
શરીર સાચવવું છે ને? તો પ્રોટીન લો…
અત્યારના સમયમાં બાળકો હોય કે યુવાનો, એમનામાં એટલી જાગૃતિ આવી છે કે શરીર સારું બનાવવું હોય, મસલ્સ
સરખા વિકસિત કરવા હોય અને એકંદર સ્વસ્થ જીવન જીવવું હોય તો આપણા આહારમાં પ્રોટીનનો સમાવેશ કરવો જરૂરી છે. હવે તો ઘણા વડીલો પણ ડૉક્ટર્સની સલાહ અનુસાર પ્રોટીન સપ્લિમેન્ટ્સ લેતાં થયા છે.
અલબત્ત, ઘણા લોકોને લાગે છે કે પ્રોટીન માત્ર નૉન-વેજ ફૂડમાંથી મળે છે. એમના માટે મૂંઝવતો પ્રશ્ર્ન છે કે અગર પ્રોટીન નૉન-વેજના સ્વરૂપમાં લેવાનું શક્ય ન હોય તો પ્રોટીન શેમાંથી મળે અને એ કઈ રીતે લઈ શકાય?
પ્રોટીન એ આપણા શરીરના દરેક કોષમાં હોય છે અને શરીરની વૃદ્ધિમાં એ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. આ બાબત આપણે સારી રીતે જાણીએ જ છીએ. આ ઉપરાંત, પ્રોટીન આપણને સ્વસ્થ રાખવાનું તેમ જ આપણા શરીરનું સમારકામ કરવાનું એટલે કે કોઈ બીમારીમાંથી આપણને રિકવર કરવાનું કામ પણ પ્રોટીન દ્વારા જ થાય છે. તમે વજન ઘટાડવાનો પ્રયત્ન કરી રહ્યા હો તો ઓછા આહાર દ્વારા તમને સંતોષ પણ પ્રોટીનયુક્ત આહાર જ આપશે અને એવી જ રીતે અગર તમે વજન વધારવાનો પ્રયત્ન કરો છો તો પણ એના માટે તમને સારી ક્વૉલિટી ધરાવતો પ્રોટીનયુક્ત આહાર જ કામ આવશે.
મોટા ભાગે તમારું વજન જેટલા કિલો હોય એટલા ગ્રામની તમારી પ્રોટીનની દૈનિક જરૂરત છે એવું માનવામાં આવે છે (અર્થાત્ તમારું વજન ૬૫ કિલો છે તો તમારી પ્રોટીનની જરૂરત ૬૫ ગ્રામ ગણવામાં આવે). જો કે સ્થિતિ મુજબ એની જરૂરત વધારે કે ઓછી પણ રહે છે. નિયમિત એક કલાકથી વધુ એક્સરસાઈઝ કરતી વ્યક્તિને પ્રોટીનનો ઉપયોગ સ્નાયુબદ્ધ શરીર બક્ષે છે. એમની પ્રોટીનની જરૂરત પણ બીજા લોકો કરતાં થોડી વધુ રહે છે. આ ઉપરાંત, ક્રિકેટ, ટેનિસ, વૉલીબૉલ, ફૂટબૉલ, વગેરે રમતમાં નિયમિત ભાગ લેતી વ્યક્તિ નૉર્મલ વ્યક્તિ કરતાં લગભગ દોઢી માત્રામાં પ્રોટીન લે એ ઈચ્છનીય છે.
પ્રોટીનનું આટલું મહત્ત્વ જાણ્યા પછી તમને ખયાલ આવી ગયો હશે કે એ પૂરતી માત્રામાં લેવાય એ કેટલું જરૂરી છે? પ્રોટીનના સ્રોતની વાત આવે ત્યારે આપણા મનમાં ફક્ત દૂધ અને એમાંથી બનતી ચીજ જ આવે. જો કે દરેક પ્રકારનાં કઠોળમાંથી પણ આપણને પ્રોટીન સારીએવી માત્રામાં મળે છે. સારી ક્વૉલિટીનું પ્રોટીન મોટા ભાગે ઈંડાં તેમ જ નૉન-વેજ પ્રોડક્ટ્સમાં હોય છે, પરંતુ જે લોકો શાકાહારી છે એ સારી ગુણવત્તાવાળું પ્રોટીન કઈ રીતે મેળવી શકે?
– તો જાણી લો કે થોડા ઓછા જાણીતા, પણ સારી ગુણવત્તાવાળા પ્રોટીનના સ્રોત છે સોયાબીન તેમ જ એમાંથી બનતી વિવિધ પ્રોડક્ટ્સ, બદામ, અખરોટ, પિસ્તા જેવા સૂકા મેવા, પી-નટ બટર, ચિયા સીડ્સ, અમુક પ્રકારની ભાજી, વગેરે.

ફક્ત ઈંડાં એ જ પ્રોટીનનો આદર્શ સ્રોત નથી, શાકાહારીઓ માટે ટોફુ એ ખૂબ જ સારો વનસ્પતિજન્ય સ્રોત છે. સોયાબીનમાંથી બનતા પનીરને ટોફુ તરીકે ઓળખવામાં આવે છે, જેનો ઉપયોગ પનીરની જેમ જ કરી શકાય. કાચા સૅલડમાં ટોફુ ઉપરાંત ચાટ મસાલો ઉમેરી એક સ્વાદિષ્ટ ડિશ તૈયાર કરી શકાય, જે પ્રોટીન તેમ જ વિટામિનથી સમૃદ્ધ હોય. આવી જ રીતે સોયાબીનમાંથી ખૂબ જ સામાન્ય ઘરેલુ પદ્ધતિથી સોયા મિલ્ક પણ બનાવી શકાય છે. સોયા મિલ્ક તો બજારમાં પણ ઉપલબ્ધ છે. એ પ્રોટીનનો રિચ સ્રોત તો છે જ, સાથે સાથે જેમને સામાન્ય, ગાય-ભેંસનું દૂધ માફક નથી આવતું (લેક્ટોઝ ઈન્ટોલરન્સની તકલીફ છે) એમના માટે દૂધની અવેજીમાં સારો વિકલ્પ છે.
ડ્રાયફ્રૂટ્સ તેમ જ નટ્સ પણ કૅલરી અને પ્રોટીનનો સારો સ્રોત છે. એનો ઉપયોગ નિયમિત, પણ નિયંત્રિત માત્રામાં કરી શકાય, કારણ કે ઓછું પ્રમાણ હોવા છતાં પણ એમાં પ્રોટીનની જરૂરત પૂરી પાડવાની સારી ક્ષમતા રહેલી છે. શેકેલી શિંગ પણ પ્રોટીન માટે અગત્યનો પર્યાય છે. શિંગમાંથી બનતા પી-નટ બટરનો ઉપયોગ અત્યારે ટ્રેન્ડમાં છે. રેગ્યુલર બટરમાં ફૅટ વધારે હોય છે, જ્યારે પી-નટ બટરમાં પ્રોટીનનું પ્રમાણ ઘણું વધારે હોવાથી એ વધુ હેલ્ધી છે. બ્રેડ, પરાંઠા, ભાખરી, વગેરેમાં આ બટર ઉમેરીને એને વધુ પોષક બનાવી શકાય છે.
દૂધ ઉપરાંત અલગ અલગ ક્રીમ સ્ટફિંગમાં કે સૂપમાં મિલ્ક પાવડર ઉમેરવાથી પ્રોટીન તથા વિટામિન્સ સારા પ્રમાણમાં મેળવી શકાય. આમ દૂધનો પાવડર તમને એક્સ્ટ્રા કૅલેરી અપાવશે. પનીર પણ પ્રોટીનનો આદર્શ સ્રોત છે. એમાં ફૅટનું પ્રમાણ ઘણું ઓછું હોય છે અને એનો સ્વાદ પણ મોટા ભાગનાને પસંદ પડે છે. કાબુલી ચના (છોલે) પણ પ્રોટીનથી સમૃદ્ધ આહારમાંનો એક છે. બાફીને એનો ઉપયોગ સૅલડ સાથે કરી શકાય છે. પનીર અથવા ટોફુ ઉમેરીને એની પોષક ડિશ બની શકે.
આમ અલગ અલગ ખાદ્ય પદાર્થો વનસ્પતિજન્ય (વેજિટેરિયન) સ્રોત હોવા છતાં પણ પ્રોટીનના સમૃદ્ધ સ્રોત છે, જેના ઉપયોગથી આપણે આપણી જરૂરત પ્રમાણેનું સારી ગુણવત્તાવાળું પ્રોટીન મેળવી શકીએ છીએ.
(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)
પ્રિયાંશુ હત્યા કેસના આરોપી પોલીસ કોન્સ્ટેબલ દોરડાથી બાંધીને પોલીસે કર્યું રિકન્સ્ટ્રક્શન
અમદાવાદ: શહેરના બોપલ વિસ્તારમાં 10 નવેમ્બરના રોજ નજીવી કાર ધીમે ચલાવવા બાબતે ઠપકો આપતા કાર ચાલકે યુવાનની હત્યા કર્યાની ઘટના સામે આવી હતી. ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા કેસની તપાસમાં અમદાવાદ ક્રાઇમબ્રાંચે 13 નવેમ્બરે આરોપી વિરેન્દ્રસિંહ પઢેરિયાની પંજાબથી ધરપકડ કરાઈ હતી. ત્યારબાદ તેને અમદાવાદ લવાયો હતો. આ કેસમાં પોલીસે આરોપી પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહને ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આ દરમિયાન તેને ચાલવામાં પણ ફાંફા પડતા હોવાનું નજરે પડ્યુ હતું. હત્યારાની આંખમાંથી આંસુ નીકળ્યા હતા.

પ્રિયાંશુની હત્યા કેસમાં સંડોવાયેલો આરોપી વિરેન્દ્રસિંહ પઢેરિયા સરખેજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે. હત્યાની રાત્રે તેણે દારૂના નશામાં હુમલો કર્યો હતો. બાદમાં તે પોલીસથી બચવા માટે ફરવાના બહાને તેના મિત્રની કાર લઇને પંજાબ તરફ ફરાર થઇ ગયો હતો. ઘટના સમયે વિરેન્દ્ર સિંહની સાથે કારમાં ડ્રાઇવર તરીકે રહેલા અન્ય પોલીસ કર્મી દિનેશ ઉર્ફે ડી.કે હાજર હતો. પોલીસે તેની પણ પૂછપરછ આદરી છે. દિનેશે વિરેન્દ્રને ભાગવામાં મદદ કરી હોવાથી તેના વિરુદ્ધ પણ કાર્યવાહી થઈ શકે છે. બોપલ ખાતે બનેલા હત્યાના બનાવ સંદર્ભે મૃતક પ્રિયાંશુ જૈનના પિતા પંકજભાઈ જૈન સાથે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે ટેલિફોનિક વાત કરી શોક વ્યક્ત કર્યો હતો. વિકાસ સહાયે કહ્યું કે, ‘ગુનેગાર ભલે પોલીસ કર્મી હોય પરંતુ તે ગુનેગાર છે એટલે તેની સાથે ગુજરાત પોલીસ તરફથી ગુનેગાર જેવું જ વર્તન થશે. ગુનેગાર પોલીસ કર્મી સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે અને ખૂબ જ ટૂંકા સમયમાં સમગ્ર કેસની ચાર્જશીટ કરવામાં આવશે. પોલીસ કર્મી દ્વારા ગુનાને અંજામ આપવામાં આવ્યો તે વાતનો ખેદ વ્યક્ત કરી વિકાસ સહાયે મૃતક યુવાનના પરિવારને ઝડપી અને સચોટ ન્યાય અપાવવા ખાતરી આપી હતી.
ભારતમાં નેત્રહિનોના શિક્ષણ પર ચર્ચા માટે પ્રથમ વિશ્વ પરિષદનું આયોજન
અમદાવાદ: ધી ઇન્ટરનેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશન ઓફ પીપલ વીથ વિઝ્યુઅલ ઇમ્પેયરમેન્ટ દ્વારા તેની વિશ્વ પરિષદ અને જનરલ એસેમ્બલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરિષદ 14થી 17 નવેમ્બરના રોજ શહેરની આંબેડકર યુનિવર્સિટી ખાતે આયોજીત થઈ રહી છે. જેના પ્રથમ દિવસે વિવિધ દેશોમાંથી આવેલા મહેમાનોનું નેત્રહિન વિદ્યાર્થિનીઓ દ્વારા ફૂલ આપી, નેત્રહિનોના બેન્ડ તથા પરંપરાગત આવકાર નૃત્ય દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.
ઉદ્દઘાટન પ્રસંગે મુખ્ય વક્તા તરીકે એન્ટિગુઆના એમ્બેસેડર ડૉ. ઓબ્રે વેબસને પ્રારંભિક હસ્તક્ષેપ, સમાવિષ્ટ વાતાવરણ, ઇક્વિટીના પ્રમોશન, સુલભતા, સર્વસમાવેશક વાતાવરણ અને દૃષ્ટિની ક્ષતિવાળા તમામ બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવાની ખાતરી કરવા માટે સહયોગના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે શિક્ષણ ક્ષેત્રે કાયદા, સુલભ ટેકનોલોજીની ભૂમિકા પણ સમજાવી.
ડેફબ્લાઇન્ડ ઇન્ટરનેશનલના પ્રમુખ મિસ્ટર મિર્કો બૌરએ માનવતાવાદની વિભાવના સમજાવી. આપણે મનુષ્યની વિવિધતાને સ્વીકારવાની જરૂર છે તેમ જણાવ્યું.

વર્લ્ડ બ્લાઇન્ડ યુનિયનના પ્રમુખ માર્ટિન એબલ-વિલિયમ્સને દૃષ્ટિની ક્ષતિ ધરાવતા લોકોને સશક્ત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણ વિભાગના સચિવ રાજેશ અગ્રવાલે વિવિધ નવીન પગલાં લઇને સર્વસમાવેશક વિકાસને પ્રોત્સાહન આપવામાં તેમના વિભાગની ભૂમિકા સમજાવી.
ઝિમ્બાબ્વેના ડેપ્યુટી મિનિસ્ટર મર્સી એમ દીન્હાએ પણ સર્વસમાવેશક વિકાસની વિભાવનાને ટેકો આપ્યો હતો અને કોઈપણ પાછળ નહીં રહે તેવા સૂત્રને સમર્થન આપ્યું હતું.
ડૉ. બાબા સાહેબ ઓપન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. અમી ઉપાધ્યાયએ સર્વસમાવેશક શિક્ષણના પ્રોત્સાહનમાં યુનિવર્સિટીઓની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે શિક્ષણના તમામ સ્તરે સમાવેશને પ્રોત્સાહન આપવા માટે શિક્ષણ પરની રાષ્ટ્રીય નીતિ 2020ની ભૂમિકા સમજાવી.
યજમાન સમિતિના અધ્યક્ષ ડો. ભૂષણ પુનાનીએ જણાવ્યું કે ICEVI ભારતમાં તેની વિશ્વ પરિષદનું આયોજન કરી રહ્યું છે ત્યારે આ અનોખી કોન્ફરન્સમાં 60 દેશોમાંથી 410 પ્રતિભાગીઓ ભાગ લઈ રહ્યા છે તે ખુશીની વાત છે. આ પ્રથમ વખત છે જ્યારે ICEVI, વર્લ્ડ બ્લાઇન્ડ યુનિયન, ડેફબ્લાઇન્ડ ઇન્ટરનેશનલ, પર્કિન્સ ઇન્ટરનેશનલ અને સેન્સ ઇન્ટરનેશનલ અને સાઇટ સેવર્સ એક સાથે આવ્યા છે.
આદિત્ય બિરલા સન લાઇફ લોન્ચ BSE ઇન્ડિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડેક્સ ફંડ
મુંબઈ: આદિત્ય બિરલા સન લાઇફ એએમસી લિમીટેડ (ABSLAMC)ની સ્થાપના 1994માં થઇ હતી.. એસેટ મેનેજરે BSE ઇન્ડિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટોટલ રિટર્ન ઇન્ડેક્સ પર નજર રાખતા ઓપન એન્ડેડ ઇન્ડેક્ટ ફંડ આદિત્ય બિરલા સન લાઇફ BSE ઇન્ડિયા ઇન્ફાસ્ટ્રક્ચર ઇન્ડેક્સ ફંડ લોન્ચ કરવાની ઘોષણા કરી છે. નવી ફંડ ઓફર (NFO) 14 નવેમ્બર 2024થી 28 નવેમ્બર 2024 સુધી ખુલ્લી રહેશે.
નવા ફંડ લોન્ચ પર સંબોધન કરતાં આદિત્ય બિરલા સન લાઇફ AMC લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને CEO એ. બાલાસુબ્રમણ્યમએ જણાવ્યું હતું કે ભારતનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર રોકાણકારો માટે ભારતની વૃદ્ધિગાથા સાથે સંરેખિત થવાની પરિવર્તનશીલ તક રજૂ કરે છે. સરકારના મજબૂત ધ્યાન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે, અનુકૂળ વસ્તી વિષયક અને વધતા સ્થાનિક વપરાશ સાથે, આ ક્ષેત્ર ભારતના આર્થિક વિકાસ માટે નિર્ણાયક ચાલક પરિબળ બનવા માટે તૈયાર છે. જેમ-જેમ આપણે અમૃત કાળ 2047 વિઝન તરફ આગળ વધીએ છીએ તેમ-તેમ ઊર્જા, બાંધકામ અને એન્જિનિયરિંગ, પરિવહન અને ઉપયોગિતાઓ જેવાં ક્ષેત્રો ભારતની વિકસિત અર્થવ્યવસ્થા બનવાની યાત્રાને આકાર આપવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. આ ઉપરાંત BSE ઈન્ડિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્ડેક્સ ઈન્ફ્રા સ્પેસમાં સ્ટોક્સ/પેટા-ક્ષેત્રોનું વ્યાપક પ્રતિનિધિત્વ ધરાવે છે.
BSE ઈન્ડિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્ડેક્સ પર નજર રાખતુ પ્રથમ ઈન્ડેક્સ ફંડ નિયંત્રિત વજન ફાળવણી સાથે વેગવંત વ્યૂહરચનાઓને જોડીને અનન્ય અભિગમ પ્રદાન કરે છે. પાંચ મુખ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્લસ્ટરોમાં વૈવિધ્યીકરણ કરીને, તે જોખમનું સંચાલન કરતી વખતે ક્ષેત્રની વૃદ્ધિની સંભાવનાને સંતુલિત એક્સપોઝર પ્રદાન કરે છે. આ ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર માર્કેટમાં માળખાગત વૈવિધ્યતા મેળવવા માંગતા રોકાણકારો માટે એક આકર્ષક વિકલ્પ બનાવે છે.
નીતા અંબાણીનો સ્ટાઈલિશ અંદાજ, પોપકોર્ન બૅગ તો જુઓ
મુંબઈ: બોલિવૂડમાં સ્ટાઈલ ગેમ એક અલગ લેવલ પર ચાલે છે. સ્ટાર્સ ચોક્કસપણે સ્ટાઇલિશ કપડાં સાથે ફેન્સી એક્સેસરીઝ કૅરી કરે છે. ક્યારેક લોકોનું ધ્યાન તેમના પર્સ પર પડે છે તો ક્યારેક તેમના જૂતા પર, જેની કિંમત લાખોમાં હોય છે. વેલ, આજકાલ લોકો આ સ્ટાર્સની સ્ટાઈલને ખૂબ કોપી કરે છે અને જ્યારે નીતા અંબાણીની વાત આવે તો વધુ શું કહી શકાય.નીતા અંબાણીની સ્ટાઈલ કોઈપણ અભિનેત્રી કરતાં ઓછી નથી હોતી. તેમના કપડાથી લઈને તેમના ઘરેણાં સુધી, દરેક વસ્તુ યુનિક હોય છે. ફરી એકવાર તેણે પોતાની આગવી સ્ટાઈલથી લોકોનું ધ્યાન ખેંચ્યું છે. સ્ટાઇલની બાબતમાં જો કોઇ તેની સાથે સ્પર્ધા કરી શક્યું હોય, તો તે નવી OTT સ્ટાર શાલિની પાસી છે, જેણે ફરી એકવાર તેની વિચિત્ર શૈલીથી લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

નીતા અંબાણી અને શાલિની પાસી બંને એક ઈવેન્ટમાં સાથે જોવા મળ્યા હતા, જ્યાં બંને ખૂબ જ સ્ટાઇલિશ આઉટફિટ્સમાં જોવા મળ્યા હતા, પરંતુ તેમના આઉટફિટ્સ કરતાં કંઈક બીજી જ ચર્ચા થઈ હતી. જે છે એ બંનેની હેન્ડબેગ. આખી ઈવેન્ટમાં લોકોની નજર ફક્ત તેની બેગ પર જ ટકેલી હતી. બોલિવૂડ સ્ટાર્સથી સજેલી આ ઈવેન્ટમાં દરેક વ્યક્તિ સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળી હતી, પરંતુ નીતા અંબાણી અને શાલિની પાસી હેન્ડ બેગ લઈને પહોંચ્યા ત્યારે એ જ બેગ પર લોકોની નજર ટકી રહી. આ ઈવેન્ટમાં કિયારા અડવાણી, કરીના કપૂર અને સુહાના ખાન સહિતના અનેક સ્ટાર્સ જોવા મળ્યા હતાં.
View this post on Instagram
નીતા અંબાણીનો લુક
નીતા અંબાણીએ એકદમ સ્ટાઇલિશ બ્લેક એન્ડ વ્હાઇટ આઉટફિટ પહેર્યુ હતું. તેણે બ્લેક ટ્રાઉઝર સાથે સફેદ ચેક બ્લેઝર પહેર્યું હતું. આ સાથે તેણીએ એક સુંદર નાની બેગ પણ કૅરી કરી હતી. આ બેગ એકદમ અલગ હતી કારણ કે તે બિલકુલ સિનેમા હોલમાં મળતા પોપકોર્ન બકેટ જેવી દેખાતી હતી. આ બ્લેક એન્ડ વ્હાઇટ કલરની બેગમાં પોપિંગ પોપકોર્ન પણ દેખાતા હતા, જે તેના ચમકદાર આઉટફિટને વધુ ક્લાસી બનાવી રહ્યા હતા. આ બેગ નીતા અંબાણીની આખી સ્ટાઇલિંગ ગેમને એક સ્તર ઉપર લઈ ગઈ.
ઈવેન્ટમાં ઈશા અંબાણી પણ ક્લાસી અંદાજમાં પહોંચી હતી. ઈશા પોતાની મમ્મી નીતા અંબાણી સાથે જોવા મળી હતી. તે બ્લેઝર અને પેન્ટમાં ખુબ જ સુંદર દેખાતી હતી.
શાલિની પાસીનો લુક

શાલિની પાસીની સ્ટાઈલ પણ કોઈથી ઓછી નહોતી. શાલિની પાસી પણ હાજર દરેકને કોમ્પિટિશન આપતી હતી, જેમ તે Netflix ના OTT શો ‘Fabulous Lives vs Bollywood Wives’ માં જોવા મળી હતી. આ ઈવેન્ટમાં પણ તેની સ્ટાઈલ ટોપ પર જોવા મળી હતી. પાસ્કો ગ્રુપના માલિક સંજય પાસીની પત્ની શાલિની પાસીએ ગ્રે સાટીન ફિનિશનો ડ્રેપ શોર્ટ ડ્રેસ પહેર્યો હતો. જેની સાથે તેણીએ તેના લાંબા વાળ એક પોનીમાં બાંધ્યા હતા. તેણીએ ઘણી વિચિત્ર જ્વેલરી સાથે એક અનોખી બેગ કેરી કરી હતી. તેની બેગમાં એક એલિયનનું મોં દોરેલું હતું. જો કે, શાલિની તેના OTT શોના પ્રમોશન દરમિયાન ઘણી સ્ટાઇલિશ બેગ સાથે પણ જોવા મળી હતી.
ચૂંટણીનાં પરિણામો મોદી યુગ પૂરો થયાનો સંદેશ આપશેઃ શરદ પવાર
મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં દાયકાઓથી પગદંડો જમાવી ચૂકેલા NCP-SPના અધ્યક્ષ શરદ પવારે વિધાનસભાની ચૂંટણીમાં નાસિકમાં કહ્યું હતું કે મોદી યુગ હવે પૂરો થશે અને આ ચૂંટણીનાં પરિણામો એક નવો મોટો સંદેશ આપશે. તેમણે PM મોદીના પ્રહારો પોતાના માટે લાભ હોવાનો કટાક્ષ કરતાં કહ્યું હતું કે મહારાષ્ટ્ર ચૂંટણીના પિરણામો મોદી યુગ પૂરો થવાનો સંદેશ આપશે.
તેમણે MVAમાં CM પદ માટે કોઈ પાર્ટીની તરફથી કોઈ દાવેદારી નથી એમ જણાવતાં કહ્યું હતું કે રાજ્યની જનતા નક્કી કરશે કે કોને CM બનાવવાના છે. ચૂંટણી પરિણામો પછી કોંગ્રેસ, NCP-SP અને શિવસેના UBT –અમે ત્રણે પાર્ટી CM નક્કી કરીશું.અમારી વચ્ચે કોઈ અણબનાવ નથી, એવી વાતો અમારા વિરોધીઓ ફેલાવી રહ્યા છે.
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી હવે લગભગ છેલ્લા ચરણમાં છે, ત્યારે શરદ પવારે મોટો માસ્ટરસ્ટ્રોક માર્યો છે. શરદ પવારે પુણેની બે બેઠક પર અજિત પવારના સહયોગીને સામેલ કરી દીધા છે તો એક બેઠક પર ભાજપના મોટા નેતાને પોતાના પક્ષમાં સામેલ કરી દીધા છે. જે બેઠક પર અજિત પવાર અને ભાજપ પોતાને મજબૂત માનીને ચાલી રહ્યા હતા, ત્યાં જ શરદ પવારે દાવ રમી નાખ્યો છે. અજિત પવારના સાથી સુનીલ તટકરેના નજીકના અને પીએમસી બેન્કના પદાધિકારી પણ પાર્ટીમાં સામેલ થઈ ગયા છે.
મહાયુતિને મળશે ઝટકો?
શરદ પવારે આજે પુણે અને રાયગઢમાં ઘણા નેતાઓની પાર્ટીમાં એન્ટ્રી કરાવી હતી. જેનાથી મહાયુતિને ઝટકો મળવાની આશંકા છે. વડગાંવ શેરી મતવિસ્તારમાંથી પૂર્વ એનસીપી નગરસેવક રેખા ટિંગરે અને ચંદ્રકાંત ટિંગરેએ એનસીપી-એસપીમાં જોડાઈ ગયાં છે. આ સિવાય દિલીપ તુપે અને અનિલ તુપે પણ પાર્ટીમાં જોડાઈ ગયા છે. આ લોકોની પુણેની હડપસર બેઠક પર અસર માનવામાં આવે છે. આ સિવાય ધનકવાડીના સમીર ધનકવાડે પણ પાર્ટીમાં સામેલ થઈ ગયા છે.







