Home Blog Page 125

મુંબઈ: ટ્રાફિકમાં ફસાયેલી મહિલાનો પોલીસ અને મંત્રી પર રોષ

મુંબઈના વરલીમાં મહિલા અનામત બિલના વિરોધ પ્રદર્શનને કારણે ભારે ટ્રાફિક જામ થયો હતો. ટ્રાફિક જામથી પરેશાન એક મહિલા મહારાષ્ટ્રના મંત્રી ગિરીશ મહાજન અને પોલીસ સાથે ઉગ્ર દલીલ કરી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

મંગળવારે મુંબઈના વરલી વિસ્તારમાં મહિલા અનામત બિલને લઈને વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું. આ વિરોધ પ્રદર્શનને કારણે શહેરના વરલી વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો. ટ્રાફિક જામને કારણે મહારાષ્ટ્ર સરકારના મંત્રી ગિરીશ મહાજનને એક મહિલાના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો.

મહિલા બિલના સમર્થનમાં વિરોધ પ્રદર્શન દરમિયાન રસ્તા પર લાંબો ટ્રાફિક જામ હતો. આ દરમિયાન મહારાષ્ટ્ર સરકારના મંત્રી ગિરીશ મહાજન પત્રકારોના પ્રશ્નોના જવાબ આપી રહ્યા હતા એવામાં મહિલાએ આવીને મંત્રી પર રોષ વ્યક્ત કર્યો હતો.

રેલીની વચ્ચે પહોંચીને, તેણીએ પોતાનો ગુસ્સો ઠાલવ્યો. ટ્રાફિક જામથી પરેશાન થયેલી મહિલા પોતાની કારમાંથી ઉતરી અને સીધી વિરોધ રેલીની વચ્ચે પહોંચી ગઈ. તેણીએ મંત્રી અને કાર્યકરો સાથે ઉગ્ર બોલાચાલી કરી. રાજકીય રેલીઓ દ્વારા જનતાને થતી અસુવિધા અંગે પ્રશ્ન ઉઠાવતા, તેણીએ કઠોર ભાષાનો ઉપયોગ કર્યો અને ભીડને વિખેરાઈ જવા કહ્યું, વિરોધીઓ પર બૂમ પાડી, “ગેટ આઉટ ફ્રોમ હિયર! તમે ટ્રાફિક અવરોધિત કરી રહ્યા છો.”

 

View this post on Instagram

 

A post shared by Chitralekha (@chitralekha.in)

પોલીસ પર ગુસ્સો

માત્ર એટલું જ નહીં, મહિલા મુસાફરે મુંબઈ પોલીસ પર પણ પોતાનો ગુસ્સો ઠાલવ્યો. જ્યારે અધિકારીઓએ દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેણીએ એક પોલીસ અધિકારી પર પ્રહાર કર્યો અને વરિષ્ઠ અધિકારીઓ સાથે વાત કરવાનો આગ્રહ રાખ્યો. આ વાતચીત પછી, અધિકારીઓ મહિલાને રસ્તાની બાજુમાં લઈ ગયા અને તેની સમસ્યા સાંભળવાનો પ્રયાસ કર્યો.

મહિલાના ગુસ્સાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વિપક્ષી નેતાઓએ આ વીડિયો શેર કરીને શાસક પક્ષ પર નિશાન સાધ્યું છે. વિપક્ષનું કહેવું છે કે વિરોધના નામે જનતાને હેરાન કરવી ખોટું છે.

 

 ટ્રમ્પે કર્યું સીઝફાયર વધારવાનું એલાન

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેનું સીઝફાયર વધારવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી વાતચીત ચાલુ રહેશે, ત્યાં સુધી સીઝફાયર વધારવામાં આવી રહ્યું છે. જોકે ઈરાને ટ્રમ્પના આ નિર્ણયને સ્વીકાર્યો નથી અને તેને એકતરફી નિર્ણય ગણાવ્યો છે. બીજી તરફ, ટ્રમ્પે કહ્યું હતું કે ઇસ્લામાબાદમાં ચાલી રહેલી વાતચીત અધૂરી હોવા છતાં હોર્મુઝ સ્ટ્રેટની નાકાબંધી યથાવત્ રહેશે. એટલે કે સીઝફાયર હોવા છતાં અમેરિકી સેના ઈરાની બંદરોની નાકાબંધી ચાલુ રાખશે.

ટ્રમ્પે જણાવ્યું હતું કે પાકિસ્તાનની અપીલ બાદ ઈરાન સાથેનું સીઝફાયર વધારવામાં આવી રહ્યું છે. તેમણે લખ્યું હતું કે હાલમાં ઈરાનની સરકાર સંપૂર્ણ રીતે વીખેરાઈ ગઈ છે, તેથી પાકિસ્તાનના ફીલ્ડ માર્શલ આસિમ મુનીર અને વડા પ્રધાન શહબાઝ શરીફની વિનંતી પર ઈરાન પર તાત્કાલિક હુમલો નહીં કરવામાં આવે, જ્યાં સુધી તેઓ સર્વસંમતિથી કોઈ પ્રસ્તાવ રજૂ ન કરે. ટ્રમ્પે વધુમાં જણાવ્યું હતું કે સેનાને નાકાબંધી ચાલુ રાખવા સૂચના આપવામાં આવી છે.

ઈરાને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આ સીઝફાયર વધારવાના એલાનને સ્વીકાર્યો નથી. ઈરાની સંસદના સ્પીકરના સલાહકાર મહદી મોહમ્મદીએ ટ્રમ્પના આ પ્રસ્તાવને નકારી કાઢ્યો છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે હાલની પરિસ્થિતિમાં ટ્રમ્પના સીઝફાયર એક્સ્ટેન્શન કોઈ મહત્વ રાખતું નથી. તેમણે એ પણ કહ્યું કે જે હારી રહ્યા હોય, તેમને શરતો લાદવાનો અધિકાર નથી.

એક તરફ ઈરાન આ સીઝફાયર સ્વીકારતું નથી, ત્યારે બીજી તરફ પાકિસ્તાન સરકારે રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર માન્યો છે. જાહેર નિવેદનમાં વડા પ્રધાન શહબાઝ શરીફે કહ્યું હતું કે અમારી અપીલ સ્વીકારી સીઝફાયર વધારવા અને કૂટનીતિક માર્ગ પર આગળ વધવા માટે હું રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર વ્યક્ત કરું છું. શહબાઝે આગળ કહ્યું હતું કે પાકિસ્તાન પર વિશ્વાસ દર્શાવવામાં આવ્યો છે અને અમે સંપૂર્ણ નિષ્ઠાથી વાતચીત આગળ વધારી મજબૂત શાંતિ કરાર લાવવા પ્રયત્ન કરીશું.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે સીઝફાયર જાહેર કર્યા પછી ઉપ રાષ્ટ્રપતિ જેડી વેન્સે પોતાનો ઇસ્લામાબાદ પ્રવાસ રદ કરી દીધો છે. હવે પ્રશ્ન ઊભો થયો છે કે પાકિસ્તાનમાં થનારી પ્રસ્તાવિત ચર્ચાનું ભવિષ્ય શું રહેશે.

પંચાંગ 22/04/2026

પાટુડાનો લોટ

આ પારંપરિક વાનગી ઢોકળા કે ખાંડવી જેવી જ થોડી તીખી, થોડી ચટપટી છે. જે ઈન્સ્ટન્ટ બની જાય છે!

સામગ્રીઃ ચોખા 1 કપ, ચણાની દાળ ½ કપ, તુવેરની દાળ ¼ કપ, મગની દાળ 2 ટે.સ્પૂન, અજમો ¼ ટી.સ્પૂન, હીંગ ¼ ટી.સ્પૂન, રાઈ 1 ટી.સ્પૂન, આદુ 1 ઈંચ, મરચાં 3-4, લસણ 8-10 કળી, મીઠું સ્વાદ મુજબ, સફેદ તલ ટે.સ્પૂન, હળદર ¼ ટી.સ્પૂન, ખાટી અને ઘટ્ટ છાશ ½ કપ, શીંગ તેલ, કળીપત્તાના પાન 7-8, મેથિયા કેરીના અથાણાંનો મસાલો 2 ટે.સ્પૂન

વઘાર માટેઃ તેલ 2 ટી.સ્પૂન, રાઈ 1 ટી.સ્પૂન, લીલા મરચાં 2

રીતઃ ચોખા, ચણાની દાળ, તુવેરની દાળ, મગની દાળને ભેગા કરી, મિક્સીમાં તેનો કરકરો ભૂકો બનાવી લો. ત્યારબાદ તેમાંથી એક કપ લોટ લઈ રાખો. (આ લોટ ઘરે ન બનાવવો હોય તો, દુકાનમાં તૈયાર મળતો હાંડવાનો લોટ 1 કપ શકાય છે.)

આદુ સાથે 2 મરચાંની પેસ્ટ કરી લો. બાકીના 2 મરચાંને ગોળ સમારી લેવા. લસણની કળીને ઝીણી સમારી લેવી અથવા ખમણી લેવી.

એક કઢાઈ અથવા પેનમાં 2-3 ટે.સ્પૂન તેલ ગરમ કરીને રાઈનો વઘાર કરવો. રાઈ તતડે એટલે તેમાં હીંગ તેમજ અજમો ઉમેરીને સફેદ તલ ઉમેરવા સાથે જ આદુ-મરચાંની પેસ્ટ, સમારેલાં લીલા મરચાં તેમજ ઝીણું સમારેલું લસણ તેમજ હળદર ઉમેરીને એકાદ મિનિટ જેવું સાંતળી લીધા બાદ તેમાં છાશ ઉમેરીને એક કપ પાણી મેળવી દો. એકાદ મિનિટ જેવું આ પાણી ગરમ કરી લીધા બાદ મિક્સીમાં દળેલો કરકરો લોટ એક કપ લઈ તેને થોડો થોડો છાશમાં ઉમેરી દેવો.

બધો લોટ ઉમેરાઈ જાય અને મિશ્રણ ઘટ્ટ લાગે તો થોડું પાણી મેળવીને ઘટ્ટ પણ ચમચા વડે ચારવી શકાય તેવું મિશ્રણ થાય એટલે તેને એક નાની તપેલી અથવા કૂકરના ડબ્બા કે કોઈ વાસણમાં કાઢી લેવું, જે વાસણ કૂકરમાં આવી શકે.

કૂકરમાં સ્ટીલનો કાંઠો મૂકી તેમાં એક ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા મૂકો. પાણી ગરમ થાય એટલે લોટવાળું વાસણ તેમાં ગોઠવીને કૂકર બંધ કરીને 2 સીટી કરી લો. કૂકર ઠંડું થાય એટલે આ વાસણ બહાર કાઢી લો અને તૈયાર થયેલો પાટુડીનો લોટ પ્લેટમાં પીરસો.

પ્લેટમાં પીરસેલા પાટુડીના લોટ ઉપર ફરતે શીંગતેલ રેડીને, કેરીના અથાણાંનો મસાલો ભભરાવો તેમજ લીલા મરચાં ગોળ સમારીને ઉમેરો. પાટુડીના લોટમાં અથાણાંનો મસાલો તેમજ શીંગતેલ મેળવવાથી તે બહુ જ સ્વાદિષ્ટ લાગે છે.

૨૨ એપ્રિલ ૨૦૨૬

મુંબઈ: કાંદિવલીની આ હોસ્પિટલમાં કિડનીની સારવાર માટે નેફ્રોલોજી વોર્ડ કાર્યરત

મુંબઇના કાંદિવલીમા હવે કિડનીની કોઈપણ પ્રકારની સારવાર કરાવવી સરળ બનશે. ચેરિટેબલ સંસ્થા કાંદિવલી હિતવર્ધક મંડળ હોસ્પિટલ (KHM)માં કિડનીની સારવાર માટે નેફ્રોલોજી વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે.

દાતાઓ અજય મહેતા અને ભુષણ મહેતાનું અભિવાદન કરતી વખતે રજનીકાંત ઘેલાણી, અવિનાશ પારેખ, બીજલ દત્તાણી, મહેશ શાહ અને ઉદય શાહ

કાંદિવલી હિતવર્ધક મંડળ હોસ્પિટલ (KHM)માં નેફ્રોલોજી વોર્ડનું ઉદઘાટન ગયા સોમવારે અજયભાઈ ચંપકલાલ મહેતા અને ભુષણ ચંપકલાલ મહેતાના હસ્તે થયું હતું. આ વોર્ડ શાંતાબેન ભોગીલાલ મહેતા ચેરિટી ટ્રસ્ટના સૌજન્યથી સ્થપાયો છે. આ પ્રસંગે કિડનીના સ્પેશ્યાલિસ્ટ-નિષ્ણાંત ડો. ઉમેશ ખન્ના હાજર રહ્યાં હતાં. જેઓ લાંબા સમયથી કેએચએમ સાથે સક્રિયપણે સંકળાયેલા છે.

અજય મહેતા, ભુષણ મહેતા, ડો. ઉમેશ ખન્ના, ડો. આકાશ શિંગાડા, ડો. નીતા સીંઘી, અવિનાશ પારેખ (વ્હીલચેરમાં) અને દાતા પરિવારના સભ્યો

ઉમેશ ખન્નાએ આપેલી માહિતી મુજબ હાલ 9 દર્દીઓની સારવાર થઈ શકે એવી વ્યવસ્થા છે, જોકે હોસ્પિટલમાં પેશન્ટસને રાખવાની અન્ય વ્યવસ્થા પણ છે. ડાયાલિસિસ માટે અલગ યુનિટ છે. અહી કિડનીની નાનામાં નાની સમસ્યાના ઈલાજથી લઈ સર્જરી સુધીની સુવિધા છે. ડો. આકાશ શિંગાડાએ કહ્યું હતું કે હાલ દર દસમાંથી એક વ્યકિતને કિડનીની સમસ્યા હોય છે. આ બિમારીનાં સંકેત વ્યકિતને વિવિધ માર્ગે મળતા હોય છે., કિતુ લોકો તેની ઉપેક્ષા કરે છે. 40ની ઉંમર બાદ પ્રત્યેક વ્યકિતએ દર છ મહિને ક્રિએટિનીની, યુરિનની તેમ જ બ્લડ પ્રેશર અને ડાયાબિટીઝની ચકાસણી પણ કરાવવી જોઈએ. આ તપાસ અગમચેતીના પગલાં તરીકે ઉપયોગી બને છે.

આ નવી સુવિધાના દાતાઓએ હોસ્પિટલની સેવાઓને બિરદાવી હતી. આ પ્રસંગે જાણીતી હસ્તીઓમાં અવિનાશ પારેખ, ડો. બિપીન દોશી, કેએચએમના પ્રેસિડન્ટ રજનીકાંત ઘેલાણી, કેઇએસના પ્રેસિડન્ટ મહેશ શાહ, ભરત દત્તાણી, બીજલ દત્તાણી, ઉદય શાહ, સહિત કેએચએમના ચીફ મેડિકલ ઓફિસર ડો. નીતા સિંઘી અને અન્ય ડોકટર્સ તેમ જ સિનીયર સ્ટાફ પણ હાજર હતા.

કાંદિવલી હિતવર્ધક મંડળ સતત આધુનિકીકરણ મારફત લોકોને ઉત્તમ મેડિકલ સવલતો આપી રહી છે, છેલ્લા અમુક વરસોમાં અહી એકથી એક મોર્ડન સવલતો શરૂ કરાતી રહી છે, તાજેતરમાં અહી કેથલેબ પણ કાર્યરત થઈ છે. કેએચએમ સોનાગ્રાફી તેમ જ સિટી સ્કેનની સુવિધા પણ ધરાવે છે.

ગિફ્ટ સિટીમાં લીલાવતી હોસ્પિટલની આધુનિક શાખા શરૂ

ગાંધીનગર: ગિફ્ટ સિટી ખાતે પ્રતિષ્ઠિત લીલાવતી હોસ્પિટલની નવી શાખાનો પ્રારંભ થયો. જે ગુજરાતના આરોગ્ય ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ વાત છે. અત્યાધુનિક સુવિધાઓ અને અનુભવી ડોક્ટર્સની ટીમ સાથે શરૂ થયેલી આ હોસ્પિટલમાં દર્દીઓને ઉચ્ચ ગુણવત્તાવાળી તેમજ પરવડે તેવી સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવશે. ખાસ કરીને હૃદયરોગ (કાર્ડિયોલોજી), કેન્સર (ઓન્કોલોજી) અને ન્યુરોલોજી જેવી જટિલ બીમારીઓ માટે વિશેષ વિભાગો ઉભા કરવામાં આવ્યા છે, જેથી ગંભીર દર્દીઓને પણ સ્થળ પર જ શ્રેષ્ઠ સારવાર મળી શકે.

હોસ્પિટલના ટ્રસ્ટી પ્રશાંત મહેતાએ જણાવ્યું, “ગિફ્ટ સિટીમાં શરૂ થયેલી આ હોસ્પિટલ ગુજરાત માટે આરોગ્ય ક્ષેત્રે નવી દિશા આપશે. મુંબઈની લીલાવતી હોસ્પિટલ જેવી જ અદ્યતન ટેકનોલોજી અને સુવિધાઓ અહીં ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેથી ગુજરાત અને રાજસ્થાનના દર્દીઓને હવે મુંબઈ સુધી લાંબી મુસાફરી કરવાની જરૂર નહીં પડે. શરૂઆતના તબક્કામાં હોસ્પિટલમાં 120 બેડની સુવિધા ઉપલબ્ધ રહેશે, જેમાં 60 ફૂલ-ટાઈમ ડોક્ટર્સ અને 60 રેસિડેન્ટ ડોક્ટર્સની ટીમ સતત સેવા આપશે. ખાસ વાત એ છે કે પ્રારંભિક 30 દિવસ સુધી દર્દીઓ માટે ફ્રી OPD સુવિધા પણ ઉપલબ્ધ રાખવામાં આવી છે, જેનાથી સામાન્ય લોકોને મોટો લાભ મળશે.”

હોસ્પિટલ દ્વારા ગિફ્ટ સિટી નજીક એર એમ્બ્યુલન્સ માટે પણ જગ્યા માગવામાં આવી છે. આ સુવિધા ખાસ કરીને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ જેવા ઇમર્જન્સી કેસમાં અત્યંત ઉપયોગી સાબિત થશે. જેથી સુરત અથવા વડોદરા જેવા શહેરોમાંથી અડધા કલાકમાં અંગો હોસ્પિટલ સુધી પહોંચાડી શકાય. ગિફ્ટ સિટી અને આસપાસના 20-25 કિ.મી. વિસ્તારમાં વસતા લોકોને વિશ્વસ્તરીય આરોગ્ય સેવાઓ પહોંચાડવાનો આ પ્રયાસ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

ખડગેએ વડા પ્રધાન મોદીને ‘આતંકવાદી’ કહેતાં ભાજપ લાલઘૂમ

નવી દિલ્હીઃ તામિલનાડુમાં વિધાનસભા ચૂંટણી માટે આગામી 23 એપ્રિલે મતદાન થવાનું છે. આ માટેનો પ્રચાર મંગળવારે પૂર્ણ થવાનો છે. આ ચૂંટણીમાં DMK-કોંગ્રેસ ગઠબંધનનો મુકાબલો AIADMK અને ભાજપના ગઠબંધન સામે છે. તમામ રાજકીય પક્ષોએ પ્રચારમાં સંપૂર્ણ શક્તિ લગાવી દીધી છે. આ દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમના નિવેદન બાદ રાજકીય વિવાદ ઊભો થયો છે.

 શું કહ્યું મલ્લિકાર્જુન ખડગેએ?

તામિલનાડુના ચેન્નઈમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે આ લોકો (AIADMK) મોદી સાથે કેવી રીતે જોડાઈ શકે? તેઓ આતંકવાદી છે. તેઓ સમાનતામાં વિશ્વાસ રાખતા નથી. તેમની પાર્ટી સમાનતા અને ન્યાયમાં વિશ્વાસ રાખતી નથી. અને તેમનો તેમની સાથે જોડાવાનો અર્થ એ છે કે તેઓ લોકશાહીને કમજોર કરી રહ્યા છે.

કોંગ્રેસ-DMK નીચ હરકતો પર ઊતરી આવી – પીયૂષ ગોયલ

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલએ ખડગેના નિવેદન પર પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે મને શરમ આવે છે કે કોંગ્રેસ અને DMK એટલી નીચ હરકત પર ઊતરી આવી છે કે તેઓ લોકશાહી રીતે ચૂંટાયેલા વડા પ્રધાનને આતંકવાદી કહીને તેમનું અપમાન કરી રહ્યા છે. રાહુલ ગાંધી અને એમ.કે. સ્ટાલિને વડા પ્રધાન અને તેમને મત આપનાર દેશની જનતાથી માફી માગવી જોઈએ. તેમણે વધુમાં કહ્યું હતું કે કોંગ્રેસ અને DMKએ આ નિવેદનથી 140 કરોડ ભારતીયોનું અપમાન કર્યું છે, જેમાં 8 કરોડ તમિળ ભાઈ-બહેનો પણ સામેલ છે.

 મલ્લિકાર્જુન ખડગેએ આપી સ્પષ્ટતા

વિવાદ વધતાં મલ્લિકાર્જુન ખડગેએ પોતાના નિવેદન અંગે સ્પષ્ટતા આપી હતી. તેમણે કહ્યું હતું કે ભાજપ સરકાર રાજકીય પક્ષો અને ખાસ કરીને ઉમેદવારોને ડરાવી રહી છે. તેઓ સીબીઆઈ, ઈડી અને આવકવેરા વિભાગ જેવી સંસ્થાઓનો દુરુપયોગ કરી રહી છે. તેઓ લોકોમાં ભયનું વાતાવરણ ઊભું કરી રહ્યા છે જેથી લાગે કે સરકાર વિરોધ પક્ષોને નિશાન બનાવવા માટે ઘણી શક્તિશાળી છે. એ સંદર્ભમાં મેં આ વાત કહી હતી. મેં ક્યારેય એવું નથી કહ્યું કે મોદી આતંકવાદી છે. મેં માત્ર એટલું કહ્યું હતું કે તેઓ અને તેમની સરકાર આ સંસ્થાઓનો ઉપયોગ કરીને લોકોને ડરાવી રહ્યા છે.

અનલોક ધ એનિમલ વર્લ્ડ’: PETA ઇન્ડિયાના સ્થાપકનું નવું પુસ્તક

મુંબઈ: પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ દર્શાવવા, તેમની અદ્ભુત પ્રતિભાઓ વિશે વધુ જાણવા અને તેમના માટે હીરો કેવી રીતે બનવું તે શોધવા માટે તમે ક્યારેય ખૂબ વૃદ્ધ કે ખૂબ નાના નથી હોતા. આ જ વાતને PETA ઇન્ડિયાના સ્થાપક ઇંગ્રિડ ન્યુકિર્કએ સાર્થક કરી છે. તેઓ ભારતમાં બાળપણથી જ કરુણાના પાઠ ભણાવવામાં આવે છે તે વાતથી પ્રેરિત  છે. 1980થી તેઓ PETA (પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ ઇન્ડિયા), ઇન્ડિયા અને વિશ્વભરમાં PETA સંસ્થાઓના સ્થાપક તરીકેની સેવા આપવાના પોતાના અનુભવોના આધારે તેમણે આ પુસ્તક લખ્યું છે. વિશ્વને બધા જીવો માટે દયાળુ સ્થાન કેવી રીતે બનાવવું તે અંગે તેઓ બાળકો અને પુખ્ત વયના લોકોને પ્રેરણા આપી રહ્યા છે. તેમના નવા પુસ્તક, અનલોક ધ એનિમલ વર્લ્ડ: ઈનક્રેડિબલ ફેક્ટ્સ ફોર યંગ સુપરહીરોઝમાં, તે આ જીવનભરના સંદેશને આગળ ધપાવે છે, નવી પેઢીને તેમના માટે ઉભા રહેવા માટે પ્રોત્સાહિત કરે છે.

૨૨ એપ્રિલ એટલે કે પૃથ્વી દિવસના સમયે આ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું. આ પુસ્તકમાં પ્રાણીઓ વિશે રસપ્રદ તથ્યોનો સમાવેશ થાય છે. જેમ કે, દરિયાઈ કાચબાઓ જે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરીને વિશાળ મહાસાગરોમાં નેવિગેટ કરે છે, પક્ષીઓ જેમની પાસે એટલી પાતળી હવા શ્વાસ લેવાની રીત છે કે તેઓ હિમાલય ઉપર પણ ઉડી શકે છે. ડુક્કર જે વિડીયો ગેમ્સ રમવાનો આનંદ માણે છે અને ઘોડાઓ જે હવામાનના આધારે કોટ પહેરવા અથવા ઉતારવા માટે બટનો દબાવવાનું શીખી શકે છે – તેમજ ચાવીરૂપ, પગલાં જે યુવાનોને પ્રાણીઓનું રક્ષણ કરવા માટે સશક્ત બનાવે છે. “અન્ય પ્રજાતિઓ વિશે વિચિત્ર અને અદ્ભુત વસ્તુઓ શીખવાનો આનંદ છે.  આ પુસ્તક બાળકોને પ્રાણીઓની ભાષાઓ, રુચિઓ અને વર્તણૂકોમાં સમજ આપે છે. તેમજ તેમને તમામ પ્રકારના અન્ય લોકોનો આદર કરવાનો મહાન આનંદ શીખવે છે,” ન્યુકિર્ક કહે છે. “અનલોક ધ એનિમલ વર્લ્ડ વાંચનાર દરેક બાળક તે રસપ્રદ પ્રાણીઓ સાથે જોડાયેલ હશે જેની સાથે આપણે આ ગ્રહ શેર કરીએ છીએ, અને PETA ઇન્ડિયા દરેકને પ્રાણીઓના હીરો બનવાની બધી રોમાંચક રીતો શોધવા માટે પ્રોત્સાહિત કરે છે.”

બાળપણમાં, ન્યુકિર્ક તેમના માતા સાથે દિલ્હીમાં ચેરિટી કાર્યમાં જોડાતા હતા. અનાથ બાળકો માટે રમકડાં ભરતા હતાં. રક્તપિત્તથી પીડિત લોકો માટે ગોળીઓના પેકેટ ભેગા કરતા હતા. ઘાયલ ચિપમંક્સ અને કૂતરાઓના બાળકોને બચાવતા હતા. સ્થાનિક મેળામાંથી બતકો માટે ઘર પણ લઈ આવતા હતા.

આજે, વિશ્વભરમાં PETA સંસ્થાઓના 10.4 મિલિયનથી વધુ સભ્યો અને સમર્થકો છે. જેમાં ભારતમાં 2 મિલિયનથી વધુ લોકોનો સમાવેશ થાય છે. 25 વર્ષથી ઓછી ઉંમરના ભારતીયો દેશની વસ્તીના લગભગ અડધા (47%) છે. PETA ઇન્ડિયા આગામી પેઢીમાં સહાનુભૂતિને પ્રોત્સાહન આપવા માટે તેમના માનવીય શિક્ષણ કાર્યક્રમો પર નોંધપાત્ર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમાં કમ્પેશનેટ સિટીઝન – 8 થી 12 વર્ષની વયના વિદ્યાર્થીઓને પ્રાણીઓને વધુ સારી રીતે સમજવા અને પ્રશંસા કરવામાં મદદ કરવા માટે રચાયેલ એક એવોર્ડ વિજેતા કાર્યક્રમ છે. જેમાં એલી, એક મોટાં કદની, એનિમેટ્રોનિક, સહાનુભૂતિ-નિર્માણ કરનાર “વાત” કરી શકે તેવી હાથણી છે જેને અભિનેતા દિયા મિર્ઝા દ્વારા અવાજ આપવામાં આવ્યો છે, જે બાળકોને દયા પસંદ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે શાળાઓની મુલાકાત લે છે.

આદિ શંકરાચાર્યજીની જન્મજયંતીએ અનુયાયીઓ માટે ધાર્મિક સંદેશ

કલાડીઃ કેરળની પવિત્ર ભૂમિ કલાડીમાં જગદગુરુ આદિ શંકરાચાર્યનો જન્મ થયો હતો. તેમને નાની ઉંમરે જ વેદાનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હતું. આદિ શંકરાચાર્યજી 2533મી જન્મજયંતીના શુભ પ્રસંગે જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજે તેમના ધાર્મિક અનુયાયીઓને એક ધાર્મિક સંદેશ પાઠવ્યો છે. તેમણે સંદેશ આપ્યો હતો કે અમે ભગવાન દ્વારકાધીશ અને પૂજ્ય શ્રી ચંદ્રમૌલેશ્વર વતી આશીર્વાદ આપીએ છીએ કે દરેક માનવી આદિ શંકરાચાર્યના ઉપદેશોને જીવનમાં અપનાવે અને પોતાના માટે, પરિવાર અને દેશ માટે ઉત્થાનનું સાધન બને.

આદિગુરુ શંકરાચાર્યજી હિન્દુ ધર્મના ઉદ્ધારક માનવામાં આવે છે. હિન્દુ હોવાનું પ્રથમ લક્ષણ ગૌમાતાની સેવા, માતા-પિતાની સેવા, ગુરુજનોની સેવા અને કુળદેવી-કુળદેવતાની સેવા છે અને એ જ આદિગુરુ શંકરાચાર્યનો પણ સંદેશ છે. આદિગુરુ શંકરાચાર્યજીએ આઠ વર્ષની નાની ઉંમરે વેદોનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. તેમણે ગોવિંદ પાદાચાર્ય પાસેથી નર્મદા તટે સંન્યાસ દીક્ષા સ્વીકારી હતી. તેમણે દેશમાં પગપાળા પ્રવાસ કરીને ધર્મને પુનર્જીવિત કર્યો હતો. તેમણે ચારેય દિશામાં મઠો સ્થાપિત કરીને રાષ્ટ્રની આધ્યાત્મિક એકતાને મજબૂત બનાવી હતી.  તેમણે ઉપનિષદો, ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્રો પર ભાષ્યો લખીને વેદાંત ફિલસૂફીને સત્તાવાર સ્વરૂપ આપ્યું હતું. તેમના દ્વારા ધાર્મિક સંવાદિતાનો દિવ્ય સંદેશ આપવામાં આવ્યો હતો.

તેમનું કહેવું હતું કે આપણે આપણું  જીવન ધાર્મિક, સામાજિક સ્વતંત્રતા અને રાષ્ટ્રને આધ્યાત્મિક રીતે સમૃદ્ધ બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ. આદિ શંકરાચાર્યનો મૂળ સિદ્ધાંત છે કે બ્રહ્મ સત્યમ્ જગનમિથ્યા જીવો બ્રહ્મૌવ નાપરઃ એટલે કે બ્રહ્મ જ અંતિમ સત્ય છે, આ વિશ્વ પરિવર્તનશીલ છે અને દરેક જીવ ખરેખર એક જ બ્રહ્મનું સ્વરૂપ છે અને વિશ્વ ચેતનાના સ્વરૂપમાં બ્રહ્મનું વિસ્તરણ છે.