Home Blog Page 1219

ત્રણ વર્ષની બાળકી પર બળાત્કાર કરનારને આજીવન કેદની સજા

બનાસકાંઠાઃ બનાસકાંઠામાં ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. પાલનપુર સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. અમીરગઢમાં ત્રણ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો, જે બાદ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પાલનપુર સ્પેશિયલ કોર્ટે આરોપી મોતી ચૌહાણને આજીવન કેદ તેમ જ રૂ. 50,000નો દંડ ફટકાર્યો છે.

અમીરગઢ તાલુકાના કીડોતર ગામમાં ખેતી કરીને ગુજરાન ચલાવતા એક પરિવારની ત્રણ વર્ષની દીકરી બે વર્ષ અગાઉ ખેતરમાં રમતી હતી. તે જોઇને ખેમરાજિયા ગામના મોતી ચૌહાણ નામના શખસે બાળકી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. બાળકીએ બૂમાબૂમ કરતાં તેની માતા દોડી આવી હતી. તેને જોઈને આરોપી ફરાર થયો હતો. આ બનાવમાં બાળકીને ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી અને આરોપી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

જે કેસ પાલનપુર સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલની રજૂઆતો, આધાર પુરાવાને ધ્યાને લઇ પોક્સો કોર્ટમાં ન્યાયાધીશે દુષ્કર્મના આરોપી મોતી કેશા ચૌહાણને આજીવન કેદની સજા ફટકારી છે. જેમાં આરોપી દંડની રકમ ના ભરે તો વધુ એક વર્ષની કેદની સજા કરવામાં આવી છે.

 

ગુજરાતમાં શરૂ થશે ઠંડીનો રાઉન્ડ, જાણો હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં હાલ ઠંડીમાંથી આંશિક રાહત મળી છે. ત્યારે હવામાન વિભાગે ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થવાની આગાહી વ્યક્ત કરી છે. પૂર્વથી ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ઠંડીમાં વધારો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે ગત રોજ રાજયના મોટા ભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. જ્યારે નલિયામાં સૌથી ઓછું તાપમાન 7.2 ડિગ્રી નોંધાયું છે. મહત્વનું છે કે,રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને સર્ક્યુલેશનથી વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આ ઉપરાંત મોટાભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે ગઈકાલે અમદાવાદમાં 15.7 ડિગ્રી, ગાંધીનગરમાં 13.5 ડિગ્રી,ડીસા 14.1 ડિગ્રી,વલ્લભ વિદ્યાનગર 15.4 ડિગ્રી,વડોદરા 15.8 ડિગ્રી, સુરત 17.0 ડિગ્રી,ભુજ 12.6 ડિગ્રી ,કંડલા 12.6 ડિગ્રી,અમરેલી 15.2 ડિગ્રી, ભાવનગર 15.6 ડિગ્રી,દ્વારકા 16.3 ડિગ્રી,ઓખા 19.8 ડિગ્રી,પોરબંદર 14.3 ડિગ્રી,વેરાવળ 16.8 ડિગ્રી,રાજકોટ 11.2 ડિગ્રી,સુરેન્દ્રનગર 14.0 ડિગ્રી,મહુવા 14.9 ડિગ્રી , કેશોદ 11.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હાલ ગુજરાત પરથી વેસ્ટન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે જેના કારણે તેજ ગતિએ પવન ફૂંકાય રહ્યા છે. આવતીકાલ સુધી રાજયમાં વેસ્ટન ડિસ્ટર્બન્સની અસર રહેશે જેના કારણે ગુજરાતભરમાં ઠંડીનો માહોલ સાથે પવન 15 થી 20 કિમીની ઝડપે ફૂંકાશે. આ ઉપરાંત લઘુતમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે બે દિવસ બાદ ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે. જેને પગલે ઠંડીનો પારો 13 ડિગ્રી સુધી ગગડવાની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. ત્યારે હવામાન વિભાગે ગુરુવારથી ત્રણ દિવસ ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ અને કરા પડવાની પણ આગાહી આપી છે.

76માં પ્રજાસત્તાક દિને ગુજરાતના 11 પોલીસકર્મીઓને રાષ્ટ્રપતિ પદકથી સન્માન

પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ પદકની જાહેરાત કરવામાં આવી. આ અવસર પર પોલીસ, ફાયર, હોમ ગાર્ડ અને નાગરિક સુરક્ષા અને સુધાર સેવાઓના 942 કર્મચારીઓને વીરતા/ સેવા પદકથી સન્માનિત કરવામાં આવશે. ગુજરાતના 11 પોલીસ અધિકારીઓને 76માં પ્રજાસત્તાક દિવસ પર ચંદ્રક એનાયત કરાશે. પોલીસ કર્મીઓને શ્રેષ્ઠ કામગીરી બદલ ચંદ્રક આપી સન્માનિત કરાશે. તેમાં 95 જવાનોને વીરતા પદક, 101ને સ્પેશિયલ સર્વિસ માટે રાષ્ટ્રપતિ પદક, 746ને સરાહનીય સેવા માટે પદક આપવામાં આવશે. જેમાં ગુજરાતના 9 પોલીસ અધિકારી અને જવાનોને રાષ્ટ્રપતિ પદકથી સન્માનીત કરાશે.

પ્રજાસત્તાક દિને ગુજરાતના 11 પોલીસકર્મીઓને એવોર્ડથી સન્માનિત કરનારા નામોની યાદી જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત ગુજરાતને ગૌરવ અપાવનારા રાજકોટના CP બ્રજેશ કુમાર ઝા અને સ્ટેટ કંટ્રોલમાં ASP ડિ.પી.ચૂડાસમાને રાષ્ટ્રપતિ મેડલ એનાયત થશે. આ ઉપરાંત બોર્ડર રેન્જ આઇજી ચિરાગ કોરડીયા, IPS નિલેશ જાજડિયા, અશોક પાંડોર, કોન્સ્ટેબલ દેવદાસ બારડ, સુરેન્દ્રસિંહ યાદવ, હિરેન વરણવા,બાબુ પટેલ અને હેડ કોન્સ્ટેબલ મુકેશ નેગી તેમજ હેમાંગ મોદી સહિતના તમામ 9 પોલીસકર્મીને ચંદ્રકથી સન્માનિત કરાશે. આવતીકાલે 26 જાન્યુઆરીના રોજ 76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે. આ દિવસે શ્રેષ્ઠ કામગીરી કરનારા અને બહાદૂરી દાખવનારા નાગરિક તેમજ પોલીસકર્મી હોય કે પછી જવાન તમામનું ચંદ્રક આપી સન્માન કરવામાં આવે છે. પ્રજાસત્તાક દિવસે ગુજરાતના 9 પોલીસકર્મીઓને ચંદ્રકથી સન્માનિત કરાવનારા નામોની યાદી જાહેર થઈ ગઈ છે. જેમાં CPકક્ષાના 1,ASP હોદ્દો ધરાવનાર 1, IG કક્ષાના 1 અધિકારી, IPS કક્ષાના 2 અધિકારી, 4 કોન્સ્ટેબલ અને 2 હેડ કોન્સ્ટેબલનું સન્માન કરાશે.

અજમેર દરગાહમાં મંદિરનો દાવો કરનાર વિષ્ણુ ગુપ્તા પર ફાયરિંગ

નવી દિલ્હીઃ અજમેરની દરગાહમાં હિંદુ મંદિર વિવાદથી જોડાયેલા મામલામાં અરજીકર્તા અને હિન્દુ સેનાના અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તા પર ફાયરિંગ થયું છે. અહેવાલ છે કે તેમની કાર પર ગોળીબાર કરવામાં  આવ્યો હતો. વિષ્ણુ ગુપ્તાએ આરોપ લગાવ્યો છે કે બે બાઈકસવાર અજાણ્યા બદમાશોએ તેમની કાર પર ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં વિષ્ણુ ગુપ્તાને કોઈ ઈજા પહોંચી નથી. SP વંદિતા રાણા સહિત અધિકારીઓ ઘટનાની માહિતી મળતાં જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

ગુપ્તાએ કહ્યું હતું કે હું અજમેરથી દિલ્હી આવી રહ્યો હતો. એ દરમિયાન બાઇક પર સવાર બે શખસોએ તેમની કાર પર ગોળીબાર કર્યો. આ પછી આરોપીઓ ભાગી ગયા હતા. પોલીસ હુમલાખોરોની ઓળખ કરવા ઘટના સ્થળની આસપાસ લગાવેલા CCTV ફુટેજની તપાસ કરી રહી છે. FSLની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી છે, આ મામલાની તપાસ કરી રહી છે.

ગુપ્તાએ પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું  કે હું દિલ્હી તરફ જઈ રહ્યો હતો, ત્યારે બે બાઇકસવારોએ મારી કાર પર ગોળીબાર કરતાં મેં ડ્રાઇવરને કારની સ્પીડ વધારવા કહ્યું હતું. આ એક અજમેર દરગાહ કેસ ચલાવવાથી મને રોકવા માટે આ એક સુનિયોજિત કાવતરું છે. આ પહેલાં પણ મને કેસ પાછો ખેંચવાની ધમકીઓ મળી હતી, પણ હું ડરવાનો નથી.

અજમેરના પોલીસ અધિકારીએ જણાવ્યું કે તેમણે કાર પર ગોળીબાર થયાની ફરિયાદ નોંધાવી છે. અમે આ મામલાની તપાસ કરી રહ્યા છીએ. ગુપ્તાએ અજમેર દરગાહમાં હિંદુ મંદિર હોવાનો દાવો કર્યો હતો. તેમણે આ અંગે કોર્ટમાં અરજી પણ દાખલ કરી છે.

રાજકોટ ગ્રામ્ય SOGની મોટી કાર્યવાહી, બે બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાયા

રાજકોટ: પ્રજાસતક પર્વના એક દિવસ પૂર્વે રાજકોટ ગ્રામ્ય SOGએ બાંગ્લાદેશી ઘુસણખોરોને ઝડપી પાડ્યા છે. રાજકોટ ગ્રામ્ય SOG ટિમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન રંગપર ગામના પાટિયા નજીક મારુતિ સોસાયટીમાં રહેતા બે બાંગ્લાદેશી ઘુસણખોરોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આ બન્ને શખ્સોની પુછપરછ કરી ક્યાં કારણોસર કેવી રીતે ક્યાં ઈરાદાથી અહીં આવ્યા છે તે અંગે પુછપરછ હાથ ધરી તેના પર નજર રાખવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે પકડાયેલ બન્ને બાંગ્લાદેશી શખ્સો કોઈ પણ પ્રકારના આધારપુરાવા વગર ભારતમાં ગુજરાતની અંદર ઘુસી રાજકોટ જિલ્લામાં રહેતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે પોલીસને બાતમી મળી હતી કે રંગપર પાટીયા નજીક બે બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહ્યાં છે. પોલીસે આ બન્ને આરોપીઓની અટકાયત કરી પૂછપરછ કરી પરંતુ તેઓ સંતોષકારક જવાબ આપી શકયા ન હતા જેના કારણે પોલીસે તેમની ધરપકડ કરી છે. રંગપર પાટીયા નજીકથી બન્ને બાંગ્લાદેશીને ઝડપી પાડયા છે અને તેઓ રંગપર નજીક આવેલી મારૂતિ સોસાયટીના બ્લોક નંબર-૩માં રહેતા હતા અને અહીયાં છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા. સમગ્ર ઘટનામાં પોલીસે તપાસ હાથધરી છે. જે ઘરમાં રહેતા હતા તે ઘરના માલિકની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. આરોપીઓ કઈ બોર્ડરથી અને કયા એજન્ટો મારફતે તેઓ ભારતની બોર્ડર સુધી પ્રવેશ્યા તેને લઈ તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે SOGએ આરોપી સોહિલ હુસેન અને રીપોન હુસેનને ઝડપી પાડયા છે. આ અગાઉ સુરતમાં હિંદુ નામ ધારણ કરીને અને ખોટા ડોકયુમેન્ટ બનાવીને રહેતો બાંગ્લાદેશી આરોપી સુરત એસઓજીએ ઝડપી પાડયો છે,આરોપી મુસીબુલ ઉર્ફે રાજ ઉર્ફે પ્રદિપ મકબુલ શેખની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથધરી છે,આરોપી પાસેથી બે અલગ અલગ નામવાળા ભારતીય આધાર કાર્ડ મળ્યા છે જેના આધારે પોલીસે તપાસ હાથધરી છે.

ગેરકાયદે પ્રવાસીઓને પરત મોકલી રહ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પ

વોશિંગ્ટનઃ અમેરિકામાં ગેરકાયદે પ્રવાસીઓને કાઢી મૂકવાનું સૌથી મોટું અભિયાન શરૂ થઈ ચૂક્યું છે. 47મા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચાર્જ સંભાળ્યાના ચાર દિવસની અંદર દેશના સૈન્ય વિમાનોનો ઉપયોગ કરતાં ગેરકાયદે પ્રવાસીઓને ડિપોર્ટ કરવાનું શરૂ કરી દીધું છે.

અમેરિકાની ચૂંટણીમાં તેમણે સત્તા પર આવતાં જ ગેરકાયદે વસાહતીઓને સામૂહિક રીતે દેશમાંથી તગેડી મૂકવાનું અમેરિકન નાગરિકોને વચન આપ્યું હતું. આ વચનનો અમલ શરૂ થઈ ગયો છે.વ્હાઈટ હાઉસનાં પ્રેસ સચિવ કેરોલિન લેવિટે કહ્યું હતું કે ઈતિહાસનું સૌથી મોટું ડિપોર્ટેશન અભિયાન શરૂ થઈ ગયું છે. વ્હાઈટ હાઉસે કહ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પનો સામૂહિક હકાલપટ્ટી કાર્યક્રમ તેમના પદ સંભાળ્યાના બે દિવસ પછી જ શરૂ થઈ ગયો છે. વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ કેરોલિન લેવિટ્ટે ગુરુવારે કહ્યું હતું કે અમેરિકન અધિકારીઓએ ૫૩૮ ગેરકાયદે પ્રવાસીઓની ધરપકડ કરી છે અને તેમાંથી અનેકને અમેરિકન સૈન્ય વિમાનમાં જ તેમના વતનમા તગેડી મૂકવામાં આવ્યા છે.

તેમણે કહ્યું હતું કે  ટ્રમ્પ તંત્રે જે ગેરકાયદે વસાહતી ગુનેગારોની ધરપકડ કરી છે, જેમાં એક શકમંદ આતંકવાદી, ટ્રેન ડી અરાગુઆ ગેંગના ચાર સભ્ય અને સગીરો વિરુદ્ધ જઘન્ય જાતીય ગુનાઓના દોષિત સહિત અનેક ગેરકાયદે ગુનેગારોનો સમાવેશ થાય છે. કેટલાક ગેરકાયદે વસાહતીઓ સગીરો સામે સેક્સ ગુનામાં સંડોવાયેલા છે.

 તેમણે કહ્યું હતું કે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાને મજબૂત અને એકદમ સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે તમે અમેરિકામાં ગેરકાયદે રીતે પ્રવેશ કરશો તો ગંભીર પરિણામો ભોગવવાં પડશે. વધુમાં ટ્રમ્પે બુધવારે અમેરિકા-મેક્સિકોની સરહદ સીલ કરવા અને કાયમી કાયદાકીય દરજ્જો ધરાવતા ના હોય તેવા લાખો ગેરકાયદે વસાહતીઓની હકાલપટ્ટીના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર પણ હસ્તાક્ષર કર્યા હતા.

સુખાસન મુદ્રા: પલાંઠી વાળીને જમવાના ફાયદા સમજવા જેવા છે

ભારતીય પરંપરા આંતરરાષ્ટ્રીય સ્તરે હંમેશાં આકર્ષણનું કેન્દ્ર રહી છે. એ આપણી ધાર્મિક પરંપરા હોય કે પછી આપણી આહારપદ્ધતિ. પ્રયાગરાજમાં મહા કુંભમેળાની શરૂઆત થઈ ગઈ છે, જે આધ્યાત્મિક રીતે હિંદુઓ માટેનો ઉત્સવ છે. જો કે હિંદુઓ ઉપરાંત અનેક દેશમાંથી ઘણા બિન-હિંદુ મહેમાનો પણ કુંભમાં ભાગ લેવા આવ્યા છે. પાછલાં કેટલાંક વર્ષોમાં ભારતીય પરંપરાથી અનેક વિદેશી-વિધર્મીઓ પણ આકર્ષાઈ રહ્યા છે.

આહાર એટલે કે આપણી ખાણી-પીણીની વાત કરીએ તો, ભારતીય ભોજનપદ્ધતિ પણ અન્યથી અલગ જ તરી આવે એવી છે, જેમાં પ્રથાની સાથે વિજ્ઞાન પણ સંકળાયેલું છે, પરંતુ અત્યારે આપણે એને ભૂલી રહ્યાં છીએ.

એક સમયે, જ્યારે ડાઈનિંગ ટેબલ નહોતાં ત્યારે ઘરના તમામ સભ્યો નીચે જમીન પર પલાંઠી વાળીને બેસીને જમતા. મહેમાન આવે ત્યારે પણ એમને આસન પર બેસાડી, પાટલા પર થાળી મૂકીને જમાડવામાં આવતા. અત્યારે કોઈ પ્રસંગોપાત લંચ કે ડિનર હોય તો એમાં બુફે જ રાખવામાં આવે છે. અલબત્ત, હજી અમુક ઘરોમાં ડાઈનિંગ ટેબલ હોવા છતાં નીચે બેસીને જમવાની આદત છે. આ આદત અથવા તો આપણી ભારતીય ભોજનપદ્ધતિ કેટલી ફાયદેમંદ છે એનો આપણને ભાગ્યે જ ખયાલ હશે.

ભારતીય ભોજનપદ્ધતિ એટલે કે નીચે બેસી, પલાંઠી મારીને જમવું. પલાંઠી વાળીને બેસવાને યોગની ભાષામાં સુખાસન મુદ્રા  કહેવામાં આવે છે. ઘણાં સંશોધનમાં બહાર આવ્યું છે કે સુખાસન મુદ્રામાં બેસીને જમવાથી પાચનશક્તિ સુધરે છે. પગ વાળીને બેસવાથી તમારા પેટનો ભાગ સીધો રહે છે. એ પછી જેટલી વાર માણસ કોળિયો લેવા નીચે નમે ત્યારે પાચનને લગતા સ્નાયુઓ કાર્યરત થાય છે અને એનાથી ખોરાક પચાવવામાં મદદ મળે છે.

નીચે બેસીને ભોજન ગ્રહણ કરવા સમયે માણસનું મન કુદરતી રીતે શાંત બને છે અને એનું ધ્યાન આહાર પર કેન્દ્રિત થાય છે. મન શાંત હોય તો ભોજનની વિવિધ સામગ્રી સ્વીકારવા માટે તમારું શરીર તૈયાર થાય છે. એનાથી પાચનમાં પણ મદદ મળે છે. વળી, ચમચી-કાંટાને બદલે હાથથી જમીએ તો ખાદ્ય પદાર્થોની સુગંધ અને એનો સ્પર્શ પણ આવકાર્ય બને છે.

ઘરના સભ્યો જેટલી ચૅર અગર ડાઈનિંગ ટેબલ સાથે ન હોય તો એવા સમયે વારાફરતી જમવા બેસવું પડે છે. સુખાસનમાં પરિવારના દરેક મેમ્બર એકસાથે નીચે બેસી જમી શકે છે. એનાથી ઘરના સભ્યો વચ્ચે આત્મીયતા વિકસે છે.

ફિઝિકલ સ્ટ્રક્ચર સુધારવા માટે પણ સુખાસન ઉપકારક છે, કારણ કે શરીરનો સારો બાંધો એ ફક્ત સારા દેખાવ માટે નહીં, પરંતુ ભવિષ્યમાં થતા સ્નાયુઓના દુખાવાને રોકવા માટે પણ જરૂરી છે. જ્યારે તમે નીચે, જમીન પર બેસો છો ત્યારે તમારું શરીર જાતે જ એને અનુરૂપ સ્થિતિમાં આવી જાય છે. કમર સીધી થઈ જાય છે અને ખભાનો ભાગ થોડો પાછળના ભાગ તરફ જાય છે અને વ્યવસ્થિત બને છે.

લાંબું જીવન જીવવા માટે પણ નીચે બેસવું લાભદાયી છે… આ શબ્દો કદાચ વધુપડતા લાગતા હશે, પરંતુ યુરોપિયન જરનલ ઑફ કાર્ડિયોલૉજીના એક અભ્યાસ મુજબ પદ્માસન અથવા સુખાસનમાં બેઠા બાદ કોઈ પણ ટેકા વગર અગર ઊભા થઈ શકાય તો તમારું શરીર ફ્લેક્સિબલ છે એવું ગણી શકાય. આ અભ્યાસના તારણ મુજબ આવી ફ્લેક્સિબિલિટીવાળી વ્યક્તિ બીજા લોકો કરતાં લાંબું આયુષ્ય ભોગવી શકે છે.

યોગા ફૉર હીલિંગ  નામની બુકના લેખક પી.એસ. વેન્કટેશ્ર્વરના જણાવ્યા મુજબ, સુખાસન અથવા તો પદ્માસન આખા શરીર માટે ફાયદાકારક છે. નીચે બેસીને ઊભા થવાની પ્રક્રિયા દ્વારા તમારા સાંધાને અને સ્નાયુને કસરત મળે છે, જેની મદદથી ભવિષ્યમાં ડિજનરેટિવ ડિસીઝ (જેવા કે આર્થરાઈટિસ અને ઑસ્ટિયોપોરોસિસ) થવાની શક્યતા ઘટે છે.

તમે કદાચ એક વાત ધ્યાનમાં લીધી હશે કે જ્યારે ભોજન ગ્રહણ કરવામાં આવે ત્યારે તમે થોડા હૂંફાળા બનો છો અથવા તો શરીર ગરમ થાય છે. એનું કારણ એ છે કે આહાર લઈએ ત્યારે પેટને ડાઈજેશન માટે શક્તિ એટલે કે ઊર્જાની જરૂર પડે છે. પાચન માટે એક મહત્ત્વનું પાસું રક્ત પરિભ્રમણ છે. જ્યારે તમે જમો છો ત્યારે હૃદયને પણ ભાર આવે છે, કારણ કે પાચન માટે રક્ત પરિભ્રમણ વધારવું પડે છે. આ પરિભ્રમણ તમે ખુરસી પર બેઠા છો તો પગ સુધી પહોંચતાં વધુ સ્ટ્રેસ લાગે છે. જ્યારે પગ (પલાંઠી) વાળીને બેસવામાં આવે તો રક્ત પરિભ્રમણ પણ સહેલાઈથી થઈ શકે છે. આમ હૃદયનો ભાર હળવો કરવા માટે પણ નીચે બેસીને જમવું હિતાવહ છે.

ઔર એક મહત્ત્વની વાત: સુખાસન તમને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)

 

‘સાથિયા’ થી સોનૂને મોટા એવોર્ડ મળવાની શરૂઆત થઈ

સોનૂ નિગમની કારકિર્દી માટે ફિલ્મ ‘સાથિયા’ (2002) બહુ મહત્વની બની રહી હતી. આ ફિલ્મમાં સોનૂએ એક જ ગીત ગાયું હતું પણ એ પહેલો મોટો એવોર્ડ અપાવી ગયું હતું. પોતાની નિર્દેશક તરીકેની તમિલ ફિલ્મ ‘અલાઈપાયુથે’ (2000) ને મણિરત્નમે યશ ચોપડા અને બોબી બેદી સાથે મળીને હિન્દીમાં બનાવવાનું નક્કી કર્યું ત્યારે નિર્દેશન જાતે કરવાને બદલે નવા શાદ અલીને પસંદ કર્યા હતા. ફિલ્મના સંગીતકાર તરીકે એ.આર. રહેમાનને જ લીધા હતા અને રહેમાને ‘અલાઈપાયુથે’ ના નવમાંથી સાત ગીત એના એ જ રાખ્યા હતા.

ફિલ્મના બધા જ ગીતો ગુલઝારે લખ્યા હતા. જેમાં ટાઇટલ ગીત ‘સાથિયા’ સૌથી વધુ લોકપ્રિય રહ્યું હતું. આ ગીત માટે ગીતકાર ગુલઝારે સોનૂને પોતાના ઘરે બોલાવ્યો હતો અને એના વિષે વાત કરતાં પહેલા એક પુસ્તક ભેટમાં આપ્યું હતું. પછી કહ્યું હતું કે મૂળ તમિલ ગીત ‘સાખિયા’ ને હિન્દીમાં લખવામાં આવ્યું છે અને એ તારે ગાવાનું છે. એ બહુ મુશ્કેલ ગીત છે. ગુલઝારે સોનૂને પહેલાં એ પૂછ્યું હતું કે તું કેવી રીતે એને ગાવાનો છે. પછી તેમણે કયા શબ્દ ક્યાં મૂકવાના છે એની ચર્ચા કરી હતી. સોનૂએ ગીતની ધૂન સાંભળી પછી એમના શબ્દોને ગાઈને કેટલાક શબ્દોને નાના-મોટા કરવા ચર્ચા કરી હતી.

ગીતના રેકોર્ડિંગ વખતે ગુલઝાર હાજર રહી શકે એમ ન હતા. ગીત ધૂન પર બરાબર બંધબેસતું છે અને રેકોર્ડિંગ વખતે એમાં કોઈ ફેરફારની જરૂર ના પડે એ માટે તૈયારી કરવા ગુલઝારે સોનૂને ઘરે બોલાવ્યો હતો. સોનૂએ ‘અલાઈપાયુથે’ માટે હરિહરને ગાયેલું તમિલ ‘સાખિયા’ સાંભળ્યું હતું પણ હિન્દી ‘સાથિયા’ પોતાની રીતે ગાયું હતું. સોનૂએ આખી ફિલ્મમાં માત્ર આ એક જ ગીત ગાયું હતું પણ એના કારણે જ 12 વર્ષ પછી કોઈ મોટો એવોર્ડ મળ્યો હતો.

વર્ષોથી સોનૂએ એવોર્ડ મળવાની આશા જ છોડી દીધી હતી. ફિલ્મોમાં પ્રથમ ગીતનો એવોર્ડ તો મળ્યો જ ન હતો પણ સંદેશે આતે હૈ, યે દિલ, સતરંગી રે, મેરા રંગ દે બસંતી ચોલા વગેરે અનેક લોકપ્રિય ગીતો માટે એવોર્ડ મળ્યા ન હોવાથી હવે એવોર્ડ મળવાનો નથી એવું માની લીધું હતું. તેથી બહુ અફસોસ થતો ન હતો. તે માનતો હતો કે એવોર્ડ એક ભેટ છે. ના મળે તો ગુસ્સે થવાની જરૂર નથી. મુંબઇ આવ્યા પછી સોનૂના અનેક ગીતોનું મોટા એવોર્ડ માટે નામાંકન જરૂર થતું રહેતું હતું પણ ‘સાથિયા’ માટે સૌથી પહેલો ‘ફિલ્મફેર’ અને ‘આઈફા’ નો શ્રેષ્ઠ પાર્શ્વગાયકનો એવોર્ડ મળ્યો હતો.

 

TRAIના આદેશ પછી, ટેલિકોમ કંપનીઓએ આ સસ્તા પ્લાન કર્યા લોન્ચ!

નવી દિલ્હી: ગયા મહિને, TRAI એ ટેલિકોમ ઓપરેટરોને ફક્ત કોલિંગ અને SMS પર કેન્દ્રિત રિચાર્જ પ્લાન શરૂ કરવા કહ્યું હતું. ઓથોરિટીના આદેશ પછી, ટેલિકોમ કંપનીઓએ આખરે ફક્ત કોલિંગ અને એસ.એમ.એસ. સાથેના પ્લાન લોન્ચ કર્યા છે. આ યોજનાઓમાં તમને ડેટા લાભ મળશે નહીં.જો તમને ફક્ત કોલિંગ અને SMS માટે રિચાર્જની જરૂર હોય, તો કંપનીઓએ તમને સસ્તા વિકલ્પો આપ્યા છે. Jio, Airtel અને Vi ત્રણેયે તમારા માટે સસ્તા પ્લાન લોન્ચ કર્યા છે. ચાલો જાણીએ આ ટેલિકોમ કંપનીઓના સસ્તા પ્લાનની વિગતો.Jio એ બે રિચાર્જ પ્લાન ઉમેર્યા છે. આમાંથી એક 84 દિવસની માન્યતા સાથે આવે છે, જ્યારે બીજાની માન્યતા એક વર્ષ એટલે કે 365 દિવસની હશે. કંપનીનો પહેલો પ્લાન 458 રૂપિયામાં આવે છે. આમાં તમને ૮૪ દિવસની સેવા મળશે, જેમાં તમને અનલિમિટેડ કોલ્સ અને SMS મળશે. બીજો પ્લાન 1958 રૂપિયાનો છે. આમાં તમને એક વર્ષ એટલે કે 365 દિવસ માટે અનલિમિટેડ કોલિંગ અને 3600 SMS મળશે. બંને પ્લાનમાં તમને ડેટા મળશે નહીં. ધ્યાનમાં રાખો કે કંપનીએ સસ્તા મૂલ્યના પ્લાન દૂર કર્યા છે.

એરટેલે ચાર નવા પ્લાન રજૂ કર્યા છે, જેમાંથી બે ફક્ત કોલિંગ અને SMS માટે છે. જ્યારે અન્ય બે ડેટા સાથે આવે છે. 499 રૂપિયાના પ્લાનમાં, કંપની 84 દિવસની માન્યતા સાથે અનલિમિટેડ કોલિંગ અને 900 SMS આપી રહી છે. 548 રૂપિયામાં, તમને 84 દિવસ માટે અનલિમિટેડ કોલિંગ, 900 SMS અને 7 GB ડેટા મળશે.1959 રૂપિયાના પ્લાનમાં, યુઝર્સને 365 દિવસની વેલિડિટી માટે અનલિમિટેડ કોલિંગ અને 3600 SMS મળે છે. 2249 રૂપિયાના પ્લાનમાં, કંપની 30 જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ અને 3600 એસ.એમ.એસ. આપે છે. આ પ્લાન 365 દિવસ એટલે કે એક વર્ષની વેલિડિટી સાથે આવે છે.VA ફક્ત એક જ પ્લાન લોન્ચ કર્યો છે. કંપનીએ 1460 રૂપિયાનો રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો છે, જે 270 દિવસની વેલિડિટી સાથે આવે છે. એટલે કે તમને આમાં લગભગ 9 મહિનાની વેલિડિટી મળશે. આ સમયગાળા દરમિયાન તમે અનલિમિટેડ કોલ અને 100 SMS કરી શકશો.

ઘૂસણખોરી રોકવા મેક્સિકન સરહદ પર 1500 સૈનિકો, ટેન્ક અને હેલિકોપ્ટર તૈનાત

અમેરિકા: ટ્રમ્પ સરકારે ગેરકાયદેસર ઇમિગ્રેશનને રોકવા માટે મેક્સિકો સાથેની તેની દક્ષિણ સરહદ પર 1500 સૈનિકો તૈનાત કર્યા છે. આમાં 500 મરીન કોર્પ્સ સાથે 1000 સૈનિકોનો સમાવેશ થાય છે. વ્હાઇટ હાઉસે ટ્વિટર પર આનો એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં અમેરિકન ટેન્ક, હેલિકોપ્ટર અને સેનાના જવાનો સરહદ પર પહોંચતા જોઈ શકાય છે. આ સાથે, x પોસ્ટમાં લખ્યું છે કે, “યુએસ મરીન કોર્પ્સ સી.બી.પી. (કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શન)ને સરહદ પર અમેરિકાનું રક્ષણ કરવાના તેમના મિશનમાં મદદ કરી રહી છે.” અને “જે વચન આપ્યું, તે વચન પાળ્યું.”

યુએસ સંરક્ષણ મંત્રાલયે 22 જાન્યુઆરીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યાના 36 કલાકની અંદર, 500 મરીન કોર્પ્સ અને 1000 સૈનિકોને દક્ષિણ સરહદ પર મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શપથ ગ્રહણ પછીના પોતાના પહેલા સંબોધનમાં, રાષ્ટ્રપતિ ટ્રમ્પે મેક્સિકો સાથેની સરહદ પર કટોકટીની જાહેરાત કરી. તેમણે તાત્કાલિક સરહદ પર સેના મોકલવાનો આદેશ જારી કર્યો હતો.

1,000 સૈનિકો અને 500 મરીન સરહદ પર પહોંચ્યા

સંરક્ષણ વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સૈનિકોમાં 1,000 સૈનિકો અને 500 મરીનનો સમાવેશ થાય છે જેઓ બે અઠવાડિયા પહેલા લોસ એન્જલસ કાઉન્ટીમાં લાગેલી જંગલની આગ સામે લડવામાં શક્ય સહાય માટે દક્ષિણ કેલિફોર્નિયામાં સ્ટેન્ડબાય પર હતા. મેક્સિકોની સરહદ પર 2500 અમેરિકન સૈનિકો પહેલાથી જ તૈનાત છે. હવે, 1500 સૈનિકોના ઉમેરા પછી, 60 ટકાનો વધારો થયો છે.5,000થી વધુ લોકોને દેશ નિકાલ કરવાની તૈયારીઓ

યુ.એસ. ડિફેન્સ ડિપાર્ટમેન્ટે તેના નિવેદનમાં કહ્યું હતું કે સક્રિય ગ્રાઉન્ડ ફોર્સ ઉપરાંત, ડિફેન્સ ડિપાર્ટમેન્ટ યુએસ શહેરો સાન ડિએગો અને એલના સરહદી વિસ્તારોમાં કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શન (ફોર્સ) દ્વારા અટકાયતમાં લેવામાં આવેલા 5000થી વધુ લોકોને દેશ નિકાલ કરવા માટે કામ કરી રહ્યું છે. પાસો, ટેક્સાસ તે આ માટે એરલિફ્ટ સુવિધા પણ પૂરી પાડશે. અહેવાલો અનુસાર, 538 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ ગુનેગારોને પણ દેશનિકાલ કરવામાં આવ્યા છે.

સી-130 હર્ક્યુલસ અને સી-17 ગ્લોબમાસ્ટર પણ સરહદ પર તૈનાત

સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, બે C-130 હર્ક્યુલસ અને બે C-17 ગ્લોબમાસ્ટર એરક્રાફ્ટ, UH-72 લાકોટા લશ્કરી હેલિકોપ્ટર હાલમાં મેક્સિકન સરહદ પર મોકલવામાં આવ્યા છે. વધુમાં, સરહદ પર ગુપ્તચર સુવિધાઓ વધારી દેવામાં આવી છે જેથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને ઓળખી શકાય અને તેમને દેશનિકાલ કરી શકાય.