Home Blog Page 1272

શા માટે માનવ અધિકાર દિવસ ઉજવવામાં આવે છે? જાણો શું છે તેનું મહત્વ

માનવ અધિકાર દિવસ (Human Rights Day) દર વર્ષે 10 ડિસેમ્બરે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. આ દિવસ મહત્વપૂર્ણ છે કારણ કે આ દિવસે 1948માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ માનવ અધિકારની સાર્વત્રિક ઘોષણા (UDHR) અપનાવી હતી. આ ઘોષણા માનવ અધિકારનો પાયાનો પથ્થર છે અને તમામ લોકોને સમાન અધિકારો અને ગૌરવ પ્રદાન કરવાની વાત કરે છે.

માનવ અધિકાર દિવસનો ઇતિહાસ શું છે?

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થયેલા અત્યાચારોએ વિશ્વને માનવાધિકારનું મહત્વ સમજવા માટે મજબૂર કરી દીધું. યુદ્ધ પછી, સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરવામાં આવી અને માનવ અધિકારોને સુરક્ષિત કરવા માટે આંતરરાષ્ટ્રીય માળખું બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. UDHR આ પ્રયાસનું પરિણામ ગણી શકાય. આ ઘોષણા તમામ લોકો માટે સમાન અધિકારો જાહેર કરે છે, જેમ કે જીવનનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, અભિપ્રાય વ્યક્ત કરવાનો અધિકાર અને ભેદભાવથી મુક્ત થવાનો અધિકાર.

માનવ અધિકાર દિવસનું મહત્વ શું છે?

માનવ અધિકાર દિવસ આપણને યાદ અપાવે છે કે તમામ મનુષ્ય સમાન છે અને બધાને સમાન અધિકારો છે. આ દિવસ આપણને એવા લોકો માટે વિચારવાની અને કામ કરવાની તક આપે છે જેમને તેમના અધિકારો નથી મળતા. આ દિવસ આપણને એ પણ યાદ અપાવે છે કે આપણે આપણા અધિકારો માટે લડવું જોઈએ અને બીજાના અધિકારોનું સન્માન કરવું જોઈએ.

જાગૃતિ વધારવી- આ દિવસ માનવ અધિકારો વિશે લોકોને જાગૃત કરવાની એક મહત્વપૂર્ણ તક છે. તે લોકોને તેમના અધિકારો વિશે જણાવે છે અને તેઓ આ અધિકારોનો ઉપયોગ કેવી રીતે કરી શકે તે સમજવામાં મદદ કરે છે.

સમાજમાં પરિવર્તન લાવવા- માનવ અધિકાર દિવસ એ સમાજમાં પરિવર્તન લાવવાનો અવસર છે. આ દિવસ લોકોને એકસાથે આવવાની અને માનવ અધિકારોનું ઉલ્લંઘન કરતા મુદ્દાઓ સામે અવાજ ઉઠાવવાની તક આપે છે.

આંતરરાષ્ટ્રીય સહકારને પ્રોત્સાહન આપવું- માનવ અધિકાર દિવસ આંતરરાષ્ટ્રીય સહકારને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે. આ દિવસ દેશોને એકસાથે આવવા અને માનવ અધિકારોના રક્ષણ માટે કામ કરવાની તક આપે છે.

શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપવું – શાંતિ અને સ્થિરતા માટે માનવ અધિકારોનું રક્ષણ કરવું જરૂરી છે. જ્યારે લોકોના અધિકારોનું સન્માન કરવામાં આવે છે, ત્યારે તેઓ વધુ સુરક્ષિત અને સમૃદ્ધ અનુભવે છે.

ભારતમાં માનવ અધિકાર દિવસ

ભારતમાં પણ માનવ અધિકાર દિવસ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. ભારત સરકાર અને વિવિધ NGO આ દિવસે અનેક કાર્યક્રમોનું આયોજન કરે છે. આ કાર્યક્રમોમાં સેમિનાર, વર્કશોપ, પ્રદર્શન વગેરેનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમોનો હેતુ લોકોને માનવ અધિકારો વિશે જાગૃત કરવાનો અને તેમના અધિકારો માટે લડવા માટે પ્રેરિત કરવાનો છે.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૧૦ ડિસેમ્બર ૨૦૨૪

દરજી કદ પ્રમાણે વેતરે

   

    દરજી કદ પ્રમાણે વેતરે

 

મૂળભૂત રીતે આ કહેવત પ્રમાણભાન સાથે જોડાયેલી છે. દરજીને ત્યાં કપડું સીવવા આપીએ તો જે પ્રમાણે માણસનું માપ હોય તે પ્રમાણે એ કપડું વેતરીને એમાંથી ખમીસ, પાટલૂન અથવા જે કાંઇ સીવવાનું હોય તે સીવે. એટલે દરજી માપ પ્રમાણે જ કપડું વેતરે એટલે કે કાપે તો જ ફીટીંગ વગેરે બરાબર આવે અને એ કપડું પહેરનારના અંગ પર શોભી ઊઠે.

આમ, જો પ્રમાણભાન જળવાય જળવાય તો જ જે હેતુ લઈને આપણે નીકળ્યા હોઈએ તે હેતુ બર આવે. પ્રમાણભાન ન જળવાય તો કપડું ગમે તેટલું મોંઘું હોય કાં તો ટૂંકું પડે અથવા ખૂલતું રહે. સરવાળે પહેરનારને દીપાવે નહીં અને કપડું પણ બગડે, સીવનારનો હાથ પણ લજવાય. કોઈ પણ વસ્તુની રચના માટે આ પાયાનો સિદ્ધાંત છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

અમોલ પાલેકર ઋષિદાને ‘ગોલમાલ’ માટે ના પાડવાના હતા

અમોલ પાલેકરની નિર્દેશક ઋષિકેશ મુખર્જી સાથેની પહેલી ફિલ્મ ‘ગોલમાલ’ (1979) હિન્દી સિનેમાની યાદગાર કોમેડી ફિલ્મોમાં એક રહી છે. પરંતુ અમોલ અસલમાં ઋષિકેશ મુખર્જી સાથે કામ કરવા માગતા જ ન હતા. ત્યારે અમોલને એક અલગ જ ઋષિદાનો અનુભવ થયો હતો. જ્યારે ઋષિદાએ અમોલને પોતાની ફિલ્મ કરવા માટે ફોન કર્યો અને કહ્યું કે એ તેને મળવા આવશે. ત્યારે અમોલ પાલેકરે કહ્યું કે એ પોતે એમને મળવા આવશે. અમોલ ઘરેથી ઋષિદાને ના પાડવાનું નક્કી કરીને જ નીકળ્યા હતા.

રસ્તામાં એ કારણ શોધતા હતા કે શું કહીને એમને ના પાડી શકાય. તેનું કારણ એ હતું કે ઋષિદા વિષે એમણે ઘણી વાતો સાંભળી હતી. તે કોઈપણ કલાકારને ફિલ્મની વાર્તા તો ઠીક કોઈ બાબત કહેતા ન હતા. સ્ક્રિપ્ટ તો આપતા જ ન હતા. બસ આટલું કરવાનું છે એમ કહી શુટિંગ કરતા હતા. આ બધી વાતો સાંભળી હોવાથી અમોલને થયું કે એમનો દબદબો બહુ છે. હું સ્ક્રિપ્ટ વગર કે ફિલ્મ વિષે ચર્ચા કર્યા વગર કામ કરી શકું નહીં. એમની સાથે કામ કરવાનું મુશ્કેલ બને એમ હોવાથી કોઈ કારણ આપી એમના માન મરતબાને આંચ ના આવે એમ ના પાડવાનું મનોમન નક્કી કરી અમોલ ઋષિદા પાસે પહોંચ્યા હતા. ઋષિદાએ અમોલ સાથે ઘણા કલાક સુધી ફિલ્મ સિવાયની જ બીજી ઘણી અંગત જીવનની વાતો કરી.

અમોલની પુત્રી બેડમિન્ટન ખેલાડી હોવાથી તેની મેચ વિશે પણ ઘણી વાત કરી. માહોલ એવો ઊભો થયો કે અમોલ એ વાત ભૂલી ગયા કે ફિલ્મ માટે આવ્યા છે. પછી છેલ્લે એમણે મુદ્દાની વાત કરી કે હું તારી સાથે એક ફિલ્મ કરવા માંગુ છું. અને એમણે ફિલ્મ ‘ગોલમાલ’ ની આખી વાર્તા એના દરેક દ્રશ્ય સાથે કરી. એમણે એટલું સરસ નરેશન આપ્યું કે અમોલની આંખ સામે ફિલ્મ તરવરવા લાગી હતી. એમની વાત સાંભળી ફિલ્મ કરવાનો નિર્ણય કરીને અમોલથી હસી પડાયું. ઋષિદાએ કારણ પૂછ્યું ત્યારે અમોલે પ્રામાણિકતાથી કહી દીધું કે એ અહીં ના પાડવા આવ્યો હતો.

ઋષિદાએ કારણ પૂછ્યું ત્યારે અમોલે સાચું કહી દીધું. એના જવાબમાં ઋષિદાએ કહ્યું કે જે વ્યક્તિ પાસે સ્ક્રિપ્ટ સાંભળવાનો અને એના વિષે ચર્ચા કરવાનો સમય ના હોય એને હું સ્ક્રિપ્ટ શા માટે સંભળાવું? અત્યારે જે સ્ટાર્સ છે એમની પાસે આવો સમય નથી અને હું તારી ફિલ્મ યાત્રા જોઈ રહ્યો છું. તું જે પ્રકારનું કામ કરી રહ્યો છે, થિયેટર કરી રહ્યો છે એ આપણાને એકબીજા સાથે જોડે એમ છે. તું અલગ પ્રકારનો અભિનેતા છે એની મને ખબર છે. ઋષિદા અમોલના નાટકો જોવા જતાં હતા એટલે અમોલના કામથી પરિચિત અને પ્રભાવિત હતા. ઋષિદાએ એ જ સમય પર અમોલને કહી દીધું હતું કે હું તારી સાથે પાંચ ફિલ્મ કરવા માંગુ છું. અને એ પાંચેયની વાર્તા સંભળાવવા સાથે એમાં શું કરવા માગે છે એ પણ જણાવ્યું હતું. અને આમ ‘ગોલમાલ’ થી અમોલ પાલેકરની નિર્દેશક ઋષિકેશ મુખર્જી સાથેની ફિલ્મોની યાત્રા શરૂ થઈ હતી.

પંચાંગ 10/12/2024

વર્લ્ડ હિંદુ ઈકોનોમિક ફોરમ (WHEF)ની વાર્ષિક કોન્ફરન્સનું મુંબઈમાં થશે આયોજન

મુંબઈ: આ વખતે વર્લ્ડ હિન્દુ ઈકોનોમિક ફોરમ (WHEF) ની વાર્ષિક કોન્ફરન્સનું આયોજન મુંબઈમાં કરવામાં આવશે. જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર, BKC ખાતે 13 થી 15 ડિસેમ્બર દરમિયાન કોન્ફરન્સ યોજાશે. “થિંક ઇન ધ ફ્યુચર, ફૉર ધ ફ્યુચર” થીમ સાથે આ ઇવેન્ટનો હેતુ સમગ્ર ઉદ્યોગોમાં સહયોગ, નવીનતા અને વૃદ્ધિ માટે પ્રોત્સાહન આપવાનો છે.

આ ત્રણ દિવસીય ફોરમમાં મુખ્ય વક્તાઓ પૈકી ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, પ્રધાન પીયૂષ ગોયલ, NSE ના CEO આશિષકુમાર ચૌહાણ, કે.વી. કામથ, જિયો ફાયનાન્શિયલ સર્વિસિસના ચેરમેન અને હિરાનંદાની ગ્રુપના MD નિરંજન હિરાનંદાની સામેલ છે.

WHEF ની સ્થાપના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી ખડગપુરના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી સ્વામી વિજ્ઞાનાનંદ દ્વારા કરવામાં આવી હતી અને તે સહયોગ સાથે આપણાં સમાજને સમૃદ્ધ બનાવવા માટેના આર્થિક મોડલને પ્રોત્સાહન આપે છે.

WNC નેવી હાફ મેરેથોનની 7મી આવૃત્તિમાં 18000 થી વધુ દોડવીરોએ લીધો ભાગ

મુંબઈ: ઈન્ડિયન ઓઈલ WNC નેવી હાફ મેરેથોન 2024 (WNHM 24) ની 7મી આવૃત્તિ રવિવાર, 08 ડિસેમ્બર 2024 ના રોજ મુંબઈના ક્રોસ મેદાન ખાતે નેવી ડેની આસપાસની પ્રવૃત્તિઓના ભાગરૂપે યોજાઈ હતી. 2016 માં ઉદ્ઘાટનની આવૃત્તિથી, WNC નેવી હાફ મેરેથોન વ્યાપ અને સ્કેલમાં વિકસતી ગઈ છે, જે ભારતની સૌથી મોટી દોડ સ્પર્ધાઓમાંની એક બની છે અને મુંબઈમાં બીજી સૌથી મોટી છે. 18 દેશોના 60 થી વધુ આંતરરાષ્ટ્રીય દોડવીરો સાથે, 2016 માં યોજાયેલી ઉદ્ઘાટન સ્પર્ધામાં 6000 થી આ વર્ષે 18,000 વત્તા સુધી સહભાગીઓની સંખ્યા નોંધપાત્ર રીતે વધી છે.

બોમ્બે જીમખાના પાસેના ક્રોસ મેદાનથી આ દોડને ફ્લેગ ઓફ કરવામાં આવી હતી અને રૂટમાં એમજી રોડ, ઓપેરા હાઉસ, પેડર રોડ અને હાજી અલી દરગાહ જેવા પ્રતિષ્ઠિત સ્થળો આવરી લેવામાં આવ્યા હતા.આ રેસ ત્રણ કેટેગરીમાં યોજાઈ હતી. એરક્રાફ્ટ કેરિયર રન (21.1 કિમી), RAdm અંકુર શર્મા, એડમિરલ સુપરિન્ટેન્ડેન્ટ, નેવલ ડોકયાર્ડ મુંબઈ અને સંદીપ શર્મા, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર CC અને બ્રાન્ડિંગ, મેસર્સ IOCL; વેસ્ટર્ન નેવલ કમાન્ડના ચીફ ઓફ સ્ટાફ, VAdm અજય કોચર અનેરી અરવિંદ કુમાર, ડિરેક્ટર રિફાઈનરીઓ, મેસર્સ IOCL દ્વારા ડિસ્ટ્રોયર રન (10 કિમી)ને ફ્લેગ ઓફ કરવામાં આવ્યું; અને ફ્રિગેટ રન (5 કિમી)ને વાઈસ એડમિરલ સંજય જે સિંઘ, ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ, વેસ્ટર્ન નેવલ કમાન્ડ અને શ્રી અરવિંદર સિંઘ સાહની, મેસર્સ આઈઓસીએલના અધ્યક્ષ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું.

દરેક કેટેગરીમાં વિજેતાઓની યાદી

પુરુષો
21k – રામેશ્વર મુંજાલ
10k – તિરુપતિ જી
5k – તન્મય પવાર

સ્ત્રીઓ
21k – માધુરી કાલે
10k – સાધના યાદવ
5k – ગાયત્રી શિંદે

આ ઇવેન્ટ હવે અધિકૃત રીતે વર્લ્ડ એથ્લેટિક્સ લેબલવાળી રેસ છે જે વિશ્વ એથ્લેટિક્સ સંચાલક મંડળ દ્વારા નિર્ધારિત આંતરરાષ્ટ્રીય ધોરણોને પૂર્ણ કરે છે, ઉચ્ચ-સ્તરની સ્પર્ધા, ચોક્કસ અભ્યાસક્રમ માપન અને વિશ્વ-કક્ષાના રેસ અનુભવને સુનિશ્ચિત કરે છે. ઇવેન્ટના નિર્માણ તરીકે અને ફિટનેસ તથા ડિસ્ટન્સ રનિંગ વિશે જાગૃતિ વધારવા માટે છેલ્લા ચાર મહિનામાં વિવિધ પ્રોમો રન કરવામાં આવ્યા હતા.

(તમામ તસવીરો: દીપક ધૂરી)

શોભિતા ધુલીપાલા અને નાગા ચૈતન્યના લગ્નની સુંદર તસવીરો

શોભિતા ધુલીપાલા અને નાગા ચૈતન્યએ તેમના લગ્ન પછી પહેલીવાર એક સાથે કેટલીક તસવીરો શેર કરી છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેમના લગ્નની આ આનંદમય પળોએ લોકોના દિલ જીતી લીધા છે. એક ફોટામાં શોભિતાએ નાગા ચૈતન્યનો ચહેરો પ્રેમથી પકડી રાખ્યો છે તો એક તસવીરમાં તે હલ્દીના ફંક્શનને માણતી જોવા મળે છે. દક્ષિણ ભારતીય ડ્રેસમાં કપલ ખૂબ જ સુંદર લાગી રહ્યું છે. શોભિતા અને નાગાએ લગ્નના 5 દિવસ બાદ પોતાના લગ્નની તસવીરો શેર કરીને કેટલીક ખાસ પળોની ઝલક બતાવી છે. નાગા અને શોભિતા 4 ડિસેમ્બરે લગ્નના બંધનમાં બંધાયા હતાં.

તસવીરો: ઈન્સ્ટાગ્રામ

આ ખેડૂતે મેળવી અંજીરની ખેતીથી આંખને આંજે એવી સફળતા!

અરવલ્લીના બાયડ તાલુકાના નવી બોરોલ ગામના કિરણભાઈ પટેલ પાસે 15 વીઘા જમીન, પરંતુ તેમને કે બે દીકરા કોઈની પાસે ખેતી કરવાનો સમય નહીં. કિરણભાઈ પટેલ પોતે દુકાન ચલાવે. એક દીકરો આર્યુવેદિક કોલેજમાં પ્રોફેસર છે તો બીજો દીકરો શિક્ષક. બન્ને દીકરા વતનથી દૂર રહીને નોકરી કરે. તેમાંના શિક્ષક દીકરા એટલે વિશાલભાઈ પટેલ.

વિશાલભાઈ પટેલે PTCનો અભ્યાસ કર્યો છે અને હાલમાં પ્રાથમિક શાળામાં શિક્ષક છે. 15 વર્ષ સુધી તેમણે દ્રારકા જિલ્લામાં નોકરી કરી. બે વર્ષથી વિશાલભાઈની બદલી ડાકોર જિલ્લામાં કરવામાં આવી છે. તેઓ હાલમાં પોતાના વતન રહે છે અને ડાકોર રોજ અપ-ડાઉન કરે છે. વિશાલભાઈ જ્યારે દ્વારકા રહેતા ત્યારે તે ત્યાં શાળામાં બાળકોના મિડ-ડે મિલ માટે શોખથી શાકભાજી ઉગાડતા. જાતે કરેલી ઓર્ગોનિક ખેતી અને એનો સ્વાદ વતન પાછા આવ્યા બાદ વિશાલભાઈને ખૂબ સાંભરે. આથી તેમણે પિતાને વાત કરી અને પોતાની જમીન પર જાતે જ ખેતી કરવાનો નિર્ણય કર્યો.

વિશાલભાઈએ નોકરીની સાથે ઓર્ગેનિક ખેતી કરીને કેવી રીતે સફળતા મેળવી છે તેના વિશે આજે અમે અમારા ‘દીવાદાંડી‘ વિભાગમાં વાત કરવાના છીએ.

મૂળે શિક્ષક હોવા છતાં, તેમને ખેતી વિશેનું જ્ઞાન અઢળક. તેમાં રસ પણ ખરો. આથી તેમણે બાગાયતી પાક લેવાનું વિચાર્યું. સાથે જ પાકના બે ચાસ વચ્ચે શાકભાજી વાવવાનું નક્કી કર્યું. સૌપ્રથમ તેમણે ડ્રેગનફ્રૂટની ખેતી કરી. ત્યાર બાદ અંજીરની ખેતી કરવાનું વિચાર્યું અને તેમણે અંજીરની સાથે અન્ય બગાયતી પાકોની પણ પ્રાકૃતિક ખેતી કરીને સારી આવક મેળવવામાં સફળતા મેળવી છે. હાલમાં વિશાલભાઈએ અંજીરના 250 પ્લાન્ટનું વાવેતર કર્યું છે. જેમાં ડ્રાય અંજીર અને ગ્રીન અંજીર બન્ને પ્રકારના છોડનું વાવેતર કર્યું છે. બાગાયતી પાકમાં બેથી ત્રણ વર્ષ બાદ ઉત્પાદન અને આવક શરૂ થાય છે. પરંતુ વિશાલભાઈ જે બે લાઈન વચ્ચે શાકભાજી કરી રહ્યા છે તેની આવક તેમને નિયમિત મળી રહી છે. તેઓ દરેક પ્રકારના સિઝનલ શાકભાજીનું વાવેતર કરી રહ્યા છે.

વિશાલભાઈ રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ બંધ કરીને સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. તેઓ ગાયના છાણ અને મૂત્રમાંથી બનાવેલા જૈવિક ખાતરનો જ ઉપયોગ કરે છે અને જંતુનાશકોને બદલે નીમના કાઢાનો ઉપયોગ કરે છે. સાથે છાસમાં દેશી ગોળ મેળવીને તેનો છંટકાવ કરે છે. આના કારણે તેમના પાકમાં કુદરતી સ્વાદ અને સુગંધ આવે છે અને તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. વિશાલભાઈએ અંજીરની ખેતીમાં નવી પહેલ કરી છે. તેમણે વિવિધ પ્રકારના અંજીરનું વાવેતર કર્યું છે. તેઓ આ પાકને સ્થાનિક બજારમાં અને સીધા ગ્રાહકોને વેચે છે. જેનાથી તેમનો નફો પણ વધી જાય છે. તેમના ઓર્ગેનિક ડ્રેગનફ્રૂટ અને અંજીરની માંગ ખૂબ જ વધારે છે. કારણ કે ગ્રાહકોને પ્રાકૃતિક રીતે ઉગાડેલા અંજીર ભાવે છે. આથી કહી શકાય કે ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનું મહત્વ વધ્યું છે.

વિશાલભાઈ પોતાની આ ઓર્ગેનિક ખેતીની યાત્રા વિશે કહે છે, “હું ખેતીમાં ઝીરો હતો. મને ખેતી કરતા આવડતું જ ન હતું. પરંતુ સૌરાષ્ટ્રમાં અનેક વર્ષો કાઢવાથી મને ખેતીમાં રસ જાગ્યો. ત્યાં દરેક વ્યક્તિ નાની-મોટી ખેતી કરતું જ હોય છે. ગામડાઓમાં તો લોકો ખેતર આસપાસ જ રહેતા હોય. આથી ત્યાંના ખેડૂતોને જોઈને મને રસ જાગ્યો. ત્યાર બાદ તો યુટ્યૂબમાં જોઈ-જોઈને ખેતીમાં રસ જાગ્યો. હવે હું ઓર્ગેનિક ખેતી વિશે ઓનલાઈન વિડીયો જોઈને માહિતી મેળવું છું. અત્યારે હું વહેલો સવારે 6 વાગ્યે તો ખેતરમાં પહોંચી જાઉં છું. નોકરી જતા પહેલાં બે-ત્રણ કલાક ખેતરમાં સમય પસાર કરું છું. નાના બાળકના ઉછેરની જેમ જ પાકનો ઉછેર કરૂં છું. આ સિવાય રવિવારે પાંચ-છ મજૂરો કરીને આખા અઠવાડિયાનું કામ પતાવી દઉં છું.” 

વિશાલભાઈની સફળતાથી ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન મળે તે મહત્વની વાત છે. સફળતા વિશે વિશાલભાઈએ કહ્યું, “ડ્રેગનફ્રૂટ વાવ્યાને આ મારું બીજું જ વર્ષ છે. આ વર્ષેમાં અઢી લાખ રૂપિયાના ડ્રેગનફ્રૂટ વેચ્યા છે. હું ડાયરેક્ટ સેલિંગ કરું છું. ઓર્ગેનિક પદ્ધતિથી તૈયાર કરેલા મારા ડ્રેગનફ્રૂટ સ્વાદમાં મીઠા લાગે છે અને ન્યુટ્રિશનલ વેલ્યુના કારણે તેની ડિમાન્ડ વધારે હોય છે.”

પ્રાકૃતિક ખેતીના ઘણા ફાયદા છે. જેમ કે, પર્યાવરણ માટે લાભદાયક છે. પ્રાકૃતિક ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ થતો નથી, જેના કારણે જમીન, પાણી અને હવા પ્રદૂષણથી બચી જાય છે. સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, પ્રાકૃતિક ખેતીમાં ઉગાડેલા પાકમાં કુદરતી સ્વાસ્થ્યવર્ધક ગુણો હોય છે. આર્થિક વિકાસ, પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઓછો આવે છે અને ઉત્પાદનની ગુણવત્તા વધારે હોય છે. જેના કારણે ખેડૂતોને સારી આવક મળે છે. સ્વદેશી બીજોનું સંરક્ષણ, પ્રાકૃતિક ખેતીમાં સ્વદેશી બીજોનો ઉપયોગ થાય છે.  જેના કારણે બીજ વિવિધતા જળવાઈ રહે છે.

આ વિશે વિશાલભાઈનું કહેવું છે કે, અત્યારે ખેડૂતોને ઓછી મહેનતે વધુ પાક લેવા હોય છે. તેઓ જમીનને જરૂરી પોષક તત્વો આપવાના બદલે માત્ર રાસાયણિક ખાતરો જ આપ-આપ કરે છે. જેના કારણે જમીનની ફળદ્રુપતા ઘટે છે. આજે હું ગીર ગાયની છાશ લાવીને તેને એક મહિના સુધી રાખું છું પછી તેમાં દેશી ગોળ ઉમેરીને આ મિશ્રણનો પેસ્ટીસાઈઝ તરીકે ઉપયોગ કરું છું. જેનાથી છોડ કે પાક કોઈને નુક્સાન થતું નથી.

વિશાલભાઈએ અંજીરનો પાક એક જ વીઘામાં કર્યો છે. હવે બીજી પાંચેક વીઘા જમીનમાં આગળ નારિયેળી અને ખારેકનું વાવેતર કરવાની તૈયારી કરી રહ્યા છે. આ ઝાડોની વચ્ચે પચ્ચીથી ત્રીસ ફૂટનું અંતર રહેતું હોવાથી બે ચાસની વચ્ચે આંબા અને પપૈયાની બાગાયતી ખેતી કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. વિશાલભાઈ જેવા ખેડૂત બીજા ખેડૂતો માટે પ્રેરણાનો સ્ત્રોત છે. તેમણે સાબિત કર્યું છે કે પ્રાકૃતિક ખેતી એ માત્ર પર્યાવરણ માટે જ નહીં પરંતુ ખેડૂતોના આર્થિક વિકાસ માટે પણ ફાયદાકારક છે.

(રાધિકા રાઓલ – અમદાવાદ)