Home Blog Page 1235

સુવિચાર – ૨૩ ડિસેમ્બર ૨૦૨૪

૨૩ ડિસેમ્બર ૨૦૨૪

સદગુરુ : ઈચ્છાઓ અને જરૂરિયાતો

પ્રશ્ન: સદગુરુ, હું અધ્યાત્મિક માર્ગ પર છું, તો શું મારે મારી બીજી જરૂરિયાતો અને ઈચ્છાઓ જેમ કે ખોરાક, સેક્સ અને ઊંઘ પૂરી ન કરવી જોઈએ?

સદગુરુ: તમે તમારી મૂળભૂત જરૂરિયાતોને અનાવશ્યક ઈચ્છાઓ માનીને એક મૂંઝવણ ઉભી કરી રહ્યાં છો. ખોરાક અને ઊંઘ મૂળભૂત જરૂરિયાતો છે. તમે તેની  ઈચ્છા નથી કરતા. જયારે તમે થાકેલા હો ત્યારે સુઈ જાઓ છો અને જયારે તમે ભૂખ્યા હો ત્યારે જમો છો. આ વસ્તુઓ જીવવા માટે આવશ્યક છે.

આ બે વસ્તુઓને બાદ કરતાં, ચાલો આપણે તમારી બીજી ઈચ્છાને સંબોધીએ જેનો તમે ઉલ્લેખ કર્યો છે અને તે છે: સેક્સુઅલિટી કે લૈંગિકતા. તમારી ઈચ્છા સેક્સ માટે નથી. એક બાબત એ છે કે તમારા હોર્મોન્સ (એટલે કે ઇન્દ્રિયોને ઉત્તેજિત કરનાર પદાર્થ) તમારી બુદ્ધિને બંદી બનાવી લીધી છે. બીજી બાજુ જોઈએ તો સેક્સ સાથે ઘણો આનંદ જોડાયેલો છે. વળી પાછું, એક ભાગ એવો પણ છે જ્યાં તમે કોઈની સાથે એકરૂપ બનવા સખત પ્રયાસ કરી રહ્યાં છો. પરંતુ, તમે ભલે ગમે તેટલો પ્રયાસ કરો, સેક્સ આ રીતે કામ નહીં કરે. તમે તમારા શરીરને આમ ભેગાં કરીને, કોઈની સાથે એક નહીં બની શકો. તમે કાં તો આ વસ્તુ તમારી મરણ પથારી પર સમજશો કાં તો તમે તેને અત્યારે સમજીને અન્ય રીતો શોધો જે તમારી માટે કાર્યરત બને.

હવે તમે પૂછશો, “ઓહ, તો શું હું આ જતું કરું?” કોઈ વસ્તુને જતું કરવાની જરૂર નથી. જેમ મેં પહેલાં કહ્યું એમ, જયારે તમે એક બાળક હતાં, શું તમારી પાસે પોતાની કોઈ ઢીંગલી હતી? ચાલો આપણે માની લઈએ કે તમારી પાસે તમારું એક ટેડ્ડી બેર અથવા તો બાર્બી ડોલ હતી કે બીજું કંઈપણ, એવું કંઈ જે હંમેશા તમારી સાથે રહેતું હતું. હવે તમારી પાસે આ ટેડ્ડી બેર હતું. એક સમયે તમારા જીવનમાં આ ટેડ્ડી બેરનું મહત્ત્વ તમારી માતા, તમારા પિતા, ભગવાન કે આ ત્રણેય એક સાથે હોવા, કરતાં પણ વધુ હતું, ખરુંને? અમૂક સમયે તમારા જીવનમાં, તે સમયે, માનો કે મેં તમને કહ્યું હોત, “જુઓ, આ ટેડ્ડી બેર તો માત્ર રૂથી ભરેલું છે, તેમાં શું મોટી વાત છે? ચાલો આપણે આ વાહિયાત વસ્તુને ફેંકી દઈએ” શું તમે મારી વાત સાંભળી હોત? બિલકુલ નહીં. પરંતુ જેમ જેમ તમે મોટા થયાં અને જગતની બીજી બાબતો વિષે જાણતા થયા, તેમ તમારા બાળપણની ઢીંગલી કરતા બીજી વસ્તુઓમાં વધારે રસ પાડવા લાગ્યો. એટલી હદે કે હવે તમને કદાચ ખ્યાલ પણ નહીં હોય કે તે ઢીંગલી હવે ક્યાં પડી છે. તેથી એક સમયે જે વસ્તુ તમારા જીવનમાં તમારી સૌથી વધુ કિંમતી હતી તે આજે કાં તો ગેરહાજર છે કાં તો ફેંકી દેવાઈ છે અને તમને તેનાથી કોઈ ફરક નથી પડતો. તેની ગેરહાજરીથી તમને કોઈ ફરક નથી પડતો.

આવું જ કંઈક ઈચ્છાઓ સાથે પણ થાય છે. તમે અમુક ટેડ્ડી બેર ઉપર આજે અટકી જાઓ છો કારણ કે તમને તેનાથી વિશેષ કંઈ ખબર કે જાણ નથી. જો અત્યારે તમને તેનાં કરતા કોઈ મોટા પરિમાણનો સ્વાદ મળે તો તમારી પાસે રહેલી ઈચ્છાઓ રૂપી આ મામુલી ઢીંગલીઓ કુદરતી રીતે પડતી મુકાશે. અને સૌથી શ્રેષ્ટ વસ્તુ એ છે કે તમારે તેને છોડવી નહીં પડે તે આપમેળે છુટી જશે. અધ્યાત્મિક માર્ગ પર માત્ર બેસીને શ્વાસોચ્છવાસ કરવું તે પોતાનામાં- બીજી કોઈપણ વસ્તુ જે તમારી જાણમાં હોય તેનાં કરતાં- લાખોગણું વધુ આશ્ચર્યજનક અને મોહક છે. માત્ર અહીં બેસીને શ્વાસોચ્છવાસ વિષે કલ્પના કરો. એકવાર તમને આવી કોઈ ઉચ્ચ વસ્તુનો આનંદ મળે તો શું તમે કોઈ તુચ્છ વસ્તુ માટે સંમત થશો?

(સદગુરુ, જગ્ગી વાસુદેવ)

ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્‍ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્‍ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે 4 અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.0

પંચાંગ 23/12/2024

અમદાવાદ : પ્રથમ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી

અમદાવાદ: યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ 21 ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ તરીકે જાહેર કર્યો છે, જેનો હેતુ ધ્યાન અને તેના ફાયદાઓ વિશે જાગૃતિ ફેલાવવાનો છે. બ્રહ્માકુમારી સંસ્થા સમગ્ર વિશ્વમાં ધ્યાનનો પ્રચાર કરવામાં અગ્રેસર છે. રાજયોગ ધ્યાન દ્વારા બ્રહ્માકુમારી બહેનો લાખો લોકોને આંતરિક શાંતિ, આત્મ-જાગૃતિ અને આધ્યાત્મિક પ્રગતિ તરફ માર્ગદર્શન આપે છે.

પ્રથમ વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે બ્રહ્મા કુમારીઝ મહાદેવ નગર અમદાવાદ દ્વારા “મેડીટેશનની વિધિ અને સિદ્ધિ” આ વિષય પર વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાઈ-બહેનો જોડાયા હતા. બીકે નીલઝરીબેને સૂત્ર સંચાલન કર્યું હતું


રાજયોગિની બ્રહ્મા કુમારી વિનયનાબેને દરેકને રાજયોગ વિશે જણાવ્યું અને સમજાવ્યું કે આત્મા એ ચૈતન્ય છે જે આપણા શરીરને ચલાવે છે. સાથે સાથે તેમણે મન અને બુદ્ધિના સુમેળપૂર્ણ કાર્ય દ્વારા હકારાત્મક ક્રિયાઓને કેવી રીતે પ્રોત્સાહન આપી શકાય તેની વિસ્તૃત માહિતી આપી. તેમણે એ પણ સમજાવ્યું કે આંતરિક શાંતિ એ આત્માની કુદરતી ગુણવત્તા છે અને ધ્યાનની નિયમિત પ્રેક્ટિસ દ્વારા આ શાંતિ વૈશ્વિક સંવાદિતા તરફ એક મહત્વપૂર્ણ પગલું બની શકે છે. આંતરિક શાંતિ અને વૈશ્વિક સંવાદિતા આ વર્ષના ધ્યાન દિવસની મુખ્ય થીમ છે.

આ દેશોમાં થાય છે ક્રિસમસની અનોખી ઉજવણી!

25 ડિસેમ્બરે સમગ્ર વિશ્વમાં ક્રિસમસની ઉજવણી કરવામાં આવશે. ઘણા લોકો અત્યારથી જ એની તૈયારી કરી રહ્યા છે. અનેક લોકોએ તો ફરવાના પ્લાન પણ બનાવી દીધા હશે કે, ક્યાં પાર્ટી કરવી અને ક્યાં ફરવા જવું.

આમ તો અમેરિકા, યુરોપ જેવા ક્રિશ્ચિયન બહુમતી વસતી ધરાવતા દેશોમાં ખૂબ જ ધામધૂમથી ક્રિસમસને ઉજવવામાં આવે છે, પરંતુ આજે અહીં એવા દેશો વિશે વાત કરીએ, જ્યાં વિશેષ રીતે નાતાલની ઉજવણી કરવામાં આવે છે.

 

જર્મની

જર્મની એના ક્રિસમસ બજારો, વ્યંજન અને વિશેષ સજાવટ માટે જાણીતું છે. જર્મનીમાં, ક્રિસમસની ઉજવણી નાતાલના આગળના દિવસે થાય છે. એટલે કે ગિફ્ટ અને પાર્ટીનું આયોજન 25 ડિસેમ્બરની જગ્યાએ 24 ડિસેમ્બરે કરવામાં આવે છે.

પોલેન્ડ

પોલેન્ડમાં પણ નાતાલની ઉજવણીની જુદી જ પરંપરા જોવા મળે છે. અહીં નાતાલની પૂર્વસંધ્યાએ 12 પ્રકારના વ્યંજન બનાવવામાં આવે છે. જે ઈસુના 12 શિષ્યોના પ્રતિનિધિત્વને દર્શાવે છે. સ્થાનિક ચર્ચમાં મધ્યરાત્રિના સમૂહ પાસ્ટરકા (ધાર્મિક કાર્યક્રમ) સાથે ભોજન સમાપ્ત થાય છે. આ વિશેષ ઉજવણીમાં અન્ય દેશોના સહેલાણીઓ પણ આવે છે.

આઈસલેન્ડ

આઈસલેન્ડમાં ક્રિસમસ દરમિયાન યુલની ઉજવણી કરે છે. હજારો વર્ષો પહેલા શિયાળાના દિવસોમાં યુલ ઉત્સવ ઉજવવામાં આવતો. એટલે કે શિયાળાનો સૌથી ટૂંકો દિવસ અને સૌથી લાંબી રાત્રિની ઉજવણી. આ ઉત્સવના ભાગરૂપે બાળકો ઘરના દરવાજા કે બારી આગળ પગરખાં લટકાવે છે. એવી માન્યતા છે કે ક્રિસમસના દિવસોમાં યુલના દેવતા આ પગરખાંમાં ભેટ મૂકી જાય છે. વર્તમાન સમયમાં યુલની કેટલીક પરંપરાઓ, જેમ કે યુલ લોગ, ઝાડની સજાવટ, અને ભેટ આપવાની રીત, આધુનિક ક્રિસમસમાં જોડાઈ ગઈ છે.

જાપાન

જાપાન એ પરંપરાગત રીતે ખ્રિસ્તી દેશ ન હોવા છતાં, ત્યાંના લોકોએ ઘણી પશ્ચિમી ક્રિસમસ પરંપરાઓ અપનાવી છે. અહીં ક્રિસમસનો મહિમા પશ્ચિમી દેશોની સરખામણીમાં અલગ રીતે ઉજવવામાં આવે છે. અહીંના લોકો  મોટે ભાગે ધાર્મિક નહીં પરંતુ સામાજિક અને સાંસ્કૃતિક રીતે ક્રિસમસની ઉજવણી કરી નવા વર્ષને આવકારે છે. એટલું જ નહીં આ દિવસે જાપાનમાં પર કેન્ટકી ફ્રાઇડ ચિકન (KFC) ખાવાનો એક અનોખો રિવાજ છે. 1970ના દાયકાની એડવર્ટાઇઝિંગ કેમ્પેઇન “Krismas ni a Kentaki” (ક્રિસમસ માટે કેન્ટકી) પછી, લોકો આ દિવસે ફ્રાઇડ ચિકન ખાવું પસંદ કરે છે. ઘણા લોકો અગાઉથી ઓર્ડર આપે છે!

નોર્વે

નોર્વેમાં પરંપરાગત  વ્યંજન અને પહેરવેશ સાથે નાતાલની ઉજવણી કરવામાં આવે છે. નોર્વેમાં ક્રિસમસને જુલ તરીકે ઓળખવામાં આવે છે. નવેમ્બર મહિનાના પહેલા શનિવારથી એડવેંટ શરૂ થાય છે. ત્યારથી નોર્વેજીયન પોતાના ઘરને ડેકોરેટ કરવાનું શરૂ કરે છે. આ ઉપરાંત ક્રિસમસના દિવસે ખાસ રિમ્બે અને પિનકોટ( ડુંગળીનું નોનવેજ શાક) બનાવવામાં આવે છે. નાતાલના દિવસે નોર્વેમાં ખાસ રિસક્રેમ(ચોખાના પાનની) નામની મીઠાઈ બનાવવાની પણ પરંપરા છે. “સેન્ટ લુસિયા દિવસ” નોર્વેની ક્રિસમસ પરંપરાનો ખાસ ભાગ છે. એ દિવસે બાળકો સફેદ કપડાં પહેરીને મીણબત્તી પ્રજવલીત કરે છે.

કોલંબિયા

ક્રિસમસ પહેલા એટલે કે, 16થી 24 ડિસેમ્બર સુધી “નવેસ” નામના પ્રાર્થનાના કાર્યક્રમો થાય છે. જેમાં  સમગ્ર પરિવાર ભેગા થાય છે અને ઈસુ ખ્રિસ્તના જન્મ માટે પ્રાર્થના કરે છે. જે દરમિયાન ખાસ પ્રકારના ગીતો ગાવાની પરંપરા છે. કોલંબિયામાં ક્રિસમસની ઉજવણીના ભાગરૂપે 7 ડિસેમ્બરનો દિવસ “Dia de las Velitas” તરીકે ઓળખાય છે, જ્યાં લોકો ઘર, રસ્તાઓ અને બગીચાઓને દીવાઓથી સુશોભિત કરે છે. આ દિવસ માતા મેરીના ગૌરવ માટે સમર્પિત છે. કોલંબિયાના શહેર ખાસ કરીને મેડલિન “એલુમ્બ્રાડોસ” તરીકે જાણીતા ઉજ્જવળ પ્રકાશ માટે વિશ્વ વિખ્યાત છે. જેમાં શહેરના મુખ્ય માર્ગ, પાર્ક અને નદીના કિનારાને દિવાથી શણગારવામાં આવે છે.

એસ્ટોનિયા

એસ્ટોનિયાની સૌથી પ્રાચીન અને અનોખી પરંપરા ક્રિસમસ પહેલાં સ્નાન માટે સૌના પર જવાની છે. આ સૌના શારીરિક અને માનસિક શુદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. પરિવારના દરેક સભ્ય સૌનામાં સાથે જાય છે. આ ઉપરાંત એસ્ટોનિયાના ક્રિસમસ ટ્રી પણ વિશ્વ ખ્યાતિ ધરાવે છે. ઇસવિસન 1441માં પ્રથમ વખત એ ટાલીન શહેરમાં મૂકાયા હતા.  વિશ્વના સૌથી જૂના ક્રિસમસ ટ્રી સ્થાપવાનો રેકોર્ડ પણ ધરાવે છે. આ પરંપરાની દર વર્ષે ટાલીન ટાઉન સ્કેવરમાં ઉજવણી થાય છે. જે ક્રિસમસના તહેવારને વિશેષ બનાવે છે.

ચેક રિપબ્લિક

ચેક રિપબ્લિક મધ્ય યુરોપમાં આવેલું છે. આ દેશ ક્રિસમસના તહેવાર માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. ચેક રિપબ્લિકમાં નાતાલના તહેવારને સ્થાનિક ભાષામાં “વેનોસ” કહેવામાં આવે છે. જે એક જાદુઈ સમય ગણાય છે. નાતાલની શરૂઆત અહીં 5મી ડિસેમ્બરથી થાય છે, જે દિવસ “સેન્ટ નિકોલસ ડે” તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે બાળકોને મુલાકાત આપવા માટે સેન્ટ નિકોલસ એન્જલ્સ અને ડેવિલ્સ સાથે આવે છે. સારા બાળકોને ઇનામ મળે છે, જ્યારે મસ્તીખોર બાળકોને હળવાશથી ઠપકો આપવામાં આવે છે. આ ઉપરાંત ચેક રિપબ્લિકનું પ્રાગ જે યુનેસ્કોના વિશ્વ ઐતિહાસિક સ્થળ તરીકે જાણીતું છે. ત્યાંનું ઓલ્ડ ટાઉન સ્ક્વેર એની વિખ્યાત ક્રિસમસ માર્કેટ માટે એક મુખ્ય આકર્ષણ છે. અહીં લોકોએ પરંપરાગત ખોરાક, પીણાં અને સુંદર હસ્તકલાની વસ્તુ ખરીદવા માટે આવે છે.

કેનેડા

કેનેડામાં શિયાળાની સુંદર હિમવર્ષામાં ક્રિસમસની ઉજવણીમાં રંગબેરંગી પ્રકાશ અને શણગારની વિશેષ ભૂમિકા રહે છે. દરેક શહેરના ઘર અને જાહેર સ્થળોને રોશનીથી શણગારવામાં આવે છે. નાયગ્રા ફોલ્સના ફેસ્ટિવલ ઓફ લાઈટ્સ ખાસ આકર્ષણ છે, જ્યાં હજારો લાઇટ્સ અને થીમ આધારિત ડિસ્પ્લે લોકોનું ધ્યાન ખેંચે છે.

કેનેડાની વૈવિધ્યસભર સંસ્કૃતિ ક્રિસમસની ઉજવણીને અનોખી બનાવે છે. ફ્રેંચ-કેનેડિયન સમુદાયમાં “રેવિઓન” નામનું રાત્રિભોજન અને મધ્યરાત્રિના પ્રાર્થનાની મુખ્ય પરંપરા છે. આઈરિશ અને સ્કોટિશ સમુદાયોમાં લોકગીતો અને પરંપરાગત નૃત્ય દ્વારા તહેવારની મજા વધારવામાં આવે છે. ટોરન્ટોમાં યોજાતી “સાન્ટા ક્લોઝ પરેડ” ક્રિસમસ તહેવારનું મુખ્ય આકર્ષણ છે, જેમાં રંગબેરંગી પ્લોટ્સ અને મ્યુઝિકલ બેન્ડ હોય છે. ક્રિસમસ ટ્રીની વાત કરીએ તો કેનેડાના ઠંડા હવામાનમાં કુદરતી ફિર્લ ટ્રી ખૂબ લોકપ્રિય છે. આ વૃક્ષોને રોશની, સ્ટાર અને રંગીન શણગારો દ્વારા સુંદર બનાવવામાં આવે છે. વિવિધ પ્રાંતો અને સમુદાય દ્વારા ઉજવાતા આ તહેવાર કેનેડાના વૈવિધ્ય ભર્યા જીવનશૈલીને ઉજાગર કરે છે.

ડેન્માર્ક

ડેન્માર્કમાં ક્રિસમસ ખાસ “જુલ” તરીકે ઉજવાય છે, જે 24 ડિસેમ્બરના ઇવથી શરુ થાય છે. આ અવસર પર, પરિવારના સભ્યો એકબીજાને ભેટો આપીને અને એક સાથે ભોજન કરી આનંદ માને છે. જેમાં “એમ્બ્રોસિયા” (રાઇસ પુડિંગ) અને “દેનિશ પેસ્ટ્રી” જેવી વાનગીઓ વિશેષ છે. આ દિવસે લોકો “ગ્લૂગી” (મોલ્ડ વાઇન) પીવું પસંદ કરે છે. સમગ્ર વિશ્વમાં સંભવત ડેન્માર્કમાં જ ક્રિસમસ ટ્રીને સોના અને ચાંદીની ઘૂઘરી અનોખા આલંકારથી સજાવવામાં આવે  છે.

આ દેશોમાં નથી ઉજવાતી ક્રિસમસ

અફઘાનિસ્તાનઃ આ એક એવો દેશ છે, જ્યાં આજ-કાલ નહીં પરંતુ વર્ષોથી ક્રિસમસની ઉજવણી જ કરવામાં નથી આવતી. લોકોનું માનવું છે કે, અહીંના લોકો ક્રિસમસ પર મસ્તી-ધમાલ અને પાર્ટીનો વિરોધ કરે છે. એટલે જ અહીં ક્રિસમસની ઉજવણી નથી થતી.

લીબિયાઃ આફ્રિકન મહાદ્વિપ લીબિયા એક એવો દેશ છે, જ્યાં આજ-કાલથી નહીં, પરંતુ વર્ષોથી ક્રિસમસની ઉજવણી કરવામાં નથી આવતી. એવું માનવામાં આવે છે કે, ક્રિસમસ નિમિત્તે અહીંના લોકો સ્થાનિક તહેવારોને ઉજવે છે.

પાકિસ્તાનઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં 25 ડિસેમ્બર એટલે કે, ક્રિસમસની ઉજવણી નથી થતી. અહીં 25 ડિસેમ્બરની રજા તો હોય છે, પરંતુ આ દિવસે દેશના સંસ્થાપક મોહમ્મદ અલી જિન્નાની જયંતિ રૂપે ઉજવવામાં આવે છે. જો કે, દેશના કેટલાક ભાગોમાં ક્રિસમસની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ મોટા પાયે નહીં.

સોમાલિયાઃ આફ્રિકન દેશ સોમાલિયા એક એવો દેશ છે, જ્યાં ક્રિસમસને ઉજવવામાં નથી આવતી. આ દેશ બાબતે એવું કહેવાય છે કે, લગભગ 2015 ની આસપાસ ધાર્મિક કાનૂન લાગતાં ક્રિસમસ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

ઈરાનઃ મધ્ય પૂર્વના આ દેશમાં ક્રિસમસની ઉજવણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અહીં ધાર્મિક ભાવના અને કારણોથી ઘણા લોકો ક્રિસમસની ઉજવણી જ નથી કરતા.

આ ઉપરાંત ભૂટાન, બહરીન, કંબોડિયા, ઉઝ્બેકિસ્તાન, ઈઝરાયલ અને તુર્કી જેવા દેશોમાં પણ ક્રિસમસની ઉજવણી કરવામાં નથી આવતી.

 

હેતલ રાવ

હવે અહીં થશે ઓશોના જીવન-કવન પર કાર્ય…

હમણાં 11 ડિસેમ્બરે જેમનો જન્મદિવસ ઉજવાયો એ આચાર્ય રજનીશ ઓશો તરીકે ઓળખાતા. ઓશોના કહેવા પ્રમાણે, આ નામ અમેરિકન માનસશાસ્ત્રી વિલિયમ જેમ્સના શબ્દ ‘ઓશીયાનિક’ માંથી લેવાયેલું, જેનો એક અર્થ થાય છે ભાવસાગરમાં વિલીન થઇ જવું.

1931માં 11 ડિસેમ્બરના રોજ જન્મેલા ઓશોનું શરીર વિલીન થયાને પાંત્રીસ વર્ષ (19 જાન્યુઆરી, 1990) થયા, પણ દેશ-વિદેશમાં ફેલાયેલા એમના અસંખ્ય અનુયાયીઓ માટે તો એ એમના ભાવજગતમાં આજે પણ જીવંત છે. વીસમી સદીમાં ભારતના કેટલાક શ્રેષ્ઠ વિચારકોમાં જેમનો સમાવેશ થાય છે એ ઓશો એમના ક્રાંતિકારી વિચારો અને તેજાબી ભાષણો માટે જાણીતા હતા. પરંપરાગત અને રૂઢીચુસ્તો સામે એમણે કરેલા સવાલો આજે પણ એટલા જ પ્રસ્તુત છે એ વાત તો એમના વિરોધીઓ ય કબૂલે છે.

(અહીં રચાશે ઓશો ચેર) 

આવા ઓશોના ચાહકો માટે એક ખુશખબર છે. ખુશખબર એ છે કે ભાવનગરની સ્વામી સહજાનંદ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટમાં ઓશોના જીવન-કવન પર વધારે સંશોધન થાય એ હેતુથી વિશેષ ઓશો ચેર શરૂ થઇ રહી છે. આગામી 23 જાન્યુઆરીના રોજ ઓશોના નાનાભાઇ પાણીપતસ્થિત ડો. શેખર અને પૂણેસ્થિત ઓશોના ચિત્રકાર ભત્રીજી પ્રતીક્ષા અપૂર્વની ઉપસ્થિતિમાં આ ચેરનું ઉદઘાટન થશે. ચેરના દાતા અને ઓશોના અનુયાયી અમેરિકાસ્થિત સ્વામી રમણ પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેશે.

સ્વામી રમણ ચિત્રલેખા.કોમ સાથેની વાતચીતમાં કહે છે, ‘હું કોલેજમાં ભણતો એ દિવસોમાં જ ઓશોના પ્રવચનો-વિચારોના પરિચયમાં આવ્યો. એ વિચારોએ મારા જીવનને નવી દિશા આપી એટલે મને થયું કે યુવાવસ્થામાં જે એનર્જી હોય છે એને ચેનેલાઇઝ કરવા માટે સ્પષ્ટ દિશા મળવી જરૂરી છે. મને યુવાવસ્થામાં જે મળ્યું એ જો હું આજના યુવાનોને ભેટ આપી શકું તો એનાથી વધારે સારુ બીજુ શું હોઇ શકે?’

(સ્વામી રમણ) 

ભાવનગર જિલ્લાના નાના સૂરકા ગામના વતની સ્વામી રમણનું મૂળ નામ રમણિકભાઇ શામજીભાઇ વાઘાણી. વર્ષ 1977માં ખેતીવાડી કોલેજમાં ભણતા ત્યારે એનસીસીની ટીમના કેપ્ટન તરીકે પૂના જવાનું થયું ત્યારે ઓશો કમ્યુનની મુલાકાતે ગયેલા. ઓશોને મળ્યા અને એ ચુંબકીય વ્યક્તિત્વની આભામાં તણાઇ ગયા. અત્યાર સુધી ધર્મ, અધ્યાત્મ કે વિધિવિધાનની વાતોમાં ક્યારેય ન માનતા એવા રમણિકભાઇ ઓશો વિચારથી દૂર ન રહી શક્યા. પાછળથી સંન્યાસ લઇને સ્વામી રમણ નામ ધારણ કર્યું.

હાલ અમેરિકાના નોર્થ કેરોલિનાના રાલે સિટીમાં રહેતા સ્વામી રમણના પત્નિ, સંતાનો, એમના ભાઇ-બહેનો મળીને આખો પરિવાર ઓશો સાથે જોડાયેલો છે. પરિવાર દ્વારા ઓશો સંગમ ટ્રસ્ટ બનાવાયું છે, જે ઓશો ધ્યાન-સત્સંગ ઉપરાંત આ પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે.

આમ તો સ્વામી રમણ અગાઉ ભાવનગર યુનિવર્સિટીમાં જ ઓશો ચેર માટે ડોનેશન આપી ચૂક્યા છે, પણ છેલ્લે એ ભાવનગર આવ્યા ત્યારે આ કોલેજના ફાઉન્ડર ટ્રસ્ટી સુરેશ સવાણી અને પ્રિન્સિપાલ હેતલ મહેતા સાથે મુલાકાત થઇ. કોલેજની શિસ્ત અને વ્યવસ્થા જોઇને એ પ્રભાવિત થયા અને એમાંથી વિચાર આવ્યો કે ઓશો ચેર માટે જે વધારે પ્રવૃત્તિ કરવાની જરૂર છે એ આ કોલેજમાં સારી રીતે થઇ શકશે.

(ફાઉન્ડર ટ્રસ્ટી સુરેશ સવાણી)

કોલેજના ટ્રસ્ટી સુરેશ સવાણી અને પ્રિન્સિપાલ હેતલ મહેતા કહે છે, ‘આ ચેર અંતર્ગત ઓશોના વિચારો અંગે વધારે સંશોધન થાય, નિયમિત રીતે વ્યાખ્યાનમાળા યોજાય અને વર્ષ દરમ્યાન કોઇકને કોઇક પ્રવૃત્તિ સતત ચાલતી રહે એવું કરવા માગીએ છીએ.’

હાલ કોલેજની લાઇબ્રેરીમાં ઓશોના પુસ્તકો, ઓડિયો-વિડીયો મટીરિયલ સાથે એક વિશેષ કોર્નર તૈયાર કરાયો છે. ચેર શરૂ શશે એ પછી ખાસ રૂમ તૈયાર કરીને અહીં ઓશો વિચારને લગતી પ્રવૃત્તિઓ હાથ ધરાશે.

(પ્રિન્સિપાલ ડો. હેતલ મહેતા) 

ઓશો માટે કહેવાય છે કે, એ નથી જન્મ્યા કે નથી મૃત્યુ પામ્યા. 11 ડિસેમ્બર 1931 થી 19 જાન્યુઆરી 1990 સુધી એ આ પૃથ્વી પર કેવળ આગંતુક હતા. એક એવા આગંતુક, જે ફક્ત 59 વર્ષની આયુમાં જે કાંઇ બોલ્યા એના પડઘા હજુ પણ વિચાર-વમળો સર્જ્યા કરે છે. ભાવનગરની કોલેજમાં શરૂ થઇ રહેલી આ ચેર એની સાબિતી છે.

 

ભર શિયાળે આંધી તુફાન સાથે વરસાદની આગાહી

દેશભરમાં તીવ્ર ઠંડીએ લોકો ધ્રૂજી ઉઠ્યા છે. કેટલીક જગ્યાએ તાપમાન માઈનસમાં છે તો કેટલીક જગ્યાએ ઠંડીના કારણે લોકો થરથરી રહ્યા છે. કેટલીક જગ્યાએ વરસાદના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગઈકાલે ઉત્તરાખંડના પિથોરાગઢના ધારચુલામાં ભૂસ્ખલન થયું હતું જેના કારણે નેશનલ હાઈવે બ્લોક થઈ ગયો હતો. જમ્મુ-કાશ્મીરમાં 40 દિવસની તીવ્ર ઠંડીનો સમયગાળો ચિલ્લાઇ કલાન શરૂ થયો છે. શ્રીનગરમાં 133 વર્ષમાં ત્રીજી વખત તાપમાન -8.5 ડિગ્રી નોંધાયું છે. ઉત્તર ભારત ઠંડીની લહેર અને ગાઢ ધુમ્મસની લપેટમાં છે. દક્ષિણ ભારતમાં વરસાદનો કહેર છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) એ 28 ડિસેમ્બર સુધી હવામાનની અપડેટ આપી છે. સાયક્લોનિક સર્ક્યુલેશનની સાથે સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં પલટો આવશે. 27 થી 31 ડિસેમ્બર સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રહેશે. પહાડી રાજ્યોમાં હિમવર્ષા થશે અને મેદાની રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે, જેના કારણે પીગળતી ઠંડી જોવા મળી શકે છે. ચાલો જાણીએ કે દેશભરમાં હવામાન કેવું છે અને ભવિષ્યમાં હવામાન કેવું રહેશે?

દેશમાં નવીનતમ હવામાન પરિસ્થિતિઓ

હવામાન વિભાગના અહેવાલ મુજબ, પશ્ચિમ મધ્ય અને દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશરનું ક્ષેત્ર હતું, જે પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી પર કેન્દ્રિત થયું છે. આ હવામાન પરિસ્થિતિઓ વિશાખાપટ્ટનમ (આંધ્રપ્રદેશ) ના 430 કિમી દક્ષિણ-દક્ષિણ પૂર્વમાં, ચેન્નાઈ (તામિલનાડુ) ના 480 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વમાં અને ગોપાલપુર (ઓડિશા) થી 590 કિમી દક્ષિણમાં છે.

હવે આ સિસ્ટમ પૂર્વ-ઉત્તર-પૂર્વ તરફ આગળ વધે તેવી શક્યતા છે, જે આગામી 12 કલાકમાં દરિયાની ઉપર ધીરે ધીરે નબળી પડી જશે. એક ચક્રવાત પરિભ્રમણ દક્ષિણ રાજસ્થાન અને તેની આસપાસ નીચલા ઉષ્ણકટિબંધીય સ્તરે સ્થિત છે. મધ્ય ઉષ્ણકટિબંધીય સ્તરે એક તાજી પશ્ચિમી વિક્ષેપ ઇરાક પર સ્થિત છે.

ભારેથી અતિભારે વરસાદની આગાહી

આ હવામાન પરિસ્થિતિઓને કારણે, દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ અને કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. અન્ય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 26 ડિસેમ્બરની રાતથી ઉત્તર પશ્ચિમ ભારતને અસર કરી શકે છે. તેના પ્રભાવ હેઠળ, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર ચક્રવાતી પરિભ્રમણ રચાય તેવી શક્યતા છે.

28 ડિસેમ્બર સુધીમાં, અરબી સમુદ્ર તેમજ બંગાળની ખાડીમાંથી ભેજથી ભરેલા પવનો વધશે, જેના કારણે પશ્ચિમ હિમાલય વિસ્તારમાં ભારે વરસાદ અને હિમવર્ષા થશે. ઉત્તર-પશ્ચિમ ભારત અને મધ્ય ભારતના મેદાની વિસ્તારોમાં પણ છૂટાછવાયાથી ભારે વરસાદની સંભાવના છે. પંજાબ, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં ગાજવીજ સાથે કરા પડવાની પણ શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, પંજાબ, રાજસ્થાન, હરિયાણા, ઝારખંડ, ઓડિશા, ગંગા પશ્ચિમ બંગાળ, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ અને મેઘાલયમાં શીત લહેર સાથે ગાઢ ધુમ્મસ થઈ શકે છે.

દિલ્હીમાં વરસાદની શક્યતા

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં હળવા ધુમ્મસ સાથે તીવ્ર ઠંડી છે. તાજેતરમાં કોલ્ડવેવ અને સૂકી ઠંડીના કારણે લઘુત્તમ તાપમાન 5 ડિગ્રીએ પહોંચી ગયું હતું. શનિવારે પણ મહત્તમ તાપમાન 23.4 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 7.6 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગે 26 ડિસેમ્બર બાદ દિલ્હીમાં વરસાદનું એલર્ટ આપ્યું છે. દિલ્હીમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન 21 થી 23 ° સે અને 7 થી 9 ° સે વચ્ચે રહે છે.

જયપુર ટેન્કર અકસ્માત પર રાજસ્થાન હાઈકોર્ટ આકરાપાણીએ

ઉચ્ચ સ્તરે સુરક્ષા પગલાંની સમીક્ષા કરવામાં આવી રહી છે. સીએમ ભજનલાલ શર્માએ શનિવારે અધિકારીઓ સાથે બેઠક કરીને સ્થિતિની સમીક્ષા કરી હતી. જયપુર પોલીસ કમિશનરે અકસ્માતની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે SITની રચના કરી છે. આ સાથે જ સીએમ ભજનલાલ શર્માએ પણ આજે મુખ્યમંત્રી આવાસ પર માર્ગ સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા અને અકસ્માત નિયંત્રણ માટે અધિકારીઓ સાથે બેઠક કરી છે. રાજ્ય સરકારે મૃતકોના પરિવારને 5-5 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. તે જ સમયે, કેન્દ્ર સરકારે દરેકને 2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

ભારતનું ટેન્શન વધ્યું, રોહિત શર્મા ઈજાગ્રસ્ત થયો

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT) 2024-25 હેઠળ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. આ ટેસ્ટ સિરીઝ હાલમાં 1-1 થી બરાબર છે. હવે બંને દેશો વચ્ચે શ્રેણીની ચોથી ટેસ્ટ મેચ 26 ડિસેમ્બરથી મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે રમાશે. ભારતીય ટીમ મેલબોર્ન ટેસ્ટ માટે પ્રેક્ટિસમાં વ્યસ્ત છે. ભારતીય ખેલાડીઓએ 22 ડિસેમ્બરના રોજ પ્રેક્ટિસ સેશનમાં પણ ભાગ લીધો હતો. જો કે આ દરમિયાન ભારતીય ટીમનું ટેન્શન પણ વધી ગયું હતું. વાસ્તવમાં પ્રેક્ટિસ દરમિયાન રોહિતને ઘૂંટણમાં ઈજા થઈ હતી. ભારતીય ટીમના થ્રો ડાઉન નિષ્ણાત દયાનંદ ગરાણી દ્વારા ફેંકવામાં આવેલો બોલ રોહિતના ડાબા ઘૂંટણમાં વાગ્યો હતો.

આવી સ્થિતિમાં રોહિત શર્મા ખૂબ જ પીડામાં જોવા મળ્યો હતો. જોકે, ફિઝિયોએ તરત જ આઈસ પેક લગાવી દીધું. રોહિતને ચાલવામાં થોડી તકલીફ પડી રહી હતી. જોકે રોહિત હવે ઠીક છે. એવી આશા છે કે રોહિત મેલબોર્ન ટેસ્ટ માટે સંપૂર્ણ રીતે ફિટ થઈ જશે. જો રોહિત કમનસીબે મેલબોર્ન ટેસ્ટમાંથી બહાર થઈ જાય તો જસપ્રીત બુમરાહ કેપ્ટનશિપ કરતો જોવા મળી શકે છે.

જો જોવામાં આવે તો રોહિત શર્મા આ શ્રેણીમાં ખૂબ જ ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો છે. વર્તમાન શ્રેણીમાં રોહિતે અત્યાર સુધી ત્રણ ઇનિંગ્સમાં માત્ર 19 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેની એવરેજ 6.33 રહી છે. રોહિત શર્મા બીજી વખત પિતા બનવાને કારણે પર્થ ટેસ્ટમાં પ્લેઇંગ-11નો ભાગ નહોતો, જ્યાં ભારતીય ટીમે 295 રનથી જીત મેળવી હતી.

ત્યારબાદ રોહિતે એડિલેડ ટેસ્ટમાં ભાગ લીધો હતો, જ્યાં તે પ્રથમ દાવમાં 3 રન અને બીજા દાવમાં 6 રન બનાવી શક્યો હતો. એડિલેડ ટેસ્ટમાં ભારતીય ટીમને 10 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ બ્રિસ્બેનના ગાબા મેદાન પર રમાયેલી ટેસ્ટમાં રોહિતના બેટમાંથી 10 રન આવ્યા હતા. તે મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી.