Home Blog Page 1285

‘ગુલાબી સરારા..’ ગીત પર ધોનીનો ડાન્સ વીડિયો વાયરલ

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની હંમેશા પોતાના કૂલ અંદાજ માટે જાણીતા છે. આવો જ તેમનો એક કૂલ ડાન્સ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઉત્તરાખંડમાં તેઓ પત્ની સાક્ષી સાથે સ્થાનિક કલાકારો સંગ પહાડી ગીતો પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. પહાડી ગીત પર ડાન્સને ખૂબ જ એન્જોય કરતો દેખાય છે.

ઇન્ટરનેટ પર તેમના ફેન્સને તેમનો આ અનોખો અંદાજ ખૂબ જ પસંદ પડી રહ્યો છે. એમ. એસ. ધોની પત્ની સાક્ષી અને અન્ય મિત્રો સાથે ઋષિકેશમાં ગઢવાલી ગીત પર ડાન્સ કરતા આ વીડિયોમાં જોઈ શકાય છે. ધોનીના ફેન્સે આ વીડિયો પર લાખો લાઈક અને વ્યૂઝ આપ્યા છે. મેદાન પર હંમેશા શાંત અને ધીર-ગંભીર રહેતા ધોનીનો આ અંદાજ તેમના ફેન્સને ખૂબ જ પસંદ પડી રહ્યો છે. આથી ટૂંક સમયમાં વીડિયો વધુ વાયરલ થાય તો નવાઈ નહીં.

જંત્રીદરમાં બમણો વધારો, ડેવલપર્સ અને નાગરિકોમાં ભારે આક્રોશ

અમદાવાદ: ગુજરાતમાં સરકાર દ્વારા જંત્રીદરમાં બેથી ત્રણ ગણો વધારવાની જાહેરાત કરવામાં આવી છે. જેના કારણે રિયલ એસ્ટેટ સેક્ટરથી લઈને સામાન્ય નાગરિકોને ખૂબ મોટી અસર થવાની છે. ક્રેડાઈ અમદાવાદ GIHED દ્વારા જંત્રી દરના વધારાને લઈ વિરોધ નોંધાવ્યો છે. સૂચિત જંત્રીદરના વાંધા-સૂચનો રજૂ કરવા માટે 30 દિવસની જગ્યાએ 31 માર્ચ 2025 સુધીનો સમય માગ્યો છે. વાંધા-સૂચનો રજૂ કરવા માટેની ઓનલાઇન પ્રક્રિયાની સાથે ઓફલાઈન પ્રક્રિયા પણ કલેક્ટર અથવા મામલતદાર ઓફિસમાં કરી શકાય એવી વ્યવસ્થા ગોઠવવાની માગ કરી છે.

સૂચિત જંત્રીદરમાં જો ઘટાડો નહીં કરવામાં આવે તો ક્રેડાઈ અમદાવાદ સહિત બિલ્ડરો કોર્ટમાં પણ જઈ શકે છે. છેલ્લા બાર દિવસથી એકપણ નવા પ્રોજેક્ટ શરૂ થયા નથી. સૂચિત જંત્રીદરમાં વધારાથી ખેડૂતો, જમીન માલિકો, નવું ઘર ખરીદનારા લોકો સહિત ડેવલપરોને નાગરિકોને પોતાનું ઘરનું ઘર લેવું હવે સપનું બની જશે, કારણ કે નવા સૂચિત જંત્રીદરના કારણે મકાનો 35થી 40 ટકા જેટલાં મોંઘાં થઈ જશે. જે લોકોએ નવાં ઘર નોંધાવી દીધાં છે, પરંતુ દસ્તાવેજ બાકી છે તેમને પણ ખૂબ મોટી અસર થશે.

CREDAI અમદાવાદના પ્રમુખ ધ્રુવ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2011માં નવી જંત્રી બહાર પાડવામાં આવી હતી. ત્યાર બાદ બાર વર્ષ સુધી વધારો કરવામાં આવ્યો નથી. શહેરમાં ડેવલપમેન્ટને લઈને જંત્રીદરમાં વધારો કરવો જોઈએ, પરંતુ સમયસર દર વર્ષે વધારો કરવો જોઈએ એવું સૂચન કરવામાં આવ્યું હતું, પરંતુ રાજ્ય સરકારે 12 વર્ષ સુધી કોઈ વધારો કર્યો નહીં અને વર્ષ 2023માં માર્ચ મહિનામાં જંત્રી ડબલ કરી દેવાની રાતોરાત જાહેરાત કરી દેવામાં આવી હતી. જે-તે સમયે પણ CREDAI ગુજરાત અને અમદાવાદ દ્વારા કહેવામાં આવ્યું હતું કે સરકારે રિવ્યૂ કર્યા વગર બજાર પર કેવી અસર થશે એ અંગે વિચાર કર્યા વિના જ આ જાહેરાત કરી દીધી હતી.

રાજ્ય સરકારે સાયન્ટિફિક પદ્ધતિથી સર્વે અને સંકલન કરીને જંત્રીદરમાં સુધારો કરીશું એમ કહ્યું હતું. સરકારે દોઢ વર્ષ સુધી સર્વે અને સ્થળ પરિસ્થિતિ જોયા બાદ 20 નવેમ્બર 2024ના રોજ જે સૂચિત જંત્રીદર બહાર પાડ્યો છે એ બેથી ત્રણ ગણો છે. જંત્રીનો મુદ્દો ખેડૂતથી લઇ દરેક નાગરિક અને ડેવલપરોને અસર કરે છે. સૌથી વધારે ખેડૂતોને આ જંત્રીદરને લઇ અસર થવાની છે. ગુજરાતમાં 40,000 ઝોન છે અને લાખો વાર જમીન આવેલી છે. જ્યારે રાજ્ય સરકારે સૂચિત જંત્રી દર લાગુ કરવાનો હતો ત્યારે 90 દિવસનો વાંધા-સૂચનનો સમય માગ્યો હતો, પરંતુ સરકારે માત્ર 30 દિવસનો સમય આપ્યો છે. જો સરકારને સર્વે કરવામાં દોઢ વર્ષ લાગે તો વાંધા-સૂચનમાં 30 દિવસ કેવી રીતે આપી શકે છે. રાજ્ય સરકારે 30 દિવસ તો સમય આપ્યો છે, જેમાં પણ ઓનલાઇન વાંધા-સૂચનો મગાવવામાં આવ્યાં છે, પરંતુ દરેક વ્યક્તિ ઓનલાઈન વાંધા-સૂચન રજૂ કરી શકે નહીં. બિલ્ડરો દ્વારા પણ પોતાનાં વાંધા-સૂચન ઓનલાઇન કરવામાં આવ્યાં, એમાં પણ ખૂબ વધારે તકલીફ પડે છે. ઝડપથી ઓટીપી મળતા નથી. KYCમાં ખૂબ તકલીફ પડે છે, જેના કારણે બધી સૂચન-પ્રક્રિયા ઓનલાઇનની સાથે હવે ઓફલાઈન પણ કરવાની માગ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ક્રેડાઈ અમદાવાદના પ્રમુખે સરકારના સર્વે પર પણ ઘણા પ્રશ્નો ઊભા કર્યા હતા. તેમણે વધુમાં કહ્યું હતું કે અમુક ટીપીમાં અલગ અલગ ઝોન આવેલા છે તો આ એકબીજામાં લાગુ થશે કે કેમ?

ક્યાંક તમને તો નથીને સીઝનલ ઈફેક્ટિવ ડિસઓર્ડર?

ઋતુ બદલાય એની સાથે ખાન-પાનથી લઈને પરિધાનમાં પણ બદલાવ આવતા હોય છે. એને કારણે ઘણીવાર મન પર એની નકારાત્મક અસર પડે છે. માનસિક રીતે ચિંતામાં રહેવા લાગીએ છીએ. ઘણી વખત આ ફેરફારની ગંભીર અસર પણ જોવા મળે છે. ખાસ કરીને મહિલાઓમાં આ સમસ્યા વધારે હોય છે. મેડિકલની ભાષામાં એને ‘સીઝનલ ઈફેક્ટિવ ડિસઓર્ડર’ કે પછી મોસમી ડિસઓર્ડર પણ કહેવામાં આવે છે. જેની અસર ખાસ કરીને શિયાળાની સિઝનમાં વધારે જોવા મળે છે.

 

સીઝનલ ઈફેક્ટિવ ડિસઓર્ડર એટલે શું?

ઋતુને કારણે થતા ફેરફારો માનસિક સ્થિતિ પર અસર કરે છે. જેના લીધે ગુસ્સો, ચીડિયાપણું અને તણાવ થવા લાગે છે. ઘણીવાર તો ડિપ્રેશનનું કારણ ઋતુમાં થતા ફેરફારને આધિન હોય છે. આવા માનસિક અસંતુલનને કારણે જે તણાવ અને ડિપ્રેશનમાં હોય છે, એને સીઝનલ અફેક્ટિવ ડિસઓર્ડર કહેવાય છે. શિયાળાની શરૂઆતમાં શરૂ થતો આ ડિસઓર્ડર આમ તો કોઈ પણ સિઝનમાં થઈ શકે છે. પરંતુ અન્ય ઋતુની સરખામણીમાં એ શિયાળામાં વધુ થાય છે. એટલું જ નહીં આ સમસ્યાના લક્ષણો સૌથી વધારે મહિલાઓમાં જોવા મળે છે.

સીઝનલ ડિસઓર્ડરના ઘણા કારણો હોય છે. જેમાં સૂર્ય પ્રકાશનો અભાવ સૌથી મોટું કારણ છે. આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા ડો. નફીસા ગુગરમાન કહે છે, શિયાળામાં ઘણા દિવસ સુધી સૂર્ય પ્રકાશ નથી આવતો, જેના કારણે શરીરમાં કુદરતી વિટામિન D પહોંચતું નથી. માટે મહિલાઓમાં ચીડિયાપણું જોવા મળે છે, પરંતુ એના બીજા પણ ઘણા કારણો હોય છે. જો તમને સિઝન બદલાય એ પહેલેથી જ માનસિક અથવા શારીરિક સમસ્યા છે તો એનું જોખમ વધી જાય છે.

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થ (NIMH) અનુસાર, આ એક માનસિક વિકાર છે જેનો લોકો સામાન્ય રીતે મોસમના અંધકારમય સમયગાળા દરમિયાન સામનો કરે છે. આ વિષય પર અત્યાર સુધી જે સંશોધન પરિણામો બહાર આવ્યા છે એમાં મુખ્યત્વે ‘હાયપોથાલેમસમાં સમસ્યાઓ’, ‘સેરોટોનિન ચેતાકોષોમાં ઘટાડો’ અને ‘આપણા શરીરના સર્કેડિયન રિધમમાં વિક્ષેપ’ આ ડિસઓર્ડર માટે જવાબદાર છે. આ ત્રણેય સ્થિતિ સૂર્યપ્રકાશના સંપર્કમાં ન આવવાને કારણે થાય છે. આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા અમદાવાદના જાણીતા મનોચિકિત્સક ડો. ચાર્મી શાહ કહે છે કે, “સીઝનલ ઈફેક્ટિવ ડિસઓર્ડરના કારણે કામ કરવામાં ઓછો રસ ઓછો પડે, મૂડ બદલાયા કરે, સામાન્ય રીતે તમને તૈયાર થવું ગમતું હોય પરંતુ આ સમસ્યાના કારણે એમાં પણ આળસ આવે. નવી વસ્તુ શરૂ કરવી ગમે નહીં. ખાસ કરીને મેનોપોઝ સમયમાં હોય એવી મહિલાઓને આ ડિસઓર્ડરની અસર વધારે રહે છે. જો કે 35થી 50 વર્ષની ઉંમરમાં મહિલાઓ શિયાળા દરમિયાન આ સમસ્યાથી વધારે પીડાય છે.”

સીઝનલ ઈફેક્ટિવ ડિસઓર્ડરના લક્ષણો

સિઝનલ ઈફેક્ટિવ ડિસઓર્ડરના ઘણા લક્ષણો હોય છે. જેમાં માનસિક લક્ષણો સૌથી વધારે સામે આવે છે. ઉપરાંત શારીરિક લક્ષણો પણ છે. નિષ્ણાતોનું માનવું છે કે જો માનસિક લક્ષણોથી છૂટકારો મેળવી શકાય તો શારીરિક લક્ષણ આપમેળે દૂર થઈ જાય છે. બીજું એક મહત્વનું કારણ મૂડ સ્વિંગ છે. ચીડિયાપણું જરૂર કરતા વધારે થવા લાગે છે. પીડિત મહિલા સતત નાની નાની વાતોને લઈને તણાવમાં રહેવા લાગે છે અને વાત-વાતમાં ગુસ્સો આવવો પણ આવે છે. આ ઉપરાંત આ સ્ટેજમાં ભૂખ નથી લાગતી, આળસ આવે છે, શરીર ચુસ્ત રહે છે તેમજ ઊંઘ પણ નથી આવતી. જ્યારે આ બધી સમસ્યાઓ વધી જાય છે તો એ ડિપ્રેશનમાં બદલાય જાય છે, જેનાથી સ્વસ્થ થવામાં ઘણો સમય લાગે છે.

સિઝનલ ઈફેક્ટિવ ડિસઓર્ડર હોય એ મહિલાઓ માટે વિટામિન-D સૌથી વધારે જરૂરી છે. વિટામિન-D શરીરમાં સેરોટોનિન લેવલ વધારે છે. જે શરીરમાં જોવા મળતું એક કેમિકલ હોય છે, જે મૂડને કન્ટ્રોલ અથવા સંતુલિત કરે છે. એની ઉણપ હોવાથી મહિલાઓ જરૂર કરતા વધારે રિએક્ટ કરવા લાગે છે. આવા સમયે પરિવારના સહકારની પણ જરૂર હોય છે. મહિલાઓ માટે કામ કરતી સામાજીક કાર્યકર આરતી ગંધા ચિત્રલેખા.કોમને કહે છે કે, આવા સમયે મહિલાને ખુદને જ ખબર નથી રહેતી કે એ શું બોલે છે, શુ કરે છે, પોતાના રિએક્શનની અસરથી પણ એ અજાણ હોય છે. માટે ખાસ કરીને આ પરિસ્થિતિમાંથી પસાર થતી મહિલાઓને પરિવારનો સહયોગ મળે એ ખૂબ અનિવાર્ય છે. સંયુક્ત પરિવારમાં રહેતી મહિલા હોય કે એકલી રહેતી મહિલા હોય જરૂરી છે કે આવા સમયે એ પોતાના માતા, સાસુ, બહેન કે મિત્ર સાથે વાત કરે. જેના કારણે એનો મૂડ સારો રહે. જેથી કરીને આ સમસ્યામાંથી વહેલી કરે બહાર નીકળી શકે.

હકીકતમાં શરીરને સૂર્યપ્રકાશથી વિટામિન ડી મળે છે, જેનો અભાવ શરીરના ઘણા કાર્યને અસર કરી શકે છે. એની ઉણપ મગજમાં સેરોટોનિન નામના ન્યુરોટ્રાન્સમીટર કાર્યને પણ અસર કરે છે. આ ન્યુરોટ્રાન્સમીટરને મૂડ સ્ટેબિલાઇઝર પણ કહેવામાં આવે છે. આ ન્યુરોટ્રાન્સમીટર સૂર્યપ્રકાશમાં વધુ સક્રિય છે. આવી સ્થિતિમાં, જ્યારે મહિલાઓને લાંબા સમય સુધી સૂર્યપ્રકાશ ન મળે, તો મગજમાં સેરોટોનિનનું સ્તર પ્રભાવિત થઈ શકે છે. ઉપરાંત  હવામાન શરીરની સર્કેડિયન રિધમ એટલે કે બાયોલોજિકલ ક્લોકને પણ અસર કરે છે. ખાસ કરીને સૂર્યપ્રકાશની અછતને કારણે, ઊંઘ, જાગવાની અથવા આહાર જેવી ઘણી આદતોને અસર થઈ શકે છે.

આ કારણો પણ જોવા મળે !

  • ઉદાસી કે એકલતા અનુભવી.
  • ભૂખ અથવા વજનમાં વધારો અથવા ઘટાડો.
  • નિંદ્રા અથવા અતિશય ઊંઘ.
  • કોઈ કામ કરવાની ઈચ્છા ન થવી.
  • ઉર્જા ઓછી લાગે.
  • ધ્યાન કેન્દ્રિત કરવામાં અસમર્થતા.
  • બધા સમય રડ્યા જેવું લાગે છે.
  • નિરાશા હીન, દોષિત અથવા ઓછું આત્મસન્માન અનુભવવું.
  • અનિશ્ચિતતાની લાગણી.
  • શારીરિક સંબંધોમાં અરુચિ.
  • સામાજિક જીવનથી અંતર.
  • ખૂબ જ બેચેન, ચીડિયા કે ગુસ્સો અનુભવવો.
  • આત્મહત્યાના વિચારો અથવા મનમાં મૃત્યુના વિચારો.

આ ટીપ્સને અનુસરો..

  • પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવો.
  • તંદુરસ્ત જીવનશૈલી અનુસરો.
  • યોગ્ય સમયે યોગ્ય માત્રામાં આરોગ્યપ્રદ ખોરાક લો.
  • દિનચર્યામાં શારીરિક કસરતોનો સમાવેશ કરો.
  • મનપસંદ સંગીત સાંભળો અથવા શોખને આગળ વધારો.
  • અંધારિયા અને ધૂંધળા પ્રકાશવાળા ઓરડાઓ અથવા સ્થળે રહેવાનું ટાળો

 

હેતલ રાવ

GDPમાં ઘટાડા પછી RBI પર વ્યાજદરમાં કાપનું દબાણ

નવી દિલ્હીઃ હાલમાં GDP ગ્રોથ રેટમાં મોટો ઘટાડો નોંધાયો છે. રિઝર્વ બેન્કની MPC આ સપ્તાહે ધિરાણ દરની સમીક્ષા કરવા માટે મળવાની છે, ત્યારે અનેક કેન્દ્રીય મંત્રીઓ અને જાહેર મંચથી વ્યાજદરમાં કાપ અને સામાન્ય વ્યક્તિને રાહત આપવાની વકીલાત કરવામાં આવી છે.

બીજી બાજુ RBIના ગવર્નર શક્તિકાંત દાસ પર ગ્રોથ દરને જાળવી રાખવા અને મોંઘવારીને નાથવા માટે દબાણ છે. આ ઉપરાંત ડોલર સામે રૂપિયાને નબળો પડતાં અટકાવવાનું પણ દબાણ છે.

રિઝર્વ બેન્કની છ સભ્યોવાળી મોનિટરી પોલિસી કમિટી (MPC)ની મીટિંગ 4-6 ડિસેમ્બરે મળવાની છે, ત્યારે જુલાઈથી સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં દેશનું અર્થતંત્ર માત્ર 5.4 ટકાના દરે વધ્યું હતું, જે સાત મહિનાના નીચલા સ્તરે છે અને RBIના સાત ટકાના અંદાજથી પણ ઘણો નીચે છે.

દેશનો ઓકટોબરનો રિટેલ ફુગાવો RBIની ચાર ટકાની મર્યાદા ઉપરાંત છ ટકાથી વધુ રહી ૬.૨૦ ટકા રહ્યો છે, ત્યારે મોનિટરી પોલિસી કમિટી (MPC) વ્યાજ દર ઘટાડવાની પ્રક્રિયા શરૂ કરવાનું દબાણ છે, એમ વિશ્લેષકે જણાવ્યું હતું. એક બાજુ ઊંચા ફુગાવા તથા બીજી બાજુ GDPની નીચી વૃદ્ધિને જોતાં ૪-૬ ડિસેમ્બર દરમિયાન યોજાનારી MPC બેઠકમાં સભ્યો વચ્ચે મતમતાંતર જોવા મળવાની સંભાવના રહેલી છે.

હવે RBI ડિસેમ્બરની બેઠકમાં વ્યાજ દર અંગે કેવો અભિગમ અપનાવે છે તેના પર સૌની નજર રહેલી છે. ઊંચા ફુગાવાને ધ્યાનમાં રાખતા RBI હજુ પણ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવશે તેવો પણ એક મત પણ પ્રવર્તી રહ્યો છે.

ખ્યાતિ હોસ્પિટલ કેસમાં ક્રાઈમ બ્રાન્ચની તપાસ તેજ, 5 ખાનગી હોસ્પિટલોને સમન્સ

અમદાવાદ: ક્રાઈમ બ્રાન્ચ ખ્યાતિ હોસ્પિટલ કેસમાં એક્શન મોડમાં જોવા મળી રહી છે. હવે ક્રાઈમ બ્રાન્ચે 5 ખાનગી હોસ્પિટલને સમન્સ પાઠવ્યા છે. હોસ્પિટલોને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે. આ ખાનગી હોસ્પિટલનું ખ્યાતિ હોસ્પિટલ સાથે કનેક્શન ખુલ્યું હતું અને ક્રાઈમ બ્રાન્ચે તપાસમાં હોસ્પિટલની પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે. આરોપી ડો. પ્રશાંત વજીરાણી, ચિરાગ રાજપૂત અને રાહુલ જૈનના આ ખાનગી હોસ્પિટલ સાથેના કનેક્શન સામે આવ્યા છે. આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચે PMJAY અને વીમા એજન્ટોના નિવેદન લીધા છે. આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચ રિમાન્ડ પર રહેલા ચિરાગ રાજપૂતની વધુ પૂછપરછ કરી રહી છે.

બીજી તરફ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ મામલે મોટો ખુલાસો થયો છે. PMJAYનો લાભ લેવા માટે દરેક એપ્રુવલ ઈમરજન્સીમાં મોકલવામાં આવતી હતી. PMJAY યોજના હેઠળ 2022થી અત્યાર સુધી ખ્યાતિ હોસ્પિટલમાં 3500થી વધુ ઓપરેશન થયા હોવાનું સામે આવ્યું છે. PMJAY દ્વારા રૂપિયા 16 કરોડથી વધુની રકમ ખ્યાતિ હોસ્પિટલને ચૂકવવામાં પણ આવી છે. ખોટા મેડિકલ રિપોર્ટના આધારે PMJAYમાંથી મંજૂરી મેળવતા હોવાનું સામે આવ્યું છે. વારંવાર ઈમરજન્સીમાં મંજુરી મેળવતા હોવા છતાં આરોગ્ય વિભાગે કોઈ તપાસ ન કરી તે પણ એક સવાલ છે. ઓપરેશન થયા બાદ પણ આરોગ્ય વિભાગને હોસ્પિટલમાં રહેલા દર્દી અને હોસ્પિટલે કરેલી સારવાર અંગે તપાસ કરવાની સત્તા છતાં નિદ્રાધીન જોવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે PMJAYના 8 કલાકમાં 100થી વધુ દર્દીની ફાઈલને મંજૂરી આપવામાં આવે છે. બીજી તરફ ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી સંજય પટોળીયાને લઈને પણ મોટા સમાચાર સામે આવ્યા છે. ગ્રામ્ય કોર્ટે આરોપી સંજય પટોળીયાને ઝટકો આપ્યો છે અને સંજય પટોળીયાના જામીન ગ્રામીણ કોર્ટે ફગાવી દીધા છે. રાહત આપવા લાયક આરોપી ન હોવાનું ગ્રામ્ય કોર્ટનું અવલોકન રહ્યું છે.

મહારાષ્ટ્રમાં CM પદ સહિત 22 મંત્રાલય ભાજપ પાસે

મુંબઈઃ મહારાષ્ટ્રમાં પાંચ ડિસેમ્બરે નવી સરકારના શપથગ્રહણ સમારોહનું લાન થઈ ચૂક્યું છે. નવી સરકારમાં CM પદ ભાજપ પાસે રહેશે, જ્યારે તેમની સાથે મહારાષ્ટ્રના બે નાયબ CM શપથ લેશે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં ભાજપ 21થી 22 મંત્રાલયો પોતાની પાસે રાખશે.

ગૃહ મંત્રાલય ભાજપ પાસે જ હશે. આ સિવાય મહારાષ્ટ્ર સ્પીકરપદ પણ ભાજપને મળી શકે છે. જોકે બાકી વિભાગો વિશે બાદમાં ચર્ચા કરવામાં આવશે. રાજ્યની નવી સરકારમાં એકનાથ શિંદેની શિવસેનાના 11થી 12 મંત્રીઓ હશે. જોકે અજિત પવારની NCP તરફથી સરકારમાં 10 મંત્રીઓ હશે. આ સિવાય એકનાથ શિંદેએ કેબિનેટમાં 16 મંત્રીઓની માગ કરી છે. એકનાથ શિંદે નાયબ CMના શપથ લેશે. આ શપથ ગ્રહણ સમારોહ પાંચ ડિસેમ્બરે મુંબઈના આઝાદ મેદાનમાં થશે, જેમાં PM નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં વિશેષરૂપે પોતાની હાજરી આપશે.રાજ્યમાં ભાજપ ગૃહ અને મહેસૂલ વિભાગ પોતાની પાસે રાખે એવી શક્યતા છે.  આ સાથે જ પાર્ટી સ્પીકર અને વિધાન પરિષદના ચેરમેનનું પદ પણ પોતાની પાસે રાખી શકે છે. NCPને નાણાં અને શિંદેને શહેરી વિકાસ મંત્રાલય મળી શકે છે. આ સિવાય બાકીના મંત્રાલયો પર બાદમાં ચર્ચા કરવામાં આવશે.

આ પહેલાં મુંબઈમાં મહાયુતિના ત્રણેય નેતાઓ દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવાર બેઠક કરશે અને નવા CMથી લઈને મંત્રીમંડળના ફોર્મ્યુલા પર સંમતિ આપશે. જોકે ડેપ્યુટી CM એકનાથ શિંદે હજુ પણ અસ્વસ્થ છે. જેના કારણે સતત બેઠકો ટળી રહી છે. શિંદે અમુક ટેસ્ટ કરાવવા માટે હોસ્પિટલમાં છે. તેઓ તાવ અને કમજોરી જેવી સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે.

કાંતારા હિરો ઋષભ શેટ્ટી હવે મરાઠા યોદ્ધા બનવાની તૈયારીમાં

મુંબઈ: રિષભ શેટ્ટી તેની ફિલ્મ ‘કાંતારા’ના બીજા ભાગને લઈને ચર્ચામાં છે. નિર્માતાઓ આ ફિલ્મ વિશે સતત નવા અપડેટ્સ શેર કરી રહ્યા છે. 2022માં રિલીઝ થયેલી ‘કાંતારા’ને દર્શકોમાં ખૂબ પસંદ કરવામાં આવી હતી. હવે અભિનેતા તેની આગામી ફિલ્મોને લઈને ચર્ચામાં છે. રિષભ શેટ્ટીની ‘કાંતારા 2’ ઑક્ટોબર 2025માં સ્ક્રીન પર આવશે, જેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન અભિનેતા તેની નવી ફિલ્મને લઈને ચર્ચામાં આવ્યા છે. રિષભ શેટ્ટી પીરિયડ ડ્રામા ફિલ્મ ‘છત્રપતિ શિવાજી મહારાજ’માં જોવા મળશે, જેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

ઋષભ છત્રપતિ શિવાજી મહારાજમાં જોવા મળશે

નિર્માતાઓએ ફિલ્મમાંથી રિષભ શેટ્ટીનું ફર્સ્ટ લૂક પોસ્ટર પણ રિલીઝ કર્યું છે, જેમાં કન્નડ અભિનેતા મરાઠા યોદ્ધાના અવતારમાં જોવા મળે છે. આ પોસ્ટરે ઋષભ શેટ્ટીના ચાહકોમાં ઉત્સાહ વધારી દીધો છે. આ ફિલ્મને સંદીપ સિંહ ડાયરેક્ટ કરવા જઈ રહ્યા છે. સંદીપ અને રિષભ બંનેએ આ ફિલ્મનું પોસ્ટર શેર કર્યું છે.

પોસ્ટર શેર કરતી વખતે ઋષભ શેટ્ટીએ કેપ્શનમાં લખ્યું,’અમારું ગૌરવ અને વિશેષાધિકાર, અમે તમારી સમક્ષ ભારતના મહાન યોદ્ધા, રાજા, ભારતના ગૌરવ છત્રપતિ શિવાજી મહારાજની મહાકાવ્ય ગાથા લાવી રહ્યા છીએ. તે માત્ર એક ફિલ્મ નથી. તે એવા યોદ્ધાના સન્માનમાં એક યુદ્ધ પોકાર છે જે તમામ અવરોધો સામે લડ્યા, શકિતશાળી મુઘલ સામ્રાજ્યની શક્તિને પડકારી અને એક વારસો બનાવ્યો જે ક્યારેય ભૂલી શકાય નહીં. એક મહાન ઓપસ એક્શન ડ્રામા માટે તૈયાર થાઓ, જે અન્ય કોઈથી વિપરીત સિનેમેટિક અનુભવ છે, કારણ કે અમે છત્રપતિ શિવાજી મહારાજની અકથિત વાર્તાને ઉજાગર કરીએ છીએ. 21 જાન્યુઆરી 2027ના રોજ વૈશ્વિક પ્રકાશન. સર્વત્ર શિવ.’

આ ફિલ્મોમાં રિષભ જોવા મળશે
તમને જણાવી દઈએ કે, એક અભિનેતા તરીકે ઋષભ શેટ્ટીએ સાઉથ સિનેમામાં પોતાની ખાસ છાપ છોડી છે. 2022માં જ્યારે તેની ‘કાંતારા’ રીલિઝ થઈ ત્યારે તેને વિશ્વભરમાં ઓળખ મળી. આ ફિલ્મ માટે ઋષભ શેટ્ટીની ઘણી પ્રશંસા થઈ હતી. આવનારા સમયમાં રિષભ કાંતારા 2 અને છત્રપતિ શિવાજી મહારાજ સહિત ઘણી વધુ ફિલ્મોમાં જોવા મળવાનો છે.

વિશ્વ વિકલાંગ દિવસે દિવ્યાંગજનોને સ્વરોજગાર માટે સહાય

અમદાવાદ: 3 ડિસેમ્બર એટલે વિશ્વ વિકલાંગ દિવસ. આ દિવસે દિવ્યાંગજનોના શિક્ષણ, પુનઃર્વસન, સહ સ્વરોજગાર ક્ષેત્રે હુન્નર કેળવીને આર્થિક રીતે પગભર કરવા માટેના પ્રયત્નો કરવામાં આવે છે. જેથી તેઓ પોતોનો જીવન નિર્વાહ જાતે ચલાવીને પરિવાર તેમજ સમાજને ઉપયોગી બની શકે.અમદાવાદ સ્થિત અંધજન મંડળ ખાતે આજ રોજ વાઘબકરી ફાઉન્ડેશનના સૌજન્યથી એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ. જેમાં દિવ્યાંગજનો સ્વમાનભેર જીવન વ્યતિત કરી શકે તે માટે અમદાવાદ, ખેડા અને મહિસાગર જિલ્લાના 25 લોકોને નાના સ્ટોલનું વિતરણ કરવામાં આવ્યું. લાભાર્થીઓને તેમની આજીવિકા વધારવા માટે જંગમ નાની દુકાનો અને સંબંધિત કીટ આપવામાં આવી હતી. તેમના વ્યવસાયને અસરકારક રીતે ચલાવવા માટે તાલીમ પણ આપવામાં આવી હતી. BPA (બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન) લાભાર્થીઓને વ્યવસાયમાં સફળ બનાવવા માટે આગામી ત્રણ વર્ષ સુધી હેન્ડ-હોલ્ડિંગ સપોર્ટ પ્રદાન કરશે.સાથે જ દિવ્યાંગ મહિલાઓ પણ સ્વરોજગાર મેળવી શકે તે માટે તેમજ સ્ત્રી સશક્તિકરણના ઉદ્દેશ સાથે તેમને કેડીન્સ કંપનીના સહયોગથી સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વાઘ બકરી ટી ગ્રૂપના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પારસ દેસાઈ, ડિરેક્ટર્સ વિદિશા દેસાઈ, માલવી દેસાઈ અને પ્રિયમ પરીખ, સીઈઓ સંજય સિંગલ સહિતના વરિષ્ઠ મેનેજમેન્ટ અને BPAના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. ભૂષણ પુનાની હાજર રહ્યાં હતા.આ પહેલ અંગે વાત કરતા વાઘ બકરી ટી ગ્રુપના સીઈઓ સંજય સિંગલએ જણાવ્યું હતું કે, “વાઘ બકરી ટી ગ્રુપ હંમેશા સમાજમાં અર્થપૂર્ણ પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરે છે અને આ પ્રોજેક્ટ સામાજિક જવાબદારી પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે. સ્વનિર્ભર બનવા માટે સંસાધનો અને તાલીમ વડે દિવ્યાંગોને મદદ કરીને, અમે તેમને સ્વામાન સાથે આત્મર્નિભર જીવન જીવવામાં મદદ કરી રહ્યાં છીએ. અમને વિશ્વાસ છે કે આ પહેલ દિવ્યાંગોને સશક્તિકરણ તરફ આગળ લઇ જશે. આ પ્રયાસમાં BPAના સમર્થન બદલ અમે આભારી છીએ. આગામી સમયમાં વાઘ બકરી ટી ગ્રૂપ આ પ્રોજેક્ટ હેઠળ રાજ્યભરમાં 100 લાભાર્થીઓને સહાય કરશે, જેનો ઉદ્દેશ્ય દિવ્યાંગોને સ્વ-રોજગારની તકો પ્રદાન કરવાનો છે અને તેમને ‘આત્મનિર્ભર’ બનવા માટે સશક્તિકરણ કરવાનો છે.”

અભિનેત્રી નરગીસ ફખરીની બહેનની વિદેશમાં બૉયફ્રેન્ડની હત્યાના આરોપમાં ધરપકડ

મુંબઈ: રણબીર કપૂર સ્ટારર ‘રોકસ્ટાર’ ફેમ નરગીસ ફખરીની બહેનની ન્યૂયોર્કમાં ધરપકડ કરવામાં આવી છે. નરગીસની બહેન આલિયા ફખરીની ન્યૂયોર્કના ક્વીન્સમાં થયેલા ડબલ મર્ડર મામલે ધરપકડ કરવામાં આવી છે. 43 વર્ષીય આલિયા પર બે માળના ગેરેજમાં આગ લગાડવાનો આરોપ છે, જેમાં તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ (35) એડવર્ડ જેકોબ્સ અને તેની નવી ગર્લફ્રેન્ડ(33)અનાસ્તાસિયાની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે.

કથિત ગુનાની વિગતો
અહેવાલો અનુસાર, આલિયા ફખરીએ ગેરેજમાં આગ લગાડી, એડવર્ડ અને અનાસ્તાસિયાને અંદર ફસાવ્યા અને તેમની હત્યા કરી. ધુમાડાના શ્વાસ અને થર્મલ ઇજાઓથી તેમનું મૃત્યુ થયું હતું, જેને ડિસ્ટ્રિક્ટ એટર્ની મેલિન્ડા કાત્ઝે “દૂષિત” કૃત્ય તરીકે વર્ણવ્યું હતું. ત્યારબાદ આલિયાની ધરપકડ કરવામાં આવી હતી અને તેને ક્વીન્સ ક્રિમિનલ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી, જ્યાં તેને જામીન આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.

કૌટુંબિક પ્રતિક્રિયા
જ્યારે 2011માં રોકસ્ટારથી પ્રસિદ્ધિ મેળવનાર નરગીસ ફખરીએ હજુ સુધી આ ઘટના અંગે જાહેરમાં કોઈ ટિપ્પણી કરી નથી, ત્યારે તેની માતાએ આલિયાનો બચાવ કરતા કહ્યું હતું કે, “મને નથી લાગતું કે તે કોઈની હત્યા કરી રહી હશે. તે એક એવી વ્યક્તિ છે જે દરેકની કાળજી લે છે, તે દરેકને મદદ કરવાનો પ્રયાસ કરતી હોય છે.” નરગીસની માતાએ વધુમાં જણાવ્યું હતું કે આલિયા ઓપીયોઇડની લતથી લડતી હતી, જેના કારણે આ ઘટના બની શકે છે.

ગુનાના સ્થળે એક સાક્ષીએ ઘટનાઓની અવ્યવસ્થિત શ્રેણીને યાદ કરી. “અમને કંઈક સળગતી ગંધ આવી. મને ખબર નથી કે તે પેટ્રોલ હતું કે શું. અમે બહાર દોડ્યા, અને સીડી પરના સોફામાં આગ લાગી હતી, અને અમારે બહાર નીકળવા માટે તેના પરથી કૂદવું પડ્યું. સ્ટાર મારી સાથે કૂદી ગઈ, પરંતુ તેણી જેકોબ્સને બચાવવા પાછા અંદર ગઈ.” સાક્ષીએ જણાવ્યું. તેણે એમ પણ કહ્યું કે આલિયાએ અગાઉ જેકોબ્સના ઘરને બાળી નાખવાની ધમકી આપી હતી અને તેમના સંબંધો ખૂબ જ અપમાનજનક હતા.

એક વર્ષ પહેલા આલિયા અને એડવર્ડનું બ્રેકઅપ થઈ ગયું હતું
એડવર્ડ જેકોબ્સ, 35 વર્ષીય પ્લમ્બર, અને એનાસ્તાસિયા એટીન કથિત રીતે રોમેન્ટિક રીતે સંકળાયેલા ન હતા, પરંતુ મિત્રો હતા. એડવર્ડની માતાના જણાવ્યા અનુસાર, બંને (આલિયા અને એડવર્ડ) એક વર્ષ પહેલા અલગ થઈ ગયા હતા, પરંતુ આલિયાએ તેનો પીછો કરવાનું ચાલુ રાખ્યું હતું. જેકબ ગેરેજને એપાર્ટમેન્ટમાં રૂપાંતરિત કરવા માટે મિલકત પર કામ કરી રહ્યો હતો, જ્યારે આગ ફાટી નીકળી હતી, જેમાં એડવર્ડ અને તેની સ્ત્રી મિત્રનું મૃત્યુ થયું હતું.

ડૉ. રાજેન્દ્ર પ્રસાદની 140મી જન્મજયંતિ નિમિતે પુષ્પાંજલિ કાર્યક્રમ

ગાંધીનગર: ડૉ. રાજેન્દ્ર પ્રસાદની આજે ૧૪૦મી જન્મજયંતિ છે. સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ એવાં ડૉ. રાજેન્દ્ર પ્રસાદનો જન્મ ૩જી ડિસેમ્બર, ૧૮૮૪ના રોજ બિહારમાં થયો હતો.ડૉ. રાજેન્દ્ર પ્રસાદના જન્મદિવસ નિમિત્તે ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભા પોડિયમમાં મૂકાયેલ તેમના તૈલચિત્રને આજે પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.આ પ્રસંગે વિધાનસભા સચિવ ચેતન પંડ્યા, સહિત ઉચ્ચઅધિકારીઓ અને કર્મચારીઓએ ઉપસ્થિત રહી ડૉ. રાજેન્દ્ર પ્રસાદના તૈલચિત્રને પુષ્પ અર્પણ કરીને તેમના જીવનના મુક્તિ સંગ્રામ સમયના સંસ્મરણો યાદ કર્યા હતા.