Home Blog Page 1315

અમદાવાદમાં ડિજિટલ અરેસ્ટનો વધુ એક કિસ્સો, બિલ્ડરના 1 કરોડ પડાવ્યા

અમદાવાદ: શહેરના નારણપુરા વિસ્તારમાં રહેતા એક બિલ્ડરે ફેડેક્સ કુરિયરના પાર્સલમાં ડ્રગ્સ, પાસપોર્ટ જેવી શંકાસ્પદ ચીજવસ્તુઓ મોકલી હોવાથી ગુનો નોંધ્યો હોવાનું કહીને એનસીબીના નામે વિડીયો કોલ કરીને ગઠિયાઓએ બિલ્ડરને સતત ત્રણ દિવસ ડીજીટલ એરેસ્ટ કરીને 1.05 કરોડની રકમની છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ સેલમાં નોંધવામાં આવી છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે બિલ્ડરને શંકા જતા તેણે  સાવચેતીના ભાગરૂપે પોતાનું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાવ્યું હતું. તેમ છતાંય, ઓનલાઇન છેતરપિંડી  કરતી ગેંગના માણસોએ  વેરિફીકેશનનું કહીને તેમની પાસેથી માતબર રકમ પડાવી લીધી હતી.

શહેરના નારણપુરામાં આવેલી શીવ સંકલ્પ સોસાયટીમાં રહેતા 53 વર્ષીય કેતનભાઇ પટેલ બિલ્ડીંગ કન્સ્ટ્ર્ક્શનનો વ્યવસાય કરે છે. ગત ત્રીજી જુલાઇના રોજ તેમને ફેડેક્સ કુરિયરથી ફોન આવ્યો હતો કે કેતનભાઇ પટેલના નામે એક પાર્સલ ઇરાન જતુ હતું. જેમાં  પાસપોર્ટ, ડેબિટ કાર્ડ અને એમડી ડ્રગ્સ છે. આ સદર્ભમાં  મુંબઇ નાકાટીક્સની અંધેરી સ્થિત ઓફિસમાં ગુનો નોંધાયો છે. આ માટે તમારે મુંબઇ હાજર થવુ પડશે અથવા ઓનલાઇન સ્ટેટમેન્ટની સાથે તપાસમાં સહયોગ આપવો પડશે. જો કે કેતનભાઇ કોઇ પાર્સલ મોકલ્યુ ન હોવાનું જણાવતા તેમને આ નિવેદન લખાવવાનું કહીને વિડીયો કોલ કરીને કહ્યું હતું કે તમારા નામે દેશમાં અલગ અલગ બેંકોમાં કરોડો રૂપિયાના ગેરકાયદેસર વ્યવહારો પણ થયા છે. જેથી કેતનભાઇને શંકા જતા તેમણે સાવચેતીના ભાગરૂપે કોલ કરીને તેમનું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાવ્યું હતું. બીજી તરફ કોલ કરનાર પોલીસે બીજા દિવસે સવારે વિડીયો કોલથી વધુ પુછપરછ કરવાનું કહ્યું હતું. બીજા દિવસે એક અન્ય અધિકારીએ વિડીયો કોલ કરીને જણાવ્યું હતું કે આરબીઆઇના વેરિફીકેશન માટે તમારા બેંક એકાઉન્ટમાં રહેલા નાણાં તપાસવાના હોવાથી એક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરો. પરંતુ, કેતનભાઇ નાણાં ટ્રાન્સફર ન કરતા તેમને રાતના 11 વાગ્યા સુધી વિડીયો કોલથી ડીજીટલ એરેસ્ટ રાખ્યા હતા.  તેમ છતાંય,  ફરીથી ત્રીજા દિવસે વિડીયો કોલ  કરીને તેમના આર્થિક વ્યવહાર ચેક કરવાનું કહીને તેમના એકાઉન્ટમાં રહેલા 1.09 કરોડ અન્ય ખાતામાં ટ્રાન્સફર કરવાનું કહેતા કેતનભાઇ પાસે વિડીયો કોલ ચાલુ રખાવીને બેંકમાંથી આરટીજીએસથી રૂપિયા 1.05 કરોડ અન્ય ખાતામાં ટ્રાન્સફર કરાવીને વેરીફિકેશન બાદ પરત કરવાનું કહીને ફોન કટ કરી દીધો હતો. જો કે  ત્યારબાદ નાણાં પરત ન આવતા કેતનભાઇને છેતરપિડી થયાનો ખ્યાલ આવ્યો હતો. આ અંગે સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

લાંચના આરોપ પછી અદાણીએ બોન્ડ ઇશ્યુ રદ કર્યો

નવી દિલ્હીઃ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સહિત સાત લોકો પર લાંચ લેવાનો આરોપ છે. યુનાઇટેડ સ્ટેટ્સ એટર્ની ઓફિસનું કહેવું છે કે અદાણીએ ભારતમાં સોલાર એનર્જી કોન્ટ્રેક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને રૂ. 2000 કરોડની લાંચ આપવાનું વચન આપ્યું હતું.  

અમેરિકાના સિક્યુરિટીઝ ઍન્ડ એક્સચેન્જ કમિશન (SEC) દ્વારા છેતરપિંડી અને લાંચના આરોપો મૂકવામાં આવ્યા બાદ અદાણી ગ્રુપે 600 મિલિયન ડોલર અંદાજે રૂ. 5066 કરોડનો બોન્ડ રદ કરવા નિર્ણય લીધો છે. અમેરિકાના પ્રોસિક્યુટર દ્વારા આરોપો મૂકવામાં આવતાં અદાણી ગ્રુપે બોન્ડની કિંમત નક્કી કર્યા બાદ થોડા જ કલાકોમાં તેને રદ કરવાની જાહેરાત કરી છે.

અદાણી પર લાંચની આ રકમ વસૂલવા માટે અમેરિકન, વિદેશી રોકાણકારો અને બેંકો સાથે ખોટું બોલવાનો પણ આરોપ છે. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના અધિકારીઓ અને ગૌતમ અદાણીના ભત્રીજા સાગર અને વિનીત જૈનનાં નામ પણ આરોપીઓમાં સામેલ છે.

આ મામલે અદાણી ગ્રીને નિવેદન જાહેર કર્યું છે કે અમેરિકાના પ્રોસિક્યુટર અને SEC દ્વારા અમારા બોર્ડના સભ્યો ગૌતમ અદાણી, સાગર અદાણી વિરુદ્ધ ન્યુ યોર્કની એક US ડિસ્ટ્રિક્ટ કોર્ટે આરોપોની નોટિસ મળી છે. યુએસ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસે અમારા બોર્ડના સભ્ય વિનીત જૈનને પણ તેમાં સામેલ કર્યા છે. આ ઘટનાને ધ્યાનમાં લેતાં કંપનીએ અદાણી ગ્રીનનો પ્રસ્તાવિત બોન્ડ ઇશ્યુ રદ કરવાનો નિર્ણય લીધો છે.

અમેરિકાના પ્રોસિક્યુટરની ફરિયાદમાં ગૌતમ અદાણીના અદાણી ગ્રુપના સાત અધિકારીઓ જેમાં ભત્રીજા સાગર અદાણી, અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના અધિકારીઓ અને એજ્યોર પાવર ગ્લોબલ લિ.ના કાર્યકારી સિરિલ કાબેનેસ વિરુદ્ધ આરોપો મૂકવામાં આવ્યા છે. હિન્ડનબર્ગના આરોપોમાં ક્લીનચિટ મળ્યા બાદ અદાણી ગ્રુપ પર લાંચનો આરોપ મૂકવામાં આવતાં જ અદાણીના શેરોમાં 25 ટકા સુધીનો કડાકો નોંધાયો હતો.

આ અગાઉ હિન્ડનબર્ગે પણ અદાણી ગ્રુપ પર છેતરપિંડી અને શેરમાં ગેરરીતિ કરી રહ્યા હોવાનો આરોપ મૂકતાં કંપનીને તેનો દેશનો સૌથી મોટો ઈશ્યૂ રદ કરવો પડ્યો હતો.

 

 

સોનાક્ષી પતિ ઝહીર અને પિતા શત્રુઘ્ન સિન્હા સાથે પહોંચી કપિલના શૉમાં

મુંબઈ: સોનાક્ષી સિન્હા હાલમાં જ ઝહીર ઈકબાલ સાથેના લગ્નને લઈને ચર્ચામાં હતી. અભિનેત્રીએ 23 જૂને તેના પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં ઝહીર ઈકબાલ સાથે લગ્ન કર્યા હતા. વાસ્તવમાં આ કપલના આંતરધર્મી લગ્ન હતા, જેને લઈને સિંહા પરિવાર સતત ટ્રોલના નિશાના પર રહ્યો હતો. ટ્રોલિંગ અને ટીકાઓને પાછળ છોડીને સોનાક્ષી તેના પતિ ઝહીર ઇકબાલ સાથે સુખી લગ્ન જીવન માણી રહી છે. આ દરમિયાન સોનાક્ષી પણ લોકપ્રિય કોમેડી શો ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો સીઝન 2’માં તેના પતિ ઝહીર સાથે મસ્તી કરતી જોવા મળશે.

ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોમાં સિંન્હા પરિવાર
સોનાક્ષી અને ઝહીર ઈકબાલની સાથે અભિનેત્રીના માતા-પિતા શત્રુઘ્ન સિંહા અને પૂનમ સિંહા પણ ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’માં જોવા મળશે. નિર્માતાઓ દ્વારા કપિલ શર્માના શોના આગામી એપિસોડનો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે, જેણે નવા એપિસોડને લઈને ચાહકોની આતુરતા વધારી દીધી છે.

જ્યારે સોનાક્ષી હિરામંડીના પ્રમોશન માટે કપિલ શર્માના શોમાં પહોંચી હતી
કપિલ શર્માના શોનો આગામી એપિસોડ ‘શાદી સ્પેશિયલ વિથ સિન્હા ફેમિલી’ બનવા જઈ રહ્યો છે. ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોના પ્રોમોની શરૂઆતમાં સોનાક્ષી કહે છે કે જે કોઈ લગ્ન કરવા ઈચ્છે છે તેણે કપિલ શર્માના શોમાં આવવું જોઈએ અને તેને ‘ભૈયા’ કહીને બોલાવવું જોઈએ, આનાથી તેમના લગ્ન થઈ જશે. હકીકતમાં, છેલ્લી વખત જ્યારે સોનાક્ષી ‘હીરામંડી’ના પ્રમોશન દરમિયાન શોમાં આવી હતી, ત્યારે કપિલે તેને કહ્યું હતું કે તેની ઘણી સહ-અભિનેત્રીઓ આલિયા ભટ્ટ અને કિયારા અડવાણી હવે પરિણીત છે. તેના જવાબમાં સોનાક્ષીએ કહ્યું કે તે તેના જખમો પર મીઠું ભભરાવી રહ્યો છે કારણ કે તે જાણે છે કે તે લગ્ન કરવા માટે કેટલી ઉત્સુક છે. એક મહિના પછી સોનાક્ષીએ ઝહીર ઈકબાલ સાથે લગ્ન કર્યા હતાં.

નવીનતમ પ્રોમો વિશે વાત કરીએ તો, સોનાક્ષી તેના ‘સૈયાં’ ઝહીર ઇકબાલને તેના ‘ભૈયા’ કપિલ શર્મા સાથે પરિચય કરાવતી જોઈ શકાય છે. આ પછી શત્રુઘ્ન સિંહા અને પૂનમ સિંહા પણ આ કપલ સાથે જોડાઈ ગયા. પ્રોમોમાં, શત્રુઘ્ન સિન્હા એ ઘટનાને યાદ કરતા જોવા મળે છે જ્યારે ધર્મેન્દ્રએ તેમને એકવાર ‘એક સમયે માત્ર એક જ સ્ત્રીનો પુરુષ’ બનવાનું કહ્યું હતું, આ સાંભળીને બધા હસવા લાગે છે. ઝહીર આનો આનંદ લે છે અને કહે છે- ‘મને લાગ્યું કે આ એક પારિવારિક એપિસોડ છે. અહીં શું થઈ રહ્યું છે?’

શત્રુઘ્ન સિંહાએ પોતાને નિર્દોષ અને ઉમદા માણસ ગણાવ્યા
પ્રોમોના અંતે, શત્રુઘ્ન સિન્હા પોતાને ‘નિર્દોષ સજ્જન’ કહે છે, જેને પૂનમ કહે છે – ‘મને પૂછો.’ આ એપિસોડને લઈને ચાહકોમાં ભારે હલચલ મચી ગઈ છે. કપિલ શર્માના શોમાં સિન્હા પરિવાર અને ઝહીર ઈકબાલ પહેલીવાર નેશનલ ટેલિવિઝન પર સાથે જોવા મળશે. પ્રોમો શેર કરતાં નિર્માતાઓએ લખ્યું, “સૌને ચૂપ કરવા આવી રહ્યો છું… સિન્હાઝ, સોનાક્ષી સિન્હા, ઝહીર ઈકબાલ, શત્રુઘ્ન સિંહા અને પૂનમ સિંહાને ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોના નવા એપિસોડમાં જુઓ.”

હું, મેં, મારું…

મુંબઈની લોકલ ટ્રેનમાં- આજે ઑફિસમાં પંડ્યાને કહી દીધું, મારી આગળ હુશિયારી નહીં ચાલે. હું કહું એમ જ કરવું પડશે…

જૉગિંગ પાર્કમાં, વહેલી સવારે એક વડીલ- મારા ઘરમાં હું કહું કરું એમ જ થાય.

આવું કહી રહેલા વડીલ બીજા વડીલને જે નથી કહેતા એ આઃ હું કહું એમ થાય તો બધા સારા, જો ન થાય તો ઘરના સભ્યો ખરાબ… હું તો મેણાંટોણા મારીને, ઈમોશનલ બ્લેકમેઈલિંગ કરીને મારી મરજી મુજબ કરાવીને જ જંપું. ઘર હું ચલાવતો હોઉં તો ઘરમાં મારું જ ચાલવું જોઈએને…

તમે પણ આવા સંવાદ અવારનવાર સાંભળ્યા હશે. કોઈ કદાચ આને વ્યવહાર કે સંસ્કાર કે કામ કઢાવવાની આવડત કહે, પણ હકીકતમાં આને અહં કહેવાય. તમે જ સર્વેસર્વા અને ઘરમાં કે ઑફિસમાં તમે ચાહો એમ જ થવું જોઈએ એ ભ્રમણા આવું વિચારતી વ્યક્તિએ મનમાંથી કાઢી નાખવી, કારણ કે આ ભ્રમણા એટલે કે તમારી અંદર રહેલો અહં, ક્યારેક તમને મોટી મુસીબતમાં મૂકી શકે.

જે વ્યક્તિ વ્યવહારની કે સંસ્કારની વાત કરે છે, તે ક્યારેય અહંને મોટો નથી થવા દેતો. જે વ્યકિતની અંદર સારા સંસ્કારનું સિંચન થયેલું છે તે વ્યક્તિ પોતાની અંદર હુંપદને પ્રવેશવા નથી દેતી. કોઈ પણ સુખી, સશક્ત સાંસારિક જીવનનો ધ્યાનથી તપાસ કરશો તો ખ્યાલ આવશે કે એ ઘરમાં, પતિ કે પત્ની કે અન્યોમાંથી કોઈ બૉસ નથી હોતું. દરેક વ્યક્તિ પોતે સર્વેસર્વા હોવાને બદલે દરેક હળીમળીને સમજીને રહેતી હોય તો જ ઘર, પરિવાર સારી રીતે ચાલે અને ટકે.

આજે આપણે જોઈએ છીએ કે નગર-મહાનગરમાં રોજના કેટલાબધા છૂટાછેડાના કેસ નોંધાય છે. આ પાછળ મોટા ભાગે બે વ્યક્તિનો અહં, ઈગો જ જવાબદાર હોય છે. જે વ્યક્તિની અંદર જતું કરવાની, અંગ્રેજીમાં ‘લેટ ગો’ કહે છે એવી ભાવના ન હોય, જે વ્યક્તિ સંબંધ કરતાં પોતાના અહંને વધુ મહત્વ આપતી હોય તેના સંબંધોની ડોર નબળી જ હોય છે, કારણ કે અહં નામનો રાક્ષસ તમારા સંબંધને ખોખલા બનાવવાનું કાર્ય કરતાં ક્યારેય અચકાતો નથી.

બસમાં, ટ્રેનમાં, એ માટેની કતારમાં કોઈનો ધક્કો વાગે તો “હું એને હાળાને બમણા જોરથી ધક્કો મારીને એને બતાવી આપું” એવી ભાવના કાઢી નાખવી. ભાઈ, એને તારી સાથે કોઈ દુશ્મની નથી, જાણીજોઈને કોઈ કોઈને ધક્કો મારતું નથી.

તમારી ઈચ્છા પ્રમાણે જ તમારા વર્તુળમાં બધું ચાલવું જોઈએ, તમારી સત્તા પ્રમાણે જ તમારા કાર્યક્ષેત્રમાં બધું થવું જોઈએ એ સૌથી મોટા કુસંસ્કાર છે. તમારી ઈચ્છા પ્રમાણે બધું થવું જોઈએ એ વાતનું રટણ કરવાને બદલે થોડું બીજાની અનુકૂળતા પ્રમાણે વર્તન કરતાં શીખો, થોડું બીજાની અનુકૂળતા પ્રમાણે રહેતા શીખશો તો સંબંધોમાં અને બીજે પણ દરેક જગ્યાએ ઘણી સાનુકૂળતા સાધી શકશો. તમે અન્ય વ્યક્તિને સમજીને થોડા સરળ થઈ શકો એ મોટામાં મોટા સંસ્કાર છે. યાદ રાખજો, અહંશૂન્ય હોવું એ દરેક સંસ્કારની જનની છે.

અંગ્રેજીનો અક્ષર ‘આઈ’ હંમેશાં કેપિટલ હોય છે, પણ જીવનમાં ‘આઈ’ નાનો રાખનાર જ સુખી થશે. જો ‘આઈ’ કૅપિટલ રાખવા જશો તો અનેક સમસ્યાનો સામનો કરવો પડશે, માટે જીવનને સુખી રાખવા માગતા હો તો ‘આઈ’ સ્મોલ જ રાખવો, ક્યારેય કોઈ તકલીફ નહીં ઊભી થાય.

તમે સજાગ અને બુદ્ધિશાળી હશો તો સમજી શકશો કે આવડત માત્ર તમારામાં જ છે એવું નથી, આ પૃથ્વી પર જન્મનારી કાળા માથાની દરેક વ્યક્તિ કોઈ ક્ષેત્રમાં, કોઈ વસ્તુમાં તમારાથી વધારે હોશિયાર હોવાની જ. જેમ તમે કોઈ વસ્તુમાં પાવરધા હો એમ બીજી વ્યક્તિ બીજી વસ્તુમાં પાવરધી હોવાની. દરેક વ્યક્તિ સર્વગુણસંપન્ન નથી હોતી. એમ દરેક વ્યકિતને કંઈ જ ન આવડતું હોય એવું પણ નથી. માટે ‘હું જ સર્વેસર્વા’નો ભ્રમ ‘અહં’થી વધારે બીજું કંઈ જ નથી.

(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

ચૂંટણી પરિણામો પહેલાં MVAમાં CMપદને લઈને કશ્મકશ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં 288 સીટો પર મતદાન હજી ગઈ કાલે પૂરું થયું છે. મત ગણતરી શનિવારે થશે, પણ એ પહેલાં મહા વિકાસ આઘાડીમાં CM પદને લઈને હુંસાતુંસી થવા માંડી છે. હજી પરિણામો આવે એ પહેલાં ભેંસ ભાગોળે છાસ છાગોળે અને ઘરમાં ઘરમાં ધમાધમ જેવો ઘાટ છે.

પ્રદેશ કોંગ્રેસાધ્યક્ષ નાના પટોળેએ કહ્યું હતું કે નવી સરકારમાં CM કોંગ્રેસનો હશે, જ્યારે ગઠબંધનના સહયોગી અને શિવસેના UBTના સાંસદ સંજય રાઉતે પટોળેના નિવેદન સામે કહ્યું હતું કે અમે નહીં માનીએ.

નાના પટોળેએ કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં કોંગ્રેસના નેતૃત્વમાં આઘાડીની સરકાર બનશે.રાજ્યમાં કોંગ્રેસના સૌથી વધુ વિધાનસભ્યો ચૂંટાઈ આવશે. તેમના નિવેદનને ફગાવતાં રાઉતે કહ્યું હતું કે જો નાનાને રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને ખરગેએ કહ્યું હોય કે તમે CM બનશો તો એનું એલાન કરવું જોઈએ. પટોળે અને રાઉત વચ્ચે આ પ્રકારની દલીલબાજી પહેલી વારની નથી. આ પહેલાં હરિયાણામાં કોંગ્રેસની હાર પર રાઉતે આકરી પ્રતિક્રિયા આપી હતી. જે પછી પટોળેએ તેમની પર પલટવાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે રાઉતે કયા આધારે લખ્યું છે એ મને નથી માલૂમ, પણ તમે જાહેરમાં ગઠબંધન પર આ પ્રકારનો આરોપ નથી લગાવી શકતા. રાઉતના નિવેદનથી અમને વાંધો છે, એમ તેમણે કહ્યું હતું.

મહારાષ્ટ્રમાં 11માંથી છ એક્ઝિટ પોલમાં ભાજપની ગઠબંધન સરકારની રચનાની આગાહી કરવામાં આવી છે. બાકીના ચાર એક્ઝિટ પોલમાં કોંગ્રેસ ગઠબંધન એટલે કે મહાવિકાસ અઘાડીને બહુમતી મળવાનું કહેવાય છે. એક ત્રિશંકુ વિધાનસભા છે.

સુવિચાર – ૨૧ નવેમ્બર ૨૦૨૪

૨૧ નવેમ્બર ૨૦૨૪

પંચાંગ 21/11/2024

NDA કે INDIA ? મહારાષ્ટ્રમાં કોણ કરશે રાજ ?

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો પહેલા જાહેર થયેલા એક્ઝિટ પોલ NDA માટે સારા સમાચાર લઈને આવ્યા છે. જ્યારે INDIA ગઠબંધનને મોટો ફટકો લાગ્યો છે. એક્ઝિટ પોલ અનુસાર મહારાષ્ટ્રમાં NDAની સરકાર બનશે તેવું લાગી રહ્યું છે. એક્ઝિટ પોલમાં મહાવિકાસ અઘાડીને જીત મળતી દેખાઈ રહી છે જો કે આ એક્ઝિટ પોલ માત્ર અંદાજો છે. પરિણામ 23 નવેમ્બરે આવશે.

મહારાષ્ટ્રમાં 288 બેઠકો પર એક તબક્કામાં મતદાન થયું હતું. અહીં મહાયુતિ (ભાજપ, શિવસેના ‘એકનાથ શિંદે’, એનસીપી ‘અજિત પવાર’) અને મહાવિકાસ અઘાડી (કોંગ્રેસ, એનસીપી ‘શરદ પવાર’ અને શિવસેના ‘ઉદ્ધવ જૂથ’) વચ્ચે જોરદાર સ્પર્ધા હતી. આ ચૂંટણી એટલા માટે પણ ખાસ હતી કારણ કે આ વખતે ભાજપ-કોંગ્રેસની સાથે શિવસેના અને એનસીપીના બંને વિભાજિત જૂથો માટે લિટમસ ટેસ્ટ હતી.

મહારાષ્ટ્રના પોલ ઓફ પોલમાં NDAની જીત

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે MATRIZE એક્ઝિટ પોલમાં NDAને 150 થી 170 બેઠકો અને ભારતીય ગઠબંધનને 110 થી 130 બેઠકો મળતી જોવા મળી રહી છે. 8 થી 10 બેઠકો અન્યને પણ જઈ શકે છે. ચાણક્ય સ્ટ્રેટેજીઝના એક્ઝિટ પોલ મુજબ એનડીએને 152થી 160 સીટો, ઈન્ડિયા એલાયન્સને 130થી 138 સીટો અને અન્યને 6થી 8 સીટો મળી શકે છે.

પીપલ્સ પલ્સના એક્ઝિટ પોલ મુજબ એનડીએને 175થી 195 બેઠકો, INDIA ગઠબંધનને 85થી 112 બેઠકો અને અન્યને 7થી 12 બેઠકો મળવાની ધારણા છે. પી-માર્કનો અંદાજ છે કે એનડીએને 137-157 બેઠકો મળી શકે છે, INDIA ગઠબંધનને 126-146 બેઠકો મળી શકે છે અને અન્યને 2-8 બેઠકો મળી શકે છે. પોલ ડાયરીના એક્ઝિટ પોલ મુજબ એનડીએને 122થી 186 બેઠકો મળી શકે છે, INDIA ગઠબંધનને 69થી 121 બેઠકો અને અન્યને 12થી 29 બેઠકો મળી શકે છે. આ રીતે પોલ ઓફ પોલમાં એનડીએને 147થી 173 સીટો મળતી જોવા મળી રહી છે, જ્યારે INDIA ગઠબંધનને 104થી 129 સીટો મળી શકે છે. અન્યને 5 થી 13 બેઠકો મળી શકે છે.

Exit poll NDA INDIA OTH
Matrize 150-170 110-130 8-10
Chanakya Strategies 152-160 130-138 6-8
People’s Pulse 175-195 85-112 7-12
P-Marq 137-157 126-146 2-8
Poll Diary 122-186 69-121 12-29
Poll of Polls 147-173 104-129 5-13

ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીતીને ઈતિહાસ રચ્યો

ભારતે મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024ની ફાઇનલમાં ચીનને હરાવીને ટાઇટલ જીત્યું છે. એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં આ ત્રીજી વખત છે જ્યારે ભારતીય ટીમે આ ખિતાબ જીત્યો છે. ભારત તરફથી મેચનો એકમાત્ર ગોલ દીપિકાએ 31મી મિનિટે પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવ્યો હતો. બિહારના રાજગીર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ફાઈનલ મેચ જોવા ઉમટેલી ભીડ પણ ખેલાડીઓમાં ભારે ઉત્સાહથી ભરાઈ ગઈ હતી.

ભારત અને ચીન વચ્ચે રમાયેલી ફાઈનલ મેચમાં પ્રથમ બે ક્વાર્ટર ગોલ રહિત રહ્યા હતા એટલે કે હાફ ટાઈમ સુધી કોઈ ટીમ ગોલ કરી શકી ન હતી. પરંતુ ત્રીજા ક્વાર્ટરની શરૂઆત બાદ પહેલી જ મિનિટમાં ભારતને પેનલ્ટી કોર્નર મળ્યો, જેને દીપિકાએ ગોલમાં ફેરવી દીધો. સલીમા ટેટેને આ ટૂર્નામેન્ટ પહેલા જ ભારતીય ટીમની કેપ્ટન બનાવવામાં આવી હતી અને તેના પહેલા જ પ્રોજેક્ટમાં તેણે ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવીને ઐતિહાસિક કારનામું કર્યું છે. ચીને છેલ્લી ઘડી સુધી ગોલ કરવાનો અથાક પ્રયાસ કર્યો હતો. તેણે છેલ્લી ઘડીમાં મેદાન પરના 11મા ખેલાડી સાથે ગોલકીપરની બદલી કરી. આમ છતાં ચીનની ટીમ ગોલ કરી શકી ન હતી.

ભારત ત્રીજી વખત ચેમ્પિયન બન્યું

તમને જણાવી દઈએ કે ભારત આ પહેલા બે વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીતી ચૂક્યું છે. 2016માં ટીમ ઈન્ડિયાએ ચીનને રોમાંચક મેચમાં 2-1થી હરાવ્યું હતું. જ્યારે 2023માં ભારતીય ટીમે ટાઈટલ મેચમાં જાપાનને 4-0થી હરાવીને ટ્રોફી જીતી હતી. ભારતે છેલ્લી પાંચ ટૂર્નામેન્ટમાં ત્રીજી વખત આ ખિતાબ જીત્યો છે, તો બીજી તરફ ઈતિહાસમાં ચીન ત્રીજી વખત ફાઇનલમાં પહોંચ્યું હતું, પરંતુ આ વખતે પણ તેને નિરાશા હાથ લાગી છે. ભારતની આ જીત એટલા માટે પણ યાદગાર છે કારણ કે તેણે એકપણ મેચ હાર્યા વિના ટૂર્નામેન્ટમાં ટાઇટલ જીત્યું હતું.