Home Blog Page 1244

શ્રી શ્રી રવિ શંકરનું ‘વિશ્વ ધ્યાન દિવસ’ નિમિત્તે સંયુક્ત રાષ્ટ્રમાં મુખ્ય પ્રવચન

બેંગાલુરૂ: આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિ શંકર 21મી ડિસેમ્બરના રોજ એક લાઈવ વિશ્વ ધ્યાન સત્રનું માર્ગદર્શન કરશે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 21મી ડિસેમ્બરને ‘વિશ્વ ધ્યાન દિવસ’ તરીકે જાહેર કરવાના પ્રસ્તાવને સર્વાનુમતે સ્વીકાર કર્યો છે. ત્યાર બાદ આ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક ઘટના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટેના ધ્યાનના પરિવર્તનકારી લાભો તેમજ શાંતિ અને એકતાને પ્રોત્સાહન આપવાની તેની ક્ષમતાની ઓળખાણ કરાવે છે.ન્યૂયોર્કમાં સંયુક્તરાષ્ટ્ર ખાતે ભારતનું સ્થાયી સમૂહ 21 ડિસેમ્બર, 2024ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલય ખાતે પ્રથમ વખત વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રમાં આ યાદગાર કાર્યક્રમમાં શ્રી શ્રી રવિ શંકરનું પ્રવચન આકર્ષણનું કેન્દ્ર રહેશે. આ મહત્વપૂર્ણ અવસર, “વૈશ્વિક શાંતિ અને સંવાદિતા માટે ધ્યાન” વિષય પર, પ્રથમ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરશે.

શ્રી શ્રી રવિ શંકરએ આ પ્રસંગે જણાવ્યું કે “સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ધ્યાનની માન્યતા એ એક ગહન અને મહત્વપૂર્ણ પગલું છે. ધ્યાન આત્માને પોષણ આપે છે, મનને શાંતિ આપે છે અને આધુનિક પડકારોનું નિરાકરણ લાવે છે.”21મી ડિસેમ્બરે શ્રી શ્રી રવિ શંકર વૈશ્વિક અધિકારીઓ, જેમાં સંયુક્ત રાષ્ટ્રના વરિષ્ઠ નેતાઓ, રાજદૂત અને આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે, તેમને સંબોધન કરશે અને ધ્યાનની મહત્ત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકશે જે શાંતિ અને એકતા માટે જરૂરી  છે. આ કાર્યક્રમનું વિશ્વવ્યાપી લાઈવસ્ટ્રીમ કરવાનું આયોજન કરાશે.

વિશ્વ ધ્યાન દિવસ મહત્વપૂર્ણ કેમ છે?

સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા વિશ્વ ધ્યાન દિવસને સર્વસંમતિથી અપનાવવો એ ધ્યાનની સંભવિતતાની સ્વીકૃતિ છે. જે આધુનિક જીવનના પડકારો જેવાકે – તણાવ અને હિંસાથી લઈને સમાજમાં વિશ્વાસ અને સંબંધોમાં સામંજસ્યના ધોવાણનો સામનો કરવાની ક્ષમતામાં વૃદ્ધિ કરે છે. શ્રી શ્રી રવિ શંકરે 180 દેશોમાં ધ્યાનના ફાયદા ફેલાવવા માટે 43 વર્ષ સમર્પિત કર્યા છે. તેઓ માને છે કે ધ્યાન માનસિક સ્પષ્ટતા, ભાવનાત્મક સ્થિતિસ્થાપકતા અને સામાજિક સંવાદિતા વિકસાવવાનું સૌથી અસરકારક માધ્યમ છે.શ્રી શ્રી રવિ શંકરે શ્રીલંકા, ઈરાક, વેનેઝુએલા અને કોલંબિયા જેવા સંઘર્ષગ્રસ્ત દેશોમાં મધ્યસ્થી અને શાંતિ વાટાઘાટોનું નેતૃત્વ કર્યું છે, જ્યાં તેમને FARC અને કોલંબિયન સરકાર વચ્ચેના 52 વર્ષ લાંબા સંઘર્ષને સમાપ્ત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવવાનો શ્રેય આપવામાં આવે છે. ભૌગોલિક રાજકીય સંઘર્ષોથી લઈને વ્યક્તિગત સંકટો સુધી, ધ્યાન એક સાર્વત્રિક ઉકેલ પ્રદાન કરે છે. જે રાષ્ટ્રીયતા, સંસ્કૃતિ અને વિશ્વાસની સીમાઓથી પરે છે.

મેલબોર્ન એરપોર્ટ પર હંગામો! કોહલી કોના પર ગુસ્સે થયો?

વિરાટ કોહલી વિશે એક આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા છે. મેલબોર્ન એરપોર્ટ પર કોહલી સાથે વિવાદ થયો હતો. રિપોર્ટ્સ અનુસાર વિરાટ મેલબોર્ન એરપોર્ટ પર હાજર ટીવી પત્રકારો પર ગુસ્સે થઈ ગયો હતો. કોહલીએ વિનંતી કરી હતી કે ફોટોગ્રાફ્સ કે વીડિયો ન લેવામાં આવે. પરંતુ તેમ છતાં તે વીડિયો બનાવવાને લઈને નારાજ થઈ ગયો. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સીરીઝની ચોથી મેચ મેલબોર્નમાં રમાવાની છે.

વાસ્તવમાં ટીમ ઈન્ડિયા ગુરુવારે બ્રિસબેનથી મેલબોર્ન પહોંચી હતી. એરપોર્ટ પર વિદેશી મીડિયાના ઘણા પત્રકારો હાજર હતા. ETના એક સમાચાર મુજબ કોહલીનો પરિવાર પણ મેલબોર્ન પહોંચી ગયો છે. અહીં તેમણે પત્રકારોને ફોટો કે વીડિયો ન લેવા વિનંતી કરી હતી. પરંતુ તેઓ આ માટે સંમત ન હતા. આનાથી કોહલી નારાજ થઈ ગયો અને તેણે આ અંગે નારાજગી વ્યક્ત કરી. કોહલીએ કહ્યું, “હું મારા બાળકો સાથે પ્રાઈવસી ઈચ્છું છું. મારી સંમતિ વિના તમે ફિલ્માંકન નહીં કરી શકો.

કોહલી પરિવારની ગોપનીયતાનું ધ્યાન રાખે છે 

વિરાટ પોતાના પરિવારને લઈને ખૂબ જ સંવેદનશીલ છે. તેમની પુત્રી વામિકાના જન્મ પછી પણ તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં ગોપનીયતાનું ધ્યાન રાખવા વિનંતી કરી હતી. આ વાતનો તેમણે ઘણી વખત ઉલ્લેખ કર્યો છે. વિરાટ પોતાના પરિવારને મીડિયાથી દૂર રાખવાનું પસંદ કરે છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી રમાઈ રહી છે. તેની પ્રથમ મેચ ભારતે 295 રને જીતી હતી. જ્યારે બીજી મેચ 10 વિકેટે જીતી હતી. ત્રીજી ટેસ્ટ ડ્રો રહી હતી. હવે ચોથી મેચ મેલબોર્નમાં રમાશે. આ મેચ 26 ડિસેમ્બરથી રમાશે. આ પછી, શ્રેણીની પાંચમી અને છેલ્લી મેચ 3 જાન્યુઆરીથી રમાશે.

PM મોદીએ ધક્કામુક્કીમાં ઘાયલ સાંસદો સાથે વાત કરી

સંસદ સંકુલમાં થયેલી મારામારીમાં ભાજપના બે સાંસદો ઘાયલ થયા છે. આ સાંસદોમાં એક પ્રતાપ સારંગી અને બીજાનું નામ મુકેશ રાજપૂત છે. પીએમ મોદીએ હોસ્પિટલમાં દાખલ મુકેશ રાજપૂત સાથે વાત કરી છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મુકેશ રાજપૂત ઘાયલ અવસ્થામાં વ્હીલ ચેર પર બેઠો છે. તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરવા માટે ફોન હાથમાં લે છે. આ દરમિયાન પીએમ મોદીએ તેમને પૂછ્યું કે હવે તેમની તબિયત કેવી છે. આ અંગે મુકેશ રાજપૂતનું કહેવું છે કે તેમની તબિયત સારી છે, પરંતુ તેમને અત્યારે ચક્કર આવી રહ્યા છે.

સંપૂર્ણ સારવાર લો, ઉતાવળ ન કરો: PM મોદી

મુકેશ રાજપૂતે પીએમ મોદીને પોતાની સ્થિતિ જણાવી તે પછી વડાપ્રધાને તેમને કહ્યું કે, ‘સંપૂર્ણ કાળજી રાખો, જરા પણ ઉતાવળ ન કરો અને સંપૂર્ણ સારવાર લો.’ તેમની વાતચીતનો વીડિયો પણ સામે આવ્યો છે. તમને જણાવી દઈએ કે આજે સંસદ સંકુલમાં પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ અને ભાજપના સાંસદો વચ્ચે મારામારી થઈ હતી.

બે સાંસદોને ધક્કો મારીને ઘાયલ કરવાનો આરોપ

ભાજપનો આરોપ છે કે કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટીના બે સાંસદોને ધક્કો મારીને ઘાયલ કર્યા હતા. ધક્કામુક્કીની ઘટનામાં ઘાયલ થયેલા બે સાંસદોની હાલત વધુ ખરાબ થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. જો કે કોંગ્રેસે ભાજપના આ આરોપને સંપૂર્ણપણે ફગાવી દીધો છે. ઉલટાનું કોંગ્રેસે ભાજપ પર આરોપ લગાવ્યો છે કે ભાજપના સાંસદોએ તેમના સાંસદોને ધક્કો માર્યો હતો, જેમાં મલ્લિકાર્જુન ખડગે ઈજાથી બચી ગયા હતા.

કેટલીન સાન્દ્રાના સરે મિસ ઈન્ડિયા USA 2024નો તાજ

અમેરિકા: મિસ ઈન્ડિયા USA 2024ની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય-અમેરિકન કેટલિન સાન્દ્રા નીલના સરે જીતનો તાજ મુકવામાં આવ્યો છે. કેટલિન એ ભારતીય મૂળની અમેરિકન કિશોરી છે. જેનો જન્મ ચેન્નાઈમાં થયો હતો. ન્યુ જર્સીમાં મિસ ઈન્ડિયા USA 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. કેટલિન છેલ્લા 14 વર્ષથી અમેરિકામાં રહે છે. તે વેબ ડિઝાઇનર બનવા માંગે છે. આ સિવાય તે એક મોડલિંગ છે અને એક્ટિંગ પણ કરે છે.કેટલીન સાન્દ્રા નીલ 19 વર્ષની છે અને કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. મીડિયા સાથે વાત કરતા સમયે, કેટલિન કહે છે કે તે તે ભારતીય સમુદાય પર હકારાત્મક અસર કરવા માંગે છે અને મહિલા સશક્તિકરણ અને સાક્ષરતા ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે.મિસ ઈન્ડિયા યુએસએ 2023નો તાજ કૈટલીને પહેરાવ્યોઈન્ડિયા ફેસ્ટિવલ કમિટી (IFC) દ્વારા આયોજિત આ સ્પર્ધામાં ઈલિનોઈસની સંસ્કૃતિ શર્માને મિસિસ ઈન્ડિયા યુએસએ અને વોશિંગ્ટનની અર્શિતા કઠપાલિયાએ મિસ ટીન ઈન્ડિયા યુ.એસ.એ.નો ખિતાબ જીત્યો હતો. રિજુલ મૈની (મિસ ઈન્ડિયા USA 2023) અને સ્નેહા નામ્બિયાર (મિસિસ ઈન્ડિયા USA 2023)એ કેટલિન સાન્દ્રા નીલ અને સંસ્કૃતિ શર્માને તાજ પહેરાવ્યો.મિસ ઈન્ડિયા યુએસએની રનર અપ કોણ બની?

મિસ ઈન્ડિયા USA સ્પર્ધામાં ઈલિનોઈસની નિરાલી દેસિયા અને ન્યુ જર્સીની માનિની ​​પટેલ ફર્સ્ટ રનર અપ અને સેકન્ડ રનર અપ જાહેર થયા હતા. વર્જીનિયાના સપના મિશ્રા અને કનેક્ટિકટના ચિન્મય અયાચિતને મિસિસ ઈન્ડિયા યુએસએ સ્પર્ધામાં પ્રથમ અને દ્વિતીય રનર અપ જાહેર કરવામાં આવ્યા હતા.

તેને અપમાનિત કરવામાં આવતો હતોઃ અશ્વિનના પિતાનો દાવો

નવી દિલ્હીઃ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ બ્રિસ્બેનમાં સંન્યાસ લઈને સૌને ચોંકાવી દીધા હતા. અશ્વિનના પિતા રવિચંદ્રને આરોપ લગાવ્યો હતો કે તેમના પુત્રને સતત અપમાનિત કરવામાં આવતો હતો, જેને કારણે ઓસ્ટ્રેલિયા પ્રવાસના અધવચ્ચે તેને સંન્યાસ લેવાની ફરજ પડી હતી.

મને પણ છેલ્લી મિનિટે માલૂમ પડ્યું હતું કે મને ખબર નથી તેના દિમાગમાં શું ચાલી રહ્યું છે, પણ તેણે સંન્યાસ લેવા પાછળનું સટિક કારણ નહોતું જણાવ્યું. તેણે સંકેત આપ્યા હતા. તેના શાનદાર રેકોર્ડ છતાં તેને પ્લેઇંગ 11માં નિયમિત જગ્યા નહોતી મળતી. જેથી તેને તેનું અપમાન થઈ રહ્યાનું સતત લાગતું હતું. જોકે સંન્યાસ લેવા એતેની ઇચ્છા હતી. હું એમાં હસ્તક્ષેપ નથી કરી શકતો. માત્ર તે જ જાણે છે. કદાચ અપમાન થયું હશે.રસપ્રદ વાત એ છે કે કેપટન રોહિત શર્માએ બુધવારે કહ્યું હતું કે અશ્વિન થોડા સમયથી સંન્યાસ લેવાનું વિચારે છે. પણ અશ્વિનના પરિવારના હજી પણ આઘાત અનુભવી રહ્યો છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની ઘોષણા કર્યાના એક દિવસ પછી આર. અશ્વિન સ્વદેશ પરત ફર્યો, ત્યારે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્ર બાદ તેણે તેના નિર્ણય પર કોઈ પણ પ્રકારનો ખેદ વ્યક્ત નહોતો કર્યો. જોકે અશ્વિને એક મહિના અગાઉથી જ નિવૃત્તિ લેવાની યોજના બનાવી હતી. તેણે ટીમ મેનેજમેન્ટને સ્પષ્ટ કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન મને પ્લેઈંગ-11માં સ્થાન ન મળે અને ટીમમાં મારી જરૂર ન હોય તો હું નિવૃત્તિ લઈ લઉં તો સારું રહેશે.

ઓફ સ્પિનર​ અશ્વિને ટીમ ઈન્ડિયા માટે કુલ 287 મેચ રમી છે. જેમાંથી તેણે 106 ટેસ્ટ મેચમાં કુલ 537 વિકેટ લીધી છે. તેને 200 ઇનિંગ્સમાં બોલિંગ કરવાની તક મળી. તે 37 વખત પાંચ વિકેટ ઝડપવામાં સફળ રહ્યો છે, જ્યારે 8 વખત તે મેચમાં 10 કે તેથી વધુ વિકેટ લેવામાં સફળ રહ્યો છે. તેની શ્રેષ્ઠ બોલિંગમાં 59 રનમાં 7 વિકેટ અને મેચમાં 140 રનમાં 13 વિકેટ છે. આ સાથે જ તેણે 116 વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં 156 વિકેટ લીધી છે. T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તેણે 65 મેચમાં 72 વિકેટ ઝડપી હતી.

Year Ender 2024: વર્ષ 2024માં બનેલી આ ઘટનાઓએ વિશ્વને કરી અસર

મુંબઈ: વર્ષ 2024 જવાની તૈયારીમાં છે અને વિશ્વ નવા વર્ષને આવકારવા તૈયાર છે. વર્ષ 2024 ના છેલ્લા થોડા દિવસો બાકી છે, તેથી આ વર્ષની ઘટનાઓ પર એક નજર કરવાનો સમય છે. વર્ષ 2024 માં, વિશ્વએ ઘણા ગંભીર સંકટોનો સામનો કરવો પડ્યો. વિશ્વભરમાં ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓ અને અકસ્માતો થયા છે. આ ઘટનાઓની અસર લાંબા સમય સુધી જોવા મળશે. તે કુદરતી હોય કે માનવસર્જિત. જાણીએ 2024ની મુખ્ય ઘટનાઓ પર એક નજર કરીએ.

Photo: IANS

ભૂકંપઃ વર્ષ 2024માં ઘણી જગ્યાએ પ્રકૃતિના વિનાશનો સામનો કરવો પડ્યો હતો. જાન્યુઆરી 2024માં ટોક્યોમાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપથી આખું શહેર હચમચી ગયું હતું અને ઘણી ઇમારતો ધરાશાયી થઈ ગઈ હતી. હજારો લોકો બેઘર બન્યા અને સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા. ભૂકંપ પછી આવેલા આફ્ટરશોક્સે પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી દીધી હતી. માત્ર જાપાનમાં જ નહીં, અમેરિકાથી અફઘાનિસ્તાન સુધી વિશ્વના તમામ ભાગોમાં ભૂકંપના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો.

યુદ્ધ અને સંઘર્ષ: 2024 માં ઘણા દેશોમાં યુદ્ધ અને સંઘર્ષ ચાલુ રહ્યા. યુક્રેન અને રશિયા વચ્ચેના સંઘર્ષમાં હજારો લોકો માર્યા ગયા છે અને લાખો લોકો વિસ્થાપિત થયા છે. એ જ રીતે મધ્ય પૂર્વમાં સીરિયા અને યમન અગ્રણી સાથે સંઘર્ષ ચાલુ રહ્યો. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ હજુ પણ ચાલુ છે. એક સમય એવો આવ્યો જ્યારે દુનિયાને લાગ્યું કે ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ વધી શકે છે.

સ્થળાંતર કટોકટી: આફ્રિકા અને મધ્ય પૂર્વના ઘણા ભાગોમાં ચાલી રહેલા સંઘર્ષ અને અસ્થિરતાને કારણે સ્થળાંતર કટોકટી વધુ ઊંડી બની છે. યુરોપ અને અન્ય વિકસિત દેશોમાં શરણાર્થીઓની સંખ્યામાં ભારે વધારો જોવા મળ્યો. દરિયામાં પ્રવાસીઓથી ભરેલી બોટ ડૂબી અને સેંકડો લોકો માર્યા ગયા ત્યારે ઘણી વખત આવા અકસ્માતો જોવા મળ્યા હતા.

રોગચાળો: COVID-19 ના નવા પ્રકારો સાથે, 2024 માં અન્ય એક જીવલેણ રોગચાળો ફટકો પડ્યો. આ રોગચાળો આફ્રિકા અને એશિયાના ઘણા ભાગોમાં ફેલાયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ, 12 જૂન, 2024 સુધીમાં, વિશ્વભરમાં મંકીપોક્સના 97,281 કેસ નોંધાયા હતા. એટલું જ નહીં મંકીપોક્સના કારણે દુનિયામાં 208 લોકોએ જીવ ગુમાવવો પડ્યો હતો. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ તેને મહામારી જાહેર કરી હતી.

આરોગ્ય સંકટ: આફ્રિકાના ઘણા ભાગોમાં ઇબોલા અને અન્ય ચેપી રોગોનો પ્રકોપ ચાલુ રહ્યો, હજારો લોકોને અસર થઈ. આફ્રિકા બાદ ફિલિપાઈન્સમાં પણ એક કેસ જોવા મળ્યો હતો. આ રોગ ગિનીના દૂરના વિસ્તાર ડીજેરેકોરમાં ઉદ્ભવ્યો હતો, પરંતુ લાખો લોકોને તેની અસર થઈ છે.

પર્યાવરણીય પ્રદૂષણ: 2024માં વિશ્વભરમાં પ્રદૂષણનું સ્તર વધ્યુ. ચીન, ભારત અને અન્ય વિકાસશીલ દેશોમાં પ્રદૂષણને કારણે સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી છે. યુનિસેફ અને ‘હેલ્થ ઇફેક્ટ્સ ઇન્સ્ટિટ્યૂટ’ (HEI) દ્વારા જાહેર કરાયેલ સંયુક્ત રિપોર્ટ ‘સ્ટેટ ઑફ ધ ગ્લોબલ એર-2024’માં જણાવવામાં આવ્યું હતું કે 2021માં સમગ્ર વિશ્વમાં વાયુ પ્રદૂષણને કારણે કુલ 81 લાખ લોકોના મોત થયા હતા અને તે સૌથી આઘાતજનક છે. વાત એ છે કે આ 81 લાખ લોકોમાંથી 7.09 લાખ લોકો પ્રદૂષિત હવાના કારણે મૃત્યુ પામ્યા છે તે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો હતા.

આબોહવા પરિવર્તન: આબોહવા પરિવર્તનને કારણે હિમનદીઓ પીગળી છે, દરિયાની સપાટીમાં વધારો થયો છે અને વધુ ને વધુ કુદરતી આફતો આવી છે. ક્લાઈમેટ ચેન્જ પરના નવા વિશ્લેષણાત્મક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે જો ગ્લોબલ વોર્મિંગનું સ્તર 2 ડિગ્રી સેલ્સિયસ અથવા તેનાથી વધુ પહોંચશે તો આગામી સદીમાં એક અબજ લોકો મૃત્યુ પામશે.

બ્રિટનમાં માતાની હત્યાના આરોપમાં ભારતીય મૂળના વ્યક્તિને આજીવન કેદ

લંડન: 48 વર્ષીય ભારતીય મૂળના સિનદીપ સિંહને તેની માતાની હત્યા કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો છે. 76 વર્ષીય ભજન કૌરની પૂર્વી ઈંગ્લેન્ડના લેસ્ટરમાં તેમના ઘરે હત્યા કરવામાં આવી હતી. આ દુ:ખદ ઘટના 13 મેના રોજ બની હતી. ઘટનાસ્થળે પહોંચેલી લેસ્ટરશાયર પોલીસને ભજન કૌર માથા અને ચહેરા પર ગંભીર ઈજાઓ સાથે મળી હતી. લેસ્ટર ક્રાઉન કોર્ટમાં 16 દિવસની ટ્રાયલ પછી, સિનદીપ સિંહને હત્યાનો દોષી ઠેરવવામાં આવ્યો છે. તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.ઇસ્ટ મિડલેન્ડ્સ સ્પેશિયલ ઓપરેશન્સ યુનિટ મર્ડર ઇન્વેસ્ટિગેશન ટીમના ડિટેક્ટીવ ચીફ ઇન્સ્પેક્ટર માર્ક સિન્સ્કીએ આ કેસને “ખૂબ જ વિચલિત કરનાર” તરીકે વર્ણવ્યો હતો. તેમણે કહ્યું કે, “માતાની હત્યા કર્યા પછી, સિનદીપ સિંહ બહાર ગયો અને માતાના શરીરને બગીચામાં દફનાવવા માટે એક કોથળો અને કોદાળી ખરીદ્યા. તેનો ઈરાદો માતાના મૃતદેહને દફનાવવાનો હતો. પરંતુ તે આ કામને અંજામ આપે તે પહેલા જ તે પરેશાન થઈ ગયો. ઘર સાફ થઈ ગયું હતું અને તેમાંથી ખૂબ જ તીવ્ર ગંધ આવી રહી હતી.”અધિકારીએ જણાવ્યું કે જ્યારે અમે સૌપ્રથમ સિનદીપ સિંઘનો સંપર્ક કર્યો, ત્યારે તેણે ખોટી માહિતી આપી અને આ ઘટનામાં કોઈપણ સંડોવણીનો ઇનકાર કર્યો. જો કે, આગળની તપાસમાં જાણવા મળ્યું કે તે ઘરની માલિકી અંગે અવાર-નવાર માતા સાથે ઝઘડો કરતો હતો. મોટા ભાગે સિનદીપ સિંઘ ઘરના ડ્રાઇવ વે કે કારમાં જ રહેતો હતો.જો કે જે દિવસે તેણે માતાની હત્યા કરી તે દિવસે માતાએ તેને ઘરમાં આવવા દીધો હતો. આ ઉપરાંત CCTV ફૂટેજ પરથી જોઈ શકાય છે કે હત્યાના દિવસે સિનદીપ સિંઘ ઘર નજીકની દુકાનમાંથી એક કોથળો અને કોદાળી ખરીદી રહ્યો છે. ભજન કૌરનો સંપર્ક ન થતાં તેમના બીજા સંબંધીઓએ પોલીસને જાણ કરી હતી. જ્યારે પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા, ત્યારે તેઓએ જોયું કે ઘરના પાછળના બગીચામાં જમીન ખોદવામાં આવી હતી.

હાસ્ય જગતના ઉજાસ વસંત પરેશ ‘બંધુ’નું નિધન

જામનગર: ગુજરાતના ગૌરવની યશકલગીમાં હાસ્યરસ ક્ષેત્રે મહત્વનું યોગદાન આપી દેશ-વિદેશમાં ખ્યાતિ મેળવનાર સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર વસંત પરેશ ‘બંધુ’ના નિધનના સમાચાર મળી રહ્યા છે. વસંત પરેશના નિધન સાથે ગુજરાતી હાસ્યયુગના અંતની આવી ગયો છે. લાખો લોકોને હસાવનાર આ અનોખા જિંદાદીલ અદાકારે આ ફાની દુનિયાને અલવિદા કરતાં જામનગર, સૌરાષ્ટ્ર અને ગુજરાતના કલાજગતમાં ગમગીનીનો સન્નાટો ફેલાવી દીધો છે. ખડખડાટ હસાવનાર કલાકારની વિદાયથી અનેક લોકોની આંખોમાં ઝળઝળીયા આવી ગયા છે. પરેશ વસંતની વિદાયથી હાસ્યરસ જગતમાં એક ન પુરી શકાય તેવી ખોટ પડી છે.

પરેશ વસંતને કોલેજ કાળમાં શાયરીઓ લખવાનો જબરો શોખ હતો. તેમાં તેઓ કયાંક કયાંક વ્યંગ સાથે હાસ્ય ઉપજે તેવા શબ્દોનો પ્રયોગ પણ કરતા હતા. આ લાક્ષણિકતાના કારણે જામનગરના હાસ્ય કલાકાર- મિમિક્રી માસ્ટર વિનુ ચાર્લીએ હવાઈ ચોકમાં એક જાહેર સ્ટેજ શોમાં પરેશ વસંતને કાર્યક્રમનું સંચાલન કરવાની જવાબદારી સોંપી અને બસ તે દિવસથી પરેશ વસંતે પાછુ વાળીને જોયુ નથી. કાર્યક્રમોના સંચાલનમાં વચ્ચે વચ્ચે શાયરીઓ અને નાના-મોટા ટુચકાઓ રજુ કરતાં કરતાં તેઓ એક લોકપ્રિય હાસ્ય કલાકાર તરીકે સુવિખ્યાત થઈ ગયા ગુજરાતના મોટા ગજાના ગણાતા લગભગ તમામ હાસ્યકલાકારો, લોક સાહિત્યના કલાકારો સાથે પરશ વસંતના અંગત સંબંધો હતા. અને સૌ કોઈ તેમને ખુબ જ સન્માન આપતા હતા. તેમાં શાહબુદ્દીન ભાઈ હોય કે ધીરૂભાઈ સરવૈયા, ચીકુ ખરસાણી તો તેમના પરિવાર જેવા અંગત મીત્ર બની ગયા હતા. તેઓ ‘બંધુ’ના ઉપનામથી વધારે પ્રચલિત હતા.  છેલ્લા થોડા વરસોથી બિમારીના કારણે ધીમે ધીમે કાર્યક્રમોથી અલિપ્ત થયા હતા અને અંતે સૌને રડતા મુકીને આજે તેમણે વિદાય લઈ હાસ્યરસની વસંતને પાનખરમાં ફેરવી નાખી છે!

રાજ્યમાં NRI ડિપોઝિટ્સમાં સપ્ટેમ્બર ત્રિમાસિકમાં 14 ટકાનો વધારો

અમદાવાદઃ વિશ્વમાં ચાલતા જિયોપોલિટિકલ ટેન્શન, વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્ચિતતા છતાં રાજ્યમાં  નોન ઇન્ડિયન ઇન્વેસ્ટર્સ (NRI)ની ડિપોઝિટ્સ સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં રૂ. એક લાખ કરોડને પાર થઈ છે, જે ગયા વર્ષના સમાન ગાળાના રૂ. 89,057 કરોડની તુલનાએ 14 ટકા વધુ છે.

સ્ટેટ-લેવલ બેન્કર્સ કમિટી (SLBC)ના ડેટા અનુસાર રાજ્યમાં NRI ડિપોઝિટ્સ નાણાકીય વર્ષ 2025ના બીજા ક્વાર્ટરમાં વધીને 1.01 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.

SLBC ગુજરાતના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષમાં NRIs દ્વારા દેશમાં નોંધપાત્ર રોકાણ કરવામાં આવ્યું છે. જેના માટે ઘણાં બધાં પરિબળો જવાબદાર છે. હાલમાં વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાની પરિસ્થિતિ જોવા મળી રહી છે, તેથી ઘણા NRIs સુરક્ષિત વિકલ્પ તરીકે પોતાનું રોકાણ ભારતીય બેંકોમાં કરી રહ્યા છે. આને મોટા ભાગે રિયલ એસ્ટેટ અને અન્ય સેક્ટર્સમાં રોકાણમાં જોડવામાં આવે છે. આ સાથે તેમણે એ પણ જણાવ્યું હતું કે સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધીમાં ઈન્ડિયન ઈક્વિટી માર્કેટમાં પણ તેજી જોવા મળી રહી હતી. જેના કારણે NRIs ભારતીય સ્ટોક માર્કેટમાં પણ મૂડીરોકાણ કર્યું છે, જેમાં ખાસ કરીને મ્યુચ્યુઅલ ફંડ્સ અથવા તો સીધા શેરોની ખરીદી દ્વારા રોકાણ કર્યું છે. NRI ઈન્વેસ્ટર્સમાં ભારતના ગ્રોથને લઈને ઘણો જ વિશ્વાસ છે. NRIs વેલ્થ ક્રિયેશન માટેના વિકલ્પો શોધી રહ્યા છે જેના કારણે NRI એકાઉન્ટ્સમાં રેમિટન્સમાં વધારો થયો છે.

દેશમાં NRI ડિપોઝિટ્સ વધવાનું ઊંચા વ્યાજદર પણ છે, કેમ કે અન્ય જગ્યાએ વ્યાજદર ભારતની તુલનાએ નીચા હોવાનું મનાય છે.

રશિયાના પરમાણુ વડાની હત્યા કરનારો કોણ છે?

રશિયા: રાજધાની મોસ્કોમાં રાષ્ટ્રપતિ ભવનથી માત્ર સાત કિલોમીટર દૂર એક હાઈપ્રોફાઈલ વ્યક્તિની હત્યાથી સૌ કોઈ અચંભામાં છે. રશિયાના પરમાણુ કાર્યક્રમના વડા ઇગોર કિરીલોવની હત્યાએ પુતિનને પણ હચમચાવી દીધા છે. એવામાં આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, જેણે ઘટનાને લઈને ઘણા મોટા ખુલાસા કર્યા છે.ઇગોરની હત્યા કેસમાં ઉઝબેકિસ્તાનના એક યુવકની અટકાયત કરવામાં આવી છે. આ વ્યક્તિએ કબૂલાત કરી છે કે તેણે જ ઇગોરની હત્યા કરી હતી. આ માટે, તેણે એક સ્કૂટરમાં બોમ્બ મૂકવા અને યોગ્ય સમયે તેને વિસ્ફોટ કરવાનું કહેવામાં આવ્યું હતું.

ઉઝબેકિસ્તાનના વ્યક્તિએ કયા ખુલાસા કર્યા?

ઉઝબેકિસ્તાનના જે વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે તેણે કબૂલાત કરી છે કે તેણે યુક્રેનની સિક્રેટ સર્વિસની સૂચના પર આ હત્યા કરી હતી. રશિયાની તપાસ સમિતિએ એક નિવેદન જારી કરીને કહ્યું કે શંકાસ્પદ વ્યક્તિનું કહેવું છે કે યુક્રેનિયન ઇન્ટેલિજન્સ સર્વિસના કહેવાથી કામ પૂર્ણ કરવા માટે તે મોસ્કો આવ્યો હતો.અહેવાલો અનુસાર, આ વ્યક્તિએ જણાવ્યું કે તે રશિયા આવ્યો અને અહીં ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદ્યું અને પછી તેમાં વિસ્ફોટકો ફીટ કર્યા. આ સ્કૂટર કિરીલોવના એપાર્ટમેન્ટની બહાર પાર્ક કરવામાં આવ્યું હતું.આ શકમંદની ઉંમર 29 વર્ષ હોવાનું કહેવાય છે. તેનું કહેવું છે કે કિરિલોવ તેના આસિસ્ટન્ટ સાથે એપાર્ટમેન્ટની બહાર આવતાની સાથે જ તેણે સ્કૂટરમાં લગાવેલા વિસ્ફોટકને બ્લાસ્ટ કરી દીધો હતો. તેણે વધુમાં જણાવ્યું છે કે યુક્રેને તેને આ કામના બદલામાં એક લાખ ડોલરની ઓફર કરી હતી અને યુરોપના કોઈ દેશમાં ઘર આપવાનું વચન આપ્યું હતું.રશિયા આ મામલો સંયુક્ત રાષ્ટ્રમાં ઉઠાવશે

રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝખારોવાએ કહ્યું કે રશિયા 20 ડિસેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ સમક્ષ ઇગોરની હત્યાનો મામલો ઉઠાવશે. તેમણે કહ્યું કે યુક્રેન સરકારે ફરી એકવાર નવા આતંકવાદી હુમલાની જવાબદારી લીધી છે. યુક્રેન સિક્રેટ સર્વિસના લોકો અમેરિકા અને બ્રિટનના ઈશારે કામ કરે છે. તે જ સમયે, અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે તેમને આ હુમલા વિશે કોઈ માહિતી નથી. તે જ સમયે, બ્રિટિશ વડા પ્રધાન કિઅર સ્ટારમરના પ્રવક્તા કહે છે કે ઇગોર કિરિલોવ યુક્રેનના લોકોની વેદના માટે જવાબદાર છે. જો કે, આ હત્યા અંગે હજુ સુધી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જાહેરમાં ટિપ્પણી કરી નથી.