Home Blog Page 1329

ઘઈની ફિલ્મ ‘કર્જ’ માં સંગીત જમા પાસું બન્યું    

નિર્દેશક સુભાષ ઘઈની ફિલ્મોમાં બે વિશેષતા અવશ્ય જોવા મળે છે. એક એ ફિલ્મમાં પોતે ચહેરો બતાવે છે અને બીજું કોઈ એક ગીતની ધૂન સિગ્નેચર ટ્યુન તરીકે આખી ફિલ્મમાં વાગ્યા કરે છે. જે દર્શકને વાર્તા સાથે જોડ્યા કરે છે. સુભાષ ઘઈ કોલેજમાં ભણતા હતા ત્યારે ફિલ્મ ‘ડૉક્ટર ઝીવાગો’ જોઈ હતી એમાં એક થીમ સંગીત આખી ફિલ્મને જોડતું હતું. હીરો ખુશીમાં હોય કે દુ:ખમાં પણ એ ધૂન વાગતી રહેતી હતી. એના પરથી પોતાના નિર્દેશનવાળી ફિલ્મોમાં સિગ્નેચર ટ્યુન મૂકવાની પ્રેરણા મળી હતી.

‘હીરો’ (1983) માં વાંસળીની ધૂન, ‘રામ લખન’ (1989) માં ‘ધીના ધીન ધા’ અને ‘ખલનાયક’ (1993) માં ‘નાયક નહીં ખલનાયક હૂં મેં’ ની ધૂન સતત સંભળાતી રહી છે. એની શરૂઆત ફિલ્મ ‘કર્જ’ (1980) થી થઈ હતી. ‘કર્જ’ માં એમણે ‘ડૉક્ટર ઝીવાગો’ ની સંગીતની થીમનો વિચાર ઉધાર લીધો હતો અને ઓમ શાંતિ ઓમ, તુ કિતને બરસ કી ગીતો સહિત સંગીત ફિલ્મનું જમા પાસું બની ગયું હતું. ‘કાલીચરણ’ (1976) જેવી ક્રાઇમ થ્રીલર બનાવ્યા પછી ઘઈએ એક સંગીતમય ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું હતું અને સંગીતકાર લક્ષ્મીકાન્ત – પ્યારેલાલ પાસે જઈને કહ્યું હતું કે એક મર્ડર મિસ્ટ્રી ફિલ્મ ‘કર્જ’ બનાવવા માંગુ છું પણ એ સંગીતમય હોવી જોઈએ. સંગીતકારનું કહેવું હતું કે લવસ્ટોરીને કે સામાજિક ફિલ્મને સંગીતમય બનાવવાનું સરળ હોય છે.

મર્ડર મિસ્ટ્રીને સંગીતમય બનાવવાનું મુશ્કેલ હોય છે. એકાદ ગીત મૂકી શકાય પણ આખી ફિલ્મ સંગીતમય બનાવવી મુશ્કેલ છે. ઘઇએ સૂચન કર્યું કે જો આવી સમસ્યા હોય તો પહેલાં આપણે ફિલ્મનું થીમ સંગીત તૈયાર કરીશું. અને ગીતો પહેલાં ફિલ્મની સિગ્નેચર ટ્યુન બનાવવાનું શરૂ કર્યું. સંગીતકાર પ્યારેલાલે એમના સ્ટુડિયો પર બોલાવ્યા અને કહ્યું કે છ સિગ્નેચર ટ્યુન તૈયાર કરી છે. એમાં ત્રીજા નંબરની ‘ટન ટીડાંગ ટીન ટીન’ ધૂન ઘઈને પસંદ આવી. પણ પ્યારેલાલે કહ્યું કે પાંચ નંબરની વધુ સારી છે અને એ ચાલશે. ઘઈને પહેલાં તો લાગ્યું કે એ ખરેખર વધુ સારી છે. પણ થોડો સમય એ સાંભળ્યા પછી થયું કે ત્રણ નંબરની ધૂન જ વધુ યોગ્ય રહેશે. પ્યારેલાલ પાંચ નંબર પર વધુ ભાર મૂકવા લાગ્યા. બંને વચ્ચે ધૂન બાબતે બહુ રકઝક ચાલી.

બીજા દિવસે ઘઇએ કહ્યું કે ત્રીજા નંબરની ધૂન ભૂતિયા જેવી હોવાથી ફિલ્મની વાર્તા પર વધુ બંધ બેસે એવી છે. અને એમણે જીદ કરીને એ જ ધૂન રાખી હતી. જે બહુ લોકપ્રિય રહી છે. ફિલ્મ પૂરી થઈ ગઈ ત્યારે ઘઈને અંતમાં એક ગીત જોઈતું હતું. એટલે એવો વિચાર કર્યો કે આ થીમ સંગીત પર જ એક ગીત બનાવવું જોઈએ. સંગીતકારે કહ્યું કે કેટલીક સંગીતમય ધૂન એવી હોય છે જેના પર શબ્દો આવતા નથી. ઘઇએ આનંદ બક્ષીને વાત કરી અને એમણે કહ્યું કે તે ગીત લખી શકે છે. આમ એ જ ધૂન પર ‘એક હસીના થી’ ગીત આવ્યું. ફિલ્મને સેન્સરમાં પાસ કરવા મોકલવાની હતી અને એના ટાઈટલ્સ તૈયાર થયા ન હતા.

એ સમય પર તકનીક એટલી વિકાસ પામી ન હતી કે તાત્કાલિક તૈયાર થઈ જાય. એટલે એવું નક્કી કર્યું કે શરૂઆતની બે મિનિટ પછી જે ગીત ફિલ્મમાં ન હતું એ ‘પૈસા યે પૈસા’ સ્ટેજ ગીત તરીકે તૈયાર કરી એના પર ટાઈટલ્સ મૂકવાનું નક્કી કર્યું. માત્ર દોઢ દિવસમાં ભાઈદાસ કોલેજના હોલમાં રિશી કપૂર પર ગીતનું ફિલ્માંકન કરવામાં આવ્યું. એ ગીતમાં ભારે અવાજમાં વચ્ચે ‘પૈસા’ શબ્દ બોલાતો હતો. ઘઇએ વિચાર્યું કે સ્ટેજ કાર્યક્રમમાં કોઈ જાડી વ્યક્તિ ઊંઘતી હોય અને એને અચાનક જાગીને બોલતો બતાવવામાં આવે તો મજા આવશે. એની સૂચના સહાયક નિર્દેશકને આપી હતી. પણ એને કોઈ જાડી વ્યક્તિ મળી ન હતી. એણે કહ્યું કે હવે તમે જ બેસી જાવ!

કોઈ વિકલ્પ ન હોવાથી સુભાષ ઘઈ એક દર્શક તરીકે ઓડિયન્સમાં બેસી ગયા અને એમના પર ‘પૈસા’ શબ્દ વખતે કેમેરો ફેરવવામાં આવ્યો. ત્યાર પછી એ પરંપરા શરૂ થઈ ગઈ હતી. દર્શકો પણ એ વાતની રાહ જોતા થઈ ગયા હતા કે ઘઈ કયા ગીતમાં દર્શન આપશે. સુભાષ ઘઇએ આ બાબતે એવું ધ્યાન રાખવાનું નક્કી કર્યું હતું કે પોતાનો ચહેરો ઇન્ટરવલ પહેલાં આવી જાય. જેથી દર્શકને વધારે રાહ જોવી ના પડે અને એનું ધ્યાન ફિલ્મની વાર્તામાં રહે.

 

ગુલકંદ – ૧૬ નવેમ્બર ૨૦૨૪

ક્રિસ્પી ચિલી પોટેટો

ઈન્ડો ચાઈનિઝ સ્વાદ ધરાવતા ક્રિસ્પી ચિલી પોટેટો બનાવવા સહેલા રહેશે. જે સહેલાઈથી ઉપલબ્ધ સામગ્રી વડે બની જશે!

સામગ્રીઃ

  • બટેટા 4-5
  • આદુ-લસણ પેસ્ટ 1 ટી.સ્પૂન
  • કાશ્મીરી લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • કોર્નફ્લોર ½ કપ
  • મેંદો ½ કપ
  • કાળા મરી પાઉડર ½ ટી.સ્પૂન
  • તેલ તળવા માટે
  • શેઝવાન ચટણી ½ ટી.સ્પૂન

વઘાર માટેઃ

  • કાંદો ઝીણો સમારેલો 1 કપ
  • લસણ ઝીણું સમારેલું ¼ કપ
  • આદુ ઝીણું સમારેલું 1 ટે.સ્પૂન
  • લીલા મરચાં ઝીણાં સમારેલા 1 ટે.સ્પૂન
  • કાળા મરી પાઉડર ½ ટી.સ્પૂન
  • સોયા સોસ 1 ટી.સ્પૂન
  • રેડ ચીલી સોસ 1 ટી.સ્પૂન
  • શેઝવાન ચટણી 1 ટી.સ્પૂન
  • ટોમેટો કેચ-અપ 2 ટે.સ્પૂન
  • કોથમીરની દાંડી (ઝીણી સમારેલી) 2 ટે.સ્પૂન
  • લીલા કાંદાના પાન સમારેલાં 2 ટે.સ્પૂન
  • કોથમીર ઝીણી સમારેલી 2 ટે.સ્પૂન
  • તેલ વઘાર માટે 2 ટે.સ્પૂન
  • કાંદા ચોરસ ટુકડામાં સમારેલા 2 ટે.સ્પૂન
  • સિમલા મરચાં ચોરસ ટુકડામાં સમારેલા 1 કપ
  • ½ ટી.સ્પૂન કોર્નફ્લોર
  • સફેદ તલ 2 ટે.સ્પૂન

રીતઃ બટેટાને છોલી લો. દરેક બટેટાની ચારેકોર કટ કરીને ચોરસ આકાર આવે એટલે તેમાંથી 1 સેં.મી. જાડાઈ અને 2-3 ઈંચ લંબાઈની ચિપ્સ કટ કરી લો. આ ચિપ્સ કટ કરીને પાણીવાળા બાઉલમાં નાખતા જાઓ. ચિપ્સ કટ થઈ જાય એટલે તેમાંનું પાણી નિતારી લો. એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો. તેમાં થોડું મીઠું ઉમેરી દો. પાણી ઉકળે  એટલે બટેટાની ચિપ્સ તેમાં નાખીને 5-7 મિનિટ માટે ઉકાળી લો ત્યારબાદ તેને એક સ્ટીલની ચાળણીમાં નિતારી લો. પાંચેક મિનિટ બાદ તેમાં થોડું મીઠું, આદુ-લસણની પેસ્ટ, કાશ્મીરી લાલ મરચાં પાઉડર, શેઝવાન ચટણી, કાળા મરી પાઉડર મેળવી લીધા બાદ કોર્નફ્લોર તેમજ મેંદો તેની ઉપર ભભરાવીને ચમચી વડે હળવે હળવે મિક્સ કરી લો.

એક કઢાઈમાં તેલ ગરમ કરીને ગેસની મિડિયમ-તેજ આંચે આ ચિપ્સ 90% જેટલી તળીને કાઢી લો.

એક પેનમાં 2 ટે.સ્પૂન તેલ ગરમ કરી તેમાં ઝીણો સમારેલો કાંદો તેમજ ઝીણાં સમારેલાં આદુ-લસણ ઉમેરીને 2 મિનિટ તેજ આંચે સાંતળીને ઝીણી સમારેલી કોથમીરની દાંડી તેમજ સુધારેલા લીલા મરચાં ઉમેરીને ચોરસ સમારેલા કાંદા તેમજ સિમલા મરચાં પણ ઉમેરી દો. 2 મિનિટ બાદ તેમાં બધા સોસ, મસાલા, સફેદ તલ તેમજ સ્વાદ મુજબ મીઠું ઉમેરીને 2-3 મિનિટ સાંતળી લીધા બાદ ½ ટી.સ્પૂન કોર્નફ્લોરને થોડું પાણી મેળવીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટ થોડી થોડી ઉમેરીને મિક્સ કરી લો. 1 મિનિટ બાદ તેમાં 1 કપ પાણી ઉમેરીને આ પેસ્ટને 2-3 મિનિટ ધીમે તાપે થવા દો.

ત્યાં સુધીમાં કઢાઈમાં તેલ ગરમ કરીને બટેટાની ચિપ્સ ફરીથી તેજ આંચે 1-2 મિનિટ માટે તળીને બહાર કાઢી લો. અને સોસ બનાવેલા પેનમાં ઉમેરીને હળવેથી ઉછાળો. ત્યારબાદ કાંદાના સમારેલાં લીલાં પાન તેમજ સમારેલી કોથમીર વડે સજાવીને 2 મિનિટ બાદ ગેસ બંધ કરીને આ ગરમાગરમ ચિલી પોટેટો પીરસો.

૧૬ નવેમ્બર ૨૦૨૪

પંચાંગ 16/11/2024

ચિલ્ડ્રન્સ ડે: રિલાયન્સ ફાઉન્ડેશનની ‘કહાની કલા ખુશી’પહેલ બાળકોને આપશે પ્રેરણા

મુંબઈ: સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન ખાતે બાળ દિન (Childrens Day)ની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. આ તકે ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા એમ અંબાણીએ બાળકો માટે શરૂ કરાયેલી નવી પહેલ વિશે માહિતી આપી હતી.રિલાયન્સ ફાઉન્ડેશનની ‘કહાની કલા ખુશી’ ફરી આવી છે! આ વર્ષની પહેલ બાળ દિવસ પર શરૂ કરવામાં આવી છે જેથી આગામી થોડા અઠવાડિયામાં સમગ્ર ભારતમાં વાર્તા કહેવા અને અન્ય પ્રવૃત્તિઓ દ્વારા શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને પ્રેરણા મળે.

આ પહેલના ભાગરૂપે સમગ્ર રિલાયન્સ વ્યવસાયોના કર્મચારી સ્વયંસેવકો, આ પહેલમાં રિલાયન્સ ફાઉન્ડેશન સાથે ભાગીદારી કરતી સંસ્થાઓના પ્રતિનિધિઓ અને સમુદાયો વંચિત પૃષ્ઠભૂમિના બાળકો સાથે જોડાશે. અઠવાડિયા દરમિયાન પહેલ લગભગ 22,000 બાળકો સુધી પહોંચશે.

ચિલ્ડ્રન્સ ડે પર આ પહેલ મુંબઈની એક સરકારી શાળામાં શરૂ કરવામાં આવી. જ્યાં રિલાયન્સના 400 થી વધુ કર્મચારીઓએ સ્વૈચ્છિક રીતે વાર્તા કહેવા, કલા, આઉટડોર અને ઇન્ડોર ગેમ્સ દ્વારા 3,800 બાળકોને જોડ્યા. આગામી થોડા દિવસોમાં આવા સેંકડો સ્વયંસેવકો દેશભરના બાળકો સાથે જોડાશે. મહારાષ્ટ્ર અને તેલંગાણામાં આ પહેલ ગુરુવારે પૂર્વ-શાળા વયના બાળકો માટે 63 આંગણવાડીઓમાં શરૂ થઈ હતી અને 14-16 નવેમ્બર દરમિયાન 1,100 થી વધુ આંગણવાડીઓમાં 18,000 બાળકો સુધી પહોંચવાની તૈયારી છે. કહાની કલા ખુશી પહેલનો હેતુ બાળકોમાં સંચાર કૌશલ્ય અને આત્મવિશ્વાસ વધારવાનો છે. રિલાયન્સ ફાઉન્ડેશનની બાળકો અને યુવાનો પ્રત્યેની પ્રતિબદ્ધતા દ્વારા પ્રેરિત તેમની જ્ઞાનાત્મક કામગીરી સાથે કાર્યના મુખ્ય ક્ષેત્ર તરીકેનો ઉદ્દેશ્ય એક મજબૂત અને સમૃદ્ધ રાષ્ટ્રને આકાર આપવા માટે યુવાનોની આકાંક્ષાઓનું નિર્માણ કરવાનો છે.

રિલાયન્સ ફાઉન્ડેશન એક દાયકાથી પણ વધુ સમયથી વર્ષના આ સમયે વંચિત સમુદાયોના બાળકોમાં આનંદ ફેલાવવા માટે પ્રતિબદ્ધ છે. આ વર્ષની કહાની કલા ખુશી પહેલ એ વાર્તા કહેવાની અને કળાને જોડવાનો એક સઘન પ્રયાસ છે જે બાળકોને જોડવા માટે પ્રેરણા આપે છે. ગયા વર્ષની પહેલ 25 શહેરોમાં 17,000 થી વધુ બાળકો સુધી પહોંચી હતી.

ન્યૂઝીલેન્ડના મહિલા સાંસદે સંસદમાં કરેલું માઓરી હાકા નૃત્ય વાઈરલ

ન્યૂઝીલેન્ડ: દેશના સૌથી યુવા સાંસદ હના-રાવિતી મૈપી-ક્લાર્ક અને તેમના પક્ષના નેતાઓએ સદનમાં ગુરૂવારે ભારે વિરોધ સાથે હોબાળો કર્યો હતો. જેના પગલે સદનની કાર્યવાહી ખોરવાઈ હતી અને બે ધારાસભ્યોને સદનમાંથી બહાર કરવામાં આવ્યા હતા. આ વિરોધનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

હના રાવિતી મૈપી ક્લાર્કે  1840 વૈતાન્ગી સંધિ સંબંધિત એક બિલનો વિરોધ કરતાં સદનમાં બિલ ફાડી માઓરી હાકા નૃત્યુ રજૂ કર્યુ હતું. જેમાં તેમના સાથી ધારાસભ્યો પણ જોડાયા હતા. હાના અને તેમના પક્ષનો આ હાકા નૃત્ય કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. બ્રિટિશ ક્રાઉન અને માઓરી લોકો વચ્ચે 184 વર્ષ જૂની સંધિની વ્યાખ્યામાં ફેરફાર કરવાની માગ કરતા બિલનો વિરોધ કર્યો હતો.

ઈ.સ. 1840માં બ્રિટિશ સરકાર અને ન્યૂઝીલેન્ડના માઓરી આદિવાસીઓ વચ્ચે વૈતાન્ગી સંધી થઈ હતી. તેમાં જણાવાયું છે કે, આદિવાસીઓ અંગ્રેજોને શાસન સોંપે તેના બદલામાં તેમને જમીનોનો હક મળશે અને તેમના હિતોનું વ્યાપક ધોરણે રક્ષણ પણ થશે. જો કે, આ બિલમાં ઘણી જોગવાઈઓથી ન્યૂઝીલેન્ડના મૂળ માઓરી આદિવાસીઓને અન્યાય થયો હતો, જે આજે પણ ચાલુ છે. હવે નવા બિલમાં તેમાં કેટલાક ફેરફારો કરાયા છે. પરંતુ તેમાં ન્યૂઝીલેન્ડના તમામ લોકોને અધિકાર આપવાની જોગવાઈ છે. જો કે, માઓરીઓ ફક્ત તેમને જ ન્યૂઝીલેન્ડના મૂળ રહેવાસીઓ માને છે, જેથી આ બિલનો વિરોધ કરી રહ્યા છે.હાના માઓરીનો ન્યૂઝીલેન્ડનું પ્રચલિત પરંપરાગત નૃત્ય છે. હાનાના પક્ષના સભ્યોની સાથે ગેલેરીમાં ઊભેલા લોકોએ પણ સદનમાં હાના નૃત્ય કરી વિરોધ કર્યો હતો. ત્યાર પછી સદનની કાર્યવાહી સ્થગિત કરાઈ હતી અને બે ધારાસભ્યોને બહાર કરવામાં આવ્યા હતા.

હાના બ્રોડકાસ્ટર પોટાકા મૈપીના પુત્રી છે. તેમના દાદા તૈતિમુ મૈપી છે, જેમના કારણે 2020માં ન્યૂઝીલેન્ડમાંથી કેપ્ટન હેમિલ્ટનનું સ્ટેચ્યુ દૂર થયું હતું. અગાઉ 2023માં પણ પ્રથમ વખત અને ન્યૂઝીલેન્ડની 1853 બાદની પ્રથમ યુવા સાંસદ મૈપી કલાર્કે શપથ લેતી વખતે સદનમાં માઓરી સંસ્કૃતિની ઝલક પ્રસ્તૃત કરી હતી. એ વખતે તેમની વય 22 વર્ષની હતી.

ICCનો પાકિસ્તાનને આંચકોઃ ચેમ્પિયન્સ ટ્રોફી નહીં જાય PoK

નવી દિલ્હીઃ ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને માહોલ ગરમ થયો છે. ભારતે આ ટુર્નામેન્ટ માટે પાકિસ્તાનનો પ્રવાસ કરવાની સ્પષ્ટ ના પાડી છે. BCCIએ ICCને આ વાતની માહિતી આપી છે. ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી માટે કોઈ પણ કિંમતે પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે. પાકિસ્તાન આ માટેનું કારણ માગી રહી છે. BCCIએ એ માટે સુરક્ષા કારણોનો હવાલો આપ્યો છે.

એ દરમ્યાન પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફીની ટુરનું આયોજન કર્યું હતું અને PoKના ત્રણ શહેરોમાં લઈ જવાની વાત હતી, પરંતુ હવે ICCએ એ માટે સ્પષ્ટ ના પાડી દીધી છે, કે ચેમ્પિયન્સ ટ્રોફી કોઈ પણ વિવાદિત સ્થળે નહીં જાય. વાસ્તવમાં, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે ICC ચેમ્પિયન્સ ટ્રોફી દુબઈથી ઈસ્લામાબાદ મોકલી છે. હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આ ટ્રોફી પ્રવાસ માટે તૈયાર છે. એટલે કે આ ટ્રોફીને પાકિસ્તાનમાં અલગ-અલગ જગ્યાએ ચાહકો વચ્ચે લઈ જવામાં આવશે. ચેમ્પિયન્સ ટ્રોફીના પ્રવાસની પણ જાહેરાત કરવામાં આવી છે. આ દરમિયાન ICCએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મોટો ઝટકો આપ્યો છે..

જોકે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે 14 નવેમ્બરે જ જાહેરાત કરી હતી કે પાકિસ્તાન તૈયાર થઈ જાઓ. ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ટ્રોફી ટૂર 16 નવેમ્બરે ઈસ્લામાબાદમાં શરૂ થશે, જે સ્કર્દુ, મુરી, હુંઝા અને મુઝફ્ફરાબાદ જેવાં પ્રવાસન સ્થળોની પણ મુલાકાત લેશે. તેમાંથી સ્કર્દુ, હુન્ઝા અને મુઝફ્ફરાબાદ PoK (પાકિસ્તાન અધિકૃત કાશ્મીર)માં આવે છે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની આ જાહેરાત બાદ ICCએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મોટો ઝટકો આપ્યો છે. વાસ્તવમાં, ICCએ PCBને ચેમ્પિયન્સ ટ્રોફીના પ્રવાસને કોઈ પણ વિવાદિત PoK (પાકિસ્તાન અધિકૃત કાશ્મીર)માં લઈ જવાની મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો છે.

શુકલતીર્થમાં નર્મદા નદીમાં ત્રણ ડૂબ્યા, એકનો આબાદ બચાવ, બે ગુમ

ભરૂચના શુકલતીર્થમાં નર્મદા નદીમાં ન્હાવા પડેલા ત્રણ લોકો ડૂબ્યાં હોવાની ઘટના સામે આવી છે. જ્યારે એક યુવાનનો આબાદ બચાવ થયો છે. સમગ્ર ઘટનાની જાણ તંત્રને થતાં પોલીસ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. જ્યારે અન્ય બે લાપતા લોકોની શોધખોળ ચાલી રહી છે. જ્યારે પોલીસ અને તરવૈયાની મદદથી લાપતા બે લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે.

સુરતના ગોડાદરા ગામનો સચિન નામનો યુવાન પણ ભરૂચ તાલુકાના શુક્લતીર્થ મેળામાં આવ્યો હતો. તે મેળામાં આવેલાં તંબુ, ચકડોળ સહિતના સ્થળે છુટક મજૂરી કરતો હતો. ગઇકાલે બપોરના સમયે તે તેના મિત્રો સાથે શુક્લતીર્થ ગામે નર્મદા કિનારે ન્હાવા માટે ગયો હતો. તેના મિત્રોએ સ્નાન કર્યાં બાદ જતા રહ્યાં હતાં. મોડે સુધી સચિન પરત આવ્યો ન હતો. જોકે, સવારે તેનો મૃતદેહ નદીમાં તરતો મળી આવ્યો હતો. ભરૂચથી 17 કિલોમીટર દુર આવેલાં પૌરાણિક યાત્રાધામ શુક્લતીર્થ ખાતે કારતક સુદ અગિયારસથી મેળો ભરાય છે. જેમાં સમગ્ર ગુજરાતમાંથી અંદાજીત 4 લાખ યાત્રીઓ મેળો મ્હાલવા ઉમટી પડતા હોય છે, જેને લઈને શુકલતીર્થ પંચાયત અને વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરાઈ છે. જ્યારે બહારથી આવતા યાત્રાળુઓ અને મુસાફરોનો ભારે ઘસારો રહેવાના પગલે ભરૂચ એસ.ટી.વિભાગ દ્વારા પાંચ દિવસ ચાલનાર જાત્રાને ધ્યાને લઇ યાત્રાળુઓ અને મુસાફરોની સુવિધા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

માઇકાના વિદ્યાર્થીની હત્યા, આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર

અમદાવાદ: શહેરના બોપલમાં 10મી નવેમ્બરના રોજ કાર ધીમે ચલાવવા અંગે ઠપકો આપવાની સામાન્ય બાબતમાં માઇકાના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા કરી દેવામાં આવી હતી. આ કેસની તપાસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચે 13મી નવેમ્બરના રોજ આરોપી વિરેન્દ્રસિંહ પઢેરિયાની પંજાબથી ધરપકડ કરી હતી. ત્યાર બાદ 14મી નવેમ્બરે પોલીસે આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આજે 15મી ઓક્ટોબરના રોજ આરોપી પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢેરિયાને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જોકે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આરોપીના 25 નવેમ્બર બપોરે 3 વાગ્યા સુધીના એટલે કે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સરકારી વકીલે કોર્ટમાં દલીલ રજૂ કરી હતી કે ગુનો આચર્યા બાદ આરોપી બે દિવસ સુધી નાસતો ભાગતો ફરતો હતો. પંજાબથી તેની ધરપકડ કરવામાં આવી છે. તેણે તપાસ દરમિયાન પુરતો સપોર્ટ આપ્યો નથી. હત્યામાં ઉપયોગ લેવામાં આવેલા હથિયારને ફેંકી દીધી હતી તે જગ્યા વિશે પણ જણાવ્યું નથી. આરોપી 15 વર્ષથી પોલીસ ખાતામાં ફરજ બજાવતો હોવાથી કાયદાનો જાણકાર છે.આ ઉપરાંત ગુનો આચર્યો તે સમયે તેણે પહરેલા કપડાં મેળવવાના બાકી છે. કારણ કે તેના પરથી બ્લડ સેમ્પલ મેળવી શકાય. તે પંજાબ ભાગી ગયો ત્યારે તે રસ્તામાં ક્યાં રોકાયો? કોણે તેની મદદ કરી. આરોપી સાથે અન્ય એક વ્યક્તિ હતો તે કોણ છે. તેને ભાગવામાં કોણે મદદ કરી વગેરે સવાલો જવાબ પરથી પડદો ઉંચકાયો નથી. આ બધા પ્રશ્નોના જવાબ મેળવવા માટે પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, જોકે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.આ હત્યાનું પ્લાનિંગ હતું કે પછી જૂની અદાવતમાં હત્યા કરવામાં આવી છે, તેની તપાસ હવે હાથ ધરવામાં આવી છે. હત્યામાં વપરાયેલી છરી તે હંમેશા સાથે રાખતો કે નહી તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. ગુનામાં વપરાયેલી હેરિયર કાર તેના સાળા વિશાલના નામે છે. હત્યા બાદ આરોપી વિરેન્દ્ર સિંહે પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો.