Home Blog Page 1192

યશજીની ‘દીવાર’ માં અનેક કલાકારો બદલાયા હતા

નિર્દેશક યશ ચોપડાની ફિલ્મ ‘દીવાર’ (૧૯૭૫) શરૂ થાય એ પહેલાં અનેક કલાકારો બદલાયા હતા. શશી કપૂરના બાળપણની ભૂમિકા કરનાર માસ્ટર રાજુ અસલમાં અમિતાભની બાળ ભૂમિકા માટે પસંદ થયો હતો પણ એમાં ફેરફાર કેમ થયો એ ઉપરાંત બીજા સંસ્મરણો ૨૦૨૫ ની ૨૪ જાન્યુઆરીએ ફિલ્મના 50 વર્ષ થયા એ નિમિત્તે એણે રજૂ કર્યા હતા. માસ્ટર રાજુએ યશજીની ફિલ્મ ‘દાગ’ (૧૯૭૩) માં રાજેશ ખન્નાના બાળપણની ભૂમિકા નિભાવી હતી. એટલે જ્યારે ‘દીવાર’ માં અમિતાભના બાળપણની ભૂમિકા માટે કલાકારની જરૂર પડી ત્યારે એમને થયું કે રાજુ હવે થોડો મોટો થઈ ગયો હશે અને એ બાળ અમિતાભ તરીકે યોગ્ય રહેશે. જ્યારે યશજી રાજુને મળ્યા ત્યારે જોયું કે એ હજુ નાનો જ દેખાય છે. તેથી અમિતાભના બાળપણની ભૂમિકા માટે યોગ્ય રહેશે નહીં. ત્યારે યશજીના મુખ્ય સહાયક નિર્દેશક રમેશ તલવાર હતા. એમણે કહ્યું કે જો એ અમિતાભ માટે નાનો લાગતો હોય તો શશી કપૂરના બાળપણની ભૂમિકા સોંપી શકીએ એમ છીએ.

યશજીએ એ સૂચન સ્વીકારી લીધું હતું. એ પછી રાજુથી થોડો મોટો દેખાતો માસ્ટર અલંકાર બાળ અમિતાભ તરીકે પસંદ થયો હતો. રાજુએ ફિલ્મના બીજા મુખ્ય કલાકારો બદલાયા હોવાનું યાદ કરતાં કહ્યું હતું કે ‘વિજય’ ની ભૂમિકા માટે અમિતાભ યશજીની પહેલી પસંદ ન હતા. નિર્માતા ગુલશન રાય રાજેશ ખન્નાને સાઇન કરી ચૂક્યા હતા. પણ સલીમ-જાવેદના સૂચન બાદ એમાં અમિતાભ આવ્યા હતા. તેઓ ગુલશનને અમિતાભ માટે રાજી કરવામાં સફળ થયા હતા. સલીમ-જાવેદે શશીની ભૂમિકા માટે શત્રુધ્ન સિંહાનું નામ સૂચવ્યું હતું. ત્યારે અમિતાભવાળી ભૂમિકા માટે રાજેશનું નામ ચર્ચામાં હોવાથી શત્રુધ્નએ ના પાડી દીધી હતી. રાજેશ ખન્ના ઉપરાંત દેવ આનંદનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. દેવ આનંદે ફિલ્મમાં ‘વિજય’ ની ભૂમિકા સાથે હીરોઈન ન હતી અને એકપણ ગીત ન હોવાથી ના પાડી દીધી હતી.

અગાઉ દેવ આનંદે અમિતાભે નિભાવેલી ‘જંજીર’ (૧૯૭૩) ની ભૂમિકા આ કારણથી જ ઠુકરાવી હતી. અસલમાં ‘દીવાર’ ની મૂળ સ્ક્રીપ્ટમાં એકપણ ગીત ન હતું. વિતરકોના દબાણને કારણે શશી કપૂરના બે ગીત ઉમેરવામાં આવ્યા હતા અને એ બહુ લોકપ્રિય રહ્યા હતા. આમ તો શશી કપૂર પહેલી પસંદ ન હતા. પહેલાં એમની ભૂમિકા માટે નવીન નિશ્ચલનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

કોઈ કારણથી એ ફિલ્મમાં આવી શક્યા ન હતા અને શશીનો નંબર લાગી ગયો હતો. શશી કપૂરને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. નિરૂપા રોય બાબતે આવું જ બન્યું હતું. પહેલાં અમિતાભ– શશીની માતા ‘સુમિત્રાદેવી’ ની ભૂમિકા માટે વૈજયંતિમાલાનું નામ વિચારવામાં આવ્યું હતું. નિરૂપા રોયે ભૂમિકાને એટલો સારો ન્યાય આપ્યો કે ‘દીવાર’ ની સફળતા પછી ‘માતા’ ની મજબૂત ભૂમિકાઓ મળવાનું શરૂ થયું હતું.

મહાકુંભ, ચીન અને જાતિ જનગણતરીને મુદ્દે અખિલેશે સરકારને ઘેરી

નવી દિલ્હીઃ સંસદનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. એ દરમ્યાન સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે સંસદમાં ફરી એક વાર મહાકુંભ દુર્ઘટનાનો મુદ્દો ઉઠાવ્યો છે. મહાકુંભમાં મૃતકોના આંકડા જારી કરવામાં આવે. આ સિવાય તેમણ કહ્યું હતું કે સંસદમાં દુર્ઘટનામાં મૃતકો માટે બે મિનિટનું મૌન ધારણ કરવામાં આવે, એમ તેમણે કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે અમે લોકોએ લાખો એકર જમીન ગુમાવી છે અને હવે એ રસ્તે ભાજપ ચાલી રહ્યો છેજમીન ગુમાવ્યાની સાથે-સાથે ભાજપ કહી નથી રહ્યો કે ચીને કબજો કર્યો છે.  તેમણે સંસદમાં ઉત્તર પ્રદેશની યોગી સરકાર પર નિશાન સાધતાં કહ્યું હતું કે પ્રચાર કરવામાં આવ્યો હતો કે રૂ. 100 કરોડની તૈયારી અમે કરી રાખી છે. જો સરકાર મારી વાતને ખોટી સાબિત કરે તો હું રાજીનામું આપવા તૈયાર છું. મહાકુંભમાં લોકો પુણ્ય કમાવા આવ્યા હતા, પરંતુ મૃતદેહો લઈને ગયા છે, એમ તેમણે કહ્યું હતું.

તેમણે સંસદમાં કહ્યું હતું કે આ લોકો ડિજિટલ-ડિજિટલ કહેતા થાકતા નથી, પણ હવે ડિજિટ નથી આપી રહ્યા. મહાકુંભમમાં દુર્ઘટના પછી મૃતદેહો પડ્યા રહ્યા હતા, પરંતુ હેલિકોપ્ટરથી ફૂલ વરસાવવામાં આવ્યા હતા. જ્યારે દેશના રાષ્ટ્રપતિ અને PMએ શોક વ્યક્ત કર્યો, એના 17 કલાક પછી સરકારે એ વાત માની.

લોકસભામાં જાતિ જનગણતરીનો મુદ્દો પણ તેમણે ઉઠાવ્યો હતો. જાતિ જનગણતરી મુદ્દે મારા અને કોંગ્રેસની વચ્ચે કોઈ મતભેદ નથી. જાતિ જનગણતરીના મુદ્દે જો કોંગ્રેસ એક પગલું આગળ વધશે તો અમે તમારાથી આગળ ચાલીશું. સરકારે કોઈ કામ નથી કર્યું, પણ SPનાં કામોને આગળ વધાર્યાં છે. રાજ્યમાં એક એક્સપ્રેસ-વે પણ સરકારે પૂરો નથી કર્યો, એમ તેમણે કહ્યું હતું.

 

 

ગુજરાતમાં UCCની જાહેરાત, સમાન નાગરિક ધારા માટે સરકારનો મહત્વપૂર્ણ સંકલ્પ

ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલને લઈ મહત્વના સમાચાર આવ્યા છે. યુસીસી લાગુ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આજે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ કરી UCCની જાહેરાત કરી છે. યુસીસીના અમલ માટે પહેલ કરનાર ઉત્તરાખંડ બાદ ગુજરાત બીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા પૂર્વ ન્યાયધીશની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવશે. જે લોકોના સૂચન પર કામ કરશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે UCCની જાહેરત કરતા જણાવ્યું કે, ‘ભારતીયતા આપણો ધર્મ છે અને ભારતનું બંધારણ નાગરિક ધર્મ નિભાવવા માટે સૌથીનું પથદર્શન કરતું આવ્યું છે. હવે સમાન નાગરિક ધારો અમલ કરવા માટે સંકલ્પ છે. ગુજરાત સંકલ્પ સાકાર કરવા માટે હંમેશા કટિબદ્ધ છે. રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સમાન હક અને અધિકાર મળે તે દિશામાં આગળ વધે છે. આ માટે ગુજરાતમાં કોમન સિવિલ કોડ ની આવશ્યકતા ચકાસવા તથા કાયદા માટે નો મુસદ્દો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શ્રીમતી રંજના દેસાઈ ની અધ્યક્ષતામાં કમિટી રચાશે. 5 સભ્યોની આ કમિટીમાં વરિષ્ઠ નિવૃત્ત આઈ.એ.એસ. સી એલ મીણા, આર સી કોડેકર, દક્ષેશ ઠાકર, ગીતાબેન શ્રોફનો સમાવેશ થાય છે. આ કમિટી તમામ પાસાનો અભ્યાસ કરીને 45 દિવસમાં રાજ્ય સરકારને રિપોર્ટ આપશે. આ રિપોર્ટના આધારે સરકાર નિર્ણય કરશે.’

પત્રકાર પરિષદમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ’45 દિવસમાં કમિટી દ્વારા જે રિપોર્ટ આવશે તેનો રિવ્યુ કરવામાં આવશે. આ રિવ્યુ બાદ સરકાર યોગ્ય નિર્ણય લેશે. કોઈ જ્ઞાતિ-જાતિને નુકસાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. ખાસ કરીને આદિવાસી સમાજને કોઈ નુકસાન ન થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે. આ કાયદો કોઈ એક સમાજ માટે નથી લાવવામાં આવી રહ્યો, તમામ નાગરિકો માટે સમાન કાયદા રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.’

શું છે યુનિફોર્મ સિવિલ કોડ ?

દેશમાં બે પ્રકારના કાનૂન છે- ક્રિમિનલ કાયદા અને સિવિલ કાયદા. ક્રિમિનલ કાયદામાં ચોરી, લૂંટ, મારામારી જેવા બનાવો સામે સુનાવણી થાય છે. દરેક ધર્મ, સમુદાયના લોકોને ક્રિમિનલ કાયદા લાગુ પડે છે, જ્યારે સિવિલ કાયદામાં લગ્ન અને સંપત્તિ સાથે જોડાયેલા કેસો ચાલે છે, છૂટાછેડા, ભરણ-પોષણ વગેરે. ભારતમાં અલગ અલગ ધર્મોમાં લગ્ન, રીતરિવાજ અલગ અલગ છે. આ જ કારણ છે કે આ પ્રકારના કાયદાને પર્સનલ લૉ પણ કહેવાય છે. પર્સનલ લૉ એટલા માટે કે મુસ્લિમોમાં શાદી અને સંપત્તિના ભાગલા મુસ્લિમ લૉ મુજબ થાય છે. હિન્દુઓમાં હિન્દુ એક્ટ મુજબ કેસ ચાલે છે. ઈસાઈ અને શીખ માટે પણ અલગ પર્સનલ લૉ છે. યુનિફોર્મ સિવિલ કોડ મારફત પર્સનલ લૉ ખતમ થઈ જશે અને કોઈપણ ધર્મ હોય, કોઈપણ સમુદાય હોય, એ તમામ માટે એકસમાન કાયદા રહેશે, જેને યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) કહેવાય છે.

ભવ્ય ઈવેન્ટમાં નેટફ્લિક્સે કરી વિવિધ શૉની જાહેરાત, જુઓ ગ્લેમરસ તસવીરો

નેટફ્લિક્સ દ્વારા મુંબઈમાં ‘Next On Netflix’ ઈવેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે વર્ષ 2025માં રિલીઝ થનારા શૉ, વેબ સીરિઝ અને ફિલ્મ સહિતના પ્રોજેક્ટની જાહેરાત કરી. મનોરંજન પ્રેમીઓ માટે આ વર્ષે OTT પ્લેટફોર્મ Netflix પર ઘણા રસપ્રદ શૉ રિલીઝ થવાના છે. ઈબ્રાહિમ અને ખુશી કપૂરની નાદાનિયાં, મંડલા મડર્સ, દિલ્હી ક્રાઈમ 3, ગ્લોરી, ધામધૂમ, ધ રૉયલ્સ, આપ જૈસા કોઈ, ડાઈનિંગ વિદ ધ કપૂર્સ, અક્કા, ટોસ્ટર, ખાકી ધ બંગાલ ચેપ્ટર, ટેસ્ટ અને ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શૉ સહિત અનેક શૉ અને ફિલ્મ્સ દ્વારા નેટફ્લિક્સ દર્શકોને મનોરંજન પૂરુ પાડશે.

આ સાથે જ શાહરુખનો પુત્ર આર્યન ખાન પણ નેટફ્લિક્સ પર એક પ્રોજેક્ટ લઈને આવી રહ્યો છે. આ ભવ્ય ઈવેન્ટમાં શાહરુખ ખાન, ગૌરી ખાન, કરણ જૌહર, ભૂમિ પેડનેકર, પ્રતીક ગાંધી, યામમી ગૌતમ, શેફાલી શાહ, રાજકુમાર રાવ, સાનિયા મલ્હોત્રા, ઈશાન ખટ્ટર, સૈફ અલી ખાન, જયદિપ અહલાવત સહિતના બૉલિવૂડ સ્ટાર્સ હાજર રહ્યા હતાં.

(તમામ તસવીરો: દીપક ધૂરી)

ટેરિફ વોરઃ ચીને 10 ટકાના જવાબમાં US પર 15 ટકા ટેક્સ લગાવ્યો

નવી દિલ્હીઃ અમેરિકાએ ચાઇનીઝ માલસામાન પર 10 ટકા ટેરિફ લાગુ કર્યા, એના જવાબમાં ચીને તત્કાળ જવાબી કાર્યવાહી કરતાં અમેરિકી માલસામાન પર 10 ટકાથી 15 ટકા સુધી ટેરિફ લગાવવાનું એલાન કરી દીધું હતું. ચીને કહ્યું હતું એ 10 ફેબ્રુઆરીથી અમેરિકી કોલસા અને LNG પર 15 ટકા વધારાનો ટેક્સ લગાવશે અને ક્રૂડ ઓઇલ, કૃષિ મશીનરી, મોટા વિસ્થાપનવાળી ઓટોમોબાઇલ અને પિકઅપ ટ્રકો પર 10 ટકા ટેરિફ લગાવશે.

ચીનેની કેબિનેટની સ્ટેટ કાઉન્સિલના સીમા શૂલ્ક ટેરિફ પંચે કહ્યું હતું કે અમેરિકા તરફથી એ એકતરફી ટેરિફ વધારો WTOના નિયમોનું ગંભીર ઉલ્લંઘન કરે છે અને સામાન્ય રીતે ચીન-અમેરિકા આર્થિક અને વેપાર સહયોગને નબળો કરે છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કેનેડા અને મેક્સિકો પર 25 ટકા ટેરિફ લગાવવાના નિર્ણયથી સ્થાનિક વેપારીઓ સામે મોટી સમસ્યા ઊભી થઈ છે. જોકે હાલ ટ્રમ્પ થોડા નરમ પડ્યા છે, કેમ કે મેક્સિકોના રાષ્ટ્રપતિએ ટ્રમ્પ સાથે વાત કરી છે તો ખુદ ટ્રમ્પે કેનેડાના PM જસ્ટિન ટ્રુડો સાથે ફોન પર વાત કરી છે.

મેક્સિકોના રાષ્ટ્રપતિ શીનબામે જણાવ્યું હતું કે તેમણે ટ્રમ્પ સાથે વાત કરી છે અને તેઓ મેક્સિકો પર ટેરિફને તત્કાળ અસરથી એક મહિના સુધી રોકવા માટે સહમત થયા છે. તેમણે કહ્યું હતું કે મેક્સિકો અમેરિકામાં ડ્રગ્સની દાણચોરીથી બચવા માટે તત્કાળ સીમા પર 10,000 નેશનલ ગાર્ડ તહેનાત કરશે. એ માટે ટ્રમ્પને તેમણે આશ્વાસન પણ આપ્યું છે.

IPS અભય ચુડાસમાનું અચાનક રાજીનામું, નિવૃત્તિ પહેલાં જ પોલીસ સેવા છોડવાની જાહેરાત

ગુજરાત પોલીસમાં અલગ ઇમેજ ધરાવતા IPS અધિકારી અભય ચુડાસમાએ સ્વૈચ્છિક રાજીનામું આપી દીધું છે. જો કે, હજી સુધી રાજ્ય સરકારે રાજીનામાનો સ્વીકાર કર્યો નથી. 3 જાન્યુઆરીના સવારે 10 વાગ્યે તેઓએ રાજ્યના પોલીસવડાને પોતાનું રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. તેઓ હાલ એડિશનલ ડીજીપી તરીકે ગુજરાત પોલીસમાં ફરજ બજાવે છે. કયા કારણોસર અને નિવૃત્તિના થોડાક મહિના પહેલાં જ રાજીનામું આપ્યું તે અંગે અનેક ચર્ચા છે. ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર મહિનામાં નિવૃત્ત થવાના હતા. હાલમાં પોલીસ તાલીમ શાળામાં કાર્યરત હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં કોડીનારમાં આયોજિત એક કાર્યક્રમમાં IPS અભય ચુડાસમાએ કહ્યું હતું કે, ‘હું રાજકારણમાં ક્યારેય જોડાઈશ નહીં, સમાજના શિક્ષણ ક્ષેત્રે કામ કરીશ.’ જેથી હવે નિવૃત્તિ બાદ સમાજસેવામાં કાર્યોમાં જોડાશે એવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે. અભય ચુડાસમા 1998 બેચના IPS અધિકારી છે. તેઓ મૂળ ધોળકા નજીક રતનપુર ગામના વતની છે. તેમને નાની ઉંમરે જ અંકલેશ્વર ખાતે ડી.વાય.એસ.પી. તરીકે પ્રથમ પોસ્ટિંગ મળ્યું હતું.  તેમને પોલીસ સેવામાં લાંબી સેવા બાદ એપ્રિલ 2024માં ગાંધીનગરમાં સ્ટેટ પોલીસ એકેડેમીમાં પ્રિન્સિપાલ રૂપે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આઠ જ મહિનામાં નિવૃત્ત થવાના હોવા છતાં વહેલા રાજીનામાં કારણે તેમના અનેક સાથી પોલીસકર્મીઓ ચોંકી ગયા હતા.

દિલ્હીમાં મતદાન પહેલાં CM આતિશીની વિરુદ્ધ કેસ નોંધાયો

નવી દિલ્હીઃ દિલ્હીમાં મતદાનથી એક દિવસ પહેલાં CM અને કાલકાજીથી આમ આદમી પાર્ટીનાં ઉમેદવાર આતિશી વિરુદ્ધ કેસ નોંધાયો છે. તેમની સામે BNSની કલમ 188 હેઠળ કેસ નોંધાયો છે. તેમની અને તેમના સમર્થકોની વિરુદ્ધ સરકારી કામમાં અડચણ નાખવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

એક વિડિયો વાઇરલ થયો છે, જેમાં આતિશીના એક સમર્થક સાગર મહેતા એક પોલીસ કર્મચારીને લાફો મારતા નજરે ચઢે છે. જોતે આતિશીનું કહેવું છે કે તેમણે જ પોલીસને બોલાવી હતી, પરંતુ તેમના પર જ કેસ નોંધવામાં આવ્યો છે.

CM આતિશીએ ભાજપના ઉમેદવાર રમેશ બિધુડીના પરિવાર પર આચારસંહિતાના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે. તેમનો આરોપ છે કે ભાજપના ઉમેદવારના પરિવારે આચારસંહિતા તોડી છે. જોકે ફરિયાદ કરવા પર પોલીસે કોઈ કાર્યવાહી ના કરી, એવો તેમણે આરોપ લગાવ્યો છે. જોકે રમેશ બિધુડીના આરોપોને ખોટી બતાવ્યા હતા.

આ પહેલાં પણ CM આતિશી પર આચારસંહિતાના ઉલ્લંઘનમાં FIR નોંધવામાં આવી છે. આચાર સંહિતાના આરોપમાં રિટર્નિંગ ઓફિસરે CM આતિશી સામે FIR દાખલ કરી હતી. આ સાથે જ આતિશી પર એવો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે તેમણે ખાનગી કાર્યાલય માટે સરકારી વાહનનો ઉપયોગ કર્યો.આતિશીની વિધાનસભા બેઠક કાલકાજીના રહેવાસી કે.એસ દુગ્ગલે ગોવિંદપુરી SHOને પણ ફરિયાદ કરી છે. કાલકાજીથી ધારાસભ્ય આતિશીને આ હાઇ-પ્રોફાઇલ બેઠક માટે ફરીથી ટિકિટ આપવામાં આવી છે. વળી, ભાજપે પણ પૂર્વ સાંસદ રમેશ બિધૂડીને કાલકાજીથી મેદાને ઉતાર્યા છે.

મોટી રેલ દુર્ઘટના ટળી, એક જ ટ્રેક પર બે માલગાડીમાં ટક્કર

ઉત્તર પ્રદેશ: ફતેહપુર જિલ્લામાં એક મોટી રેલ્વે દુર્ઘટના ટળી ગઈ. ખાગા કોતવાલી વિસ્તારના પમ્ભીપુર ગામ નજીક ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (DFCCIL) પર બે માલગાડીઓ એકબીજા સાથે અથડાઈ હતી. આ અકસ્માતને કારણે રેલ્વે ટ્રેક પર અફળા-તફળી મચી ગઈ હતી અને અપ લાઇન ખોરવાઈ ગઈ હતી. રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર, પંભીપુર ગામ નજીક DFCCIL ટ્રેક પર સિગ્નલના અભાવે એક માલગાડી ઉભી હતી. આ દરમિયાન, પાછળથી આવતી બીજી કોલસા ભરેલી માલગાડીએ તેને જોરદાર ટક્કર મારી. આ ટક્કરને કારણે, આગળ ઉભેલી માલગાડીનું એન્જિન અને ગાર્ડ કોચ પાટા પરથી ઉતરી ગયા.

અકસ્માત પછી શું થયું?
અકસ્માતની જાણ થતાં જ રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. રેલ્વે કર્મચારીઓ પાટા સાફ કરવા અને સેવા પુનઃસ્થાપિત કરવામાં વ્યસ્ત છે. આ અકસ્માતને કારણે અપ લાઇનને અસર થઈ છે, જેના કારણે માલગાડીઓની અવરજવર ખોરવાઈ ગઈ છે.

સદનસીબે મોટી દુર્ઘટના ટળી ગઈ
આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ રેલવેને મોટું નુકસાન થવાની શક્યતા છે. આ અકસ્માત કેવી રીતે થયો અને કોની બેદરકારી જવાબદાર હતી તે અંગે રેલવે અધિકારીઓ સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છે.

રેલ્વે પ્રશાસને મુસાફરો અને સ્થાનિક લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને રેલ્વે દ્વારા જારી કરાયેલી સત્તાવાર માહિતી પર વિશ્વાસ કરવા અપીલ કરી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં ટ્રેક સંપૂર્ણપણે સાફ કરવામાં આવશે અને રેલ સેવા સામાન્ય કરવામાં આવશે.

કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું નિધન

અમદાવાદ: મહેસાણા જિલ્લાના કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું આજ રોજ નિધન થયું છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા. આજે સવારે 11 વાગ્યે તેમના નિવાસ સ્થાનથી તેમની અંતિમ યાત્રા નીકળશે. સવારે 10.30 વાગ્યા સુધી તેમના અંતિમ દર્શન કરી શકાશે.

કરશનભાઈ લાંબા સમયથી બીમાર હતા અને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં તેમની બ્લડ કેન્સરની સારવાર ચાલી રહી હતી. મોડી રાત્રે અઢી વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ વર્ષ 2017 અને 2022માં ભાજપની ટિકિટ પર ચૂંટણી જીત્યા હતા.

સરકારી બસમાં કરતાં મુસાફરી

નોંધનીય છે કે કરશનભાઈ પોતાના સરળ અને સૌમ્ય સ્વભાવના કારણે સમગ્ર વિસ્તારમાં જાણીતા હતા. તેઓ ઘણીવાર સરકારી બસમાં મુસાફરી કરતાં તો લોકોમાં ચર્ચાનો વિષય બની જતો હતો. ઘણી વખત તેમને મોંઘીદાટ ગાડીઓની ઑફર પણ આવી હતી જે તેમણે સ્વીકારી નહીં. તેમના સાદગીભર્યા જીવનના કારણે તેમને લોકચાહના મળી હતી.

કેનેડા-મેક્સિકો સામે ટ્રમ્પે ‘ટેરિફ વૉર’ એક મહિના સુધી ટાળ્યું

અમેરિકા: ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા સાથે મેક્સિકો પર 25 ટકા ટેરિફ લાદ્યો છે, જેના કારણે બંને દેશોમાં સ્થાનિક વ્યવસાયો માટે મોટી સમસ્યાઓ ઊભી થઈ છે. આ દરમિયાન, મેક્સિકોના રાષ્ટ્રપતિ શેનબૌમે કહ્યું કે, ‘મેં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરી છે અને તેઓ તાત્કાલિક અસરથી એક મહિના માટે મેક્સિકો પર ટેરિફ રોકવા સંમત થયા છે.’

મેક્સિકો સાથે શું સમજૂતી થઇ?

નોંધનીય છે કે, મેક્સિકોએ અમેરિકામાં ડ્રગ્સની દાણચોરી અટકાવવા માટે તાત્કાલિક 10,000 નેશનલ ગાર્ડ્સમેનને સરહદ પર તૈનાત કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જે પછી ટ્રમ્પ મેક્સિકો સામે એક મહિના સુધી ટેરિફ રોકવા સંમત થયા છે. રાષ્ટ્રપતિ શેનબૌમે કહ્યું કે, ‘હું અને ટ્રમ્પ સંવાદ ચાલુ રાખવા માટે સંમત થયા છે, પરંતુ હાલ અમારી વચ્ચે મુલાકાતનું કોઈ આયોજન કરવામાં આવ્યું નથી.’ બીજી તરફ, ટ્રમ્પે પણ મેક્સિકન રાષ્ટ્રપતિ સાથેના આ ટૂંકા ગાળાના કરારની પુષ્ટિ કરી અને કહ્યું કે, ‘ટેરિફ તાત્કાલિક અસરથી એક મહિના માટે બંધ કરી દેવામાં આવ્યો છે.’

જસ્ટિન ટ્રુડો સાથે પણ વાત કરી

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત બાદ જણાવ્યું હતું કે અમેરિકા દ્વારા કેનેડા પર લાદવામાં આવનાર ટેરિફ હાલ પૂરતો મુલતવી રાખવામાં આવ્યો છે. એક દિવસ પહેલા, અમેરિકાએ કેનેડા પર 25 ટકાનો જંગી ટેરિફ લાદ્યો હતો, જેનાથી વેપાર યુદ્ધનું જોખમ વધ્યું હતું. ટ્રુડોએ જણાવ્યું હતું કે ટ્રમ્પ દ્વારા ઉઠાવવામાં આવેલી સરહદી ચિંતાઓ પર ઓટ્ટાવા દ્વારા વધુ સહયોગનું વચન આપ્યા બાદ અને સરહદ સુરક્ષા પ્રયાસોને વેગ આપવા સંમત થયા બાદ યુએસ રાષ્ટ્રપતિ લગભગ 30 દિવસ માટે ટેરિફ સ્થગિત કરવા સંમત થયા હતા.

ટ્રમ્પનું વલણ કડક કેમ?

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ‘ટેરિફ વોર’ને ‘ડ્રગ વોર’ ગણાવ્યું હતું, તેમના જણાવ્યા મુજબ કેનેડા અને મેક્સિકોમાંથી અમેરિકામાં મોટી માત્રામાં ડ્રગ્સ સપ્લાય કરવામાં આવે છે. આના કારણે દર વર્ષે હજારો અમેરિકનો માર્યા જાય છે. ટ્રમ્પે મેક્સિકોની સાથે કેનેડા પર પણ 25 ટકા ટેરિફ લાદ્યો છે. આના જવાબમાં કેનેડાએ પણ અમેરિકન ઉત્પાદનો પર ભારે કર લાદવાની જાહેરાત કરી હતી.

ટ્રુડોએ ટ્રમ્પને જવાબ આપ્યો!

સોશિયલ મીડિયા પર કેનેડાના કાર્યકારી વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે,  ‘નોર્મેન્ડીથી લઇન કંદહાર સુધી, અમે દરેક સંઘર્ષમાં અમેરિકા સાથે લડ્યા છીએ અને બલિદાન આપ્યા છે. ઈરાની બંધક કટોકટી દરમિયાન 444 દિવસ સુધી, અમે અમારા દૂતાવાસમાંથી બંધકોને બચાવવા અને તમારા નિર્દોષ લોકો સુરક્ષિત રીતે ઘરે પહોંચી શકે તે સુનિશ્ચિત કરવા માટે દિવસ-રાત કામ કર્યું. માટે અમેરિકાએ અમારી સાથે ભાગીદારી કરવી જોઈએ, અમને સજા ન આપવી જોઈએ.’