સાબરકાંઠા: સમગ્ર ગુજરાતમાં જેમના સેવાના કાર્યોની ગુંજ સંભળાતી હતી, તેવા પદ્મશ્રી એવોર્ડ વિજેતા સુરેશભાઈ ઠક્કરનું આજે હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું. હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના અવસાનથી સેવા જગતમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.નિસ્વાર્થ સેવાનું જીવન
સુરેશભાઈ ઠક્કરે સંપૂર્ણ જીવન કુષ્ઠરોગીઓ અને સમાજના જરૂરિયાતમંદ લોકો માટે સમર્પિત કર્યુ હતું. ‘સહયોગ કુષ્ઠ ટ્રસ્ટ’ના માધ્યમથી તેમણે હજારો દર્દીઓની સેવા કરી નવું જીવન આપ્યું હતું. વર્ષો સુધી ચાલેલી તેમની આ અવિરત સેવાને ધ્યાને રાખીને જ ભારત સરકાર દ્વારા વર્ષ 2025માં તેમને ‘પદ્મશ્રી’ એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
અંતિમ વિદાય
આજે સુરેશભાઈની અંતિમ વિધિ યોજાશે, જેમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો તેમને શ્રદ્ધાંજલિ આપવા જોડાશે. સેવા અને સંવેદનાનો જે સ્તંભ આજે તૂટી પડ્યો છે, તેની ખોટ લાંબા સમય સુધી વર્તાશે.
Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.
બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 91.78% અને તમિલનાડુમાં 84.35% જેટલું ઐતિહાસિક મતદાન થયું છે. બંગાળમાં કૂચ બિહાર અને દક્ષિણ દિનાજપુર જેવા જિલ્લાઓમાં મતદાનનો આંકડો 92% ને પાર કરી ગયો છે. જોકે, આ ઉત્સાહની વચ્ચે બંગાળના અનેક વિસ્તારોમાં હિંસક અથડામણો, EVM માં ગેરરીતિના આક્ષેપો અને સુરક્ષા દળો પર હુમલાની ઘટનાઓ પણ સામે આવી છે. હવે બીજા તબક્કાનું મતદાન 29 April ના રોજ યોજાશે અને પરિણામ 4 May ના રોજ જાહેર થશે.
બંગાળના વિવિધ જિલ્લાઓના આંકડા જોઈએ તો કૂચ બિહારમાં 92% થી વધુ, જલપાઈગુડીમાં 91% થી વધુ અને દક્ષિણ દિનાજપુરમાં સૌથી વધુ 93% રેકોર્ડબ્રેક મતદાન નોંધાયું છે. અલીપુરદ્વાર અને ઉત્તર દિનાજપુરમાં પણ આંકડો 88% થી 90% ની વચ્ચે રહ્યો છે. દાર્જિલિંગ અને કલિમ્પપોંગ જેવા પહાડી વિસ્તારોમાં પણ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. બંગાળની સાથે જ ગુજરાતની ઉમરેઠ અને મહારાષ્ટ્રની બારામતી તથા રાહુરી બેઠકો પર પેટાચૂંટણી માટેનું મતદાન પણ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું છે.
જોકે, રેકોર્ડબ્રેક મતદાનની વચ્ચે હિંસાના સમાચારોએ બંગાળની ચૂંટણી પર સવાલો ઉભા કર્યા છે. બીરભૂમના ખૈરાશોલમાં ભારે અશાંતિ જોવા મળી હતી, જ્યાં કેન્દ્રીય સુરક્ષા દળો સાથે ગ્રામીણોની અથડામણ થઈ હતી અને વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. દુબરાજપુરના બુધપુર ગામમાં તો એવો ગંભીર આક્ષેપ પણ લાગ્યો કે EVM માં ચોક્કસ પક્ષનું બટન દબાવવા છતાં મત બીજા પક્ષને જતો હતો. આ ગેરરીતિના વિરોધમાં સ્થાનિકોએ લાંબા સમય સુધી મતદાન રોકીને પ્રદર્શન કર્યું હતું. અનેક જગ્યાએ ભાજપના નેતાઓ પર હુમલાના સમાચાર પણ મળ્યા છે.
આ બમ્પર વોટિંગ બાદ રાજકીય પક્ષો પોતપોતાની જીતના દાવા કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આટલા મોટા મતદાનને ભાજપની પ્રચંડ જીતનો સંકેત ગણાવ્યો છે, જ્યારે મમતા બેનર્જીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે બંગાળમાં ફરી એકવાર TMC ની સરકાર બનશે. આ દરમિયાન ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ ‘બદલો લેવા’ ની વાત કરી પરોક્ષ રીતે 2021 ની ઘટનાઓનો ઉલ્લેખ કર્યો અને રાજ્યમાં પરિવર્તનની હવા હોવાનો દાવો કર્યો છે.
બીજી તરફ તમિલનાડુમાં પણ લોકશાહીનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. રાજ્યની તમામ 234 બેઠકો પર એકસાથે મતદાન યોજાયું હતું. ભીષણ ગરમી અને લાંબી કતારો હોવા છતાં સામાન્ય નાગરિકોથી લઈને ઉદ્યોગપતિઓ અને ફિલ્મ સ્ટાર્સ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા મતદાન મથકો પર પહોંચ્યા હતા. તમિલનાડુના ઇતિહાસમાં પ્રથમવાર આટલું મોટું મતદાન થયું છે. હવે બંગાળમાં બીજા તબક્કા માટે 29 April ના રોજ વોટિંગ થશે, જેમાં 1448 ઉમેદવારોનું ભવિષ્ય ઈવીએમમાં કેદ થશે. ચૂંટણીના અંતિમ પરિણામો 4 May ના રોજ જાહેર કરવામાં આવશે.
આણંદ: ઉમરેઠ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે ગુરૂવાર મતદાન યોજાયું હતું. કેન્દ્રીય ચૂંટણી પંચની એક નવી પહેલના ભાગ રૂપે, મતદાન મથકના પ્રિસાઇડિંગ અધિકારીઓ દ્વારા ECINET એપ પર મતદાન ડેટા અપલોડ કરવામાં આવ્યો છે. સાંજે ૭:00 વાગ્યા સુધી અપલોડ કરાયેલા ડેટા મુજબ ૧૧૧-ઉમરેઠ બેઠક માટે સાંજે પાંચ વાગ્યા સુધીમાં અંદાજિત ૫૪.૪૩% મતદાન નોંધાયું છે.
પેટાચૂંટણીમાં ઉમરેઠ તાલુકો અને આણંદ ગ્રામ્ય વિસ્તારના મળીને કુલ ૪૬ ગામોનો સમાવેશ થાય છે. ૦૩ નગરપાલિકાઓ ઓડ, ઉમરેઠ અને બોરીયાવીનો સમાવેશ થાય છે. આ પેટાચૂંટણીમાં કુલ ૦૬ હરીફ ઉમેદવારો મેદાને હતા. ૧૧૧- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં ૧,૨૬,૫૪૫ પુરુષ મતદારો, ૧,૧૯,૦૭૨ મહિલા મતદારો અને અન્ય ૦૬ મતદારો મળીને કુલ ૨,૪૫,૬૨૩ મતદારો નોંધાયા છે.
શહેરી વિસ્તારમાં ૬૮ મતદાન મથકો અને ગ્રામ્ય વિસ્તારમાં ૨૩૮ મતદાન મથકો મળી કુલ ૩૦૬ મતદાન મથકો સજ્જ કરવામાં આવ્યા હતા. આ મતદાન મથકો પૈકી 0૧ મતદાન મથક દિવ્યાંગો દ્વારા સંચાલિત, ૦૨ યુવાઓ દ્વારા સંચાલિત તથા ૦૨ મહિલાઓ દ્વારા સંચાલિત મતદાન મથકો હતા. જ્યારે ૦૫ આદર્શ મતદાન મથક પણ તૈયાર કરવામાં આવ્યા હતા.
અમદાવાદ: ભારત અને જર્મની વચ્ચેના રાજદ્વારી સંબંધોના 75 વર્ષની ઉજવણી કરી. ફેડરલ રિપબ્લિક ઓફ જર્મનીએ અભય કમલ મંગળદાસની ‘ઓનરરી કોન્સ્યુલ’ (માનદ કોન્સ્યુલ) તરીકે નિમણૂક કરી. આ નિમણૂક પશ્ચિમ ભારતના આર્થિક હબ ગણાતા ગુજરાત સાથે જર્મનીના રાજદ્વારી, આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જવાના સંકલ્પને દર્શાવે છે.ગુજરાતમાં જર્મનીનું પ્રતિનિધિત્વ
માનદ કોન્સ્યુલ તરીકે અભય મંગળદાસ જર્મન અને ભારતીય સંસ્થાઓ વચ્ચે ગાઢ સહકાર સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ ઉપરાંત, તેઓ ગુજરાતમાં રહેતા અથવા મુલાકાતે આવતા જર્મન નાગરિકોને પસંદગીની કોન્સ્યુલર સેવાઓમાં પણ સહાય પૂરી પાડશે.
ઉદ્યોગ અને શિક્ષણ ક્ષેત્રે નવી તકો
ભારતમાં જર્મનીના રાજદૂત ડૉ. ફિલિપ એકરમેને આ નિમણૂક અંગે જણાવ્યું કે, “અભય મંગળદાસની નિમણૂકથી ઉદ્યોગ, નવીનતા (ઇનોવેશન), શિક્ષણ, રિન્યુએબલ એનર્જી અને ટકાઉ વિકાસ જેવા મુખ્ય ક્ષેત્રોમાં જર્મની અને ગુજરાત વચ્ચેનો સહયોગ નોંધપાત્ર રીતે વધશે.”
મુંબઈ સ્થિત જર્મનીના કોન્સ્યુલ જનરલ ક્રિસ્ટોફ હેલિયરે ઉમેર્યું કે, અમદાવાદમાં માનદ કોન્સ્યુલની નિમણૂક એ આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતના વધતા મહત્વનું પ્રતીક છે.
અભય મંગળદાસની પ્રતિક્રિયા
નિમણૂક અંગે આનંદ વ્યક્ત કરતા અભય મંગળદાસે જણાવ્યું કે, “અમદાવાદમાં જર્મનીના માનદ કોન્સ્યુલ તરીકે સેવા આપવી એ મારા માટે ગૌરવની વાત છે. હું ભારત અને જર્મની વચ્ચેના સંબંધોને મજબૂત કરવા અને ખાસ કરીને વેપાર તેમજ સંસ્કૃતિના ક્ષેત્રમાં નવી પહેલોને ટેકો આપવા માટે ઉત્સુક છું.”
અભય મંગળદાસ વ્યવસાયિક ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે અને સ્થાનિક સમુદાય સાથે તેમનું ઊંડું જોડાણ જર્મની-ગુજરાત વચ્ચેના સેતુ તરીકે અસરકારક સાબિત થશે.
નવી દિલ્હીઃ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીનો એક વિડિયો જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ પશ્ચિમ બંગાળમાં ભાજપના પ્રદર્શન વિશે વાત કરે છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં ભાજપનો ઉદય મુખ્ય મંત્રી મમતા બેનર્જીની આગેવાની હેઠળની TMC સરકારની શાસન-પ્રશાસનની નિષ્ફળતાઓને કારણે થયો છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે જો મુખ્ય મંત્રી મમતા બેનર્જીએ સ્વચ્છ સરકાર ચલાવી હોત અને બંગાળમાં ધ્રુવીકરણ ન કર્યું હોત તો ભાજપ માટે રસ્તો ખૂલ્યો ન હોત.
તેમણે વધુમાં કહ્યું હતું કે વિચારધારાની લડતમાં માત્ર કોંગ્રેસ જ ભાજપને હરાવી શકે છે. રાહુલ ગાંધીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે મતદાન ચાલી રહ્યું છે. જ્યારે બીજા તબક્કાનું મતદાન 29 એપ્રિલે થશે અને મતગણતરી ચોથી મેએ થશે. રાહુલ ગાંધીની આ ટિપ્પણીઓ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કે તૃણમૂલ કોંગ્રેસ (TMC) વિરોધી ગઠબંધન ઇન્ડિયાનો ભાગ છે.
ભાજપે સત્તાવાર X હેન્ડલ પરથી તેમનો વિડિયો શેર કરીને લખ્યું હતું કે રાહુલ ગાંધી સતત TMC વિશે સત્યના બોમ્બ ફોડી રહ્યા છે. ફરી એક વાર આભાર, રાહુલજી.
બંગાળના મતદાતાઓને સંદેશ આપતાં રાહુલ ગાંધીએ આ વિધાનસભા ચૂંટણીને કોંગ્રેસ અને ભાજપ વચ્ચેની વિચારધારાની લડાઈ ગણાવી હતી. તેમણે ભાજપ પર લોકશાહી પ્રક્રિયાઓને નબળી પાડવાનો આરોપ લગાવ્યો હતો. એ સાથે જ તેમણે કહ્યું હતું કે પાર્ટીની વિચારધારા બંધારણ વિરુદ્ધ છે. તે સાથે તેમણે તૃણમૂલ કોંગ્રેસ સરકારની પણ ટીકા કરી હતી. કોંગ્રેસ સાંસદે આરોપ લગાવ્યો હતો કે રાજ્યમાં રાજકીય ધ્રુવીકરણે ભાજપના વિસ્તરણ માટે જગ્યા બનાવી છે.
Rahul Gandhi keeps dropping truth bombs regarding the TMC.
રાહુલ ગાંધીએ પશ્ચિમ બંગાળ અંગે X પર પોસ્ટ કરીને કહ્યું હતું કે પશ્ચિમ બંગાળનાં ભાઈઓ-બહેનો, વિચારધારાની આ લડાઈમાં ભાજપને માત્ર કોંગ્રેસ જ હરાવી શકે છે. તેઓ અધિકારો છીનવે છે, અમે અપાવીએ છીએ. તેઓ બંધારણ મિટાવે છે, અમે બચાવીએ છીએ.
આજે તમિલનાડુના તમામ મતવિસ્તારો માટે એક જ તબક્કામાં વિધાનસભા ચૂંટણીનું મતદાન થયુ. સામાન્ય જનતાથી લઈને દક્ષિણ ભારતીય હસ્તીઓ સુધી દરેક વ્યક્તિ મતદાન કરવા માટે ઉત્સાહિત હતા. દક્ષિણ ભારતીય સુપરસ્ટાર રજનીકાંત સહિત ઘણી હસ્તીઓએ મતદાન કર્યું અને લોકશાહીના આ ભવ્ય ઉત્સવમાં ભાગ લીધો.
તમિલનાડુ વિધાનસભા ચૂંટણી માટે મતદાન થયું. દક્ષિણ ભારતના ઘણા સુપરસ્ટાર પણ અલગ અલગ મતદાન મથકો પર મતદાન કરતા જોવા મળ્યા. કમલ હાસન તેમની પુત્રી શ્રુતિ હાસન સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. ત્યાં તેમણે કતારમાં ઉભા રહીને સામાન્ય માણસની જેમ મતદાન કર્યું. ટીવી ચીફ અને અભિનેતા થલાપતિ વિજય પણ મતદાન મથક પર મતદાન કરવા પહોંચ્યા હતાં. અહીં તેઓ ભીડથી ઘેરાયેલા હતા. દક્ષિણના સુપરસ્ટાર અજિત કુમારે પણ મતદાન કર્યુ.
દક્ષિણના સુપરસ્ટાર રજનીકાંતે પણ મતદાન કર્યું. તેઓ ચેન્નાઈના સ્ટેલા મેરિસ સ્કૂલ મતદાન મથકે મતદાન કરવા પહોંચ્યા. રજનીકાંતે પણ લોકોને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કર્યા.
દક્ષિણ ભારતના પ્રખ્યાત અભિનેતા ધનુષ પણ મતદાન કરવા માટે મતદાન મથક પર પહોંચ્યા હતા. તેઓ પણ ચાહકોથી ઘેરાયેલા હતા. તેઓ પોલીસ સુરક્ષા હેઠળ પ્રવેશ્યા હતા.ધનુષે લોકોને પણ મતદાન કરવા અપીલ કરી હતી.
તમિલનાડુની ચૂંટણી લડી રહેલા વિજય થલાપતિ પણ મતદાન કરવા માટે મતદાન મથક પર પહોંચ્યા. તેમને ટોળાએ ઘેરી લીધા હતા. પોલીસે કોઈક રીતે તેમને મતદાન મથક સુધી પહોંચાડ્યા. વિજયે મતદાન કર્યું અને પછી બહારના લોકોનું સ્વાગત કર્યું. આ ચૂંટણી તેમના રાજકીય કારકિર્દીનું ભવિષ્ય નક્કી કરશે.
આજે 23 April 2026 ના રોજ સવારે 6:15 વાગ્યે બદ્રીનાથ ધામના કપાટ શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવ્યા છે. આ પહેલા અક્ષય તૃતીયાના દિવસે ગંગોત્રી-યમુનોત્રી અને ગઈકાલે કેદારનાથના દ્વાર ખુલ્યા હતા. બદ્રીનાથ ધામને પૃથ્વીનું વૈકુંઠ માનવામાં આવે છે, કારણ કે અહીં ભગવાન વિષ્ણુ સાક્ષાત નિવાસ કરે છે તેવી માન્યતા છે. મંદિરને 25 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું છે અને હવે આગામી 6 મહિના સુધી ભક્તો અહીં ભગવાનના દર્શન કરી શકશે.
ચારધામ યાત્રા 2026 હવે તેની પૂરી ગતિએ આગળ વધી રહી છે. આ વર્ષની યાત્રાનો પ્રારંભ અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે યમુનોત્રી અને ગંગોત્રી ધામના કપાટ ખુલવા સાથે થયો હતો. ત્યારબાદ ગઈકાલે એટલે કે 22 April ના રોજ બાબા કેદારનાથના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા અને આજે અંતિમ ધામ એવા બદ્રીનાથના કપાટ ખુલતા જ ચારેય ધામોની યાત્રા વિધિવત રીતે ચાલુ થઈ ગઈ છે. આ અવસર પર બદ્રીનાથ મંદિરના દરબારને અંદાજે 25 ક્વિન્ટલ ગુંદા અને વિદેશી ફૂલોથી અત્યંત મનોહર રીતે શણગારવામાં આવ્યો હતો, જેની સુગંધથી આખું બદ્રીનાથ નગર મહેકી ઉઠ્યું હતું.
બદ્રીનાથ ધામને પૃથ્વી પરનું વૈકુંઠ માનવા પાછળ ઊંડી ધાર્મિક આસ્થા અને પૌરાણિક કથાઓ જોડાયેલી છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે સતયુગમાં જ્યારે ભગવાન વિષ્ણુએ માનવ કલ્યાણ માટે આ સ્થળે કઠોર તપસ્યા કરી હતી, ત્યારે તે સ્થાન તેમને એટલું પ્રિય લાગ્યું કે તેમણે તેને પોતાનું સાક્ષાત નિવાસસ્થાન બનાવી દીધું. શાસ્ત્રોમાં કહેવાયું છે કે આકાશ, પૃથ્વી અને પાતાળમાં અનેક તીર્થો છે, પરંતુ બદ્રીનાથ જેવું કોઈ તીર્થ ન પહેલાં હતું અને ન ક્યારેય ભવિષ્યમાં હશે. એવી માન્યતા છે કે અહીંના દર્શન માત્રથી મનુષ્યને જન્મ-મરણના ફેરામાંથી મુક્તિ મળે છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે.
આ ધામના નામ પાછળ પણ એક સુંદર કથા છે. પૌરાણિક કથાઓ મુજબ, જ્યારે ભગવાન વિષ્ણુ હિમાલયની કડકડતી ઠંડીમાં તપસ્યા કરી રહ્યા હતા, ત્યારે માતા લક્ષ્મીએ તેમને તડકા, વરસાદ અને હિમવર્ષાથી બચાવવા માટે ‘બદરી’ એટલે કે બોરના ઝાડનું રૂપ ધારણ કરી લીધું હતું અને ભગવાન પર છાયા કરી હતી. માતા લક્ષ્મીના આ અતૂટ સમર્પણ અને ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાને આ સ્થાનનું નામ ‘બદ્રીનાથ’ રાખ્યું હતું. અલકનંદા નદીના તટ પર વસેલું આ ધામ હિમાલયની નર અને નારાયણ નામની પહાડીઓની વચ્ચે સ્થિત છે, જે શ્રદ્ધાળુઓને અપાર શાંતિનો અનુભવ કરાવે છે.
બદ્રીનાથ ધામનું મહત્વ ચારધામોમાં સર્વોપરી માનવામાં આવે છે. આ ધામ 108 દિવ્ય વૈષ્ણવ તીર્થો (દિવ્ય દેશમ) માં પણ સામેલ છે. આઠમી સદીમાં આદિ શંકરાચાર્યે આ ધામનો જીર્ણોદ્ધાર કર્યો હતો અને અહીં ભગવાનની મૂર્તિની પુનઃસ્થાપના કરી હતી, ત્યારથી આ ધામ સનાતન ધર્મના સૌથી પ્રમુખ તીર્થોમાંનું એક બની ગયું છે. આજથી શરૂ થયેલી આ યાત્રા હવે આગામી 6 મહિના સુધી ચાલશે, જેમાં દેશ અને દુનિયાના ખૂણેખૂણેથી લાખો શ્રદ્ધાળુઓ ભગવાન બદ્રીવિશાલના આશીર્વાદ લેવા માટે ઉત્તરાખંડના આ પવિત્ર આંગણે પધારશે.
વારાણસી: એક તરફ સંસારમાં જ્યાં ચારેબાજુ યુદ્ધની પરિસ્થિતિ છે ત્યાં કાશીની ધરતી પરથી વિશ્વશાંતિનો સંદેશ આપવામાં આવ્યો. હરિદર્શન સાંખ્યની હિમાલયની શાંતિ અને આધ્યાત્મિકતાનું પવિત્ર મૌન દર્શાવતી તસવીરોનું પ્રદર્શન યોજાયું. શાંત પરંતુ ઉર્જામય આ તસવીરો સમગ્ર વિશ્વને શાંતિનો સંદેશ આપી રહી છે.મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠમાં આ પ્રદર્શન યોજવામાં આવ્યું. સાંસ્કૃતિક વારસા અને ઇતિહાસના સંરક્ષણ માટે ઐતિહાસિક રોરિક પેક્ટની યાદમાં, તેમની વર્ષગાંઠ નિમિત્તે 15 એપ્રિલથી યોજવામાં આવ્યું. ઇનટેક (INTACH) વારાણસી, પિલ્ગ્રિમ્સ બુક હાઉસ કાઠમંડુ અને કાશી વિદ્યાપીઠના સહયોગથી આ ચિત્ર પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું. હરિદર્શન સાંખ્ય દ્વારા હિમાલયના ઊંડા શિખરો વચ્ચે કરવામાં આવેલી ત્રણ વર્ષની સાધના તેમાં જોવા મળી. શ્રેણીના કુલ 108 ચિત્રોમાંથી પસંદ કરાયેલા 21 ચિત્રો અહીં ‘આઝાદ કલા દીર્ઘા’માં પ્રદર્શિત કરવામાં આવ્યા. જેનું ઉદઘાટન પ્રખ્યાત ધ્રુપદ ગાયક પદ્મશ્રી પં. ઋત્વિક સાન્યાલ દ્વારા કરવામાં આવ્યું.
હરિદર્શન સાંખ્યની આ કૃતિઓ આધ્યાત્મિકતા, પ્રકૃતિ અને માનવીય આસ્થાનો સંગમ છે. તેમના ચિત્રો માત્ર ટેકનિકલ રીતે પરિપક્વ નથી, પરંતુ તે પ્રેક્ષકોને એક શાંત અને ભક્તિમય યાત્રા પર લઈ જાય છે. આ ચિત્રોનું મુખ્ય કેન્દ્ર હિમાલયનું વાતાવરણ અને પૌરાણિક તીર્થધામો છે. કલાકારે માત્ર પથ્થરો કે ઇમારતોનું ચિત્રણ નથી કર્યું, પરંતુ તે સ્થાનો સાથે જોડાયેલી ઊર્જાને જીવંત કરવાનો પ્રયાસ કર્યો છે. વાદળોની ઉપર સ્થિત એક નાનું મંદિર હોય કે અલકનંદાના કિનારે સ્થિત ધારી દેવીનું ચિત્ર, દરેક પેઈન્ટિંગમાં અલૌકિક ઊર્જાનો અહેસાસ થાય છે. કૈલાશ માનસરોવરના પેઈન્ટિંગમાં પર્વતનું સુવર્ણ આભા સાથે ચમકવું એ શિવત્વના સાક્ષાત્ દર્શન જેવું પ્રેક્ષકોને લાગ્યું. બદરીનાથ મંદિરના ચિત્રમાં સ્થાપત્યની જટિલતા અને ત્યાંની ચહલપહલને ખૂબ જ ગરિમાપૂર્ણ રીતે ચિત્રિત કરવામાં આવી છે.એક્રેલિક માધ્યમનો ઉપયોગ કરીને કલાકારે તૈલ ચિત્રો જેવી સોફ્ટનેસ અને ડેપ્થ આપવાનો પ્રયાસ કર્યો છે. કલાકારે પોતાની પીંછીથી કેનવાસ પર જે ‘પ્રભુ દર્શન’ કરાવ્યા, તે પેઈન્ટિંગ જોવા આવનારા દરેક પ્રેક્ષકને ગમ્યું.