Home Blog Page 116

બાજરીના પૂડલા

શિયાળામાં બાજરી બહુ જ સ્વાસ્થ્યવર્ધક પૌષ્ટિક ખોરાક છે. જેના પૂડલા પણ બની શકે છે!

સામગ્રીઃ

  • બાજરીનો લોટ 1½ કપ
  • ચણાનો લોટ ½ કપ
  • દહીં ½ કપ
  • અજમો 1 ટી.સ્પૂન
  • હીંગ ¼ ટી.સ્પૂન
  • હળદર ¼ ટી.સ્પૂન
  • લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
  • ધાણાજીરૂ પાઉડર 2 ટી.સ્પૂન
  • સમારેલી કોથમીર 1 કપ
  • આદુ-મરચાંની પેસ્ટ 2 ટી.સ્પૂન
  • તેલ પૂડલા સાંતળવા
  • સફેદ તલ 2 ટે.સ્પૂન

રીતઃ દહીંમાં સૂકા મસાલા. આદુ-મરચાંની પેસ્ટ તેમજ હીંગ અને અજમો તેમજ સ્વાદ મુજબ મીઠું મેળવો. હવે તેમાં બાજરીનો તેમજ ચણાનો લોટ મેળવીને થોડું થોડું પાણી મેળવીને ખીરું તૈયાર કરી લો અને 10 મિનિટ માટે ઢાંકણ ઢાંકીને રહેવા દો.

10 મિનિટ બાદ એક નાનું પેન ગેસ પર ગરમ કરવા મૂકો. પેન ગરમ થાય એટલે 1 ચમચી તેલ તેમાં નાખીને ઉપરથી તલ ભભરાવીને એક કળછી બાજરીના લોટનું ખીરું રેડીને પૂડલો બનાવો. પૂડલા ફરતે 1 ચમચી તેલ રેડીને 4-5 મિનિટ બાદ ઉથલાવીને ફરીથી બીજી બાજુએ પણ અડધી ચમચી જેટલું તેલ રેડીને 4-5 મિનિટ બાદ પૂડલો શેકાય જાય એટલે ઉતારીને પ્લેટમાં ટોમેટો કેચ-અપ અને લસણની ચટણી સાથે પીરસી દો.

આ પૂડલા ગરમાગરમ જ વધુ સારાં લાગશે.

પ્રથમ ટી20 મેચમાં ભારતે આફ્રિકાને 101 રને હરાવ્યું

ભારતીય ટીમે ODI ફોર્મેટમાં T20 શ્રેણીમાં પ્રથમ મેચમાં જ દક્ષિણ આફ્રિકાને કચડી નાખ્યું. કટકના બારાબતી સ્ટેડિયમ ખાતે રમાયેલી શ્રેણીની પ્રથમ મેચમાં સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને 101 રનના મોટા માર્જિનથી હરાવ્યું. ઈજાને કારણે બે મહિનાથી બહાર રહેલા સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ શાનદાર વાપસી કરી અને ઝડપી અડધી સદી ફટકારીને ટીમ ઈન્ડિયાને 175 રનમાં પહોંચાડી. પછી બોલરોના સંયુક્ત પ્રયાસને કારણે ભારતે દક્ષિણ આફ્રિકાને ફક્ત 74 રનમાં ઓલઆઉટ કરી દીધું. આ T20 આંતરરાષ્ટ્રીયમાં દક્ષિણ આફ્રિકાનો સૌથી ઓછો સ્કોર છે.

ટોસ હાર્યા પછી, ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરી અને 175 રન બનાવ્યા, પરંતુ ત્યાં પહોંચવું સરળ નહોતું કારણ કે ટોચના ક્રમના બેટ્સમેન મુક્તપણે સ્કોર કરવામાં નિષ્ફળ ગયા. ટીમમાં પાછા ફરેલા શુભમન ગિલ પહેલી ઓવરમાં જ આઉટ થઈ ગયા હતા, જ્યારે કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને અભિષેક શર્મા પણ લાંબો સમય ટકી શક્યા ન હતા. ટીમ ઈન્ડિયાએ માત્ર 78 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી અને પરિસ્થિતિ મુશ્કેલ બની રહી હતી.

પરંતુ હાર્દિક પંડ્યાએ ક્રીઝ પર આવતાની સાથે જ આક્રમક રમત શરૂ કરી અને ટીમ ઈન્ડિયાનો સ્કોર ધીમે ધીમે ગતિ પકડવા લાગ્યો. હાર્દિકે ટૂંક સમયમાં જ માત્ર 25 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી, જેનાથી ટીમ 175 રનના વિશાળ સ્કોર પર પહોંચી ગઈ. હાર્દિકે માત્ર 28 બોલમાં 59 રનની અણનમ ઇનિંગ રમી, જેમાં છ ચોગ્ગા અને ચાર છગ્ગાનો સમાવેશ થાય છે. દક્ષિણ આફ્રિકા માટે લુંગી ન્ગીડીએ ત્રણ વિકેટ લીધી.

ભારતની જેમ, દક્ષિણ આફ્રિકાની પણ શરૂઆત નબળી રહી, અર્શદીપ સિંહે પહેલી જ ઓવરમાં ક્વિન્ટન ડી કોકને આઉટ કર્યો, જ્યારે ટ્રિસ્ટન સ્ટબ્સ પણ અર્શદીપના બોલ પર આઉટ થયા. એડન માર્કરામ અને ડેવાલ્ડ બ્રેવિસે કેટલાક મોટા શોટ ફટકાર્યા, પરંતુ એકવાર અક્ષર પટેલે દક્ષિણ આફ્રિકાના કેપ્ટન માર્કરામને બોલ્ડ કર્યા પછી, વિકેટોનો ધીમે ધીમે પતન શરૂ થયો. ત્યારબાદ હાર્દિક પંડ્યા, વરુણ ચક્રવર્તી અને જસપ્રીત બુમરાહએ સંયુક્ત રીતે દક્ષિણ આફ્રિકાને માત્ર 74 રનમાં ઓલઆઉટ કરી દીધું.

ટીમ ઈન્ડિયા તરફથી અર્શદીપ, બુમરાહ, અક્ષર અને વરુણ ચક્રવર્તીએ બે-બે વિકેટ લીધી. આફ્રિકન ટીમ માત્ર 12.3 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ. આ દક્ષિણ આફ્રિકાનો T20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી ઓછો સ્કોર છે. તેમનો અગાઉનો સૌથી ઓછો સ્કોર 87 હતો, જે 2022માં ભારત સામે પણ હતો. દરમિયાન, કટકમાં સતત બે T20 મેચ જીતનાર દક્ષિણ આફ્રિકાની ટીમ તેની હેટ્રિક પૂર્ણ કરવામાં નિષ્ફળ ગઈ.

પંચાંગ 10/12/2025

લાલો ફિલ્મના આ અભિનેતાની ‘ક્યુંકી સાસ ભી કભી…’ માં એન્ટ્રી

ગુજરાતી ફિલ્મ ‘લાલો’ની ખુબ જ ચર્ચા થઈ રહી છે અને સાથે જ ફિલ્મના કલાકારોની પણ. દર્શકોને પોતાના અભિનયનથી અભિભૂત કરનાર અભિનેતા શ્રુહદ ગોસ્વામી લોકપ્રિય હિન્દી શૉમાં ચમકવાના છે. આ સીરિયલ છે’ક્યુંકી સાસ ભી કભી બહુ થી’ . તેમની એન્ટ્રી વાર્તામાં એક મોટો વળાંક લાવશે.

 

સ્ટાર પ્લસની આઇકોનિક સીરિયલ ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી’ની વાર્તા એક નવા અને રોમાંચક વળાંક તરફ આગળ વધી રહી છે, જેમાં પ્રખ્યાત ગુજરાતી અભિનેતા શ્રુહદ ગોસ્વામી એક ખાસ એપિસોડ માટે શોમાં જોવા મળશે. ગુજરાતી સિનેમા અને ટેલિવિઝનમાં તેમના શાનદાર અભિનય માટે જાણીતા શ્રુહદ ગોસ્વામીને કલ્ટ હિટ ફિલ્મ ‘લાલો: કૃષ્ણ સદા સહાયતે’માં કૃષ્ણના પાત્ર માટે ભારોભાર પ્રશંસા મળી છે.એવામાં હવે તે હિન્દી ટેલિવિઝન જગતમાં પ્રવેશ કરી રહ્યા છે. સીરિયલમાં તેમની એન્ટ્રીથી વાર્તામાં નવો રસપ્રદ વળાંક લાવી શકે છે.

શ્રુહદ ગોસ્વામી, જેમણે પોતાના શાનદાર અભિનય અને મજબૂત સ્ક્રીન હાજરીથી પોતાની અલગ ઓળખ બનાવી છે. ‘ક્યુંકી કી સાસ ભી કભી બહુ થી’ના નવા એપિસોડમાં તે મહત્વની ભૂમિકામાં જોવા મળશે. જોકે સીરિયલમાં તેમના પાત્ર વિશેની વધુ વિગતો સામે આવી નથી. પરંતુ અહેવાલ એવા છે કે તેમની એન્ટ્રીથી વાર્તામાં પરિવર્તન આવશે અને તે સ્ટોરીને અલગ દિશામાં લઈ જશે.

‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી’માં ડ્રામાં પીક પોઈન્ટ પર ચાલી રહ્યો છે. મિહિર અને નોઈનાનો એક સાથે ફોટો જોયા પછી તુલસી ખૂબ જ પરેશાન છે. આ અચાનક થયેલી શોધે તેને ભાવનાત્મક રીતે હચમચાવી દીધી છે અને આગામી એપિસોડમાં ગેરસમજણો અને તકરાર જોવા મળી શકે એમ છે. દર્શકોને આગામી એપિસોડમાં કઈંક રોમાંચક જોવા મળી શકે છે.

વાર્તાના આવતા નવા ટ્વિસ્ટથી અને શ્રુહદ ગોસ્વામીની એન્ટ્રીએ ચાહકોની આતુરતા વધી છે. હવે જોવું એ રહ્યું કે અભિનેતા શ્રુહદ કેવા પાત્રમાં જોવા મળશે અને તેમના પ્રવેશથી સ્ટોરીમાં કેવો બદલાવ આવશે.

ગૌતમ અદાણી ધનબાદમા “પહલા કદમ સ્કૂલ”ની મુલાકાતે

ધનબાદ: અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ મંગળવારે નારાયણી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ‘પહેલા કદમ’ સ્કૂલની મુલાકાત લીધી હતી. તેમણે દિવ્યાંગ બાળકો સાથે વાતચીત કરી બાળકોનું મનોબળ વધાર્યુ એટલું જ નહીં તેમણે બાળકોને આત્મનિર્ભરતા તરફનો નવો માર્ગ પણ બતાવ્યો. 9 ડિસેમ્બરના રોજ ગૌતમ અદાણીએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (ઇન્ડિયન સ્કૂલ ઓફ માઇન્સ) ધનબાદના વિદ્યાર્થીઓને પ્રેરક ઉદબોધન પણ કર્યું હતું.‘પહેલા કદમ’ સ્કૂલની મુલાકાત પ્રસંગે ગૌતમ અદાણીએ દિવ્યાંગ બાળકો માટે ખાસ વિકસિત કાફે “નયી ઉડાન કાફે”નું ઉદ્ઘાટન કર્યું. આ કાફેનો ઉદ્દેશ્ય દિવ્યાંગ બાળકોને ખાણી-પીણી સંબંધિત વ્યાવસાયિક તાલીમ આપવાનો છે, જેનાથી તેઓ આત્મનિર્ભર બની શકે અને સમાજમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે. “નયી ઉડાન કાફે” દિવ્યાંગ બાળકોને કાફે મેનેજમેન્ટ, રસોઈ, સેવા અને અન્ય સંબંધિત કુશળતા શીખવા માટે તાલીમ આપશે. આ કાર્યક્રમ બાળકોને રોજગારની તકો પૂરી પાડશે અને તેમનો આત્મવિશ્વાસ વધારશે.

ગૌતમ અદાણીએ પ્રાસંગિક ઉદબોધનમાં કહ્યું કે, “આપણા સમાજનો દરેક વ્યક્તિ સમાન તકો મેળવાનો હકદાર છે, અને આપણે તે સુનિશ્ચિત કરવા ભરચક પ્રયાસ કરવો જોઈએ. વિકલાંગ બાળકોને તેમની ક્ષમતા અનુસાર તકો મળે તે ખુબ જરૂરી છે. ‘નઈ ઉડાન કાફે’ એક એવું પગલું છે જે દિવ્યાંગોને વ્યાવસાયિક કૌશલ્ય માત્ર શીખવશે જ નહીં પરંતુ સમાજમાં સમાન દરજ્જો પ્રાપ્ત કરવામાં પણ મદદ કરશે.”

ગૌતમ અદાણીએ વિકલાંગ બાળકો સાથે વાતચીત દરમિયાન તેમની લાગણીઓને ખૂબ જ નિષ્ઠાપૂર્વક સાંભળી. બાળકોએ તેમના અનુભવો અને આકાંક્ષાઓ શેર કરી, અને ગૌતમ અદાણીને ધ્યાનપૂર્વક સાંભળતા જોઈ તેમને એવું લાગ્યું કે કોઈ તેમને સમજે છે. જેનાથી તેમનામાં અપાર આનંદ અને આત્મવિશ્વાસ જાગ્યો. ગૌતમ અદાણીએ બાળકોને મળતી સારવાર અને તેમના વિકાસમાં પણ ઊંડાણપૂર્વક જાણકારી લીધી. તેમણે નિષ્ણાતોને દિવ્યાંગોને શ્રેષ્ઠ શક્ય સહાય મળે તે માટે જણાવ્યું તેમજ દિવ્યાંગોના જીવનને સુધારવાની સંપૂર્ણ પ્રતિબદ્ધતા દર્શાવી. કાર્યક્રમમાં શાળાના શિક્ષકો, બાળકો અને તેમના માતાપિતા ઉપરાંત અદાણી ગ્રુપના અધિકારીઓ અને સામાજિક કાર્યકરો હાજર રહ્યા હતા.

ક્યાંક તમને તો નથીને બોડી ડિસમોર્ફિયા ડિસઓર્ડર?

ઘડિયાળમાં રાત્રીના અઢી વાગ્યા હતા. આખું શહેર શાંત નિંદ્રામાં હતું, પણ શ્રુતિની આંખોમાં ઊંઘ નહોતી. એ પોતાના રૂમમાં ઉભી થઈ અને ધીમેથી અરીસા સામે જઈને ઊભી રહી.

દિવસભરના કૃત્રિમ પ્રકાશમાં તો એ ગમે એમ કરીને પોતાની જાતને સંભાળી લેતી,પણ રાતના આ એકાંતમાં એનું મગજ એક જ વાત પર અટકી જતું, એના વાળ પર શ્રુતિના વાળ થોડા વાંકડિયા અને ઘેરા રંગના હતા, પણ એને હંમેશાં લાગતું કે એ ખૂબ જ બરછટ, અને બેજાન છે.

એની કઝિને ક્યારેક મજાકમાં કહેલું કે, “શ્રુતિ, તારા વાળને ક્યારેક ઓઇલિંગ કર, જાણે સૂકા ઘાસ જેવા લાગે છે!”  બસ, આ એક નાનકડું વાક્ય એના મનમાં ઊંડે સુધી ઘર કરી ગયું હતું.

શ્રુતિ પોતાના વાળની એક-એક લટને અરીસામાં ચકાસતી હતી. એ સતત અન્ય લોકોના, ખાસ કરીને સોશિયલ મીડિયા પર દેખાતી સ્મૂથ અને સિલ્કી વાળ ધરાવતી યુવતીઓ સાથે પોતાની સરખામણી કરતી. એના મગજમાં સતત એક જ વિચાર ચાલતો રહેતો કે “આ બરછટ વાળને કારણે હું કેટલી અણગમતી લાગું છું.” શરમ અને ટીકાના ડરથી એ દિવસ દરમિયાન પોતાના વાળને હંમેશાં ચુસ્ત પોનીટેલમાં બાંધી રાખતી અને કોઈ પણ પાર્ટી કે પ્રસંગ હોય તો મોટાભાગે એ જવાનું ટાળતી. શ્રુતિ જે પીડામાંથી પસાર થઈ રહી હતી, એ સામાન્ય નહોતી, પણ એક ગંભીર માનસિક સ્વાસ્થ્ય સમસ્યા છે, જેને બોડી ડિસમોર્ફિયા ડિસઓર્ડર  કહેવામાં આવે છે. પરંતુ આ વાતથી એ ખુદ અજાણ હતી. એને તો લાગતું કે મારા વાળના કારણે મને કોઈ સુંદર નહીં માને.

શરીર નહીં, સમાજની સમસ્યા

આજના સમયમાં બોડી ડિસમોર્ફિયા ડિસઓર્ડર ખરેખર આપણા શરીર વિશે નથી, પરંતુ એ સમાજ દ્વારા મહિલાઓને સતત એવું કહેવામાં આવે છે કે એમનામાં ક્યાંક કંઈક ખામી છે. મોટાભાગની યુવતીઓ તો એમના શરીરની કોઈ ખાસિયતની નોંધ પણ લેતી નથી, જ્યાં સુધી કોઈ વ્યક્તિ એના તરફ ધ્યાન દોરે નહીં. ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા ડો. શ્લોકા સુથાર કહે છે કે,  “હિપ ડિપ્સ (Hip Dips) જે શરીરનો એકદમ કુદરતી ભાગ છે, પરંતુ ઓનલાઇન એને સુધારવા માટેના વીડિયો જોવા મળશે. જોકે, આ વસ્તુ સુધારવી શક્ય નથી. અને આ જ દબાણને કારણે, ઘણી યુવતીઓ ખૂબ વહેલી તકે કોસ્મેટિક પ્રોસિજર્સ કરાવી લે છે અને પછીથી પસ્તાય છે. જ્યારે આ અસુરક્ષા વર્ષો સુધી ટકી રહે છે, ત્યારે અંદરનો તણાવ કોર્ટિસોલનું સ્તર ઊંચું રાખે છે. આનાથી શરીર લાંબા ગાળાના હોર્મોનલ અસંતુલન તરફ ધકેલાય છે. આ સ્થિતિ ઇન્સ્યુલિન, ઓવ્યુલેશન અને એન્ડ્રોજનના સ્તરને ખલેલ પહોંચાડી શકે છે, અને ઘણી મહિલાઓ માટે એ પીસીઓએસની શરૂઆતનું કારણ બની જાય છે.”

સમય જતાં, આ જ તણાવ થાઇરોઇડ, માસિક ચક્ર, ત્વચા અને વજનને પણ અવ્યવસ્થિત કરી શકે છે; દુખાવો આપતા પીરિયડ્સ, ફાઈબ્રોઇડ્સ અને એન્ડોમેટ્રિઓસિસ જેવી ગંભીર સમસ્યાઓ પણ સર્જી શકે છે. એકવાર આ આંતરિક તણાવ ઘર કરી જાય, પછી એ ઊંડા હોર્મોનલ અને પ્રજનન સંબંધિત સમસ્યાઓના રૂપમાં દેખાય છે. મહિલાઓને ખરેખર જેની જરૂર છે તે છે જાગૃતિ, સ્વીકૃતિ અને વધુ અનુકૂળ વાતાવરણ  ન કે સુધારાની જરૂરિયાત. અને સાચું કહું તો, આપણા માટે એ સુનિશ્ચિત કરવું વધુ મહત્ત્વનું છે કે આવનારી પેઢી એ જ અસુરક્ષાઓ સાથે મોટી ન થાય, જેમાંથી આપણે પસાર થવું પડ્યું હતું. આપણે જે જૂની પીડાઓ સહન કરી છે, તેનું પુનરાવર્તન ન થાય, તેના કરતાં તેઓ વધુ સારા જીવનને પાત્ર છે.

બોડી ડિસમોર્ફિયા ડિસઓર્ડર (BDD) એટલે શું?

બોડી ડિસમોર્ફિયા ડિસઓર્ડર એક માનસિક સ્વાસ્થ્યની સ્થિતિ છે, જેમાં વ્યક્તિ પોતાના શારીરિક દેખાવમાં રહેલી કાલ્પનિક અથવા નજીવી ખામી અંગે સતત ચિંતિત રહે છે અને એને ખૂબ જ ગંભીર માની લે છે. BDDનો ભોગ બનતી વ્યક્તિ આ ખામી વિશે એટલો વધુ પડતો વિચાર કરે છે કે એ એના દૈનિક જીવન, સામાજિક સંબંધો અને માનસિક શાંતિને અસર કરે છે.

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા બ્યુટિશિયન જુલી રોકડ કહે છે “મહિલાઓમાં આ સમસ્યા વધુ જોવા મળે છે કારણ કે સૌંદર્યના સામાજિક ધોરણો  સ્ત્રીઓ માટે અત્યંત કઠોર હોય છે. વાળની ગુણવત્તા, ત્વચાનો રંગ, વજન, કદ કે શરીરના આકાર જેવા કોઈપણ ભાગ પર કોઈની નાનકડી નકારાત્મક ટકોર, અથવા સતત સોશિયલ મીડિયા પર દેખાતા આદર્શ શરીરની તસવીરો બીડીડીને ટ્રિગર કરી શકે છે. જ્યારે કોઈ વ્યક્તિ સતત પોતાના ત્વચાના રંગને કારણે ટીકાનો ભોગ બને છે, ત્યારે એના મનમાં એ જ ખામી ઘર કરી જાય છે. એને લાગે છે કે આ સામાજિક ધોરણોએ વ્યક્તિને પોતાના સ્વરૂપનો સ્વીકાર કરવા દીધો નથી, જેના કારણે ઘણા લોકો સતત મેકઅપ અને ફિલ્ટર્સ પાછળ છુપાઈને જીવે છે.”

ખામી નજીવી પણ એનું અસ્તિત્વ મોટું લાગે છે

સોશિયલ મીડિયા પર દેખાતા ‘આદર્શ’ અને પાતળા શરીરના ચિત્રો યુવતીઓ પર બિનજરૂરી દબાણ સર્જે છે. કોઈ મહિલાને એના વજન કે કદ વિશે વારંવાર ટકોર કરવામાં આવે છે, ત્યારે એ પોતાને અન્ય લોકોની તુલનામાં નબળી માનવા લાગે છે. આ દબાણ જ યુવતીઓને અતિશય ડાયેટિંગ કે કસરત તરફ ધકેલે છે, જે BDDનું લક્ષણ બની જાય છે.

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા પ્રાચી પરમાર કહે છે કે “BDDમાં સૌથી મોટો પડકાર એ છે કે વ્યક્તિ પોતાના શરીરની નાની ખામીને પણ અતિશય મોટું સ્વરૂપ આપી દે છે.  ખીલના ડાઘ કે તલ જેવી સામાન્ય વસ્તુઓ પણ પીડિત વ્યક્તિ માટે જાણે આખા ચહેરા પરનો મોટો ‘ધબ્બો’ બની જાય છે. જ્યાં સુધી વ્યક્તિ માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતની મદદ ન લે, ત્યાં સુધી એને એ હકીકતનો અહેસાસ થતો નથી કે એની ખામી ખરેખર કેટલી નજીવી છે અને માત્ર એના મનમાં જ એનું અસ્તિત્વ મોટું છે.”

BDDથી પીડિત આ રીતે પુનરાવર્તિત વર્તન કરે છે

 

-અરીસામાં વારંવાર પોતાની જાતને ચકાસતા રહેવું.

-કપડાં, મેકઅપ કે અન્ય વસ્તુઓ દ્વારા ખામીને છુપાવવાનો સતત પ્રયાસ કરવો.

-અન્ય લોકોના દેખાવ સાથે પોતાની તુલના કરવી.

-કલાકો સુધી સજાવટ, વાળ બનાવવામાં કે ત્વચાની સારવારમાં સમય બગાડવો.

-શરમ કે ટીકાના ડરથી સામાજિક પ્રસંગો અને કાર્યોથી દૂર રહેવું.

-આત્મસન્માનમાં ભારે ઘટાડો થાય છે

– ચિંતા (Anxiety) અને ડિપ્રેશન વધે છે,  ગંભીર કિસ્સાઓમાં આત્મહત્યાના વિચારો પણ આવી શકે છે.

આ એક એવી સમસ્યા છે જેને માત્ર આત્મવિશ્વાસનો અભાવ કહીને અવગણી ન શકાય. BDD એક ગંભીર માનસિક રોગ છે જેને ગંભીરતાથી લેવો જોઈએ. એની સારવાર માટે સામાન્ય રીતે કોગ્નિટિવ બિહેવિયરલ થેરાપી (CBT) અને અમુક કિસ્સાઓમાં દવાઓની જરૂર પડે છે. CBT વ્યક્તિને ખામી વિશેના નકારાત્મક વિચારોને પડકારવા અને પુનરાવર્તિત વર્તન ઘટાડવામાં મદદ કરે છે. સામાજિક સ્તરે, સૌએ સુંદરતાની વિવિધતાને સ્વીકારવાની અને શરીર પરની બિનજરૂરી ટિપ્પણીઓ ટાળવાની જરૂર છે.

હેતલ રાવ

દેશની તમામ સંસ્થાઓ પર RSSનો કબજોઃ રાહુલ ગાંધીનો આરોપ

નવી દિલ્હીઃ શિયાળુ સત્રના સાતમા દિવસે લોકસભામાં ચૂંટણી સુધારા અંગેની ચર્ચા દરમિયાન કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના ભાષણ દરમિયાન ભારે હોબાળો થયો હતો. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ આ મુદ્દે ભાષણ આપતાં જ શરૂઆતમાં RSS પર નિશાન સાધતાં કહ્યું હતું કે દેશની તમામ સંસ્થાઓ પર RSSએ કબજો કરી લીધો છે.

રાહુલ ગાંધીએ આક્ષેપ લગાવ્યો હતો કે દેશમાં મતચોરી ચાલી રહી છે. ચૂંટણી પંચ પર સીધો કબજો કરી લેવામાં આવ્યો છે અને તેઓ આ વાત કોઈ પુરાવા વગર કહી રહ્યા નથી – તેમના પાસે પાકા પુરાવા છે. ચૂંટણી પંચનો ઉપયોગ ભારતીય ચૂંટણીને પ્રભાવિત કરવા માટે થઈ રહ્યો છે. તેમણે કહ્યું હતું કે મતચોરી કરતાં મોટું રાષ્ટ્રવિરોધી કાર્ય બીજું કોઈ નથી.

ECની પસંદગીમાંથી CJIને કેમ દૂર કરવામાં આવ્યા?

રાહુલ ગાંધીએ પ્રશ્ન ઉઠાવ્યો કે ચૂંટણી કમિશનરની પસંદગીમાંથી મુખ્ય ન્યાયાધીશ (CJI)ને કેમ દૂર કરવામાં આવ્યા છે? જો ફક્ત વડા પ્રધાન અને ગૃહ મંત્રી જ રહેશે તો તેમની અવાજની કિંમત શું રહી જશે? PM મોદી અને અમિત શાહ પોતાની પસંદના ચૂંટણી કમિશનરને કેમ પસંદ કરવા માગે છે? CCTV સંબંધિત કાયદો કેમ બદલાયો છે? આ ડેટાનો નહીં, પરંતુ ચૂંટણી ચોરવાનો ખેલ છે. મુખ્ય ચૂંટણી કમિશનર તથા ચૂંટણી કમિશનરોને કાબૂમાં લઈ લેવા પાછળ શું રમત ચાલી રહી છે?

રાહુલ ગાંધીએ મતચોરીના આક્ષેપ લગાવ્યા

તેમણે RSSનો ઉલ્લેખ કરતાં કહ્યું કે દેશની તમામ યુનિવર્સિટીના કુલપતિ RSSના છે. આ પર સત્તા પક્ષના સાંસદોએ હોબાળો શરૂ કર્યો. સ્પીકર ઓમ બિરલાએ રાહુલને વિષય પર જ વાત કરવાની સૂચના આપી અને કહ્યું હતું કે કોઈ સંસ્થાનું નામ ન લેવું.

એ દરમિયાન સંસદીય કાર્યપ્રધાન કિરણ રિજિજુએ કહ્યું હતું કે અહીં તમામ લોકો નેતા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની વાત સાંભળવા માટે જ બેઠા છે, જો તેઓ વિષય પર બોલતા નથી તો સૌનો સમય શા માટે બગાડી રહ્યા છે?

લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણના મુખ્ય મુદ્દાઓ

લોકસભામાં ચૂંટણી સુધારા પર ચર્ચા દરમિયાન, કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા. તેમણે ચૂંટણી પંચની ભૂમિકા, મત ચોરી અને RSS પર નિશાન સાધ્યું. રાહુલે કહ્યું, “હું પુરાવા વિના બોલતો નથી. દેશની બંધારણીય સંસ્થાઓ પર કબજો કરવામાં આવી રહ્યો છે. RSS સભ્યોને યુનિવર્સિટીઓમાં કુલપતિ તરીકે નિયુક્ત કરવામાં આવી રહ્યા છે. ચૂંટણી પંચ શાસક પક્ષના ઈશારે કાર્ય કરી રહ્યું છે.”


રાહુલ ગાંધીએ કહ્યું કે CEC ની પસંદગીમાં શાસક પક્ષનો અંતિમ નિર્ણય છે. શાસક પક્ષ ચૂંટણી પંચને નિયંત્રિત કરી રહ્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) ને નિયંત્રિત કરવાનો શું અર્થ છે. CEC ની નિમણૂકમાં મુખ્ય ન્યાયાધીશ કેમ સામેલ નથી?

કોંગ્રેસ સાંસદે કહ્યું કે ચૂંટણી પંચ સરકાર સાથે મિલીભગતમાં છે. અમે આના પુરાવા આપ્યા. CCTV ફૂટેજનો નાશ કરવાની સત્તા EC ને કેમ આપવામાં આવી? CEC માટે સજાની જોગવાઈ કેમ દૂર કરવામાં આવી? સરકાર ECનો ઉપયોગ કરી રહી છે.

રાહુલે કહ્યું કે ચૂંટણી પંચે ડુપ્લિકેટ મતદાનના મુદ્દા પર કોઈ જવાબ આપ્યો નથી. SIR પછી પણ બિહારમાં ડુપ્લિકેટ મતદારો છે. SIR પછી પણ બિહારમાં 150,000 ડુપ્લિકેટ ફોટા છે. EVM અમને સમીક્ષા માટે આપવા જોઈએ. મતદાર યાદીઓ એક મહિના પહેલા પૂરી પાડવી જોઈએ.

રાહુલ ગાંધીએ કહ્યું કે ચૂંટણી પંચને ચૂંટવા માટેના નિયમો બદલાયા હતા. ચૂંટણી પંચ પર કબજો કરવામાં આવ્યો છે. લોકશાહીનો નાશ કરવા માટે ECનો ઉપયોગ થઈ રહ્યો છે. CECની પસંદગી કરવામાં શાસક પક્ષનો અંતિમ નિર્ણય છે.

હરિયાણાની ચૂંટણીઓનો ઉલ્લેખ કરતા રાહુલે કહ્યું કે હરિયાણાની ચૂંટણીઓ ચોરી થઈ હતી. તેમણે બ્રાઝિલિયન મોડેલનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે બ્રાઝિલિયન મોડેલનું નામ મતદાર યાદીમાં 22 વખત દેખાયું. એક મહિલાનું નામ મતદાર યાદીમાં 200 વખત દેખાયું.

કોંગ્રેસ સાંસદે કહ્યું કે SIR પ્રક્રિયા ભાજપના કહેવા પર કરવામાં આવી હતી. ડુપ્લિકેટ મતદારોના મુદ્દા પર EC પાસે કોઈ જવાબ નથી. રાહુલે કહ્યું કે મત ચોરી એ રાષ્ટ્ર વિરોધી કૃત્ય છે. રાહુલે કહ્યું કે આપણો દેશ એક કાપડ જેવો છે. તેના બધા દોરા સમાન છે. બધા લોકો સમાન છે.