, ત્યારે આ બજેટમાં નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓના વિકાસ માટેની વ્યૂહરચના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સ્વચ્છ હવા માટેની પહેલો, આઈ.ટી.આઈ.માં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) અને ‘ઘરનું ઘર’ માટે સબસિડીમાં વધારો કરવાની જાહેરાતથી બાંધકામ ક્ષેત્રને વેગ મળશે. વડોદરાની વાત કરીએ તો, સરકારે વર્કિંગ વિમન્સ હોસ્ટેલ, મેડિસિટી બનાવવાની અને એરપોર્ટના વિકાસ માટેની યોજના જાહેર કરી છે. ખાસ કરીને, કમિશનરેટ ઑફ સર્વિસીસની રચનાથી સેવા ક્ષેત્રને ફાયદો થશે. સરકારે આ બજેટમાં તમામ લોકોના ફાયદાઓને ધ્યાનમાં રાખીને દરેક ક્ષેત્રનો સમાવેશ કર્યો છે.”

અલિન્દા કશ્યપ, ફૅમિલી એન્ડ કોમ્યુનિટી રિસોર્સ મૅનેજમેન્ટ વિભાગમાં અસ્થાયી સહાયક પ્રોફેસર, MSU

“વડોદરામાં વર્કિંગ વિમન્સ હોસ્ટેલ સ્થાપવાના સરકારના નિર્ણયનું સ્વાગત કરું છું. આ નિર્ણયથી અનેક મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત થશે, જેઓ નોકરી માટે વિવિધ રાજ્યોમાંથી આવે છે. બીજું, તેમને યોગ્ય રેન્ટલ હાઉસિંગ મળશે, જે તેમને એક સમુદાય બનાવવામાં મદદ કરશે અને કોમ્યુનિકેશન સરળ બનાવશે. આ હોસ્ટેલથી તેઓ સરળતાથી ટાઈમ મેનેજમેન્ટ કરી શકશે અને તેમને ઘર જેવું વાતાવરણ પૂરું પાડશે.”

 

દિનેશ નાવડીયા, રિજિઅનલ ચેરમેન, જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ

“મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ 2025-26નું ચોથું બજેટ રજૂ કર્યું છે. આ બજેટનું કુલ કદ 3 લાખ 70 હજાર કરોડ રૂપિયાનું છે, જે ગયા વર્ષની તુલનામાં 21.8% વધુ છે. આ બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય, શિક્ષણ અને નાના ઘરો માટે મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે. ગુજરાત MSME હબ તરીકે વિકસી રહ્યું છે અને તેની પ્રગતિ માટે સરકાર દ્વારા ₹2 હજાર કરોડ ફાળવવામાં આવ્યા છે. સંકલિત રીતે જોવામાં આવે તો, આ બજેટ ગુજરાતના સર્વાંગી વિકાસ માટે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે.

વિરલ દેસાઈ, ઉદ્યોગકાર

“ગુજરાત સરકાર દ્વારા રજૂ કરાયેલું આ બજેટ ખરેખર ઐતિહાસિક છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાણાં મંત્રી કનુભાઈ દેસાઈને હું હાર્દિક અભિનંદન પાઠવું છું. કુલ ₹3.70 લાખ કરોડના આ બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય, શિક્ષણ, મહિલા વિકાસ અને ખેડૂત કલ્યાણ જેવાં ક્ષેત્રો માટે મહત્વની ફાળવણી કરવામાં આવી છે. હું ખાસ કરીને પર્યાવરણ ક્ષેત્રે કાર્ય કરું છું અને ગુજરાત માટે આ ગૌરવની વાત છે કે અહીં પહેલીવાર ‘ક્લાઈમેટ ચેન્જ’ વિભાગની રચના કરવામાં આવી છે. આ બજેટમાં પર્યાવરણ અને હવામાન પરિવર્તન માટે ફાળવણી કરવામાં આવી છે, જે એક ઉત્તમ પગલું છે. હું આ ઐતિહાસિક બજેટ માટે સમગ્ર સરકારને અભિનંદન પાઠવું છું.”

પ્રદીપ જૈન, એડવોકેટ, અમદાવાદ

“જનસુખાકારી દ્વારા વિકસિત ગુજરાતનું બજેટ રાજ્યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઇએ રજૂ કર્યું છે. આ બજેટની અંદર ગુજરાતના તમામ શહેરીજનો, ગ્રામીણજનો અને આદિવાસીઓને, યુવાનો અને મહિલાઓને આવરી લેતું આ બજેટ છે. મુખ્ય જોગવાઈઓની જો વાત કરવામાં આવે તો એમાં, પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આપવામાં આવતી છૂટ છે. જેમાં અત્યાર સુધી ₹1 લાખ 20 હજારની સબસીડી આપવામાં આવતી હતી, તે વધારીને ₹1 લાખ 70 હજાર કરવામાં આવી છે. એટલે કે ₹50 હજારનો વધારો કરવામાં આવ્યો છે. આદિવાસી કલ્યાણ માટે આ વર્ષે આદિવાસીઓના ભગવાન ગણાતા બિરસા મુંડાની જન્મજયંતીને ધ્યાનમાં રાખીને ₹30 હજાર કરોડ જેટલી રકમ ફાળવવામાં આવી. એના માધ્યમથી શિક્ષણ, રોજગારી અને લોકકલ્યાણના કામો થશે. બે નવા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વેની જાહેરાત કરવામાં આવી. રાજ્યના સાગરકિનારાના વિસ્તારોને શહેરો સાથે જોડતો આ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ બનશે. કૃષિક્ષેત્ર માટે પણ લગભગ ₹1,612 કરોડથી વધારે રકમ ફાળવવામાં આવી છે. આવનારું ભવિષ્ય જે બાળકોમાં છે, એ બાળકોના પોષણ માટે પણ લગભગ ગત વર્ષના બજેટ કરતા 25% જેટલી માતબર રકમનો વધારો કરીને ₹8,460 કરોડ જેટલી રકમ ફાળવવામાં આવી છે.”

નૌતમભાઇ બારસીયા, સેક્રેટરી, ચેમ્બર ઑફ કોમર્સ, રાજકોટ

“બજેટ સર્વાંગી વિકાસ કરનારું છે. ખાસ કરીને ઉદ્યોગ અને ખાણ ખનીજ ક્ષેત્રે ₹11,706 કરોડથી વધુની રકમની ફાળવણી તેમજ સ્ટાર્ટઅપ માટે ₹3,600 કરોડથી વધુની ફાળવણી આ બજેટમાં કરવામાં આવી છે. જેને પરિણામે ખાસ કરીને રાજકોટના એમ.એસ.એમ.ઈ. ઉદ્યોગને ખૂબ મોટો લાભ આ બજેટમાં થવાનો છે તેમ ચોક્કસ કહી શકાય. આજના બજેટમાં શિક્ષણ, આરોગ્ય, મહિલા, બાળકો, યુવાનો તમામ માટે જોગવાઈ કરવામાં આવી છે, જેના કારણે આ બજેટ સર્વાંગી વિકાસ કરનારું સાબિત થશે. આ બજેટ વિકાસની નવી ઊંચાઈએ લઈ જશે.”

 

 

રોનક ચિરિપાલ, પ્રમોટર, ચિરિપાલ ગ્રૂપ

“ગુજરાત બજેટ 2025-2026 ટેક્સટાઇલ સેક્ટર અને એમ.એસ.એમ.ઈ.ને સુદ્રઢ બનાવશે છે. જે રોજગારી અને આર્થિક વિકાસના મુખ્ય ચાલકબળો છે. ગુજરાત ટેક્સટાઇલ પૉલિસી હેઠળ રૂ. 2,000 કરોડની જોગવાઈ તથા આ ઉદ્યોગ અને સ્ટાર્ટઅપને સમર્થન પૂરું પાડવા માટે રૂ. 3,600 કરોડની ફાળવણી બિઝનેસની સ્પર્ધાત્મકતાને વધારશે, રોકાણને આકર્ષશે અને રોજગારીની નોંધપાત્ર તકોનું સર્જન કરશે. પી.એમ. મિત્ર પાર્ક હેઠળ નવસારીમાં રૉ વૉટર સપ્લાય પાઇપલાઇન પ્રોજેક્ટ માટે રૂ. 300 કરોડની સહાય એ આ સેક્ટર માટે સુદ્રઢ આંતરમાળખાનું નિર્માણ કરવા બીજું એક આવકારદાયક પગલું છે. આ પગલાં અગ્રણી ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ હબ તરીકેની ગુજરાતની સ્થિતિને મજબૂત બનાવશે.

ડૉ. જૈનીક વકિલ, ચેરમેન, ડાયરેક્ટર ટેક્સ કમિટી, GCCI

“ગુજરાત બજેટમાં હોમ લોન ધારકો અને નાના ઉદ્યોગસાહસિકો પાસેથી હાલમાં 1 કરોડ સુધીની લોન રકમ માટે ‘મોર્ટગેજ ડીડી’ પર 0.25%ના દરે મહત્તમ 25000 રૂપિયાનો સ્ટેમ્પ ડ્યુટી વસૂલવામાં આવે છે, જે ઘટાડીને 5000 કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત એક વર્ષથી ઓછા સમયગાળાના લીઝ ડીડી પર સરેરાશ વાર્ષિક ભાડાની રકમ પર 1% સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવવામાં આવે છે. જેના બદલ હવે રહેણાંક મિલકતો માટે 500 રૂપિયા અને કોમર્શિયલ મિલકતો માટે 1,000 રૂપિયા સ્ટેમ્પ ડ્યૂટી વસૂલવામાં આવશે. વધુમાં, મોર્ટગેજ ડીડીની નોંધણી, મોર્ટગેજ ડીડીની પુનઃપ્રાપ્તિ, લીઝ ડીડી વગેરે માટે ઈ-રજિસ્ટ્રેશનની સુવિધા પૂરી પાડવામાં આવશે. આનાથી સબ રજિસ્ટ્રાર ઑફિસની મુલાકાત લેવાની જરૂરિયાત ટાળી શકાશે. જેનાથી નાગરિકો અને નાના વેપારીઓનો સમય અને શક્તિનો બચાવ થશે. આ વર્ષે બજેટમાં ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરવામાં આવી છે. આ સંસ્થા સુવ્યવસ્થિત માનવ સંસાધનો અને નવી ટેકનોલોજી દ્વારા કાર્યક્ષમતામાં સુધારો કરીને સરકારના વહીવટી માળખા અને કાર્ય પદ્ધતિમાં સુધારો કરવાનું કાર્ય કરશે.”

(તેજસ રાજપરા, અમદાવાદ)

વિવાદો વચ્ચે ઘેરાયેલા સમય રૈનાએ આપી પહેલી વાર પ્રતિક્રિયા

સમય રૈનાનો શો ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ વિવિદોમાં ઘેરાયો છે. આ વિવાદ પૂર્ણ થવાનું નામ નથી લઈ રહ્યો. શોમાં રણવીર અલ્લાહબાદિયા દ્વારા કરવામાં આવેલી અશ્લીલ કોમેન્ટો લઈ સમય રૈના પણ વિવાદોમાં ઘેરાયા હતા. વિવાદ પછી, સમયે કેનેડામાં પોતાનો પહેલો શો કર્યો. આ શો દરમિયાન, સમયે પહેલીવાર શોના વિવાદ અંગે પ્રતિક્રિયા આપી છે. પ્રેક્ષકો સાથે વાતચીત કરતી વખતે, કોમેડિયને કહ્યું- એવું લાગે છે કે મારો સમય ખરાબ ચાલી રહ્યો છે, પણ યાદ રાખો કે હું જ સમય છું.

સમય રૈના હાલમાં તેના સ્ટેન્ડ-અપ શો સમય રૈના અનફિલ્ટર્ડ માટે કેનેડાના પ્રવાસ પર છે. તાજેતરમાં તેણે કેનેડાના એડમોન્ટનમાં માયર હોરોવિટ્ઝ થિયેટરમાં પર્ફોર્મ કર્યું. ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, સમયે તેના શોમાં કહ્યું- આ શોમાં ઘણી એવી ક્ષણો આવશે જ્યાં તમને લાગશે કે હું ખરેખર કંઈક ફની કહી શકું છું, પણ ત્યારે બીયર બાયસેપ્સને યાદ કરી લેજો ભાઈ. વધુમાં તેમણે જણાવ્યું કે’કદાચ મારો સમય ખરાબ ચાલી રહ્યો છે, પણ યાદ રાખજો મિત્રો, હું સમય છું’ કેનેડામાં સ્ટેન્ડ-અપ કરતી વખતે કોમેડિયન સમય રૈનાએ ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ના વિવાદ વિશે મજાક કરી લોકોને હસાવ્યા હતા. સમયે મજાકમાં આ વિવાદનો ઉલ્લેખ કર્યો અને ઓડિયન્સને કહ્યું કે તમે ટિકિટ ખરીદેને મારા વકીલની ફી ચૂકવી તે બદલ તમારો આભાર.

શું છે આખો મામલો?

‘બિયર બાઇસેપ્સ’ તરીકે જાણીતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને પોડકાસ્ટર રણવીર અલ્લાહબાદિયા તાજેતરમાં સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈનાના શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં દેખાયો હતો. આ શો તેના વિવાદાસ્પદ અને બોલ્ડ કોમેડી કન્ટેન્ટ માટે જાણીતો છે, પરંતુ આ વખતે શોમાં કંઈક એવું બન્યું, જેનાથી સોશિયલ મીડિયા પર લોકો ગુસ્સે થયા. રણવીરે શોમાં એક કન્ટેસ્ટન્ટને વાંધાજનક પ્રશ્નો પૂછ્યા હતા. રણવીરે એક સ્પર્ધકને એવો ગંદો સવાલ પૂછી નાખ્યો, જેનો અર્થ એવો થતો હતો કે ‘શું તમે તમારાં માતા-પિતા સાથે અંગત પળો માણશો?’ આ અને આ સિવાય પણ શોમાં ભરપૂર ગંદી કમેન્ટ્સ હતી. એને લીધે ખાસ કરીને યંગસ્ટર્સમાં આ સુપરહિટ શો અત્યારે વિવાદમાં આવ્યો છે. આ શો સામે હવે મુંબઈ હાઇકોર્ટના એડવોકેટ આશિષ રાય અને પંકજ રાયે મહિલા આયોગને પણ ફરિયાદ મોકલી હતી.

પૂંછ બોર્ડર પર ભારત-પાકિસ્તાન વચ્ચે 75 મિનિટની ફ્લેગ મીટિંગ, જાણો કયા મુદ્દાઓ પર થઈ સહમતિ ?

ભારત અને પાકિસ્તાને શુક્રવારે જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા (LoC) પર ‘ફ્લેગ મીટિંગ’ યોજી હતી, જેમાં સરહદ પારથી ગોળીબાર અને IED હુમલાની તાજેતરની ઘટનાઓ બાદ તણાવ ઓછો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં બંને પક્ષોએ સરહદ પર શાંતિ જાળવવા અંગે વાત કરી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે બ્રિગેડ કમાન્ડર-સ્તરની ‘ફ્લેગ મીટિંગ’ ‘ચકન-દા-બાગ ક્રોસિંગ પોઈન્ટ’ વિસ્તારમાં થઈ હતી, જેમાં બંને પક્ષોએ સરહદ પર શાંતિ જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે 75 મિનિટ સુધી ચાલેલી આ બેઠક લગભગ 11 વાગ્યે શરૂ થઈ હતી.

બેઠકમાં કયા મુદ્દાઓ પર સર્વસંમતિ સધાઈ?

સૂત્રોએ જણાવ્યું હતું કે બેઠક સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં થઈ હતી અને બંને પક્ષો સરહદ પર શાંતિના વ્યાપક હિતમાં યુદ્ધવિરામ કરારનું સન્માન કરવા સંમત થયા હતા. ૨૫ ફેબ્રુઆરી, ૨૦૨૧ના રોજ ભારત અને પાકિસ્તાને યુદ્ધવિરામ કરારનું નવીકરણ કર્યું ત્યારથી જમ્મુ અને કાશ્મીરની સરહદો પર યુદ્ધવિરામ ઉલ્લંઘનની ઘટનાઓમાં ઘટાડો થયો છે.

તાજેતરમાં ગોળીબારની ઘટનાઓમાં વધારો થયો છે

ભારત અને પાકિસ્તાનની સેનાઓએ 2021માં યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. આ યુદ્ધવિરામ પછી, સરહદ પર તણાવ ઘણો ઓછો થયો. જોકે, તાજેતરના સમયમાં કેટલીક ચિંતાજનક ઘટનાઓ બની છે. ૧૧ ફેબ્રુઆરીએ નિયંત્રણ રેખાના અખનૂર સેક્ટરમાં બે ભારતીય સૈનિકોની શહાદત ઉપરાંત, પૂંછ અને રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા પાર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં બે અન્ય સૈનિકો ઘાયલ થયા હતા. પૂંછ સેક્ટરમાં સરહદ પારથી થયેલા ગોળીબારનો ભારતીય સેનાએ યોગ્ય જવાબ આપ્યો. અહેવાલો અનુસાર, પાકિસ્તાની બાજુ પણ કેટલીક જાનહાનિ થઈ છે.

સુરક્ષા દળોને કડક સૂચનાઓ મળી

જમ્મુ અને કાશ્મીરમાં ઓછી હિમવર્ષાને કારણે આ શિયાળામાં પરંપરાગત ઘૂસણખોરીના માર્ગો ખુલ્લા રહ્યા હોવાથી સેના અને સુરક્ષા દળો નિયંત્રણ રેખા અને અંતરિયાળ વિસ્તારોમાં કડક નજર રાખી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીર પર બે સુરક્ષા સમીક્ષા બેઠકોની અધ્યક્ષતા કરી. તે બેઠકો દરમિયાન, તેમણે સુરક્ષા દળોને શૂન્ય ઘૂસણખોરી અને આતંકવાદીઓ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા સુનિશ્ચિત કરવાનો આદેશ આપ્યો. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ તાજેતરમાં બે સુરક્ષા બેઠકોની અધ્યક્ષતા પણ કરી હતી, એક શ્રીનગરમાં અને બીજી જમ્મુમાં. લેફ્ટનન્ટ ગવર્નરે પોલીસ અને સુરક્ષા દળોને આતંકવાદીઓ, તેમના ઓવર-ગ્રાઉન્ડ વર્કર્સ (OGW) અને સમર્થકોને નિશાન બનાવીને આતંકવાદી નેટવર્કને તોડી પાડવા જણાવ્યું.