Home Blog Page 1294

યુવાન વડીલ

તાજેતરમાં જેમની 39મી પુણ્યતિથિ ગઈ એ સંજીવકુમાર યુવાવસ્થામાં ઓલ્ડ એજના રોલ ખૂબ ભજવતા. કહો કે એમને આવી ભૂમિકા ભજવવાનું ગમતું. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એ આ માટે એ જાણીતા હતા. કિશોરાવસ્થામાં બ્લેક એન્ડ વ્હાઈટ ટેલિવિઝન પર ‘ફૂલ ખીલે હૈ ગુલશન ગુલશન’ કાર્યક્રમમાં સંજીવકુમારની મુલાકાત જોયાનું સ્મરણ છે. સંચાલક તબસ્સુમે આ ટોપિક છેડેલોઃ “આટલી યંગ એજમાં તમને વૃદ્ધોના રોલ ભજવવાનું કેમ ગમે છે?”

સંજીવકુમારે આનો શું જવાબ આપેલો? એ પછી… પહેલાં આ વાંચોઃ

બેએક દિવસ પહેલાં નેટફ્લિક્સ પર અનુપમ ખેરને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ‘વિજય 69’ જોઈ. ફિલ્મમાં ચંકી પાંડે પણ છે. આ ફિલ્મ આપણને હસાવે છે, એના કલાકારોને બિરદાવવા પ્રોત્સાહિત કરે છે, જીવનમાં કશુંક કરી બતાવવાની પ્રેરણા આપે છે અને દોસ્તીની હૂંફના પ્રેમમાં પાડે છે. 69 પાર કરી ગયેલા વિજય મેથ્યુ (અનુપમ ખેર) ઉંમરના આ પડાવ પર ટ્રાયથ્લૉનમાં ભાગ લેવાની જિદ પકડે છે. આમાં એમણે દોઢ કિલોમીટર તરવાનું છે, ચાળીસ કિલોમીટર સાઈકલ ચલાવવાની છે અને દસ કિલોમીટર દોડવાનું છે.

ડિરેક્ટર અક્ષય ઓબેરોયે સંવેદનશીલતાથી ફિલ્મ સર્જી છે, લેખન સારું છે. ફિલ્મનો એક સંવાદ રિટાયરમેન્ટ એટલે પૂર્ણવિરામ એવું સમજતા વડીલોને નવેસરથી વિચારવા મજબૂર કરે છે. વિજય મેથ્યુ કહે છેઃ “69નો થયો એટલે શું સપનાં જોવાનું બંધ કરી દઉં? સવારે ઊઠીને છાપું વાંચું? વૉક પર જાઉં ને રાતે દવા લઈને ઊંઘી જાઉં?” લગ્નસરામાંથી સમય મળે તો જરૂર જોઈ કાઢજો.

આ ફિલ્મના સંદર્ભમાં અનુપમ ખેરને સવાલ થયો કે “પરદા પર તમે જે ઉંમરના હો એ જ ઉંમરનું પાત્ર ભજવવાથી કોઈ ફરક પડે ખરો?”

જવાબમાં અનુપમજી કહે છેઃ “કદાચ આવું મેં પહેલી વાર કર્યું હશે. ‘સારાંશ’માં મેં 65 વર્ષના નિવૃત્ત, વયોવૃદ્ધ શિક્ષક વી.વી. પ્રધાનની ભૂમિકા ભજવી ત્યારે મારી ઉંમર હતી 28 વર્ષ. ઘણાએ મને ના પાડેલી, પણ કંઈ કરવું હોય તો જોખમ લેવું પડશે એમ માનીને મેં ડિરેક્ટર મહેશ ભટ્ટને હા પાડી. ફિલ્મ, મારું પાત્ર ખૂબ વખણાયાં. ‘વિજય 69’માં મારું પાત્ર દિલથી 28 વર્ષનું જ છે. આમ એક આખું ચક્ર પૂરું થવા જેવું થયું. અક્ષય (ડિરેક્ટર) જ્યારે વાર્તા સંભળાવવા આવ્યો ત્યારે હું 68નો હતો, જ્યારે મારા પાત્રની ઉંમર 69 હતી.” કહેવાનો અર્થ યુવાવસ્થામાં વૃદ્ધની ભૂમિકા ભજવવી પડકાર રૂપ છે.

-અને હવે સંજીવકુમાર. એમણે 36-37 વર્ષની વયે રૂપેરી વિગ લગાવીને, શાલ ઓઢીને એ ઠાકૂર બલદેવસિંહ બન્યા. તે પછી તો ‘મૌસમ,’ ‘આંધી,’ ‘દેવતા,’ ‘ત્રિશૂલ,’ ‘વિધાતા’ વગેરે ફિલ્મોમાં એમણે વૃદ્ધની ભૂમિકા ભજવી. ‘ફૂલ ખીલે હૈ ગુલશન ગુલશન’માં તબસ્સુમે આ વિશે સવાલ કર્યો ત્યારે એમણે જવાબ આપ્યોઃ “હકીકત એ છે કે વાસ્તવિક જીવનમાં હું વૃદ્ધ થવાનો નથી કેમ કે પચાસની આગળ હું જીવવાનો જ નથી. એટલે પરદા પર તો વૃદ્ધ બનવાનો અનુભવ લઈ લઉં.”

હા, એ હકીકત છે કે જરીવાલાપરિવારમાં કોઈ પુરુષ પચાસથી વધુ જીવ્યા નથી. શાંતાબહેન અને જેઠાલાલને પાંચ સંતાન. પહેલી દીકરીનું જન્મ સમયે મૃત્યુ. તે પછી હરિ, કિશોર, ગાયત્રી, નિકુલ. ત્રણે ભાઈના પિતા જેઠાલાલની જેમ હૃદયરોગથી અવસાન થયાં. એ પણ પચાસની અંદર.

1985ની 6ઠ્ઠી નવેમ્બરે સંજીવકુમારનું 47 વર્ષની વયે અવસાન થયું.

તાપીના તટેથી, સુરતથી નીકળેલા સંજીવકુમાર બહુ મોટા ઍક્ટર બન્યા, લખલૂટ પ્રસિદ્ધિ-પૈસા મેળવ્યા. પોતાના પરિવારનો ઈતિહાસ જાણતા હોવા છતાં એ કેમ પોતાના શરીરની કાળજી ન લઈ શક્યા? અમેરિકાની આધુનિક સાધનસગવડથી સજ્જ હૉસ્પિટલમાં હાર્ટસર્જરી કરાવેલી. તેમ છતાં એ શા માટે શરીર પ્રત્યે આટલા બેદરકાર રહ્યા? શા માટે આટલા વહેલા જતા રહ્યા?

છે કોઈની પાસે જવાબ?

વ્યસ્ત જીવનમાં સરળતા તથા સંતુષ્ટી કેવી રીતે મેળવવી?

રાજયોગના અભ્યાસ દ્વારા મન તથા કર્મેન્દ્રિયો હલકા બની જાય છે. જેવી રીતે મશીનનો સતત ઉપયોગ કરવાથી તે ગરમ થઈ જાય છે તથા તેમાંથી અવાજ આવવા માંડે છે. આવા સમયે આપણે મશીનને બંધ કરીને ગ્રીસ-ઓઇલ વગેરે પૂરીએ છીએ, જેથી તે સારું થઈ જાય છે. જો આપણે કહીએ કે મારી પાસે સમય નથી, તો મશીન બગડી જશે.

આજ વાત મન પર લાગુ પડે છે. જો આપણે કહીએ કે મારી પાસે શરીરથી ન્યારા થવાનો કે શાંત થવાનો સમય નથી તો તે લાપરવાહી આપણને નુકસાન પહોંચાડશે. આવી અવસ્થામાં આપણે વ્યસ્ત તો દેખાઈશું પરંતુ આપણી કામ કરવાની ક્ષમતા ઘટી જશે. વ્યસ્ત રહેવું એ સારી વાત છે પરંતુ તેની સાથે સાથે સરલ, પ્રસન્ન, શાંત, સંતુષ્ટ તથા સફળ કેટલા રહીએ છીએ તે બાબત પણ અગત્યની છે.

રાજયોગના અભ્યાસથી વ્યસ્ત જીવન પણ સરલતા તથા સંતુષ્ટતાથી ભરાઈ જાય છે. રાજયોગ વ્યસ્ત જીવનને પણ પ્રભાવશાળી તથા સફળ બનાવી દે છે. રાજયોગના અભ્યાસથી વ્યક્તિની અંદર પણ કાનૂન પ્રક્રિયા અસરકારક બની જાય છે જેનાથી તે બહારના કાયદાઓનું નિયમ પૂર્વક પાલન કરે છે. અંદરની પ્રક્રિયામાં આત્મા રાજાના રૂપમાં હુકમ કરે છે અને સૂક્ષ્મ શક્તિઓ મન, બુદ્ધિ, સંસ્કાર અને સ્થૂળ કર્મેન્દ્રિયો આંખ, કાન, હાથ…… તેનું પાલન કરે છે. આત્માનો અવાજ જેટલો વધુ મજબૂત હોય છે, બધી કર્મેન્દ્રિયો તેટલી જ તત્પરતા થી તેનું પાલન કરે છે. જો આત્માનો અવાજ નબળો હશે તો કર્મેન્દ્રિયો આત્મા ઉપર કંટ્રોલ કરે છે. આવા સમયે આત્માને શક્તિ જોઈએ કે જેથી તે કર્મેન્દ્રિયો ઉપર રાજ્ય કરી શકે. આ શક્તિ તેને શક્તિઓના સાગર પરમાત્મા પિતા સાથે સંબંધ જોડવાથીજ પ્રાપ્ત થાય છે. આ સંબંધને રાજયોગ કહેવામાં આવે છે.

રાજયોગના અભ્યાસથી ચહેરા ઉપર તેજ દેખાય છે તથા ઈશ્વરીય આનંદ મળે છે. જે કારણે આત્મા સાંસારિક, થોડા સમયના સુખોથી મુક્ત થઈ જાય છે. આવી શક્તિશાળી આત્મા જ બહારના જગતના કાયદાઓનું પાલન કરતા કરતા ઈશ્વરીય વરસાને પ્રાપ્ત કરે છે.

કેટલાક દિવસો પહેલા શાંતિવન, આબુરોડથી લગભગ 3-4 કિલોમીટરના અંતરે એક દુર્ઘટનામાં બે યુવકોના મૃત્યુ થયા. સ્થાનિક સમાજ સેવકોએ તરત નેત્ર બેંકની સૂચના આપી. ડોક્ટરોના સહયોગથી કોઈ અન્યની અંધકારની દુનિયાને રોશન કરવા માટે નેત્રોને સાચવીને રાખવામાં આવ્યા. વિજ્ઞાનની મદદથી તેમના વિવિધ અંગદાનની પ્રક્રિયા સત્ય બની શકી. આ વાતથી એ સિદ્ધ થાય છે કે એ માન્યતા ખોટી હતી કે મનુષ્યના મૃત્યુ બાદ તેનું શરીર કોઈ કામનું નથી.

વૈજ્ઞાનિક શોધ માટે પણ ઘણી વ્યક્તિઓ પોતાના શરીરનું દાન જીવતા જીવત કરી દે છે. અંગ દાનની આ પ્રક્રિયા દ્વારા ઘણા મહત્વપૂર્ણ વિચારો મનમાં ઉત્પન્ન થાય છે.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)

બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના ઘરે EDના દરોડા

મુંબઈઃ બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી અને રાજ કુંદરાના ઘરે EDએ દરોડા પાડ્યા છે. EDએ મોબાઇલ એપ્લિકેશન દ્વારા અશ્લીલ સામગ્રીના પ્રોડક્શન અને ડિસ્ટ્રિબ્યુશનથી જોડાયેલી મની લોન્ડરિંગ તપાસના સિલસિલામાં દરોડા પાડ્યા છે.

શું છે મામલો?

​​​​​​રાજ કુંદ્રાની જૂન, 2021માં ‘અશ્લીલ’ ફિલ્મો બનાવવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. ફેબ્રુઆરી, 2021માં પોર્નોગ્રાફિક કન્ટેન્ટ બનાવવા અને તેને એપ પર પ્રકાશિત કરવાના આરોપમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં રાજ કુંદ્રાને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો હતો. રાજને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. બે મહિના જેલમાં વિતાવ્યા બાદ સપ્ટેમ્બર, 2021થી તે જામીન પર છે.

પ્રાપ્ત માહિતી મુજબ આ મામલામાં EDની ટીમ કુલ 15 જગ્યાઓ પર દરોડા પાડી રહી છે. વાસ્તવમાં, આ કેસમાં દેશમાં જે રૂપિયા એકઠા થયા હતા, તે આ વિડિયો દ્વારા વિદેશમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ રીતે મોટી રકમ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવી હતી અને હવે ED દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

રાજે પોર્ન કંપનીમાં 10 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. મુંબઈ ક્રાઇમ બ્રાંચના મતે રાજ વિરુદ્ધ ફેબ્રુઆરી, 2021માં કેસ કરવામાં આવ્યો હતો. રાજે પોર્ન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 8-10 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. રાજ તથા બ્રિટનમાં રહેતા તેના ભાઈએ કેનરિન નામની કંપની બનાવી હતી. ભારતમાં વિડિયો શૂટ કરીને વી ટ્રાન્સફર (આ એક ફાઇલ ટ્રાન્સફર સર્વિસ)ના માધ્યમથી કેનરિનને મોકલવામાં આવતો હતો. રાજે આ કંપની બનાવી હતી અને વિદેશમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેથી ભારતના સાઇબર લોથી બચી શકાય.

મોડી રાત્રે અમિત શાહની દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે સાથે મુલાકાત

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિની જંગી જીત બાદ હવે મુખ્યમંત્રીના ચહેરા પર અંતિમ નિર્ણય લેવાનો છે. જો કે એ વાત લગભગ નક્કી છે કે એકનાથ શિંદે ફરીથી સીએમ બનવાના નથી. તેના બદલે હવે એકનાથ શિંદેએ ભાજપ હાઈકમાન્ડ પાસે મોટી માંગ કરી છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહને મળ્યા બાદ એકનાથ શિંદેએ શિવસેનાનો પક્ષ રજૂ કર્યો અને 12 મંત્રીઓના પદની સાથે વિધાન પરિષદના અધ્યક્ષ પદની માંગણી કરી.

કહેવામાં આવી રહ્યું છે કે એકનાથ શિંદેએ ઘણા મહત્વપૂર્ણ વિભાગોની માંગણીઓ કરી છે. તે જ સમયે, શિંદેએ અમિત શાહને અનુરોધ કર્યો છે કે તેઓ પાલક મંત્રીની જવાબદારી ફાળવતી વખતે શિવસેના પ્રત્યે યોગ્ય સન્માન જાળવી રાખે.

ગુરુવારે (28 નવેમ્બર) મોડી રાત્રે અમિત શાહ સાથે થયેલી બેઠકમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી પદને લઈને કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હતો. જો કે, એવું લાગે છે કે ભાજપે એકનાથ શિંદેને મનાવી લીધા છે, કારણ કે કાર્યકારી મુખ્યમંત્રીએ અમિત શાહમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે શિવસેના માત્ર મહાયુતિની સાથે છે.

નોંધનીય છે કે શિવસેના પ્રમુખ એકનાથ શિંદે, બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસ, એનસીપી ચીફ અજિત પવાર અને અન્ય મહાગઠબંધન નેતાઓ ગુરુવારે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને મળ્યા હતા. બેઠક બાદ શિંદે, ફડણવીસ અને અજિત પવાર દિલ્હીથી રવાના થયા હતા.

અમિત શાહને મળવા પર એકનાથ શિંદેએ શું કહ્યું?

ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા એકનાથ શિંદેએ કહ્યું, “મેં પ્રેસ કોન્ફરન્સમાં મારી ભૂમિકા સ્પષ્ટ કરી દીધી હતી કે મહાયુતિના મુખ્યમંત્રીને લઈને કોઈ અવરોધ નથી. આ ‘લાડલાભાઈ’ દિલ્હી આવ્યા છે અને ‘લાડલા ભાઈ’ મારા માટે છે. તે અન્ય કોઈપણ પદ કરતાં ઉચ્ચ પદ છે.” તમને જણાવી દઈએ કે, ગત બુધવારે એકનાથ શિંદેએ કહ્યું હતું કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દરેક નિર્ણયને સ્વીકારવા તૈયાર છે. જેમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદને લગતા નિર્ણયનો પણ સમાવેશ થાય છે.

એકનાથ શિંદેએ મુંબઈમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે,”મેં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહ્યું છે કે જો મારી હાજરી મહારાષ્ટ્રમાં સરકાર બનાવવામાં કોઈ અડચણ ઊભી કરે છે, તો નિર્ણય લેવામાં કોઈ સંકોચ ન રાખવો જોઈએ. તમે જે પણ નિર્ણય લેશો, તે મને સ્વીકાર્ય હશે.”

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૨૯ નવેમ્બર ૨૦૨૪

Chitralekha Gujarati – 09 December, 2024

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા શું કરવું?

પ્રશ્ન: તમારા છેલ્લા લેખ દ્વારા અમને પ્રોટીન અને એના મહત્ત્વ વિશેની જાણકારી મળી. મારો સવાલ એ છે કે અગર પ્રોટીન વધારે પ્રમાણમાં લેવામાં આવે તો એ નુકસાન કરી શકે?

– ધાર્મિક પંડિત (પુણે)

ઉત્તર: અત્યારના યુવાનોમાં હાઈ પ્રોટીન ધરાવતો આહાર લેવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, કારણ કે પ્રોટીન એ મસલ્સ બનાવવા એટલે કે મજબૂત કરવાનું કામ કરે છે. ઘણા યુવાનો ઍબ્સ ડેવલપ કરવા માટે સારી ક્વૉલિટીનું પ્રોટીન કે અમુક પ્રકારનાં પ્રોટીન સપ્લિમેન્ટ્સ પણ લઈ રહ્યા છે, જેનો સમજ્યા વગરનો અતિરેક પ્રોટીનનું પ્રમાણ વધારી શકે છે. આરડીએ  એટલે કે રેકમેન્ડેડ ડાયેટરી એલાઉન્સના જણાવ્યા મુજબ, અગર તમારું વજન 70 કિલો છે તો તમારી પ્રોટીનની રોજિંદી જરૂરત 56થી 70 ગ્રામ જેવી ગણી શકાય.

એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે વધુ સમય સુધી વધારે પડતું પ્રોટીન લેવામાં આવે તો એની આડઅસર ચોક્કસ થઈ શકે. પાચનતંત્ર તથા કિડનીને લગતી તકલીફો, કબજિયાત (કોન્સ્ટિપેશન), વજનમાં વધારો, થાક, કામ કરવામાં આળસ, માથાનો દુખાવો, અવારનવાર પેશાબની ખણ, વગેરે સામાન્ય લક્ષણોથી લઈને કૅન્સર અને હાર્ટ અટેક જેવી ગંભીર અસર સુદ્ધાં પ્રોટીનના વધુ ઈન્ટેકથી જોવા મળી શકે છે. આથી જ વ્યવસ્થિત માર્ગદર્શન વગર હાઈ પ્રોટીન ડાયેટ ન લેવો એ જ સલાહભર્યું છે.

પ્રશ્ન: થોડા વખતથી મેનોપોઝ પિરિયડ શરૂ થવાને કારણે કોઈ પણ પ્રવૃત્તિ કરવામાં સ્ફૂર્તિ આવતી નથી, આળસ આવે છે. એ જ કારણે મારું વજન પણ વધી રહ્યું છે. આવા સમયે બૉડી મેઈન્ટેન કરવા શું કરવું જોઈએ?

– કોમલ દવે (અમદાવાદ)

ઉત્તર: મેનોપોઝલ પિરિયડ દરેક સ્ત્રી માટે કપરો હોય છે. લગભગ 42થી 50 વર્ષની વચ્ચેનો સમયગાળો મેનોપોઝલ પિરિયડ ગણાય છે. આ સમયે શારીરિક બદલાવ તેમ જ માનસિક બદલાવ પણ આવે છે.

માસિક અનિયમિત થવાથી કે બંધ થવાથી વજન વધવું, આંખ નબળી પડવી, શરીરમાં દુખાવો જેવી અસર શરીરમાં વર્તાય. સાથે સાથે નિરાશાની લાગણી, આત્મવિશ્ર્વાસમાં અચાનક ઘટાડો, યાદશક્તિ ઓછી થવી, ગરમી વધુ લાગવી જેવા ફેરફાર પણ આ સમયે અનુભવાય છે. સ્ત્રીઓમાં રહેલા એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોન કે જે મેન્સ્ટ્રુએશન માટે જવાબદાર છે એનું પ્રમાણ આ તબક્કે ઘટે છે. પરિણામે પિરિયડ્સ અનિયમિત થાય છે. હોર્મોનની અનિયમિતતાની અસરને કારણે જ આવા શારીરિક તથા માનસિક ફેરફારો જોવા મળે છે. આવા સમયે પોઝિટિવ રહેવું ખૂબ જરૂરી છે.

એ માટે પહેલાં તો તમે મનગમતાં કાર્યોમાં મન પરોવો, સંગીત-વાંચન જેવી પ્રવૃત્તિનો શોખ કેળવો, સવારના સમયે બગીચામાં ચાલવા જાવ, કમ સે કમ અઠવાડિયામાં ત્રણથી ચાર વખત એક્સરસાઈઝ અથવા તો ઝૂમ્બા, એરોબિક્સ નૃત્ય જેવી પ્રવૃત્તિ કરો. આ ઉપરાંત, ઓછા કાર્બોહાઈડ્રેટ ધરાવતો તેમ જ ઓછી ચરબીયુક્ત આહાર લેવો, જેમાં વિટામિન અને પ્રોટીન પૂરતી માત્રામાં હોય એ જરૂરી છે. આ સમયે કૅલ્શિયમનું પ્રમાણ જાળવી રાખવા દૂધ તથા દહીં-છાશનો સારા પ્રમાણમાં ઉપયોગ કરવો. સીઝનલ ફ્રૂટ્સ નિયમિત લેવાં. પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવું. દિવસના ત્રણ મુખ્ય આહાર (બ્રેકફાસ્ટ-લંચ-ડિનર)માંથી કોઈ પણ એક સમયનો આહાર હળવો લેવો. તળેલા તેમ જ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોનો ત્યાગ કરવો.

પ્રશ્ન: મારી દીકરી 12 વર્ષની છે. હમણાં થોડા સમયથી એ અવારનવાર બીમાર પડે છે. એની રોગપ્રતિકારક શક્તિ (ઈમ્યુનિટી) વધારી શકાય એવો આહાર સૂચવશો.

– નયના શાહ (સુરત)

ઉત્તર: અત્યારના ફાસ્ટ ફૂડના સમયમાં બાળકો હેલ્ધી ફૂડને અવગણી પિઝા, બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ, નૂડલ્સની લતે ચઢી રહ્યાં છે. ટૂંકમાં, જે ખાવાલાયક આહાર છે એ ખાતાં નથી અને શરીર માટે અતિ હાનિકારક એવી ચીજવસ્તુ પેટમાં પધરાવ્યે રાખે છે.

આજનાં બાળકોને હેલ્ધી અને ઈમ્યુનિટી વધારનારા ખાદ્ય પદાર્થો તરફ ખેંચવાં  હોય તો એ દેખાવમાં આકર્ષક હોય એ જરૂરી છે. હા, આ એક વરવી વાસ્તવિકતા છે. આપણે કોઈ ચીજનાં વખાણ કરશું કે એના ફાયદાની વાત કરશું તો પણ બાળક સહેલાઈથી નહીં માને. એમને એ ચીજ ખાવા રીતસર લલચાવવા પડે છે.

જેમ કે તમે એમને ફ્રૂટ્સ લેવાનું કહેશો તો બાળકો એ ન ખાય એવું બને, પરંતુ એમને ભાવતાં અમુક ફ્રૂટ્સ સરસ-ડેકોરેટિવ રીતે એમની સામે મૂકશો તો એ ખાવા માટે પ્રેરાશે. ફ્રૂટની જગ્યાએ ક્રીમ સૅલડ અથવા તો ફ્રૂટમાં થોડું નટેલા કે પીનટ બટર તથા ચાટમસાલા ઉમેરીને સર્વ કરવામાં આવે તો બાળકો ચોક્કસ એ લેવા આકર્ષાશે.

ફ્રૂટ્સ ઉપરાંત બ્રોકોલી, દહીં, બદામ, હળદર, પાલક, આદું, લસણ, વગેરે પણ ઈમ્યુનિટી વધારનારા ખાદ્ય પદાર્થો છે. એનો ઉપયોગ એવી રીતે આહારમાં કરવો કે બાળકો એને સ્વીકારે. દહીંમાં પણ ફ્રૂટ્સ અને ફ્લેવર્સ ઉમેરીને એને ટેસ્ટી બનાવી શકાય. આમ બાળકો માટે કોઈ પણ ડિશ એટ્રેક્ટિવ હોય એ જરૂરી છે, જેથી આપણે એમને હેલ્ધી ડિશ ખવડાવી શકીએ.

(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)

પંચાંગ 29/11/2024

રાજકોટમાં યોજાશે હરીન્દ્રદવે સ્મૃતિ પારિતોષિક એનાયત કાર્યક્રમ

રાજકોટ: સાહિત્ય અને પત્રકારત્વ બંને ક્ષેત્રમાં જેમનું વિશિષ્ટ પ્રદાન રહ્યું, એવા લોકપ્રિય સાહિત્યકારની સ્મૃતિમાં સ્થપાયેલું હરીન્દ્રદવે મેમોરિયલ ટ્રસ્ટ વર્ષ 2005થી ‘હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક’ એનાયત કરે છે. વર્ષ 2023 માટે કુલ ત્રણ વિભાગમાં આ પારિતોષિક જાહેર કરવામાં આવ્યા છે.

 

સાહિત્ય વિભાગમાં અમદાવાદ સ્થિત કવિ કૃષ્ણ દવે, પત્રકારત્વ વિભાગમાં અમદાવાદસ્થિત પત્રકાર ભાર્ગવ પરીખ અને કલા વિભાગમાં મુંબઈ સ્થિત સ્વરકાર સુરેશ જોશીની પસંદગી કરવામાં આવી છે. આ ત્રણેય પારિતોષિક કથાકાર મોરારિ બાપુના હસ્તે એનાયત કરવામાં આવશે. પારિતોષિકમાં સન્માનપત્ર અને રૂ. 51,000(એકાવનહજાર)ના ચેકનો સમાવેશ થાય છે.

સુરેશ જોષી, કૃષ્ણ દવે અને ભાર્ગવ પરીખ

પારિતોષિક અર્પણ કાર્યક્રમનું આયોજન 29 નવેમ્બરના રોજ સાંજે શ્રી કે.જી.ધોળકિયા સ્કૂલ સભાગૃહ રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં ભાગ લેવા માટે સૌ સાહિત્યરસિકોને જાહેર નિમંત્રણ છે. ઉલ્લેખનીય છે કે હરીન્દ્ર દવે મેમોરિયલ ટ્રસ્ટમાં પ્રમુખ તરીકે નવીનભાઈ દવે તો ટ્રસ્ટી તરીકે રોહિત પટેલ, કુન્દન વ્યાસ, રમેશ પુરોહિત તથા હિતેન આનંદપરા, ગોપાલ દવે, સ્નેહલ મુઝુમદાર અને મુકેશ જોષી કાર્યરત છે.