Home Blog Page 1202

‘સત્યા’ માં ‘ગોલી માર ભેજે મેં’ ગીત આખરે રાખવામાં આવ્યું

નિર્દેશક રામગોપાલ વર્માની ફિલ્મ ‘સત્યા’ (૧૯૮૮) ના ગુલઝારે લખેલા ‘કલ્લુ મામા’ ગીતની બહુ ચર્ચા રહી હતી. વર્મા પહેલાં સંગીતકાર વિશાલ ભારદ્વાજે લખેલું ગીત લેવા માંગતા હતા પણ છેલ્લે ગુલઝારનું જ લેવામાં આવ્યું હતું. વિશાલે એક મુલાકાતમાં આ ગીતના રસપ્રદ કિસ્સા સાથે જણાવ્યું હતું કે ‘સત્યા’ માં બહુ હિંસા હોવાથી વર્માએ સોફ્ટ મ્યુઝીક તૈયાર કરવા કહ્યું હતું. જ્યારે ‘ગોલી માર ભેજે મેં’ ગીતનું સંગીત તૈયાર કર્યું ત્યારે વિશાલે એના માટે ડમી શબ્દો લખ્યા હતા. દરેક ગીત વખતે ગીતકારને મીટર બતાવવા આમ કરવામાં આવતું હોય છે. વિશાલ કવિતામાં રસ ધરાવતા હોવાથી ફાલતૂ ડમી શબ્દોનો ઉપયોગ કરતા નથી. એમનું માનવું છે કે ડમી ગીતમાં પણ કોઈ અર્થ નીકળવો જોઈએ. એટલે ડમી મુખડું ‘જબ તલક રહેંગે ગમ, તબ તલક પીએંગે હમ, તો ગમ કે નીચે બમ લગાકે ગમ ઉડા દે માર ગોલી, દર્દ કે દમ ઉડા દે, મામા, કલ્લુ મામા’ લખ્યું.

ફિલ્મમાં સૌરભ શુક્લાનું નામ ‘કલ્લુ મામા’ હતું. ગીતકાર ગુલઝારને જ્યારે ડમી ગીત સાથેની ધૂન સંભળાવવામાં આવી ત્યારે એમણે કહ્યું કે ધૂન સરસ છે પણ આ ગીત બકવાસ છે. તેથી વિશાલને થયું કે તેઓ અનુભવી હોવાથી સાચું જ કહી રહ્યા છે. તેથી કહ્યું કે મેં તો ડમી ગીત જ લખ્યું છે તમે તમારું ગીત લખી આપો. ગુલઝારે ગીત લખીને આપ્યું પણ રામગોપાલ વર્મા અને લેખક અનુરાગ કશ્યપને પસંદ ના આવ્યું. બીજી વખત લખ્યું ત્યારે એમણે કહ્યું કે ગીતમાં મજા આવી રહી નથી. ગુલઝારે ત્રીજી વખત ગીત લખ્યું એ પણ બધાને ના ગમ્યું. હવે પ્રશ્ન એ થયો કે એમને આ વાત કહેશે કોણ? વર્માએ અનુરાગને કહ્યું કે તારે જ એમને કહેવું પડશે.

ગુલઝારે ત્રીજું ગીત લખ્યું એ પછી એક બેઠક યોજાઇ. એમાં વર્માએ તો કહ્યું કે સારું છે પણ અનુરાગે કહ્યું કે આ ગીત કરતાં વિશાલનું ‘ગમ કે નીચે બમ લગાકે ગમ ઉડા દે’ મુખડું વધારે સારું છે. ત્યારે ગુલઝારે અનુરાગને કહ્યું કે પહેલાં ‘ગમ’ શબ્દ બોલતા તો શીખી લે. ‘ઘમ’ નહીં ‘ગમ’ બોલવાનું હોય છે. બધાની સ્થિતિ કાપો તો લોહી ના નીકળે એવી થઈ ગઈ. એ બેઠક પછી વર્માએ એ ગીત સ્વીકાર્યું નહીં અને વિશાલને કહ્યું કે હું તારા શબ્દો સાથે ગીતનું રેકોર્ડિંગ કરવા માંગું છું. ગુલઝારનું ગીત હું ફિલ્માવવા માગતો નથી. વિશાલે કહ્યું કે નિર્દેશક તરીકે તારો હક છે કે પસંદ આવે એ રાખી શકે છે. પણ આ વાતની જાણ ગુલઝારને કરવી પડશે.

વર્માએ કહ્યું કે મને ઈચ્છા થશે ત્યારે એમને જણાવીશ તું ગીતનું રેકોર્ડિંગ કરી લે. વિશાલે કહ્યું કે તમારે એમને જણાવવું જ પડશે. એ સિવાય હું રેકોર્ડ નહીં જ કરું અને એ ના પાડશે નહીં. વર્માએ ફરી ચોખ્ખી ના પાડી દીધી એટલે વિશાલે કહી દીધું કે હું રેકોર્ડિંગ કરીશ નહીં. વર્માએ કહ્યું કે હું ગુલઝારના ગીતનું શુટિંગ કરીશ નહીં અને હવે પછી આપણે આગળ કામ કરીશું નહીં. વિશાલે ગુલઝારના જ ‘ગોલી માર ભેજે મેં’ શબ્દો સાથે ગીતનું રેકોર્ડિંગ કરી લીધું હતું. એક દિવસ ફિલ્મનું શુટિંગ વહેલું પૂરું થઈ ગયું ત્યારે મનોજ વાજપેઈએ વર્માને કહ્યું કે આપણી પાસે આજે સમય છે તો પેલા ગીતનું શુટિંગ કરી લઈએ. જો પસંદ ના આવે તો રાખવાનું નહીં. ગીતનું શુટિંગ થયા પછી વર્માને થયું કે ઠીક લાગી રહ્યું છે એટલે ફિલ્મમાં રાખી લઈશું. ‘સત્યા’ માં ‘ગોલી માર ભેજે મેં’ (કલ્લુ મામા) ગીતને બહુ પસંદ કરવામાં આવ્યું પણ રામગોપાલ વર્મા હંમેશા એમ જ કહેતા રહ્યા છે કે એ ગીત એમને પસંદ નથી.

પંચાંગ 01/02/2025

જ્યારે અન્ડરવર્લ્ડ ડૉન તરફથી પ્રીતિ ઝિન્ટને મળી હતી ધમકી

મુંબઈ: અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાનો આજે 49મો જન્મદિવસ છે. પ્રીતિ ઝિન્ટાએ પોતાની કારકિર્દીમાં ઘણી હિટ ફિલ્મો આપી છે અને ઘણા પુરસ્કારો પણ જીત્યા છે. પ્રીતિ ઝિન્ટાએ પોતાની કારકિર્દીમાં હિન્દી ફિલ્મોના લગભગ તમામ મોટા કલાકારો સાથે કામ કર્યું હતું, પરંતુ તેમની સૌથી વધુ ઓન-સ્ક્રીન જોડી સલમાન ખાન સાથે હતી. આજે પ્રીતિના જન્મદિવસ પર, અમે તમને તેની સાથે જોડાયેલી એક વાત કહીએ.

જ્યારે અભિનેત્રીને અંડરવર્લ્ડ તરફથી ધમકીઓ મળી
અંડરવર્લ્ડ ડોન છોટા શકીલના પૈસા ચોરી ચોરી ચુપકે ચુપકે ફિલ્મમાં રોકવામાં આવ્યા હતા, જ્યારે ભરત શાહનું નામ કાગળો પર દર્શાવવામાં આવ્યું હતું. તેમાં અભિનેત્રીઓ પ્રીતિ ઝિન્ટા, રાની મુખર્જી અને અભિનેતા સલમાન ખાન મુખ્ય ભૂમિકામાં હતા. જ્યારે પોલીસને આ વાતની જાણ થઈ, ત્યારે તેમણે ‘ચોરી ચોરી ચુપકે ચુપકે’ ના બધા પ્રિન્ટ સીલ કરી દીધા. આ સમય દરમિયાન શાહરૂખ ખાન, પ્રીતિ ઝિન્ટા અને રાની મુખર્જીને પણ ધમકીભર્યા ફોન આવી રહ્યા હતા અને તેમની પાસેથી 50લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી રહી હતી.

અભિનેત્રીએ કોર્ટમાં નિવેદન આપ્યું
બધાએ ધમકીઓ મળી રહી હોવાની ફરિયાદ સાથે પોલીસનો સંપર્ક કર્યો, પરંતુ જ્યારે પોલીસે તેમને કોર્ટમાં આ કહેવાનું કહ્યું, ત્યારે બધાએ પીછેહઠ કરી, પરંતુ પ્રીતિએ ના પાડી. તેમણે કોર્ટમાં જઈને અંડરવર્લ્ડ વિરુદ્ધ નિવેદન આપ્યું. આ મામલો અંડરવર્લ્ડ સાથે સંબંધિત હોવાથી, પ્રીતિ ઝિન્ટાનું નિવેદન કેમેરામાં રેકોર્ડ કરવામાં આવ્યું હતું.

ધમકીઓથી પરેશાન હતી અભિનેત્રી
આ નિવેદનના આધારે, ભરત શાહની ધરપકડ કરવામાં આવી હતી અને નિર્માતા નાઝિત રિઝવીને પણ આ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. અભિનેત્રીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે હું ખૂબ જ ડરી ગઈ હતી અને ચિંતિત હતી અને ફિલ્મના નિર્માતા નાઝીમ રિઝવીને મળી હતી. તેણે મને કહ્યું કે બધું સારું થઈ જશે અને મને તેનો ફોન નંબર આપ્યો અને કહ્યું કે જો મને વધુ કોઈ સમસ્યા હોય તો તેને ફોન કરું.

દેવભૂમિ દ્વારકા અને જામનગરના 42 ટાપુઓમાં પોલીસનું મેગા ઓપરેશન

દ્વારકા: થોડા દિવસો પહેલા દેશની સુરક્ષાને લઈ દેવભૂમિ દ્વારકા અને જામનગરના સહિત આસપાસના ટાપુમાં મેગા ડિમોલેશનન અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જે બાદ હવે દેવભૂમિ દ્વારકાના ટાપુઓમાં પોલીસનું મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જામનગર, દ્વારકાના 42 ટાપુઓમાં પોલીસની મેગા ડ્રાઇવ શરૂ કરાઇ છે. અનઅધિકૃત બાંધકામ અને અજાણ્યા વ્યક્તિઓના પ્રવેશને લઇને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

સૂત્રો પાસેથી મળતી જાણકારી પ્રમાણે દેશના પ્રતિબંધીત એવા ટાપુ જે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં આવેલા છે. જેના પર પાછલા ઘણા સમયથી 36 જેટલા ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યા હતા. જેના પર તંત્રએ એક્શન લીધુ હતું. તમામ બાંધકામોને દુર કરી જમીન ખુલ્લી કરી નાખવામાં આવી છે. આ ઉપરાંત હવે રાજકોટ જામનગર પોલીસ સહિયારી 42 ટાપુ પર મેગા શર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. અનઅધિકૃત બાંધકામ અને અજાણ્યા વ્યક્તિઓના પ્રવેશને લઇને તપાસ શરૂ કરાઇ છે. નિર્જન ટાપુઓના પ્રવેશ પર વહિવટી તંત્રએ પ્રતિબંધ મૂક્યો છે. થોડા દિવસો પહેલા પીરોટન ટાપુ સહિત 7 ટાપુઓ પરથી ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયું હતું. હાલ પોલીસે 42 ટાપુઓમાં પોલીસની મેગા ડ્રાઇવ શરૂ કરી છે.

વિધાનસભા ચૂંટણી પહેલાં આપ પાર્ટીના સાત વિધાનભ્યોનાં રાજીનામાં

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાની ચૂંટણીના ઠીક પહેલાં આમ આદમી પાર્ટીના સાત ધારાસભ્યોએ એકસાથે રાજીનામાં આપતાં પાર્ટીને મોટો આંચકો લાગ્યો છે. દિલ્હીમાં આપ પાર્ટીના સાત વિધાનસભ્યોએ પાર્ટીની પ્રાથમિક સભ્યપદે દિલ્હીના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. જેમાં ત્રિલોકપુરીના ધારાસભ્ય રોહિત મહરોલિયા, જનકપુરીના ધારાસભ્ય રાજેશ ઋષિ, કસ્તુરબા નગરમાંથી મદનલાલ, પાલમ ધારાસભ્ય ભાવના ગૌર સામેલ છે. આ પાંચ વિધાનસભ્યોને આપ પાર્ટીએ હાલની ચૂંટણીમાં ટિકિટ નથી આપી.

આ સિવાય  મહરોલીમાંથી નરેશ યાદવ, આદર્શ નગરમાંથી પવન શર્મા અને બિજવાસનમાંથી બીએસ જૂન સામેલ છે. આમ આદમી પાર્ટી દ્વારા અમુક ધારાસભ્યોની ટિકિટ કપાતાં તેઓ નારાજ થયાં હોવાના અહેવાલો છે.જનકપુરીના બે વખત ધારાસભ્ય રહી ચૂકેલા રાજેશ ઋષિએ રાજીનામું આપ્યું છે. ટિકિટ કપાતાં નારાજ રાજેશ ઋષિએ પક્ષના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલને રાજીનામું મોકલી આરોપ મૂક્યો હતો કે, પક્ષ મૂળ સિદ્ધાંતોને છોડી ભ્રષ્ટાચારમાં ઓતપ્રોત થયો છે.

દિલ્હીની મહરોલી વિધાનસભા બેઠકમાંથી ધારાસભ્ય નરેશ યાદવે પણ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. તે સતત ત્રણ વખત આ ક્ષેત્રમાંથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. નરેશ યાદવે રાજીનામું આપતાં કહ્યું હતું કે આ પક્ષનો જન્મ ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડાઈ લડતાં થયો હતો, પરંતુ હવે પક્ષ જ પોતે જ ભ્રષ્ટાચારમાં ડૂબ્યો છે. અગાઉ ગયા મહિને સિલમપુરમાંથી આપના ધારાસભ્ય અબ્લુદલ રહેમાને પણ પક્ષમાંથી રાજીનામું આપી આક્ષેપ કર્યો હતો કે પક્ષ મુસ્લિમોના અધિકારોને સતત અવગણી રહ્યો છે. તેઓ મુસ્લિમ અને છેવાડાના સમુદાયોના અધિકારોને અવગણી રહ્યો છે.

પ્રેમિકાની મોજ પાછળ પૂર્વ MLAનો પુત્ર બન્યો ગુનેગાર

અમદાવાદ: ગુજરાતમાં ભરમાં નાના મોટી ચોરીની ઘટનાઓમાં વધારો થતો નોંધાય રહ્યો છે. નાનો માણસ મજબૂરીમાં ચોરી કરે તે થોડાક અંશે સમજી શકાય કે મજબૂરીનું નામ તેને મહાત્મા પાડ્યું છે. પણ શું તમે પ્રતિષ્ઠીત ઘરના પુત્રો ચોરી કરતા હોય તેવું સાંભળ્યું છે. આ વાત છે અમદાવાદની થલતેજ વિસ્તારનામાં પ્રદ્યુમ્નસિહ વિજેન્દ્રસિહં ચંદ્રાવત નામના યુવાનની. થલતેજ વિસ્તારમાં ભાડાના ઘરમાં રહેતા આ યુવાને 25મી જાન્યુઆરીના રોજ 65 વર્ષિય વસંતીબેન ઐયર નામની મહિલાના ગળામાંથી ચેઈન કટરથી તોડી ફરાર થયો હતો.

આ મામલે મહિલાએ ઘાટલોડીયા વિસ્તારના પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસને ફરિયાદ મળતાની સાથે cctvના આધારે પોલીસે તજવીજ હાથ ધરી દીધી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, ચેઇન સ્નેચિંગની ઘટના પ્રદ્યુમનસિંઘે કરી છે. પોલીસે પ્રદ્યુમ્નસિંહની ધરપકડ કરીને પુછપરછ કરી હતી. પ્રદ્યુમ્નસિંહ મધ્યપ્રદેશના નીમજ જિલ્લામાં આવેલા માલહેડા ગામનો રહેવાસી છે. પ્રદ્યુમ્નસિંહના પિતા વિજેન્દ્રસિહ ચંદ્રાવત મધ્ય પ્રદેશના પૂર્વ ધારાસભ્ય રહી ચુક્યા છે. પ્રદ્યુમ્નસિંહ ઘરથી કંટાળી ગયો હોવાથી તે અમદાવાદ આવી ગયો હતો અને ભાડાના મકાનમાં રહેતો હતો. તે એક યુવતી સાથે પ્રેમ થઇ ગયો હતો, જેના કારણે તેનો ખર્ચો વધી ગયો હતો. મોજશોખ પૂરા કરવા માટે  પ્રદ્યુમ્નસિંહ ગુનાખોરીના રવાડે ચઢી ગયો હતો. પ્રેમિકા માટે ચેઇન-સ્નેચિંગનો ગુનો પહેલી વખત કર્યો હતો. આ ઉપરાંત આ યુવક મધ્ય પ્રદેશના કોંગ્રેસ નેતા અને પૂર્વ ધારાસભ્યનો પુત્ર હોવાનો ઘટસ્ફોટ થયો છે.

ગુજરાત પોલીસે શેરબજારમાં મૂડીરોકાણને નામે છેતરતી ગેન્ગ પકડી

મુંબઈઃ ગુજરાત પોલીસના સાયબર ક્રાઇમ સેલે મુંબઈના મીરા રોડમાંથી પાંચ લોકોની ધરપકડ કરી હતી. આ લોકો શેરબજારમાં રોકાણ કરવાની સલાહ આપવાને નામે લોકોને છેતરવા માટે એક કોલ સેન્ટર ચલાવતા હતા. સુરેન્દ્રનગરના અશોક પટેલ અને રાજપીપળાના કલ્યાણી પાટીલે ફરિયાદ નોંધાવ્યા બાદ સાયબર ક્રાઇમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. આ ધરપકડ કરવામાં આવેલા આરોપીઓમાં મોહમ્મદ ઝહીદ શેખ, શકીલ ચૌહાણ, ફૈજાન ચૌહાણ, મોહમ્મદ જુલૈદ શેખ ને રમીઝ શિપાઈ સામેલ છે. આ બધા આરોપી ગુજરાતના મહેસાણા જિલ્લાના રહેવાસી છે.

સુરેન્દ્રનગરના અશોકભાઈ પટેલને ફેબ્રુઆરી 2023માં ફોન કરીને શેર માર્કેટમાં રોકાણથી વધારે નફાની લાલચ આપી ગઠિયાએ એક ID જનરેટ કરાવી આપ્યું હતું. ત્યાર બાદ રોકાણની ટિપ્સ આપીને શરૂઆતમાં નફા તરીકે રૂ. 35,000 એકાઉન્ટમાં જમા કર્યા હતા. ત્યાર બાદ ટુકડે-ટુકડે રૂ. 9.50 લાખ પડાવી લીધા હતા. આ અંગે અશોકભાઈએ CID ક્રાઈમના સાઇબર સેલમાં ફરિયાદ કરી હતી, જેના આધારે તપાસ કરતા પૈસા પડાવતું કોલ સેન્ટર મુંબઈમાં ચાલતું હોવાની માહિતી મળી હતી. આથી ટીમ  મુંબઈ ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી.

પોલીસે આરોપીઓના મોબાઇલ ફોન ટ્રેક કર્યા હતા અને ડમી સિમ કાર્ડ મેળવીને ઓપરેશન પાર પાડ્યું હતું. મીરા રોડ સ્થિત એક ફ્લેટમાં દરોડા દરમિયાન પાંચ આરોપીઓ પકડાયા હતા. ટીમે 13 મોબાઇલ ફોન, ચાર ડેબિટ કાર્ડ જપ્ત કર્યા હતા. આરોપીઓ અગાઉ ખેરાલુમાં જ કોલ સેન્ટર ચલાવતા હતા, પરંતુ 2024માં તેઓ ખેરાલુ છોડીને મુંબઈ શિફટ થઈ ગયા હતા. આ ટોળકી બે વર્ષથી કોલ સેન્ટર ચલાવતી હતી, જેથી તેમની પાસેથી મોબાઇલ નંબર વાળા લિસ્ટ મળી આવ્યા હતા. પોલીસે તે લોકોને ફોન કરીને તેમની પૂછપરછ શરૂ કરી છે.

આ ખાસ એવોર્ડથી સચિન તેંડુલકરને BCCI સન્માનિત કરશે

વર્ષ 2023-24 માટે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ કર્નલ સીકે નાયડુ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ ક્રિકેટના ભગવાન કહેવાતા મહાન બેટર સચિન તેંડુલકરને આપવાની જાહેરાત કરી છે. સચિન તેંડુલકર દ્વારા બે દાયકાથી પણ વધુના સમય સુધી ક્રિકેટમાં આપેલા તેના મહત્વપૂર્ણ યોગદાન માટે આ એવોર્ડ આપવામાં આવી રહ્યો છે.  આ સિવાય ભારતના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહને પુરુષોમાં અને સ્મૃતિ મંધાનાને મહિલા કેટેગરી માટે સર્વશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિત પ્રમાણે સંન્યાસ લઇ ચૂકેલા દિગ્ગજ સ્પીનર આર. અશ્વિનને BCCIએ સ્પેશિયલ એવોર્ડ આપવાની જાહેરાત કરી છે. બેસ્ટ ઇન્ટરનેશનલ ડેબ્યૂ માટે સરફરાઝ ખાન અને આશા શોભનાને એવોર્ડ આપવામાં આવશે. BCCI આ એવોર્ડ પહેલી ફેબ્રુઆરીએ મુંબઈ ખાતે આયોજિત સમારોહમાં આપશે. સચિન તેંડુલકર 24 વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો હતો. આ દરમિયાન તેણે અનેક યાદગાર ઇનિંગ્સ અને એવોર્ડ બનાવ્યા હતા. તેણે 100 આંતરરાષ્ટ્રીય સદી અને 34357 રન બનાવ્યા હતા. સચિને માત્ર 16 વર્ષની ઉંમરે ક્રિકેટની દુનિયામાં પગ મૂક્યો હતો. વનડે ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર તે પહેલો ખેલાડી હતો. તે એકમાત્ર એવો ક્રિકેટર છે કે જેણે 200 ટેસ્ટ મેચ રમી છે. સચિન સિવાય વિસ્ફોટક ઝડપી બોલર જસપ્રીત બુમરાહને સતત ત્રીજી વખત પુરુષ કેટેગરીમાં સર્વશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર કરીકે પસંદગી કરવામાં આવી છે. તે હાલ ટેસ્ટ ફોર્મેટમાં નંબર-1 બોલર છે. તેણે વર્ષ 2024માં 13 ટેસ્ટમાં 7 વિકેટ ઝડપી હતી. જયારે T20Iમાં 15 વિકેટ ઝડપી હતી. તેને પૂરા વર્ષ દરમિયાન શાનદાર પ્રદર્શન કરવા બદલ ‘ICC ક્રિકેટર ઓફ ધ યર’ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.

હાઇકોર્ટે પ્લાસ્ટિક વેસ્ટ મુદ્દે GPCBને કડક પગલાં ભરવા કર્યો આદેશ

અમદાવાદઃ પ્લાસ્ટિક પ્રદૂષણ આજે વિશ્વભરમાં ભારે ચિંતાનો વિષય છે. ત્યારે શક્ય એટલે પ્લાસ્ટિક ઉપયોગ ઘટાડવા માટે પણ ચર્ચાઓ થઇ રહી છે, ત્યારે રાજ્યમાં પ્લાસ્ટિક વેસ્ટને મુદ્દે હાઇકોર્ટે મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ સામે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને કડક પગલાં લેવા માટે હુકમ કર્યો છે.

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની જવાબદારી માત્ર મોનિટરિંગની નથી. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની એ પણ જવાબદારી છે કે મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ માટે યોગ્ય પગલાં લઈ રહી છે કે કેમ તેનું પણ ધ્યાન આપે. પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ માટે અપાતા આડેધડ કોન્ટ્રેક્ટ અને તેમ છતાંય પ્લાસ્ટિક વેસ્ટના નિકાલની યોગ્ય કામગીરી ન થવાના મુદ્દે હાઇકોર્ટ નારાજગી વ્યક્ત કરી હતી.

પ્લાસ્ટિક પ્રદૂષણ ફેલાવનાર જે પણ હોય તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ  વ્યક્તિ કે સંસ્થાને જોયા વિના GPCB પોતાનું કામ યોગ્ય રીતે કરે તેવો કોર્ટે નિર્દેશ જાહેર કર્યો છે. દરેક મહાનગરપાલિકા અને નગરપાલિકા પાસેથી સમયાંતરે પ્રદૂષણ નિયંત્રણ માટે થયેલી કામગીરીનો રિપોર્ટ મેળવવો તે GPCBની જવાબદારી છે.

માત્ર રિપોર્ટના આધાર પર નહીં પરંતુ મળેલી ફરિયાદો પર પણ GPCBએ કામગીરી કરવી જોઈએ. ગિરનાર અભયારણ્ય અને ઇકો સેન્સિટિવ ઝોનમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધની માગણી સાથેની અરજી પર થયેલી સુનાવણીમાં હાઇકોર્ટે આ હુકમ કર્યો હતો.

આ પહેલાં હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે રાજયના તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્લાસ્ટિક વેસ્ટના નિકાલ, મટીરિયલ રિકવરી ફેસિલિટી, પ્લાસ્ટિક વેસ્ટના રુલ્સ અને નોર્મ્સનું પાલન થાય છે કે નહીં તે તમામ મુદ્દે વિગતવાર ડેટા સાથેનો રિપોર્ટ રજૂ કરવા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને હુકમ કર્યો હતો.

સીરિયામાં અમેરિકાનો હવાઈ હુમલો, અલ કાયદા આતંકી મોહમ્મદ અલ જબીર ઠાર

ગુરુવારે ઉત્તર પશ્ચિમ સીરિયામાં એક હવાઈ હુમલામાં અલ કાયદા સાથે સંકળાયેલા આતંકી સંગઠનના સિનિયર આતંકી મોહમ્મદ અલ સલાહ અલ જબીરને મોતને ઘાટ ઉતારી નાખ્યો. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે એક નિવેદનમાં જણાવ્યું કે આ હવાઈ હુમલા આતંકીઓના નેટવર્કને તોડવા માટે કરાયા હતા. જબીર હુરાર્સ અલ દીન નામના આતંકી સંગઠનનો આતંકી હતો જે અલ કાયદાના નેટવર્ક સાથે જોડાયેલો હતો. જ્યારે ઈઝરાયલે પેલેસ્ટિનિયન સંગઠન હમાસના સૈન્ય પ્રમુખ મોહમ્મદ દૈફને હવાઈ હુમલામાં ઠાર કર્યો છે. આઈડીએફએ આ ઘટનાની પુષ્ટી કરી હતી.

આ ઉપરાંત વધુ તેમણે જાણાવ્યું કે “યુનાઇટેડ સ્ટેટ્સ સેન્ટ્રલ કમાન્ડ યુનાઇટેડ સ્ટેટ્સ અને તેના સાથી દેશો પર હુમલો કરવાનું કાવતરું ઘડનારા આતંકવાદીઓને મારવાનું અથવા પકડવાનું ચાલુ રાખશે,” યુએસ સેન્ટ્રલ કમાન્ડના કમાન્ડર જનરલ માઇકલ એરિક કુરિલાએ જણાવ્યું હતું.

સીરિયામાં થયેલા બળવા અને બશર-અલ-અસદના શાસનના અંત પછી, બુધવારે (29 જાન્યુઆરી) અહેમદ અલ-શારાને દેશના વચગાળાના રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઇસ્લામિક બળવાખોર ગઠબંધન હયાત તહરિર અલ-શામ (HTS) ના નેતૃત્વ હેઠળના બળવાખોરોએ ગયા વર્ષે 8 ડિસેમ્બરે બશર અલ-અસદને સત્તા પરથી હાંકી કાઢ્યા હતા.એક ન્યુઝ મીડિયા એજન્સી દ્વાર જાણવા માળી રહ્યું છે કે, લશ્કરી અધિકારી હસન અબ્દેલ ગનીએ જાહેરાત કરી કે અહેમદ અલ-શારા દેશના વચગાળાના રાષ્ટ્રપતિ તરીકે સેવા આપશે અને આંતરરાષ્ટ્રીય મંચો પર સીરિયાનું પ્રતિનિધિત્વ કરશે.