Home Blog Page 1162

તહવ્વુર રાણા કોણ છે જેના પ્રત્યાર્પણને અમેરિકાએ આપી મંજૂરી?

પીએમ મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન ટ્રમ્પ વહીવટીતંત્રે એક મોટો નિર્ણય લીધો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેમની સરકારે 26/11ના મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાના પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે. તહવ્વુર રાણાનું નામ ભારતીય તપાસ એજન્સીઓની મોસ્ટ વોન્ટેડ યાદીમાં હતું. હવે ભારતીય તપાસ એજન્સીઓ તેને ભારત લાવી શકશે અને તેની સામે કેસ ચલાવી શકશે. તહવ્વુર રાણાના પાકિસ્તાની-અમેરિકન આતંકવાદી ડેવિડ કોલમેન હેડલી સાથે સંબંધો હોવાનું માનવામાં આવે છે, જે 26/11 હુમલાના મુખ્ય કાવતરાખોરોમાંના એક છે.

 

ડોનાલ્ડ ટ્રમ્પે પ્રત્યાર્પણની જાહેરાત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે “આજે મને એ જાહેરાત કરતા આનંદ થાય છે કે મારા વહીવટીતંત્રે વિશ્વના સૌથી ખરાબ લોકોમાંના એક અને મુંબઈમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા પાછળના માસ્ટરમાઇન્ડના પ્રત્યાર્પણને મંજૂરી આપી છે. હવે તેને ભારતમાં ન્યાયનો સામનો કરવો પડશે.” જાન્યુઆરીમાં યુએસ સુપ્રીમ કોર્ટે રાણાની પ્રત્યાર્પણને મંજૂરી આપી હતી, જ્યારે તેણે આ કેસમાં તેમની સમીક્ષા અરજી ફગાવી દીધી હતી.

ભારતે ગયા મહિને કહ્યું હતું કે તે રાણાના વહેલા પ્રત્યાર્પણ માટે યુએસ અધિકારીઓ સાથે કામ કરી રહ્યું છે. “યુએસ સુપ્રીમ કોર્ટે 21 જાન્યુઆરીએ આરોપીઓની અરજી સાંભળવાનો ઇનકાર કર્યો હતો. અમે હવે મુંબઈ આતંકવાદી હુમલાના આરોપીઓને ભારતને વહેલા પ્રત્યાર્પણ કરવાની પ્રક્રિયા સંબંધિત મુદ્દાઓ પર કામ કરી રહ્યા છીએ,” આવું વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું.

કોણ છે તહવ્વુર રાણા?

ભારત લાંબા સમયથી તહવ્વુર રાણાના પ્રત્યાર્પણની માંગ કરી રહ્યું હતું. રાણાએ 26/11ના મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ ડેવિડ કોલમેન હેડલીને નાણાકીય મદદ પૂરી પાડી હતી. હેડલીએ મુંબઈમાં હુમલાના સ્થળોની રેકી કરી હતી. તહવ્વુર રાણાની 2009 માં યુએસ ફેડરલ પોલીસે ધરપકડ કરી હતી. ત્યારથી, બંને દેશો વચ્ચે તેના પ્રત્યાર્પણ અંગે વાતચીત ચાલી રહી હતી.

તહવ્વુર રાણા પાકિસ્તાની મૂળના કેનેડિયન નાગરિક છે. તેનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો. તહવ્વુર રાણા પાકિસ્તાની સેનામાં ડૉક્ટર તરીકે સેવા આપી ચૂક્યા છે. તે મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ ડેવિડ કોલમેન હેડલીનો ખૂબ નજીક હોવાનું કહેવાય છે.

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: આજે પ્રચારનો અંતિમ દિવસ, 16મીએ થશે મતદાન

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ માટે રાજકીય ગરમાવો ચરમસીમાએ છે. જૂનાગઢ મહાનગરપાલિકા અને 68 નગરપાલિકાઓ સહિતની ચૂંટણી માટે આજે સાંજે 5 વાગ્યે પ્રચાર પર પડઘમ શાંત પડી જશે. હવે ઉમેદવારો માત્ર ડોર-ટુ-ડોર અભિયાન દ્વારા મતદારોને સંપર્ક કરશે.

5084 ઉમેદવારો મેદાનમાં, 213 બેઠકો બિનહરીફ

આ ચુંટણી માટે કુલ 7036 ઉમેદવારીપત્રો દાખલ થયા હતા, જેમાંથી 1261 પત્રો અમાન્ય ઠર્યા, જ્યારે 5775 ઉમેદવારોની ઉમેદવારી માન્ય રાખવામાં આવી. 478 ઉમેદવારોએ ઉમેદવારીપત્ર પરત ખેંચ્યા, જેના કારણે 213 બેઠકો બિનહરીફ થઈ ગઈ. જૂનાગઢ મહાનગરપાલિકાની 60 બેઠકોમાંથી 8 બિનહરીફ રહી છે, જ્યારે બાકીની 52 બેઠકો માટે 157 ઉમેદવારો મેદાનમાં છે.

અમદાવાદ, ભાવનગર અને સુરતમાં પેટાચૂંટણી

મહાનગરપાલિકાઓમાં ત્રણ વોર્ડ માટે પણ પેટાચૂંટણી યોજાશે. જેમાં અમદાવાદ (વોર્ડ નં. 7) ભાવનગર (વોર્ડ નં. 3) અને સુરત (વોર્ડ નં. 18)નો સમાવેશ થાય છે. આ ત્રણેય બેઠકો માટે 17 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.
1677 બેઠકો પર મતદાન થશે.

66 નગરપાલિકાઓમાં 461 વોર્ડ માટે ચૂંટણી યોજાશે, જેમાં 24 વોર્ડ બિનહરીફ રહી ગયા છે. કુલ 1844 બેઠકોમાંથી 167 બેઠકો બિનહરીફ થઈ છે, જ્યારે 1677 બેઠકો માટે 4374 ઉમેદવારો વચ્ચે હરીફાઈ થશે. મતદાન 16 ફેબ્રુઆરીના રોજ સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી યોજાશે. જયારે સુરેન્દ્રનગર જિલ્લાના થાન નગરપાલિકાની ચૂંટણીમાં 107 ઉમેદવારો મેદાનમાં છે, અને પ્રચારના અંતિમ દિવસે રાજકીય દિગ્ગજો મેદાનમાં ઉતર્યા છે. જેમાં કોંગ્રેસ તરફથી સાંસદ ગેનીબેન ઠાકોર સભા સંબોધશે. જ્યારે AAP નેતા ગોપાલ ઇટાલિયા પણ પ્રચારમાં જોડાશે. તો વળી ભાજપના ધારાસભ્યો અને કાર્યકર્તાઓ આખરી તબક્કાનો પ્રચાર જોરશોરથી ચલાવશે.

જૂનાગઢમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે તીવ્ર જંગ

જૂનાગઢ, માળીયાહાટી અને ચોરવાડ નગરપાલિકાઓમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શક્તિ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. બંને પક્ષોએ વિજય માટે દાવા કર્યા છે અને તેમના ઉમેદવારોને જીતાડવા આખરી દોડધામ ચલાવી છે. 16 ફેબ્રુઆરીએ મતદાન થશે, અને ત્યાર બાદ શક્યતા છે કે ચુંટણીનો રુખ સ્પષ્ટ થાય જો કે એ પહેલા જ રાજકીય માહોલ ગરમાયો છે.

આવતીકાલે વધુ 119 ભારતીય USથી ડિપોર્ટ થશે, 8 ગુજરાતી સામેલ

અમેરિકામાં ગેરકાયદે ઘૂસણ ખોરી કરનારા પર ટ્રમ્પની સરકારી લગામ કસી દીધી છે. આ અગાઉ એક ફ્લાઈટ અમેરિકાથી અમૃતસર આવી પહોંચી હતી. જેમાં 33 ગુજરાતી સહિત 104 લોકોને ડિપોર્ટ કરાયા હતા. હવે ફરી અમેરિકાથી બે ફ્લાયટ ફરી ભારતીયો ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. પહેલી ફ્લાઈટ 15 ફેબ્રુઆરી તો બીજી ફ્લાઈટ 16 ફેબ્રુઆરીના પહોંચશે. શનિવારે આવતી ફ્લાઇટમાં 8 ગુજરાતીઓનો સમાવેશ થયો છે. ફ્લાઇટ્સ 15 અને 16 ફેબ્રુઆરીના રોજ અમૃતસર એરપોર્ટ પર ઉતરશે. મળતી માહિતી પ્રમાણે, અમેરિકાએ વધુ 119 ભારતીયોને દેશનિકાલ કર્યા છે. આમાંથી મોટાભાગના પંજાબના હોવાનું કહેવાય છે. અમેરિકા દ્વારા દેશનિકાલ કરાયેલા 119 લોકોમાંથી 67 લોકો પંજાબના, હરિયાણાના 33 અને ગુજરાતના 8 નાગરિકોનો સમાવેશ થાય છે.

16 ફેબ્રુઆરીએ અમેરિકાથી ભારત આવતી ફ્લાઇટ પણ અમૃતસર એરપોર્ટ પર ઉતરશે. સ્થાનિક વહીવટીતંત્ર અને એરપોર્ટ ઓથોરિટીએ આ ખાસ વિમાનો માટે વ્યવસ્થા કરવાનું શરૂ કરી દીધું છે. આ અંગેની લેખિત માહિતી વિદેશ મંત્રાલય દ્વારા નાગરિક ઉડ્ડયન મંત્રાલયને આપવામાં આવી છે. આ પહેલા 5 ફેબ્રુઆરીએ એક યુએસ લશ્કરી વિમાન 104 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને લઈને ભારત પહોંચ્યું હતું. આ વિમાનમાં કુલ 104 ભારતીયો હતા, જેમાં 79 પુરુષો અને 25 મહિલાઓ હતી. આ ભારતીયોમાંથી 33 ગુજરાતના હતા. અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ભારતીયોને મેક્સિકો-અમેરિકા સરહદ પરથી પકડવામાં આવ્યા હતા.

અમેરિકાના પ્રવાસે રહેલા પીએમ મોદીએ કહ્યું કે ભારત અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા તેમના નાગરિકોને સ્વીકારશે. વડાપ્રધાન મોદીએ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના મુદ્દા પર પોતાનો સ્પષ્ટ અભિપ્રાય વ્યક્ત કર્યો અને કહ્યું કે આ ફક્ત ભારતનો મુદ્દો નથી. આ એક વૈશ્વિક સમસ્યા છે. જે લોકો અન્ય દેશોમાં ગેરકાયદેસર રીતે રહે છે તેમને ત્યાં રહેવાનો કોઈ કાયદેસર અધિકાર નથી. જ્યાં સુધી ભારત અને અમેરિકાનો સવાલ છે, જો કોઈ વ્યક્તિની ભારતીય નાગરિકતા પુષ્ટિ થાય છે અને તે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહે છે, તો ભારત તેમને પાછા લેવા તૈયાર છે.

Opinion: શું ક્રિએટરના કન્ટેન્ટ પર નિયંત્રણ હોવું જોઈએ?

આજના ડિજિટલ યુગમાં, સોશિયલ મીડિયા અને અન્ય ઓનલાઇન પ્લેટફોર્મ પર કન્ટેન્ટ ક્રિએટર્સનો રાફડો ફાટી નીકળ્યો છે. અમુક જ ક્ષણોમાં કોઈ વ્યક્તિનો વિડીયો વાઈરલ થઈ જાય, તો ગણતરીની મિનિટોમાં લોકોના મંતવ્યો આંગળીના ટેરવે ફરવા લાગે છે. એમાં પણ જ્યારથી યુટ્યૂબ પર સ્ટેન્ડઅપ કોમેડીનું કલ્ચર શરૂ થયું ત્યારથી ડાર્ક કોમેડીના નામે ‘ડિજિટલ ટેરરિસ્ટ’ ફૂટી નીકળ્યા છે. ભારતમાં સારું અને પોઝિટિવ કન્ટેન્ટ આપતા હોય તેવાં યુટ્યુબર્સની ખોટ નથી, પણ જેને યંગ કહી શકાય તેવા પોપ્યુલર ચહેરાઓ, જ્યારે પોતાનું અસલી રૂપ બતાવે છે ત્યારે તેઓ હાંસિયામાં ધકેલાઈ જાય છે અને તેમની કારકિર્દી અહીં જ ખતમ થઈ જાય છે.

હમણાં થોડા દિવસ પહેલાં આવો જ બનાવ બન્યો હતો. જેમાં ‘બિયર બાઇસેપ્સ’ તરીકે જાણીતા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને પોડકાસ્ટર રણવીર અલ્હાબાદિયા સ્ટેન્ડઅપ કોમેડિયન સમય રૈનાના શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં દેખાયા હતા. આ શોમાં રણવીર અલ્હાબાદિયાએ માતા-પિતા અંગે કોમેન્ટ કરીને વિવાદનો વંટોળ સર્જયો છે.

આ તમામ વચ્ચે પ્રશ્ન એ થાય કે શું કોઈ પણ કોમેડિયન કે કન્ટેન્ટ ક્રિએટરના કન્ટેન્ટ પર નિયંત્રણ હોવું જોઈએ કે નહીં?

મનસ્વી થાપર, એડવોકેટ, કેન્ડોર લીગલ, અમદાવાદ

આજના ડિજિટલ લેન્ડસ્કેપમાં, સોશિયલ મીડિયામુક્ત અભિવ્યક્તિ માટેનું એક શક્તિશાળી સાધન અને ખોટી માહિતી, દ્વેષપૂર્ણ ભાષણ અને સામાજિક રીતે અભદ્ર સામગ્રી માટેનું પ્લેટફોર્મ બની ગયું છે. જ્યારે વાણી સ્વાતંત્ર્ય એક મૂળભૂત અધિકાર છે, ત્યારે અનિયંત્રિત ડિજિટલ સામગ્રી સામાજિક વિસંગતતા, રાજકીય ચાલાકી અને માનસિક સ્વાસ્થ્યના સંકટનું કારણ બની શકે છે. તેના પર રોક લગાવી જરૂરી છે. આ પ્લેટફોર્મ વપરાશકર્તાના ડેટા એકત્રિત કરે છે અને મુદ્રીકરણ કરે છે. જેનાથી ગંભીર ગોપનીયતાની ચિંતા ઉભી થાય છે. જાતીય રીતે સ્પષ્ટ અને હિંસક સામગ્રીના વધારાથી માનસિક સુખાકારી પર અસર પડી છે, ખાસ કરીને સગીરોમાં.

સોશિયલ મીડિયા પર પીરસાતા આવા કન્ટેન્ટ પર કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે. આઇ.ટી. એક્ટ, 2000 (કલમ 67 અને 69 એ): અશ્લીલ અને અપમાનજનક સામગ્રી માટે સજા, સરકારને વેબસાઈટ્સને બ્લોક કરવાની મંજૂરી આપે છે જેમાં દંડ સાથે ૩-૫ વર્ષની કેદ થાય છે. ભારતીય ન્યાય સંહિતા (બી.એન.એસ.) 194, 195, 197 અંતર્ગત સાંપ્રદાયિક દ્વેષપૂર્ણ ભાષણ અને હિંસા માટે ઉશ્કેરણી માટે ૩ વર્ષ સુધીની સજા થઈ શકે છે. જાતીય ગુનાઓથી બાળકોનું રક્ષણ (પોક્સો) અધિનિયમ, 2012: સગીરોને લક્ષ્ય બનાવતી બાળ પોર્નોગ્રાફી અને જાતીય સામગ્રી પર પ્રતિબંધ છે આ કાનૂન ભંગ કરનારને 7 વર્ષ સુધીની કેદ થઈ શકે છે. આઇટી નિયમો, 2021: ગેરકાયદેસર સામગ્રી દૂર કરવા અને ફરિયાદ અધિકારીઓની નિમણૂક કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને આદેશ આપે છે તેની સાજના ભાગ રૂપે પ્લેટફોર્મને દંડ અથવા પ્રતિબંધિત કરી શકાય છે.

સામાજિક રીતે અભદ્ર સામગ્રીને નિયંત્રિત કરવાના ઘણા પગલાં લેવા જોઈએ. જેમાં આપણે AI-આધારિત સામગ્રી મધ્યસ્થતાને મજબૂત બનાવવી જોઈએ. ગેરકાયદેસર સામગ્રીને દૂર કરવામાં નિષ્ફળ રહેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને કડક દંડ થવો જોઈએ. એક બિન-પક્ષપાતી સોશિયલ મીડિયા દેખરેખ કમિશન હોવું જોઈએ. કાયદા અમલીકરણ અને સોશિયલ મીડિયા કંપનીઓ વચ્ચે નિયમિત બેઠક થવી જોઈએ. સોશિયલ મીડિયામુક્ત અભિવ્યક્તિ માટે જગ્યા રહેવી જોઈએ. પરંતુ જવાબદારી વિના સ્વતંત્રતા અરાજકતા તરફ દોરી જાય છે. સંતુલિત નિયમન, મજબૂત પ્લેટફોર્મ જવાબદારી અને વપરાશકર્તા જાગૃતિ એ સુનિશ્ચિત કરવાની ચાવી છે કે, સોશિયલ મીડિયા ખોટી માહિતી, અશ્લીલતા અને સાયબર ક્રાઇમના કેન્દ્રને બદલે સકારાત્મક ચર્ચાનું સાધન રહે.

નિધી ગજ્જર, કોન્ટેન્ટ ક્રિએટર, અમદાવાદ

આજના સમયમાં લોકો થોડો ટાઈમ મળતાની સાથે ફોન પર સ્ક્રોલિંગ કરવા લાગે છે. જેમ દરેક સિક્કાની બે બાજુ હોય તેમ, કોઈ પણ ટ્રેન્ડની બે બાજુ હોય છે. મારા મતે કોન્ટેન્ટ ક્રિએટર્સના વિડીયો જોયા પછી લોકો પ્રભાવિત થતા હોય છે. તેથી જે કંઈ પણ ક્રિએટર સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે, તે લોકોને આકર્ષવા કરે છે. ખરેખર તો આ મનોરંજનનું માધ્યમ છે અને આપણે એને મનોરંજન માટે જ ઉપયોગ કરવો જોઈએ, ન કે ફક્ત લાઈક્સ અને વ્યૂઝ માટે અશ્લીલ કે અયોગ્ય સામગ્રી પોસ્ટ કરવી જોઈએ. હું ઘણીવાર જોઉં છું કે અમુક ક્રિએટર કંઈ પણ મૂકી દેતા હોય છે, જે જોઈને મને લાગતું નથી કે એ યોગ્ય છે. સાથે-સાથે એક પ્રશ્ન માતા-પિતા તરફથી પણ ઉઠે છે કે “આવું અમારા બાળકો જુએ છે, ને તેના કારણે તેના સંસ્કાર બગડે છે.” આ બાબતમાં, હું માતા-પિતાની ભૂલ પણ ગણું છું. તમે તમારા બાળકોને ફોન શા માટે આપો છો? જો સુરક્ષાના કારણે ફોન આપો છો, તો પછી એ બાળકોને કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી દૂર રાખો. હા, એ વાત છે કે ક્રિએટર્સ માત્ર લાઈક્સ અને વ્યૂઝ માટે આ પ્લેટફોર્મનો દુરુપયોગ કરવો ન જોઈએ. તાળી એક હાથે નથી લાગતી વાંક અને નિયંત્રણ બંને પક્ષે હોવું જોઈએ.

જય શંકર જાની, MJMC વિદ્યાર્થી, અમદાવાદ

ક્રિએટરના કોન્ટેન્ટ પર વારંવાર અનેક રીતે પ્રશ્ન ઉભા થાય છે. પરંતુ આ સવાલ ‘વિચાર અને મર્યાદા’ની વચ્ચેના તફાવતનો છે. ભારતમાં કેટલીક વખત ધર્મ, સમાજ કે રાજકારણને લઈને કરવામાં આવેલી ટિપ્પણીઓ વિવાદાસ્પદ બની શકે છે અને હાલમાં આવો જ એક વિવાદ સર્જાયો છે. જેમાં હાસ્યના નામે અસભ્યતા ફેલાવવામાં આવી હતી. કોમેડી મજબૂત અને ઉદ્ભાવક અભિવ્યક્તિનું સાધન છે. જે સમાજની હકીકતો અને ત્રુટિઓ પ્રગટ કરે છે અને બીજી તરફ, કેટલાંક કોન્ટેન્ટ સંવેદનશીલ મુદ્દાઓનો નકારાત્મક દ્રષ્ટિકોણ પ્રસ્તુત કરી શકે છે. જે સામાજમાં અસહિષ્ણુતા ફેલાવી શકે છે. કટાક્ષ અને વ્યંગ્યનો ઉપયોગ કદાચ ઘાતક હોય શકે છે. ખાસ કરીને ધર્મ, જાતિ અથવા સમાજિક ન્યાયના મુદ્દાઓ પર. જો કોન્ટેન્ટ અનાવશ્યક રીતે સમાજમાં દૂરસ્થતા, અત્યાચાર કે અન્ય જાતિ, ધર્મ અથવા સંસ્કૃતિ સામે દુશ્મનાવટ પેદા કરે, તો તે નુકસાનકારક થઈ શકે છે. એટલા માટે કેટલાંક વિષયો પર વિશેષ સભાનતા જરૂરી છે. તેથી મારા મતે, કોન્ટેન્ટ પર નિયંત્રણ હોવું જોઈએ, પરંતુ તે વ્યક્તિગત આઝાદી અને સામાજિક જવાબદારીના મર્યાદામાં હોવું જોઈએ.

દેવમ દિવેચા, ફાઉન્ડર, ગણેશ ડિજિટલ માર્કેટીંગ, ઉના

આજની ડિજિટલ દોડમાં કોન્ટેન્ટ વાસ્તવમાં બ્રાન્ડ બિલ્ડિંગ અને એન્ગેંજમેન્ટ માટે મજબૂત સાધન છે. કોમેડિયનનો હાસ્યપ્રયોગ કે શાર્પ હ્યુમર વાયરલ કોન્ટેન્ટ બનાવવા મહત્વપૂર્ણ છે, પણ સાથે જ ઓડિયન્સની ભાવનાઓ, સામાજિક મૂલ્યો અને બ્રાન્ડ ઈમેજની જવાબદારી પણ ધ્યાનમાં લેવી જોઈએ. અતિશય નિયંત્રણ સર્જનાત્મકતા ધૂંધળી કરી શકે અને કોઈવાર ‘સ્ટ્રેસટ્રેન્ચ’ ઇફેક્ટ પણ સર્જી શકે છે, જે બ્રાન્ડને નુકસાન કરે છે. આમ છતાં, કોન્ટેન્ટ પોલિસી અને પ્લેટફોર્મ ગાઈડલાઇનનું પાલન કરવું જરૂરી છે. ફ્રીડમ ઑફ સ્પીચ અને એથિકલ બાઉન્ડરી વચ્ચે સમતુલા જાળવવી એ ડિજિટલ સફળતાનું સત્ય છે. કોન્ટેન્ટ એ હસી પણ લાવે અને સંબંધ પણ બાંધે – પણ અતિ થાય તો તે હાનિકારક બની શકે છે.

કિશોરભાઈ રાઠોડ, ધંધાર્થી, રાજકોટ

આજની ડિજિટલ દુનિયામાં બાળકો અને યુવાધન સોશિયલ મીડિયા અને ઓ.ટી.ટી. પ્લેટફોર્મ પર વધુ સમય પસાર કરે છે. હાસ્ય કે મજાકના નામે કેટલીકવાર અશ્લિલતા, અપશબ્દો અથવા સામાજિક મૂલ્યોને નુકસાન કરે તેવી ભાષા ઉપયોગમાં લેવાતી હોય છે, જે બાળકોના માનસ પર નકારાત્મક અસર કરી શકે. વાલી તરીકે આવું કોન્ટેન્ટ જોઈને ચિંતિત થવું સ્વાભાવિક છે, પણ સખત પ્રતિબંધ કે નિષ્ઠુર નિયંત્રણ કરતાં સંવાદ અને માર્ગદર્શન વધુ અસરકારક સાબિત થાય છે. બાળકોને સારા-ખરાબ કોન્ટેન્ટની સમજ આપવી અને પરિવાર સાથે ખુલ્લી ચર્ચા કરવી એ યોગ્ય માર્ગ છે. કોન્ટેન્ટ ક્રીએટર્સ માટે પણ જવાબદારી નક્કી કરવી જોઈએ કે તેઓ મર્યાદિત અને સજાગ અભિવ્યક્તિ કરે, જે હાસ્ય સાથે સંસ્કાર પણ આપે.

(તેજસ રાજપરા, અમદાવાદ)

સમય રૈના-અલાહાબાદિયા પર ગુસ્સે થયા પંકજ ત્રિપાઠી કહી આ મોટી વાત..

‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ વિવાદ પર ઘણા બોલિવૂડ સેલેબ્સે પ્રતિક્રિયા આપી છે અને સમય રૈના અને રણવીર અલ્હાબાદિયા પર નારાજગી વ્યક્ત કરી છે. હવે પંકજ ત્રિપાઠીએ ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ વિવાદ પર વાત કરી અને કહ્યું કે વ્યક્તિએ પોતાના સમાજના સાંસ્કૃતિક મૂલ્યને જાણવું જોઈએ અને બકવાસ બોલવામાં ગર્વ ન લેવો જોઈએ. તેમણે કહ્યું કે ખ્યાતિ એક ક્ષણ માટે છે

પંકજ ત્રિપાઠીએ ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ વિવાદ પર કરી વાત 

પંકજ ત્રિપાઠીએ સ્ક્રીનને કહ્યું, “આ ઇન્ટરનેટની દુનિયા છે, અને દરેક વ્યક્તિનો પોતાનો અભિપ્રાય છે.” તેમણે આગળ કહ્યું, “ઇન્ટરનેટની વાત એ છે કે ઘણા લોકો અચાનક લોકપ્રિય ચહેરા બની જાય છે. તેમને નામ અને ખ્યાતિ મળે છે, પણ સંવેદનશીલતા ક્યાં છે? શું તેની પાસે સાહિત્યિક જ્ઞાન, સામાજિક વર્તન વગેરેની દ્રષ્ટિએ જરૂરી બુદ્ધિ છે? આપણે જે સમાજમાં રહીએ છીએ તેના સાંસ્કૃતિક મૂલ્યો દરેક વ્યક્તિએ જાણવાની જરૂર છે. ,

બકવાસ બોલીને બડાઈ મારવી યોગ્ય નથી.

તેમણે વધુમાં ઉમેર્યું, “કોઈ સ્પષ્ટ સેન્સરશીપ ન હોવાનો અર્થ એ નથી કે તમે મનોરંજનના નામે કંઈપણ કહી શકો છો.  વાહિયાત વાતો કરીને મજા કરવી ઠીક છે, પણ વાહિયાત વાતો કરીને ગર્વ અનુભવવો ઠીક નથી. પરંતુ વધુ મહત્વની વાત એ છે કે, તે ક્યારેય સંપૂર્ણપણે અર્થહીન ન હોવું જોઈએ.

પંકજે ત્રિપાઠીએ આગળ કહ્યું, “આ બધાને આટલું મહત્વ ન આપો. કોઈને પણ વાયરલ ચેપ લાગી શકે છે, પરંતુ કોઈપણ વાયરલ બીમારીની જેમ, તે થોડા દિવસો સુધી રહેશે, અને પછી… આપણે આગળ વધીએ છીએ. ‘સફળતા કેમ અને કેવી રીતે મળે છે તે ઘણી બાબતો નક્કી કરે છે.’ અલબત્ત, હું એ વાત પર દલીલ નથી કરી રહ્યો કે કોણ સાચું છે કે ખોટું… પરંતુ, જો તમારી પાસે શબ્દોની તાકાત હોય, અને લોકો તમારી વાતથી પ્રભાવિત થાય, તો તમારે ખૂબ જવાબદારીપૂર્વક કાળજી લેવી જોઈએ.

‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ શું છે?


ઉલ્લેખનીય છે કે સમય રૈનાના શો ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ પર અશ્લીલ ટિપ્પણી બદલ રણવીરને ઘણી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. શો દરમિયાન, તેણે કથિત રીતે એક સ્પર્ધકને તેના શરીરના ભાગો વિશે વાંધાજનક પ્રશ્નો પૂછ્યા હતા અને 2 કરોડ રૂપિયાના બદલામાં તેણીને અશ્લીલ કૃત્યો કરવાની ઓફર કરી હતી. આ પછી, તેણે માતાપિતાની આત્મીયતા વિશે ખૂબ જ અભદ્ર પ્રશ્ન પૂછ્યો. આ ક્લિપ વાયરલ થયા બાદ હોબાળો મચી ગયો હતો. લોકોએ રૈના અને અલ્હાબાદિયા સહિત શોના તમામ જજોને ઠપકો આપ્યો.

એટલું જ નહીં, રણવીર અલ્હાબાદિયા, સમય રૈના, આશિષ ચંચલાની, જસપ્રીત સિંહ અને અપૂર્વ માખીજા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. શોમાં અશ્લીલ જાતીય સામગ્રીને પ્રોત્સાહન આપવા બદલ તેમની વિરુદ્ધ FIRમાં ભારતીય દંડ સંહિતા (IPC) ની અનેક કલમો દાખલ કરવામાં આવી છે.

ટ્રમ્પ પીએમ મોદી પાસેથી શીખવા માંગે છે આ 7 વાતો! જાણો..

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ગુરુવારે મોડી રાત્રે (૧૩ ફેબ્રુઆરી) વ્હાઇટ હાઉસ ખાતે ઉષ્માભરી મુલાકાત થઈ. આ બેઠક માત્ર વેપાર, આતંકવાદ અને સંરક્ષણ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે નહોતી, પરંતુ બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલતા મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ મજબૂત બનાવવાની તક પણ હતી. પીએમ મોદીની પ્રશંસા કરતા ટ્રમ્પે તેમને એક મહાન મિત્ર અને એક અદ્ભુત વ્યક્તિ ગણાવ્યા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની આ મુલાકાત માત્ર વેપાર અને સંરક્ષણ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે નહોતી, પરંતુ તે બંને દેશો વચ્ચે મજબૂત સંબંધો અને વ્યક્તિગત મિત્રતાનું પ્રતીક પણ હતી. આ બેઠક દ્વારા, મોદી અને ટ્રમ્પે ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર અને રાજદ્વારી સંબંધોને વધુ મજબૂત બનાવવા તરફ પગલાં લીધાં છે.

વડા પ્રધાન મોદી મારા કરતા સારા છે – ટ્રમ્પ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની આ મુલાકાતનો એક મહત્વપૂર્ણ વિષય વેપાર હતો. બંને દેશો વચ્ચે વેપાર જકાત અને ટેરિફના મુદ્દા પર ચર્ચા થઈ. ટ્રમ્પે મજાકમાં કહ્યું, “વડાપ્રધાન મોદી મારા કરતા સારા છે અને વધુ સારા વક્તા છે.” ટ્રમ્પે ભારત પર ટેરિફ વધારવાના પોતાના નિર્ણયનો બચાવ કર્યો, સાથે જ બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોને વધુ મજબૂત બનાવવાની વાત પણ કરી.

ટ્રમ્પને પીએમ મોદીની યાદ આવી

વ્હાઇટ હાઉસમાં વડા પ્રધાન મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરતાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું, “અમને તમારી ખૂબ યાદ આવી.” બંને નેતાઓ વચ્ચેની મિત્રતા વિશેનું આ નિવેદન સ્પષ્ટપણે દર્શાવે છે કે મોદી અને ટ્રમ્પ વચ્ચે ઊંડી સમજણ અને આદર છે. પીએમ મોદીએ પણ આ પ્રસંગે ખુશી વ્યક્ત કરી અને પોતાના ‘પ્રિય મિત્ર’ ટ્રમ્પને ફરીથી જોઈને આનંદ વ્યક્ત કર્યો.

ટ્રમ્પનો મોદી પ્રત્યે આદર

રાષ્ટ્રપતિ ટ્રમ્પે વડા પ્રધાન મોદીને “મહાન મિત્ર” કહ્યા. તેમના જૂના સંબંધોને યાદ કરતાં તેમણે કહ્યું કે મોદી એક સારા અને કઠોર વાટાઘાટકાર છે. આ નિવેદન બંને નેતાઓ વચ્ચે પરસ્પર આદર અને ઊંડા સંબંધોને પ્રતિબિંબિત કરે છે.

ટ્રમ્પની ખાસ ભેટ

રાષ્ટ્રપતિ ટ્રમ્પે વડા પ્રધાન મોદીને તેમની “સાથે પ્રવાસ” ની ફોટો બુક ભેટમાં આપી. આ ભેટના કવર પેજ પર, ટ્રમ્પે પોતાના હસ્તાક્ષર સાથે લખ્યું, “શ્રીમાન પ્રધાનમંત્રી, તમે મહાન છો.” આ ભેટ બંને દેશો વચ્ચે વધતા સંબંધોનું પ્રતીક છે અને તેમના અંગત સંબંધોની હૂંફને પ્રતિબિંબિત કરે છે.

ટ્રમ્પે મોદીની પ્રશંસા કરી

દ્વિપક્ષીય વાટાઘાટો પહેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પે પીએમ મોદીને “અદ્ભુત વ્યક્તિ” ગણાવ્યા. તેમણે કહ્યું કે તેઓ ભારત અને અમેરિકા વચ્ચે કેટલાક મહત્વપૂર્ણ વેપાર સોદાઓ અંગે આશાવાદી છે. ટ્રમ્પે એમ પણ કહ્યું કે મોદીની નેતૃત્વ ક્ષમતા અનોખી છે અને તેઓ ભારત અને અમેરિકા માટે મોટા સોદા કરશે.

ટ્રમ્પની ભવિષ્યવાણી

ટ્રમ્પે આ મુલાકાત દરમિયાન કહ્યું હતું કે તેઓ ભારત અને અમેરિકા વચ્ચે કેટલાક અદ્ભુત વેપાર સોદાઓની અપેક્ષા રાખે છે. તેમણે એમ પણ કહ્યું કે બંને દેશો વચ્ચે સંરક્ષણ, ઉર્જા અને ટેકનોલોજી ક્ષેત્રે સહયોગ વધારવા માટે વિગતવાર વાતચીત થશે.

“આપણા સંબંધો અત્યાર સુધીના શ્રેષ્ઠ છે”: ટ્રમ્પ

પ્રધાનમંત્રી મોદી સાથેની મુલાકાત બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું, “મને લાગે છે કે આપણો સંબંધ અત્યાર સુધીનો સૌથી શ્રેષ્ઠ છે.” આ નિવેદન બંને દેશો વચ્ચે વધતી જતી નિકટતા અને પરસ્પર સહયોગ પ્રત્યેની તેમની ઊંડી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

AMCનું 2025-26નું15,502 કરોડનું બજેટ જાહેર, જાણો મહત્વના મુદ્દા

અમદાવાદ: ગુજરાતની સૌથી મોટી મહાનગરપાલિકા એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2025-26નું વાર્ષિક બજેટ આજે રજૂ કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારેસન દ્વારા રૂપિયા 14001 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં લોકોના સૂચનોના આધારે ભાજપના સત્તાધીશો દ્વારા 1501 કરોડના વધારા સાથે 15502 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આજે 14 ફેબ્રુઆરીના રોજ શુક્રવારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીને સુધારા સાથેનું બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં એડવાન્સ ટેક્સ ભરનારને 12 ટકા રિબેટ આપવાનો નિર્ણય લેવાયો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા WHATSAPP CHAT BOTની સુવિધા અમલી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના CCRS વોટ્સએપ નંબર 75678 55303 ઉપર ચેટ દ્વારા પ્રોપર્ટી ટેક્સ વિકલ્પ ઉપર ક્લિક કરવાનું રહેશે. તેમના રજીસ્ટર્ડ મોબાઇલ નંબર અથવા પ્રોપર્ટી ટેક્ષ ટેનામેન્ટ નંબર લખી તેમના પ્રોપર્ટી ટેક્ષ બીલ ડાઉનલોડ કરી અને ઓનલાઇન પેમન્ટ કરી શકે છે. આ સુવિધા કોર્પોરેશન દ્વારા 24 કલાક ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત ahmedabadcity.gov.in પર ઓનલાઇન સર્વિસ પર ક્લિક કરી પ્રોપર્ટી ટેક્સ ભરી શકશો.

આગમી નાણાકીય વર્ષ 2025-26નું બજેટ રજૂ કરતાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, બજેટ માટે ભાજપનાં ધારાસભ્યો, પદાધિકારીઓ, કોર્પોરેટરો અને પ્રજાના સૂચનો મેળવવા આવ્યા હતા. અમદાવાદમાં પૂર્વ કે પશ્રિમના ભેદભાવ વિના સર્વાગી વિકાસનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. કમિશનરના મૂકેલા બજેટ રૂ. 14001 કરોડમાં રૂ. 1501ના સુધારા સાથેનું બજેટ રજૂ કરતાં હું હર્ષની લાગણી અનુભવું છું. વિકસિત ભારત 2047 એમ વિકસિત અમદાવાદ 2047 અનુરૂપ બનાવવામાં આવ્યું છે. 2025-25ના બજેટમાં બેગ અને પેપર ગ્રીન એનર્જી અનુરૂપ બનાવવામાં આવ્યું છે. બેગ પર QR કોડ સ્કેન કરતા સાથે બજેટની તમામ બાબતો મેળવી શકશે.

બજેટ 2025-26 અમદાવાદીઓને શું મળશે?

  • આ વર્ષના બજેટમાં નવા સ્મશાન અને રિનોવેશન પાછળ 10 કરોડનો ખર્ચ કરવામાં આવશે.
  • સ્પોર્ટ એક્ટિવિટી ડેવલપ કરવા રૂપિયા 20 કરોડનો ખર્ચ કરવામાં આવશે.
  • ઘોડાસર, ઇસનપુર, લાંભા, વટવા અને દાણીલીમડામાં ખારી કટ કેનાલ ફેઝ-2ની કામગીરી 100 કરોડના ખર્ચે થશે.
  • સરદાર પટેલ સ્ટેડિયમનું 75 કરોડના ખર્ચે નવીનીકરણ થશે.
  • વસ્ત્રાલ, અમરાઈવાડી, ઓઢવ, કઠવાડા, વાસણામાં ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલની વોટર લાઈન 50 કરોડના ખર્ચે નાખવામાં આવશે.
  • બોપલ-ઘુમા, ભાડજ-ઓગણજ, નાના ચિલોડા, કઠવાડા, લક્ષ્મીપુરા, હંસપુરા, રાણીપ, સરખેજ અને અન્ય નવા વિસ્તારોમાં વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર અને નવી પાણીની પાઈપ લાઈનો 50 કરોડના ખર્ચ નખાશે.
  • ભાડજ, ઓગણજ, ઘુમા, જગતપુર, ચેનપુર, ચિલોડા, કઠવાડા, લાંભા, ગ્યાસપુર તથા જરૂરીયાત મુજબ શહેરના અન્ય વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ માટે 50 કરોડનો ખર્ચ થશે.
  • એલિસબ્રીજ વોર્ડમાં શ્રેયસ બ્રિજથી જયદીપ ટાવર સુધી તથા શ્રેયસ ટેકરા ચાર રસ્તાથી આયોજનનગર સોસાયટીથી જીવરાજ મહેતા હોસ્પિટલ સુધીની લાઈન અપગ્રેડેશન કરવી, વિરાટનગર વોર્ડમાં જીવન વાડી પંપિંગ સ્ટેશનની રાઈઝીંગ લાઈન અપગ્રેડેશન કરવી, દરિયાપુર વોર્ડમાં ડ્રેનેજ લાઈન સીસ્ટેમેટીક કરવી, ઓઢવ વોર્ડમાં ટી.પી. 1 વિસ્તારમાં ડ્રેનેજ લાઈન રીહેબ કરવા માટે તથા અન્ય જરૂરિયાત મુજબ શહેરના તમામ ઝોનમાં ડ્રેનેજ લાઈનોનુ રીહેબીલીટેશન માટે 50 કરોડનો ખર્ચ કરવામાં આવશે.
  • ઓર્ગેનિક વેસ્ટમાંથી બાયો સીએનજી ગેસ બનાવવા પ્રોસેસિંગ પ્લાન્ટ 50 કરોડના ખર્ચે નાખવામાં આવશે.
  • વિવિધ પ્રોજેક્ટના કારણે અને ટીપી રોડ પરના દબાણો મુક્ત કરવા માટે રોડ પર આવતા મકાનો માટે વૈકલ્પિક મકાનોની ફાળવણી અને સ્લમ ફ્રી સીટી માટે 100 કરોડના ખર્ચે મકાનો બનાવશે.
  • વિનોબાભાવે નગર, લક્ષ્મીપુરા ગામ, કઠવાડા ગામ, હાથીજણ ગામ,ચેનપુર ગામ, ઘુમા ગામ, હંસપુરા ગામ, શીલજ ગામ, બોડકદેવ ગામ,લાંભા ગામ, ચિલોડા ગામ, તથા અન્ય જરૂરીયાત મુજબ ગામતળનો 45 કરોડના ખર્ચે વિકાસ કરાશે.
  • આર.એમ.એસ. ફેઝ-2 તળાવ, ઈસનપુર તળાવ, લાંભા તળાવ, વડુ તળાવ, ચેનપુર તળાવ, મહાલક્ષ્મી તળાવ તથા અન્ય જરૂરીયાત મુજબના તળાવોને ઇન્ટરલોકિંગ કરીને પાણીનુ સ્તર ઊંચુ લાવવા તથા નાગરીકોને તેમના જ વિસ્તારમાં હરવા ફરવાની સુવ્યવસ્થિત જગ્યા મળી રહે તે માટે તળાવોને રૂ. 25 કરોડના ખર્ચે વિકસાવાશે.
  • પીપળજથી કમોડ સુધીના નાળાઓ બંધ કરી ડેવલપ કરવા તથા નાળા મુક્ત અમદાવાદ બનાવવા 25 કરોડનો ખર્ચ કરાશે.
  • વાસણા વોર્ડમાં ટી.પી. 94, એફ.પી. 50-1માં નવુ ઓડિટોરીયમ, ઈસનપુર વોર્ડમાં સમ્રાટનગર પાસે ઓપન પાર્ટીપ્લોટ, રામોલ-હાથીજણ વોર્ડમાં વિનોબાભાવે નગરમાં ઓપન પાર્ટી પ્લોટ, લાંભા વોર્ડમાં ઓપન પાર્ટી પ્લોટ, ચાંદલોડીયા વોર્ડમાં ઓપન પાર્ટી પ્લોટ, સરદારનગરમાં હેમુ કાલાણી હોલને વાતાનુકૂલિત કરી નવીનીકરણ, નારણપુરા વોર્ડમાં ઓપન પાર્ટી પ્લોટ તથા જરૂરીયાત મુજબ શહેરમાં નવા હોલ, પાર્ટી પ્લોટ તથા ઓડિટોરીયમ 25 કરોડના ખર્ચે બનાવવામાં આવશે.
  • વસ્ત્રાપુર, લાંભા, બાપુનગર, છારોડી, આર.એમ.એસ., ખોડિયાર, વડુ તળાવ તથા અન્ય જરૂરીયાત મુજબ શહેરના તળાવોના પાણીના શુધ્ધિકરણ માટે બાયો રેમેડિઝ ટેકનોલોજીના ઉપયોગ માટે 10 કરોડનો ખર્ચ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે શાસક પક્ષ ભાજપનાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં એડવાન્સ ટેક્સ ચૂકવનારને અગાઉ 10 ટકા રીબેટ આપવામાં આવતુ હતુ. તેના બદલે 12 ટકા રીબેટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઓનલાઇન પેમેન્ટ અને સળંગ ત્રણ વર્ષનો એડવાન્સ ટેક્સ ચૂક્યો હોય તે તમામને મળીને કુલ 15 ટકા જેટલું પ્રિબેટ આપવામાં આવશે, જેનો અમલ આગામી નાણાકીય વર્ષ 2025-26થી અમલ કરવામાં આવશે. આ ઉપરાંત વોટર ટેક્સ અને કન્વર્જન્સી ટેક્સના દરમાં કોઈ વધારો નહિ

PM મોદીના હાથમાં ગિફ્ટ જોઈ હરખમાં આવી ગયા એલન મસ્કના બાળકો

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે વોશિંગ્ટન ડીસીના બ્લેર હાઉસ ખાતે એલોન મસ્કના પુત્ર X Æ A-12 (જે ‘X’ તરીકે ઓળખાય છે) અને તેમના બે અન્ય બાળકો સાથે મળ્યા. આ મુલાકાત એકદમ અનોખી હતી, જ્યાં પીએમ મોદીએ મસ્ક પરિવાર સાથે વાતચીત કરી અને બાળકોને મળવાની ખુશી પણ વ્યક્ત કરી.

પીએમ મોદી એલોન મસ્કના બાળકો માટે ભેટ પણ લાવ્યા હતા. મોદીના હાથમાં ભેટો જોતાં જ બાળકો ખુશ થઈ ગયા હતાં.આ મુલાકાતની તસવીરો પણ વાયરલ થઈ રહી છે.

આ મુલાકાત દરમિયાન, એલન મસ્કે પ્રધાનમંત્રી મોદી સાથે અવકાશ, ગતિશીલતા, ટેકનોલોજી અને નવીનતા જેવા વિષયો પર ચર્ચા કરી. મસ્ક માટે આ બધા વિષયો ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તેમની કંપનીઓ સ્પેસએક્સ, ટેસ્લા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ આ ક્ષેત્રોમાં કામ કરી રહી છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે તેઓ મસ્ક અને તેમના પરિવારને મળીને ખૂબ ખુશ છે.

પીએમ મોદી એલોન મસ્કના બાળકો સાથે વાતચીત કરતા અને ભેટોની આપ-લે કરતા જોવા મળ્યા. તસવીરોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મોદી અને ભારતીય અધિકારીઓ મસ્કના બાળકો સાથે ખૂબ જ મૈત્રીપૂર્ણ હતા. ખાસ કરીને, બે નાના બાળકો પીએમ મોદી સાથે વાતો કરી રહ્યા હતા.

ભારત હવે બાંગ્લાદેશ મામલે સ્વતંત્રપણે નિર્ણયો લઈ શકે છે.: ટ્રમ્પ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બે દિવસીય અમેરિકાની મુલાકાતમાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વેપાર, રક્ષા અને દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરી હતી. દ્વિપક્ષીય બેઠક દરમિયાન નેતાઓએ અન્ય વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. જેમાં પીએમ મોદીએ ટ્રમ્પ સમક્ષ બાંગ્લાદેશનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેની જવાબદારી ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સોંપી છે. ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે બાંગ્લાદેશના ઘટનાક્રમ પર ચિંતા વ્યક્ત કરી હતી, તેમજ ભારત આ સ્થિતિને કેવી નજરે જોઈ રહ્યો છે,તે અંગે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

વડાપ્રધાન મોદીની ચિંતાને ધ્યાનમાં લેતાં ટ્રમ્પે બાંગ્લાદેશમાં ચાલી રહેલા સંકટ મુદ્દે અમેરિકાની સરકારની કોઈ પણ ભૂમિકા હોવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે, બાંગ્લાદેશ મુદ્દે નિર્ણય લેવાની સત્તા વડાપ્રધાન મોદી પર છોડું છું. ટ્રમ્પના આ નિવેદનથી સ્પષ્ટ થયુ છે કે, ભારત હવે બાંગ્લાદેશ મામલે સ્વતંત્રપણે નિર્ણયો લઈ શકે છે. વ્હાઈટ હાઉસની નજીક ગુરૂવારે બાંગ્લાદેશીઓએ દેખાવો કર્યા હતાં. તેઓએ મોહમ્મદ યુનુસના ગેરબંધારણીય શાસનને ખતમ કરવાની માગ કરી છે. અવામી લીગ અને તેના સહયોગી સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યા હતાં. પ્રદર્શનકારોએ લઘુમતીઓની સુરક્ષાની પણ માગ કરી હતી. બાંગ્લાદેશની કુલ વસ્તીમાં આઠ ટકા હિન્દુ છે. પરંતુ શેખ હસીનાના પલાયન બાદ બાંગ્લાદેશમાં સર્જાયેલા અફરાતફરીના માહોલમાં હિન્દુઓને ટાર્ગેટ બનાવી રહ્યા છે.

યુએનના અધિકારી રોરી મુંગોવેને બાંગ્લાદેશમાં માનવાધિકારોના ગંભીર ઉલ્લંઘન અને માનવતા વિરૂદ્ધ સંભવિત ગુના માટે જવાબદાર તમામ લોકોને સજા આપવાની માગ કરી છે. તેમણે શેખ હસીનાના પ્રત્યાર્પણનો મુદ્દો દ્વિપક્ષીય પ્રક્રિયા હોવાનું જણાવ્યું છે. બાંગ્લાદેશ સતત ભારત પાસેથી શેખ હસીનાનું પ્રત્યાર્પણ કરવાની માગ કરી રહ્યો છે. યુએનએ જણાવ્યું કે, ‘બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાનો પ્રત્યાર્પણનો મુદ્દો દ્વિપક્ષીય છે. જિનિવામાં યુએન હ્યુમન રાઈટ્સ ઓફિસે દ્વારા રજૂ એક રિપોર્ટમાં જણાવ્યું છે કે, બાંગ્લાદેશમાં જુલાઈ અને ઓગસ્ટ, 2024માં વિરોધ પ્રદર્શનો દરમિયાન 1400થી વધુ લોકો માર્યા ગયા છે.’

Valentines Day 2025: સંત વેલેન્ટાઇન કોણ હતા? જેની યાદમાં ઉજવાય છે પ્રેમ દિવસ

દર વર્ષે 7 ફેબ્રુઆરીએ પ્રેમ ઉજવણીના સપ્તાહની શરૂઆત રોઝ ડેથી થાય છે, જેને વેલેન્ટાઇન વીક તરીકે ઓળખવામાં આવે છે. આ ક્રમમાં, પ્રપોઝ ડે, ​​ચોકલેટ ડે, ટેડી ડે, પ્રોમિસ ડે, હગ ડે, કિસ ડે અને છેલ્લે વેલેન્ટાઇન ડે (Valentines Day 2025) ઉજવવામાં આવે છે.

આ બધામાં વેલેન્ટાઇન ડેને સૌથી ખાસ માનવામાં આવે છે, જે ઘણા દેશોમાં ખૂબ જ ખાસ રીતે ઉજવવામાં આવે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે વેલેન્ટાઇન ડે ખરેખર એક સંતના બલિદાન સાથે સંકળાયેલ છે.

વેલેન્ટાઇન કોણ હતા?
વેલેન્ટાઇન ડે ઉજવવા પાછળ ઘણી દંતકથાઓ છે, પરંતુ સૌથી વધુ લોકપ્રિય સંત વેલેન્ટાઇનની વાર્તા છે, જે મુજબ તેઓ ત્રીજી સદીમાં રોમન પાદરી હતા. રોમન સમ્રાટ ક્લાઉડિયસ બીજા માનતા હતા કે જો સૈનિકો પ્રેમમાં પડી જાય, તો તે તેમનું ધ્યાન ભંગ કરશે અને જો તેઓ એકલા હશે તો તેઓ વધુ સારી રીતે લડી શકશે.

એટલા માટે તેમણે સૈનિકોના લગ્નો પર પ્રતિબંધ મૂક્યો હતો. આ સમયગાળા દરમિયાન સંત વેલેન્ટાઈને ઘણા સૈનિકોના ગુપ્ત રીતે લગ્ન કરાવ્યા હતાં. એક દિવસ તે પકડાઈ ગયા અને જેલમાં ધકેલી દેવામાં આવ્યા. 14 ફેબ્રુઆરી, 269 એડી ના રોજ તેમને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી.

આ રીતે શરૂઆત થઈ
સંત વેલેન્ટાઇન પ્રેમના ઉપદેશક હતા, તેથી લોકો માનતા હતા કે તેમણે દુનિયામાં પ્રેમનો સંદેશ ફેલાવવા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. તેથી, 14 ફેબ્રુઆરીને પ્રેમના દિવસ તરીકે ઉજવવા માટે વેલેન્ટાઇન ડેની ઉજવણી શરૂ થઈ. આ દિવસથી રોમ સહિત સમગ્ર વિશ્વમાં પ્રેમ દિવસ ઉજવવાનું શરૂ થયું.