Home Blog Page 1303

રાજકોટમાં મોરારીબાપુની રામકથામાં VIP કલ્ચર પર રોક

રાજકોટ: સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા શહેરમાં ગત 23મી નવેમ્બરથી રેસકોર્સના વિશાળ ગ્રાઉન્ડમાં શરૂ થયેલી રામકથામાં વી.આઇ.પી. કલ્ચર પર આયોજકોએ રોક લગાવી છે. કથામાં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે અને વી.આઇ.પી. પાસને લઈને કેટલીક ફરિયાદો આયોજકોને મળી છે. જેના પગલે મંગળવારથી જ એક વી.આઇ.પી. પાસમાં એક જ વ્યક્તિને પ્રવેશ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ દરમિયાન કથાને લઈને કેટલીક બીજી પણ ઘટનાઓ સામે આવી રહી છે.બાપુની રાજકોટની રામકથાને લઈને છેલ્લા એકાદ મહિનાથી માહોલ ઊભો કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં ભાવિકો કથામાં આવી રહ્યા છે. રોજ 50 હજાર ભાવિકો પ્રસાદ લઈ શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. શરૂઆતમાં મહિલા, પુરુષ, વી.આઇ.પી., વી.વી.આઇ.પી. એમ જુદા-જુદા ચાર ભોજન ખંડ ઊભા કરવામાં આવ્યા હતા. પરંતુ વીરપુર જલારામ મંદિરના ગાદીપતિના પરિવારના સભ્યો કથામાં આવ્યા અને ભોજનખંડની વ્યવસ્થા જોયા બાદ આયોજકોને કહ્યું કે, ભોજન પ્રસાદમાં રાજા અને રંક એક હોવા જોઈએ. ભેદભાવ ન રાખવો જોઈએ. આ વાત આયોજકોએ સ્વીકારી અને આજે મંગળવારથી જ વી.આઇ.પી. ભોજન ખંડ બંધ કરવાની જાહેરાત કરી છે. દરમિયાન VVIP પાસ ડુપ્લિકેટ બનાવ્યા હોવાની ફરિયાદો આયોજકોને મળી છે તેને લઈને આજથી જ બાપુની કથામાં જેમની પાસે VVIP પાસ હોય તો પણ એક જ વ્યક્તિને પ્રવેશ આપવાનો નિર્ણય લેવાયો છે. આ ખંડમાં પણ બેસવાની જગ્યા મળતી નથી. નકલી પાસ બનાવનારા પર વોચ રાખવામાં આવી રહી છે. જે કોઈ પકડાશે તેની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે તેવું આયોજકોએ જણાવ્યું છે.

શરૂઆતના બે દિવસ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતાં કેટલાક ડોમમાં વ્યવસ્થા ખોરવાઈ હતી. ખુદ આયોજકો પણ સુપેરે સંચાલન કરી શકે તેવી સ્થિતિ ન હતી. વી.આઇ.પી. પાસનો ડોમ ચોથી કેટેગરીમાં હોવાથી કેટલાક લોકોને સુરક્ષા કર્મચારીઓ સાથે વારંવાર ઘર્ષણ થતું હતું. રાજકોટની રામકથામાં આજે ચોથા દિવસે વ્યવસ્થામાં કેટલાક ફેરફારો આયોજકોને કરવા પડ્યા છે.

(દેવેન્દ્ર જાની – રાજકોટ )
(તસવીરો – નિશુ કાચા)

રાજકોટમાં પાટીદાર અગ્રણી પર જીવલેણ હુમલો, PI સંજય પાદરિયા પર આરોપ

રાજકોટ: ભાજપના પૂર્વ કોર્પોરેટર અને પાટીદાર અગ્રણી જયંતી સરધારા પર જીવલેણ હુમલો થયાના સમાચાર સામે આવ્યા છે. મવડી કણકોટ રોડ પર આવેલા પાર્ટી પ્લોટ નજીક આ હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. આ હુમલો ખોડલધામ સાથે સંકળાયેલા PI સંજય પાદરિયાએ કર્યાનો આરોપ કરાયો છે. જયંતી સરધારાએ PI સંજય પાદરિયા પર ગંભીર આક્ષેપ કર્યા છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજકોટ પાટીદાર અગ્રણી પર હુમલો કરનાર PI સંજય પાદરિયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ ગઈ છે. નોંધનીય છે કે, PI સંજય પાદરિયા જૂનાગઢમાં પોતાની ફરજ બજાવે છે. હુલમાની ઘટના રાજકોટમાં બની હતી જેથી રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. સમાજ સાથે ગદારી કરી કહી હુમલો કર્યાનો, પહેલા હુમલો કરી ઉશ્કેર્યાનો અને ત્યાર બાદ મુક્કા માર્યાનો આરોપ જયંતિ સરધારાએ પીઆઈ સંજય પાદરિયા પર લગાવ્યો છે. ‘સરદારધામમાં ઉપપ્રમુખ કેમ બન્યા? એવું કહીને હુમલો કર્યાનો PI સંજય પાદરિયા પર ગંભીર આરોપ લગાવાયો છે. મહત્વની વાત એ છે કે, જ્યાં આ ઘટના બની એ જગ્યા એટલે કે, પાર્ટી પ્લોટના CCTV તપાસવામાં આવે તો સમગ્ર ઘટનાની જાણ થઈ શકે તેમ છે. હુમલામાં ઘાયલ થયેલા જયંતીભાઈ સરધારાએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલના ઈશારે હુમલો કરાયા હોવાનો આક્ષેપ કરાતા મામલો વધુ ગરમાયો છે. તો બીજી તરફ ઘટના બન્યાના 10 કલાક બાદ હવે ખોડલધામ તરફથી પણ પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં કહેવાયું છે કે, આવી બાબતમાં નરેશ પટેલનું નામ લેવું વાજબી નથી. આ સમગ્ર મામલે એક તરફ સામાસામા આક્ષેપો થઈ રહ્યા છે તો બીજી તરફ જયંતીભાઈ સરધારા પર હુમલો કરનાર PI સંજય પાદરિયા સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

26/11 મુંબઈમાં આતંકવાદી હુમલાને 16 વર્ષ પૂરાં

મુંબઈઃ મુંબઈમાં 26 નવેમ્બર, 2008એ આતંકવાદી હુમલો થયો હતો. આ આતંકવાદી હુમલાની આગ હજી ભભૂકી રહી છે. આજથી 16 વર્ષ પહેલાં લશ્કર-એ-તૈયબાના દસ આતંકવાદીઓએ મુંબઈના હાઈ-પ્રોફાઈલ સ્થાનોને નિશાન બનાવ્યા હતા, જેના પરિણામે 166 લોકોનાં મોત થયાં હતાં અને 300થી વધુ ઘાયલ થયા હતા. ભારતના ઇતિહાસમાં એ એક કાળો દિવસ હતો, જેને ભારત કદાચ જ ભૂલી શકશે.

ભારતીય સુરક્ષા દળોએ ચાર દિવસના ઓપરેશનમાં નવ આતંકવાદીઓને ઠાર માર્યા હતા, જ્યારે આમિર અજમલ કસાબને જીવતો પકડી લેવામાં આવ્યો હતો, જેને 2012માં ફાંસી આપવામાં આવી હતી. મુંબઈને હચમચાવી નાખનાર આ હુમલાને 16 વર્ષ વીતી ગયાં છે, પરંતુ તેની યાદો હજુ પણ તાજી છે. મુંબઈમાં તાજમહેલ હોટેલ પર જ્યારે આતંકવાદીઓએ હુમલો કર્યો ત્યારે તાજ હોટલમાં લગભગ 450 મહેમાનો હાજર હતા. તેમણે અંધાધૂંધ ગોળીબારમાં ઘણાને મારી નાખ્યા હતા.

હુમલામાં મુંબઈની તાજ હોટલમાં ઘણું નુકસાન થયું હતું. આ ઉપરાંત આતંકવાદીઓએ ઓબેરોય ટ્રાઈડન્ટ અને નરીમાન હાઉસ પર હુમલો કર્યો હતો. મુંબઈમાં અલગ-અલગ જગ્યાએ કરવામાં આવેલા આ આતંકવાદી હુમલામાં લગભગ 166 લોકોના મોત થયા હતા અને સેંકડો ઘાયલ થયા હતા. આ હુમલામાં તમામ આતંકવાદીઓ માર્યા ગયા હતા, પરંતુ મોહમ્મદ અજમલ આમિર કસાબ જીવતો પકડાયો હતો. જેમને 21 નવેમ્બર 2012એ યરવડા જેલમાં ફાંસી આપવામાં આવી હતી.

માત-ઉદ-દાવાનો નેતા હાફિઝ સઈદ 26/11ના મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો. જેને પાકિસ્તાન આજ સુધી બચાવી રહ્યું છે. આ હુમલામાં નિવૃત્ત સૈનિક તુકારામ ઓમ્બલે અને તાજમાં રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન પગમાં ગોળી વાગી ગયેલા કમાન્ડો સુનીલ યાદવને બચાવતા NSG મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન શહીદ થયા હતા.

 

સુરેન્દ્રનગરમાં વેન-ટ્રકની ટક્કરમાં ચાર મહિલાનાં મોત, 16 ઘાયલ

અમદાવાદઃ રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લામાં એક પિકઅપ વેન અને ટ્રકની વચ્ચે ટક્કર થવાથી ચાર મહિલાઓનાં મોત થયાં છે અને 16 અન્ય ઘાયલ થયા છે, એમ પોલીસે આ માહિતી આપી હતી.

સ્થાનિક પોલીસ સ્સેશનના ઇન્સ્પેક્ટર અસી ઓડેદરાએ જણાવ્યું હતું કે અકસ્માત સોમવારે રાત્રે 10.30 વાગ્યે ચોટિલા પાસે થયો હતો. વેનમાં 20 યાત્રીઓ સવાર હતા. ટક્કર પછી બે લોકોનાં ઘટનાસ્થળે મોત થયાં હતાં, જ્યારે અન્ય બે મહિલાનાં મોત હોસ્પિટલમાં થયાં હતાં.

વેન જિલ્લાના લીંબડી તાલુકાના શિયાની ગામથી સોમનાથ જઈ રહી હતી. ટ્રક રસ્તા પર એક હોટેલ પાસે થોભવા માટે જમણી બાજુ વળી અને એની વેન સાથે ટક્કર થઈ હતી.

પીડિત મૃતક પૂર્વજોના અનુષ્ઠાન  પિતૃતર્પણ માટે સોમનાથ જઈ રહ્યા હતા. બધા 16 ઘાયલોને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માતમાં મૃતકોની ઓળખ મગજીબહેન રેથારિયા (72), ગલાલબહેન રેથારિયા (60),  મંજુબહેન રેથારિયા (65) અને ગૌરીબહેન રેથારિયા તરીકે કરવામાં આવી છે.

 

 

ગાંધીનગરમાં જૂના સચિવાલયની બિલ્ડિંગમાં લાગી આગ

ગાંધીનગરમાં ગુજરાત સરકારના ડો. જીવરાજ મહેતા ભવન – જૂના સચિવાલયની બિલ્ડિંગ- બ્લોક નંબર 1 માં મંગળવારે સવારે આગ ફાટી નીકળી હતી. ઓફિસ સમય પહેલા લાગેલી આગને અંદાજે એક કલાકમાં કાબુમાં લાવવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આગ બ્લોક નં. 1 બ્લોક નંબર 8 ની નજીક અને જૂના સચિવાલયના ગેટની સામે આગ લાગી હતી. આગનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઇ નથી અને ફાયર વિભાગના બે મોટા ફાયર કોટનરોલ વાહન અને એક નાનું વાહન જોવા મળ્યું હતું, જેણે પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી.

આ અગાઉ પણ 13 નવેમ્બરના ભરૂચના ઝઘડિયાના જીઆઈડીસીમાં નાઇટ્રેક્સ કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. એક સ્પાર્કથી શરૂ થયેલી આગે એકાએક વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની જાણ થતાં જ તુરંત કંપનીના તમામ કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.  આ ઉપરાંત 11 નવેમ્બરના રોજ વડોદરામાં ભારત સરકારના સાહસ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડની રિફાઇનરીમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો. આ પછી રિફાઈનર કંપનીમાં વધુ એક બ્લાસ્ટ થતા બે વ્યક્તિના મોત નીપજ્યાં છે. જ્યારે આગને કાબુ કરવા માટે અન્ય શહેરની ફાયર ટીમને બોલાવામાં આવી છે. અને લગભગ 13 કલાકની મહેનત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. 9 નવેમ્બરના નવસારીના ગણદેવીમાં ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં વહેલી સવારે ભીષણ આગ લાગવાથી ત્રણ લોકો આગમાં બળી મોતને ભેટ્યાં છે.

RBI ગવર્નર શક્તિકાંત દાસ એપોલો હોસ્પિટલમાં દાખલ

ચેન્નઈઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસને ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓની હાલત અત્યારે ઠીક છે અને ચિંતાની કોઈ વાત નથી, પણ છાતીમાં દુખાવો ઉપડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં, તે હોસ્પિટલમાં ડોકટરોની દેખરેખ હેઠળ છે જેઓ તેમના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહ્યા છે.

તેમની તબિયતને લઈને RBIના અધિકારીએ કહ્યું હતું  કે તેઓ હવે ઠીક છે અને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. RBI ટૂંક સમયમાં આ મામલે ઔપચારિક નિવેદન જાહેર કરશે. મેડિકલ બુલેટિન પણ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.RBIના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ગવર્નર શક્તિકાંત દાસને ગેસની ફરિયાદને કારણે અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે અને તેમને 2-3 કલાકમાં રજા આપવામાં આવશે. તેમણે કહ્યું હતું કે ગભરાવાની જરૂર નથી. હોસ્પિટલ સત્તાવાળાઓએ એમ પણ કહ્યું કે ઈમરજન્સી જેવી કોઈ વસ્તુ નથી.

RBI ગવર્નર તરીકે શક્તિકાંત દાસનો કાર્યકાળ 10 ડિસેમ્બર, 2024એ પૂરો થઈ રહ્યો છે. એવું માનવામાં આવે છે કે સરકાર સતત બીજી વખત તેમના કાર્યકાળની બદલી કરી શકે છે. જો આમ થશે તો શક્તિકાંત દાસ 1960 પછી ઈતિહાસ રચશે અને સૌથી લાંબા સમય સુધી રાજ્યપાલ પદ પર રહેવાનો રેકોર્ડ બનાવશે.

રાજ્યપાલ તરીકે શક્તિકાંત દાસના કાર્યકાળ દરમિયાન કોરોના સમયગાળામાં ભારતે આ સંકટનો મજબૂતીથી સામનો કર્યો હતો. ત્યાર બાદ RBIએ કોરોના (કોવિડ-19)થી પ્રભાવિત ક્ષેત્રોને ટેકો આપ્યો હતો, રોકડ પ્રદાન કરી હતી અને તે સમયગાળા દરમિયાન વ્યાજ દરોમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો હતો.

 

જેના દીઠા ન મૂઆ તેના માર્યાં શું મરશે?

જેના દીઠા ન મૂઆ તેના માર્યાં શું મરશે?

 

માણસનું વ્યક્તિત્વ એની અસરકારકતાનો માપદંડ બનતું હોય છે. આંખમાં એટલી કરડાકી હોય કે સામેવાળો બોલવાની હિંમત જ ના કરે તે વ્યક્તિત્વની ઓળખ છે.

એટલે પોતાના સ્વબળથી અથવા વ્યક્તિત્વથી જ માણસ પ્રભાવી નથી તે પોતાના શારીરિક બળના જોરે કશું જ નથી કરી શકવાનો એ વાત વ્યક્ત કરવા આ કહેવત વપરાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

ગીતકાર મહેબૂબે ‘બોમ્બે’ છોડવાનો વિચાર પડતો મૂક્યો હતો

ગીતકાર મહેબૂબને પહેલી ફિલ્મ નિર્દેશક રામગોપાલ વર્માની ‘રંગીલા’ (૧૯૯૫) મળી હતી. પરંતુ એના કારણે જ નિર્દેશક મણિરત્નમની ફિલ્મ ‘બોમ્બે’ (૧૯૯૫) માં ગીતકાર તરીકે સ્થાન મળ્યું હતું. જે ચાર મહિના વહેલી રજૂ થઈ હતી. રસપ્રદ વાત એ છે કે શરૂઆતમાં એક કારણથી મહેબૂબે ફિલ્મ ‘બોમ્બે’ ને છોડવાનું વિચારી લીધું હતું. મહેબૂબ રામગોપાલ વર્માના પરિચયમાં આવ્યા હતા અને એમની બે નાની ડબ ફિલ્મોના ગીતો લખ્યા હતા. મહેબૂબ ત્યારે વર્માને કોઈ મોટી ફિલ્મ આપવાની વિનંતી કરી રહ્યા હતા.

વર્માએ ‘રંગીલા’ નું આયોજન કર્યું એ સમય પર ‘રોજા’ (૧૯૯૨) ના ડબ હિન્દી ગીતોએ ધૂમ મચાવી હતી. એટલે વર્માએ સંગીતકાર એ. આર. રહેમાનને લીધા ત્યારે મહેબૂબને ગીતો લખવા કહ્યું હતું. રહેમાને જ્યારે પહેલી વખત કોઈ હિન્દી ફિલ્મ ‘રંગીલા’ ના સંગીત માટે હા પાડી ત્યારે પહેલાં પ્રશ્ન કર્યા હતા કે ગીતકાર કોણ છે? અને એમણે પહેલાં કશું લખ્યું છે? વર્માએ એમ કહ્યું હતું કે નવા ગીતકાર મહેબૂબ છે. એમણે અગાઉ ડબ ફિલ્મો માટે ગીતો લખ્યા હોવાની વાતનો ઉલ્લેખ કર્યો ન હતો.

મહેબૂબને એમ હતું કે રહેમાન પોતાની પહેલી હિન્દી ફિલ્મ માટે કોઈ મોટા ગીતકારની અપેક્ષા રાખતા હશે. રહેમાને એ વાતને બહુ સહજતાથી લીધી હતી અને વર્મા પર ભરોસો રાખી કહ્યું હતું કે નવા ગીતકાર છે તો કશું નવું જ લખશે. ‘રંગીલા’ ના ત્રણ ગીતો તૈયાર થયા હતા એ સમય પર નિર્દેશક મણિરત્નમે એ. આર. રહેમાનના સંગીત સાથે ‘બોમ્બે’ નું આયોજન કર્યું હતું અને ફિલ્મને તમિલ સાથે હિન્દીમાં બનાવવાનું નક્કી કર્યું હતું. રહેમાન મહેબૂબના ત્રણ ગીતોથી પ્રભાવિત હતા. એમણે મહેબૂબને ‘બોમ્બે’ એક ગીત ‘કહના હી ક્યા’ લખવા માટે વાત કરી ત્યારે મહેબૂબે કહ્યું કે તે એક ગીત લખવામાં રસ ધરાવતા નથી. આખી ફિલ્મના ગીતો લખવા મળે તો સારું છે.

રહેમાનને મહેબૂબ પર ભરોસો હતો એટલે હા પાડી દીધી હતી. પરંતુ જ્યારે એ. આર. રહેમાને ‘બોમ્બે’ ના ગીતો લખવા માટે ધૂન આપી ત્યારે મહેબૂબ ગભરાઈ ગયા હતા. કેમકે એમાં ગીતના મુખડાઓની ધૂન બહુ લાંબી હતી. એ સમય પર નાના ચાર- છ શબ્દોના મુખડાનું પ્રચલન હતું. મહેબૂબને થયું કે એ અતિશય લાંબા મુખડા સાથેનું ગીત તે કેવી રીતે લખી શકશે? અને લખ્યા પછી પણ ગીતો ચાલશે કે નહીં એની કોઈને ખબર ન હતી.

ગીતના લાંબા મુખડા લખવાનું કંટાળાજનક બને એમ હોવાથી મહેબૂબે ‘બોમ્બે’ છોડી દેવાનો વિચાર કર્યો હતો. એ પહેલાં મિત્રો અને ભાઈની સલાહ લેવાનું નક્કી કર્યું. બધાંએ એમ કહ્યું કે વાત તો સાચી છે કે આટલા લાંબા મુખડા લખવામાં મજા નથી. સાથે એમણે એક વાત કરી કે ફિલ્મ છોડવી હોય તો છોડી શકે છે પણ આ ફિલ્મની ચર્ચા બહુ થશે. તેનું કારણ એ છે કે ‘રોજા’ પછી મણિરત્નમ રહેમાન સાથે ફરી આવી રહ્યા છે અને ફિલ્મ મુંબઈના તોફાનો પર આધારિત છે. એના ગીતો લખીશ તો કમાલ તો થશે. અને મહેબૂબે ‘બોમ્બે’ છોડવાનો વિચાર પડતો મૂક્યો હતો. ફિલ્મ ‘બોમ્બે’ ના ગીતોના આલબમ પછી ગીતકાર મહેબૂબની સંગીતકાર એ. આર. રહેમાન સાથે જુગલબંદી વધુ મજબૂત બની હતી અને મહેબૂબ મુંબઈમાં જાણીતા ગીતકાર બની ગયા હતા.

(હવે પછીના લેખમાં જાણીશું ગીતકાર મહેબૂબની સંગીતકાર એ.આર. રહેમાન સાથેની ફિલ્મો ‘રંગીલા’ અને ‘બોમ્બે’ ના કેટલાક ગીતોની રસપ્રદ વાતો.)

૨૬ નવેમ્બર ૨૦૨૪

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો