Home Blog Page 1154

પુતિનની નજર ફક્ત યુક્રેન પર જ નહીં સમગ્ર યુરોપ પર છે: ઝેલેન્સ્કી

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કી વારંવાર રશિયાથી યુરોપ માટે વધતા ખતરોનો દાવો કરી રહ્યા છે. રવિવારે તેમણે દાવો કર્યો હતો કે રશિયાની નજર ફક્ત યુક્રેન પર જ નહીં પરંતુ સમગ્ર યુરોપ પર છે. જો યુક્રેન શાંતિ કરાર રશિયાની શરતો પર થાય છે, તો રશિયાનું મનોબળ વધુ વધશે. અગાઉ શાંતિ કરાર અંગે, ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે યુક્રેન એવા કોઈપણ કરારને સ્વીકારશે નહીં જેમાં તેનો સમાવેશ ન થાય.

રવિવારે ઇન્ટરવ્યુમાં ઝેલેન્સ્કીએ કહ્યું કે મારું માનવું છે કે યુરોપને અમેરિકન સુરક્ષા ગેરંટીની જરૂર છે કારણ કે જો આવું નહીં થાય તો રશિયા તરફથી ખતરો હંમેશા મંડરાઈ રહ્યો છે. પુતિનની નજર ફક્ત યુક્રેન પર જ નહીં પરંતુ સમગ્ર યુરોપ પર કબજો કરવા પર છે. જો તેને યુરોપ સામે યુદ્ધ કરવાની પરવાનગી આપવામાં આવે, તો તે આમ કરવામાં વિલંબ કરશે નહીં. યુક્રેનિયન રાષ્ટ્રપતિએ કહ્યું કે અમેરિકા વિના નાટોનું અસ્તિત્વ ન હોઈ શકે. જો અમેરિકા નાટો છોડી દે છે, તો તેનો અર્થ એ કે નાટો સમાપ્ત થઈ ગયો છે અને પુતિન યુરોપ કબજે કરવાના તેમના વર્ષો જૂના સ્વપ્નને પૂર્ણ કરવા માટે તૈયાર હશે.

યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકીની આ ટિપ્પણીઓ યુએસ સંરક્ષણ સચિવ પીટ હેગસેથે અમેરિકાની ભાવિ યોજનાઓની રૂપરેખા આપ્યા પછી આવી છે. એક કોન્ફરન્સમાં પીટે કહ્યું કે યુદ્ધના અંત પછી, યુએસ સુરક્ષા ગેરંટી, શાંતિ રક્ષા દળોમાં ભાગીદારી અને નાટોમાં યુક્રેનના સમાવેશ પર કોઈ વિચારણા નથી. જોકે અમેરિકન અધિકારીએ 24 કલાકની અંદર પોતાની ટિપ્પણી પાછી ખેંચી લીધી, તે સાબિત કરે છે કે અમેરિકન છાવણીમાં કેવા પ્રકારના વિચારો ચાલી રહ્યા છે.

ભારત અમેરિકા પાસેથી તેલની ખરીદી વધારશે

PM મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે ઘણા મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર થયા છે. આ દ્વિપક્ષીય બેઠકમાં ટ્રમ્પે પીએમ મોદીને કહ્યું કે ભારત હવે અમેરિકા પાસેથી વધુ તેલ અને ગેસ ખરીદશે. ટ્રમ્પ માને છે કે આનાથી બંને દેશો વચ્ચે વેપાર ખાધ ઘટાડવામાં મદદ મળશે. એટલું જ નહીં, આ પછી વિદેશ સચિવે પણ નિવેદન આપીને તેની પુષ્ટિ કરી. આવી સ્થિતિમાં, એ વિચારવા જેવું છે કે જો ભારત અમેરિકા પાસેથી વધુ તેલ ખરીદશે તો મુસ્લિમ દેશોનું શું થશે? એટલે કે, આ સોદાની મુસ્લિમ દેશો પર કેટલી અસર પડશે.

પહેલા જાણીએ કે ભારતના વિદેશ સચિવે શું કહ્યું? જે બાદ આ ચર્ચા શરૂ થઈ. તાજેતરમાં, વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે અમેરિકાથી તેલ અને ગેસની આયાત વાર્ષિક 15 અબજ ડોલરથી વધારીને 25 અબજ ડોલર કરવાની શક્યતા છે. આવી સ્થિતિમાં પ્રશ્ન એ ઊભો થાય છે કે જો ભારત અમેરિકા સાથે વેપારમાં લગભગ 10 ડોલરનો વધારો કરે છે, તો મુસ્લિમ દેશો પર તેની કેટલી અસર પડશે.

ભારત કયા દેશો પાસેથી તેલ ખરીદે છે?

બીબીસીના અહેવાલ મુજબ, આર્થિક નિષ્ણાતો કહે છે કે ભારત વિશ્વના 30 થી વધુ દેશોમાંથી તેલ ખરીદે છે. આજે પણ ભારત વિશ્વમાં તેલનો ત્રીજો સૌથી મોટો ગ્રાહક અને બીજો સૌથી મોટો આયાતકાર દેશ છે. શક્ય તેટલા વધુ દેશો પાસેથી તેલ ખરીદવું એ ભારતની રાજદ્વારી નીતિનો એક ભાગ માનવામાં આવે છે. એટલા માટે અમેરિકાની સાથે, ભારત સાઉદી અરેબિયા, યુએઈ, રશિયા, ઇરાક અને કુવૈત જેવા ઘણા દેશોમાંથી તેલ આયાત કરે છે.

એવું માનવામાં આવે છે કે ભારતનો વપરાશ એટલો બધો છે કે જો તે અમેરિકા તરફ વળે તો પણ અન્ય દેશોમાં તેનાથી બહુ ફરક નહીં પડે. આર્થિક નિષ્ણાત અને જાણીતા ઉર્જા નિષ્ણાત નરેન્દ્ર તનેજા કહે છે કે ભારત વિશ્વના 30 થી વધુ દેશોમાંથી તેલ અને ગેસની આયાત કરે છે. ભારત દરરોજ 55 લાખ બેરલ તેલનો ઉપયોગ કરે છે.

ભારત કોઈ એક દેશ પર નિર્ભર નથી

ભારત કોઈ એક દેશ પર નિર્ભર રહેવાનો પ્રયાસ કરતું નથી. કારણ કે ઘણી વખત યુદ્ધ, ભૂકંપ કે કોઈપણ કુદરતી આફતને કારણે તેલનો પુરવઠો બંધ થઈ જાય છે. એટલા માટે જ્યારે આપણે ઘણા દેશો પાસેથી તેલ ખરીદીએ છીએ, ત્યારે જો એક દેશમાં કોઈ અવરોધ આવે છે, તો બીજા દેશ પાસેથી ખરીદી વધારીને તેનું સંચાલન કરી શકાય છે. આ સોદામાં પણ ભારત આનો લાભ લેશે. ભારત કોઈપણ દેશ પાસેથી પુરવઠો નોંધપાત્ર રીતે ઘટવા દેશે નહીં અને અમેરિકા પાસેથી તેલ આયાત પણ કરશે.

મુસ્લિમ દેશો પર શું અસર પડશે?

જોકે, જો ભારત મુસ્લિમ દેશો પાસેથી ઓછું તેલ ખરીદવાનું શરૂ કરે તો પણ તેની કોઈ ખાસ અસર નહીં પડે. કારણ કે સાઉદી અરેબિયા, યુએઈ જેવા ઘણા ખાડી દેશો તેલ આધારિત અર્થતંત્રમાં ફેરફાર કરવા માંગે છે. કારણ કે આ બધા દેશોને સમજાયું છે કે તેલ પર નિર્ભરતાનું કોઈ ભવિષ્ય નથી. એટલા માટે જો ભારત અમેરિકા પાસેથી વધુ તેલ ખરીદે છે તો તેની આ મુસ્લિમ દેશો પર બહુ અસર નહીં પડે. તે દેશો હવે તેલને બદલે અન્ય ઉત્પાદનો વેચવામાં વધુ રસ ધરાવે છે.

ગુજરાતના પ્રથમ મહિલા મેકઅપ આર્ટિસ્ટની સંઘર્ષથી સફળતાની કહાની

આજે આપણે ગુજરાતની પ્રથમ મહિલા મેકઅપ આર્ટિસ્ટ ધનલક્ષ્મી ત્રિવેદીની વાત ચિત્રલેખા.કોમના ‘દીવાદાંડી’ વિભાગમાં કરવાની છે. જેઓ છેલ્લાં 27 વર્ષથી ઈન્ડસ્ટ્રિઝમાં કામ કરી રહ્યા છે. જીવનમાં નાના-નાના પગલાં ભરીને તેમણે કામની શરૂઆત કરી હતી. ખૂબ જ મહેનત કરીને ધીમે-ધીમે આજે તેઓ એ મુકામ પર પહોંચ્યા છે કે, આજની તારીખમાં બોલીવૂડમાંથી પણ જો કોઈ આર્ટિસ્ટ અમદાવાદ કે ગુજરાતમાં ઈવેન્ટ કે પ્રમોશન માટે આવે તો મેકઅપ માટે પહેલાં ધનલક્ષ્મીબેનને બોલાવે છે. જે ખરેખર તેમના કામની સિદ્ધિ છે. અત્યાર સુધીમાં તેમણે 500થી વધુ ફેશન શૉ કર્યા છે, 75થી વધુ ડેઈલી સિરિયલ્સ કરી છે. અલગ-અલગ ન્યૂઝ ચેલન્સમાં પણ તેમણે 10 વર્ષ કરતાં વધુ સમય કામ કર્યું છે. 75થી વધુ ગુજરાતી ફિલ્મોમાં પણ તેમણે મેકઅપ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું છે. હમણાં એક હિન્દી ફિલ્મમાં પણ મેકઅપ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું છે.

ધનલક્ષ્મીબેનની આ સફર બહારથી દેખાય તેટલી સરળ રહી નથી. પોતાના જીવન સફર વિશે વાત કરતા ધનલક્ષ્મીબેન કહે છે, “હું મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવું છું. મેં માત્ર 10 ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો છે. મેં ક્યારેય કોઈ પણ પ્રકારની પ્રોફેશનલ તાલીમ મેકઅપ આર્ટિસ્ટ તરીકે લીધી નથી. પરંતુ મને બધાને તૈયાર કરવાનો, ખાસ કરીને નાની બાળકીઓ જે મારી આસપાસ રહેતી હતી, તેમને તૈયાર કરવાનો ખૂબ જ શોખ હતો. મને નવી-નવી હેર સ્ટાઈલ કરવાનો પણ ખૂબ જ શોખ હતો. આ કામ મને ગમતું હતું. આ શોખ મારામાં મારા માતાના ચંપાબેન ઠક્કરના કારણે આવ્યો. મારા માતા ગામડામાંથી પરણીને અમદાવાદ આવ્યા હતા. તેઓ માત્ર બે ચોપડી એ જમાનામાં ભણેલા, પરંતુ એમને વાંચવાનો ખૂબ જ શોખ હતો. તેઓ એ સમયમાં સિંધી, મરાઠી, ગુજરાતી અને હિન્દી જેવી ભાષાઓ બોલી શકતા હતા. અમારા ઘરમાં તે સમયે સખી, ગૃહશોભા જેવી અનેક મેગેઝિનો આવે. મમ્મી એમાં સારા-સારા આર્ટિકલ વાંચે, હું એમાં આવતા ફોટોગ્રાફ્સ ધ્યાનથી જોતી. ખાસ કરીને જે મોડલ્સ તૈયાર થયેલી હોય તેમને જોતી. એમાંથી મારો મેકઅપ અને હેરસ્ટાઇલનો શોખ જાગ્યો. હું એ સમયે મારા એક્સપેરિમેન્ટ્સ આસપાસમાં રહેતી નાની બાળકીઓ પર કરતી, તેમાંથી મારી આ સફર શરૂ થઈ એવું કહી શકાય.”

જીવનના ઉતાર-ચઢાવ વિશે વાત કરતા આગળ ધનલક્ષ્મીબેન કહે છે, “મારા જીવનમાં સ્ટ્રગલનો પિરિયડ લગ્નની શરૂઆતથી થયો હતો. મારા એક્સ હસબન્ડ કોલેજના પ્રથમ વર્ષમાં હતા, ત્યારે જ અમે લોકોએ લગ્ન કરી લીધા હતા. આથી એ સમયે પણ ઘર ચલાવવા માટે મેં લોકોના ઘરે જઈને ઘરકામ કર્યું હતું, રસોઈકામ કરવા માટે પણ જતી હતી. મારા એક્સ હસબન્ડનું ભણવાનું પત્યું અને તેમણે નોકરી શરૂ કરી ત્યાં સુધી આવો પિરયડ ચાલ્યો. લગ્નજીવનમાં પછી થોડોક સારો સમય આવ્યો. મારા દીકરા નિહાલનો જન્મ થયો. જો કે કુદરતને મારું ખુશ રહેવું પસંદ ન હતું અને દીકરો ચારેક વર્ષનો થયો ત્યારે હું મારા પતિથી અલગ થઈ ગઈ. 22 વર્ષથી હું એક સિંગલ મધર છું. હું જ્યારે પતિથી અલગ થઈ ત્યારે ફરીથી મારી સ્ટ્રગલ શરૂ થઈ. એ સમયે ફરી મેં લોકોના ઘરના કામ કર્યા, શાકભાજીની લારી પણ ચલાવી હતી. જો કે મારા અંદર રહેલી મેકઅપ આર્ટિસ્ટ આ સ્ટ્રગલમાં પણ ખુશી શોધતી હતી. આસપાસ રહેતી નાની બાળકીઓને હું ત્યારે પણ મેકઅપ કરી આપતી હતી. એક દિવસ મારું આ કામ તારા ચેનલના એક ડિરેક્ટરે જોયું. તેઓ મારા ઘર પાસે કોઈને મળવા માટે આવ્યા હતા અને મને પૂછ્યું કે, મારો એક નાના બાળકોનો પ્રોગ્રામ છે, તેમાં તમે આ રીતે મેકઅપ અને હેરસ્ટાઈલ કરવા માટે આવશો? રોજના ચારથી પાંચ બાળકો હશે અને તેમણે એ સમયે મને રોજના 200 રૂપિયા આપવાનું કહ્યું. જે મારા માટે ખૂબ જ મોટી રકમ હતી. મારી જરૂરિયાત હતી એટલે મેં આ ઓફર સ્વીકારી લીધી આમ મારી ઓફિસિયલ મેકઅપ આર્ટિસ્ટ તરીકેની સફર શરૂ થઈ. તારા ચેનલમાંથી મને બીજા કામ પણ મળવા લાગ્યા.”

“જીવનમાં ચાઈલ્ડ મેકઅપ આર્ટિસ્ટમાંથી ફૂલ ટાઈમ મેકઅપ આર્ટિસ્ટ કેવી રીતે બન્યા તે વિશે વાત કરતા ધનલક્ષ્મીબેન કહે છે, હું તારા ચેનલના બાળકોવાળા પ્રોગ્રામમાં મેકઅપ કરી રહી હતી, ત્યારે એક દિવસ ત્યાંથી મૃણાલિની સારાભાઈ નીકળ્યા. તેમણે મને મેકઅપ કરતા જોઈ અને મારી પાસે આવીને કહેવા લાગ્યા કે, “કાલે સવારે મારો એન્કરિંગનો એક પ્રોગ્રામ છે, તો બેટા તમે ફ્રી હોવ તો મને આવીને મેકઅપ કરી આપશો?”  ત્યારે મેં એમને કહ્યું કે, મેં ક્યારેય મોટાં લોકોનો મેકઅપ કર્યો નથી. આ રીતે નાના બાળકોનો જ મેકઅપ કર્યો છે. પ્રોફેશનલી હું મેકઅપ આર્ટિસ્ટ નથી, મારી પાસે તો મેકઅપનો સામાન પણ ઓછો છે. તો મને કહે કે “વાંધો નહીં, નોર્મલ એન્કરિંગ માટે જ મેકઅપ કરવાનો છે. તો તને જેટલો ફાવે એટલો આવીને કરી આપજે.” બીજા દિવસે સવારે હું મૃણાલિની સારાભાઈનો મેકઅપ કરવા માટે ગઈ. અમ્માને મારો મેકઅપ ખૂબ જ ગમ્યો.

એ સેટ પર ત્યાં બીજી એક ડેઈલી સિરિયલ ચાલતી હતી, તેના ડિરેક્ટર કલ્યાણ આચાર્યને મારું કામ ખૂબ જ ગમ્યું. એ સમયે ઈન્ડસ્ટ્રીઝમાં લેડિઝ મેકઅપ આર્ટિસ્ટ કોઈ જ નહતી. હેરડ્રેસર હોય, પરંતુ મેકઅપ તો બધાં જ જેન્ટ્સ જ કરતા હતા. આથી કલ્યાણ આચાર્યને લાગ્યું કે, આ બેન સારો મેકઅપ કરે છે. તેમની સાથે ફિમેલ આર્ટિસ્ટ પણ કમ્ફર્ટેબલ રહેશે. આથી એ સમયે તેમણે મને મહિને 12 હજાર રૂપિયાનો પગાર આપવાનું કહ્યું હતું. મેં તરત જ આ ઓફર સ્વીકારી લીધી. જીવનનો મોટો બ્રેક મને 2009માં સંદીપ પટેલની ડેઈલી સિરિયલ ‘મોટી બા’થી મળ્યો. આ સિરિયલમાં દીપક ઘીવાલા, રાગીણી શાહ, જૈમનીબેન, ચેતન રાવલ, રાગી જાની જેવાં મોટા કલાકરો હતા. એમાં બધાં જ કલાકારો મને ખૂબ જ મદદ કરતા. એ સમયે રાગીણી શાહ મુંબઈથી આવે, તો તેઓ મને મેકઅપ વિશે નવું-નવું નોલેજ પણ આપે. આમ મારું નોલેજ અને પ્રેક્ટિસ વધતા ગયા અને લોકોને મારું કામ ગમતું ગયું.”

“જો કે એ સેટ પરનો મારો એક અનુભવ જીવનભરનું મારા માટેનું સંભારણું છે. રાગિણી શાહ મોટી બા સિરિયલમાં મુખ્ય કલાકારમાંના એક, મારા કામનો પ્રારંભિક તબક્કો હતો. એ વખતે મારી પાસે એટલું ખાસ કહી શકાય એટલું મટિરિયલ્સ પણ ન હતું. તેઓ વીસેક વર્ષ કરતાં વધુ સમયથી ઈન્ડસ્ટ્રિઝમાં કામ કરતા હતા, હું તો સાવ નવી. આટલા વર્ષોમાં તેમણે ક્યારેય કોઈ ફિમેલ મેકઅપ આર્ટિસ્ટ પાસે મેકઅપ કરાવ્યો જ ન હતો. મોટી બા સિરિયલમાં પહેલો સીન એમનો જ હતો. એટલે સંદીપ સરે મને એમનો મેકઅપ કરવા માટે કહ્યું. હું ગઈ તો રાગિણીબેન મને જોઈને એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા. મને જોઈન જ એમણે કહી દીધું કે મેં ક્યારેય ફિમેલ પાસે મેકઅપ કરાવ્યો નથી, એટલે મને તમારા પર વિશ્વાસ નથી. હું એમની સામે કંઈ બોલી શકી નહીં. બસ એટલું જ કહ્યું કે, સંદીપ સરે મને મોકલી છે, તો તમે એમની સાથે વાત કરો. આ જોઈને દીપક ઘીવાલા ત્યાં ઉભા હતા. તેમનો પણ મારે મેકઅપ કરવાનો હતો. તેમણે રાગિણીબેનને કહ્યું કે, હું મેકઅપ કરાવી લઉં છું. જો તને ગમે તો તું કરાવજે. મેં દીપક ઘીવાલા સરનો જે મેકઅપ કર્યો, મારો જે હાથ ફરતો હતો એ જોઈને તેઓ ખૂબ જ ખુશ થઈ ગયા. પછી તેમણે મારી પાસે મેકઅપ કરાવ્યો. એટલું જ નહીં, પછી તો તેમણે સેટ પર બધાને ભેગા કર્યા. હું તો ગભરાઈ ગઈ, પણ એમણે બધાંને ભેગા કરીને કહ્યું કે, આ છોકરીએ એક ફિમેલ મેકઅપ આર્ટિસ્ટ તરીકે ખૂબ જ સારું કામ કર્યું છે. પહેલી વખત મારે એક શબ્દ પણ બોલવો નથી પડ્યો અને મારો ખૂબ જ સારો મેકઅપ થઈ ગયો છે. એક મહિલા તરીકે તે આ ક્ષેત્રમાં આગળ વધી રહી છે, એ માટે મને તેના પર ખૂબ જ માન છે. આથી બધાં સેટ પર હાજર લોકો એના માટે ક્લેપ કરો, પછી જ આપણે કામ શરૂ કરીએ. ત્યારે તો સેટ પર મારા ખુશીના આંસુ વહેવા લાગ્યા હતા.”

ધનલક્ષ્મીબેનને જીવનના પ્રારંભિક તબક્કામાં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. તેમનો દીકરો ચારેક વર્ષનો હતો અને તેઓ પતિથી અલગ થયા. એ સમયે પરિસ્થિતિઓ એટલી ખરાબ હતી કે, તેમણે એક વખત તો મરવાનો પણ નિર્ણય કરી લીધો હતો. આ વિશે વાત કરતા ધનલક્ષ્મીબેન કહે છે, “આજે હું જીવિત છું એનું એકમાત્ર કારણ મારો દીકરો નિહાલ છે. એ સમયે એણે જે શબ્દો કહ્યા હતા, જે મને હિંમત આપી હતી એના કારણે મેં ફરી જીવનમાં લડવા માટેની તૈયારી દાખવી હતી. ખરેખર તો મારે એની આંગળી પકડીને એને ચાલતા, જીવનમાં આગળ વધતા શીખવવાનું હોય. પરંતુ મારા જીવનમાં મારા દીકરાએ મારી આંગળી પકડીને તે દિવસથી લઈને આજ દિન સુધી મને ચાલતા શીખવી છે, મને જીવતા શીખવ્યું છે. આજે પણ મારો દીકરો જ મારા જીવનનો ખરો આધારસ્તંભ છે. મારા પ્રોફેશનમાં શૂટિંગ પર જવાનો સમય નક્કી હોય, પરંતુ ઘરે પાછા આવવાનો સમય નક્કી ન હોય. તો એ પાંચ વર્ષનો હતો ત્યારથી તેણે પોતાની જાતને પણ સાચવી છે અને મને પણ સાચવી છે. એટલી નાની વયથી તેણે મારા કામનું મહત્વ સમજ્યું છે.”

ધનલક્ષ્મીબેનના માતા-પિતા ખૂબ જ મધ્યમ પરિસ્થિતિમાં જીવતા હતા. પિતા રમણલાલ ઠક્કરને મણિનગર શાક માર્કેટમાં તે સમયે શાકભાજીની પોતાની દુકાન હતી. પરંતુ 22 વર્ષ પહેલાં દીકરાનું એટેક આવીને મૃત્યુ થતાં, તેઓ ભાંગી પડ્યા હતા. એટલે સંઘર્ષના દિવસોમાં ધનલક્ષ્મીબેન પણ તેમની સામે હાથ લંબાવી ન શકે, બીજી તરફ માતા-પિતા અને ભાઈના પરિવારની જવાબદારી ધનલક્ષ્મીબેન પર આવી ગઈ. પણ હા, મારે આર્થિક સિવાયનો દરેક સપોર્ટ તેમને માતા-પિતા તરફથી મળ્યો. જરૂર પડે ત્યાં તેઓ હંમેશા તેમની સાથે ઉભા રહેતા હતા. આ વિશે વાત કરતા ધનલક્ષ્મીબેન કહે છે, “મારો દીકરો 12 વર્ષનો થયો ત્યારે મારા પિતાજી એને સાચવવા માટે અમારી સાથે રહેવા આવ્યા હતા. એ પછી તો 9 વર્ષ એ અમારી સાથે જ રહ્યા હતા. મમ્મીને એમના ઘરે જ ફાવતું હતું, એટલે તેઓ રહેતા ન હતા, પણ આવતા-જતા રહેતા હતા. મારા મા-બાપનો મને જીવનમાં ખૂબ જ સાથ મળ્યો હતો. મેં જ બંન્ને ઘરની દીકરા તરીકે જવાબદારીઓ સંભાળી લીધી હતી. આ બધી જવાબદારીઓમાં મેં ક્યારેય બીજા લગ્ન કરવાનો પણ વિચાર કર્યો નથી. કારણ કે મને ખબર હતી કે, કોઈ મારી કે મારા દીકરાની જવાબદારી ઉઠાવી શકશે, પરંતુ મારા માતા-પિતાની કે મારા ભાઈના પરિવારની જવાબદારી ન જ ઉઠાવી શકે.”

ધનલક્ષ્મીબેનની એક મેકઅપ આર્ટિસ્ટ તરીકેની સફર ખૂબ જ લાંબી અને વિશાળ છે. તેમાં તેમને અઢળક સન્માન, પુરસ્કારો, ટ્રોફી મળી જ હોય તે સ્વાભાવિક છે. પરંતુ આમાંથી ખાસ અને યાદગાર કઈ એ વિશે પૂછતાં તેમણે કહ્યું કે, “મારા જીવનમાં જો મને સૌથી પહેલું કોઈ સન્માન મળ્યું હોય તો તે, સંદીપ પટેલની ‘મોટી બા’ સિરિયલ માટે હતું. આ સિરિયલ માટે મને જે ટ્રોફી મળી હતી તે આજે પણ મેં સાચવીને રાખી છે. એ પછી તો અઢળક જગ્યાઓ પર મારું સન્માન કરવામાં આવ્યું છે. લખનઉમાં ‘મેં હુ બેટી’ કરીને એક એવોર્ડ સમારોહ યોજાયો હતો. જેમાં સમગ્ર વર્લ્ડમાંથી માત્ર 17 લોકોનું સિલેક્શન કરવામાં આવ્યું હતું, તેમાં મારું નામ પણ હતું. એ વાતનો આજે પણ મને ગૌરવ છે.”

ધનલક્ષ્મીબેનની આ પ્રેરણાદાયક સફરમાં છેલ્લે તેમણે કહ્યું કે, “આજે મારો દીકરો 26 વર્ષનો થઈ ગયો છે. તે ખૂબ જ સારો ફોટોગ્રાફર બની ગયો છે. એના કામમાં આગળ વધી રહ્યો છે. મારી આ સફળતામાં મને ઈન્ડસ્ટ્રિઝમાંથી દરેક વ્યક્તિએ મને ખૂબ-ખૂબ સાથ આપ્યો છે. આ ઈન્ડસ્ટ્રિઝે મને ક્યારેય હારવા નથી દીધી. હું એક સિંગલ મધર હતી, તો પણ હું મારી લડાઈ સારી રીતે લડી શકી છું, એ માટે મને મારી ઈન્ડસ્ટ્રિઝ પર ખરેખર ખૂબ ગૌરવ છે.”

(રાધિકા રાઓલ – અમદાવાદ)

પ્રભાસની 400 કરોડની ફિલ્મમાં આલિયા ભટ્ટની એન્ટ્રી!

‘કલ્કી: 2898 એડી’થી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવનાર પ્રભાસ પાસે હાલમાં એક કે બે નહીં પરંતુ લગભગ અડધો ડઝન મોટી ફિલ્મો છે. તેમાંથી એક ‘ફૌજી’ પણ છે. આ ફિલ્મનું દિગ્દર્શન હનુ રાઘવપુડી કરી રહ્યા છે. હાલમાં પ્રભાસ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. તાજેતરમાં જ ખબર પડી હતી કે આ ફિલ્મમાં અનુપમ ખેર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા જોવા મળશે. હવે તેમાં આલિયા ભટ્ટની એન્ટ્રીના સમાચાર પણ આવી રહ્યા છે.

થોડા દિવસો પહેલા અહેવાલો આવ્યા હતા કે સાઉથ સ્ટાર સાઈ પલ્લવી ‘ફૌજી’માં પ્રવેશી છે. એવું કહેવામાં આવ્યું હતું કે તેનો રોલ મહત્વપૂર્ણ હશે અને તે ફિલ્મની ફ્લેશબેક વાર્તામાં જોવા મળશે. હવે આલિયા ભટ્ટની એન્ટ્રીના સમાચારથી ચાહકો ઉત્સાહિત થઈ ગયા છે. સિનેજોશે તેના એક અહેવાલમાં જણાવ્યું છે કે આ ફિલ્મમાં આલિયાનો ખાસ રોલ હશે.

શું આલિયા ભટ્ટ પ્રિન્સેસ બનશે?

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ‘ફૌજી’ની વાર્તામાં એક પ્રિન્સેસનું પાત્ર પણ છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે આલિયા ભટ્ટ પણ આ જ પાત્ર ભજવશે. જોકે ફૌજીના નિર્માતાઓએ પોતે ફિલ્મમાં અનુપમ ખેરની એન્ટ્રીની પુષ્ટિ કરી હતી, પરંતુ આલિયાની એન્ટ્રીના અહેવાલો પર નિર્માતાઓ તરફથી હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી. આનો અર્થ એ થયો કે આલિયાની એન્ટ્રી હજુ સુધી સત્તાવાર રીતે પુષ્ટિ થઈ નથી. જોકે, જો આ અહેવાલ સાચો હોય, તો આલિયા અને પ્રભાસની સાથે આ પહેલી ફિલ્મ હશે.

‘ફૌજી’ એક એક્શન ફિલ્મ હશે

પ્રભાસની ફિલ્મ ‘ફૌજી’ ઘણા સમયથી ચર્ચામાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ એક શક્તિશાળી એક્શન ફિલ્મ હશે, જેની વાર્તા પણ સારી હશે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, તેનું બજેટ લગભગ 400 કરોડ રૂપિયા છે. આવી સ્થિતિમાં, તેની સ્ટાર કાસ્ટ પણ એ-લિસ્ટર્સથી ભરેલી હશે. હાલમાં, પ્રભાસ તેની આગામી ફિલ્મ ‘ધ રાજા સાબ’ ની રિલીઝની રાહ જોઈ રહ્યો છે. તેમની ફિલ્મ આ વર્ષે 10 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

આલિયા ભટ્ટની વાત કરીએ તો, તેણે પોતાની કારકિર્દીમાં માત્ર એક જ સાઉથ ફિલ્મમાં કામ કર્યું છે. તે એસએસ રાજામૌલી દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘RRR’ માં રામ ચરણ અને જુનિયર NTR જેવા સ્ટાર્સ સાથે જોવા મળી હતી. ભલે તેમનો રોલ નાનો હતો, પણ તેમના અભિનયની ખૂબ પ્રશંસા થઈ.

અમદાવાદમાં ખાસ ખેલ મહાકુંભ ચેસ ટુર્નામેન્ટ સફળતાપૂર્વક સંપન્ન થઈ

અમદાવાદ: જિલ્લા કક્ષાની ખાસ ખેલ મહાકુંભ ચેસ ટુર્નામેન્ટ આજે બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન ખાતે સફળતાપૂર્વક યોજાઈ હતી. આ કાર્યક્રમમાં ચાર શ્રેણીઓમાં 50 થી વધુ ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. 18 વર્ષથી ઓછી ઉંમરના છોકરાઓ, 18 વર્ષથી ઓછી ઉંમરના છોકરીઓ, 18 વર્ષથી વુધ ઉંમરના છોકરાઓ અને 18 વર્ષથી વધુ ઉંમરના છોકરીએ ભાગ લીધો છે.

ચેસની સ્પર્ધામાં શ્રેણી પ્રમાણે વિજેતાઓ નામ 

18 વર્ષથી ઓછી ઉંમરના છોકરાઓની શ્રેણીમાં ધ્રુવ ભુવા પ્રથમ આવ્યા હતા. જ્યારે માનવ પટેલ બીજા નંબર પર આવ્યા તો રંગી મૌલિક ત્રીજા નંબર પર સ્થાન મેળવ્યું હતું. 18 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓમાં બીજા ક્રમાંક પર આયુષી અને રિદ્ધિ ત્રીજી ક્રમાંક પર આવી હતી. 18 વર્ષથી ઉપરના છોકરીઓમાં ખુશાલી પ્રમથ ફાલ્ગુની ઠાકુર બીજા ક્રમાંક પર તો જલ્પા ત્રીજા ક્રમાંક પર સ્થાન મેળવ્યું હતું. 18 વર્ષથી ઉપરના છોકરાઓમાં વિરલ ત્રિવેદી પ્રથમ તો દર્શન પંડ્યા બીજા ક્રમાંક પર આવ્યા હતા. જ્યારે ત્રીજા ક્રમાંક પર દિનેશ રાજપુરોહિતે સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

ટુર્નામેન્ટ સૌહાર્દપૂર્ણ અને મૈત્રીપૂર્ણ વાતાવરણમાં રમાઈ હતી, જેમાં સહભાગીઓને નાસ્તો અને બપોરનું ભોજન પૂરું પાડવામાં આવ્યું હતું. આયોજકો ગુજરાત સરકાર, જિલ્લા રમતગમત અધિકારી, અમદાવાદ, બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન, NAB અમદાવાદ શાખા અને ગુજરાત ચેસ એસોસિએશન ફોર ધ વિઝ્યુઅલી ચેલેન્જ્ડનો આ કાર્યક્રમને સફળ બનાવવામાં તેમના સહયોગ બદલ આભાર માને છે.

નવા મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂકને લઈને PMO માં બેઠક

દેશના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર 18 ફેબ્રુઆરીએ નિવૃત્ત થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, નવા મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કરવી પડશે. આ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં પસંદગી સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા. આ બેઠક સાઉથ બ્લોકમાં થઈ હતી. બેઠક બાદ કોંગ્રેસે કહ્યું કે સુપ્રીમ કોર્ટ આ કેસની સુનાવણી 19 ફેબ્રુઆરીએ કરશે. એટલા માટે આ મીટિંગ ન થવી જોઈતી હતી. સીઈસી અંગેનો નિર્ણય સંતુલિત હોવો જોઈએ અને ફક્ત કારોબારી દ્વારા જ ન લેવો જોઈએ.

તમને જણાવી દઈએ કે મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક માટે ત્રણ સભ્યોની પસંદગી સમિતિની રચના કરવામાં આવી છે. અગાઉ સીઈસીની નિમણૂક વરિષ્ઠતાના આધારે કરવામાં આવતી હતી. તેમના પછી, જ્ઞાનેશ કુમાર સૌથી વરિષ્ઠ ચૂંટણી કમિશનર છે. પરંતુ, નવી જોગવાઈઓ હેઠળ, પસંદગી સમિતિ બહુમતીથી અથવા સર્વાનુમતે ચૂંટણી કમિશનરની પસંદગી કરશે.

આજની મીટિંગ મુલતવી રાખવી જોઈતી હતી

બેઠક સમાપ્ત થયા પછી, કોંગ્રેસે એક પ્રેસ કોન્ફરન્સ યોજી. આમાં કોંગ્રેસના નેતા અજય માકને કહ્યું કે, આજે સીઈસીની પસંદગી માટે એક બેઠક હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે તે સમિતિનું બંધારણ કેવું હોવું જોઈએ તે અંગે 19 ફેબ્રુઆરીએ સુનાવણી કરશે. આને ધ્યાનમાં રાખીને, કોંગ્રેસ માને છે કે આજની બેઠક મુલતવી રાખવી જોઈતી હતી.

સીઈસી અંગેનો નિર્ણય સંતુલિત હોવો જોઈએ

રાજ્યસભા સાંસદ મનુ સિંઘવીએ કહ્યું કે, કોંગ્રેસ માને છે કે જો સંસ્થાઓ વચ્ચે સંકલન હોય અને બંધારણની ભાવનાનું યોગ્ય પાલન હોય, તો એવો નિર્ણય લેવો જોઈએ જે લોકશાહીના હિતમાં હોય. નવા કાયદામાં ઘણી ખામીઓ છે. સીઈસી અંગેનો નિર્ણય સંતુલિત હોવો જોઈએ અને ફક્ત કારોબારી દ્વારા જ ન લેવો જોઈએ.

કાયદા મંત્રીના નેતૃત્વમાં સર્ચ કમિટીની રચના કરવામાં આવી હતી

તમને જણાવી દઈએ કે સરકારે કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલના નેતૃત્વમાં એક સર્ચ કમિટીની રચના કરી હતી. નાણા અને કર્મચારી અને તાલીમ વિભાગના સચિવોને બે અન્ય સભ્યો તરીકે સમાવવામાં આવ્યા હતા. સર્ચ કમિટીએ CEC અને EC તરીકે નિમણૂક માટે 5 સચિવ સ્તરના અધિકારીઓના નામોની યાદી આપી હતી. હવે પ્રધાનમંત્રીની આગેવાની હેઠળની પસંદગી સમિતિ આમાંથી CEC અને EC ના નામો નક્કી કરશે. પીએમ મોદી ઉપરાંત, પસંદગી સમિતિમાં લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને વડા પ્રધાન દ્વારા નામાંકિત કેન્દ્રીય કેબિનેટ મંત્રીનો સમાવેશ થાય છે.

 

રણવીર અલ્હાબાદિયાનો પોડકાસ્ટ રદ કર્યા પછી બી પ્રાકે આપ્યું સમર્થન..કહી આ વાત

ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટમાં વિવાદાસ્પદ ટિપ્પણીઓ કર્યા બાદ રણવીર અલ્હાબાદિયા વિવાદમાં ફસાઈ ગયો છે. તેના આ નિવેદન પર સેલેબ્સ પણ ગુસ્સે ભરાયા હતા. ગાયક બી પ્રાકે પણ અગાઉ રણવીર અલ્હાબાદિયાને ઠપકો આપ્યો હતો. પરંતુ હવે બી પ્રાકે કહ્યું છે કે દરેક વ્યક્તિને બીજી તક મળવી જોઈએ.

આ દિવસોમાં, બી પ્રાક તેના તાજેતરના રિલીઝ થયેલા ગીત ‘મહાકાલ’ માટે સમાચારમાં છે. તેનું ગીત આજે રિલીઝ થયું છે અને આ ગીતના લોન્ચ પ્રસંગે, બી પ્રાકે કહ્યું કે રણવીર અલ્હાબાદિયાની વાતને વધુ મહત્વ ન આપો.

જો કોઈ દિલથી માફી માંગે તો…’

આ પ્રસંગે બી બ્રાકે કહ્યું કે જો કોઈ વ્યક્તિ દિલથી માફી માંગે છે, તો તેને એકવાર ચોક્કસ માફ કરી દેવી જોઈએ. રણવીર અલ્હાબાદિયા વિશે બી પ્રાકે કહ્યું કે દરેક વ્યક્તિને બીજી તક મળવી જોઈએ અને તેને પણ બીજી તક મળવી જોઈએ. ગાયકે વધુમાં કહ્યું કે સારી સામગ્રી બનાવવી અને બતાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, એવી સામગ્રી જે આખા પરિવાર સાથે જોઈ શકાય.

 

View this post on Instagram

 

A post shared by B PRAAK (@bpraak)

બી પ્રાકે રણવીર સાથેનો પોડકાસ્ટ રદ કર્યો હતો

ઉલ્લેખનીય છે કે, અગાઉ બી પ્રાકે એક વીડિયો પોસ્ટ કર્યો હતો અને કહ્યું હતું કે રણવીર અલ્હાબાદિયાની વિવાદાસ્પદ ટિપ્પણી બાદ, તેમણે યુટ્યુબર સાથે પોડકાસ્ટ કરવાનો ઇનકાર કરી દીધો છે. બી પ્રાકે રણવીર વિશે કહ્યું હતું- ‘આ રણવીર અલ્હાબાદિયા, તું સનાતન ધર્મનો પ્રચાર કરે છે, આધ્યાત્મિકતા વિશે વાત કરે છે.’ તમારા પોડકાસ્ટ પર આટલા મોટા લોકો, આટલા મહાન સંતો આવે છે, અને છતાં તમારા વિચારો આટલા ખરાબ છે? મિત્રો, જો આપણે આ વસ્તુને હમણાં જ બંધ નહીં કરીએ, તો આવનારી પેઢીનું ભવિષ્ય ખૂબ જ ખરાબ થવાનું છે.

IPL 2025ની પહેલી મેચમાં હાર્દિક પંડ્યા પર પ્રતિબંધ, કેપ્ટનશીપ સંભાળશે સૂર્યકુમાર?

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આજે રવિવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025નો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. જ્યારે IPL 2024માં હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં મુંબઈની ટીમે સારુ પ્રદર્શન કરી શકી ન હતી. જો કે, મુંબઈ ઈન્ડિયનની ટીમ પાંચ વખત IPLનો ખિતાબ જીતી છે. મુંબઈની ટીમે IPL 2024ની છેલ્લી મેચ લખનઉ સુપર જાયન્ટ્સ સામે રમી હતી અને આ મેચમાં મુંબઈ ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાને સ્લો ઓવર રેટ માટે 30 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને ઈમ્પેક્ટ પ્લેયર સહિત પ્લેઈંગ ઈલેવનના ખેલાડીઓને 12 લાખ રૂપિયા અથવા તેમની મેચ ફીના 50%, જેમાંથી ઓછું હોય તે દંડ ફટકારવામાં આવ્યો હતો.

IPL 2024માં મુંબઈની ટીમ ત્રણ વખત ન્યૂનતમ ઓવર રેટ જાળવી રાખવામાં નિષ્ફળ રહી. આ કારણોસર કેપ્ટન હાર્દિક પર એક મેચનો પ્રતિબંધ પણ લગાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ગઈ સિઝનમાં મુંબઈએ તેની છેલ્લી મેચ રમી હતી. જ્યારે હવે હાર્દિકનો પ્રતિબંધ IPL 2025ની પહેલી મેચમાં ચાલુ રહેશે. હાર્દિક પંડ્યાએ અત્યારસુધીમાં IPLમાં 137 મેચમાં કુલ 2525 રન બનાવ્યા છે. જેમાં તેના નામે 10 અડધી સદી સામેલ છે. આ ઉપરાંત, તે 64 વિકેટ પણ લીધી છે. જ્યારે હવે હાર્દિકને IPL 2025ની પહેલી મેચમાં હાજર ન હોવાના કારણે કેપ્ટનશીપની જવાબદારી સૂર્યકુમાર યાદવ સંભાળી શકે છે. તે ભારતીય T20 ટીમના કેપ્ટન પણ છે અને અનુભવ પણ છે.  IPL 2024માં હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સારું પ્રદર્શન કરી શકી ન હતી અને પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને રહી હતી. ત્યારે મુંબઈએ ફક્ત 4 મેચ જીતી હતી અને 10 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

યમુનાની સફાઈ ક્યારે થશે પૂર્ણ? નિરીક્ષણ પછી, અધિક મુખ્ય સચિવે આપ્યું અપડેટ

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં યમુના નદીની સફાઈ એક મોટો મુદ્દો બન્યો. ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં વચન આપ્યું હતું કે જો તે સરકાર બનાવશે તો યમુનાને નિર્ધારિત સમયમર્યાદામાં સાફ કરવામાં આવશે. દિલ્હીમાં હજુ સુધી નવી સરકારની રચના થઈ નથી. મુખ્યમંત્રીનું નામ હજુ જાહેર થયું નથી. આવી સ્થિતિમાં, સરકાર બનાવતા પહેલા, ભાજપે પોતાના વચન પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. લેફ્ટનન્ટ ગવર્નરના નેતૃત્વમાં યમુના સફાઈ અભિયાન ઝડપથી આગળ વધી રહ્યું છે.

અધિક મુખ્ય સચિવ નવીન ચૌધરી તેમની ટીમ સાથે ITO ખાતે છઠ ઘાટ પહોંચ્યા અને સફાઈ કાર્યનું નિરીક્ષણ કર્યું. તેમણે કહ્યું કે યમુનામાંથી ઘન કચરો દૂર કરવા માટે 7 મશીનો લગાવવામાં આવ્યા છે. નવીન ચૌધરીએ કહ્યું, ‘અમારો પ્રયાસ 2027 સુધીમાં યમુનાને સંપૂર્ણપણે સ્વચ્છ અને શુદ્ધ બનાવવાનો છે. યમુનામાં વહેતા ગટરોને સંપૂર્ણપણે રોકવું શક્ય નથી, પરંતુ ગટર શુદ્ધિકરણ પ્લાન્ટ દ્વારા પ્રદૂષણને નિયંત્રિત કરી શકાય છે.’

ત્રણ વર્ષમાં યમુના સ્વચ્છ થઈ જશે

મીડિયા સાથે વાત કરતા, અધિક મુખ્ય સચિવે કહ્યું, “અમે યુદ્ધના ધોરણે કામ શરૂ કરી દીધું છે. સૂચનાઓ મુજબ, આગામી ત્રણ વર્ષમાં યમુનાને સ્વચ્છ અને શુદ્ધ બનાવવાનું લક્ષ્ય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે નદી કિનારે આવેલા ઘાટો પર પણ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ઘાટ પર જમા થયેલ કચરો અને ગંદકી દૂર કરવા માટે મજૂરોને તૈનાત કરવામાં આવ્યા છે.

સરકારની રચના પહેલાં અમલીકરણ

દિલ્હીના લોકોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો અને ભાજપને પ્રચંડ બહુમતી આપી. ૭૦ વિધાનસભા બેઠકોમાંથી ભાજપે ૪૮ બેઠકો જીતી. આમ આદમી પાર્ટી 22 બેઠકો પર સમેટાઈ ગઈ. દિલ્હીને હજુ સુધી નવો મુખ્યમંત્રી મળ્યો નથી. ભાજપ સરકાર બને તે પહેલાં જ યમુનાની સફાઈના મુદ્દા પર કામ શરૂ થઈ ગયું છે. યમુનાની સફાઈ ભાજપના ચૂંટણી ઢંઢેરામાં એક મહત્વપૂર્ણ ભાગ રહ્યો છે.

પાકિસ્તાને કર્યો હવાઈ હુમલો, બોમ્બ ધડાકામાં 100 લોકોના મોત, ચેમ્પિયન્સ ટ્રોફી પર આતંકવાદનો ખતરો..

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 19 ફેબ્રુઆરીથી પાકિસ્તાનમાં શરૂ થવા જઈ રહી છે. ટુર્નામેન્ટની પહેલી મેચ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે કરાચીના નેશનલ સ્ટેડિયમમાં રમાશે. 29 વર્ષ પછી આ પહેલી ICC ઇવેન્ટ છે જેનું આયોજન પાકિસ્તાન કરી રહ્યું છે. આ પહેલા, પાકિસ્તાનમાં યોજાયેલી છેલ્લી ICC ટુર્નામેન્ટ 1996નો વર્લ્ડ કપ હતો. વાહ, આ દિવસોમાં ચેમ્પિયન્સ ટ્રોફીનો ઉત્સાહ ચરમસીમાએ છે, પરંતુ તે પહેલાં પણ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે આતંકવાદી યુદ્ધે વેગ પકડ્યો છે.

પાકિસ્તાને અફઘાનિસ્તાન પર હવાઈ હુમલો કર્યો

અફઘાનિસ્તાન પહેલી વાર ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમવા જઈ રહ્યું છે, જેના માટે તે 12 ફેબ્રુઆરીએ જ પાકિસ્તાન પહોંચ્યું હતું. દરમિયાન, 16 ફેબ્રુઆરીની રાત્રે, પાકિસ્તાને અફઘાનિસ્તાન પર બોમ્બમારો કર્યો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 16 ફેબ્રુઆરીની રાત્રે 6:00 વાગ્યે, પાકિસ્તાને પક્તિકા અને બર્મલમાં આતંકવાદી છાવણીઓ પર હવાઈ હુમલો કર્યો. આ ઉપરાંત પાકિસ્તાને ઉત્તર વઝીરિસ્તાનના શાવલ વિસ્તારમાં આતંકવાદી ઠેકાણાઓ પર પણ હુમલો કર્યો હતો. પાકિસ્તાનની કાર્યવાહી અહીં જ અટકી ન હતી, પરંતુ નંગરહારના લાલપુર જિલ્લામાં તાલિબાન છોકરાઓ અને પાકિસ્તાની સુરક્ષા દળો વચ્ચે અથડામણનો મામલો પણ સામે આવ્યો છે.

૧૦૦ લોકોનાં મોત

પાકિસ્તાનની કાબુલ ફ્રન્ટલાઈન ન્યૂઝ એજન્સી અનુસાર, જ્યારે પાકિસ્તાને વઝીરિસ્તાન વિસ્તારમાં હુમલો કર્યો ત્યારે 100 નાગરિકો પણ માર્યા ગયા હતા. આ વિસ્તારમાં નાગરિકોના ઘરો પર બોમ્બમારો કરવામાં આવ્યો હતો અને દુઃખદ સમાચાર એ છે કે આ કાર્યવાહીમાં દક્ષિણ વઝીરિસ્તાનમાં રહેતા એક પરિવારના 8 સભ્યો માર્યા ગયા. ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થવાને હવે થોડા કલાકો જ બાકી છે, ત્યારે પાકિસ્તાન-અફઘાનિસ્તાન યુદ્ધ ફરી ભડકી રહ્યું છે, જેના કારણે ચેમ્પિયન્સ ટ્રોફીની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા થઈ રહ્યા છે.