Home Blog Page 1302

સુરતમાં ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં, 400 લાયસન્સ સસ્પેન્ડ

સુરત: ગુજરાતમાં વધતા ડ્રીક એન્ડ ડ્રાઈવના કેસનો લઈ સુરત જિલ્લા પાલિક હવે એક્શન મોડમાં જોવા મળી છે. શહેરમાં નો એન્ટ્રીમાં પ્રવેશ કરતા ભારે વાહનો સામે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત આ સાથે દારૂનો નશો કરી વાહન હંકારતા ચાલકો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં કુલ 400 જેટલા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટેનો રિપોર્ટ સુરત આરટીઓ વિભાગને કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા ચાર દિવસમાં 11 જેટલા ભારે વાહન ચાલકો સામે દારૂ પી ડ્રાઇવિંગ કરવા બદલ પ્રોહિબિશનના ગુના દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે એક અઠવાડિયા દરમિયાન 700 જેટલા વાહન ચાલકો સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે 400 જેટલા નાના-મોટા વાહન ચાલકોના લાયસન્સ રદ કરવા માટેનો રિપોર્ટ સુરત આરટીઓ વિભાગને કરવામાં આવ્યો છે. જેથી વધતા જતા અકસ્માતોના બનાવને લઈને પોલીસ હવે એક્શનમાં આવી ગઈ છે તેવું કહી શકાય. શહેરમાં બનતી અકસ્માતની ઘટનાઓને અટકાવવા માટેનો પ્રયાસ ટ્રાફિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહની સૂચના અન્વયે નો એન્ટ્રીમાં પ્રવેશ કરતા ભારે વાહનો સામે દંડાત્મક કાર્યવાહી કરી વાહનો પણ ડિટેઇન કરવામાં આવી રહ્યા છે. દરમિયાન દારૂનો નશો કરી વાહન હંકારતા નાના-મોટા વાહન ચાલકો સામે પ્રોહિબિશન હેઠળ ગુના દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ વધુ તેજ કરવામાં આવશે.

મહિલાઓ માટે પ્રસંગ આનંદ કે પડકાર?

યક્ષિત રૂમમાં આવીને ખ્યાતિને કહેવા લાગ્યો કે જો પૂર્ણિમાના લગ્ન છે, એ મારી એકની એક બહેન છે. એના પ્રત્યે મારી જવાબદારી છે. તો તારે એમાં આર્થિક સહયોગ આપવો પડશે. તું તો જાણે છે મારે શેરબજારમાં કેટલી ખોટ ગઈ છે. હવે પપ્પાને આ બધું કહેવા ન બેસાય. પણ તું તો મારી પત્ની છે, માટે તને કહી શકાય. એક કામ કરજે. તારી ઓફિસમાંથી લોન લઈ લેજે. એમ પણ તને તો તરત મળી જ જશે.

યક્ષિત કશું જ વિચાર્યા વિના ખ્યાતિને જાણે ઓર્ડર આપતો હોય એમ કહી રહ્યો હતો. ખ્યાતિ ખૂબ ભણેલી-ગણેલી અને સારા હોદ્દા પર નોકરી કરતીા. એમ કહી શકાય કે યક્ષિત કરતા પણ વધારે પગાર એનો હતો. એનું પિયર પણ સાસરી કરતા વધારે સધ્ધર. જો કે એ બાબતે ખ્યાતિ ક્યારેય અભિમાન ન કરતી. લગ્નના બે વર્ષમાં તો એ દૂધમાં સાકરની જેમ પરિવારમાં ભળી ગઈ. સાસરીમાં ખ્યાતિનું માન-પાન એના ઊંચા પગારના કારણે હતું. યક્ષિતને પણ એમ થતું કે કઈ હશે તો ખ્યાતિ છે જ, એ સંભાળી લે છે.

ખ્યાતિએ અનેક વખત પરિવારને આર્થિક મદદ કરી પણ કરી છે. પરંતુ આજે તો યક્ષિક પોતાની બહેનના લગ્નનો સંર્પૂણ ભાર જાણે ખ્યાતિના માથે ઢોળ્યો હતો. ખ્યાતિ યક્ષિતને અટકાવતા બોલી, કે હું ઓફિસમાંથી લોન નહીં લઈ શકું. પપ્પા-મમ્મી છે એ પૂર્ણિમાના લગ્નનું જોઈ લેશે, આપણે પણ છીએ, જેટલુ થશે એટલું કરીશું. પરંતુ ખોટી લોન લઈને મારે ભારણ નથી કરવું. આટલું સાંભળતા જ યક્ષિત અકળાયો કે, કેમ પૂર્ણિમા સાથે તારે કોઈ સંબંધ નથી? તારી એના પ્રત્યે કોઈ જવાબદારી નથી? ખ્યાતિ બોલી જવાબદારી, ફરજ આ બધી વાતો મને ના કર, હું મારી ફરજ સમજીને જેટલું થાય છે એટલું કરુ છુ. મારે પણ ભવિષ્યનું વિચારવાનું છે, આ ટેનામેન્ટના હપ્તા પણ હું જ ભરું છુ. પણ આ રીતે લોન લેવી મને યોગ્ય નહીં લાગે. મારી પાસે ભેગા કરેલા પૈસા છે એ હું તને આપીશ.

 

યક્ષિત ફરી ગુસ્સામાં બોલ્યો, મારે કંઈ બે-ચાર લાખની જરૂર નથી. હું તો મારી બહેનના લગ્નમાં પુરા દસ લાખ રૂપિયા ખર્ચ કરીશ. આ સાંભળી ખ્યાતિ બોલી, તુ દસની જગ્યાએ વીસ લાખ કર. પણ મારી પાસે અપેક્ષા ન રાખ. યક્ષિતે કહ્યું સારું એક કામ કર, અમે લગ્ન વખતે તને જે ઘરેણાં આપ્યા હતા એ મને આપી દે. હું તને પછી ફરી લઈ આપીશ. આ સાંભળી ખ્યાતિને ખૂબ ગુસ્સો આવ્યો. પણ એ કશું જ બોલ્યા વગર રૂમની બહાર નીકળી. ત્યાં એના સાસુ-સસરા અને નણંદ પૂર્ણિમા પણ ઉભા હતા. જો કે એ કોઈએ યક્ષિતને કશું જ કીધું નહીં. ઉપરથી ખ્યાતિને કહેવા લાગ્યા કે ઘરેણાં તો આવા જ ટાઇમે કામ લાગે ને? ખ્યાતિને એ પણ ખબર હતી કે એના સાસુના દાગીના પણ યક્ષિતના પિતાએ પોતાની બહેનના લગ્ન માટે વેચી નાંખ્યા હતા. જે આજ દિન સુધી પરત નથી આવ્યા.

સવાલ એ થાય કે લગ્નનો ખર્ચ મહિલાઓના માથે કેમ ભાર કરે છે? શું એ યોગ્ય છે?

લગ્ન: મહિલાઓ માટે પ્રસંગ કે પડકાર?

લગ્નપ્રસંગ એ દરેક પરિવાર માટે આનંદ અને ઉત્સવનો પર્યાય છે. પરંતુ ઘણી વાર આ પ્રસંગમાં આનંદની સાથે મહિલાઓ માટે એ મોટી જવાબદારી અને પડકાર બની જાય છે. ખાસ કરીને પરિવારમાં માતૃસ્થાન ધરાવતી પુત્રવધુઓ માટે, જેમણે આ પ્રસંગને સફળ બનાવવાના દબાણ હેઠળ ઘણા બધા ત્યાગ અને બલિદાન આપવાના હોય છે. આ વિશે  ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા અમદાવાદના જાણીતા સોશિયલ એક્ટિવિસ્ટ જલ્પન પંકજ લાલા કહે છે, “સામાન્ય રીતે તો મહિલાઓ પોતાની રીતે જ દરેક સામાજીક જવાબદારી સમજે છે. પરિવારમાં કોઈ પણ પ્રસંગ હોય એ પોતાની રીતે બનતી મદદ કરતી જ હોય છે. કામકાજી મહિલાઓને લોન લેવા માટે દબાણ કરવામાં આવે અથવા તો પોતાના ઘરેણાં ગીરવે મૂકીને પણ પરિવારને લગ્નપ્રસંગમાં મદદ કરવાની ફરજ પાડવામાં આવે છે. પ્રસંગ છે તો ખર્ચ પણ એ જ ઉપાડે એ વિચારવુ અયોગ્ય છે. હકીકતમાં ઘરની લક્ષ્મી પાસેથી એની મરજી વગર લક્ષ્મી લેવાની જગ્યાએ ચાદર હોય તેટલા પગ લાંબા કરવા વધારે સારા.”

જવાબદારીનું ભારણ

પરિવારમાં જ્યારે પણ લગ્ન હોય, ત્યારે ઘરના કામકાજનું ભારણ વધતુ હોય છે. અને એનો મોટો ભાગ મહિલા પર આવી પડે છે. લગ્નના આયોજનથી માંડીને નાના-મોટા ખર્ચાનું આયોજન કરવાની જવાબદારી ઘણીવાર પુત્રવધુના ખભા પર મૂકી દેવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં મહિલા પોતાના ઘરેણાં કે શોખથી સંગ્રહેલી વસ્તુઓ આ પ્રસંગમાં ખર્ચી નાખવી પડે છે. પોતાની જરૂરિયાતો ભૂલીને પરિવારની મહત્વકાંક્ષા પર ખરી ઉતરવાના પ્રયાસ કરતી રહે છે. આણંદના સુંદરકાંડ વક્તા કોમલ ભટ્ટ ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે, “સ્ત્રી તો લગ્ન કરીને આવે ત્યારથી જ પરિવારને પોતાનું માની લે છે. ભગવાને સ્ત્રીમાં શક્તિ મૂકી છે દરેક કામ કરવા માટેની. એ સારી રીતે ઘર સંભાળી શકે છે. એ બધું કરવા સક્ષમ હોય છે. જો કે મહિલાઓ પર ઘરનું ભારણ વધારે રહેલુ હોય છે. પછી એ આર્થિક હોય સામાજીક હોય કે કોઈ પણ પ્રસંગ સાચવવાનો હોય. મહિલા હંમેશા પરિવારને કંઇ ને કઇં આપતી જ રહે છે. પરંતુ એની પાસે પરાણે લેવાની અપેક્ષા ખોટી છે.”

આપવાની જવાબદારી પુત્રવધુ પર ઢોળી દેવાય છે

નણંદના ત્યાં દીકરી આવે તો સૌથી પહેલા આણાનો ભાર ઘરની પુત્રવધુ પર આવી જાય. પછી એ જેમ-જેમ મોટી થાય એમ એમ ઘરના વડીલો વહુને કહેતા જ રહે કે, બે પૈસા ભેગા કરજો મોસાળુ કરવાનું છે. આ વાત માત્ર પુત્રવધુને જ કહેવામાં આવે છે. હકીકતમાં આ જવાબદારી તો ઘરના દીકરાની હોય. બે-ત્રણ ભાઈઓ હોય અને જુદા રહેતા હોય ત્યારે મોટા દીકરાને ત્યાં પ્રસંગ હોય તો તરત જ સાસુમા બીજા દીકરાની વહુને કહે છે, કે જેઠના ત્યાં પ્રસંગ છે તો સોનું તો આપવું જ પડે. વ્યવસ્થા કરજો. જેઠ હોય કે દિયર, નણંદ હોય કે પછી અન્ય સંબંધી બધાને ત્યાં પ્રસંગમાં આપવાની જવાબદારી સહજતા જ દીકરાની જગ્યાએ ઘરની વહુ પર ઢોળી દેવામાં આવે છે. ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા ગૃહિણી શકુંતલાબેન બારીયા કહે છે, “ઘરમાં પ્રસંગ હોય તો મહિલાઓ પાસે સમાધાનની જ અપેક્ષા રાખવામાં આવે છે. મહિલા પોતાની ઇચ્છાથી પરિવારને સહકાર આપવા માંગે તો એ ઠીક છે. પરંતુ સામાજિક પ્રસંગ માટે સતત પૈસાની અપેક્ષા રાખવી યોગ્ય નથી. આ પ્રકારનો ત્યાગ હોવા છતા સમાજમાં તો એમના યોગદાનની અવગણના જ થાય છે.”

લગ્ન કોઈ એક વ્યક્તિનો પ્રસંગ નથી, એ સમગ્ર પરિવારનું અસ્તિત્વ દર્શાવે છે, પરંતુ આ પ્રસંગની ગોઠવણીમાં મહિલાઓનું યોગદાન મર્યાદાથી વધારે હોય છે.

હેતલ રાવ

સંસ્કૃત અને મૈથિલી ભાષામાં પણ હવે ઉપલબ્ધ છે ભારતનું બંધારણ

નવી દિલ્હી: 26મી નવેમ્બર એટલે ભારતીય સંવિધાન દિવસ. ત્યારે આજે ભારતના 75મા બંધારણ દિવસની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન મોદી અને વિપક્ષ નેતા રાહુલ ગાંધી સહિત અન્ય સાંસદોની હાજરીમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ સંસ્કૃત અને મૈથિલી ભાષામાં બંધારણના પુસ્તકનું વિમોચન કર્યું.સંસ્કૃત ભાષા ભારતની પ્રાચીન ભાષા છે. તેમજ મૈથિલી એ દેશના ઉત્તર ભાગમાં આવેલા બિહાર રાજ્ય તેમજ નેપાળના તરાઈ પ્રદેશની પ્રાદેશિક ભાષા છે. આ ભાષા લખવા માટે દેવનાગરી લિપીનો ઉપયોગ થાય છે. જેને આજે પણ ઉત્તર ભારતના ઘણા લોકો વાંચી અને લખી શકે છે.

બંધારણ દિવસની ઉજવણીના ભાગરૂપે આજે વિશેષ પોસ્ટ સ્ટેમ્પ અને સિક્કાનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું. બંધારણ દિવસ નિમિત્તે સંયુક્ત સત્રમાં કેન્દ્ર સરકારે નવી વેબસાઈટ https: //constitution75.com પણ લોન્ચ કરી છે. જે નાગરિકોને વિવિધ એક્ટિવિટી અને રિસોર્સિસ મારફત બંધારણનો વારસો જાળવી રાખવા પ્રોત્સાહન આપશે. દેશભરની સ્કૂલ-કોલેજોમાં બંધારણની પ્રસ્તાવનાનું સંયુક્ત વાંચન પણ કરાશે.મૈથલી અને સંસ્કૃત ભાષામાં બંધારણનું વિમોચન કરતાં રાષ્ટ્રપતિ મૂર્મુએ જણાવ્યું કે, ‘બંધારણ એ એક જીવંત, પ્રગતિશીલ દસ્તાવેજ છે. જે દેશના વિકાસમાં સતત માર્ગદર્શન આપી રહ્યું છે. છેલ્લા 75 વર્ષમાં આપણો દેશ વૈશ્વિક સ્તરે ભાઈચારા રૂપે ઉભરી આવ્યો છે. મહિલાઓ પણ સશક્ત બની છે. આપણા બંધારણનો ઉદ્દેશ નગર પાલિકા, ન્યાય પાલિકા અને વિધાન સભા સાથે મળી સામાન્ય લોકોના હિતોનું રક્ષણ કરતાં કામગીરી કરવાનો છે.’ભારતનું બંધારણ અંગ્રેજી, હિન્દી ઉપરાંત વિવિધ પ્રાદેશિક ભાષામાં ઉપલબ્ધ છે. જેમાં કન્નડ, ગુજરાતી, કાશ્મીરી, ડોંગરી, કોંકણી, મલયાલમ, મણિપુરી, મરાઠી, ઉડિયા, પંજાબી, સિંધી, તમિલ, બંગાળી, તેલુગુ, ઉર્દૂ, આસામી, બોડો અને નેપાળી પણ સામેલ છે. હવે તે સંસ્કૃત અને મૈથિલીમાં પણ ઉપલબ્ધ છે.

રાહુલ ગાંધી નહીં, ઇન્ડિયા ગઠબંધનને સક્ષમ નેતાની જરૂરઃ TMC

કોલકાતાઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના નેતૃત્વવાળી મહાવિકાસ આઘાડી (MVA)ની હારની અસર હવે ઇન્ડિયા એલાયન્સ પર પડી રહી છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) એના સંકેત આપ્યા છે. TMCના સાંસદ કલ્યાણ બેનરજીએ રાહુલ ગાંધીને એક નબળા નેતા ગણાવ્યા છે.

કોંગ્રેસ હરિયાણા અથવા મહારાષ્ટ્રમાં ઇચ્છિત પરિણામો મેળવવામાં નિષ્ફળ રહી છે. અમને કોંગ્રેસથી સારા દેખાવની અપેક્ષા હતા. ઇન્ડિયા ગઠબંધન તો છે, પણ અપેક્ષિત પરિણામ પ્રાપ્ત નથી થઈ રહ્યાં અને પરિણામ પ્રાપ્ત કરવામાં કોંગ્રેસ તરફથી મોટી નિષ્ફળતા સાંપડી છે. જો તમે ભાજપની વિરુદ્ધ લડવા ઇચ્છો છો તો એ જરૂરી છે કે ઇન્ડિયા ગઠબંધન મજબૂત હોવું જોઈએ અને એને એક મજબૂત નેતાની જરૂર છે. હવે એ નેતા કોણ હોઈ શકે? એ મૂળ સવાલ છે. કોંગ્રેસે બધા પ્રયોગ કર્યા છે, પરંતુ એ નિષ્ફળ રહી છે, એમ તેમણે કહ્યું હતું.

આ પહેલાં કોંગ્રેસપ્રમુખ મલ્લિકાર્જુન ખડગે તરફથી બોલાવવામાં આવેલી ઇન્ડિયા બ્લોકની બેઠકમાં TMC સામેલ નહોતી થઈ. TMCએ કહ્યું હતું કે પાર્ટીનાં નેતા કોલકાતામાં પક્ષની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં વ્યસ્ત હતા, પણ તેમની ગેરહાજરીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેમણે મમતા બેનરજીને ઇન્ડિયા એલાયન્સના નેતા બનાવવાની માગ કરી હતી.સાસંદ કલ્યાણ બેનરજીએ કોંગ્રેસને અહંકાર ત્યાગવા અને CM બેનરજીને ઇન્ડિયા એલાયન્સના ચહેરા તરીકે સ્વીકારવાનો આગ્રહ કર્યો હતો. TMCના લોકસભામાં ચીફ વ્હિપે કહ્યું હતું કે વારંવાર હાર છતાં તેઓ (કોંગ્રેસ, રાહુલ ગાંધી) અહંકાર કેમ ત્યાગી નથી રહ્યા? અને CM બેનરજીને જવાબદારી કેમ નથી સોંપી રહ્યા? માત્ર ભાજપનો મૃત્યુઘંટ તેઓ જ વગાડી શકે છે, એમ તેમણે કહ્યું હતું.

 

ઇમરાન ખાનના સમર્થકોનું હિંસક પ્રદર્શન, શૂટ એટ સાઇટ ઓર્ડર જારી

પાકિસ્તાન: દેશના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનના સમર્થકો તેમની મુક્તિની માંગ સાથે ઇસ્લામાબાદમાં પ્રવેશ્યા છે. આ દરમિયાન સમર્થકો અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ પણ થઈ હતી. જેમાં કેટલાંક પોલીસકર્મીનું મોત થયું છે. જ્યારે અનેકો ઘાયલ થયા છે. ઈમરાન ખાનના પત્ની બુશરા બીબીએ એક વીડિયો સંદેશમાં સમર્થકોને કહ્યું કે, મારા ભાઈઓ, જ્યાં સુધી ઈમરાન આપણી સાથે નહીં હોય ત્યાં સુધી આપણે આ કૂચ ખતમ નહીં કરીએ. હું મારા અંતિમ શ્વાસ સુધી અહીં જ રહીશ અને તમે બધા પણ મને સાથ આપજો.

પાકિસ્તાનમાં સ્થિતિ વણસી રહી છે. ઈમરાનના સમર્થકોએ શ્રીનગર હાઈવે પર રેન્જર્સને વાહનોથી કચડી નાખ્યા હતા. જેમાં 4 પેરાટ્રૂપર્સના મોત થયા હતા. રિપોર્ટ અનુસાર, અત્યાર સુધી હુમલામાં ચાર રેન્જર્સ અને બે પોલીસ અધિકારીઓના જીવ ગયા છે, જ્યારે 100થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. કલમ 245 હેઠળ પાકિસ્તાની સેનાને બોલાવવામાં આવી છે. અશાંતિ ફેલાવનારા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા હાલની સરકારે આદેશ જારી કર્યા છે. જેમાં જુઓ ત્યાં ઠાર કરવાના એટલે કે જોતાં જ ગોળી મારવાનો આદેશ પણ જારી કરવામાં આવ્યા છે.

દેખાવકારો ઇમરાન ખાનની મુક્તિની માંગ કરી રહ્યા છે. તેમણે સંસદ સુધી કૂચ અને ધરણાંની પણ જાહેરાત કરી છે. બીજી તરફ સરકારે કડક નાકાબંધી કરી છે. પ્રદર્શનકારીઓને રોકવા માટે નેશનલ હાઈવે પર બેરિકેડ લગાવવામાં આવ્યા છે, પરંતુ ઈમરાનના સમર્થકોએ બેરિકેડ્સ હટાવી દીધા હતા. જે દરમિયાન પી.ટી.આઈ.ના કાર્યકરોની પોલીસ સાથે હિંસક અથડામણ થઈ હતી. 72 વર્ષીય ઈમરાન ખાન ઓગસ્ટ, 2023થી જેલમાં છે.

પી.ટી.આઈ.ના કાર્યકરોએ રેખા પાર ન કરવી જોઈએઃ નકવી

તે જ સમયે, પાકિસ્તાનના ગૃહ પ્રધાન મોહસિન નકવીએ ઈમરાન સમર્થકોને રેખા પાર ન કરવા ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે ઈસ્લામાબાદમાં સ્થિતિ પહેલાંથી જ સંવેદનશીલ છે. કારણ કે બેલારુસના રાષ્ટ્રપતિ સત્તાવાર રીતે ઈસ્લામાબાદની મુલાકાતે છે.

IOCL બ્લાસ્ટ મામલે મેજિસ્ટ્રેટની તપાસમાં હોબાળો

વડોદરા નજીક આવેલી IOCL (ગુજરાત રિફાઈનરી)માં 11 નવેમ્બરના રોજ થયેલી બ્લાસ્ટની ઘટનામાં બે કર્મચારીઓના મોત થયા હતા. આ મામલે વડોદરા ગ્રામ્ય સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ રાજેશ ચૌહાણ દ્વારા તપાસ માટે IOCL સહિતના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને મેજિસ્ટ્રીયલ ઇન્કવાયરી માટે બોલાવવામાં આવ્યા હતા. જોકે, IOCLના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર સહિતના કેટલાક અધિકારીઓ હાજર રહ્યા નહોતા, જે અધિકારીઓ હાજર રહ્યા હતા, તેઓએ પોતાના વચગાળાના રિપોર્ટ રજૂ કર્યા હતા. આગામી દિવસોમાં ફરીથી બધાને બોલાવીને સંપૂર્ણ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે IOCLના ચીફ જનરલ મેનેજર (એચઆર), એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર, ચીફ કંટ્રોલર, સાઈટ કંટ્રોલર, CISFના આસિ. કમાન્ડન્ટ (સિક્યૂરીટી), ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડના પ્રાદેશિક અધિકારી, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગના નાયબ નિયામક, વડોદરા ગ્રામ્યના મામલતદાર, એક્ઝિક્યૂટીવ મેજિસ્ટ્રેટ, જવાહરનગરના પોલીસ સ્ટેશનના પીઆઇ અને તલાટી કમ મંત્રીને આજે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, વડોદરા ગ્રામ્ય દ્વારા કોઠી કચેરી ખાતે બોલાવવામાં આવ્યા હતા. જોકે, આજે IOCLના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર, GPCBના પ્રાદેશિક અધિકારી અને જવાહરનગર પોલીસ સ્ટેશનના સહિતના અધિકારીઓ હાજર રહ્યા નહોતા. તો બીજી તરફ આ સમયે કરચિયા ગામના લોકોએ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની ઓફિસ બહાર હોબાળો મચાવ્યો હતો. IOCLના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર હાજર ન થતાં ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો. ગ્રામજનોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, સમગ્ર ઘટનાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઘટનાના રિપોર્ટ જાહેર કરવા પણ ગ્રામજનોએ માગ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, 11 નવેમ્બરના રોજ બપોરે 3.30 વાગ્યે ગુજરાત રિફાઇનરીના 68 નંબરના જ્વલનશીલ કેમિકલ બેન્ઝીન સ્ટોરેજ ટેન્કમાં ધડાકા સાથેની આગ બાદ રાત્રે 8:30 વાગે બીજા પ્રચંડ ધડાકા સાથે ટેન્ક ફાટી હતી. જેમાં કોન્ટ્રાક્ટર પરના બે કર્મચારીના મોત થયા હતા. આ ઉપરાંત આગ ઓલવવાની કામગીરી કરતા ફાયરબ્રિગેડના સબ ઓફિસર દાઝી ગયા હતા. ટેન્ક ફાટતાં ઢોળાયેલા બેન્ઝીનથી બાજુની 69 નંબરની ટેન્કમાં પણ આગ ફેલાતાં ચિંતાનો વિષય બન્યો હતો. વડોદરા ફાયરબ્રિગેડે સ્થિતિ પર કાબૂ મેળવવા અન્ય શહેરમાંથી પણ ફાયર એન્જિન બોલાવ્યા હતા.

એક મહિનાની ડિજિટલ અરેસ્ટઃ મહિલાથી રૂ. 3.8 કરોડની છેતરપિંડી

મુંબઈઃ મુંબઈમાં ડિજિટલ અરેસ્ટ દ્વારા 77 વર્ષનાં વયોવૃદ્ધ મહિલા સાથે નકલી પોલીસવાળાએ રૂ. 3.8 કરોડની છેતરપિંડી કરી હતી. દક્ષિણ મુંબઈનાં મહિલાને એક મહિના સુધી ડિજિટલ અરેસ્ટમાં રાખવામાં આવ્યાં હતાં. તેમને ધમકી આપવામાં આવી હતી કે તેમની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ થઈ શકે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મહિલાને વોટ્સએપ કોલ આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે તાઇવાન મોકલેલું તેમના નામનું પાર્સલ પકડાઈ ગયું છે. આ પાર્સલમાં પાંચ પાસપોર્ટ, બેન્ક કાર્ડ, ચાર કિલો કપડાં અને નશીલી દવાઓ મળ્યાં છે. મહિલાએ કોલરને સ્પષ્ટ જણાવ્યું હતું કે તેમણે કોઈ પાર્સલ નથી મોકલ્યું. એના પર ફોન કરનારે કહ્યું હતું કે આધાર કાર્ડની ડિટેલ તેમની છે અને કોલ નકલી મુંબઈ પોલીસ અધિકારીને ટ્રાન્સફર કરી દીધો છે. મહિલાને કહેવામાં આવ્યું હતું કે તેમનું આધાર કાર્ડ મની લોન્ડરિંગ કેસથી લિન્ક છે.ત્યાર બાદ મહિલાને સ્કાય એપ ડાઉનલોડ કરાવવામાં આવી હતી અને તેમની સાથે જોડાયેલા રહેવા માટે કહેવામાં આવ્યું હતું. મહિલાને ધમકાવવામાં આવી હતી કે તે આ વાત કોઈને ના જણાવે. કોલર તેનું નામ IPS આનંદ રાણા અને ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટનો અધિકારી જ્યાર્જ મેથ્યુ બતાવ્યું હતું. તેણે મહિલાને બેન્ક એકાઉન્ટ નંબર આપ્યું હતું અને બધા પૈસા માં ટ્રાન્સફર કરવા કહેવામાં આવ્યું હતું, જેથી તેઓ તપાસ કરી શકે. મહિલાને કહેવામાં આવ્યું હતું કે કોઈ ગરબડ ના મળી તો તેમના પૈસા પરત ટ્રાન્સફર કરવામાં આવશે. મહિલાને ડરાવીને 24 કલાક વિડિયો કોલ પર 24 કલાક રહેવા માટે કહેવામાં આવ્યું હતું. મહિલા એની વાતોમાં આવી ગઈ. ઘરના કોમ્પ્યુટર પર એક મહિના સુધી વિડિયો કોલને ઓન રાખવામાં આવ્યો હતો. જ્યારે પણ કોલ કપાઈ ગયો હતો, તેઓ તરત વિડિયો કોલ ઓન કરવા માટે કહેતા અને લોકેશનની માહિતી ચેક કરતા.

આ મહિલે પૈસા ટ્રાન્સફર કરી દીધા. આરોપીઓએ એમાંથી રૂ. 15 લાખ પરત કર્યાને મહિલાને વિશ્વાસમાં લીધાં. ત્યાર મહિલાએ પુત્રીને ફોન કરીને બધી વાત કરતાં પોલીસે કેસ નોંધ્યો છે અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે.

 

બાંગ્લાદેશની કોર્ટે ISCONના ચિન્મય પ્રભુની જામીન અરજી ફગાવી

બાંગ્લાદેશ: દેશદ્રોહના આરોપમાં ધરપકડ કરાયેલા બાંગ્લાદેશી હિન્દુ સંત ચિન્મય પ્રભુની જામીન અરજી બાંગ્લાદેશની કોર્ટ ફગાવી દીધી છે. બાંગ્લાદેશ પોલીસે ચિન્મય દાસના રિમાન્ડ માંગ્યા નથી. તેથી તેઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોર્ટે એમ પણ કહ્યું છે કે તેઓને જેલમાં તમામ ધાર્મિક લાભો આપવામાં આવે.મહત્વનું છે કે ચિન્મય પ્રભુની 25 નવેમ્બરે બપોરે ઢાકાના હઝરત શાહજલાલ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટમાં રજૂ કરવામાં આવતા ચિન્મય દાસે મીડિયાને જણાવ્યું કે બાંગ્લાદેશના હિંદુઓને તેમની અપીલ છે કે તેઓ આંદોલનની પ્રક્રિયા યોજના મુજબ ચાલુ રાખે.

બાંગ્લાદેશની વચગાળાની યુનુસ સરકારના કાર્યકાળ દરમિયાન હિંદુઓ વિરુદ્ધ હિંસા અંગે ચિન્મય પ્રભુ સતત આ મુદ્દો ઉઠાવતા હતા. આ દરમિયાન 25 ઓક્ટોબરે, હિંદુ જૂથ ‘સનાતન જાગરણ મંચ’ દ્વારા રાજધાની ઢાકાના ન્યૂ માર્કેટમાં ભારે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી દરમિયાન કેટલાક યુવાનોએ બાંગ્લાદેશી ધ્વજ ઉપર ભગવો ઝંડો લગાવ્યો હતો. બાંગ્લાદેશ પોલીસે રેલીમાં આ ઘટનાને ચિન્મય પ્રભુની ધરપકડનું કારણ બનાવ્યુ છે.. બાંગ્લાદેશ પોલીસનું કહેવું છે કે આ રીતે દેશના રાષ્ટ્રધ્વજનું અપમાન કરવામાં આવ્યું છે.કોણ છે ચિન્મય પ્રભુ ?

ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારી બાંગ્લાદેશ સનાતન જાગરણ મંચના અગ્રણી નેતા અને ઈસ્કોન ચટગાંવના પુંડરિક ધામના પ્રમુખ છે. લોકો તેમને ચિન્મય પ્રભુના નામથી ઓળખે છે. તેઓ બાંગ્લાદેશમાં હિંદુ સમુદાય પર થતા અત્યાચારો સામે મજબૂત અવાજ ઉઠાવતા રહ્યા છે. બાંગ્લાદેશમાં ઈસ્કોનના 77થી વધુ મંદિરો છે અને 50 હજારથી વધુ લોકો આ સંસ્થા સાથે જોડાયેલા છે. તેઓ બાંગ્લાદેશના સનાતન જાગરણ ગ્રુપના પણ સભ્ય પણ છે. તેઓ ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ (ઈસ્કોન) સાથે પણ સંકળાયેલા છે અને ઈસ્કોનના પ્રવક્તા પણ રહી ચૂક્યા છે.

દલિતોની વાત કરીએ ત્યારે માઈક બંધ થઈ જાય છેઃ રાહુલ ગાંધી

નવી દિલ્હી: બંધારણ દિવસની 75મી વર્ષગાંઠ નિમિત્તે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં કોંગ્રેસનો એક કાર્યક્રમ યોજાયો હતો. રાહુલ ગાંધી આ કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. પરંતુ ભાષણની વચ્ચે જ તેમનું માઈક બંધ થઈ ગયું હતું. લાંબા સમય સુધી તેમનું માઈક બંધ રહ્યું હતું. પરંતુ જ્યારે માઈક ઠીક કરવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, લોકો ભલે ઈચ્છે તેટલું મારું માઈક બંધ કરી દે પરંતુ મને બોલાતા રોકી શકશે નહીં.

કોંગ્રેસ પાર્ટીના એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધીએ કહ્યું કે, જ્યારે તેઓ દલિતોની વાત કરે છે ત્યારે માઈક બંધ થઈ જાય છે. જો સરકાર મારું માઈક બંધ કરશે તો પણ હું બોલીશ. હું મારી વાત લોકો સુધી પહોંચાડીને જ રહીશ. બંધારણ દિવસ પર રાહુલ ગાંધીએ કહ્યું કે બંધારણ અહિંસાનો માર્ગ બતાવે છે. બંધારણ સત્ય અને અહિંસાનો ગ્રંથ છે. બંધારણ હિંસાને મંજૂરી આપતું નથી. તેમણે કહ્યું કે જે રાજ્યમાં અમારી સરકાર આવશે અમે ત્યાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવીશું. સમાજમાં પછાત વર્ગનો હિસ્સો વધુ છે તો તેમની ભાગીદારી ઓછી કેમ?રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે દેશમાં જેટલી પણ મોટી-મોટી કંપનીઓ છે તેના માલિકો દલિત કે ઓબીસી સમાજના તમને નહીં મળે! હું ગેરંટી સાથે કહું છું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંધારણનું પુસ્તક વાંચ્યું નથી. આંબેડકરજી, ફુલેજી, ભગવાન બુદ્ધ અને ગાંધીજીની 21મી સદીમાં ભારતની હજારો વર્ષોની વિચારસરણી અને ભારતના સામાજિક સશક્તિકરણનું સત્ય તેમાં હાજર છે. તમે કોઈપણ રાજ્યમાં જાઓ, કેરળમાં નારાયણ ગુરુજી, કર્ણાટકમાં બસવન્નાજી, પૂણેમાં શિવાજી મહારાજ એમ દરેક રાજ્યમાં તમને બે-ત્રણ નામો મળશે જેમના વિચારો તમને પુસ્તકોમાં જોવા મળશે.

રાહુલ ગાંધીએ કહ્યું, ભારતની વસ્તી પર નજર કરીએ તો આખો દેશ જાણે છે કે દેશમાં 15 ટકા દલિત વસ્તી છે. 8 ટકા આદિવાસી છે, લગભગ 15 ટકા લઘુમતી છે. પરંતુ પછાત વર્ગમાંથી કેટલા લોકો છે? કોઈ જાણતું નથી. કેટલાક કહે છે કે દેશમાં પછાત વર્ગ 50 ટકા છે, જ્યારે કેટલાક અલગ અલગ આંકડા આપે છે. જુદા-જુદા રાજ્યોમાં અલગ-અલગ આંકડાઓ નોંધાયા છે. પછાત વર્ગ 50 ટકાથી ઓછો નથી. જો આપણે 50 ટકા પછાત વર્ગો, 15 ટકા દલિત, લગભગ 8 ટકા આદિવાસીઓ અને 15 ટકા લઘુમતીઓનો સમાવેશ કરીએ તો દેશની લગભગ 90 ટકા વસ્તી પછાત વર્ગમાંથી આવે છે.

ભાવનગર PGVCLની કાર્યવાહી, લાખોની વીજચોરી ઝડપાઈ

ભાવનગર શહેરમાં વહેલી સવારે જુદા જુદા પાંચથી વધુ વિસ્તારોમાં PGVCLની 7 જેટલી વિજિલન્સની ટીમોએ વહેલી સવારે હાથ ધરેલા વીજ ચેકિંગમાં લાખોની વીજ ચોરી સામે આવી છે. શહેરના નવાપરા, વિજયરાજનગર, બાંભણીયાની વાડી સહિતના વિસ્તારોમાં ચેકીંગ ડ્રાઇવ શરૂ કરાઇ હતી જે બપોર સુધી ચાલી હતી. વીજ ટુકડીઓ દ્વારા 220 જેટલા કનેક્શનોની તપાસ કરવામાં આવી હતી જેમાં 15 જેટલા કનેક્શનોમાં દસ લાખની વીજ ચોરી ઝડપી પાડી છે.

ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજચોરીનું દૂષણ અટકવાનું નામ લેતું ન હોય તેમ તળાજા, પાલિતાણા અને ભાવનગર પંથકમાંથી વીજ તંત્રની ટીમોએ વીજચોરી ઝડપી પાડી હતી. વીજચોરીના દૂષણને ડામવા પીજીવીસીએલ દ્વારા આયોજનબધ્ધ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ, ભાવનગર શહેરમાં PGVCLની 7 જેટલી વિજિલન્સની ટીમોએ વહેલી સવારે વીજ વીજ ચેકિંગ હાથ ધરવામાં આવી છે. 15 રહેણાંક બિલ્ડિંગોમાં 10 લાખની વીજચોરી પકડાઈ છે. અલગ અલગ 220 વીજ કનેક્શન તપાસવામાં આવ્યા છે. જેમાં  નવાપરા, વિજયરાજનગર, કાળુભા રોડ વિસ્તારમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. પેડક રોડ, બાંભણીયાની વાડી વિસ્તારમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. વહેલી સવારે અલગ અલગ 7 ટીમો બનાવીને વીજ ચેકિંગમાં 15 રહેણાંક બિલ્ડિંગોમાં 10 લાખની વીજચોરી પકડાઈ છે.