Home Blog Page 1230

તુર્કેઈની એક ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ, 12ના મોત

તુર્કેઈમાં એક ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ થયાની ઘટના સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર આ વિનાસક વિસ્ફોટમાં અંદાજિત 12 લોકોના મોત થયા હોવાનું સૂત્રોના અહેવાલ જણાવી રહ્યા છે. તુર્કેઈના બાલીકેસિર પ્રાંત આવેલી એક વિસ્ફોટક સામગ્રી બનાવતી ફેક્ટરીમાં આ ભયાનક વિસ્ફોટ થયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. પ્રાંતના ગર્વનર ઈસ્માઈલ ઉસ્તાઉગ્લુએ માહિતી આપતા જણાવ્યું કે, ‘બાલીકેસિર પ્રાંતના કારેસી વિસ્તારમાં આવેલી ફેક્ટરીમાં વિસ્ફોટ થયો છે, જેમાં 12 નાગરિકોના મોત થયા છે અને ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર જે ફેક્ટરીમાં વિસ્ફોટ થયો છે, તેનું નામ ZSR એમ્યુનિશન પ્રોડક્શન ફેક્ટરી છે. નોંધનિય બાબત છે હાલ સુધી વિસ્ફોટ થવાના કારણોની માહિતી પ્રાપ્ત થઈ રહી નથી. બીજીતરફ એવા અહેવાલ સામે આવ્યા છે કે, આ વિસ્ફોટ ભયાનક હતો, જેના કારણે મૃત્યુઆંક વધવાની સંભાવના છે. રિપોર્ટ મુજબ વિસ્ફોટ બાદ ફેક્ટરીની બિલ્ડિંગ ધરાશાઈ થઈ છે, જેમાં અનેક લોકોના મોત થયા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો અને ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી ગઈ છે અને પુરજોશમાં રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. આ ઉપરાંત તપાસ એજન્સીઓએ ઘટનાના કારણોની પણ તપાસ શરૂ કરી દીધી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

લ્યો બોલો! પૃથ્વી ગોળ નહીં પણ સપાટ છે એવું સાબિત કરવા આ યુટ્યુબરે ખર્ચ્યા લાખો

મુંબઈ: એક યુટ્યુબરે પૃથ્વી સપાટ છે તે સાબિત કરવા માટે 31 લાખ રૂપિયા ખર્ચ્યા. પરંતુ પાછળથી તે YouTuber ને આખરે સ્વીકારવું પડ્યું કે પૃથ્વી સપાટ નથી પણ ગોળ છે અને તે સૂર્યની આસપાસ ફરે છે. યુટ્યુબર જેરોન કેમ્પેનેલા પૃથ્વીના આકાર વિશેના તેમના દાવાની પુષ્ટિ કરવા એન્ટાર્કટિકાની સફર પર નીકળ્યા હતાં. આ સફરમાં તેણે 37,000 ડોલર એટલે કે 31.4 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો હતો.

 

YouTuber પૃથ્વી સપાટ છે તે સાબિત કરવા માટે નીકળ્યો
જેરોન વિશ્વને સાબિત કરવા માંગતો હતો કે એન્ટાર્કટિકા સપાટ પૃથ્વીની ધાર પર એક “બરફની દિવાલ” છે અને સૂર્ય દિવસના 24 કલાક ઉગવાની ઘટના પણ ખોટી છે. તેની સફર પહેલાં કેમ્પેનેલા માનતા હતા કે સૂર્ય એન્ટાર્કટિકામાં બીજે ક્યાંય કરતાં ઊંચો ઉગે છે. તે ન તો ઉગે છે કે ન અસ્ત થાય છે, પરંતુ સૂર્ય હંમેશા સ્થિર રહે છે. જો કે, એન્ટાર્કટિકાના પ્રવાસે તેનો ભ્રમ તોડી નાખ્યો. એન્ટાર્કટિકામાં કેમ્પેનેલાએ ‘મિડનાઈટ સન’નું અવલોકન કર્યું, જ્યાં ઉનાળા દરમિયાન સૂર્ય દિવસના 24 કલાક દેખાય છે. આ ઘટના, ધ્રુવીય પ્રદેશો માટે અનન્ય છે, જે પૃથ્વીના ગોળાકાર આકારને સમર્થન આપે છે.

વીડિયો જાહેર કરીને પોતાની ભૂલ સ્વીકારી
પોતાને ખોટા સાબિત કર્યા બાદ જેરોને યુટ્યુબ પર એક વીડિયો શેર કર્યો જેમાં તેણે પોતાની ભૂલ સ્વીકારી છે. છેવટે તેણે સ્વીકાર્યું કે પૃથ્વી સપાટ નથી. પોતાનો વીડિયો જાહેર કરતી વખતે તેણે કહ્યું- “ક્યારેક તમે જીવનમાં ખોટા છો. મને લાગતું હતું કે સૂર્ય 24 કલાક ઉગતો નથી. મને આ વાતનો પૂરો વિશ્વાસ હતો. પરંતુ હવે મને લાગે છે કે હું ખોટો હતો.” તેણે આગળ પોતાની ભૂલ સ્વીકારી અને કહ્યું- “હું જાણું છું કે આ કહેવા માટે જ મને શીલ કહેવામાં આવશે. પરંતુ જો ઈમાનદારી મને શીલ બનાવે છે, તો એવું ભલે થાય.” તેણે વધુમાં કહ્યું, “મારા અનુભવે એઝિમુથલ ઇક્વિડિસ્ટન્ટ (AE) નકશાને પણ પડકાર્યો છે, જે સપાટ પૃથ્વી સિદ્ધાંતમાં કેન્દ્રિય છે. મારા માટે, AE નકશો હવે કામ કરતું નથી. પરંતુ તેનો અર્થ એ નથી કે “હું દરેક બાબતમાં સાચો છું.”

VIDEO : ચંદીગઢ કોર્પોરેશનની બેઠકમાં AAP-BJPના કાઉન્સિલરો આવ્યા સામ-સામે

શિયાળુ સત્રમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નિવેદનથી ભારતભરમાં વિરોધના વંટોળો ઉઠ્યા છે. બંધારણના ઘડવૈયા ડૉ.બાબાસાહેબ ભીમરાવ આંબેડકર અને બંધારણ મુદ્દે રાજકારણમાં ભારે ધમાસાણ જોવા મળી રહ્યું છે. પહેલા સંસદમાં આંબેડકર અને બંધારણ મુદ્દે ધમપછાડા થયા, પછી મહારાષ્ટ્રના પરભણીમાં હિંસા થઈ અને હવે ચંડીગઢ કોર્પોરેશની બેઠકમાં બબાલ થઈ છે. કોર્પોરેશનની બેઠકમાં આમ આદમી પાર્ટી અને ભાજપના કાઉન્સિલરો વચ્ચે છૂટાહાથની મારા થઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

ચંડીગઢ કોર્પોરેશમાં કાઉન્સિલરો વચ્ચેની મારામારીનો વીડિયો CCTVમાં કેદ થયો છે. ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થવા લાગ્યો છે. આ વીડિયોમાં કાઉન્સિલો મારામારી કરતા જોવા મળી રહ્યા છે. કેમેરો છતાં કેટલાક કાઉન્સિલો મારામારી કરતા રહ્યા અને તેઓ અટક્યા પણ નહીં. વિપક્ષોએ હોબાળા વચ્ચે અમિત શાહ પર આંબેડકરનું અપમાન કરવાનો આક્ષેપ કર્યો છે. જોકે ભાજપના નેતાઓએ આરોપોનું ખંડન કર્યું છે. વાસ્તવમાં બાબા સાહેબ આંબેડકર વિરુદ્ધ કથિત ટિપ્પણીના વિરોધમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાઉન્સિલરોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ એક પ્રસ્તાવ લાવ્યા હતા, જેમાં તેમના રાજીનામાની માંગ કરવામાં આવી હતી. જોકે આ મામલે ભાજપના કાઉન્સિલરો ગુસ્સે ભરાયા હતા અને તેઓએ પુરજોશમાં વિરોધ શરૂ કરી દીધો હતો. ત્યારબાદ સામ-સામે ભારે સૂત્રોચ્ચાર થયા, બબાલ શરૂ થઈ અને પછી હિંસક વિરોધ શરૂ થઈ ગયો, જેમાં કાઉન્સિલો મારામારી પર ઉતરી આવ્યા.

કોર્પોરેશનમાં વિવાદનું મૂળ કારણ નોમિનેટેડ કાઉન્સિલર અનિલ મસીહા છે. તેઓ કોંગ્રેસ અને આપના કાઉન્સિલરો પાસે પહોંચી ગયા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. બીજીતરફ બંને પક્ષોના કાઉન્સિલરો મસીહને વોટ ચોર કહી સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા, જેના કારણે મસીહા ગુસ્સે થયા અને તેઓ વેલમાં જતા રહ્યા હતા. તેઓ કોંગ્રેસ કાઉન્સિલરો સાથે ભીડાયા હતા અને કહ્યું કે, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સહિત કોંગ્રેસ પાર્ટીના અનેક નેતાઓ જામીન પર છે. ત્યારબાદ કોંગ્રેસ કાઉન્સલરોએ મસીહ સામે પોસ્ટરો લહેરાવવાના શરૂ કર્યા. આ દરમિયાન ભાજપના કાઉન્સિરોએ પોસ્ટર ખેંચવાનો પ્રયાસ કર્યો, ત્યારબાદ બંને તરફથી ધક્કા મુક્કી અને મારામારી શરૂ થઈ ગઈ.

ભારે હિમવર્ષા અને કડકડતી ઠંડીથી ઉત્તર ભારત ઠૂંઠવાયું, 1000 વાહનો ફસાયા

નવ વર્ષની ઉજવણી પહેલા, સમગ્ર દેશમાં ઠંડીનો કહેર યથાવત છે. ઉત્તર ભારતમાં પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે, જ્યારે મેદાની રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. આ બદલાતા હવામાનને કારણે લોકો કડકડતી ઠંડીનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને ઠંડી, કોલ્ડવેવ બાદ વરસાદે ઠંડીમાં વધારો કરી દીધો છે. ગાઢ ધુમ્મસના કારણે ઠંડીનો પ્રકોપ વધુ ગંભીર બન્યો છે. કાશ્મીર, હિમાચલ સહિત ઉત્તરાખંડના કેટલાક વિસ્તારમાં હિમવર્ષા પણ જોવા મળી છે. આ ઉપરાંત મનાલીમાં હિમાવર્ષા ટ્રાફિક જામનું કારણ બન્યું છે. ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં ગંગોત્રીધામ બરફ પડવાને કારણ બંધ રાખવાની ફરજ પડી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે શિમલા પણ બરફની ચાદરો ફેલાય ગઈ હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ભાર હિમ વર્ષાને પલગે પ્રાવસીઓમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સમયે હિમવર્ષાને કારણે શિમલા વિન્ટર વન્ડરલેન્ડ બની ગયું છે. રસ્તાઓ પર બરફ જમા થઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ-ચાર દિવસ સુધી ઉત્તર-પશ્ચિમ તરફથી આવતા બર્ફીલા પવનોને કારણે ઉત્તર ભારતમાં હિમવર્ષા, વરસાદ અને શીત લહેર થવાની સંભાવના છે. જેના કારણે સમગ્ર દેશમાં ઠંડી વધી રહી છે. મનાલી, કુલ્લુ, રોહતાંગ અને અન્ય ઘણા વિસ્તારોમાં ભારે હિમવર્ષાથી સંકટ વધી ગયું છે પરંતુ પ્રવાસીઓની ભીડ વધી છે. લગભગ 1000 વાહનો અટલ ટનલ પર ફસાયા હતા તેમને દૂર કરવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાને કારણે છેલ્લા 24 કલાકમાં 174 રાજ્ય અને 3 રાષ્ટ્રીય ધોરીમાર્ગો (NH 03, NH 305, NH 505) બંધ કરવામાં આવ્યા છે. 6 જિલ્લામાં 683 સ્થળોએ વીજળી ખોરવાઈ ગઈ છે. હિમવર્ષાને કારણે જાહેર સેવાઓ ખોરવાઈ ગઈ છે. ઉત્તરાખંડમાં પણ ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ તરફથી પણ ઘણા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત કાશ્મીરનું તાપમાન સતત ઘટાડો નોંધાય રહ્યો છે. હાલમાં રવિવારે રાત્રે શ્રીનગરમાં માઈનસ 3.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે પહેલગામમાં તાપમાન માઈનસ 5 ડિગ્રી રહ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બુધવાર સુધી તાપમાનમાં વધુ ઘટાડો આવવાની શક્યતા છે. આવું થવા પાછળનું હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને જવાબદાર ગણાવ્યું હતું.

ઉદગમ ટ્રસ્ટ દ્વારા ત્રિ દિવસીય શાસ્ત્રીય સંગીત સમારોહ યોજાયો

અમદાવાદ: ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વવિખ્યાત સિતારવાદક વિદુષી મંજુ નંદન મેહતાને સ્મરણાંજલિ આપવા ખાસ કાર્યક્રમ યોજાયો. ‘સ્વરમંજુષા’ નામનો આ ત્રિદિવસીય ધ્રુવ પર્વ-છઠ્ઠા ઉદગમ મ્યુઝિક ફેસ્ટિવલ તારીખ ૨૦ થી ૨૨ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ ગાંધીનગર સ્થિત આંબેડકર હોલ ગાંધીંનગર ખાતે યોજાયો હતો. ખાસ તો ગુજરાત સરકારના યુવા સેવા અને સંસ્કૃતિ વિભાગના કમિશ્નરના આર્થિક સહયોગથી તેમજ ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાતના સહકારથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.ઉદગમના મેનેજીંગ ટ્રસ્ટી ડો. મયુર જોષીએ ધ્રુવ પર્વ-છઠ્ઠા ઉદગમ મ્યુઝિક ફેસ્ટિવલમાં સૌનું શાબ્દિક સ્વાગત કરતા સંસ્થાના કાર્યોની માહિતી આપી હતી. ગાંધીનગરના આ એકમાત્ર શાસ્ત્રીય સંગીત સમારોહમાં સ્થાનિકથી લઈને વિવિધ આંતરરાષ્ટ્રીય કલાકરો ઉદગમ મ્યુઝિક ફેસ્ટિવલમાં પ્રસ્તુતિ રજૂ કરી. સાથે જ દરેક કલાકારે તેઓના મંજુ મેહતા સાથેના સ્મરણો વાગોળ્યા હતા.મુખ્ય મેહમાનપદે નવી દિલ્હીથી ખાસ યુનાઇટેડ નેશન ગ્લોબલ નેટવર્ક ઇન્ડિયાના રતનેશ  જહાં અને અતિથિ વિશેષમાં અંજના સુરેશ મેહતા કે જેઓ પર્યાવરણ, રિક્રિએશન અને સાંસ્કૃતિક કમિટીના ચેરમેન છે તેઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે ગાંધીનગર મહાનગર પાલિકાના પૂર્વી મેહતા અને યુનીડોના સી. કન્સલ્ટન્ટ ડો. ઉમેશ મેનનનું સ્વાગત કરવામાં આવ્યું હતું.વર્ષ ૨૦૨૪નું ઉદગમ કલા સમ્માન વૈષ્ણવાચાર્ય પં. પા. ગોસ્વામીજી રણછોડલાલજી અને ગાંધીનગરના બલવંત સિંધા ઉર્ફ બલ્લુનું આપવામાં આવ્યું હતું. સાથો-સાથ રતનેશ જહાંએ ભારતીય શાસ્ત્રીય સંગીતના પ્રચાર અને પ્રસાર માટેના આવા સુંદર આયોજન માટે ઉદગમની સરાહના સાથે અભિનંદન પાઠવ્યા હતા.ધ્રુવ પર્વ-છઠ્ઠા ઉદગમ મ્યુઝિક ફેસ્ટિવલના પ્રથમ દિવસે સપ્તક વિદ્યાર્થીના શિષ્યો દ્રષ્ટિ જૈન, વૈષ્ણવી શાહ, દ્રષ્ટિ આચર્યએ વાયોલિન-સિતાર જુગલબંધીની અદભુત પ્રસ્તુતિ કરી હતી. તેઓની સાથે તબલા પર ચિરાગ પરડિયાએ સંગત કરી હતી.વૈષ્ણવાચાર્ય પં. પા. ગોસ્વામીજી રણછોડલાલજી મહોદયશ્રી (આભરણબાવાશ્રી)એ સંસ્કૃતમાં હવેલી સંગીત પરંપરાનું પ્રબંધ ગાયનની ખુબ જ સુંદર પ્રસ્તુતિ કરી અને તેમની સાથે હેમંત ભટ્ટ-પખવાજ, શિશિર ભટ્ટ-હાર્મોનિયમ, અર્પિત માંડવિયા-સારંગી પર સંગત કરી હતી.તબલાનવાજ ઉસ્તાદ ઝાકિર હુસૈનને શ્રદ્ધાંજલિ આપવા પ્રસિદ્ધ તબલાવાદક  મુંજાલ મહેતાના શિષ્યો દેવર્ષ ત્રિવેદી, હિમજા ભોજક, રાકેશ વાણી, રાગ ગાંધી, સાથે અરુણ ઓઝાએ હાર્મોનિયમ પર સંગત કરીને પ્રેક્ષકોને સ્ટેન્ડિંગ ઓવેશન આપવા મજબુર કરી દીધા.બીજા દિવસે વૈષ્ણવાચાર્ય રસિકપ્રિતમજી મહોદય (લક્ષ્મણબાવાશ્રી), પખવાજ અને તેમની સાથે હાર્મોનિયમ પર શિશિરચંદ્ર ભટ્ટએ સંગત કરી હતી.

જયપુરથી આવેલ મંજુબેન મેહતાના ભત્રીજા અંકિત ભટ્ટે સુંદર સિતારવાદન કર્યું અને સપન અંજારિયાએ તબલા પર સાથ આપ્યો. અરવિંદ કેન્દ્રના વિધાર્થીઓએ પારૂલબેન મેહતાના નેતૃત્વમાં  ઋષિરાજ પરમાર, હિમાદ્રી જોષી, વિનીતા ભટ્ટ, પલ્લવી પટેલ, ધરણી દેસાઈ, અમીષા સોલંકી, ધ્રુવી બખરિયા ખુબ જ સુંદર ગાયનની પ્રસ્તુતિ કરી હતી.તેમની સાથે  મોહિત સુરાણી તબલા પર, હિમાંશુ ગાયકવાડ કી બોર્ડ પર, હાર્દિક ભટ્ટ હાર્મોનિયમ પર, જોન્ટી ઓક્ટોપેડ પર સંગત કરી હતી. બનારસથી પધારેલ મહિયર ઘરાનાના સિદ્ધિવીણા વાદક પં સિદ્ધાર્થ બેનર્જીએ સિદ્ધ વીણા વાદન સાથે રાકેશ વાણીએ તબલા પર અદભુત સંગત કરીને સહુ રસિકજનોને મંત્રમુગ્ધ કર્તયા હતા. દર્શકોએ વધુ વગાડવાનો આગ્રહ કરતા તેઓએ દાદરા વગાડીને મન મોહી લીધા.ત્રીજા દિવસે ઉપાસના સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ડાયરેકટર વિરાજ અમરએ ગાયનની પ્રસ્તુતિ કરી હતી. તેમની સાથે માતંગ પરીખ-તબલા પર, દીપેશ સુથાર હાર્મોનિયમ પર, વનરાજ શાસ્ત્રી સારંગી પર સાથ આપ્યો હતો. જોધપુરથી પધારેલ મહિયર ઘરાનાના માં અન્નપૂર્ણાના શિષ્ય વિશ્વવિખ્યાત સરોદ વાદક પં. બસંત કાબરા અદ્વિતિય સરોદ વાદન કર્યું અને સપન અંજારિયાએ ખુબ સુંદર તબલા સંગત કરી હતી.ગાંધીનગરના પિનાકીન વ્યાસે ખુબ સુંદર શાસ્ત્રીય ગાયન કરીને શ્રોતાઓને દાળ આપવા મજબુર કરી કર્યા અને તેમની સાથે તેમના સુપુત્ર દીપ વ્યાસે તબલા અને હાર્દિક ભટ્ટએ હાર્મોનિયમ પર સંગત કરી હતી.ધ્રુવ પર્વ- છઠ્ઠા ઉદગમ મ્યુઝિક ફેસ્ટિવલનું સુંદર સંચાલન પારૂલબેન મેહતાએ કર્યું હતું અને ડો. મયુર જોષીએ આભાર દર્શન કરીને આવતા વર્ષે ફરી ધ્રુવ પર્વ-સાતમા ઉદગમ મ્યુઝિક ફેસ્ટિવલમાં પધારવા આમંત્રણ આપ્યું હતું. કાર્યક્રમને સફળ બનાનવા શીશીરચન્દ્ર ભટ્ટ, આશાબેન સરવૈયા, જયપ્રકાશ ભટ્ટ, રાકેશ પટેલ સીતારામ, રાહુલ, હિરેન, દેવાંશુ, અંશ, આદ્રા. સાધના, કુલદીપ,  ફ્લોરિકાએ ભારે જેહમત ઉઠાવી હતી.

શાંતિ એશિયાટિક સ્કૂલમાં ‘આશાએં-૨૦૨૪’ કાર્યક્રમ યોજાયો

અમદાવાદ: બોપલ સ્થિત શાંતિ એશિયાટિક સ્કૂલ દ્વારા ચાર દિવસીય વિધ્યાર્થી મહોત્સવ “આશાએં’-૨૦૨૪” આયોજિત કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓમાં રહેલ આર્ટિસ્ટિક ટેલેન્ટને પ્લેટફોર્મ આપવાના હેતુ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દર બે વર્ષે યોજાતા આ મહોત્સવમાં ડ્રામા, મ્યુઝિક,  યોગા, ડાન્સ જેવા માધ્યમો દ્વારા ધોરણ એકથી બારના વિદ્યાર્થીઓ ભાગ લે છે. વિવિધ થીમ પર આધારિત મનોરંજક કાર્યક્રમો સાથે સાંસ્કૃતિક, સાંમપ્રત વિષયો તેમજ સામાજીક સંદેશ આપતા કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં સર્કસના વિવિધ એક્ટ, કલરફૂલ કોસ્ચ્યુમ્સ દર્શાવતું મ્યુઝિકલ ડ્રામા ‘ધ ગ્રેટ રોયલ સર્કસ એક્સ્ટ્રાવેગેન્ઝા’, ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે ટેક્નોલોજી અને ટ્રેડિશનલના ઈન્ટિગ્રેશન પર ભાર મૂકતા ‘ધ ઇકોઝ ઓફ ટાઈમ’, ભ્રષ્ટાચાર-મુક્ત ન્યુ ઈન્ડિયાના વિઝનને પ્રકાશિત કરતા અને સૈનિકોની ભૂમિકાની પ્રશંસા કરતા ‘યે નયા હિન્દુસ્તાન હૈ’, એકતા અને સાંસ્કૃતિક વિવિધતાના પ્રતિક રૂપે દર્શકોને કાશ્મીરથી કન્યાકુમારી સુધીની સફર પર લઈ જતી ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’, પરંપરાગત પરિવાર દ્વારા સામનો કરવામાં આવતા આધુનિક જીવનના સંઘર્ષો અને તેમની સમસ્યાઓના ઉકેલ માટે સ્ટિફન કોવેની સાત આદતોના સૂક્ષ્મ જોડાણને દર્શાવતી ‘રિશ્તેઃ અ બોન્ડ ઓફ લવ’ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત વિધ્યાર્થીઓ દ્વારા સુપ્રસિદ્ધ અને લોકપ્રિય કૃતિઓ “મન મોર બની થનગાટ કરે”, “રાજ મને લાગ્યો કસુંબીનો રંગ”, ” ચારણ કન્યા” પ્રસ્તુત કરવામાં આવી હતી. આ ચાર દિવસીય મહાઉત્સવ “આશાએં’-૨૦૨૪” માં છ હજારથી વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓએ હાજરી આપી હતી.

TRAIની મોટી જાહેરાતઃ કોલિંગ માટે લોન્ચ થશે ખાસ પ્લાન

જો તમે એવી પણ ફરિયાદ કરી રહ્યા હતા કે ફક્ત ઇનકમિંગ કૉલ્સ માટે કોઈ રિચાર્જ પ્લાન નથી અથવા જેમને માત્ર કૉલિંગની જરૂર છે તેમના માટે કોઈ રિચાર્જ પ્લાન નથી, તો તમારા માટે મોટા સમાચાર છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ સોમવારે ટેલિકોમ કન્ઝ્યુમર્સ પ્રોટેક્શન રેગ્યુલેશન્સમાં 12મો સુધારો જાહેર કર્યો છે. આ સુધારા હેઠળ, ભારતમાં ટેલિકોમ ઓપરેટરોએ ચોક્કસ સેવા માટે ચોક્કસ રિચાર્જ વાઉચર પ્રદાન કરવાની જરૂર પડશે એટલે કે ડેટા માટે અલગ પ્લાન અને કોલિંગ માટે અલગ પ્લાન.


ટ્રાઈના નવા નિયમો હેઠળ, ટેલિકોમ ઓપરેટરોએ વોઈસ અને એસએમએસ સેવાઓ માટે સ્પેશિયલ ટેરિફ વાઉચર્સ (એસટીવી) લોન્ચ કરવા પડશે. આ પગલાથી ગ્રાહકોને તેમની આવશ્યક સેવાઓ માટે ચૂકવણી કરવાનો વિકલ્પ મળશે. TRAI અનુસાર, તેનો 12મો સુધારો ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો અને ગ્રામીણ વિસ્તારોમાં રહેતા ગ્રાહકો માટે ફાયદાકારક રહેશે.

આ સુધારો STV અને કોમ્બો વાઉચર્સ (CV) ની માન્યતા વધારીને 365 દિવસ કરે છે, જ્યારે અગાઉ તેની માન્યતા માત્ર 90 દિવસ સુધી મર્યાદિત હતી એટલે કે વિશેષ યોજનાઓ હવે 90 દિવસને બદલે એક વર્ષની વેલિડિટી સાથે આવશે. આ પગલું ગ્રાહકોને લાંબા ગાળાની યોજનાઓ પસંદ કરવામાં મદદ કરશે.

નોટિસ મુજબ, સરકારે હવે વાઉચર્સના કલર-કોડિંગની જરૂરિયાતને દૂર કરી દીધી છે અને ઑનલાઇન રિચાર્જને પ્રોત્સાહન આપ્યું છે. આ ઉપરાંત, ટોપ-અપ વાઉચરનું મૂલ્ય જે પહેલા માત્ર 10 રૂપિયા સુધી મર્યાદિત હતું, તે હવે દૂર કરવામાં આવ્યું છે. હવે ટેલિકોમ ઓપરેટરો તેમની ઈચ્છા મુજબ વાઉચરનું મૂલ્ય પસંદ કરી શકે છે, જો કે તેમને ઓછામાં ઓછા રૂ. 10નું ટોપ-અપ વાઉચર ઑફર કરવું પડશે.

સુશાસન દિવસ પર રાજ્ય સરકારનો મોટો નિર્ણય, ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાનો ઘટાડો

‘સુશાસન દિવસ’ નિમિત્તે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા વીજ ગ્રાહકના હિતમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઓકટોબર 2024થી ડિસેમ્બર 2024માં વસૂલાત પાત્ર ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જે બીજો સુધારો ના થાય ત્યાં સુધી ચાલુ રહેશે તેમ,આજે ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું. ઊર્જા મંત્રી કનુ દેસાઈએ કહ્યું હતું કે,ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાના ઘટાડાના પરિણામે રાજ્યના અંદાજે 1.75 કરોડ ગ્રાહકોને ઓકટોબરથી ડિસેમ્બર 2024 દરમિયાન કરેલ વીજ વપરાશ ઉપર આશરે રૂ.1,120 કરોડનો લાભ થશે.

ઊર્જા મંત્રીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, ગુજરાત વીજ નિયમન આયોગ દ્વારા મંજૂર કરાયેલ ફ્યુઅલ સરચાર્જની ફોર્મ્યુલા મુજબ એપ્રિલ-2024થી સપ્ટેમ્બર 2024ના સંબંધિત ત્રિમાસિક સમયગાળા દરમિયાન વીજ બળતણના ભાવોમાં થયેલ ફેરફાર મુજબ રાજ્ય હસ્તકની વીજ વિતરણ કંપની દ્વારા ગ્રાહકો પાસેથી રૂ. 2.85 પ્રતિ યુનિટનો ફ્યુઅલ સરચાર્જ (FPPPA)ની વસૂલાત કરવામાં આવતી હતી. વધુમાં તેમણે કહ્યું કે, ઓકટોબર -2024 થી ડિસેમ્બર 2024ના પ્રવર્તમાન ત્રિમાસિક સમયગાળા દરમિ યાન પણ રૂ. 2.85 પ્રતિ યુનિટ ના દરે ફ્યુઅલ સરચાર્જ (FPPPA)ની વસૂલાત કરવામાં આવે છે. રાજ્ય સરકાર હસ્તકની વીજ વિતરણ કંપનીઓ દ્વારા ચાલુ વર્ષ દરમિયાન અસરકારક રીતે ફયુલ સરચાર્જનો દર જાળવી રાખ્યો છે. વધુમાં,ચાલુ નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન યોગ્ય અને કાર્યક્ષમ વીજ ખરીદના સંચાલન અને સ્થિર વીજ ખરીદના દરને ધ્યાને લઇ, રાજ્ય સરકાર દ્વારા ગ્રાહકોના વિશાળ હિતમાં ફ્યુઅલ સરચાર્જના દરમાં પ્રતિ યુનિટ 40 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જે મુજબ તા. 01.10.2024થી પ્રવર્તમાન ત્રિમાસિક સમય ગાળા દરમિયાન કરેલ વીજ વપરાશ ઉપર ગ્રાહકોને પ્રતિ યુનિટ 40 પૈસાનો લાભ થશે. વધુમાં તેમણે ઉમેર્યું કે,ઓકટોબરથી ડિસેમ્બર 2024ના ગાળામાં આ ફ્યુઅલ સરચાર્જનો દર રૂ. 2.85થી ઘટાડીને રૂ. 2.45 પ્રતિ યુનિટના દરની વસૂલાત કરવામાં આવશે.આ ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાના ઘટાડાના પરિણામે રાજ્યના અંદાજે 1.75 કરોડ ગ્રાહકોને ઓકટોબરથી ડીસેમ્બર 2024 દરમ્યાન કરેલ વીજ વપરાશ ઉપર આશરે રૂ 1120 કરોડનો લાભ થશે. વધુમાં,જે રહેણાંકીય ગ્રાહકો દ્વારા માસિક 100 યુનિટનો વીજ વપરાશ કરવામાં આવે છે, તેવા કિસ્સામાં ઉપરોક્ત ફ્યુઅલ સરચાર્જના ઘટાડાને પરિણામે અંદાજે રૂ 50 થી ૬0/-ની માસિક બચત થશે તેમ, મંત્રીએ વધુ વિગતો આપતાં ઉમેર્યું હતું.

આર. જી. કર રેપ-મર્ડર કેસ, ફોરેન્સિક રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

કોલકાતા: આર. જી. કર હોસ્પિટલમાં ટ્રેઈની ડોક્ટરના બળાત્કાર અને હત્યા મામલે નવો ખુલાસો થયો છે. આ ઘટના બાદ જે જગ્યાએ સમગ્ર ઘટના બની હતી તે સ્થળની ફોરેન્સિક તપાસ કરવામાં આવી હતી. હાલમાં આ ફોરેન્સિક રિપોર્ટ આ તપાસનો રિપોર્ટ CBIને સોંપવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં જે જાણકારી સોંપવામાં આવી છે તે ચોંકાવનારી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, હોસ્પિટલના જે સેમિનાર હોલમાં મહિલા ડોક્ટરની લાશ મળી હતી. ત્યાં ઝપાઝપીના કોઈ પુરાવા નથી મળ્યા. એટલે કે ત્યાંથી એવો કોઈ પુરાવો નથી મળ્યો કે, ઘટનાસ્થળ પર આરોપી અને મહિલા ડોક્ટર વચ્ચે કોઈ સંઘર્ષ થયો હતો.

ઘટના સ્થળથી ઝપાઝપીના પુરાવા મળ્યા નથી

ફોરન્સિકના 12 પાનાના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સેમિનાર હોલમાં એવા કોઈ પુરાવા મળ્યા નથી. જેથી સાબિત થાય કે પીડિતા પર રેપ અને તેની હત્યા કરવામાં આવી હોય. રિપોર્ટના 12મા પેજની છેલ્લી લાઈનમાં લખવામાં આવ્યું છે કે, જ્યાંથી ડોક્ટર યુવતીનો મૃતદેહ મળ્યો હતો ત્યાંથી સંઘર્ષના કોઈ પુરાવા મળ્યા નથી. જે ગાદલા પર મૃતદેહ પડેલો હતો તેના પર કોઈપણ પ્રકારની ઝપાઝપીના નિશાન મળ્યા નથી.

જેના કારણે ડોક્ટર યુવતીનો રેપ- હત્યા બીજે ક્યાંક થઈ છે કે કેમ તેવા સવાલો ઉઠી રહ્યા છે. માથા અને પેટની નીચે ગાદલા પર લોહીના નિશાન મળી આવ્યા હતા. જેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે લાશ બીજે ક્યાંકથી લાવવામાં આવી છે.રહસ્ય વધુ ઘેરાયું

CFSLની ટીમે રિપોર્ટમાં એમ પણ જણાવ્યું છે કે, લાકડાના મંચ પર રાખવામાં આવેલા ગાદલા સિવાય ફ્લોરના કોઈપણ ભાગમાં અથવા તેની આસપાસ કોઈ જૈવિક ડાઘ (Biological Stains) જોવા મળ્યો નથી. આ ઉપરાંત વાદળી ચાદરવાળા લાકડાના ટેબલ પર કોઈ જૈવિક ડાઘ નથી મળ્યો. આ ફોરેન્સિક રિપોર્ટ બાદ આર. જી. કર હોસ્પિટલમાં ટ્રેઈની ડોક્ટર સાથે રેપ અને હત્યાના કેસનું રહસ્ય વધુ ઘેરાયું છે.

રિપોર્ટના પોઈન્ટ 4 અને 5 સૌથી મહત્ત્તવપૂર્ણ

આ રિપોર્ટના પોઈન્ટ 4 અને 5 સૌથી વધુ મહત્ત્તવપૂર્ણ છે. પોઈન્ટ નંબર 4માં લખ્યું છે કે, ઘટના સ્થળ પર ઝપાઝપીનું કોઈ નિશાન મળ્યું નથી. તો બીજી તરફ પોઈન્ટ નંબર 5માં લખ્યું છે કે, કોઈની પણ નજરમાં આવ્યા વિના આરોપીની ઘટના સ્થળ પર પ્રવેશ કરવાની શક્યતા નહીવત છે. મુખ્ય આરોપી સંજય રોય પોલીસ કસ્ટડીમાં

ગત 8મી ઓગસ્ટના રોજ ટ્રેઈની ડોક્ટર પર રેપ અને ત્યાર બાદ હત્યા કરવામાં આવી હતી. આ કેસની તપાસ CBI કરી રહી છે. મુખ્ય આરોપી સંજય રોય પોલીસ કસ્ટડીમાં છે. એજન્સીએ 7 ઓક્ટોબરે જ સ્પેશિયલ CBI કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી છે.

4 કલાકની પૂછપરછ બાદ અલ્લુ અર્જુન પોલીસ સ્ટેશનથી નીકળ્યો

હૈદરાબાદ પોલીસે તેલુગુ અભિનેતા અલ્લુ અર્જુનની પૂછપરછ પૂર્ણ કરી છે. પોલીસે લગભગ 4 કલાક સુધી અભિનેતાની પૂછપરછ કરી. પોલીસના સવાલોના જવાબ આપ્યા બાદ અલ્લુ અર્જુન હવે પોતાના ઘરે જવા રવાના થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે પુષ્પા-2ના પ્રમોશન દરમિયાન થિયેટરમાં થયેલી નાસભાગ મામલે અલ્લુ અર્જુનની પૂછપરછ કરવામાં આવી હતી.

આ મામલામાં અલ્લુ અર્જુનની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ એક રાત જેલમાં વિતાવ્યા બાદ જ તેને જામીન મળ્યા હતા. 4 ડિસેમ્બરે હૈદરાબાદના સિનેમા થિયેટરમાં પુષ્પા-2ના પ્રમોશન દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી. જેમાં એક મહિલાનું મોત થયું હતું.