
મોંઘવારીનો વધુ એક ઝટકો, કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ફરી વધારો
વર્ષના છેલ્લા મહિનાની પહેલી તારીખે મોંઘવારીનો ફરી એક ઝટકો મળ્યો છે. સરકારી તેલ કંપનીઓએ કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. આ ગેસ સિલિન્ડરનો ઉપયોગ હોટલ, રેસ્ટોરન્ટ અને લગ્નમાં થાય છે. તેની સીધી અસર ખાદ્ય ચીજવસ્તુઓમાં મોંઘવારી સ્વરૂપે જોવા મળશે. જોકે, ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડર લગભગ 18 રૂપિયા મોંઘો થયો છે. અગાઉ પહેલી નવેમ્બરે પણ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. જોકે, આ વખતે પણ 14 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતો કોઈ ફેરફાર કર્યા વિના સ્થિર છે. એલપીજી સિલિન્ડરના ભાવમાં થયેલા ફેરફારો પર નજર કરીએ તો દિલ્હીથી મુંબઈ અને કોલકાતાથી ચેન્નાઈ સુધી 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. 1 ડિસેમ્બરે દેશની રાજધાની દિલ્હીમાં 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત 1818.50 રૂપિયા થઈ ગઈ છે, જે અત્યાર સુધી 1802 રૂપિયા હતી. નોંધનિય છે કે કોમર્શિયલ એલપીજી સિલિન્ડર હવે કોલકાતામાં 1927 રૂપિયાનો થઈ ગયો છે. જ્યારે મુંબઈના એલપીજી સિલિન્ડરની કિંમત પર નજર કરીએ તો 19 કિલોના સિલિન્ડરની કિંમત 1754.50 રૂપિયા હતી, જે હવે વધીને 1771 રૂપિયા થઈ ગઈ છે. આ સિવાય અત્યાર સુધી આ સિલિન્ડર ચેન્નાઈમાં 1964.50 રૂપિયામાં મળતું હતું, જે હવે 1980.50 રૂપિયા થઈ ગયું છે.
કડકડતી ઠંડી માટે જોવી પડશે રાહ, જાણો હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં રાજ્ય નવેમ્બરના અંતમાં આખરે શિયાળાની શરૂઆત તો થઈ ચૂકી છે. પરંતુ હાજી પણ કેટલાક વિસ્તારમાં બેવડી ઋતુ અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે આગામી સાત માટે હવામાન વિભાગ પણ ઠંડીને લઈ આગાહી વ્યક્ત કરી છે. જ્યારે રાજ્યમાં અમદાવાદ સહિતના શહેરોમાં તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે ગઈ કાલે શનિવારે અમદાવાદમાં રાત્રીનું તાપમાન 15.4 ડિગ્રી પહોંચ્યું હતું. આજે રવિવારે રાજ્યમાં ઠંડા પવનની લહેર વર્તાઈ હતી.

હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી સાત દિવસમાં સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં શુષ્ક હવામાનની સંભાવના છે. અમદાવાદ સહિતના વિસ્તારોમાં આજે રવિવારે વહેલી સવારે ઠંડા પવનની અસર વર્તાઈ હતી. બીજી તરફ, રાત્રી અને વહેલી સવારના સમયે ઠંડુ વાતાવરણ રહે છે. જેમાં 29મી નવેમ્બરની રાત્રે અમદાવાદમાં 16 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે ગઈ કાલે શનિવારની રાત્રે 15.4 ડિગ્રી તાપમાન પહોંચ્યું હતું. આમ રાત્રીના સમયે તાપમાનમાં ઘટાડો થતો જોવા મળે છે.
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) December 1, 2024
હવામાન નિષ્ણાતોના મતે અમદાવાદમાં ડિસેમ્બરમાં પણ પ્રથમ આઠ દિવસ કડકડતી ઠંડી પડવાની સંભાવના નહીંવત્ છે. આ ઉપરાંત આગામી સાતમી ડિસેમ્બર સુધી લઘુતમ તાપમાનનો પારો 15 ડિગ્રીની આસપાસ જ રહી શકે છે. આ પછી પારો તબક્કાવાર ઘટવા લાગતાં ઠંડીમાં વધારો અનુભવાશે. 20મી ડિસેમ્બર બાદ પારો 11 ડિગ્રીથી નીચે જવાની સંભાવના છે. જ્યારે નલિયામાં 12.4, વડોદરામાં 13, ડીસામાં 13.8, પોરબંદરમાં 13.8, રાજકોટમાં 14.7, ગાંધીનગરમાં 15.9, ભુજમાં 16.2, સુરેન્દ્રનગરમાં 16.5, ભાવનગરમાં 17.5, દ્વારકામાં 18.5, સુરતમાં 18.8, ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન હતું. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી ત્રણ દિવસ લઘુતમ તાપમાનમાં ફેરફારની સંભાવના નથી. આ પછીના ચાર દિવસમાં તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થશે.
પાટણ બાળ તસ્કરી કેસમાં આરોપીએ FSL અને SOG ની ટીમને ધંધે લગાડી
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોરડા ગામે 10 પાસ બોગસ ડૉ. સુરેશ ઠાકોરે પાટણના નિઃસંતાન દંપતીને નવજાત બાળક રૂ.1.20 લાખમાં વેચી મારી છેતરપિંડી આચરી હોવાનો કિસ્સો સામે આવ્યા બાદ એક પછી મોટા ખુલાસા થઇ રહ્યા છે. બાળ તસ્કરીમાં બીજુ બાળક મળી આવ્યું છે. સમી નજીક જમીનમાં અન્ય બાળક દાટ્યાનું ખૂલ્યું છે. આરોપીઓને સાથે રાખી બાળકને બહાર કાઢવામાં આવ્યું છે. દાદર ગામ નજીક બનાસ નદીમાં બાળકને દફન કરાયું હતું. ત્યારે વધુ એક બાળક મળતા સમગ્ર પાટણમાં ચકચાર મચી ગઈ છે.

આ કેસમાં નકલી ડૉક્ટર સહિત ત્રણેય આરોપી હાલ 2 ડિસેમ્બર સુધી રિમાન્ડ છે અને તેમણે પોલીસ સમક્ષ બાળકને કમાલપુર બ્રિજ નીચે દાટી દીધાનું કબૂલ્યું હતું. ત્યારબાદ એફએસએફ અને એસઓજી ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર એફએસએફ અને એસઓજી ટીમ ઘટનાસ્થળે પહોંચી ખોદકામ શરૂ કર્યું હતું આ દરમિયાન ખાડામાંથી મીઠું મળી આવ્યું હતું પરંતુ બાળકની લાશ મળી ન મળતાં અનુમાન છે કે બાળકની લાશને અહીંથી કાઢીને અન્ય જગ્યાએ દાટી દેવામાં આવ્યું હોઈ શકે છે.
સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર બાળ તસ્કરી કેસમાં વધુ બે નામ સામે આવ્યા છે. બાળ તસ્કરી મામલો બનાસકાંઠાના પાટણથી હવે કરછના આડેસર સુધી પહોંચ્યો છે અને સુરેશ ઠાકોર, શિલ્પા ઠાકોર, રૂપસંગ ઠાકોરની પૂછપરછમાં વધુ બે નવા નામ સામે આવ્યા છે. બાળ તસ્કરી કેસમાં નરેશ દેસાઈ અને ધીરેન ઠાકોરનું નામ ખુલ્યું છે. નરેશ દેસાઈ બોગસ ડોક્ટર તરીકે કામ કરતો હતો અને ધીરેન ઠાકોર પહેલા ખાનગી હોસ્પિટલમાં કામ કરતો હતો. બંને આરોપીની SOGએ અટકાયત કરી વધુ તપાસ શરુ કરી છે. આ કેસમાં ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં નવા નામ સામે આવ્યા છે. અગાઉ પાટણમાં બાળ તસ્કરી કેસમાં અન્ય આરોપીઓના પણ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આરોપી સુરેશ ઠાકોરના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.
ડ્રગ્સ વિરૂદ્ધ નવી ઝુંબેશ, સુરતમાં રાજ્યનો પ્રથમ એન્ટી નાર્કોટિક્સ યુનિટ શરૂ
સુરત: ગૃહ રાજ્યમંત્રી દ્વારા આજે રાજ્યનો સૌપ્રથમ એન્ટી નાર્કોટિસ યુનિટ શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં વધતા ડ્રગ્સનું દૂષણ નોંધપાત્ર રીતે વધી રહ્યું છે. વાસ્તવિકતા છે કે, રાજ્યના યુવાનો ડ્રગ્સના રવાડે ચડીને પોતાનું જીવન અંધારામાં ધકેલી રહ્યા છે. ડ્રગ્સનામ અંધકારમાં ધકેલી ચૂક્યા યુવાનો માટે ફરી એક વખત તમામ પ્રકારની કાઉન્સિલિંગ અને સારવાર આપવા માટેની ઝુંબેશ રાજ્યના ગૃહ વિભાગે શરૂ કરી છે. તેના ભાગરૂપે સુરતમાં પહેલી વખત એન્ટી નાર્કોટિક્સ યુનિટ તૈયાર કરવામાં આવી છે. અહીં જે પણ સારવાર લેવા માટે આવશે તે કોઈપણ વ્યક્તિની માહિતી જાહેર કરવામાં આવશે નહીં. તેમની સામે કોઈપણ પ્રકારના એક્શન પણ લેવામાં આવશે નહીં એટલે ડર્યા વગર આ યુનિટનો વધુમાં વધુ લાભ લેવા માટે રાજ્ય ગૃહમંત્રીએ આવાહન કર્યું હતું.

રાજ્ય ગૃહમંત્રીએ જણાવ્યું કે, સુરત શહેરમાં જે ક્રાઈમ થઈ રહ્યા છે તે પૈકીના સૌથી વધારે ક્રાઇમ ઉધના, પાંડેસરા, લિંબાયત જેવા વિસ્તારમાં નોંધાઈ રહ્યા છે કોઈપણ મોટી ઘટના બને ત્યારે અહીંથી ક્રાઈમ બ્રાન્ચ સુધી જવામાં સમય વેડફાતો હોય છે, જેને ધ્યાનમાં રાખીને આ વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચનું યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. અહીં અન્ય રાજ્યના લોકો પણ અહીં ખૂબ મોટી સંખ્યામાં રહે છે. તમામ લોકોએ કાયદા-વ્યવસ્થાનું પાલન કરવું જરૂરી છે અને જો તે કાયદા વ્યવસ્થાનું પાલન ન કરે તો તેને કાયદાનું ભાન કરાવવાની પણ જવાબદારી આપણી છે. ક્રાઈમ બ્રાન્ચ પાંડેસરા યુનિટના લોકાર્પણ બાદ આ વિસ્તારની અંદર પોલીસ ઝડપથી કામગીરી કરી શકે તેના માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈપણ વ્યક્તિ જાહેરમાં તલવાર લઈને નીકળતો હોય તો તે એક ડગલું પણ ચાલી ન શકે એવી રીતે પોલીસ ટ્રીટમેન્ટ આપે છે. તમે જોયા હશે કે, છેલ્લા ઘણા દિવસોથી વરઘોડા ખૂબ નીકળી રહ્યા છે અને હજી પણ શહેરના ખૂણામાં સંતાયેલા આવા સામાજિક તત્વો કે જે ગુનાહિત પ્રવૃત્તિ કરતા ડરતા નથી. તેઓને સબક શીખવાડવા માટે વરઘોડા નીકળશે જ અને નીકળતા રહેશે.
સુરતના વેસુ ખાતે નવનિર્માણ પામેલા એન્ટી નાર્કોટિક્સ (એસ.ઓ.જી.)યુનિટનું ઉદ્ઘાટન કર્યું.
રાજ્યમાં કાયદા અને વ્યવસ્થાની સ્થાપનામાં ગૃહવિભાગની પાયાની કામગીરી છે ત્યારે પોલીસ તંત્રને આધુનિક ટેક્નોલોજી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ રાખી હંમેશા નાગરિકોની સુરક્ષા કરવા માટે વધુ સુવિધા… pic.twitter.com/8HmUOcJgea
— Harsh Sanghavi (@sanghaviharsh) December 1, 2024
સામાન્ય નાગરિકો પર મોંઘવારીનો વધુ એક માર, CNG ગેસમાં ભાવ વધારો
અમદાવાદ: રાજ્ય સહિત દેશમાં દિવસેને દિવસે મોંઘવારી વધી રહી છે. ત્યારે સામન્ય નાગરિકો વધુ એક મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવશે. CNG ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત ગેસે CNG ગેસના ભાવમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. CNG ગેસમાં 1.50 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. હવેથી પ્રતિ કિલો ગેસનો નવો ભાવ 77.76 રુપિયા ચૂકવવો પડશે અને આ ભાવ વધારો આજથી જ લાગુ પડશે.

આપને જણાવી દઈએ કે ગુજરાત ગેસેને CNGના ભાવમાં કરેલો વધારો આજે 1 ડિસેમ્બરથી સમગ્ર જગ્યા પર લાગુ પડી જશે. ત્યારે નવા ભાવ મુજબ હવેથી ગુજરાતમાં 1 કિલો CNGના 77.76 રૂપિયા ચૂકવવા પડશે તો દાદરાનગર હવેલીમાં 78.66 રૂપિયા 1 કિલો CNGના ચૂકવવા પડશે. આ સિવાય પાલઘર અને થાણેમાં 78.50 રૂપિયા CNGનો ભાવ વાહન ચાલકે આપવો પડશે. ત્યારે રાજસ્થાનમાં 1 કિલોનો CNGનો ભાવ 82.31 રૂપિયા ચૂકવવો પડશે તો હરિયાણામાં CNGનો ભાવ 86.55 રૂપિયા વધીને થયો છે. જ્યારે મધ્યપ્રદેશમાં 1 કિલો CNGનો ભાવ સૌથી વધુ રૂપિયા 93.01 વધીને થયો છે.
અગાઉ ગુજરાત ગેસ કંપનીએ 4 જુલાઈએ CNGના ભાવમાં પ્રતિ કિલોએ 1 રૂપિયાનો વધારો કર્યો હતો. જેને પગલે CNGથી ચાલતા વાહન ચાલકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે ફરી 5 મહિના બાદ 1.50 રૂપિયા પ્રતિ કિલોએ CNGમાં વધારો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સહિત દેશભરમાં સીએનજીથી ચાલતા વાહનોની સંખ્યા બહોળા પ્રમાણમાં છે અને ઓટો રિક્ષા પણ મોટા પ્રમાણમાં સીએનજીથી ચાલે છે. ત્યારે સીએનજીથી ચાલતા ટ્રાન્સપોર્ટેશન વાહનોની સંખ્યા પણ સતત વધારો થઈ રહ્યો છે અને સામે સીએનજીના ભાવમાં પણ ધીરેધીરે મોટો વધારો કરવામાં આવી રહ્યો છે. જેની સીધી અસર સામાન્ય લોકો પર પડે છે અને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવે છે.
શિંદેની નારાજગી અંગેની અટકળોનો અંત, જાણો શું આપ્યું નિવેદન
મહારાષ્ટ્રમાં ભાજપને બહુમતી મળ્યા છતાં શિંદેની નારાજગીના કારણે સરકાર ગઠનમાં મોડુ થઈ રહ્યું છે તેવી અટકળો ચાલી રહી હતી. એકનાથ શિંદેને મુખ્યમંત્રી પદ ન મળવાનું હોવાથી નારાજ હોવાની અટકળો ચાલી રહી હતી. શિંદે જૂથ સતત એકનાથ શિંદેને મુખ્યંમંત્રી બનાવવાની માગ કરી રહ્યુ હતું. જેને લઈને પાર્ટીના નેતાઓ તરફથી નારાબાજી અને ટીકા-ટિપ્પણીઓ પણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ સમગ્ર બાબતનું નિરાકરણ લાવવા દિલ્હીમાં મહાયુતિની સહયોગી પાર્ટીની બેઠક યોજાઈ હતી, જેમાં ભાજપનો નેતા મુખ્યમંત્રી બનશે તેવું નક્કી થયું હતું. જ્યારબાદ એવી પણ વાત સામે આવી હતી કે, શિંદેએ ગૃહ મંત્રાલય માગ્યું પરંતુ ભાજપે ગૃહ મંત્રાલયનો ઈનકાર કરી દીધો છે. જોકે, આ વિષય બંને પાર્ટી તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નહતું.

જોકે, હવે આ તમામ અટકળોનો અંત આવી ગયો છે. એકનાથ શિંદેએ પોતાનું નિવેદન રજૂ કરી આ અટકળોનો અંત લાવ્યો છે. શિંદેએ કહ્યું કે, જે પણ મુખ્યમંત્રી બનશે તેને મારૂ સમર્થન રહેશે. એકનાથ શિંદેએ મુખ્યમંત્રી પદની રાજકીય ઘમાસાણો પર પૂર્ણ વિરામ મુકતા જણાવ્યું હતું કે, “હું મારી ભૂમિકાને લઈને ક્લિયર છું. PM મોદી અને અમિત શાહ મુખ્યમંત્રીના પદ માટે જે પણ નિર્ણય લેશે, હું મજબૂતી સાથે તેનો સાથ આપીશ. મહાયુતિમાં ત્રણેય પક્ષો વચ્ચે સમન્વય છે.” નોંધનીય છે કે, શનિવારે એનસીપીના નેતા અજિત પવારે કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભાજપનો જ હશે. આ સિવાય બે નાયબ મુખ્યમંત્રી શિવસેના અને એનસીપીમાંથી હશે. જોકે, હવે શિંદેએ ખુલીને વાત કરી છે કે, મુખ્યમંત્રી પદને લઈને વડાપ્રધાન મોદી અને અમિત શાહ નિર્ણય લેશે.
દિલ્હીમાં બેઠક પૂર્ણ થતાં જ એકનાથ શિંદે કંઈ પણ કહ્યા વિના મુંબઈમાં શિવસેનાના ધારાસભ્યની મિટીંગ રદ કરી સતારા તેમના ગામડે જતા રહ્યા હતાં. જેને લઈને એકનાથ શિંદે કંઈ નવીજૂની કરશે તેવી અટકળો ચાલી રહી હતી. જોકે, હાલ શિંદેએ સ્પષ્ટ કરી દીધું છે કે, મોદી અને અમિત શાહ જે નિર્ણય લેશે તેમાં મારૂ સમર્થન છે. જોકે, કંઈપણ કહ્યા વિના ગામડે પહોંચી જવાની અટકળો વિશે એકનાથ શિંદેએ પોતે સ્પષ્ટતા કરી છે. શિંદેએ કહ્યું કે, મારી તબિયત સારી છે. હું ગામડે આરામ કરવા આવ્યો હતો. ચૂંટણીના કામ અને અઢી વર્ષમાં રજા ન લેવાના કારણે હું આરામ કરવા આવ્યો હતો. મારી તબિયત થોડી ખરાબ હતી જે હવે સારી છે. જોકે, ગૃહ મંત્રાલયને લઈને શિંદેએ હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી.
તિરુપતિ મંદિરના પરિસરમાં રાજકીય ભાષણો પર પ્રતિબંધ
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (ટીટીડી) મંદિરમાં દર્શન અને પૂજા કર્યા પછી રાજકીય નેતાઓ સહિત કેટલીક વ્યક્તિઓ મીડિયા સામે રાજકીય અને ભડકાઉ ભાષણો આપતા હોવાની ફરિયાદ થઈ હતી. આ ભડકાઉ ભાષણોની વધતી ફરિયાદને લઈ મહત્વનો નિર્ણય કર્યો છે. મંદિરની શાંતિ અને પવિત્રતા જાળવવા ભગવાન વેંકટેશ્વર મંદિર ખાતે રાજકીય અને નફરત ફેલાવતા ભાષણો પર પ્રતિબંધ મુક્યો છે. જેના કારણે તિરુમાલાની શાંતિ જોખમમાં મુકાતા આ પગલું લેવામાં આવ્યું હતું. ટીટીડીએ સ્પષ્ટતા કરી કે, ગોવિંદા જેવા સૂત્રોચ્ચારથી સર્જાતા દિવ્ય વાતાવરણ માટે જાણીતા આ મંદિરની પવિત્રતા જળવાઈ રહેવી જોઈએ.

સૂત્રો પ્રમાણે મળતી માહિતી અનુસાર, ટીટીડીએ કડક વલણ અપનાવતા કહ્યું કે નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. મંદિરની પવિત્રતા જાળવી રાખવા લોકોને સહયોગ આપવાની અપીલ કરી છે. મંદિર પ્રશાસને તમામ ઉલ્લંઘન કરનારને કાયદાકીય કાર્યવાહીની ચેતવણી આપી છે. અગાઉ મંદિરની ઓળખ સમા લાડુના પ્રસાદમાં ભેળસેળયુક્ત ઘીના વપરાશના આરોપો બાબતે વિવાદ સર્જાયો હતો. આ દાવાએ વ્યાપક ચર્ચા જગાવી હતી તેમજ વિવિધ રાજકીય વર્તુળોમાંથી ટીકા પણ શરૂ થઈ હતી. દૈનિક સરેરાશ 60 હજાર ભક્તો જ્યાં આવે છે એવું આ મંદિર ધાર્મિક આસ્થા અને રાજકીય નિવેદનોનું કેન્દ્ર બની ગયું. નોંધનીય છે કે, જ્યારે આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ અગાઉની વાય.એસ.જગન મોહન રેડ્ડી સરકાર પર પ્રાણીની ચરબીવાળું ઘી ખરીદવાનો આક્ષેપ કર્યો હતો. ત્યારથી ઘી વિવાદ શરૂ થયો હતો. ટીડીપીએ પોતાના દાવાના સમર્થનમાં લેબના અહેવાલ પણ રજૂ કર્યા હતાં.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદની અટકળો વચ્ચે ફડણવીસે શિંદેને ફોન કર્યો
મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનચૂંટણીની સંગ્રામ પૂર્ણ થયો અને મહારાષ્ટ્રની જનતાએ મહાયુતિને પૂર્ણ બહુમતીથી રાજ ગાદી પર બેસાડવાનો નિર્ણય કર્યો છે. તેમ છતા હજુ સુધી સરકારનું ગઠન નથી થઈ શક્યું. કોને મુખ્યમંત્રીની ખુર્શી મળશે, તેને લઈને હજુ સુધી અટકળો ચાલી રહી છે. એ વાત નક્કી છે કે, ભાજપમાંથી જ કોઈ મુખ્યમંત્રી બનશે. આ અટકળોની વચ્ચે દેવેન્દ્ર ફડણવીસે એકનાથ શિંદેને ફોન કર્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે કાર્યકારી મુખ્યમંત્રી એકનાથ શિંદેની અચાનક તબિયત ખરાબ થઈ ગઈ હતી. તેમના એક સહયોગીએ જણાવ્યું કે, પોતાના મૂળ ગામ સતારામાં તેમને તાવ આવ્યો હતો. ત્યારબાદ ડૉક્ટરની ટીમે તેમની તપાસ કરી. જોકે, આજે બપોરે એકનાથ શિંદે હેલિકોપ્ટરથી થાણે પરત ફરશે. આ વાતની સૂચના મળતા જ દેવેન્દ્ર ફડણવીસે એકનાથ શિંદેને ફોન કર્યો હતો. દેવેન્દ્ર ફડણવીસે એકનાથ શિંદેએ તબિયત વિશે પૂછ્યું અને જલ્દી સ્વસ્થ થવાની શુભકામના આપી. જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલાં શિંદે દિલ્હી પહોંચ્યા હતાં અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે મીટિંગ કરી હતી. ત્યારબાદ તે મુંબઈ પરત ફર્યા અને પછી પોતાના ગામ સતારા જતા રહ્યાં. છેલ્લાં ત્રણ દિવસથી તે પોતાના ગામડે જ છે. આ દરમિયાન એવી પણ અટકળો ચાલી રહી છે કે, મુખ્યમંત્રી પદ ન મળવાથી શિંદે નાખુશ છે. આ તમામ વચ્ચે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ પાંચ ડિસેમ્બરમાં યોજાશે. મહારાષ્ટ્રમાં ભાજપના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ પણ આ વાતની પુષ્ટિ કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ભાજપના ઉમેદવાર મુખ્યમંત્રી બનશે અને નવી સરકારમાં બે નાયબ મુખ્યમંત્રી હશે. જોકે, હજુ સુધી મુખ્યમંત્રી પદ માટે નામનું સત્તાવાર એલાન કરવામાં નથી આવ્યું.
તમિલનાડુમાં ત્રાટક્યું ફેંગલ વાવાઝોડું, ત્રણના મોત
દેશમાં ફરી એક વાવાઝોડુનું સંકટ ત્રાટક્યું છે. આ વાવઝોડાને ફેંગલ નામ આપવામાં આવ્યું છે. જ્યારે આ વાવાઝોડાની અસર તમિલનાડું અને પુડુચેરીમાં વર્તાય રહ્યું છે. વાવાઝોડાની અસરને પગલે આ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ રહ્યો છે. બંને રાજ્યોમાં તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત 3 લોકોના મૃત્યુ થયાના અહેવાલ છે. જો કે, હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી 3-4 દિવસમાં વાવાઝોડું નબળું પડશે.

તમિલનાડુ અને પુડુચેરીના ચેન્નાઈ અને આસપાસના જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે રસ્તાઓ પર વાહનોના લાંબા જામ થઈ ગયા હતા. સામાન્ય જનજીવનની સાથે બસ, ટ્રેન અને ફ્લાઈટને પણ અસર થઈ હતી. બચાવ ટીમ ફેંગલ વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા. પુડુચેરીના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણીનું સ્તર 5 ફૂટ સુધી પહોંચી ગયું હતું, જેમાં ફસાયેલા લોકોને બચાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત આંધ્ર પ્રદેશના દક્ષિણ ભાગમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. ફેંગલ વાવાઝોડાની અસર SPSR-નેલ્લોર, તિરુપતિ અને ચિત્તૂર જિલ્લાના કેટલાક સ્થળોએ જોવા મળી રહી છે. કેટલાક દરિયાકાંઠાના વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે ગાજવીજની પણ શક્યતા છે. હાલમાં, પુડુચેરી અને તમિલનાડુમાં લગભગ 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.
The Cyclonic Storm “FENGAL” [pronounced as FEINJAL] over north coastal Tamil Nadu & Puducherry remained practically stationary during past 6 hours and lay centered at 0530 hours IST of today, the 1st December 2024 over the same region near latitude 12.0°N and longitude 79.8°E,… pic.twitter.com/PSVUqahgEr
— India Meteorological Department (@Indiametdept) December 1, 2024
હવામાન વિભાગની આગાહી
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, પુડુચેરી શહેરમાં ફેંગલ વાવાઝોડાના કારણે ભારે વરસાદ પડી રહ્યો છે, જ્યાં પહેલી નવેમ્બરના 19 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. વર્ષ 1995-2024 દરમિયાન છેલ્લા 30 વર્ષમાં 24 કલાકમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. નોંધનીય છે કે, તમિલનાડુ અને પુડુચેરી પર આકાશ કાળા વાદળોથી ઢંકાયેલું છે.



