Home Blog Page 13

AI-નકલી APKથી ૬૪ કરોડની છેતરપિંડી કરનાર ૧૮ વર્ષીય યુવકની ધરપકડ

સુરત: સિટી સાયબર ક્રાઇમ સેલે દેશવ્યાપી સાયબર છેતરપિંડી આચરતા એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ઉત્તર પ્રદેશના કાનપુરની એક હોટલમાંથી ૧૮ વર્ષીય રોહિત વીરેન્દ્રસિંહ શાક્યની ધરપકડ કરી છે. ધોરણ ૧૧માં અભ્યાસ છોડી દેનાર આ યુવક AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) અને ટેલિગ્રામનો ઉપયોગ કરીને નકલી બેંકિંગ અને સરકારી એપ્લિકેશન્સ બનાવતો હતો. તેના દ્વારા બનાવાયેલી માલવેર એપ્સનો ઉપયોગ કરીને સાયબર ગુનેગારોએ સમગ્ર દેશમાં લોકો સાથે ₹૬૪ કરોડથી વધુની રકમની ઠગાઈ આચરી હતી.

દર મહિનના ₹૧૫,૦૦૦માં ‘માલવેર સબ્સ્ક્રિપ્શન’

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ૧૬ વર્ષની ઉંમરે કોડિંગ શીખી ગયેલો રોહિત જામતારા, હરિયાણા અને રાજસ્થાનની સાયબર ગેંગને દર મહિને ₹૧૫,૦૦૦ના સબ્સ્ક્રિપ્શન મોડેલ પર નકલી APK ફાઇલો સપ્લાય કરતો હતો. તેણે બે પ્રકારની એપ બનાવી હતી:

  1. વિક્ટિમ એપ: જેને યુઝર્સ અજાણતા પોતાના ફોનમાં ઇન્સ્ટોલ કરી લેતા હતા.

  2. એડમિન એપ: જેના દ્વારા સાયબર ઠગો રીઅલ-ટાઇમમાં પીડિતના ફોનના OTP, બેંકિંગ ઓળખપત્રો અને અન્ય સંવેદનશીલ વિગતો એક્સેસ કરી લેતા હતા.

આ નકલી એપ્સ SBI, PNB, ICICI, Axis Bank જેવી સત્તાવાર બેંકો તેમજ Aadhaar, PM-Kisan અને RTO ચલણ પેમેન્ટ પોર્ટલની આબેહૂબ નકલ કરતી હતી.

સુરતના કિસ્સાથી પર્દાફાશ

મે ૨૦૨૬માં સુરતના એક રહીશે WhatsApp પર આવેલી નકલી “PNB One.apk” ફાઇલ ઇન્સ્ટોલ કરી લેતાં તેમના બેંક ખાતામાંથી ₹૫ લાખ ગાયબ થઈ ગયા હતા. પીડિતે સાયબર હેલ્પલાઇન (૧૯૩૦) પર ફરિયાદ નોંધાવતા સુરત પોલીસે તપાસ શરૂ કરી હતી.

ડિજિટલ ફોરેન્સિક તપાસના ચોંકાવનારા આંકડા:

  • રોહિતે આવી ૧૨૧ દૂષિત (Malicious) APK એપ્સ બનાવી હતી.

  • આ એપ્સ દેશભરમાં ૨૧,૬૭૨ મોબાઇલ ફોનમાં ઇન્સ્ટોલ થઈ હતી.

  • તેમાંથી ૨,૯૨૮ ફોન સંપૂર્ણપણે હેક થઈ ચૂક્યા હતા. જેના દ્વારા ૫૪,૦૯૪ વ્યવહારો કરીને ₹૬૪.૩૮ કરોડની ઠગાઈ આચરવામાં આવી હતી.

  • સૌથી વધુ છેતરપિંડી નકલી RTO ચલણ એપ્સ દ્વારા કરવામાં આવી હતી.

સુરત પોલીસે આરોપી પાસેથી ૨ મોબાઇલ ફોન અને ૧ લેપટોપ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

પરાક્રમ બલિદાનનું સંભારણું પાળિયા

સૌરાષ્ટ્ર કચ્છ કે ઉત્તર ગુજરાતમાં કેટલાક સ્થળોએ ગામોમાં પ્રવેશતાં જ વીર રસથી ભરપૂર ઘોડે ચઢેલાં પાળિયા જોવા મળે છે. પહેલાના સમયમાં પરાક્રમી પુરુષો કે સ્ત્રીઓના બલિદાનનાં ગ્રામીણ સ્મારકો એટલે પાળિયા. માનવસંસ્કૃતિની શરૂઆતથી જ માણસ જ્યાં વસ્યો ત્યાં તેણે વીરતા, મમતા, સ્નેહ ને બલિદાન પૂજાય છે. જમાનો બદલાયો એટલે શહેરી વિસ્તારોમાં શહીદના સ્મારકો અને ખાંભીઓ બંધાઇ. વિશ્વના યુરોપ, આફ્રિકા સહિતના દરેક ખંડમાં સંસ્કૃતિઓમાં આ પ્રથાઓ જુદી જુદી રીતે જોવા મળે છે. ભારતીય ઇતિહાસના મધ્યયુગમાં સ્મારકો તરીકે પાળિયા સ્થાપવાનો રિવાજ પ્રસર્યો હતો.પાળિયા અને ખાંભી એ વ્યાપક અર્થમાં મૃત્યુનાં સ્મારકો છે. પાળિયાની સૃષ્ટિ દ્વારા મૃતકો દ્વારા પણ મંગલ થવાની ભાવના ઋગ્વેદના દસમા મંડળના અઢારમા સૂક્તમાં મળે છે.

પાળિયા પણ માનવજીવનનું એક અંગ હોઈ પુરાતત્વની અભ્યાસ સામગ્રીમાં તેનો સમાવેશ કરવામાં આવે છે. પાળિયા પુરાતત્વ અભ્યાસનું સબળ સાધન ગણાય છે. પાળિયા મુખ્યત્વે યોધ્ધાઓ, ખલાસીઓ, સતીઓ, લોકસાહિત્ય, ક્ષેત્રપાળ, પ્રાણીઓના સ્વરૂપે જોવા મળે છે. કચ્છના વ્રજવાણીમાં 140 સ્ત્રીઓ અને એક ઢોલીનો પાળિયો આવેલા છે.

ગુજરાતમાં કચ્છમાં મહાપાષાણ સ્મારકો આવેલાં છે. આ મહાપાષાણ સ્મારકોના પ્રકારમાંથી ‘મેનહીર’ પ્રકાર સૌરાષ્ટ્રના પાળિયાનો પૂર્વજ હોઈ શકે. મહાપાષાણ સ્મારકોનો સમય ઈ. પૂ. 4000થી 1000 સુધીનો માનવામાં આવે છે. મૃત્યુ-સ્મારક તરીકે ઇજિપ્તના પિરામિડો હોય કે સાંચીનો સ્તૂપ હોય, બંનેમાં મૃતાત્માના અમરત્વનો ખ્યાલ સૂક્ષ્મ ભાવે રહેલો જણાય છે. હજારો વર્ષ પૂર્વે ભગવાન શ્રીકૃષ્ણના અગ્નિસંસ્કારની સ્મૃતિ માટે પ્રભાસપાટણમાં ત્રિવેણી-સંગમ પર રચાયેલા તુલસીક્યારાથી માંડીને દિલ્હીમાં આવેલા મહાત્મા ગાંધીના રાજઘાટના સ્મૃતિસ્મારક સુધીનાં મૃત્યુસ્મારકોમાં ભારતની જીવંત સંસ્કૃતિનો ધબકાર વરતાય છે.

પાળિયાનું ભૌગોલિક સ્થાન એ જેમાંથી બનાવાયો હોય તે પદાર્થસામગ્રી, એને ઊભો કરવાનો હેતુ, લેખ અને એમાંની ભાષા અને લિપિ, ધાર્મિક ચિહનો, આકૃતિઓ, અંકિત માનવ-આકૃતિનાં પહેરવેશ, અલંકારો, આયુધો, ઉપકરણો અને તેની સાથેનાં પશુઓ, તેનો ઐતિહાસિક સમય, તેના અંગેની લોકકથા વગેરેનો અભ્યાસ કરી, તેનો અન્ય આધારભૂત ગ્રંથો સાથે સંબંધ-સંદર્ભ તપાસી, પાળિયાની પ્રમાણ નક્કી થાય છે. ગુજરાતનાં અંદાજે છેલ્લાં એક હજાર વર્ષનો ઇતિહાસ આ પાળિયાઓમાં જોવા મળે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા મુદ્દે સરકાર નહીં ઝૂકે, ચર્ચા માટે તૈયાર

નવી દિલ્હીઃ જંતર-મંતર ખાતે નીટ (NEET) પેપર લીક મુદ્દે થયેલા વિરોધ પ્રદર્શન બાદ મંગળવારે સરકારના વરિષ્ઠ સ્તરે એક જ સત્તાવાર વલણ જોવા મળ્યું હતું. સરકારનું કહેવું છે કે શિક્ષણ મંત્રીના રાજીનામાની માગ રાજકીય છે અને સરકાર તેની આગળ ઝૂકવાની નથી. નીટ પેપર લીક સાથે જોડાયેલી ખામીઓને સુધારી લેવામાં આવી છે. તે ઉપરાંત, ત્રણ મુખ્ય પ્રવેશ પરીક્ષાઓ—નીટ રિ-ટેસ્ટ, CUET અને JEE Main—અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા મોટા ભાગે યોગ્ય માર્ગ પર છે અને સરકાર સંસદમાં આ મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે.

રાજીનામાની માગ સામે ઝૂકવાનો કોઈ ઇરાદો નથી

વરિષ્ઠ સરકારી અધિકારીઓએ જણાવ્યું કે કેન્દ્ર સરકારનો શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ સામે ઝૂકવાનો કોઈ ઇરાદો નથી. તેમણે દલીલ કરી કે મંત્રીએ ન તો ખામીઓનો ઇનકાર કર્યો છે અને ન તો જવાબદારીમાંથી બચવાનો પ્રયાસ કર્યો છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ કહ્યું હતું કે સમસ્યા હતી. અમે આ વાત જાહેરમાં સ્વીકારી છે અને તેની જવાબદારી પણ જાહેરમાં લીધી છે. સરકાર આ મુદ્દાથી મોં નથી ફેરવી રહી. સરકારનું માનવું છે કે હવે ધ્યાન શૈક્ષણિક સત્રને સરળતાથી આગળ વધારવા પર હોવું જોઈએ, અને તે વિવાદને ફરીથી ઉઠાવવા પર નહીં, જેને સરકાર વહીવટી રીતે ઉકેલાયેલો માને છે.

મોટા ભાગના વિદ્યાર્થીઓ કેમ્પસમાં પાછા ફર્યા છે

અધિકારીઓએ નીટ, CUET અને JEE Mainમાં પ્રવેશ પ્રક્રિયાની પ્રગતિનો ઉલ્લેખ કર્યો. એક અધિકારીએ જણાવ્યું હતું કે મોટા ભાગના વિદ્યાર્થીઓ કેમ્પસમાં પાછા આવી ગયા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે દિલ્હી યુનિવર્સિટીમાં આશરે 72,000 વિદ્યાર્થીઓના પ્રવેશથી એ સંકેત મળે છે કે શૈક્ષણિક પ્રવૃત્તિઓ ફરી સામાન્ય બની રહી છે. એક અન્ય વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે અમે એવું નથી કહી રહ્યા કે લોકોને વિરોધ કરવાનો અધિકાર નથી. લોકશાહીમાં લોકોને વિરોધ કરવાનો સંપૂર્ણ અધિકાર છે.

સંસદમાં ચર્ચા માટે સરકાર તૈયાર

જોકે સરકાર રાજીનામાની માગ સ્વીકારવા તૈયાર નથી, તેમ છતાં તેનું કહેવું છે કે તે સંસદમાં ચર્ચા કરવા વિરુદ્ધ નથી. એક અધિકારીએ કહ્યું હતું કે ચર્ચા થવી જોઈએ. સંસદમાં સંવાદ થવો જોઈએ. સરકાર દરેક પ્રશ્નનો જવાબ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

સિંધી કોકી

ભારતીય વિવિધ પ્રાંતીય વાનગીનો સ્વાદ દરેક પ્રાંતથી તદ્દન અલગ હોય છે! પણ તે દરેકનો ગુણ એક જ હોય છે, પૌષ્ટિકતાનો! સવારના નાસ્તા માટે બનાવવામાં આવતી સિંધી કોકી 2 દિવસ સુધી સારી રહે છે. જે કાંદા વગર બનાવવામાં આવે તો 4-5 દિવસ સુધી સારી રહે છે!

સામગ્રીઃ ઘઉંનો લોટ 2½ કપ (500 ગ્રામ), ચણાનો લોટ 2 ટે.સ્પૂન, સ્વાદ મુજબ મીઠું, અજમો ½ ટી.સ્પૂન, લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન, કાળા મરી પાઉડર ¼ ટી.સ્પૂન, જીરૂ 1½ ટી.સ્પૂન, ઘી મોણ માટે 3 ટે.સ્પૂન તેમજ કોકી શેકવા માટે, કાંદા 2 (optional), લીલા મરચાં 3, ધોઈને સમારેલી કોથમીર ½ કપ, અનારદાના પાઉડર 1 ટી.સ્પૂન (optional)

રીતઃ ઘઉંના લોટમાં ચણાનો લોટ, સ્વાદ મુજબ મીઠું, અજમાને બંને હાથમાં લઈ મસળીને ઉમેરવો,જેથી તેની સુગંધ સારી આવે. ત્યારબાદ તેમાં લાલ મરચાં પાઉડર, કાળા મરી પાઉડર, જીરૂ તેમજ મોણ માટે 3 ટે.સ્પૂન ઘી મેળવી હાથ વડે આ બધી સામગ્રી મિક્સ કરો.

કાંદાને ઝીણાં ચોરસ સમારી લો. લીલા મરચાંને ઝીણાં ગોળ સમારી લો. સમારેલાં કાંદા, કોથમીર, લીલા મરચાંને લોટમાં ઉમેરી દો અને ફરીથી હાથેથી જ બધી સામગ્રી મિક્સ કરો. કાંદામાં રહેલું પાણી છૂટવાથી થોડો લોટ બંધાવા આવશે. તેમાં 1-2 ટે.સ્પૂન અથવા તેનાથી પણ ઓછું પાણી ઉમેરીને કડક લોટ બાંધો. લોટ સ્મૂધ નહીં પણ ટેક્સ્ચરવાળો હોવો જોઈએ.

હવે લોટમાંથી 3 રોટલીના લૂવા જેટલો એક મોટો લૂવો લઈને ગોળાકાર ચપટો લૂવો બનાવો. આ રીતે બધા લૂવા લગભગ 4-5 બનશે.

ગેસ પર તવો ગરમ કરવા મૂકો. જેવો તવો ગરમ થાય એટલે બધા લૂવાને તવા પર ગોઠવીને બંને સાઈડથી અડધી મિનિટમાં શેકી લઈને તરત બહાર કાઢી લો. આ રીતથી લૂવામાંનું ઘી થોડું ઓગળશે અને લૂવા નરમ થવાથી રોટલી વણવી સહેલી રહેશે.

ગેસની આંચ ધીમી કરી લેવી અને રોટલી ભાખરી જેવી સહેજ જાડી વણીને બંને સાઈડથી ધીમા તાપે શેકી લીધા બાદ, બંને બાજુએ ઘી લગાડીને થોડી શેકીને ઉતારી લો.

આ સિંધી કોકી 2 દિવસ સુધી સારી રહે છે. જ્યારે કાંદા વગરની કોકી 4-5 દિવસ સુધી સારી રહે છે. પ્રવાસ માટે પણ આ કોકી સારી રહે છે.

તૈયાર કોકી દહીં સાથે સારી લાગે છે. ચા કે અથાણાં સાથે પણ પીરસી શકાય છે.

૨૨ જુલાઈ ૨૦૨૬

વાહ ભાઈ વાહ! ૨૨ જુલાઈ ૨૦૨૬

પંચાંગ 22/07/2026

નેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ ‘MAARAN’ની રિલીઝ તારીખ જાહેર

ગુજરાતી સિનેમા માટે ગૌરવપૂર્ણ ક્ષણ સર્જાઈ છે. 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ (2026)માં ‘શ્રેષ્ઠ ગુજરાતી ફીચર ફિલ્મ’નો નેશનલ એવોર્ડ પોતાના નામે કરનારી ચર્ચિત ફિલ્મ ‘MAARAN’ (મારણ) ની અધિકૃત રિલીઝ તારીખની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મનમોહક અંદાજમાં આ ફિલ્મની રિલીઝ ડેટનું અનાવરણ કર્યું હતું. સિનેમેન પ્રોડક્શન્સ દ્વારા પ્રસ્તુત આ ફિલ્મ આગામી 31મી જુલાઈ, 2026 ના રોજ સમગ્ર ગુજરાતના સિનેમાઘરોમાં ધૂમ મચાવવા આવી રહી છે.

“હું ચોક્કસ આ ફિલ્મ જોવા જઈશ” — CM ભૂપેન્દ્ર પટેલ

આ ખાસ પ્રસંગે મુખ્યમંત્રીએ અત્યંત ઉષ્માભર્યા સ્વરે ફિલ્મની સમગ્ર ટીમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા અને સામાજિક ચેતનાને સ્પર્શતી આવી ઉત્કૃષ્ટ ફિલ્મ બનાવ બદલ સરાહના કરી હતી. તેમણે પ્રોત્સાહક લહેકામાં ઉમેર્યું હતું કે, હું પોતે ચોક્કસપણે આ ફિલ્મ જોવા માટે સિનેમાઘરમાં જઈશ. ફિલ્મના નિર્માતા અને પ્રખ્યાત દિગ્દર્શક અભિષેક જૈને મુખ્યમંત્રીનો આભાર માનતા જણાવ્યું કે, આ સન્માન અમે સમગ્ર ગુજરાત રાજ્યને સમર્પિત કરીએ છીએ. ગુજરાતી સિનેમાના ઉત્થાન માટે માનનીય મુખ્યમંત્રીના અડગ સહયોગ બદલ અમે નમ્રતાપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. તેમની ગરિમામય ઉપસ્થિતિમાં ફિલ્મની રિલીઝ તારીખ જાહેર થઈ તે અમારા માટે અત્યંત ગૌરવની વાત છે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાનું પણ સન્માન

આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ટીમને શુભેચ્છાઓ આપતાં કહ્યું હતું કે, ફિલ્મ ટીમને ફરી એકવાર નેશનલ એવોર્ડ મળ્યો તે સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે. ફિલ્મ જગત કે પોલિસી લેવલને લગતો કોઈ પણ રચનાત્મક વિષય હશે, તો અમે ચોક્કસપણે સાથે મળીને તેના પર કામ કરીશું. આ ઉપરાંત, કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પણ દિગ્દર્શક અભિષેક જૈન સાથે ખાસ મુલાકાત કરીને ફિલ્મ ‘MAARAN‘ના શીર્ષકના અર્થ અને તેની કથા વિશે વિગતે ચર્ચા કરી હતી તથા અભિષેક જૈનનું વિશેષ બહુમાન કર્યું હતું.

જાણી લો ફિલ્મ ‘MAARAN’ ના મુખ્ય પાસાં

પુરસ્કાર: શ્રેષ્ઠ ગુજરાતી ફીચર ફિલ્મ — 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ, 2026

રિલીઝ તારીખ: 31 જુલાઈ, 2026 (ફક્ત સિનેમાઘરોમાં)

દિગ્દર્શક: અભિષેક જૈન

નિર્માતાઓ: નયન જૈન, અમિત દેસાઈ અને અભિષેક જૈન

લેખક: દિવ્યા મહેન્દ્રભાઈ ઠાકોરે

મુખ્ય કલાકારો: યશ સોની, દીક્ષા જોશી, શ્રુહદ ગોસ્વામી, તર્જની ભડલા, અભિનય બેન્કર, વૈશાખ રાઠોડ, કુકુલ તારમાસ્ટર, પ્રાચી ઠાકોર, ધૈર્ય ઠક્કર, દ્રુમા મહેતા, મોલ પટેલ અને ગરિમા ભારદ્વાજ.

મ્યુઝિક એન્ડ લિરિક્સ: સંગીત આલાપ – પાર્થનું છે અને ગીતો ભાર્ગવ પુરોહિતે લખ્યા છે.

સાઉન્ડ એન્ડ DOP: DOP પ્રતીક પરમાર અને સાઉન્ડ ડિઝાઈનર અજીત સિંહ રાઠોડ છે.

સંપાદન (Editors): ઓમકાર નિલાંગે, હર્ષ આનંદાણી અને દેવર્ષિ બારોટ.

સામાજિક ચેતના અને અદભુત વિષયવસ્તુ પર આધારિત આ ફિલ્મ 31મી જુલાઈ, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે, જેને લઈને અત્યારથી જ સિનેપ્રેમીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

PM આવાસ વિરોધ પ્રદર્શન: રાહુલ-પ્રિયંકા અને અખિલેશ કસ્ટડીમાંથી મુક્ત

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં નેતા વિપક્ષ રાહુલ ગાંધી, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ સહિતના અનેક વિપક્ષી નેતાઓને દિલ્હી પોલીસે કસ્ટડીમાંથી મુક્ત કરી દીધા છે. લોક કલ્યાણ માર્ગ (PM આવાસ) બહાર વિરોધ પ્રદર્શન કરી રહેલા નેતાઓની અટકાયત કરીને તેમને અલગ-અલગ સ્થળે રાખવામાં આવ્યા હતા. છત્રસાલ સ્ટેડિયમથી મુક્ત થયા બાદ રાહુલ ગાંધી પોતાના નિવાસસ્થાને જવા રવાના થઈ ગયા હતા. કસ્ટડીમાંથી મુક્ત થયા બાદ વિપક્ષના તમામ ટોચના નેતાઓએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને નીટ પેપર લીક વિવાદમાં શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ પર અડગ રહ્યા હતા.

પ્રિયંકા ગાંધી વાડ્રાનું નિવેદન

પોલીસ કસ્ટડીમાંથી બહાર આવ્યા બાદ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ દેશના યુવાનોનો પક્ષ લેતા કહ્યું, જેઓ આપણા બાળકો છે, આપણા યુવાનો છે અને દેશનું ભવિષ્ય છે, તેમની વાત સાંભળવામાં સરકારને શું વાંધો છે? તેઓ એક અત્યંત વાજબી અને સાચા મુદ્દાને લઈને પ્રદર્શન કરી રહ્યા છે. તેમની અવાજ ઉઠાવવી અને તેમના સમર્થનમાં ઊભા રહેવું એ આપણી નૈતિક જવાબદારી છે. ગઈકાલે તેમની સાથે જે વર્તન થયું તે ખૂબ જ ખોટું હતું. જ્યાં પણ જરૂર પડશે ત્યાં અમે અવાજ ઉઠાવીશું. અમારી માંગણીઓ શરૂઆતથી જ સ્પષ્ટ છે — દેશની કથળેલી શિક્ષણ વ્યવસ્થાને સુધારવી પડશે, શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડશે, સંસદમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા થવી જોઈએ અને વિદ્યાર્થીઓનું સાંભળવું પડશે.

અખિલેશ યાદવ અને કેસી વેણુગોપાલનો હુમલો

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને સાંસદ અખિલેશ યાદવે જણાવ્યું કે, “વિદ્યાર્થીઓની જે પણ માંગણીઓ છે તે સરકારે તાત્કાલિક સ્વીકારવી જોઈએ. સરકારે વિદ્યાર્થીઓ સાથે ઘોર અન્યાય કર્યો છે અને અમે આ મુદ્દાને સંસદના ગૃહમાં પૂરા જોરથી ઉઠાવીશું. બીજી તરફ, કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે પોલીસ કાર્યવાહીની ટીકા કરતા કહ્યું કે, ગઈકાલે સરકારે પોતાની બર્બરતા બતાવી હતી અને આજે ફરી એ જ બર્બરતાનું પુનરાવર્તન કર્યું. આ સરકાર સંપૂર્ણપણે અલોકતાંત્રિક છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે આપણને નોટિસ આપવાનું કહ્યું અને પછી ચર્ચા કરવાનું આશ્વાસન આપ્યું, જે અમને બિલકુલ મંજૂર નથી. અમે ગઈકાલે પણ નોટિસ આપી હતી અને આજે પણ નોટિસ આપી છે.

દીપેન્દર હુડ્ડા અને સચિન પાયલટના આકરા પ્રહારો

કોંગ્રેસ સાંસદ દીપેન્દર હુડ્ડાએ ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું કે, “દરેક પેપર લીક પાછળ ભાજપ સાથે જોડાયેલા લોકોનો હાથ છે. તેમણે દેશના નવજુવાનોને રસ્તા પર લાવી દીધા છે, હવે અમે આ સરકારને રસ્તા પર લાવીશું. અમારી શરૂઆતથી જ 2 મુખ્ય માંગણીઓ છે — ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું અને સંસદમાં ચર્ચા. ગઈકાલે સિવિલ કપડાંમાં આવેલા લોકો લાઠીચાર્જ કરી રહ્યા હતા. તેમ છતાં જો શિક્ષણ મંત્રીને હસવું આવતું હોય તો આખો દેશ તેમના પર હસશે. વિદ્યાર્થીઓની અવાજને રસ્તા પર કચડી શકાય નહીં.”

રાજધાની દિલ્હીમાં કોંગ્રેસ નેતા સચિન પાયલટે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, લોકસભાના નેતા વિપક્ષને રસ્તા પરથી જે રીતે ઉઠાવવામાં આવ્યા અને તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા, તે બિલકુલ સ્વીકાર્ય નથી. જે રસ્તાનું નામ લોક કલ્યાણ માર્ગ છે, ત્યાં લોકોના કલ્યાણ માટે જ રાહુલ ગાંધી બેઠા હતા. પરંતુ તેમને, પ્રિયંકા ગાંધીને અને તમામ નેતાઓને ઉઠાવી લેવાયા — આ કેવા પ્રકારની લોકશાહી છે? તેઓ નવજુવાનોની લડાઈ લડી રહ્યા છે. સરકાર માફી માંગવાને બદલે નેતા વિપક્ષને જેલમાં પૂરી રહી છે. આ દેશ, યુવાનો અને આખો વિપક્ષ એકજૂથ છે અને અમે ન્યાય મેળવવા માટે યુવાનોની લડાઈ લડતા રહીશું.

PM આવાસ બહાર ધરણા પર બેઠેલા રાહુલ ગાંધી, અખિલેશ યાદવ સહિત વિપક્ષી નેતાઓની અટકાયત

નીટ (NEET) પરીક્ષાના પેપર લીક કાંડ અને ત્યારબાદ શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા નિર્દોષ વિદ્યાર્થીઓ પર દિલ્હી પોલીસ દ્વારા કરવામાં આવેલા કથિત બળપ્રયોગના વિરોધમાં દેશનું રાજકારણ ગરમાયું છે. વડાપ્રધાન આવાસની બહાર વિરોધ પ્રદર્શન અને ધરણા પર બેઠેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ અને NCP નેતા સુપ્રિયા સુલે સહિત વિપક્ષના અનેક દિગ્ગજ નેતાઓની દિલ્હી પોલીસે અટકાયત કરી લીધી છે. પોલીસે આ તમામ નેતાઓને ધરણા સ્થળેથી બસમાં બેસાડીને છત્રસાલ સ્ટેડિયમ લઈ ગયા છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના તાત્કાલિક રાજીનામાની માંગ સાથે વિપક્ષી નેતાઓએ દિલ્હીના રસ્તાઓ પર ઉતરીને ભારે વિરોધ નોંધાવ્યો હતો.

મંત્રી જિતેન્દ્ર સિંહ અને રાહુલ ગાંધી વચ્ચેની વાટાઘાટો નિષ્ફળ

PM આવાસ બહાર કોંગ્રેસ અને વિપક્ષના આક્રમક પ્રદર્શનની જાણ થતાં જ કેન્દ્ર સરકાર હરકતમાં આવી હતી. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે સોશિયલ મીડિયા પર ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે તેમને અને કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહનને વિપક્ષી નેતાઓ સાથે મધ્યસ્થી અને વાતચીત કરવા મોકલ્યા હતા. શરૂઆતમાં રાહુલ ગાંધીએ શરત મૂકી હતી કે જો સરકાર સંસદમાં NEET અને તેને સંબંધિત આંદોલન સાથે જોડાયેલા તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર થાય, તો તેઓ ધરણા તાત્કાલિક સમેટી લેશે. સરકારે તેમની આ માંગ સ્વીકારી લીધી હતી. પરંતુ, જ્યારે સરકારી પ્રતિનિધિઓએ આ નિર્ણયની જાણ કરી ત્યારે રાહુલ ગાંધીએ નવી શરત મૂકી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે હવે તેમની બે મુખ્ય માંગણીઓ છે—સંસદમાં વિગતે ચર્ચા અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું.

દિલ્હી પોલીસે કડક સુરક્ષા વચ્ચે કરી અટકાયત

સુલેહનો કોઈ રસ્તો ન નીકળતાં અને અખિલેશ યાદવ તેમજ સુપ્રિયા સુલે જેવા મોટા નેતાઓ જોડાતાં આંદોલન વધુ ઉગ્ર બન્યું હતું. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા દ્વારા વધુમાં વધુ લોકોને પ્રદર્શનમાં જોડાવા હાકલ કરી હતી. પરિસ્થિતિ વણસતી જોઈને દિલ્હી પોલીસે સમગ્ર વિસ્તારમાં સુરક્ષાનો કડક પહેરો ગોઠવી દીધો હતો અને કાર્યવાહી કરીને રાહુલ ગાંધી, અખિલેશ યાદવ અને પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓ તથા અનેક કાર્યકરોને કસ્ટડીમાં લઈ લીધા હતા.

રાહુલ ગાંધીની દેશવાસીઓને ભાવુક અપીલ

ધરણા દરમિયાન રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ શેર કરીને દેશવાસીઓને આ વિરોધ પ્રદર્શનમાં સામેલ થવા હાકલ કરી હતી. તેમણે લખ્યું હતું કે, “વિદ્યાર્થીઓ પર હુમલો એ દરેક ભારતીય પરિવાર પર હુમલો છે. વડાપ્રધાન મોદીને લાગે છે કે તેઓ કોઈ જવાબ આપ્યા વિના કે પરિણામ ભોગવ્યા વિના બચી નીકળશે – પરંતુ આ વખતે એવું બિલકુલ નહીં થાય. દેશના વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા માંગતા દરેક દેશભક્ત ભારતીયને મારી અપીલ છે કે તેઓ PM આવાસ સામે અમારા આંદોલનમાં જોડાય. ભારતના યુવાનોનો અવાજ દબાવી શકાશે નહીં.”

હાલમાં પોલીસે ધરણા સ્થળેથી તમામ નેતાઓ અને કાર્યકરોને હટાવી દીધા છે અને અપ્રિય ઘટના રોકવા માટે સમગ્ર PM આવાસ અને તેની આસપાસના વિસ્તારને કડક પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે.