નવી દિલ્હી: ભારતમાં રૂપિયા 10 અને 20ના સિક્કાને અવાર નવાર ચર્ચા રહેતા હોય છે. હવે લોકસભામાં પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં 10 અને 20ના સિક્કા બંધ થવાને લઈ મોટી જાણકારી આપી હતી. ઉલ્લેખનીય છે કે નાણાં મંત્રાલયને સવાલ પૂછવામાં આવ્યો હતો કે, દેશમાં હાલ 10 રૂપિયાના કેટલાં સિક્કા અને નોટ ચાલી રહ્યા છે? જેના જવાબમાં નાણાં મંત્રાલયે જણાવ્યું કે, આજે પણ 10 અને 20ના સિક્કા અને નોટ છપાઈ રહ્યા છે અને ચલણમાં છે. 31 ડિસેમ્બર 2024 સુધી 2,52,886 લાખ 10 રૂપિયાની નોટ બજારમાં ચાલી રહી છે, જેની કિંમત 25,289 કરોડ છે. વળી, 31 ડિસેમ્બર 2024 સુધી દેશમાં 79,502 લાખ 10 રૂપિયાના સિક્કા બજારમાં હાજર છે, જેની કિંમત 7950 કરોડ રૂપિયા છે.
આ ઉપરાંત નાણાં મંત્રાલયને સવાલ પૂછવામાં આવ્યો કે, શું દેશમાં 20 રૂપિયાની નવી નોટ છાપવા પર રોક લગાવવામાં આવી છે? આ સવાલનો જવાબ આપતાં નાણાં મંત્રાલયે કહ્યું કે, આ સત્ય નથી. એટલે સ્પષ્ટ છે કે, ભલે બજારમાં 10 અને 20 રૂપિયાની નોટ અને સિક્કા આપણને ઓછા જોવા મળતા હોય, પરંતુ તે ચલણમાં છે. સમયાંતરે બંધ થવા તેમજ ચલણથી બહાર હોવાની ખબર સામે આવે છે, તે સંપૂર્ણપણે ભ્રામક છે. નોંધનીય છે કે, સરકારે પહેલીવાર 20 રૂપિયાનો સિક્કો 2020માં રજૂ કર્યો હતો. તે સમયે સરકારે જણાવ્યું હતું કે, 20 રૂપિયાનો સ્કકો 12 ધારવાળો બહુકોણ હશે, જેમાં અનાજની આકૃતિ હશે, જે દેશમાં કૃષિનું પ્રભુત્વ દર્શાવશે. આ સિવાય એક, બે, પાંચ અને દસ રૂપિયાના સિક્કાની નવી શૃંખલા પણ બહાર પાડવામાં આવશે, જે ગોળાકાર ડિઝાઇનમાં હશે, જેના પર હિન્દી લિપિમાં મૂલ્ય લખેલું હશે.
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ દરમિયાન મૌની અમાવસ્યા પર થયેલી ભાગદોડ અંગે જ્યોતિષ પીઠના શંકરાચાર્ય જગદગુરુ અવિમુક્તેશ્વરાનંદે યોગી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે નબળી વ્યવસ્થા અને સરકારને દોષી ઠેરવી. આ સાથે તેમણે નૈતિક ધોરણે યુપીના મુખ્યમંત્રી પાસેથી રાજીનામું પણ માંગ્યું હતું. હવે ભવિષ્યમાં તેમને કુંભ ક્ષેત્રમાં સ્થાન ન આપવા અને હાલમાં તેમને કુંભમાંથી બાકાત રાખવાની માંગણીઓ ઉઠવા લાગી છે.
મહાકુંભની વચ્ચે, શ્રી કૃષ્ણ જન્મભૂમિ સંઘર્ષ ન્યાસ તરફથી ભગવાન શ્રી કૃષ્ણના જન્મસ્થળની મુક્તિની માંગ ઉઠવા લાગી છે. જનજાગૃતિ અભિયાન હેઠળ, પ્રયાગરાજ સેક્ટર 5 માં રાધા પ્રસાદ દેવ જુ મહારાજના પંડાલમાં એક વિશાળ સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશભરના અગ્રણી સંતો, ત્રિદંડ સ્વામી, મહામંડલેશ્વર, વૈષ્ણવ સંતોએ ભાગ લીધો હતો.
માળા અને દીવા પ્રગટાવવાની પ્રક્રિયા
સંકલ્પ સભાનું ઉદ્ઘાટન મહામંડલેશ્વર હરિદાસ સંપ્રદાય પીઠાધીશ્વર રાધા પ્રસાદ દેવ જુ મહારાજ, અખિલ ભારતીય દાંડી સ્વામી પરિષદના પ્રમુખ વિદ્યાનંદ મહારાજ, શ્રી કૃષ્ણ જન્મભૂમિના સમર્થક પંડિત દિનેશ ફલાહારી, બસેરા ગ્રુપના પ્રમુખ રામકિશન અગ્રવાલ, ભાગવત આચાર્ય બલરામ મહારાજજીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. ભગવાન કૃષ્ણના ચિત્રને માળા અર્પણ કરવામાં આવી અને દીવો પ્રગટાવવામાં આવ્યો.
સીએમ યોગીના રાજીનામાની માંગ
સંકલ્પ સભામાં, ભગવાન શ્રી કૃષ્ણના જન્મસ્થળની મુક્તિ માટે શંખ વગાડવાની સાથે, સંકલ્પ સભામાં હાજર સંતોએ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી દ્વારા કુંભ વિશે ભ્રામક વાતો પર નિંદાનો ઠરાવ પસાર કર્યો અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પાસેથી રાજીનામું માંગ્યું. માંગ કરવામાં આવી હતી કે ભવિષ્યમાં અવિમુક્તેશ્વરાનંદ શંકરાચાર્યને કુંભ ક્ષેત્રમાં સ્થાન ન આપવું જોઈએ અને હાલમાં તેમને કુંભમાંથી બાકાત રાખવા જોઈએ.
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર-પ્રસારનો દોર ખતમ થયો છે ને આવતી કાલે મતદાન થવાનું છે. હવે હારજીતનું અનુમાન લગાવવાનું શરૂ થઈ ગયું છે. દિલ્હીમાં આપ-કોંગ્રેસ કે ભાજપ –ત્રણમાંથી કઈ પાર્ટી જીતશે કે કઈ પાર્ટી હારશે, એના પર સૌની નજર લાગેલી છે, કેમ કે દિલ્હીમાં ત્રણ પાર્ટીએ દિલ્હી જીતવા એડીચોટીનું જોર લગાવ્યું છે. આ સાથે સટ્ટાબજાર પર પણ સૌની નજર લાગેલી છે.
દિલ્હીમાં પાંચ ફેબ્રુઆરીએ મતદાન છે અને આઠ ફેબ્રુઆરીએ મતગણતરી થવાની છે. જે જણાવશે કે દિલ્હીમાં સત્તા પર ત્રીજી વાર આપની વાપસી થશે કે ભાજપનો ભગવો લહેરાશે. કે પછી કોંગ્રેસ કરશે કોઈ ચમત્કાર? દિલ્હીની ચૂંટણીમાં આ વખતે એટલી રસાકસી છે કે પરિણામનું આકલન કરવું ગણું મુશ્કેલ છે, કેમ કે અમુમાન અને વાસ્તવિકની વચ્ચે અંત હોવાની પણ શક્યતા છે. રાજસ્થાનમા આવેલા સટ્ટાબજારમાં પણ દિલ્હી ચૂંટણી લઈને ભારે અસમંજસતા પ્રવર્તી રહી છે, કેમ કે સટ્ટાબજારમાં બે વાર અનુમાન બદલાઈ ચૂક્યું છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખોના એલાન સાથે ફલોદી સટ્ટાબજારે સત્તાધારી આમ આદમી પાર્ટી માટે 37થી 39 સીટો મળવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો, પણ ચૂંટણીના બે સપ્તાહ પહેલાં સટ્ટાબજારે અનુમાન બદલી નાખ્યું હતું. નવા અંદાજ મુજબ હવે પાર્ટીને 38થી 40 સીટો મળવાનો અંદાજ છે.
સટ્ટાબજારે ભાજપને 25થી 35 સીટો મળવાની શક્યતા પણ દર્શાવી છે. આમ સટ્ટાબજારમાં આ વખતે કન્ફ્યુઝન ભારોભાર છે.
વરુણ ચક્રવર્તીએ ઈંગ્લેન્ડ સામેની T20 શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું. આ ખેલાડીએ 5 મેચમાં સૌથી વધુ 14 વિકેટ લીધી અને પ્લેયર ઓફ ધ સિરીઝ પણ બન્યો. પોતાના જોરદાર પ્રદર્શન પછી, આ ખેલાડી હવે જેકપોટ પર પહોંચવા જઈ રહ્યો છે. વાસ્તવમાં, એવી અટકળો ચાલી રહી છે કે આ રહસ્યમય સ્પિનર ચેમ્પિયન્સ ટ્રોફી રમી શકે છે અને આનો પુરાવો નાગપુરથી આવેલો એક વીડિયો છે. વાસ્તવમાં વરુણ ચક્રવર્તી ભારતની ODI ટીમ સાથે નાગપુર પહોંચી ગયો છે, ભલે તે ODI ટીમનો ભાગ ન હોય. ટીમ ઈન્ડિયા સાથે પ્રેક્ટિસ કરતો વરુણ ચક્રવર્તી સૂચવે છે કે ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી ટીમમાં મોટા ફેરફારો કરી શકે છે.
🚨 𝗡𝗘𝗪𝗦 🚨
Varun Chakaravarthy added to India’s squad for ODI series against England.
વરુણ ચક્રવર્તી ટીમ ઈન્ડિયા સાથે નેટ્સ પર પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. નાગપુરમાં પ્રેક્ટિસ પીચ પર તે કેએલ રાહુલને બોલિંગ કરતો જોવા મળ્યો હતો. ટીમના બધા ખેલાડીઓની નજર તેના પર હતી. વરુણ ચક્રવર્તી હાલમાં ટીમ ઈન્ડિયાની ODI ટીમનો ભાગ નથી પરંતુ એવું લાગે છે કે તેને ટૂંક સમયમાં ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. વરુણ ચક્રવર્તીએ તાજેતરની T20 શ્રેણીમાં એટલું સારું પ્રદર્શન કર્યું કે હવે તેને અવગણી શકાય નહીં. વેલ, મોટી વાત એ છે કે આ ખેલાડીએ હજુ સુધી ODI ડેબ્યૂ કર્યું નથી.
વિજય હજારે ટ્રોફીમાં વરુણ ચમક્યો
ભારતીય ODI ટીમમાં વરુણ ચક્રવર્તીનો સમાવેશ નિશ્ચિત લાગે છે કારણ કે તે તાજેતરમાં વિજય હજારે ટ્રોફીમાં રમ્યો હતો, જ્યાં તેણે અદ્ભુત પ્રદર્શન કર્યું હતું. આ જમણા હાથના સ્પિનરે તમિલનાડુ માટે 6 મેચ રમી અને કુલ 18 વિકેટ લીધી. તેનો ઇકોનોમી રેટ પ્રતિ ઓવર 5 રન કરતા ઓછો હતો અને તે બે મેચમાં પાંચ વિકેટ લેવામાં સફળ રહ્યો. લિસ્ટ A માં, વરુણ ચક્રવર્તીએ 23 મેચોમાં 59 વિકેટ લીધી છે, તે સ્પષ્ટ છે કે તે આ ફોર્મેટમાં પણ એક મોટો વિકેટ લેનાર બોલર છે. ટીમ ઈન્ડિયા ચોક્કસપણે તેને ચેમ્પિયન્સ ટ્રોફી માટે દુબઈ લઈ જવા માંગશે.
રાજકોટ: ગુજરાતમાં પાછલા ઘણા સમયથી હાર્ટ એટેકની બિમારીના ચોંકાવનારા આંકડા સામે આવે છે. ત્યારે સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લામાં પાછલા 3 દિવસમાં સાત લોકોના જીવ હોવાનું સામે આવ્યું છે. હાર્ટ એટેકના કારણે રાજકોટ શહેર અને જિલ્લામાં સાત લોકોના મૃત્યુ નિપજ્યા છે, આ સિવાય કોઠારીયા, ગાંધીગ્રામ, શાપર,વેરાવળમાં પણ હાર્ટ એટેકથી મોત થયાના સમાચાર સામે આવ્યા છે. બેલનાથપરા સહિતના વિસ્તારમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. હાર્ટ એટેકથી મોટાભાગે 50થી 60 વર્ષીય લોકોના મોત થયા છે. જો કે અપવાદમાં આ પૈકી એકની ઉંમર 35 વર્ષ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પાછલા ઘણા સમયથી હાર્ટ એટેકથી લોકોના મૃત્યુ થયાની હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં છેલ્લા 72 કલાકમાં કુલ સાત લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે. નોંધનીય વાત એ છે કે આ તમામમાં મોટાભાગના લોકો 50થી 60 વર્ષની ઉંમર ધરાવતા લોકો છે. છ પુરુષ અને એક મહિલાનું હાર્ટ એટેકના કારણે મોત થયુ છે. તો 50થી 60 વર્ષના લોકોમાં હાર્ટ એટેકનું વધતું જોખમ અને રાજકોટમાં જે હાર્ટ એટેકના બનાવ બન્યા છે તે ચિંતાનો વિષય બન્યા છે. કારણ કે 72 જ કલાકમાં સાત લોકોના હાર્ટ એટેકના કારણે મોત થયા છે. આજકાલ આપણે નાની ઉંમરમાં પણ મોટા હાર્ટ એટેકના કિસ્સાઓ જોતાં, વાંચતા અને સાંભળતા રહીએ છીએ. ફાસ્ટફૂડના જમાનામાં આપણી જીવનશૈલી બદલાઈ છે જેને કારણે હ્રદય પર જોખમ વધી ગયુ છે અને આ સ્મસ્યા આપણા રાજ્ય કે દેશની જ નથી બલકે આંકડાઓ કહે છે કે વિશ્વભરમાં 6.4 કરોડથી વધુ લોકોને હાર્ટ ફેલિયરની અસર થઈ છે. હાર્ટ એટેક, હાઈ બ્લડ પ્રેશર અને કોરોનરી આર્ટરી ડિસીઝ એ હૃદયની સમસ્યાઓના મુખ્ય કારણો છે.
અમેરિકન સંશોધન અને રોકાણ કંપની હિંડનબર્ગ રિસર્ચને બંધ કરવાની જાહેરાત પહેલાથી જ કરવામાં આવી છે. હવે કંપનીના સ્થાપક નૈટ એન્ડરસને પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે તેઓ કોઈ ધમકી કે કોઈ કાનૂની કારણોસર હિંડનબર્ગ રિસર્ચ બંધ કરી રહ્યા નથી. તે હજુ પણ તેણે જારી કરેલા બધા અહેવાલો પર અડગ છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમણે હિંડનબર્ગ ને સમેટી લેવાનું અને કંપનીની કમાન બીજા કોઈને સોંપવાનું કેમ પસંદ કર્યું, ત્યારે તેમણે કહ્યું, “બ્રાન્ડથી મારી જાતને અલગ કરવાનો કોઈ રસ્તો નથી. હિંડનબર્ગ મૂળભૂત રીતે મારો પર્યાય છે.”
હિંડનબર્ગે વધુમાં કહ્યું કે જો તે સોફ્ટવેર એપ્લિકેશન અથવા સાયકલ ફેક્ટરી હોત તો તમે એપ્લિકેશન અથવા ફેક્ટરી વેચી શકતા હતા. પરંતુ, જ્યારે તે મારા દ્વારા કરવામાં આવેલ સંશોધન હોય, ત્યારે તમે ખરેખર તે બીજા કોઈને આપી શકતા નથી. જોકે, જો આ ટીમ કોઈ નવી બ્રાન્ડ રજૂ કરવા માંગે છે, તો હું ખુશીથી તેમને ટેકો આપીશ અને મને આશા છે કે તેઓ કરશે.
ટ્રક કંપનીથી ચર્ચામાં આવ્યું હિંડનબર્ગ
નૈટ એન્ડરસન સૌપ્રથમ ઇલેક્ટ્રિક ટ્રક કંપની નિકોલા વિરુદ્ધના એક અહેવાલને કારણે ચર્ચામાં આવ્યા હતા. તેમણે કાર્લ ઇકાનની ઇકાન એન્ટરપ્રાઇઝિસ એલપી સહિત અગ્રણી નાણાકીય વ્યક્તિઓની કંપનીઓ પર પણ હુમલો કર્યો. તેણે છેલ્લા આઠ વર્ષનો મોટાભાગનો સમય હંમેશા આગામી યુદ્ધની તૈયારીમાં વિતાવ્યો હતો. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ હિંડનબર્ગ રિપોર્ટ, ખાસ કરીને અદાણી ગ્રુપ વિરુદ્ધ જારી કરાયેલા રિપોર્ટ પર અડગ છે? જેના જવાબમાં તેમણે કહ્યું કે, “અમે અમારા બધા સંશોધન તારણો પર સંપૂર્ણપણે અડગ છીએ.”
હિંડનબર્ગ રિપોર્ટ પર ભારતમાં નિયમનકારી સંસ્થાઓની પ્રતિક્રિયા વિશે પૂછવામાં આવતા તેમણે કહ્યું,”અમે પારદર્શિતાની જરૂર હોય તેવા મુદ્દાઓ પર સંશોધન અને લેખન સુધી અમારી ભૂમિકા મર્યાદિત રાખીએ છીએ. બાકીનું બધું અમારા હાથમાં નથી.” તેમણે હેજ ફંડ્સ સાથે રિપોર્ટ શેર કરવાના આરોપોને નકારી કાઢતા કહ્યું,”અમે હંમેશા અમારા તમામ સંશોધન પર સંપૂર્ણ સંપાદકીય નિયંત્રણ જાળવી રાખ્યું છે.”
હિંડનબર્ગ 2017 માં લોન્ચ કરવામાં આવ્યું હતું. તેનો છેલ્લો પ્રકાશિત અહેવાલ આ વર્ષની શરૂઆતમાં ઓનલાઈન કાર રિટેલર કારવાના પર હતો.
ગાંધીગનર: ભારતની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત મોટરસાયકલિંગ ઇવેન્ટ ‘BOBMC રાઇડર મેનિયા 2025’નું આયોજન આ વર્ષે કચ્છ રણોત્સવ ખાતે કરવામાં આવ્યું હતું. યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન (UNWTO) દ્વારા ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’થી સન્માનિત ધોરડો ખાતે BOBMC રાઇડર મેનિયાનું 22મું સંસ્કરણ 31 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી, 2025 સુધી યોજાયું હતું. ભારતના વિવિધ રાજ્યો જેવાં કે, કેરળ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તર-પૂર્વના રાજ્યો જેવાં કે, મિઝોરમ, ત્રિપુરા, અરૂણાચલ પ્રદેશ તેમજ નેપાળ અને ભૂટાન જેવાં દેશોમાંથી મળીને લગભગ 2000થી વધુ બાઇક રાઇડર્સે આ 3 દિવસીય મોટર સાયકલિંગ ઇવેન્ટમાં ભાગ લીધો હતો.આ પ્રસંગે ગુજરાત સરકારના પ્રવાસન સચિવ ડૉ. રાજેન્દ્ર કુમારે જણાવ્યું કે, “ગુજરાતમાં વિશ્વ સ્તરીય મજબૂત રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. તેમજ રાજ્યમાં વૈવિધ્યસભર લેન્ડફોર્મ્સ આવેલા છે, જે તેને વિશ્વસ્તરીય બાઇકિંગ ડેસ્ટિનેશન બનાવે છે. હું તમામ બાઇકર્સને કહેવા માંગું છું કે આવો અને દુનિયાના સૌથી સુંદર રસ્તા અને સૌથી શાંત જગ્યાએ સફર કરો.”
આ મોટર સાયકલિંગ ઇવેન્ટ ગુજરાતના પ્રવાસનને વેગ આપશે અને ખાસ કરીને એડવેન્ચર ટુરિઝમને પ્રોત્સાહન આપશે. આ પ્રકારની ઇવેન્ટના આયોજનથી લોકોને જાણ થશે કે ગુજરાતમાં ઓફ રોડિંગ, સોલો રાઇડિંગ વગેરે માટે પણ ઘણી ઉજળી તકો છે.
ગુજરાતમાં પ્રથમ વખત આયોજન
BOBMC રાઇડર મેનિયા એ ભારતની ખૂબ જ પ્રતિષ્ઠિત મોટરસાયકલિંગ ઇવેન્ટ છે, જે છેલ્લા 22 વર્ષોથી આયોજિત થાય છે. બાઇક રાઇડર્સના પ્રતિષ્ઠિત ક્લબ દ્વારા આ ઇવેન્ટ આયોજિત કરવામાં આવે છે. આ વર્ષનું આયોજન બુલેટ બટાલિયન ક્લબ દ્વારા કરવામાં આવ્યું છે, જેઓ રોયલ એનફિલ્ડ બાઇકપ્રેમીઓનું એક પ્રમુખ ક્લબ છે. ઉલ્લેખનીય છે કે, BOBMC એ બાઇકર કોમ્યુનિટી છે અને રાઇડર મેનિયા તેમની એક ફ્લેગશિપ ઇવેન્ટ છે. ગુજરાતમાં આ ઇવેન્ટ પ્રથમ વખત આયોજિત કરવામાં આવી છે.
મિસ ઇન્ડિયા રનર્સ અપએ પણ લીધો ભાગ
ધોરડોમાં યોજાયેલી રાઇડર મેનિયા 2025 ઇવેન્ટમાં મિસ ઇન્ડિયા રનર્સ અપ રેખા પાંડેએ પણ એક બાઇકર તરીકે ભાગ લીધો હતો. તેમણે ધોરડો ખાતે બાઇક રાઇડિંગની મજા માણી અને જણાવ્યું હતું કે સોલો રાઇડિંગ માટે, સોલો વુમન ટ્રાવેલર માટે ગુજરાત બેસ્ટ છે. રેખા પાંડે ઉપરાંત, અન્ય ઘણી મહિલાઓએ પણ સોલો રાઇડર્સ તરીકે આ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. જેઓ અલગ-અલગ રાજ્યોમાંથી ગુજરાત આવ્યા હતા. આ સાથે જ એક-બે દિવ્યાંગ લોકો પણ બાઇક રાઇડ કરીને ધોરડો પહોંચ્યા હતા. તેઓએ ધોરડો ઉપરાંત, ત્યાંના આસપાસના કાળો ડુંગર, કોટેશ્વર વગેરે પ્રવાસન સ્થળો પણ એક્સપ્લોર કર્યા હતા. આ ઇવેન્ટ બાદ તેઓ ગુજરાતના અલગ-અલગ સ્થળોએ પ્રવાસ કરશે. જેમકે, એક ગ્રુપ સૌરાષ્ટ્ર જશે, તો બીજું ગ્રુપ ઉત્તર ગુજરાતના સ્થળોએ જશે, તો કોઈક દક્ષિણ ગુજરાતના સ્થળોને એક્સપ્લોર કરશે. ત્યારબાદ તેઓ પોતાની પરત યાત્રા શરૂ કરશે.
બાઇક રાઇડર્સ માટે વિવિધ પ્રવૃત્તિઓ
3 દિવસીય આ ઇવેન્ટ દરમિયાન શોર્ટ ટ્રેક રેસિંગ, સ્લો બાઇક સ્પર્ધા અને વિન્ટેજ મોટરસાયકલ શૉ જેવી વિવિધ મોટરસાયકલિંગ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, સાંસ્કૃતિક કાર્યક્રમો, લાઇવ મ્યુઝિક શૉ, સ્વાદિષ્ટ વાનગીઓના સ્ટોલ, દોરડાખેંચ અને આર્મ રેસલિંગ સ્પર્ધા જેવી પ્રવૃત્તિઓ પણ યોજાઈ હતી. મોટરસાયકલ ચલાવવાના શોખીનો માટે આ સમગ્ર ઇવેન્ટ ખૂબ જ રસપ્રદ રહી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન ગુજરાતની સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરતા ગરબા તેમજ તલવાર રાસની પ્રસ્તુતિ પણ કરવામાં આવી હતી. ભારતભરમાંથી આવેલા બાઇક રાઇડર્સે ગુજરાતી વાનગીઓ અને ગુજરાતની મહેમાનગતિનો ભરપૂર આનંદ માણ્યો હતો. બાઇક રાઇડર્સે ધોરડોની આસપાસના પ્રવાસન સ્થળો પણ એક્સપ્લોર કર્યા હતા. તેમણે રણોત્સવની અદ્ભુત વ્યવસ્થા, રણના કુદરતી સૌંદર્ય, ટેન્ટ સિટીની વ્યવસ્થા વગેરેની ખૂબ પ્રશંસા કરી હતી.
ઇંદોરથી રાઇડર મેનિયામાં ભાગ લેવા આવેલા કૃણાલ ભાટિયાએ જણાવ્યું કે, “ગુજરાતમાં આવીને અમને બહુ સારું લાગ્યું. અમારું ખૂબ સરસ રીતે સ્વાગત કરવામાં આવ્યું. ગુજરાતમાં બાઇક રાઇડ કરવા માટે ખૂબ સારા રોડ-રસ્તાઓ છે. અમારી જે રાઇડર મેનિયા ઇવેન્ટ હતી, તેમાં પણ ખૂબ મજા આવી. હું તેમાં ભાગ લઇને અને ગુજરાત આવીને 100 ટકા સંતુષ્ટ છું. આ માટે હું ગુજરાત સરકારનો આભાર માનું છું.”રાઇડર મેનિયા 2025માં ભાગ લેવા માટે અરૂણાચલપ્રદેશથી પાંચ મહિલાઓનું ‘અરૂણાચલ બુલેટ ક્લબ’ નામક એક ગ્રુપ ગુજરાત આવ્યું હતું. આ ક્લબના રાખી આગમદુઈએ જણાવ્યું કે, “અમે બધાએ પહેલી જ વખત રાઇડર મેનિયામાં ભાગ લીધો છે. અમારી જર્ની 15 જાન્યુઆરીના રોજ કિબિતુથી શરૂ થઈ હતી. કિબિતુથી ગુજરાત સુધીની અમારી જર્ની ખૂબ જ સરસ રહી હતી. ગુજરાતની જનતાનો પણ અમે આભાર માનીએ છીએ, કે જે ટ્રાફિકની સિચ્યુએશન હતી એમાં અમને સાથ આપ્યો. અમે રસ્તામાં ક્યાંય ભટકી ગયા તો અમને સામેથી બોલાવીને સાચી દિશા પણ બતાવી.”200 જેટલા બાઇક રાઇડર્સે ધોરડોથી ધોળાવીરાની સફર કરી
ઇવેન્ટના ત્રીજા દિવસની સવારે ધોરડો આવેલા બાઇકર્સમાંથી લગભગ 200 જેટલા રાઇડર્સે પોતાની બાઇક પર ‘રોડ થ્રુ હેવન’ મારફતે ધોરડોથી ધોળાવીરા સુધીની સફર ખેડી હતી. રોડ થ્રુ હેવન પરથી પસાર થતી બાઇકોના કારણે લોકોને અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા હતા. બહારથી આવેલા લોકોએ અહીંયા ઘણા ફોટા પડાવ્યા હતા અને રોડ થ્રુ હેવનની સુંદરતાને મનભરીને માણી હતી.
કેનેડામાં ફરી એકવાર પંજાબી ગાયકના બંગલા પર ગોળીબારનો મામલો સામે આવ્યો છે. કેનેડામાં રહેલા પંજાબી ગાયક પ્રેમ ઢિલ્લોનના બંગલા પર કેટલાક હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો. સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, સૂત્રો ગોળીબારની ઘટનાની પુષ્ટિ કરી રહ્યા છે.
જયપાલ ભુલ્લર ગેંગ પર પંજાબી ગાયક પ્રેમ ઢિલ્લોનના બંગલા પર ગોળીબાર કરવાની શંકા છે. આ ઘટના ગઈકાલે બની હોવાનું કહેવાય છે. ગોળીબાર બાદ આરોપીઓએ એક પોસ્ટ શેર કરીને ઘટનાની જવાબદારી લીધી છે. તે વાયરલ પોસ્ટમાં, સંગીત ઉદ્યોગના વર્ચસ્વ વિશે પણ વાત કરવામાં આવી છે.
તે વાયરલ પોસ્ટમાં સિદ્ધુ મૂસેવાલા અને જગ્ગુ ભગવાનપુરિયાના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગોળીબારની જવાબદારી જેન્તા ખારરે લીધી છે, જે જયપાલ ભુલ્લર ગેંગ સાથે સંકળાયેલી છે અને હાલમાં ઓસ્ટ્રેલિયામાં છે. જેન્ટાને ખાલિસ્તાની આતંકવાદી અર્શ ડાલાની નજીક માનવામાં આવે છે.
અમદાવાદ: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલેએ આજે એક પત્રકાર પરિષદ કરી UCC એટલેકે યુનિફોર્મ સિવિલ કોડની જાહેરાત કરી છે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શ્રીમતી રંજના દેસાઈ ની અધ્યક્ષતામાં કમિટી રચાશે. 5 સભ્યોની આ કમિટીમાં વરિષ્ઠ નિવૃત્ત આઈ.એ.એસ. સી એલ મીણા, આર સી કોડેકર, દક્ષેશ ઠાકર, ગીતાબેન શ્રોફનો સમાવેશ થાય છે. આ કમિટી તમામ પાસાનો અભ્યાસ કરીને 45 દિવસમાં રાજ્ય સરકારને રિપોર્ટ આપશે. આ રિપોર્ટના આધારે સરકાર નિર્ણય કરશે. આ કમિટી લોકોના સૂચન પર કામ કરશે. જો આવું થશે, તો ઉત્તરાખંડ બાદ ગુજરાત સ્વતંત્રતા પછી ‘સમાન નાગરિક સંહિતા’ લાગુ કરનાર બીજું રાજ્ય બનશે. સમાન નાગરિક સંહિતા (UCC) લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, મિલકતના અધિકારો, દત્તક લેવા અને વારસો જેવા ક્ષેત્રોને આવરી લે છે.
UCC એ બધા લોકો માટે સમાન કાયદો છે, પછી ભલે તેમનો ધર્મ, જાતિ કે સંપ્રદાય કોઈ પણ હોય. 2015માં સુપ્રીમ કોર્ટમાં UCCના અમલીકરણ માટે પહેલી વાર અરજી દાખલ કરનાર વકીલ અશ્વિની ઉપાધ્યાય કહે છે કે, તેનો ધર્મ સાથે કોઈ સંબંધ નથી. યુસીસીના અમલીકરણ સાથે કયા નિયમો અને નિયમો બદલાશે અને કોને કયા અધિકારો મળશે તે જાણવું પણ મહત્વપૂર્ણ છે. ચાલો તેમના વિશે જાણીએ…
લગ્ના છ મહિનામાં નોંધણી કરવવી ફરજિયાત
યુસીસીના અમલીકરણ સાથે બધા લગ્નોની નોંધણી ફરજિયાત બની ગઈ છે. લોકોને તેમના લગ્ન ઓનલાઈન રજીસ્ટર કરાવવામાં મદદ કરવા માટે સુવિધાઓ બનાવવામાં આવી છે જેથી તેમને સરકારી કચેરીઓમાં જવું ન પડે. લગ્નની નોંધણી 6 મહિનાની અંદર કરાવવી ફરજિયાત રહેશે.
લિવ-ઈન રિલેશનશિપનું રજીસ્ટ્રેશન બન્યું ફરજિયાત
યુનિફોર્મ સિવિલ કોડમાં લિવ-ઇન રિલેશનશિપમાં રહેવા માટે માતાપિતાની પરવાનગી ફરજિયાત રહેશે. આ સંબંધમાં રહેતા યુગલોએ રજિસ્ટ્રાર સમક્ષ તેમના સંબંધની ઘોષણા કરવી પડશે. જો તેઓ સંબંધનો અંત લાવવા માંગતા હોય તો તે માહિતી પણ રજિસ્ટ્રારને પણ આપવી પડશે. લિવ-ઇન રિલેશનશિપથી જન્મેલા બાળકને કાયદેસર ગણવામાં આવશે. જો લિવ-ઇન રિલેશનશિપ તૂટી જાય, તો સ્ત્રી ભરણપોષણની માંગ કરી શકશે. કોઈને જાણ કર્યા વિના એક મહિનાથી વધુ સમય માટે લિવ-ઇન રિલેશનશિપમાં રહેવા બદલ 10,000 રૂપિયાનો દંડ થઈ શકે છે. રજિસ્ટ્રાર નોંધણી કરાવનાર દંપતીની માહિતી તેમના માતાપિતા અથવા વાલીઓને આપશે, આ માહિતી સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે.
દિકરા કે દીકરીનો મિલકત પર સમાન અધિકાર
મિલકતના અધિકારમાં બાળકોમાં કોઈપણ પ્રકારનો ભેદભાવ રહેશે નહીં. એટલે કે, કુદરતી સંબંધોના આધારે જન્મેલા બાળકો, સહાયિત પદ્ધતિઓ દ્વારા જન્મેલા બાળકો અથવા લિવ-ઇન સંબંધો દ્વારા જન્મેલા બાળકો વગેરેને મિલકતમાં સમાન અધિકારો હશે. આ કાયદા હેઠળ, બધા ધર્મો અને સમુદાયોમાં દીકરીઓને સમાન મિલકત અધિકારો આપવામાં આવ્યા છે.
માતાપિતા પાસે પણ મિલકતના અધિકારો
કોઈપણ વ્યક્તિના મૃત્યુ પછી તેની મિલકત અંગે પરિવારના સભ્યો વચ્ચે કોઈ વિવાદ ન થાય તે માટે મૃતકની મિલકત પર તેની પત્ની, બાળકો અને માતાપિતાને સમાન અધિકાર આપવામાં આવ્યા છે.
બહુપત્નીત્વ પર પ્રતિબંધ
ઉત્તરાખંડમાં લાગુ કરાયેલ યુસીસીમાં, ઇસ્લામમાં પ્રચલિત હલાલાની પ્રથા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, બહુપત્નીત્વ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
18 વર્ષ પહેલા લગ્ન નહી
ધર્મોમાં છોકરાઓ માટે લગ્નની લઘુત્તમ ઉંમર 21 વર્ષ અને છોકરીઓ માટે 18 વર્ષ કરવામાં આવી છે. હવે મુસ્લિમ છોકરીઓ 18 વર્ષની ઉંમર પહેલા લગ્ન કરી શકશે નહીં.
સમગ્ર મિલકતના વસિયતનામાની માફી
સમાન નાગરિક સંહિતા લાગુ થયા પછી કોઈપણ વ્યક્તિ પોતાની સંપૂર્ણ મિલકત વસિયતમાં આપી શકે છે. સમાન નાગરિક સંહિતા લાગુ થયા પહેલા, મુસ્લિમ, ખ્રિસ્તી અને પારસી સમુદાયો માટે વસિયતનામાના અલગ અલગ નિયમો હતા. હવે આ નિયમો બધા માટે સમાન રહેશે.
લગ્ન સાથે છૂટાછેડાની નોંધણી
આ કાયદા દ્વારા જન્મ અને મૃત્યુની નોંધણીની જેમ, લગ્ન અને છૂટાછેડા બંનેની નોંધણી પણ કરી શકાય છે. આ નોંધણી વેબ પોર્ટલ દ્વારા પણ કરી શકાય છે.
બીજા ધર્મના બાળકને દત્તક લઈ શકશો નહીં
યુસીસી હેઠળ, બધા ધર્મોને બાળકોને દત્તક લેવાનો અધિકાર હશે. જોકે, બીજા ધર્મના બાળકને દત્તક લઈ શકાતું નથી.
અનુસૂચિત જનજાતિઓ યુસીસીના કાર્યક્ષેત્રની બહાર
બંધારણના અનુચ્છેદ 342 માં ઉલ્લેખિત અનુસૂચિત જનજાતિઓને આ સંહિતામાંથી બાકાત રાખવામાં આવ્યા છે, જેથી તે જાતિઓ અને તેમના રિવાજોનું રક્ષણ થઈ શકે. આ સિવાય ટ્રાન્સજેન્ડરોની પરંપરાઓમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.
અમદાવાદ: રાજ્યમાં છેલ્લાં ચાર વર્ષમાં વીજપુરવઠામાં વધારો જોવા મળ્યો છે, કારણ કે રાજ્યમાં વીજપુરવઠો નાણાકીય વર્ષ 2020માં 1,13,939 મિલિયન યુનિટથી 28 ટકા વધીને નાણાકીય વર્ષ 2024માં 1,45,740 મિલિયન યુનિટ થયો છે. આ ઉપરાંત નાણાકીય વર્ષ 2025ના પ્રથમ નવ મહિનામાં રાજ્યનો વીજપુરવઠો 1,13,697 મિલિયન યુનિટને સ્પર્શી ગયો છે. સરકાર 2031-32માં તમામ સ્ત્રોતોમાંથી ભારતની કુલ સ્થાપિત વીજ ઉત્પાદનક્ષમતાને 900 GW સુધી લઈ જવાની પણ યોજના ધરાવે છે. કેન્દ્રીય ઊર્જા રાજ્ય મંત્રી શ્રીપદ નાઈકે ફેબ્રુઆરી 3, 2025એ રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા સવાલના જવાબમાં આ માહિતી ઉપલબ્ધ આપી હતી.
તેમના નિવેદન મુજબ સરકારે છેલ્લાં 10 વર્ષમાં દેશને વીજળીની ખાધમાંથી પર્યાપ્ત વીજળી ધરાવતા દેશમાં પરિવર્તિત કર્યો છે. દેશની વર્તમાન સ્થાપિત વીજ ઉત્પાદનક્ષમતા 4,62,065 મેગાવોટ છે. તેમના જણાવ્યાનુસાર એપ્રિલ 2014થી 2,30,050 મેગાવોટ ઉત્પાદનક્ષમતા ઉમેરીને ભારત સરકારે વીજળીની ઊણપના નિર્ણાયક મુદ્દાને ઉકેલ્યો છે.
વર્ષ 2031-32માં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા 900 ગિગાવોટ થવાની સંભાવના છે, જેમાં પરંપરાગત સ્ત્રોતો- કોલસો, લિગ્નાઈટ વગેરે, બિનપરંપરાગત સ્ત્રોતો- સૌર, પવન, હાઇડ્રો, પમ્પ સ્ટોરેજ પ્રોજેક્ટ (પીએસપી) અને બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (બીઇએસએસ)નો સમાવેશ થાય છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે ઊર્જા મંત્રાલયે રાજ્યો સાથે પરામર્શ કરીને 2031-32 સુધીમાં ઓછામાં ઓછી 80,000 મેગાવોટની થર્મલ પાવર ક્ષમતા ઉમેરવાની યોજનાની કલ્પના કરી છે. આ લક્ષ્યાંક સામે 28,020 મેગાવોટ થર્મલ પાવર ક્ષમતા પહેલેથી જ નિર્માણાધીન છે અને નાણાકીય વર્ષ 2024-25માં 19,200 મેગાવોટ થર્મલ પાવર ક્ષમતા માટે કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યા છે, એમ જણાવી તેમણે ઉમેર્યું હતું કે વધુમાં 36,320 મેગાવોટ કોલસો અને લિગ્નાઈટ આધારિત ઉત્પાદન ક્ષમતા તૈયાર કરવાનું આયોજન છે, જે દેશમાં આયોજનના વિવિધ તબક્કામાં છે.
તેમણે એમ પણ કહ્યું કે 13,997.5 મેગાવોટના હાઈડ્રો ઈલેક્ટ્રિક પ્રોજેક્ટ્સ અને 8000 મેગાવોટના પમ્પ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટ્સ (પીએસપી) નિર્માણાધીન છે. 24,225.5 મેગાવોટના હાઇડ્રો-ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ અને 50,760 મેગાવોટ પીએસપી યોજનાના પ્રોજેક્ટ વિવિધ તબક્કા હેઠળ છે અને 2031-32 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. આ સાથે 7300 મેગાવોટ પરમાણુ વીજ ક્ષમતા નિર્માણાધીન છે અને 2029-30 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. 7000 મેગાવોટ યોજના આયોજન અને મંજૂરીના વિવિધ તબક્કાઓ હેઠળ છે, એમ પણ તેમણે ઉમેર્યું હતું.
ન્યુ એન્ડ રિન્યુએબલ એનર્જી મિનિસ્ટ્રીએ (MNRE) નાણાકીય વર્ષ 2023-24થી 2027-28 સુધી રિન્યુએબલ એનર્જી અમલીકરણ એજન્સીઓ થકી 50 ગિગાવોટ/વાર્ષિક રિન્યુએબલ એનર્જીનો વીજ પુરવઠો પ્રાપ્ત કરવા માટેની બીડ મગાવવાની પ્રક્રિયા ચાલુ છે અને ઓટોમેટિક રૂટ હેઠળ 100 ટકા સીધા વિદેશી મૂડીરોકાણની મંજૂરી પણ આપવામાં આવી છે. ટ્રાન્સમિશન પ્લાનિંગ વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે નેશનલ ઇલેક્ટ્રિસિટી પ્લાન મુજબ 2022-23 થી 2031-32 સુધીનાં દસ વર્ષના સમયગાળામાં લગભગ 1,91,474 સીકેએમ ટ્રાન્સમિશન લાઇન અને 1274 જીવીએ ટ્રાન્સફોર્મેશન ક્ષમતા (220 કેવી અને તેનાથી ઉપરના વોલ્ટેજ સ્તરે) ઉમેરવાનું આયોજન છે.