Home Blog Page 1206

જામનગરમાં વીજ ચેકિંગ ડ્રાઈવ, 1.22 કરોડથી વધુની ચોરી ઝડપાઈ

જામનગર: દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં ગત સોમવારથી વિજ તંત્ર દ્વારા પુનઃવિજ ચેકિંગની કામગીરી શરૂ કર્યા બાદ ગઈકાલે સતત ત્રીજા દિવસે પણ અવિરત ચાલું રાખવામાં આવી હતી, અને જામનગર શહેર અને તાલુકા તેમજ લાલપુરના ગ્રામ્ય વિસ્તારમાં ચેકિંગ હાથ ધરી વધુ 1,22,40,000 ની વીજ ચોરી પકડી પાડવામાં આવી છે.

પીજીવીસીએલ વર્તુળ કચેરીની ચેકિંગ ડ્રાઈવ દરમિયાન ગઈકાલે લાલપુર તાલુકાના મોટા લખિયા ગામમાં આવેલી એક મીની ઓઇલમાંથી 67.83 લાખની મોટી વીજ ચોરી પકડી પાડવામાં આવી છે, અને મીની ઓઇલ મિલના સંચાલક સામે વીજ પોલિસ મથકમાં ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પીજીવીસીએલની ટુકડી દ્વારા ગઈકાલે લાલપુર તાલુકાના મોટા લખીયા ગામમાં વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું, જે દરમિયાન મોડપર પાટિયા પાસે મેઇન રોડ પર આવેલી યદુનંદન મીની ઓઇલ મીલમાં ચેકિંગ હાથ ધરતાં તે વીજ ગ્રાહક દ્વારા વિજ થાંભલામાંથી ડાયરેક્ટ લંગરીયું વીઆઇએન જોડાણ મેળવીને 20 મીટર લાંબો વાયર મીની ઓઇલ મીલની અંદર ખેંચી વીજ ચોરી કરવામાં આવતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. તેને 67,83,337,87 અને કંપાઉંડ ઇન્ચાર્જના 6,48,000 નું પુરવણી બિલ આપવામાં આવ્યું છે. તેમજ તેની ઓઇલ મિલમાંથી ગેરકાયદેસર વિજ વાયર તથા મીટર વગેરે ઉતારી લેવામાં આવ્યા છે.

આ ઉપરાંત ગઈકાલે કુલ 43 જેટલી વિજચેકિંગ ટુકડીને મેદાનમાં ઉતારવામાં આવી હતી, જેની મદદ માટે એસઆરપીના 12 જવાનો, 20 પોલીસ કર્મચારી તથા ત્રણ વિડિયોગ્રાફરને જોડવામાં આવ્યા હતા. ગઈકાલે કુલ 580 વીજ જોડાણ તપાસવામાં આવ્યા હતા. જેમાંથી 90 વીજ જોડાણમાં ગેરરીતિ જોવા મળતાં આવા આસામીઓને કુલ રૂ.1,22,40,000ના વીજ ચોરીના પુરવણી બિલ આપવામાં આવ્યા હતા.

સ્વાતિ માલીવાલે અરવિંદ કેજરીવાલના ઘરની બહાર કચરો ફેંક્યો

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ ગુરુવારે વિકાસપુરીથી કચરાના 3 વાહનો લઈને અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચ્યા અને કચરો તેમના ઘરની બહાર ફેંકી દીધો. આ કેસમાં દિલ્હી પોલીસે સ્વાતિ માલીવાલને કસ્ટડીમાં લીધી હતી. રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે દિલ્હીમાં સ્વચ્છતાના મુદ્દા પર વિરોધ પ્રદર્શન કર્યું. તેણી પોતાની સાથે કચરાથી ભરેલા 3 વાહનો પણ લાવી હતી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરની બહાર કચરો ફેંકી દીધો હતો. આ પછી, દિલ્હી પોલીસે સ્વાતિ માલીવાલને કચરો ફેંકવાના આરોપમાં કસ્ટડીમાં લીધી.

 

રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે જણાવ્યું હતું કે આખું શહેર કચરાના ઢગલા જેવું બની ગયું છે. તે અહીં અરવિંદ કેજરીવાલ સાથે વાત કરવા આવી છે. તે કેજરીવાલને કહેવા માંગે છે કે તે પોતાના માર્ગો સુધારે, નહીંતર લોકો તેમને સુધારશે. તે ન તો તેમના ગુંડાઓથી ડરે છે કે ન તો તેમની પોલીસથી.

તમને જણાવી દઈએ કે આ પહેલા સ્વાતિ માલીવાલે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે વિકાસપુરી વિસ્તારમાં વર્ષોથી રસ્તાઓ પર કચરાના ઢગલા છે. લોકોમાં ભારે ગુસ્સો છે. તેઓ આ બધો કચરો એકઠો કરીને કેજરીવાલના ઘરે ફેંકવાના છે. આખી દિલ્હીની હાલત ખરાબ થઈ ગઈ છે. દિલ્હીવાસીઓ રોજ જે ગંદકી અને દુર્ગંધ સહન કરે છે તે આજે કેજરીવાલ ભોગવશે. જનતા આવી રહી છે કેજરીવાલ, ડરશો નહીં.

વિધાનસભા ચૂંટણી બાદ રાજ ઠાકરેએ તોડ્યું મૌન, ભાજપ પર સાધ્યુ નિશાન

મુંબઈ: મહારાષ્ટ્રના રાજકીય પરિદૃશ્યમાં હલચલ મચાવનારા રાજ ઠાકરેએ ચૂંટણી પછી પોતાનું મૌન તોડ્યું છે અને ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે ચૂંટણી પછી સમગ્ર મહારાષ્ટ્રમાં ફેલાયેલી મૌન ઘણા પ્રશ્નો ઉભા કરે છે. ઠાકરેએ ખાસ કરીને રાજ્યના ચૂંટણી પરિણામો પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે બાળાસાહેબ થોરાટની હાર અને અજિત પવારની પાર્ટીની ઐતિહાસિક જીત પર પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું. ઠાકરેએ કહ્યું કે વિધાનસભા ચૂંટણીમાં તેમના પક્ષને પણ મત મળ્યા હતા પરંતુ તે બધા મત ક્યાંક ‘અદ્રશ્ય’ થઈ ગયા.

 

રાજ ઠાકરેએ કહ્યું,’બાળાસાહેબ થોરાટ 7 વખત ચૂંટણી જીત્યા હતા, દરેક વખતે તેઓ 70 થી 80 હજાર મતોથી જીતતા હતા, પરંતુ આ વખતે તેઓ ફક્ત 10 હજાર મતોથી હારી ગયા. આ કેવી રીતે શક્ય છે? ઠાકરેએ એમ પણ કહ્યું કે ભાજપ આટલી બધી બેઠકો મેળવી શકે છે, પરંતુ અજિત પવાર 42 બેઠકો જીતે અને શરદ પવાર માત્ર 10 બેઠકો જીતે તે પણ એક મોટો પ્રશ્ન છે.

તેમણે કહ્યું,’લોકસભા પછી માત્ર 4 મહિનામાં આટલો બધો ફેરફાર કેવી રીતે થયો? શું તમને લાગે છે કે અમને મત મળ્યો નથી? અમને મત મળ્યા, પણ તે બધા મત ક્યાં ગાયબ થઈ ગયા?

ઠાકરેએ તેમના પર લગાવવામાં આવેલા આરોપોનો પણ જવાબ આપ્યો. તેમણે કહ્યું કે તેમના પર હંમેશા પોતાનું વલણ બદલવાનો આરોપ છે, પરંતુ મહારાષ્ટ્રના તમામ રાજકીય પક્ષોએ એક યા બીજા સમયે પોતાની ભૂમિકા બદલી છે. ઠાકરેએ કહ્યું કે ‘પરંતુ મેં મારા રાજકીય હિત માટે ક્યારેય મારું વલણ બદલ્યું નથી.’ ED કેસને કારણે ભાજપને ટેકો આપવાના આરોપો પર સ્પષ્ટતા આપતા ઠાકરેએ કહ્યું, ‘હું શિવાજી મહારાજના નામે શપથ લઉં છું કે મેં વ્યવસાય કર્યો હતો. અમે કોહિનૂર મિલ માટે ટેન્ડર ભર્યું હતું. અમને ટેન્ડર મળ્યું, પરંતુ કાનૂની અવરોધોને કારણે, અમે તે સોદામાંથી પાછળ હટી ગયા.’

ભાજપ પર સીધો પ્રહાર કરતા ઠાકરેએ કહ્યું,’ભાજપે ભ્રષ્ટાચારના આરોપ લગાવનારા નેતાઓને જ પાર્ટીમાં લીધા છે અને સત્તામાં લાવ્યા છે, પરંતુ કોઈ તેના પર કોઈ પ્રશ્ન ઉઠાવતું નથી. ભાજપે બીએસ યેદિયુરપ્પા, અજિત પવાર, અશોક ચવ્હાણને સત્તામાં લાવ્યા. ભાજપે ફારુક અબ્દુલ્લા સાથે ગઠબંધન કર્યું, જે 370 ની વિરુદ્ધ હતા, અને મુફ્તી સાથે સરકાર બનાવી. ભાજપે આ બધું કર્યું, પણ કોઈ એમ નહીં કહે કે ભાજપે પોતાનું વલણ બદલ્યું. એક વાત યાદ રાખજો, હું ક્યારેય અમારી પાર્ટી અને તમારા પ્રેમને ભાજપ સામે લાચાર નહીં થવા દઉં.’

ચંડીગઢ મેયરની ચૂંટણીમાં ભાજપની જીત

ચંડીગઢઃ ચંડીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન મેયરની ચૂંટણીના પરિણામો આવ્યાં છે. આ ચૂંટણીમાં ભાજપે બાજી મારી છે. ભાજપનાં હરપ્રીત કૌર બબલા ચૂંટણી જીતીને ચંડીગઢનાં મેયર બન્યાં છે. તેઓ વિપક્ષના જોર પર ચૂંટણી જીતી છે. પ્રાપ્ત વિગતો મુજબ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાઉન્સિલરોએ ભાજપ માટે ક્રોસ વોટિંગ કર્યું હતું. ભાજપની તરફેણમાં 19 જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પક્ષમાં 17 મત પડ્યા હતા. તમામ 35 કાઉન્સિલરો અને એક સાંસદે તેમના મતનો ઉપયોગ કર્યો હતો.

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ત્રણ કાઉન્સિલરોએ ભાજપની તરફેણમાં ક્રોસ વોટિંગ કર્યું હતું, પરંતુ ગુપ્ત મતદાન દ્વારા મતદાન થયું હોવાથી કોણે ક્રોસ વોટિંગ કર્યું તે સ્પષ્ટ થયું નથી. 16 કાઉન્સિલરો સાથે ભાજપ તેના મેયર ચૂંટવામાં સફળ રહ્યું છે. કોંગ્રેસના સાંસદનો એક મત, કોંગ્રેસના 6 મત અને આમ આદમી પાર્ટીના 13 મત હોવા છતાં, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન મેયરની ચૂંટણી હારી ગઈ છે.

મેયરની ચૂંટણી માટે મતદાન પહેલા ચંદીગઢના સિટિંગ મેયર કુલદીપ કુમારને મોટી રાહત મળી હતી. પંજાબ-હરિયાણા હાઈકોર્ટે તેમને ભ્રષ્ટાચારના આરોપના કેસમાં વચગાળાના જામીન આપ્યા છે. જે પછી તેમણે આ ચૂંટણીમાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ધરપકડથી બચવા માટે કુલદીપ કુમારે આગોતરા જામીન અને મેયરની ચૂંટણી દરમિયાન મતદાન કરવાની હાઇકોર્ટ પાસે પરવાનગી માગી હતી.

કબીરવાણી: કાર્ય વિનાનો ઉપદેશ નિરર્થક છે

કબીર દર્શન સાધુ કે, કરત ન કીજૈ કાનિ,

જ્યોં ઉદ્યમસે લક્ષ્મી, આલસ મનસે હાનિ.

 

આપણા મનમાં ઇચ્છાના તરંગો સતત ઊઠતાં જ રહે છે. દરેક ઇચ્છાની પૂર્તિ અશક્ય છે. સારી ઈચ્છા, સદ્વિચાર અને સત્સંગમાં પ્રમાદ કરવાથી હાનિ જ થાય છે. કબીરજી સંત્સંગ – દર્શન કરવામાં કોઈ આળસ ન કરવા કહે છે.

સતત અને સખત પરિશ્રમથી વ્યક્તિ લક્ષ્મી પ્રાપ્ત કરે છે. જ્યારે આળસુ પ્રકૃતિના લોકોને બેદરકારીના કારણે હાનિ થાય છે. સંસ્કૃત સુભાષિત છે કે, સુતેલા સિંહના મોઢામાં હરણો પ્રવેશ નથી કરતા.” કોઈને કાંઈ પણ પ્રાપ્ત કરવું હોય તો પુરુષાર્થ કરવો આવશ્યક છે.

આપણા દેશમાં પ્રારબ્ધવાદ ફૂલ્યોફાલ્યો છે. એક ઉક્તિમાં કહ્યું છે કે, અજગર કરે ન ચાકરી, પંછી કરે ન કામ, દાસ મલૂકા કહી ગયે સબ કા દાતા રામ.” આમાં હકીકતદોષ છે. પક્ષીઓ તો હજારો કિ.મી. ઊડીને ખોરાક મેળવવા – ઇંડાં મૂકી પ્રજનન માટે સાઇબિરીયાથી ભારત આવે છે. આપણે કામ ટાળવાની વૃત્તિને વાજબી ઠેરવવા માટે પ્રારબ્ધ – નસીબ, ગ્રહયોગ, અવકૃપા જેવાં બહાનાઓ શોધી કાઢીએ છીએ. કબીરજી, જ્ઞાન-ભક્તિમાં ડૂબેલા હતા પણ વણકરનું કામ તજી દીધું ન હતું. કાર્ય વિનાનો ઉપદેશ નિરર્થક છે.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)

કંગનાએ મહાકુંભની મોનાલિસાની આડમાં અભિનેત્રીઓ પર સાધ્યું નિશાન

મુંબઈ: મહાકુંભની વાયરલ છોકરી મોનાલિસી અભિનેત્રી કંગના રનૌતની નજરમાં પણ આવી છે. મોનાલિસાની સુંદરતાએ કંગનાને પણ આશ્ચર્યચકિત કરી દીધી છે. આ અભિનેત્રી મોનાલિસાની સુંદરતાથી પ્રભાવિત છે અને હવે તેણે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના વખાણ કર્યા છે. એટલું જ નહીં, કંગનાએ ફરી એકવાર મોનાલિસાના નામે બોલિવૂડ અને અભિનેત્રીઓ પર નિશાન સાધ્યું છે. તેમણે ફરી એકવાર પોતાના શબ્દોથી તીક્ષ્ણ હુમલો કર્યો છે. હવે કંગના રનૌતની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને લોકો તેના પર પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

હવે કોઈ ‘ડાર્ક અને ડસ્કી’ અભિનેત્રીઓ કેમ નથી?

અભિનેત્રી કંગના રનૌતે કહ્યું કે શોબિઝમાં હવે ભાગ્યે જ કોઈ ‘ડાર્ક અને ડસ્કી’ ભારતીય મહિલા કલાકારો બચી છે. અભિનેત્રીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર મહાકુંભ ગર્લ મોનાલિસા વિશે પોતાના વિચારો શેર કર્યા, જે તેના લુક માટે વાયરલ થઈ છે. કંગનાએ કહ્યું કે તે તસવીરો માટે છોકરીને જે રીતે હેરાન કરવામાં આવી રહી છે તેનાથી નિરાશ છે અને તે પોતાને એ વિચારતા રોકી શકતી નથી કે આજે ઇન્ડસ્ટ્રીમાં કોઈ પણ યુવા અભિનેત્રીની ડસ્કી ત્વચાની કેમ નથી. આ વાતને આગળ ધપાવતા તેમણે પોતાની લાંબી પોસ્ટમાં ઘણું બધું કહ્યું છે.

કંગના રનૌતે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર મોનાલિસાનો ફોટો શેર કર્યો અને લખ્યું,’આ યુવતી મોનાલિસા પોતાની કુદરતી સુંદરતા માટે ઇન્ટરનેટ સેન્સેશન બની ગઈ છે. લોકોએ તેના ફોટા અને ઇન્ટરવ્યુ માટે તેને હેરાન કરવાનું શરૂ કર્યું છે અને મને તે યોગ્ય લાગતું નથી. હું મદદ નથી કરી શક્તિ પણ વિચારું છું કે શું ગ્લેમરની દુનિયામાં હવે ઘેરા રંગની ભારતીય મહિલા પ્રતિનિધિત્વ છે? શું લોકો યુવા અભિનેત્રીઓને પસંદ કરી રહ્યાં છે જેવી રીતે તેમણે અનુ અગ્રવાલ, કાજોલ, બિપાશા, દીપિકા કે રાની મુખર્જીને પસંદ કરતાં હતાં?

કંગનાએ કોસ્મેટિક ટ્રીટમેન્ટનો સંકેત આપ્યો

આ સંદર્ભમાં તેમણે આગળ કહ્યું,’બધી અભિનેત્રીઓ ગોરી સ્ત્રીઓ જેવી કેમ દેખાય છે. શું આમાં એવા લોકોનો પણ સમાવેશ થાય છે જેઓ તેમની યુવાનીમાં કાળા હતા? મોનાલિસા જેવા નવા લોકોને લોકો કેમ ઓળખતા નથી? લેસર અને ગ્લુટાથિઓન ઇન્જેક્શનનો વધુ પડતો ઉપયોગ થઈ રહ્યો છે. મહાકુંભ 2025 દરમિયાન પોતાના આકર્ષક લુક માટે સમાચારમાં રહેલી ઇન્દોરની માળા વેચનાર મોનાલિસાને પણ રાતોરાત સનસનાટીભર્યા બન્યા બાદ વિવિધ પ્રકારની હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. હાલમાં, તે તેના ગામ પરત ફરી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મોનાલિસાને એક ફિલ્મમાં મુખ્ય ભૂમિકાની ઓફર કરવામાં આવી છે. કંગના રનૌત વિશે વાત કરીએ તો, તે છેલ્લે ‘ઇમર્જન્સી’માં જોવા મળી હતી. તેણીએ ઇન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી હતી. આ અભિનેત્રી આ ફિલ્મની દિગ્દર્શક પણ હતી.

દિલ્હી ચૂંટણીઃ કેજરીવાલે આપી વધુ સાત નવી ગેરન્ટી

નવી દિલ્હીઃ દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલે વધુ સાત ગેરન્ટી જાહેર કરી હતી. તેમણે કહ્યું હતું કે અનેક સરકારી નિવાસસ્થાનોમાં અદિકારીઓ, સાંસદો કે મંત્રીઓના ઘરમાં કામ કરતા સર્વન્ટ કે કર્મચારીઓને અનેક સમસ્યાઓ હોય છે.

તેમને સર્વન્ટ ક્વાર્ટરમાં તેમને પગાર મળવો જોઈએ, કેમ કે 70-80 ટકા પગાર નથી આપવામાં આવ તો અને તેમને કહેવામાં આવે છે કે સર્વન્ટ ક્વાર્ટર આપ્યું તો ખરું-મફતમાં કામ કરો. આવામાં તેમને બંધુઆ મજૂરની જેમ કામ કરવું પડે છે. કેજરીવાલે આવા કર્મચારીઓ માટે સાત ગેરન્ટી આપી છે.

શું છે આ સાત ગેરન્ટી?

  • સર્વન્ટ રજિસ્ટ્રેશન પોર્ટલ બનાવવામાં આવશે, જેમાં આવા લોકો રજિસ્ટ્રેશન કરી શકશે. આમાં બંને પક્ષે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે
  • શ્રમિક કાર્ડની જેમ પર્સનલ કાર્ડ બનાવવામાં આવશે. આ યોજના હેઠળ તેમને લાભ આપવામાં આવશે.
  • સર્વન્ટ કે સ્ટાફ હોસ્ટલ બનાવવામાં આવશે. જો કોઈ વ્યક્તિને કાઢી મૂકવામાં આવળે તો તેઓ આગામી નોકરી સુધી તે ત્યાં રહી શકશે.
  • EWSના મકાનો સસ્તા દરે આપવામાં આવે છે, જે તેમને આપવામાં આવશે
  • તેમના આરોગ્ય માટે મોબાઇલ મોહલ્લા ક્લિનિક બનાવવામાં આવશે
  • તેમના કામના કલાકો, કામની સ્થિતિ, તેમના વેતન માટે નિયમ, કાયદો બનાવવામાં આવશે.
  • ઓટોચાલકો, ઈ-રિક્ષા અને ટેક્સી ડ્રાઇવર્સનેને વીમા સુવિધા દિલ્હી સરકાર આપી રહી છે, જેમાં 10-10 લાખનો જીવન વીમો, રૂ, પાંચ લાખનો આરોગ્ય વીમો વગેરે આપવામાં આવશે.

 

અંબાજીમાં શક્તિ કોરિડોર પ્રોજેક્ટ માટે મેગા ડિમોલિશન

ગુજરાતમાં વિકાસ કામે આડે આવતી જમીને અને સરકારની જમીનો પર ગેરકાયદે બાંધકામ કરના સામે સરકાર એક્શન મોડમાં આવી છે. પહેલા દ્વારકા, જામનગર અને સુરેન્દ્રનગર જિલ્લામાં ડિમોલેશસની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ત્યારે હવે અંબાજીમાં શક્તિ કોરીડોર પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટને આડે આવતા ઘણ ઘર પર બુલડોઝરથી સાફ કરી દબાણ હટાવવાની કામગરી હાથ ધરવામાં આવી હતી. અંબાજીના 89થી વધુ ઘરોને નોટિસ આપવામાં આવી છે. મેગા ડિમોલિશનની કામગીરીમાં 200થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, અંબાજી ખાતે દબાણો દૂર કરવાની કામગીરી હાઈકોર્ટના નિર્દેશ બાદ શરૂ થઈ છે. શક્તિ કોરિડોરના માર્ગ પર આવેલા મકાનોના ડિમોલિશનના વિરોધમાં લગભગ 60 લોકોએ હાઈકોર્ટમાં અરજીઓ દાખલ કરી હતી. પરંતુ હાઈકોર્ટે કોઈ પણ પ્રકારની રાહત આપવા ઇનકાર કરી દીધો અને તંત્રને દબાણો દૂર કરવાની તાત્કાલિક સૂચના આપી હતી. અંબાજીમાં 89 કાચા અને પાકા મકાનોને તંત્ર દ્વારા દૂર કરવામાં આવી રહ્યા છે. આ કામગીરી કલેક્ટર, જિલ્લા પોલીસવડા અને અન્ય ઉંચા અધિકારીઓની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે. અનિચ્છનીય બનાવ ટાળવા માટે પુલિસના કડક બંદોબસ્તના પગલાં લેવામાં આવ્યા છે. 50 વર્ષોથી વધુ સમયથી રહેતા લોકોના ઘરને મોડી રાત્રે ડીમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વર્ષોથી રહેતા લોકોના મકાનો તૂટતા લોકો ઘર વિહોણા થયા છે. આ ડિમોલિશનની કામગીરીને લઇ લોકોના ધર સામાન ન લેવા દેતા સ્થાનિકોમાં તંત્ર પ્રત્યે આક્રોશ વ્યાપ્યો છે. ગઈ કાલે સાંજથી આખી રાત વહીવટી તંત્ર અને 200થી વધુ પોલીસ જવાનો કામગીરીમા જોડાયા હતા. જે.સી.બી. વડે તમામ ધરોને કરાયા જમીનદસ્ત કરવામાં આવ્યા છે.

ચરોતર નાગરિક સહકારી બેન્કમાં ઉચાપત કરનાર આરોપીની 20 વર્ષે ધરપકડ

અમદાવાદઃ ઇન્ટરપોલની મદદથી CBIએ અમદાવાદથી 20 વર્ષથી મોસ્ટ વોન્ટેડ વીરેન્દ્ર પટેલની ધરપકડ કરી  તે પોન્ઝી સ્કીમમાં રૂ. 77 કરોડથી વધુની ઉચાપતનો કેસમાં સામેલ હતો. તેણે ચરોતર નાગરિક સહકારી બેંકમાં ઉચાપત કરી હતી તથા 2002માં ગુજરાત પોલીસે ફરિયાદ દાખલ કરી હતી તેમ જ 3 માર્ચ, 2004માં CBIએ રેડ કોર્નર નોટિસ ઈશ્યુ કરી હતી. જેમાં આરોપી અમેરિકાથી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યો હતો અને તેની ધરપકડ કરવામાં આવી હતી.

આ સાથે ઇન્ટરપોલના રેડકોર્નર નોટિસનો સામનો કરી રહેલા બે ભાગેડુ ભારતીયોની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત અને તામિલનાડુમાં અલગ-અલગ કેસોમાં વોન્ટેડ બે ભાગેડુઓની અમેરિકા અને થાઇલેન્ડથી પરત ફર્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. પોન્ઝી સ્કીમ દ્વારા રોકાણકારોના રૂ. 87 કરોડ રૂપિયાથી વધુની ઉચાપત કરનારા આરોપી જનાર્થન સુંદરમને બેંગકોકથી ભારત લાવવામાં આવ્યો હતો. તામિલનાડુ પોલીસે કોલકાતા એરપોર્ટ પરથી તેની અટકાયત કરી હતી. તામિલનાડુ પોલીસની આર્થિક ગુના શાખા (EOW) દ્વારા ગુનાહિત કાવતરું, ગુનાહિત વિશ્વાસ ભંગ, છેતરપિંડી, થાપણો/વ્યાજની ચુકવણીમાં ડિફોલ્ટ અને અનિયમિત થાપણ યોજનાઓ પ્રતિબંધ અધિનિયમ, 2019 હેઠળના ગુનાઓ માટે વોન્ટેડ હતો

CBIના પ્રવક્તાએ કહ્યું હતું કે તામિલનાડુ પોલીસની વિનંતી પર CBIએ 21 જૂન, 2023એ ઇન્ટરપોલ તરફથી તેમની વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરાવી હતી. એજન્સીએ કહ્યું હતું કે 28 જાન્યુઆરી, 2025માં બેંગકોકનો પ્રવાસ કરનારા સુંદરમને રેડ નોટિસને આધારે પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.

નિતિશ રાણેના ‘બુર્ખા બૅન’ વાળા નિવેદન પર પ્યારે ખાનનો વળતો જવાબ

મહારાષ્ટ્રના મંત્રી નિતેશ રાણે દ્વારા 10મા અને 12મા ધોરણની બોર્ડ પરીક્ષાઓ દરમિયાન બુરખા પહેરવા પર પ્રતિબંધ મૂકવા અંગે આપેલા નિવેદનને કારણે રાજ્યનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. નિતેશ રાણેએ આ મુદ્દા અંગે શાળા શિક્ષણ મંત્રી દાદા ભૂસેને પત્ર લખ્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે પરીક્ષા કેન્દ્રો પર બુરખો પહેરવાથી સુરક્ષા અને છેતરપિંડી સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.

નિતેશ રાણેએ કહ્યું કે ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષા આપતી છોકરીઓને બુરખો પહેરવાની મંજૂરી આપવી જોઈએ નહીં અને જો જરૂરી હોય તો, ચેકિંગ માટે મહિલા પોલીસ અધિકારીઓ અથવા મહિલા સ્ટાફની નિમણૂક કરવી જોઈએ. જો પરીક્ષાર્થીઓને બુરખો પહેરવાની મંજૂરી આપવામાં આવે, તો એ શોધવું મુશ્કેલ બનશે કે છેતરપિંડી માટે ઇલેક્ટ્રોનિક ઉપકરણો કે અન્ય માધ્યમોનો ઉપયોગ થઈ રહ્યો છે કે નહીં.

નિતેશ રાણેના આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા મહારાષ્ટ્ર લઘુમતી આયોગના અધ્યક્ષ પ્યારે ખાને કહ્યું કે આવા નિવેદનો સરકારની છબીને કલંકિત કરે છે. તેમણે રાણેને કહ્યું કે આવા બેજવાબદાર નિવેદનોથી બચવું જોઈએ. પ્યારે ખાને કહ્યું કે શિક્ષણ વિભાગમાં એવો કોઈ નિયમ કે કાયદો નથી કે તમારે આ કે તે પહેરીને આવવું જોઈએ. તેમણે કહ્યું કે જો કોઈના પોશાકમાં સમસ્યા હોય તો શીખ સમુદાય પણ પાઘડી પહેરે છે, જો એવું લાગે કે બુરખાને કારણે છેતરપિંડી થઈ શકે છે, તો સરકાર દ્વારા ત્યાં સ્કેનર્સ લગાવી શકાય છે, જે રીતે એરપોર્ટ પર વ્યવસ્થા છે. તેમણે કહ્યું કે કોઈપણ વ્યક્તિ કોઈપણ પ્રકારના કપડાં પહેરી શકે છે, તેમાં કોઈ મજબૂરી નથી.

RSS વડાના નિવેદનનો ઉલ્લેખ કર્યો

પ્યારે ખાને રાણેને એ પણ યાદ અપાવ્યું કે RSS વડા મોહન ભાગવતે તાજેતરમાં કહ્યું હતું કે હિન્દુ નેતા બનવા માટે મંદિર-મસ્જિદના મુદ્દા ઉઠાવવાને બદલે કામ કરવું પડશે. આ ટિપ્પણી કરતી વખતે પ્યારે ખાને રાણેને અરીસો બતાવ્યો અને કહ્યું કે ફક્ત ભાષણો આપવાથી વ્યક્તિ નેતા બનતો નથી, નેતા બનવા માટે કામ કરવું પડે છે.

મહારાષ્ટ્રના વિકાસ પર ભાર

પ્યારે ખાને કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં મહારાષ્ટ્ર વિકાસ તરફ આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું કે વડા પ્રધાન મોદીએ મુસ્લિમ સમુદાય માટે 15-મુદ્દાનો કાર્યક્રમ શરૂ કર્યો છે, જે સબકા સાથ, સબકા વિકાસ હેઠળ કામ કરી રહ્યો છે. ખાને એમ પણ કહ્યું કે મુસ્લિમ સમુદાય સમજી ગયો છે કે ખરેખર કયા પક્ષે વિકાસ કાર્ય કર્યું છે. રાણેના નિવેદન અંગે તેમણે કહ્યું કે આ પ્રકારનું નિવેદન સરકારને બદનામ કરવાનું કાવતરું છે, કેટલાક લોકોના નિવેદનોનો કોઈ પ્રભાવ પડવાનો નથી.

રાણેને આવા નિવેદનોથી દૂર રહેવા અપીલ

પ્યારે ખાને નિતેશ રાણેને અપીલ કરી કે તેઓ એવા નિવેદનો આપવાનું ટાળે જેનાથી બંને વચ્ચે અંતર વધે. તેમણે કહ્યું કે નિતેશ રાણેએ આવા બેજવાબદાર નિવેદનો ટાળવા જોઈએ, તે મહારાષ્ટ્રના વિકાસને શોભે નહીં. નિતેશ રાણે એક જવાબદાર પદ ધરાવે છે.