Home Blog Page 1180

જીત અદાણી-દિવા શાહ લગ્નગ્રંથિથી જોડાયા, પરિવારની 10,000 કરોડના દાનની જાહેરાત

અમદાવાદ: દેશના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના પુત્ર જીત અદાણીએ પરંપરાગત વિધિ સાથે દિવા શાહ સાથે કર્યા લગ્ન. આ શુભ પ્રસંગ અદાણી શાંતિગ્રામ ટાઉનશીપ ખાતે યોજાયો હતો અને તેમાં માત્ર પરિવાર અને નજીકના સંબંધીઓ હાજર રહ્યા હતા. આ સમારોહ સંપૂર્ણપણે ખાનગી રાખવામાં આવ્યો હતો અને તેમાં કોઈ સેલિબ્રિટી કે મહાનુભાવો હાજર નહોતા.

ગૌતમ અદાણીએ તેમના નાના પુત્રના લગ્નની તસવીરો શેર કરી અને સોશિયલ મીડિયા પર લખ્યું,

“સર્વશક્તિમાન ભગવાનના આશીર્વાદથી, જીત અને દિવા આજે લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા. આજે અમદાવાદમાં પરંપરાગત વિધિઓ અને પ્રિયજનો વચ્ચે શુભ મંગલ ભાવ સાથે લગ્ન યોજાયા. આ એક નાનો અને અત્યંત ખાનગી કાર્યક્રમ હતો, તેથી અમે ઈચ્છતા હોવા છતાં બધા શુભેચ્છકોને આમંત્રણ આપી શક્યા નહીં, જેના માટે હું માફી માગુ છું. હું મારી દીકરી દિવા અને જીત માટે તમારા બધા પાસેથી મારા હૃદયપૂર્વકના પ્રેમ અને આશીર્વાદની માગ કરું છું.”

પ્રેરણાદાયી પહેલ

ગૌતમ અદાણીએ તેમના પુત્રના લગ્ન પ્રસંગે ₹10,000 કરોડના સામાજિક સેવા કાર્યની જાહેરાત કરી. આ રકમનો ઉપયોગ આરોગ્ય, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ માટે કરવામાં આવશે. જે સામાન્ય લોકોને ઉચ્ચ ગુણવત્તાની સુવિધાઓ પૂરી પાડશે.

લગ્ન પહેલા જીત અદાણીએ પ્રયાગરાજમાં મહાકુંભમાં પહોંચીને આશીર્વાદ લીધા અને પરિવાર સાથે ગંગા સ્નાન કર્યું. તેમણે પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે તેમના લગ્ન સાદગી અને પરંપરાગત મૂલ્યો સાથે થશે.

મંગલ સેવા યોજના શરૂ કરવામાં આવી

ગૌતમ અદાણીએ અપંગ નવપરિણીત મહિલાઓ માટે ‘મંગલ સેવા’ યોજનાની જાહેરાત કરી. આ અંતર્ગત, દર વર્ષે 500 વિકલાંગ મહિલાઓને ₹10 લાખની નાણાકીય સહાય આપવામાં આવશે જેથી તેઓ આત્મનિર્ભર બની શકે.અદાણી પરિવારની સાદગી-સેવાની પરંપરા

ગૌતમ અદાણીએ આ પ્રસંગને ફક્ત પારિવારિક ખુશી પૂરતો મર્યાદિત રાખ્યો નહીં પરંતુ તેને સમાજ સેવા સાથે જોડ્યો. તેમણે કહ્યું, “સેવા એ જ સાચી આધ્યાત્મિક સાધના છે અને સમાજના ઉત્થાનથી મોટી કોઈ ઘટના હોઈ શકે નહીં.”

સલમાન ખાનની રેકી કરનારા બે આરોપીઓને મળ્યા જામીન

ફાર્મહાઉસ નજીક સલમાન ખાનની હત્યાના નિષ્ફળ કાવતરાના કેસમાં બોમ્બે હાઈકોર્ટે બે આરોપીઓ,વસીમ ચિકના અને સંદીપ બિશ્નોઈને જામીન આપ્યા છે. ગયા વર્ષે પનવેલમાં તેમના ફાર્મહાઉસ નજીક બોલિવૂડ અભિનેતા સલમાન ખાનની હત્યાના નિષ્ફળ કાવતરામાં સામેલ હોવાના આરોપસર અપૂરતા પુરાવાને ટાંકીને બોમ્બે હાઈકોર્ટે શુક્રવારે બે આરોપીઓને જામીન આપ્યા. આ કાવતરું કથિત રીતે જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગ દ્વારા રચવામાં આવ્યું હતું.

હાઇકોર્ટે આરોપીને જામીન આપ્યા

જૂન 2024 માં, મુંબઈ પોલીસે ગયા વર્ષે એપ્રિલમાં બાંદ્રામાં તેમના નિવાસસ્થાનની બહાર ગોળીબારની ઘટનાની તપાસ કરતી વખતે અભિનેતાની હત્યાના કાવતરાનો પર્દાફાશ કર્યો, જે બિશ્નોઈ ગેંગના સભ્યો દ્વારા પણ કરવામાં આવ્યો હતો. ન્યાયાધીશ એન.આર. બોરકરની બેન્ચે વાસ્પી મહેમૂદ ખાન ઉર્ફે વસીમ ચિકના અને ગૌરવ વિનોદ ભાટિયા ઉર્ફે સંદીપ બિશ્નોઈને જામીન આપ્યા, કારણ કે બેન્ચને જાણવા મળ્યું કે જે વોટ્સએપ ગ્રુપ પર કથિત કાવતરું ઘડવામાં આવ્યું હતું અને ચર્ચા કરવામાં આવી હતી તેમાં તેમની હાજરી સિવાય તેમની વિરુદ્ધ કોઈ નક્કર પુરાવા નથી.

સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી

આ નિષ્ફળ કાવતરાના કેસમાં કુલ સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસનો આરોપ છે કે આ બધા બિશ્નોઈ ગેંગના સભ્યો છે. પોલીસ તપાસ મુજબ ગૌરવ, વાસ્પી અને અન્ય આરોપી રિઝવાન ખાન ઉર્ફે જાવેદ ખાને અભિનેતાના ફાર્મહાઉસ તેમજ બાંદ્રા સ્થિત તેના ઘરની રેકી કરી હતી.

આજે સુનાવણી દરમિયાન વાસ્પી અને ગૌરવનું પ્રતિનિધિત્વ કરતા વકીલ યશવંત ચાવરેએ દલીલ કરી હતી કે તેમના પરના આરોપો મીડિયાનું ધ્યાન ખેંચવા માટે બનાવટી બનાવવામાં આવ્યા છે. યશવંત ચાવરેએ જણાવ્યું હતું કે ગયા વર્ષે જૂનમાં રાજસ્થાનથી ધરપકડ કરાયેલા સહ-આરોપી દીપક ગોગલિયા ઉર્ફે જોની વાલ્મીકીને પનવેલ સેશન્સ કોર્ટમાંથી જામીન મળી ગયા છે.

બોમ્બે હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપ્યો

વકીલે વધુમાં જણાવ્યું હતું કે વાસ્પી અને ગૌરવ ન તો બિશ્નોઈ ગેંગનો ભાગ હતા અને ન તો તેઓ કથિત કાવતરામાં સામેલ હતા. જોકે, વધારાના સરકારી વકીલ ગીતા મુલેકરે જામીન અરજીનો વિરોધ કરતા કહ્યું કે આરોપીઓ સામેના આરોપો ગંભીર છે. તેમણે એક વોટ્સએપ ગ્રુપમાંથી AK-47 રાઈફલ સાથે બિશ્નોઈનો ફોટો પણ રજૂ કર્યો અને કહ્યું કે ફોરેન્સિક નિષ્ણાતો આરોપીઓના ફોનમાંથી ડેટા પુનઃપ્રાપ્ત કરવા માટે કામ કરી રહ્યા છે, પરંતુ તે હકીકતને ધ્યાનમાં લીધા પછી એક આરોપીને સેશન્સ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

હરણી બોટ દુર્ઘટના, એક વર્ષ પછી પીડિત પરિવારને વળતરની જાહેરાત

વડોદરા હરણી બોટ દુર્ઘટનાને ઘણો સમય વીતી ચૂક્યો છે. આટલા સમય વિત્યા બાદ વડોદરામાં હરણી બોટ દુર્ઘટનામાં તમામ મૃતક બાળકના પરિવારને વળતર પેટે રૂ. 31,75,700 આપવાનો સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે હુકમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટનામાં 12 બાળકો અને બે શિક્ષક સહિત કુલ 14 લોકોના મોત થયા હતા. સૂત્રોની જાણકારી પ્રમાણે હાઈકોર્ટની અજીના આધારે તમામ મૃતક બાળકના પરિવારજનોને વળતર પેટે રૂ. 31,75,700 તથા બે શિક્ષકોને અનુક્રમે રૂ. 11,21,900 અને રૂ. 16,68,209 તેમજ ઈજાગ્રસ્તોને રૂ. 50,000નું વળતર આપવામાં આવે છે. આ ઉપરાંત નક્કી કરેલી વળતરની રકમ પર જાહેર હિતની અરજીની દાખલ તારીખથી વસૂલાત સુધીના સમયગાળા માટે વાર્ષિક 9% વ્યાજ દર પ્રમાણે રકમ મળવાપાત્ર રહેશે.

આ ઘટના બાદ વડોદરા કોર્પોરેશનમાં સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટર આશિષ જોષી સહિતના નેતાઓએ વારંવાર ન્યાય અને વળતરને લઈ રજૂઆત કરી હતી. તેમણે કોર્પોરેશન પર આક્ષેપ પણ લગાડ્યા હતા કે, કોર્પોરેશનની ભૂલના કારણે કુલ 30 વ્યક્તિએ જીવ ગુમાવ્યો. હરણી બોટ કાંડમાં 14 વિદ્યાર્થી અને બે શિક્ષિકા સહિત કુલ 14 લોકોના મોત થયા. આ દુર્ઘટનાને એક વર્ષ વીતી ગયું હોવા છતાં પીડિત પરિવારો લાચારીથી મદદ માટે આજીજી કરી રહ્યા છે, જે આપણા માટે શરમજનક છે.’ આ ઘટનાના એક વર્ષ પછી તપાસ કરતાં અધિકારીને લાગ્યું હતું કે, ફરિયાદી જ આરોપી છે, જેથી કોર્પોરેશનના અધિકારી રાજેશ ચૌહાણના પેન્શનમાંથી રૂ. 5000 કપાત કરવાનો કમિશનર હુકમ કર્યો. આ હુકમ પછી અનેક લોકોએ ઉગ્ર માગ કરતા કહ્યું હતું કે, કમિશનરના હુકમ પરથી જ સાબિત થાય છે કે આ પ્રકરણમાં રાજેશ ચૌહાણ દોષિત છે. જેથી મ્યુનિસિપલ કમિશનરે તેમની સામે વધારાની પોલીસ ફરિયાદ કરવી જોઈએ. રાજેશ ચૌહાણ ઉપરાંત ફ્યુચરિસ્ટિક સેલના હેડ, કાર્યપાલક ઇજનેર સહિત તમામ અધિકારીઓને આરોપી બનાવવા જોઈએ. કોન્ટ્રાક્ટર કોટિયા બંધુએ પેડલ બોટ ચલાવવાની હતી, પરંતુ તેઓ તેના બદલે મોટર બોટ ચલાવતા હતા.

સતત આઠમી મેચમાં માઝી મુંબઈનો વિજય, બેંગ્લોરને 35 રને હરાવ્યું

મુંબઈ: ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL)ની સીઝન-2માં, ગુરુવારે થાણેના દાદોજી કોંડાદેવ સ્ટેડિયમ ખાતે યોજાયેલી હાઇ-સ્કોરિંગ મેચમાં, માઝી મુંબઈએ KVN બેંગ્લોર સ્ટ્રાઇકર્સને 35 રનથી હરાવ્યું. મેચના વચ્ચેના સમયે લોકપ્રિય ગાયિકા પલક મુછલે તેના ચાર્ટ-ટોપિંગ ગીતોથી સ્ટેજને રોશન કર્યું હતું.મુંબઈએ 10 ઓવરમાં 120/4નો જંગી સ્કોર બનાવીને પોતાના હરીફને રમતમાંથી બહાર કરી દીધા. મુંબઈ માટે અભિષેક કુમાર ડાલ્હોર દિવસનો સ્ટાર બન્યો. તેણે ફક્ત 15 બોલમાં 40 રન બનાવ્યા અને પછી 2-9નો ઉત્તમ આંકડો પણ આપ્યો. ટોસ જીત્યા પછી ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લેતા, સ્ટ્રાઈકર્સને તેમના નિર્ણય પર અફસોસ કરવાનું બાકી હતું. કારણ કે ડાલ્હોરે માઝી મુંબઈની ઇનિંગ્સનું નેતૃત્વ કરીને તોફાની ઇનિંગ્સ રમીને તેની ટીમને ભયાનક કુલ સ્કોર સુધી પહોંચાડી દીધી. ડાલ્હોરની અણનમ ઇનિંગ્સમાં એક બાઉન્ડ્રી અને 3 સિક્સરનો સમાવેશ થતો હતો. તેણે આ સિઝનનો બીજો નાઈનર પણ ફટકાર્યો હતો.ઓપનર મોહમ્મદ નદીમે અગાઉ 14 બોલમાં 23 રન બનાવીને મુંબઈની ઇનિંગ્સની સારી શરૂઆત કરી હતી. તેના સાથી ઓપનર રજત મુંધેએ  14 બોલમાં 17 રન બનાવ્યા હતા. બંનેએ 23 રનની સ્થિર ઓપનિંગ ભાગીદારી નોંધાવી હતી.કદાવર લક્ષ્યનો સામનો કરી રહેલા સ્ટ્રાઈકર્સે શરૂઆત ખૂબ જ સારી કરી હતી. જેમાં ઓપનર સરોજ પરમાણિકે પહેલી જ ઓવરમાં 27 રન બનાવ્યા હતા. જો કે, મુંબઈએ બીજી જ ઓવરમાં અંકુર સિંહ દ્વારા પરમાણિકને આઉટ કરીને વળતો પ્રહાર કર્યો. પરમાણિકે ફક્ત નવ બોલમાં 30 રન બનાવ્યા, જેમાં ક્રીઝ પર થોડાં સમય માટે રહ્યો. પછી પ્રદીપ પાટિલ, અજાઝ શેખલાલ બેપારી સાથે જોડાયા અને બંનેએ 11 રન ઉમેર્યા, પછી અંકુર સિંહે બીજી વિકેટ આપવા માટે જોખમી શોટ માર્યો. બેંગ્લોરની બાકીની બેટિંગ લાઇન દબાણ હેઠળ નબળી પડી ગઈ. જો કે નીચલા ક્રમે બહાદુરીથી લડવાનો પ્રયાસ કર્યો.

અમેરિકા વધુ 487 લોકોને કરશે ડિપોર્ટ

અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતા લોકો પર ત્યાની સરકારે કડક એક્શન લેવાનું શરૂ કર્યું છે. આ અગાઉ અમેરિકામાં ગેરકાયદે આવલે 104 લોકોને અમેરિકાએ પરત મોકલી દીધા છે. જે હાલ ચર્ચાનો મુદ્દો બન્યો છે ત્યારે ફરી એક કેન્દ્ર સરકારે જાણકારી આપી છે કે અમેરિકા ગેરકાયદે વસવાટ કરતા 487 ભારતીયોને ડિપોર્ટ કરવાનો આદેશ આપી ચૂકી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે હાલમાં બુધવારે ડિપોર્ટ કરવામાં આવેલા 104 ભારતીયો સાથે દુર્વ્યવહારનો મુદ્દો અમેરિકા સમક્ષ ઉઠાવવાની ખાતરી પણ આપી છે. વિદેશ સચિવવિક્રમ મિસ્રીએ નોંધ્યું હતું કે, ડિપોર્ટેશન દરમિયાન નિયંત્રણોનો ઉપયોગ સંબંધિત પ્રક્રિયા મુદ્દે ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ સહિત યુએસ સત્તાધીશોનું ધ્યાન દોર્યું છે. ઉલ્લેખનીય છે, ડિપોર્ટેશનની પ્રક્રિયા લાંબા સમયથી અમલમાં છે.

ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ જણાવ્યું કે, ‘અમેરિકાના સત્તાધીશોએ 487 ભારતીય નાગરિકોને ડિપોર્ટ કરવાનો અંતિમ આદેશ આપ્યો છે. અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 104 ભારતીયો સાથે દુર્વ્યવહારનો મુદ્દો અમેરિકા સમક્ષ ઉટાવવામાં આવશે. અમે અમેરિકાની ઓથોરિટી સાથે આ મુદ્દે ચર્ચા કરીશું. તેમજ તેમને આ પ્રકારનો દુર્વ્યવહાર ન કરવા અપીલ કરીશું. હાલમાં જ ડિપોર્ટ કરવામાં આવેલા 104 ભારતીયોને હાથમાં હથકડી, પગમાં બેડીઓ બાંધી લાવવામાં આવતાં વિપક્ષે અમાનવીય વ્યવહાર કર્યો હોવાનો આક્ષેપ કરતાં હોબાળો મચાવ્યો હતો.’ વિદેશ સચિવે ગેરકાયદે ઈમિગ્રેશનને પ્રોત્સાહન આપતાં એજન્ટ્સ, અને નેટવર્ક્સ વિરૂદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવા પર જોર કર્યું છે. તેમણે ગેરકાયદે ઈમિગ્રેશનને વેગ આપતી સમગ્ર ઈકોસિસ્ટમ પર કાર્યવાહી કરવાની જરૂરિયાત દર્શાવી છે. પ્રેસ કોન્ફરન્સમાં અગાઉ 2012માં અમેરિકામાંથી ભારતીયોના ડિપોર્ટેશન પર વિરોધ થયો હોવાના સવાલ પર મિસ્રીએ જણાવ્યું કે, અગાઉ ક્યારેય અમેરિકામાંથી ડિપોર્ટેશન બાદ દેખાવો કે વિરોધ નોંધાયા હોવાના અહેવાલો નથી.

ધોરણ 7નો વિદ્યાર્થી KBC જુનિયર્સ ક્વિઝમાં ઝળક્યો

અમદાવાદમાં ધોરણ 7ના વિદ્યાર્થી સિદ્ધાંત રેડ્ડીએ પ્રતિષ્ઠિત ક્વિઝ શો, “કૌન બનેગા કરોડપતિ (KBC)” જુનિયર્સમાં પ્રતિષ્ઠિત સ્થાન મેળવીને ગુજરાતનું અને શાળાનું નામ રોશન કર્યું છે. આ કાર્યક્રમ 6 ફેબ્રુઆરી, 2025ના રોજ પ્રસારિત થયો હતો.

ઉલ્લેખનીય બૌદ્ધિક કૌશલ્ય અને અતૂટ આત્મવિશ્વાસ દર્શાવતા, સિદ્ધાંતે હોટ સીટ પર સ્થાન મેળવ્યું હતું તેમજ 25 લાખ જીતીને રાષ્ટ્રીય મંચ પર પોતાના જ્ઞાન અને વિદ્વતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. સિદ્ધાંતને જ્ઞાન પ્રત્યે ઊંડો રસ અને લગન છે અને તે કાર્ડિયોલોજીમાં કારકિર્દી બનાવવાની ઇચ્છા ધરાવે છે. તેમનો જિજ્ઞાસુ સ્વભાવ અને શૈક્ષણિક પ્રતિભા એ સાચે જ, DPS-બોપલના સિદ્ધાંતોનું પ્રમાણ છે.

તેમના અસાધારણ પ્રદર્શનથી ઇન્સ્ટીટ્યુટને અપાર સન્માન મળ્યું છે, જે શૈક્ષણિક વિશિષ્ટતા અને સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાની તેની અતૂટ પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરે છે. સમગ્ર DPS-બોપલ પરિવાર તેમની આ સફળતા પર ગૌરવાંતિત છે તેમજ તેને યુવા ઉમેદવારો માટે પ્રેરણાસ્ત્રોત માને છે. ખરેખર, તેમની આ સિદ્ધિ યુવાનોને ઉચ્ચ લક્ષ્ય રાખવા, દ્રઢતાથી પડકારો પર વિજય પ્રાપ્ત કરવા અને સ્વંય શિસ્ત સાથે મહાનતા તરફના માર્ગો પ્રશસ્ત કરવા માટે પ્રેરણા આપે છે.

ગેરકાયદે ભારતીયોને અમેરીકા મોકલનારા એજન્ટો પર કડક કાર્યવાહી

અમેરિકામાં ઘૂસણખોરી કરનારા ભારતીયો પરત મોકલ્યા બાદ. આ મુદ્દો આખો દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. તો હવે હરિયાણાના યુવકોને ડંકી રૂટથી અમેરિકા મોકલનારા એજન્ટો પર પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે. હરિયાણાના કરનાલના ચાર એજન્ટ્સ વિરુદ્ધ ઇમિગ્રેશન ઍક્ટ હેઠળ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. મીડિયા સૂત્રોના હવાલા પ્રમાણે તાજેતરમાં અમેરિકામાંથી ડિપોર્ટ કરાયેલા 104 લોકોમાં સામેલ ત્રણ લોકોએ આ એજન્ટ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી અનુસાર, કરનાલના મધુબન, રામનગર અને અસંધ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરાયો છે. 104  ભારતીય ડિપોર્ટ થઈને આવ્યા છે, જેમાં 33 લોકો હરિયાણાના સામેલ છે. જેમાં હરિયાણાના કરનાલ જિલ્લાના 7 લોકોનો સમાવેશ થાય છે.

પોલીસે આ મામલે કરનાલના આકાશ અને સુમિતની ફરિયાદ પર ચાર એજન્ટ્સ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે. આ એજન્ટ્સ પર ફ્રોડ અને ઇમિગ્રેશન એક્ટ લગાવવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આકાશ અને સુમિત સહિત હરિયાણાના 33 લોકોને અમેરિકાથી ડિપોર્ટ કરાયા છે. તેને 5 ફેબ્રુઆરીએ અમેરિકન એરફોર્સના વિમાનમાં હાથ-પગ બાંધીને અમૃતસર એરપોર્ટ પર લવાયા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, આ 33 લોકો પાસેથી એજન્ટ્સ દ્વારા અંદાજિત 15 કરોડ રૂપિયા પડાવવામાં આવ્યા છે, જેમાં તેમને અમેરિકામાં નોકરી સુધીની લાલચ આપવામાં આવી. જો કે, લગભગ તમામ મેક્સિકો બોર્ડરની દિવાલ પાર કરીને અમેરિકામાં પહોંચતા જ એરેસ્ટ થઈ ગયા.

કરનાલના ડીએસપી રાજીવ કુમારે માહિતી આપી છે કે, છેલ્લા એક વર્ષમાં લગભગ 144 કેસ દાખલ થયા છે અને 83 કબૂતરબાજોની ધરપકડ કરવામાં આવી છે. આ લોકો લોકોને લાલચ આપીને અથવા ગેરકાયદેસર રીતે વિદેશ મોકલે છે. સાથે જ 37 વિરૂદ્ધ લુક આઉટ નોટિસ પણ જાહેર કરાઈ છે. પોલીસ દ્વારા ધરપકડની કાર્યવાહી સતત ચાલી રહી છે, જેમાં દિલ્હી, હરિયાણા અને પંજાબના કબૂતરબાજ સામેલ છે. અમેરિકાએ ડિપોર્ટની કાર્યવાહી કરતા વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું હતું કે, ‘અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રેશન સામે ડિપોર્ટેશન ખૂબ લાંબા સમયથી ચાલી રહ્યું છે અને તેમાં કંઈ નવું નથી.’

LoC પર ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, ભારતીય સેનાએ 7 પાકિસ્તાની ઘૂસણખોરોને ઠાર કર્યા

દેશની વિવાદિત બોર્ડર એટલે કે ભારતની પાકિસ્તાનની બોર્ડર પર ફરી વિવાદ સર્જાયો હતો. ખરેખર વાત એમ છે કે ભારતીય સેનાએ 7 પાકિસ્તાની ઘૂસણખોરોને ઠાર કર્યા હતા. જેમા પાકિસ્તાની સેનાના 3 સૈનિકોનો પણ સમાવેશ થાય છે. જો મીડિયામાં રિપોર્ટ્સ પ્રમાણે આ ઘટના 4 ફેબ્રુઆરીની રાત્રે પૂંછ જિલ્લાના કૃષ્ણા ઘાટી પાસે બની હતી. નિયંત્રણ રેખા (LoC) નજીક ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઘૂસણખોરોનો ભારતીય સેનાની આગળની ચોકી પર હુમલો કરવાની યોજના હતી. પરંતુ આ વાતની બાતમી મળતા ભારતીય સૈન્યને મળતા કાવતરું નિષ્ફળ બનાવ્યું હતું.

ઘૂસણખોરી દરમિયાન માર્યા ગયેલા 7 લોકોમાં પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમ (BAT)ના 3-4 સભ્યો પણ માર્યા ગયા. આ ટીમ સરહદ પારની કામગીરીમાં નિષ્ણાત છે. આ ઘટનામાં 5 આતંકવાદીઓ માર્યા ગયા છે. આમાં BAT ટીમના સભ્યોનો ઉલ્લેખ કર્યો નહોતો. સૂત્રોની જાણકારી પ્રમાણે આ કાર્યવાહીમાં માર્યા ગયેલા આતંકવાદીઓ અલબદ્ર ગ્રુપના હોઈ શકે છે. ઘૂસણખોરીનો આ પ્રયાસ એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ પહેલાંથી જ કહી ચૂક્યા છે કે અમે ભારત સાથેના તમામ મુદ્દાઓ વાતચીતથી ઉકેલીશું. ઘૂસણખોરીનો આ પ્રયાસ એવા સમયે કર્યો છે જ્યારે એક દિવસ પહેલાં 6 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું હતું કે અમે ભારત સાથેના તમામ મુદ્દાઓ વાતચીથી ઉકેલીશું. પાકિસ્તાની PMના નિવેદન પછી જ સરકારે જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાને PoKના રાવલકોટમાં રેલી યોજવાની પરવાનગી આપી. બંદૂકો અને AK-47 લહેરાતા હતા. આ રેલીમાં ભારત વિરોધી નારા લગાવવામાં આવ્યા હતા. આમાં હમાસના નેતાઓ પણ હાજર હતા.

મહાકુંભ 2025: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી

પ્રયાગરાજ: મહાકુંભ 2025 જોરસોરથી ચાલી રહ્યો છે. કરોડો લોકો તેમાં આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના દિગ્ગજો સંગમમાં પવિત્ર સ્નાન કરવા પહોંચ્યા હતા. આજે 7 ફેબ્રુઆરીના ગુજરાતના મુખ્યમંત્ર ભૂપેન્દ્ર પટેલ પણ મહાકુંભની મુલાકાત લીધી હતી. તેમણે સંગમ ઘાટ પર આસ્થાની ડૂબકી લગાવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રયાગરાજમાં સૌપ્રથમ બડે હનુમાનજી મંદિરી પહોંચી પૂજા અર્ચના કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બડે હનુમાનજી મંદિરમાં દર્શન અને પૂજા, અર્ચાના કર્યા બાદ અરેલ ઘાટથી નૌકા માર્ગે સંગમ સુધી પહોંચ્યા હતા. જ્યાં સંગમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પવિત્ર સ્નાન કર્યું. ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરીને અર્ઘ્ય અર્પણ કર્યુ. મહાકુંભની વ્યવસ્થા અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે, ‘ખૂબ જ સુંદર વ્યવસ્થા છે. ક્યાંય કોઈ તકલીફ નથી આવી રહી, કોઈને તકલીફ નથી આવી રહી. સફાઈથી લઈને તમામ વસ્તુ ખૂબ સુંદર છે. મને સ્નાન કરવાનો મોકો મળ્યો, ખુદને ધન્ય અનુભવું છું. આસ્થાના કેન્દ્ર ત્રિવેણી સંગમમાં સૌ લોકો સ્નાન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. સૌ માટે સુખ માગ્યું છે.’ આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રિવેણી સંગમ ખાતે બોટિંગનો આનંદ માણ્યો હતો. આ દરમિયાન તેઓ પક્ષીઓને ચણ આપતા જોવા મળ્યા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રયાગરાજમાં બડે હનુમાનજીના દર્શન કર્યા હતા. જેની તસવીરો શેર કરતા મુખ્યમંત્રીએ ‘X’ પર લખ્યું કે, પ્રસિદ્ધ યાત્રાધામ તીર્થરાજ પ્રયાગની ભૂમિ ઉપર બડે હનુમાનજીના દર્શન તથા પૂજનનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું. રાજ્યની સર્વાંગી ઉન્નતિ અને સમૃદ્ધિ હેતુ નિજમંદિરે પ્રાર્થના કરી.

‘મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામોમાં ગોટાળો થયો’,રાહુલ ગાંધીનો આરોપ

કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ના સાંસદ સુપ્રિયા સુલે અને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના સાંસદ સંજય રાઉત સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. કોન્સ્ટિટ્યુશન ક્લબ ઓફ ઈન્ડિયાના ડેપ્યુટી સ્પીકર હોલમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં રાહુલે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ગોટાળાનો આરોપ લગાવ્યો. તેમણે ચૂંટણી પંચ પર પણ પ્રશ્નો ઉઠાવ્યા. તેમણે દાવો કર્યો હતો કે ચૂંટણી પરિણામોમાં ગોટાળા થયા છે.

 

પ્રેસ કોન્ફરન્સ પછી તરત જ ચૂંટણી પંચ દ્વારા એક પ્રતિભાવ પણ જારી કરવામાં આવ્યો. તેમણે ટ્વિટ કર્યું, ‘ચૂંટણી પંચ રાજકીય પક્ષોને પ્રાથમિકતા ધરાવતા હિસ્સેદારો તરીકે માને છે.’ અલબત્ત, મતદાતા સૌથી મહત્વપૂર્ણ છે અને રાજકીય પક્ષો તરફથી આવતા વિચારો, સૂચનો અને પ્રશ્નોને પણ ખૂબ મહત્વ આપવામાં આવે છે. કમિશન સમગ્ર દેશમાં એકસરખી રીતે અપનાવવામાં આવેલા સંપૂર્ણ તથ્યલક્ષી અને પ્રક્રિયાગત મેટ્રિક્સ સાથે લેખિતમાં જવાબ આપશે.

રાહુલે ગંભીર આરોપ લગાવ્યા

રાહુલ ગાંધીએ કહ્યું કે અમે આ ટેબલ પર મહારાષ્ટ્રમાં છેલ્લી ચૂંટણી લડનારા સમગ્ર વિપક્ષનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છીએ. અમે ચૂંટણી વિશે કેટલીક માહિતી લાવવાના છીએ. અમે મતદારો અને મતદાન યાદીઓની વિગતોનો અભ્યાસ કર્યો છે. અમારી ટીમો કામ કરી રહી છે. અમને ઘણી ગેરરીતિઓ મળી છે.

રાહુલે કહ્યું, ‘અમે ચૂંટણી પંચને કહી રહ્યા છીએ કે અમને ગેરરીતિઓ મળી રહી છે. અમને મહારાષ્ટ્રના મતદારોના નામ અને સરનામા સાથે મતદાર યાદીની જરૂર છે. લોકસભાની ચૂંટણી માટે અમને મતદાર યાદીની જરૂર છે. વિધાનસભા ચૂંટણી માટે અમને મતદાર યાદીની જરૂર છે.અમે સમજવા માંગીએ છીએ કે આ નવા નામો શું છે. ઘણા મતદારો એવા છે જેમના નામ કાઢી નાખવામાં આવ્યા છે. એક બૂથના મતદારોને બીજા બૂથ પર ખસેડવામાં આવ્યા છે. આમાંના મોટાભાગના મતદારો દલિત સમુદાયો, આદિવાસી સમુદાયો અને લઘુમતી સમુદાયોમાંથી આવે છે. અમે ચૂંટણી પંચને વારંવાર વિનંતી કરી છે. તેમણે અમને કોઈ જવાબ આપ્યો નથી. વિપક્ષના નેતાએ સંસદ ભવનમાં આ વાત કહી છે. ચૂંટણી પંચે કોઈ જવાબ આપ્યો નથી. તેઓ હવે જવાબ નથી આપી રહ્યા તેનું એકમાત્ર કારણ એ છે કે તેમણે જે કર્યું છે તેમાં કંઈક ખોટું છે. હું કોઈ આરોપ લગાવી રહ્યો નથી. હું અહીં ડેટા સ્પષ્ટ રીતે રજૂ કરી રહ્યો છું.

તેમણે કહ્યું,’વિધાનસભા 2019 અને લોકસભા 2024 વચ્ચેના પાંચ વર્ષમાં મહારાષ્ટ્રમાં 32 લાખ નવા મતદારો ઉમેરાયા. લોકસભા 2024 અને વિધાનસભા 2024 વચ્ચે 5 મહિનામાં 39 લાખ નવા મતદારો ઉમેરાયા. પ્રશ્ન એ છે કે, છેલ્લા 5 વર્ષ કરતાં 5 મહિનામાં વધુ મતદારો કેવી રીતે ઉમેરાયા? આ હિમાચલ પ્રદેશના કુલ મતદારો જેટલું છે. બીજો મુદ્દો એ છે કે મહારાષ્ટ્રમાં રાજ્યની કુલ મતદાતા વસ્તી કરતા વધુ મતદાતાઓ કેમ છે? કોઈક રીતે અચાનક મહારાષ્ટ્રમાં મતદારોનું સર્જન થયું છે.

‘મહારાષ્ટ્રમાં વસ્તી કરતાં વધુ મતદારો કેવી રીતે છે?’

રાહુલ ગાંધીએ કહ્યું, ‘આપણે બે બાબતો વચ્ચેનો તફાવત સમજવાની જરૂર છે. એક અનુમાન છે અને બીજું તથ્યો છે. હું અહીં કોઈ અટકળો નથી લગાવી રહ્યો. મેં હકીકતો રજૂ કરી છે. પહેલી હકીકત- ઉમેરાયેલા મતદારોની સંખ્યા હિમાચલ પ્રદેશની વસ્તી જેટલી છે. જ્યાં પણ આવા મતદારો ઉમેરવામાં આવ્યા છે, તે ભાજપના મતવિસ્તાર છે, જ્યાં પણ ભાજપ જીત્યું છે, ત્યાં તેમને ઉમેરવામાં આવ્યા છે. અંતિમ હકીકત- ચૂંટણી પંચ કહે છે કે મહારાષ્ટ્રમાં તેની વસ્તી કરતા વધુ મતદારો છે. આ કોઈ અટકળો નથી. આ એક હકીકત છે. આ અમારો ડેટા નથી, આ ચૂંટણી પંચનો ડેટા છે. અમે કહી રહ્યા છીએ કે વાસ્તવિક વિસંગતતાઓ છે. ચૂંટણી પંચ અંતિમ સત્તા છે, અમે તેમને પૂછી રહ્યા છીએ. તમે અમને સમજાવી શકશો કે મહારાષ્ટ્રની વસ્તી કરતાં મહારાષ્ટ્રમાં વધુ મતદારો કેવી રીતે છે. તો તમારે અમને મતદાર યાદી હમણાં જ આપવી પડશે, જેથી અમે તેને સમજાવી શકીએ. મને ખાતરી છે કે જો તેઓ મતદાર યાદી આપશે, તો અમે અહીં બીજી પ્રેસ કોન્ફરન્સ કરીશું જ્યાં તમને આ પ્રશ્નોના જવાબો મળશે.