Home Blog Page 1298

શિંદેનું સમર્પણ, CM પર હજુ પણ સસ્પેન્સ યથાવત્

કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? સવાલો વચ્ચે એકનાથ શિંદેએ સમર્પણ કર્યું છે. થાણેમાં પ્રેસ કોન્ફરન્સ કરતી વખતે શિંદેએ કહ્યું કે મેં રાજ્ય માટે કામ કર્યું છે અને કરતો રહીશ. મુખ્યમંત્રી ભાજપના જ હશે અને હું તેમને દિલથી સ્વીકારીશ. જો કે ભારતીય જનતા પાર્ટી કોને મુખ્યમંત્રી બનાવશે તેના પર સસ્પેન્સ યથાવત છે. 288 વિધાનસભા બેઠકો ધરાવતા મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીના ગઠબંધનને 230થી વધુ બેઠકો મળી છે. 132 બેઠકો જીતીને ભાજપ વિધાનસભામાં સૌથી મોટી પાર્ટી બની ગઈ છે.

એકનાથ શિંદેએ સપર્પણ કર્યું

થાણેમાં તેમની 18 મિનિટની મરાઠી પ્રેસ કોન્ફરન્સમાં એકનાથ શિંદેએ કહ્યું કે જ્યારે મને મુખ્યમંત્રી પદની જવાબદારી મળી ત્યારે મહારાષ્ટ્ર વિકાસની દ્રષ્ટિએ ત્રીજા સ્થાને હતું. હું તેને નંબર વન પર લાવ્યો. મહારાષ્ટ્રમાં મહિલાઓએ એકતરફી અમારા પક્ષમાં જનાદેશ આપ્યો છે. અમે તેમના માટે લડકી બહેન યોજના શરૂ કરી હતી. શિંદેએ વધુમાં કહ્યું કે તેઓ આગળ પણ તેમનું કામ ચાલુ રાખશે. મુખ્યમંત્રી પદ પર અંતિમ નિર્ણય ભાજપે લેવાનો છે. ભાજપ હાઈકમાન્ડ જેને પણ મુખ્યમંત્રી બનાવશે તેના હેઠળ બધા સાથે મળીને કામ કરશે. હું સ્પીડ બ્રેકર બનવાનો નથી.

શિંદેએ શા માટે સમર્પણ કર્યું?

મહારાષ્ટ્રમાં તાજેતરની ચૂંટણીમાં એકનાથ શિંદેની પાર્ટીએ 57 બેઠકો જીતી છે. તેના સહયોગી ભાજપને 132 બેઠકો મળી છે. મહારાષ્ટ્રમાં, જેની 288 બેઠકો છે, સરકાર બનાવવા માટે 145 ધારાસભ્યોની જરૂર છે. ભાજપ જાદુઈ નંબરથી માત્ર 13 સ્ટેપ દૂર છે. ભાજપને 5 અપક્ષ અને NCPના 41 ધારાસભ્યોનું સમર્થન પણ છે. આવી સ્થિતિમાં તેને બહુમતીના આંકને સ્પર્શવામાં કોઈ મુશ્કેલી નથી. ભાજપ સૌથી મોટી પાર્ટી હોવાના કારણે મુખ્યમંત્રી પદ માટે દાવો કરી રહી છે.

આવી સ્થિતિમાં એકનાથ શિંદે પાસે ભાજપની ફોર્મ્યુલા સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ નથી. જો શિંદે સત્તામાં નહીં રહે તો આગામી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં તેમની સ્થિતિ નબળી પડી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈમાં ટૂંક સમયમાં નગરપાલિકાની ચૂંટણી યોજાઈ શકે છે. મુંબઈ મહાનગરપાલિકા શિવસેનાનો ગઢ માનવામાં આવે છે. લોકસભા અને વિધાનસભા ચૂંટણી બાદ હવે એકનાથ શિંદે અહીં પણ પોતાની તાકાત બતાવવાનો પ્રયાસ કરશે.

સીએમ પદ પર સસ્પેન્સ યથાવત

ભલે એકનાથ શિંદેએ સીએમ પદ પરથી પોતાનો દાવો પાછો ખેંચી લીધો હોય, પરંતુ ભાજપમાં પણ સીએમ પદ પર સસ્પેન્સ યથાવત છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ નિરીક્ષકો મોકલીને પહેલા ધારાસભ્યોનો અભિપ્રાય લેશે અને પછી નવા મુખ્યમંત્રીની પસંદગી કરશે. ગઠબંધનની અંદર પણ એકનાથ શિંદે, અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી પદ પર સર્વસંમતિ બનાવવા માટે દિલ્હી બોલાવવામાં આવ્યા છે. ખુદ એકનાથ શિંદેએ આ વાતની પુષ્ટિ કરી છે. શિંદેએ કહ્યું છે કે મહાયુતિની બેઠક થશે, ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે.

છેલ્લા એક વર્ષમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, ઓડિશા અને હરિયાણામાં ભાજપ દ્વારા નવી સરકારો બનાવવામાં આવી છે. હરિયાણાને છોડીને અન્ય તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓની પસંદગીમાં ભાજપે ચોંકાવનારો નિર્ણય લીધો છે.

દારૂના દૂષણ પર ગુજરાત પોલીસનું એક્શન, બે જગ્યાએથી પકડાયો દારૂનો જથ્થો

ગુજરાતમાં દિવસેને દિવસે વિદેશી દારૂ ઝડપાવાના કિસ્સામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. આ અગાઉ ગુજરાતના દરિયા કિનારાને ડ્રગ્સ સપ્લાય કરનારાઓએ ટાર્ગેટ કર્યો હતો. તો બીજી બાજું જમીન વિસ્તારમાં દારૂની સપ્લાયમાં વધારો નોંધાય રહ્યો છે. ત્યારે દારૂ બંધી ધરાવતા રાજ્યમાં આજે 24 કલાકમાં બે જગ્યા પરથી દારૂનો મોટી માત્ર જથ્થો મળી આવ્યો છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે કરજણ નેશનલ હાઈવે ઉપર માંગલેજ ચોકડી નજીક જી.પી.ઇ.એલ કંપની પાસે જિલ્લા એલસીબીએ એક બંધ બોડીનું કન્ટેનર ઝડપી પાડ્યું હતું. આ કન્ટેનરમાં 11.81 લાખ કિંમતની દારૂની 5,748 બોટલો હતી. દારૂના જથ્થા સાથે ડ્રાઇવર ઇર્શાદખાન નસરુખાનને ઝડપી પાડ્યો હતા. જ્યારે મુબારકખાન નેહાના મુસ્લિમ ફરાર થઈ ગયો હતો. પોલીસે દારૂનો જથ્થો એક મોબાઈલ કન્ટેનર મળી 16.86 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

જ્યારે બીજી બાજુ સુરતમાં કામરેજ પોલીસની ટીમે મુંબઈથી અમદાવાદ ને.હા.નં. 48ના સર્વિસ રોડ પાસેથી દારૂ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો હતો. પોલીસે ટેમ્પામાં તપાસ કરતા તેમાંથી 52.80 લાખનો દારૂનો જત્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે ટેમ્પો, દારૂ મળી કુલ 65,84 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. તેમજ એકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ટેમ્પાના ક્લીનર રાજુ નાથુલાલજી ડાંગીની ધરપકડ કરી હતી તેમજ આ ઘટનામાં ટેમ્પા ચાલક સુખલાલ દીપલાલ ડાંગી, ગોવાથી ટેમ્પામાં વિદેશી દારૂનો જથ્થો ભરાવી મોકલનાર ભૂરસિંહ ઉર્ફે કુરસિંહ, તેમજ રાજસ્થાનથી ટેમ્પામાં દારૂનો જથ્થો ભરવા મોકલનાર તખતસિંગ કાનસિંગ સીસોદીયા અને ગોવાથી ટેમ્પામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરાવી મોકલનાર ભૂરસિંગ તથા તખતસિંગનો માણસ અને દારૂનો જથ્થો માંગવનાર હાલોલ ખાતેના એક માણસને પોલીસે વોન્ટેડ જાહેર કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને ખેલપ્રતિભા પુરસ્કાર અર્પણ કાર્યક્રમ યોજાયો

ગાંધીનગર: રમત-ગમત રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને ગુજરાતના પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે “ખેલ પ્રતિભા પુરસ્કાર અર્પણ” કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવીના હસ્તે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાએ તથા શાળાકીય અને ખેલો ઇન્ડિયા જેવી વિશિષ્ટ સ્પર્ધાઓમાં વિજેતા બનેલા ગુજરાતના ૫૬ પ્રતિભાવાન ખેલાડીઓને કુલ રૂ. ૧.૮૮ કરોડથી વધુના રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્વિમિંગ સ્પર્ધામાં એક ગોલ્ડ અને ત્રણ સિલ્વર મેડલ હાંસલ કરનાર આર્યન નહેરાને સૌથી વધુ એક કરોડ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

રમત-ગમત મંત્રીએ સૌ વિજેતા ખેલાડીઓ અને તેમના પરિવારજનોને શુભકામનાઓ પાઠવી હતી. તેમણે એક સાચા ખેલાડીની પરિભાષા સમજાવતા કહ્યું હતું કે, રાજ્ય કક્ષાએ મેડલ મેળવ્યા બાદ સંતોષ ન કરીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ મેડલ મેળવવાનું સ્વપ્ન જોઈને પૂરતી મહેનત કરે એ જ સાચો ખેલાડી છે. મેડલ મેળવવાનું સ્વપ્ન જોવું, એ ખેલાડીઓનો હક છે. એ સ્વપ્નને પૂરું કરવા પૂરતી મહેનત કરવી, એ ખેલાડીની જવાબદારી છે અને આ ખેલાડીઓને જરૂરી તમામ સુવિધાઓ પૂરી પાડવી એ રાજ્ય સરકારની જવાબદારી છે. રાજ્ય સરકાર ગુજરાતમાં પ્રતિભાવાન ખેલાડીઓ પણ ઉભા કરશે અને તે ખેલાડીઓ માટે પૂરતા અવસર પણ ઉભા કરશે, તેવી તેમણે ખાતરી આપી હતી.ગુજરાત સરકારના ખેલ મહાકુંભની છેલ્લી આવૃત્તિમાં ૬૬ લાખથી વધુ ખલાડીઓએ ભાગ લીધો હતો, જે પૈકી વિજેતા બનેલા ખેલાડીઓને કુલ રૂ. ૪૦ કરોડ રકમના રોકડ પુરસ્કારો રાજ્ય સરકારે એનાયત કર્યા હતા. હર્ષ સંઘવીએ રાજ્યની રમત-ગમતલક્ષી યોજનાઓ અંગે વાત કરતા કહ્યું, “આજે ઇન-સ્કૂલ યોજના અંતર્ગત ગુજરાતની ૨૩૦ શાળામાં ૫૦૦ જેટલા ટ્રેઈનરો પાસે કુલ ૧.૨૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ ભણવાની સાથે રમત-ગમતની પ્રોફેશનલ તાલીમ મેળવી રહ્યા છે. સાથે જ, DLSS અંતર્ગત પણ રાજ્યની ૪૧ જેટલી સ્પોર્ટ્સ સ્કૂલમાં ૫,૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓ ૨૧ રમતોમાં તાલીમ મેળવી રહ્યા છે. DLSSના દરેક વિદ્યાર્થી દીઠ રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧.૬૮ લાખનો ખર્ચ કરવામાં આવે છે. આટલું જ નહિ, સેન્ટર ઓફ એક્સેલેન્સ એકેડમી ખાતે પણ ગુજરાતના મહત્વકાંક્ષી ખેલાડીઓ રાષ્ટ્રીય-અંતરરાષ્ટ્રીય કક્ષાની તાલીમો મેળવી રહ્યા છે. આ ઉપરાંત શક્તિદૂત યોજના હેઠળ પણ રમતવીરોને રાજ્ય સરકાર જરૂરી તમામ આર્થિક સહાય પૂરી પાડી રહી છે.”

ઇઝરાયેલ-લેબેનોન વચ્ચે સીઝફાયરનું ભારતે કર્યું સ્વાગત

નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક મહિનાઓથી યુદ્ધગ્રસ્ત ઇઝરાયેલ અને લેબેનોનના હિજબુલ્લા વચ્ચે સીઝફાયર મુદ્દે મજૂતી થઈ છે. બંને દેશોએ અમેરિકી મધ્યસ્થતાવાળી શાંતિ સમજૂતીનો સ્વીકાર કરી લીધો છે. બંને પક્ષોની વચ્ચે દુશ્મનીની સ્થાયી સમાપ્તિના ઉદ્દેશથી તૈયાર કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ જો બાઇડને યુદ્ધવિરામની સમજૂતીની ઘોષણાને સારા સમાચાર ગણાવ્યા છે.  બંને દેશો વચ્ચે સીઝફાયરના નિર્ણયનું ભારતે સ્વાગત કર્યું હતું.

હવે  ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે સમજૂતી થઈ છે, જેમાં ઈઝરાયેલ હવે સંમત થયું છે કે તે લેબનોન પર હુમલો નહીં કરે. ઇઝરાયેલી સુરક્ષા કેબિનેટ ઇઝરાયેલ સરકાર હેઠળની ટોચની નિર્ણય લેતી સંસ્થા યુદ્ધવિરામ માટે સંમત થઈ છે.ઈઝરાયેલના PM બેન્જામિન નેતાન્યાહુએ કહ્યું છે કે યુદ્ધવિરામનો સમયગાળો લેબનોનમાં શું થાય છે તેના પર નિર્ભર કરે છે. અમે કરારો લાગુ કરીશું અને કોઈ પણ ઉલ્લંઘનનો સખત જવાબ આપીશું. નેતાન્યાહુએ કહ્યું છે કે અમે બધા વિજય સુધી એકજૂટ રહીશું.

લેબનોન અને હિજબુલ્લાહ સાથેના યુદ્ધવિરામ અંગે નેતાન્યાહુએ કહ્યું હતું કે અમે હમાસને ખતમ કરવાનું કાર્ય પૂર્ણ કરીશું. અમે અમારા તમામ બંધકોને ઘરે લાવીશું, અમે એ સુનિશ્ચિત કરીશું કે ગાઝા હવે ઈઝરાયેલ માટે ખતરો ન બને અને અમે ઉત્તરના રહેવાસીઓની સુરક્ષા કરીશું.

લેબનોન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધવિરામમાં અમેરિકા અને ફ્રાન્સે મહત્વની ભૂમિકા ભજવી છે. આ અંગે જો બાઈડને આ શાંતિ સમજૂતીને પૂર્ણ કરવામાં મદદ કરવા બદલ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનનો પણ આભાર માન્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને X પર ટ્વીટ કરીને કહ્યું હતું કે આજે મારી પાસે મધ્ય પૂર્વ સંબંધિત સારા સમાચાર છે. મેં લેબનોન અને ઈઝરાયેલના વડા પ્રધાનો સાથે વાત કરી છે. મને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે બંને દેશોએ ઇઝરાયેલ અને હિઝબુલ્લા વચ્ચેના વિનાશક યુદ્ધને સમાપ્ત કરવાના યુનાઇટેડ સ્ટેટ્સના પ્રસ્તાવને સ્વીકારી લીધો છે.

 

પુતિનના ગુસ્સાથી યુરોપ-અમેરિકા ટેન્શનમાં

શું રશિયા-યુક્રેન યુદ્ધ પરમાણુ યુદ્ધમાં ફેરવાશે? યુક્રેન બાદ હવે રશિયા યુરોપિયન દેશો, ખાસ કરીને નાટોના સભ્ય દેશો પર હુમલો કરશે? વાસ્તવમાં યુક્રેનને પશ્ચિમી દેશો તરફથી મળી રહેલી મદદને કારણે રશિયા-યુક્રેન યુદ્ધનો વ્યાપ વધુ વધવાની આશા છે. સતત વધી રહેલા તણાવ વચ્ચે નાટો દેશોએ પોતાના નાગરિકોની સુરક્ષા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

નાટોના સભ્ય જર્મનીએ પોતાના નાગરિકોની સુરક્ષા માટે નવા બંકરો બનાવવાની યોજના તૈયાર કરી છે. આ યોજના હેઠળ જર્મની સાર્વજનિક અને ખાનગી ઇમારતોને બંકરમાં બદલવાની તૈયારી કરી રહ્યું છે. આ અંતર્ગત આ ઈમારતોના બેઝમેન્ટ્સ, અંડરગ્રાઉન્ડ પાર્કિંગ અને મેટ્રો સ્ટેશનને નાગરિકો માટે સુરક્ષિત આશ્રયસ્થાનોમાં ફેરવવામાં આવશે.

શું ‘પરમાણુ યુદ્ધ’ માટે મેદાન તૈયાર છે?

વાસ્તવમાં, રશિયાએ હાલમાં જ તેની પરમાણુ નીતિમાં ફેરફાર કર્યો છે અને સ્પષ્ટ કર્યું છે કે જો તેના પર નાટો દેશ તરફથી મિસાઈલથી હુમલો કરવામાં આવશે તો તે તેને સમગ્ર સંગઠન દ્વારા કરવામાં આવેલ હુમલો ગણશે. તેમજ નવી પરમાણુ નીતિ અનુસાર જો રશિયા પર પરમાણુ શક્તિ ધરાવતા કોઈપણ દેશના સમર્થનથી હુમલો કરવામાં આવે છે તો આવી સ્થિતિમાં રશિયા પરમાણુ હુમલા પર વિચાર કરી શકે છે.

બીજી તરફ, અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ પહેલાથી જ યુક્રેનને તેમની લાંબા અંતરની મિસાઇલોનો ઉપયોગ કરવાની મંજૂરી આપી ચૂક્યા છે. અમેરિકન મીડિયાએ તો એવો પણ દાવો કર્યો છે કે બિડેન પ્રશાસન યુક્રેનમાં પરમાણુ બોમ્બ ટ્રાન્સફર કરવા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે.

આ સાથે જ રશિયાએ સ્પષ્ટ કર્યું છે કે જો યુક્રેનના સહયોગી દેશ લાલ રેખા પાર કરે છે તો તે પરમાણુ હથિયારોના ઉપયોગ પર વિચાર કરી શકે છે. આવી સ્થિતિમાં પુતિનના ગુસ્સાની ઝપેટમાં સૌથી પહેલા યુરોપ આવી શકે છે. જો યુદ્ધનો વ્યાપ વધશે તો જ્વાળા જર્મની સુધી પહોંચવામાં વધુ સમય નહીં લાગે.

પુતિનના ગુસ્સાથી યુરોપ ગભરાટમાં

આ જ કારણ છે કે ત્રીજા વિશ્વ યુદ્ધના ભય વચ્ચે જર્મનીએ પોતાના નાગરિકોની સુરક્ષાને વધુ મજબૂત કરવાના પ્રયાસો શરૂ કર્યા છે. જર્મનીના ગૃહ મંત્રાલયે કહ્યું છે કે આ વિસ્તારમાં વધી રહેલા સુરક્ષા જોખમોને ધ્યાનમાં રાખીને આ યોજના બનાવવામાં આવી છે. અહેવાલો અનુસાર, આ બંકરો સાથે, જર્મન સરકાર એક મોબાઇલ એપ્લિકેશન પણ તૈયાર કરશે જે લોકોને કટોકટીની સ્થિતિમાં નજીકના બંકરનું સરનામું જણાવશે.

મહિલાઓ માટે સુરક્ષિત છે ગુજરાત? એક જ દિવસમાં ત્રણ દુષ્કર્મના કેસ

ગુજરાત રાજ્યની સુરક્ષાને લઈ દેશમાં ડંકો વાગે છે, પરંતુ એજ ગાંધીના ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા લઈ થતા દાવા ખાલી પોકાર સાબીત થઈ રહ્યા છે. ગતરોજ દેશમાં બંધારણીય દિવસની ઉજવણી થઈ અને આજે ગુજરાતને સરમાવે એવી ખુણે ખુણામાંથી સમચારો પ્રકાશમાં આવ્યા છે. રાજ્યમાં આજે એક જ દિવસમાં ત્રણ અલગ-અલગ દુષ્કર્મની ઘટના બની છે. જેમાં પહેલી ઘટના અમરેલીના વડીયામાં બની, તો બીજી ઘટના અમદાવાદના વાસણા વિસ્તારમાં બની અને ત્રીજી ઘટના અમદાવાદના સાબરમતી વિસ્તારમાં બની છે, આ ત્રણેય ઘટનાઓમાં પોલીસે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથધરી છે.

અમરેલીમાં 21 વર્ષીય યુવતી પર સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે,જેમાં લગ્નની લાલચ આપી 4 શખ્સોએ દુષ્કર્મ આચર્યુ હોવાની વાત સામે આવી છે,વડીયાના કુકાવાવમાં આ ઘટના બની હોવાની વાત સામે આવી છે,વડીયા પોલીસ મથકમાં દુષ્કર્મનો ગુનો નોંધાયો છે જેમાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને શોધવાની કવાયત હાથધરી છે. અમદાવાદના વાસણા વિસ્તારમાં દુષ્કર્મની ઘટના બની છે જેમાં 12 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાની વાત સામે આવી છે,સગીરાની માતા સાથે આરોપીએ મૈત્રીકરાર કર્યો હતો અને ત્યારબાદ આરોપીએ સગીરા પર નજર બગાડી હતી અને સમય જોઈને સગીરાનો ફાયદો ઉઠાવ્યો હતો,આ સમગ્ર ઘટનામાં સગીરાએ તેના પિતાને જાણ કરતા તેમના પગ પણ જમીન પરથી સરકી ગયા હતા,તો વાસણા પોલીસે આરોપીની અટકાયત કરી હતી. અમદાવાદના સાબરમતી વિસ્તારમાં 14 વર્ષીય સગીરા પર દુષ્કર્મની ઘટના બની હતી,જેમાં પાડોશી યુવકે સગીરા પર દુષ્કર્મ આચર્યુ છે.બીજી તરફ સાબરમતી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે,રસોઈના બહાને સગીરાને ઘરે બોલાવી અને ત્યારબાદ તેની પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે.આરોપીએ સગીરા સાથે દુષ્કર્મ બાદ તેની બદનામી કરી હતી અને સગીરા અને તેની બહેનને મારી નાખવાની ધમકી આપી હતી.પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથધરી છે.

બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયા ભ્રષ્ટાચારના કેસમાં નિર્દોષ જાહેર

બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન અને BNP પ્રમુખ ખાલિદા ઝિયાને બુધવારે હાઈકોર્ટે ભ્રષ્ટાચારના કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા. પૂર્વ PM ખાલિદા ઝિયાને 2018માં ઝિયા ચેરિટેબલ ટ્રસ્ટ ભ્રષ્ટાચાર કેસમાં ઢાકાની અદાલતે દોષિત ઠેરવ્યા હતા. તેને સાત વર્ષની જેલની સજા અને દસ લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.

બાંગ્લાદેશી મીડિયા રિપોર્ટ અનુસાર, જસ્ટિસ એકેએમ અસદુઝમાન અને સૈયદ ઇનાયત હુસૈનની બેન્ચે ઝિયાની અપીલના આધારે ઢાકા કોર્ટના નિર્ણયને પલટી નાખ્યો હતો. આ કેસમાં અન્ય બે આરોપીઓને પણ નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. 2011 માં, ભ્રષ્ટાચાર વિરોધી આયોગ (ACC) એ ભૂતપૂર્વ વડા પ્રધાન અને ઝિયા ચેરિટેબલ ટ્રસ્ટના ખાલિદા અને અન્ય ત્રણ, ખાલિદાના રાજકીય સચિવ ઝિયાઉલ ઈસ્લામ મુન્ના, સહાયક ખાનગી સચિવ (APS) હેરિસ અને ઢાકા શહેરના મેયર સાદિકના APS મોનિરુલ ઈસ્લામ ખાન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. તેજગાંવમાં સત્તાનો દુરુપયોગ કરીને અજ્ઞાત સ્ત્રોતો પાસેથી પૈસા વસૂલવા બદલ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો.

અગાઉ ખાલિદા ઝિયાને અનાથાલય ટ્રસ્ટ ભ્રષ્ટાચાર કેસમાં વિશેષ અદાલતે પાંચ વર્ષની જેલની સજા ફટકારી હતી. આ પછી, તેને 8 ફેબ્રુઆરી, 2018 ના રોજ જૂની ઢાકા સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા હતા. 30 ઓક્ટોબર 2018ના રોજ હાઈકોર્ટે તેની સજા વધારીને 10 વર્ષ કરી હતી. બાદમાં તેમને ઝિયા ચેરિટેબલ ટ્રસ્ટ ભ્રષ્ટાચાર કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. તેને સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

કોવિડ દરમિયાન, શેખ હસીનાની સરકારે ખાલિદા ઝિયાને 776 દિવસ પછી અસ્થાયી રૂપે જેલમાંથી મુક્ત કર્યા હતા. તેની સજા 25 માર્ચ 2020 ના રોજ સસ્પેન્ડ કરવામાં આવી હતી. તેમાં એક શરત રાખવામાં આવી હતી કે તે તેના ગુલશનના ઘરમાં જ રહેશે અને દેશ છોડીને નહીં જાય. જિયા છેલ્લા પાંચ વર્ષથી નજરકેદમાં હતા અને ઓગસ્ટમાં રાષ્ટ્રીય માફી બાદ હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યા હતા. તેણીના રાજકીય હરીફ શેખ હસીનાની સરકારના પતન પછી તેણીને તમામ આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. ખાલિદા ઝિયા માર્ચ 1991 થી માર્ચ 1996 અને ફરીથી જૂન 2001 થી ઓક્ટોબર 2006 સુધી બાંગ્લાદેશના વડા પ્રધાન હતા.

હેમંત સોરેન આવતીકાલે ચોથી વખત CM તરીકે શપથ લેશે

આવતીકાલે ઝારખંડમાં નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે, જેમાં જેએમએમના નેતા અને કાર્યકારી મુખ્યમંત્રી હેમંત સોરેન ચોથી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. હેમંત સોરેને તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ગામલીલ હેમ્બ્રોમને 39 હજાર 791 મતોના માર્જિનથી હરાવીને બારહૈત બેઠક જાળવી રાખી છે. તે જ સમયે, તેમના શપથ ગ્રહણ માટે રાજધાની રાંચીના મોરહબાદી મેદાનમાં પણ ભવ્ય તૈયારીઓ કરવામાં આવી રહી છે. શપથ ગ્રહણ સમારોહના સમય વિશે વાત કરતા, રાજ્યપાલ સંતોષ કુમાર ગંગવાર સાંજે 4 વાગ્યે હેમંત સોરેનને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવશે. જ્યારે આ પહેલા હેમંત સોરેન પોતે પણ તૈયારીઓનો હિસાબ લઈ ચૂક્યા છે. આ દરમિયાન, તેમણે કહ્યું કે, આ મહત્વપૂર્ણ અવસર પર આવા આદરણીય નેતાઓ અમારી સાથે હોવાનો આનંદ છે.

સોરેન પીએમ મોદી સહિત ટોચના નેતાઓને મળ્યા હતા

આ પહેલા મંગળવારે હેમંત સોરેન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. જે અંગે તેમણે કહ્યું કે, મેં વડાપ્રધાન સાથે રચનાત્મક બેઠક કરી હતી, જ્યાં અમે ઝારખંડના વિકાસ અને પ્રગતિ અંગે ચર્ચા કરી હતી. અમે અમારી યોજનાઓ સાથે આગળ વધીએ છીએ તેમ તેમનો ટેકો મૂલ્યવાન છે. આ દરમિયાન તેમની સાથે તેમની પત્ની કલ્પના પણ હતી, જે તાજેતરની ચૂંટણીમાં ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવી હતી. હેમંત સોરેન કોંગ્રેસના નેતાઓ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી તેમજ AAPના અરવિંદ કેજરીવાલને પણ મળ્યા હતા અને તેમને શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રણ આપ્યું હતું. તેમણે કહ્યું, અમે ઝારખંડ અને તેના લોકોના ભલા માટે કામ કરવાના અમારા લક્ષ્યમાં એકજૂટ છીએ.

આ દિગ્ગજો શપથ સમારોહમાં ભાગ લેશે

મળતી માહિતી મુજબ, શપથ સમારોહમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, એનસીપી ચીફ શરદ પવાર, પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી, મેઘાલયના સીએમ કોનરાડ સંગમા, પંજાબના સીએમ ભગવંત માન અને હિમાચલ પ્રદેશના સીએમ સુખવિંદર સિંહ સુખુ સામેલ થશે. અન્ય અગ્રણી નેતાઓમાં CPI (ML)ના મહાસચિવ દીપાંકર ભટ્ટાચાર્ય, AAP નેતા અરવિંદ કેજરીવાલ, શિવસેના (UBT)ના નેતા ઉદ્ધવ ઠાકરે, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ, PDP નેતા મહેબૂબા મુફ્તી, તમિલનાડુના ઉધયનિધિ સ્ટાલિન, કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારનો સમાવેશ થાય છે. અને બિહારમાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવ હાજરી આપે તેવી શક્યતા છે.

બંગલાદેશમાં હિન્દુઓ, ધાર્મિક સ્થળો પર ઉપદ્રવીઓના હુમલા

ઢાકાઃ બંગલાદેશમાં હિન્દુઓ અને તેમનાં ધાર્મિક સ્થળો પર 24 કલાક હુમલા કરવામાં આવી રહ્યા છે. આ હુમલાના વિડિયો સતત સોશિયલ મિડિયામાં આવી રહ્યા છે. હિન્દુઓનો ઘેરાવ કરીને અને રસ્તાઓ પર ચાર રસ્તે તેમને દોડાવી-દોડાવીને માર મારવામાં આવી રહ્યો છે.

બંગલાદેશની યુનુસ સરકાર આ તમામ બાબતો નજરઅંદાજ કરી રહી છે. સરકારે ઉપદ્રવીઓને હિંદુ પર હુમલો કરવાનો છૂટો દોર આપ્યો છે. હાલના સમયે હિંદુઓ બંગલાદેશમાં પોતાને અસહાય અનુભવી રહ્યા છે. હિંદુઓ મદદ માટે વિનંતી કરી રહ્યા છે, પરંતુ મુસ્લિમ ધર્મના લોકો લઘુમતીઓ પર અત્યાચાર કરી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં હિંદુઓનાં અનેક ઘરો, દુકાનો, ઓફિસો અને મંદિરોને તોડી પાડવામાં આવ્યાં છે. હિંદુઓને દંડાથી મારવામાં આવ્યા છે. તેમનાં ઘરો અને દુકાનોને આગ લગાડવામાં આવી છે. દીકરીઓ અને મહિલાઓ સાથે દુષ્કર્મ થઈ રહ્યું છે.

હિંદુ લઘુમતીઓને નિશાન બનાવતાં ઉપદ્રવીઓ રસ્તાઓ પર ખુલ્લેઆમ ફરી રહ્યા છે. તેમના હાથમાં લાકડીઓ, તીક્ષ્ણ હથિયારો અને અન્ય ઘાતક વસ્તુઓ છે. જેની મદદથી તેઓ હિંદુઓ અને તેમની સાથે જોડાયેલાં પ્રતીકો પર ઘાતક હુમલા કરી રહ્યા છે.

 

ઇસ્કોન મંદિર કોલકાતાના ઉપાધ્યક્ષ અને પ્રવક્તા રાધારમણ દાસે આ હુમલાનો એક વિડિયો શેર કર્યો છે. તેમણે લખ્યું છે કે 24 કલાક હિંદુઓ અને તેમના જોડાયેલાં સ્થાનો પર હુમલા કરવામાં આવી રહ્યા છે અને તેમને રોકનાર કોઈ નથી.

 

 

કાંકરિયા ઝૂમાં ઠંડીમાં પશુ-પંખીઓ માટે વિશેષ વ્યવસ્થા

અમદાવાદ: ગુજરાતમાં ઠંડીનો ચમકાર દેખાવાનો શરૂ થઈ ચૂક્યો છે. ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા પણ ઠંડીમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલય ખાતે પશુ-પંખીઓને ઠંડીથી રક્ષણ આપવા ખાસ આયોજન કરાયું છે. વાઘ, સિંહ, દીપડા અને રીછના પાંજરા પાસે 25 જેટલા રૂમ હિ‌ટર મૂકવામાં આવ્યા છે, તો સર્પગૃહમાં ઈલેક્ટ્રીક બલ્બ સાથેના માટીના કુંડા ના બ્રૂડર મુકાયા છે.

શિયાળાની ઋતુમાં માણસોની સાથે સાથે પશુ-પક્ષીઓને પણ ઠંડીનો અહેસાસ થાય છે ત્યારે પ્રાણીઓ, પક્ષીઓ તેમજ સરીસૃપ જીવોને ઠંડીથી રક્ષણ મળે તે માટે અમદાવાદના કમલાનેહરૂ પ્રાણી સંગ્રહાલયમાં ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રાણીઓ ઠંડી ન લાગે તે માટે પ્રાણીઓના નજીક હીટર મૂકવામાં આવ્યા છે. સાથે સાથે ઘાસ પણ પાંજરાની અંદર પાથરવામાં આવ્યા છે. પશુ-પક્ષીઓ પાંજરાની અંદર હેરફેર કરે તો તેમને ઠંડીના લાગી જાય તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રાણીઓને શિયાળાથી રક્ષણ મળે તે માટે વસાણા આપવામાં આવ્યા છે. શિયાળાથી રક્ષણ મેળવવા લોકો અનેક પ્રકારનું વસાણું ખાતા હોય છે. અમદાવાદના કાંકરિયા ઝૂમાં હાથી માટે ઠંડીની સીઝનમાં વિશેષ પ્રકારના લાડુ બનાવવામાં આવે છે, જેમાં સૂંઠ,રાગી ,કોહલી પ્રકારનાં વસાણાં નો ઉપયોગ પણ કરવામાં આવે છે ગજરાજ નું બોડી ટેમ્પરેચર વ્યવસ્થિત જળવાઈ રહે તે માટે આ પ્રકારનો વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે.