Home Blog Page 1185

ઘર પર હુમલા બાદ શેખ હસીનાનો ભાવનાત્મક સંદેશ, ‘હું હજુ પણ કેમ જીવિત છું?’

ઢાકા: બાંગ્લાદેશમાં પરિસ્થિતિ સુધરવાનું નામ લેતી નથી. બુધવારે મોડી રાત્રે વિરોધીઓ દ્વારા દેશના સ્થાપક શેખ મુજીબુર રહેમાનના ઐતિહાસિક નિવાસ સ્થાનને આગ ચંપી કરવામાં આવી હતી. આ અંગે પ્રતિક્રિયા આપતા, દેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ પાકિસ્તાની સેનાનો હવાલો આપ્યો છે.

શેખ મુજીબુર રહેમાનના પુત્રી શેખ હસીનાએ કહ્યું કે ઢાકામાં ઘનમંડીમાં 32 નંબરનું ઘર આપણા રાષ્ટ્રના સ્થાપક પિતાનું પ્રતીક હતું. આ નિવાસ સ્થાનથી જ શેખ મુજીબુર રહેમાને સ્વતંત્રતાનું રણશિંગું વગાડ્યું હતું. પાકિસ્તાની સેનાએ તેમનીઆ ઘરમાંથી ધરપકડ કરી હતી. પરંતુ પાકિસ્તાની સેનાએ ન તો આ ઘર તોડી પાડ્યું કે ન તો તેને આગ લગાવી. તેને સ્પર્શ પણ નહોતો કર્યો. જ્યારે શેખ મુજીબુર રહેમાન બાંગ્લાદેશ પાછા ફર્યા, ત્યારે તેમણે આ ઘરમાંથી દેશનો પાયો નાખ્યો હતો. રાષ્ટ્રપતિ બન્યા પછી, તેઓ ન તો રાષ્ટ્રપતિ મહેલમાં ગયા કે ન તો પ્રધાનમંત્રી નિવાસ સ્થાનમાં રહ્યા. મારા આખા પરિવાર સાથે આ ઘરમાં તેમની હત્યા કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે આ પહેલા ફેસબુક લાઈવ દ્વારા પાર્ટી રિપોર્ટર્સને સંબોધિત કરતા સમયે શેખ હસીનાએ કહ્યું હતું કે જો આ હુમલાઓ છતાં અલ્લાહએ મને જીવિત રાખી છે, તો કંઈક કામ કરવાનું બાકી હશે. જો આવું ન હોત તો હું મૃત્યુને આટલી વાર કેવી રીતે હરાવી શકી હોત?

શેખ હસીનાએ કહ્યું કે બાંગ્લાદેશમાં તેમની વિરુદ્ધ શરૂ થયેલું આંદોલન ખરેખર તેમની હત્યા કરવા માટે હતું. મોહમ્મદ યુનુસે મને અને મારી બહેનને મારી નાખવાની યોજના બનાવી હતી.પોતાના સંબોધનમાં તેમણે પોતાના નિવાસસ્થાન પર થયેલા હુમલા અંગે પ્રશ્નો ઉઠાવ્યા અને પૂછ્યું કે ઘરને કેમ આગ લગાવવામાં આવી? હું બાંગ્લાદેશના લોકો પાસેથી ન્યાયની માંગ કરું છું. શું મેં મારા દેશ માટે કંઈ નથી કર્યું? તો આટલું બધુ અપમાન શા માટે?આ હુમલા પર દુઃખ વ્યક્ત કરતા હસીનાએ કહ્યું કે મારી અને મારી બહેનની જે પણ યાદો બાકી હતી તે હવે ભૂંસાઈ ગઈ છે. ઘરો બાળી શકાય છે પણ ઇતિહાસ ભૂંસી શકાતો નથી.

બાંગ્લાદેશમાં ફરી હિંસા, બંગબંધુના ઘરને આગચંપી કરાઈ

ઢાકા: બાંગ્લાદેશમાં ફરી હિંસાનો દોર ફરી શરૂ થઇ ગયો છે. અવામી લીગ દ્વારા દેશવ્યાપી દેખાવોની જાહેરાત કરવામાં આવી હતી. જેના પહેલા જ ઢાકા સહિત અનેક શહેરોમાં હિંસા શરૂ થઇ ચૂકી છે. દેખાવકારોએ ઢાકાના ધાનમંડી વિસ્તારમાં સ્થિત બંગબંધુ તરીકે ઓળખાતા શેખ મુજીબુર્ર રહેમાનના ઘરે હુમલો કર્યો હતો અને ઘરને આગ ચાંપી દેવામાં આવી હતી.

હુમલાખોરો બુલડોઝર લઈને આવ્ય હતા. તેમણે શેખ મુજીબુર્ર રહેમાનના ઘરને આગ ચાંપી દીધી હતી. ઘટના બાદ હજારોની સંખ્યામાં અવામી લીગના સમર્થકો, કાર્યકરો અને નેતાઓની ધરપકડ કરી લેવામાં આવી. બાંગ્લાદેશમાં ટ્રાન્સપોર્ટ સિસ્ટમ બંધ કરી હાઈવે સહિત અનેક શહેરોમાં ચક્કાજામ કરવાની તૈયારી કરી લેવામાં આવી હતી.

મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકાર દ્વારા અવામી લીગના નેતાઓ અને કાર્યકરો વિરુદ્ધ થઇ રહેલી હિંસાના વિરોધમાં અવામી લીગે મોટા દેખાવોનું આહ્વાન કર્યું હતું. અવામી લીગના દેખાવોથી ઠીક એક સાંજ પહેલા બાંગ્લાદેશમાં સ્થિતિ બગડી હતી.

VIDEO: કોઈ દેવું કરીને તો, કોઈ ફ્લેટ વેચીને પહોંચ્યું હતું અમેરિકા…

અમદાવાદ: અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસેલા 33 ગુજરાતીઓ સહિત 104 ભારતીયોને ડિપોર્ટ કરાતા 5 તારીખે અમેરિકન એરફોર્સના વિમાનમાં અમૃતસર લાવવામાં આવ્યા હતા. જ્યાંથી 33 ગુજરાતીઓ ગુરૂવારે વહેલી સવારે વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. ડિપોર્ટ થયેલા ગુજરાતીઓમાં 28 લોકો ઉત્તર ગુજરાતના છે. જ્યારે 4 લોકો મધ્ય ગુજરાતના અને એક દક્ષિણ ગુજરાતનો છે. ત્યારે પોલીસ દ્વારા તેમના વાહનમાં જ આ લોકોને તેમના વતન લઈ જવામાં આવ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર આવેલા 33 ગુજરાતીઓની અહીં પૂછપરછ કરવામાં આવી ન હતી. પરંતુ, તેઓના વતનમાં લઈ ગયા બાદ જે તે જિલ્લાની એલ.સી.બી. કચેરીઓ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવશે.

પરિવારને યુરોપ ટ્રિપ વિશે જણાવીને દીકરી અમેરિકા પહોંચી

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ડાભલા ગામમાં રહેતા કનુભાઈની પુત્રી નિકિતા પણ પરત ફરી છે. આ અંગે યુવતીના પિતા કનુભાઈ પટેલે જણાવ્યું હતું કે તેમની પુત્રી વિજાપુરના બે મિત્રો સાથે યુરોપ ગઈ હતી. પરંતુ તેણે પરિવારને જણાવ્યું ન હતું કે તે અમેરિકા ગઈ છે. નિકિતાના અમેરિકાથી પરત ફરવાના સમાચારથી પરિવાર નારાજ છે.

નિકિતાના પિતાએ વધુમાં જણાવ્યું કે નિકિતા 1 મહિના પહેલા બે મિત્રો સાથે વિઝા પર યુરોપ ગઈ હતી. ત્યાર બાદ અમારી છેલ્લી વાત 14-15 ફેબ્રુઆરીએ થઈ હતી. તે સમયે યુરોપમાં રહેવાનો કોઈ પ્રશ્ન ન હતો. અમેરિકા જવાનો પણ કોઈ પ્રશ્ન ન હતો. અમને મીડિયા દ્વારા ખબર પડી કે ગુજરાતમાંથી 33 લોકોને પાછા મોકલવામાં આવી રહ્યા છે. તેણીએ તાજેતરમાં જ એમ.એસ.સી. પૂર્ણ કર્યું છે પરંતુ અહીં કોઈ નોકરી મળી નથી, તે સિવાય અમને ખબર પણ નહોતી કે નિકિતા આગળ શું કરવા જઈ રહી છે.

અમેરિકા કેવી રીતે ગયો જાણકારી નથી

આ સાથે ગાંધીનગર જિલ્લાના બોરું ગામના ગોહિલ પરિવારના ત્રણ સભ્યો પણ અમેરિકાથી ભારત પરત ફર્યા છે. જેમાં કરણસિંહ ગોહિલ, તેમના પત્ની મિત્તલબહેન અને પુત્રનો સમાવેશ થાય છે. આ ત્રણ લોકો એક મહિના પહેલા જ અમેરિકા ગયા હતા. ગામ લોકોનું કહેવું છે કે કરણ અમેરિકા ગયો છે તેની તેમને કોઈ માહિતી નથી. તેમણે કહ્યું કે તેમના પરિવાર પાસે પૈતૃક જમીન છે અને તે ઉપરાંત તેમનો દીકરો પણ અહીં નાની-મોટી નોકરીઓ કરતો હતો.

કેતુલ પટેલ ફ્લેટ વેચીને પરિવાર સાથે અમેરિકા ગયા હતા

તેવી જ રીતે, સુરતના ડિંડોલીમાં રહેતા કેતુલ પટેલના પરિવારને પણ અમેરિકાથી દેશનિકાલ કરવામાં આવ્યો છે. આ લોકો એક વર્ષ પહેલા પોતાનો ફ્લેટ વેચીને વિદેશ ગયા હતા. ફ્લેટના નવા માલિક પ્રફુલ્લ પટેલે કહ્યું કે તેમને અમેરિકામાં તેમના ગેરકાયદેસર રોકાણ વિશે માહિતી મળી છે, જેનાથી તેઓ દુઃખી થયા છે. કેતુલ પટેલે આ ન કરવું જોઈતું હતું. જો તેને અમેરિકા જવું જ હતું તો તેણે કાયદેસર રીતે અમેરિકામાં રહેવું જોઈતું હતું. કેતુલનો પરિવાર સ્વભાવે ખૂબ સારો હતો. મેં એક એજન્ટ દ્વારા તેમની પાસેથી ફ્લેટ ખરીદ્યો હતો. કેતુલના પિતા હસમુખ ભાઈ અમદાવાદના ખોરજમાં રહે છે. તે દરજીનું કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. જ્યારે હસમુખ પટેલ સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે કેમેરા સામે કંઈપણ કહેવાનો ઇનકાર કર્યો હતો.

૦૬ ફેબ્રુઆરી ૨૦૨૫

સુવિચાર – ૦૬ ફેબ્રુઆરી ૨૦૨૫

પંચાંગ 06/02/2025

એક્ઝિટ પોલ : દિલ્હીમાં ભાજપની લહેર, 8 પોલમાં બહુમતી, AAP મુશ્કેલીમાં

દિલ્હી વિધાનસભાની કુલ 70 બેઠકો માટે ચૂંટણી લડી રહેલા 699 ઉમેદવારોનું ભાવિ આજે EVM માં કેદ થઈ ગયું છે. સાંજે 5 વાગ્યા સુધી દિલ્હીમાં 57.70 ટકા મતદાન થયું છે. ચૂંટણી પરિણામો 8 ફેબ્રુઆરીએ જાહેર થશે, પરંતુ દરેકના મનમાં પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે આ વખતે દિલ્હીમાં સરકાર કોણ બનાવશે. આ અંગે એક્ઝિટ પોલ સર્વે આવવા લાગ્યા છે. આમ આદમી પાર્ટીને આમાં મોટો ઝટકો લાગતો હોય તેવું લાગે છે. સર્વેક્ષણો કહી રહ્યા છે કે ભાજપ દિલ્હીમાં સરકાર બનાવી શકે છે.

પીપલ્સના ઇનસાઇટ સર્વેમાં પણ ભાજપને ફાયદો થતો દેખાય છે અને આમ આદમી પાર્ટીને નુકસાન થતું જોવા મળે છે.

ભાજપ: 40થી 44 બેઠકો
આમ આદમી પાર્ટી: 25થી 29 બેઠકો

JVC સર્વેમાં પણ ભાજપને ફાયદો થઈ રહ્યો હોય તેવું લાગે છે. સર્વે મુજબ, દિલ્હીમાં ભાજપને 39 થી 45 બેઠકો મળી શકે છે અને આમ આદમી પાર્ટીને ફક્ત 22 થી 31 બેઠકોથી સંતોષ માનવો પડી શકે છે.

ભાજપ: 39 થી 45 બેઠકો
આમ આદમી પાર્ટી: 22 થી 31 બેઠકો

ચાણક્ય સ્ટ્રેટેજીના સર્વેમાં પણ ભાજપને ફાયદો થતો દેખાય છે અને આમ આદમી પાર્ટીને નુકસાન થતું જોવા મળે છે. આ સાથે, કોંગ્રેસને છેલ્લી બે ચૂંટણીઓની સરખામણીમાં આ વખતે રાહત મળતી દેખાય છે.

આમ આદમી પાર્ટી: 25થી 28 બેઠકો
ભાજપ: 39થી 44 બેઠકો
કોંગ્રેસ: 2થી 3 બેઠકો

MATRIZE સર્વેમાં, ભાજપ અને AAP વચ્ચે નજીકની સ્પર્ધા જોવા મળી રહી છે.

આમ આદમી પાર્ટી: 32થી 37 બેઠકો
ભાજપ: 35થી 40 બેઠકો
કોંગ્રેસ: 1 બેઠક

પોલ ડાયરી સર્વેમાં પણ દિલ્હીમાં મોટો ફેરફાર દેખાઈ રહ્યો છે. એવો અંદાજ છે કે આમ આદમી પાર્ટી સત્તા પરથી દૂર થઈ રહી છે અને ભાજપ પુનરાગમન કરી રહી છે.

આમ આદમી પાર્ટી: 18થી 25 બેઠકો
ભાજપ: 42થી 50 બેઠકો
કોંગ્રેસ: 0થી 2 બેઠકો

P MARQ સર્વે પણ દર્શાવે છે કે ભાજપ દિલ્હીમાં સરકાર બનાવશે.

આમ આદમી પાર્ટી: 21થી 31 બેઠકો
ભારતીય જનતા પાર્ટી: 39થી 49 બેઠકો
કોંગ્રેસ: 0થી 1 બેઠક

પીપલ્સ પ્લસ સર્વેમાં, ભાજપ દિલ્હીમાં જોરદાર વાપસી કરી રહી હોય તેવું લાગે છે. આમ આદમી પાર્ટીને મોટા નુકસાનનો સામનો કરવો પડી રહ્યો હોય તેવું લાગે છે.

આમ આદમી પાર્ટી: 10થી 19 બેઠકો
ભારતીય જનતા પાર્ટી: 51થી 60 બેઠકો
કોંગ્રેસ: 0-1 બેઠક

ડીવી રિસર્ચના સર્વેમાં પણ ભાજપની સરકાર બનતી દેખાય છે.

આમ આદમી પાર્ટી: 26થી 34 બેઠકો
ભારતીય જનતા પાર્ટી: 36થી 44 બેઠક
કોંગ્રેસ: 0 બેઠક

વીપ્રેસાઇડ સર્વેમાં આમ આદમી પાર્ટી સરકાર બનાવશે તેવી આગાહી કરવામાં આવી છે. આમાં ભાજપને પરાજયનો સામનો કરવો પડી રહ્યો હોય તેવું લાગે છે.

આમ આદમી પાર્ટી: 46થી 52 બેઠકો
ભારતીય જનતા પાર્ટી: 18થી 23 બેઠકો
કોંગ્રેસ: 0-1 બેઠક

માઇન્ડ બ્રિંકના સર્વેમાં પણ આમ આદમી પાર્ટીને બહુમતી મળતી જોવા મળી રહી છે.

આમ આદમી પાર્ટી: 44થી 49 બેઠકો
ભારતીય જનતા પાર્ટી: 21થી 25 બેઠકો
કોંગ્રેસ: 0થી 1 બેઠક

વીપ્રેસાઇડ અને માઇન્ડ બ્રિંકના સર્વેને બાજુ પર રાખીએ તો એવો અંદાજ છે કે ભાજપ દિલ્હીમાં સરકાર બનાવી શકે છે. જોકે, આ સર્વેક્ષણો છે, વાસ્તવિક ચિત્ર 8 ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં સ્પષ્ટ થશે. એક્ઝિટ પોલ અંતિમ પરિણામો નથી, તે ફક્ત અનુમાન છે. એક્ઝિટ પોલ એવા મતદારો દ્વારા કરવામાં આવે છે જેમણે મતદાન કર્યું છે અને ડેટાનું વિશ્લેષણ કરીને, મતદારોનો મૂડ કેવો છે અને કયા પક્ષને મત મળશે અને સરકાર બનશે તેનો અંદાજ લગાવવામાં આવે છે. આ રીતે, એ પણ જણાવવામાં આવે છે કે કયા પક્ષને કેટલા ટકા મત અને કેટલી બેઠકો મળી રહી છે. જોકે, દિલ્હી ચૂંટણીના અંતિમ પરિણામો 8 ફેબ્રુઆરીએ મતગણતરી સાથે આવશે.

દિલ્હીનું સમગ્ર રાજકીય સમીકરણ

દિલ્હીમાં કુલ 70 વિધાનસભા બેઠકો છે, જેના પર 699 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. આ વખતે 96 મહિલા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. દિલ્હીમાં કૂલ 1,56,14,000 મતદારો છે, જેમાંથી 83,76,173 પુરુષો અને 72,36,560 સ્ત્રીઓ છે, જ્યારે 1,267 અન્ય મતદારો છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ તમામ 70 બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે ભાજપ 68 બેઠકો પર પોતાનું નસીબ અજમાવી રહ્યું છે. ભાજપે તેના સાથી પક્ષો માટે બે બેઠકો છોડી હતી, જેમાં દેવલી બેઠક પરથી એલજેપી અને બુરારી બેઠક પરથી જેડીયુ ચૂંટણી લડી રહી છે.

આગ અને ધક્કામુક્કી પર શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ આપી પહેલી પ્રતિક્રિયા

પ્રયાગરાજ: મહાકુંભ 2025ની શરૂ છે. આ મહાકુંભમાં ઘણી વખત અકસ્માતો સર્જાય ચૂક્યા છે. આ અકસ્માતોને લઈ રાજકારણ પણ ગરમાયેલું છે. વિપક્ષ અને પક્ષના નેતા અકસ્માતના જડ સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મહાકુંભમાં સેક્ટર-12માં શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની શિબિરમાં પાંચમી ફેબ્રુઆરીએ આગ લાગી હતી. આ ઘટના મુદ્દે નવો વિવાદ ઉભો થયો છે. તેમના અનુયાયીઓ ઘટના પાછળ ષડયંત્ર હોવાની આશંકા વ્યક્ત કરી હતી. આગની ઘટના બાદ શંકરાચાર્યએ પ્રથમવાર પ્રતિક્રિયા આપી છે.

શંકરાચાર્યએ કહ્યું કે, ‘અમે આગ લાગવાની ઘટના અંગે શું કહીએ. શિબિરમાં આગ લાગી હતી. એક સ્થળે આગ પર કાબુ મેળવવાનું કામ ચાલી હતું અને આ દરમિયાન બીજા સ્થળે આગ લાગી ગઈ. આગ પર કાબૂ મેળવી લેવાયો છે. ભગવાનની મહેરબાનીથી કોઈ જાનહાનિ થઈ નથી.’ આ ઉપરાંત શંકરાચાર્યએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મહાકુંભની મુલાકાત અંગે કહ્યું કે, ‘આ એક ધાર્મિક સ્થળ છે અને અહીં ધર્મ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે છે. જો અહીં રાજકારણ કરવામાં આવશે, તો તેના સારા પરિણામ નહીં મળે. પ્રધાનમંત્રી આવ્યા, સ્નાન કર્યું, સારું કર્યું. વધુ અમારી પાસે કોઈ માહિતી નથી.’

આ પહેલા બદ્રીનાથ જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે ખુલીને આ મુદ્દે પોતાની  વાત રાખી કહ્યું હતું કે, માત્ર એક જગ્યાએ નહીં પણ છ જગ્યાએ નાસભાગ થઈ છે. સરકારે ઘણી માહિતીને છુપાવીને ઠીક નથી કર્યું. શંકરાચાર્યએ યોગી આદિત્યનાથના મુખ્યમંત્રી પદેથી રાજીનામાની માગ કરી હતી, જ્યારે શંકરાચાર્યએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના રાજીનામાની માંગ કરી હતી. વાસ્તવમાં મહાકુંભમાં મૌની અમાસના થયેલી ધક્કામુક્કીમાં 30 શ્રદ્ધાળુઓના મોત થયા હતા અને 60થી વધુને ઈજા થઈ હોવાનો દાવો રાજ્ય સરકાર અને પોલીસે કર્યો હતો. જોકે આ ધક્કામુક્કીની જાનહાનીનો આંકડો વધુ હોવાના દાવા થયા. વ્યવસ્થાને લઇને સંતોમાં પણ નારાજગી જોવા મળી છે.

દિલ્હી ચૂંટણીમાં સાંજ સુધીમાં સરેરાશ 58 ટકા મતદાન

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાની ચૂંટણીની બધી 70 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આમ આદમી પાર્ટીના મનીષ સિસોદિયાએ દાવો કર્યો હતો કે આપ પાર્ટી દિલ્હીમાં હેટ્રિક કરશે, જ્યારે ભાજપના પ્રવેશ વર્માએ કહ્યું હતું કે દિલ્હીના લોકો કેજરીવાલને ઓળખી ગયા છે અને દિલ્હીમાં કમળ ખીલશે, જ્યારે સંદીપ દીક્ષિતનું કહેવું છે કે લોકો વિકાસને મત આપશે.

દિલ્હીમાં સાંજે પાંચ વાગ્યા સુધીમાં 57.70 ટકા મતદાન થયું હતું. ઉત્તર-પૂર્વ દિલ્હીમાં સૌથી વધુ 63.83 ટકા મતદાન નોંધાયું હતું. આ ભાજપના સાંસદ મનોજ તિવારીનો સંસદીય મતવિસ્તાર છે.દિલ્હીમાં મધ્ય દિલ્હીમાં, 53.45 ટકા, પૂર્વ-દિલ્હીમાં 57.09 ટકા, નવી દિલ્હીમાં 53.10 ટકા, નોર્થ દિલ્હીમાં 56.31 ટકા, ઉત્તર-પૂર્વ દિલ્હીમાં 52.73 ટકા, શાહદરામાં 59.58 ટકા, દક્ષિણ દિલ્હીમાં 54.89 ટકા અને દક્ષિણ-પશ્ચિમમાં 58.32 ટકા મતદાન થયું હતું. દિલ્હીમાં આ ચૂંટણીમાં 1.56 કરોડથી વધુ મતદાતાઓ તેમના મતદાનનો ઉપયોગ કરશે. દિલ્હી વિધાનસભા  ક્ષેત્રોમાં 13,766 મતદાન કેન્દ્રો પર મતદાન થયું હતું, જેમાં 699 ઉમેદવારોના ભાવિનો નિર્ણય મતદાતાઓ કરશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, LG વીકે સક્સેના, વિદેશ મંત્રી એસ જયશંકર, મુખ્યમંત્રી આતિશી અને રાહુલ ગાંધીએ મતદાન કર્યું છે. આ ઉપરાંત પ્રિયંકા ગાંધીએ તેમની માતા સોનિયા, પતિ અને પુત્ર સાથે મતદાન કર્યું. અરવિંદ કેજરીવાલ પોતાના માતા-પિતાને વ્હીલચેર પર બેસાડીને મતદાન કરવા પહોંચ્યા.

ભાજપે આરોપ લગાવ્યો છે કે સીલમપુરમાં બુરખા પહેરેલી મહિલાઓને નકલી મતદાન કરાવવા માટે મજબૂર કરવામાં આવી રહી છે. આ પછી પોલીસ અહીં તપાસ કરી રહી છે. આપ સાંસદ સંજય સિંહે જણાવ્યું હતું કે નોર્થ એવન્યુ એન બ્લોકમાં 2000-3000 રૂપિયાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને લોકોની આંગળીઓ પર શાહી લગાવવામાં આવી હતી. આ બધું ચૂંટણી પંચના નાક નીચે થઈ રહ્યું છે.

ટેનિસ સ્ટાર ખેલાડી સિમોના હાલેપે નિવૃત્તિ લીધી

બે વખતની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન સિમોના હાલેપે ટેનિસમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. રોમાનિયામાં ટ્રાન્સીલ્વેનિયા ઓપનના પહેલા રાઉન્ડમાં હાર્યા બાદ હાલેપે મંગળવારે નિવૃત્તિની જાહેરાત કરી. તેનો ઇટાલીની લુસિયા બ્રોન્ઝેટ્ટી સામે 6-1, 6-1થી પરાજય થયો હતો. 26 વર્ષીય હાલેપે તેના ચાહકોને કહ્યું, “મને ખબર નથી કે હું આ જાહેરાત ખુશીથી કરી રહી છું કે દુઃખથી પણ મને લાગે છે કે મને બંનેનો અનુભવ થઈ રહ્યો છે, પણ મારા આ નિર્ણયથી મને શાંતિ મળી રહી છે. હું હંમેશા વાસ્તવિકવાદી રહી છું. મારું શરીર હવે પહેલા જેવું રહ્યું નથી. ભલે મારું પ્રદર્શન સારું ન હતું. હું તમારી સામે રમીને ટેનિસને અલવિદા કહેવા માગતી હતી.”

2017માં હાલેપે પ્રથમ વખત વિશ્વ રેન્કિંગમાં નંબર વન પર પહોંચી હતી. પરંતુ હાલમાં તે 870મા ક્રમે છે. જે બાદ રોમાનિયામાં યોજાનારી ટુર્નામેન્ટમાં રમવા માટે તેને વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી આપવામાં આવી હતી. હાલેપ, જે પોતાની કારકિર્દી દરમિયાન ઇજાઓ સાથે સંઘર્ષ કરી રહી હતી અને ડોપિંગ માટે સસ્પેન્શનનો સામનો કરી રહી હતી, તે એક સમયે મહિલા ટેનિસમાં ટોચનું સ્થાન ધરાવતા હતા. તેમને ઘૂંટણ અને ખભામાં દુખાવો થયો અને મેલબોર્નમાં ટુર્નામેન્ટના ક્વોલિફાઇંગ રાઉન્ડમાં તે બહાર થઈ ગઈ. આ ઉપરાંત ઓક્ટોબર 2022માં ડોપિંગ માટે તેના પર પ્રતિબંધ પણ લગાવવામાં આવ્યો હતો. તેણે 26 જૂન 2006ના રોજ પ્રોફેશનલ ટેનિસ રમવાનું શરૂ કર્યું. ઉલ્લેખનીય છે કે હાલમાં, તે 870મા ક્રમે છે. તે 2019માં વિમ્બલ્ડન ફાઈનલમાં સેરેના વિલિયમ્સને હરાવીને ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ ટાઇટલ જીતી હતી અને 2018માં ફ્રેન્ચ ઓપનમાં, ફાઈનલમાં સ્લોએન સ્ટીફન્સને હરાવીને ચેમ્પિયન બની હતી.