Home Blog Page 127

US ડેલાવર સ્ટેટ સેનેટમાં સદગુરુનું પ્રવચન

ડેલાવરઃ સદગુરુને  ડેલાવરમાં આમંત્રિત કરાયા એ ખરેખર મહત્વની બાબત હતી. આ સામાન્ય પ્રવચન કે કોઈ પ્રોગ્રામ નહોતો. અમેરિકાના સરકારી વિધાનસભામાં એક આધ્યાત્મિક ગુરુને આમંત્રિત કરવા એ ખાસ ઘટના ગણી શકાય. આ માટે ડેલાવર સ્ટેટમાં  રાજકારણમાં સક્રિય પલાશ ગુપ્તાનો ફાળો ખૂબ મહત્વનો હતો. તેમના પ્રયાસો થકી અહી બધાને સદગુરુનાં પ્રવચનનો અને તેમને પ્રત્યક્ષ મળવાનો લહાવો મળ્યો.

સ્ટેટ સેનેટ દ્વારા સદગુરુને ખાસ માન આપવામાં આવ્યું હતું. ત્યાં તેમનું સંબોધન અને પછી ટૂંકું પ્રવચન હતું. આ પહેલાં અંગત આમંત્રિત મહેમાનો સાથે પલાશ ગુપ્તાએ સદગુરુ સાથે વાર્તાલાપ ગોઠવ્યો હતો. જેના મુદ્દા હતા આંતરિક ઉન્નતિ અને સુખ. સમાજ સુધારા માટે જાગૃતિ અને બાળકોના વિકાસ માટે મેડિટેશનનું મહત્વ. તેમના લેકચરમાં કોઈ એક ભગવાન ગુરુ કે ધર્મની વાત નહોતી. વ્યક્તિના પોતાની અંદરના આત્માની, વિકાસની અને આચાર-વિચારની વાત હતી..

સદગુરુ સતત પ્રવાસ કરે છે. યુનિવર્સિટીઓ, વૈશ્વિક મંચો પર ભાષણ આપે છે.  ખૂબ વ્યસ્ત અને અતિ સક્રિય એવા હોવા છતાં તેમના ચહેરા ઉપર અદ્ભુત  શાંતિ અને બાળક જેવુ હાસ્ય કોઈને પણ મોહી લે એવા છે. આ કાર્યક્રમનો ભાગ બન્યાની ખુશી અને તક ખાસ હતા. બાકી ભારતમાં તેમણે સહેલાઈથી મળવું આટલું સહજ નથી હોતું એ પણ હકીકત છે.  એક ભારતીય યોગી, આધ્યાત્મિક ગુરુ અને વક્તા છે. ઇસા ફાઉન્ડેશન જે માનસિક, શારીરિક અને આધ્યાત્મિક વિકાસ માટે કાર્ય કરે છે.  તેમણે વિશ્વભરમાં યોગ અને આંતરિક વિકાસ માટે ઘણા કાર્યક્રમો શરૂ કર્યા છે.

સદગુરુ દ્વારા ઈનર એન્જિનિયરિંગ એક પ્રોગ્રામ છે જેમાં ધ્યાન, શ્વાસ અને યોગ દ્વારા આંતરિક સંતુલન ઓન લાઇન ફ્રી શીખવવામાં આવે છે. શંભવી મહામુદ્રા જેવી શક્તિશાળી ક્રિયાઓ મન સાથે શરીરની ઊર્જામાં વધારો કરે છે. દરેક વ્યક્તિએ માત્ર 10 મિનિટ કશું જ ના કરતાં શાંતિથી આંખ બંધ કરીને બેસવું એ પણ યોગનો ભાગ છે.  આમ કરવાથી કાર્યક્ષમતા અને ખુશી બંને વધે છે.

(રેખા પટેલ-ડેલાવર, અમેરિકા)

મુંબઈમાં બેઠાં બેઠાં મસ્કતમાં સર્જરી!

મુંબઈઃ વિશ્વ આરોગ્ય દિવસ (7 એપ્રિલ)ના દિવસે, મુંબઈની ‘કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલે’ અસામાન્ય કહેવાય એવી સિદ્ધિ હાંસલ કરી. હૉસ્પિટલના પ્રખ્યાત સર્જન ડૉ. ટી. બી. યુવરાજાએ મુંબઈમાં બેસીને ઓમાનની રાજધાની મસ્કતનાં 55 વર્ષી મહિલા દર્દીની કિડનીની જટિલ સર્જરી (રેડિકલ નેફ્રેક્ટમી) સફળતાપૂર્વક કરી.

આ કોઈ જાદુ નહીં, પણ વિજ્ઞાન અને આધુનિક ટેકનોલોજીનો સમન્વય છે:

  • રોબોટિક સિસ્ટમ: આ ઑપરેશન માટે અત્યંત આધુનિક Medbot Toumai રોબોટિક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો.
  • રિયલ-ટાઈમ કનેક્ટિવિટી: હાઈ-સ્પીડ ઈન્ટરનેટ અને મજબૂત નેટવર્કના કારણે ડૉક્ટર મુંબઈથી જે રીતે રોબોને કમાન્ડ આપતા હતા એ જ ક્ષણે મસ્કતમાં રોબો ઑપરેશન કરી રહ્યો હતો.
  • ચોકસાઈ: રોબોટિક સર્જરીમાં ભૂલની શક્યતા નહિવત્ રહે અને ઑપરેશન વધુ સચોટ રીતે થાય.

ત્રણ અદ્યતન રોબોટિક પ્લેટફોર્મથી સજ્જ આ હૉસ્પિટલ દેશની પ્રાઈવેટ હૉસ્પિટલોમાં મલ્ટી-ડિસિપ્લિનરી રોબોટિક સર્જરી માટે નંબર 1 સેન્ટર ગણાય છે.

ત્રણ રીતે આ સિદ્ધિ મહત્વની છે:

  1. સીમાડા ભૂંસાયા: ભારતની આ પ્રથમ ‘ક્રોસ-બોર્ડર’ (આંતરરાષ્ટ્રીય) રિમોટ સર્જરી છે. એટલે કે, હવે ભારતીય ડૉક્ટરો દેશમાં રહીને જ દુનિયાના કોઈપણ ખૂણે સારવાર આપી શકશે.
  2. મુસાફરીની જરૂર નહીં: ગંભીર બીમારીમાં દર્દીને બીજા દેશમાં લઈ જવાની તકલીફ અને ખર્ચ હવે ઘટશે. નિષ્ણાત ડૉક્ટર પોતે ટેકનોલોજી દ્વારા દર્દી સુધી પહોંચશે.
  3. ભારત વૈશ્વિક કેન્દ્ર બન્યું: અત્યાર સુધી વિદેશીઓ સારવાર માટે ભારતમાં આવતા હતા, પણ હવે ભારત પોતાની ‘મેડિકલ એક્સપર્ટાઈઝ’ દુનિયાના ખૂણે-ખૂણે ડિજિટલ માધ્યમથી મોકલી રહ્યું છે.

ડૉ. ટી. બી. યુવરાજા, ડાયરેક્ટર (રોબોટિક સર્જરી) કહે છેઃ “આ માત્ર સર્જરી નથી, પણ ભાવિ હેલ્થકૅરની ઝલક છે. હવે શ્રેષ્ઠ સારવાર માટે દર્દીએ એ જ શહેરમાં હોવું જરૂરી નથી. ભારત હવે વિશ્વને રિયલ-ટાઈમ મેડિકલ સર્વિસ આપનારો દેશ બની ગયો છે.”

તો કોકિલાબેન અંબાણી હૉસ્પિટલના સીઈઓ ડૉ. સંતોષ શેટ્ટી કહે છેઃ ” ટેકનોલોજીના કારણે અમારી હૉસ્પિટલ હવે ‘ગ્લોબલ કમાન્ડ સેન્ટર’ બની રહી છે. મસ્કતના કેન્સર દર્દી સુધી ભારતની ઉચ્ચ કક્ષાની સારવાર પહોંચાડવી અમારા માટે ગૌરવની વાત છે.”

ઉલ્લેખનીય છે કે આ સર્જરીમાં દર્દીની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું અને Central Drugs Standard Control Organization (CDSCO)ના બધા નિયમોનું પાલન કરવામાં આવ્યું.

આ સિદ્ધિ સાથે ભારતે સાબિત કરી દીધું છે કે મેડિકલ સાયન્સના ક્ષેત્રે હવે ડિસ્ટન્સ સારવારમાં બાધા રૂપ બની શકશે નહીં.

અમેરિકા ઇરાની જહાજ જપ્ત કરતાં ઈરાનનો વાતચીતથી ઇનકાર?

નવી દિલ્હીઃ હોર્મુઝ સ્ટ્રેટ પર ઇરાનના જહાજ પર અમેરિકી નેવીના હુમલા પછી હવે ઇરાને પણ પલટવાર કર્યો છે. અમેરિકી સેના દ્વારા જહાજ પરના હુમલાને ઇરાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. મિડલ-ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ પોતાના પાકિસ્તાની સમકક્ષ ઇશાક ડાર સાથે ફોન પર વાત કરી. એ દરમિયાન તેમણે અમેરિકા પર ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે અમેરિકા પહેલેથી જ અનેક વખત વિશ્વાસ તોડી ચૂક્યું છે અને તાજેતરની ઘટનાઓ પણ એ જ બતાવે છે. અરાઘચીએ ખાસ કરીને જૂન અને માર્ચ 2025ની તે ઘટનાઓનો ઉલ્લેખ કર્યો, જ્યારે વાતચીત ચાલી રહી હોવા છતાં ઈરાન વિરુદ્ધ અમેરિકી સૈન્ય કાર્યવાહી થઈ હતી.

 

તેમણે કહ્યું હતું કે તાજેતરમાં પણ અમેરિકાએ સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે અને ઈરાનનાં બંદરો, કિનારાઓ અને જહાજોને લઈને ધમકીઓ આપી છે. ઉપરાંત અમેરિકાની તરફથી સતત કડક અને ધમકીભર્યા નિવેદનો આપવામાં આવી રહ્યાં છે. તેમના જણાવ્યા મુજબ અમેરિકાની માગોઓ પણ સ્પષ્ટ નથી, વારંવાર બદલાય છે અને ઘણી વખત એકબીજાના વિરોધાભાસી હોય છે.

અમેરિકાની નિયત ઠીક નથી – ઈરાન

ઈરાનના વિદેશ મંત્રીએ કહ્યું હતું કે આ તમામ બાબતોમાંથી સ્પષ્ટ થાય છે કે અમેરિકાની નિયત ઠીક નથી અને તે કૂટનીતિને ગંભીરતાથી લેતું નથી. તેમણે એ પણ સંકેત આપ્યો કે આવા વલણથી કોઈ પણ પ્રકારની વાતચીત અથવા સમજૂતીની શક્યતા નબળી પડે છે.

શહબાઝ શરીફ – મસૂદ પેઝેશ્કિયાનની વાતચીત

પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથે ફોન પર વાત કરી. પાકિસ્તાનના વડા પ્રધાનના કાર્યાલય મુજબ આ વાતચીત દરમિયાન ક્ષેત્રની વર્તમાન પરિસ્થિતિ અંગે વિસ્તૃત ચર્ચા થઈ. ઇરાન-US વચ્ચે વાતચીતને એટલા માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે કારણ કે આ એવો સમય છે, જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે બીજા તબક્કાની ચર્ચાની તૈયારીઓ ચાલી રહી છે અને સમગ્ર વિસ્તારમાં તણાવ યથાવત્ છે.

પંચાંગ 20/04/2026

૨૦ એપ્રિલ ૨૦૨૬

From TV Serial ‘Saathiya’ to Bollywood: Mazel Vyas’s Journey

ભીષણ ગરમીની ચપેટમાં ભારત, હવામાન વિભાગની ચેતવણી

ભારતીય હવામાન વિભાગે ઉત્તર, મધ્ય અને પૂર્વી ભારતના અનેક રાજ્યોમાં ભીષણ લૂ (હીટવેવ) ની ચેતવણી જારી કરી છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ઓડિશા જેવા રાજ્યોમાં પારો 45 ડિગ્રીને વટાવી રહ્યો છે. હવામાન વિભાગે લોકોને બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન બિનજરૂરી બહાર ન નીકળવાની સલાહ આપી છે. જોકે, દક્ષિણ ભારત અને પૂર્વોત્તર રાજ્યોમાં હળવા વરસાદને કારણે થોડી રાહત મળવાની આશા છે, પરંતુ મેદાની વિસ્તારોમાં 22 એપ્રિલ સુધી ગરમીથી કોઈ મોટી રાહત મળવાની શક્યતા નથી.

હવામાન વિભાગ દ્વારા રવિવારે જારી કરવામાં આવેલી આગાહી મુજબ, દેશના મધ્ય અને પૂર્વી ભાગોમાં સૂર્યનો કહેર સૌથી વધુ જોવા મળી રહ્યો છે. જ્યારે તાપમાન સામાન્ય કરતા ઓછામાં ઓછું 4.5 ડિગ્રી વધી જાય છે, ત્યારે તેને સત્તાવાર રીતે ‘હીટવેવ’ જાહેર કરવામાં આવે છે, અને અત્યારે દેશના ઘણા વિસ્તારો આ મર્યાદાને વટાવી ચૂક્યા છે. ખાસ કરીને વિદર્ભ, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ આ અઠવાડિયે સૌથી ગરમ પ્રદેશો રહેવાની ધારણા છે. પૂર્વી કિનારાના રાજ્યો જેવા કે ઓડિશા, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાં માત્ર ગરમી જ નહીં પરંતુ અતિશય ભેજ (Humidity) ને કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. વધુ ભેજને કારણે શરીરનો પરસેવો સુકાતો નથી, જેનાથી વાસ્તવિક તાપમાન કરતા પણ વધુ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.

વરસાદની શક્યતાઓ વિશે વાત કરીએ તો, મેદાની વિસ્તારો માટે હાલમાં કોઈ સારા સમાચાર નથી. પશ્ચિમી વિક્ષેપ (Western Disturbance) ઉત્તર ભારતના મેદાનોમાંથી પસાર થઈ રહ્યો છે, પરંતુ તે એટલો નબળો છે કે તાપમાનમાં કોઈ મોટો ઘટાડો લાવી શકશે નહીં. તેના પ્રભાવથી પંજાબ, ઉત્તર રાજસ્થાન અને પશ્ચિમ હરિયાણામાં સાંજના સમયે છૂટાછવાયા વાદળો અથવા હળવી ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે, પરંતુ દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં ગરમીથી રાહત મળે તેવી કોઈ શક્યતા દેખાતી નથી. ગરમીનું આ મોજું ઓછામાં ઓછું 22 એપ્રિલ સુધી યથાવત રહેવાની શક્યતા છે.

બીજી તરફ, દક્ષિણ ભારતમાં હવામાન થોડું મહેરબાન જોવા મળી શકે છે. આગામી 72 કલાક દરમિયાન દક્ષિણ મહારાષ્ટ્ર, ઉત્તર કર્ણાટક અને તેલંગાણામાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાની સંભાવના છે. તેવી જ રીતે, પૂર્વોત્તર રાજ્યો જેમ કે અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય અને પશ્ચિમ બંગાળના હિમાલયી વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે, જેનાથી ત્યાંના તાપમાનમાં ઘટાડો થશે અને લોકોને ગરમીથી રાહત મળશે. પૂર્વી ઉત્તર પ્રદેશમાં 20 એપ્રિલની આસપાસ થોડી રાહત મળી શકે છે, જ્યારે ઝારખંડમાં 21 એપ્રિલ સુધી લૂનો કહેર ચાલુ રહેશે.

હવામાન વિભાગે આરોગ્યની દૃષ્ટિએ પણ સાવચેતી રાખવા અપીલ કરી છે. વધતા તાપમાનને કારણે હીટ સ્ટ્રોકનો ખતરો વધી જાય છે, તેથી લોકોને પુષ્કળ પાણી પીવા, સુતરાઉ કપડાં પહેરવા અને સીધા સૂર્યપ્રકાશથી બચવા સૂચના આપવામાં આવી છે. રાજસ્થાન અને ઓડિશામાં 22 એપ્રિલ સુધી સ્થિતિ અત્યંત નાજુક રહેવાની છે, કારણ કે ત્યાં તાપમાન સામાન્ય કરતા ઘણું વધારે રહેવાની આગાહી છે. એકંદરે, આગામી ત્રણ-ચાર દિવસ સુધી ઉત્તર અને મધ્ય ભારતના મેદાની વિસ્તારોમાં રહેતા લોકોએ કુદરતના આ આકરા મિજાજનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.

ભારતીય જહાજો પર ગોળીબાર બાદ ભારતની ઈરાનને ચેતવણી

હોર્મુઝની સામુદ્રધુનીમાં ઈરાની નૌસેના (IRGC) દ્વારા બે ભારતીય જહાજો ‘જગ અર્ણવ’ અને ‘સન્માર હેરાલ્ડ’ પર અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો છે. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ જહાજોને નુકસાન પહોંચ્યું છે. આ હુમલો ઈરાન દ્વારા વસૂલવામાં આવતા કથિત ‘ટોલ ટેક્સ’ ને કારણે થયો હોવાનું મનાય છે, જે આપવાનો ભારતે ઈનકાર કર્યો છે. નવી દિલ્હીએ ઈરાની રાજદૂતને તલબ કરીને કડક સંદેશ આપ્યો છે કે ભારત પોતાની દરિયાઈ સુરક્ષા અને મુક્ત નૌકાયન સાથે કોઈ બાંધછોડ કરશે નહીં.

ભારતીય અધિકારીઓએ રવિવારે પુષ્ટિ કરી હતી કે ઈરાની નૌસેનાના ગોળીબારમાં બંને ભારતીય જહાજોના ચાલક દળના સભ્યો સુરક્ષિત છે, પરંતુ ગોળીબારને કારણે જહાજના કેબિનની બારીઓના કાચ તૂટી ગયા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે ‘જગ અર્ણવ’ સાઉદી અરેબિયાથી અને ‘સન્માર હેરાલ્ડ’ ઈરાકથી લાખો બેરલ ક્રૂડ ઓઈલ લઈને ભારત તરફ આવી રહ્યા હતા. ઓમાનની ઉત્તરે થયેલા આ હુમલા બાદ બંને જહાજોને હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પાછા ફરવાની ફરજ પડી હતી. ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે આંતરરાષ્ટ્રીય જળસીમામાં કોઈ પણ પ્રકારનો ગેરકાયદેસર ટોલ આપશે નહીં.

આ વિવાદનું એક પાસું અત્યંત રસપ્રદ છે. જે ઈરાની નૌસેના (IRGC) ભારતીય જહાજો પર હુમલો કરી રહી છે, તે જ ઈરાનનું એક યુદ્ધ જહાજ ‘IRIS લવાન’ અત્યારે ભારતની શરણમાં છે. ગત 4 માર્ચે શ્રીલંકા પાસે અમેરિકી સબમરીન દ્વારા ઈરાનનું બીજું યુદ્ધ જહાજ ‘IRIS ડેના’ ડુબાડી દેવાયા બાદ, લવાન જહાજે સુરક્ષા માટે કોચી બંદરે આશરો માંગ્યો હતો. આ જહાજના 183 સભ્યોમાંથી 120 ને ભારતે માનવતાના ધોરણે સ્વદેશ મોકલી આપ્યા છે, જ્યારે બાકીના કર્મચારીઓ હજુ પણ કેરળમાં જહાજની દેખરેખ રાખી રહ્યા છે. આવી સ્થિતિમાં ઈરાનનું ભારત પ્રત્યેનું આ વલણ રાજદ્વારી સ્તરે આઘાતજનક માનવામાં આવે છે.

તમિલનાડુમાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ, 17 ના મોત

તમિલનાડુના વિરુધ્ધનગર જિલ્લાના કટ્ટનારપટ્ટી વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ થયો છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 17 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. વિસ્ફોટની તીવ્રતા એટલી વધારે હતી કે તેણે આસપાસના ચાર યુનિટોને પણ પોતાની ઝપેટમાં લઈ લીધા હતા. હાલમાં ફાયર વિભાગ અને પોલીસની ટીમો કાટમાળ હટાવવાની કામગીરી કરી રહી છે અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

દુર્ઘટનાની વિગતવાર માહિતી મુજબ, આ વિસ્ફોટ કટ્ટનારપટ્ટી વિસ્તારમાં કાર્યરત એક ફટાકડા ઉત્પાદન યુનિટમાં થયો હતો. પ્રારંભિક અહેવાલો સૂચવે છે કે કેમિકલ મિશ્રણ કરતી વખતે અથવા ફટાકડાના પેકિંગ દરમિયાન કોઈ ખામી સર્જાતા આ ધડાકો થયો હોવો જોઈએ. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેની અસર હેઠળ ફેક્ટરીના કુલ ચાર યુનિટો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. વિસ્ફોટ બાદ લાગેલી આગ અને ધુમાડાના ગોટેગોટાને કારણે આસપાસના રહેણાંક વિસ્તારોમાં પણ ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે જેસીબી અને અન્ય આધુનિક સાધનોની મદદ લેવામાં આવી રહી છે.

ઘટનાસ્થળે હાજર પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ધડાકો થતાની સાથે જ આખી ઇમારત પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી. જે લોકો ગંભીર રીતે દાઝી ગયા છે અથવા ઘાયલ થયા છે તેમને તાત્કાલિક સ્થાનિક સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં કેટલાકની હાલત અત્યંત નાજુક હોવાનું કહેવાય છે. તમિલનાડુ પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રે આખા વિસ્તારને કોર્ડન કરી લીધો છે જેથી બચાવ કામગીરીમાં કોઈ અવરોધ ન આવે. ફાયર ફાઇટરોએ કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ અંદર રહેલા દારૂગોળાને કારણે સતત નાના વિસ્ફોટો થતા હોવાથી કામગીરીમાં મુશ્કેલી પડી રહી હતી.

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ

ઉત્તરાખંડમાં 19 એપ્રિલ 2026થી ચારધામ યાત્રા શરૂ થઈ રહી છે. 19 એપ્રિલે યમુનોત્રી અને ગંગોત્રી ધામના કપાટ ખુલશે, જ્યારે કેદારનાથ 22 એપ્રિલે અને બદ્રીનાથ 23 એપ્રિલે શ્રદ્ધાળુઓ માટે ખુલશે. અત્યાર સુધીમાં 18 લાખથી વધુ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે 7000 પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે અને સમગ્ર રૂટને 16 સુપર ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. હવામાન વિભાગે શરૂઆતના દિવસોમાં વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી હોવાથી વહીવટીતંત્ર એલર્ટ પર છે.

ચારધામ યાત્રાના સમયપત્રક મુજબ, 19 એપ્રિલે અક્ષય તૃતીયાના દિવસે યમુનોત્રી અને ગંગોત્રી ધામના કપાટ ખુલશે. ત્યારબાદ 22 એપ્રિલે કેદારનાથ અને 23 એપ્રિલે બદ્રીનાથ ધામના કપાટ ખુલશે. આ યાત્રા માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે અને અત્યાર સુધીમાં 18 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ નોંધણી કરાવી લીધી છે. 2025માં 50 લાખ લોકોએ દર્શન કરીને રેકોર્ડ બનાવ્યો હતો, જે આ વખતે તૂટી શકે છે. યાત્રાની શરૂઆત હરિદ્વાર કે ઋષિકેશથી થાય છે અને શ્રદ્ધાળુઓને ઠંડીથી બચવા માટે ગરમ કપડાં સાથે રાખવાની સલાહ આપવામાં આવી છે.

યાત્રાની સુરક્ષા વ્યવસ્થાને લઈને આઈજી ગઢવાલ રેન્જ રાજીવ સ્વરૂપે મહત્વની વિગતો શેર કરી છે. તેમણે જણાવ્યું કે યાત્રાના સુચારુ સંચાલન માટે સમગ્ર રૂટને 16 સુપર ઝોન, 43 ઝોન અને 149 સેક્ટરમાં વિભાજિત કરવામાં આવ્યો છે. ટ્રાફિક મેનેજમેન્ટ અને સુરક્ષા માટે અંદાજે 7000 પોલીસકર્મીઓ મોરચો સંભાળશે. આ ઉપરાંત કેન્દ્રીય અર્ધલશ્કરી દળોની 15 કંપનીઓની પણ માંગણી કરવામાં આવી છે. હરિદ્વારથી લઈને ચારેય ધામો સુધી થર્મલ સ્કેનિંગની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી શ્રદ્ધાળુઓના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકાય.

હવામાન વિભાગે 21 એપ્રિલ સુધી રાજ્યમાં વરસાદ અને હિમવર્ષાનું પૂર્વાનુમાન વ્યક્ત કર્યું છે, જેને પગલે આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા તમામ જિલ્લાઓને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. ચોમાસામાં ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓનું સમારકામ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે અને જે વિસ્તારોમાં ભૂસ્ખલન (Landslide) થવાની શક્યતા છે ત્યાં ખાસ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. SDRF, PWD અને BRO ની ટીમો સાથે પર્યાપ્ત જેસીબી મશીનો પણ તૈનાત કરવામાં આવ્યા છે જેથી કોઈપણ અડચણને તાત્કાલિક દૂર કરી શકાય.

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ તાજેતરમાં જ યાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે જણાવ્યું કે ચારધામ યાત્રા ઉત્તરાખંડની અર્થવ્યવસ્થાનો મુખ્ય સ્ત્રોત છે અને સરકાર શ્રદ્ધાળુઓની સુવિધા માટે દરેક શક્ય પ્રયાસ કરી રહી છે. અત્યાર સુધીમાં આ અંગે 20થી વધુ બેઠકો યોજાઈ ચૂકી છે. ભક્તો માટે આધુનિક સાઈનેજ અને માર્ગદર્શિકાઓ પણ મુકવામાં આવી છે. સરકારનો ઉદ્દેશ્ય છે કે દેશ-વિદેશથી આવતા ભક્તો દેવભૂમિના આશીર્વાદ લઈને સુખદ અનુભવ સાથે પરત ફરે.