Home Blog Page 1290

નિફ્ટી એક મહિનાની ઊંચાઈએઃ સેન્સેક્સ 80,000ને પાર

અમદાવાદઃ સપ્તાહના પ્રારંભે ઘરેલુ બજારમાં તેજી થઈ હતી. છેલ્લા કલાકોમાં હેવી વેઇટ શેરોમાં તેજીને કારણે સેન્સેક્સ અને નિફ્ટી તેજી સાથે બંધ થયા હતા. ઇન્ટ્રા-ડેમાં પણ નિફ્ટી 24,300ને પાર થયો હતો. બેન્ક નિફ્ટીમાં પણ 350 પોઇન્ટથી વધુની તેજી થઈ હતી. રિયલ્ટી, મેટલ શેરોમાં સૌથી વધુ તેજી તઈ હતી. મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ એક ટકાથી વધુ વધીને બંધ રહ્યા હતા.

સરકારે ATF, ક્રૂડ પ્રોડક્ટ્સ, પેટ્રોલ અને ડીઝલ ઉત્પાદનો પરથી વિન્ડ ટેક્સ ખતમ કર્યો છે. આ નિર્ણયથી સરકારના ગ્રોસ રિફાઇનિંગ માર્જિનમાં વધારો થશે. સરકારે એને જુલાઈ, 2022માં વૈશ્વિક ક્રૂડની વધતી કિંમતોને કારણે લગાવ્યો હતો. સરકારે વિન્ડ ફોલ હટાવતાં રિલાયન્સ અને ONGC શેરોમાં તેજી થઈ હતી. ટ્રેડિંગ સેશનમાં સિમેન્ટ અને ગ્રીન એનર્જી શેરોમાં તેજી થઈ હતી.

આ સાથે કિંમતોમાં વધારા પછી સિટી ગેસ કંપનીઓમાં તેજી રહી હતી. MGL અને IGLમાં પાંચ ટકાની તેજી થઈ હતી. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 446 પોઇન્ટ ઊછળીને 80,249ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 145 પોઇન્ટ ઊછળી 24,276ના મથાળે બંધ થયો હતો.  

BSE એક્સચેન્જ પર કુલ 4237 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 2509 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 1546 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 182 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 246 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 27 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.

આ મહિલા બોડી બિલ્ડરે પેશન માટે છોડ્યું ઘર

વડોદરાના ડૉ. બિનલ રાણાએ માલદિવ્સમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં ભારતનું નેતૃત્વ કર્યું છે. આ કરનારા તેઓ ગુજરાતના પ્રથમ મહિલા બોડી બિલ્ડર છે. આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં વિજેતા ન બની શકવા છતાં બોડી બિલ્ડિંગની દુનિયામાં પ્રતિષ્ઠિત ગણાતા WBPF (વર્લ્ડ બોડી બિલ્ડિંગ એન્ડ ફિઝિક્સ સ્પોર્ટ્સ ફેડરેશન)ના કેલેન્ડર પર ચમકવાનો મોકો મળ્યો છે. વર્ષ 2016થી ડૉ. બિનલ રાણા મહિલા બોડી બિલ્ડિંગની સ્પર્ધાઓમાં ભાગ લે છે. 2016થી લઈને 2024 સુધીની તેમની આ સફર જરા પણ સરળ રહી નથી.

ડૉ. બિનલ રાણા વ્યવસાયે તો કાર્ડિયો ફિઝિયોથેરાપીસ્ટ છે, પરંતુ બોડી બિલ્ડિંગ તેમની પેશન છે. એ હદ સુધી કે પોતાના પેશનને ફૉલો કરવા માટે બિનલબેને પોતાના માતા-પિતાનું ઘર પણ છોડવું પડ્યું હતું.

બિનલબેન જીમમાં જતા ત્યારે ટ્રેનર સંદીપ ચૌહાણે એમને બોડી બિલ્ડિંગના ક્ષેત્રમાં આગળ વધવાની સલાહ આપેલી. એ સમયે અને હજુ આજે પણ, કોઈ યુવતી આવીને કહે કે મારે બોડી બિલ્ડિંગના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવી છે, તો લોકોને અચરજ થાય એવો માહોલ પ્રવર્તે છે. બોડી બિલ્ડિંગની સ્પર્ધાઓમાં બિકીની પહેરવી પડે છે એ પણ મહિલાઓ માટે શરમ-સંકોચનું કારણ ખરું.

પરંતુ આ બધામાં અલગ પડતાં ડૉ. બિનલ રાણા બોડી બિલ્ડર, વુમન્સ ફિઝીક્સમાં ઍથ્લીટ તેમજ કાર્ડિયો ફિઝિયૉથૅરપિસ્ટ છે. તેમણે અમદાવાદ, મુંબઈ, ગોવા, પૂણે વગેરે શહેરોમાં યોજાયેલી અનેક બોડી બિલ્ડિંગની સ્પર્ધામાં ભાગ લીધો છે. બિનલબેન ભારતના એક માત્ર લિગલ ફેડરેશન એવા ‘ઈન્ડિયન બોડી બિલ્ડર્સ ફેડરેશન’ના સભ્ય છે. તેમજ તેમની સૌથી મહત્વની વાત એ છે કે તેઓ નેચરલ એથ્લિટ છે. બોડી બિલ્ડિંગ માટે તેઓ કોઈપણ પ્રકારના ઈનહેન્સિંગ ડ્રગ્સ( શક્તિ વધારવા માટેની દવાઓ) લેતા નથી. જેના કારણે તમે બિનલબેનને 365 દિવસ ફિટ બોડીમાં જ જોઈ શકો છો.

વુમન્સ ફિઝીક્સમાં તેમને જ્યારે મંચ પર બોડી બિલ્ડર તરીકે રજૂ થવાનું હોય ત્યારે બિકીની પહેરવી પડે છે. બિનલબેન કહે છે, “હું બિકીની પહેરું તે મારા માતા-પિતાને પસંદ ન હતું. એવી કેટલીય સ્પર્ધાઓ હશે જેમાં ભાગ લેતા સમયે મેં ઘરે જણાવ્યું ન હતું. અથવા ફક્ત એટલું જ કહ્યું હોય કે હું ફિટનેસ કૉમ્પિટીશનમાં રમવા જાઉં છું. જો કે હું આ બધી કૉમ્પિટીશન્સના ફોટો સોશિયલ મીડિયા પર મૂકતી હતી. કેમ કે મારાં માતા-પિતા સોશિયલ મીડિયા પર નથી. જો કે, એકદિવસ મારા માતાના એક બહેનપણી ઘરે આવ્યા અને તેમણે મારી માતાને કહ્યું કે તમારી દીકરી તો ખૂબ જ આગળ વધી ગઈ છે. તમે તો તેને બહુ જ છૂટ આપી દીધી છે. તે કૉમ્પિટીશનમાં બિકીની પહેરીને શરીરનું પ્રદર્શન કરે છે. આ વાત સાંભળીને મારા મમ્મીને ખૂબ ખોટું લાગ્યું હતું. તેમને થયું હતું કે મારી દીકરી આ બધું શું કરી રહી છે!

બિનલબેન કહે છે કે, આપણા સમાજમાં દરેક મા-બાપ એવું જ ઈચ્છે કે તેમના બાળકો ડોક્ટર કે એન્જિનિયર બને. કોઈપણ મા-બાપ પોતાના બાળકોને આર્ટિસ્ટ બનાવવા જ માગતા નથી. હું ભણવામાં હોંશિયાર હતી એટલે સાયન્સ સ્ટ્રિમમાં ભણીને ફિઝિયૉથેરાપિસ્ટ બની ગઈ. હવે મારા માતા-પિતાએ મને કહ્યું કે તું ફિઝિયૉથૅરપિસ્ટ છે તું આ રીતે શરીરનું પ્રદર્શન કરે તે ન શોભે. જો કે મારું મન એવું કહે છે કે આ મારો ગમતો વિષય છે અને હું બીજા રમતવીરોની જેમ મારા ફિલ્ડમાં મારું બેસ્ટ પ્રદર્શન કરું છું, જેમાં મને કોઈ શરમની વાત લાગતી નથી.

છેલ્લાં આઠ વર્ષથી બિનલબેન એકલાં જ રહે છે. શરૂઆતમાં ઘર-પરિવારથી દૂર રહેવું તેમને ખટકતું હતું. ઘરની ખૂબ યાદ આવતી હતી. જો કે ધીમે-ધીમે આદત પડી ગઈ છે. પરંતુ બિનલબેન પોતાના પેશનને વળગી રહ્યા, પોતાના નિર્ણય પર અડગ રહ્યા.

અલબત્ત, હવે તેમના માતા-પિતા તેમનાથી નારાજ નથી. પરિવાર તેમને પૂરેપૂરો સપોર્ટ કરે છે. છેલ્લે બિનલબેન આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે માલદિવ્સ જવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે તેમના પિતાએ ખૂબ જ સપોર્ટ પણ કર્યો. જો કે સંઘર્ષના દિવસો હજુ પણ બિનલબેનને ઈમોશનલ કરી દે છે.

બિનલબેનનો સંઘર્ષ હજુ પૂરો થયો નથી. તેઓ કહે છે, “લોકોએ એ સમજવાની જરૂર છે કે જેમ સ્વિમરને સ્વિમિંગ કૉસ્ચ્યુમ પહેરવા પડે છે, તેવી જ રીતે બોડી બિલ્ડિંગમાં મહિલા ખેલાડીએ બિકીની પહેરવી પડે છે. કારણ કે બિકનીમાં જ ખેલાડીનું સુડોળ શરીર સારી રીતે લોકો સમક્ષ રજૂ કરી શકાય છે. એમ તો મિસ વર્લ્ડ અને મિસ યુનિવર્સ જેવી સ્પર્ધાઓમાં પણ યુવતીઓએ બિકની રાઉન્ડમાંથી પસાર થવું જ પડે છે. તો આ અલગ-અલગ સ્પર્ધાઓની જરૂરિયાત પ્રમાણે નિયમો બનાવેલા હોય છે. જેમાં કોઈપણ પ્રકારની શરમની વાત મને લાગતી નથી.

બોડી બિલ્ડિંગ વિશે વાત કરતા એ કહે છે, બોડી બિલ્ડિંગનો અર્થ એવો નથી કે તમારી પાસે પુરુષો જેવા અત્યંત કસાયેલા મસલ્સ હોય. પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ વ્યાપક માત્રામાં હોય છે. મહિલા ખૂબ કસરત કરે તો પણ પુરુષો જેવી કસાયેલી સ્નાયુઓવાળી બોડી બનાવી શકતી નથી. પરંતુ આ દરેકની પોતાની ચોઈસની વાત છે. મને જિમમાં જઈને કસરત કરવી ગમે છે. કસાયલું શરીર, સુડોળ શરીર મને ગમે છે. બોડી બિલ્ડિંગનો ફાયદો એ છે કે તેનાથી સ્નાયુઓ વધુ મજબૂત બને છે.

બિનલ રોજ એક કલાક જિમમાં જઈને કસરત કરે છે. તે માને છે કે એક કલાકની કસરત પર્યાપ્ત છે.

બિનલબેનનું કહેવું છે કે, હું બોડી બિલ્ડિંગને એક સ્પોર્ટસ તરીકે જોઉં છું. લોકો તેને કઈ રીતે જુએ છે તે વાતની મને ખબર નથી. પરંતુ હું તો એક એક કાર્ડિયો ફિઝિયૉથેરાપિસ્ટ છું. તો મને તો ખબર છે કે સ્વસ્થ રહેવું કેટલું જરૂરી છે. કારણ કે દરેક નવા રોગની દવા ઉપલબ્ધ હોય તેવું જરૂરી નથી. જો તમારી ઈમ્યુનિટિ સારી હશે તો જ તમે કોઈપણ રોગ સામે રક્ષણ મેળવી શકો છો. આથી હું તો જિમમાં જઈને કસરત ફિટ રહેવા માટે જ કરું છું.

બોડી બિલ્ડિંગના ફિલ્ડ વિશે વાત કરતા ડૉ. બિનલ રાણા કહે છે કે આ ખૂબ જ કોસ્ટલી ફિલ્ડ છે. જેમાં વળતર કરતાં ઘરનો ખર્ચો વધુ થાય છે. જેમાં તમારો ડાયેટનો ખર્ચો થાય, ટ્રાવેલિંગનો ખર્ચો થાય, અકોમોડેશનનો ખર્ચો થાય, સ્પર્ધાઓમાં ભાગ લેવા માટેની ફીનો ખર્ચો થાય. આથી લોકો આ ફિલ્ડમાં જલ્દી આવતા નથી. હું તો એક પ્રોફેશનલ ફિઝિયૉથેરાપિસ્ટ છું એટલે મારી અર્નિંગનો સોર્સ છે. પરંતુ જો કોઈ વિચારે કે માત્રને માત્ર બોડી બિલ્ડિંગ કરીને જ જીવનનિર્વાહ ચાલે તો તે શક્ય નથી. સરકાર તરફથી આ ફિલ્ડ માટે કોઈ પ્રોત્સાહન મળતું નથી. પુરૂષોની સરખામણીમાં મહિલાઓને વળતર પણ ઓછું મળે છે. આથી સંઘર્ષ તો આ ફિલ્ડમાં ઘણો છે. પરંતુ મારા માટે તો આ માત્ર પેશન છે. જેની સાથે હું આગળ વધી રહી છું.

(રાધિકા રાઓલ – અમદાવાદ)

પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને અપાશે પ્રોટીનયુક્ત નાસ્તો

રાજ્યની સરકારી અને ગ્રાન્ટ ઇન એઈડ પ્રાથમિક શાળાઓના બાલવાટિકાથી ધોરણ ૮ સુધીના વિદ્યાર્થીઓને પી.એમ. પોષણ યોજનામાં આપવામાં આવતા બપોરના ભોજન ઉપરાંત પૌષ્ટિક અલ્પાહાર “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના” દ્વારા આપવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ‘પઢાઈ ભી, પોષણ ભી’ના ધ્યેયને સાકાર કરવા સુપોષિત ગુજરાત મિશન અંતર્ગત આ “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના” શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ નવી યોજના હેઠળ રાજ્યના વિદ્યાર્થીઓને શાળામાં શિક્ષણ કાર્ય શરૂ થાય તે પહેલા પ્રાર્થના સમયે પૌષ્ટિક અલ્પાહાર આપવામાં આવશે. પરંતુ રાજ્ય સરકાર આ યોજના ક્યારે અમલમાં લાવશે તે અંગેની માહિતી જ આપી નથી.

રાજ્યના આદિજાતિ વિસ્તારના 52 તાલુકા અને બિન આદીજાતિ વિસ્તારના 29 વિકાસશીલ તાલુકાની સરકારી અને ગ્રાન્ટ ઇન એઈડ પ્રાથમિક શાળામાં બપોરના ભોજન આપવામાં આવે છે. આ ઉપરાંત દૂધ સંજીવની યોજના હેઠળ 200 મિલિગ્રામ ફ્લેવર્ડ મિલ્ક આપવામાં આવે છે. ત્યારે  આવા 81 તાલુકાઓની 12,522 શાળાઓમાં નોંધાયેલા 15.05 લાખ વિદ્યાર્થીઓને પી.એમ. પોષણના બપોરના ભોજન પછી નાની રિસેસમાં આ પૌષ્ટિક અલ્પાહાર અપાશે. સુપોષિત ગુજરાત મિશન હેઠળ રાજ્યની પોષણલક્ષી યોજનાઓ વધુ સુદ્રઢ કરીને તેનો વ્યાપ વિસ્તારવા આ પૌષ્ટિક અલ્પાહાર યોજના શરૂ કરવામાં આવશે. રાજ્યમાં પીએમ પોષણ યોજના હેઠળ વિદ્યાર્થીઓને અપાતા કેલરી-પ્રોટીનયુક્ત ગુણવત્તાસભર બપોરના ભોજન ઉપરાંત આ નવી યોજનામાં સપ્તાહ દરમિયાન ખાંડેલા સીંગદાણા સહિતની સુખડી, ચણા ચાટ, મિક્સ કઠોળ તથા શ્રી અન્ન(મીલેટ)માંથી બનાવેલી ખાદ્ય સામગ્રી અલ્પાહાર સ્વરૂપે અપાશે. મટીરીયલ કોસ્ટ માટે 493 કરોડ રૂપિયા તથા પૌષ્ટિક અલ્પાહાર તૈયાર કરવાની કામગીરી માટે  50 ટકા માનદ વેતન વધારા કરાયો છે. તેના માટે 124 કરોડ રૂપિયા મળીને ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ માટે વાર્ષિક 617 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. પીએમ પોષણ યોજનાના સંચાલકને હવે 4500 રૂપિયાનું માસિક વેતન આપાશે. આ ઉપરાંત 26 કે તેથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓના કૂક કમ હેલ્પરને માસિક 3750 રૂપિયા. જ્યારે નાની શાળાઓ માટે વધારાના સ્ટાફ-હેલ્પરને માસિક 1500 માનદ વેતન આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાની જાહેરાત તો કરી દીધી છે. પરંતુ આ યોજના ક્યારે અમલમાં આવશે તે અંગેની કોઈ પણ તારીખની જાહેરાત કરાઈ નથી.

ભોપાલમાં શૂટિંગ એકેડમીમાં 17 વર્ષના છોકરાનો જાતને ગોળી મારી આપઘાત

મધ્યપ્રદેશ: ભોપાલમાં આત્મહત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ભોપાલની શૂટિંગ એકેડમીમાં શૂટિંગ શીખી રહેલા 17 વર્ષના છોકરાએ પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. ગોળી વાગતાં છોકરાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે મૃતકના પિતા રમત-ગમત વિભાગમાં વરિષ્ઠ અધિકારી છે.પોલીસના જણાવ્યા અનુસાર ગોળીબાર કરનારનું નામ યથાર્થ રઘુવંશી છે. યથાર્થે શોટ ગન વડે પોતાની જાતને છાતીમાં ગોળી મારી લીધી છે. આ સમગ્ર ઘટના રેસ્ટ રૂમમાં બની હતી. તેના પિતા અરુણ રઘુવંશી અશોક નગર જિલ્લાના રમતગમત અધિકારી છે.પોલીસના જણાવ્યા અનુસાર, યથાર છેલ્લા બે વર્ષથી શૂટિંગ એકેડમીમાં પ્રેક્ટિસ કરી રહ્યો હતો. આત્મહત્યાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. પોલીસને તેની પાસેથી કોઈ સુસાઈડ નોટ પણ મળી નથી. યથાર્થના પરિવારજનોના નિવેદન લીધા બાદ પોલીસ એકેડેમી સ્ટાફની પણ પૂછપરછ કરી રહી છે.

ભાજપનાં મહિલા મોરચાના પ્રમુખની આત્મહત્યા કે હત્યા?

સુરતઃ રાજ્યમાં ભાજપના એક મહિલા નેતાએ આત્મહત્યા કરતાં ખળભળાટ મચી ગયો છે. શહેરના અલથાણમાં વોર્ડ નંબર 30ના ભાજપ મહિલા મોરચાનાં પ્રમુખે પોતાના જ ઘરમાં ગળોફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. 34 વર્ષની દીપિકા પટેલે આપઘાત કરી લેતા પરિવાર સહિત ભાજપમાં શોકનો માહોલ છવાયો છે. પોલીસ તેમના મોબાઇલની કોલ ડિટેલ ચકાસી રહી છે.

ભાજપનાં મહિલા નેતાના આપઘાતની માહિતી મળતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે મહિલાના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ મોકલી આગળની તપાસ હાથ ધરી છે. જોકે મૃતકના પરિવારજનો આ આપઘાતની વાતને નકારી રહ્યા છે. પરિવાર આ ઘટનાને આત્મહત્યા નહીં, પરંતુ હત્યા જણાવી રહ્યો છે.

મૃતકના સંબંધી મિનેષ પટેલે જણાવ્યું કે તેઓ ઘણા સમયથી ભાજપના કાર્યકર્તા હતાં અને સમાજસેવિકા પણ હતાં. અમને આશંકા છે કે આ આત્મહત્યા નહીં, પરંતુ હત્યા છે. કારણ કે જ્યાં દીપિકાએ ફાંસો ખાધો હતો ત્યાં કોઈ દોરડું કે દુપટ્ટો નહોતો. પરિવારજનોમાંથી તેમના બાળકો ઘરે હતાં અને પતિ ખેતરે ગયાં હતાં. એ રૂમમાં ફક્ત સચિન વિસ્તારના કોર્પોરેટર ચિરાગ અને અન્ય એક શખસ આકાશ હાજર હતો. જો કોઈએ ફાંસો ખાધો હોય તો તે પહેલાં પોલીસને જાણ કરે, પરંતુ ચિરાગે પોલીસને બોલાવવાની બદલે દીપીકાને નીચે ઉતારી. અમને આશંકા છે કે દિપીકાની ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે, તેથી આ કેસની તપાસ કરવામાં આવે અને અમને ન્યાય મળે.

ભ્રષ્ટાચારની ભરમાર: ભૂપેન્દ્રસિંહ ઝાલાનું કૌંભાડ અને 300 કરોડનું ગુનાહિત નેટવર્ક

ઉત્તર ગુજરાતમાં મસ મોટું કૌંભાડ કરનાર BZ ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલાનું એક કાવતરુ છતું થયા બાદ હવે અનેક કારનામાઓ બહાર આવી રહ્યા છે. હવે ગ્રોમોર ચેરીટેબલ ટ્રસ્ટના નામે લોન મેળવી હતી અને ગ્રોમોર એ ભૂપેન્દ્ર ઝાલાએ શરૂ કરેલી શૈક્ષણિક સંસ્થા છે સાથે સાથે તેણે લોને મેળવીને 8 કરોડ અલગ અલગ શિક્ષકોના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા,તો બીજી તરફ 80 શિક્ષકોમાં 8 – 8 લાખ ટ્રાન્સફર કરી રોકડા લીધા હતા અને લોનના પૈસા શિક્ષકોના ખાતામાં નાખી ઉપાડતો હોવાની કરતૂત સામે આવી છે.વિદ્યાર્થીની 80 લાખની ગ્રાન્ટમાં પણ કર્યો ભ્રષ્ટાચાર.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર કૌંભાડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 300 SC-ST વિદ્યાર્થીઓની ગ્રાન્ટ પણ પડાવી લીધી હોવાની વાત સામે આવી છે. વિદ્યાર્થીઓની 75 લાખની ગ્રાન્ટ પડાવ્યાનું કૌંભાડ સામે આવ્યું છે. BZ ગ્રુપ સામે કાર્યવાહી થતા અન્ય ઈન્વેસ્ટમેન્ટ પેઢીના સંચાલકો પણ ગાયબ છે, હિંમતનગરમાં 26 નવેમ્બરથી અનેક પેઢીઓના શટર ડાઉન થઈ ગયા છે. હિંમતનગર, તલોદ અને મોડાસામાં પેઢીઓને તાળા લાગ્યા છે, AR ગ્રુપની પેઢીઓ સતત સાતમા દિવસે બંધ હાલતમાં જોવા મળી છે. અજય અને રાજુ નામના સંચાલકો ચલાવતા હતા AR ગ્રુપ. AR ગ્રુપમાં 250થી 300 કરોડ રૂપિયાના રોકાણની સંભાવના છે, તો સહકારી જીન વિસ્તારમાં આવેલી ઓફિસને તાળા લાગ્યા છે. પોલીસ પણ આવા ફરાર આરોપીઓને શોધી રહી છે અને પોલીસે ફરિયાદ પણ નોંધી છે. અનેક શિક્ષકો પણ ફરાર થઈ ગયા છે અને પેઢીઓને તાળા લાગી ગયા છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા માત્ર 30 વર્ષનો છે અને અપરિણીત છે. ભૂપેન્દ્રસિંહ સૌથી પહેલા લોકોમાં ચર્ચામાં આવ્યો તે ઘટના હતી ગત લોકસભા ચૂંટણી. જેમાં ભૂપેન્દ્રસિંહે ભાજપના કાર્યકર હોવા છતાં ટિકિટ નહીં મળતા સાબરકાંઠા લોકસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી. જો કે ચૂંટણી લડવાને બદલે તેઓએ ઉમેદવારી પરત ખેંચી લીધી. તેમજ મોડાસામાં યોજાયેલી એક સભામાં ભાજપના એક મોટા ગજાના નેતાએ એમ પણ કહ્યું હતું કે મારા કહેવાથી ભૂપેન્દ્રએ ફોર્મ પરત ખેંચ્યું છે.

શેખ હસીનાએ 15 વર્ષમાં, દર વર્ષે 16 બિલિયન ડોલરની ચોરી કરી?

બાંગ્લાદેશ: દેશની વચગાળાની સરકારે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને લઈને એક આશ્ચર્યજનક રિપોર્ટ રજૂ કર્યો છે. જે અનુસાર, શેખ હસીનાના 15 વર્ષના શાસન દરમિયાન દેશમાંથી દર વર્ષે સરેરાશ 16 અબજ ડૉલરની ચોરી થતી હતી.વચગાળાની સરકારના વડા પ્રધાન મુહમ્મદ યુનુસે અહેવાલ રજૂ કરનારી સમિતિની રચના કરી હતી. અહેવાલ સામે આવ્યા બાદ મુહમ્મદ યુનુસે એક નિવેદનમાં કહ્યું, ‘શેખ હસીનાએ અર્થતંત્રને કેવી રીતે લૂંટ્યું તે જાણીને અમારું લોહી ઉકળે છે. દુઃખની વાત એ છે કે તેઓએ ખુલ્લેઆમ લૂંટ કરી અને આપણામાંથી મોટાભાગના લોકો તેનો સામનો કરવાની હિંમત કરી શક્યા નથી. આ રિપોર્ટ દર્શાવે છે કે અર્થવ્યવસ્થાની વર્તમાન સ્થિતિ શું છે.’

કેનેડામાં સાત લાખ વિદેશી વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં

નવી દિલ્હીઃ કેનેડાની ટ્રુડો સરકારના એક નિર્ણયને પગલે વિદેશી વિદ્યાર્થીઓનું ભવિષ્ય અદ્ધરતાલ છે. આશરે  સાત લાખ વિદેશી વિદ્યાર્થીઓએ આગામી વર્ષે કેનેડા છોડવું પડે એવી શક્યતા છે.  વર્ષ 2025માં 50 લાખ હંગામી પરમિટ ખતમ થઈ રહી છે,. જેમાંથી 7 લાખ પરમિટ વિદ્યાર્થીઓના છે અને કડકાઈને પગલે આ વિદ્યાર્થીઓને ફરીથી પરમિટ મળવામાં સમસ્યા થઈ શકે છે.

જોકે કેનેડાના ઈમિગ્રેશન ઓથોરિટીને આશા છે કે પરમિટ ખતમ થયા બાદ મોટા ભાગના પ્રવાસી વિદ્યાર્થીઓ કેનેડા છોડી દેશે. કેનેડાના ઈમિગ્રેશન મંત્રી માર્ક મિલરે આ અઠવાડિયાની શરૂઆતમાં જાણકારી આપી હતી. આ 50 લાખ પરમિટોમાંથી સાત લાખ પરમિટ વિદેશી વિદ્યાર્થીઓની છે, જે હાલમાં જ ટ્રુડો સરકારના પ્રવાસી વિરોધી નીતિઓને કારણે પડકારોનો સામનો કરી રહ્યા છે. સરકારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની પરમિટની સંખ્યા ઘટાડવાનો નિર્ણય લીધો છે.

કેનેડાના પ્રવાસી વિભાગના આંકડાઓ મુજબ મે, 2023 સુધી 10 લાખથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ કેનેડામાં હતા. તેમાંથી 3,96,235 પાસે 2023ના અંત સુધી પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ હતી, જે સંખ્યા 2018ની તુલનાએ ત્રણ ગણી વધુ છે. કેનેડાએ 2024માં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી પરમિટમાં 35 ટકાનો ઘટાડો કર્યો છે.  હવે ટ્રુડો સરકારની 2025માં તેમાં 10 ટકા વધુ ઘટાડો કરવાની યોજના કરી છે.

જોકે ટ્રુડોની આ દાનતનો તેમના જ દેશમાં વિરોધ થઈ રહ્યો છે. કન્ઝર્વેટિવ નેતા પિયરે પોલીવરેએ PM જસ્ટિન ટ્રુડોની નીતિઓની ટીકા કરતાં કહ્યું હતું કે તેનાથી હંગામી નિવાસીઓ માટે અનિશ્ચિતતા પેદા થઈ છે અને દેશને તેનાથી કોઈ ફાયદો પણ થઈ રહ્યો નથી. આ સાથે એમ પણ કહ્યું હતું કે વર્ષ 2025ના અંત સુધીમાં લગભગ 50 લાખ અસ્થાયી રહીશોએ દેશ છોડવો પડી શકે છે.

 

ગોવિંદાએ કૃષ્ણા અભિષેક સાથેના ઝઘડા પર પહેલી વાર ખુલીને કરી વાત

મુંબઈ: અભિનેતા ગોવિંદા હાલમાં જ ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’માં પહોંચ્યા હતા જ્યાં ચંકી પાંડે અને શક્તિ કપૂર પણ શોમાં મસ્તી કરતા જોવા મળ્યા હતા. ઉપરાંત, બોલિવૂડના હીરો નંબર વન તેના ભત્રીજા કૃષ્ણા અભિષેક સાથેના લાંબા સમયથી ચાલી રહેલા ઝઘડા પર પહેલીવાર ખુલીને વાત કરી. સાત વર્ષ સુધી ચાલેલા આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે ગોવિંદા અને તેની પત્ની સુનીતા આહુજાએ કોમેડી શોમાં ક્રિષ્ના દ્વારા કરવામાં આવેલી મજાક સામે વાંધો ઉઠાવ્યો. જ્યારે ક્રિષ્નાની પત્ની કાશ્મીરા શાહ પણ આ મામલામાં સામેલ થઈ ત્યારે સ્થિતિ વણસી હતી. જેના કારણે તેમનું સોશિયલ મીડિયા વોર શરૂ થઈ ગયું.

 (Photo: IANS)

ગોવિંદા અને કૃષ્ણા અભિષેક 7 વર્ષ પછી સાથે જોવા મળ્યા
પરિવારના સંબંધો વર્ષોથી વણસેલા રહ્યા હતા, પરંતુ ગોવિંદા અને ક્રિષ્નાએ આખરે તેમના મતભેદોને બાજુ પર રાખીને સમાધાન કરવાનું નક્કી કર્યું. ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’ના તાજેતરના એપિસોડમાં, જ્યાં ગોવિંદા શક્તિ કપૂર અને ચંકી પાંડે સાથે ખાસ મહેમાન તરીકે દેખાયા હતા. આ દરમિયાન તેણે એવી ઘટનાઓ વિશે જણાવ્યું કે જેના કારણે તેમની લડાઈ થઈ અને તે બધું કેવી રીતે શરૂ થયું.

ગોવિંદાએ કૃષ્ણ સાથેની લડાઈનું સાચું કારણ જણાવ્યું
ગોવિંદાએ કહ્યું, ‘આ ખૂબ જ રમુજી વાર્તા છે, જેના કારણે અમે લડ્યા, હવે હું સત્ય કહીશ… એક દિવસ હું ખૂબ ગુસ્સે થયો હતો. મેં પૂછ્યું કે આ સંવાદો કોણ લખે છે? આ સાંભળીને મારી પત્ની સુનીતાએ કહ્યું,’આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રી આવું કરે છે. કૃષ્ણને કંઈ બોલશો નહીં. તે પૈસા કમાઈ રહ્યો છે અને તેને તેનું કામ કરવા દો. કોઈને રોકશો નહીં, કોઈને ખોટું બોલશો નહીં. બાળકો આ સમજી શક્યા નહીં અને ઝઘડો થયો. તેથી હું કહેવા માંગુ છું, તમે તેણીને માફ કરશો, તે દરેકને પ્રેમ કરે છે.’

કૃષ્ણાએ ગોવિંદાની માફી માંગી
કૃષ્ણાએ જવાબ આપ્યો, ‘હા, હા, હું પણ તેને પ્રેમ કરું છું. જો મેં આવી ખોટી ભાવનાથી કોઈ મજાક કરી હોય તો માફ કરશો, હું તમને ખૂબ પ્રેમ કરું છું. તેણે આગળ કહ્યું, ‘મારા મામા સાથે આ સ્ટેજ શેર કરીને આજે મારા સાત વર્ષના વનવાસ પૂરા થયા છે. મને લાગે છે કે તે શ્રેષ્ઠ ક્ષણોમાંની એક છે. બધા આની પણ અપેક્ષા રાખતા હતા.

સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી

મુંબઈ: પ્રખ્યાત કન્નડ અભિનેત્રી શોભિતા શિવન્ના ટેલિવિઝન અને ફિલ્મો બંનેમાં તેના ઉત્તમ કામ માટે જાણીતી છે. તેણીએ આત્મહત્યા કરી લીધી છે. તે રવિવારે હૈદરાબાદના કોંડાપુરમાં તેના ઘરે મૃત હાલતમાં મળી આવી હતી. 30 વર્ષીય અભિનેત્રીએ ગઈકાલે 30 નવેમ્બરે મોડી રાત્રે પોતાનો જીવ લીધો હતો, જેણે તેના મૃત્યુના સમાચાર સાંભળ્યા પછી કન્નડ મનોરંજન ઉદ્યોગ અને તેના ચાહકોમાં હલચલ મચાવી દીધી હતી. કર્ણાટકના હાસન જિલ્લાના સકલેશપુરની રહેવાસી શોભિતા પરિણીત હતી અને છેલ્લા બે વર્ષથી હૈદરાબાદમાં રહેતી હતી. અભિનેત્રીના મૃત્યુના સમાચાર સાંભળ્યા પછી, તેના નજીકના લોકો અને ચાહકો તેને શ્રદ્ધાંજલિ આપતા પોસ્ટ્સ સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે.

પ્રખ્યાત અભિનેત્રીએ આત્મહત્યા કરી

ANI અનુસાર, જ્યારે કન્નડ અભિનેત્રી શોભિતા શિવન્નાએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી ત્યારે ત્યાં કોઈ નહોતું. પોલીસને ફરિયાદ મળતાં આ કરુણ ઘટના પ્રકાશમાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચ્યા બાદ તેઓએ અભિનેત્રીનો મૃતદેહ બહાર કાઢ્યો અને તપાસ શરૂ કરી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગાંધી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે. તેમના દુઃખદ અવસાન પાછળના કારણો હજુ સ્પષ્ટ થયા નથી.

શોભિતા શિવન્નાના અંતિમ સંસ્કાર

અભિનેત્રીના આત્મહત્યા કેસની તપાસ ચાલી રહી છે. તેમના મૃત્યુનું સાચું કારણ તેમના પોસ્ટમોર્ટમ બાદ જ જાણી શકાશે. તમને જણાવી દઈએ કે શોભિતા શિવન્નાને અંતિમ સંસ્કાર માટે બેંગલુરુ લઈ જઈ શકે છે. શોભિતા શિવન્ના કન્નડ ઈન્ડસ્ટ્રીમાં જાણીતો ચહેરો હતો. તેણે ‘ઈરાડોન્ડલા મૂરુ’, ‘એટીએમ: મર્ડરનો પ્રયાસ’, ‘ઓંધ કાથે હેલા’, ‘જેકપોટ’ અને ‘વંદના’ સહિત ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું. તે ‘બ્રહ્મગંતુ’ અને ‘નિન્નિંદલે’ જેવી ટીવી સિરિયલોમાં મુખ્ય ભૂમિકા ભજવતી જોવા મળી હતી.

30 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું

શોભિતા શિવન્ના, જે સકલેશપુર, હાસન, કર્ણાટકની છે, તેણે કન્નડ મનોરંજન ઉદ્યોગમાં પોતાની આગવી ઓળખ બનાવી હતી. તેમની સફર એક ટેલિવિઝન એન્કર તરીકે શરૂ થઈ હતી. થોડા સમય પછી, તેનું નસીબ ચમક્યું અને તે અભિનેત્રી બની ગઈ. તે ‘ગલીપતા’, ‘મંગલા ગોવરી’, ‘કોગીલે’, ‘ક્રિષ્ના રુક્મિણી’, ‘દીપાવુ નિનાદે ગલીયુ નિનાદે’ અને ‘માનદેવરુ’ જેવી લોકપ્રિય ટીવી સિરિયલોમાં તેની ભૂમિકાઓ માટે જાણીતી હતી. શોભિતાના અકાળે અવસાનથી કન્નડ ફિલ્મ અને ટેલિવિઝન જગતને આઘાત લાગ્યો છે.