Home Blog Page 1199

Union Budget 2025: NSE, સુઝલોન ગ્રુપની બજેટ પર પ્રતિક્રિયા

નવી દિલ્હી: નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આજે આઠમી વખત કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે. આ બજેટ પર ગરીબ-મધ્યમ વર્ગનાં લોકો માટે ફાયદાકારક છે. આના પર NSE, સુઝલોનના વાઇસ ચેરમેનનું શું કહેવું છે?

આશિષકુમાર ચૌહાણ, MD અને CEO, NSE 

આ બજેટ ભારતના વિકાસિત ગતિ પર મજબૂત વિકાસ પગલાં, સતત નાણાકીય સમજદારી, વધેલા મૂડી ખર્ચ અને ઘટાડાવાળા કરના બોજ પર આધારિત છે. રોજગાર, શિક્ષણ, આરોગ્ય સંભાળ, મહિલા સશક્તિકરણ પર સામાજિક કલ્યાણના અનેક પગલાં દ્વારા અને યુવાનો, ખેડૂતો, MSME અને સ્ટાર્ટઅપ્સને વિશેષ સમર્થન સાથે – બજેટ ભારતના સૌથી મહત્વપૂર્ણ સંસાધન – તેના લોકો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

પ્રો. ડૉ. CA સાવન ગોડિયાવાલા

વિકાસિત ભારતનો ધ્યેય પ્રાપ્ત કરવા તરફ આગળ વધતા,  નાણા મંત્રીએ મધ્યમ વર્ગ માટે કરવેરા બોનાન્ઝા, GST ટેરિફ અને TDS/TCS દરોને તર્કસંગત બનાવવા, સતત નાણાકીય સમજદારી, MSME અને સૂક્ષ્મ ઉદ્યોગો માટે રાહતો અને વીમા ક્ષેત્રને ખુલ્લું મૂકવા સાથે સકારાત્મક અને સમાવિષ્ટ બજેટનો પ્રસ્તાવ મૂક્યો છે.

ગિરીશ તંતી, વાઇસ ચેરમેન, સુઝલોન
“ભારત સરકારનું બજેટ મહત્વાકાંક્ષી ઉર્જા લક્ષ્યોને પ્રાપ્ત કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું લાગે છે. સ્વચ્છ ટેકનોલોજી, પવન, સૌર, EV અને બેટરી સ્ટોરેજ પર ધ્યાન કેન્દ્રિત કરીને, ઉત્પાદન અને કૃષિમાં આત્મનિર્ભર ભારતને મજબૂત બનાવીને, બજેટ પવન અને સૌર ઉત્પાદનમાં આત્મનિર્ભરતાને વેગ આપવાનો હેતુ ધરાવે છે.

આસિફ મલબારી, મુખ્ય નાણાકીય અધિકારી, ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિ.
“કેન્દ્રીય બજેટ 2025 ગ્રામીણ માળખાગત સુવિધાઓ, ઉત્પાદન અને ગ્રાહક ખર્ચને મજબૂત કરીને સંતુલિત અભિગમ અપનાવે છે – FMCG ક્ષેત્ર માટે ત્રણ મહત્વપૂર્ણ સ્તંભો. ગ્રામીણ વિકાસ અને રોજગાર સર્જનમાં રોકાણ આર્થિક પ્રવૃત્તિને વેગ આપશે અને વધુ વપરાશને વેગ આપશે, જેનાથી બજાર વિસ્તરણ માટે નવી તકો ખુલશે. મધ્યમ વર્ગને લાભ આપતા કર સુધારાઓ નિકાલજોગ આવકમાં વધારો કરશે, આવશ્યક અને મહત્વાકાંક્ષી FMCG શ્રેણીઓમાં માંગને વધુ વેગ આપશે. એકંદરે, બજેટ વધુ વપરાશ-આધારિત અર્થતંત્ર માટે મજબૂત પાયો નાખે છે, જે FMCG ઉદ્યોગ માટે નોંધપાત્ર વૃદ્ધિની તકો બનાવે છે.”

કોલ્ડપ્લે સિંગર ક્રિસ માર્ટિનનો સંગમમાં ડૂબકી લગાવતો વીડિયો વાયરલ

તાજેતરમાં કોલ્ડપ્લે બેન્ડે તેનો ભારત પ્રવાસ પૂર્ણ કર્યો છે, જે દરમિયાન બેન્ડે અમદાવાદ અને મુંબઈમાં કોન્સર્ટનું આયોજન કર્યું હતું. આ પછી બેન્ડના ફ્રન્ટમેન અને સિંગર ક્રિસ માર્ટિન અને તેની ગર્લફ્રેન્ડ ડાકોટા જોહ્ન્સન પ્રયાગરાજમાં મહાકુંભ પહોંચ્યા અને તેમણે પવિત્ર ગંગામાં સ્નાન કર્યું હતું. જેનો વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં ક્રિસ માર્ટિન અને ડાકોટા જોહ્ન્સન ગંગામાં ડૂબકી લગાવતા જોવા મળે છે. આ વીડિયો એક યુઝરે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કર્યો છે, જેમાં તમે જોઈ શકો છો કે ક્રિસ અને ડાકોટા આ યુઝરની ખૂબ નજીક જોવા મળે છે. આ પોસ્ટમાં યુઝરે લખ્યું,’મેં કોલ્ડપ્લે કોન્સર્ટને બદલે કુંભ પસંદ કર્યો અને મહાદેવની કૃપાથી ગાયક ક્રિસ માર્ટિન પોતે મારી પાસે આવ્યા.’

વાયરલ વીડિયોના કેપ્શનમાં યુઝરે લખ્યું,“જ્યારે તમે કોન્સર્ટમાં જઈ શકતા નથી, ત્યારે તેઓ પોતે તમારી પાસે આવે છે. કુંભમાં કોલ્ડપ્લેના ક્રિસે અને ડાકોટા સાથે સંગમમાં સ્નાન કર્યું. તેમણે બધી સંસ્કૃતિઓ અને પરંપરાઓનું પાલન કર્યું. શ્રદ્ધા સૌથી ઉપર છે, હર હર મહાદેવ!”

વાયરલ વીડિયો પર યુઝર્સે ઘણી પ્રતિક્રિયાઓ આપી છે, જેમાં એક યુઝરે લખ્યું છે કે ‘કોન્સર્ટ ફક્ત એક બહાનું હતું, કોલ્ડપ્લેને મહાકુંભમાં આવવું પડ્યું’ અને બીજા ઇન્સ્ટાગ્રામ યુઝરે લખ્યું છે કે ‘અહીં ઘણા લોકોને ખબર પણ નથી કે ડાકોટા જોહ્ન્સન કોણ છે.’

ડાકોટા અને ક્રિસ માર્ટિનની ભારત મુલાકાત

ભારતની મુલાકાત દરમિયાન ક્રિસ અને ડાકોટા જોહ્ન્સન મુંબઈના બાબુલનાથ મંદિરની મુલાકાત પણ લીધી હતી. પછી તેમણે ડાકોટા જોહ્ન્સન સોનાલી બેન્દ્રે અને ગાયત્રી જોશી સાથે સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લીધી હતી.

નાણાપ્રધાનનો બજેટમાં બે ઘરો પર ટેક્સ છૂટનો પ્રસ્તાવ  

અમદાવાદઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામન મધ્યમ વર્ગ માટે સમરકંદ બુખારા ઓવારી ગયા છે. તેમણે એક બાજુ ઇન્કમ ટેક્સમાં રૂ. 12 લાખ પર છૂટનું એલાન કર્યું છે, જ્યારે બીજી તરફ ખાનગી સંપત્તિવાળા લોલોને રાહત આપી છે. બજેટમાં એલાન મુજબ હવે ટેક્સપેયર્સે હવે બે ઘરો માટે ટેક્સમાં છૂટ માટે દાવો કરી શકે છે. પહેલાં એ માત્ર એક પ્રોપર્ટી માટે જ હતી.

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે કરદાતાઓ કોઈ પણ શરત વિના બે કબજાવાળી મિલકતોના વાર્ષિક મૂલ્ય પર કોઈ ટેક્સ ભરવાનો રહેશે નહીં. હાલમાં આવા કરદાતાઓ અમુક શરતોને આધીન કબજાવાળી મિલકતો પર ઝીરો વાર્ષિક ટેક્સનો દાવો કરી શકે છે. કરદાતાઓને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને આવી બે કબજાવાળી મિલકતોનો લાભ કોઈ પણ શરતો વિના લંબાવવાનો પ્રસ્તાવ છે.

સરકારે આવકવેરા કાયદાની કલમ 23ની પેટા કલમ બેમાં સંશોધન કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે, જેમાં રહેણાક સંપત્તિના વાર્ષિક મૂલ્ય પર લાગતા ટેક્સ સંબંધિત છે. બજેટમાં કહેવામાં આવ્યું છે કે કાયદાની પેટા કલમ (2)માં જોગવાઈ છે કે જો મકાનમાલિકી પોતાના ઘરનો ઉપયોગ રહેઠાણ માટે કરે અથવા રોજગાર, ધંધા કે વ્યવસાયને કારણે અન્ય સ્થળે મિલકત હોય, તેવા સંજોગોમાં આવા મકાનની મિલકતની વાર્ષિક કિંમત પર ઝીરો ટેક્સ હોવાનું માનવામાં આવે છે. બજેટમાં કહેવામાં આવ્યું છે કે પેટા કલમ (4)માં જોગવાઈ છે કે પેટા કલમ (2)ની જોગવાઈ માત્ર બે મકાન પર મલિકી ધરાવવાના સંબંધમાં લાગુ પડશે.

નાણાં મંત્રીએ બજેટમાં મકાનના ભાડા અંગે પણ મોટી જાહેરાત કરી છે. તેમણે વાર્ષિક ભાડા પર TDS કપાતની મર્યાદા 2.4 લાખથી વધારી છ લાખ રૂપિયાનો પ્રસ્તાવ રાખ્યો છે. તેમણે બજેટ ભાષણમાં કહ્યું કે હું TDS કપાતના દરો અને મર્યાદાઓને ઘટાડીને સ્ત્રોત પર કર કપાતને તર્કસંગત બનાવવાનો પ્રસ્તાવ મૂકું છું.

 

રાજ્યની વધુ 15 હોસ્પિટલ્સ પ્રધાન મંત્રી યોજનામાંથી સસ્પેન્ડ

અમદાવાદઃ ખ્યાતિ કાંડ પછી PMJAY યોજનાનો ખોટી રીતે લાભ લેતી હોસ્પિટલો સામે સરકાર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. આ યોજનાનો લાભ લેવામાં નિયમોની ઐસીતૈસી કરતી 15થી વધારે હોસ્પિટલને સસ્પેન્ડ કરરવામાં આવી છે. ખ્યાતિ કાંડ બાદ અત્યાર સુધીમાં 22 જેટલી હોસ્પિટલોને મા યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે.

અમદાવાદની શિફા હોસ્પિટલની મા યોજનામાંથી પિડિયાટ્રિક મેડિકલ મેનેજમેન્ટ એન્ડ નિયોનેટલ કેર સેવા રદ કરવામાં આવી છે. એન્ટી ફ્રોડ યુનિટની તપાસમાં કેટલીક બેદરકારી સામે આવતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રસૂતિ સારવારનાં નાણાંમાં ચેડાં, ક્લેઇમમાં છેડછાડ, ICUમાં જરૂરી સુવિધા કે સાધન સામગ્રીનો અભાવ સહિત વિવિધ ખામીને કારણે હોસ્પિટલો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આગામી દિવસોમાં એન્ટ્રી ફ્રોડ યુનિટની તપાસમાં વધુ કેટલીક હોસ્પિટલો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં નવ ડોક્ટરોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મા યોજનાના અધિકારી ડૉ. શૈલેશ આનંદની પોલીસે ધરપકડ કરી હતી, પરંતુ આ અધિકારીને હજુ સુધી સસ્પેન્ડ કરવામાં નથી આવ્યા.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર સારવારમાં બેદરકારી, પીએમજેવાયમાં ગેરરીતિ, સ્ટાન્ડર્ડ ઓફ પ્રોસિજરનું પાલન નહીં કરવું જેવા વિવિધ કારણો સામે આવતાં હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, આરોગ્ય વિભાગ  દ્વારા અત્યારસુધી કુલ 28 જેટલી  હોસ્પિટલને પીએમજેએવાયમાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે. આ ઉપરાંત સારવારમાં બેદરકારી સહિતના કારણે કેટલાક ડોક્ટરોને પણ સસ્પેન્ડ કરાયાની વિગતો સામે આવી છે.

જ્યારે જેકી શ્રોફે નવી અભિનેત્રી સાથે ઓડિશન આપ્યું, સુભાષ ઘાઈએ કહ્યું…

મુંબઈ: જેકી શ્રોફને બોલિવૂડમાં તેમના અભિનય માટે માત્ર પ્રશંસા જ મળતી નથી, પરંતુ દિગ્દર્શકો અને સહ-કલાકારો પણ તેમના સરળ સ્વભાવથી પ્રભાવિત થાય છે. જેકી શ્રોફના જન્મદિવસ પર દિગ્દર્શક સુભાષ ઘાઈએ કંઈક એવું શેર કર્યું જે અભિનેતાના અદ્ભુત સ્વભાવને દર્શાવે છે.

નવી નાયિકા સાથે ઓડિશન માટે સંમત થયા
સુભાષ ઘાઈએ તેમના ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર જેકી શ્રોફને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. ઉપરાંત, તેમને સૌથી દયાળુ વ્યક્તિ તરીકે વર્ણવવામાં આવ્યા છે. દિગ્દર્શક ઘાઈએ જેકી શ્રોફના જન્મદિવસ પર કરેલી પોસ્ટ સાથે એક લાંબું કેપ્શન પણ લખ્યું.આમાં તે લખે છે,’આ 1984 ની વાત છે, જેકી શ્રોફ એક મોટો સ્ટાર બની ગયો હતો. આમ છતાં, તે નવી નાયિકા સાથે ઓડિશન આપવા માટે સંમત થયો. તે ઝડપથી આવ્યો અને નવી નાયિકા સાથે ઓડિશન આપ્યું. તેમણે મને એમ પણ કહ્યું કે આ નવી અભિનેત્રી તમારી ખૂબ જ સારી શોધ છે.’

 

View this post on Instagram

 

A post shared by SG (@subhashghai1)


તે અભિનેત્રી કોણ હતી?
તે અભિનેત્રી કોણ હતી જેને જેકી શ્રોફે સુભાષ ઘાઈની શ્રેષ્ઠ શોધ કહી હતી? આ અભિનેત્રીએ પછીથી બોલિવૂડમાં ઘણી ખ્યાતિ મેળવી. તેણી જેકી શ્રોફ સાથે ઘણી ફિલ્મોમાં કામ પણ કર્યુ. આપણે અહીં જે અભિનેત્રી વિશે વાત કરી રહ્યા છીએ તેનું નામ માધુરી દીક્ષિત છે. હા, જેકી શ્રોફે માધુરી સાથે ઓડિશન આપ્યું હતું, જેનો ઉલ્લેખ સુભાષ ઘાઈ પોતાની પોસ્ટમાં કરી રહ્યા છે.

આ લોકોએ પણ જેકી શ્રોફને જન્મદિવસની શુભેચ્છા પાઠવી
સુભાષ ઘાઈ ઉપરાંત શિલ્પા શેટ્ટીએ પણ જેકી શ્રોફને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. શિલ્પા શેટ્ટીએ પણ ઇન્સ્ટાગ્રામ પર જેકી શ્રોફ માટે એક સંદેશ લખ્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે તે હંમેશા તેને પ્રેરણા આપે છે. કૃષ્ણા શ્રોફે પણ તેના પિતા જેકી શ્રોફને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.

બજેટમાં રેલવે માટે રૂ. 2.55 લાખ કરોડની ફાળવણી

નવી દિલ્હીઃ ભારતીય રેલવે વિશ્વનું ચોથું સૌથી મોટું નેટવર્ક છે. એને દેશની લાઇફલાઇન કહેવામાં આવે છે. નાણાં મંત્રીએ કેન્દ્રીય બજેટમાં રેલવે મંત્રાલય માટે રૂ. 2.55 લાખ કરોડની ફાળવણી કરી હતી, જેમાં આવકમાં રૂ. 3445.18 કરોડ અને કેપિટલ એક્સપેન્ડિચરમાં રૂ. 2.52 લાખ કરોડની ફાળવણી કરી હતી. જોકે બજેટમાં કોઈ મોટા એલાન નથી કરવામાં આવ્યા.

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં રેલવે માટે પણ મહત્વની જાહેરાત કરી છે. 2025ના બજેટમાં રેલવેના આધુનિકીકરણ અને વિકાસ માટે ઘણી મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત હેઠળ નવી રેલવે લાઇન અને નવી ટ્રેનોની જાહેરાત પણ કરવામાં આવી છે.

સરકારે રેલવે બજેટમાં ફાળવેલા આ મૂડીરોકાણ હેઠળ નવી રેલવે લાઈનો બનાવવામાં આવશે. જૂના ટ્રેકને અપગ્રેડ કરવામાં આવશે અને હાઇ-સ્પીડ રેલ નેટવર્કનો વિસ્તાર કરવામાં આવશે. હાલમાં ચાલુ વંદે ભારત ટ્રેનોના વધુ વિસ્તરણની સાથે 100 નવી વંદે ભારત ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ટ્રેનો મુખ્ય શહેરોને જોડશે અને મુસાફરોને આધુનિક સુવિધાઓ પ્રદાન કરશે. વધુમાં, રેલવેને 100 ટકા વિદ્યુતીકૃત અને ગ્રીન એનર્જી પર આધારિત બનાવવાનો પણ સંકલ્પ છે.

સરકારે ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (DFC)ના વિસ્તરણ માટે મોટા પાયે રોકાણની જાહેરાત કરી છે. આ રોકાણથી ભારતીય રેલવેને એક મુખ્ય લોજિસ્ટિક્સ હબ તરીકે વિકસાવવામાં મદદ મળશે, જેમાં નાના અને મધ્યમ વેપારીઓને ફાયદો થશે.

રેલવે સ્ટેશનોના સુધારા માટે 50 મુખ્ય સ્ટેશનોના આધુનિકીકરણ માટે યોજનાઓ તૈયાર કરવામાં આવી છે. આ યોજનાઓમાં ડિજિટલ ટિકિટિંગ, Wi-Fi, અને સેનિટેશન સુવિધાઓમાં સુધારો કરવાની કામગીરી પણ સામેલ છે.

કેન્સર સહિત 36 દવાઓ સસ્તી થશે, દર્દીઓ અને તેમના પરિવારો માટે મોટી રાહત

નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે સંસદમાં સામાન્ય બજેટ રજૂ કર્યું. કેન્દ્રીય નાણામંત્રીએ કેન્સર અને અન્ય ગંભીર રોગોની સારવારમાં વપરાતી જીવનરક્ષક દવાઓને કરમુક્ત કરવાની જાહેરાત કરી છે. આનાથી કેન્સર સહિત અન્ય ગંભીર રોગોની સારવાર સસ્તી થશે.

કેન્દ્ર સરકારે કેન્સર અને અન્ય ગંભીર રોગો માટે આપવામાં આવતી 36 જીવનરક્ષક દવાઓને કરમુક્ત કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત, 6 જીવનરક્ષક દવાઓ પર 5% કસ્ટમ ડ્યુટી વસૂલવામાં આવશે. સરકારનો આ પ્રસ્તાવ મોંઘી દવાઓ અને વધતા તબીબી ખર્ચને ધ્યાનમાં રાખીને છે. કેન્સરના દર્દીઓ અને તેમના પરિવારો લાંબા સમયથી સસ્તી દવાઓની માંગ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, સરકારના આ નિર્ણયને કારણે, કેન્સર અને અન્ય રોગોના દર્દીઓને હવે કરમુક્ત દવાઓ મળશે.

કેન્સર એક ખતરનાક અને જીવલેણ રોગ છે. તેની સારવાર પણ ખૂબ ખર્ચાળ છે. કેન્સરની સારવાર માટે વિવિધ પ્રકારની દવાઓ આપવામાં આવે છે. ચાલો જાણીએ કે કઈ દવાઓમાંથી કસ્ટમ ડ્યુટી સંપૂર્ણપણે દૂર કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

કેન્સરની દવાઓ કરમુક્ત હશે

કેન્સરની સારવારમાં કીમોથેરાપી અથવા ‘કીમો’ સૌથી વધુ ઉપયોગમાં લેવાતી દવા છે. હવે દર્દીઓને આ દવાઓ સસ્તા દરે મળશે. આ ઉપરાંત, ફેફસાં, સ્તન, અંડાશય અને બ્લડ કેન્સર સહિત તમામ કેન્સરની સારવારમાં વપરાતી દવાઓમાંથી પણ મૂળભૂત ફી દૂર કરવામાં આવશે.

આ દવાઓ સસ્તી થશે

સિસ્પ્લેટિન, ડોક્સોરુબિસિન, પેક્લિટેક્સેલ, પેમ્બ્રોલિઝુમાબ, ઇમાટિનિબ, ટ્રાસ્ટુઝુમાબ, ટેમોક્સિફેન, એન્ઝાલુટામાઇડ, નિવોલુમાબ સહિતની ઇમ્યુનોથેરાપી દવાઓ માટે મૂળભૂત શુલ્ક માફ કરવામાં આવશે.

કેન્સરની સારવાર મોંઘી છે

તમને જણાવી દઈએ કે ભારતમાં કેન્સરનો રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે. દર વર્ષે કેન્સરના દર્દીઓની સંખ્યા વધી રહી છે. આજે પણ તેની સારવાર સામાન્ય લોકોની પહોંચની બહાર છે. કારણ કે તેની સારવાર લાંબા સમય સુધી ચાલે છે. એવું કહેવાય છે કે જો પરિવારમાં કોઈને કેન્સર હોય, તો આખું પરિવાર નાણાકીય કેન્સર એટલે કે વધુ પડતા ખર્ચનો શિકાર બને છે. કેન્સરને નિયંત્રિત કરવા માટે ૧૫ થી ૨૦ લાખ રૂપિયાનો ખર્ચ થાય છે, છતાં કેન્સર મટી જશે તેની કોઈ ગેરંટી નથી. ઘણી વખત ઘણા પૈસા ખર્ચ્યા પછી પણ દર્દીનું મૃત્યુ થાય છે. આવી સ્થિતિમાં, સરકારે કેન્સરની દવાઓને કરમુક્ત કરીને સામાન્ય લોકોને મોટી રાહત આપી છે.

“બુલેટના ઘા પર બૅન્ડ-એઇડ!” વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ બજેટ પર કર્યો કટાક્ષ

કેન્દ્રિય બજેટ રજૂ થઈ ચૂક્યુ છે. નાણા મંત્રી નિર્માલા સિતારમણે આઠમી વખત બજેટ 2025 રજૂ કર્યુ છે. ત્યારે દેશમાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આ બજેટ લઈ અમિત શાહ સહિત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ બજેટનું સ્વાગત કર્યું છે. ત્યારે વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ બજેટને લઈ પ્રતિક્રિયા આપી છે.

વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા હેન્ડલ X પર પોસ્ટ કરી બજેટ સરકારને વિચાર વિમુક્ત રહી હોવાની વાત કરી છે. તેમને પોસ્ટમાં લખ્યું છે કે બુલેટના ઘા પર બ્ડેડ લગાડવાનો પ્રયત્ન કર્યો છે સરકારે,  વધુમાં તેમણે લખ્યું કે “વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે, આપણા આર્થિક સંકટને ઉકેલવા માટે એક આદર્શ પરિવર્તનની જરૂર હતી. પરંતુ સરકાર વિચારોની બેન્કરૂપ્ટ છે.

તો બીજી બાજું કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકા અર્જૂન ખડગેએ સરકાર પર કટાક્ષ કરતા પોસ્ટ કરી કે “આ બજેટમાં એક કહેવત એકદમ યોગ્ય છે – નવસો ઉંદરો ખાધા પછી, બિલાડી હજ પર ગઈ!” ઉલ્લેખનીય છે કે, નાણાપ્રધાને બજેટમાં મધ્યમ વર્ગને મોટી રાહત આપી છે. બજેટમાં જાહેરાત કરી છે કે હવે રૂ. 12 લાખ સીધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. આ સાથે તેમણે ટેક્સ સ્લેબમાં પણ સુધારા કર્યા છે. નાણાપ્રધાન નિર્મલા સીતારામને બજેટના પ્રારંભમાં ખેડૂતોની આવક વધારવા પર ભાર મૂકવા સાથે નેક મોટી યોજનાઓનું એલાન કર્યું હતું. જેમાં PM ધનધાન્ય યોજના વિસ્તરણ અને બિહારમાં ખેડૂતો  માટે મખાના બોર્ડની રચના કરવાની જાહેરાત કરી હતી.

KBCમાં યુટ્યુબરે અમિતાભ બચ્ચન પાસે પોતાની મિલકતમાં હિસ્સો માંગ્યો

મુંબઈ: અમિતાભ બચ્ચનના લોકપ્રિય ક્વિઝ રિયાલિટી શોએ 25 વર્ષ પૂર્ણ કર્યા છે. આ દિવસોમાં, બિગ બી આ શોની 25મી સીઝન હોસ્ટ કરી રહ્યા છે. શોના આગામી એપિસોડમાં 4 ખાસ મહેમાનો હશે, જે બિગ બી સાથે ખૂબ મસ્તી કરતા જોવા મળશે. અમિતાભ બચ્ચનના શોમાં પ્રખ્યાત યુટ્યુબર્સ સમય રૈના, તન્મય ભટ, ભુવન બામ અને કામિયા જાની જોવા મળશે, જેનો પ્રોમો તાજેતરમાં નિર્માતાઓ દ્વારા રિલીઝ કરવામાં આવ્યો છે. અહીં એક યુટ્યુબર બિગ બી પાસે તેમની મિલકતમાં હિસ્સો માંગતો જોવા મળ્યો અને તેમની ફિલ્મની મજાક પણ ઉડાવી.

KBC માં સમય રૈના, ભુવન બામ અને તન્મય ભટ

વીડિયોમાં, સમય રૈના અને તન્મય ભટ અમિતાભ બચ્ચન સાથે હોટ સીટ પર જોવા મળે છે. અમિતાભ બચ્ચન સાથે તેમની ફિલ્મ ‘સૂર્યવંશમ’ વિશે વાત કરતી વખતે સમય કહે છે- ‘સાહેબ, મેં તમારી પહેલી ફિલ્મ ‘સૂર્યવંશમ’ જોઈ. મેં તમારી બીજી ફિલ્મ પણ સૂર્યવંશમ જોઈ મેં તમારી ત્રીજી ફિલ્મ પણ એ જ ફિલ્મ જોઈ. કારણ કે સેટ મેક્સ પર ફક્ત તે જ ફિલ્મ બતાવવામાં આવી હતી. તો સાહેબ, જ્યારે તમને ખબર હતી કે ખીરમાં ઝેર છે તો તમે ફરીથી કેમ ખાધું? સમયની આ વાત સાંભળીને બિગ બી જોરથી હસી પડે છે.

આ પછી બિગ બી સમયની સામે તેમની ફિલ્મ ‘શહેનશાહ’ નો પ્રખ્યાત ડાયલોગ બોલે છે. તે કહે છે, ‘ રિશ્તે મેં તો હમ તુમ્હારે બાપ લગતે હૈ, નામ હૈ શહેનશાહ.’ આ સાંભળીને, સમય બિગ બી પાસે તેની મિલકતમાં હિસ્સો માંગવાનું શરૂ કરે છે. તે કહે છે – ‘સર, હવે તમે મને તમારા પુત્ર તરીકે સ્વીકાર્યો જ છે તો મિલકતમાં થોડો હિસ્સો પણ મળી જાય’ સમયની આ વાત સાંભળીને અમિતાભ બચ્ચન ફરી એકવાર હસ્યા અને હાસ્ય કલાકાર સામે હાથ જોડી દીધા.

સમય આગળ કહે છે ,’સર, હું તમારો બંગલો ઘણી વાર જોઉં છું, પણ બહારથી. મેં એક વાર અંદર જવાનો પ્રયાસ કર્યો પણ મને ખૂબ જ માર પડ્યો. તેમણે મને જ નહીં, મારા દાદીને પણ માર માર્યો સમય રૈનાના શબ્દો સાંભળ્યા પછી બધા જોરથી હસવા લાગે છે.

KBC માં કલાકારોનો સમૂહ

કૌન બનેગા કરોડપતિ એપિસોડનો આ પ્રોમો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે, જેમાં બિગ બી યુટ્યુબર્સ સાથે મજાક કરતા જોઈ શકાય છે. આ પહેલા સમયે ઇન્સ્ટાગ્રામ પર બિગ બી સાથેની કેટલીક તસવીરો શેર કરી હતી અને પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

સિમ્પ્લિફાય! ઍમ્પ્લિફાય!

થોડા સમય પૂર્વે નીલ અને હેતાને ત્યાં ગયાં હતાં. એટલે કે, અમારો મોટો દીકરો અને પુત્રવધૂ. અમારા ઘરના બાળકોએ અને અમે એક નિયમ બનાવ્યો છે. લગ્ન થાય એટલે બાળકોએ અલગ રહેવાનું. તમે તમારું જીવન એન્જોય કરો અને અમે અમારું. બાકી આપણે છીએ એકબીજા માટે. નીલ અલગ રહેવા ગયો ત્યારે ભારતીય માતા- પિતા હોવાથી ગિલ્ટ મહેસૂસ થતું હતું. તે ગિલ્ટમાં અમારા મોટા પુત્ર રાજને પૂછ્યું, ‘તને શું લાગે છે કે જોડે રહેવું જોઈએ કે અલગ?’ તેનો સ્પષ્ટ શબ્દમાં એક વાક્યમાં ઉત્તર હતો, ‘મમ, સાથે રહેવું નથી.’ હવે આ નિર્ણય લઈને ત્રણ વર્ષ થયાં અને આ નિર્ણય બહુ સારો લીધો એ અમે બધાં માની ગયાં. એક નિર્ણયથી જીવન સુખી થયું. સમય જ ક્યાં છે ‘તું આવું શા માટે બોલી’ અને ‘તેણે આવું કેમ કર્યું આવી બાબતો પર માથાકૂટ કરવી જ નથી. જે જીવન છે તે ખુશીમાં જીવીએ. જેટલી બાબત સરળ કરી શકાય તેટલી કરીએ. આ નિર્ણયને લીધે વ્યર્થ ખટપટ કરવામાં ખર્ચ થતો સમય અને શક્તિ બચી ગયાં, જે અમે બધા સારા કામ માટે વાપરી શકાયાં. જો કે, તે સમયે નીલ હેતાની મુલાકાતમાં બહુ ગપ્પાં માર્યાં પછી હેતાએ કહ્યું, ‘મોમ યુ મસ્ટ સી ધિસ, વી ઓર્ગેનાઈઝ્ડ રિમોટ્સ. બેડરૂમમાં ટીવીનું રિમોટ, સાઉન્ડ સિસ્ટમનું રિમોટ, એપ્પલ રિમોટ મારી બાજુમાં રાખવું કે નીલની બાજુમાં તેવો પ્રશ્ન કાયમ રહેતો. ક્યારેક મ્યુઝિક લગાવવાનું મન થાય તો રિમોટ બીજી બાજુમાં હોય છે. તેની પર સોલ્યુશન કાઢવાનું નક્કી કર્યું અને અમે બધાં રિમોટ બેડની વચ્ચે લગાવ્યાં. એમેઝોન પર અમને આ સોલ્યુશન મળ્યું.’ વાહ! ક્યા બાત હૈ! તેમને બતાવ્યું નહીં પણ મનમાં હું બહુ ખુશ થઈ. એકબીજાની સહાયથી અને સંમતિથી જીવનમાં નાની નાની બાબતો પર સોલ્યુશન્સ લાવવાની આદત બહુ સારી છે. આ નાનાં નાનાં સોલ્યુશન્સ મોટી ખુશી મેળવી આપે છે.બિનજરૂરી બાબતોમાં નાહકનો ખર્ચ થતો સમય બચાવવા માટે અને તે જ સમય સારા કામમાં લગાવવા માટે લોકોએ શું-શું કર્યું છે. અલ્બર્ટ આઈનસ્ટાઈન કાયમ એક જ રંગનાં, એક જ પ્રકારનાં કપડાં પહેરતા. તેમનો પ્રશ્ન હતો કે, વ્હાય મેક ઈટ કોમ્પ્લિકેટેડ? ગ્રે કલરનો સૂટ, લેધર જેકેટ, પગમાં સોક્સ વિના શૂઝ, આ પોશાક તેમણે જીવનભર પોતાનો બનાવ્યો અને કયાં કપડાં પહેરવાં જોઈએ તે સ્ટ્રેસમાંથી તેઓ મુક્ત રહ્યા. અટલે કે તેમની પાસે એક જ પ્રકારનાં કપડાંના અનેક સેટ્સ હતા. સ્ટીવ જોબ્જે એપ્પલનો લોગો ધરાવતું કાળું ટર્ટલ નેક ટી-શર્ટ અને બ્લુ જીન્સ સ્ટાઈલ ઈસે મિયાકે નામે જાપાની ફેશન ડિઝાઈનર પાસેથી બનાવડાવી લીધી હતી. તેમનું કહેવું હતું, `આજે કયાં કપડાં પહેરવાનાં? આ ડિસીઝનમાં વેડફાતો સમય મેં બચાવ્યો. તે સમય અન્ય બાબતોમાં કામે લગાવ્યો અને ડિસિઝન ફટિગમાંથી પોતાનો છુટકારો કર્યો. આપણે જાણીએ છીએ કે સ્ટીવ જોબ્જનો આ ડ્રેસ દુનિયાભરમાં પોપ્યુલર થયો, આઈકોનિક બન્યો. ફેસબુક કે મેટાના ફાઉન્ડર માર્ક ઝકરબર્ગે સ્ટીવ જોબ્જના પગલે પગલાં માંડ્યાં. તેમણે પણ ગ્રે ટી-શર્ટ જીન્સ અને સ્નિકર્સ એમ ત્રણ બાબતો નજીક કરી. તેમનો આ ડ્રેસ ઈટાલિયન ડિઝાઈનર બ્રુનેલ્લો કુચિનેલીએ બનાવ્યો. માર્ક ઝકરબર્ગના કહેવા અનુસાર એક જ ડ્રેસ પહેરવાનું કારણ આપણી શક્તિ અન્ય મહત્ત્વનાં કામો પર કેન્દ્રિત કરી શકાય છે. આ લોકોએ આ ડ્રેસીસ ડિઝાઈનર પાસેથી બનાવડાવી લીધા. કારણ કે તેઓ કોઈ તેની કોપી કરે નહીં એવું ચાહતા હતા. એપ્પલના હાલના CEO ટિમ કૂક દરરોજ ચિકન રાઈસ સેલાડ ખાય છે એવું કહેવાય છે. તેમનું પણ તે જ કહેવું છે, સિલેકશન કરવામાં આટલો સમય શા માટે વેડફવો જોઈએ. આ દિગ્ગજો કેટલો ઊંડો વિચાર કરે છે. સમય બચાવે છે. સ્ટ્રેસ ઓછો કરવાનો પ્રયાસ કરે છે. આપણે પણ આવા વેડફાતા સમય વિશે આત્મપરીક્ષણ કરવું જોઈએ.

થોડા સમય પૂર્વે USA અને જાપાનની ટુરમાં મેં કપડાંનું બહુ શોપિંગ કર્યું. એટલે કે, ઈફ ગિવન અ ચાન્સ આય એમ અ કમ્પ્લીટ શોપોહોલિક. જાપાનથી ઘરે આવી અને ગિલ્ટમાં ડૂબી કે આપણે આટલું શોપિંગ કર્યું? જરૂર તો નહોતી, તો પછી ક્યાંક સસ્તું હતું તેથી, ક્યાંક સ્ટાઈલ તરીકે તો ક્યાંક જસ્ટ ગમ્યું તેથી જરૂર નહીં હોવા છતાં આટલું શોપિંગ? હવે થઈ ગયું તે થઈ ગયું. યુ.એસ.એ. અને જાપાનમાં જઈને કપડાં તો પરત કરી શકાશે નહીં. તો પછી પ્રાયશ્ચિત્ત શું કરવું આ અવિચારી કૃતિનું, બિનજરૂરી શોપિંગનું? તે પછી નક્કી કર્યું કે આગામી અઢી વર્ષ સુધી કપડાંનું શોપિંગ કરવાનું નહીં. સુધીરના મતે આ આવો અતિશયોક્તિભર્યો નિર્ણય લેવા કરતાં દરેક વખતે વિચારપૂર્વક નિર્ણય લેવાની આદત પાડો. જો કે તેને ક્યારેક મને સંભળાવવાનો ચાન્સ મળે છે. આ નિર્ણય લીધા પછી મારું મોલમાં દિશાહીન ભટકવાનું સ્ટ્રેસ ખતમ થયું. શોપિંગની એન્ક્ઝાઈટી ખતમ. આથી પ્રવાસ અર્થપૂર્ણ બન્યો. શોપિંગની બાબતમાં આમ જોવા જઈએ તો આ છેવટનો નિર્ણય લેવા માટે અમારો રાજ કારણભૂત ઠર્યો. હું અને સુનિલા યુ.એસ.એ.માં શોપિંગ કરતી વખતે કહેતાં, ‘અરે તું લે ને તારા માટે કાંઈક.’ તે જવાબ આપતો, ‘મને કશું જોઈતું નથી. આય ડોન્ટ નીડ ઈટ!’ ‘અરે સારી કાર લે તારા માટે.’ પણ જોબમાં જોડાયો નહીં ત્યાં સુધી તેણે કાર લીધી નહીં. જોબ શરૂ થયા પછી એક સાદી કાર લીધી, જેની લોન પોતાના પગારમાંથી ભરી શકાય. ‘રાજ તને પૈસા જોઈએ?’ ‘નહીં મમ હું હવે જોબ કરું છું.’ હાલમાં અમને નવો જ સ્ટ્રેસ છે, બાળકો પૈસા માગે છે તેનો નહીં પણ બાળકો પૈસા માગતા નથી તેનો. રાજનું કહેવું હતું, ‘આય ડોન્ટ વોન્ટ થિંગ્ઝ અનનેસેસરીલી.’ શેર્ડ એપાર્ટમેન્ટમાં તેના રૂમમાં સૂવા બેડ, કામ કરવા ડેસ્ક અને સામે ટીવી. બસ આટલું જ. કશું પણ એક્સ્ટ્રા લાવવાનું નહીં. આજકાલ બાળકો આપણને શીખવે છે અને તે સારું પણ છે. તે શીખમાંથી જ હોઈ શકે અથવા આઈનસ્ટાઈન ઈન્સ્પિરેશન હોઈ શકે, અમારી કાર લેવાનો કિસ્સો યાદ આવ્યો.

અગાઉની કાર દસ વર્ષ જૂની થઈ તેથી હવે નવી કાર લઈએ. આ કારના મેઈનટેનન્સમાં જ વધુ પૈસા ખર્ચ થઈ રહ્યા છે તેથી શોરૂમમાં ગયાં અને અડધો કલાકમાં તે જ રંગની તેવી જ કાર ફક્ત નેક્સ્ટ વર્ઝન બુક કરીને બહાર નીકળ્યાં. દસ શોરૂમ્સ ભટકો, ઓનલાઈન પર કારના રિવ્યુઝ અને પોડકાસ્ટ જોવા કલાકો વિતાવો, તેમાંથી અમારો છુટકારો થયો હતો.બિનજરૂરી બાબતોથી ભરેલું ઘર સાફ કરવામાં, અમેરિકન માણસોનું ‘સેલને નામે લાગેલું ગાંડપણ દૂર કરવા અને ‘પ્રોબ્લેમ ઓફ પ્લેન્ટી’ઉકેલવા મારી કોંડો અને તેના જેવા અનેક લોકોએ પોતાને કરોડપતિ બનાવ્યા. અમેરિકન્સ આ મેડનેસમાંથી બહાર આવશે કદાચ પણ આપણે ભારતીયો ઓનલાઈનના નવા સમુદ્રમાં ડૂબકીઓ લગાવવા માંડ્યા છીએ. રોજ આપણાં મોટા ભાગનાં ઘરોમાં ઓનલાઈન શોપિંગનાં કેટલાં બોક્સીસ આવે છે તેનું પરીક્ષણ કરવું જોઈએ. ખરેખર આટલી બાબતો આપણને જોઈએ? અગાઉ આપણે ક્યાં આટલી વસ્તુઓ બજારમાંથી લઈ આવતા? કોવિડમાં આપણા બધાને જ ઓનલાઈન શોપિંગનું ગાંડપણ લાગ્યું હતું. અમારા ઘરમાં આવતી વસ્તુઓ જોઈને એક દિવસ અમને જ નૉશિયા થયો. આ ક્યાંક અટકવું જોઈએ. આ પછી નક્કી કર્યું. જેને વસ્તુ મગાવવી છે તેણે તે ઓનલાઈન શોપિંગના કાર્ટમાં નાખવાની, બીજાએ તે ચેક કરવાની અને ત્રીજાએ પૈસા ભરતી વખતે રિ-ચેક કરવાનું. ડુ વી રિયલી નીડ ધિસ? આના સિવાય ચલાવી શકીએ કે આપણે? આ પ્રશ્ન પોતાને પૂછવાનો અને બધાનો એકમત થાય તો જ તે વસ્તુ લેવાની. તે બોક્સીસનો કચરો વાતાવરણને જેટલી હાનિ પહોંચાડે છે તે ઓછી કરવામાં અમે યોગદાન આપ્યું. અમારા ઘરમાંથી બહાર જનારા કચરાનું પ્રમાણ ઓછું કર્યું.

મારી ફુઈ કમલ સાવે બોર્ડીમાં રહેતી. તેની પાસે હું આઠમું- નવમું ધોરણ એમ બે વર્ષ ભણી. તે સમયે ત્યાંના આસપાસના આદિવાસીઓના ગામમાં જવા મળતું. તેમનાં ઘર આજે પણ જેમનાં તેમ નજર સામે છે. નાનાં લીંપણ કરેલાં ઘર. પાટિયાં પર રચાયેલાં ગણતરીનાં વાસણો, એક સાઈડમાં પાતળા બિછાના અને સતરંજી અથવા ચટાઈ, લીંપણ કરેલી દીવાલો પર અથવા કુડા પર સુંદર વાર્લી પેઈન્ટિંગ્સ. આ આનંદિત ઘર બતાવી આપતું કે સુખી સંતુષ્ટ કુટુંબને બહુ ઓછી બાબતોની જરૂર હોય છે. આપણે ઘરમાં સતત સામાન વધારતા રહીએ છીએ અને પછી સ્ટ્રેસ વધે છે.

હાલમાં મને ઘરમાં સ્ટ્રેસ છે અનેક રિમોટ્સનો. છતાં સારું છે કે અમે બહુ ઓટોમેશન કર્યું નથી. અન્યથા લાઈટનું રિમોટ, પંખાનું રિમોટ, ટીવીનું રિમોટ, સ્પીકર્સનું રિમોટ એવી જંજાળમાં પડદાના, કાચના, બારીઓના રિમોટ વધ્યા હોત. પહેલાંનાં ઘરો સારાં હતાં. બટન દબાવો એટલે ફેન શરૂ, ઘરમાં આવ્યા પછી એક ટ્યુબલાઈટ લગાવતાં આખું ઘર ઊજળી ઊઠતું. હવે આપણે ઘણા દીવા લગાવીએ છતાં આપણને જોઈએ તેવો ઉજાશ મળતો નથી. વસ્તુઓને લીધે આ રીતે સ્ટ્રેસ વધે છે. ક્યારેક ક્યારેક એવું લાગે છે કે અરે આવા બધાનો સ્ટ્રેસવાળા નિર્ણયો લેવાના પણ પછી જીવન એકદમ નીરસ થઈ જશે ને. ઓવરસિમ્પ્લિફિકેશન પણ ત્રાસદાયક જ હોય છે. સો આ ‘ટુ બી ઓર નોટ ટુ બી’ની લડાઈ ચાલુ રહેશે જ પણ એટલીસ્ટ શું સારું અને શું સારું નથી તેનું ભાન થઈ રહ્યું છે તે મહત્ત્વની વાત છે. નવું વર્ષ શરૂ થયું છે, શક્ય તેટલા વિચારપૂર્વક નિર્ણય લઈએ. બાબતોને થોડી આસાન કરીએ. મન પરથી બિનજરૂરી તાણ ઓછો કરીએ. નવી બાબતો શીખીએ, હોબીઝ માટે સમય કાઢીએ. જીવન રસરસીને જીવીએ. લેટ્સ સિમ્પ્લિફાય થિંગ્સ એન્ડ એમ્પ્લિફાય ધ હેપ્પીનેસ ઈન લાઈફ!

અરાઉન્ડ દ વર્લ્ડ

(વીણા પાટીલ)

veena@veenaworld.com