
LPGનું સંકટઃ સપ્લાય સામાન્ય થવામાં ત્રણ-ચાર વર્ષ લાગવાની શક્યતા
નવી દિલ્હીઃ મિડલ-ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને હોર્મુઝ જળસંધિ પર લાગેલી નાકાબંધીને કારણે ભારત સુધી પહોંચતી LPG ગેસની સપ્લાય પર મોટી અસર થઈ છે. એક વરિષ્ઠ સરકારી અધિકારી મુજબ વૈશ્વિક LPG સપ્લાય ચેઇન સંપૂર્ણપણે પુનઃસ્થાપિત થવામાં ત્રણથી ચાર વર્ષ લાગી શકે છે. સંકટની ગંભીરતા એથી પણ સમજી શકાય છે કે હજી સુધી સ્પષ્ટ નથી કે ખાડી દેશોમાં ઉત્પાદન તાત્કાલિક બંધ થયું છે કે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કાયમી નુકસાન થયું છે.
સપ્લાય ફરી શરૂ થવામાં એટલો સમય કેમ લાગશે?
સરકારી અધિકારીએ નામ ન જણાવવાની શરતે જણાવ્યું હતું કે સપ્લાયમાં વિક્ષેપ પાછળ અનેક કારણો જવાબદાર છે. હજી સ્પષ્ટ નથી કે ઓઇલના કૂવા ખાલી થઈ ગયા છે કે યુદ્ધને કારણે ઉત્પાદન બંધ કરવામાં આવ્યું છે. વિદેશી સપ્લાયરો પાસેથી મળેલી માહિતી મુજબ સપ્લાય ચેઇન ફરી સામાન્ય થવામાં ઓછામાં ઓછાં ત્રણ વર્ષ કે તેથી વધુ સમય લાગી શકે છે. ઈરાન દ્વારા સાઉદી અરેબિયા અને UAEના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કરાયેલા હુમલાઓને કારણે ગેસ ઉત્પાદન અને લોડિંગ ક્ષમતા ગંભીર રીતે પ્રભાવિત થઈ છે.
આયાત પર નિર્ભરતા ભારત માટે મોટી નબળાઈ
ભારત તેની LPG જરૂરિયાત લગભગ 60 ટકા ભાગ આયાત દ્વારા પૂરી કરે છે, જેને કારણે તે વૈશ્વિક પરિસ્થિતિઓ સામે વધુ સંવેદનશીલ બને છે. યુદ્ધ પહેલાં ભારતની લગભગ 90 ટકા LPG સપ્લાય હોર્મુઝ જળસંધિ મારફતે આવતી હતી. 24 માર્ચ સુધી ખાડી દેશોમાંથી આયાતનો હિસ્સો ઘટીને 55 ટકા રહ્યો છે, જે મોટી સપ્લાય ખલેલનો સંકેત આપે છે. રિપોર્ટ મુજબ નવા રસ્તાઓ શોધવા છતાં સપ્લાયમાં 40-50 ટકા સુધીની ઘટ રહેવાની શક્યતા છે.
ઓછા સ્ટોકને કારણે વધી રહી છે કિંમતોભારતમાં દર વર્ષની LPGની માગ લગભગ 3.3 કરોડ ટન છે, પરંતુ સ્ટોરેજ ક્ષમતા ચિંતાજનક છે. માર્ચના મધ્ય સુધી દેશમાં માત્ર 15 દિવસની માગ જેટલો જ સ્ટોક ઉપલબ્ધ હતો. ત્યારથી ઘરેલુ 14.2 કિલો સિલિન્ડરની કિંમત રૂ. 60 અને કોમર્શિયલ સિલિન્ડરની કિંમત રૂ. 115 સુધી વધી ગઈ છે. વધતી કિંમતોને કારણે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પર સબસિડીનો ભાર પણ વધી રહ્યો છે.
SHOને ત્યાં દરોડાઃ રૂ. 20 કરોડની ગેરકાયદે સંપત્તિ મળી
પટનાઃ બિહાર પોલીસના એક વધુ અધિકારી પર ભ્રષ્ટાચારની કાર્યવાહી થઈ છે. કિશનગંજ સદર પોલીસ સ્ટેશનના SHO અભિષેકકુમાર રંજન સામે આર્થિક અપરાધ એકમ (EOU) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. EOUની ટીમોએ પટના, છપરા અને કિશનગંજ સહિત તેમનાં પાંચ અલગ-અલગ સ્થળોએ એકસાથે દરોડા પાડ્યા હતા. EOUના જણાવ્યાનુસાર અભિષેક રંજન પાસે તેમની કાયદેસર આવક કરતાં અંદાજે 118.66 ટકા વધુ ગેરકાયદે સંપત્તિ હોવાના મજબૂત પુરાવા મળ્યા છે.
2009થી અત્યાર સુધીની આવકનો હિસાબ
સારણ (છપરા)ના રહેવાસી અભિષેકકુમાર રંજન 2009માં બિહાર પોલીસમાં સબ-ઇન્સ્પેક્ટર તરીકે ભરતી થયો હતો. 2023માં તેનું પ્રમોશન થઈ ઇન્સ્પેક્ટર બન્યો. તે સેવા દરમિયાન મુઝફ્ફરપુર, મોતીહારી અને પટના જેવા મહત્વના જિલ્લાઓમાં ફરજ બજાવી ચૂક્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ સમયગાળા દરમિયાન તેમની કુલ કાયદેસર આવક રૂ. 1.47 કરોડ રહી હતી, જ્યારે તેણે રૂ. 2.09 કરોડથી વધુની સંપત્તિ એકત્ર કરી. તમામ ખર્ચ બાદ તેમની પાસે રૂ. 1.70 કરોડથી વધુની સંપત્તિ ગેરકાયદે હોવાનું જણાયું છે.
પટનામાં ચાર માળનો મહેલ અને સિલિગુડીમાં કીમતી પ્લોટ
આ દરોડા દરમિયાન પટનાના રામકૃષ્ણ નગર વિસ્તારમાં 2200 ચોરસ ફૂટમાં ફેલાયેલું ચાર માળનું (G+3) ભવ્ય મકાન મળ્યું, જેની કિંમત રૂ. બે કરોડથી વધુ છે. એ ઉપરાંત છપરાના પ્રભુનાથ નગરમાં રૂ. 30 લાખનું મકાન અને પૈત્રિક ગામ પૈગામાં રૂ. 50 લાખના ખર્ચે બનતું બે માળનું મકાન પણ સામે આવ્યું છે.

સિન્ડિકેટ સાથે સેટિંગ અને બેનામી સંપત્તિ
EOUને માહિતી મળી છે કે અભિષેક રંજનનો જમીન સિન્ડિકેટ સાથે ગાઢ સંબંધ હતો. સિલિગુડીના સેવક રોડ પર એક ફ્લેટ અને લગભગ 6-7 ટ્રકો ખરીદ્યા હોવાની માહિતી મળી છે. મુઝફ્ફરપુરના ફતેહપુર કાંટી વિસ્તારમાં પણ કરોડોનું રોકાણ હોવાની ચર્ચા છે. કહેવામાં આવે છે કે તેની બેનામી સંપત્તિની કુલ કિંમત રૂ. 20 કરોડથી વધુ હોઈ શકે છે. કિશનગંજમાં તહેનાતી દરમિયાન તેના પર રેતી, દારૂ અને તસ્કરી સાથે જોડાયેલા માફિયાઓને રક્ષણ આપી ગેરકાયદે વસૂલાત કરવાનો ગંભીર આરોપ છે.
હાલમાં આર્થિક અપરાધ એકમના DSP સુનીલ કુમારના નેતૃત્વમાં દરોડાની કાર્યવાહી ચાલુ છે અને જપ્ત દસ્તાવેજોની વિગતવાર તપાસ થઈ રહી છે. EOU આ કેસમાં આગળ વધુ મોટા ખુલાસા કરવાની સંભાવના વ્યક્ત કરી રહી છે.
પવન ખેડાને હાઇકોર્ટના ચુકાદા સામે કોર્ટનો ‘સુપ્રીમ’ આંચકો
નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા પવન ખેડા ને સુપ્રીમ કોર્ટથી મોટો આંચકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે તેલંગાણા હાઇકોર્ટ ના ટ્રાન્ઝિટ બેલના નિર્ણય પર રોક લગાવી છે. આસામ સરકારની અરજી પર સુપ્રીમ કોર્ટે પવન ખેડાને નોટિસ જારી કરી છે અને તેમને ત્રણ સપ્તાહમાં જવાબ આપવા કહ્યું છે. એ સાથે જ કોર્ટે કહ્યું કે જો પવન ખેડા આગોતરા બેલ માગે છે, તો તેઓ ગૌહાટી હાઈકોર્ટ જઈ શકે છે.
તેલંગાણા હાઈકોર્ટએ કેવી રીતે જામીન આપ્યા?
આસામ સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે FIR આસામમાં નોંધવામાં આવી છે, તો તેલંગાણા હાઈકોર્ટે કેવી રીતે જામીન આપ્યા? તેમણે સવાલ કર્યો હતો કે આસામ હાઈકોર્ટમાં કેમ અરજી ન કરી? માત્ર કોઈ પ્રોપર્ટી હોવાને આધારે ક્ષેત્રાધિકાર કેવી રીતે મળે? આ કેસની સુનાવણી જસ્ટિસ જે.કે. મહેશ્વરી અને જસ્ટિસ અટુલ એસ. ચંદુરકરની બેન્ચે કરી.
આસામ સરકારે તેલંગાણા હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ માં પડકાર્યો હતો. હાઈકોર્ટે પવન ખેડાને એક સપ્તાહ માટે ટ્રાન્ઝિટ એડવાન્સ જામીન આપ્યા હતા.
મુશ્કેલીઓમાં ઘેરાયા પવન ખેડા
પવન ખેડાએ આસામના મુખ્ય મંત્રી હિમંતા બિશ્વ સરમા અને તેમનાં પત્ની રિન્કી સરમા પર ગંભીર આરોપ લગાવ્યા બાદ મુશ્કેલીઓમાં ઘેરાયા છે. સાત એપ્રિલે આસામ પોલીસ તેમના ઘરે પહોંચી હતી, પરંતુ તેઓ ત્યાં મળ્યા નહોતા. ત્યાર બાદ ખેડાએ તેલંગાણા હાઈકોર્ટમાં અરજી કરી હતી અને 10 એપ્રિલે તેમને તાત્કાલિક રાહત મળી હતી.
સીએમ હિમંતાનો જવાબહિમંત બિસ્વા સરમાએ પવન ખેડા પર તીવ્ર પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે તેઓ જલદી જ કાયદેસર પગલાં લેશે. આ આરોપોને લઈને રિંકી સરમાએ પવન ખેડા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
નિર્ણયથી વિવાદઃ મહારાષ્ટ્રમાં ઓટો-ટેક્સી ડ્રાઈવરો માટે મરાઠી ફરજિયાત
મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે એક મહત્વપૂર્ણ અને આકરો નિયમ લાગુ કર્યો છે, જેમાં તમામ લાઇસન્સ ધરાવતા ઓટો અને ટેક્સી ડ્રાઈવરોને મરાઠી ભાષાનું જ્ઞાન હોવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ નિયમ પહેલી મે એટલે કે મહારાષ્ટ્ર દિવસથી અમલમાં આવશે. આ નિર્ણયને લઈને રાજ્યમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યા છે — કેટલાક લોકો તેનો સમર્થન કરે છે, જ્યારે કેટલાક લોકોને રોજગાર અને ભ્રષ્ટાચાર અંગે ચિંતા છે.
‘મરાઠી’નું જ્ઞાન ફરજિયાત બનાવાયું
પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકએ જણાવ્યું હતું કે મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ રાજ્યભરમાં તપાસ અભિયાન શરૂ કરશે. રાજ્યના 59 પ્રાદેશિક અને ઉપ-પ્રાદેશિક કચેરીઓમાં ડ્રાઈવરોની તપાસ કરવામાં આવશે અને તેમને મરાઠી વાંચતા-લખતા આવે છે કે નહીં તે ચકાસવામાં આવશે.
તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ નિયમ પહેલેથી જ લાઇસન્સ માટેના નિયમોમાં હતો, પરંતુ ફરિયાદો મળ્યા બાદ હવે તેને કડક રીતે અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે મુંબઈ મેટ્રોપોલિટન વિસ્તાર, છત્રપતિ સંભાજીનગર અને નાગપુરમાંથી એવી ફરિયાદો મળી છે કે ઘણા ડ્રાઈવરો મરાઠીમાં વાતચીત કરતા નથી અથવા ટાળે છે. તેમણે કહ્યું કે રાજ્યની સત્તાવાર ભાષાનું માન રાખવું “વ્યાવસાયિક જવાબદારી” છે. નિયમનો ભંગ કરનાર અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.
ઘણા લોકોએ નિર્ણયનું સમર્થન કર્યું
કેટલાક ડ્રાઈવરોનું માનવું છે કે મરાઠી શીખવાથી મુસાફરો સાથે વધુ સારી રીતે જોડાઈ શકાય છે. મુંબઈ સેન્ટ્રલમાં 1990થી ટેક્સી ચલાવતા અશોક દુબેએ કહ્યું હતું કે તેમને લગભગ 50 ટકા મરાઠી સમજાય છે અને કોઈ પણ રાજ્યમાં કામ કરવા માટે ત્યાંની ભાષા આવડવી જોઈએ. ઝારખંડના રહેવાસી અને છેલ્લા 27 વર્ષથી ભીંડી બજારમાં રહેતા બસંત યાદવે જણાવ્યું હતું કે તેમણે ધીમે-ધીમે મરાઠી શીખી અને હવે સરળતાથી બોલી શકે છે.
કેટલાક ડ્રાઈવરોના પ્રશ્નો
મુલુંડના ઓટો ડ્રાઈવર રૂપેશ ચૌધરીએ આ નિર્ણય પર સવાલ ઉઠાવ્યો હતો તેમણે પૂછ્યું હતું કે ડ્રાઈવરો પહેલેથી જ હિન્દી, મરાઠી અથવા અન્ય ભાષામાં વાત કરે છે — તો મરાઠી ફરજિયાત બનાવવામાં આવે તો શું સરકાર તેમને શીખવા માટે મદદ કરશે? તેમણે દંડને બદલે તાલીમ અને સહાયની વ્યવસ્થા કરવાની માગ કરી
મુલુંડના જ બીજા ડ્રાઈવર સુભાષ પાળે જણાવ્યું હતું કે નિયમ સમજણમાં આવે છે, પરંતુ તરત જ લાયસન્સ રદ કરવું યોગ્ય નથી. તેમણે કહ્યું કે ડ્રાઈવરોને શીખવા માટે સમય અને પ્રોત્સાહન આપવું જોઈએ, જેથી તેમની આજીવિકામાં અચાનક અસર ન પડે.
બિહારમાં સૌપ્રથમ વાર ભાજપના CM સમ્રાટ ચૌધરી લેશે શપથ
પટનાઃ બિહારના નવા મુખ્ય મંત્રી તરીકે સમ્રાટ ચૌધરી આજે શપથ લેશે. રાજ્યના રાજકારણમાં લાંબા સમય સુધી નેતૃત્વ કરનાર નીતીશકુમારે રાજ્યસભાની ચૂંટણી જીત્યા બાદ મુખ્ય મંત્રીપદેથી રાજીનામું આપ્યું છે. મંગળવારે ભાજપ વિધાનમંડળ દળની બેઠકમાં નવા નેતાની પસંદગી બાદ એનડીએ વિધાનમંડળ દળની બેઠક યોજવામાં આવી હતી, જેમાં સમ્રાટ ચૌધરીને સર્વસંમતિથી ગઠબંધનનો નેતા પસંદ કરવામાં આવ્યા હતા.
બિહારના નવા મુખ્યમંત્રીની પસંદગીમાં જાતીય સમીકરણ સહિત અનેક મહત્વપૂર્ણ પરિબળોએ ભૂમિકા ભજવી હતી. ભાજપ તરફથી સમ્રાટ ચૌધરી, નિત્યાનંદ રાય અને સંજય ટાઈગર જેવાં ઘણાં નામો આ પદની દોડમાં હતાં. બીજી તરફ જેડીયુ કાર્યકર્તાઓ તરફથી નિશાંત કુમારને નેતૃત્વ સોંપવાની માગ ઊઠી હતી. જોકે અંતે સમ્રાટ ચૌધરીને રાજ્યની કમાન સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો. અત્યાર સુધી બિહારમાં 23 મુખ્ય મંત્રીઓએ શાસન કર્યું છે.
વિજય ચૌધરી અને બિજેન્દ્ર યાદવ બનશે ડેપ્યુટી સીએમ
બિહારમાં ડેપ્યુટી સીએમ માટે નામો નક્કી થઈ ગયાં છે. વિજય ચૌધરી અને બિજેન્દ્ર યાદવને ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેવડાવવામાં આવે એવી શક્યતા છે. આ શપથવિધિ પટનામાં સવારે 11 વાગ્યે યોજાશે.
નીતીશ કુમારે સૌથી લાંબા સમય સુધી કર્યું શાસન
બિહારમાં સૌથી લાંબા સમય સુધી મુખ્ય મંત્રી તરીકે નીતીશકુમારે શાસન કર્યું છે. મુખ્ય મંત્રી તરીકે તેમનો કાર્યકાળ 19 વર્ષથી વધુ રહ્યો છે. બીજા ક્રમે શ્રીકૃષ્ણ સિંહનું નામ આવે છે, જે બિહાર રાજ્યના પ્રથમ મુખ્ય મંત્રી હતા. તેમણે ત્રણ વખત મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા હતા અને તેમનો કાર્યકાળ 17 વર્ષ 52 દિવસનો હતો.

મુખ્ય મંત્રીના કાર્યકાળ સિવાય તેમની જાતિ પણ ખૂબ મહત્વપૂર્ણ રહી છે. આજના સમયમાં કોઈ પણ રાજ્યમાં મુખ્ય મંત્રીની પસંદગી કરતી વખતે જાતિ પરિબળને અવગણવું મુશ્કેલ છે. દેશના લગભગ દરેક રાજ્યમાં રાજકીય પક્ષો આ પરિબળને ધ્યાનમાં લે છે.







