Home Blog Page 1148

VIDEO: ગોંડલમાં બે માળનું મકાન ધરાશાયી, 3 લોકો કાટમાળ નીચે દટાયાં

રાજકોટ: ગોંડલથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. જેમાં શહેરના ગરબી ચોક પાસે આવેલા એક મકાનનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું, તે દરમિયાન અચાનક અગમ્ય કારણોસર મકાન ધરાશાયી થઈ ગયું છે. આ દુર્ઘટનામાં મકાન નીચે ત્રણ લોકો દટાયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. દટાઈ ગયેલા લોકોમાં એક પુરૂષ અને બે મહિલાઓ સામેલ છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી છે.

હાલમાં ફાયર વિભાગની ટીમ જે.સી.બી. મશીનની મદદથી કાટમાળ ખસેડીને દટાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી કરી રહી છે. આ દુર્ઘટનામાં હજુ એક પુરૂષ અને એક મહિલા કાટમાળ નીચે દટાયેલા છે. જ્યારે એક વૃદ્ધાને બહાર કાઢી લેવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં આસપાસમાંથી મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. સ્થાનિક ધારાસભ્ય પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે.

USમાં વિમાન દુર્ઘટનાનો સિલસિલો યથાવત, હવે એરિઝોનામાં બે વિમાન ટકરાયા

અમેરિકા: વધુ એક વિમાન દુર્ઘટના સર્જાઇ છે. એરિઝોના એરપોર્ટ પર બે વિમાન વચ્ચે હવામાં ટક્કર થતાં બે લોકોના મોત નીપજ્યા છે.

મારાના પોલીસે વિભાગે જણાવ્યું હતું કે આ દુર્ઘટના 19 ફેબ્રુઆરીએ અવરા વૈલી અને સૈંડેરિયો રોડ સ્થિત મારાના રિજનલ એરપોર્ટ પર સર્જાઇ હતી. જેમાં 2 લોકોના મોતની પુષ્ટિ થઇ છે. હજુ સુધી વિસ્તૃત જાણકારી પ્રાપ્ત થઇ નથી. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા ફોટામાં એરપોર્ટ પાસે ધુમાડાના ગોટેગાટા જોવા મળી રહ્યા છે. મારાનામાં એક રિજનલ એરપોર્ટ છે. એફ.એ.એ. અને એન.ટી.એસ.બી. અકસ્માતની તપાસ કરશે. રિપોર્ટસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે અકસ્માત સમયે બંને વિમાનોમાં લોકો સવાર હતા. આ પહેલાં પણ અમેરિકામાં ફ્લાઇટ અને હેલિકોપ્ટર વચ્ચે ટક્કર થઇ હતી, જેમાં 60થી વધુ લોકોના મોત થયા હતા.

ચેમ્પિયન્સ ટ્રોફી: બાંગ્લાદેશ સામેની મેચથી ટીમ ઈન્ડિયા શરૂ કરશે મિશન

દુબઈ: ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમ આજથી તેના મિશનનો પ્રારંભ કરશે, જેમાં પ્રથમ મેચ બાંગ્લાદેશ સામે છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ સામે ICC ટુર્નામેન્ટ્સમાં સારા દેખાવ સાથે આગળ વધવાની સાથે ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિજયી શરૂઆત કરવાના ઈરાદે મેદાનમાં ઉતરશે. જ્યારે શાન્તોની આગેવાની હેઠળની બાંગ્લાદેશની ટીમને પણ ભારત જેવી મજબૂત ટીમ સામે અણધારી સફળતાની આશા છે. દુબઈમાં આજે અઢી વાગ્યાથી વન ડે મેચની શરૂઆત થશે. ટીમમાં આ વખતે હાર્દિક પંડ્યાની સાથે અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજાનું સ્થાન નક્કી મનાય છે.

ટુર્નામેન્ટના ઇતિહાસમાં બંને ટીમ ફક્ત એક જ વાર એકબીજા સામે ટકરાઈ છે. આ મેચ 2017માં છેલ્લી ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન રમાઈ હતી. બર્મિંગહામમાં રમાયેલી સેમિફાઈનલમાં ભારતીય ટીમે બાંગ્લાદેશને 9 વિકેટથી હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી હતી. આમાં કેપ્ટન રોહિત શર્માએ 123 રનની અણનમ ઇનિંગ રમી હતી.ટીમ ઈન્ડિયા સામે મેદાનમાં ઉતરતાં પહેલાં જ બાંગ્લાદેશી કેપ્ટને કહ્યું કે, “અમને અંડર એસ્ટિમેટ કરવાની જરૂર નથી. અમે કોઈ પણ ટીમને હરાવવા માટે સક્ષમ છીએ. હું હરીફ ટીમ વિશે વિચારતો નથી. જો અમે વ્યૂહરચનાને ફોલો કરીશું અને તેનું યોગ્ય રીતે અમલ થશે તો ચોક્કસ જીતીશું. અમારા ફાસ્ટબોલર હાલ ફોર્મમાં છે અને તેનાથી ટીમનો જુસ્સો પણ વધ્યો છે.”

રેખા ગુપ્તા સાથે આજે 6 મંત્રી પણ લેશે શપથ, કોણ છે લિસ્ટમાં સામેલ?

નવી દિલ્હી: રાજધાનીમાં આજે નવી ચૂંટાયેલી ભાજપ સરકારનો શપથ સમારોહ યોજાવા જઇ રહ્યો છે. એક દિવસ પહેલાં જ રેખા ગુપ્તાને ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં નેતા તરીકે પસંદ કરવામાં આવતા તેમનું મુખ્યમંત્રી તરીકેનું નામ ફાઈનલ થઇ ગયું છે.

6 મંત્રીના નામ પણ ફાઈનલ 

આ સાથે દિલ્હીની નવી સરકારના શપથ ગ્રહણ સમારોહ દરમિયાન મુખ્યમંત્રીની સાથે છ મંત્રીઓ પણ મંત્રી પદ અને ગુપ્તતાના શપથ લેશે. મંત્રીઓના નામ પણ સામે આવ્યા છે. જેમાં પ્રવેશ વર્મા, આશિષ સૂદ, મનજિંદર સિંહ સિરસા, રવિન્દર ઇન્દ્રરાજ સિંહ, કપિલ મિશ્રા અને પંકજ કુમાર સિંહના નામ સામેલ છે.

શપથ લેતા પહેલા રેખા ગુપ્તાએ ગુરુવારે સવારે મીડિયા સાથે વાત કરતા કહ્યું, “આ એક મોટી જવાબદારી છે. મારા ઉપર વિશ્વાસ કરવા માટે હું પીએમ મોદી અને ભાજપ હાઇકમાન્ડનો આભાર માનું છું. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું દિલ્હીનો મુખ્યમંત્રી બનીશ. આ એક ચમત્કાર જેવું છે.”

દિલ્હીના રામલીલા મેદાનમાં નવી સરકારના ભવ્ય શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. શપથ ગ્રહણ સમારોહ આજે બપોરે થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, તેમના મંત્રીમંડળના સાથીઓ અને એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે.

આજે ગુજરાત સરકારનું બજેટ, ક્યા ક્ષેત્રો પર મૂકાશે ભાર?

ગાંધીનગર: બજેટ સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે ગુરુવારે નાણામંત્રી કનુભાઈ પટેલ બજેટ રજૂ કરવાના છે. એક અંદાજ અનુસાર વર્ષ કરતાં વર્ષ 2025-26નું બજેટ 10 ટકા વધુ રહેશે. આ વર્ષે રૂ.3.72 લાખ કરોડનું બજેટ રજૂ થાય તેવો અંદાજ સેવાઈ રહ્યો છે.

આજે વિધાનસભામાં પ્રશ્નોતરી પછી બજેટ રજૂ થશે. ગત વખતે ગુજરાતનું 3.32 લાખ કરોડનું બજેટ રજૂ કરાયુ હતું. આ વખતે બજેટની રકમમાં વધારો થઇ શકે છે. બજેટમાં નવી યોજનાઓ જ નહીં, નવી જાહેરાતો થઈ શકે છે. સ્ટેમ્પ ડ્યુટીમાં છૂટછાટ અથવા તો હાલ જે સરકારી યોજનાથી લોકોને ફાયદો પહોંચ્યો છે, તેમાં નાણાંકીય વધારો થશે તેવી પણ આશા છે.

આ ઉપરાંત જે નગર પાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે તે રૂપાંતરિત મહાનગરપાલિકા માટે પણ નવી યોજના અને વધુ નાણાકીય જોગવાઈ જાહેર થાય તેવી શક્યતા છે. કેન્દ્ર સરકારની જેમ ગુજરાત સરકાર પણ રાજ્યની જનતાને ફાયદો કરાશે કે કેમ તે અંગે લોકોની બજેટ પર નજર મંડાઇ છે.

સુવિચાર – ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૫

૨૦ ફેબ્રુઆરી ૨૦૨૫

આપદા જ્યારે આનંદનો અવસર બને…

થોડા દિવસ પહેલાં સત્સંગસભા બાદ એક ભાઈ મળવા આવ્યા. યુવાન હતા. કહે “સ્વામી, નવાં નવાં લગ્ન થયાં છે, પણ ઘરે પત્ની-માતાના કંકાસ વચ્ચે મારી હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ જાય છે. હું શું કરું?” એમની વાત સાંભળી અમારી સાધુમર્યાદામાં રહીને જેટલું કહેવાય એટલું કહી એમને વિદાય લીધા.

વર્તમાનયુગમાં છૂટાછેડા લેનારાં દંપતીઓના આંકડા ચોંકાવનારા છે. સાસુ-વહુનો આદિકાળથી ચાલી આવતી બોલાચાલી, દિવસે ને દિવસે વધતી જાય છે. સંતાનો અને માતા-પિતા વચ્ચેનો સ્નેહસંબંધ ઓગળતો જાય છે, વૃદ્ધાશ્રમો ઊભરાતા જાય છે. ભાઈ-ભાઈ વચ્ચે મોટી ખાઈ સર્જાઈ છે. કયાંક દેરાણી-જેઠાણી વચ્ચે આગ લાગી છે. સંબંધોમાં અસંતોષની ચિનગારી વધતા-ઓછા અંશે દરેકને દઝાડી રહી છે, પરંતુ એ અસંતોષના મૂળમાં ડોકિયું કરતાં એક જ આલાપ સંભળાય છેઃ “મને કોઈ સમજતું જ નથી.”

રામાયણનો એક પ્રસંગ છેઃ ભગવાન શ્રીરામ-લક્ષ્મણ-જાનકી ધૈર્યથી વનવાસ પસાર કરી રહ્યાં હતાં. એક દિવસ ભગવાન શ્રીરામે દિવ્ય દેહે લક્ષ્મણનાં પત્ની ઊર્મિલાને દર્શન દીધાં. લક્ષ્મણના કુશળ સમાચાર આપી કંઈ માંગવા કહ્યું ત્યારે ઊર્મિલાએ કહ્યું, “રઘુવંશની પુત્રવધૂ થવાનું મને જે સૌભાગ્ય મળ્યું છે એ શું ઓછું છે? છતાં આપવું જ હોય તો એવું કરજો કે આપના વનવાસ દરમિયાન મારા પતિને મારું સ્મરણ સપનામાં પણ ન આવે, જેથી આપની સેવામાં ખામી ન આવે.”

ઊર્મિલાની મહાન માગણીની પ્રશંસા કરવા કરતાં એની લાગણીને સમજવી જરૂરી છે. ૧૪-૧૪ વર્ષ વિના કારણ પતિ વગર રહેવાની ફરિયાદ નહોતી, સાસુ પ્રત્યે ઘૃણા નહોતી, પિયર જતાં રહેવાની ધમકી નહોતી કે લક્ષ્મણને પાછા બોલાવી લેવાની રોકકળ નહોતી. મહેલમાં રહીને તપસ્યા કરનારી એ પતિવ્રતાના મનમાં એક જ અભિલાષા હતી- લક્ષ્મણની કર્તવ્યનિષ્ઠામાં આંચ ન આવવી જોઈએ. પોતાની પરિસ્થિતિ પર રડવા કરતાં એમણે લક્ષ્મણની પરિસ્થિતિને સમજવામાં શાણપણ માન્યું. તો સામે લક્ષ્મણ પણ મોટા ભાઈ અને ભાભીની પરિસ્થિતિ સમજ્યા અને સેવક બનીને ચાલી નીકળ્યા.

હવે, ધારો કે આમાંથી કોઈ એકે સ્વકેન્દ્રી થઈને બળવો પોકાર્યો હોત તો અયોધ્યા સમરાંગણ બની લંકાની જેમ બળીને ખાખ થઈ જાત, પરંતુ જ્યારે દરેક વ્યક્તિ બીજાને સમજવા માટે તત્પર હોય ત્યારે હૃદયમાં અને પરિવારમાં કેટલી શાંતિ સ્થપાય છે, તેનું આ ઉદાહરણ છે. કેવળ ઉદાહરણ નહી પણ માનવહૃદયમાં સળગતા પ્રશ્નનો ઉકેલ છે.

2008માં BAPS સંસ્થાના વર્તમાન ગુરુ પૂજ્ય મહંત સ્વામી મહારાજ બેંગલુરુમાં હતા. તે વખતે સ્વામીશ્રીની ઉંમર ૭પ વર્ષની હતી, થોડા જ સમય પહેલાં હ્રદયની બાયપાસ સર્જરી થયેલી. બેંગલુરુના વિચરણ દરમિયાન તેઓ એક વિવિધ પ્રકારની ચા ભૂકી વેચતીની દુકાને પધાર્યા. દુકાનમાલિક સત્સંગીનાં ધંધાપાણી સારાં ચાલે તે માટે પ્રાર્થના કરી સ્વામીશ્રી વિદાય થતા હતા ત્યાં પેલા ભાઈએ સંતોને કહ્યું, “આપ પૂજ્ય મહંતસ્વામીને કહોને કે મારા ઘરે પધરામણી કરી જાય. અહીં નજીકમાં જ છે.”

એ મુરબ્બીનું ઘર ચોથા માળે અને લિફ્ટ પણ નહીં. વળી પૂજ્ય મહંતસ્વામીને આગળ રાત્રિસભામાં પહોંચવાનું હતું. સંતોએ વડીલને સમજાવ્યું કે “મહંતસ્વામીની હમણાં જ બાયપાસ સર્જરી થઈ છે. ચાર માળ ચઢવા હાલ તેઓના સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી, માટે તમે સમજો,” પણ પેલા ભાઈએ આગ્રહ ચાલુ રાખ્યો. ગાડીમાં બેસી ગયેલા પૂજ્ય મહંત સ્વામીને આ વાર્તાલાપની ખબર પડી. તેઓ તરત એ ભક્તના ઘરે પહોંચી ગયા. બાયપાસ સર્જરીના વર્ષે જ ચોપન પગથિયાં ચઢી તેમણે પેલા વડીલ તથા એમના પરિવારનાં જીવન સુખી બને તે માટે ભગવાનને પ્રાર્થના કરી. પછી જ રાત્રિસભામાં પહોંચ્યા. 75 વર્ષની જૈફ વયે રાત્રે ભક્તિ સંબંધી ક્રિયા આટોપી તેઓ આરામમાં પધાયાં ત્યારે રાતનો દોઢ વાગ્યો હતો. આવા તો હજારો પ્રસંગ તેમના જીવનમાં બનેલા છે.

કહેવાનું એ કે પૂજ્ય મહંત સ્વામી મહારાજ જીવનઆખું બીજાને સમજ્યા એટલે જ તેમના એક વચને અમદાવાદમાં પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં 80,000 થી વધુ સ્વયંસેવકો 30-30 દિવસ સુધી સેવામાં હાજર થઈ ગયેલા.

બીજાને સમજવામાં આપણને કષ્ટ પડશે, બીજાની લાગણીઓને સમજવામાં આપણે ઘસાવાનું થશે, પણ જો હૃદયમાં શુદ્ધ પ્રેમ સાથે બીજા માટે સહન કરીશું તો એ તકલીફ પણ આનંદનો અવસર બની જશે.

(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

કબીરવાણી: સામાજિક જવાબદારી સાથે દરેકે મોક્ષ માટે જાગૃત રહેવું જોઈએ

માતા, પિતા, સુત, ઈસ્તરી, આલસ બન્ધુ કાનિ,

સાધુ દરશ કો જબ ચલૈ, યે અટકાવે ખાનિ.

સંસાર માયાના મોહપાશમાં જકડાયેલો છે. ભગવાન બુદ્ધને માયાવશ જગતમાં જરા, વ્યાધિ, મૃત્યુ અને દારિદ્રયથી છૂટવાની ઉત્કંઠા થઈ પણ પ્રેમાળ પત્ની, વ્હાલસોયું બાળક, રાજવૈભવ, સંપત્તિ અને સત્તા છોડવાં કેમ ? આત્મચિંતનથી સમજાયું કે, પોતા માટે જ નહીં પણ સંસારના સર્વ જીવાત્મા માટે તેમણે ખોજ કરવી રહી. તમામનો પરિત્યાગ કરી ‘મહાભિનિષ્ક્રમણ’ કર્યું કે જેથી વ્યથિત જગમાં સુખ-શાંતિ લાવી શકાય.

કબીરજી તેથી જ કહે છે કે, આપણા નજીકના સંબંધો જ ઘણી વખત આપણને સત્કાર્યથી વિમુખ રાખે છે. આ પ્રકારની આસક્તિ સહજ લાગે છે. માતા, પિતા, પુત્ર અને પત્નીના સંબંધો પણ પ્રેમની સાથે સાથે અન્ય અપેક્ષાઓથી જોડાયેલા છે. તેમાં આળસ અને સંકોચ ભળે છે.

સમય કોઈની પ્રતીક્ષા કરતો નથી. આત્માનો ચિરાગ રોશનીમય બને તો જીવન સાફલ્યથી વંચિત ન રહે. આપણી સંસ્કૃતિમાં પત્નીને સહધર્મચારિણી કહી છે કે જેથી સત્સંગ-સત્કર્મમાં યુગલ સાથે રહે. સામાજિક જવાબદારી સાથે પણ દરેક વ્યક્તિએ મોક્ષ માટે જાગૃત રહેવું જોઈએ.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)

Champions Trophy : કરાચીમાં ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનને હરાવ્યું

લગભગ 3 દાયકા પછી, ICC ટુર્નામેન્ટ પાકિસ્તાનમાં પાછી આવી પરંતુ તે પાકિસ્તાની ટીમ અને તેના ચાહકો માટે એક દુઃસ્વપ્ન સાબિત થયું. બુધવાર, 19 ફેબ્રુઆરીથી શરૂ થયેલી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની પહેલી જ મેચમાં યજમાન પાકિસ્તાનને ન્યુઝીલેન્ડ સામે કારમી હારનો સામનો કરવો પડ્યો. ટોમ લેથમ અને વિલ યંગે સદી ફટકારીને ન્યૂઝીલેન્ડને 320 રનનો વિશાળ સ્કોર બનાવવામાં મદદ કરી, પરંતુ પાકિસ્તાનની ધીમી અને બિનઅસરકારક બેટિંગને કારણે તેઓ માત્ર 260 રનમાં ઓલઆઉટ થઈ ગયા અને 60 રનથી હારી ગયા.

ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કરાચીના નેશનલ સ્ટેડિયમને ફરીથી બનાવવા માટે કરોડો રૂપિયા ખર્ચ્યા હતા. પાકિસ્તાની ચાહકો ચમકતા નવા સ્ટેડિયમમાં તેમની ટીમ પાસેથી શાનદાર પ્રદર્શનની અપેક્ષા રાખતા હતા, પરંતુ 8 કલાક લાંબી મેચમાં તેમણે મેદાન પર જે જોયું તે ભૂતકાળના યુગનું ક્રિકેટ હતું. આ મેચની પહેલી 10 ઓવર સિવાય, પાકિસ્તાની ટીમ આગામી 88 ઓવર સુધી ન્યુઝીલેન્ડથી પાછળ રહી ગઈ હોય તેવું લાગતું હતું.

લાથમ અને યંગની સદીથી પાકિસ્તાનનો પરાજય

ટોસ જીતીને બોલિંગ કર્યા પછી, પાકિસ્તાની ટીમે 9મી ઓવર સુધીમાં ડેવોન કોનવે અને કેન વિલિયમસનને પેવેલિયન પાછા મોકલી દીધા હતા, જ્યારે ડેરિલ મિશેલ પણ થોડા સમય પછી આઉટ થઈ ગયા હતા અને સ્કોર 3 વિકેટે માત્ર 73 રન હતો. અહીંથી, વિલ યંગ અને ટોમ લેથમે ઇનિંગ્સ પર નિયંત્રણ મેળવ્યું અને પાકિસ્તાની બોલરોને ફટકાર લગાવવાનું શરૂ કર્યું. વિલ યંગ (107) એ ટૂંક સમયમાં જ પોતાની વનડે કારકિર્દીની પહેલી સદી ફટકારી અને લેથમ સાથે 118 રનની ભાગીદારી કરી. તેમના આઉટ થયા પછી, લેથમે ગ્લેન ફિલિપ્સ સાથે મળીને 125 રનની ઝડપી ભાગીદારી કરી અને ટીમને 300 રનથી વધુ રન બનાવ્યા. આ દરમિયાન, લેથમે માત્ર 95 બોલમાં પોતાની કારકિર્દીની 8મી સદી પૂર્ણ કરી, જ્યારે ફિલિપ્સે માત્ર 39 બોલમાં 61 રનની વિસ્ફોટક ઇનિંગ રમી. 104 બોલમાં 118 રન બનાવીને લાથમ અણનમ પાછો ફર્યો.

ટોપ ઓર્ડર ખરાબ રીતે નિષ્ફળ ગયો

ફખર ઝમાનની ઈજાને કારણે પાકિસ્તાન માટે આ લક્ષ્ય પહેલાથી જ મુશ્કેલ દેખાઈ રહ્યું હતું અને પછી પાકિસ્તાને પ્રથમ 10 ઓવરમાં ફક્ત 22 રન બનાવીને પોતાની મુશ્કેલીઓમાં વધારો કર્યો. આ દરમિયાન, કામચલાઉ ઓપનર સઈદ શકીલ અને કેપ્ટન મોહમ્મદ રિઝવાન પેવેલિયન પરત ફર્યા. પાકિસ્તાને એક આશ્ચર્યજનક નિર્ણય લીધો અને ઘાયલ ફખર (24) ને બેટિંગ માટે મોકલ્યો પરંતુ તે ચાલવામાં મુશ્કેલી અનુભવી રહ્યો હતો. તેણે થોડા ચોગ્ગા ફટકાર્યા અને પછી આઉટ થઈ ગયો. તેમના અનુગામી, સલમાન અલી આગા (42) ને પરિસ્થિતિની ગંભીરતાનો ખ્યાલ આવ્યો અને તેમણે કેટલાક મોટા શોટ વડે પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો પરંતુ તે લાંબો સમય ટકી શક્યો નહીં.

બાબરની ધીમી બેટિંગે મોટું નુકસાન કર્યું

આ બધા વચ્ચે, પાકિસ્તાન માટે સૌથી મોટી સમસ્યા સ્ટાર બેટ્સમેન બાબર આઝમ હતી, જે ઓપનિંગ કરવા આવ્યો હતો પરંતુ શરૂઆતથી અંત સુધી ઝડપી બેટિંગ કરવામાં સંઘર્ષ કરતો જોવા મળ્યો. તે ક્યારેય મોટા શોટ રમવામાં સફળ દેખાતો ન હતો, ન તો તે રન રેટ વધારવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં રન રેટનું દબાણ પણ વધી ગયું. બાબરે અડધી સદી ફટકારી હતી, પરંતુ 90 બોલમાં 64 રનની તેની ઇનિંગથી ફક્ત નુકસાન થયું હતું. ખુશદિલ શાહે અંતમાં માત્ર 49 બોલમાં ઝડપી 69 રન બનાવીને હારનો ગાળો ઘટાડ્યો, પરંતુ તે પણ પરિણામ બદલી શક્યો નહીં. ન્યૂઝીલેન્ડ તરફથી યુવા ઝડપી બોલર વિલ ઓ’રોર્ક અને કેપ્ટન મિશેલ સેન્ટનરે 3-3 વિકેટ લીધી.