Home Blog Page 1155

રાશિ ભવિષ્ય 17/02/2025 થી 23/02/2025

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

સપ્તાહ દરમિયાન તમારા મગજ માં વધુ વિચારો માનસિક થાકની લાગણી અને કામ ટાળવાની વૃતિ જગાવે તેના કારણે ક્યાંક ખોટી વાર્તાલાપ કે વાદ વિવાદની સંભાવના બની શકે. નાની નાની વાતમાં ગુસ્સોના આવે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વાહન ધીમે ચલાવવું તેમજ મુસાફરીમાં તકેદારી રાખવી જરૂરી છે. બજારમાં કામકાજ કરતી વખતે કામમાં ધ્યાન કેન્દ્રિત ઓછું થવાથી ક્યાંક ઉતાવળિયા નિર્ણય લાવ્યાની લાગણીનો અનુભવ થયા કરે. કોઈને વણમાંગી સલાહ સુચનના આપવી. ખટપટ કે મજાક કરવાવાળા લોકો થી દુર રહેવામાજ શાણપણ છે.


લાગણીશીલ બની જવાય તેવું સપ્તાહ છે. તમારા સ્વભાવમાં કોઈના કામમાં સહભાગી થવાના ગુણ જાગે વળી ક્યાંક અંગત સંબંધ જેવાકે મિત્રતામાં, સગા સ્નેહીમી તમે મજાક કરવાની વૃતિ વાળા બનો. જૂની ઓળખાણ કે જૂની યાદથી ઘણા રોમાંચિત બનો. સામાજિક, ધાર્મિક પ્રસંગમાં તમારી હાજરી પ્રભાવી બની શકે છે.બજારના કામકાજમાં ઉત્સાહને સફળતા જોવા મળે તેવી સંભાવના વધુ રહેલી છે. જુના મતભેદ ભૂલવાની તક મળી શકે છે. નવી નોકરી કે ફેરબદલી કરવામાટે સમય યોગ્ય કહી શકાય. સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે કોઈ નવી વસ્તુ શીખવી હોય તો આ સમય નો સદઉપયોગ કરવો સારો છે.


સપ્તાહ દરમિયાન ક્યારેય વાણી વિલાસના થાય તેનું દયાન રાખવું ઇચ્છનીય છે. ધરમાં કે કુટુંબમાં કોઈપણ કામકાજ દરમિયાન થોડી ધીરજ રાખવી જરૂરી છે ઉતાવળીયે કામકાજમાં ગેરસમજ થવાની સંભાવના રહેલી છે. કોઈ જગ્યા એ આકસ્મિક ખર્ચ થાય તેવું પણ બની શકે છે. આરોગ્ય બાબત પરેજી પાળવી વધુ જરૂરી બને છે. બજારના કામકાજમાં ધીરજ અને અનુભવ થી કામકાજ કરવું અન્યની વાત માં દોરવાઈ ના જવાય તે માટે ધીરજ જરૂરી છે. નોકરી કે વ્યવસાયમાં સમયનો દુરુપયોગ અને કારણ વગરની કામકાજ માં સમસ્યાના થાય તેનું ધ્યાન રાખવું જરૂર પુરતો જ વ્યવહાર યોગ્ય કહી શકાય.


મિલન મુલાકાત કે હરવાફરવામા સમય વધુ પસાર થાય, તમારા કામની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય, ક્યાંક નવીન ઓળખાણ થઇ શકે છે તેમાં લાભની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબ કે આસપાસના કોઈ જાહેરકાર્યક્રમમા જવાના યોગ છે તેમાં તમારી હાજરીનું વર્ચસ્વ પણ દેખાય. બજારના કામકાજમા તમને ઉત્સાહ અને નવીનકાર્ય કરવાની વૃતિ જાગે. યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાંથી સારી જાણકારી કે વાત સાભાળવા મળે તેમજ મિત્રવર્તુળમાંથી સહયોગ પણ પ્રાપ્ત થઇ શકે છે. ઘણા વખતથી કોઈવાત મનમા રહેતી હોય તેને ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.


સપ્તાહ દરમિયાન થોડો માનસિક ઉદ્ગ્વેગ જોવા મળી શકે છે ક્યાંક ને ક્યાંક અશાંતિ રહ્યા કરે. વિચારોની માયાજાળમા ફસાયેલા રહો. કોઇની વાતને કારણે કોઈના પર ગુસ્સો ના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. બજારના કામકાજમા ધીરજ અને અનુભવનો અભાવ વર્તાય અને તેની અસર પણ કામકાજમા દેખાઈ આવે, શરદી, ખાસી, કફ, તાવ જેવી નાનીનાની તકલીફથી પણ પરેશાની રહે તેવી સંભાવના રહેલી છે. તમારી લાગણી દુભાતી હોય તેવું તમને માનશીક રીતે વધુ લાગે પણ જો શાંતિ જાળવી પ્રભુભક્તિમા ધ્યાન અને મનપરોવી રાખો તો ઘણી માનસિકશાંતિનો અનુભવ કરી શકો.


મનની ઈચ્છા પૂરી થતી હોય તેવા એંધાણ દેખાવાની સંભાવના વધુ રહેલી છે. કોઈ તમારી પસંદગીની વાત જાણે અજાણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ કરી જાય તેવા સંજોગો સંભવિત વધુ બને. ધાર્મિક ભાવના વધુ દેખાઈ આવે તમને કોઈ સામાજિક કે ધાર્મિકકાર્યમાં કઈ પ્રવૃત્તિ કરવાનું મન થાય, બજારના કામકાજમા કોઈ નવીનસમાચાર તમારા આત્મવિશ્વાસમા વધારો કરી શકે છે. ઘણી જૂનીઓળખાણ તાજી થાય અને તેમાં તમારું મન આનંદની લાગણી અનુભવી શકે છે. વિદ્યાર્થીવર્ગ કે યુવાવર્ગ જે કોઈ નોકરી કે વ્યવસાયમાં નવીનતા ઇચ્છતું હોય તેમના માટે કોઈ સારી વાત જાણવા મળે.


વિદેશ જવા ઈચ્છા ધરાવતી વ્યક્તિ માટે કોઈ લાભ ના કે સારી જાણકારી પ્રાપ્ત થાય તેવા સંજોગ ઉભા થઇ શકે છે. લગ્નની વાતચીત ક્યાય ચાલતી હોય તેવા યુવાવર્ગ માટે પણ આ સપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થવાની સંભાવના રહેલી છે, જૂની વાત ક્યાય અટકેલી હોય તેમાં પણ પ્રયત્ન કરવામાં આવે તો નસીબ જોગ સંજોગ પણ સાથ આપી શકે છે. બજારના કામકાજમાં ગણતરી અને આયોજનપૂર્વકના કામકાજમા પણ સફળતા સંભવિત બની શકે છે. મુસાફરી કે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે તેમાં તમે આનંદઉત્સાહ અનુભવી શકો છે. તમારામાં સહકાર આપવાની ની ભાવના વધુ જાગે તેવું પણ બની શકે છે.


જાહેર જીવનમા તમને લોકો વચ્ચે થોડી મજાકમસ્તી કરવાની વૃતિ વધુ જાગે પરંતુ તેમાં તમારાથી કોઈની લાગણી ના દુભાય કે કોઈના ઉશ્કેરાટના ભોગ ના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. જુના ક્યાય ઘરમાં કે નજીકના સગાસ્નેહીમાં કોઈ અણબનાવ કે મનદુઃખ થયું હોય તો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમાં પણ સફળતા દેખાઈ શકે છે. બજારના કામકાજમા તમને યોગ્ય પ્રતિસાદ મળી શકે છે. તમારો મોભો પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામ માં સારી ઉપસી આવે.નવીન કાર્ય કરવા માં તમને અન્ય નો સાથ સહકાર કે માર્ગ દર્શન સારું મળી રહે અને તેના કારણે તે કામ માટે તમારો ઉત્સાહ વધી શકે છે.


ધીરજનો અભાવ અને અધીરા પણું વધુ જોવા મળી શકે છે, પાડવા,વાગવા કે લાપસવા જેવી બાબત ઉપરાંત શરદી,ઉધરસ, તાવ,ઇન્ફેકશન લાગવા જેવી બાબત થી તકેદારી રાખવી. ખટપટ કરનાર વર્ગથી દુર રહેવાની જરૂર છે જેથી ખોટીવાતમાં દોરવાઈ ના જવાય. બજારના કામકાજમા ધીરજ અને તકેદારી રાખવી જરૂરી છે. સલાહ, ઠપકો કે કઈપણ પ્રકારનું માર્ગદર્શન કોઈ ને આપતા પહેલા વિચાર કરવો જરૂરી છે કે તેમાં તેને કોઈ ગેરસમજ ના થઇ જાય. વાર્તાલાપ દરમિયાન વધુ પડતા સ્પષ્ટ શબ્દો પણ ના વાપારવા ધીરજ અને કુનેહ પૂર્વક વર્તવા થી ઘણી શાંતિ અને સરળતા રહી શકે છે.


યાત્રા કે જાત્રા થાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે. તમારામા ધાર્મિક ભાવના, વધુ જાગે લોકકલ્યાણના વિચારો વધુ જાગે તેવું સંભવિત છે સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામા અઘરો પડતો હોયતો તે વિષય શીખવામા વધુ મહેનત કરવાથી સારા ફળની પ્રાપ્તિ થઇ શકે છે. બજારના કામકાજમાં લાભની કોઈવાત સંભવિત બની શકે છે. લગ્ન માટેની વાતચીત ગોઠવવી અને તેમાં મિલનમુલાકાત કરવી તેમાં કોઈનો સહયોગ લેવો વધુ ફાયદાકારક બની શકે છે. વિદેશ જવા ઈચ્છા રાખનાર વર્ગ આ સપ્તાહ દરમિયાન તેમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરે તો તેમાં પણ યોગ્ય પ્રતિસાદ મળી શકે.


કામકાજમાં વ્યસ્તતા અને માનસિકથાકની લાગણી અનુભવો. કામકાજમા સમયનો વ્યય પણ વધુ થઇ શકે કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે તેવી સંભાવના રહેલી છે માટે ધીરજ અને પોતાના આત્મવિશ્વાસ થી કામમાં રચ્યાપચ્યા રહેવું વધુ યોગ્ય છે. બજારમાં કામકાજ દરમિયાન નિર્ણયશક્તિનો થોડો અભાવ દેખાવ પરંતુ કામકાજ થઇ શકે. ઘરમા વડીલવર્ગ કે ઓફીસમા ઉપરીઅધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચાર મતભેદ થવાની સંભાવના રહેલી છે માટે “ ઓછું બોલવું વધુ સંભાળવું “ ની નીતિ અપનાવી વધુ યોગ્ય છે. મુસાફરી, પ્રવાસ થોડો કંટાળાજનક અને સમયના વ્યય થાય તેવો રહી શકે.


સપ્તાહ દરમિયાન ક્યાંક લાભની વાતની આપ-લે થઇ શકે છે. મિત્રો, સગાસ્નેહી સાથે મિલનમુલાકાતમા તમે તમારી કોઈ ગમતી વાત સાંભળવા કે રજુ કરવાની તક મળી શકે છે. બજારના કામકાજમાં પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે. માર્કેટિંગક્ષેત્રમા તમારી જૂની મિલનમુલાકાતની યાદી બનાવી તેમાં કામ કરવાથી લાભ સંભવિત બની શકે છે. મુસાફરી કે પ્રવાસનું આયોજન સંભવિત બની શકે છે.  પેટ,અપચાની તકલીફ સંભવિત છે, વડીલવર્ગને જુનાસંભારણા વધુ તાજા થાય અને કોઈ સામાજિક કે ધાર્મિક કામકાજ માં જોડવાની વૃતિ વધુ જાગે, કોઈ પ્રવૃત્તિમાં અન્યનો સાથ સહકાર મળી શકે છે.

નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ભાગદોડમાં મૃત્યુ પહેલાં પત્નીનો છેલ્લો ફોન, પતિની હ્રદયવિદારક આપવીતી

શનિવારે રાત્રે (૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૫) નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર એક ભયંકર અકસ્માત થયો, જેના પગલે અંદાજીત ૧૮ લોકોના મોત થયા. મૃતકોના પરિવારજનો મૃતદેહ લેવા માટે રેલ્વે સ્ટેશન પહોંચ્યા હતા. આ સમય દરમિયાન ઘણા લોકોએ પોતાની વાર્તાઓ કહી. આ અકસ્માતમાં પૂનમ નામની એક મહિલાનું પણ દર્દનાક મૃત્યુ થયું. તેણે ઘરે ફોન કરીને કહ્યું હતું કે સ્ટેશન પર ભારે ભીડ છે અને તે પરત ફરી રહી છે.

જ્યારે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર ભાગદોડ મચી ગઈ, ત્યારે પૂનમ પણ તેમાં ફસાઈ ગઈ અને ભીડથી પોતાને મુક્ત કરી શકી નહીં અને તેનું મૃત્યુ થયું. પૂનમ વ્યવસાયે નર્સ હતી, જે તેના બે મિત્રો સાથે પ્રયાગરાજ મહાકુંભમાં જઈ રહી હતી. તેઓ ટ્રેન પકડવા માટે સમયસર રેલ્વે સ્ટેશન પર પહોંચ્યા. તેમની ટ્રેન મોડી હતી તેથી તેમણે પ્રયાગરાજ જવા માટે આગલી ટ્રેન પકડવાનું નક્કી કર્યું, પરંતુ રેલ્વે સ્ટેશન પર ભીડ જોઈને તેમણે ઘરે પાછા ફરવાનું નક્કી કર્યું.

વીરેન્દ્ર અને બાળકો આખી રાત તેની પત્નીને શોધતા રહ્યા

જ્યારે રેલ્વેએ ખાસ ટ્રેનની જાહેરાત કરી, ત્યારે લોકો પ્લેટફોર્મ બદલવા માટે આગળ વધ્યા, પરંતુ ભીડ બેકાબૂ બની ગઈ અને પછી એક અકસ્માત થયો અને પૂનમ અને તેના બે મિત્રો ભીડમાં ફસાઈ ગયા. ઘટના પછી, પૂનમનો ફોન બંધ થઈ ગયો હતો, પરંતુ તેના પરિવારના સભ્યો તેને સતત ફોન કરી રહ્યા હતા. રેલ્વે સ્ટેશન પર ભાગદોડના સમાચાર મળતા જ પરિવારના સભ્યો વધુને વધુ ચિંતિત થઈ ગયા. પૂનમના પતિ વીરેન્દ્ર અને તેમનો દીકરો સ્ટેશન જવા નીકળ્યા. તેણે આખી રાત તેની પત્નીને શોધ્યો, પણ તે મળી નહીં. તે હોસ્પિટલથી રેલ્વે સ્ટેશન ગયો, પણ તે ક્યાંય મળી નહીં. બાદમાં વીરેન્દ્રને તેની પત્નીના મૃત્યુની જાણ કરવામાં આવી.

મને તેનો ફોન આવ્યો કે તે પાછી આવી રહી છે

મીડિયા સાથે વાત કરતા, પૂનમના પતિ વીરેન્દ્રએ કહ્યું, “હું તેની સાથે ગયો ન હતો. તે તેના બે મિત્રો સાથે રેલ્વે સ્ટેશન પર હતી. તેમણે જણાવ્યું કે તેમની પત્ની પૂનમ સાંજે 5:30 વાગ્યે બસ દ્વારા રેલ્વે સ્ટેશન જવા નીકળી હતી. તેમની ટ્રેન ૮:૦૫ વાગ્યે હતી, જે ભીડને કારણે તેઓ ચૂકી ગયા. તેમણે નક્કી કર્યું કે તેઓ 9:05 વાગ્યે ટ્રેન દ્વારા જશે, પરંતુ ભીડ જોઈને તેમણે કહ્યું કે તેઓ ઘરે પાછા ફરશે, પરંતુ તેઓ પાછા આવી શક્યા નહીં. રેલ્વે સ્ટેશન પર જાહેરાત કરવામાં આવી હતી કે એક ખાસ ટ્રેન પ્રયાગરાજ મહાકુંભ માટે જઈ રહી છે. તે નાસભાગમાં ફસાઈ ગઈ. અમારા પરિવારમાં, અમે પતિ-પત્ની અને બે દીકરા છીએ.

હોસ્પિટલમાંથી મૃતદેહ મળી આવ્યો

પૂનમના પતિ વીરેન્દ્રએ જણાવ્યું કે તેમને તેમની પત્નીનો મૃતદેહ LNJP હોસ્પિટલમાંથી મળ્યો છે. તેણે કહ્યું, “મને સમય યાદ નથી. બાદમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. આ પછી, સવારે અમે મૃતદેહને ઘરે લાવ્યા. તેમણે એમ પણ કહ્યું કે સરકાર દ્વારા જાહેર કરાયેલા વળતર અંગે તેમને કોઈ સમાચાર નથી. સરકાર તરફથી હજુ સુધી કોઈ આવ્યું નથી.

માંગરોળ સામૂહિક દુષ્કર્મ કેસ, બંને આરોપીઓને આજીવન કેદની સજા

સુરતના માંગરોળમાં સામૂહિક દુષ્કર્મ કેસની ઘટનામાં કોર્ટનો ચુકાદો આવી ગયો છે. કોર્ટે બંને આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. માંગરોળના ચર્ચિત દુષ્કર્મ કેસના 4 મહિના બાદ કોર્ટે બે આરોપીઓને દોષી જાહેર કર્યા છે. નવરાત્રિના પાવન પર્વ દરમિયાન સામૂહિક દુષ્કર્મ કેસમાં ત્રણ આરોપીઓનું ધરપકડ કરવામાં આવી હતી. જેમાં કોર્ટની ટ્રાયલ દરમિયાન એક આરોપીનું મોત નીપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ મામલે કોર્ટે 130 દિવસમાં ઝડપી સુનાવણી હાથ ધરીને ન્યાય આપ્યો હતો. જેથી બે આરોપીઓ સામે કેસ ચાલતાં પુરાવાના આધારે કોર્ટે બંને આરોપીઓને દોષી જાહેર કર્યા હતા. જેમાં કોર્ટે બંને આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.

સુરત નજીક આવેલા માંગરોળના મોટા બોરસરાં ગામે 8 ઓક્ટોબરે (મંગળવાર) મોડી રાત્રે બાઇકમાં પેટ્રોલ પુરૂ થઇ જતાં એક 17 વર્ષીય સગીરા પોતાના મિત્ર સાથે રાત્રે પોણા અગિયારથી સવા અગિયાર દરમિયાન મોટા બોરસરાં ગામની સીમમાં બેઠી હતી. ત્યારે અચાનક ત્રણ નરાધમો આવી પહોંચ્યા હતા. જેથી પીડિતા અને મિત્રએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં પીડિતાનો મિત્ર ભાગવામાં સફળ થયો હતો. આ દરમિયાન સગીરાના મિત્રનો ફોન પણ ઝૂંટવી લીધો હતો. ત્યારબાદ આ નરાધમોએ વારાફરતી સગીરાને પીંખી હતી અને તેને અર્ધનગ્ન હાલતમાં મૂકીને ભાગી ગયા હતા.  જોકે સગીરાના મિત્રએ ગ્રામજનોની મદદ માંગી અને સગીરાને અર્ધનગ્ન હાલતમાં હોસ્પિટલમાં ખસેડી હતી. પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવીના આધારે પણ શોધખોળ શરૂ કરી હતી. પોલીસને જે બાઈક મળી છે તેના આધારે બે આરોપીની ઓળખ કરી લેવાઈ હતી. સધન તપાસ બાદ ત્રણેય આરોપીને દબોચી લેવામાં આવ્યા હતા. પોલીસે સગીરાના મિત્રને સાથે રાખીને ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કર્યા હતા. તેમજ FSLની ટીમ પણ હાલ સ્થળ પર તપાસ કરી રહી હતી. પોલીસે આજીવન કેદ સુધીની સજાની જોગવાઈની કલમ લગાવી હતી.

દિલ્હીમાં મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહની તારીખ અને સમય નક્કી, રામલીલા મેદાનમાં તૈયારીઓ શરૂ..

દિલ્હીના મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ 20 ફેબ્રુઆરીએ સાંજે 4:30 વાગ્યે યોજાશે. નવા મુખ્યમંત્રી રામલીલા મેદાનમાં મંત્રીમંડળના સભ્યો સાથે શપથ લેશે. આ માટે રામલીલા મેદાનમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

શપથ ગ્રહણ અને સરકાર રચના અંગે ભાજપ આજે સાંજે એક બેઠક યોજશે. વિધાનસભા પક્ષની બેઠકનો સમય અને તારીખ બેઠકમાં નક્કી કરવામાં આવશે. શપથ ગ્રહણ સમારોહના પ્રભારી વિનોદ તાવડે અને તરુણ ચુઘ બેઠકમાં હાજર રહેશે. દિલ્હી ભાજપ પ્રમુખ વીરેન્દ્ર સચદેવા અને દિલ્હી ભાજપ સંગઠનના અધિકારીઓ પણ હાજર રહેશે. આ બેઠકમાં શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ, બેઠક વ્યવસ્થા અને મહેમાનોની યાદીને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.

ભાજપે મોટી જીત મેળવી છે.

૫ ફેબ્રુઆરીએ યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે મોટી જીત મેળવી છે. પાર્ટી 27 વર્ષ પછી રાષ્ટ્રીય રાજધાનીમાં સત્તામાં આવી છે. દિલ્હી વિધાનસભાની 70 માંથી 48 બેઠકો પર ભાજપે જીત મેળવી. જ્યારે AAP ને 22 બેઠકો મળી. વિધાનસભા ચૂંટણીના પરિણામો ૮ ફેબ્રુઆરીના રોજ જાહેર થયા હતા. હવે વિપક્ષી પાર્ટીઓ મુખ્યમંત્રીના શપથ ગ્રહણમાં વિલંબ પર સવાલો ઉઠાવી રહી છે.

આજે કાર્યકારી મુખ્યમંત્રી આતિશીએ કહ્યું, “દિલ્હી ચૂંટણીના પરિણામો જાહેર થયાને દસ દિવસ વીતી ગયા છે. દિલ્હીના લોકોને આશા હતી કે શપથ ગ્રહણ સમારોહ 10 ફેબ્રુઆરીએ થશે અને ત્યારબાદ તેમનું કામ શરૂ થશે, પરંતુ જનતા રાહ જોતી રહી. આનાથી સાબિત થાય છે કે ભાજપ પાસે દિલ્હીમાં સરકાર ચલાવવા માટે એક પણ મુખ્યમંત્રી ચહેરો નથી.

મુખ્યમંત્રી પદની રેસમાં કોણ કોણ છે?

મુખ્યમંત્રી પદની રેસમાં પરવેશ વર્મા, ભાજપના દિલ્હી એકમના ભૂતપૂર્વ પ્રમુખ વિજેન્દ્ર ગુપ્તા અને સતીશ ઉપાધ્યાયનો સમાવેશ થાય છે. આ સાથે પવન શર્મા, આશિષ સૂદ, રેખા ગુપ્તા અને શિખા રાય સહિત અન્ય લોકોને પણ મુખ્યમંત્રી પદના દાવેદાર તરીકે જોવામાં આવી રહ્યા છે. પ્રવેશ વર્માએ વિધાનસભા ચૂંટણીમાં નવી દિલ્હી બેઠક પર AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને હરાવ્યા છે. તે જાટ સમુદાયનો છે. જોકે, ભાજપના ઘણા નેતાઓ માને છે કે રાજસ્થાન, હરિયાણા, મધ્યપ્રદેશ, ઓડિશા અને છત્તીસગઢની જેમ, ભાજપ નેતૃત્વ નવા ચૂંટાયેલા ધારાસભ્યોમાંથી એક પર દાવ લગાવી શકે છે.

USથી દેશનિકાલ કરાયેલા લોકોમાં 33 ગુજરાતી સામેલ, 4 પહોંચ્યા, 29 બપોરે આવશે

અમદાવાદ: અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ભારતીય ઈમિગ્રન્ટ્સની ત્રીજી ફ્લાઈટ રવિવારે અમૃતસર ખાતે પહોંચી હતી. ત્રીજી ફ્લાઈટ 112 ભારતીયોને લઈ અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવી હતી. અમેરિકન ઍરફોર્સનું વિમાન RCH869 મોડી રાત્રે અમૃતસર ,ઍરપોર્ટ પર લેન્ડ થયું. ત્રીજી ફ્લાઇટમાં હરિયાણાના સૌથી વધુ 44, ત્યારબાદ ગુજરાતના 33 અને પંજાબના 31 લોકો સામેલ હતા. જ્યારે અન્ય ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના હતા. તેમાંથી 33 ગુજરાતીઓ આજે બે ફ્લાઇટમાં અમદાવાદ આવવાના છે. તેમાંથી 4 તો અમદાવાદ ઍરપોર્ટ પર આવી પહોંચ્યા છે અને બાકીના 29 બપોરની ફ્લાઇટમાં આવશે.

માહિતી અનુસાર અમૃતસરથી બે ફ્લાઇટમાં અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 33 ગુજરાતીઓને અમદાવાદ લાવવામાં આવશે. તેમાં પહેલી ફ્લાઇટમાં 4 અને બીજી ફ્લાઇટમાં 29 લોકોને અમદાવાદ લાવવામાં આવવાના છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાથી ત્રણ વિમાનોમાં કુલ 74 ગુજરાતીઓને અત્યાર સુધી ડિપોર્ટ કરવામાં આવ્યા છે. જેમાં પહેલી ફ્લાઇટમાં 33, બીજીમાં 8 અને ત્રીજી ફ્લાઇટમાં ફરી 33 લોકોને અમૃતસર ડિપોર્ટ કરાયા હતા. અમદાવાદ એરપોર્ટ પર પહોંચેલા ચાર લોકોની તપાસ કરવામાં આવી હતી. જે બાદ ચાલ લોકો પોતાના વતન પરત મોકવામાં આવ્યા હતા. જેમાં બે લોકો મહેસાણાના હતા. જ્યારે અન્ય બેમાં એક ગાંધીનગર અને સુરેન્દ્રનગરના છે. મહેસાણાના યુવકોને પોલીસની ગાડીમાં બેસાડીને રવાના કરાયા હતા. ગાંધીનગરના યુવકને અમદાવાદ ઍરપોર્ટમાં રોકી રાખવામાં આવ્યો છે અને તેને બપોરે બીજી ફ્લાઇટમાં આવનારા લોકો સાથે ગાંધીનગર રવાના કરવામાં આવશે.  નોંધનીય છે કે, 15 ફેબ્રુઆરી, શનિવારે પણ 116 ભારતીયોને લઈને અમેરિકન ઍરફોર્સનું બીજું વિમાન મોડી રાત્રે અમૃતસર ઍરપોર્ટ પર લેન્ડ થયું હતું. જેમાં 60થી વધુ પંજાબના અને 30થી વધુ હરિયાણાના હતા. જ્યારે તેમાં 8 લોકો ગુજરાતના હતા અને અન્ય ઉત્તર પ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરના હતા.

ગુજરાતમાં ઠંડી વિદાય શરૂ, જાણો હવામાન વિભાગની આગાહી

અમદાવાદ: ગુજરાતમાંથી ધીમે પગલે શિયાળાની વિદાય શરૂ થઈ ચૂકી છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં સરેરાશ લઘુત્તમ તાપમાનનો પારો 15 ડિગ્રીથી વધારે નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની આગાહી આગામી 5 દિવસ ગરમીમાં વધારો થવાની સંભાવના નહિંવત્ છે. આ સાથે અમદાવાદમાં શનિવારે રાત્રિના 19.2 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું. આમ 24 કલાકમાં જ અમદાવાદના સરેરાશ લઘુતમ તાપમાનમાં 4 ડિગ્રીનો વધારો થયો છે. આગામી 3 દિવસ અમદાવાદનું લઘુતમ તાપમાન 18થી 20 ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી છે.

ગુજરાતમાં હાલ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે. આવનારા સાત દિવસ દરમિયાન ગુજરાતનું હવામાન સૂકું રહેશે. આવનારા પાંચ દિવસ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર જોવા મળશે નહીં. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આજે આકાશ સ્પષ્ટ રહેશે. આ સાથે આજે લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી રહેવાની શક્યતા છે. આ સાથે મહત્તમ તાપમાન 35 ડિગ્રી જવાની આગાહી છે. નોંધનીય છે કે, હાલ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે સવારે હળવી ઠંડીનો અહેસાસ થાય છે. બપોરના સમયે સૂકું હવામાન જોવા મળે છે. રવિવારે દિવસ દરમિયાન 34 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.9 ડિગ્રી વધારે નોંધાયું હતું. હવામાન નિષ્ણાતોને મતે આગામી સપ્તાહથી અમદાવાદમાં ગરમીનું પ્રમાણ વધી શકે છે. ગત રાત્રિના અન્યત્ર વડોદરામાં લઘુતમ 18.2-મહત્તમ 33.6 ડિગ્રી, ભાવનગરમાં લઘુતમ 20.1-મહત્તમ 35.8, ભુજમાં લઘુતમ 18.8-મહત્તમ 35, ગાંધીનગરમાં લઘુતમ 18.5-મહત્તમ 35.5, રાજકોટમાં 18.6-મહત્તમ 33.7, સુરતમાં લધુતમ 18.1-મહત્તમ 35 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

પ્રાચીન રાજપુર જિનાલયની મૂર્તિઓના સ્થળાંતર મામલે વિવાદ, સંતો ઉપવાસ પર

અમદાવાદ: ગોમતીપુર વિસ્તારમાં આવેલા રાજપુરના અતિ પ્રાચીન જિનાલયમાંથી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન તેમજ અન્ય મૂર્તિઓનું સ્થાળાંતર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેને લઈ વિવાદ સર્જાયો હતો. મૂર્તિઓનું સ્થળાંતર કરીને શીલજ ખસેડવાનો મુદ્દો વકર્યો છે. જૈન મૂર્તિઓને ખસેડવાના મુદ્દે જૈન સમાજના સંતો ઉપવાસ પર ઉતરીને વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. ઘટનાની ગંભીરતાને લઇને પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પ્રાચીન જૈન મૂર્તિઓને ગોમતીપુરથી શીલજ ખસેડવાના વિરોધમાં સંત નિલેશચંદ્ર અને તેમના સમર્થકો જોડાયા હતા.

અમદાવાદ હેરીટેજ સીટીમાં ઘણી એવી જગ્યા છે, જે વર્ષોથી આસ્થાનું પ્રતિક બની રહ્યા છે. જેમાનું એક ગોમતીપુર વિસ્તારમાં આવેલા રાજપુરના અતિ પ્રાચીન જૈન દેરાસર છે. આ દેરાસર સાથે અનેક જૈન-જૈનેત્તરની આસ્થા જોડાયેલી છે. એક સમયે આ દેરાસરની આસપાસ મોટી સંખ્યામાં જૈનો રહેતા હતા. આજે પણ નદી પાર સ્થળાંતર થયેલા શ્રદ્ધાળુ આ પ્રાચીન દેરાસરમાં દર્શનાર્થે આવે છે. દર રવિવારે પણ અહીં 500થી વધુ શ્રદ્ધાળુઓની હાજરી હોય છે. હવે આ પ્રાચીન જિનાલયમાંથી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન તેમજ અન્ય મૂર્તિઓનું સ્થળાંતર કરીને શીલજ લઇ જવાઈ છે. જિનાલયના ઉત્થાપનની કામગીરી ઘણાં સમયથી ચાલતી હતી, ત્યારે સોશિયલ મીડિયામાં જિનાલયની પ્રતિમાના સ્થળાંતરણ અંગેના ફરતા વીડિયોમાં ભગવાન વિના હવે સૂનુ સૂનું લાગશે એવી પણ શ્રદ્ધાળુઓએ લાગણી વ્યકત કરી હતી.

‘જો ટ્રમ્પ ટેકો આપશે તો ઈરાન ખતમ થઈ જશે…’: નેતન્યાહૂની ખુલ્લેઆમ ધમકી

જેરૂસલેમ: ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ હવે ઈરાનને ધમકી આપી છે. રવિવારે, નેતન્યાહૂએ કહ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના સમર્થનથી, તેઓ ઈરાનનું ‘કામ પૂરું’ કરશે. નેતન્યાહૂએ આ નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો ઇઝરાયલની મુલાકાતે ગયા છે.


ઇઝરાયલી પીએમએ શું કહ્યું?

નેતન્યાહૂએ કહ્યું, ‘છેલ્લા 16 મહિનામાં, ઇઝરાયલે ઈરાનના આતંકવાદીઓને મોટા ફટકા આપ્યા છે.’ રાષ્ટ્રપતિ ટ્રમ્પના મજબૂત નેતૃત્વ હેઠળ, મને વિશ્વાસ છે કે આપણે ઈરાનને ખતમ કરી દઈશું. આ દરમિયાન, રુબિયોએ કહ્યું કે ‘ઈરાન ક્યારેય પરમાણુ શક્તિ ન બની શકે.’ રુબિયોએ કહ્યું કે આપણે સમજવું પડશે કે તે હમાસ છે કે હિઝબુલ્લાહ. પછી ભલે તે સીરિયામાં અસ્થિરતા હોય કે ઇરાકમાં તણાવ. આ બધા પાછળ ઈરાનનો હાથ છે.હમાસને પણ ચેતવણી આપો

નેતન્યાહૂએ કહ્યું કે તેઓ ગાઝા પ્રત્યે ભવિષ્યના અભિગમ અંગે ટ્રમ્પની વ્યૂહરચનાને સમર્થન આપે છે અને કહ્યું કે જો બધા બંધકોને મુક્ત કરવામાં નહીં આવે તો તેઓ હમાસ માટે “નરકના દરવાજા” ખોલી નાખશે. ટ્રમ્પે તાજેતરમાં ગાઝાને “મોટી રિયલ એસ્ટેટ સાઇટ” ગણાવીને પુનઃવિકાસનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેના કારણે ભારે વિરોધ થયો હતો. રુબિયોએ આ યોજના વિશે કહ્યું, “આ વાત ઘણા લોકોને આશ્ચર્યચકિત કરી શકે છે, પરંતુ તે જરૂરી છે.” નેતન્યાહૂએ કહ્યું કે આ યોજના તેમના માટે આશ્ચર્યજનક નથી. કારણ કે ટ્રમ્પે તેની જાહેરાત કરતા પહેલા તેમની સાથે ચર્ચા કરી હતી.

તમને જણાવી દઈએ કે ટ્રમ્પે કહ્યું હતું કે ગાઝા ખાલી કરાવ્યા પછી, અહીં પુનર્નિર્માણ કાર્ય ખૂબ જ જોશથી હાથ ધરવામાં આવશે. આપણે ગાઝાને મધ્ય પૂર્વના રિવેરામાં પરિવર્તિત કરીશું. ટ્રમ્પે કહ્યું કે આ નિર્ણય સંપૂર્ણ ગંભીરતા સાથે લેવામાં આવ્યો છે. આ બ્લુપ્રિન્ટ વિશે મેં જેમની સાથે વાત કરી છે તેમને તે ગમ્યું છે. ગાઝા પર અમેરિકન કબજા પછી, આ વિસ્તારનું પુનઃનિર્માણ કરવામાં આવશે અને પછી અહીં હજારો રોજગારની તકો પૂરી પાડીને તેનો વિકાસ કરવામાં આવશે.

દિલ્હીમાં ભૂકંપનું કેન્દ્ર ધૌલા કુઆ પાસે, પહેલાં અહીં ક્યારે નોંધાયા હતા ઝટકા?

નવી દિલ્હી: સોમવારે વહેલી સવારે દિલ્હી-NCRમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપની તીવ્રતા 4.0 નોંધાઈ હતી. મળતી માહિતી મુજબ, આ ભૂકંપનું કેન્દ્ર નવી દિલ્હીમાં હતું. એક અધિકારીએ સમાચાર એજન્સી  જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર ધૌલા કુઆમાં દુર્ગાબાઈ દેશમુખ કોલેજ ઓફ સ્પેશિયલ એજ્યુકેશન નજીક હતું. સવારે ૫:૩૬ વાગ્યે આવેલો આ ભૂકંપ પાંચ કિલોમીટરની ઊંડાઈએ હતો.

અધિકારીએ જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્રબિંદુ જ્યાં હતું તે વિસ્તારની નજીક એક તળાવ પણ છે. જ્યાં દર બેથી ત્રણ વર્ષે ભૂકંપ આવે જ છે. બીજા એક અધિકારીએ જણાવ્યું હતું કે, 2015માં પણ આ વિસ્તારમાં 3.3 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો.

ભૂકંપના જોરદાર આંચકાને કારણે દિલ્હી, નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં ઘણી ઊંચી ઇમારતોના લોકો પોતાના ઘરની બહાર નીકળી આવ્યા હતા. ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં, દિલ્હી પોલીસે કહ્યું, “અમને આશા છે કે તમે બધા સુરક્ષિત હશો.” દિલ્હી પોલીસે નાગરિકોને કટોકટીની સ્થિતિમાં 112 હેલ્પલાઇન પર કૉલ કરવાની અપીલ કરી છે.

દિલ્હી ભૂકંપ પર PM મોદીની પોસ્ટ, શાંત રહેવા લોકોને કરી અપીલ

નવી દિલ્હી: સોમવારે વહેલી સવારે દિલ્હી-NCRમાં આવેલા ભૂકંપ મામલે PM મોદીએ ટ્વિટર પર એક પોસ્ટ કરી. જેમાં તેમણેે લોકોને સાવધ રહેવાની વિનંતી કરી અને કહ્યું, ‘દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા. અમે દરેકને શાંત રહેવા અને સલામતીની સાવચેતીઓનું પાલન કરવા વિનંતી કરીએ છીએ. અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

દિલ્હીના કાર્યકારી મુખ્યમંત્રી આતિશીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે, “દિલ્હીમાં હમણાં જ એક શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે બધા સુરક્ષિત રહે.”

સોમવારે વહેલી સવારે દિલ્હીમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આ આંચકાનો અનુભવ ઘણી સેકન્ડ્સ સુધી અનુભવાયો હતો. લોકો ગભરાઈને પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 માપવામાં આવી હતી, તેનું કેન્દ્ર દિલ્હી નજીક પૃથ્વીની સપાટીથી 5 કિલોમીટર નીચે હતું. એટલા માટે જોરદાર ભૂકંપ અનુભવાયો હતો. ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે ગર્જનાના અવાજો સંભળાયા હતા. હાલમાં, ક્યાંયથી જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.