Home Blog Page 1149

પંચાંગ 20/02/2025

BIG NEWS : રેખા ગુપ્તા દિલ્હીના નવા મુખ્યમંત્રી બનશે

દિલ્હીના નવા મુખ્યમંત્રીનું નામ નક્કી થઈ ગયું છે. શાલીમાર બાગના ધારાસભ્ય રેખા ગુપ્તા દિલ્હીના નવા મુખ્યમંત્રી બનશે. પાર્ટીના બંને નિરીક્ષકો, રવિશંકર પ્રસાદ અને ઓમ પ્રકાશ ધનખડે એક પછી એક ધારાસભ્યો સાથે વાત કરી અને પછી રેખા ગુપ્તાના નામની જાહેરાત કરી. ભાજપ 27 વર્ષ પછી રાજધાનીમાં પાછી ફરી છે. લાંબા સસ્પેન્સ પછી બુધવારે સાંજે ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં તેમના નામને મંજૂરી આપવામાં આવી. શાલીમાર બાગના ધારાસભ્ય રેખા ગુપ્તાને મુખ્યમંત્રી પદની જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપ માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે કારણ કે પાર્ટી 27 વર્ષ પછી દિલ્હીમાં સત્તામાં પાછી આવી છે.

ધારાસભ્યોની બેઠકમાં લેવાયો નિર્ણય

બેઠકમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓ રવિશંકર પ્રસાદ અને ઓમ પ્રકાશ ધનખડે એક પછી એક ધારાસભ્યો સાથે વાત કરી અને બધાના મંતવ્યો જાણ્યા બાદ રેખા ગુપ્તાના નામની જાહેરાત કરવામાં આવી. અગાઉ મુખ્યમંત્રી પદ માટે ઘણા નામો સમાચારમાં હતા, પરંતુ રેખા ગુપ્તાએ બધાને પાછળ છોડી દીધા અને રેસ જીતી લીધી. તેમના નામની જાહેરાત થતાં જ પાર્ટી કાર્યાલયમાં ઉજવણીનો માહોલ છવાઈ ગયો અને સમર્થકોએ ખૂબ જ આનંદ સાથે ઉજવણી કરી.

હાલમાં રેખા ગુપ્તાના શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ ભવ્ય કાર્યક્રમ ગુરુવારે સવારે ૧૧ વાગ્યા પછી યોજાશે, જેના માટે ૨૫ થી ૩૦ હજાર લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, વિદાયમાન મુખ્યમંત્રી આતિશી અને દિલ્હી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ દેવિન્દર યાદવને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, ભાજપના ઘણા ટોચના નેતાઓ અને અન્ય મહાનુભાવો પણ આ શપથ ગ્રહણ સમારોહનો ભાગ બનશે.

દિલ્હીના રાજકારણમાં મોટો ફેરફાર

દિલ્હીના રાજકારણમાં આ એક મોટો ફેરફાર છે. અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી (AAP) એ સતત ત્રણ વખત સરકાર બનાવી હતી, પરંતુ આ વખતે ભાજપ સત્તામાં પાછી આવી છે. રેખા ગુપ્તાએ હવે રાજધાની માટે નવી દિશા નક્કી કરવી પડશે અને જનતાની અપેક્ષાઓ પર ખરા ઉતરવું પડશે. તેમની સામે ઘણા પડકારો હશે, પરંતુ પાર્ટી અને તેમના સમર્થકોને વિશ્વાસ છે કે તેઓ તેમના કાર્યકાળ દરમિયાન દિલ્હીના વિકાસને નવી ઊંચાઈઓ પર લઈ જશે.

ભાવનગરમાં IT વિભાગનું મેગા ઓપરેશન, 11 પેઢી પર 32 સ્થળે 36 ટીમ ત્રાટકી

ભાવનગર: ભાવનગર શહેરમાં આવકવેરા વિભાગ (IT) દ્વારા મેગા સર્ચ-ઓપરેશન હાથ ધરાયું છે. દિલ્હીની IT ટીમની આગેવાની હેઠળ અમદાવાદ, વડોદરા અને સુરત સહિતના 500થી વધુ અધિકારીઓ આ ઓપરેશનમાં સામેલ થયા છે. 11 પેઢીનાં 32 સ્થળો પર 36 ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જાણીતા બિલ્ડરો, ડોક્ટરો, ઉદ્યોગપતિઓ અને નામાંકિત જ્વેલર્સને ત્યાં દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

આઈટી દ્વારા શહેરના નામાંકિત બિલ્ડર અને ભાજપના વરીષ્ઠ આગેવાન ગિરીશ શાહના ઘર સહિત વ્યાવસાયિક સ્થળો પર સર્ચ હાથ ધર્યું છે. શહેરમાં ગિરીશ શાહની બિલ્ડકોન પેઢી અને આતભાઈ ચોક નજીક બંગલા પર ચેકિંગ હાથ ધરાયું હતું. IT દ્વારા ગઈકાલ એટલેકે 18મી ફેબ્રુઆરીથી આ ઓપરેશન શરૂ થયું હતું. આવકવેરા વિભાગની અચાનક કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

બિલ્ડરો, ડોક્ટરો, ઉદ્યોગપતિઓ અને નામાંકિત જ્વેલર્સ ત્યાં IT દરોડા 

  • ઓર્ચિડ બિલ્ડર (શિશુવિહાર ઓફિસ)
  • કમલેશ શાહ (આંબાવાડી બંગલો)
  • નિઝર કલીવાલા (શિશુવિહાર બંગલો)
  • સિદ્ધિવિનાયક બિલ્ડકોન (સંજય સોનાણી – શિવાંજલી બિલ્ડિંગ)
  • બિલ્ડર પરેશ વ્યાસ
  • જેડી ઇન્ફ્રાકોન
  • ઇસ્કોન મેગાસિટી
  • મહાબલ ફાઈનાન્સ

આવકવેરા વિભાગના 500થી વધુ કર્મચારીઓ ઓપરેશનમાં જોડાયા છે, શહેરમાં 11 પેઢીનાં કુલ 32 સ્થળ પર કામગીરી હાથ ધરવામાં આવી છે. આઇટી વિભાગે વિદેશી રોકાણની સંભાવનાઓને લઈને પણ તપાસ હાથ ધરી છે. ફંડ ક્યાંથી આવે છે? ગ્રાહકો પાસેથી કેટલા રોકડા લેવામાં આવે છે? કેટલા રોકડા ચૂકવવામાં આવે છે? આ ઉપરાંત અનેક સોની વ્યાપારીઓ છે, પર્ફ્યૂમ કંપનીઓ અનેક બિલ્ડરોને ત્યાં હાલ ઓપરેશન ચાલુ છે. જોકે હજી આ ઓપરેશનની અંદર કોઈ પાસેથી કેટલી ગેરરીતિ ઝડપાઈ એ સામે આવ્યું નથી

કાંદિવલીમાં રવિવારે યોજાશે સચ્ચિદાનંદ સન્માન અર્પણ સમારોહ

મુંબઈ: ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ દ્વારા પરિષદ પ્રમુખ હર્ષદ ત્રિવેદીની અધ્યક્ષતામાં સુપ્રસિદ્ધ સાહિત્યકારો વર્ષા અડાલજા, દિનકર જોશી તથા ઈલા આરબ મહેતાને સચ્ચિદાનંદ સન્માન અર્પણ કરવાનો સમારોહ યોજવામાં આવ્યો છે. મુંબઈમાં આ કાર્યક્રમ આયોજિત કરવા માટે કાંદિવલી એજ્યુકેશન સોસાયટી, મુંબઈ સંચાલિત ગુજરાતી ભાષાભવનનો સહયોગ પ્રાપ્ત થયો છે. કાર્યક્રમ રવિવાર, 23 ફેબ્રુઆરી 2025ના રોજ સવારે 10:30 વાગે KES ઇન્ટરનેશનલ સ્કૂલ, બીજે માળે, હેમુકાલાની ક્રોસરોડ નંબર ૩, ઈરાનીવાડી, કાંદિવલી (વેસ્ટ) ખાતે સવારે 10:30 વાગે રાખવામાં આવ્યો છે. કાંદિવલી એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ મહેશભાઈ  શાહ પ્રાસંગિક ઉદબોધન કરીને કાર્યક્રમનો આરંભ કરશે.થોડા સમય પૂર્વે ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ દ્વારા ગુજરાતી ભાષાના સાત સાહિત્યકારોને સચ્ચિદાનંદ સન્માનથી પુરુસ્કૃત કરવાના નામો જાહેર થયા હતા અને તેનો કાર્યક્રમ અમદાવાદ ખાતે આયોજિત થયો હતો. તેમાં ત્રણ સાહિત્યકારો મુંબઈના હતા અને તેઓ વય અને સ્વાસ્થ્યને કારણે ત્યાં સુધી પ્રવાસ કરી શકે તેમ નહોતા તેથી ગુજરાતી સાહિત્ય પરિષદે આ કાર્યક્રમનું મુંબઈ ખાતે આયોજન કરવાનું નક્કી કર્યું. સંસ્થા પોતે સાહિત્યકારો પાસે આવે છે ત્યારે સાહિત્યકારોનું ગૌરવ વધે તો છે જ પણ સાથે એક ઉત્તમ ઉદાહરણ પણ પ્રસ્થાપિત થાય છે.

સચ્ચિદાનંદ સન્માન પ્રાપ્ત કરનાર સર્જકોનો પરિચય પ્રીતિ જરીવાલા, દિનેશ પોપટ, સેજલ શાહ આપશે. ત્યારબાદ ત્રણેય સર્જકો વર્ષા અડાલજા, દિનકર જોષી અને ઇલા આરબ મહેતા પોતાનો પ્રતિભાવ અને સર્જન યાત્રા વિષે વાત કરશે. અધ્યક્ષીય ઉદ્દબોધન ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ હર્ષદ ત્રિવેદીનું રહેશે. સંચાલન ડો. સેજલ શાહ કરશે.

અમેરિકામાં ભારે ઠંડી અને વરસાદથી 6 રાજ્યો અસરગ્રસ્ત, 14 લોકોના મોત

અમેરિકાના છ રાજ્યો કેન્ટુકી, જ્યોર્જિયા, વર્જિનિયા, પશ્ચિમ વર્જિનિયા, ટેનેસી અને ઇન્ડિયાના પૂર અને હાડમારી ઠંડીનો સામનો કરી રહ્યા છે. કેન્ટુકી સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય રહ્યું, જ્યાં 12 લોકોના મૃત્યુ થયા, જ્યારે પશ્ચિમ વર્જિનિયા અને જ્યોર્જિયામાં એક-એક વ્યક્તિના મૃત્યુની પુષ્ટિ થઈ છે. મીડિયા સૂત્રોના અહેવાલો પ્રમાણે, પોલર વોર્ટેક્સના પ્રભાવને કારણે પૂર્વી રાજ્યોમાં લગભગ 90 મિલિયન લોકો તીવ્ર ઠંડીનો સામનો કરી રહ્યા છે. તાપમાન રેકોર્ડ તળિયે પહોંચ્યું છે, શાળાઓ બંધ છે, પાણીની પાઇપો ફાટી ગઈ છે. 14 હજારથી વધુ ઘરોમાં વીજ પુરવઠો બંધ થયો છે અને 17 હજાર સ્થળોએ પાણી પુરવઠો ખોરવાયો છે.

ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય હવામાન સેવાના હવામાનશાસ્ત્રી એન્ડ્રુ ઓરિસન મુજબ, મધ્ય અમેરિકા સૌથી વધુ ઠંડીનો સામનો કરી રહ્યું છે. મધ્યપશ્ચિમના કેટલાક વિસ્તારોમાં તાપમાન માઈનસ 50થી માઈનસ 60 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. પશ્ચિમ વર્જિનિયામાં સતત વધતા પાણીના સ્તરથી અનેક લોકો ગુમ થયાવાની સંભાવના પણ સેવાય રહી છે. બચાવ દળોએ કેન્ટુકી અને આસપાસના વિસ્તારોમાં 1,000થી વધુ બચાવ કામગીરી હાથ ધરી છે.

કેન્ટુકી રાજ્ય માટે ચેતવણી

કેન્ટુકી રાજ્યના ગવર્નર એન્ડી બેશિયરે ચેતવણી આપતા જણાવ્યું કે, છેલ્લા ઘણા દિવસોથી 6 ઇંચ (15 સેમી) સુધી વરસાદ પડવાથી નદીઓમાં પુર આવી ગયું છે. વાહનો પાણીમાં ફસાઈ ગયા. આગામી દિવસોમાં પાણીનું સ્તર વધુ વધી શકે છે. કેન્ટુકી ના લોકોને સુચના આપવામાં આવી છે કે “જો ઘરમાં વીજળી નહોય તો ગરમ અને સુરક્ષિત જગ્યાએ રહેવું”.

પોલર વોર્ટેક્સ: તીવ્ર ઠંડીનું કારણ

અમેરિકામાં પૂર અને ઠંડી પાછળનો મુખ્ય કારણ પોલર વોર્ટેક્સ છે. પોલર વોર્ટેક્સમાં પવન ઉત્તર ધ્રુવની આસપાસ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે છે. દક્ષિણ તરફ ખસી જતાં તે અમેરિકા, યુરોપ અને એશિયામાં તીવ્ર ઠંડી લાવે છે. પોલર વોર્ટેક્સમાં સૌથી વધું જોખમ ઘરની બહાર નીકળવું બની શકે છે. આવી પરિસ્થીતીમાં જો ઘરની બહાર કોઈ પણ નીકડે છે તો, તેને 5-7 મિનિટમાં હાર્ટએટેક આવી શકે છે. આ ઉપરાંત આ ઉપરાંત ત્વચા જામી શકે છે. આવા હવામાનમાં વાહનો પણ શરૂ થતા નથી. આનાથી બચવાનો એકમાત્ર રસ્તો એ છે કે જ્યારે ધ્રુવીય પવન ફૂંકાઈ રહ્યો હોય ત્યારે ઘરની અંદર રહેવું. વિજ્ઞાનીઓના મત અનુસાર, આર્કટિક ઝડપથી ગરમ થઈ રહ્યું છે. જેના કારણે પોલર વોર્ટેક્સ દક્ષિણ તરફ ખસી રહ્યો છે, જે ભવિષ્યમાં પણ આવું કપરું હવામાન લાવી શકે છે.

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં 7 પંજાબીઓની હત્યા

પાકિસ્તાનમાં વંશીય તણાવ અને હિંસાની ઘટનાઓ સતત વધી રહી છે. દેશની સેનાથી લઈને રાજકીય સત્તા સુધી પંજાબીઓના વર્ચસ્વને લઈને બલુચ અને અન્ય પ્રાંતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. આ અસંતોષ વારંવાર હિંસક ઘટનાઓ રૂપે જોવા મળે છે. બલુચિસ્તાનમાં પંજાબી મૂળના લોકોને નિશાન બનાવી તેમને વીણી-વીણીને મોતને ઘાટ ઉતારવાની ઘટનાઓ અનેકવાર બની છે. તાજેતરમાં પણ એવી જ એક હૃદયદ્રાવક ઘટના બની છે.

મંગળવારે મોડી રાત્રે બલુચિસ્તાન અને પંજાબને જોડતા સરહદી બરખાન જિલ્લામાં આ કરૂણ ઘટના ઘટી હતી. બલુચ બળવાખોરોએ પંજાબી મુસાફરોને નિશાન બનાવી તેમને જીવથી મારી નાખ્યા હતા. બલુચિસ્તાન પોલીસે આપેલી માહિતી અનુસાર, લગભગ 40 બંદૂકધારી બળવાખોરોએ હાઈવે પર પસાર થતી અનેક બસો અટકાવી હતી. મુસાફરોને બસમાંથી નીચે ઉતારી તેમની ઓળખની તપાસ શરૂ કરવામાં આવી. આ દરમિયાન, પંજાબી મૂળના 7 લોકો હોવાની જાણ થતા, બળવાખોરોએ લાઇનમાં ઊભા રાખી તેમની પર ગોળી વરસાવી હતી.

બરખાનના ડેપ્યુટી કમિશનર વકાર ખુર્શીદ આલમે જણાવ્યું કે, હત્યા કરાયેલા તમામ લોકો પંજાબના રહેવાસી હતા. તેઓ લાહોર જવા માટે મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે આ જીવલેણ હુમલો થયો હતો. હુમલાખોરોએ પ્રાથમિક તપાસમાં પંજાબી ઓળખ થઈ ગયા બાદ, નિર્દોષ મુસાફરોને ગોળી મારી દીધી. આ ઘટનાથી સમગ્ર પંજાબ અને બલુચિસ્તાનમાં ફફડાટ વ્યાપી ગયો છે. આવી ઘટનાઓ પાકિસ્તાનમાં વંશીય વિભાજન અને અલગતાવાદી ત્રાસવાદનું ચિંતાજનક ચિત્ર ચોરે પાડે છે. બલુચ બળવાખોરોએ પંજાબી પ્રજાજનોને નિશાન બનાવીને દહેશત ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. બલુચિસ્તાનમાં પંજાબી નાગરિકો માટે અસુરક્ષાનું વાતાવરણ સર્જાયું છે.

છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં ગુજરાતે 14 લાખ કરોડથી વધુના પ્રોજેક્ટ્સ આકર્ષ્યા

અમદાવાદ: MSME એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા “ગુજરાત-રોકાણ, વૃદ્ધિ અને વિકાસ 2020-21થી 2023-24” પર તાજેતરમાં એક અભ્યાસ પૂર્ણ કરવામાં આવ્યો છે. જે અનુસાર ગુજરાતે છેલ્લા ત્રણ નાણાકીય વર્ષ (2021-22 થી 2023-24)માં રૂ. 14,00,175 કરોડના નવા રોકાણ પ્રોજેક્ટ્સ સફળતાપૂર્વક આકર્ષ્યા છે અને રૂ. 1,89,327 કરોડના ચાલુ પ્રોજેક્ટ્સ પૂર્ણ કર્યા છે.સેન્ટર ફોર મોનિટરિંગ ઓફ ઇન્ડિયન ઇકોનોમી (CMIE) દ્વારા 3 ફેબ્રુઆરી, 2025ના રોજ આપવામાં આવેલી માહિતી અનુસાર, નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન નવા રોકાણ પ્રોજેક્ટ્સ પ્રાપ્ત થયા હતા. જે રૂ. 1,42,909 કરોડ હતા. ત્યાર બાદ વર્ષ 2021-22માં નવા રોકાણ રૂ. 5,67,758 કરોડ, વર્ષ 2022-23માં રૂ. 2,04,133 કરોડ અને 2023-24માં રૂ. 6,28,284 કરોડના હતા. આ વર્ષો દરમિયાન પૂર્ણ થયેલા રોકાણ પ્રોજેક્ટ્સ અનુક્રમે રૂ. 19,602 કરોડ, રૂ. 32,260 કરોડ, રૂ. 74,269 કરોડ અને રૂ. 82,798 કરોડના હતા.

ગુજરાત સરકારના સર્વેક્ષણ અહેવાલ મુજબ, ટેકનિકલ ટેક્સટાઇલ એક મુખ્ય ઉભરતું ક્ષેત્ર છે. જેમાં રાજ્યમાં 860થી વધુ એકમો છે. વિશ્વના પ્રોસેસ્ડ હીરાના હિસ્સામાં રાજ્યનો હિસ્સો લગભગ 72% છે અને ભારતમાં પ્રોસેસ્ડ હીરાના 80%થી વધુ હિસ્સો છે. ભારતમાં ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં કુલ રોકાણમાં રાજ્યનો હિસ્સો પહેલાથી જ સૌથી મોટો છે.

અભ્યાસનું વિમોચન કરતા, MSME નિકાસ પ્રમોશન કાઉન્સિલના અધ્યક્ષ ડૉ. ડી.એસ. રાવતે જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન કુલ રોકાણ પ્રોજેક્ટ્સ રૂ. 26,87,734 કરોડના બાકી હતા અને રૂ. 14,48,308 કરોડના અમલીકરણ હેઠળ હતા. તેમજ રૂ. 17,676 કરોડના બાકી પ્રોજેક્ટ્સ પુનઃજીવિત થયા હતા. 2023-24માં રાજ્યમાંથી નિકાસ રૂ. 11,13,729 કરોડ થઈ છે જે 2022-23માં રૂ. 12,02,494 કરોડ હતી.

ડૉ. રાવતે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત વૈશ્વિક રોકાણકારો માટે એક આકર્ષક રોકાણ સ્થળ બની ગયું છે. કારણ કે તે તેની મજબૂત માળખાગત સુવિધાઓ, કુશળ પ્રતિભા પૂલ અને મજબૂત નાણાકીય નીતિઓના રૂપમાં વિપુલ તકો પ્રદાન કરે છે. જેમ-જેમ રાજ્ય વિકાસના નવા યુગની શરૂઆત કરી રહ્યું છે, તેમ-તેમ તેની સંચાલક સંસ્થાઓને વ્યૂહાત્મક વિકાસને પ્રોત્સાહન આપતી નીતિઓ બનાવવા અને અમલમાં મૂકવાનું કામ સોંપવામાં આવ્યું છે.

અભ્યાસમાં સૂચવવામાં આવ્યું છે કે આ નીતિઓ આકર્ષક બજારોને ઓળખવા અને પ્રોત્સાહન આપવા, સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન અને ટેકો આપવા, ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા અને ટકાઉ ઉત્પાદન પ્રક્રિયાઓને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. રાજ્યમાં MSME એ સ્થાનિક અર્થતંત્રને મજબૂત બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે અને હાલમાં લગભગ 11.26 લાખ નોંધાયેલા MSME છે. જે રાષ્ટ્રીય સ્તરે નોંધાયેલા કુલ 1.48 કરોડ MSMEના 7.5% છે. જો કે, ટેકનોલોજી, બજાર અને નાણાકીય બાબતો જેવી અનેક સમસ્યાઓને કારણે મોટી સંખ્યામાં સૂક્ષ્મ અને નાના એકમો અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહ્યા છે.

‘ઓપરેશન ટાઇગર’ને લઈને ઉદ્ધવ ઠાકરેએ બનાવી આ ખાસ યોજના, જાણો

મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે જૂથના ‘ઓપરેશન ટાઇગર’ને નબળું પાડવા માટે, ઉદ્ધવ ઠાકરેની પાર્ટીએ તૈયારી શરૂ કરી દીધી છે અને પાર્ટીને મજબૂત કરવા માટે આક્રમક રણનીતિ અપનાવવાનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત, હવે દર અઠવાડિયે શિવસેના ભવનમાં ઠાકરે જૂથના તમામ અગ્રણી નેતાઓની સમીક્ષા બેઠક યોજાશે.

પાર્ટીમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે, ઠાકરે જૂથે એક ખાસ રણનીતિ તૈયાર કરી છે. આ અંતર્ગત, પાર્ટીના વરિષ્ઠ નેતાઓ રાજ્યનો પ્રવાસ કરશે અને સંગઠનની વર્તમાન પરિસ્થિતિનો તાગ મેળવશે. તેઓ પક્ષના અધિકારીઓ અને કાર્યકરોનો અભિપ્રાય લેશે અને નારાજ નેતાઓ સાથે વાતચીત કરીને સંગઠનને મજબૂત બનાવવાનો પ્રયાસ કરશે.

પાર્ટીમાં મોટા ફેરફારો કરશે

સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી સમયમાં ઠાકરે જૂથમાં સંગઠનાત્મક પરિવર્તનની શક્યતા છે. પક્ષને મજબૂત કરવા અને ડેમેજ કંટ્રોલ કરવા માટે, દરેક નેતા, ઉપનેતા અને સચિવને તેમની જવાબદારી અનુસાર કામ કરવાની સૂચના આપવામાં આવશે. છેલ્લા કેટલાક દિવસોમાં, પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ કેટલાક નેતાઓની ઓળખ કરવામાં આવી છે. આ અધિકારીઓ સામે ટૂંક સમયમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પક્ષ બાળાસાહેબ ઠાકરેના સમયથી ચાલી રહ્યો છે અને તે યુગના નેતાઓ હજુ પણ તેમાં સક્રિય છે. આ નેતાઓને બાળાસાહેબ ઠાકરે સાથે કામ કરવાનો અનુભવ છે. આ નેતાઓને સક્રિય કરીને તેમને મોટી જવાબદારીઓ આપવાની યોજના છે. ઠાકરે જૂથના શિવસેનામાં ૧૪ નેતાઓ, ૪૩ ઉપનેતાઓ અને ૧૦ સચિવોની જવાબદારીઓ નક્કી કરવામાં આવી છે. આમાંથી ૧૪ અગ્રણી નેતાઓ દર અઠવાડિયે એક બેઠક કરશે.

જેમાં સુભાષ દેસાઈ, દિવાકર રાવતે, આદિત્ય ઠાકરે, અનંત ગીતે, સંજય રાઉત, ચંદ્રકાંત ખૈરે, ભાસ્કર જાધવ, વિનાયક રાઉત, અનિલ દેસાઈ, અનિલ પરબ, અરવિંદ સાવંત, અંબાદાસ દાનવે, રાજન વિચારે અને સુનીલ પ્રભુનો સમાવેશ થશે. આ બેઠકોમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે રણનીતિ બનાવવામાં આવશે અને ભવિષ્યની રાજકીય દિશા નક્કી કરવામાં આવશે.

અમે ગુસ્સે ભરાયેલા લોકોને મનાવીશું’

ઉદ્ધવ ઠાકરેની પાર્ટીમાં ઘણા લોકો નારાજ છે, ચિપલુણના ધારાસભ્ય ભાસ્કર જાધવ વિપક્ષી નેતા પદ પર નારાજ છે. મહા વિકાસ આઘાડીમાં યુબીટી એ સૌથી વધુ ધારાસભ્યો ધરાવતો પક્ષ છે. ઉદ્ધવ જૂથમાં 20 ધારાસભ્યો છે, તેથી યુબીટી નેતાઓને વિપક્ષી નેતા પદ આપવામાં આવે તેવી અપેક્ષા છે. તેથી, ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે ભાસ્કર જાધવ જેવા નારાજ ધારાસભ્યોને મનાવવાનો પ્રયાસ કરશે. આ પછી, ભૂતપૂર્વ ધારાસભ્યો અને ભૂતપૂર્વ સાંસદોને પક્ષમાં રાખવાના પ્રયાસો કરવામાં આવશે.

દર મંગળવારે એક મીટિંગ થશે

જ્યાં સુધી ઉદ્ધવ ઠાકરેએ યુબીટી પાર્ટીમાં બેઠક બોલાવી ન હતી ત્યાં સુધી કોઈ બેઠક યોજાઈ ન હતી, પરંતુ હવે નેતાઓ આગળ આવ્યા છે. સંજય રાઉત, વિનાયક રાઉત, અનિલ દેસાઈ, અનિલ પરબ, અરવિંદ સાવંત, અંબાદાસ દાનવે, રાજન વિચારે અને સુનીલ પ્રભુ જેવા નેતાઓ સાથે મળીને યોજનાઓ બનાવી રહ્યા છે.

ઠાકરે મહારાષ્ટ્રની મુલાકાત લેશે

પાર્ટીને મજબૂત કરવા માટે, ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે મહારાષ્ટ્રનો પ્રવાસ કરશે. ઠાકરે કોંકણ, પશ્ચિમ મહારાષ્ટ્ર, ઉત્તર મહારાષ્ટ્ર, મરાઠવાડા અને વિદર્ભ વિભાગોની મુલાકાત લેશે. આ પ્રવાસમાં, ઠાકરે બધા અધિકારીઓને મળશે અને તેમની સાથે વાત કરશે. ઠાકરે પક્ષમાં રહેલી ખામીઓને ભરવાનો પ્રયાસ કરશે. પાર્ટીમાં નવા લોકોને તક આપશે. આ રીતે તેમનો પ્રવાસ થવાનો છે.

મમતા બેનર્જીના ‘મૃત્યુ કુંભ’ નિવેદન પર સ્વામી અવિમુક્તેશ્વરાનંદની પ્રતિક્રિયા..

મમતા બેનર્જીના ‘મૃત્યુ કુંભ’ નિવેદન પર દેશમાં રાજકીય યુદ્ધ શરૂ થયું છે. ઘણા રાજકારણીઓની સાથે, ધાર્મિક નેતાઓએ પણ મમતા બેનર્જીના આ નિવેદનની નિંદા કરી છે. પરંતુ હવે જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ મમતા બેનર્જીના નિવેદનનું સમર્થન કર્યું છે.

સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યું, “જે સ્થળે મૃત્યુ થયા છે તેને મૃત્યુકુંભ સિવાય બીજું શું કહી શકાય? પહેલાથી જ ખબર હતી કે આપણી પાસે ફક્ત આટલી જગ્યા છે, ફક્ત આટલા દિવસો છે અને ફક્ત આટલા લોકોને બોલાવવા જોઈએ. આવું કરવાને બદલે, અસંખ્ય લોકોને બોલાવવામાં આવ્યા અને એક રીતે તેમને મૃત્યુના મુખમાં જવાની ફરજ પાડવામાં આવી. તેમના મૃત્યુને અફવા કહીને 24 કલાક સુધી છુપાવવામાં આવ્યા. આજ સુધી, મૃતકોની સંખ્યા સ્પષ્ટ થઈ નથી. 20 દિવસથી વધુ સમય વીતી ગયો છે. જો કોઈ નેતા આવું કહે છે, તો તેના શબ્દોને કેવી રીતે રદિયો આપી શકાય?”

યુપી સરકાર પર પ્રશ્નો ઉભા થયા

અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યું, “૩૦૦ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ હતો, જો આ ગેરવહીવટ નથી તો શું છે? લોકોને પોતાનો સામાન લઈને ૨૫-૩૦ કિલોમીટર ચાલવું પડતું હતું. નહાવા માટે આવતા પાણીમાં ગટરનું પાણી ભળે છે અને વૈજ્ઞાનિકો તેને નહાવા માટે યોગ્ય માનતા નથી, છતાં તમે કરોડો લોકોને તેમાં નહાવા માટે મજબૂર કરી રહ્યા છો. તમારું કામ કાં તો થોડા દિવસો માટે ગટર બંધ કરવાનું હતું અથવા તેમને વાળવાનું હતું જેથી લોકોને નહાતી વખતે શુદ્ધ પાણી મળી શકે.”

૧૪૪ વર્ષની વાર્તા જૂઠી છે – અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી

તેમણે આગળ કહ્યું, “તમને ૧૨ વર્ષ પહેલા ખબર હતી કે કુંભ ૧૨ વર્ષ પછી આવશે, તો પછી તમે આ સંદર્ભમાં કોઈ પ્રયાસ કેમ ન કર્યા?” જ્યારે પહેલાથી જ ખબર હતી કે આટલા બધા લોકો આવશે અને જગ્યા મર્યાદિત હતી, તો આ માટે આયોજન કરવું જોઈતું હતું. તમે કોઈ યોજના બનાવી નથી. ખોટો પ્રચાર કરવામાં આવ્યો, ૧૪૪ વર્ષની વાત પોતે જ જૂઠાણું છે. ભીડ વ્યવસ્થાપન અને આતિથ્યના સિદ્ધાંતોનું પાલન કરવામાં આવ્યું ન હતું.

‘સેનાને રાજકારણમાં ન ખેંચવી જોઈએ’, સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદીની રાહુલ ગાંધીને સલાહ

આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ભારત-ચીન સરહદ વિવાદ તેમજ સેનાને લઈને દેશની અંદર ચાલી રહેલા રાજકારણ પર નિવેદન આપ્યું છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને સલાહ આપતાં તેમણે કહ્યું કે સેનાને રાજકારણમાં ન ખેંચવી જોઈએ. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ તાજેતરમાં દાવો કર્યો હતો કે સેના પ્રમુખે કહ્યું હતું કે લદ્દાખ સેક્ટરમાં ઘૂસણખોરી થઈ રહી છે. આ અંગે આર્મી ચીફે તેમને જવાબ આપ્યો.

‘અમે ચીન સાથે વાતચીતનો માર્ગ અપનાવ્યો’

સુત્રોના જણાવ્યા પ્રમાણે, આર્મી ચીફે કહ્યું કે અમે ચીન સાથે વાતચીતના માર્ગ પર આગળ વધ્યા છીએ. તેમણે કહ્યું, “ભારત અને ચીન વચ્ચે વાતચીત દ્વારા બધી શંકાઓ દૂર થશે. અમે ઇચ્છીએ છીએ કે બંને દેશો વચ્ચે કોઈ પણ પ્રકારની મૂંઝવણ ન રહે. આ માટે, અમે કોર્પ્સ કમાન્ડરોને તેમના સ્તરે આ અંગે નિર્ણય લેવાની સત્તા આપી છે. તેમને આ માટે કોઈપણ પ્રકારની મંજૂરીની જરૂર નથી.”

‘પહેલા એવું કહેવામાં આવતું હતું કે દિલ્હીથી ઓર્ડર આવશે’

આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું, “પહેલાં અમને સરહદ પારથી કહેવામાં આવ્યું હતું કે મિત્ર, તારો આદેશ દિલ્હીથી આવશે, અમે અહીંથી ગોળીબાર કરીશું.” ઉપેન્દ્ર દ્વિવેદી સેનામાં મહિલાઓનો સમાવેશ કરવાના સમર્થક રહ્યા છે. તેમણે ફરીથી દેવી કાલીની જેમ સેનામાં મહિલાઓનો સમાવેશ કરવા અંગે નિવેદન આપ્યું. આ દરમિયાન તેમણે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો પણ ઉલ્લેખ કર્યો.

શસ્ત્રોના વેચાણ અંગે આર્મી ચીફે કહ્યું, “હવે વિદેશોથી આપણને શસ્ત્રો મોકલવામાં આવી રહ્યા છે. આ શક્ય છે કારણ કે હવે શસ્ત્રો બનાવતી કંપનીઓને સરળતાથી લાઇસન્સ મળી રહ્યા છે અને તેમને છૂટછાટો પણ મળી રહી છે. ભારત હંમેશા પહેલા વાતચીતનો માર્ગ શોધે છે, પરંતુ જ્યારે તે જરૂરી હોય ત્યારે અમે યુદ્ધથી દૂર રહીશું નહીં.”