Home Blog Page 1287

Filmfare OTT Awards 2024: દિલજીત દોસાંઝ શ્રેષ્ઠ અભિનેતા બન્યો

મુંબઈ: મુંબઈમાં ફિલ્મફેર OTT એવોર્ડ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઘણી હસ્તીઓએ હાજરી આપી હતી. ફિલ્મફેર OTT એવોર્ડના વિજેતાઓની યાદી પણ જાહેર કરવામાં આવી છે. પાંચમા ફિલ્મફેર OTT એવોર્ડ્સ 2024માં બૉલિવૂડ સ્ટાર્સનો જમાવડો જોવા મળ્યો હતો. આ કાર્યક્રમમાં અનેક અગ્રણી હસ્તીઓએ હાજરી આપી હતી.

ફિલ્મ કેટેગરીમાં ‘અમર સિંહ ચમકીલા’નો જાદુ જોવા મળ્યો હતો. આ ફિલ્મને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. જ્યારે દિલજીત દોસાંજને બેસ્ટ એક્ટરનો ખિતાબ મળ્યો હતો. કરીના કપૂર ખાનને જાને જાન માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. ચાલો વિજેતાઓની સંપૂર્ણ યાદી જોઈએ.

તસવીર સૌજન્ય: દીપક ધૂરી

શ્રેષ્ઠ ફિલ્મ, વેબ ઓરિજિનલઃ અમર સિંહ ચમકીલા
શ્રેષ્ઠ દિગ્દર્શક, વેબ ઓરિજિનલ ફિલ્મઃ ઈમ્તિયાઝ અલી (અમર સિંહ ચમકીલા)
શ્રેષ્ઠ અભિનેતા,વેબ ઓરિજિનલ ફિલ્મ (પુરુષ): દિલજીત દોસાંઝ (અમર સિંહ ચમકીલા)
શ્રેષ્ઠ અભિનેતા,વેબ ઓરિજિનલ ફિલ્મ (સ્ત્રી): કરીના કપૂર ખાન (જાને જાં)
શ્રેષ્ઠ સહાયક અભિનેતા, વેબ ઓરિજિનલ ફિલ્મ (પુરુષ): જયદીપ અહલાવત (મહારાજ)
શ્રેષ્ઠ સહાયક અભિનેતા, વેબ ઓરિજિનલ ફિલ્મ (સ્ત્રી): વામીકા ગબ્બી (ખુફિયા)

સીરિઝ કેટેગરીમાં આ એક્ટર્સનો જલવો જોવા મળ્યો

શ્રેષ્ઠ સીરિઝ: રેલ્વે મેન
શ્રેષ્ઠ દિગ્દર્શક સીરિઝ: સમીર સક્સેના અને અમિત ગોલાની (કાલા પાની)
શ્રેષ્ઠ અભિનેતા, સીરિઝ (પુરુષ): કોમેડી: રાજકુમાર રાવ (ગન્સ એન્ડ રોઝીસ)
શ્રેષ્ઠ અભિનેતા, સીરિઝ (પુરુષ): ડ્રામા: ગગન દેવ રિયાર (સ્કેમ 2003: ધ તેલગી સ્ટોરી)
શ્રેષ્ઠ અભિનેતા, સીરિઝ (સ્ત્રી): કોમેડી: ગીતાંજલી કુલકર્ણી (ગુલક સીઝન 4)
શ્રેષ્ઠ અભિનેતા, શ્રેણી (સ્ત્રી): ડ્રામા: મનીષા કોઈરાલા (હીરામંડી: ધ ડાયમંડ બજાર)
શ્રેષ્ઠ સહાયક અભિનેતા, શ્રેણી (પુરુષ): કોમેડી: ફૈઝલ મલિક (પંચાયત સીઝન 3)
શ્રેષ્ઠ સહાયક અભિનેતા, શ્રેણી (પુરુષ): ડ્રામા: આર માધવન (ધ રેલવે મેન)
શ્રેષ્ઠ સહાયક અભિનેતા, શ્રેણી (સ્ત્રી): કોમેડી: નિધિ બિષ્ટ (મસલા લીગલ હૈ)
શ્રેષ્ઠ સહાયક અભિનેતા, શ્રેણી (સ્ત્રી): ડ્રામા: મોના સિંઘ (મેડ ઇન હેવન સીઝન 2)
શ્રેષ્ઠ મૂળ વાર્તા, સીરિઝ: વિશ્વપતિ સરકાર (કાલા પાની)
શ્રેષ્ઠ કોમેડી (સિરીઝ/સ્પેશિયલ): મામલા લીગલ હૈ
શ્રેષ્ઠ (નોન-ફિક્શન) મૂળ (શ્રેણી/વિશેષ): ધ હન્ટ ફોર વીરપ્પન
શ્રેષ્ઠ સંવાદ, શ્રેણી: સુમિત અરોરા (ગન્સ એન્ડ રોઝીસ)

રેશનકાર્ડનું e-KYC ઝડપી-સરળ બનાવવા સરકારની કવાયત

ગુજરાતના નાગરિકો સરળ અને ઝડપથી e-KYC કરી શકે તે માટે પુરવઠા વિભાગની ટીમો સતત કાર્યરત છે. જેમાં અધિકારીઓ દ્વારા સતત મોનીટરીંગ ચાલી રહ્યું છે. સરકારી અનાજ સહિત વિવિધ સરકારી સ્કીમોનો લાભ મેળવવા માટે રેશનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક-અપ કરવા માટે સરકાર દ્વારા ચોક્કસ સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. તેવામાં અન્ન-નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું છે કે, રાજ્યમાં કુલ 2.75 કરોડ લોકોના e-KYC કર્યા.

કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું છે કે, રાજ્યમાં 1.38 કરોડ નાગરિકોએ ઘરે બેઠા માય-રેશન એપ થકી, જ્યારે ગ્રામ પંચાયત સ્તરે VCE દ્વારા 1.07 કરોડ નાગરિકોનું e-KYC કરવામાં આવ્યું છે. આમ, માય-રેશન એપ, ગ્રામ પંચાયત, જનસેવા કેન્દ્રો, પોસ્ટ ઓફિસ, બેંક, આંગણવાડી વગેરેના માધ્યમથી અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 2.75 કરોડથી વધુ નાગરિકોનું e-KYC સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યુ છે. તેમ અન્ન-નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ આજે ગાંધીનગર ખાતે જણાવ્યું હતું.  આ સાથે હાલમાં રાજ્યમાં જનસેવા કેન્દ્રો હસ્તક 546, ગ્રામ પંચાયતોમાં 506, શિક્ષણ વિભાગ પાસે 226, આંગણવાડીમાં 311 તેમજ પોસ્ટ-બેંક હસ્તક 2,787 થઈને કુલ 4,376 જેટલી આધારકીટ કાર્યરત છે. જેમાં e-KYCમાં નાગરિકોને વધુ સરળતા રહે તે માટે નવી 1,000 આધારકીટ એક્ટિવ કરાશે. આધારકાર્ડ અને રેશન કાર્ડના લઈને કુંવરજીભાઈએ કહ્યું કે, પુરવઠા વિભાગ હેઠળ e-KYC થાય છે, પરંતુ તેનો સંપૂર્ણ આધાર UID એટલે કે આધારકાર્ડ પર છે. આધાકાર્ડના નામ-અટકમાં સુધારો ન થાય ત્યાં સુધી e-KYC થતું નથી. આધારકાર્ડનું કામ GAD પ્લાનિંગ તરફથી થાય છે. આધારકાર્ડની કીટની સંખ્યા વધારવા અને કીટના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે ગાંધીનગર ખાતે કંટ્રોલરૂમ પણ કાર્યરત છે. આ ઉપરાંત જિલ્લા કલેક્ટરોને પોસ્ટ અને બેંક સાથે સંકલન કરીને આધારકીટ કાર્યરત રાખવા અને સતત મોનીટરીંગ કરવાની આયોજન વિભાગ તરફથી સૂચના આપવામાં આવી છે.

કાંદિવલીની K.E.S. ઇન્ટરનૅશનલ સ્કૂલ મહારાષ્ટ્રનું ગૌરવ બની

મુંબઈ: કાંદિવલી સ્થિત કે.ઈ.એસ. (કાંદિવલી એજયુકેશન સોસાયટી) ઇન્ટરનૅશનલ સ્કૂલે હવે રાષ્ટ્રીય સ્તરે પણ નામના મેળવી છે. તે મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રનું ગૌરવ બની છે. વર્ષ 2024-25ના એજ્યુકેશન વર્લ્ડ ઇન્ડિયા ગ્રૅન્ડ જ્યુરી રૅન્કિંગમાં કે.ઈ.એસ. સ્કૂલે મુંબઈ તથા મહારાષ્ટ્રમાં પ્રથમ અને સમગ્ર દેશમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

શિક્ષણ ક્ષેત્રે પ્રગતિશીલ નવોદિત શાળાઓને આ રૅન્કિંગ આપવામાં આવે છે. એજ્યુકેશન વર્લ્ડ ઇન્ડિયા ગ્રૅન્ડ જ્યુરી રૅન્કિંગનો વર્ષ 2016માં પ્રારંભ થયો હતો. જેમાં નવી શરૂ થયેલી શાળાઓને તેમના પ્રગતિના સ્તરના આધારે રૅન્કિંગ આપવામાં આવે છે. દરેક શાળાનું 14 માપદંડના આધારે વાર્ષિક ધોરણે રૅન્કિંગ કરવામાં આવે છે. શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓને અને એમના દ્વારા સમાજને સમર્થ બનાવતી શાળાઓને બિરદાવવાનો આ એક પ્રયાસ છે. આ વર્ષે શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટતા, નવસર્જન, સામુદાયિક સહભાગ તથા પ્રોફેશનલ વિકાસ એ માપદંડોને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું.

કે.ઈ.એસ. ઇન્ટરનૅશનલ સ્કૂલના પ્રેસિડન્ટ મહેશ શાહે આ પ્રસંગે જણાવ્યું, “અમારે ત્યાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે અનેક નાનાં-નાનાં પગલાં ભરવામાં આવ્યાં છે. અમે સતત કોઈને કોઈ સુધારા કરતાં રહીને સમયની સાથે તાલ મિલાવવા માટે હંમેશાં પ્રયત્નશીલ રહીએ છીએ. બાહ્ય જગતમાં ખીલી શકે અને વ્યક્તિત્વની દૃષ્ટિએ નીખરી શકે એવા વિદ્યાર્થીઓ તૈયાર કરવા પર અમારી શાળા હંમેશા ભાર મૂકે છે.”

BCCIની વાત પાકિસ્તાન માને અન્યથા ચેમ્પિયન્સ ટ્રોફી ભૂલી જાયઃ ICC

નવી દિલ્હીઃ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના શિડ્યુલ અને સ્થળ પર સસ્પેન્શન યથાવત્ છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની શાન ઠેકાણે લાવવાનો નિર્ણય ICCએ કર્યો છે. ICC સહિત ટુર્નામેન્ટમાં ભાગ લેતા દેશોની લીલી ઝંડી મળ્યા પછી પાકિસ્તાન હજી પણ અક્કડ વલણ દાખવી રહ્યું છે, જેથી ICCએ પાકિસ્તાનનો કાન આમળતાં કહ્યું હતું કે PCB BCCIની વાત પાકિસ્તાન માને અન્યથા ચેમ્પિયન્સ ટ્રોફી ભૂલી જાય.

ચૈમ્પિયંસ ટ્રોફી મુદ્દામાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ઇચ્છતું હતું કે હાઇબ્રિડ મોડલ સ્વીકાર કરવા બદલે તેને પણ ફાયદો થાય અને BCCI પણ સંતુષ્ટ થઈ જાય. વાસ્તવમાં, PCB નું કહેવું હતું કે ભારતીય ટીમ તેઓનાં દેશ આવવા ઇચ્છતી નથી, તો આગામી ઇવેન્ટ્સમાં પાક ટીમ પણ રમવા માટે ભારત નહીં જાય અને તેના માટે પણ હાઇબ્રિડ મોડલ લાગુ કરવું જોઈએ. સ્પષ્ટ રીતે પાકિસ્તાન તરફથી ભારત-પાક મેચો દુબઈમાં કરાવવાની માગ કરવામાં આવી હતી. હવે એક નવો ખુલાસો થયો છે કે BCCIએ ભારત બનામ પાકિસ્તાન આગામી મેચોને હાઇબ્રિડ મોડલ હેઠળ કરાવવાની માગ ને નકારી દીધી છે.

પાકિસ્તાનની માગ એ હતી કે આગામી 3 વર્ષ સુધી કોઈ પણ ICC ઇવેન્ટમાં ભારત બનામ પાકિસ્તાન મેચને ન્યુટ્રલ વેન્યુ પર કરાવવામાં આવે. ન્યુટ્રલ વેન્યુ તરીકે દુબઈનું નામ આપવામાં આવ્યું હતું અને આ ફોર્મ્યુલાને પહેલાં ‘પાર્ટનરશિપ’ કહીને સંબોધવામાં આવ્યું હતું. શરૂઆતમાં તેને લીલી ઝંડી આપવાની અટકળો હતી, પરંતુ હવે પાકિસ્તાની મીડિયા મુજબ BCCIએ આ માગને નકારી દીધી છે. પાકિસ્તાનને દુઃખે છે કે પેટ અને કૂટે છે માથું. હવે ICCથી પાકિસ્તાને એની આવક 5.75 ટકાથી વધારવાની માગ કરી છે. ICCની આ આવકના મોડલ હેઠળ વાર્ષિક 60 કરોડ ડોલર વિતરિત કરે છે, જેમાંથી BCCIને સૌથી વધુ 38.50 ટકા (આશરે રૂ. 1953 કરોડ વાર્ષિક) હિસ્સો મળે છે, જ્યારે એસોસિયેટ દેશોને 11.19 ટકા મળે છે. ઇન્ગલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાનને પ્રતિ વર્ષ ક્રમશઃ 6.89 ટકા, 6.25 ટકા અને 5.75 ટકા મળે છે.

 

અમદાવાદના 132 વર્ષ જૂના એલિસબ્રિજનું રિનોવેશન

અમદાવાદ: 132 વર્ષ પહેલા અહિંયા અંગ્રેજ શાસન કાળ દરમિયાન એલિસા બેલ દ્વારા એક એલિસબ્રિજ બનાવવામાં આવ્યો હતો. પરંતુ આ બ્રિજ હવે જર્જરીત અને ભયજનક હાલાતમાં છે, જેથી બ્રિજને છેલ્લાં દસ વર્ષથી વપરાશ માટે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યો હતો. તેવામાં રાજ્ય સરકારે આ હેરિટેજ બ્રિજની વિરાસત જળાવવા અને સમયસર અદ્યતન ટેકનોલોજી દ્વારા યોગ્ય રીપેરીંગ કામ કરવામાં આવે તે માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ બ્રિજનું મજબૂતીકરણ અને પુનઃસ્થાપનની કામગીરી હાથ ધરવામાં આવી રહ્યું છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ બ્રિજને કેટલું નુકસાન થયું છે? કયા પ્રકારની મરામતની જરૂર છે? કેટલો ભાગ જર્જરીત છે? આ તમામ બાબતોનો બ્રિજ રિનોવેશન કન્સલ્ટન્ટ પાસેથી AMCએ રિપોર્ટ કઢાવ્યો હતો. આ રિપોર્ટ કરાવ્યા બાદ રિનોવેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. બ્રિજના મજબૂતીકરણ અને પુનઃસ્થાપનની કામગીરી પાછળ 26.78 કરોડ રૂપિયાનો ખર્ચે કરવામાં આવશે. બ્રિજ પર ડેકોરેટિવ પ્લાન્ટેશન આકર્ષક બેઠક વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. બ્રિજના મજબૂતીકરણ અને પુનઃસ્થાપનની કામગીરી લગભગ બે વર્ષ ચાલશે. બ્રિજના પુનઃસ્થાપન બાદ રાહદારીઓ માટે બ્રિજને ખુલ્લો મૂકવામાં આવશે. લોકો હેરિટેજ બ્રિજની મુલાકાત લઈ શકે એ પ્રકારે બ્રિજનું રીપેરીંગ કામમાં મેથડોલોજીનો ઉપયોગ કરીને સ્ટ્રક્ચર ડિઝાઇન બનાવવામાં આવશે. આ સાથે સાબરમતી નદી પટમાં વિક્ટોરિયા ગાર્ડન પાસે યોજાતી પરંપરાગત રવિવારી બજારમાં આવવા-જવા માટે બ્રિજને રાહદારીઓ માટે ખુલ્લો મુકવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે 1892માં અંગ્રેજ શાસનકાળ દરમિયાન બનાવવામાં આવેલા એલિસબ્રિજની લંબાઈ 433.41 મીટર, પહોળાઈ 6.25 મીટર અને 30.96 મીટરના 14 સ્પાન બો-સ્ટ્રીંગ ટાઈપના સ્ટીલ સ્ટ્રક્ચરમાં તૈયાર કરવામાં આવ્યો હતો.

ખેડૂતોએ દિલ્હી કૂચ પર લગાવી ‘બ્રેક’, દલિત પ્રેરણા સ્થળ પર વિરોધ યથાવત

નવી દિલ્હી: ખેડૂતોએ અચાનક દિલ્હી કૂચ કરવાની તેમની યોજના પર ‘બ્રેક’ લગાવી દીધી છે. જો કે, ખેડૂતો દલિત પ્રેરણા સ્થળ પર તેમનો વિરોધ યથાવત રાખશે. સોમવારે ખેડૂતોએ તેમની માંગણીઓ સાથે દિલ્હી સુધી કૂચ શરૂ કરી હતી. સવારે હજારો ખેડૂતો મહામાયા ફ્લાયઓવર પાસે ભેગા થયા હતા. અહીંથી ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ શરૂ કરી. જો કે સાંજ સુધીમાં ખેડૂતોએ તેમની યોજના બદલી નાખી. તેઓ દલિત પ્રેરણા સ્થળ પર ભેગા થવા લાગ્યા. હાલમાં ખેડૂતો દલિત પ્રેરણા સ્થળ પર જ વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોનું આ વિરોધ-પ્રદર્શન નવા કૃષિ કાયદા હેઠળ વળતર અને તેમની પાંચ માંગણીઓના મુદ્દે છે.

નોઈડા અને દિલ્હી બોર્ડર પર ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. ખેડૂતો સાથે વહીવટી તંત્રની બેઠક યોજાવાની છે. જો ખેડૂતો અને વહીવટી તંત્ર વચ્ચે વાતચીત દ્વારા ઉકેલ નહીં આવે તો ખેડૂતો ફરીથી દિલ્હી કૂચ કરવાનો પ્રયાસ કરશે. જો કે સભા પહેલા જ ખેડૂતોએ રસ્તો ખોલી નાખ્યો હતો. જેના પગલે પોલીસ પણ બેરિકેડ હટાવી રહી છે. હવે આંદોલનકારી ખેડૂતો દલિત પ્રેરણા સ્થળની અંદર બેસીને પોતાનો વિરોધ ચાલુ રાખશે. રાજધાની દિલ્હીના સંસદ ભવનમાં શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. ત્યારે બીજી તરફ ખેડૂતો પોતાની માંગણીઓ સાથે દિલ્હી જવા માગે છે. ખેડૂતોને દિલ્હી તરફ કૂચ કરતા રોકવા માટે પોલીસે ભારે મહેનત કરવી પડી રહી છે.આંદોલન કરી રહેલા ખેડૂતોની માગણીઓ પર એક નજર કરીએ તો,

  • જમીન સંપાદન કાયદા અનુસાર, 1 જાન્યુઆરી, 2014 પછી સંપાદિત કરવામાં આવેલી જમીન માટે ચાર ગણું વળતર આપવું જોઈએ.
  • નવા જમીન સંપાદન કાયદાના લાભો જિલ્લામાં લાગુ કરવા જોઈએ.
  • ખેડૂતોની માગ છે કે જમીન સંપાદનના બદલામાં 10 ટકા વિકસિત જમીન આપવી જોઈએ.
  • ભૂમિહીન ખેડૂતોના બાળકોને રોજગાર અને પુનઃવિકાસની સુવિધાઓ મળવી જોઈએ.
  • ઉચ્ચ સત્તા સમિતિની ભલામણોનો અમલ થવો જોઈએ.

ખેડૂતો પોતાની માગ પર અડગ છે. મુખ્ય સચિવની વાતચીતને કારણે ખેડૂતોએ હાલમાં દિલ્હી તરફની કૂચ અટકાવી દીધી છે. જો મામલો ઉકેલાશે તો ખેડૂતો આંદોલન મોકૂફ રાખશે. જો કોઈ કારણોસર મંત્રણા નિષ્ફળ જશે તો ખેડૂતો ફરી એકવાર ‘ચાલો દિલ્હી જઈએ’ના નારા લગાવશે. અન્ય ખેડૂત સંગઠનો 6 ડિસેમ્બરે મોરચો કાઢવા જઈ રહ્યા છે. આ આંદોલન કિસાન મઝદૂર મોરચા અને સંયુક્ત કિસાન મોરચા (SKM, બિન-રાજકીય) દ્વારા કરવામાં આવશે. બંને ખેડૂત સંગઠનો 6 ડિસેમ્બરથી દિલ્હી તરફ કૂચ કરશે.

સંસદમાં બંધારણને મુદ્દે વિચારવિમર્શ કરવા બધી પાર્ટીઓ તૈયાર

નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્ર દરમ્યાન જારી અવરોધ વચ્ચે હવે બધી પાર્ટીઓ આગામી સપ્તાહથી બંધારણ પર ચર્ચા કરવા માટે તૈયાર છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાની સાથે સર્વપક્ષી બેઠકમાં  તમામ સાંસદોએ સંસદની કાર્યવાહી સારી રીતે ચાલવા દેવા માટે સહમતી વ્યક્ત કરી હતી.

લોકસભામાં ચાલી રહેલી મડાગાંઠને સમાપ્ત કરવા માટે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ સાથે સર્વપક્ષી બેઠક યોજી હતી. આ બેઠકમાં સંસદની સુચારુ કામગીરી પર સર્વસંમતિ સધાઈ હતી, જેના કારણે આવતી કાલથી સંસદનું કામકાજ સામાન્ય થવાની ધારણા છે. આ બેઠકમાં  લોકસભા અધ્યક્ષે તમામ સભ્યોને અપીલ કરી કે તેઓ ગૃહને સુચારુ રીતે ચાલવા દે અને જનતાને લગતા મુદ્દાઓ પર ચર્ચાને પ્રાથમિકતા આપે. તમામ પક્ષોના પ્રતિનિધિઓએ સ્પીકરની આ અપીલ સાથે સંમત થયા અને ગૃહમાં મડાગાંઠનો અંત લાવવાની ખાતરી આપી હતી. સંસદીય બાબતોના પ્રધાન કિરણ રિજિજુએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે મંગળવારથી લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સુચારુ રીતે ચાલશે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ વિવિધ પક્ષોના ફ્લોર લીડર્સ સાથે બેઠક યોજી હતી, જેમાં આ સર્વસંમતિ સધાઈ હતી. લોકસભામાં 13-14 અને રાજ્યસભામાં 16 અને 17 ડિસેમ્બરે બંધારણ પર ચર્ચા કરવા તમામ સાંસદો તૈયાર થયાં છે.

કેન્દ્રીય પ્રધાન કિરણ રિજિજુએ સંસદની બહાર પત્રકારોને જણાવ્યું હતું કે લોકસભામાં 13 અને 14 ડિસેમ્બરે અને રાજ્યસભામાં 16 અને 17 ડિસેમ્બરે બંધારણ પર ચર્ચા થશે. તેમણે કહ્યું કે સંસદની કાર્યવાહીમાં વિક્ષેપ પાડવો એ સારું નથી. અમે તમામ વિપક્ષી નેતાઓને અપીલ કરીએ છીએ કે તે સમજૂતી પર સારી રીતે કામ કરે કે આપણે બધા આવતી કાલથી સંસદનું કામકાજ સુનિશ્ચિત કરીશું.

મહારાષ્ટ્રમાં વિજય રૂપાણીને સોંપાઈ કઈ મોટી જવાબદારી?

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીએ હવે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાના પ્રયાસો તેજ કરી દીધા છે. જેના ભાગરૂપે સોમવારે ભાજપે મહારાષ્ટ્રમાં બે નિરીક્ષકોની નિમણૂક કરી હતી. જેમાં કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.ભાજપ ટૂંક સમયમાં મહારાષ્ટ્રમાં તેના ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરશે. જો કે મહારાષ્ટ્રમાં હજુ મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે આગામી મુખ્યમંત્રી ભાજપના જ હશે.મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં સત્તાધારી મહાયુતિ ગઠબંધનને 236 બેઠકો મળી છે. ભાજપે સૌથી વધુ 132 બેઠકો, શિવસેનાએ 51 બેઠકો અને અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) 46 બેઠકો જીતી હતી.

અમદાવાદમાં 14 પોલીસ પીઆઈની આંતરિક બદલી

અમદાવાદ: શહેરના પોલીસ કમિશનરે અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા 14 પોલીસ પોલીસ ઈન્સ્પેક્ટરોની આંતરિક બદલી કરવાનો ઓર્ડર કરવામાં આવ્યો છે. નોંધનિય બાબત છે કે છેલ્લા લાંબા સમયથી અમદાવાદમાં પીઆઈઓની બદલી આવશે એવી ચર્ચાએ જોર પકડયું હતુ, પરંતુ આખરે બદલીઓ થતા અમદાવાદ શહેરના 14 પોલીસ સ્ટેશનના સ્ટાફને મળશે નવા પીઆઈ. હજી પણ અમદાવાદ શહેરમાં અમુક પોલીસ સ્ટેશનો એવા છે જયા કોન્સ્ટેબલ અને અન્ય સ્ટાફની મહેકમ ખૂટી રહી છે.

પોલીસમાં થોડાક દિવસ પહેલા અમદાવાદમાં નોકરી કરતા પોલીસના વહીવટદારોની બદલી જિલ્લામાં કરવામાં આવી હતી જેને લઈ અમુક પીઆઈ ઉપર છાંટા પણ ઉડયા હતા ત્યારે અમદાવાદ પોલીસે અચાનક 14 પીઆઈઓની બદલી કરી નાખી છે. એલિસબ્રીજ અને કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીઆઈઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તે પોલીસ સ્ટેશનમાં પણ નવા પીઆઈને મૂકવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં વધતી જતી ક્રાઈમની ઘટનાઓને લઈ શહેર પોલીસ કમિશનરે બદલી કરી હોય તેવી ચર્ચાએ જોર પકડયું છે. હજી પણ ઘણા પોલીસ સ્ટેશનમાં એવા પીઆઈ છે કે જેમની બદલી લાંબા સમયથી થઈ નથી.

નિફ્ટી એક મહિનાની ઊંચાઈએઃ સેન્સેક્સ 80,000ને પાર

અમદાવાદઃ સપ્તાહના પ્રારંભે ઘરેલુ બજારમાં તેજી થઈ હતી. છેલ્લા કલાકોમાં હેવી વેઇટ શેરોમાં તેજીને કારણે સેન્સેક્સ અને નિફ્ટી તેજી સાથે બંધ થયા હતા. ઇન્ટ્રા-ડેમાં પણ નિફ્ટી 24,300ને પાર થયો હતો. બેન્ક નિફ્ટીમાં પણ 350 પોઇન્ટથી વધુની તેજી થઈ હતી. રિયલ્ટી, મેટલ શેરોમાં સૌથી વધુ તેજી તઈ હતી. મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ એક ટકાથી વધુ વધીને બંધ રહ્યા હતા.

સરકારે ATF, ક્રૂડ પ્રોડક્ટ્સ, પેટ્રોલ અને ડીઝલ ઉત્પાદનો પરથી વિન્ડ ટેક્સ ખતમ કર્યો છે. આ નિર્ણયથી સરકારના ગ્રોસ રિફાઇનિંગ માર્જિનમાં વધારો થશે. સરકારે એને જુલાઈ, 2022માં વૈશ્વિક ક્રૂડની વધતી કિંમતોને કારણે લગાવ્યો હતો. સરકારે વિન્ડ ફોલ હટાવતાં રિલાયન્સ અને ONGC શેરોમાં તેજી થઈ હતી. ટ્રેડિંગ સેશનમાં સિમેન્ટ અને ગ્રીન એનર્જી શેરોમાં તેજી થઈ હતી.

આ સાથે કિંમતોમાં વધારા પછી સિટી ગેસ કંપનીઓમાં તેજી રહી હતી. MGL અને IGLમાં પાંચ ટકાની તેજી થઈ હતી. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 446 પોઇન્ટ ઊછળીને 80,249ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 145 પોઇન્ટ ઊછળી 24,276ના મથાળે બંધ થયો હતો.  

BSE એક્સચેન્જ પર કુલ 4237 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 2509 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 1546 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 182 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 246 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 27 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.