Home Blog Page 1254

 છેલ્લાં 10 વર્ષોમાં બેન્કો દ્વારા 12 લાખ કરોડની માંડવાળ

નવી દિલ્હીઃ છેલ્લાં 10 વર્ષોમાં બેન્કોના રૂ. 12 લાખ કરોડથી વધુ નાણાં ડૂબી ગયાં છે. બેન્કોએ FY15થી FY24ની વચ્ચે રૂ. 12.3 લાખ કરોડની લોન રાઇટ-ઓફ કરી છે, એમાંથી 53 ટકા એટલે કે આશરે રૂ. 6.5 લાખ કરોડ છેલ્લાં પાંચ વર્ષો (FY20-FY24) સરકારી બેન્કોએ રાઇટ-ઓફ કરી છે, સરકારે સંસદમાં આ માહિતી આપી હતી.

નાણાં રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે સરકારી બેન્કોની ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (NPA) 30 સપ્ટેમ્બર, 2024એ રૂ. 3,16,331 કરોડ હતી, જ્યારે ખાનગી બેન્કોની NPA રૂ. 1,34,339 કરોડ હતી.

PSU બેન્કની ગ્રોસ NPAની કુલ આઉટસ્ટેન્ડિંગ લોનના 3.01 ટકા હતી. ખાનગી બેન્કોના મામલે આ ડેટા 1.85 ટકા હતી. આ રાઇટ ઓફ 2015માં એસેટ ક્વોલિટી રિવ્યુ કર્યા પછી કરવામાં આવ્યા હતા. FY24માં માત્ર રૂ. 1.7 લાખ કરોડરાઇટ-ઓફ થયા હતા. આ કુલ બેન્ક ક્રેડિટના (આશરે 165 લાખ કરોડ) માત્ર એક ટકો હતા.

બેન્કિંગ સેક્ટરમાં અગ્રણી SBIનો આશરે 20 ટકા બજારહિસ્સો છે. SBIએ 10 વર્ષમાં રૂ. બે લાખ કરોડની લોનો રાઇટ-ઓફ કરી છે. PNBએ રૂ. 94,702 કરોડની લોન રાઇટ-ઓફ કરી છે. ચાલુ નાણાકીય વર્ષમાં સરકારી બેન્કોએ રૂ. 42,000 કરોડની લોન રાઇટ-ઓફ કરી છે.

તેમણે કહ્યું હતું કે RBIની ગાઇડલાઇન્સ અને બોર્ડની નીતિ મુજબ બેન્ક ચાર વર્ષ પછી NPA રાઇટ-ઓફ કરી દે છે. જોકે એનો અર્થ એ નથી કે લોન લેનારા લોકોને લોનના પૈસા ચૂકવવાથી છૂટ મળી જાય છે. બેન્ક સતત ગ્રાહકોથી લોનની વસૂલાતના પ્રયાસ જારી રાખે છે.

 

વિશ્વના આ બેટ્સમેનોએ 2024માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બનાવ્યા રેકોર્ડબ્રેક રન

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વર્ષ 2024માં, કુલ 15 બેટ્સમેનોએ ત્રણેય ફોર્મેટમાં મળીને એક હજારથી વધુ રન બનાવ્યા છે. જેમાં ભારતના બેટ્સમેન યશસ્વી જયસ્વાલનો પણ સમાવેશ થાય છે.

જો કે આ વર્ષે  વિશ્વનો કોઈ બેટ્સમેન હજી સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં 2,000 રનના આંકડાને સ્પર્શી શક્યો નથી. 15 બેટ્સમેનોએ એક હજાર રનનો આંકડો પાર કર્યો છે.

શ્રીલંકાના કુસલ મેન્ડિસ 2024માં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવનાર ખેલાડી છે. આ વર્ષે એણે ODIમાં 742 રન, T20માં 572 રન અને ટેસ્ટમાં 490 રન બનાવ્યા છે. મેન્ડિસે 2024માં કુલ 1,804 રન બનાવ્યા છે.

ભારતના યશસ્વી જયસ્વાલે 2024માં અત્યાર સુધીમાં કુલ 1,601 રન બનાવ્યા છે. એણે ટેસ્ટ મેચમાં 1308 રન અને ટી20માં 293 રન બનાવ્યા છે.

ઈંગ્લેન્ડના હેરી બ્રુકે આ વર્ષે કુલ 1,574 રન બનાવ્યા છે. તેણે ટેસ્ટમાં 1099 રન, વનડેમાં 312 રન અને ટી20 મેચમાં 163 રન બનાવ્યા છે.

શ્રીલંકાના પથુમ નિસાંકાના નામે 2024માં અત્યાર સુધીમાં 1569 રન છે. નિસાન્કાએ આ વર્ષે ટેસ્ટ મેચમાં 380 રન, વનડેમાં 694 રન અને ટી20માં 495 રન બનાવ્યા છે.

ઈંગ્લેન્ડના જો રૂટે વર્ષ 2024માં અત્યાર સુધીમાં 1502 રન બનાવ્યા છે. તેના આ તમામ રન ટેસ્ટ મેચોમાં આવ્યા છે. તેણે આ વર્ષે એક પણ ODI કે T20 મેચ રમી નથી.

ઝાકિર હુસૈનના નિધન પર પીએમ મોદીએ લખ્યું કઈંક આવું

પીએમ મોદીએ પ્રખ્યાત તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે ઉસ્તાદ ઝાકિર હુસૈન જીને હંમેશા એક મહાન વ્યક્તિ તરીકે યાદ કરવામાં આવશે, જેમણે ભારતીય સંસ્કૃતિને નવી ઓળખ આપી. પીએમ મોદીએ તેમને સાંસ્કૃતિક એકતાના સ્તંભ પણ ગણાવ્યા.

ઝાકિર હુસૈનનું સોમવારે સવારે અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં નિધન થયું હતું. અમેરિકામાં રહેતા 73 વર્ષીય તબલાવાદકને હૃદય સંબંધિત સમસ્યાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઝાકિર લગભગ 2 અઠવાડિયા સુધી હોસ્પિટલમાં દાખલ હતા, પરંતુ રવિવારે તેની તબિયત વધુ ખરાબ થઈ ગઈ, ત્યારબાદ તેને ICUમાં રાખવામાં આવ્યા હતાં.

PM મોદીએ શું લખ્યું?
PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઝાકિર હુસૈનના નિધન પર શોક વ્યક્ત કરતા લખ્યું, “મહાન તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈન જીના નિધનથી ખૂબ જ દુઃખ થયું. ભારતીય શાસ્ત્રીય સંગીતની દુનિયામાં ક્રાંતિ કરનાર સાચા પ્રતિભા તરીકે તેમને યાદ કરવામાં આવશે. તેમણે તબલાને વૈશ્વિક મંચ પર પણ લાવ્યા અને લાખો લોકોને પોતાની અજોડ લયથી મંત્રમુગ્ધ કર્યા. તેમણે વૈશ્વિક સંગીત સાથે ભારતીય શાસ્ત્રીય પરંપરાઓને એકીકૃત રીતે મિશ્રિત કરી, આમ તેઓ સાંસ્કૃતિક એકતાનું પ્રતીક બન્યા. તેમના આઇકોનિક પર્ફોર્મન્સ અને ભાવપૂર્ણ રચનાઓ સંગીતકારો અને સંગીત પ્રેમીઓની પ્રેરણાદાયી પેઢીઓમાં યોગદાન આપશે. તેમના પરિવાર, મિત્રો અને વૈશ્વિક સંગીત સમુદાય પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના.”

ઝાકિર હુસૈનને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા
ઝાકિર હુસૈનનો જન્મ 9 માર્ચ, 1951ના રોજ બોમ્બે (હાલ મુંબઈ)માં થયો હતો. તેમના પિતા ઉસ્તાદ અલ્લાહ રખા ખાન પ્રખ્યાત તબલા વાદક હતા. ઝાકિર તેના પિતા પાસેથી તબલા વગાડવાનું શીખ્યા હતાં. તેમણે સાત વર્ષની ઉંમરે કોન્સર્ટમાં તબલા વગાડવાનું શરૂ કર્યું. મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી સ્નાતક થયા બાદ ઝાકિરે વોશિંગ્ટન યુનિવર્સિટીમાંથી સંગીતમાં ડૉક્ટરેટની ડિગ્રી પૂર્ણ કરી. તેણે 1991માં પ્લેનેટ ડ્રમ માટે ડ્રમર મિકી હાર્ટ સાથે કામ કર્યું અને ગ્રેમી એવોર્ડ જીત્યો. હુસૈને ઘણી ફિલ્મોના સાઉન્ડટ્રેકમાં યોગદાન આપ્યું હતું. તેમને 1991માં સંગીત નાટક અકાદમી પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. તે એટલાન્ટામાં સમર ઓલિમ્પિકના ઉદઘાટન સમારોહ માટે સંગીત કમ્પોઝ કરનારી ટીમનો પણ ભાગ હતા. ઓલ-સ્ટાર ગ્લોબલ કોન્સર્ટમાં ભાગ લેવા માટે 2016 માં ભૂતપૂર્વ યુએસ પ્રમુખ બરાક ઓબામા દ્વારા વ્હાઇટ હાઉસમાં આમંત્રિત કરાયેલા તેઓ પ્રથમ ભારતીય સંગીતકાર પણ છે. ઝાકિર હુસૈનને ભારત સરકાર દ્વારા 1988માં પદ્મશ્રી, 2002માં પદ્મ ભૂષણ અને 2023માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.

રશિયામાં ક્યારથી ભારતીયો માટે થશે વિઝા ફ્રી એન્ટ્રી?

રશિયા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે બંને દેશો વચ્ચેના સંબંધોને પહેલા કરતા વધુ સારા અને મજબૂત બનાવવા અંગે ઘણીવાર ચર્ચાઓ થતી રહે છે. હવે રશિયા ફરી એકવાર મૈત્રીપૂર્ણ સંબંધોનું ઉદાહરણ સામે આવ્યું છે. વર્ષ 2025માં ભારતીયો રશિયામાં વિઝા વિના મુસાફરી કરી શકશે.એક અહેવાલ મુજબ રશિયાના નવા વિઝા નિયમો લાગુ થયા બાદ ભારતીયો વિઝા વિના રશિયા જઈ શકશે. જૂનની શરૂઆતમાં, અહેવાલો સામે આવ્યા હતા કે રશિયા અને ભારતે એકબીજા માટે વિઝા પ્રતિબંધોને હળવા કરવા માટે દ્વિપક્ષીય કરાર પર ચર્ચા કરી હતી. તમને જણાવી દઈએ કે ભારતીયો ઓગસ્ટ 2023 થી રશિયા જવા માટે ઈ-વિઝા માટે પાત્ર છે. જોકે, ઈ-વિઝા જારી કરવામાં લગભગ ચાર દિવસ લાગે છે. ગયા વર્ષે ઈ-વિઝાની સંખ્યાના સંદર્ભમાં ભારતે પણ ટોચના પાંચ દેશોમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. રશિયાએ ભારતીય પ્રવાસીઓને 9,500 ઈ-વિઝા આપ્યા છે.મોટાભાગે ભારતીયો વેપાર કે પ્રવાસ માટે રશિયા જાય છે. 2023માં 60,000થી વધુ ભારતીયોએ મોસ્કોની મુલાકાત લીધી હતી. જે 2022 કરતા 26 ટકા વધુ છે. CIS સિવાયના દેશોમાં ભારત ત્રીજા ક્રમે છે જ્યાંથી મોટાભાગના લોકો રશિયામાં પ્રવાસ કરે છે. એકલા 2024ના પ્રથમ ક્વાર્ટરમાં લગભગ 1,700 ઈ-વિઝા જારી કરવામાં આવ્યા હતા.રશિયા હાલમાં તેના વિઝા-મુક્ત પ્રવાસી વિનિમય કાર્યક્રમ દ્વારા ચીન અને ઈરાનના પ્રવાસીઓને વિઝામુક્ત પ્રવેશની મંજૂરી આપે છે. હવે રશિયા ભારત સાથે પણ વિઝા ફ્રી ટ્રાવેલ કરવાનું વિચારી રહ્યું છે. ભારત અને રશિયાની મિત્રતાથી અમેરિકા હંમેશા નારાજ રહે છે. તાજેતરમાં નિક્કી હેલીએ કહ્યું હતું કે ભારત રશિયા સાથે ભાગીદારી કરે છે કારણ કે તેને અમેરિકન નેતૃત્વ પર વિશ્વાસ નથી.

સુરતના અડાજણમાં ભયાનક રોડ અકસ્માત, બાઇકનો કચ્ચરઘાણ વળી ગયો

સુરત: અડાજણ વિસ્તારમાં ફરી એક ગમખ્વાર અકસ્માત થયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ગુજરાતમાં દિવસેને દિવસે રોડ અકસ્માતની સંખ્યામાં વધારો નોંધાય રહ્યો છે. ત્યારે ફરી એક વખત અડાજણ વિસ્તારમાં 16 ડિસેમ્બરના વહેલી સવારે ત્રણ મિત્રો ચા પીવા નીકળ્યા હતા. ત્રિપલ સવારી પૂરઝડપે સ્પોર્ટ બાઇક લઇને નીકળેલા મિત્રોએ એક કારને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે બાઇકનો કચ્ચરખાણ વળી ગયો હતો અને બાઇક ચાલક 30 ફૂટ હવામાં ફંગોળાયો હતો. અકસ્માત બાદ ઇજાગ્રસ્ત યુવકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અડાજણમાં વહેલી સવારે ત્રણ મિત્રો ચા પીવા માટે સ્પોર્ટ બાઇક લઇને નીકળ્યા હતા. ત્યારે રસ્તો ક્રોસ કરી રહેલી કાર સાથે ધડાકાભેર બાઇક ટકરાઇ હતી. આ અકસ્માતમાં બાઇકનો ભુક્કો વળી ગયો હતો અને ત્રણેય યુવકોને ઇજા પહોંચી હતી. અકસ્માત બાદ ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે જેમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે કાર રસ્તો ક્રોસ કરી રહી હતી તે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલી બાઇક કાર સાથે ટકરાય છે. ઉલ્લેખનીય છે કે બાઇક સવાર હવામાં 30 ફૂટ સુધી ઉછળીને પટકાયો હતો. જ્યારે અન્ય બે જણા ત્યાં જ રસ્તા પર પટકાય છે.

ત્યારબાદ આસપાસમાંથી લોકોની દોડી આવે છે. યુવકોને હોસ્પિટલ ખસેડવામાં આવે છે. આ અકસ્માતમાં બાઇક સવાર અંતિમ ગુપ્તાને માથાના ભાગમાં 22 ટાંકા આવ્યા છે, આ ઉપરાંત આંખના ભાગે, હાથ-પગ પર ઈજાઓ પહોંચી છે. જ્યાર અન્ય બે યુવકોને નાની મોટી ઇજાઓ પહોંચી છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

શક્તિશાળી વાવાઝોડા ‘ચિડો’થી 1000થી વધુનાં મોતની આશંકા

પેરિસઃ ફ્રાંસમાં વાવાઝોડા ‘ચિડો’એ ભારે વિનાશ વેર્યો છે. ફ્રાન્સના મેયોટ વિસ્તારમાં વાવાઝોડાને લીધે આશરે 1000 લોકોએ જીવ ગુમાવ્યાની આશંકા છે. વાવાઝોડા ’ચિડો’એ 200 કિમીથી વધુની ઝડપે અહીં મોતનું તાંડવ મચાવ્યું હતું. છે. હાલ રેસ્ક્યુ ઓપરેશન પુરજોશમાં ચાલી રહ્યાં છે.

એક ટોચના સરકારી અધિકારીએ માહિતી આપતાં કહ્યું હતું કે મને લાગે છે કે સેંકડો લોકો માર્યા ગયા છે, કદાચ સંખ્યા લગભગ હજારોમાં પણ હોય. હિંદ મહાસાગરના ટાપુઓ પર ત્રાટકેલા ઉષ્ણકટિબંધીય વાવાઝોડાને કારણે થયેલા વ્યાપક વિનાશ બાદ ચોક્કસ આંકડા આપવાનું હાલ અત્યંત મુશ્કેલ છે.

અધિકારીઓએ મેયોટમાં ઓછામાં ઓછા 11 મોત થયાનું જણાવતાં  સંખ્યા વધવાની અપેક્ષા વ્યક્ત કરી છે.  આફ્રિકાના કિનારે દક્ષિણ-પૂર્વ હિંદ મહાસાગરમાં સ્થિત મેયોટ, ફ્રાન્સનો સૌથી ગરીબ ટાપુ પ્રદેશ અને યુરોપિયન યુનિયનનો સૌથી ગરીબ પ્રદેશ છે.

‘ચિડો’ વાવાઝોડાને કારણે 200 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે પવન ફૂંકાયો હતો, જેના કારણે મેયોટમાં અનેક મકાનોને નુકસાન થયું હતું, આફ્રિકાના પૂર્વ કિનારે લગભગ 800 કિલોમીટર દૂર આવેલા બે મુખ્ય ટાપુઓમાં ફેલાયેલા મેયોટની વસ્તી ત્રણ લાખથી વધુ લોકોની છે. સ્થાનિક રહેવાસીઓએ અહેવાલ આપ્યો હતો કે ઘણાં વૃક્ષો ઊખડી ગયાં હતાં અને હોડીઓ પલટી કે ડૂબી ગઈ હતી. રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને કહ્યું હતું કે તેઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.

મેયોટ પ્રીફેક્ટે જણાવ્યું હતું કે વાવાઝોડાએ જાહેર માળખાકીય સુવિધાઓને મોટા પાયે નુકસાન પહોંચાડ્યું છે, જેમાં એરપોર્ટ, વિનાશક વિસ્તારો અને વીજ પુરવઠો ખોરવાયો છે. મેયોટમાં 90 વર્ષમાં આ સૌથી ભયંકર વાવાઝોડું હતું.

 

 

ઈરાનમાં હિજાબ ન પહેરવા બદલ ગાયિકાની ધરપકડ

ઈરાન: ઓનલાઈન કોન્સર્ટ દરમિયાન હિજાબ ન પહેરવા બદલ મહિલા ગાયિકાની પરસ્તુ અહમદી ધરપકડ કરવામાં આવી છે. મહિલાએ બુધવારે 11 ડિસેમ્બરે યુટ્યુબ પર કોન્સર્ટનો વીડિયો અપલોડ કર્યો હતો. આ વીડિયોમાં અહમદી સ્લીવલેસ ડ્રેસ પહેરીને ગીત ગાતી હતી. વીડિયો અપલોડ થયા બાદ ગુરુવારે કોર્ટમાં અહમદી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. આ પછી શનિવારે અહમદીની ધરપકડ કરવામાં આવી હતી.

 27 વર્ષીય પરસ્તુ અહમદીના ઈરાનના વકીલે જણાવ્યું કે, તેની ઈરાનના ઉત્તરી પ્રાંત મઝંદરનની રાજધાની સારીમાંથી પોલીસે ધરપકડ કરી છે. બીજી તરફ પરસ્તુ અહમદીએ યુટ્યુબ પર વીડિયો અપલોડ કરવાના એક દિવસ પહેલા સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, હું મને ગમતા લોકો હોય એમના માટે ગાવા માગુ છું. હું આ અધિકારની અવગણના કરી શકતી નથી. હું જે જમીનને પ્રેમ કરું છું તેના માટે ગીત ગાઉં છું.યુટ્યુબ પર પરસ્તુ અહમદીના આ વિડીયોને 16 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. ધરપકડ બાદ તેને ક્યાં રાખવામાં આવી છે, તેની માહિતી કોઈની પાસે નથી. આ સિવાય તેની સામે કઈ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે તે પણ સ્પષ્ટ નથી. પરસ્તુ અહમદી ઉપરાંત જે બે સંગીતકારોની ધરપકડ કરવામાં આવી છે તેમના નામ સોહેલ ફગીહ નસિરી અને એહસાન બેરાગદાર છે. બંનેની રાજધાની તેહરાનમાંથી ધરપકડ કરવામાં આવી છે.ઈરાનમાં 1979માં હિજાબને ફરજિયાત બનાવવામાં આવ્યો હતો. 1979 પહેલા ઈરાનમાં મહિલાઓના વસ્ત્રો અંગે કોઈપણ પ્રકારના પ્રતિબંધો નહોતા. હાલમાં જ 15 ઓગસ્ટ, 2023ના રોજ રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીએ એક આદેશ પર હસ્તાક્ષર કર્યા અને તેને ડ્રેસ કોડ તરીકે સખત રીતે લાગુ કરવા કહ્યું. નવા કાયદા મુજબ હિજાબના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ મહિલાઓને મૃત્યુદંડની સજા પણ થઈ શકે છે. નવા કાયદાની કલમ 60 હેઠળ દોષિત મહિલાઓને દંડ, કોરડા અથવા સખત કેદની સજા થઈ શકે છે.

આ બિમારીને કારણે થયું ઝાકિર હુસૈનનું નિધન, શું છે IPF?

મુંબઈ: વિશ્વભરમાં ભારતને શાસ્ત્રીય સંગીતમાં એક અલગ ઓળખ અપાવનાર ઉસ્તાદ અને પ્રખ્યાત તબલાવાદક ઝાકિર હુસૈન હવે આપણી વચ્ચે નથી. ઝાકિર હુસૈનનું 73 વર્ષની વયે નિધન થયું છે. ઝાકિર હુસૈને અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં અંતિમ શ્વાસ લીધા. ઝાકિર હુસૈન ફેફસાના ગંભીર રોગ અને હાઈ બ્લડ પ્રેશરના દર્દી હતા. જેના કારણે તેમને હ્રદય સંબંધિત સમસ્યાઓ થઈ હતી. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં હૃદય સંબંધિત સમસ્યાઓના કારણે તેમનું મૃત્યુ થયું હતું.

સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, ઝાકિર હુસૈનના પરિવારે એક નિવેદનમાં કહ્યું કે તે ‘ઈડિયોપેથિક પલ્મોનરી ફાઈબ્રોસિસ’ નામની દુર્લભ ફેફસાની બિમારીથી પીડિત હતો, જેના કારણે મુશ્કેલીઓ થવા લાગી.

આઇડિયોપેથિક પલ્મોનરી ફાઇબ્રોસિસ (IPF) શું છે?

આઇડિયોપેથિક પલ્મોનરી ફાઇબ્રોસિસ ફેફસાં સંબંધિત ગંભીર રોગ છે. જ્યારે તમે શ્વાસ લો છો, ત્યારે ઓક્સિજન આપણા ફેફસાંની હવાની નાની કોથળીઓમાંથી લોહીમાં જાય છે અને પછી અહીંથી તે શરીરના તમામ ભાગોમાં પહોંચે છે. પરંતુ જ્યારે IPF થાય છે, ત્યારે ડાઘ પેશી ફેફસાંની અંદર વધવા લાગે છે. જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે. ઉંમર સાથે આ સમસ્યા વધવા લાગે છે. આ કારણે ફેફસાં દ્વારા લોહીમાં ઓક્સિજનની કમી થાય છે. જેના કારણે તમારા શરીરના અન્ય અંગો યોગ્ય રીતે કામ કરી શકતા નથી.

આઇડિયોપેથિક પલ્મોનરી ફાઇબ્રોસિસના લક્ષણો અને સારવાર

તમને જણાવી દઈએ કે આઈડિયોપેથિક પલ્મોનરી ફાઈબ્રોસિસનો કોઈ ઈલાજ નથી, તેને માત્ર નિયંત્રિત કરી શકાય છે. જો સ્થિતિ ગંભીર હોય, તો ફેફસાં ટ્રાન્સપ્લાન્ટ એ એક વિકલ્પ છે. ધીરે ધીરે ફેફસાંમાં પેશીઓ વધવા લાગે છે અને ફેફસાંમાં ઘા જેવું થઈ જાય છે. જેના કારણે તમને છાતીમાં દુખાવો કે જડતા, પગમાં સોજો, ભૂખ ન લાગવી, ગળામાં દુખાવો, ઉધરસ, થાક લાગવો, સાંધા અને સ્નાયુઓમાં દુખાવો, વજન ઘટવું અને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. જો તમે કોઈ અન્ય રોગથી પીડિત હોવ તો મુશ્કેલીઓ વધુ વધી જાય છે.

“મલ્ટીપોલાર વિશ્વમાં વિશ્વાસની ખોટ પુરવાની જવાબદારી ભારત પર”

અમદાવાદ: શહેરમાં ‘જ્યોત’ ફાઉન્ડેશનના ઉપક્રમે બે દિવસીય ‘વસુધૈવ કુટુંબકમ કી ઔર 3.0’ કોંકલેવનું આયોજન કરવામાં આવ્યું હતું. 14 અને 15મી ડિસેમ્બરના રોજ આ કોન્કલેવ ગીતાર્થ ગંગા ખાતે યોજાઈ હતી. કોન્કલેવ જૈનાચાર્ય યુગભૂષણસુરીજીના માર્ગદર્શન હેઠળ યોજાઇ હતી.કોન્કલેવના પ્રથમ દિવસે આધ્યાત્મિકતા, કાનૂની પાસા અને જીઓપોલિટિક્સ વિષય પર ચર્ચા કરવામાં આવી હતી. પ્રથમ દિવસે કાનૂની પાસાઓ સંદર્ભે સાર્વભૌમત્વ, પાયાના માળખાનો સિદ્ધાંત અને બિનસાંપ્રદાયિકતા જેવા મુદ્દાઓ પર ગહન ચર્ચા ઉપસ્થિત ન્યાયવિદો દ્વારા કરવામાં આવી હતી.કોન્કલેવની આ વર્ષની થીમ કાનૂની પાસા સંદર્ભે સુસંગત એટલા માટે હતી કારણ કે ભારતના બંધારણને ૭૫ વર્ષ પૂર્ણ થયા છે. તીર્થંકર પ્રભુ મહાવીર સ્વામીના નિર્વાણ કલ્યાણકને ૨,૫૫૦ વર્ષ થયા છે. તથા ભારતની ન્યાય વ્યવસ્થાના મહત્વપૂર્ણ એવા એસ.આર બોમાઈ ચુકાદાને પણ 30 વર્ષ પૂર્ણ થયા છે. આ સીમાચિન્હોના આધારે વર્તમાન સુસંગતતા તથા વાસ્તવિકતાઓના આધારિત આધુનિક સંકલ્પનાઓ અને પ્રાચીન ભારતની સંકલ્પનાઓને સાંકળીને ચર્ચાવિચારણા કરવામાં આવી હતી.પ્રથમ દિવસે ચર્ચા સત્રોમાં સિનિયર ધારાશાસ્ત્રી પર્સીવલ બીલીમોરીયા, પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુ, બેરિસ્ટર ડો. અનિરુદ્ધ રાજપૂત, સુપ્રીમ કોર્ટના સિનિયર ધારાશાસ્ત્રીઓ સી. એ. આર્યમા સુંદરમ, દેવદત્ત કામત, એડિશનલ સોલિસિટર જનરલ વિક્રમજીત બેનર્જી, સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ એમ. આર. શાહ, ગુજરાત હાઇકોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ મોહિત શાહ, સિનિયર ધારાશાસ્ત્રી દેવાંગ નાણાવટી, વાડિયા ગાંધી એન્ડ કંપનીના ભાગીદારો ધવલ મહેતા અને જય કંસારાએ પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા હતા.સી. એ. આર્યમા સુંદરમે કહ્યું કે ભારતમાં પશ્ચિમ કરતાં પણ ખૂબ પહેલા ‘દુન્યવી સાર્વભૌમત્વ’ વિષય વિશ્વ સમક્ષ મૂકવામાં આવ્યો હતો. ડો. અનિરુદ્ધ રાજપૂતે “સ્ટેટહુડ”ના પાયાના સિદ્ધાંતને વિસ્તૃત ઢબે સમજાવ્યો હતો. યુગભૂષણસૂરીજીના નીતિ, ન્યાય અને ભારતીય શાસ્ત્રો પરના વિચારોથી પ્રભાવિત થઈને દેવદત્ત કામતે જણાવ્યું હતું કે આ બધી બાબતો આધુનિક પાયાના માળખાના સિદ્ધાંતને આંતરિક સર્વભૌમત્વની દ્રષ્ટિએ જોડે છે. જસ્ટિસ મોહિત શાહે પોતાના વિચારો રજૂ કરતા જણાવ્યું હતું કે સંપૂર્ણ સાર્વભૌમત્વ એ ક્યારેય પણ જનતા કે દેશના હિતમાં નથી હોતું.વિવિધ વૈશ્વિક રાજનૈતિક અને આધ્યત્મિક પ્રવાહોની ચર્ચા કરતા જૈનાચાર્ય યુગભૂષણસુરીજીએ જણાવ્યું હતું કે ભારતની આધ્યાત્મિક જ્ઞાન પરમ્પરા સનાતન રહી છે. તેણે હંમેશા વિશ્વને શાંતિનો રસ્તો બતાવ્યો છે. આજના અશાંત વૈશ્વિક રાજનૈતિક પરિપ્રેક્ષ્યમાં તેનું મહત્વ ખૂબ વધારે છે અને તે વિશ્વને માર્ગદર્શન કરવા સક્ષમ છે.કોન્કલેવના બીજા દિવસે ‘જીઓપોલિટીકસમાં મલ્ટિપોલારીટી, વૈશ્વિક વિશ્વાસ અને વિશ્વબંધુત્વમાં ભારતની ભૂમિકા’ વિષય પર ચર્ચા થઈ હતી. જેમાં ન્યાયવિદ અને કન્સલ્ટન્ટ ડૉ. અનિરુદ્ધ રાજપૂત, ન્યાયવિદ પર્સીવલ બીલીમોરીયા, ભારતના બ્રિટન ખાતેના પૂર્વ રાજદૂત યશવર્ધનકુમાર સિંહા, આઈ.ડી.એસ.એ.ના રાજીવ નયન, ડો. જે. આર. ભટ્ટ, વી.આઇ.એફ.ના સંશોધક ડો. સરોજ બિસોય, ભારતના પૂર્વરાજદૂત અચલકુમાર મલ્હોત્રા અને ઇન્ડિયા ફાઉન્ડેશનના નિયામક કેપ્ટન ડો. આલોક બંસલે વિભિન્ન પાસાઓ પર વિચારો રજૂ કર્યા હતા.અનિરુદ્ધ રાજપૂતે વૈશ્વિક રાજનીતિ અને સાંસ્કૃતિક પરિમાણોની આજના કપરા સમયમાં પુનઃ પરીક્ષા કરવા પર ભાર મુકતા કહ્યું હતું કે આજે પણ પાશ્ચાત્ય શાસન વ્યવસ્થાનું માળખું અને ડિપ્લોમસી વૈશ્વિક નિયમો ઘડે છે. પર્સિવલ બીલીમોરીયાએ સ્થાનિક અને વૈશ્વિક વિમર્શના સંદર્ભે ભારતની લોકતાંત્રિક પ્રક્રિયાઓ પર થઈ રહેલા બાહ્ય પ્રભાવ પરત્વે ચિંતા વ્યક્ત કરી હતી. યશવર્ધન કુમાર સિંહાએ વસુધૈવ કુટુંમ્બકમમાં રહેલી મલ્ટીપોલારીટીને ઉજાગર કરી હતી. આલોક બંસલે નિયમ આધારિત વિશ્વવ્યવસ્થાની તરફેણ કરી હતી.આ ઇવેન્ટને ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પૂર્વ એટર્ની જનરલ કે. કે. વેણુગોપાલ, પી. ચિદમ્બરમ, ઓસ્ટ્રેલિયન હાઈ કમિશન, નેપાળ દૂતાવાસ, યુક્રેન દૂતાવાસ, જર્મન દૂતાવાસ અને સ્પેનિશ દૂતાવાસ તરફથી શુભેચ્છાઓ મળી. નેપાળ દૂતાવાસે તેમના પ્રતિનિધિ તરીકે દ્રુપદા સપ્કોટા, મંત્રી પરામર્શદાતાને કૉનલેવમાં હાજરી માટે નિયુક્ત કર્યા. આ બે દિવસના મહત્વપૂર્ણ સંમેલનના નિષ્કર્ષ રૂપે ‘ગિતાર્થ ગંગા ડેકલેરેશન’ જારી કરવામાં આવ્યું છે જેમાં વિષયો પર થયેલી ચર્ચાઓ અને તેના તારણોના આધારે મળેલા વિચારને વિવિધ રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય ફોરમમાં મૂકવામાં આવશે. આ કોંક્લેવમાં દેશ-વિદેશના આશરે ૪૦૦ જેટલા સામાન્ય લોકો, ન્યાયવિદો, ભૂભૌગોલિક રાજનીતિના નિષ્ણાતો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

નકલી નોટના રેકેટનો પર્દાફાશ, 6 આરોપી ઝડપાયા

કલર પ્રિન્ટરમાં રૂપિયા 500ના દરની ચલણી નોટો છાપીને વટાવવા માટે મધ્યપ્રદેશથી અમદાવાદ આવેલ 6 આરોપીઓની સોલા પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા પાંચસોની 247 જેટલી બનાવટી ચલણી નોટો જપ્ત કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપીઓ મધ્યપ્રદેશના ભીંડના મેગાવના વતની છે અને તેમના અન્ય એક સાગરિતે બનાવટી ચલણી નોટો પ્રિન્ટ કરવાની તાલીમ આપી હતી. જેમાં ઉચ્ચ ક્વોલીટીના કાગળ પર 500ની નોટ પ્રિન્ટ કરીને તૈયાર કરી હતી અને સાંજના સમયે ભીડનો લાભ લઈને બનાવટી નોટ ફરતી કરવાના હતા. આ મામલે સોલા હાઇકોર્ટ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આરોપીઓના નામ દિપક બંસલ, ઉમેશ રેપુરિયા, વિકાસ જાટવ, ઉમેશ કૈલાશ જાટવ અને ઋષિકેશ જાટવ હોવાનું જાણવા મળ્યું હતું. આરોપીને અગાઉ યોગેશ નામના વ્યક્તિએ આરોપીઓને સારી ગુણવતાની બનાવટી ચલણી નોટો છાપીને બજારમાં ફરતી કરીને નાણાં કમાવવાનો શોર્ટ કટ બતાવ્યો હતો. જે માટે તેણે અસલી નોટ સ્કેન કરીને તેને બંને તરફ પ્રિન્ટ કરવાથી માંડીને તેના પર ગ્રીન કલર ઉપસી આવેલી ટેપ લગાવવાની ટેક્નિક પણ શીખવી હતી. જેના આધારે આરોપીઓએ અગાઉ 100 રૂપિયાના દરની બનાવટી ચલણી નોટો તૈયાર કરી હતી અને દિલ્હી તેમજ મધ્યપ્રદેશમાં નાના વેપારીઓને આપી હતી. ત્યારબાદ તેમણે થોડા દિવસ પહેલા પાંચસો રૂપિયાના દરની બનાવટી ચલણી નોટો તૈયાર કરી હતી અને તેને અમદાવાદ જેવા મોટો શહેરમાં રાતના સમયે શાક માર્કેટમાં આપવા માટેનું નક્કી કર્યું હતું. જેથી તે 250 જેટલી નોટો લઈને આવ્યા હતા. તેમને રૂપિયા 500ના દરની બે બનાવટી ચલણી નોટો ફરતી કરવામાં સફળતા મળી હતી. જો કે તે પહેલા ઝડપાઈ ગયા હતા. આરોપીઓને બનાવટી ચલણીનો છાપવાની ટ્રીક શીખવનાર યોગેશ નામનો આરોપી ઉત્તર પ્રદેશમાં બનાવટી ચલણી નોટોના ગુનામાં સંડોવાયેલો હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસ તમામ આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે.