
બેંગલુરુના એન્જિનિયર અતુલ સુભાષના આત્મહત્યા કેસ પર કંગનાનું વિવાદાસ્પદ નિવેદન
મુંબઈ: બેંગલુરુના એન્જિનિયર અતુલ સુભાષના આત્મહત્યાના કેસની સમગ્ર દેશમાં ચર્ચા થઈ રહી છે. અતુલ સુભાષે તેની પત્નીના ત્રાસથી આત્મહત્યા કરી લીધી હતી, પરંતુ આત્મહત્યા કરતા પહેલા તેણે 24 પાનાની સુસાઈડ નોટ લખી હતી અને તેની અગ્નિપરીક્ષા વીડિયોમાં રેકોર્ડ કરી હતી. આ વીડિયો સામે આવ્યા બાદ દેશભરમાં અતુલ સુભાષ વિશે એવી ચર્ચા ચાલી રહી છે કે પત્નીના ત્રાસથી એક વ્યક્તિ કેટલો પરેશાન થઈ ગયો હશે કે તેણે આત્મહત્યા કરી લીધી. સુસાઈડ નોટમાં અતુલ સુભાષે પોતાના મૃત્યુ માટે પત્ની નિકિતા સિંઘાનિયા અને તેના પરિવારના સભ્યોને જવાબદાર ગણાવ્યા છે.

અતુલ સુભાષની આત્મહત્યા મામલે કંગના રનૌતનું નિવેદન
અતુલ સુભાષના આત્મહત્યા કેસમાં બીજેપી સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતનું નિવેદન સામે આવ્યું છે. કંગનાએ કહ્યું કે આ મામલાની સમીક્ષા થવી જોઈએ અને આવી ઘટનાઓનો સામનો કરવા માટે એક અલગ બોડીની પણ રચના કરવી જોઈએ.
કંગના રનૌતે કહ્યું કે દેશ ચોંકી ગયો છે. તેનો વીડિયો હ્રદયદ્રાવક છે. જ્યાં સુધી લગ્ન આપણી ભારતીય પરંપરાઓ સાથે જોડાયેલા છે ત્યાં સુધી તે સારું છે. પરંતુ સામ્યવાદ, સમાજવાદ અને એક રીતે નિંદનીય નારીવાદનો કીડો તેમાં છે, તે એક સમસ્યારૂપ બાબત છે.
કંગનાએ કહ્યું કે જો લોકો તેને બિઝનેસ બનાવે છે તો તેની (અતુલ સુભાષ) પાસેથી કરોડો રૂપિયાની માંગ કરવામાં આવી રહી હતી, જે તેની ક્ષમતાની બહાર હતું. આ નિંદનીય છે. યુવાનો પર આ પ્રકારનો બોજ ન હોવો જોઈએ. તે (અતુલ સુભાષ) ત્રણ ગણોથી ચાર ગણો પગાર પૂરો પાડતો હતો.
તેમજ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું
કંગનાએ એમ પણ કહ્યું કે, એક ખોટી મહિલાનું ઉદાહરણ લઈને દરરોજ જે મહિલાઓ પરેશાન થાય છે તેની સંખ્યાને નકારી શકાય નહીં. 99 ટકા લગ્નોમાં પુરૂષોની જ ભૂલ હોય છે, તેથી જ આવી ભૂલો થાય છે.
ભારતના લેબર ફોર્સમાં મહિલાઓની ભાગીદારી વધી: પિરિયોડિક લેબર ફોર્સ સર્વે
નવી દિલ્હી: ફીમેલ લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ(LFPR) એટલે કે મહિલાઓના આર્થિક સશક્તિકરણ અને એકંદરે આર્થિક સર્વસમાવેશકતા અંગેનો એક મહત્ત્વપૂર્ણ સૂચક છે. જેના અંગે એક સંશોધન પેપર તૈયાર કરવામાં આવ્યું છે. આ સંશોધન પેપરમાં 2017-18થી લઈને 2022-23 સુધીના વિવિધ પાસાઓનો અભ્યાસ કરવામાં આવ્યો છે. જેમાં ભારતીય રાજ્યોમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં, મહિલા LFPRમાં નોંધપાત્ર પુનરુત્થાન પર પ્રકાશ પાડતા કડક અર્થશાસ્ત્રીય વિશ્લેષણ રજૂ કરવામાં આવ્યા છે. આ રિપોર્ટમાં ત્રણ મુદ્દાઓ ખાસ કરીને ધ્યાને લેવામાં આવ્યા છે.
(1)મહિલા LFPRમાં તાજેતરના પ્રવાહો
(2) સ્ત્રીઓનો વૈવાહિક દરજ્જા અને પિતૃત્વની અસરો
(3) ભારતના તમામ પ્રદેશો અને રાજ્યોમાં ઉંમર અને લિંગ સાથે LFPRની ભિન્નતા.
આ અભ્યાસમાં ઉપયોગમાં લેવામાં આવેલા ડેટા તમામ ઉપલબ્ધ રાઉન્ડ (2017-18થી 2022-2023) માં પિરિયોડિક લેબર ફોર્સ સર્વે (PLFS) ના છે. PLFS 2.5 મિલિયનથી વધુ વ્યક્તિઓ માટે રોજગાર અને વસ્તી વિષયક વિગતવાર ડેટા પૂરા પાડે છે. જે રાષ્ટ્રીય, રાજ્ય અને ગ્રામીણ/શહેરી સ્તરે વલણો અને ભિન્નતાના વિશ્લેષણને સક્ષમ બનાવે છે. LFPRની ગણતરી 15 વર્ષ કે તેથી વધુ વયની કુલ વસ્તિની સાપેક્ષમાં નોકરિયાત અને બેરોજગાર વ્યક્તિઓની ટકાવારી તરીકે કરવામાં આવે છે.
પરિણામો ત્રણ વિભાગમાં રજૂ કરવામાં આવ્યા છે. પ્રથમ વિભાગમાં 2017-18થી 2022-23 દરમિયાન મહિલા LFPRનો ટ્રેન્ડ દર્શાવે છે. રાષ્ટ્રીય સ્તરે ગ્રામીણ મહિલા LFPR 24.6 ટકાથી વધીને 41.5 ટકા (69 ટકાનો વધારો થઈ છે. જ્યારે શહેરી LFPR 20.4 ટકાથી સાધારણ વધીને 25.4 ટકા (25 ટકાનો વધારો) થઈ છે. તેમાં નોંધપાત્ર આંતરરાજ્ય કામગીરી રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં ઝારખંડ અને બિહાર જેવાં રાજ્યોમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે. પૂર્વોત્તર રાજ્યો જેવાં કે અરૂણાચલ અને નાગાલેન્ડે પણ નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવી છે. રાષ્ટ્રીય સ્તરે શહેરી વિસ્તારોમાં એકંદરે સાધારણ વધારો જોવા મળ્યો હતો. જો કે શહેરી ગુજરાતમાં નોંધપાત્ર વૃદ્ધિ (16.2%થી 26.4%, એટલે કે 63%ની વૃદ્ધિ) છે. પરંતુ શહેરી તમિલનાડુમાં નજીવો ફેરફાર (27.6% થી 28.8%) થયો છે.
પરિણામોના બીજા વિભાગમાં મહિલાઓની ઉંમર, વૈવાહિક સ્થિતિ અને પારિવારિક સ્થિતિ દ્વારા મહિલા LFPR તૈયાર કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં સામાન્ય રીતે જોવા મળ્યું છે કે લગભગ તમામ રાજ્યોમાં મહિલા LFPRમાં વધારો થયો છે. જેમાં ગ્રામીણ વિસ્તારોમાં શહેરી વિસ્તારો કરતા મોટો ફાયદો જોવા મળ્યો છે. એ પણ જાણવા મળ્યું છે કે ગ્રામીણ વિસ્તારોમાં પરિણીત મહિલાઓએ અવિવાહિત મહિલાઓની તુલનામાં વધુ ભાગીદારી વૃદ્ધિ દર્શાવી છે. રાજસ્થાન અને ઝારખંડ જેવાં રાજ્યોમાં ખાસ કરીને પરણિત મહિલાઓમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. ઉત્તરના રાજ્યોમાં, પંજાબ અને હરિયાણામાં મહિલા LFPRનું પ્રમાણ સતત ઓછું છે. પશ્ચિમ અને દક્ષિણના રાજ્યોમાં, LFPRમાં વૃદ્ધિ મોટાભાગે ગ્રામીણ મહિલાઓ કેન્દ્રિત છે. જ્યારે શહેરી વિસ્તારોમાં માત્ર સાધારણ વધારો જોવા મળ્યો છે. આંધ્રપ્રદેશ બાળકોવાળી શહેરી મહિલાઓના એલ.એફ.પી.આર.માં મોટા ઘટાડા સાથે ઉભું છે.
રિપોર્ટના ત્રીજા વિભાગમાં લિંગ અને ઉંમરમાં LFPRમાં રહેલા તફાવતોને રજૂ કરવામાં આવ્યા છે. વિશ્લેષણ પરથી કહી શકાય કે કેવી રીતે મહિલાઓની વૈવાહિક સ્થિતિ અને બાળકોની હાજરી દરેક કેટેગરી માટે તફાવત દર્શાવે છે. એકંદરે પરિણામો દર્શાવે છે કે મહિલા LFPRની સંખ્યાનો ચાર્ટ ઘંટડી આકારનો વળાંક રચે છે. 30-40 વર્ષની ઉંમરે મહિલાઓનું કામ ચરમસીમાએ પહોંચે છે અને ત્યાર બાદ તેમાં તીવ્ર ઘટાડો થાય છે. બીજી તરફ, પુરુષ LFPR 30થી 50 વર્ષની વયથી ઊંચું રહે છે. ત્યારબાદ તેમાં ક્રમશઃ ઘટાડો થાય છે. સ્ત્રીઓ અને પુરુષો બંને માટે વૈવાહિક દરજ્જો LFPRનો નોંધપાત્ર નિર્ણાયક છે.
ભારતમાં વર્ષ 2017-18થી વર્ષ 2022-23 સુધીમાં LFPRમાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં. સરકારની અસંખ્ય યોજનાઓ છે. છેલ્લાં દસ વર્ષમાં ગ્રામીણ મહિલાઓને લક્ષ્યમાં રાખીને સરકારે મુદ્રા લોન, ડ્રોન દીદી યોજના અને દીનદયાળ અંત્યોદય યોજના હેઠળ એકત્રિત એસ.એચ.જી. સામેલ છે. જે ભારતમાં મહિલાઓની આગેવાની હેઠળના વિકાસના વિઝન સાથે સુસંગત છે. આ રિસર્ચ પેપર સરકારની પહેલને ભારતભરમાં અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં મહિલા LFPRમાં સંચિત અને નોંધપાત્ર વૃદ્ધિ તરીકે માપે છે. જો કે, આ કાર્યક્રમોની અસરોનું મૂલ્યાંકન કરવા અને ભારતની મહિલા LFPRમાં સતત આંતર-રાજ્ય અને ગ્રામીણ-શહેરી અસમાનતાઓનું અન્વેષણ કરવા માટે સખત સંશોધનની જરૂર છે.
આ રિપોર્ટ ડૉ. મુદિત કપૂર અને ડો.શમિકા રવિ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. ડૉ. મુદિત કપૂર IDFC સંસ્થાના રાજકીય અર્થતંત્ર વિભાગના ભૂતપૂર્વ વિઝિટિંગ વરિષ્ઠ ફેલો છે. ઉપરાંત તેઓ નવી દિલ્હી સ્થિત ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ(ISI)ના અર્થશાસ્ત્ર વિભાગના એસોસિયેટ પ્રોફેસર છે. ડૉ. મુદિત કપૂર અગાઉ વિશ્વ બેંકમાં સલાહકાર તરીકે કામ કરી ચૂક્યા છે. તેમના શૈક્ષણિક પેપર્સ જર્નલ ઑફ ઇકોનોમેટ્રિક્સ, રિવ્યુ ઑફ ઇકોનોમિક્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સ, રિજનલ સાયન્સ એન્ડ અર્બન ઇકોનોમિક્સ, જર્નલ ઑફ ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયેશન, ઇકોનોમિક એન્ડ પોલિટિકલ વીકલી અને બીઇ જર્નલ ઑફ ઇકોનોમિક એનાલિસિસ એન્ડ પોલિસીમાં પ્રકાશિત થયા છે.
ડૉ. શમિકા રવિ હાલમાં વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના સભ્ય અને ભારત સરકારના સચિવ છે. અગાઉ તેઓ બ્રુકિંગ્સ ઈન્ડિયામાં સંશોધન નિયામક, ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનમાં વાઇસ પ્રેસિડેન્ટ ઈકોનોમિક પોલિસી અને બ્રુકિંગ્સ ઈન્સ્ટિટ્યુશનમાં ગવર્નન્સ સ્ટડીઝ પ્રોગ્રામના બિન-નિવાસી વરિષ્ઠ ફેલો હતા. તેમના સંશોધનો ફાઇનાન્સ, હેલ્થકેર, શહેરીકરણ, લિંગ સમાનતા અને કલ્યાણ અને ગરીબીના ક્ષેત્રો સહિત વિકાસના અર્થશાસ્ત્ર પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ડૉ. શમિકા રવિએ ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં પી.એચ.ડી., દિલ્હી સ્કૂલ ઑફ ઈકોનોમિક્સમાંથી માસ્ટર્સ અને લેડી શ્રીરામ કૉલેજ ફોર વુમનમાંથી અર્થશાસ્ત્રમાં B.A(H) કર્યું છે.
દ્વારકામાં ‘ઇટ્સ સિક્સ્થ વાઉ’દ્વારા ‘શ્રીકૃષ્ણ જળ જપ દીક્ષા’ કાર્યક્રમનું આયોજન
આગામી 21મી ડિસેમ્બર, 2024ના રોજ વિશ્વ જળમગ્ન શહેર દિવસ નિમિત્તે જળમગ્ન દ્વારકા નગરી ખાતે એક વિશિષ્ટ આયોજન થવા જઈ રહ્યું છે. ‘ઇટ્સ સિક્સ્થ વાઉ’ દ્વારા જય દ્વારકા કેમ્પેઇન અંતર્ગત દ્વારકાના દરિયાકાંઠે ‘શ્રીકૃષ્ણ જળ જપ દીક્ષા’ કાર્યક્રમ યોજાવાનો છે. આ કાર્યક્રમ અંગે વાત કરતાં ઇટ્સ સિક્સ્થ વાઉ સંસ્થાના વડા અને યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટૂરિઝમ ઓર્ગેનાઇઝેશનના સભ્ય રવીન્દ્રજીતે જણાવ્યું હતું કે દ્વારકાના દરિયામાં જળમગ્ન પ્રાચીન દ્વારકા નગરીના તળીયે બેસીને કુલ સાત સ્કૂબા ડાઇવર્સ દ્વારા કૃષ્ણજાપ કરવામાં આવશે. આ સાથે જ દરિયાકાંઠે 70 જેટલા નર્તકો દ્વારા કૃષ્ણભક્તિનાં ગીતો પર નૃત્ય પ્રદર્શિત કરવામાં આવશે. આ ઉપરાંત દ્વારકામાં વિશેષ હોમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ અંગે વિગતે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે સાત સ્કૂબા ડાઇવર્સ દરિયાના તળીયે પ્રાચીન દ્વારકા નગરી પાસે બેસીને પંદર મિનિટ સુધી શ્રીકૃષ્ણના જાપ કરવાના છે, આમ, જળમાં જપ કરીને વિશ્વ જળમગ્ન શહેર દિવસની અનોખી ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે દરિયાકાંઠે 70થી વધુ લોકો દ્વારા નૃત્ય થકી શ્રીકૃષ્ણની ભક્તિનો માહોલ ઊભો કરવામાં આવશે. એ ઉપરાંત નિખિલ નિત્યાગ્નિ આશ્રમ અને ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક તથા સર્વ દેવતા હોમ-હવન માટે જાણીતા ગુરુજી દ્વારા હોમ કરાવવામાં આવશે, જેનો ભક્તજનો લાભ લઈ શકશે.

રવીન્દ્રજીતે વધુમાં જણાવ્યું હતું કે વિશ્વના પ્રાચીન અને જળમગ્ન શહેરોમાં દ્વારકા એક મોખરાનું શહેર છે. દ્વારકાના પ્રાચીન જળમગ્ન નગર અંગે વધારે શોધ-સંશોધન થાય તથા તેનું સારી રીતે સંરક્ષણ થાય, એ માટેના પ્રયાસોના ભાગરૂપે આવો કાર્યક્રમ કરવામાં આ રહ્યો છે તથા ગુજરાત સરકાર અને ખાસ કરીને પ્રવાસન વિભાગના મંત્રી મુળુભાઈ બેરા સહિત સૌનો સાથ-સહકાર મળી રહ્યો છે, એનો આનંદ છે, ‘શ્રીકૃષ્ણ જળ જપ દીક્ષા’ કાર્યક્રમના આયોજનમાં અતુલ્ય ભારત, ગુજરાત, તેલંગણ અને આંધ્રપ્રદેશનો પ્રવાસ વિભાગ પણ સહયોગ આપી રહ્યો છે, એ ઉપરાંત ભારત ભારતી, સી વર્લ્ડ ડાઇવ સેન્ટર દ્વારકા, ઇન્ડિયન બુક ઓફ રેકોર્ડ્સ, નિત્યાગ્નિ અને મીડિયા સિલેક્ટ કોમ્યૂનિકેશનનો પણ સહયોગ મળી રહ્યો છે, એવું રવીન્દ્રજીતે ઉમેર્યું હતું.
સૂર સમ્રાટ પદ્મશ્રી પુરૂષોત્તમ ઉપાધ્યાયનું 90 વયે નિધન
મુંબઈ: ગુજરાતના ગૌરવ સમાન ગાયક અને જાણીતા સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયનું નિધન થઈ ગયું છે. તેમણે મુંબઈ ખાતેના નિવાસ્થાને અંતિમ શ્વાસ લીધા છે. 90 વર્ષની ઉંમરે અવસાન થતાં લાખો સંગીત રસિકોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. વર્ષ 2017માં તેમને ‘પદ્મશ્રી’ ઍવૉર્ડથી સન્માનવામાં આવ્યા હતા. ગુજરાતી સુગમ સંગીતના આ સૌથી વરિષ્ઠ કલાકારે વીસ ફિલ્મો તથા ત્રીસ ઉપરાંત નાટકોમાં સંગીત આપ્યું હતું. તેમણે સંગીતબદ્ધ કરેલાં ગુજરાતી ગીતો ભારતના સીમાડા વટાવી વિશ્વના ખૂણે-ખૂણે વસેલા ગુજરાતીઓના હૃદય સુધી પહોંચ્યા છે.
15 ઑગસ્ટ, 1934માં ખેડાના ઉત્તરસંડામાં જન્મેલા પુરુષોત્તમ ઉપાધ્યાયને નાનપણથી સંગીત સાંભળવાનો અને ગાવાનો શોખ હતો. સ્કૂલ દરમિયાન તેમને સંગીતમાં અનેક અવૉર્ડ્સ મળ્યા. તેમને ભણવા કરતાં સંગીતમાં વધુ રસ હતો એટલે પરિવારમાં કોઈને કહ્યા વગર સંગીતમાં કરિયર બનાવવા મુંબઈ જતા રહ્યા. જોકે, ત્યાં એટલું પ્રોત્સાહન ના મળતા વતન પાછા આવ્યા હતા. એક્ટર અશરફખાનની હાજરીમાં નૂરજહાંએ ગાયેલું એક ગીત ગાવાની તક મળી અને આ ક્ષણ તેમના જીવનમાં ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ. થોડા સમય બાદ ફરીથી મુંબઈ ગયા ને નાનું-મોટું કામ મળવા લાગ્યું.

ગુજરાતી સુગમ સંગીત ઉપરાંત ગઝલ-ગાયનમાં પુરૂષોત્તમ ઉપાધ્યાય લોકપ્રિય થયા. બોલિવૂડના જાણીતા સંગીતકાર કલ્યાણજી–આણંદજી સાથે પણ તેમણે મ્યૂઝિક આપ્યુ હતુ. બેગમ અખ્તર, લતા મંગેશકર, મોહમ્મદ રફી, મુકેશ, આશા ભોંસલે, મહેન્દ્ર કપૂર જેવાં ઉચ્ચ કોટીના ગાયકો પાસે પુરૂષોત્તમ ઉપાધ્યાયે પોતે સ્વરાંકન કરેલાં ગુજરાતી ગીતો ગવડાવ્યાં છે.
કાબુલમાં ભીષણ બોમ્બધડાકોઃ મંત્રી હક્કાની સહિત 12નાં મોત
કાબુલઃ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં મોટો ધડાકો થયો છે. કાબુલમાં શરણાર્થી મંત્રાલયના કમ્પાઉન્ડમાં થયેલા ધડાકામાં તાલિબાન શરણાર્થી મંત્રી ખલીલ રહેમાન હક્કાની અને તેના ત્રણ અંગરક્ષકો સહિત 12 લોકો માર્યા ગયા હતા. આ હુમલો ત્યારે થયો જ્યારે હક્કાની ખોસ્તથી આવતા લોકોના સમૂહની યજમાની કરી રહ્યા હતા. આ આત્મઘાતી હુમલો માનવામાં આવી રહ્યો છે. આ ધડાકામાં અનેક લોકોનાં મોત થયાં છે અને અનેક લોકો ઘાયલ થયા છે.
તાલિબાન સરકારે ‘ધ ખોરાસાન ડાયરી’ સાથેની વાતચીતમાં આ ઘટનાની પુષ્ટિ કરી છે. હાલમાં આ વિસ્ફોટ કેવી રીતે થયો અને કોણે કરાવ્યો તે અંગે વધુ માહિતી બહાર આવી નથી. અત્યાર સુધી મળેલી માહિતીને આધારે તેને આત્મઘાતી હુમલો માનવામાં આવી રહ્યો છે. અહેવાલ અનુસાર આ વિસ્ફોટમાં આત્મઘાતી હુમલાખોરનું પણ મોત થયું છે અને ઘણા લોકો ઘાયલ થયા છે.
ઓગસ્ટ, 2021 માં જૂથ સત્તા પર પાછા ફર્યા પછી તાલિબાનના આંતરિક પ્રધાન સિરાજુદ્દીન હક્કાનીના કાકા ખલીલ રહેમાન હક્કાનીને શરણાર્થીઓના કાર્યકારી પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
તાલિબાની સરકારે આ હુમલાની નિંદા કરતાં કહ્યું હતું કે આ હુમલાનો હેતુ તેમના નેતૃત્વને અસ્થિર કરવાનો છે. તાલિબાને આ હુમલા પાઠળ કી ખાસ જૂથ કે સંગઠનનું નામ નથી લીધું. આ ઘટના પછી તાલિબાને સુરક્ષા વધારી દીધી છે અને આવા હુમલાને અટકાવવા અનેક પગલાં લીધાં છે.
ગોપાલ નમકીનની ફેક્ટરીમાં ભીષણ આગ, લાખોનો માલ બળીને ખાખ
રાજકોટ: આજે ફરી એક વખત ફેક્ટરી ફૂડ ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બનાવાનો કિસ્સો પ્રકાશમાં આવે છે. આજે બપોરના સમયે રાજકોટમાં આવેલી ગોપાલ નમકીનની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. જ્યારે ફેક્ટરીમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ભીષણ આગને પગલે ફેક્ટરીમાં કામ કરતાં કામદારોમાં નાસભાગ મચી હતી. ઘટના બનતાની સાથે જ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા.

પ્રાપ્ત માહિતી પ્રમાણે ઘટના સ્થળે 10થી 15 ફાયર ફાઈટર ગાડીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જ્યારે રાજકોટ, જામનગર, ગોંડલ, વેરાવળની ફાયરની ગાડીઓ બોલાવાઈ છે. હાલમાં મળી રહેલી માહિતી અનુસાર બપોરે 2 વાગ્યાની આસપાસ આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. આગ ભયંકર હોવાથી લાખોનો માલ બળીને ખાખ થઇ ગયો છે, જોકે સદનસીબે કોઇ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. ગોપાલ નમકીનની ફેક્ટરની વિપુલ પ્રમાણમાં તેલનો જથ્થો અને પ્લાસ્ટિક પેકિંગનો સામાન હોવાથી આગ ઝડપથી પ્રસરવા લાગી હતી અને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. તમામ કર્મચારીઓને બહાર કઢાયાનો દાવો કરવામાં આવ્યો છે. ચાર કિલોમીટર સુધી ધુમાડાના ગોટેગોળા જોવા મળી રહ્યા છે. રાજકોટ પોલીસ અને એમ્બુલન્સનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. આજુબાજુની કંપનીઓ ખાલી કરાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. પહેલા જીઆઈડીસીનું ફાયર ફાઇટર આવી પહોંચ્યું હતું. પછી રાજકોટની ફાયરની ટીમ પણ અહીં આવી પહોંચી છે. ફાયર ટીમના અધિકારીઓ દ્વારા આ ઘટનાને મેજર કોલ જાહેર કર્યો હતો. જેથી આસપાસના ગામોમાંથી પાણ ફાયરટીમોને બોલાવાની ફરજ પડી હતી. નોંધનીય છે કે, ગોપાલ નમકીન ફેક્ટરી મેટોડા ખાતે આવેલી છે. જ્યારે આગ પર કાબૂ મેળવવા માટે આસપાસની ફાયર વિભાગની ટીમને પણ બોલાવાઈ છે.
સંપત્તિ સર્જનમાં અદાણી જૂથનો દબદબો
અમદાવાદઃ અદાણી ગ્રીન એનર્જી છેલ્લાં પાંચ વર્ષના સમયગાળામાં સૌથી ઝડપી સંપત્તિ સર્જનારી કંપની બની છે. 2019થી માર્ચ, 2024ના સમયગાળામાં અદાણી ગ્રુપના રિન્યુએબલ એનર્જી યુનિટે 118 ટકાના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દરે (CAGR) વળતર આપ્યું છે. ભારતીય ફાઇનાન્સ કંપની મોતીલાલ ઓસવાલ ફાઇનાન્શિયલ સર્વિસિસ લિમિટેડ (MOFSL)ના અભ્યાસમાં આ તારણ બહાર આવ્યું છે.
મંગળવારે પ્રસિદ્ધ થયેલા ’29મા મોતીલાલ ઓસવાલ એન્યુઅલ વેલ્થ ક્રિએશન સ્ટડી- 2024′ માં જણાવવામાં આવ્યું છે કે જો 2019માં 10 સૌથી ઝડપથી વિકસતી કંપનીઓમાં રૂ. 10 લાખનું મૂડીરોકાણ કરવામાં આવ્યું હોત, તો તે મૂડીરોકાણનું મૂલ્ય 2024માં રૂ. 1.75 કરોડ થઈ ગયું હોત.અદાણી એન્ટરપ્રાઇઝ સતત ત્રીજી વખત ‘શ્રેષ્ઠ ઓલ-રાઉન્ડ વેલ્થ ક્રિએટર’ બની છે. રોકાણકારોને ઉપરોક્ત સમયગાળામાં લગભગ 77 ટકાના CAGR પર વળતર મળ્યું છે, જ્યારે નિફ્ટી 50એ આ સમયગાળા દરમિયાન 14 ટકાનું CAGR વળતર આપ્યું છે. એટલા જ સમયગાળામાં અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ સતત ત્રીજી વખત ‘શ્રેષ્ઠ ઓલ-રાઉન્ડ વેલ્થ ક્રિએટર’ બની છે.
અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે વેલ્થ ક્રિએશનમાં નાણાકીય ક્ષેત્ર મોખરે રહ્યું છે. ભારતમાં 2019-2024 દરમિયાન ટોપ 100 સંપત્તિ સર્જકોએ રૂ. 138 લાખ કરોડથી વધુની સંપત્તિનું સર્જન કર્યું છે. ત્યાર બાદના ક્રમમાં ટેકનોલોજી અને યુટિલિટીનું યોગદાન છે. 2019-2024માં સરકારી કંપનીઓએ પણ સંપત્તિ સર્જનમાં મહત્વની ભૂમિકા ભજવી છે. છેલ્લા ત્રણ અભ્યાસમાં સંપત્તિ સર્જનમાં 20 PSUનો ફાળો 17 ટકા રહ્યો છે.
રિસર્ચમાં મુજબ નવ નાણાકીય કંપનીઓનો નફો પાંચ વર્ષમાં 19 ગણો વધ્યો છે. PSUમાં સંપત્તિ સર્જનને પ્રોત્સાહન આપવાનું મુખ્ય કારણ કંપનીઓના નફામાં વધારો છે. પાંચ વર્ષમાં નવ નાણાકીય કંપનીઓનો નફો 19 ગણો વધ્યો છે, ખાસ કરીને કોલ ઈન્ડિયાનો નફો પાંચ વર્ષમાં ચાર ગણો વધ્યો છે. MOFSLના રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે અમે સર્વશ્રેષ્ઠ સંપત્તિ સર્જકને સૌથી મોટા, સૌથી ઝડપી અને સાતત્યપૂર્ણ પ્રદર્શન કરતા શેરોની ત્રણ શ્રેણીઓ હેઠળના રેન્કને આધારે વ્યાખ્યાયિત કરીએ છીએ, જ્યાં કોઈ પણ બે સ્ટોક્સ સમાન સ્કોર ધરાવતા હોય ત્યાં અદાણી એન્ટરપ્રાઇઝિસ શ્રેષ્ઠ સર્વાંગી સંપત્તિ સર્જક તરીકે ઊભરી આવ્યું છે.





