મુંબઈ: રમેશ પારેખની જન્મ જયંતી નિમિત્તે અંધેરી-મુંબઈના ભવન્સ કેમ્પસ ખાતે ‘સ્મરણ મંજૂષા’ કાર્યક્રમ શ્રેણીના બીજા મણકા હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ શાંભવી આર્ટ્સ-નેહા યાજ્ઞિકની પરિકલ્પના અને પ્રસ્તુતિ, ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરી અને ફ્લુટ એન્ડ ફેધર ફાઉન્ડેશનના સહયોગથી યોજાયો હતો. જેમાં’છ અક્ષરનું નામ’ના કવિ ર.પા. એટલે કે રમેશ પારેખ વિશે ખાસ રજૂઆત થઈ હતી.
સ્મરણ મંજૂષા શ્રેણીનો પહેલો કાર્યક્રમ સ્વરકાર ગાયક પરેશ ભટ્ટનાં સ્વરાંકનોનો કાર્યક્રમ હતો. જેનું પણ મુંબઈમાં સૌ પ્રથમવાર આયોજન શાંભવી આર્ટ્સ દ્વારા જ થયું હતું. સ્મરણ મંજૂષા શ્રેણી હેઠળ શાંભવી આર્ટ્સ -નેહા યાજ્ઞિક અને સ્વરકાર ગાયક સુરેશ જોશીએ અલ્પ પ્રસિદ્ધ અથવા અતિ પ્રસિદ્ધ કવિ અથવા સ્વરકારની ઓછી જાણીતી અથવા તો નહીં સાંભળેલી ઉત્તમ રચનાઓને ભાવકો સુધી પહોંચાડવાનું બીડું ઝડપ્યું છે.
રમેશ પારેખ સ્મરણ મંજૂષામાં પ્રસ્તુત તમામ રચનાઓનાં સ્વરાંકન સુરેશ જોશીએ કર્યા હતાં. તેમજ અત્યંત ભાવવાહી રીતે ઉપજ્ઞા પંડ્યાએ પણ પ્રસ્તુતી કરી હતી.દર્શના જોશી તથા નેહા યાજ્ઞિક દ્વારા ર.પા.ની કવિતાઓનું પઠન કાર્યક્રમમાં કરવામાં આવ્યું હતું. જ્યારે કે સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા કલાકાર દિલીપ રાવલે કર્યું હતું.
અમદાવાદ: ટોરેન્ટ ગ્રૂપના ‘અભિવ્યક્તિ – ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટ’ની છઠ્ઠી આવૃત્તિમાં ગુરુવારે પણ વિવિધ પર્ફોર્મન્સ અને ઇન્સ્ટોલેશન્સ દર્શાવવામાં આવ્યા. જેમણે પ્રેક્ષકોને મનોરંજન અને પ્રેરણા આપી.
ગુરૂવારના દિવસે વ્યંગાત્મક થિયેટર પર્ફોમન્સ રજૂ કરવામાં આવ્યું. જેણે કાનૂન પ્રણાલી અંગે ચાલાકીપૂર્વક ટીકા કરી હતી. વિવેક અને રમૂજથી ભરપૂર આ નાટક, કાનૂની કાર્યવાહીની ગૂંચવણો પર વિચાર-પ્રેરક પ્રકાશ પાડે છે. આ વ્યંગાત્મક નાટકમાં રંગલાના પાત્રની રજૂઆતે રમૂજનો સ્પર્શ ઉમેર્યો. કલાકારોએ તેમની અભિવ્યક્તિઓ દ્વારા દર્શાવ્યું કે કેવી રીતે એક આદર્શ છબીની શોધ ઘણીવાર હાસ્યજનક પરિસ્થિતિઓ તરફ દોરી જાય છે. સાંજ દરમિયાન અન્ય મ્યુઝિકલ પરફોર્મન્સ અને ડાન્સ શોએ પ્રેક્ષકોને મનોરંજન પીરસ્યું.અભિવ્યક્તિમાં ગુરુવારે 3-દિવસીય થિયેટર વર્કશોપ પૂર્ણ થઈ. જેણે કલા પ્રેમીઓને શીખવાનો અનુભવ પૂરો પાડ્યો હતો. ચેન્નાઈ સ્થિત વાર્તાકાર અને કઠપૂતળીકાર કાર્તિકએ શેડો પપેટ પર વર્કશોપનું સંચાલન કર્યું હતું. 7 વર્ષથી ઉપરના બાળકો, યુવાન છોકરાઓ અને છોકરીઓ સહિત કુલ 28 લોકોએ આ વર્કશોપમાં ભાગ લીધો હતો. આ લોકોએ પોતાના વ્યક્તિગત અનુભવોમાંથી વાર્તા કેવી રીતે બનાવવી, ગાયનનો ઉપયોગ, બોડી લેંગ્વેજ અને થિયેટર હલન-ચલન, ચિત્રકામ અને લાકડીની કઠપૂતળીઓ કેવી રીતે બનાવવી જેવા અનેક પાસાં આ વર્કશોપમાં શીખ્યા હતા. વર્કશોપમાં આ દરેક વ્યક્તિને શેડો પપેટ શોની સ્ક્રીનીંગ માટે સરળતાથી ઉપલબ્ધ ઘરગથ્થુ વસ્તુઓનો ઉપયોગ કરવાનું શીખવામાં આવ્યું હતું.ગુરૂવારે રવિ ઉઘરેજીયાએ ‘અજબ ન્યાય તમારો, ગજબ ન્યાય તમારો’ નાટક પણ રજૂ કર્યું હતું. જેમાં નબળી પડી રહેલી ન્યાયિક વ્યવસ્થા પર વ્યંગાત્મક રજૂઆત કરવામાં આવી. જર્મન નાટ્યકાર બર્ટોલ્ટ બ્રેખ્તના ‘ધ એક્સેપ્શન એન્ડ ધ રૂલ’ પર આધારિત વાર્તામાં કચ્છમાં તેલના કુવાઓ શોધતા એક વેપારી અને તેના મજૂરો વિશે વાત કરી. આ નાટક દર્શાવે છે કે વેપારી તેના મજૂરો સાથે કેવી રીતે અન્યાયી વર્તન કરે છે અને ન્યાય મેળવવા માટેનો મજૂરો કેવો સંઘર્ષ કરે છે. પરંતુ છેવટે, તેઓ પૈસા અને સત્તાના કારણે ન્યાય મેળવવામાં નિષ્ફળ જાય છે.
પ્લેટફોર્મ પર્ફોર્મન્સમાં, થિયેટર આર્ટિસ્ટ એજાઝ શેખ અને તેમની ટીમે ‘હાઉ ધિસ, હાઉ ધેટ’ શીર્ષકથી જોરદાર પ્રદર્શન રજૂ કર્યું. જ્યારે ઝારખંડના વિશાલ કુમાર ગુપ્તાએ ‘ફ્રેગમેન્ટ એઝ લેન્ડસ્કેપ ઓર બોડી!’ (પેઈન્ટીંગ) નામના આર્ટ પીસ રજૂ કર્યા હતા. તેમણે કાપેલા અને ખંડિત વૃક્ષના ભાગોમાંથી આ કલાકૃતિઓ તૈયાર કરી હતી.
રૂમકી ભૌમિક ત્રિપુરાના એક બહુમુખી કલાકાર છે. તેમણે આર્ટ ઇન્સ્ટોલેશન – “એ ડ્રીમ સિટી અરાઉન્ડ મી” રજૂ કરી. તેમણે અવલોકન કરેલા વિવિધ માનવ વસવાટોથી પ્રેરિત થઈને, સ્વપ્નના ઘર માટેની અમારી સહિયારી ઇચ્છાના પ્રતિબિંબ તરીકે આ કાલ્પનિક નિવાસો બનાવ્યા. ભવ્ય મહેલોથી લઈને નમ્ર કોટેજ સુધી, દરેક લઘુચિત્ર જાણે પોતાની જ વાર્તાઓ કહીને તેના પર વિચાર કરવા આમંત્રણ આપે છે.
સામના વિઝ્યુઅલ આર્ટિસ્ટ, રઘુબીર સિંહાએ તેમની ઇન્સ્ટોલેશન “આપંગઃ ધ ક્લેવર સર્વાઈવર”નું પ્રદર્શન કર્યું. જેમાં મણિપુરી લોકકથાનું મનમોહક સંશોધન છે. ક્વિક સોલ્યુશનરી પાત્ર આપંગથી પ્રેરિત, સિંહાની આર્ટવર્ક ઇમર્સિવ સ્ટોપ-મોશન ફિલ્મો બનાવવા માટે ફોટોગ્રાફી, ફિલ્મ નિર્માણ અને ડિજિટલ આર્ટને એકીકૃત રીતે મિશ્રિત કરે છે.
તમિલ અભિનેતા અને સાઉથ સુપરસ્ટાર ધનુષે છૂટાછેડા લીધા છે. ધનુષે 20 વર્ષ પહેલા ઐશ્વર્યા રજનીકાંત સાથે લગ્ન કર્યા હતા. સન ટીવીના અહેવાલો અનુસાર, ચેન્નાઈ ફેમિલી વેલ્ફેર કોર્ટે બંનેને છૂટાછેડાની મંજૂરી આપી દીધી છે. બંને લગભગ 2 વર્ષથી અલગ રહેતા હતા. આ પહેલા આ છૂટાછેડાના કેસની ત્રણ વખત સુનાવણી થઈ ચૂકી છે. જો કે, ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંત બંને આ સુનાવણી સત્રોમાં હાજર રહ્યા ન હતા. હવે આખરે બંનેના છૂટાછેડા થઈ ગયા છે.
લગભગ 2 વર્ષ પહેલા ધનુષે તેની સોશિયલ મીડિયા પોસ્ટમાં પત્ની ઐશ્વર્યાથી અલગ થવાના સમાચાર શેર કર્યા હતા. ધનુષે Xની પોસ્ટમાં લખ્યું હતું, ‘મિત્રો, પ્રેમીઓ અને માતા-પિતા, 18 વર્ષની આ સફર શાનદાર રહી છે. પરંતુ આજે સમય આવી ગયો છે કે આપણે અલગ-અલગ માર્ગો અપનાવીએ.’ ઐશ્વર્યાએ પણ ધનુષ સાથે આવી જ એક પોસ્ટ શેર કરી હતી.
ધનુષે વર્ષ 2002માં ફિલ્મ ‘થુલ્લુવધો ઈલામાઈ’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. ધનુષે માત્ર 2 વર્ષમાં ઘણું નામ કમાઈ લીધું હતું. ઐશ્વર્યાએ પોતે ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ધનુષની ફિલ્મ ‘કાધલ કોંડે’ 2003માં રિલીઝ થઈ હતી. સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની દીકરી ઐશ્વર્યા પણ આ ફિલ્મ જોવા પહોંચી હતી. ઐશ્વર્યાને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી હતી. ઐશ્વર્યાએ જઈને ધનુષના વખાણ કર્યા. આ પછી બંને મિત્રો બની ગયા. તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ અને 2004માં તેઓએ લગ્ન કરી લીધા. લગ્ન સમયે ધનુષની ઉંમર માત્ર 23 વર્ષની હતી અને ઐશ્વર્યા માત્ર 21 વર્ષની હતી. ધનુષ પોતે દિગ્દર્શક કસ્તુરિયા રાજાનો પુત્ર છે. બંનેને 2 બાળકો, 1 પુત્ર અને 1 પુત્રી છે.
ધનુષ નયનતારા સાથે પણ વિવાદમાં છે
પુત્રીના છૂટાછેડા વચ્ચે રજનીકાંતના ચાહકોએ તેમને સમર્થન આપ્યું છે. ચાહકોએ સોશિયલ મીડિયા પર પણ પોતાનો પ્રેમ મોકલ્યો છે. ધનુષ છેલ્લા કેટલાક દિવસોથી હેડલાઇન્સમાં છે. લેડી સુપરસ્ટાર તરીકે જાણીતી સાઉથની અભિનેત્રી નયનતારા સાથે પણ ધનુષનો વિવાદ ચાલી રહ્યો છે. બુધવારે ધનુષે નયનતારા વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. અગાઉ નોટિસ પણ મોકલવામાં આવી હતી. આ સમગ્ર વિવાદને નયનતારાએ તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. જેમાં નયનતારાએ કહ્યું હતું કે તેણે માત્ર 3 સેકન્ડના ફૂટેજનો ઉપયોગ કરવા બદલ 10 કરોડ રૂપિયાની માંગણી કરી છે. નયનતારાના જીવન પર આધારિત ફિલ્મ ‘નયનતારાઃ બિયોન્ડ ધ ફેરીટેલ’માં આ ક્લિપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના સંભલમાં શાહી ઇદગાહ મસ્જિદના સ્થાને મંદિર હોવાના દાવા પછી અને હિંસા પછી ભારે ગરમાવો છે. હવે રાજસ્થાનની પ્રાચીન અજમેર શરીફ દરગાહની જગ્યાએ શિવ મંદિર હોવાના મામલે એક સ્થાનિક કોર્ટની નોટિસ બાદ માહોલ ગરમ થયો છે.
સ્થાનિક કોર્ટ તરફથી કેન્દ્રીય અલ્પસંખ્યક મામલાઓના મંત્રાલય, આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા અને અજમેર દરગાહ સમિતિને નોટિસ જારી કરી છે.અજમેરની દીવાની અદાલતમાં હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તા દ્વારા એવી અરજી કરવામાં આવી છે કે અજમેર શરીફની દરગાહ જ્યાં બનાવવામાં આવી છે ત્યાં મૂળ તો એક શિવ મંદિર હતું. શિવ મંદિર તોડીને એના ઉપર દરગાહ બનાવવામાં આવી છે.
વાસ્તવમાં હિન્દુ સેનાના વિષ્ણુ ગુપ્તાએ એક પુસ્તકમાં કરાયેલા દાવાને આધારે આ અરજી કરી છે. વર્ષ 1911માં હરબિલાસ સારડા દ્વારા ‘અજમેરઃ હિસ્ટોરિકલ એન્ડ ડિસ્ક્રિપ્ટિવ’ (અજમેરઃ ઐતિહાસિક અને વર્ણનાત્મક) નામનું એક પુસ્તક લખવામાં આવ્યું હતું. 168 પાનાંના આ અંગ્રેજી પુસ્તકમાં ‘દરગાહ ખ્વાજા મોહિનુદ્દીન ચિશ્તી’ નામનું એક અલગ પ્રકરણ છે, જેમાં આપવામાં આવેલી ખ્વાજાના જીવન અને તેમની દરગાહની વિગતોને આધારે ઉપરોક્ત દાવો કરવામાં આવ્યો છે.
શું છે પુસ્તકમાં?
આ પુસ્તકના પાના નં. 93 પર લખ્યું છે કે દરગાહના બુલંદ દરવાજામાં બનેલી ત્રણ માળની છત્રી કોઈ હિન્દુ ઈમારતના ટુકડાઓમાંથી બનાવવામાં આવી છે. છત્રીની રચના હિન્દુ શૈલીની લાગે છે. તેની સપાટી પર સુંદર કોતરણી કરવામાં આવી છે, જેને ચૂના અને રંગો વડે પૂરી દેવામાં આવી છે.
આ જ પુસ્તકના પાના નંબર 94 પર લખ્યું છે કે છત્રીમાં લાલ રંગના પથ્થરનો જે હિસ્સો છે એ કોઈ ધ્વસ્ત કરાયેલા જૈન મંદિરનો લાગે છે.
પાના નંબર 96 પર લખ્યું છે કે બુલંદ દરવાજા અને અંદરના આંગણાની વચ્ચેનો જે ભાગ છે એની નીચે મૂળ હિન્દુ મંદિરના ભોંયરા છે. ભોયરામાંના ઘણા ઓરડા હજુ પણ અકબંધ હાલતમાં જળવાયેલા છે. એવું લાગે છે કે મુસ્લિમ શાસકોની શરૂઆતના દિવસોમાં જ જૂના હિન્દુ મંદિર ઉપર આ આખી દરગાહનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પાના નંબર 97 પર લખ્યું છે કે ભોંયરાની અંદર એક મંદિર છે, જેમાં મહાદેવની મૂર્તિ છે. એના પર એક બ્રાહ્મણ પરિવાર દ્વારા દરરોજ ચંદન લગાવવામાં આવતું હતું.
વડોદરા: શહેરના નાગરવાડા વિસ્તારમાં ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યા બાદ પાલિકા દ્વારા સંવેદનશીલ વિસ્તારોના માર્ગો ઉપરથી ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી વચ્ચે MGVCLના માંડવી સબ ડિવિઝનમાં સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે વીજ ચોરી સામે દરોડા પાડવામાં આવ્યા હતા. વીજ કંપનીએ 625 વીજ કનેક્શન ચકાસણી કરી હતી. જેમાંથી 32 વીજ કનેક્શનોમાંથી રૂપિયા 30 લાખની વીજ ચોરી ઝડપાઇ હતી. આ ઝુંબેશના પગલે વીજ ચોરોમાં ગભરાટ ફેલાઇ ગયો છે.
સામાન્ય રીતે ઠંડીની સિઝનમાં વિજ ચોરીના બનાવામાં ઘટાડો થતો હોય છે. પરંતુ વડોદરા શહેરના કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં વીજ ચોરીનો સિલસિલો યથાવત રહ્યો હોવાનું ધ્યાને આવતા મધ્ય ગુજરાત વીજ કંપનીના વડોદરા માંડવી સબ ડિવિઝન દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મળેલી માહિતી પ્રમાણે, માંડવી સબ ડિવિઝનમાં આવતા 5 ફીડરમાં આવતા અને સંવેદનશીલ વિસ્તારો મનાતા હાથીખાના, સરસિયા તળાવ, જ્યુબિલી બાગ, ફતેપુરા અને બાજવાડામાં વીજ ચેકિંગ અને ડિસ્કનેક્શન ડ્રાઈવ પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવી હતી. આ ડ્રાઈવમાં શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસના બંદોબસ્ત સાથેની વિવિધ ટીમો દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. વીજ કંપની દ્વારા કુલ 625 વીજ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા. જેમાંથી 32 જેટલા કનેક્શનમાં વીજ ચોરી પકડાઈ હતી. હાથીખાના ફીડર વિસ્તારમાંથી 3.82 લાખ સરસીયા તળાવ ફીડર વિસ્તારમાંથી – 7.42 લાખ, જ્યુબેલીબાગ ફીડર વિસ્તારમાંથી – 11.50 લાખ, ફતેપુરા ફીડર વિસ્તારમાંથી – 6.47 લાખ અને બાજવાડા ફીડર વિસ્તારમાંથી 83 લાખ મળી કુલ્લે રૂપિયા 30 ઉપરાંતની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી. આ અંગે વીજ કંપનીની ટીમોએ વીજ અધિનિયમ મુજબની કાર્યવાહી કરી હતી.
ઢાકાઃ બંગલાદેશમાં હાઇકોર્ટે ઈસ્કોનની કામગીરી પર પર પ્રતિબંધ મૂકવાથી ઇનકાર કર્યો હતો. હાઇકોર્ટમાં સુનાવણીમાં બંગલાદેશની વચગાળાની સરકારે કહ્યું હતું કે અમે ઇસ્કોનની પ્રવૃત્તિઓ સામે જરૂરી પગલાં લીધા છે. આ મુદ્દો સરકારની પ્રાથમિકતા છે.
વકીલ મોનિરુજ્જમાએ જસ્ટિસ ફરાહ મહબૂબ અને જસ્ટિસ દેબાશિષ રોય ચૌધરીની ફંડપીઠ સામે ઇસ્કોન પર પ્રતિબંધ લગાવવાની માગની અરજી દાખલ કરી હતી.
ડેપ્યુટી અટોર્ની જનરલ અસદઉદ્દીને સરકાર તરફથી લેવામાં આવેલાં પગલાં આપતાં કહ્યું હતું કે ઈસ્કોન કેસમાં અત્યાર સુધીમાં ત્રણ કેસ નોંધાયા છે અને 33 લોકોની ધરપકડ કરવામાં આવી છે. દેશમાં કોઈ પણ પ્રકારની અશાંતિને રોકવા માટે સેના તહેનાત કરવામાં આવી છે. વકીલે કહ્યું હતું કે ઇસ્કોન પર પ્રતિબંધ મૂકવાનો આ યોગ્ય સમય છે. તેના પર કોર્ટે કહ્યું હતું કે આનો નિર્ણય સરકાર કરશે.
ખરેખરમાં ઈસ્કોન મંદિરના પ્રમુખ ચિન્મય કૃષ્ણ દાસ પ્રભુની રાજદ્રોહના કેસમાં ધરપકડ થયા બાદ સંગઠનને લઈને વિવાદ વધી રહ્યો છે. દાસને જેલમાં ધકેલ્યા બાદ બાંગ્લાદેશમાં ઘણી જગ્યાએ હિંસા થઈ હતી. આ ઉપરાંત, આના કારણે બાંગ્લાદેશ અને ભારત સરકારના સંબંધોમાં પણ ખટાશ આવી છે.
અરજી કરનાર વકીલે કોર્ટને જણાવ્યું હતું કે સૈફુલના મોત પાછળ ઈસ્કોનના લોકોનો હાથ છે. આવી સ્થિતિમાં આ સંગઠન પર પ્રતિબંધ મૂકવો જોઈએ. આ અરજીમાં ચટગાંવમાં ઈમર્જન્સી જાહેર કરવાની પણ માગ કરવામાં આવી હતી. આ અરજી પર બંગલાદેશના એટર્ની જનરલ મુહમ્મદ અસદુઝમાને ઈસ્કોનને ધાર્મિક કટ્ટરવાદી સંગઠન ગણાવ્યું હતું.
થેક્સ ગિવીંગ- અમેરિકામાં આ દિવસે થેક્સ ગિવીંગ ડીનરનો મહિમા રહેલો છે, જ્યાં આખું ફેમેલી એક સાથે ડીનર ટેબલ ઉપર બેસી પ્રાર્થના કરી સહુ પ્રથમ ગોડનો આભાર માને છે .
એક બીજાને તેમના હેલ્પ અને કાઈન્ડનેશ માટે થેક્યું કહે છે. ઘરમાં અંદર અને બહાર સુંદર સજાવટકરે છે ટુંકમાં આભાર વ્યક્ત કરવાનો આ દિવસ અનોખી રીતે ઉજવાય છે.
થેક્સ ગિવીંગના દિવસે ટર્કી નામના પક્ષીનું માંસ રાંધીને ખાવાની પ્રથા પડી ગઈ છે. દર વર્ષે આશરે 46 મિલિયન ટર્કીનો વધ થાય છે.
આ દિવસ પાછળ ઐતિહાસિક વાત જોડાયેલી છે. 1620માં 100 જેટલા પિલગ્રેમ્સ એટલાન્ટીક ઓશન પાર કરીને મેસેચ્યુસેટ્સ સ્ટેટના કિનારે ઉતર્યા,ત્યારે અહીવિન્ટરની કડકડતી ઠંડી હતી જ્યાં ભૂખ અને ઠંડીના કારણે કેટલાક મૃત્યુ પામ્યા તેવા વખતે અમેરિકામાં રહેતા નેટીવ અમેરિકનો એ તેમને બચાવી લીધા અને તેમને અહીંની ખેતી કરવાની જુદીજુદી રીતો શીખવી, અહીંની ભૌગોલિક સ્થિતિ વિષે જ્ઞાન આપ્યું. પરસ્પર સાથ અને સહકાર થી તેઓ અવનવા પાક મેળવતા થયા.
છેવટે મજબુત સબંધો અને આભાર વ્યક્ત કરવાના ઈરાદા થી એક પાર્ટીનું આયોજન કરાવ્યું જ્યાં નેટીવ અમેરીકન ટર્કી, અને ડીયરનું માંસ અને કોર્ન લાવ્યા સામે પિલગ્રેમ્સ પણ તેમણે પકવેલી ચીજવસ્તુઓ લાવ્યા.
પિલગ્રેમ્સ એટલે યુરોપ તરફથી આવેલા યાત્રાળુઓ જે અહીં અમેરિકામાં રોકાઈ અમેરિકન થઈ અહીંજ વસીને રહી ગયા. જોકે તેઓએ પાછળથી નેટિવ અમેરિકનને છેતરી તેમની જમીનો અને વસાહતો છીનવી લીધા એ અમેરિકાનો એક કાળો ઇતિહાસ પણ છે.
આમ સહુ પ્રથમ થેક્સ ગિવીંગ ડીનરની શરૂઆત થઇ. ત્યાર બાર 1776 માં અમેરિકા આઝાદ થયો અને 1789 માં આ દિવસ નેશનલ હોલીડે જાહેર થયો.
આ દિવસને હાર્વેસ્ટ દિવસ તરીકે પણ ઉજવાય છે. શિયાળાની શરૂવાત થતા પહેલા બધા પાકની લણણી કરી લેવાની હોય છે. તો તેને યાદગાર બનાવવા અહીંના ખેડૂતો આ દિવસને માનભેર ઉજવે છે.
થેક્સ ગિવીંગ ગુરુવારે હોય છે જેના બીજા દિવસને બ્લેક ફ્રાયડે કહેવામાં આવે છે. આ દિવસ શોપિંગ સ્પેશ્યલ દિવસ તરીકે ઓળખાય છે. આ દિવસે જુદીજુદી વસ્તુઓ ઉપર આખા વર્ષનો બેસ્ટ સેલ રહેતો હોય છે. “અર્લી બર્ડ ” નામના સેલમાં લોકો બહુ ઉત્સાહ થી શોપિંગ કરવા જતા હોય છે. કેટલાક સ્ટોર્સ વહેલી સવાર ચાર કે પાંચ વાગ્યાથી શરું થઇ જતા હોય છે. વહેલા તે પહેલાના ધોરણે વસ્તુઓ હોવાથી લોકો આગલી રાતથી લાઈન લગાવી ઉભા રહી જાય છે.
કોવિડ પછી ઘણું બદલાઈ ગયું છે. ઘણા સ્ટોર ઓનલાઇન થઈ ગયા છે આથી લોકો હવે ઓનલાઈન શોપિંગ વધુ કરે છે. આ દિવસથી શરુ થઇ છેક ક્રિસમસ સુધી અમેરિકામાં ઉત્સવ જેવો માહોલ રહેતો હોય છે.
પ્રભુએ જે પણ આપ્યું છે તેનો આભાર માનીએ તેટલો ઓછો છે. એમ કહી શકાય કે માનવા માટે આપણે સમર્થ નથી. છતાંય આજે એ દરેકનો આભાર જેમના કારણે જીંદગી ખુબસુરત બની છે.
જમ્મુ કાશ્મીર ભૂકંપઃ જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના સમાચાર સામે આવ્યા છે. અહીં ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી ઉઠી હતી. યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન સરહદી વિસ્તાર હતો. નેશનલ સિસ્મોલોજી સેન્ટરના જણાવ્યા અનુસાર અફઘાનિસ્તાનમાં 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે આ ભૂકંપના કારણે હિમાલયના વિવિધ ભાગોમાં લગભગ 4.19 વાગ્યે હળવા આંચકા અનુભવાયા હતા. છેલ્લા 24 કલાકમાં આ વિસ્તારમાં આવેલો આ બીજો ભૂકંપ છે. જો કે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.
ભૂકંપનું કેન્દ્ર 209 કિલોમીટરની ઊંડાઈએ હતું
મળતી માહિતી મુજબ, ભૂકંપનું કેન્દ્ર 209 કિલોમીટરની ઉંડાઈએ હતું. જેના કોઓર્ડિનેટ્સ 71.32 ડિગ્રી પૂર્વ રેખાંશ અને 36.62 ડિગ્રી ઉત્તર અક્ષાંશ હતા. જેના કારણે જમ્મુ-કાશ્મીરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના કારણે એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
ભૂકંપ શા માટે થાય છે?
તમને જણાવી દઈએ કે પૃથ્વીની અંદર ટેક્ટોનિક પ્લેટ્સ હાજર છે. જ્યારે આ પ્લેટો તેમની જગ્યાએથી ખસી જાય છે ત્યારે ભૂકંપના આંચકા અનુભવાય છે. જો ભૂકંપની તીવ્રતા વધુ હોય તો તેના આંચકા લાંબા અંતર સુધી અનુભવાય છે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડના ચેરમેન તરીકે આઈપીએસ નીરજા ગોટરૂની નિમણૂંક કરાઈ છે. હસમુખ પટેલના રાજીનામા બાદ ચેરમેન પદ ખાલી હતુ. ઉલ્લેખનીય છે કે ચેરમેનની નિમણૂંક થતા ભરતી પ્રક્રિયા ઝડપી બનવાની શક્યતા સેવાય રહી છે. નીરજા ગોટરૂ એ મહિલા આઈપીએસ છે અને આઈપીએસ અધિકારીમાં સારી છબી ધરાવે છે. હસમુખ પટેલ પહેલા પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હતા અને ત્યારબાદ તેમને જીપીએસસી બોર્ડના ચેરમેન બનાવ્યા હતા એટલે હસમુખ પટેલની જગ્યા ખાલી હતી.
ચિંતન શિબિર પછી રાજ્ય સરકારે નિર્ણય લીધો છે અને પોલીસ ભરતી બોર્ડના ચેરમેન તરીકે નીરજા ગોટરૂની પસંદગી કરાઈ છે. ગગનદીપ ગંભીર અને વબાંગ ઝમીરનું નામ પણ અગ્રેસર ચાલી રહ્યું હતુ. વર્ષ 1993ની બેચના નીરજા ગોટરૂને એડીશનલ ડીજીપી તાલીમ ગાંધીનગર ખાતે નિમણૂંક આપવામાં આવી હતી. રાજકોટ પોલીસ કમિશનરના નામની જયારે ચર્ચા હતી ત્યારે તેઓનું નામ પણ રેસમાં ચાલતુ હતુ. તેમણે અમદાવાદમાં પણ ટ્રાફિક વિભાગમાં તેઓ ઉચ્ચ અધિકારી તરીકે ફરજ બજાવી છે. ઉલ્લેખનીય છે કે, IPS અધિકારી હસમુખ પટેલના ચેરમેન પદેથી રાજીનામાથી રાજ્ય સરકાર દ્વારા પોલીસ ભરતીની શારીરિક પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલાં 25મી નવેમ્બરના દિવસે પોલીસ ભરતી માટેની શારીરિક પરીક્ષા યોજાવાની હતી. જોકે, હવે આ પરીક્ષા નવેમ્બરના બદલે ડિસેમ્બરમાં યોજવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આગામી 10મીથી 15મી ડિસેમ્બરની વચ્ચે કોન્સ્ટેબલ, PSI અને PI ભરતી માટેની શારીરિક પરીક્ષા લેવામાં આવી શકે છે.
ચક્રવાતી વાવાઝોડું ફાંગલ દક્ષિણ ભારતના રાજ્યોમાં ત્રાટકવાનું છે. તમિલનાડુ સહિત અન્ય રાજ્યોમાં તેની ગંભીર અસર થઈ શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે 30 નવેમ્બરની સવારની આસપાસ ડીપ ડિપ્રેશન તરીકે કરાઈકલ અને મહાબલીપુરમ વચ્ચેના ઉત્તરી તમિલનાડુ-પુડુચેરીના દરિયાકાંઠે અથડાશે. આ સમયગાળા દરમિયાન પવનની ઝડપ 50-60 કિમી પ્રતિ કલાકથી 70 કિમી પ્રતિ કલાકની હોઈ શકે છે. આના કારણે, 29 અને 30 નવેમ્બરના રોજ ઉત્તર તમિલનાડુ અને પુડુચેરીમાં ભારેથી અતિ ભારે વરસાદ અને 29 નવેમ્બર, 2024ના રોજ દક્ષિણ તટીય આંધ્ર પ્રદેશ અને યાનમ અને રાયલસીમામાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે આ વાવાઝોડું આજે (28 નવેમ્બર) સવારે 8:30 વાગ્યે ત્રિંકોમાલીના 110 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વમાં, નાગાપટ્ટિનમથી 310 કિમી દક્ષિણપૂર્વમાં, પુડુચેરીથી 410 કિમી દક્ષિણપૂર્વમાં અને ચેન્નાઈના 480 કિમી દક્ષિણ-દક્ષિણ પૂર્વમાં કેન્દ્રિત હતું. તે આગામી 12 કલાક દરમિયાન શ્રીલંકાના કિનારાને સ્પર્શતા ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી સંભાવના છે. 28મી નવેમ્બરની સાંજથી 29મી નવેમ્બર 2024ની સવારથી દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર 85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા 65-75 કિમી પ્રતિ કલાકની ઝડપ સાથે ડીપ ડિપ્રેશનમાં તીવ્ર બનવાની સંભાવના છે.
આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
ચક્રવાતી વાવાઝોડાને કારણે, 28 નવેમ્બરે ઉત્તર કોસ્ટલ તમિલનાડુ-પુડુચેરીમાં ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને કેટલાક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. 29 નવેમ્બરના રોજ ઉત્તર તમિલનાડુ-પુડુચેરીમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ અને કેટલાક સ્થળોએ અતિ ભારે વરસાદની સંભાવના છે. 30 નવેમ્બર અને 1 ડિસેમ્બરે કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત, 29 થી 30 નવેમ્બરના રોજ દક્ષિણ કોસ્ટલ આંધ્ર પ્રદેશમાં ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ અને કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.
29 નવેમ્બરે કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે. રાયલસીમામાં 29 અને 30 નવેમ્બરના રોજ ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ અને કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. 29 નવેમ્બરે કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. તે જ સમયે, દક્ષિણ આંતરિક કર્ણાટકમાં, 29 નવેમ્બરે ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ અને કેટલીક જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે. આ સિવાય જો કેરળની વાત કરીએ તો 29મી નવેમ્બરે ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ અને કેટલીક જગ્યાએ ભારે વરસાદ અને 30મી નવેમ્બર અને 1લી ડિસેમ્બરે કેટલીક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.