Home Blog Page 1260

ડી. ગુકેશની જીતને લઈને રશિયન ચેસ ફેડરેશનનો ગંભીર આરોપ

નવી દિલ્હી: 18 વર્ષીય ભારતીય ગ્રેન્ડમાસ્ટર ડી. ગુકેશે ચેસમાં વર્લ્ડ ચેમ્પિયનશીપ 2024 જીતીને ઈતિહાસ રચી દીધો છે. ગુકેશે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશીપ 2024માં ચીનના ડીંગ લિરેનને હરાવીને આ સિદ્ધિ મેળવી હતી. 12મી ડિસેમ્બરે 14મા રાઉન્ડની મેચમાં ડિંગની મોટી ભૂલનો ફાયદો ઉઠાવીને ગુકેશ વર્લ્ડ ચેમ્પિયન બન્યો હતો. જો કે તેમના વિરોધીઓ તેની આ જીતને પચાવી શક્યા નથી. રશિયન ચેસ ફેડરેશને ચીની ખેલાડી ડીંગ પર ઇરાદાપૂર્વક મેચ હારવાનો આરોપ લગાવ્યો છે.

રશિયન ચેસ ફેડરેશનના પ્રમુખ એન્ડ્રે ફિલાતેવે ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન(FIDE) પાસે તપાસની માંગ કરી છે. રશિયન સમાચાર એજન્સીના અહેવાલ અનુસાર, ફિલાતેવે કહ્યું હતું કે, ‘વર્લ્ડ ચેસ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચના પરિણામથી પ્રોફેશનલ ખેલાડીઓ અને ચેસના ચાહકોના મનમાં ગભરાટ ફેલાઈ ગયો છે. ફાઈનલ રાઉન્ડ દરમિયાન ચીનના ખેલાડીએ કેટલાંક એવા મૂવ કર્યા હતા, જેનાથી ઘણી શંકા ઉભી થઈ છે. FIDEએ આ અંગે અલગથી તપાસ કરવી જોઈએ. આ મેચ દરમિયાન ડીંગ લીરેન જે સ્થિતિમાં હતો. તેમાં કોઈપણ ફર્સ્ટ ક્લાસના ખેલાડી માટે હારવું ખૂબ મુશ્કેલ છે. એવું લાગે છે કે ચીની ખેલાડી જાણી જોઈને ગેમ હારી ગયો છે.’રશિયાના ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન વ્લાદિમીર ક્રામનિકે પણ લિરેનની હારને લઈને આ પહેલાં સવાલો ઉઠાવ્યા છે. તેમણે એક પોસ્ટ શેર કરી લખ્યું હતું કે, ‘અત્યાર સુધીમાં કોઈ વર્લ્ડ કપનો ખિતાબ આ પ્રકારની બાલિશ યુક્તિને આધારે નક્કી થયો નથી.’

એક્ટર અલ્લુ અર્જુનને હાઇકોર્ટે આપ્યા વચગાળાના જામીન

હૈદરાબાદઃ તેલુગુ એક્ટર અલ્લુ અર્જુનને તેલંગાણા હાઇકોર્ટે વચગાળાના જામીન આપ્યા છે. તેની પુષ્પા 2 ધ રૂલ ફિલ્મના પ્રીમિયર દરમ્યાન થયેલી ધક્કામુક્કીમાં એક મહિલાના મોતના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.

તેલુગુ અભિનેતા અલ્લુ અર્જુનના ફેન્સ માટે રાહતના સમાચાર છે. આ પહેલાં નીચલી કોર્ટે અભિનેતાને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો હતો, પરંતુ તેલંગણા હાઈકોર્ટે પુષ્પા ફેમ અભિનેતાને વચગાળાના જામીન આપ્યા છે.હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન અલ્લુ અર્જુનના વકીલે દાવો કર્યો હતો કે એક્ટરની ધરપકડ માત્ર સનસની ફેલાવવા માટે થઈ છે. જ્યારે તેની જરૂર નહોતી. સુનાવણીમાં જજે પૂછ્યું કે શું અભિનેતા વિરુદ્ધ BNS ની કલમ 105 (B) અને 108 હેઠળ કેસ દાખલ કરી શકાય છે. શું તે આ ઘટના માટે જવાબદાર છે? તેના પર સરકારી વકીલે કહ્યું હતું કે અલ્લુ અર્જુન એક્ટર જરૂર છે, પરંતુ તે હવે આરોપી છે. માત્ર તેમની હાજરીને કારણે થિએટરમાં ભાગદોડ થઈ હતી, જેના કારણે આ દુર્ઘટના થઈ હતી.ભાગદોડમાં મૃત્યુ પામેલા મહિલાના પતિનું કહેવું છે કે તે કેસ પરત લેવા તૈયાર છે. રેવતીના પતિ અને તેના પરિવારનું કહેવું છે કે તે અલ્લુ અર્જુન વિરુદ્ધ કેસ પરત લેવાનો વિચાર કરી રહ્યા છે. મહત્વનું છે કે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પરિવારને 25 લાખની મદદ કરવાની જાહેરાત પણ અભિનેતાએ કરી હતી. એવું જણાય છે કે આ કારણે મહિલાનો પરિવાર કેસ પરત લેવાનું વિચારી રહ્યો છે.

હૈદરાબાદના સંધ્યા થિયેટર કેસમાં દક્ષિણ ભારતના સુપરસ્ટાર અને પુષ્પા 2 ફિલ્મના અભિનેતા અલ્લુ અર્જૂનની ફિલ્મ ચોથી ડિસેમ્બરે પુષ્પા 2 ફિલ્મની રિલીઝની પૂર્વ સંધ્યા પર સંધ્યા થિયેટરમાં એક વિશેષ સ્ક્રીનિંગનું આયોજન થયું હતું. અહીં એડવાન્સ ટિકિટ ખરીદીને લોકો ફિલ્મ જોવા માટે પહોંચ્યા હતા. ત્યારે અલ્લુ અર્જૂનની ટીમ અચાનક પહોંચી ગઈ. જેવો તે થિયેટરમાં પહોંચ્યો કે તેના પ્રશંસકો મોટી સંખ્યામાં તેને જોવા માટે ઊમટી પડ્યા હતા. જેના કારણે ભાગદોડ મચી ગઈ. આ ભાગદોડમાં એક મહિલાએ જીવ ગુમાવ્યો. જેના કારણે અલ્લુ અર્જુન અને અન્ય પર અપરાધિક બેદરકારીનો આરોપ લાગ્યો.

 

અમદાવાદમાં પાલતુ શ્વાન માટે રજિસ્ટ્રેશન ફરજિયાત, 1 જાન્યુઆરીથી નવા નિયમો લાગુ

અમદાવાદમાં નવા વર્ષના આગમન સાથે જ કેટલાક નવા નિયમોનું નાગરિકોએ પાલન કરવું પડશે. અમદાવાદ વાસીઓએને પણ હવે શ્વાન રાખવા માટે નિયત પ્રક્રિયા પુર્ણ કરવી પડશે. અમદાવાદમાં પાલતુ શ્વાન રાખવા હશે તો નોંધણી ફરજિયાત કરાવવી પડશે. પાલતુ શ્વાન માટે રજિસ્ટ્રેશન કરાવવુ ફરજિયાત બનાવાયુ છે. 1 જાન્યુઆરીથી 90 દિવસની અંદર રજિસ્ટ્રેશન કરાવવુ ફરજિયાત કરાયું છે. એટલુ જ નહી AMCમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે 200 રૂપિયા ફી ભરવી પડશે તેમજ શ્વાનના ફોટોગ્રાફ સાથે જગ્યાના પુરાવા પણ આપવા પડશે.

નવા વર્ષના પ્રારંભથી અમદાવાદમાં પાલતુ શ્વાન રાખવા માટે નિયત પ્રક્રિયા પુર્ણ કરવી પડશે. 1 જાન્યુઆરીથી અમદાવાદમાં પાલતુ શ્વાન રાખવા રજિસ્ટ્રેશન કરાવવુ ફરજિયાત બનાવવામાં આવ્યુ છે. શહેરીજનો જો પાલતુ શ્વાન રાખવા માંગતા હોય તો તેમણે એએમસીમાં રજિસ્ટ્રેશન કરાવવા રુપિયા 200 ફી ભરવી પડશે અને શ્વાનના ફોટોગ્રાફ સાથે તેને રાખવાની જગ્યા સાથેના જરુરી પુરાવા રજૂ કરવા પડશે. સુપ્રિમ કોર્ટની ગાઈડ લાઈન તથા એનીમલ બર્થ કંટ્રોલ ડોગ્સ રુલ્સ-2023 ઉપરાંત રેબીસ ફ્રી અમદાવાદની ગાઈડલાઈન અનુસાર અમદાવાદમાં 1 જાન્યુઆરીથી પેટ ડોગ રાખવા 90 દિવસની અંદર રજિસ્ટ્રેશન કરાવવુ ફરજિયાત બનાવવામાં આવ્યુ છે.

ગિરનાર પર ભારે પવન ફૂંકાતા રોપ-વે સેવા બંધ

જૂનાગઢ: ગુજરાત સહિત દેશમાં ઠંડીનું જોર વધ્યું છે. ઠંડીના જોરા સાથે પવન ફૂંકાવાઈ રહ્યા છે. ત્યારે જૂનાગઢના ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાવાના કારણે રોપ-વે સેવા હાલમાં બંધ કરાઈ છે. તેમજ 4 દિવસથી ભારે પવનના કારણે રોપ-વેના સંચાલન પર તેની અસર પડી રહી છે. જ્યારે પવનની ગતિ સ્થિર થતાં રોપ-વેની સેવા ફરી શરુ કરવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગિરનાર શિખર પર 50-54 કિ.મી. પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાય છે. જેના કારણે કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખીને રોપ-વે સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જૂનાગઢ શહેરમાં તાપમાનમાં અણધારી અને અસામાન્ય વધઘટ થઈ રહી છે. ગુરુવારે આજે એક જ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 8.2 ડિગ્રીનો વધારો થયો છે. જો કે બર્ફીલા પવનના કારણે ઠંડીનું જોર યથાવત્ છે. જેથી માર્ગો પર વહેલી સવારે અને મધરાત્રે લોકોની અવરજવર ઓછી જોવા મળી રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભેજમાં વધઘટના કારણે જૂનાગઢમાં છેલ્લા ચાર દિવસથી તાપમાનમાં ફેરબદલ થઈ રહી છે. બેથી ત્રણ ડિગ્રી ગગડતાં પારામાં એકાએક 8.2 ડિગ્રીનો વધારો થયો છે. ભેજના પ્રમાણમાં ઘટાડો થયો છે, પરંતુ 7.2 પ્રતિ કિલોમીટરની ઝડપે પવનથી વાતાવરણ ઠંડુગાર થયું છે. લઘુત્તમ તાપમાન વધ્યું પરંતુ પવનના કારણે ઠંડીથી બચવા લોકો તાપણું, ગરમ ચા અને કાવાની ચુસકી લઈ રહ્યા છે.

ડિજિટલ એરેસ્ટ માટે કામ કરનાર ‘કોલર’ની CIDએ કરી ધરપકડ

અમદાવાદઃ રાજ્યના અમદાવાદ નિવાસીને ડિજિટલ એરેસ્ટ કરીને રૂ. ચાર કરોડ ઠગવાના આરોપમાં પોલીસે MBA વિદ્યાર્થીની ધરપકડ કરી છે.  26 વર્ષીય આરોપી ચેતન કોકરે કંમ્બોડિયાની આંતરાષ્ટ્રીય ગેન્ગ માટે કામ કરતો હતો અને દેશ પરત ફરતાં તેની ધરપકડ કરવામાં આવી છે.

CIDના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ સૌપ્રથમ વાર છે કે ગુજરાત CID (ક્રાઇમ)એ ડિજિટલ એરેસ્ટ કૌભાંડથી જોડાયેલા કોઈ કોલ કરવાવાળા ‘કોલર’ આરોપીની ધરપકડ કરી છે. આ આરોપી હાલ મુંબઈમાં રહેતો હતો.ત્યાર બાદ તેની ગુજરાત CIDએ કોલાબામાંથી તેની ધરપકડ કરી હતી. આ આરોપી ચીની-કમ્બોડિયા નાગરિકો તરફથી સંચાલિત એક ગેન્ગમાં સામેલ થયો હતો અને તે નકલી અધિકારી બનીને ગેન્ગ સાથે જેતે વ્યક્તિને જોડતો હતો, જેથી ડિજિટલ એરેસ્ટ કરીને અજાણી વ્યક્તિઓ પાસેથી પૈસા વસૂલી શકાય.પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આશરે ત્રણ મહિના પહેલાં અમદાવાદ સ્થિત એક પ્રોફેશનલને ફોન આવ્યો હતો કે જેમાં તેણે કુરિયર કંપનીના ક્રમચારી હોવાનો દારો કરતાં જણાવ્યું હતું કે બુક કરવામાં આવેલા પાર્સલમાંથી ડ્રગ્સ અને પાસપોર્ટ નીકળતાં પોલીસે જપ્ત કરી લીધું છે. જેથી પીડિત સહમત થતાં કોલરે વિડિયો કોલ દ્વારા કોઈ અન્ય વ્યક્તિને જોડ્યો હતો- જેણે ખુદને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના DCP મિલિંદ બારમડે તરીકે ઓળખ આપી હતી.

પોતાની સાથે છેતરપિંડી થવાનું જાણ થતાં પીડિતે પોલીસનો સંપર્ક રર્યો હતો. અને ઇનપુટ, નિગરાનીને આધારે CIDએ ફોન કરતી વ્યક્તિની ઓળખ કરી હતી અને તેની ધરપકડ કરી હતી.

રાજકોટમાં ઉમિયાધામનું CMએ કર્યું ખાતમુહૂર્ત

રાજકોટ જિલ્લામાં ઉમિયાધામ નિર્માણ થવા જઈ રહ્યું છે. માઁ ઉમિયાનું ભવ્ય મંદિર કણકોટ ગામ નજીક જશવંતપુર ગામે આકાર પામવા જઈ રહ્યું છે. નોંધનિય છે કે મંદિર ઉપરાંત સેવાશ્રમ, શૈક્ષણિક સંકુલના ત્રિવિધ કાર્યક્રમનું ખાતમુહૂર્ત આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું છે. રૂપિયા 550 કરોડના આ પ્રોજેકટમાં પ્રથમ તબક્કે 2 એકર જગ્યામાં 50 કરોડનું મંદિર બનાવવામાં આવશે. આ માટે જશવંતપુર ગામે ન્યારી નદીના કાંઠે 32 વીઘા જમીનની ખરીદી પણ કરવામાં આવી છે. જ્યારે મંદિરની સામે અન્ય 10 એકર જમીન રાજ્ય સરકાર દ્બારા આપવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે અનેકવિધ વિકાસકામોનાં લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યાં છે. રાજકોટ જિલ્લા પંચાયતના નવા ભવનનું ખાતમુહૂર્ત પણ મુખ્યમંત્રીના હસ્તે ભૂમિપૂજન તેમજ તક્તી અનાવરણ કરવા સાથે કરવામાં આવ્યું.

રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ સમાજને ટકોર કરતાં જણાવ્યું હતું કે જે રીતે માતાજીના ભવ્ય મંદિર બનાવી રહ્યા છીએ એવી જ રીતે આપણે સમાજની જરૂરિયાતો, નગરની જરૂરિયાતો અને ઉદ્યોગની જરૂરિયાતો ધ્યાનમાં રાખી આગળ વધવું જોઈએ. વર્તમાન સમયમાં પરિવારનું ધ્યાન રાખવું જોઈએ. સોશિયલ મીડિયાના આક્રમણને કારણે યુવા પેઢી ગુમરાહ થતી હોય તો તેને બચાવી જોઈએ. યુવાનોને વ્યસનો અને આદતોથી દૂર રાખશો તો સમાજ છે એના કરતાં પણ હજુ આગળ વધશે.

આ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ સાંસદ રૂપાલાની ટકોરમાં સાથ પુરાવી જણાવ્યું હતું કે પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું એ સાચી વાત છે. સંસ્કારો પર ધ્યાન દેવાની જરૂર છે. સરકાર પણ સેવ કલ્ચર, સેવ ઇન્ડિયા ફાઉન્ડેશન અને ગુજરાત સરકાર દરેક ઝોનમાં કાર્યક્રમ કરી રહી છે. અમદાવાદમાં કાર્યક્રમ કર્યો, આગામી દિવસોમાં સુરત અને રાજકોટમાં પણ કાર્યક્રમ કરીશું. ઉમિયા મંદિર સંસ્થાન દ્વારા ધર્મના કાર્યની સાથે સમાજ સેવાનાં કર્યો પણ કરવામાં આવશે. ધર્મ સેવા હોય કે સમાજ સેવા હોય, ફળની ચિંતા કર્યા વગર પાટીદાર સમાજ કાર્ય કરી રહ્યો છે. સુશાસનના ત્રીજા વર્ષના પ્રથમ દિવસે રાજકોટને 1 દિવસમાં 793 કરોડનાં વિકાસકામોની ભેટ મળી રહી છે. શહેરોનું 750 કરોડનું બજેટ 21,696 કરોડનું થયું છે.

ઉમિયા માતાજી સંસ્થાનના મંદિરને પ્રથમ તબક્કે બનાવવામાં આવશે. આ સાથે સિમેન્ટ અને લોખંડના ઉપયોગ વગર મંદિર નિર્માણ કરવામાં આવશે. અયોધ્યા મંદિરમાં જે પથ્થર ઉપયોગ કરવામાં આવ્યા છે એ જ ભરતપુરના ગુલાબી પથ્થરનો ઉપયોગ કરી આ મંદિર બનાવવામાં આવશે, જેમાં એકબીજા પથ્થરને જોડીને બાંધકામ કરવામાં આવશે. આ કામ માટે લગભગ ચાર વર્ષ જેટલો સમય લાગશે. કડવા પાટીદાર પરિવારોનાં કુળદેવી માઁ ઉમિયાના મંદિરની સાથે શૈક્ષણિક સંકુલ પણ બનાવવામાં આવશે. આ ઉપરાંત સેવાશ્રમ પણ બનાવવામાં આવશે. મંદિર કુલ 2 એકરમાં અને શૈક્ષણિક સંકુલ તેમજ આરોગ્યધામ સેવાશ્રમ 10 એકરમાં આકાર લેશે.

યુગભૂષણસૂરિજીના નેતૃત્વમાં 14-15 ડિસેમ્બરે ‘વસુધૈવ કુટુંબકમ્ કી ઓર 3.0’ સંમેલન

અમદાવાદ: શહેરના પાલડી વિસ્તાર સ્થિત ગીતાર્થ ગંગા ખાતે આગામી 14 અને 15 ડિસેમ્બરના રોજ ‘વસુધૈવ કુટુંબકમ્ કી ઓર 3.0’ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું છે. જૈનાચાર્ય યુગભૂષણસૂરિજીના નેતૃત્વમાં આ પહેલાં “વસુધૈવ કુટુમ્બકમ કી ઓર” નામથી બે કોન્કલેવનું આયોજન થયું હતું. જેમાં પ્રથમ કોન્કલેવ મુંબઈમાં અને બીજું કોન્કલેવ વડોદરામાં યોજાયું હતું. પ.પૂ. જૈનાચાર્ય યુગભૂષણસુરિજી દ્વારા આજના અશાંત યુગની યુદ્ધ, ભૂ ભૌગોલિક-રાજકીય દુશ્મનાવટ અને પ્રભાવહીન બહુપક્ષીયવાદ જેવી વૈશ્વિક સમસ્યાઓના સમાધાન માટે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેની પૂર્વભૂમિકા તરીકે યોજાયેલા મીડિયા સંવાદમાં જૈનાચાર્ય યુગભૂષણસુરીજીએ તંત્રીઓ અને સિનિયર પત્રકારો સાથે સંવાદ સાધ્યો હતો.જૈનાચાર્ય યુગભૂષણસુરીજીએ જણાવ્યું હતું કે, “ધર્મગુરુ અને જીઓ પોલિટિકસ્ વચ્ચે શું સંબંધ છે તેના વિશે ઘણા લોકો અજાણ છે. પરંતુ આ પ્રશ્નનો જવાબ ઇતિહાસના અનેક પ્રેરણાદાયક દ્રષ્ટાંતોમાં છુપાયેલો છે. ભારતના ઇતિહાસમાં ધર્મસત્તા અને રાજ્યસત્તાના સહકારના અનોખા ઉદાહરણો જોવા મળ્યા છે. સાચા ધર્મગુરુ રાજ્યસત્તાને યોગ્ય અને નીતિવિહિત સલાહ આપી શકે છે. ધર્મ શાસનના વડાઓ, ધર્મગુરુઓને રાજકારણની સામાજિક વિજ્ઞાન, કાયદા શાસ્ત્ર અને આર્થિક વિજ્ઞાન જેવા વિભાગોમાં પણ નિષ્ણાત હોવું જરૂરી છે. બ્રિટિશ શાસનમાં આધ્યાત્મિક ધર્મ અને ધર્મગુરુઓનું અવમૂલ્યન કરવામાં આવ્યું છે અને ધર્મને પછાત બતાવવા માટે અથાક પ્રયાસો કરવામાં આવ્યા હતા. આજે પોપ જે કહે છે તેની નોંધ સમગ્ર વિશ્વમાં લેવામાં આવે છે. પરંતુ ભારતીય ધર્મગુરુઓના મંતવ્યો પર ધ્યાન અપાતું નથી, જે ખેદજનક છે. ભારતના વૈવિધ્યપૂર્ણ અને પ્રાચીન ધર્મો લગભગ નગણ્ય છે.”

‘વસુધૈવ કુટુંબકમ્ કી ઓર 3.0’ કોન્ક્લેવના બે મુખ્ય વિષયો છે

  1. Legal Theme: Sovereignty, Basic Structure Doctrine and Secularism (14 December)
  2. Geo Political Theme: Global Trust, Multipolarity and role of Vishwabandhu Bharat (15 December)

“આ કોન્ક્લેવના માધ્યમથી સામાજિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે લોકો સુધી ભારતના પ્રાચીન તત્ત્વો અને ‘સોફટ પાવર’ની જાગૃતિ પહોંચે તેવો ઉદેશ્ય છે. ભારત માત્ર એક ‘પ્રાદેશિક સત્તા’ નથી પરંતુ વૈશ્વિક સત્તા તરીકે ઉભરી રહ્યું છે,”  એમ ‘જ્યોત’ ફાઉન્ડેશનના પ્રતિનિધિ માર્મીક્ભાઈ શાહે જણાવ્યું હતું.

ગુડ ફ્રાઇડેઃ સેન્સેક્સ 843 પોઇન્ટ, નિફ્ટી 24,750ને પાર

અમદાવાદઃ સપ્તાહના અંતિમ દિવસે ઘરેલુ શેરબજારમાં ભારે ઉતારચઢાવ જોવા મળ્યા હતા. સેન્સેક્સ અને નિફ્ટીમાં પહેલા હાફ સેશનમાં ભારે ઘટાડો થયો હતો. જોકે નીચા મથાળેથી શેરોમાં વેચવાલી કપાતાં સેન્સેક્સ નીચલા સ્તરેથી આશરે 2000 પોઇન્ટ ઊછળ્યો હતો. નિફ્ટી પણ વધીને 24,750ને પાર થયો હતો. રોકાણકારોની સંપત્તિમાં આશરે રૂ. 1.28 લાખ કરોડનો વધારો થયો હતો.

સ્થાનિક બજારમાં US ફેડ દ્વારા વ્યાજકાપના આશાવાદે IT શેરોમાં ઉછાળો આવ્યો હતો. જ્યારે FMCG શેરો બાઉન્સ બેક થયા હતા. જોકે મોર્નિંગ સેશનમાં મેટલ શેરોમાં ભારે નફારૂપી વેચવાલી થઈ હતી. જોકે નીચા મથાળે મંદીવાળાઓનાં વેચાણો કપાતાં શેરોમાં તેજી થઈ હતી. IT અને ઓટો શેરોએ બજારને સપોર્ટ કર્યો હતો. મિડકેપ ઇન્ડેક્સ નીચેથી 950 પોઇન્ટ સુધર્યો હતો. જેથી સેન્સેક્સ 843 પોઇન્ટ વધી 82.133ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 220 પોઇન્ટ વધીને 24,768ના સ્તરે બંધ થયો હતો. બેન્ક નિફ્ટી 367 પોઇન્ટ વધીને 53,584ના સ્તરે બંધ થયો હતો.

નવેમ્બરમાં રિટેલ મોંઘવારી દર 5.48 ટકા આવ્યો હતો, જેથી રિઝર્વ બેન્કને રાહત થઈ હતી અને બેન્ક ફેબ્રુઆરીમાં ધિરાણ નીતિની સમીક્ષા કરતી વખતે વ્યાજકાપ કરશે એવો આશાવાદ બજારમાં પ્રવર્તતો હતો.

BSE એક્સચેન્જ પર કુલ 4105 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 1833 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 2156 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 116 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 227 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 35 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.

અલ્લુ અર્જુનને જેલમાં મોકલ્યા બાદ મૃતક મહિલાના પતિનું નિવેદન, કેસ ખેંચશે પાછો

અભિનેતા અલ્લુ અર્જુનને 14 દિવસની ન્યાયિક કસ્ટડી માટે જેલમાં મોકલવામાં આવ્યો છે. હવે આ નિર્ણય બાદ સંધ્યા થિયેટરમાં નાસભાગ દરમિયાન મૃત્યુ પામેલી મહિલાના પતિનું નિવેદન સામે આવ્યું છે.

(Photo: IANS)

હૈદરાબાદમાં સંધ્યા થિયેટરમાં પુષ્પા 2 ના સ્ક્રીનિંગ દરમિયાન નાસભાગ મચી હતી. આ દરમિયાન એક મહિલાનું મોત થયું હતું. મહિલાના મોત બાદ તેણીના પતિએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. કેસ પર કાર્યવાહી હાથ ધરીને પોલીસે અભિનેતા અલ્લુ અર્જુનની ધરપકડ કરી હતી. ત્યારે હવે મૃતક મહિલાના પતિનું નિવેદન સામે આવ્યું છે.

મહિલાના પતિ ભાસ્કરે કહ્યું છે કે આમાં અલ્લુ અર્જુનનો વાંક નથી. હું કેસ પાછો ખેંચવા તૈયાર છું.

અમદાવાદમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ

અમદાવાદ: શહેરમાં ફરી એક વખત મોટું કૌભાંડ થતું હોવાની માહિતી પ્રકાશમાં આવી છે. રિવરફ્રન્ટ ઈસ્ટમાં આવેલા ખોડીયાર નગર નજીક મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરવાનું મોટું કૌભાંડ ચાલતું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જ્યાં ઇન્ડેન, ભારત પેટ્રોલિયમ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ જેવી કંપનીઓના ગેસ સિલિન્ડરમાંથી ગેસની ચોરી કરવાનું કામ કેટલાક તત્વો દ્વારા કરવામાં આવી રહ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મુજબ ખોડીયાર નગરમાં ગેસ એજન્સીઓ સાથે કામ કરતા વ્યક્તિઓ રહે છે અને  ગેસ સિલિન્ડરની ડીલેવરી કરતી લોડીંગ રીક્ષાઓના માલિકો પણ રહે છે. જે રિક્ષાઓમાં ગ્રાહકોને આપવાનો ગેસ સિલિન્ડર ત્યાં લાવીને તેમાંથી ગેસની ચોરી કરે છે. અગાઉ આ જગ્યાએ પોલીસ તેમજ અન્ય એજન્સીઓએ દોરડો પાડીને કાર્યવાહી કરી હતી. પરંતુ ગેરકાયદેસર કૌભાંડ ચલાવતા તત્વો બે રોકટોક રીતે ફરીથી સક્રિય થયા છે.  આ પુરા કૌભાંડમાં કેટલા ગેસ એજન્સીના માણસો પણ સંકળાયેલો હોવાની માહિતી મળી રહી છે. આ બાબતે ગેસ એજન્સીઓએ પણ અગાઉ તપાસ કરી હતી અને કેટલાક કર્મચારીઓને છૂટા કરીને કાર્યવાહી પણ કરી હતી પરંતુ ખોડીયાર નગર પાસે ચાલતું ગેસ ચોરીનું કૌભાંડ હજી અટક્યું નથી. બજારમાં રૂપિયા 810 માં મળતો ગેસ સિલિન્ડર ગેરકાયદેસર રીતે 1500 રૂપિયાથી 2000 રૂપિયામાં આપવામાં આવે છે. આ માટે ગેસ એજન્સી સાથે સંકળાયેલા લોકો એક-એક ગેસ સિલિન્ડરમાંથી એક કિલોથી દોઢ કિલો સુધીનો ગેસ ચોરી કરીને ખાલી સિલિન્ડરમાં ભરે છે. આમ પ્રતિદિન આ જગ્યાએથી 50 થી 100 સિલિન્ડર ગેરકાયદેસર રીતે સપ્લાય કરવામાં આવે જો આ બાબતે તપાસ કરવામાં આવે તો અનેક મોટા નામના ખુલાસા થઈ શકે તેવી શક્યતા છે.