Home Blog Page 1220

બજેટ 2025-26, નાણાં મંત્રાલયમાં ‘હલવા સેરેમની’

દેશમાં બજેટ 2025ને લઈ લોકોની ઉત્સુકતાઓ વધી રહી છે. બીજી બાજું 1 લી ફેબ્રુઆરના નાણામંત્રી દેશની આર્થક વ્યવસ્થાનો તાગ મેળવીને બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. નાણાંમંત્રી નિર્મલા સીતારમન સંસદમાં 1 ફેબ્રુઆરી 2025ના રોજ નાણાંકીય વર્ષ 2025-26નું બજેટ રજૂ કરશે. સંસદમાં બજેટ રજૂ થાય તેની પહેલા દર વર્ષ દેશના નાણાંમંત્રી દ્વારા ‘હલવા સેરેમની’નું આયોજન કરવામાં આવે છે.

આ સમારોહ બજેટ તૈયારીના અંતિમ તબક્કાને ચિહ્નિત કરે છે. આ સમય દરમિયાન, નાણાં મંત્રાલયની ટીમ બજેટ દસ્તાવેજોની ગુપ્તતા જાળવવા માટે સુરક્ષિત વાતાવરણમાં કામ કરે છે. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમને બીજી રીતે જોવા જઈએ તો, ભારતમાં કોઇ પણ શુભ કાર્ય શરૂ કરવાની પહેલા ‘મોં મીઠુ કરવાની’ પરંપરા છે અને તેનું જ અનુકરણ બજેટમાં કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે જ્યારે દેશના બજેટનું પ્રિન્ટિંગ પૂર્ણ થઈ જાય છે, ત્યારે તે દરમિયાન નાણા મંત્રાલય અને તેના કર્મચારીઓ એક વિશેષ સમારોહનું આયોજન કરે છે. જેને ‘હલવા સેરેમની’ કહેવામાં આવે છે. હલવા સેરેમની પછી બજેટ છાપવાની પ્રક્રિયા શરૂ થાય છે. એની રજૂઆત સુધી પ્રિન્ટિંગ સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ અને સહાયક સ્ટાફ મંત્રાલયમાં બંધ રહે છે. આ સમયગાળા દરમિયાન અધિકારીઓને તેમના ફોનનો ઉપયોગ કરવાની મંજૂરી નથી. બજેટ રજૂ ન થાય ત્યાં સુધી તેઓ તેમના પરિવારને પણ મળી શકતા નથી. એનો હેતુ બજેટને ગોપનીય રાખવાનો છે. 1950માં બજેટની કોપી લીક થયા બાદ કર્મચારીઓને નજરકેદ (ઓફિસમાં રહીને) રાખવાની પરંપરા શરૂ થઈ હતી.

રશિયા-યુક્રેન યુદ્ધ ખતમ કરવા ટ્રમ્પ પુતિન સાથે વાતચીત માટે તૈયાર

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનથી વાતચીત કરવા માટે તૈયાર છે. વોશિંગ્ટન આ મામલે પુષ્ટિનો ઇન્તજાર કરી રહ્યું છે. ટ્રમ્પે ગુરુવારે કહ્યું હતું કે તેઓ જલદીથી જલદી પુતુન સાથે વાતચીત કરવા ઇચ્છે છે.

ટ્રમ્પે ગુરુવારે કહ્યું હતું કે હું પુતિનને ટૂંક સમયમાં મળવા ઈચ્છું છું, જેથી યુક્રેનની સાથે ચાલી રહેલા યુદ્ધને ખતમ કરવામાં આવી શકે. તેમણે પરમાણુ હથિયારોમાં ઘટાડા પર પણ કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. રશિયા અને યુક્રેનનું યુદ્ધ 24 ફેબ્રુઆરીસ 2022એ શરૂ થયુ હતું અને હવે આ યુદ્ધને ત્રણ વર્ષ પૂરાં થઈ જશે.

ટ્રમ્પે ચૂંટણી પહેલાં ઘણી વખત દાવો કર્યો હતો કે જો તેમનો કાર્યકાળ શરૂ થાય છે તો તેમના પહેલા દિવસે જ યુક્રેન અને રશિયાની વચ્ચે કરાર થઈ જશે. ટ્રમ્પ 20 જાન્યુઆરીએ વ્હાઈટ હાઉસમાં પાછા ફર્યા છે. જોકે તેમના સલાહકારોએ હવે સ્વીકાર કર્યો છે કે આ યુદ્ધને સમાપ્ત કરવામાં થોડા મહિના લાગી શકે છે.

સામે પક્ષે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સકીએ મને કહ્યું હતું કે તેઓ યુદ્ધ સમાપ્ત કરવા માટે એક કરાર કરવા માટે તૈયાર છે. શાંતિ કરારને સુરક્ષિત કરવા માટે પ્રયત્ન કરી રહ્યાં છે.

આ સાથે ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહના થોડા જ કલાક બાદ એટલે કે 21 જાન્યુઆરીએ રશિયન પ્રમુખ પુતિને પોતાના ચીની સમકક્ષ શી જિનપિંગ સાથે ફોન પર વાત કરી. રશિયાના વિદેશ મામલાના સલાહકાર યુરી ઉશાકોવ અનુસાર પુતિને શીને કહ્યું હતું કે યુક્રેનની સાથે કોઈ પણ કરારમાં રશિયન હિતોનું સન્માન થવું જોઈએ.

પાંચ કરોડની જમીન પચાવવાના કેસમાં જામનગરના ભૂમાફિયાની ધરપકડ

જામનગરના રણજીતસાગર રોડ પર આવેલ મયુર ટાઉનશીપ-1 ખાતેના કોમન પ્લોટમાં બાંધકામ થકી ગેરકાયદે દબાણ કરીને અંદાજે પાંચ કરોડની જમીન પચાવી પાડવાના કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલના ભાઇ ધર્મેશ રાણપરીયા સામે જામનગરના સીટી-A ડિવિઝનમાં લેન્ડ ગ્રેબીંગ હેઠળ ગુનો દાખલ થતા ચકચાર વ્યાપી ગયો છે. ફરિયાદના આધારે પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

જામનગર શહેરના રણજીતસાગર રોડ પર મયુરટાઉનશીપ-1 ખાતે રે.સ.નં. 1206નો કોમન પ્લોટ-એ આશરે 965.38 ચો.મી.નો છે, જેની અંદાજે બજાર કિંમત રૂ. 5,19,55,000 છે. આ પ્લોટમાં ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ લેન્ડ ગ્રેબીંગ સમિતિ સમક્ષ કરવામાં આવી હતી. સમિતિ દ્વારા આ અંગે તપાસ કરતા, તેમાં તથ્ય જણાતા, આ મામલે ફરિયાદ દાખલ કરવા પોલીસને સૂચના આપવામાં આવી હતી.

મયુર ટાઉનશીપમાં શેરી નં. 9 માં રહેતા ધર્મેશ મુળજી રાણપરીયાની વિરુઘ્ધ સીટી-એ ડિવિઝનમાં “ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ 2020”ની કલમ 4(3), 5(ગ) અને ઇપીકો 506, 294(ખ) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ધર્મેશ રાણપરીયા સામે અગાઉ 3 ફરિયાદ થઇ ચૂકી છે અને તાજેતરમાં જ રણજીતસાગર રોડ પર આરોપીએ કરેલ ગેરકાયદે બાંધકામ પોલીસ અને એસ્ટેટ શાખાની ટીમ દ્વારા બુલડોઝર ફેરવીને દૂર કરી જગ્યા ખુલ્લી કરાઇ હતી. હવે ધર્મેશ રાણપરીયા સામે લેન્ડ ગ્રેબીંગ હેઠળ ગુનો દાખલ થતા ચકચાર ફેલાઇ જવા પામી છે.

(પાર્થ સુખપરિયા જામનગર)

ટોલ પ્લાઝા પર નકલી સોફ્ટવેર દ્વારા રૂ. 120 કરોડનું કૌભાંડઃ ચારની ધરપકડ

અમદાવાદઃ દેશમાં 200થી વધારે ટોલ પ્લાઝા પર નકલી સોફ્ટવેર દ્વારા કરોડો રૂપિયાના કૌભાંડનો ઘટસ્ફોટ થયો છે. આ કૌભાંડ આચરનારા ચાર લોકોની STFના વારાણસી અને લખનૌ યુનિટે ધરપકડ કરી છે. મિર્ઝાપુરના લાલગંજ સ્થિત અતરૈલા ટોલ પ્લાઝા પર દરોડા પાડી આ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપીએ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં આ પ્રકારનું કૌભાંડ આચરી NHAIને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું છે.

આ કૌભાંડ દ્વારા રૂ. 120 કરોડના કૌભાંડનો પર્દાફાશ થયો છે. લખનૌ STFએ ગયા મંગળવારે મિરઝાપુરના લાલગંજ સ્થિત અતરૈલા ટોલ પ્લાઝા પર દરોડા પાડીને ટોલ મેનેજર સહિત ચાર લોકોની ધરપકડ કર હતી. STFએ આરોપીઓની પાસેથી પાંચ મોબાઇલ, બે લેપટોપ, પ્રિન્ટર સહિત રૂ. 19,000 પણ જપ્ત કર્યા છે.

આ કેસમાં મુખ્ય આરોપી આલોક કુમાર સિંહે MCAનો અભ્યાસ કર્યો છે અને તેને સોફ્ટવેર બનાવવાની સંપૂર્ણ જાણકારી છે. તેણે એક સોફ્ટવેર તૈયાર કર્યું હતું, જે ટોલ પ્લાઝાના કોમ્પ્યુટર સિસ્ટમમાં ઇન્સ્ટોલ કરી દેવામાં આવ્યું હતું. આ સોફ્ટવેર ફાસ્ટ ટેગ રહિત વાહનો પાસેથી વસૂલવામાં આવતાં બમણા ટોલ ટેક્સને NHAI સિસ્ટમથી અલગ કરી દેતું હતું.

STFના જણાવ્યાનુસાર આરોપીઓએ આ સોફ્ટવેરને 42 ટોલ પ્લાઝા પર ઇન્સ્ટોલ કર્યું હતું. આલોક કુમાર સિંહે જણાવ્યું હતું કે  તેણે આ કૌભાંડ ટોલ પ્લાઝાના માલિકો અને મેનેજરની મદદથી આચર્યું હતું. આ કૌભાંડ દ્વારા હાંસલ કરવામાં આવેલી રકમને ટોલ કર્મચારી અને પોતાના સાથીઓ વચ્ચે વહેંચવામાં આવતી હતી.

આ કૌભાંડમાં વારાણસીનો રહેવાસી આલોક સિંહ, મધ્ય પ્રદેશનો રહેવાસી મનીષ મિશ્રા, પ્રયાગરાજનો રહેવાસી રાજીવ કુમાર મિશ્ર સામેલ હતો. હાલ, આ તમામની સામે મિર્ઝાપુરના લાલગંજ પોલીસ સ્ટેશનમાં BNSની ધારા 316(2), 319(2), 318(4), 338, 336(3), 340(2) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

સુરતમાં મહાવીર કેન્સર હોસ્પિટલનું અમિત શાહના હસ્તે લોકાર્પણ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે સુરતના વેસુ સ્થિત મહાવીર આરોગ્ય અને રાહત સોસાયટી દ્વારા રૂપિયા 250 કરોડના ખર્ચે નવનિર્મિત આધુનિક સુવિધાથી સજ્જ બાબુલાલ રૂપચંદ શાહ મહાવીર કેન્સર હોસ્પિટલ અને શ્રી કુલચંદભાઈ જયકિશનદાસ વખારિયા સેનેટોરિયમનું લોકાર્પણ કરાયુ હતું.

મહાવીર કેન્સર હોસ્પિટલમાં 13 માળ સાથે 2.75 લાખ સ્કે.ફુટમાં 110 બેડ અને 36 રૂમ સાથેનું સેનેટોરિયમ, એમ.આર.આઈ., પેટસીટી સ્કેન, ઈમ્યુનોથેરાપી સાથેની અનેકવિધ સારવાર ઉપલબ્ધ બનશે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું કે,  સુરતએ પશ્વિમ ભારતનું ઔદ્યોગિક અને આર્થિક ગતિવિધિઓનું કેન્દ્ર બન્યુ છે. જેના પરિણામે વસ્તીમાં પણ વધારો થયો છે તેમ છતા સુરતે છેલ્લા વર્ષોમાં સ્વચ્છતાક્ષેત્રે સમગ્ર ભારતમાં અગ્રીમ રહ્યું છે. હવે આરોગ્ય ક્ષેત્રે પણ સુરત પ્રગતિના પથ પર છે. છેલ્લા આઠ વર્ષમાં 317 કરોડ દર્દીઓએ PMJAY યોજનાનો લાભ લીધો છે.

આ પ્રસંગે રાજયના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, 1978થી શરૂ થયેલી મહાવીર હોસ્પિટલ દરેક નાગરિકોને રાહતદરે સેવા પૂરી પાડી રહી છે. ટ્રસ્ટ દ્વારા સમયાંતરે જુદી જુદી સારવાર સેવાઓનો ઉમેરો થયો છે. આ પ્રસંગે ગૃહરાજ્ય મંત્રીએ પૂર અને પ્લેગ જેવા સમયે પણ મહાવીર હોસ્પિટલે નિષ્ઠાપૂર્વક કરેલી કામગીરીને યાદ કરી હતી. મહાવીર હોસ્પિટલ હાર્ટની પ્રથમ હોસ્પિટલ તરીકે ઓળખાય છે, જ્યાં હજારો હ્રદયરોગીઓના જીવ બચાવાયા છે. હવે મહાવીર હોસ્પિટલ દ્વારા કેન્સર હોસ્પિટલ શરૂ કરવાનું મહત્વનું કાર્ય થયું છે. કેન્સર સારવાર માટે હવે મુંબઇ કે અન્ય શહેરોમાં જવાની જરૂર નથી, કારણ કે તમામ સુવિધાઓ હવે સુરતમાં જ ઉપલબ્ધ બનશે.

(અરવિંદ ગોંડલિયા, સુરત)

વાસ્તુ: અગ્નિનો દોષ આત્મશ્લાઘા કરવાની વૃત્તિ આપે

બે ખોટાથી એક સાચું ક્યારેય નથી થતું. ક્યારેક લોકો પોતે ખોટું કરે છે એ છુપાવવા અન્ય તરફ આંગળી કરી દે છે. કે જુઓ પેલા ખોટું કરે છે. પહેલા એને કહો ને. દીવાર ફિલ્મમાં અમિતાભ કહે છે કે પહેલા પેલા માણસની સહી લઇ આવો જેણે મારા હાથ પર મેરા બાપ ચોર હૈ લખી દીધું. એમ કોઈના લખવાથી પોતે ચોર બની જવું જરૂરી તો નથી જ. પણ એ ડાયલોગ પર જયારે તાળીઓ પડતી હોય ત્યારે સમાજની માનસિકતા ખુલ્લી પડે છે. જયારે સ્વ તરફ જોવાની દ્રષ્ટી ખુલશે ત્યારે જ સમાજનો વિકાસ થશે. બાકી બામે તેટલા નેતા આવશે પણ દેશનો ઉદ્ધાર નહિ કરી શકે.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે જણાવેલ ઈમેઈલ પર જરૂર પૂછી શકો છો.

સવાલ: હું વિદેશમાં પણ રહેલ છું અને ભારતમાં પણ રહ્યો છું. વિદેશમાં સરકારી નોકરી કરતો માણસ સન્માનનીય હોય છે. જયારે આપણા દેશમાં ભ્રષ્ટાચાર, કામચોરી, આળસ જેવી ઘણી બધી બાબતો સાથે એને જોડી અને સન્માન નથી આપવામાં આવતું. મારા એક મિત્રને એક ડીપાર્ટમેન્ટનું કામ મળ્યું. ઓફિસરે કામ પૂરું થયા પછી બીલ સેન્ક્સન કરવાનું કહ્યું. કામ પૂરું થયાને ત્રણ વરસ થયા. પેલા ભાઈ રીટાયર પણ થઇ ગયા પણ પૈસા આવ્યા નથી. એક વખત મારા મિત્ર મળવા ગયા ત્યારે ખબર પડી કે પેલા ઓફિસરે એના મિત્રના નામનું બીલ મુકીને પૈસા લઇ લીધા હતા. આવા લોકોને સરકાર પગાર આપે છે તો પણ કેમ આવું કરતા હશે? અને શું સજ્જનતા સાથે કામ ન કરી શકાય?

 

જવાબ: તમારા મિત્રએ એક જ ભૂલ કરી કે કોન્ટ્રકટ ન કર્યો. વળી બધા જ સરકારી ,માણસો ખરાબ હોય એવું પણ ન હોય. જેને જેવો અનુભવ થયો હોય એ રીતે તે પરિસ્થિતિને જુએ. વિદેશના નાગરિકો પણ સજાગ છે. એમને પોતાના હક માટે અવાજ ઉઠાવતા આવડે છે. જે સમાજ જાગૃત હોય એની જ પ્રગતિ થાય.

વળી કોઈ સત્તાનો દુરુપયોગ કરે તો એની સામે ફરિયાદ પણ થઇ શકે. પણ એના કરતા ફરી વખત યોગ્ય કાગળિયાં કરીને જ કામ કરવું યોગ્ય ગણાય. આપણી સરકાર સારા પગાર આપે છે. તેથી વ્યક્તિગત વિચારધરાને સરકારનો નિર્ણય ન ગણાય. ઘણા લોકો ભોળા અને ભલા માણસોને મુર્ખ સમજી અને ફાયદો ઉઠાવવા પ્રયત્ન કરતા હોય છે. પણ દરેક સત્તાની ઉપર એક મહાસત્તા છે. જેને ઈશ્વરનો ન્યાય કહે છે. તેથી ફરી આવી ભૂલ ન કરવાનો વિચાર આવ્યો તે પણ ઈશ્વરી સંકેત ગણી શકાય.

સવાલ: આપણા દેશમાં કેવા લોકો છે? હમણાં મેં કોઈને એમ જ કહ્યું કે નદીમાં ન્હાવાથી પાપ ન ધોવાય. અને એક મહાનુભાવ  તૂટી પડ્યા કે બાજુના દેશમાં જતા રહો. તને પરંપરા માટે માન નથી. જો આપણે કર્મમાં માનીએ છીએ તો પછી પાપ કેવી રીતે ધોવાય? જો આ વિચારધારા ચાલતી રહે તો દેશમાં પાપીઓ વધતા જશે. અને બાજુના દેશમાં કોઈ દુષણ છે એટલે આપણે જે કરીએ એ બધું ચાલે એવું થોડું જ હોય?

જવાબ: શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે એક પાતળી રેખા છે. જેની સમજણ ઘણા લોકોમાં નથી હોતી. વળી કેટલાક લોકો જે કહે છે એમાં સભાનતા નથી હોતી. એટલે આવી વાતને મન પર ન લેવી જોઈએ. તમારી વાત સાચી છે કે આપણી સંસ્કૃતિ વિશેની સમજણ ઓછી થઇ રહી છે. અધ્યાત્મ અને પરમ્પરા વચ્ચેનો ભેદ પણ ભુલાઈ રહ્યો છે. અન્ય કોઈ દુખી છે એટલે આપણે સુખી ન કહેવાઈએ. અને અન્ય કોઈ ખરાબ કરે છે એટલે આપણે ખરાબ કરી શકીએ એ બંને વાત આપણા મૂળભૂત સિદ્ધાંતોથી વિરુદ્ધ છે. દુખની વાત એ છે કે જે જાણે છે એ ચુપ છે. અને જે નથી જાણતા એ ઘોંઘાટ કરે છે. ક્યારેક આવી બાબતોને અને માણસોને ધ્યાન પર રાખ્યા વિના આગળ વધી જવું જ યોગ્ય છે.

સુચન: અગ્નિનો દોષ આત્મશ્લાઘા કરવાની વૃત્તિ આપે છે.

(આપના સવાલ મોકલી આપો Email: vastunirmaan@gmail.com)

જામનગરના આકાશમાં સર્જાશે ‘સૂર્યકિરણ’ના અદ્ભુત દ્રશ્યો

જામનગર: પ્રજાસત્તાક પર્વને યાદગાર બનાવવા માટે શહેરમાં તા.૨૫ અને તા.૨૬ જાન્યુઆરીના રોજ ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ એરોબેટીક ટીમ દ્વારા એર શો કરવામાં આવશે. ૯ વિમાનો સાથે પાયલોટની ટીમ જામનગર આવી પહોંચી છે. આ ટીમના પાયલોટ અને કમેન્ટેટર દ્વારા જામનગરમાં સ્વામીનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓ તેમજ પત્રકાર મિત્રો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. જેમાં તેઓએ વિદ્યાર્થીઓના પ્રશ્નો, ટીમ સૂર્યકીરણની કામગીરી, એર શો વિષે માહિતી આપી હતી. તા.૨૫ તથા તા.૨૬ જાન્યુઆરીના રોજ બપોરે ૨:૧૫ વાગ્યાથી એર શો શરુ થશે. જામનગર ખંભાળિયા હાઈવે સ્વામીનારાયણ મંદિરથી આગળ જતા ખુલ્લા ગ્રાઉન્ડમાં જામનગરવાસીઓને અચંબિત કરી દેનાર એર શો જોવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.

૧૯૯૬માં SKAT ટીમની સ્થાપના કરવામાં આવી હતી. આ ટીમ એશિયામાં એકમાત્ર નવ વિમાનોની ટીમ હોવાનું પ્રતિષ્ઠિત બીરૂદ ધરાવે છે. આવતીકાલે આ ચુનંદા ટીમ, સ્ટ્રાઇકિંગ રેડ એન્ડ વ્હાઇટ હોક Mk-132 જેટ ઉડાડશે. જેમાં આ એર શો દરમિયાન આ સાહસિકો લૂપ્સ, રોલ્સ, હેડ-ઓન ક્રોસ, બઝ અને ઇન્વર્ટેડ ફ્લાઇંગ જેવા શ્વાસ થંભાવી દેનારા એરોબેટિક દાવપેચનું પ્રદર્શન કરશે. આ નવ વિમાનો 5 મીટર કરતાં ઓછા અંતરે ખૂબ જ નજીકથી ઉડાન ભરી શકે છે.

(પાર્થ સુખપરિયા – જામનગર)

ટ્રમ્પની કડક ઇમિગ્રેશન નીતિ, રિટર્ન ટિકિટના નવા નિયમોનો ફટકો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના મુદ્દે ખૂબ જ કડક છે અને તેના કારણે ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં હલચલ વધી છે. ઇમિગ્રેશન નિયમોમાં થયેલા ફેરફારો વચ્ચે અમેરિકામાં રહેતો ભારતીય સમુદાય પણ ચિંતિત છે. એવામાં હવે અમેરિકાના એક ઍરપૉર્ટ પરથી ભારતીયોનો પ્રવેશ નકારવામાં આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, અમેરિકામાં રહેતા એક વ્યક્તિના ભારતીય માતા-પિતા પાસે રિટર્ન ટિકિટ ન હોવાથી પ્રવેશ આપવાનો ઇન્કાર કરવામાં આવ્યો હતો.

એક મીડિયા રિપોર્ટ અનુસાર અમેરિકામાં પોતાના બાળકોને મળવા ગયેલા ભારતીય માતા-પિતાને નેવાર્ક ઍરપૉર્ટ પર એન્ટ્રી આપવામાં આવી ન હતી. આ કપલ પાસે B-1/B-2 વિઝિટર વિઝા હતા અને તેના આધારે તેઓએ પાંચ મહિના અમેરિકામાં રહેવાની યોજના બનાવી હતી. જો કે, ઍરપૉર્ટ પર ઇમિગ્રેશન અધિકારીઓએ તેમને કહ્યું કે નવા નિયમો હેઠળ હવે અહીં રહેવા માટે તેમની રિટર્ન ટિકિટ બતાવવી ફરજિયાત છે. ઍરપૉર્ટના અધિકારીઓએ તમામ અરજીઓ અને ખુલાસાઓને નકારી કાઢ્યા હતા અને માતાપિતાને ઍરપૉર્ટથી સીધા ભારત પાછા મોકલી દીધા હતા. આવા નિયમોની સત્તાવાર જાહેરાતના અભાવે લોકોમાં મૂંઝવણ જોવા મળી રહી છે. અમેરિકી અધિકારીઓએ ભારતીયોને પરત મોકલવા માટે 2025ના નવા નિયમોને ટાંક્યા છે. જો કે, આ ફેરફારો વિશે અગાઉ કોઈ માહિતી આપવામાં આવી ન હતી. આવી ઘટના અમેરિકામાં રહેતા ભારતીયોની ચિંતામાં વધારો કરી શકે છે. એવા પણ સવાલો ઊભા થઈ રહ્યા છે કે ટ્રમ્પની નીતિઓને લાગુ કરવા માટે આવનાર દિવસોમાં અમેરિકા આવા અનેક અણધાર્યા પગલા લઈ શકે છે.

ગુજરાતની આ બે મહિલા સરપંચ દિલ્હી પ્રજાસત્તાક પર્વમાં બનશે મહેમાન!

સુરતના ઓલપાડ તાલુકાના સોંદામીઠા તેમજ વડોદ ગામની સમરસ ગ્રામ પંચાયતની 2 મહિલા સરપંચોને આગામી ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે દિલ્હી ખાતે યોજાનાર સમારોહમાં સ્પેશિયલ ગેસ્ટ વિઝીટ તરીકે હાજર રહેવા નિમંત્રણ મળ્યું છે.

સોંદામીઠા ગ્રામ પંચાયતમાં સરપંચ દિક્ષાબેન પૃથ્વીરાજસિંહ ઠાકોર અને વડોદ ગ્રામ પંચાયતમાં શિતલબેન આશિષ દેસાઈ બંન્ને સમરસ મહિલા સરપંચો ગ્રામપંચાયતમાં સુંદર વહીવટ કરી રહી છે. આ બંને ગામોમાં વર્ષોથી પીવાના પાણીની વિકટ સમસ્યા હતી. જો કે આ સમસ્યા નિવારવા સરકારની વાસ્મો અંતર્ગત ‘જલ સે નલ’ યોજનામાંથી ગ્રાન્ટ મંજૂર થતાં આ બંને સરપંચોએ ગામના લોકોના ઘર સુધી નળ દ્વારા દિવસ દરમિયાન પાણી પહોંચાડવામાં સફળતા મેળવી.

આ વિશિષ્ટ કામગીરીની નોંધ રાજ્ય અને દિલ્હીની કેન્દ્ર સરકારે લીધી. જેની માટે બંને સમરસ મહિલા સરપંચોને આગામી ૨૬ મી જાન્યુઆરીના રોજ દિલ્હી ખાતે યોજાનાર પ્રજાસત્તાક દિનની ઉજવણી સમારોહમાં સ્પેશિયલ ગેસ્ટ વિઝીટ તરીકે હાજર રહેવા નિમંત્રણ મળ્યું છે.

(અરવિંદ ગોંડલિયા, સુરત)

વડોદરામાં ત્રણ સ્કૂલોને મળી બોમ્બની ધમકી

વડોદરાઃ રાજ્યના વડોદરાની ત્રણ સ્કૂલોને બોમ્બની ધમકી મળી છે, જેમાં નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો એક ઈમેલ સ્કૂલના પ્રિન્સપાલને મોકલવામાં આવ્યો હતો. જેની જાણકારી પોલીસને કરવામાં આવતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. નવરચનાની વડોદરામાં ત્રણ સ્કૂલો આવેલી છે.પોલીસને સૂચના આપવામાં આવતાં સ્થાનિક પોલીસ અને બોમ્બ નિરોધક સ્ક્વોડ સ્કૂલોમાં પહોંચીની તપાસ શરૂ કરી હતી.

શહેરના ભાયલી વિસ્તારમાં આવેલી એક અને સમા વિસ્તારમાં આવેલી બે સ્કૂલને બોમ્બથી ઉડાડી મૂકવાની  ધમકી મળી છે. આ બોમ્બની ધમકીની સૂચના મળતાં બોમ્બ સ્કવોડ અને પોલીસ ટુકડી ઘટનાસ્થળે ધસી ગઈ હતી અને તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી હતી. જોકે હાલમાં પણ તપાસ ચાલી રહી છે અને બોમ્બની ધમકી વચ્ચે બાળકોને તાત્કાલિક સ્કૂલમાંથી રજા આપી દેવામાં આવી હોવાની માહિતી મળી રહી છે. જે-જે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે તેમાં નવરચના યુનિવર્સિટી, સમા ઇન્ટરનેશનલ સ્કૂલ અને નવરચના વિદ્યા વિદ્યાલયનો સમાવેશ થાય છે.