Home Blog Page 115

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: 15 મહાનગરપાલિકામાં લોકશાહીનો ઉત્સવ સંપન્ન

ગુજરાતમાં આજે 26 એપ્રિલ, 2026ના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેનું મતદાન અત્યંત શાંતિપૂર્ણ અને ઉત્સાહજનક માહોલમાં પૂર્ણ થયું છે. રાજ્યની 15 મહાનગરપાલિકાઓની કુલ 1001 બેઠકો પર નસીબ અજમાવી રહેલા 3145 ઉમેદવારોનું ભાવી હવે EVMમાં સીલ થઈ ગયું છે. કાળઝાળ ગરમી અને લૂની આગાહી છતાં ગુજરાતીઓએ લોકશાહીના આ પર્વમાં હોંશેહોંશે ભાગ લીધો હતો. સરેરાશ મતદાનનો આંકડો 50 ટકાની આસપાસ રહેવાની શક્યતા છે, જે આગામી મંગળવારે આવનારા પરિણામોમાં કોઈ મોટા ઉલટફેરના સંકેત આપી રહ્યો છે.

આ ચૂંટણીની સૌથી મોટી વિશેષતા એ રહી કે રાજ્યના ત્રણ મુખ્ય મહાનગરો—અમદાવાદ, વડોદરા અને સુરત—માં મતદારોએ ગત 2021ની ચૂંટણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. સુરતમાં તો મતદાનની ટકાવારીમાં અધધ 5 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે, જે સીધું 52.83 ટકા પર પહોંચી ગયું છે. અમદાવાદમાં પણ જાગૃત મતદારોએ ગરમીને મ્હાત આપીને 44.69 ટકા મતદાન કર્યું છે. બીજી તરફ, નવનિર્મિત વાપી મહાનગરપાલિકામાં તો લોકશાહીનો જુવાળ જોવા મળ્યો હોય તેમ સૌથી વધુ 65.68 ટકા બમ્પર મતદાન નોંધાયું છે.

દિવસભરના વાતાવરણની વાત કરીએ તો, સવારના સમયે મતદાન મથકો પર લાંબી કતારો જોવા મળી હતી, પરંતુ બપોરે 1 થી 4 વાગ્યા દરમિયાન ગરમીના પ્રકોપને કારણે મતદાનની ગતિ ધીમી પડી હતી. જોકે, સાંજના સમયે ફરીથી લોકો મોટી સંખ્યામાં બહાર નીકળ્યા હતા. ગાંધીધામમાં સૌથી ઓછું 39.85 ટકા મતદાન નોંધાયું છે, જ્યારે નવસારી અને મોરબી જેવા શહેરોમાં 58 ટકાથી વધુ મતદાન થયું છે. હવે તમામની નજર મંગળવાર પર ટકેલી છે, જ્યારે આ EVM ખુલશે અને જનતાનો આખરી ફેંસલો દુનિયા સામે આવશે.

ચૂંટણી ટાણે જામનગરમાં માતમ: મતદાન પ્રક્રિયા દરમિયાન AAP ઉમેદવારનું હાર્ટ એટેકથી નિધન

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા વચ્ચે આજે એક અત્યંત આઘાતજનક અને દુખદ ઘટના સામે આવી છે. લોકશાહીના પર્વમાં જ્યારે મતદાનની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી હતી, ત્યારે જ આમ આદમી પાર્ટી (AAP)ના એક ઉમેદવારનું હાર્ટ એટેક આવવાને કારણે નિધન થયું છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા સમગ્ર જામનગરના રાજકીય આલમમાં શોકની લહેર વ્યાપી ગઈ છે.

મળતી માહિતી મુજબ, મતદાન મથક પર પ્રક્રિયા દરમિયાન જ ઉમેદવારની તબિયત અચાનક લથડી હતી અને તેઓ ઢળી પડ્યા હતા. પ્રાથમિક તપાસમાં તેમને તીવ્ર હાર્ટ એટેક આવ્યો હોવાનું જણાયું હતું. તેમને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ કમનસીબે હોસ્પિટલ પહોંચે તે પહેલા રસ્તામાં જ તેમનું પ્રાણપંખેરુ ઉડી ગયું હતું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ગરમાવા વચ્ચે એક સક્રિય ઉમેદવારના આકસ્મિક મોતના સમાચારથી ‘આપ’ના કાર્યકરો અને સમર્થકો સ્તબ્ધ થઈ ગયા છે. હાલમાં વહીવટી તંત્ર અને રાજકીય પક્ષો આ ઘટનાને પગલે શોક વ્યક્ત કરી રહ્યા છે.

જામનગરની આ દુખદ ઘટના ઉપરાંત, રાજ્યના અન્ય ભાગોમાં પણ મતદાન દરમિયાન મોતના સમાચારથી ગમગીની છવાઈ ગઈ છે. પાટણમાં માયાનગરના રહેવાસી કમળાબેન અનિલભાઈ બી.એમ. હાઈસ્કૂલ ખાતે મતદાન કરીને બહાર નીકળી રહ્યા હતા, ત્યારે અચાનક તેમની તબિયત લથડતા તેઓ નીચે ઢળી પડ્યા હતા. તેમને તાત્કાલિક 108 મારફતે જનતા હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું દમ તોડ્યો હતો.

બીજી તરફ, આણંદના પેટલાદ તાલુકાના સાંસેજ ગામે બૂથ નંબર-1 પર ફરજ બજાવી રહેલા કર્મચારી અમિતભાઈ વિઠ્ઠલભાઈ સોલંકીનું પણ હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. સાંસેજ ગ્રામ પંચાયતમાં પટાવાળા તરીકે કાર્યરત અમિતભાઈ ફરજ દરમિયાન જ અચાનક ઢળી પડ્યા હતા. તેમને તાબડતોબ તારાપુર સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. લોકશાહીના પર્વ વચ્ચે બનેલી આ ઘટનાઓએ સ્થાનિકોમાં અરેરાટી ફેલાવી દીધી છે.

અંકલેશ્વરમાં હાઈવોલ્ટેજ ડ્રામા:મુમતાઝ પટેલ સામે ભાજપના મહિલા ઉમેદવારના ગંભીર આક્ષેપ

ભરૂચ જિલ્લાની અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 8ની પેટાચૂંટણીમાં આજે ભરબપોરે હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. મતદાન પ્રક્રિયા દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર અથડામણ થતા લોકશાહીના પર્વમાં ખલેલ પહોંચી હતી. આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ. અહમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ મતદાન મથકની મુલાકાતે પહોંચ્યા હતા. તેમની હાજરીમાં જ બંને પક્ષના સમર્થકો સામસામે આવી જતાં વાતાવરણ તંગ બની ગયું હતું.

આ ઘટના અંગે ભાજપના મહિલા ઉમેદવારે મુમતાઝ પટેલ અને તેમના ટેકેદારો પર અત્યંત ગંભીર આક્ષેપો કર્યા છે. ભાજપના ઉમેદવારનો આરોપ છે કે મુમતાઝ પટેલની હાજરીમાં કોંગ્રેસના કાર્યકરોએ તેમની સાથે ગેરવર્તણૂક કરી, અપશબ્દો બોલ્યા અને ધક્કામુક્કી પણ કરી હતી. ભાજપ તરફથી એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે કોંગ્રેસ હારના ડરથી મતદાનમાં જાણીજોઈને વિક્ષેપ પાડવાનો પ્રયાસ કરી રહી છે. બીજી તરફ કોંગ્રેસના છાવણી દ્વારા આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવવામાં આવ્યા છે.

ઘટનાના પગલે મતદાન મથક પર અફરાતફરી મચી ગઈ હતી અને મામલો વણસતા પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી બંને પક્ષના ટોળાઓને વિખેરી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. હાલમાં આ વિવાદને પગલે અંકલેશ્વરના રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે અને બંને પક્ષો દ્વારા સામસામે નિવેદનોનો દોર તેજ થયો છે.

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી: અનેક સ્થળોએ EVM ખોટકાયા

અમદાવાદ: રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી અંતર્ગત મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. ચૂંટણી આયોગ દ્વારા સમગ્ર પ્રક્રિયા પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. મતદાન દરમિયાન કોઈ અનિયમિતતા ન થાય તે માટે ચૂંટણી આયોગે ખાસ કંટ્રોલ રૂમ પણ શરૂ કર્યો છે. આ કંટ્રોલ રૂમમાં આચારસંહિતા ભંગ, મતદાર યાદીમાં નામ ન હોવા તેમજ EVM ખોટકાયા અંગેની ફરિયાદો મળી રહી છે. ત્યારે એક નજર કરીએ કે અત્યાર સુધીમાં ક્યાં-ક્યાંથી EVM ખોટકાયાની ફરિયાદ મળી છે.
ગુજરાતી શાળા નંબર- 1 અને 2ના બૂથ નંબર 32માં 2 મશીન બદલ્યા પણ બંને મશીનમાં 5 નંબરનું બટન દબાતું નથી. આ 5 નંબરનું બટન કોંગ્રેસના ઉમેદવારનું છે. જેના કારણે 45 મિનિટથી વધારે સમયથી વોટિંગ બંધ રાખવામાં આવ્યું.

મોરબી મનપાના વોર્ડ નંબર 6માં EVM બંધ થયાની ફરિયાદ મળી. લગધીરવાસ પ્રાથમિક શાળા રૂમ નંબર 2માં EVM મશીનમાં વારંવાર એરર આવતી હોવાની ફરિયાદ થઈ છે. સળંદ 45 મિનિટમાં લગભગ ત્રણ વખત EVM મશીન બંધ થતા મતદારો પરેશાન થઈ ગયા હતા.

અમદાવાદના વાસણા વોર્ડમાં G.B. શાહ કોલેજ ખાતે આવેલા બૂથ નંબર 43માં EVM બદલાવું પડ્યું. આ EVMમાં પણ કોંગ્રેસનું બટન દબાતું ન હોવાની ફરિયાદ થતાં બૂથ પર હોબાળો મચ્યો હતો. કોંગ્રેસના ઉમેદવારે વિરોધ નોંધાવતા મતદાન તાત્કાલિક બંધ કરવાની ફરજ પડી હતી.

રાજકોટના વોર્ડ નંબર 15માં આવેલી સરસ્વતી શિશુ વિદ્યામંદિર સ્કૂલ ખાતે સવારે 7 વાગ્યે EVM મશીન બંધ હાલતમાં જોવા મળ્યા હતા. જેના લીધે મતદારોની લાંબી કતાર જોવા મળી હતી.

મહેસાણા મનપાના વોર્ડ નંબર 6માં પણ EVM ખોટકાયું હોવાની ફરિયાદ મળી હતી. બીજી તરફ સુરતમાં વોર્ડ નંબર 21માં બૂથ નંબર 88માં EVM બંધ પડ્યું છે. મશીન બંધ પડતા મતદાતાઓને હાલાકી પડી હતી.

ભાજપ અને કોંગ્રેસના કયા દિગ્ગજોએ ક્યાં કર્યું મતદાન જાણો..

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી હેઠળ આજે નેતાઓએ ઉત્સાહપૂર્વક મતાધિકારનો ઉપયોગ કર્યો છે. રાજ્યના ખૂણેખૂણેથી ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ પોતપોતાના મતદાન મથકો પર પહોંચી નાગરિક તરીકેની ફરજ અદા કરી હતી.

ભાજપના નેતાઓનું મતદાન

કમલેશ પટેલ (રાજ્ય મંત્રી): આણંદ જિલ્લાના પોતાના વતન શાહપુર ખાતે મતદાન કર્યું અને વિકાસલક્ષી ઉમેદવારોને જીતાડવા અનુરોધ કર્યો.

હાર્દિક પટેલ (ધારાસભ્ય): વિરમગામના ચંદ્રનગર ગામે સચાણા જિલ્લા પંચાયતની બેઠક માટે મતદાન કર્યું અને ભાજપના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો.

ચિરાગ પટેલ (ધારાસભ્ય): ખંભાત ખાતે મતાધિકારનો ઉપયોગ કરી પ્રજાને વધુમાં વધુ મતદાન કરવા આહ્વાન કર્યું.

કલ્પેશ પરમાર (ધારાસભ્ય): માતરના ભલાડા ગામે પરિવાર સાથે પવિત્ર મતદાન કર્યું.

પરબત પટેલ (પૂર્વ સાંસદ): વાવ-થરાદના ભાચર ગામની પ્રાથમિક શાળામાં લોકશાહીના પર્વની ઉજવણી કરી.

કોંગ્રેસના નેતાઓનું મતદાન

ડો. તુષાર ચૌધરી: તાપીના વ્યારાની દક્ષિણાપથ શાળા ખાતે પરિવાર સાથે મતદાન કર્યું અને સરકાર પર આકરા પ્રહારો કર્યા.

અનંત પટેલ (ધારાસભ્ય): નવસારીના ઉનાઈ ગામની પ્રાથમિક શાળામાં મતાધિકારનો ઉપયોગ કરી ‘લોકશાહી બચાવવા’ આહ્વાન કર્યું.

દિનશા પટેલ (પૂર્વ કેન્દ્રીય મંત્રી): નડિયાદના પ્રયાગ પાર્ક મતદાન મથકે પરિવાર સાથે વોટ આપી પરિવર્તનની હાકલ કરી.

કિરીટ પટેલ (ધારાસભ્ય): પાટણની આનંદ પ્રકાશ સ્કૂલ ખાતે પરિવાર સાથે મતદાન કરી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો.

પી.ડી. વસાવા (પૂર્વ ધારાસભ્ય): નર્મદા જિલ્લામાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી નાગરિકોને મતદાન કરવા અપીલ કરી.

આમ, રાજ્યના તમામ પક્ષોના નેતાઓએ કાળઝાળ ગરમી વચ્ચે પણ વહેલી સવારે મતદાન મથકો પર પહોંચીને લોકશાહીના પાયાને મજબૂત કરવાની અપીલ કરી હતી.

ટ્રમ્પ પર હુમલા બાદ પીએમ મોદીનું મોટું નિવેદન

વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસ કોરેસ્પોન્ડન્ટ્સ ડિનર દરમિયાન થયેલા ગોળીબાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમના પરિવારની સુરક્ષા માટે રાહત વ્યક્ત કરી છે. પીએમ મોદીએ કહ્યું કે લોકશાહીમાં હિંસા માટે કોઈ જગ્યા નથી. અહેવાલો મુજબ, હુમલાખોરે 4 થી 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને એક સુરક્ષા અધિકારીના બુલેટપ્રૂફ જેકેટ પર ગોળી વાગી હતી. સીક્રેટ સર્વિસે હુમલાખોરને પકડી લીધો છે અને ટ્રમ્પે આ મામલે પત્રકાર પરિષદ યોજી સુરક્ષા એજન્સીઓનો આભાર માન્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતાનો વિષય બનેલી આ ઘટના અંગે નિવેદન આપતા કહ્યું હતું કે, “વોશિંગ્ટન ડીસીની એક હોટલમાં સુરક્ષા સંબંધિત બનેલી ઘટના બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પ, ફર્સ્ટ લેડી અને ઉપરાષ્ટ્રપતિ સુરક્ષિત હોવાના સમાચાર જાણીને ખૂબ જ રાહત થઈ છે. હું તેમના સારા સ્વાસ્થ્ય અને સતત સુરક્ષા માટે પ્રાર્થના કરું છું.” પીએમ મોદીએ વધુમાં ઉમેર્યું હતું કે, લોકશાહી મૂલ્યો ધરાવતા દેશોમાં હિંસા એ અત્યંત નિંદનીય બાબત છે અને તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

ઘટનાની ભયાનકતા વિશે પ્રાપ્ત અહેવાલો મુજબ, હુમલાખોર અત્યંત ઘાતક હથિયાર સાથે હોટલની અંદર ઘૂસ્યો હતો અને તેણે અંદાજે 4 થી 5 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. કાર્યક્રમમાં હાજર ચશ્મદીદોએ જણાવ્યું હતું કે ગોળીબારનો અવાજ સાંભળતા જ સુરક્ષા દળો અને પોલીસ ટીમોએ ‘ગોળીબાર… ગોળીબાર’ એવી બૂમો પાડીને લોકોને સાવચેત કર્યા હતા. આ હાઈ-પ્રોફાઈલ કાર્યક્રમમાં અગ્રણી રાજકારણીઓ, પત્રકારો અને જાણીતી હસ્તીઓ હાજર હતી, જેમનામાં ગોળીબારને કારણે ભારે અફરાતફરી અને ગભરાટ ફેલાઈ ગયો હતો.

કોના નામે પડ્યો જરીનાબેનનો વોટ? કોંગ્રેસ ઉમેદવારે લગાવ્યો બોગસ વોટિંગનો આરોપ

રાજકોટમાં ચાલી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બોગસ મતદાનનો કિસ્સો સામે આવતા વહીવટી તંત્ર દોડતું થઈ ગયું છે. શહેરના વોર્ડ નંબર 4 માં આવેલી શાળા નંબર 4 ના મતદાન મથકે આ ગંભીર બેદરકારીના દ્રશ્યો જોવા મળ્યા હતા. અહીં બૂથ નંબર 16 પર જરીનાબેન નામના એક મહિલા મતદાર જ્યારે વોટ આપવા માટે પહોંચ્યા, ત્યારે મતદાન મથક પર હાજર સ્ટાફે જણાવ્યું કે તેમના નામે અન્ય કોઈ વ્યક્તિ પહેલેથી જ વોટ આપીને જતું રહ્યું છે. આ જાણીને જરીનાબેન અને ત્યાં હાજર લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

અધિકારીએ માફી માંગી પણ લોકોમાં રોષ યથાવત

પોતાના મતાધિકારના દુરુપયોગની જાણ થતા જ જરીનાબેને તાત્કાલિક વિરોધ નોંધાવ્યો હતો. આ ઘટનાને પગલે મતદાન મથક પર મતદારો અને ચૂંટણી સ્ટાફ વચ્ચે ભારે બોલાચાલી થઈ હતી અને વાતાવરણ તંગ બની ગયું હતું. મામલો બિચકતા જોઈ બૂથ અધિકારીએ પોતાની ભૂલ સ્વીકારી જાહેર માફી માંગી હતી. જોકે, ઓળખપત્રની તપાસ કર્યા વગર કોઈ અજાણી વ્યક્તિ જરીનાબેનના નામે કેવી રીતે મતદાન કરી શકે, તેવા ગંભીર સવાલો મતદારોએ ઉઠાવ્યા છે.

કોંગ્રેસ ઉમેદવારે તંત્ર પર કર્યા પ્રહારો

આ વિવાદની જાણ થતા જ કોંગ્રેસના ઉમેદવાર મહેશ રાજપૂત ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તંત્રને આડે હાથ લીધું હતું. તેમણે આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી પંચ અને વહીવટી તંત્રની બેદરકારીને કારણે લોકશાહીના પર્વમાં આવી ગેરરીતિઓ થઈ રહી છે. મહેશ રાજપૂતે સવાલ કર્યો હતો કે ચુસ્ત સુરક્ષા અને સ્ટાફ હોવા છતાં આ બોગસ મતદાન કોની રહેમનજરે થયું? તેમણે આ સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસ કરી કસૂરવાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મતદાન કર્યું

સુરત: સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ આજ રોજ યોજાઈ રહી છે. ત્યારે સુરત જિલ્લામાં ઉત્સાહપૂર્ણ માહોલમાં મતદાન યોજાઈ રહ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ધર્મપત્ની પ્રાચી સંઘવી સાથે આ લોકશાહીના મહાપર્વમાં સહભાગી થવા શહેરના ઈચ્છાપોર સ્થિત કેન્દ્રીય વિદ્યાલય મતદાન મથક ખાતે સાથે પહોંચ્યા હતા. તેમણે મતદારોને લોકશાહીના ઉત્સવમાં સહભાગી થવા પ્રોત્સાહિત કર્યા હતા.હર્ષ સંઘવીએ કહ્યું કે, રાજ્યમાં સવારથી જ શાંતિપૂર્ણ અને ઉત્સાહજનક માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. મજબૂત લોકશાહી, સમાજ અને રાષ્ટ્ર નિર્માણ માટે મતદાન કરવું એ દરેક જાગૃત નાગરિકની પ્રાથમિક અને પવિત્ર ફરજ છે. લોકશાહીની સફળતાનો આધાર નાગરિકોની સક્રિય ભાગીદારી પર રહેલો છે, ત્યારે વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના આ પર્વમાં સહભાગી થવા પ્રત્યેક મતદારને તેમણે અપીલ કરી હતી.

(અરવિંદ ગોંડલિયા – સુરત)

ગુજરાત જિલ્લા પંચાયત ચૂંટણીમાં અત્યાર સુધી 29 ટકા મતદાન, પોરબંદરમાં નિરુત્સાહ

ગુજરાતની 34 જિલ્લા પંચાયતો માટે આજે વહેલી સવારથી લોકશાહીના મહાપર્વનો પ્રારંભ થયો છે. ગ્રામીણ જનતામાં મતાધિકારના ઉપયોગને લઈને ભારે રોમાંચ જોવા મળી રહ્યો છે. તાજેતરના અહેવાલો મુજબ, રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 29 ટકાથી વધુ મતદાન નોંધાયું છે. કાળઝાળ ગરમી હોવા છતાં, ગ્રામીણ મતદારો લાંબી કતારોમાં ઉભા રહીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે, જે લોકશાહીની મજબૂતીનો સંકેત આપે છે.

નર્મદા અને નવસારીમાં જબરદસ્ત પ્રતિસાદ

આંકડાકીય વિશ્લેષણ મુજબ, આદિવાસી બહુલ નર્મદા જિલ્લો મતદાનમાં મોખરે રહ્યો છે, જ્યાં સૌથી વધુ 38 ટકા મતદાન થયું છે. દક્ષિણ ગુજરાતના નવસારીમાં પણ મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો છે અને ત્યાં 33 ટકા મતદાન નોંધાયું છે. સૌરાષ્ટ્રના મોરબીમાં 31.27 ટકા જ્યારે ઉત્તર ગુજરાતના ગાંધીનગરમાં 31 ટકા અને સાબરકાંઠામાં 30.43 ટકા મતદારોએ અત્યાર સુધી મતાધિકારનો ઉપયોગ કર્યો છે. ખાસ કરીને ગ્રામીણ વિકાસના મુદ્દાઓ પર લોકો વધુ જાગૃત જણાયા છે.

પોરબંદર અને સુરેન્દ્રનગરમાં ધીમી ગતિ

કેટલાક જિલ્લાઓમાં મતદાનની ટકાવારી ચિંતાજનક રીતે ઓછી રહી છે. પોરબંદર જિલ્લામાં રાજ્યનું સૌથી ઓછું 18.13 ટકા મતદાન નોંધાયું છે. તેવી જ રીતે સુરેન્દ્રનગરમાં 23.52 ટકા અને મહેસાણામાં 28 ટકા મતદાન થયું છે. જાણકારોના મતે, ખેતીકામની સિઝન અને કેટલાક સ્થાનિક પ્રશ્નોને કારણે મતદાનની ગતિ ધીમી હોઈ શકે છે. જોકે, વહીવટી તંત્રને આશા છે કે સાંજ સુધીમાં આ આંકડાઓમાં મોટો વધારો જોવા મળશે. સમગ્ર રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલે તે માટે વહીવટી તંત્ર દ્વારા લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અત્યાર સુધી ક્યાંય પણ અનિચ્છનીય બનાવની ઘટના સામે આવી નથી.

ગુજરાતમાં લોકશાહી પર્વ પર વર-વધૂઓએ નિભાવ્યો નાગરિક ધર્મ!

ગુજરાતમાં આજે જ્યારે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા અને તાલુકા પંચાયતો માટે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે રાજ્યભરમાંથી લોકશાહીને મજબૂત કરતા પ્રેરણાદાયી દ્રશ્યો સામે આવ્યા છે. ‘પહેલા મતદાન, પછી સાવધાન’ અને ‘પહેલા મતદાન, પછી જાન’ના નારાને સાર્થક કરતા અનેક વરરાજાઓ અને નવવધૂઓએ લગ્નના પવિત્ર ફેરા ફરતા પહેલા મતાધિકારનો ઉપયોગ કરી સમાજને એક નવી રાહ ચીંધી છે.

વરરાજાઓએ ‘જાન’ પહેલા ‘મતદાન’ને આપ્યું મહત્વ

બોટાદના માંડવધારમાં વરરાજા અવિનાશ પરમારે વરઘોડો કાઢતા પહેલા ઢોલ-નગારા સાથે બુથ પર પહોંચીને મતદાન કર્યું હતું. તેવી જ રીતે જેતપુરના વીરપુર અને મહેસાણાના બહુચરાજીમાં પણ વરરાજાઓએ જાન લઈને નીકળતા પહેલા મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી. વલસાડના નાનાપોંઢામાં તો વરરાજાએ પીઠી ચોળેલી અવસ્થામાં જ મતદાન મથકે પહોંચીને પવિત્ર ફરજ અદા કરી હતી. ડીસાના પેછડાલ અને વાવ-થરાદના ભાચર ગામે પણ વરરાજાઓએ લગ્ન પહેલા વોટ આપીને યુવાનો માટે જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

કન્યાઓએ મંડપમાં જતા પહેલા નિભાવી ફરજ

સુરેન્દ્રનગરના લીંબડીની દીકરી જયશ્રીબેન મકવાણાએ લગ્ન મંડપમાં જતા પૂર્વે મતદાન કરી “મતદાન આપણો અધિકાર છે”નો સંદેશ આપ્યો હતો. ગોંડલના ધરાળા ગામે દુલ્હન મહેશ્વરીબેન માયાણીએ પોતાના ભાઈઓ સાથે જઈને ગામનું પ્રથમ મતદાન કર્યું હતું. આ ઉપરાંત જૂનાગઢના માખીયાળામાં ડેન્સી ગજેરા, જેતપુરના ડેડરવા ગામે અવનીબેન દુધાત્રા અને કાલોલના કાતોલ ગામે હર્ષિતા પરમારે શુભ મુહૂર્ત અને સપ્તપદીના ફેરા પહેલા મતદાન મથકે જઈને પોતાની જવાબદારી નિભાવી હતી.

નવદંપતીઓનો અનોખો ઉત્સાહ

અરવલ્લીના મેઘરજમાં પાર્થ અને દિયા સુથારે લગ્નગ્રંથિથી જોડાયા બાદ તુરંત જ મતદાન કરીને નવું જીવન શરૂ કર્યું હતું. જામનગરમાં નવોઢા મીરાબેને દેશના વિકાસ માટે વોટ આપીને નાગરિકોને મતદાનની અપીલ કરી હતી. સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલી આ ચૂંટણીમાં આ યુવા મતદારો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, જેઓ સાબિત કરી રહ્યા છે કે અંગત પ્રસંગો કરતા દેશની લોકશાહીનું જતન વધુ મહત્વનું છે.