Home Blog Page 1265

ટેક બોલમાં ભારતીય ખેલાડીઓએ દેશને અપાવ્યું પ્રથમ મેડલ

વિયેતનામમાં રમાઈ રહેલી 2024 ટેકબોલ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતના અનસ બેગ અને ડેકલાન ગોન્સાલ્વિસે ઈતિહાસ રચ્યો છે. આ ભારતીય જોડીએ આ ચેમ્પિયનશિપમાં દેશને પહેલો મેડલ અપાવ્યો છે. અનસ અને ડેક્લાને ટેકબોલ વર્લ્ડ ચેમ્પિયનશિપ 2024માં ભારત માટે પ્રથમ સ્થાન મેળવ્યું છે.

ભારત માટે પહેલો મેડલ

ભારતીય ટેકબોલ ખેલાડીઓ ડેક્લાન ગોન્સાલ્વિસ અને અનસ બેગે ટેકબોલ વર્લ્ડ ચેમ્પિયનશિપ 2024માં મેન્સ ડબલ્સ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતીને ભારત માટે પહેલો મેડલ મેળવ્યો છે. આ ચેમ્પિયનશિપમાં 95 દેશોના કુલ 221 ખેલાડીઓએ પાંચ અલગ-અલગ કેટેગરીમાં ભાગ લીધો હતો. આ નોંધપાત્ર સિદ્ધિ અંતિમ ચેમ્પિયન થાઇલેન્ડ સામેની સેમિફાઇનલમાં હાર બાદ મળી છે.

ટેકબોલ એક એવી રમત છે જેના વિશે ઘણા લોકો જાણતા નથી. આવી સ્થિતિમાં ભારતે મેડલ જીતવાની સાથે હવે આ રમત દેશમાં આગળ આવી છે. આજે બધા આ રમતને ઓળખી ગયા છે. હો ચી મિન્હ સિટી પીપલ્સ કમિટીના સહયોગથી ઈન્ટરનેશનલ ટેકબોલ ફેડરેશન (FITEQ) દ્વારા આયોજિત આ ચેમ્પિયનશિપે દુનિયાની સામે આ રમતને એક અલગ જ રૂપ આપ્યું છે. યુરોસ્પોર્ટ અને FITEQ ની YouTube ચેનલ સહિત મુખ્ય સ્પોર્ટ્સ નેટવર્ક પર ચેમ્પિયનશિપનું પ્રસારણ કરવામાં આવ્યું હતું.

 ટેકબોલ શું છે?

ટેકબોલ એ એક ગતિશીલ રમત છે જે ફૂટબોલ (સોકર)ના કૌશલ્યને ટેબલ ટેનિસની ચોકસાઇ સાથે મિક્સ કરે છે, જે ખાસ ડિઝાઇન કરેલા વક્ર ટેબલ પર રમાય છે, જેને ટેક ટેબલ કહેવાય છે. આમાં, ખેલાડીઓ એમના વિરોધીઓને હરાવવાના ઉદ્દેશ્ય સાથે નેટ પર બોલને ફટકારવા માટે એમના હાથ અને એના સિવાય એમના શરીરના કોઈપણ ભાગનો ઉપયોગ કરે છે.

આ રમત સિંગલ્સ અથવા ડબલ્સ (ટીમ) ફોર્મેટમાં રમી શકાય છે, જેમાં ખેલાડીઓને બોલને પરત કરતા પહેલા એને ત્રણ વખત સ્પર્શ કરવાની મંજૂરી આપવામાં આવે છે, જો કે એ જોવુ પણ જરૂરી છે કે બોલ સતત શરીરના સમાન ભાગને સ્પર્શ ન કરે.

NIAના ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં દરોડા, સાણંદના ચેખલામાંથી 1 ની અટકાયત

દેશમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમંદમાં ભરતી અને નેટવર્કિંગના મામલે ચાલી NIA દ્વારા સઘન શોધખોળ અને તપાસ ચાલી રહી છે. આ તપાસ અંતર્ગત પાંચ રાજ્યોમાં 19 સ્થોળ પર તપાસનો ધમધામટ શરૂ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે આ પાંચમાંથી એક ગુજરાત પણ સામેલ છે. ઉચ્ચ અધિકારીઓના મતે, આ કાર્યવાહી આતંકવાદી નેટવર્કને ખતમ કરવા તેમજ તેમની નાણાકીય અને લોજિસ્ટિક સિસ્ટમને શોધી કાઢવાની પ્રક્રિયાનો ભાગ છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે સાણંદ નજીક આવેલા ચેખલા ગામમાં NIAની ટીમે મોડી રાતથી કાર્યવાહી શરૂ કરી છે. હાલમાં મદરેસામાં કામ કરતાં આદિલ વેપારીની ધરપકડ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તેના તાર આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમંદ સાથે જોડાયેલા હોવાની શંકા હોવાથી તે દિશામાં તપાસ ચાલી રહી છે. આપને જણાવી દઈએ કે ગુજરાત જ નહીં, જમ્મુ-કાશ્મીર, અસામ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં અનેક ઠેકાણે આજે સવારથી NIAની દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. આ અભિયાન આતંકવાદી ગતિવિધિઓને મૂળથી જ ડામી દેવાના પ્રયાસ પર કેન્દ્રિત છે. આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ વધુને વધુ યુવાનોને કટ્ટરવાદી બનાવવા બેફામ પ્રચાર કરી રહ્યું છે. ખાસ કરીને જમ્મુ-કાશ્મીરના રિયાસી, બડગામ અને અનંતનાગ જેવા વિસ્તારોમાં NIAની ટીમે પુરાવા શોધીને તપાસ વધુ ઝડપી બનાવી છે.  NIAની રેડ ખાસ કરીને જમ્મુ-કાશ્મીરના રિયાસી, બડગામ અને અનંતનાગ જિલ્લામાં કેન્દ્રીત રહી છે. આ સ્થળો પર સંભવિત શંકાસ્પદ વ્યક્તિઓ અને તેમના અડ્ડાઓ પર કાર્યવાહી કરવામાં આવી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ રેડનો ઉદ્દેશ્ય મહત્વપૂર્ણ પુરાવા એકઠા કરવાનો અને તે લોકોની ધરપકડ કરવાનો છે જે ભારતીય યુવાનોને કટ્ટરપંઠી બનાવવા અને આતંકવાદી ગતિવિધિઓ માટે તૈયાર કરવાના કાવતરામાં સામેલ છે.

જ્યારે રાષ્ટ્રપતિએ રાજ કપૂર માટે પ્રોટોકોલ તોડ્યો, સામેથી ગયા એવોર્ડ આપવા

મુંબઈ: રાજ કપૂરે ફિલ્મી દુનિયામાં કહાણીઓનો લાંબો વારસો છોડ્યો છે. રાજ કપૂરના પરિવારમાં હજુ પણ ફિલ્મ સ્ટાર્સની કમી નથી. બોલિવૂડના શોમેન તરીકે જાણીતા રાજ કપૂરની 100મી જન્મજયંતિ 14 ડિસેમ્બરે ઉજવવામાં આવી રહી છે. આ ખાસ અવસર પર રાજ કપૂર પરિવારના તમામ સ્ટાર્સ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા પહોંચ્યા હતા. પરંતુ શું તમે જાણો છો કે એક વખત દેશના રાષ્ટ્રપતિએ પણ રાજ કપૂરને એવોર્ડ આપવાનો પ્રોટોકોલ તોડ્યો હતો. રાષ્ટ્રપતિ પોતે નીચે આવ્યા અને રાજ કપૂરને એવોર્ડ આપીને સન્માનિત કર્યા.

સ્ટેજ પરથી ઉતરીને રાજ કપૂરનું સન્માન કરવામાં આવ્યું

11 ફિલ્મફેર અને 3 દાદાસાહેબ ફાળકે એવોર્ડ સહિત 17 થી વધુ પ્રતિષ્ઠિત પુરસ્કારો જીતનાર રાજ કપૂરે 70 થી વધુ ફિલ્મોમાં હીરો તરીકે કામ કર્યું છે. રાજ કપૂર તેમના સમયના સૌથી મોટા સુપરસ્ટાર પણ રહ્યા છે. રાજ કપૂરે પોતાનું આખું જીવન ફિલ્મ કલાને સમર્પિત કર્યું હતું. રાજ કપૂરે 1988માં આ દુનિયા છોડી દીધી હતી. પરંતુ તે જ વર્ષે રાજ કપૂરને દાદાસાહેબ ફાળકે એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા. રાજ કપૂરને આ એવોર્ડ લેવા માટે દિલ્હી આવવું પડ્યું હતું. પરંતુ તેની હાલત ખૂબ જ ખરાબ હતી. તેમ છતાં, એવોર્ડ માટે, રાજ કપૂરને ઓક્સિજન માસ્ક સાથે એવોર્ડ સ્થળ પર લાવવામાં આવ્યા હતા. જ્યારે રાજ કપૂરને આ એવોર્ડ આપવા માટે સ્ટેજ પરથી તેમના નામની જાહેરાત કરવામાં આવી ત્યારે તેઓ સ્ટેજ પર ચઢી શક્યા ન હતા. આ પછી દેશના 9મા રાષ્ટ્રપતિ ‘રામાસ્વામી વેંકટરામન’ પ્રોટોકોલ તોડીને સ્ટેજ પરથી નીચે આવ્યા અને રાજ કપૂરને પોતે એવોર્ડ આપીને સન્માનિત કર્યા.

હવે કપૂર પરિવાર રાજ કપૂરની 100મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યો છે
રાજ કપૂરના પિતા પૃથ્વીરાજ કપૂર પણ ફિલ્મી દુનિયાના માહેર રહી ચૂક્યા છે. આ વારસાને આગળ લઈ જઈને રાજ કપૂરે ફિલ્મી દુનિયામાં પોતાના માટે એક માઈલસ્ટોન બનાવ્યો. રાજ કપૂરે પોતાની કળા અને વાર્તાઓથી બોલિવૂડને સમૃદ્ધ બનાવ્યું. રાજ કપૂર પછી, તેમના તમામ પુત્રો ફિલ્મોમાં હીરો બન્યા અને સ્ટારડમનો યુગ ત્રીજી પેઢી સુધી ચાલુ રહ્યો. આજે પણ રાજ કપૂરના પૌત્ર રણબીર કપૂર, કરીના કપૂર, કરિશ્મા કપૂર અને રિદ્ધિમા કપૂર જેવા ઘણા સ્ટાર્સ હાજર છે. હવે કપૂર પરિવાર રાજ કપૂરની 100મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યો છે. આ ખાસ અવસર પર 13 થી 15 ડિસેમ્બર દરમિયાન આરકે ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફિલ્મ ફેસ્ટિવલમાં રાજ કપૂરની 10 થી વધુ ફિલ્મો દેશના 40 શહેરોના 135 થિયેટરોમાં બતાવવામાં આવનાર છે. આ અંગે રાજ કપૂરના પરિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

PMJAY યોજનામાં ગેરરીતિ અટકાવવા આરોગ્ય વિભાગ કરશે AI નો ઉપયોગ

આરોગ્ય વિભાગ પર થોડા જ સમયમાં એક બાદ એક પ્રશ્નો ઉભા થયા છે. એમાં પણ ખ્યાતિકાંડ બાદ તો આરોગ્ય વિભાગને લઈ લોકો વિશ્વાસ ડઘાય ગયો છે. જેને લઈ હવે સરકારી યોજનાના સાથે થતી ગેરરીતી રોકવા માટે આરોગ્ય વિભાગ સક્રિય બન્યુ છે. હવે PMJAY યોજનામાં ગેરરીતી અટકાવવા માટે આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સની મદદ લેવામાં આવશે. PMJAY યોજના ખાનગી હોસ્પિટલ માટે કમાણીનું સાધન બની રહી છે કેમ કે, ગરીબ દર્દીઓની સારવારના નામે ખોટા દસ્તાવેજો રજૂ કરીને સરકાર પાસેથી નાણાં ખંખેરવામાં આવી રહ્યાં છે. ખ્યાતિકાંડ બાદ આ બધીય વાત બહાર આવી છે. દર્દીઓને જરૂર ન હોય છતાંય બારોબાર હૃદયમાં સ્ટેન્ટ નાંખીને ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટરો ધૂમ કમાણી કરી રહ્યાં હતાં. 4 હજારથી વધુ ઓપરેશન કરીને લાખો કરોડો રૂપિયા મેળવ્યા હતાં.

આપને જણાવી દઈએ કે, ગુજરાતમાં હાલ રૂ. 62 કરોડથી વધુ આયુષ્યમાન કાર્ડ ધારકો છે જે PMJAY યોજના અંતર્ગત હૃદયરોગ, કેન્સર સહિત વિવિધ બિમારીઓમાં રૂા.10 લાખ સુધી મફત સારવાર મેળવી શકે છે. ત્યારે ગુજરાતમાં PMJAY યોજનાની કામગીરી મેન્યુઅલી થઇ રહી છે, જેના કારણે ગેરરીતી થવાનો અવકાશ છે. સાથે સાથે ભ્રષ્ટ અધિકારીઓ અને ડોક્ટરો, હોસ્પિટલ સંચાલકોની મીલીભગતથી આખુય કૌભાંડ થયુ છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે હવે રાજ્ય આરોગ્ય વિભાગે નેશનલ હેલ્થ એજન્સી જેવું જ પોર્ટલ બનાવવા તૈયારી કરી છે. આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સની મદદ લેવા નક્કી કરાયુ છે જેથી ખોટા ડોક્યૂમેન્ટ હશે, અધુરા ડોક્યુમેન્ટ હશે અથવા અન્ય કોઇ પણ અનિમિયતતા જણાશે તો ઘડીભરમાં પકડાઇ જશે. ઉલ્લેખનીય છેકે, દિલ્હીમાં નેશનલ હેલ્થ એજન્સીની બધીય કામગીરી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત છે.

ઇરાનમાં ડ્રેસ કોડનું ઉલ્લંઘન થશે તો મળશે મોતની સજા

નવી દિલ્હીઃ ઈરાને હિજાબને લઈને નવો કાયદો બનાવ્યો છે, જેના પર હવે વિવાદ છેડાઈ ગયો છે. આ કાયદા હેઠળ હિજાબના નિયમોનું ઉલ્લંઘન કરનાર મહિલાઓને મૃત્યુદંડ પણ આપવામાં આવશે. ઈરાનના નવા કાયદાની કલમ 60 હેઠળ આ કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ મહિલાઓને દંડ, કોરડા અથવા સખત જેલની સજા થઈ શકે છે.

જો એકથી વધુ વખત ગુનો કરનારને 15 વર્ષ સુધીની જેલ અથવા તો ફાંસીની સજા થઈ શકે છે. ઈરાનના અધિકારીઓએ દેશના ડ્રેસ કોડનું ઉલ્લંઘન કરતી મહિલાઓ માટે વિવાદાસ્પદ હિજાબ ક્લિનિક ખોલવાનું પણ એલાન કર્યું છે.એક અહેવાલ પ્રમાણે વિદેશી મિડિયા અથવા સંગઠનોમાં હિજાબવિરોધી વિચારોને પ્રોત્સાહન આપશે, જે આરોપીઓને 10 વર્ષ સુધીની જેલની સજા મળશે. આ સાથે જ 12,500 પાઉન્ડ સુધીનો દંડ પણ ચૂકવવો પડશે. આ ઉપરાંત કાયદાનું ઉલ્લંઘન કરતી મહિલાઓની ધરપકડમાં હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કરનારા લોકોને પણ છોડવામાં નહીં આવે. ઈરાનની સરકાર આવા લોકોને સીધા જેલ હવાલે કરી શકે છે.

વર્ષ 1979ની ઇસ્લામિક ક્રાંતિ બાદથી ઈરાને મહિલાઓને જાહેર સ્થળો પર હિજાબ પહેરવાનું ફરજિયાત કર્યું હતું. તેમ છતાં 2022માં આ કાયદા વિરુદ્ધ દેશભરમાં વિરોધ પ્રદર્શનો થયાં હતાં.

ઈરાનમાં 16 સપ્ટેમ્બર 2022એ 22 વર્ષીય કુર્દ મહિલા મહસા અમીનીનું પોલીસ કસ્ટડીમાં મોત થઈ ગયું હતું. મહસાની તહેરાનમાં તહેનાત મોરલ પોલીસે દેશના ડ્રેસ કોડનું ઉલ્લંઘન કરવા બદલ ધરપકડ કરી હતી. તેના મોત બાદ દેશભરમાં વિરોધ શરૂ થયો હતો. આ પ્રદર્શનોમાં ઘણા સુરક્ષા કર્મચારીઓ સહિત સેંકડો લોકોનાં મોત થયાં હતાં. ત્યારે ઈરાન સરકારે આ પ્રદર્શનોને રોકવા માટે હજારો વિરોધીઓની ધરપકડ કરી હતી. હવે વિરોધનાં બે વર્ષ બાદ પહેલાં કરતાં પણ વધુ કડક કાયદો લાગુ કરવામાં આવ્યો છે.

જોકે ઇરાનમાં લાગુ કરવામાં આવેલા નવા કાયદાનો ના કેવળ દેશમાં, પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વિવાદનું કારણ બન્યો છે.

મેગા-મ્યુઝિકલ શૉ ‘રાજાધિરાજ’ના સચિન-જીગરના ગીતો મ્યુઝિક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર રિલિઝ

‘રાજાધિરાજ: પ્રેમ…જીવન…લીલા.’ મેગા-મ્યુઝિકલ શૉ કે જેમાં શ્રી કૃષ્ણની યુગો જૂની લીલાઓને સુંદર રીતે જીવંત કરવામાં આવી છે, તે હવે વિશ્વભરના તમામ મ્યુઝિક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. દીર્ઘદૃષ્ટા ધનરાજ નથવાણીની વિષય પ્રસ્તુતિ ધરાવતા આ અદભુત મ્યુઝિકલનો સાઉન્ડટ્રેક પ્રખ્યાત સંગીતકાર બેલડી સચિન-જીગરે કમ્પોઝ કર્યો છે, અને તેના ગીતોને જાણીતા ગીતકાર તેમજ પદ્મશ્રી પુરસ્કાર વિજેતા પ્રસૂન જોશીએ લખ્યા છે.

રોમેરોમને કૃષ્ણમય બનાવી દેવાની સાથે તેની રચનાને તાદૃશ કરી દઈને સભાગૃહમાં જીવંત વાતાવરણની રચના કરી દેતા 20 ઓરિજીનલ સુમધુર ગીતો હવે સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. આનાથી દર્શકોને માતા અને પુત્ર વચ્ચેના બિનશરતી પ્રેમ, રાધા અને કૃષ્ણની અવિસ્મરણીય પ્રેમકહાણી, અને બાલગોપાલના તોફાનોની એવી તે સુંદર અને મનમોહક પ્રસ્તુતિ કરાઈ છે કે જેનાથી દર્શકોમાં અનન્ય ભક્તિભાવની લાગણીઓ પ્રજ્જવલિત થશે.

આ ગીતોને રિલિઝ કરાવા અંગે પોતાના વિચારો પ્રગટ કરતા ધનરાજ નથવાણીએ કહ્યું હતું કે, “સંગીત એ કોઈ પણ વ્યક્તિની સંવેદનાઓના તાર ઝણઝણાવી તેને ઉન્નત કરી જાય છે. રાજાધિરાજના ગીતો પણ દરેક પેઢીના શ્રોતાઓ સાથે એક ખાસ બંધન બનાવ્યું છે- અને સંગીત થકી જ શ્રી કૃષ્ણની લીલાઓ તેમના સુધી પહોંચી છે. દિલ્હી અને મુંબઈમાં અમે દર્શકોમાં વ્યાપેલા ઉત્સાહના સાક્ષી રહ્યા છીએ જેણે અમને આ ગીતોને સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર રિલીઝ કરવા તરફ પ્રેરિત કર્યા છે. આ મ્યુઝિકલના 20 ટ્રેક છે જેમાંથી અત્યારે અમે 11ને રિલીઝ કરી રહ્યા છીએ. અમને આશા છે કે આ ગીતોનું સર્જન કરવામાં અમને જેટલો આનંદ આવ્યો તેટલો જ આનંદ દરેકજણ તેને સાંભળતી વેળાએ અનુભવાશે.”

આ સંગીત રચનામાં બુડાપેસ્ટના પાશ્ચાત્ય સિમ્ફનિક તત્ત્વો અને ભારતીય શાસ્ત્રીય સંગીતનું અનોખું મિશ્રણ છે, જેમાં હવેલી સંગીત, રાજસ્થાની અને ગુજરાતી લોકસંગીત, છપાકરા, રાસગરબા અને હિન્દુસ્તાની અર્ધ-શાસ્ત્રીય સંગીત જેવી અનેકવિધ શૈલીઓ પર ભાર મૂકવામાં આવ્યો છે. ભારતના વિવિધ પ્રદેશોની સોડમને સાથે લઈ આવવા માટે આ સંગીતકાર બેલડીએ તબલા, ઢોલક, શરણાઈ સહિત બીજા લોકવાદ્યોનો પણ ઉપયોગ કર્યો છે. શંકર મહાદેવન, શ્રેયા ઘોષાલ, કૈલાશ ખેર, સચિન સંઘવી, પાર્થિવ ગોહિલ, કીર્તિ સાગઠિયા અને જોનીતા ગાંધી જેવા પ્રખ્યાત ગાયકોએ આ ગીતોમાં પોતાનો મધુર કંઠ આપ્યો છે.

આ જીવંત ગીતોની રચના પાછળના મૂળ વિચારની પ્રસ્તુતિ કરતા સંગીતકાર સચિન-જીગરે કહ્યું હતું કે, “આ પ્રોજેક્ટ અમારા માટે ખૂબ જ રસપ્રદ તેમજ અત્યંત પડકારજનક પણ રહ્યો હતો. અમે નાનપણથી જ અમારા દાદા-દાદી પાસેથી શ્રી કૃષ્ણના ગીતો અને તેમની કથાઓને સાંભળીને જ મોટા થયા છીએ. આ સંગીતનાટકે આપણે જે કૃષ્ણને જાણીએ છીએ તેમને દર્શકગણ સુધી પ્રસ્તુત કરવાની તક પૂરી પાડી છે. અમે પાશ્ચાત્ય અને ભારતીય શાસ્ત્રીય સંગીતનું મિશ્રણ રજૂ કરવાની સાથે અલગ-અલગ લોકવાદ્યોનો ઉપયોગ કરીને તદ્દન અનોખી અને વૈવિધ્યપૂર્ણ મધુર રચનાઓ બનાવી છે. દરેક ગીત અલગ છે, અને દરેક ગીત અમારા હૃદયની અત્યંત નજીક છે.”

મુંબઈમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) ખાતે અદભૂત પ્રદર્શન બાદ શ્રી કૃષ્ણના જીવન પર આધારિત વિશ્વનો સૌપ્રથમ મેગા મ્યુઝિકલ ‘રાજાધિરાજઃ પ્રેમ…જીવન… લીલા…’નો શો નવેમ્બરના છેલ્લા સપ્તાહમાં દિલ્હીના જવાહરલાલ નેહરુ ઇન્ડોર ઓડિટોરિયમમાં આયોજિત કરાયો હતો. 2025માં આ શોનું દુબઈમાં પણ પ્રિમિયર યોજવામાં આવશે.

દિલ્હીમાં મહિલાઓને પ્રતિ માહ રૂ. 1000 આપવાની યોજના ઘોંચમાં?

નવી દિલ્હીઃ દિલ્હીના ભૂતપૂર્વ CM અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે મહિલાઓને વચન આપ્યું હતું કે દિલ્હી સરકાર પ્રતિ મહિને તેમને રૂ. 1000 આપશે. જોકે બજેટ, 2024માં વચન છતાં આ યોજના અત્યાર સુધી લાગુ નથી થઈ શકી. CM મહિલા સન્માન તરીકે રજૂ થયેલી આ યોજના લાગુ થવામાં સંશય છે, કેમ કે નાણાં વિભાગે એને દિલ્હી સરકારની આર્થિક સ્થિતિની દ્રષ્ટિએ જોખમ ભરી બતાવી છે.

નાણાં વિભાગે દિલ્હી કેબિનેટને મહિલાઓ માટે રૂ. 1000 પ્રતિ મહિને આપવાની યોજનાના પ્રસ્તાવ પર કહ્યું હતું કે જો CM મહિલા સન્માન યોજના લાગુ કરવામાં આવશે તો સબસિડી પર સરકાર 15 ટકાથી વધીને 20 ટકા થઈ જશે. નાણાં વિભાગે એ પણ કહ્યું હતું કે દિલ્હી સરકાર દ્વારા લોન લઈને આ યોજના લાગુ કરવી સરળ નહીં હોય.

દિલ્હી વિધાનસભા ચૂંટણીથી પહેલાં આમ આદમી પાર્ટીને આ યોજનાને લાગુ કરવાની અપેક્ષા હતી. CM આતિશીએ હાલમાં જ નાણાં વિભાગને નિર્દેશ આપ્યા હતા કે તેઓ કોઈ પણ નિર્ણય ઉતાવળમાં ના લે. તેમણે નાણાં અને યોજના વિભાગોને પ્રસ્તાવ પર વિચાર કરવા અને એ અનુસાર પોતાનો મત રાખવા નિર્દેશ આપ્યો હતો.

આ યોજનાને લઈને અધિકારીઓએ નાણાં મંત્રીને રિપોર્ટ સોંપી દીધો હતો. આ યોજના માટે રૂ. 4560 કરોડનું બજેટ પ્રસ્તાવિત છે. વિભાગે આ યોજનાની ખામીઓને પણ ઉજાગર કરી હતી. દિલ્હી સરકારના અધિકારીઓ અનુસાર પ્રસ્તાવિત યોજનાનું લક્ષ્ય રૂ. ત્રણ લાખથી ઓછી વાર્ષિક પારિવારિક આવકવાળી મહિલાઓ છે. જેને પગલે લાભાર્થી મહિલાઓની સંખ્યા આશરે 10 લાખ સુધી હશે.

ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયામાં રેકોર્ડબ્રેક 5 ડિગ્રી તાપમાન

ગુજરાતમાં ચોમાસા અને ઉનાળાની જેમ જ શિયાળો પણ રેકોર્ડ પર રેકોર્ડ તોડી રહ્યો છે. નલિયામાં સીઝનનું સૌથી ઓછું અને આ વર્ષનું રેકોર્ડબ્રેક કહી શકાય તેટલુ પાંચ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ છે. જ્યારે રાજકોટ અને ડિસામાં 10 ડિગ્રી સુધીનું લઘુતમ તાપમાન પહોંચી ગયું હતુ. અમદાવાદમાં બુધવારે 14 ડિગ્રી લઘુતમતાપમાન સાથે ઠંડીનો ચમકારો યથાવત રહ્યો હતો. ગુજરાતમાં ઠંડી પડવાનું શરૂ થયુ છે, ત્યારે મોડે મોડે પણ ઠંડી તેનું જોર વધારી રહી છે અને ખાસ કરીને ગુજરાતના નલિયામાં ઠંડી ખૂબ જ વધી રહી છે.

નલિયામાં બુધવારે લઘુતમતાપમાન 5 ડિગ્રી નોંધાયુ હતું. જ્યારે મહત્તમ તાપમાન 28 ડિગ્રી નોંધાયુ હતું. આ સાથે જ ઠંડા પવનો સાથે કોલ્ડ વેવની અસર રહી હતી અને હજુ આજે પણ કોલ્ડવેવની રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતના અન્ય શહેરોની વાત કરીએ તો ડીસા અને રાજકોટમાં 10 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત અમેરલીમાં 13 ડિગ્રી, વડોદરામાં 12 ડિગ્રી, ભાવનગરમાં 15 ડિગ્રી, ભુજમાં 11 ડિગ્રી, હિમ્મતનગરમાં 12.8 ડિગ્રી તથા સુરતમાં 16 ડિગ્રી લઘુતમતાપમાન નોંધાયુ હતું. ગુજરાતના મોટા ભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 26થી 29 ડિગ્રીની આસપાસ નોંધવામાં આવ્યુ હતું. જો કે અમદાવાદમાં 14 ડિગ્રી લઘુતમતાપમાન સાથે ઠંડીનો ચમકારો યથાવત રહ્યો હતો. હવે શહેરીજનો દિવસે પણ ફુલગુલાબી ઠંડીનો અહેસાર કરી રહ્યા છે. દિવસ દરમિયાન ઠંડો પવન રહ્યો હતો અને હવે દિવસે પણ લોકો રસ્તા પર ગરમ કપડા પહેરીને નીકળતા જોવા મળી રહ્યા છે. આગામી કેટલાક દિવસો 15 ડિગ્રી આસપાસ લઘુતમતાપમાન રહેવાની શક્યતા છે.

દિલજીત દોસાંઝે ફરી કરી કમાલ, એશિયાની 50 સેલિબ્રિટીમાં પ્રથમ સ્થાન મેળવ્યું

પ્રખ્યાત ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝ બુધવારે લંડનમાં જાહેર કરાયેલ ‘વર્લ્ડની ટોપ 50 એશિયન સેલિબ્રિટીઝ ઓફ 2024’ની બ્રિટિશ યાદીમાં ટોચ પર છે. ગયા વર્ષે અભિનેતા શાહરૂખ ખાન આ યાદીમાં ટોચ પર હતા. પંજાબી ગાયક અને અભિનેતા દોસાંજ સિનેમા, ટેલિવિઝન, સંગીત, કલા અને સાહિત્યની દુનિયાની આંતરરાષ્ટ્રીય પ્રતિભાઓને હરાવીને બ્રિટિશ સાપ્તાહિક અખબાર ‘ઈસ્ટર્ન આઈ’ દ્વારા પ્રકાશિત 2024ની આવૃત્તિમાં ટોચ પર છે.

દિલજીત દોસાંઝે ફિલ્મો માટે ઘણા સફળ ગીતો ગાયા છે અને મોટા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંગીત સમારોહ દ્વારા તેમની લોકપ્રિયતામાં વધુ વધારો થયો છે.’ઈસ્ટર્ન આઈ’ના એડિટર (એન્ટરટેઈનમેન્ટ) અસજદ નઝીરે જણાવ્યું હતું કે,’સિંગિંગ સુપરસ્ટારનો અત્યંત સફળ ‘દિલ-લુમિનાટી’ શો ઇતિહાસમાં દક્ષિણ એશિયાની કોઈપણ સેલિબ્રિટી દ્વારા સૌથી સફળ વિશ્વ પ્રવાસ છે.’

દિલજીત દોસાંજના પ્રવાસે ઘણા રેકોર્ડ બનાવ્યા

તેમણે કહ્યું,’ધ ટુનાઇટ શો સ્ટારિંગ જિમી ફેલોન’ પર તેના ઐતિહાસિક પ્રદર્શને ભારતીય સંગીત માટે નવો આધાર બનાવ્યો. સંગીતનો જાદુ ફેલાવવા ઉપરાંત આ બહુમુખી પ્રતિભાશાળી સ્ટારે ફિલ્મોમાં પણ પોતાની અભિનય ક્ષમતા બતાવી અને ગર્વથી પોતાની પંજાબી સંસ્કૃતિને પ્રોત્સાહન આપ્યું. દરેક વ્યક્તિ તેના વિશે વાત કરી રહી છે અને તે તેના માટે એક સ્વપ્ન વર્ષ સાબિત થયું છે. આ યાદીમાં ત્રીજા ક્રમે અભિનેતા અલ્લુ અર્જુન હતા, જેમણે બોક્સ-ઓફિસના રેકોર્ડ તોડ્યા હતા અને વર્ષની સૌથી સફળ ભારતીય ફિલ્મ ‘પુષ્પાઃ ધ રૂલ’ દ્વારા પોતાના દેશમાં સિનેમાના લેન્ડસ્કેપને બદલી નાખ્યું હતું.

અભિનેતા અને ફિલ્મ નિર્માતા દેવ પટેલ ચોથા ક્રમે આવ્યા, જેમણે હિટ ફિલ્મ ‘મંકી મેન’માં લેખન, દિગ્દર્શન, નિર્માણ અને અભિનય કરીને હોલીવુડ પાવરહાઉસ તરીકે પોતાનું સ્થાન મજબૂત કર્યું. અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોનાસ પાંચમા સ્થાને, તમિલ ફિલ્મ અભિનેતા વિજય છઠ્ઠા અને ગાયક અભિજીત સિંહ સાતમા સ્થાને છે. ઓસ્ટ્રેલિયન અભિનેત્રી ગેરાલ્ડિન વિશ્વનાથન, પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિર અને બ્રિટિશ અભિનેત્રી સિમોન એશ્લે આ વર્ષની ટોચની 10 હસ્તીઓમાં સામેલ છે. આ યાદીમાં સૌથી વયોવૃદ્ધ અભિનેતા 82 વર્ષીય અમિતાભ બચ્ચન (26મું સ્થાન) છે અને સૌથી નાની 17 વર્ષની અભિનેત્રી નિતાંશી ગોયલ (42મું સ્થાન) છે, જેણે ફિલ્મ ભારતની સત્તાવાર ઓસ્કાર એન્ટ્રીમાં ‘લાપતા લેડિઝ’ તેમના પ્રભાવશાળી અભિનય માટે યાદીમાં સામેલ કરવામાં આવી હતી.

નવા વર્ષમાં લઈએ આ સંકલ્પ…

2024 ધીરે ધીરે અસ્ત થઈ રહ્યું છે. આમ તો હિંદુ પંચાંગ પ્રમાણે આપણું નવું વર્ષ ઊજવાઈ ગયું, પણ દેશ-દુનિયામાં 2025ના સત્કારવામાં જાતજાતના મેળાવડા, સમારંભ થશો, દારૂની નદીઓ વહેશે, નાચગાન થશે. મોજશોખીનો માટે, કદાચ, આ જ સાચું સુખ હશે.

આમ જોવા જઈએ તો દરેકનું સુખ અલગ અલગ હોય. સાવ સામાન્ય આફ્રિક્ન પરિવારનાં દસ બાળકોમાંનું આઠમા સંતાન માઈકલ જેક્સનની વાત કરીએ… સતત અછતમાં ઉછરનારાં દુનિયાનાં લાખ્ખો બાળકોમાંના એક સામાન્ય બાળકમાંથી વિશ્વપ્રસિદ્ધ પૉપસિંગર તરીકેની યાત્રા કરનાર કલાકાર એટલે માઈકલ જેક્સન. એ માઈકલ જેક્સન, જેનાં અત્યાર સુધી બહાર પડેલાં આલબમ્સની 75 કરોડથી વધુ રેકર્ડ વેચાઈ છે. એ માઈકલ જેક્સન, જેના બેન્કખાતામાં સાડાપાંચસો કરોડ ડૉલર જમા હતા. અઢી હજાર એકરમાં ફેલાયેલા એના નેવરલેન્ડ નામના નિવાસમાં ૧૨ ડોક્ટર્સ હતા, જે ખડેપગે માઈકલ જેક્સનની નાનીમોટી શારીરિક સમસ્યાનો ઉકેલ લાવતા. આટલાં બધાં સુખ, સંપત્તિ, સાધન અને સમૃદ્ધિ હોવા છતાં તેના છેલ્લા ઉદગારો હતા, હું આ દુનિયાનો સૌથી એકલવાયો માણસ છું… અને 2009માં પચાસ વર્ષની વયે દવાના ઓવરડોઝથી માઈકલ જેક્સનનું મૃત્યુ થયું ત્યારે એની બાજુમાં એના દાકતર સિવાય કોઈ નહોતું.

દોમ દોમ સાહ્યબી, સફળતા જો કોઈ પોતીકા સાથે વહેંચી ન શકાય તો એ શા કામની? જીવનમાં સરિયામ નિષ્ળતાના સમયે પોતાના મજબૂત ખભા તમારી પાસે હોય તો માની લેજો કે તમે સૌથી સુખી છો. અને આપણે ફેસબુક, ઈન્સ્ટા ફ્રેન્ડ્સની વાત નથી કરતા. બૂરા સમયે પડખે ઊભા રહે એવા સાચા મિત્રની વાત કરીએ છીએ.

કોઈએ સાચું જ કહ્યું છે કે, ધ સુપ્રીમ હેપીનેસ ઓફ લાઈફ ઈઝ ધ કન્વિક્શન ધેટ વી આર લવ્ડ બાય અધર અર્થાત્ બીજા બધા મને ખૂબ ચાહે છે, પ્રેમ કરે છે, એની પ્રતીતિ થવી એ જ જીવનનું શ્રેષ્ઠ સુખ છે. બાકી સંબંધો વગરની ભૌતિક સવલતો સુગંધ વગરના ગુલાબ જેવી છે. બાહ્ય વૈભવ અને સુખ-સગવડ વ્યક્તિને આરામદાયક જીવન જરૂર પૂરું પાડશે, પરંતુ સાથે આંતરિક હૂંફ, સંતોષ અને શાંતિ માટે પોતાના કહી શકાય એવા માણસોનો સંગાથ મળે તો આપણું જીવન સોનામાં સુગંધ ભળ્યા જેવું બની જાય.

અમેરિકામાં કાર્નેગી ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી નામની એક પ્રખ્યાત શિક્ષણ સંસ્થા છે. તેના અધિકારીઓએ માણસની સફળતા-નિષ્ફળતા જેવા એક વિષય પર અભ્યાસ કરવાનું નક્કી કર્યું. આ માટે અધિકારીઓએ દસ હજાર વ્યક્તિઓની મુલાકાત લીધી અને તારણ આપતાં જણાવ્યું કે, વ્યક્તિની સફળતાનો પંદર ટકા આધાર તેની બુદ્ધિ, કામ કરવાની આવડત અને હુન્નર કે કૌશલ પર છે, પરંતુ પંચ્યાશી ટકા આધાર એ માનવીના અન્ય સાથેના લોકસંબંધો કેવા છે તેના પર નિર્ભર રહે છે, પરંતુ સંબંધોનું એક કડવું સત્ય એ છે કે જીવન-નૈયા સુખના પ્રદેશમાંથી પસાર થતી હોય ત્યારે તો સૌનો સાથ અવશ્ય મળી રહે, પણ દુઃખના દિવસોમાં સંગાથ આપે એ જ સાચો સંબંધ કહી શકાય.

અમરેલી જિલ્લાના ખડાધાર ગામમાં રહેતા રવજીભાઈના પરિવારમાં બીમારી અને ગરીબી અડીંગો જમાવીને બેઠેલી. પતિ-પત્ની બંને એ વખતે અસાધ્ય ગણાતા ટીબીનાં દર્દી. ઘરના રોટલા માંડ નીકળે ત્યાં ઈલાજના પૈસા ક્યાંથી હોય? બંનેએ સ્વીકારી લીધેલું કે દીકરા રમણીકને એ મોટો થતો જોઈ નહીં શકે. રવજીભાઈએ પોતાની વ્યથા પત્રમાં ઠાલવી પ્રમુખસ્વામી મહારાજને મોકલી. પત્ર વાંચતાં જ તેમની પરિસ્થિતિથી વાકેફ સાચા સ્વજન સમા સ્વામીશ્રીનું હૃદય ભરાઈ આવ્યું. તેમણે પતિ-પત્નીના ઉપચાર કરાવ્યા. થોડા સમયમાં તબિયત સારી થવા લાગી. પછી તો સુરત નજીક ગામમાં રમકડાંનો વ્યવસાય શરૂ કર્યો, એમાં પણ પ્રમુખસ્વામીએ એમને સહાય કરી.

જે યુગમાં સ્વાર્થ સોળે કળાએ ખીલ્યો હોય, જે સમયમાં સગાં પણ વહાલાને બદલે દવલા બની જતા હોય, જ્યારે વ્યક્તિગત લાભ અને મહાત્ત્વાકાંક્ષાના કારણે રક્ષક પણ ભક્ષક બની જતા હોય, એવા યુગમાં પ્રમુખસ્વામી મહારાજ સુખમાં સંગાથ અને દુઃખમાં હાથ આપવાનું ક્યારેય ભૂલ્યા નથી. આવા મહાપુરુષોનાં જીવનથી પ્રેરિત થઈ આપણે આપણા સંબંધીનાં સુખદુઃખના સંગાથી બનીએ.

(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)