Home Blog Page 1167

ટોરેન્ટ ગ્રુપનો ક્રિકેટમાં પ્રવેશ, ગુજરાત ટાઇટન્સમાં મોટું રોકાણ!

અમદાવાદ સ્થિત ટોરેન્ટ ગ્રુપ હવે ગુજરાત ટાઇટન્સ ફ્રેન્ચાઇઝમાં બહુમતી હિસ્સો (67%) ખરીદવા જઈ રહ્યું છે. ટોરેન્ટ ગ્રુપની હોલ્ડિંગ કંપની, ટોરેન્ટ ઇન્વેસ્ટમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ (TIPL) દ્વારા, લક્ઝમબર્ગ-સ્થિત Irelia Company Pte Ltd (CVC કેપિટલ પાર્ટનર્સ) સાથે આ માટે કરાર કરવામાં આવ્યો છે. આ કરાર BCCI સહિતની જરૂરી મંજૂરીઓ પર આધારિત રહેશે.

આ કરાર પછી, CVC ફંડ્સ 33% નો લઘુમતી હિસ્સો જાળવી રાખશે. આ કરાર ટોરેન્ટ ગ્રુપ માટે રમતગમત ક્ષેત્રમાં પ્રવેશની મહત્વપૂર્ણ શરૂઆત છે અને ભારતીય રમત ઉદ્યોગ માટે એક મહત્વનો ટ્રાન્સફર છે.

ટોરેન્ટ ગ્રુપના ડિરેક્ટર જિનલ મહેતાએ કહ્યું કે, “ગુજરાત ટાઇટન્સ અને તેના લાખો ચાહકોનું ટોરેન્ટ ગ્રુપમાં સ્વાગત કરવું અમારા માટે ગૌરવની વાત છે. આજે રમતગમત ક્ષેત્રે અનેક નવી તકો ઉભી થઈ રહી છે અને ટોરેન્ટ આ ક્ષેત્રમાં વિકાસ માટે ઉત્સાહિત છે. અમે ચાહકો માટે શ્રેષ્ઠ અનુભવ ઊભો કરવા અને ગુજરાત ટાઇટન્સને વધુ ઊંચાઈઓ સુધી પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છીએ.”

CVC કેપિટલ પાર્ટનર્સના મેનેજિંગ પાર્ટનર સિદ્ધાર્થ પટેલે જણાવ્યું, “આ કરાર ભારતના સૌથી લોકપ્રિય રમત માટે એક નવા પ્રકરણની શરૂઆત છે. અમે આઈપીએલ 2022માં ટાઇટલ જીત્યું અને 2023માં રનર્સ-અપ રહ્યા, જે અમારી મજબૂત ભાગીદારી દર્શાવે છે. ટોરેન્ટ સાથેના નવા જોડાણથી વધુ વિકાસ માટે તકો ખુલશે.” જયારે CVC ના પાર્ટનર અમિત સોની ઉમેરે છે, “ટોરેન્ટ ગ્રુપના સાથે ભાગીદારી કરવા માટે અમે ઉત્સાહિત છીએ. ટોરેન્ટ, એક પ્રતિષ્ઠિત બિઝનેસ ગ્રુપ છે અને આ ભાગીદારી ગુજરાત ટાઇટન્સ માટે વૃદ્ધિ અને વિકાસના નવા રસ્તાઓ ખોલશે.”

CVCના મેનેજિંગ પાર્ટનર નિક ક્લેરીએ કહ્યું કે, “ફોર્મ્યુલા-1 અને અન્ય મોટા ક્રીડા ઇવેન્ટ્સમાં રોકાણ કર્યા બાદ, CVC માટે ગુજરાત ટાઇટન્સમાં આ રોકાણ એક મહત્વપૂર્ણ પડકાર સાબિત થયું છે. અમે BCCI, મેનેજમેન્ટ, ખેલાડીઓ અને ચાહકોના સહયોગ માટે આભાર વ્યક્ત કરીએ છીએ. ટોરેન્ટ સાથે જોડાઈને, અમે વધુ વેગ મેળવીશું.” આ કરાર દ્વારા ટોરેન્ટ ગ્રુપ હવે સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું નામ સ્થાપિત કરશે અને ગુજરાત ટાઇટન્સને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવા માટે મજબૂત યોજનાઓ લાવશે.ઉ

ઉલ્લેખનીય છે કે ટોરેન્ટ ગ્રુપ, રૂ. 41,000 કરોડ (આશરે USD 4.9 બિલિયન)થી વધુની આવક અને રૂ. 2 લાખ કરોડ (આશરે USD 23 બિલિયન)ની ગ્રુપ માર્કેટ કેપ ધરાવતું, ફાર્માસ્યુટિકલ્સ, પાવર જનરેશન, ટ્રાન્સમિશન, ડિસ્ટ્રિબ્યુશન અને સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન (CGD) ક્ષેત્રોમાં મજબૂત પક્કડ ધરાવે છે. ગ્રુપ વિશ્વભરમાં 25,000થી વધુ લોકોને રોજગારી આપે છે. જયારે CVC એ એક અગ્રણી વૈશ્વિક ખાનગી રોકાણ સંચાલક છે, જેની સંચાલિત સંપત્તિ લગભગ €191 બિલિયન છે અને જે વિશ્વભરમાં 140 કંપનીઓમાં રોકાણ ધરાવે છે.

નોંધનીય છે કે, 2022માં સ્થપાયેલી ગુજરાત ટાઇટન્સ, જેનું હોમ ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ છે, તેની પ્રથમ IPL સીઝનમાં ટાઇટલ જીતનાર બીજી ટીમ બની હતી. આ ફ્રેન્ચાઇઝનું નેતૃત્વ શુભમન ગિલ અને કોચિંગ આશિષ નેહરા સંભાળે છે.

અદાણી સમૂહે ભારતનો સૌથી મોટો ‘કૌશલ્ય અને રોજગાર’ કાર્યક્રમ વિકસાવ્યો

અમદાવાદ: અદાણી ગ્રુપે સિંગાપોરની ITE એજ્યુકેશન સર્વિસીસ (ITEES) સાથે ભાગીદારી કરી છે. જેના દ્વારા તેઓ ગ્રીન એનર્જી, મેન્યુફેક્ચરિંગ, હાઇ-ટેક, પ્રોજેક્ટ એક્સેલન્સ અને ઇન્ડસ્ટ્રિયલ ડિઝાઇન સહિતના ઉદ્યોગોની જરૂરિયાતો પૂરી કરવા માટે કુશળ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને મદદ કરી શકે. આ પગલું અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીના સામાજિક દર્શન “સેવા સાધના હૈ, સેવા પ્રાર્થના હૈ અને સેવા હી પરમાત્મા હૈ”ને સાર્થક કરે છે.  આ ઉદ્યોગો માટે કાર્યબળ અને પ્રતિભાઓ વચ્ચે પૂલનું નિર્માણ કરવા માટે, અદાણી પરિવાર આંતરરાષ્ટ્રીય સ્તરે બેન્ચમાર્ક્ડ સ્કૂલ ઓફ એક્સેલન્સ સ્થાપવા માટે 2,000 કરોડ રૂપિયાથી વધુનું દાન કરશે.

આ દરેક ફિનિશિંગ સ્કૂલ, જેને અદાણી ગ્લોબલ સ્કિલ્સ એકેડેમી કહેવામાં આવશે, તે ભારતમાં તેમના ઉદ્યોગ અને ભૂમિકાની આકાંક્ષાને અનુરૂપ ટેકનિકલ અને વ્યાવસાયિક શિક્ષણ પૃષ્ઠભૂમિના વિદ્યાર્થીઓની પસંદગી કરશે. એકવાર આ વિદ્યાર્થીઓને તેમના પસંદ કરેલા અભ્યાસ ક્ષેત્રમાં પ્રમાણિત કરવામાં આવે, પછી તેમને તેમની ભૂમિકા અને તાલીમના ક્ષેત્રના આધારે અદાણી ગ્રુપ તેમજ વ્યાપક બીજા ઉદ્યોગોમાં રોજગાર આપવામાં આવશે. એ વાત સુનિશ્ચિત કરાશે કે તાલીમ પામેલા વ્યાવસાયિકો પ્રથમ દિવસે પ્રથમ કલાકે જ ઉદ્યોગોમાં કામ કરવા માટે તૈયાર હોય અને શ્રેષ્ઠતાના વૈશ્વિક ધોરણો અનુસાર બેન્ચમાર્ક હોય.આ કાર્યક્રમના પ્રારંભિક તબક્કામાં ગુજરાતના મુન્દ્રામાં તકનીકી તાલીમ માટે વિશ્વની સૌથી મોટી ફિનિશિંગ સ્કૂલ સ્થાપિત કરવામાં આવશે. જેનો ઉદ્દેશ્ય વાર્ષિક 25,000થી વધુ શીખનારાઓને વિવિધ ઉદ્યોગ અને સેવા ભૂમિકાઓ માટે કૌશલ્ય આપવાનો છે. આ વિદ્યાર્થીઓ ITI અથવા પોલિટેકનિકમાંથી વ્યાવસાયિક અને તકનીકી લાયકાત ધરાવતા નવા સ્નાતકો અને ડિપ્લોમાધારકો હશે. આ ઉપરાંત તેમને શાળાઓમાં સઘન બુટકેમ્પ અને અનુભવ દ્વારા પણ પસંદ કરવામાં આવશે.

અદાણી ગ્લોબલ સ્કિલ્સ એકેડેમી વિશ્વમાં તેના પ્રકારની સૌથી મોટી હશે. અહીં વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી માટે સંપૂર્ણપણે રહેણાંક સુવિધાઓ આપવામાં આવશે. તેમાં નવીનતા કેન્દ્રો હશે જે AI-આધારિત સિમ્યુલેટર સાથેના મિશ્ર વાસ્તવિકતા આધારિત શિક્ષણ સાથે એક ઇમર્સિવ શિક્ષણનો અનુભવ પ્રદાન કરશે. ઉચ્ચ-ગુણવત્તાવાળા શિક્ષણ અનુભવને સુનિશ્ચિત કરવા માટે, અદાણી ITEES સિંગાપોર સાથે ભાગીદારી કરી રહી છે, જે કારકિર્દીલક્ષી તકનીકી અને વ્યાવસાયિક તાલીમ પ્રદાન કરવામાં વિશ્વમાં અગ્રણી છે અને રાષ્ટ્રીય વ્યાવસાયિક કૌશલ્ય પ્રમાણપત્ર અને ધોરણોના મુખ્ય વિકાસકર્તા છે.

આ પ્રસંગે અદાણી સ્કિલ્સ એન્ડ એજ્યુકેશનના CEO રોબિન ભૌમિકે જણાવ્યું હતું, “આ ભાગીદારી ઉચ્ચ સ્તરીય ટેકનિકલ પ્રતિભાઓનું નિર્માણ કરવા માટેના જૂથ તરીકેની અમારી પહેલ માટે મહત્વપૂર્ણ છે અને અમારા પોર્ટફોલિયોમાં મેક-ઇન-ઇન્ડિયા ફોકસ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા સાથે સુસંગત છે. શૈક્ષણિક ગુણવત્તા ખાતરી, પ્રમાણપત્ર-આગેવાની હેઠળના શિક્ષણ માર્ગો, ફેકલ્ટિ અને વિદ્યાર્થી વિનિમય કાર્યક્રમો અને નેતૃત્વ વિકાસમાં ઊંડા જોડાણ સાથે, આ ભાગીદારી વિવિધ ક્ષેત્રોમાં ઉદ્યોગોને ટેકો આપવા માટે એપ્લિકેશન-આગેવાની હેઠળના શિક્ષણનો શ્રેષ્ઠ ઉપયોગ કરશે. આ કદમ દ્વારા અદાણી સમૂહ ભારતના વિકાસ મહત્વનો ફાળો આપશે.”ITEES, સિંગાપોરના CEO સુરેશ નટરાજને જણાવ્યું હતું, “ITEES કૌશલ્ય શિક્ષણ અને તાલીમમાં ITEની કુશળતા અને જ્ઞાન શેર કરવા માટે અદાણી સમૂહ સાથે સહયોગ કરીને અમે ખુશ છીએ. આ અર્થપૂર્ણ ભાગીદારી દ્વારા, ITEES કૌશલ્ય વિકાસને વધારવા અને શિક્ષણ અને જીવનને પરિવર્તિત કરીને કાયમી અસર બનાવવાનો હેતુ ધરાવે છે.” વર્ષોથી, ITEESને ટેકનિકલ શિક્ષણમાં તેના અદભુત પરિવર્તન માટે ઘણી પ્રશંસા મળી છે, જેમાં 2011માં સિંગાપોર ગુણવત્તા પુરસ્કાર જીતનાર પ્રથમ શિક્ષણ સંસ્થા હોવાનો પણ સમાવેશ થાય છે.

સુરતના સચિન GIDCમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ સમયે સિલિન્ડર બ્લાસ્ટ

સુરત: સચિન GIDC વિસ્તારમાં ગેરકાયદે ગેર રિફિલિંગને કારણે ફરી એકવાર મોટી દુર્ઘટના બની છે. 12 ફેબ્રુઆરી બુધવારના રોજ રામેશ્વર કોલોની નજીક યોગેશ્વરનગર સોસાયટીમાં આવેલી એક દુકાનમાં ગેસ રિફિલિંગનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. આ દરમિયાન સિલિન્ડર બ્લાસ્ટ થતાં એક વૃદ્ધ મહિલાનું માથું ધડથી અલગ થઇ ગયું હતું. જેના કારણે તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ઘટના અંગે માહિતી મળતા સચિન GIDC પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે સચિન GIDC વિસ્તારની આસપાસના વિસ્તારોમાં મોટા પાયે શ્રમજીવી પરિવારો વસે છે. મોંઘવારી અને દસ્તાવેજોના અભાવે તેઓ કાયદેસર ગેસ કનેકશન મેળવી શકતા નથી અને તેનો લાભ ગેરકાયદે ગેસ રિફિલિંગ માફિયા ઉઠાવે છે. સચિન GIDC વિસ્તારમાં રામેશ્વર કોલોની નજીક યોગેશ્વરનગર સોસાયટીમાં આવેલી ભાડાની એક દુકાનમાં ગેસ રિફિલિંગ કરવામાં આવી રહ્યું હતું. એ સમયે ગેસ સિલિન્ડરમાં ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો. ઉલ્લેખનીય છે કે, સિલિન્ડર બ્લાસ્ટની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. બ્લાસ્ટ થતા સીસીટીવી જોઇને અંદાજો લગાવી શકાય છે કે, બ્લાસ્ટ કેટલો ભયંકર હતો. સિલિન્ડર બ્લાસ્ટની ઘટનાનો મહિલા ભોગ બની છે. બ્લાસ્ટ દરમિયાન 50 વર્ષીય ભૂરી યાદવ નામની મહિલાનું પતરાથી ગળું કપાઈ જતાં મોત નીપજ્યું છે. મૃતક મૂળ બિહારના ચિત્રકૂટ ખાતે આવેલા શિવરામપુરાની વતની હતા. મહિલા સચિન વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં કામ કરતી હતી.

અભિનેતા રાજપાલ યાદવે રણવીર અલ્લાહબાદિયાનો લીધો ઉધડો

મુંબઈ: તાજેતરમાં ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ શોમાં, યુટ્યુબર રણવીર અલ્લાહબાદિયાએ એક વિવાદાસ્પદ અને અભદ્ર ટિપ્પણી કરી હતી. હાલમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. તાજેતરમાં ઘણા હાસ્ય કલાકારોએ આ મુદ્દા પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. આ દરમિયાન, અભિનેતા રાજપાલ યાદવે પણ રણવીર અલ્લાહબાદિયાની ટિપ્પણી પર ગુસ્સો વ્યક્ત કર્યો છે.

રણવીર અલ્લાહબાદિયાની વિવાદાસ્પદ અને અશ્લીલ ટિપ્પણી પર રાજપાલ યાદવ કહે છે, ‘આવા વીડિયો જોવું પણ શરમજનક છે. આપણે એવા દેશમાં રહીએ છીએ જ્યાં માતાપિતાનું સન્માન કરવામાં આવે છે. પણ સસ્તી લોકપ્રિયતાની પાછળ ફસાયેલી આપણી યુવા પેઢીને શું થયું છે? આ કેવા લોકો છે, જેઓ પોતાના માતા-પિતાને પણ છોડતા નથી? તેમને કાઉન્સેલિંગની જરૂર છે.’

કલાનો નાશ કરી રહ્યા છે
રાજપાલ યાદવ આગળ કહે છે, ‘કલાને એટલી ઘૃણાસ્પદ ન બનાવો કે તમારા જેવા કેટલાક લોકોના કારણે દર્શકો કલાને જ નફરત કરવા લાગે. તમારી સંભાળ રાખો, તમારા માતાપિતાનો આદર કરો. સમાજનો આદર કરો. મને એવા લોકો પર શરમ આવે છે જેઓ આવી સામગ્રી જુએ છે અને બનાવે છે.’

શું છે આખો મામલો?
સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈના ‘ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’ નામનો શો ચલાવે છે. આ શોમાં વિવિધ ક્ષેત્રોના લોકોને જજ રૂપે આમંત્રિત કરવામાં આવે છે. તાજેતરમાં, સમય રૈનાના શોમાં જજ તરીકે આવેલા યુટ્યુબર રણવીર અલ્લાહબાદિયાએ એક વિવાદાસ્પદ અને અશ્લીલ ટિપ્પણી કરી હતી. આ પછી લોકોએ સોશિયલ મીડિયા પર તેમની વિરુદ્ધ વાત કરવાનું શરૂ કર્યું. પોલીસમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. ઘણા શહેરોમાં તેમની વિરુદ્ધ ફરિયાદો દાખલ કરવામાં આવી છે. મંગળવારે મુંબઈ પોલીસની એક ટીમ રણવીર અલ્હાબાદિયાના ઘરે પણ પહોંચી હતી. તેમની સામે વધુ કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.

ગુજરાત જાયન્ટ્સે વડોદરામાં WPL 2025 માટે જર્સીનું અનાવરણ કર્યું

વડોદરા: વુમન્સ પ્રીમિયર લીગ (WPL)ની મેચ આગામી દિવસોમાં વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં રમાવાની છે. ત્યારે વડોદરાના મહારાણી રાધિકારાજે ગાયકવાડ દ્વારા ગુજરાત જયન્ટ્સની ટીમને ટેકો જાહેર કરી શુભેચ્છા પાઠવવામાં આવી. તેમના બહુ અપેક્ષિત હોમ ડેબ્યુ પહેલા, ગુજરાત જાયન્ટ્સના કપ્તાન એશલે ગાર્ડનર, સાથી ખેલાડીઓ કાશવી ગૌતમ, ફીબી લિચફિલ્ડ અને ડિઆન્ડ્રા ડોટિને વડોદરાના મહારાણી રાધિકારાજે ગાયકવાડે યાદગાર સાથે આઇકોનિક લક્ષ્મી વિલાસ પેલેસની સહેલગાહનો આનંદ માણ્યો.મહિલા સશક્તિકરણના મજબૂત હિમાયતી મહારાણી રાધિકારાજેએ ટીમને તેમનો ટેકો આપ્યો હતો અને તેમની નારી શક્તિકરણની પહેલો અને વડોદરાની ક્રિકેટ સંસ્કૃતિના વારસા વિશે વિશેષ વાતો શેર કરી હતી.બોલિંગ કોચ પ્રવિણ તાંબે અને અદાણી સ્પોર્ટ્સલાઇનના ચીફ બિઝનેસ ઓફિસર સંજય આડેસરા સાથે જોડાયેલા ખેલાડીઓએ મહારાણી ચિમનાબાઈ સ્ત્રી ઉદ્યોગાલય (MCSU) દ્વારા શરૂ કરાયેલ ગઝરા કાફેની પણ મુલાકાત લીધી હતી. મહારાણી ચિમનાબાઈ II દ્વારા 1914માં સ્થપાયેલ, MCSU શિક્ષણ, વ્યાવસાયિક તાલીમ અને કૌશલ્ય વિકાસ, ખાસ કરીને હસ્તકલા અને ભરતકામ દ્વારા મહિલાઓના સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કાફે LGBTQ+ સમુદાયના સભ્યો દ્વારા ચલાવવામાં આવે છે.આ મુલાકાતમાં ખેલાડીઓ અને મહારાણી રાધિકારાજે વચ્ચે એક વિશેષ ઇન્ટરેક્ટિવ સેશન થયું, જેઓ ક્રિકેટ સાથે ઊંડો સંબંધ ધરાવે છે. પ્રશંસાના સંકેત તરીકે, કેપ્ટન એશલે ગાર્ડનરે ખાસ ગુજરાત જાયન્ટ્સ જર્સી મહારાણીજીને આપી. મહારાણીએ નવી સીઝન પહેલા ટીમને તેમની શુભેચ્છાઓ આપી, ગુજરાતની ટીમ, મહિલા ક્રિકેટ અને ભારતમાં તેની વધતી જતી અસરને તેમના સમર્થનની પુનઃ પુષ્ટિ કરી.

સાહિત્ય અકાદમીએ બે કચ્છી સર્જકોને ગૌરવ પુરસ્કારની જાહેરાત કરી

ગાંધીનગરગુજરાત સાહિત્ય અકાદમી-ગાંધીનગર દ્વારા પ્રતિ વર્ષ આપવામાં આવતા કચ્છી ભાષા ગૌરવ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જ્હાની અધ્યક્ષતામાં મળેલી સમિતિની બેઠકમાં જાહેરાત કરવામાં આવી છે. વર્ષ 2023 માટે બે કચ્છી સર્જકને ગૌરવ પુરસ્કાર આપવાની ઘોષણા કરવામાં આવી છે. કચ્છી ભાષાના સંવર્ધનમાં શ્રેષ્ઠ યોગદાન આપવા બદલ વિશ્રામ ગઢવીને સાહિત્ય ગૌરવતો ડો. પૂર્વી ગોસ્વામીને યુવા ગૌરવ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા હોવાનું ગુજરાતી સાહિત્ય અકાદમીના મહામાત્ર ડો. જયેન્દ્રસિંહ જાદવે પાઠવેલી યાદીમાં જણાવાયું છે. કચ્છી ભાષાના પ્રથમ પંક્તિના ગદ્યકાર વિશ્રામ એમ. ગઢવી (મોટા લાયજા)એ કચ્છી સર્જક તરીકે પોતાના સર્જનો દ્વારા આગવી ઓળખ ઊભી કરી છે. તેમણે કચ્છી વાર્તાસંગ્રહ `ઓમાણ‘ કચ્છી લલિત નિબંધ સંગ્રહો `ખીરોલા‘ અને `માનીયારી‘ સહિત 15 જેટલા કચ્છી ગુજરાતી પુસ્તકનું સર્જન-પ્રકાશન કર્યું છે. તેમના પાંચ પુસ્તક સાહિત્ય અકાદમીએ પુરસ્કૃત કર્યાં છે. કચ્છ શક્તિ નેશનલ એવોર્ડ (સાહિત્યરત્ન) મુંબઇ-2024, બેનામ સંગીત-સાહિત્ય પારિતોષિકતારામતી ગાલા કલા સાહિત્ય લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ-2022 સહિત અનેક માન અકરામ મેળવાના બે જાણીતા ઉદ્ઘોષક-વક્તા છે. તેમની નવલકથા રત જા રૂંગાના ગુજરાતી તથા હિન્દી અનુવાદ તથા ઓમાણ વાર્તા સંગ્રહનો અંગ્રેજી અનુવાદ The Deposit નામે થયો છે. કચ્છી સાહિત્ય કલા સંઘના ઉપપ્રમુખ તરીકે સેવા આપતા વિશ્રામ ગઢવી કચ્છી જાણ-સુજાણ પરીક્ષાના સંયોજક પણ રહી ચૂક્યા છે.ડો. પૂર્વી ગોસ્વામીએ 2016ની સાલથી પૂર્ણ સભ્ય માટે લેખન કાર્યને આદરી કચ્છના સમૃદ્ધ વારસાને  પ્રદર્શિત કરવાનો સ્તુત્ય પ્રયાસ કર્યો છે. કચ્છની ખમીરવંતી નારીના જીવનચરિત્ર વિશે કરેલાં કટાર લેખન બદલ તેમને 2022માં વૂમન એચિવર એવોર્ડ એનાત કરાયો હતો. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે તેમણે  સરહદી કચ્છની વીરાંગનાઓ અને યુસુફ મહેરઅલી ગૌરવગાથા શ્રેણીનું આલેખન કર્યું હતું. કવિ મહેશ સોલંકી `બેનામની સ્મૃતિમાં શરૂ કરાયેલ એવોર્ડ શ્રેણીના પ્રથમ વર્ષમાં તેમને બેનામ સાહિત્ય ગૌરવ એવોર્ડ એનાયત કરાયો હતો. 

કેજરીવાલઃ ‘તિહાર’ થી હાર સુધી…

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં હાર-જીતના રાજકીય લેખાજોખાં થતા રહેશે. આ પરિણામ પછી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીનું રાજકીય ભાવિ જે દિશામાં વળે તે, પણ ભારતીય રાજકારણમાં અરવિંદ કેજરીવાલનો ઉદય અને પરાજય એક કેસ-સ્ટડી ચોક્કસ બની શકે એમ છે.

એટલા માટે કે, કેજરીવાલનો ઉદય ભ્રષ્ટાચાર સામેના આંદોલનમાંથી થયો હતો. ભારતીય રાજકારણમાં આ એક નવો પ્રયોગ હતો, જેમાં અરવિંદ કેજરીવાલ, કિરણ બેદી, પ્રશાંત ભૂષણ, યોગેન્દ્ર યાદવ, સ્વામી અગ્નિવેશ જેવા બીન-રાજકીય બેકગ્રાઉન્ડ ધરાવતા લોકો બ્રષ્ટાચાર સામેની લડતના મુદ્દે એક મંચ પર આવ્યા, અન્ના હજારેની આગેવાનીમાં જનલોકપાલ બીલ માટે બધા લડ્યા અને એમાંથી આમ આદમી પાર્ટી નામના રાજકીય પક્ષનો જન્મ થયો.

અરવિંદ કેજરીવાલ આ રાજકીય પક્ષનો ચહેરો તો બન્યા, સાથે સાથે એ દેશના લાખ્ખો યુવાનો, પ્રોફેશનલ્સ અને મધ્યમ વર્ગ માટે ભ્રષ્ટ સિસ્ટમ સામેની લડતનો ય ચહેરો બન્યા. એ સમયે ભ્રષ્ટ રાજકારણીઓ અને સિસ્ટમથી થાકેલી, કંટાળેલી, અને હતાશ ભારતીય પ્રજા માટે કેજરીવાલ આશાનું કિરણ હતા. એક એવો યુવાન, જે આઇઆઇટીમાંથી ભણ્યો છે, સારી સરકારી નોકરી છોડીને લોકો માટે લડવા નીકળ્યો છે, રેમન મેગ્સેસાય જેવું સમ્માન પામ્યો છે.

વર્ષ 2011ના એ દિવસો યાદ કરો. 4 ઓગસ્ટ, 2011ના રોજ નવી દિલ્હીના કૌશંબી મેટ્રો સ્ટેશન સામે આવેલા એક બંગલાની બહાર પ્રશાંત ભૂષણ, કિરણ બેદી, સ્વામી અગ્નિવેશ અને આંદોલનમાં ભાગ લેવા થનગનતા અનેક યુવાનોની હાજરીમાં આ કેજરીવાલે એ વખતના સરકારી લોકપાલ બીલને સળગાવીને હોળી કરેલી. દેશભરમાં આ રીતે બીલની હોળી કરવામાં આવી અને એને મશાલ ક્રાંતિ એવું નામ આપવામાં આવ્યું.

આ મશાલ ક્રાંતિને દેશભરમાંથી વ્યાપક સમર્થન મળતું જતું હતું. પત્રકાર કમ એક્ટીવિસ્ટ શિવેન્દ્ર ચૌહાણ, અમેરિકાથી કોર્પોરેટ ફાઇનાન્સનું ભણીને આવેલો ગૌરવ બક્ષી, સોફ્ટવેર એન્જિનિયર અંકિત લાલ, યુવાન એડવોકેટ ઋષિકેશ કુમાર, મુંબઇની યંગ ઇન્ટિરિયર ડિઝાઇનર મધુ સિંગ જેવા કંઇકેટલાય તેજસ્વી યુવાનો અને હાઇલી ક્વોલિફાઇડ યંગ પ્રોફેશનલ્સ કામ-ધંધો છોડીને એમની સાથે ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન મુવમેન્ટમાં જોડાઇ ગયેલા. એ બધાને અરવિંદમાં એક આશા દેખાતી હતી, સ્વચ્છ અને ક્રાંતિકારી રાજકારણની આશા.

પણ દસ વર્ષ પછી એ યુવાનો અને ભ્રષ્ટ સિસ્ટમથી થાકેલા મધ્યમ વર્ગની આ આશા ઠગારી નીવડી છે.

ક્યાં વર્ષ 2011ના એ કેજરીવાલ અને ક્યાં આજના કેજરીવાલ? આજે 2025માં તમે જે કેજરીવાલને જૂઓ છો એ દેશના બીજા બધા રાજકારણીઓ જેવા જ એક રાજકારણી છે, જેની પ્રામાણિકતા શંકાથી પર નથી. જે કેજરીવાલ ક્યારેય સરકારી ગાડી-બંગલો નહીં વાપરવાના વાતો કરતા હતા એમણે મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાનને કરોડોના ખર્ચે ‘શીશમહલ’ બનાવી નાખ્યો. જે કેજરીવાલ દિલ્હીના તત્કાલિન મુખ્યમંત્રી શીલા દિક્ષિતને જેલમાં મોકલવાની વાતો કરતા હતા એ કેજરીવાલે એ જ શીલા દિક્ષિતની કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી. જે કેજરીવાલ લાલુ-મુલાયમના પક્ષને ખુલ્લેઆમ ભ્રષ્ટાચારી કહેતા હતા એ જ કેજરીવાલ એમની સાથે ગઠબંધન કરતા થઇ ગયા. અરે, જે ભ્રષ્ટાચાર સામેના આંદોલનમાંથી એ હીરો બનીને બહાર આવ્યા અને એ જ બ્રષ્ટાચારના આક્ષેપો એમને પહેલાં ‘તિહાર’ અને હવે હાર સુધી દોરી ગયા છે.

આ હાર માટે બીજા કારણોની સાથે એમની આપખુદશાહી પણ જવાબદાર છે. આમ આદમી પાર્ટી રચીને ચૂંટણી લડયા, સત્તામાં આવ્યા એ પછી પ્રશાંત ભૂષણ, યોગેન્દ્ર યાદવ, કુમાર વિશ્વાસ જેવા આંદોલન સમયના કેટલાય સાથીઓ છોડી ગયા ત્યારે સત્તાના અહંકારમાં કેજરીવાલે એની પરવા ન કરી. સ્વાતિ માલિવાલ જેવી નજીકની સાથીદાર પણ દૂર ગઇ ત્યારે ચિંતા કરવાના બદલે અંગત સચિવ વિભવકુમાર પર વધારે ભરોસો રાખ્યો.

અરે, આંદોલન સમયના એમના અત્યંત નજીકના સાથી યોગેન્દ્ર યાદવ અને પ્રશાંત ભૂષણે એમને 2014માં લોકસભાની ચૂંટણી લડવાના બદલે પસંદગીના બેઠકો પર લડીને પક્ષને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી, પણ કેજરીવાલે એમને અવગણીને લોકસભામાં 300 ઉમેદવારો તો લડાવ્યા, ખુદ વારાણસીમાં નરેન્દ્ર મોદી સામે લડવાની મૂર્ખાઇ કરી બેઠા. આંદોલનથી સત્તા મેળવી શકાય, પણ સત્તા મળ્યા પછી આંદોલનોથી શાસન ન થાય એ વાત ભૂલી ગયા. આ દસ વર્ષમાં એ નરેન્દ્ર મોદી-અમિત શાહને રાજકીય દાવપેચમાં ટક્કર આપતા રહ્યા, પણ એક મુખ્યમંત્રી માટે જરૂરી પોલિટીકલ મેચ્યોરીટી (રાજકીય પરિપક્વતા) એમનામાં ક્યારેય જોવા ન મળી.

વેલ, ચૂંટણીના રાજકારણમાં હાર-જીત એ નવી વાત નથી. કેજરીવાલનું રાજકીય ભાવિ તો સમય જ કહેશે, પણ એટલું નક્કી છે કે ભવિષ્યમાં કોઇ નવો ‘અરવિંદ કેજરીવાલ’ ભ્રષ્ટાચાર સામે લડત છેડશે તો દૂધના દાઝેલા લોકો એના પર ભરોસો નહીં મૂકે. દેશના આમ આદમી માટે આ સૌથી મોટો સબક છે, અને સૌથી મોટી નિરાશા છે.

(લેખક ચિત્રલેખા.કોમના એડિટર છે.) 

Nutshell In 99

વિવાદોમાં ઘેરાયેલા યુટ્યુબર સમય રૈનાના ગુજરાતના તમામ શો રદ

અમદાવાદ: વિવાદોમાં ઘેરાયેલા યુટ્યુબર સમય રૈનાના અશ્લીલ ટિપ્પણીનો આ વિવાદ ગુજરાત સુધી પંહોચ્યો છે. તેમના ગુજરાતના તમામ શો રદ કરવામાં આવ્યા છે. એક શોમાં અશ્લીલ ટિપ્પણી કરવા બદલ રણવીર અલ્હાબાદિયા અને કોમેડિયન સમય રૈના સામે લોકોમાં ઉગ્ર વિરોધ જોવા મળ્યો. વિવાદિત નિવેદનને પગલે રણવીર તેમજ સમય રૈના સામે ફરિયાદ નોંધાઈ હતી. વિવાદને પગલે હવે ગુજરાતમાં પણ સમય રૈના અને રણવીરની સખ્ત શબ્દોમાં ટીકા કરતાં કોમેડીના નામ ગંધ ફેલાવનારા આવા શો પર પ્રતિબંધ મૂકવાની લોકો માંગ કરી રહ્યા છે.

આગામી દિવસોમાં ગુજરાતમાં કોમેડીયન સમય રૈનાના શોનું આયોજન કરાયું હતું. અમદાવાદ, સુરત સહિત વડોદરામાં કોમેડીયન સમય રૈના શો કરવાનો હતો. એપ્રિલ મહિનામાં 17થી 20 તારીખ દરમ્યાન વડોદરા, સુરત જેવા વિવિધ શહેરોમાં સમય રૈનાના અનફિલ્ટર શોનું આયોજન કરાયું હતું. એપ્રિલમાં યોજાનાર શોની મોટાભાગની ટિકિટોનું વેચાણ થઈ ગયું છે. વિવાદને પગવે ગુજરાતના તમામ શો રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વડોદરામાં 18 એપ્રિલે સમય રૈનાનો શો યોજાવાનો હતો. યુવાનોએ આ શોનો વિરોધ કરતાં દેશમાં આવા લોકોના શો ન થવા જોઈએ તેવો ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો. યુવાનોએ સરકારને અપીલ કરતાં માંગ કરી કે આવા શો પર પ્રતિબંધ મુકવો જોઈએ અને કોમેડીના નામે ગંદકી ફેલાવનારા લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.

મહત્વનું છે કે ‘ઇન્ડિયાઝ ગૉટ લૅટન્ટ’માં યુટયુબર રણવીર અલાહાબાદિયા દ્વારા માતાપિતાના સંબંધને લઈને અશ્લીલ ટિપ્પણી મુદ્દે વિવાદાસ્પદ નિવેદન આપ્યું. શોની આ કલીપ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં નેટીઝન્સ રણવીરની સાથે શો ના હોસ્ટ સમય રૈનાની ખૂબ ટીકા કરી રહ્યા છે. વિવાદિત નિવેદનને પગલે મનોરંજક શોમાં અશ્લીલ અપશબ્દો બોલાવાને લઈને રણવીર અને સમય રૈના વિરુદ્ધ મુંબઈ પોલીસ કમિશનર અને મહારાષ્ટ્ર મહિલા આયોગમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

Super Boys Of Malegaon Trailer: માલેગાંવના છોકરાઓની ફિલ્મ બનાવવાની અદ્ભુત વાર્તા

મુંબઈ: આજે બૉલિવૂડ ફિલ્મ ‘સુપરબોય્સ ઓફ માલેગાંવ’નું ટ્રેલર રિલીઝ થયું છે. મુંબઈમાં એક ટ્રેલર લૉન્ચ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રેલર લૉન્ચ ઈવેન્ટમાં ફિલ્મની સ્ટાકાસ્ટની હાજરીમાં આજે ટ્રેલર લૉન્ચ કરવામાં આવ્યું. ફિલ્મ એક અલગ પ્રકારના લોકોની વાર્તા છે.

Photo: Deepak Dhuri

માલેગાંવના છોકરાનું સ્વપ્ન

રીમા કાગતી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં આદર્શ ગૌરવ, શશાંક અરોરા, વિનીત કુમાર સિંહ, અનુજ સિંહ દુહાન, સાકિબ અયુબ, પલ્લવ સિંહ અને મંજરી છે. ટ્રેલરની શરૂઆતમાં એક વિમાન દેખાય છે. માલેગાંવના બે મિત્રો સ્કૂટર પર જતા સમયે ખૂબ જ ઉત્સુકતાથી વિમાન તરફ જુએ છે. હવાઈ ​​મુસાફરીનું સ્વપ્ન જુએ છે. ચર્ચા કરતાં કરતાં તેઓ એક ફિલ્મ બનાવવાની યોજના બનાવે છે.

Photo: Deepak Dhuri

ફિલ્મ ક્યારે રિલીઝ થશે?

ફિલ્મ બનાવવાનું સ્વપ્ન જોવા અને તેને વાસ્તવિકતામાં ફેરવવા વચ્ચેનો સૌથી મોટો પડકાર પૈસાનો અભાવ છે. પણ જ્યાં ઈચ્છા હોય ત્યાં રસ્તો હોય જ છે. અંતે તેઓ ફિલ્મ બનાવે છે ‘માલેગાંવ કી શોલે’. આ સ્વપ્ન મર્યાદિત સંસાધનોમાં પૂર્ણ થાય છે. ફિલ્મની રિલીઝ ડેટની વાત કરીએ તો, તે 28 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મના કલાકારોના અભિનયની ફિલ્મ ફેસ્ટિવલમાં પણ ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે દર્શકોને કેવો પ્રતિસાદ મળે છે.

માલેગાંવના સામાન્ય લોકોની વાર્તા પર આધારિત ફિલ્મ

‘સુપરબોય્સ ઓફ માલેગાંવ’ ફિલ્મની વાર્તા માલેગાંવના સામાન્ય લોકો વિશે છે, જેમને હિન્દી ફિલ્મ જોયા પછી ફિલ્મ બનાવવાનો વિચાર આવે છે. આ ફિલ્મ એક કલાપ્રેમી ફિલ્મ નિર્માતા, નાસિર શેખ (આદર્શ ગૌરવ) અને તેના મિત્રોના જીવનને અનુસરે છે. આ ફિલ્મનું નિર્માણ રિતેશ સિધવાની, ફરહાન અખ્તર, ઝોયા અખ્તર અને રીમા કાગતીએ કર્યું છે. ફરહાન અખ્તરે પણ તેના X એકાઉન્ટ (અગાઉ ટ્વિટર) પરથી ટ્રેલર શેર કર્યું છે. સાથે લખ્યું છે કે,’કારણ કે સિનેમા સપનાઓ સાથે સંબંધિત છે.’ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર પર યુઝર્સ સકારાત્મક ટિપ્પણીઓ આપી રહ્યા છે.