Home Blog Page 1273

પંચાંગ 09/12/2024

સીરિયામાં રાજકીય સંકટ, રાષ્ટ્રપતિનું વિમાન ક્રેશ

હાલમાં સીરિયામાં ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે. વધી રહેલા રાજકીય સંકટ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદનું વિમાન ક્રેશ થઈ ગયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમનું વિમાન આકાશમાં 500 મીટર ઊપરથી ક્રેશ થયું હતું, જેનો કાટમાળ પણ મળી આવ્યાનો દાવો કરાયો હતો. ઉલ્લેખનીય છે કે ક્રેશ પહેલા પ્લેન રડારથી ગાયબ થઈ ગયું હતું. સૂત્રોનું માનીયે તો સીરિયાના રાષ્ટ્રપતિ પોતાના પરિવાર સાથે દેશ છોડીને જઈ રહ્યા હતા, રસ્તામાં પ્લેન ક્રેશ થયું હતું. બળવાખોરોના હુમલા બાદ સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદ પોતાના પરિવાર સાથે રાજધાની દમાસ્કસ છોડીને ભાગી ગયા હતા. તેઓ આ   વિમાનમાં મુસાફરી કરી રહ્યા હતા, પરંતુ દાવો કરવામાં આવી રહ્યો છે કે બળવાખોરોએ આ વિમાન તોડી પાડ્યું છે.

બાંગ્લાદેશ બાદ હવે સીરિયામાં પણ ગૃહ યુદ્ધ શરૂ થતાં બળવાખોરોએ સત્તાપલટો કરી નાખ્યો છે. સીરિયામાં બળવાખોરોએ દાવો કર્યો છે કે પ્રમુખ બશર અલ અસદના શાસનનો અંત આવી ગયો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે બળવાખોરો દમાસ્કસમાં ઘૂસ્યા બાદ સીરિયાના પ્રમુખ અસદ દેશ છોડીને અન્ય કોઈ જગ્યાએ ભાગી રહ્યા હતાં. અસદ રશિયા અથવા તેહરાન જઈ રહ્યા હોવાના અહેવાલો મળ્યા હતા. મીડિયા અહેવાલ પ્રમાણે બશર અલ અસદ રશિયન કાર્ગો પ્લેનમાં સીરિયાથી રવાના થઈ ગયા છે અને અસદનું વિમાન પણ રડારથી ગાયબ છે. તેમની કોઈ માહિતી નથી મળી રહી. બીજી તરફ સીરિયાના વડા પ્રધાન મોહમ્મદ ગાઝી જલાલીએ પોતાના ઘરેથી એક વીડિયો નિવેદન જારી કરીને કહ્યું કે, હું દેશમાં જ રહીશ અને સત્તાના સરળ હસ્તાંતરણ માટે કામ કરીશ.

જમ્મુ-કાશ્મીરમાં બે પોલીસકર્મીઓએ એકબીજાને ગોળી મારી

જમ્મુ-કાશ્મીરથી એક મોટા સમાચાર સામે આવ્યાં છે. અહીં ઉધમપુરમાં પોલીસ વાનમાં બે પોલીસકર્મીઓના મૃતદેહો મળી આવતા ખળભળાટ મચી ગયો છે. બંનેના મૃતદેહો પર ગોળીઓના નિશાન જોવા મળી રહ્યા છે. સૂત્રોના અહેવાલ અનુસાર બે પોલીસકર્મીઓ વચ્ચે કોઈ કારણોસર અંદરો-અંદર ઝઘડો એટલો વધી ગયો કે બંનેએ એકબીજાને ગોળી મારી દેતાં બંનેના મોત નીપજ્યાં હતા. માહિતી અનુસાર ઉધમપુરમાં જિલ્લા હેડક્વાર્ટરમાં કાળી માતાના મંદિરની બહાર ઊભેલી એક પોલીસ વાનમાંથી બંને પોલીસકર્મીઓના મૃતદેહો મળ્યા હતા.

પોલીસકર્મીઓ જમ્મુ ક્ષેત્રના રિયાસીથી સોપોરથી તલવાડામાં સહાયક તાલીમ કેન્દ્ર જઈ રહ્યા હતા. તેમાંથી એક ડ્રાઈવર હતો અને બીજો હેડ કોન્સ્ટેબલ હતો. હેડ કોન્સ્ટેબલે આત્મહત્યા કરતા પહેલા કોઈ મુદ્દે ડ્રાઈવર પર ફાયરિંગ કર્યું હતું. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં દાવો કરાયો કે બંનેના મોત એકબીજા પર ગોળી ચલાવવાથી થયા છે પણ હજુ સુધી આ મામલે પુષ્ટી થઈ શકી નથી અને તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ સૂત્રોનું કહેવું છે કે આ પરસ્પર દુશ્મનાવટ સાથે જોડાયેલો મામલો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં એક સિલેક્શન ગ્રેડ કોન્સ્ટેબલને થોડી ઈજા થઈ છે, જેને સારવાર માટે મોકલવામાં આવ્યો છે. આ મામલે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આરોપીએ ફાયરિંગમાં પોતાની એકે 47 રાઈફલનો ઉપયોગ કર્યો હતો. તે સોપોરમાં પોસ્ટેડ હતો અને કાશ્મીરનો રહેવાસી હતો. પ્રાથમિક માહિતીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે આરોપીએ પહેલા તેના સાથીદારની ગોળી મારી હત્યા કરી અને પછી આત્મહત્યા કરી.

સુરતમાં એલસીબીની મોટી કાર્યવાહી, લોરેન્સ બિશ્નોઇ ગેંગના ચાર સભ્યો ઝડપાયા

સુરત: કામરેજ ઉપર ચોર્યાસી ટોલનાકા પાસે LCBની ટીમે નાકાબંધી કરી હતી. નાકાબંધી સમયે વર્ના ગાડી તપાસ કરવામાં આવી હતી. તપાસમાં પોલીસને જાણવા મળ્યુ કે કાર સવાર ચારે શખ્સ લોરેન્સ બિસ્નોઈ, રોહિત ગોદરાની ગેંગના મેમર છે. સુરત LCB એ તાત્કાલીકના ધોરણે કાર્યવાહી હાથી ચારે શખ્સોની અટકાયત કરી હતી. જે બાદ તેમને રાજસ્થાન પોલીસને સોંપી દેવામાં આવ્ય હતા. પકડાયેલા શખસોએ રાજસ્થાનના કુચામન સીટીમાં વેપારીઓ પાસેથી બે કરોડની ખંડણી માંગવાના ગુનામાં રેકી કરી હોવાની શંકા આધારે ઝડપી લીધા હતાં.

સુરત જિલ્લા એલસીબીની ટીમે રાજસ્થાન પોલીસે આપેલી બાતમી આધારે ચોર્યાસી ટોલનાકા ઉપર નાકાબંધી કરી હતી. તે સમયે વર્ના ગાડી આવતા પોલીસે અટકાવી તેમાં બેઠેલા 58 વર્ષીય હાકમ અલી ખાન, 39 વર્ષીય સરફરાઝ ખાન ઉર્ફે વિક્કી, 30 વર્ષીય સોયબ ખાન અને 30 વર્ષીય ઈરફાન ખાન પઠાણને પકડી એલસીબી ચોકી ઉપર લઈ જઈ સઘન પૂછપરછ કરી હતી. આ દરમિયાન રાજસ્થાનના ડીડવાના જિલ્લાના કુચામન શહેરમાં કુખ્યાત લોરેન્સ બિસ્નોઇ/ રોહિત ગોદરા ગેંગના મુખ્ય સૂત્રધાર રોહિત ગોદરા અને વિરેન્દ્ર સિંહ ચારણ માફરત અલગ-અલગ વેપારીઓને અલગ-અલગ વિદેશી નંબરો દ્વારા વોટ્સએપ કૉલ અને વોટ્સએપ વોઇસ મેસેજ મોકલી બે કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. તપાસ દરમિયાન કુચામન શહેરમાં રહેતાં સફીક ખાન, હાકમ અલી ખાન અને સરફરાઝ વેપારીઓની રેકી કરી વેપારીઓના ધંધાના સ્થળો, રોજબરોજની દૈનિક ક્રિયાઓની માહિતી લોરેન્સ બિશ્નોઇ રોહિત ગોદરા ગેંગને પૂરી પાડી મદદ કરતા હોવાનું બહાર આવ્યું હતું. સફીક ખાન અને સરફરાઝ ખાન વર્ના ગાડીમાં  કુચામનથી મુંબઈ તરફ ભાગેલા હોવાની હકીકત સુરત જિલ્લા એલસીબી પોલીસને મળી હતી. જેથી પોલીસે ચારેયને પકડી રાજસ્થાનના કુચામન સીટી પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે.

રાજસ્થાનના પાલીમાં સ્કૂલ બસનો અકસ્માત, 3 બાળકોના મૃત્યુ, 12 ઘાયલ

રાજસ્થાનના પાલીથી હૈયુ કંપાવી નાખનાર સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે. પાલીમાં એક એકસ્માતમાં ત્રણ વિદ્યાર્થીઓના મૃત્યુ થયાના અહેવાલ મળી રહ્યા છે. પાલીમાં દેસૂરીના નાળા નજીક પંજાબ જતા વળાંક પર એક સ્કૂલ બસ બેકાબૂ થતાં પલટી ગઈ હતી. આ બસમાં રાછેટી ગ્રામ પંચાયતની માનકદેહ સ્કૂલના વિદ્યાર્થીઓ સવાર હતા. જોકે દુર્ઘટનાનું સાચુ કારણ હજી જાણી શકાયું નથી.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પાલીના દેસૂરી નાળા નજીક એક બસ બેકાબૂ બનતા વિદ્યાર્થીઓ ભરેલી બસનો અકસ્માત સર્જાયો હતો. જેવી જ બસ પલટી કે બાળકોએ ચીસાચીસ મચાવી હતી. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને પોલીસને પણ ઘટના વિશે જાણ કરી હતી. માહિતી અનુસાર આ બાળકો સ્કૂલ પ્રવાસે જઇ રહ્યા હતા.આ ઘટનાની જાણકારી મળતાં જ રાજસમંદના એસપી અને કલેક્ટર પણ ઘાયલોના ખબર અંતર પૂછવા માટે હોસ્પિટલ પહોંચી ગયા અને ઘાયલોના સ્વાસ્થ્ય વિશે જાણકારી લીધી હતી. પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માત પીડિતોને બચાવવામાં મદદ કરી હતી. ડઝનેક જેટલાં ઘાયલ બાળકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પહોંચાડાયા હતા. આ તમામ બાળકો પિકનિક મનાવવા માટે પરશુરામ મહાદેવ જઇ રહ્યા હતા.

મહારાષ્ટ્રમાં વક્ફ બોર્ડ વિવાદ, 300 એકર જમીન માટે 103 ખેડૂતોને નોટિસ

દેશના અલગ અલગ વિસ્તારમાં અવારનાવાર વક્ફ બોર્ડ ચર્ચામાં આવતુ રહેતું હોય છે. ત્યારે ફરી એક વખત મહારાષ્ટ્રમાં વક્ફ બોર્ડના નામ ચર્ચાઓએ જોર પકડ્યું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે લાતૂર જિલ્લામાં 100 થી વધારે ખેડૂતોએ શનિવારે દાવો કર્યો કે, જેના પર તે અનેક પેઢીઓથી ખેતી કરી રહ્યા છે, તેના પર વક્ફ બોર્ડ કબ્જે કરવાનો પ્રયાસ કરી રહી છે, તેઓએ જણાવ્યું કે, આ દાવો છત્રપતિ સંભાજીનગર સ્થિત મહારાષ્ટ્ર સ્ટેટ વક્ફ ટ્રિબ્યુનલમાં નોંઘ દાખલ કરવામાં આવ્યો છે અને કુલ 300 એકર જમીન ધરાવતા 103 ખેડૂતોને નોટિસ આપવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે આ વર્ષે 8 ઓગસ્ટે લોકસભામાં વક્ફ (સંશોધન) બિલ રજૂ કરવામાં આવ્યું હતું, જેથી વક્ફ બોર્ડના કામકાજને સુવ્યવસ્થિત કરી શકાય અને તેની સંપત્તિનું કુશળ કાર્યક્ષમ સંચાલન સુનિશ્ચિત કરી શકાય. ધારાસભ્યની સંયુક્ત સંસદીય સમિતિ (જેસીપી) પાસે મોકલી દેવામાં આવ્યું છે. વકફ પાસે ઘણી બધી મિલકતો છે, જેની યોગ્ય રીતે જાળવણી અને સખાવતી હેતુઓ માટે ઉપયોગ કરી શકાય છે, આ માટે સ્થાનિકથી લઈને મોટા સ્તર સુધી ઘણી સંસ્થાઓ છે, જેને વકફ બોર્ડ કહેવામાં આવે છે. લગભગ દરેક રાજ્યમાં સુન્ની અને શિયા વક્ફ છે. તેમનું કામ તે મિલકતની કાળજી લેવાનું અને તેની આવકનો યોગ્ય ઉપયોગ કરવાનું છે. આ મિલકતમાં ગરીબ અને જરૂરિયાતમંદોને મદદ કરવી, મસ્જિદ અથવા અન્ય ધાર્મિક સંસ્થાની જાળવણી કરવી, શિક્ષણની વ્યવસ્થા કરવી અને અન્ય ધાર્મિક પ્રવૃત્તિઓ માટે નાણાં આપવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. કેન્દ્રએ વક્ફ બોર્ડ સાથે સંકલન કરવા માટે સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલની રચના કરી છે. લઘુમતી બાબતોના મંત્રાલય હેઠળની સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલની વેબસાઇટ પર કહેવામાં આવ્યું છે કે હાલમાં દેશમાં કુલ 32 વક્ફ બોર્ડ છે. જ્યારે બિહાર અને ઉત્તર પ્રદેશ જેવા કેટલાક રાજ્યોમાં સુન્ની અને શિયા બંને માટે અલગ-અલગ બોર્ડ છે. તેનાથી વિપરીત, હાલમાં ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વક્ફ બોર્ડ નથી.

તાંત્રિક વિધિ કરી 12 લોકોના જીવ લેનાર ભુવાનું પોલીસ કસ્ટડીમાં મોત

અમદાવાદના સરખેજ પોલીસે તાંત્રિક વિધિ કરી લોકોને મૂરખ બનાવતા આરોપી ભુવા નવલસિંહ ચાવડાને પાંચ દિવસ પહેલા ઝડપી પાડ્યો હતો.  રિમાન્ડ દરમિયાન પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપી નવલસિંહનું આજે રવિવારે મોત નીપજ્યું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે, પોલીસ સમક્ષ કબૂલાત બાદ ભુવાની તબિયત લથડી હતી. લોક-અપમાં આરોપીને વોમીટ થયા બાદ તે ઢળી પડ્યો હતો, અને તેનું મોત થયું હતું. પોલીસનો દાવો છે કે આરોપીની નવલસિંહ ભુવાએ પૂછપરછ દરમિયાન તેણે અત્યારસુધીમાં 12 લોકોની હત્યા કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.

 

અમદાવાદના સરખેજ વિસ્તારમાં રહેતા ચાંગોદરમાં એબીઆર કોસ્મેટિક ટ્રેડિંગ ફેક્ટરીના માલિક અભિજિત સિંહ રાજપૂતને ભુવા નવલસિંહ ચાવડાએ તાંત્રિક વિધિ દ્વારા રૂપિયાના ચાર ગણા કરી આપવાની લાલચ આપી હતી. ભુવાએ ફેક્ટરીના માલિકને 1 ડિસેમ્બરે બપોરે 3 વાગ્યે સનાથલ ખાતે રૂપિયા લઈને બોલાવ્યો હતો. ત્યારબાદ તાંત્રિક વિધિના નામે માલિકને ઝેરી પદાર્થવાળુ પ્રવાહી ભેળવીને વિધિના બહાને પીવડાવી તેની હત્યાની યોજના ઘડી હતી. ફેક્ટરીના માલિકની હત્યા કરી ભુવો સમગ્ર રૂપિયા લઈ નાસી જવાની તૈયારીમાં હતો. જોકે, સમગ્ર મામલાની સરખેજ પોલીસને બાતમી મળતા, પોલીસ સમયસર ઘટના સ્થળે પહોંચી જતા ફેક્ટરીના માલિકનો જીવ બચ્યો હતો. ભુવાની ચાલમાં ફસાયેલો ફેક્ટરીનો માલિક તેનો કૌટુંબિક સંબંધિ થતા હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આરોપી ભુવો મૂળ વઢવાણનો રહેવાસી હતો અને થોડા દિવસ પહેલાં અમદાવાદના વેજલપુરમાં રહેવા આવ્યો હતો. આરોપી વઢવાણમાં મસાણી મેલડી માતાનો મઢ ચલાવતો હતો. ત્યાં ભુવા તરીકે તાંત્રિક વિધિ કરતો હતો. એટલું જ નહીં, આ ભુવો યુ-ટ્યુબ પર મોજે મસાણી નામની ચેનલ બનાવી હતી. જેમાં તાંત્રિક વિદ્યા કરતા વીડિયો પણ શેર કરતો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં એ પણ ખુલાસો થયો કે ભુવો ક્રાઇમ પેટ્રોલ શો વધારે જોતો હતો અને તેનાથી પ્રેરણા મેળવી સોડિયમ નાઇટ્રેટનો ઉપયોગ કર્યો હતો. આ સોડિયમ નાઇટ્રેટ કોઈ બહારની લેબમાંથી ખરીદ્યુ હતું. નોંધનીય છે કે, આરોપી નવલસિંહે ફેક્ટરીના માલિક પાસેથી 15 લાખના રોકાણ પર ચાર ગણા કરી આપવાની લાલચ આપી હતી.

BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવમાં ઉત્સવનો આનંદ છવાયો

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જય હો… આનંદ છાયો… સુવર્ણ મહોત્સવના નાદથી સ્ટેડિયમ ગુંજી ઉઠયું.સુવર્ણ કાર્યકર મહોત્સવનું દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. આ દરમિયાન મહંત સ્વામી, ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંચ પર પહોંચ્યા હતા.અમિત શાહને પુષ્પ માળા પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું.એક નાના બીજમાંથી વટવૃક્ષ બનેલી આ સ્વયંસેવક-સેવાઓ ભારત અને વિશ્વભરમાં કેવી રીતે વ્યાપી અને અનેક વિપરીત સંજોગોના વાવાઝોડા વચ્ચે પણ કર્તવ્યનિષ્ઠ રહેનાર કાર્યકરોની રોમાંચક ગાથાઓ પણ રજૂ કરવામાં આવી હતી.આ કાર્યકરોની નિસ્વાર્થ સેવાઓનાં મીઠાં ફળ સમાજના કરોડો લોકો માણી રહ્યા છે, તેની દિલધડક પ્રસ્તુતિ પણ રજૂ કરવામાં આવી હતી. જમીનમાં તો ફળ થાય, પરંતુ આકાશમાં ફળ ઉગાડવા જેવી અશક્ય લગતી બાબતોને પોતાની નિષ્ઠા અને સમર્પણથી સાકાર કરનાર લોકોની ભેટ વિશ્વને આ કાર્યકરોના રૂપમાં મળી છે. સ્ટેડિયમમાં સંગીત અને નૃત્યના વિવિધ કાર્યક્રમોથી કાર્યકર સુવર્ણ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમના સમાપનમાં ફાયરવર્ક્સ અને રિસ્ટ બેન્ડસ્ સાથેની અદભુત પ્રસ્તુતિ સાથે ‘કાર્યકર સુવર્ણ મહોત્સવની જય’ ના જયજયકાર સાથે કરવામાં આવી.BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવના અદ્દભુત ડ્રોનનો નજારો માણવા માટે અહીંયા ક્લીક કરો 

BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવ: ભવ્ય ઉજવણીનો ડ્રોન નજારો

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 7 ડિસેમ્બર, 2024 BAPS સ્વામિનારાયણ સંસ્થાએ ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ કહેવાય એવો ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ યોજી ઇતિહાસ રચ્યો છે. આ કાર્યક્રમ 5 વાગ્યાથી શરૂ થઈ 9: 15 વાગ્યા સુધી એમ સવાચાર કલાક ચાલ્યો હતો. આ અદભુત કાર્યક્રમની ડ્રોન દ્વારા લેવામાં આવેલી કેટલીક તસવીરો છલક માણો..

ઈન્દોરમાં દિલજીત દોસાંઝના શો સામે બજરંગ દળનો વિરોધ

પંજાબી સિંગર દિલજીત દોસાંઝ આજ કાલ પોતાના કોનસલ્ટને લઈ ખુબ ચર્ચામાં રહે છે. ત્યારે આગામી 8 ડિસેમ્બરના રોજ મધ્ય પ્રદેશના ઈન્દોરમાં દિલજીતના શોનું આયોજન કરવામાં આવ્યુ હતું. પરંતુ હવે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર શઓનું બજરંગ દળે વિરોધ કર્યો છે. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદના સભ્ય યશ બચાનીએ કહ્યું કે, બજરંગ દળ આ આયોજનના વિરોધમાં ફરી રસ્તા પર ઉતરી શકે છે અને માંસાહર તેમજ દારૂ પીરસાવવાનો વિરોધ કરશે. અમે અહીં તેનું નિરીક્ષણ કરવા અને એ સુનિશ્ચિત કરવા આવ્યા છીએ કે, પોલીસ પ્રશાસનની તરફથી મહિલાઓની સુરક્ષા માટે શું વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અમે અહીં થતી લવ જેહાદની ઘટનાને લઈને પણ સતર્ક છીએ. કૉન્સર્ટના વિરોધમાં બજરંગ દળ કાલે રસ્તા પર ઉતરી શકે છે.’

શનિવારે, બજરંગ દળના સભ્યોએ ‘જય જય શ્રી રામ’ અને ‘દેશ કા બલ, બજરંગ દલ’ જેવા નારા લગાવતા જોવા મળ્યાં. આ સમગ્ર મામલે ઝોન-2ના ડીસીપીએ આશ્વાસન આપ્યું કે, ઇન્દોર પોલીસ સ્થિતિને ગંભીરતાથી લઈ રહી છે.’ અમરેન્દ્ર સિંહે કહ્યું કે, ‘ઇન્દોર પોલીસ કાયદા-વ્યવસ્થાની સ્થિતિ, મહિલા સુરક્ષા અને નશાકારક દવાઓના દુરૂપયોગના મામલાને ગંભીરતાથી લે છે. અમે અહીં જાહેરમાં દારૂ પિરસવું અને તેના સેવનની સંમતિ નથી આપી. અમે દરેક વાતને ધ્યાનમાં લઈ રહ્યા છીએ.’ આપને જણાવી દઈએ કે ઇન્દોર પોલીસે દિલજીત દોસાંઝના સંગીત કાર્યક્રમ પહેલાં બે લોકોને ગેરકાયદે ઊંચી કિંમતે ટિકિટના વેચાણના આરોપમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. કાળાબજારીમાં સામેલ આરોપી ઓનલાઇન કૉન્સર્ટ ટિકિટ ખરીદી તેને 10 હજાર રૂપિયામાં વેચવાનો પ્રયાસ કરી રહ્યા હતાં. ક્રાઈમ બ્રાન્ચના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) રાજેશ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, ‘ક્રાઈમ બ્રાન્ચ ટિકિટના કાળાબજાર પર સતત નજર રાખી રહી છે.