Home Blog Page 1152

મહિલાઓએ મુસાફરીમાં ભય નહીં, સાવધાની રાખવી જરૂરી છે

નૈના માટે આજનો દિવસ ખાસ હતો. પોતાની કારકિર્દી માટે એક નવા શહેરમાં ઇન્ટરવ્યૂ આપીને પાછી ફરી રહી હતી. આજ સુધી એણે ક્યારેય એકલી મુસાફરી કરી ન હતી, પણ સ્વતંત્ર બનવા અને નવા પડકારો સ્વીકારવા માટે એને આ કસોટી પાર કરવી પણ જરૂરી હતી.

ટ્રેન મોડી રાતે સ્ટેશન પર પહોંચી. ખાલી પ્લેટફોર્મ, થોડે દૂર ઊભેલા અજાણ્યા લોકો, અને પથારેલા અંધારાએ એને અસ્વસ્થ કરી નાખી. આજુબાજુની શાંતિ એક અજાણ્યા ભયમાં ફેરાઈ રહી હતી. નૈનાએ પોતાના શોલ્ડર બેગને થોડી વધુ કસીને પકડી, અને કેબ સ્ટેન્ડ તરફ વધવા લાગી.

જેમ જેમ તે આગળ વધી રહી હતી, એને લાગ્યું કે કોઈએ એની પાછળ આવી રહ્યું છે. અચાનક, પાછળથી એક અવાજ આવ્યો,  મેમ, ટેક્સી જોઈએ?

એના શરીરનું લોહી જાણે થીજી ગયું. આ અવાજમાં કંઈક અલગ લાગ્યું. નૈનાએ પાછા વળી ને જોયું તો ત્યાં એક ટેક્સી ડ્રાઇવર જેવો દેખાતો પુરુષ ઉભો હતો.  પણ એની નજરો શંકાસ્પદ હતી. નૈનાએ કાબૂ રાખ્યો અને સાદગીભર્યો જવાબ આપ્યો, ના, થેંક યુ.

પણ એ માણસ એ હસીને આગળ આવ્યો,  એકલી છો? કયાં જવાનું છે? એમ કહીને એક અટહાસ્ટ કર્યુ.

આ વખતે નૈનાને સાફ સમજાઈ ગયું કે કશું ખોટું છે. એ તરત જ પાછી વળી અને પ્લેટફોર્મ તરફ દોડવા લાગી.  જેમ જેમ એ સ્ટેશન તરફ પાછી ફરી, એકલતા એના ડરને વધુ ગાઢ કરી રહી હતી. આસપાસ કોઈ નહોતું, પણ દૂર એક કેબીનમાં લાઈટ દેખાઈ. નૈનાએ આશા રાખી કે ત્યાં કોઈ સિક્યોરિટી ગાર્ડ હશે. એ નજીક પહોંચી તો,  ત્યાં એક મહિલા પોલીસ હાજર હતા. હાંફતા હાંફતા, નૈનાએ પોતાની પરિસ્થિતિ વિશે જણાવ્યું. મહિલા પોલીસે તરત જ રિસ્પોન્સ આપ્યો, નૈનાને આશ્વાસન આપ્યું, અને બીજી મહિલા પોલીસને બોલાવીને એના સુરક્ષિત ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરી. થોડી જ મિનિટોમાં, નૈના સલામત રીતે ઘરે જવા નીકળી. એ પોલીસ વાહનમાં બેસીને એણે એક ઊંડો શ્વાસ લીધો. મનમાં જ વિચાર્યું કે, હું બચી ગઈ.

પરંતુ અનેક યુવતીઓ, મહિલાઓ છે જે મુસાફરી દરમિયાન આવા ભયનો સામનો કરે છે અને યોગ્ય પગલાં નથી ભરતી.

મહિલાઓએ પોતાની સુરક્ષા માટે સજાગ રહેવું જરૂરી

મહિલાઓ એકલી મુસાફરી કરતી વખતે અનેક પ્રકારના ડરનો સામનો કરે છે. શારીરિક હાનિનો ભય એ સૌથી મોટો હોય છે, કારણ કે અજાણ્યા સ્થળે કોઈ અનિચ્છનીય ઘટના બનશે તો?  સામાજિક અને માનસિક દબાણ પણ મોટું હોય છે, કારણ કે આજે પણ ઘણીવાર મહિલાઓને એકલી મુસાફરી કરતી જોઈ ને સમાજ એની અવગણના કરે છે. છેડછાડ,  અને અશ્લીલ ટિપ્પણીઓનો ભય પણ સતત સ્ત્રીઓની સાથે હોય છે, ખાસ કરીને ઓટો, બસ, કે એકલતા ભર્યા સ્ટેશનો પર. ક્યારેક ડ્રાઇવરો કે અજાણ્યા લોકો પર વિશ્વાસ કરવાનો પણ ભય રહે છે. એકલી મુસાફરી કરતી મહિલાઓને ટાર્ગેટ બનાવવાની ઘટનાઓ ઘણીવાર સાંભળવા મળે છે. આવી અનેક સમસ્યાઓ વચ્ચે, મુસાફરી દરમિયાન સૌથી મોટો ડર એ છે કે જો કંઈ અનિચ્છનીય થશે, તો કઈ રીતે બચવું? કોણ મદદ કરશે? અને શું ન્યાય મળશે? આ ડર મહિલાઓના માનસિક સ્વાસ્થ્ય પર પણ પ્રભાવ પાડે છે.

આનંદનગર પોલીસ સ્ટેશનના ASI (આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર)પ્રેમીલાબહેન રમાજીભાઈ પરમાર ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે કે, “મહિલાઓએ પોતાની સુરક્ષા માટે સજાગ રહેવું જરૂરી છે. યુવતીઓએ ભીડમાં પોતાની બેગ આગળ લટકાવવી જોઈએ, જેથી કોઈ ખોટી રીતે સ્પર્શ ન કરી શકે. જો પાછળ બેગ હોય, તો હાથનો સપોર્ટ લેવો. ભીડનો લાભ લઈને કોઈ અણછાજતો સ્પર્શ કરવાનો પ્રયત્ન કરે, તો એને તરત ધક્કો મારવો. મહિલાઓએ એકલાં મુસાફરી કરતી વખતે જગ્યા અને સમયનું ધ્યાન રાખવું જોઈએ. અવરજવર ઓછી હોય એવા રસ્તાઓથી જવાનું ટાળવું. કોઈ પીછો કરતો હોય કે શંકાસ્પદ લાગે, તો નજીકના પોલીસ સ્ટેશન પહોંચી જવું. અથવા 100 અને 181 હેલ્પલાઈન પર કોલ કરવો જોઈએ.”

એ ઉમેરે છે કે, “મહિલા પોલીસ અમદાવાદમાં સક્રિય છે અને કોઈ પણ સમયે મદદ માટે તૈયાર છે. ભીડવાળી જગ્યાઓ, જેમ કે મેટ્રોમાં, જો કોઈ ઉદ્દેશ્યપૂર્વક સ્પર્શ કરવાનો પ્રયત્ન કરે, તો મોટા અવાજે બોલીને પોતાનું રક્ષણ કરવું જોઈએ. વ્હીકલ લઈને જતા હોય અને લાગે કે કોઈ ફોલો કરે છે તો, નજીકથી પસાર થઈ રહેલા પરિવારને પણ મદદ માટે કહી શકાય. કોઈ પણ મુસાફરી કરતા સમયે ભયમાં રહેવાની જગ્યાએ સજાગ રહી સાવધાની રાખવી જરૂરી છે.”

જરૂરી છે કે…

-ઓનલાઈન કેબ ઓટો બુક કરાવો કે સ્થાનિક રીતે, હંમેશા નંબર પ્લેટ બે વાર તપાસો. ચેકિંગની સાથે વાહનના નંબરનો ફોટો લો અને તમે જેને ઓળખતા હોવ એને મોકલી આપો.

-જ્યારે પણ કેબમાં એકલા મુસાફરી કરો છો, ત્યારે ચોક્કસપણે ડોર હેન્ડલ તપાસો કે એ અંદરથી બરાબર કામ કરી રહ્યા છે કે નહીં. જો કોઈ શંકા હોય, તો તરત જ વાહનમાંથી ઉતરી જાઓ.

-મુસાફરી દરમિયાન પરિવારને અથવા અન્ય કોઈ પરિચિતને ફોન કરો અને એમને જાણ કરો. આ સમય દરમિયાન, ફોન પર મોટેથી વાહન નંબર, સ્થાન અને ક્યારે ઘરે પહોંચશો એ પણ  જણાવો.

-જ્યાં સુધી રાઈડ પૂરી ન થાય ત્યાં સુધી તમે પરિવાર અથવા કોઈ પરિચિતને ફોન ચાલુ રાખવા માટે કહી શકો છો. તેમજ તેમને સમયાંતરે લોકેશન વિશે માહિતી આપતા રહો.

-મુસાફરી પહેલા ફોનને હંમેશા ફુલ ચાર્જ્ડ કરો. સાથે ઈમરજન્સી નંબર સ્પીડ ડાયલ પર રાખવા જોઈએ. દરેક મહિલાએ સ્પીડ ડાયલ પર મહિલા હેલ્પલાઈન નંબર પણ રાખવો જોઈએ.

-તમારી સુરક્ષા માટે ટેક્નોલોજીનો પણ સંપૂર્ણ ઉપયોગ થવો જોઈએ. તમારા ફોનમાં એવી સેફ્ટી એપ્સ રાખો, જેમાં એક ક્લિકથી ઈમરજન્સી કોલ કરી શકાય છે અને લોકેશન પણ શેર કરી શકાય છે.

-એકલા મુસાફરી કરતી વખતે હંમેશા પોતાના જીપીએસનો ઉપયોગ કરો. લોકેશન અને રોડ પર નજર રાખો અને તમે જાણતા હોવ એની સાથે શેર કરતા રહો. તમે Google Maps પર તમારી ઓફિસ અથવા ઘરનું સરનામું પણ રજીસ્ટર કરી શકો છો.

-ડ્રાઇવર સાથે વાત કરવા માટે હંમેશા ઓફિશિયલ ટેક્સી એપનો ઉપયોગ કરો. ડ્રાઇવર સાથે તમારો નંબર અથવા કોઈપણ વ્યક્તિગત માહિતી શેર કરશો નહીં.

-મુસાફરી કરતી વખતે, જો ડ્રાઇવર તમને શોર્ટ કટના નામે નિર્જન અથવા અજાણ્યા રોડ પર લઈ જવા લાગે, તો એને તરત જ રોકો. મેઈન રોડ અથવા ભીડવાળા વિસ્તારમાંથી જ જવાનું કહો.

-મહિલાઓએ હંમેશા પોતાની સાથે કેટલીક વસ્તુઓ રાખવી જોઈએ જે ઈમરજન્સીમાં તમારી મદદ કરી શકે. આમાં પેપર સ્પ્રે અને સેફ્ટી ટોર્ચનો સમાવેશ થાય છે. સેફ્ટી ટોર્ચ LED ટોર્ચ જેવી લાગે છે પરંતુ તેમાં છુપાયેલ વોલ્ટેજ ઝટકો આપી શકે છે.

દરેક સ્ત્રી ભયમાં જીવે છે..

કોઈપણ જગ્યાએ જતા પહેલા રાઈડ બુક કરાવી લેવી જોઈએ. રસ્તા પર એકલા ઊભા રહીને રાઈડ બુક કરવાનું ટાળવું. ઉપરાંત, જ્યારે ડ્રાઈવર લોકેશન પર આવે ત્યારે જ બિલ્ડિંગની બહાર નીકળવું જોઈએ. એકલા મુસાફરી કરતી વખતે, તમારી શારીરિક ભાષા હંમેશા આત્મવિશ્વાસને પ્રતિબિંબિત કરવો જોઈએ. કારણ કે જ્યારે તમારા ચહેરા અથવા શરીરની ભાષા પર ડર દેખાવા લાગે છે, ત્યારે ગુનાહિત વલણ ધરાવતા લોકો હિંમત મેળવે છે.

અમદાવાદના ફેમિલી કોર્ટના વકીલ અલ્પાબહેન જોગી ચિત્રલેખા.કોમને કહે છે કે, “આજના સમયમાં મહિલાઓ માટે મુસાફરી સુરક્ષિત નથી રહી, કારણ કે રેપ અને છેડતીની ઘટનાઓ સતત વધી રહી છે. બાળકીઓથી લઈને વૃદ્ધ મહિલાઓ સુધી દરેક સ્ત્રી ભયમાં જીવે છે. માતા પોતાની દીકરી માટે હંમેશા ચિંતિત રહે છે, કોલેજ  જતી યુવતીને ઘરે પરત ફરવામાં સહેજ મોડું થાય તો પણ પરિવારજનોના મનમાં ડર વસે છે. મહિલાઓ માટે કાયદા તો ઘણા છે, પણ કડક અમલ નથી. છેડછાડ કરનાર કે શારીરિક અડપલા કરનાર ગુનેગારો સહેલાઈથી જામીન પર છૂટી જાય છે, જે વીક્ટીમ માટે અન્યાયરૂપ બને છે. સાથે જ, કેટલાય કેસો સમાજના ડરથી પોલીસ સુધી પહોંચી પણ શકતા નથી. મહિલાઓએ પોતાની સુરક્ષાની તકેદારી જાતે જ રાખવી અત્યંત જરૂરી છે. એકલાં મુસાફરી કરતી વખતે, ખાસ કરીને રાત્રે, ફોનમાં લાઈવ લોકેશન શેર કરી રાખવું જોઈએ, અને જરૂર પડે તો વુમન હેલ્પલાઈનને લાઈવ લોકેશન મોકલી શકાય.”

વધુમાં એ કહે છે કે, “સેલ્ફ-ડિફેન્સ માટે કેટલીક ટેક્નીક શીખવી જોઈએ અને જરૂરી ચીજવસ્તુઓ સાથે રાખવી જોઈએ, જેમ કે નાની ડબ્બીમાં લાલ મરચાનો પાઉડર કે પેપર સ્પ્રે. રાત્રે બસમાં મુસાફરી કરતી મહિલાઓ ઘણી વખત ડ્રાઈવર અને કંડક્ટરનો પણ ભય લાગે છે. આવી સ્થિતિમાં સજાગ રહી પોલીસ અથવા વુમન હેલ્પલાઈન પર તાત્કાલિક જાણ કરવી જરૂરી છે. મહિલાઓએ ભયને જીતવો પડશે અને પોતાની સુરક્ષાનું સત્તાનિર્ભર પગલું ભરવું પડશે.”

દરેક સ્ત્રીએ મુસાફરી કરતી વખતે હંમેશા સાવધાન રહેવું જોઈએ અને ખાસ કરીને એ સમય દરમિયાન બિલકુલ ઊંઘશો નહીં. તેમજ ફોનની સ્ક્રીન તરફ જોવાને બદલે હંમેશા તમારું ધ્યાન રસ્તાઓ પર રાખો. રસ્તામાં પોલીસ ચોકી કે સ્ટેશનનું ધ્યાન રાખો. જો કોઈપણ પરિસ્થિતિમાં કોઈ અજાણી વ્યક્તિ તમારી કેબ અથવા ઓટોને રોકે તો તરત જ વાહનના દરવાજા અને બારીઓ બંધ કરો અને પોલીસને ફોન કરો. કોઈ પણ જગ્યાએ એકલા મુસાફરી કરતા સમયે ભયમાં રહેવાની જગ્યાએ નીડર બની સાવધાન રહેવું અનિવાર્ય છે.

હેતલ રાવ

હોસ્પિટલમાં મહિલાઓના સીસીટીવી ફૂટેજ લીક કેસ, સાઇબર ક્રાઇમે તપાસની ગતિ તેજ કરી

રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલમાં મહિલાઓના સોનોગ્રાફી અને ગાયનેક ચેકઅપ દરમિયાનના ગુપ્ત સીસીટીવી ફૂટેજ યુટ્યુબ અને ટેલિગ્રામ પર અપલોડ કરવાના કિસ્સાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી છે. આ મામલે અમદાવાદ સાઇબર ક્રાઇમ પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી ત્રણ અલગ અલગ ટીમો રચી છે, જે વિવિધ રાજ્યોમાં તપાસ માટે રવાના થઈ ગઈ છે.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, મેઘા MBBS નામની યુટ્યુબ ચેનલ અને મેઘા ડેમોસ ગ્રુપ નામની ટેલિગ્રામ ચેનલ પર હોસ્પિટલ, બાથરૂમ, જિમ અને અન્ય સ્થળો પરની મહિલાઓની ખાનગી ક્ષણોના વીડિયો વેચાણ માટે મુકવામાં આવતા હતા. આ વીડિયો 900 થી 3000 રૂપિયાની સબ્સ્ક્રિપ્શન ફી લઈને લોકો સુધી પહોંચાડવામાં આવતા હતા. હોસ્પિટલના સીસીટીવી કેમેરા હેક કરીને આ વીડિયો પ્રાપ્ત કરાયા હોવાની શક્યતા છે. રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલના ડોક્ટર અમિત દવે દ્વારા સ્વીકારવામાં આવ્યું છે કે વાયરલ થયેલા કેટલાક વીડિયો તેમના હોસ્પિટલના જ છે. ડોક્ટરે કથિત રીતે દાવો કર્યો છે કે, કેમેરા હેક કરાયા હતા. જોકે, હોસ્પિટલના સત્તાધીશોનો લાચાર પ્રતિસાદ અને હાસ્યસ્પદ વલણને લઈને લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે.

સાઇબર ક્રાઇમની ટીમો હાલ આ સમગ્ર કૌભાંડમાં સંકળાયેલા યુટ્યુબ અને ટેલિગ્રામ ચેનલના સંચાલકો સુધી પહોંચવા માટે પ્રયત્નશીલ છે. ગુજરાત સહિત દેશભરમાં આ નેટવર્ક ફેલાયેલું હોવાની શકયતા છે. આરોગ્ય વિભાગે પણ તુરંત કાર્યવાહી હાથ ધરી છે. તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની ગોપનીયતા જળવાઈ રહે તે માટે સીસીટીવીના ઉપયોગ માટે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ કિસ્સાએ તંત્ર અને નાગરિકોમાં ટેકનોલોજી દુરુપયોગ અંગે ચિંતાનું મોજું ઊભું કર્યું છે. મહિલાઓના અંગત પળોના શોષણ સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી છે.

પીએમ કિસાન યોજના: 24 ફેબ્રુઆરીએ 2 હજાર રૂપિયા આવશે

2000 રૂપિયાનો પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો 24 ફેબ્રુઆરી, 2025 ના રોજ બહાર પાડવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) સિસ્ટમ દ્વારા પાત્ર ખેડૂતોના બેંક ખાતામાં સીધા ભંડોળ ટ્રાન્સફર કરશે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના હેઠળ, ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા ત્રણ સમાન હપ્તામાં મળે છે, જે દરેક 2,000 રૂપિયાના હોય છે. લાભાર્થીઓ તેમની ચુકવણીની સ્થિતિ ચકાસી શકે છે અને સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર પીએમ કિસાન લાભાર્થી યાદીમાંથી તેમનું નામ ચકાસી શકે છે. જોકે, ચુકવણી મેળવવા માટે e-KYC પૂર્ણ કરવું જરૂરી છે.

પીએમ કિસાન 19મા હપ્તાની તારીખ અને અન્ય વિગતો

  • હપ્તાની રકમ: રૂ. 2000
  • કુલ વાર્ષિક સહાય: રૂ.6000
  • પ્રકાશન તારીખ: 24 ફેબ્રુઆરી, 2024
  • ટ્રાન્સફર મોડ: ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT)

પીએમ કિસાન યોજના હેઠળ, ભારત સરકાર દર વર્ષે પાત્ર ખેડૂતોને 6,000 રૂપિયા આપે છે. આ પૈસા સીધા તેમના બેંક ખાતામાં ત્રણ ભાગમાં મોકલવામાં આવે છે. દરેક શેરની કિંમત સામાન્ય રીતે રૂ. 2,000 હોય છે. ભારત સરકાર આ યોજના માટે સંપૂર્ણ ભંડોળ પૂરું પાડે છે.

પીએમ કિસાન લાભાર્થી યાદી કેવી રીતે તપાસવી?

  • ખેડૂતો આ પગલાં અનુસરીને તેમની ચુકવણીની સ્થિતિ અને લાભાર્થીઓ ઓનલાઈન ચકાસી શકે છે.
  • સૌ પ્રથમ સત્તાવાર પીએમ-કિસાન પોર્ટલ પર જાઓ: pmkisan.gov.in
  • પછી ‘Beneficiary Status’ પર ક્લિક કરો.
  • તમારો સાચો આધાર નંબર અથવા બેંક એકાઉન્ટ નંબર દાખલ કરો.
  • તમારી ચુકવણી સ્થિતિ તપાસવા માટે Get Data પર ક્લિક કરો.
  • જો કોઈ ખેડૂતનું નામ ખૂટે છે, તો તેમણે મદદ માટે સ્થાનિક અધિકારીઓનો સંપર્ક કરવો પડશે.

ચુકવણી મેળવવા માટે e-KYC પૂર્ણ કરો

સરકારે યોગ્ય લાભાર્થીઓ સુધી ભંડોળ પહોંચે અને છેતરપિંડી અટકાવવા માટે e-KYC ફરજિયાત બનાવ્યું છે. ખેડૂતો ત્રણ પદ્ધતિઓનો ઉપયોગ કરીને e-KYC પૂર્ણ કરી શકે છે.

  • OTP-આધારિત e-KYC (આધાર-લિંક્ડ મોબાઇલ નંબર દ્વારા)
  • ફેસ ઓથેન્ટિકેશન-આધારિત ઇ-કેવાયસી
  • બાયોમેટ્રિક-આધારિત ઇ-કેવાયસી (સામાન્ય સેવા કેન્દ્રો પર)

પીએમ-કિસાન યોજના 2019 વિશે

પીએમ કિસાન સન્માન નિધિ યોજના એ વિશ્વના સૌથી મોટા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) કાર્યક્રમોમાંનો એક છે. તે 2019 માં લોન્ચ કરવામાં આવ્યું હતું. તેની શરૂઆત થઈ ત્યારથી, ભારતભરના લાખો ખેડૂતોને તેમની કૃષિ પ્રવૃત્તિઓને ટેકો આપવા માટે સીધી નાણાકીય સહાય મળી છે. લાભો મેળવવાનું ચાલુ રાખવા માટે, ખેડૂતોએ નિયમિતપણે પીએમ-કિસાન પોર્ટલ તપાસવું જોઈએ અને જરૂરી ચકાસણી પૂર્ણ કરવી જોઈએ.
ઇન્ડિયાટીવીના અહેવાલ મુજબ, પીએમ નરેન્દ્ર મોદી 24 ફેબ્રુઆરીએ બિહારના ભાગલપુરની મુલાકાત લેવાના છે, જ્યાં તેઓ 19મો હપ્તો રજૂ કરશે.

યુટ્યુબ પર અશ્લિતા મુદ્દે સરકાર કડક વલણ અપનાવે, સુપ્રિમ કોર્ટ કરી ટકોર

યુટ્યુબ શોમાં રણવીર અલ્હાબાદિયા દ્વારા કરવામાં આવેલી વિવાદીત ટીપ્પાણી વિશે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણઈ હાથ ધરવામાં આવી હતી. યુટ્યુબ પ્લેટફોર્મ પર ફેલાતી અશ્લીલતાને ધ્યાનમાં લેતાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આ મામલે કડક વલણ અપનાવવા નિર્દેશ કર્યો છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પૂછ્યું હતું કે, શું તે યુટ્યુબ પર ફેલાયેલા અશ્લીલ કન્ટેન્ટ અંગે કોઈ પગલું લેવા માંગે છે?

જસ્ટિસ સૂર્યકાંતના નેતૃત્વવાળી બેન્ચે ડિજિટલ પ્લેટફોર્મના દુરુપયોગ પર ચિંતા વ્યક્ત કરી હતી. જસ્ટિસ સૂર્યકાંતે એડિશનલ સોલિસિટર જનરલ (ASG) ઐશ્વર્યા ભાટીને કહ્યું હતું, ‘અમે ઈચ્છીએ છીએ કે સરકાર આ મામલે કંઈક કરો. જો સરકાર કંઈક કરવા તૈયાર હશે તો અમને આનંદ થશે. નહિંતર, આ કહેવાતી YouTube ચેનલ અને યુટ્યૂબર્સ તેનો દુરુપયોગ કરતાં જ રહેશે. કોર્ટે એટર્ની જનરલ આર. વેંકટરમણી અને સોલિસિટર જનરલ તુષાર મહેતા પાસેથી પણ મદદ માંગી છે કે, આપણે આ મુદ્દાના મહત્વ અને સંવેદનશીલતાને નજરઅંદાજ કરવો જોઈએ નહીં. કેન્દ્ર સરકારે આ મુદ્દાને ગંભીરતાપૂર્વક ધ્યાનમાં લઈ કાયદો ઘડવો જોઈએ. સંસદીય સ્થાયી સમિતિ ઓન ઇન્ફોર્મેશન ટેક્નોલોજી કાયદાને મજબૂત કરવા માટે કેન્દ્રને પત્ર લખવાનું વિચારી રહી છે. જેથી સરકાર સુનિશ્ચિત કરી શકે કે, રણવીર અલ્હાબાદિયા જેવી અભદ્ર ટીપ્પણીઓ અન્ય કોઈ યુટ્યૂબર કરી શકે નહીં.

પટનામાં લાઈવ એન્કાઉન્ટર, ફાયરિંગ કર્યા પછી બદમાશો ઘરમાં ઘૂસ્યા

બિહારની રાજધાની પટનાના કાંકરબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામ લખન પથ પર અચાનક ગોળીબારની ઘટનાએ વિસ્તારમાં સનસનાટી મચાવી દીધી હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ સક્રિય થઈ ગઈ અને ગુનેગારોને પકડવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ગુનેગારો એક ઘરમાં ઘૂસી ગયા. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને ગુનેગારોને આત્મસમર્પણ કરવા માટે કહેવામાં આવી રહ્યું છે.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, ચાર પોલીસ સ્ટેશનની પોલીસ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ. આ ઉપરાંત, વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે જવા રવાના થઈ ગયા છે. સુરક્ષા સુનિશ્ચિત કરવા અને પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે. ગુનેગારો જે ઘરમાં ઘૂસ્યા હતા ત્યાં અન્ય કોઈ લોકો હાજર છે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી. ઘટનાસ્થળે પહોંચેલા અધિકારીઓ આ બાબતની તપાસ કરી રહ્યા છે અને કોઈપણ કડક કાર્યવાહી થાય તે પહેલાં ગુનેગારોને પકડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

STF ટીમ પણ ઘટનાસ્થળે હાજર છે

કહેવામાં આવી રહ્યું છે કે ઘરમાં ત્રણ-ચાર ગુનેગારો છુપાયેલા છે. જે ઘરમાં તેઓ છુપાયેલા છે તે ઉપેન્દ્ર સિંહ નામના વ્યક્તિનું છે. STFની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ચાર પોલીસ સ્ટેશનની પોલીસે ઘરને ચારે બાજુથી ઘેરી લીધું છે. માઈક દ્વારા, પોલીસ ટીમ ગુનેગારોને શરણાગતિ સ્વીકારવાની અપીલ કરી રહી છે.

વિસ્તારને કોર્ડન કરીને ગુનેગારને પકડવાનો પ્રયાસ

પટના પોલીસ ગુનેગારોને પકડવા માટે ઘેરાબંધી કરી રહી છે. ગુનેગારો કોઈપણ ભોગે ભાગી ન શકે તે માટે દરેક બુલેટ પોઈન્ટ પર પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવી રહ્યા છે. પોલીસ ટીમે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને ગુનેગારોને વારંવાર શરણાગતિ સ્વીકારવાની અપીલ કરી રહી છે, પરંતુ તેઓ શરણાગતિ સ્વીકારવા તૈયાર નથી.

‘મહાકુંભ હવે મૃત્યુ કુંભમાં ફેરવાઈ ગયો…’, મમતા બેનર્જીનું વિવાદિત નિવેદન

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભને લઈને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર નિશાન સાધ્યું છે. તાજેતરની ભાગદોડની ઘટનાઓનો ઉલ્લેખ કરીને, મમતાએ મહાકુંભને ‘મૃત્યુંકુંભ’ ગણાવ્યો. તેમણે કહ્યું કે VIP લોકોને ખાસ સુવિધાઓ આપવામાં આવી રહી છે પરંતુ ગરીબોને તેનાથી વંચિત રાખવામાં આવી રહ્યા છે.

મમતા બેનર્જીએ કહ્યું, ‘મહાકુંભ હવે મૃત્યુ કુંભમાં ફેરવાઈ ગયો છે.’ વીઆઈપી લોકોને ખાસ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. માત્ર મમતા બેનર્જી જ નહીં, પરંતુ ઘણા વિપક્ષી નેતાઓ મહાકુંભને લઈને સીએમ યોગી પર હુમલો કરી રહ્યા છે અને તેમના પર અરાજકતા અને ગેરવહીવટનો આરોપ લગાવી રહ્યા છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો પ્રચંડ વિજય, CM પટેલે અભિનંદન પાઠવ્યા

ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની પરિણામ જાહેર થઈ ચૂક્યુ છે અને તેમાં ભાજપે પ્રચંડ વિજય મેળવ્યો છે. ભાજપની ભવ્ય વિજય બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ વિજેતા ઉમેદવારો સહિત પક્ષના દેવદુર્લભ કાર્યકર્તાઓ અને પક્ષના શીર્ષ નેતૃત્વને અભિનંદન પાઠવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સોશિય મીડિયા x હેન્ડલ પર પોસ્ટ કરી તમામ લોકો અભિનંદન સાથે રાજ્યના નાગરિકોનો ખૂબ ખૂબ આભાર મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું કે ભાજપા એટલે ભારતીય પરંપરાના શાશ્વત મૂલ્યોને જાળવીને જન-જનને સ્પર્શતા સર્વાંગીણ વિકાસની ગેરંટી. ભાજપા એટલે કોરા વાયદાની નહિ, પણ નક્કર વિકાસની રાજનીતિ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે ભારત દેશે વૈશ્વિક વિકાસ સાધીને દુનિયામાં એક આગવી ઓળખ પ્રાપ્ત કરી છે. ગુજરાતમાં પણ છેલ્લા અઢી દાયકાથી સુખ, શાંતિ, સમૃદ્ધિ અને રાજકીય સ્થિરતાનું એક અભૂતપૂર્વ વાતાવરણ સર્જાયું છે. ગુજરાતના નાગરિકોએ ભાજપાની વિકાસધારા પ્રત્યે સદૈવ અખંડ વિશ્વાસ રાખ્યો છે. સૌના સહિયારા પ્રયાસોથી પ્રદેશ ભાજપા, રાજ્ય સ્તરથી લઈને ગ્રામીણ સ્તર સુધી, જનકલ્યાણ માટે અને સર્વાંગીણ વિકાસ માટે કોઈ કસર છોડશે નહિ. માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલજીના નેતૃત્વમાં રાષ્ટ્રસેવાને પ્રતિબદ્ધ ભાજપા પરિવારને હૃદયથી અભિનંદન.

અગસ્તા વેસ્ટલેન્ડ કેસમાં ક્રિશ્ચિયન મિશેલને સુપ્રીમ રાહત

અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર કૌભાંડના કથિત આરોપી ક્રિશ્ચિયન મિશેલ જેમ્સને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સીબીઆઈ કેસમાં કોર્ટે મિશેલને જામીન આપ્યા છે. કોર્ટે મિશેલને 6 વર્ષની જેલની સજાના આધારે જામીન આપ્યા છે. શરતી જામીન આપતાં, જસ્ટિસ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે કહ્યું કે મિશેલે પોતાનો પાસપોર્ટ રિન્યુ કરવો પડશે અને તેને સરેન્ડર કરવો પડશે. અગાઉ, દિલ્હી હાઈકોર્ટે સીબીઆઈ કેસમાં જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. મિશેલે આ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી.

સુપ્રીમ કોર્ટે અગાઉ ક્રિશ્ચિયન મિશેલ જેમ્સની જામીન અરજી ફગાવી દીધી હતી, અને કહ્યું હતું કે જેમ્સની એવી અરજી સ્વીકારી શકાતી નથી કે તેમને આ કેસમાં અડધી સજા ભોગવી ચૂક્યા હોવાના આધારે જામીન પર મુક્ત કરવામાં આવે. જેમ્સે CrPCની કલમ 436-A હેઠળ જામીન માંગ્યા હતા. તેમાં કહેવામાં આવ્યું હતું કે વ્યક્તિને જામીન પર મુક્ત કરી શકાય છે.

ક્રિશ્ચિયન મિશેલ જેમ્સ છ વર્ષથી જેલમાં છે

તમને જણાવી દઈએ કે 3600 કરોડ રૂપિયાના અગસ્તા વેસ્ટલેન્ડ કેસમાં કથિત મધ્યસ્થી ક્રિશ્ચિયન મિશેલ જેમ્સ છ વર્ષથી જેલમાં છે. સીબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે. મંગળવારે, ન્યાયાધીશ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે જણાવ્યું હતું કે જેમ્સ છેલ્લા છ વર્ષથી કસ્ટડીમાં છે જ્યારે આ કેસમાં તપાસ હજુ પણ ચાલી રહી છે.

જૂનાગઢના વોર્ડ નંબર 8માં પરીણામ બાદ થયો પથ્થરમારો

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોની જાહેરાત સાથે જ અનેક જગ્યાએથી વિવાદ થયો હોવાના અહેવાલો પણ મળ્યા હતા. જૂનાગઢ મહાનગરપાલિકા ચૂંટણીમાં પ્રચંડ બહુમતી સાથે ભાજપે પોતાના જ ગઢમાં જીતની હેટ્રિક નોંધાવી છે. જૂનાગઢ મહાનગરપાલિકાની 60 બેઠકમાંથી ભાજપના ફાળે 48 બેઠક આવી છે. જ્યારે કોંગ્રેસે 11 બેઠક પર જીત હાંસલ કરી છે. ઉલ્લેખનીય છે કે, વોર્ડ નંબર નવમાં અપક્ષનો વિજય થયો છે. જૂનાગઢ મહાનગરપાલિકાના કુલ 15 વોર્ડમાં 60 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી.

જૂનાગઢમાં વોર્ડ નંબર-8 માં કોંગ્રેસની જીત થતાં જ પથ્થરમારાની ઘટના સામે આવી છે. પથ્થરમારામાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયાં હતાં. કોંગ્રેસના વિજય સરઘસ દરમિયાન પથ્થરમારો થયો હોવાનું સામે આવ્યું છે. હાલ, પોલીસે સમગ્ર મામલો થાળે પાડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે. વળી, બીજીબાજુ મોરબીના વાંકાનેરમાં વોર્ડ નંબર 6માં ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ફટાકડા ફોડવાની બાબતે બબાલ થઈ હતી. જૂનાગઢ મહાનગરપાલિકામાં વોર્ડ નંબર નવમાં કોંગ્રેસના ઉમેદવાર મહિપાલસિંહ બસિયા હાર્યા છે. આ હારની જાહેરાત થયાના થોડી જ ક્ષણોમાં તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતાં. સૂત્રોએ જણાવ્યું કે, કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે ફંડ ન મળતાં મહિપાલસિંહ નારાજ હતાં. જેથી કંટાળીને ભાજપમાં જોડાયા છે.

મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂકથી રાહુલ ગાંધી નારાજ.. આપી આવી પ્રતિક્રિયા!

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટ દ્વારા કેન્દ્ર સરકાર પર ચૂંટણી કમિશનરની પસંદગી પ્રક્રિયામાં દખલ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે ચૂંટણી કમિશનર અને મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક સંબંધિત સમિતિની બેઠક દરમિયાન તેમણે વડા પ્રધાન અને ગૃહ પ્રધાનને અસંમતિ નોંધ સુપરત કરી હતી. આ નોંધમાં રાહુલ ગાંધીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે ચૂંટણી પંચની સ્વતંત્રતા, ખાસ કરીને ચૂંટણી કમિશનર અને મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂકની પ્રક્રિયા, સરકારી દખલગીરીથી મુક્ત હોવી જોઈએ.

રાહુલ ગાંધીએ એવો પણ દાવો કર્યો હતો કે મોદી સરકારે સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કર્યું છે અને ભારતના મુખ્ય ન્યાયાધીશને આ પસંદગી સમિતિમાંથી દૂર કર્યા છે. આના કારણે ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અંગે મતદારોની ચિંતા વધુ વધી ગઈ છે. તેમણે એમ પણ કહ્યું કે આ સરકાર દ્વારા પોતાની જવાબદારીમાંથી છટકી જવાનો પ્રયાસ છે અને લોકશાહી સંસ્થાઓની ગરિમાનું ઉલ્લંઘન છે.

બાબાસાહેબ આંબેડકરના આદર્શોનું પાલન કરવું મહત્વપૂર્ણ છે – રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતાએ એ પણ સ્પષ્ટ કર્યું કે વિરોધ પક્ષના નેતા (LoP) તરીકે, બાબાસાહેબ આંબેડકર અને આપણા દેશના સ્થાપક નેતાઓના આદર્શોને અનુસરીને સરકારને જવાબદાર ઠેરવવાની તેમની ફરજ છે. તેમણે આરોપ લગાવ્યો કે સમગ્ર પ્રક્રિયાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે અને તેની સુનાવણી ફક્ત 48 કલાકમાં થશે. આવી સ્થિતિમાં, વડાપ્રધાન અને ગૃહમંત્રી દ્વારા મધ્યરાત્રિએ ચૂંટણી કમિશનરની પસંદગી અંગે નિર્ણય લેવો અયોગ્ય છે.

રાહુલે પોતાના ટ્વીટમાં એમ પણ કહ્યું કે આ સરકાર દ્વારા લેવામાં આવેલું અપમાનજનક અને અપમાનજનક પગલું છે કારણ કે ચૂંટણી કમિશનરની પસંદગી પ્રક્રિયા પર પ્રશ્નો ઉભા થવા છતાં, આ અંગે ઉતાવળમાં નિર્ણય લેવામાં આવ્યો છે. તેમનું માનવું છે કે આવા પગલાં ભારતીય લોકશાહીની તાકાતને નબળી પાડી શકે છે.